વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • આધાર, નિર્ધાર અને રોજગાર

    ચેલેન્‍જ.edu

    રણછોડ શાહ

    મનુષ્યના જન્મથી મૃત્યુ સધીની યાત્રા પ્રત્યેક વ્યક્તિ માટે ફરજિયાત છે. જન્મથી મરણ સુધીનો સમય એક લાંબા અંતરાલ જેવો છે. આ સમય દરમિયાન અનેક ઘટનાઓ ઘટે છે. કેટલીક પૂર્વ આયોજિત અને સંચિત હોય છે તો કયારે અચાનક અને આકસ્મિક, ન કલ્પી હોય તેવી પરિસ્થિતિઓ ઊભી થઈ જતી હોય છે. પરંતુ કેટલીક વાતો તો જીવનમાં નિશ્ચિત જ હોય છે. શિક્ષણ, જીવનનિર્વાહ, કૌટુંબિક વિકાસની જવાબદારીઓ, સામાજિક કાર્યો, વ્યાવસાયિક પ્રગતિ કે અધોગતિ જેવી કેટલીક બાબતો જીવનના અવિભાજય અંગ જેવી હોય છે.

    શિક્ષણ પ્રત્યેક વ્યક્તિના જીવનનું એક અભિન્ન પાસું છે. કયારેક વિધિવત શિક્ષણ નહીં લઈ શકતી વ્યક્તિ પણ સમાજમાંથી કંઈક તો જરૂરથી શીખે જ છે. શૈક્ષણિક સંસ્થાના માઘ્યમથી જ શિક્ષણ પ્રાપ્ત થાય તેવું જરૂરી નથી. લખતાં-વાંચતાં આવડે એ જ માત્ર શિક્ષણ નથી. જે શિક્ષણથી ધનપ્રાપ્તિ થાય તેને જ શિક્ષણ કહેવાની ભ્રમણામાંથી પણ બહાર આવવાની જરૂ૨ છે. શિક્ષણ અને કેળવણી એક સિક્કાની બે બાજુ છે. શિક્ષણ જીવન જીવવા માટે ઉપયોગી જરૂર બને છે પરંતુ તે એક માત્ર રસ્તો નથી. જયારથી આપણે શિક્ષણને અર્થકારણ સાથે જોડી દીધું ત્યારથી શિક્ષણમાંથી તત્ત્વ અને સત્વ દૂર થઈ ગયું. જે વ્યકિત શિક્ષણ પ્રાપ્ત કરે તેને જ રોજગારી પ્રાપ્ત થાય તેવી ખોટી માન્યતા આપણા સમાજમાં અને સ્વભાવમાં ઘર કરી ગઈ છે. ઉપાધિ (Degree) અને રોજગારને પરસ્પર સાંકળી લીધા હોવાથી શિક્ષણ માત્ર અર્થોપાર્જન માટેનું સાધન બની ગયું. આ સંબંધ જેટલો જલદી તૂટી જશે તેટલો સમાજ વ્યકિતઓની શકિતઓને વધારે ઉપયોગમાં લઈ શકશે.

    શિક્ષણ તો વ્યક્તિને પ્રસંગે પ્રસંગે ઉપસ્થિત થતી પરિસ્થિતિમાં કઈ રીતે આગળ વધવું તે શીખવે છે. જીવનમાં આવતી સમસ્યાઓના ઉકેલમાં શિક્ષણ સહાયરૂપ બને છે. શિક્ષણ વ્યકિતને જીવનની ઘટમાળમાં આવતી ઘટનાઓનો સુખદ અને જનહિતાય ઉકેલ કેવી રીતે લાવી શકાય તે શીખવે છે. જિંદગી અને સમસ્યા એક સિક્કાની બે બાજુ જેવાં છે. બાળપણમાં શાળાકીય ભણતર સમસ્યા ઉકેલનું શિક્ષણ આપે છે તો વ્યવસાયિક કારકીર્દિમાં પણ વિવિધ પ્રશ્નો વ્યકિતને ઉકેલવા પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય જ છે. જે વ્યકિત યોગ્ય શિક્ષણ પામે છે તે પ્રત્યેક સમસ્યાનો ઉકેલ શક્ય છે જ તેવો નિર્ધાર પ્રગટ કરી શકે છે. એ વાત ચોક્કસ જ છે કે આ વિશ્વમાં કોઈ પ્રશ્ન એવો નથી કે તેનો ઉકેલ ન હોય. દરેક સવાલનો જવાબ હોય જ છે. કયારેક તો એક સમસ્યાના અનેક ઉકેલ હોય છે. આ જીવનપદ્ધતિ જ શિક્ષણને કેળવણી તરફ લઈ જાય છે. જે વ્યક્તિ પોતે પ્રાપ્ત કરેલ જ્ઞાનનો ઉપયોગ અન્ય પરિસ્થિતિમાં પણ કરી શકે તેને સફળતા સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય છે. જ્ઞાન કરતાં જ્ઞાનનો ઉપયોગ જીવનમાં વધારે જરૂરી છે.

    જ્ઞાનનો ઉપયોગ આપણા જીવનમાં પાયાના આધાર તરીકે હોય છે. આ ઉપયોગ આપણને પ્રાપ્ત તાલીમમાં પરિવર્તન લાવી જીવનને વધારે સુખરૂપ કેવી રીતે બનાવી શકાય તે શીખવે છે. આ આધાર જેનો જેટલો મજબૂત, સુદૃઢ અને સ્પષ્ટ તેટલી તે વ્યકિતની પ્રગતિ વધારે થાય. કોઈપણ મજબૂત ઈમારતની મજબૂતાઈનો આધાર માત્ર અને માત્ર તેના પાયા-આધાર ઉપર જ હોય છે. તેથી તો બાંધકામ નિષ્ણાતો પાયા ઉપર સૌથી વધારે ઘ્યાન આપે છે. કોઈ પણ મહાન વ્યકિતના જીવનને તપાસીએ તો તેના પાયામાં રહેલા બાળપણના દિવસોમાં તેમને કેવું, કેવી રીતે અને કોના દ્વારા શિક્ષણ પ્રાપ્ત થયું છે તેના ઉપરથી તેની પ્રગતિનું માપ નીકળે છે. કયારેક વ્યક્તિ પોતે પણ પોતાની ગુરુ બની હોય તેવાં ઉદાહરણો પણ ઈતિહાસમાં છે.

    જે વ્યકિતના જીવનનો પાયો (આધાર) મજબૂત હોય તેનો નિર્ધાર અકલ્પનીય શકિતશાળી હોય છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં અનેક તકો પ્રાપ્ત થાય છે. પરંતુ બહુ ઓછી વ્યક્તિઓ તકને અવસરમાં પલટી સફળતાના શિખરો સર કરી શકે છે, કારણ કે તેનો નિર્ધાર ડગમગતો હોય છે. ‘આ હું કરી જ શકીશ’વાળો નિર્ધાર જ પ્રગતિના પંથે લઈ જઈ શકે. મજબૂત, તાકાતવાન અને અવિચળ નિર્ધાર કોઈને પ્રગતિના પથ ઉપર આગળ વધતાં અટકાવી શકતો નથી. જેની પાસે જેટલી નિર્ધારશક્તિ વધારે તેટલો તેની સફળતાનો ગ્રાફ ઊંચો.

    આધાર અને નિર્ધાર જ વ્યક્તિના આર્થિક વિકાસને પણ સુદૃઢ બનાવે છે. જીવનના આ બે મહત્વના અંગો જ વ્યકિતને રોજગારીમાં આગળ વધવામાં ઉપયોગી બને છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ અથવા ઉત્તમ સંસ્થાઓના સર્જકોમાં તેમનામાં રહેલી નિર્ધારશક્તિએ જ અદ્‍ભુત ભાગ ભજવ્યો હોવાનું આપણને સ્પષ્ટ નજરે પડે છે. આપણે ‘રોજગાર’ને માત્ર અને માત્ર નાણાંકીય વાતો સાથે જોડવાને બદલે વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમાજ માટે ઉપકારક કાર્યો કરનારાઓ પણ પોતાનાં કાર્યો બાબતે ખૂબ ચોક્કસ નિર્ધાર કરીને જ આગળ વઘ્યા હોય છે.

    શિક્ષણના પાયામાં રહેલાં આ ત્રણ તત્ત્વો પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે. આધાર, નિર્ધાર અને રોજગાર જીવનમાં આગળ વધવામાં વ્યક્તિગત રીતે અને સામૂહિક સફળતા બક્ષવામાં, સમાજને સુખી અને પ્રગતિકારક કરવામાં મહત્ત્વનો ફાળો ભજવે છે. આ ત્રણે પાયાના ગુણો શીખવા અને વિકસાવવામાં શિક્ષણ અત્યંત મહત્વનો ફાળો આપે છે. આ ત્રણ બાબતો જ જીવનસાફલ્યની ગુરુચાવી છે.

    આચમન:

    મને એવી ક્યાં ખબર હતી
    કે ‘સુખ અને ઉંમર’ને બનતું નથી,
    પ્રયત્ન કરીને સુખ લાવ્યો,
    પણ ઉંમર રીસાઈને ચાલી ગઈ.


    (શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


    (પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)

  • દોષી ગમે એ ઠરે, ગયેલા જીવ પાછા આવવાના છે?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    કરુણાંત દુર્ઘટનાનું વધુ એક વાર પુનરાવર્તન થઈ રહ્યું છે અને એ પણ ઝડપભેર! નવેમ્બર, ૨૦૨૨માં આ કટારમાં ગામ્બિયા નામના આફ્રિકન દેશ અને ઈન્‍ડોનેશિયામાં કફ સિરપને કારણે થયેલાં બાળકોનાં મૃત્યુ વિશે જણાવવામાં આવ્યું હતું. આ કફ સિરપનું ઉત્પાદન એક ભારતીય કંપની દ્વારા થયેલું હોવાની વાત શરૂઆતમાં થઈ, પણ પછી ગામ્બિયાએ ફેરવી તોળ્યું.

    નેટ પર પ્રકાશિત થતા અહેવાલો પરથી આ તસ્વીર સાભાર લીધેલ છે.

    હવે ઉઝબેકિસ્તાનમાં બિલકુલ આવી જ દુર્ઘટના બની છે, જેમાં ઓછામાં ઓછાં અઢાર બાળકોનાં મૃત્યુ થયાં હોવાની ભીતિ છે. ઉઝબેક સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ વિગત જાહેર કરવામાં આવી છે. એ અનુસાર નોઈડાસ્થિત ‘મેરીઅન બાયોટેક’ નામની કંપની દ્વારા ઉત્પાદિત ‘ડૉક-1 મેક્સ’ કફ સિરપને કારણે આમ બન્યું છે. લેબોરેટરીના ટેસ્ટમાં ‘ઈથીલિન ગ્લાયકોલ’ની ઉપસ્થિતિ હોવાનું માલૂમ પડ્યું છે અને તેને પગલે તમામ ફાર્મસીમાંથી આ કફ સિરપને પાછું ખેંચી લેવામાં આવ્યું છે.

    ગામ્બિયામાં તેમજ ઉઝબેકિસ્તાનમાં વેચાતા આ કફ સિરપમાં પણ ઈથિલીન ગ્લાયકોલ કે ડાઈઈથિલીન ગ્લાયકોલ હોવાનું જણાયું હતું, જે ઔદ્યોગિક રસાયણો છે, અને કફ સિરપમાં તેમનું હોવું એટલે મોતને નિમંત્રણ. આ સિરપ બાળકોને કોઈ ડૉક્ટરની ભલામણ વિના, ઘરમેળે આપવામાં આવ્યાં હતાં. દવાખાને દાખલ કરાયેલાં બાળકોએ બેથી લઈને સાત દિવસ સુધી તેનું સેવન અઢીથી પાંચ મિ.લી.ની માત્રામાં દિવસના ત્રણથી ચાર વખત કર્યું હતું. બાળકોનાં મૃત્યુ બે મહિના જેટલા સમયગાળામાં થયાં હતાં.

    ગામ્બિયાની દુર્ઘટનાને પગલે ભારત સરકારે તેમજ હરિયાણા સરકારે ઉત્પાદક ‘મેઈડન ફાર્માસ્યુટિકલ્સ’ને પ્રતિબંધિત કરી હતી. આ  દુર્ઘટનાની ગંભીરતાને કારણે ‘વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા’ (હુ) પણ સક્રિય બની ગઈ હતી. અલબત્ત, ભારતીય સત્તાવાળાઓએ એ પછી ‘હુ’ની મૂલ્યાંકન પદ્ધતિ અંગે શંકા વ્યક્ત કરી હતી. ‘ડ્રગ કન્‍ટ્રોલર જનરલ ઑફ ઈન્‍ડિયા’ (ડી.સી.જી.આઈ.) દ્વારા ‘હુ’ને લખાયેલા એક પત્રમાં જણાવાયું હતું કે ‘મેઈડન ફાર્માસ્યુટિકલ્સ’ દ્વારા ચકાસવામાં આવેલા નમૂનાઓમાં કશી ભેળસેળ માલૂમ પડી નહોતી. એથી આગળ વધીને ‘ડી.સી.જી.આઈ.’ અને સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે ગામ્બિયાનું કૌભાંડ ફાર્માસ્યુટિકલ સામગ્રી પૂરા પાડનાર તરીકેની ભારતની છબિને નુકસાન કરવાનું કાવતરું છે.

    આ વખતે પણ ભારત ‘મેરીઅન બાયોટેક’ના એક્સપોર્ટ લાઈસન્‍સને રદ કર્યું છે અને તેની ઉત્પાદન ગતિવિધિઓને સ્થગિત કરાવી દીધી છે. પણ હજી ‘હુ’ દ્વારા કશી ગતિવિધિ થઈ ન હોવાને કારણે આગળનાં પગલાં માટે તેણે ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી છે.

    ગામ્બિયા, ઈન્‍ડોનેશિયા અને હવે ઉઝબેકિસ્તાનમાં એક જ પ્રકારની દુર્ઘટના સમયાંતરે બને અને એ આ હદે ગંભીર હોય ત્યારે એ મામલે યોગ્ય તપાસ કરવાને બદલે પોતાની વિરુદ્ધ કાવતરું હોવાનું કહેવું કદાચ દેશની છબિને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

    દરમિયાન ભારતના રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા, માર્ચના અંતથી ઈથીલીન ગ્લાયકોલના વેચાણ પર નિયંત્રણ મૂકતો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. બીજી તરફ ઉઝબેકિસ્તાનમાં આ મામલાસાથે સંકળાયેલા ચાર જણની ધરપકડ કરવામાં આવી છે. આ ચાર પૈકીના બે લોકો સાયન્ટિફિક સેન્ટર ફોર સ્ટાન્‍ડર્ડાઈઝેશન ઑફ મેડિસીન્‍સના વરિષ્ઠ કર્મચારીઓ છે, જેમણે આ કફ સિરપને યોગ્ય ટેસ્ટિંગ વિના ફરતું કર્યું. બાકીના બે લોકો ક્વૉરામેક્સ મેડિકલ કંપનીના એક્ઝિક્યુટિવ છે, જેમણે ભારતની ‘મેરીઅન બાયોટેક’માંથી આ દવાને આયાત કરી હતી.

    સેન્‍ટ્રલ ડ્રગ્સ સ્ટાન્‍ડર્ડ કન્‍ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (ઉત્તર ક્ષેત્ર) અને ઉત્તર પ્રદેશ ડ્રગ્સ કન્‍ટ્રોલિંગ એન્‍ડ લાયસન્‍સિંગ ઑથોરિટીની ટીમ દ્વારા સંયુક્ત તપાસ પણ થઈ રહી છે અને તેમાં જે પરિણામ આવે એ અનુસાર આગળનાં પગલાં લેવાશે એમ કેન્‍દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેર કર્યું છે.

    નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઑથોરિટીના પૂર્વ નિદેશક રાજેશ અગ્રવાલે એક ટી.વી. મુલાકાતમાં જણાવ્યું હતું કે આવા કિસ્સામાં જવાબદારી ઉત્પાદક દેશ અને આયાતી દેશની બને છે. કોઈક ઔષધને નિકાસ માટે તૈયાર કરવામાં આવે ત્યારે તેની નિકાસ કરવાની હોય એ દેશનાં ધોરણોને અનુસરવાના હોય છે.

    આ અગાઉ ગામ્બિયામાં થયેલી દુર્ઘટનાને પગલે ભારતના ડ્રગ્સ કન્‍ટ્રોલર જનરલ વી.જી.સોમાણીએ જણાવ્યું હતું કે ગામ્બિયામાં કફ સિરપની નિકાસ કરનાર ‘મેઈડન’નાં ઉત્પાદનોને પ્રયોગશાળામાં ચકાસવામાં આવ્યાં હતાં અને તેઓ ધારાધોરણ મુજબનાં જણાયાં હતાં. તેમાં કોઈ ઝેરી પદાર્થ જણાયો નહોતો.

    આ ઘટનાનો રાજકીય વિવાદ ધીમા સૂરે થઈ રહ્યો છે. આમ પણ, વિરોધ પક્ષના અવાજ જેવું કશું રહ્યું નથી. છતાં કૉંગ્રેસના જેરામ રમેશે ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે મોદી સરકારે ભારત સમગ્ર વિશ્વની ફાર્મસી હોવાની બડાશ મારવી બંધ કરવી જોઈએ અને સખત પગલાં લેવાં જોઈએ. આના જવાબમાં ભા.જ.પ.ના અમીત માલવીયાએ કહ્યું છે કે ગામ્બિયામાં થયેલાં બાળકોનાં મૃત્યુને ભારતમાં બનેલા કફ સિરપ સાથે કશો સંબંધ નથી. ગામ્બિયન સત્તાવાળાઓ તેમજ ડ્રગ કન્‍ટ્રોલર જનરલ ઑફ ઈન્‍ડિયા દ્વારા એ બાબતે સ્પષ્ટતા થઈ ગઈ છે.

    આમ, અત્યારે જોઈએ તો આ ઘટનાના તમામ છેડા લટકતા છે. સૌ પોતાનો પક્ષ યોગ્ય હોવાનું જણાવે છે. આમ છતાં, ઈથિલીન ગ્લાયકોલ કે ડાઈઈથિલીન ગ્લાયકોલ મળી આવ્યો એ હકીકત છે અને મૃત્યુનું કારણ પણ એ જ છે એ હકીકત અફર જણાય છે. ગામ્બિયા, ઈન્‍ડોનેશિયા અને હવે ઉઝબેકિસ્તાનમાં જે થયું એમાં ભારતીય કંપની દ્વારા નિર્મિત કફ સિરપનું હોવું કેવળ યોગાનુયોગ ન હોઈ શકે, કેમ કે, ત્રણે કિસ્સે ઘણી બધી બાબતો સામાન્ય જણાય છે.

    ક્યાંક, કોઈનાથી કશીક ચૂક થઈ છે એ નક્કી છે. એની પર ઢાંકપિછોડો થઈ રહ્યો છે કે કેમ એ કહી શકાય એમ નથી, પણ આ બાબતે ફોડ પાડીને સ્પષ્ટ શબ્દોમાં તપાસની વિગતો જાહેર કરવામાં નહીં આવે તો હજી કયા દેશમાં કેટલાં બાળકોનો ભોગ એ લેશે એ કહી શકાય એમ નથી.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૯ – ૦૧ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • કોઈનો લાડકવાયો – (૧૬) બિરસા મુંડાનો ઉલગુલાન

    દીપક ધોળકિયા

    આપણા ઇતિહાસમાં ૧૮૯૯માં બિરસા મુંડાના બળવો બહુ મહત્ત્વનો હતો. નોંધવા જેવી વાત એ છે કે ૧૮૫૭ પછી ઇંગ્લેંડે સીધી જ સત્તા સંભાળી લીધી હતી અને ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના પણ થઈ ગઈ હતી. રેલવેનો સારો વિકાસ થઈ ગયો હતો. આદિવાસી વિસ્તારોમાં મિશનરીઓ ઘૂસી ગયા હતા અને આદિવાસીઓ માટે એમણે સ્કૂલો ખોલી હતી અને વટાળ પ્રવૃત્તિ જોરમાં હતી. સરકાર પણ મિશનરીઓને નાણાં અને રક્ષણ આપતી હતી. આ સંયોગોમાં બિરસા મુંડાએ આદિવાસીઓને એકઠા કર્યા, એમને સ્વમાનના પાઠ શીખવ્યા અને ઉલગુલાન માટે તૈયાર કર્યા. ઉલગુલાન મુંડારી ભાષાનો શબ્દ છે અને એનો અર્થ સંઘર્ષ કે વિદ્રોહ એવો થાય છે.

    ૧૮૭૫ની ૧૫મી નવેમ્બરે આજના ઝારખંડના ખૂંટી ગામે થયો. બાળપણથી એમની બુદ્ધિબળ દેખાવા લાગ્યું હતું. પણ માબાપ મજૂરી માટે બીજે ગામ જતાં છ વર્ષના બિરસાને  મામાને ઘરે રહેવું પડ્યું. તે પછી માશી પરણી તે એને પોતાની સાથે ચાઇબાસા લઈ ગઈ. ચાઈબાસામાં  એને મિશનરી સ્કૂલમાં દાખલ કરી દેવાયો. મિશનરીઓએ દસ વર્ષના આ બાળકની પ્રતિભાને પિછાણી અને એને ખ્રિસ્તી બનાવી દીધો. એ હવે ડેવિડના નામે ઓળખાવા લાગ્યો. પણ વર્ગમાં એક પાદરી મુંડાઓ માટે ખરાબ બોલ્યો ત્યારે બિરસા વર્ગ છોડીને બહાર નીકળી ગયો અને સ્કૂલના બધા શિક્ષક પાદરીઓને ખૂબ ભાંડ્યા. એને કહ્યું, “સાહેબ સાહેબ એક ટોપી” એટલે કે સરકારી અફસર હોય કે પાદરી બધા સરખા. આના પછી એને સ્કૂલમાં તો પાછા લેવાનો સવાલ જ નહોતો.

    બિરસાએ ખ્રિસ્તી ધર્મ છોડી દીધો અને પોતાના ‘સરના’ ધર્મમાં પાછો આવ્યો.

    ૧૮૯૩–૯૪માં અંગ્રેજ સરકારે જંગલોની વચ્ચે આવેલાં ગામો, ખેતીની જમીન અને પડતર જમીનની હદબંધી કરી દીધી. એની બહારનાં જંગલોમાં સરકારે લોકોના હકદાવા પર નિયંત્રણો મૂકવાનું શરૂ કરી દીધું. મુંડાઓએ અરજીઓ કરી, છ ગામોના લોકો એકઠા થયા અને સરકાર સમક્ષ માગણીઓ મૂકી કે જંગલ પર એમનો પેઢી-દર-પેઢીનો અધિકાર છે પણ સરકારે ન માન્યું. બિરસાનું વ્યક્તિત્વ આકર્ષક હતું; છટાદાર ભાષણો કરતો એટલે આદિવાસીઓ એની પાછળ એકઠા થવા લાગ્યા અને એ આંદોલનનો મુખ્ય સૂત્રધાર બની ગયો.

    તે દરમિયાન એ એક વૈષ્ણવ સાધુના સંપર્કમાં આવ્યો અને હિન્દુ ધર્મથી પરિચિત થયો.  તુલસીમાતા અને વિષ્ણુ ભગવાનનો ભક્ત પણ બન્યો અને જનોઈ ધારણ કરતો થયો. એક કથા એવી છે કે વિષ્ણુ ભગવાન એને સપનામાં આવ્યા અને એને રાજ કરવાનો આદેશ આપ્યો. બિરસાએ પોતાને ભગવાને મોકલેલો દૂત જાહેર કર્યો અને કહ્યું કે હવે અંગ્રેજી રાજ ગયું અને મુંડા રાજ પાછું આવ્યું. મુંડાઓ એને ’ધરતી અબા’ (ધરતીના પિતા) તરીકે ઓળખવા લાગ્યા. એણે હવે બદીઓથી દૂર રહેવાની મુંડાઓને મનાઈ કરી દીધી.

    આદિવાસીઓના રોષને દબાવવા માટે એક રાતે બિરસાની ધરપકડ કરી લેવાઈ. એને બે વર્ષની જેલાની સજા કરવામાં આવી.

    સજા ભોગવ્યા પછી બિરસાએ પાછા આવીને ઉલગુલાન (સંઘર્ષ કે વિદ્રોહ) શરૂ કરી દીધો આંદોલન) જે બે વર્ષ ચાલ્યો. એમની દોરવણી નીચે આદિવાસીઓએ બે વર્ષમાં બ્રિટિશ હકુમતનાં કામ થતાં એવાં સોએક ભવનો પર હુમલા કર્યા અને બ્રિટિશ સત્તાને હંફાવી.

    ૧૮૯૯ની ૨૫મી ડિસેમ્બર – ક્રિસમસની રાતે સાત હજાર મુંડા ડોમ્બારીની ટેકરી પર ભેગા થયા અને એક ચર્ચ પર હુમલો કર્યો. આમાં બે સિપાઈ માર્યા ગયા. ૧૯૦૦ની પાંચમી જાન્યુઆરી સુધીમાં તો ઠેર ઠેર મુંડા રાજની આણ ચોમેર વર્તાઈ ગઈ.

    અંતે, એની સામે ભારે હથિયારોથી સજ્જ દળકટક મોકલવામાં આવ્યું. મુંડાઓ પરાજિત થયા. પોલીસે ભારે ગોળીબાર કરીને ચારસો મુંડાઓ અને ઓરાઓંને મારી નાખ્યા અને એમની લાશો પણ ખાઈઓમાં ફેંકી દીધી. બિરસા તો ત્યાંથી ભાગીને સિંઘભૂમના ટેકરિયાળા પ્રદેશમાં છુપાઈ ગયા હતા પણ ૧૯૦૦ની ત્રીજી માર્ચે એ પકડાઈ ગયા.

    એમના ૪૮૨ સાથીઓ સામે કેસ ચાલ્યો. એકને દેહાંતદંડ અપાયો. કેટલાયને કાળા પાણીની સજા થઈ. કેટલાયને ૧૪ વર્ષની જેલ મળી. કમનસીબે એ અરસામાં કૉલેરા ફેલાયો અને એ રાંચીની જેલમાં પણ પહોંચ્યો. બિરસા પણ એમાં ઝડપાયા અને ૧૯૦૦ની ૯મી જૂને  એમનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ સમયે એમની ઉંમર માત્ર ૨૪ વર્ષ અને  ૭ મહિનાની હતી.

    બિરસા મુંડાનો પ્રભાવ એટલો બધો હતો કે આજે પણ  બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસીઓ બિરસા મુંડાને ભગવાન માને છે. આપણે પણ એમની સ્મૃતિમાં નતમસ્તક થઈએ.

    0x0x0

    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • કલમના કસબી : કનૈયાલાલ મુનશી – મુનશી સાહિત્ય પર મારી લેખનયાત્રા

    પુસ્તક પરિચય

    રીટા જાની

    આભ અટારીએ ઊભી છે માનવજાત અને ઇંતેજાર છે એક વધુ વર્ષ. ૨૦૨૨ની વિદાય અને નવલા વર્ષ ૨૦૨૩નું આગમન. એક તરફ રોજિંદી ઘટમાળ અને બીજી તરફ છે જીવનના ધબકાર સાથે નવા વર્ષનો પ્રેમભર્યો સત્કાર. આ સત્કારમાં પડકાર અને પ્રતિકાર સાથે ઝૂલે છે રાતદિનનું લોલક, સમયના સેન્ડ ગ્લાસની પારાશીશી સાથે આશા નિરાશાનો જંગ અને પ્રારબ્ધ અને પુરુષાર્થના ખેલમાં માનવજાત સાક્ષી છે પૃથ્વીની અવકાશી અનંત યાત્રાની. નવું વર્ષ, એક નવું સીમાચિહ્ન ઇતિહાસની આગેકૂચનું.
    વેબ ગુર્જરી પર મુનશી સાહિત્ય પરની મારી લેખમાળાને આજે બે વર્ષ પૂર્ણ થયા અને તૃતીય વર્ષમાં પ્રવેશ નિમિત્તે મારે વાત કરવી છે મુનશી સાહિત્ય પર મારી લેખનયાત્રાની. જ્યારે દિલનો ઉમંગ અને મનનો તરંગ શબ્દની પાંખે ઉડી સાહિત્ય ગગનમાં વિહરે, ઉરની લાગણીઓના બંધ તૂટે અને કલ્પનાના મેઘધનુષમાં નિખરે વિવિધ રંગો. આ રંગો લેખમાળા સ્વરૂપે પ્રગટ થયા અને આજે એ વિચારયાત્રા અને સાહિત્યની સ્મરણ યાત્રાના પ્રસંગો યાદ કરતાં લાગે છે કે ઉર્મિઓના અવિરત પ્રવાહે સોનામાં સુગંધ ભળી, શબ્દોનો સાથ અને કલમનો ઠાઠ મળી સર્જાઈ મારી શબ્દયાત્રા.
    ભર્તૃહરિ નીતિશતકના 24 મા શ્લોકમાં કહે છે :
    जयंति ते सुकृतिनो रससिद्धा: कविश्वरा: ।
    नास्ति येषां यश: काये जरामरणजं भयं ।।
    એટલે કે મહાન કવિઓ, જેમની કૃતિ રસપ્રચૂર હોય તેઓ હંમેશા લોકોના હૃદયમાં સ્થાન પામે છે. તેમના દેહવિલય બાદ પણ તેમની કીર્તિ અને યશ લોકોનાં મન અને હૃદયમાં કાયમ રહે છે. આ વાત મુનશીજીને પણ એટલી જ લાગુ પડે છે. ભલે તેઓ કવિ નથી પણ રસપ્રચુર સાહિત્યના રચયિતા છે.
    આજે ગુજરાતની અસ્મિતા જ્યારે વિશ્વસ્તરે છવાઈ જતી હોય ત્યારે ગુજરાતની અસ્મિતાનું સ્વપ્ન જોનાર સૌ પ્રથમ વ્યક્તિવિશેષ એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશી. ભારતીય વિદ્યાભવન એ માત્ર ઈમારત નથી. તેની ઈંટ ઈંટમાં સ્વપ્નદૃષ્ટા મુનશીના મૂર્તરૂપ બનેલા વિચારબીજ છે. આજે મારું પણ એક સ્વપ્ન તેમાં સામેલ છે.
    મારા સાહિત્યપ્રેમી સાથીઓ, કેવો સંયોગ રચાયો છે – એને હું અદ્ભુત યોગાનુયોગ કહું કે મુનશીજીની મરજી, મુનશીજી પરના મારા પુસ્તકનું પ્રાગટ્ય તેમના જન્મદિને, તેમની જ સ્થાપેલી સંસ્થા ભારતીય વિદ્યાભવનની ભૂમિ પર તારીખ 30 ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ થયું. આથી વધુ સૌભાગ્યની ક્ષણ કઈ હોઈ શકે? મારા પ્રથમ પુસ્તકના લોકાર્પણ સમારોહમાં ભારતીય વિદ્યાભવન અમદાવાદના ચેરમેન શ્રી મુકેશ પટેલ, પ્રખ્યાત લોકપ્રિય કવિ શ્રી કૃષ્ણ દવે, લેખક, પત્રકાર, કોલમ રાઈટર અને બીજું ઘણું બધું એવા મારા પરમ મિત્ર શ્રી પ્રદીપ ત્રિવેદી, દેશ વિદેશના સાહિત્યકારો, સર્વે મિત્રો અને પરિવારજનો, વિશેષરૂપે મારા બેંકના સાથીઓ, યોગના સાથીઓ ઉપસ્થિત રહ્યા.
    મુનશી ભગવાન કૌટિલ્યની પ્રસ્તાવનામાં ખૂબ સુંદર વાત કરે છે કે તેઓ પાત્રો સર્જતા નથી. પાત્રો પોતે જ બળજબરીથી સર્જાવા માંગે છે. તેઓ તો ફક્ત એ પાત્રના સર્જનના નિમિત્ત બને છે. મારી સાથે પણ કંઈક આવું જ બન્યું એમ કહું તો એમાં અતિશયોક્તિ નથી. એક વહેલી સવારે બેઠક, કેલિફોર્નિયાના આયોજક પ્રજ્ઞાબેન ફોન પર રણક્યા. તમારા પ્રિય લેખક કોણ? સવાલ અણધાર્યો હતો, પણ જવાબ ખૂબ સહેલો હતો. મિત્રો, તેથી જરા પણ સમય લીધા વગર પ્રજ્ઞાબેનને મારો જવાબ હતો -ઐતિહાસિક નવલકથાના કિંગમેકર, ગુજરાતની અસ્મિતાના ઉદગાતા, અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિખ્યાત અને સમર્થ સર્જક.- કનૈયાલાલ મુનશી -અને ત્યારે 30 /12/ 2019 ના રોજ મુનશી જન્મદિન સમારોહમાં મેં હાજરી આપી.. અને મનોમન નિર્ણય લેવાઈ ગયો. મુનશીના એ શબ્દ વૈભવ, સંસ્કાર વૈભવ ને સંસ્કૃતિ વૈભવની અનુભૂતિ જે મેં કરેલી તેના ઘુંટડાઓનું રસપાન સૌને કરાવી આજના ફાસ્ટ ફોરવર્ડના યુગમાં પણ મુનશીના સાહિત્ય વારસાની ઝલક આજની પેઢીને મળે એમ વિચારી આરંભ થયો મારી લેખમાળાનો- કલમના કસબી : કનૈયાલાલ મુનશી, અને જોતજોતામાં જેના 51 હપ્તા પણ થઈ ગયા. જે પહેલા બેઠક પર પ્રકાશિત થઈ અને હાલમાં વેબ ગુર્જરી પર પ્રકાશિત થઈ રહી છે જે હવે પુસ્તક રૂપે પ્રકાશિત થઇ.
    મુનશીના ખ્યાતનામ પુસ્તકોનો રસાસ્વાદ એટલે બત્રીસ ભોજન અને તેત્રીસ પકવાન. ઇતિહાસ, પુરાણ અને પૌરાણિક વાતો સાથે વર્તમાનને સાંકળી લઇ ઇતિહાસને જીવંત કરવાનો કસબ એ મુનશીની વિશેષતા છે. મુનશીએ ભૂતકાળમાંથી જીવંત ઇતિહાસના પ્રસંગો લીધા, વર્તમાન સમયને અનુરૂપ રસપ્રચુર ઢાળ્યા અને ભવિષ્યની પેઢી માટે સંસ્કૃતિવારસાનું સર્જન કર્યું. પણ મારે આપ સૌ સાહિત્ય રસિકો સાથે એ ક્ષણોની વાત કરવી છે જેને પ્રસ્તુત કરતા મેં અનુભવેલ હર્ષ અને રોમાંચ આજે તમારા સુધી પહોંચે.
     સાહિત્યના અદ્ભુત સર્જક, કલમના કસબી, શબ્દના શિલ્પી, ગુજરાતની અસ્મિતાના આરાધક એવા કનૈયાલાલ માણેકલાલ મુનશી મારા પ્રિય લેખક. શાળા જીવન દરમિયાન તેમને એક નહિ પણ અનેક વખત વાંચતી. પણ આજે ફરીને એક નવી નજરે મુનશીને વાંચવાનું શરૂ કર્યું. એ ઉંમરે એક વાચક તરીકે વાંચવું અને આ ઉંમરે એક લેખક તરીકે વાંચવું તેમાં જમીન આસમાનનો ફેર છે. આજે જ્યારે હું મુનશી વિશે લખું તો હવે એક એવી દ્રષ્ટિ છે કે વાચકને શું ગમશે, આજના સમયમાં વાચકોની અપેક્ષા શું છે સાહિત્ય પાસેથી, એવી કઈ વાતો છે જે વર્તમાન સમયમાં પણ પ્રસ્તુત છે, એવી કેટલીક જાણી અજાણી વાતોને ઉજાગર કરવી જે આ સાહિત્યના લેખનનો ભાગ હોય. લેખક વિશેની એવી માહિતી જેમાં વાચકને પણ રસ પડે. માટે જ આ પુસ્તકમાં વાચકને મુનશીજીના સર્જનના તમામ સાહિત્ય પ્રકારો – ઐતિહાસિક નવલકથા, પૌરાણિક ઐતિહાસિક નવલકથા, સામાજિક નવલકથા, નવલિકા, નાટક, આત્મકથા – તમામની ઝાંખી મળી રહેશે.
    એક ઝરણાને જેમ માર્ગ મળી જાય વહેવાનો તેમ મને પણ મારી અભિવ્યક્તિ માટે એક પ્લેટફોર્મ મળ્યું છે જેના માટે વિશેષ જરૂરિયાત છે ફક્ત આત્મચિંતન અને આત્મ મંથનની. ક્યારેક એવું બને કે મહાસાગર પાર કરવાની ક્ષમતા હોય અને એવામાં કોઈ નૌકા દેખાય અને થાય કે બસ હવે પાર ઉતરવું કોઈ મોટી વાત નથી. પણ ઝંખના અને ઉત્સાહને પણ જરૂર હોય છે કોઈ અનુભવી સુકાનીની. લેખક અને વાચક વચ્ચે એક અદ્રશ્ય કડી હોય છે તેનું જોડાણ લેખક માટે આનંદનો વિષય છે.

    મારી લેખમાળાના તમામ વાચકોનો તેમના પ્રેમ, પ્રોત્સાહન અને પ્રતિભાવ માટે હૃદયપૂર્વક આભાર માનું છું. મુનશીના સર્જનો પરનું આ અભ્યાસપૂર્ણ પુસ્તક સાહિત્યરસિકોને અને અભ્યાસુઓને ઉપયોગી થઈ પડશે એવી આશા. ફરી મળીશું અદ્ભુત રંગોના આસમાનમાં મોરપિચ્છની કલમને સાહિત્યમાં ઝબોળીને… ફરી કોઈ નવી રસ ગાથા સાથે…


    સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com

  • સરોવરના સગડ : ગુજરાતી સાહિત્યકારોનાં શબ્દચિત્રો

    પુસ્તક પરિચય

    પરેશ પ્રજાપતિ

    હર્ષદ ત્રિવેદી વિવિધ પ્રકારો અને વિષયો પર સતત હાથ અજમાવતા રહ્યા છે. 17 જૂલાઇ 1958ના રોજ ખેરાળી (જિ, સુરેન્દ્રનગર)માં જન્મેલા હર્ષદ ત્રિવેદીનું કાવ્ય ‘જો તમે સાંભરી આવો કોઇ વાર’ પહેલીવાર પ્રકાશિત થયું એ પછી તો તેમણે ‘એક ખાલી નાવ’ (1984) નામે આખો કવિતાસંગ્રહ આપ્યો. આ સંગ્રહને કવિ શ્રી જયંત પાઠક પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. તેમણે કેટલાંક કવિતાસંગ્રહો ઉપરાંત વાર્તાસંગ્રહ, નવલકથા, બાળવાર્તા, નિબંધલેખન તેમજ ઘણાં સંપાદનો કર્યા છે. ‘કુમાર’માં લોકગીત આસ્વાદ કરાવતી લેખમાળા ‘કંકુચોખા’ને 2017નો કુમારચંદ્રક પણ મળ્યો છે. તેઓ ઘણા સાહિત્યકારોના પ્રત્યક્ષ સંપર્કમાં આવ્યા હતા. એ દરેકની તેમના મનમાં કોઈ ને કોઈક રીતે અંકિત થયેલી છબી હતી. આ મનોછબીની આગવી શબ્દછબીમાં રજૂઆત એટલે હર્ષદ ત્રિવેદીનું પુસ્તક ‘સરોવરના સગડ’.

    ‘સરોવરના સગડ’માં ઉમાશંકર જોશી, કવિ રાજેન્દ્ર શાહ, ઉશનસ, ચંદ્રકાંત બક્ષી, દિલીપ રાણપુરા, વિનોદ ભટ્ટ સહિત કુલ ઓગણીસ સાહિત્યકારોનાં શબ્દચિત્રો છે. આ બધાં સાહિત્યકારોનું લેખકે નજીકથી દર્શન કર્યું છે. કેટલાંક સાથે અંગત ઘરોબો પણ કેળવાયો. આ દરમ્યાન પોતાના ચિત્તમાં ઉપસી આવેલી છબીને તેમણે શબ્દોમાં ઢાળી છે. શબ્દછબી ઉપસાવવા લેખકે આંતરિક ગુણોનાં, તો ક્યાંક બાહ્ય પહેરવેશનાં ઝીણવટભર્યાં વર્ણનનો સહારો લીધો છે. ક્યારેક વ્યક્તિની કથનશૈલી, તો ક્યાંક તેના વિશિષ્ટ ઉચ્ચારણોની વાત કરી છે. કોઇક સ્થળે વિશિષ્ટ કિસ્સા કે અનુભવો, તો ક્યારેક તેમના રહેઠાણનાં કે આસપાસના વર્ણનોની મદદથી લીધી છે.

    સ્વજનનું મૃત્યુ હંમેશાં પીડે છે. આ પુસ્તકમાં આલેખન પામેલા કેટલાક સાહિત્યકારોના બુઝાવાને આરે આવેલા યા બુઝાઇ ચૂકેલા જીવનદીપના સાક્ષી બનવાનું લેખકના નસીબમાં આવ્યું છે. આવાં લખાણોમાં લેખકે અનુભવેલી વ્યથા વાચકને પણ સ્પર્શે છે. એ જ રીતે મિત્રભાવે કરેલી મજાક કે મસ્તીના કિસ્સાઓ વાચકને હસાવી જાય છે. આ રીતે ક્રમશ: આગળ વધવાની સાથે જે તે વ્યક્તિની લાક્ષણિકતા પણ ઉજાગર થતી જાય છે. લેખકે નોંધ્યું છે કે તેમણે જે-તે સાહિત્યકારને પોતાની પંચેન્દ્રિયોથી જોયા અને અનુભવ્યા છે અને તેમનાં હૈયાએ જે પ્રતિભાવ આપ્યો તેને આધારે કોઇ રાગદ્વેષથી અંતર જાળવીને જ આ આલેખન કરાયાં છે.

    પુસ્તકમાં સમાવાયેલા ઓગણીસે સાહિત્યકારો વિશેનાં લેખન અંગત અનુભવો પર આધારિત હોવાથી શક્ય છે કે કોઇ વાચકને કોઇ સાહિત્યકારના સંપર્કમાં આવવાનું બન્યું હોય અને તેમને જુદો અનુભવ પણ થયો હોય! પરંતુ એવા કિસ્સામાં લેખકે છબી જે ‘ખૂણે’થી ઝીલી છે, એ ખૂણો જે-તે વાચકને નસીબ નહીં થયો હોય એમ કહી શકાય. આ બાબતે ખુદ રતિલાલ બોરીસાગરે ઉપોદ્‍ઘાતમાં સહર્ષ લખ્યું કે ઓગણીસમાંથી છ સિવાયનાં સહુને તે નજીકથી ઓળખે છે, છતાં લેખકના સગડનો આધાર લઇ જોતાં દરેકને જાણે પહેલી જ વાર મળ્યાનો અનુભવ થતો હતો!

    સાહિત્યકારોને નજીકથી જાણવા-માણવાનું નસીબ સૌને પ્રાપ્ત થતું નથી. તેથી ક્યારેક જે તે લેખમાં હર્ષદ ત્રિવેદીએ આપેલા કેટલાંક સંદર્ભો ન સમજાય તે શક્ય છે. પરંતુ, ઉપોદ્‍ઘાતમાં રતિલાલ બોરીસાગરે વિસ્તૃત વિવરણ આપ્યું છે. આ વિવરણ દ્વારા એક રીતે તેમણે વાચકોની આંગળી પકડીને દોરવાનું શુભ કાર્ય કર્યું છે અને એ કસર પૂરી કરી દીધી છે. ઉપોદ્‍ઘાતનું લખાણ પુસ્તક માણવામાં ખાસું મદદરૂપ નીવડે છે એ નોંધનીય છે. જે-તે સાહિત્યકાર વિશેનાં વિવિધ લેખોનાં મથાળાં ઘણાં અર્થપૂર્ણ છે.

    આ પુસ્તકમાં હર્ષદ ત્રિવેદીની લેખનશૈલીનો બરાબર અંદાજ મળે છે. તેમનાં લખાણમાં અજાણ્યા લાગે તેવાં પણ ઉંડાણવાળા શબ્દો વાંચવાની સાથે કેટલીક અર્થસભર શબ્દરમતો પણ વાંચવા મળી રહે છે. કેટલાંક ઉદાહરણો;

    • (મનુભાઇ પંચાળી) મનુદાદા જાણીને છેતરાતા અને છેતરનારાને જાણતા.
    • …જો કે ત્યારના નિરીક્ષકમાં અત્યારને મુકાબલે પ્રાવીણ્ય ઓછું અને પ્રામાણ્ય વધુ.
    • …પણ, ઇનામોની બાબતમાં કાવ્યબળ કરતાં ઘણી વખત કાળબળ મહત્વનું બની રહેતું હોય છે!
    • (રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત બાબતે) બંનેની તાસીર અને કવિતસવીર જુદી.
    • (અપરિણીત નિરંજન ભગતના સંદર્ભે) આગ અને રાગ બંનેને એ જાણતા હતા.

    લેખકે ઝીલેલી જે-તે સાહિત્યકારની છબી બાબતે સ્વયં કબૂલ્યું છે કે તે આખરી કે સંપૂર્ણ નથી જ. તેમણે સભાનતાથી લખ્યું છે કે ખાસ કરીને સર્જકોની હયાતીમાં લખવા જતાં સામા પક્ષે ન્યાયના અને પોતાના પક્ષે પ્રામાણિકતાના પ્રશ્નો ઊઠે. રતિલાલ બોરીસાગરે પણ તેને તંગ દોરડા પર સમતુલા જાળવીને ચાલવા જેવું અઘરું કાર્ય ગણાવ્યું છે. જો કે તેમણે આલેખનોમાં લેખક ઉત્તીર્ણ થયા હોવાનું સહર્ષ નોંધ્યું છે; એટલું જ નહીં, તેમની સરાહના કરતાં આ આલેખનોને રજનીકુમારનાં ‘ઝબકાર’ શ્રેણી, રઘુવીર ચૌધરીનાં ‘સહરાની ભવ્યતા’ કે વિનોદ ભટ્ટનાં ‘વિનોદની નજરે’ની પંગતમાં બેસે એવાં સક્ષમ ગણાવ્યા છે. આ પુસ્તક વાંચીને એટલું ચોક્કસ કહી શકાય કે લેખક હર્ષદ ત્રિવેદીએ વિવિધ સાહિત્યકારોને પોતાની આંખોથી જોવાની સાથે હૃદયથી અનુભવ્યા છે. આ લાગણીને લેખકે શબ્દોમાં સચોટતાથી વ્યક્ત કરી છે. એટલી સચોટ કે વાચક પોતાની સજ્જતાને અનુરૂપ એ ‘શબ્દછબી’ને ‘મનોછબી’માં પલટો કરાવી શકે! આ તદ્દન સંભવિત છે.

    *** * ***

    પુસ્તક અંગેની માહિતી:

    સરોવરના સગડ – લેખક: હર્ષદ ત્રિવેદી

    પૃષ્ઠસંખ્યા : 231
    કિંમત : રૂ. 220
    પ્રથમ આવૃત્તિ, 15 જુલાઇ 2018

    પ્રકાશક :  ડિવાઇન પબ્લિકેશન્સ, અમદાવાદ
    મુદ્રણ : યુનિક ઑફસેટ, અમદાવાદ

    વિજાણુ સંપર્ક: divinebooksworld@gmail.com

    વિજાણુ સરનામું :www.divinepublications.org


    પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com

  • બે વર્ષ આયુષ્ય વધ્યું!, ચાલો થોડું વધું જીવી લઈએ…

    નિસબત

    ચંદુ મહેરિયા

    જન્મ દિનની મુબારકબાદી પાઠવતા આપણે ‘ શતમ જીવ શરદ: ‘  કહીએ છીએ. માનવીનું આયુષ્ય સો વરસનું મનાય છે. પરંતુ સો વરસ  જીવનારા બહુ ઓછા લોકો હોય છે. દર દસ લાખે જપાનમાં ૪૮૦, ઈટલીમાં ૩૧૫, ચીનમાં ૩૬, અમેરિકામાં ૨૨ અને ભારતમાં ૨૧ લોકો જ સો વરસ જીવે છે. એટલે જન્મ દિને સો શરદ જીવવાની  શુભેચ્છા કે આશીર્વાદ આપવામાં આવે છે.દુનિયામાં સૌથી લાંબુ , ૮૫ વરસનું , આયુષ્ય જપાનના લોકોનું છે. જે તે દેશ, સમાજ કે સમૂહમાં વ્યક્તિના જન્મ અને મૃત્યુ દરના આધારે આયુષ્યની આંકણી થાય છે.સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમની આ પ્રકારની ગણનાના આધારે ૨૦૨૨ના મધ્યમાં જાહેર થયેલા ૨૦૧૫-૧૯ના આંકડા મુજબ હવે ભારતીયોનું આયુષ્ય ૬૯.૭ વરસનું થયું છે. ૨૦૦૯-૧૩માં તે ૬૭.૫ વરસ હતું.  એટલે એક દાયકામાં આપણી આવરદા બે વરસ વધી છે.

    આઝાદી સમયે ૧૯૫૦-૫૧માં ભારતના લોકોનું આયુષ્ય ૩૨.૧ વરસ હતું. સિત્તેર વરસમાં તે બમણા કરતાં વધુ વધીને ૬૯.૭ વરસ થયું તે મોટી સિધ્ધી છે.૧૯૫૦-૫૧માં ૩૨.૧, ૧૯૬૦-૬૧માં ૪૧.૩, ૧૯૭૦-૭૫માં ૪૯.૭, ૧૯૮૬-૯૦માં ૫૭.૭, ૧૯૯૫-૯૯માં ૬૧.૫ , ૨૦૦૯-૧૩માં ૬૭.૫ અને ૨૦૧૫-૧૯માં ૬૯.૭ વરસનું આયુષ્ય અંદાજવામાં આવ્યું છે.આ આંકડાઓ પરથી જોઈ શકાય છે કે  આઝાદી પછીના તુરતના દસકોનો લગભગ દસ વરસનો આયુ વધારો ક્રમશ: ઘટતો રહ્યો છે અને છેલ્લા દાયકામાં તો માત્ર બે જ વરસની વૃધ્ધિ થઈ છે !

    જ્યારે વૈશ્વિક આયુષ્ય ૭૨.૬ વરસનું છે ત્યારે ભારતીયોનું આયુષ્ય  ૬૯.૭ વરસ  છે. એશિયા ખંડના અન્ય દેશોમાં જપાનમાં ૮૫, ચીનમાં ૭૬.૯, શ્રીલંકામાં ૭૪, બાંગ્લાદેશમાં ૭૨.૧ અને નેપાળમાં ૭૦.૫ વરસનું આયુષ્ય છે. વૈશ્વિક આવરદા કરતાં ભારતીયોની આવરદા ૨.૯ વરસ ઓછી છે.એટલું જ નહીં એશિયા ખંડના ગરીબ ગણાતા શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળ કરતા પણ ઓછી છે. આ હકીકત વિશ્વગુરુ કે મહાસત્તા બનવા માંગતા ભારત માટે આઘાતજનક નથી શું ?. આયુષ્યની બાબતમાં વૈશ્વિક સરેરાશે પહોંચતા હજુ ભારતને વીસેક વરસ લાગશે તેવા અંદાજ પછી તો દેશની વૈશ્વિક સ્તરે ઉભરતી શક્તિની જે છાપ ઉભી થઈ છે તે આભાસી છે કે વાસ્તવિક તેવો સવાલ ઉઠે છે.

    ભારતીયોની જે રાષ્ટ્રીય આવરદા  આશરે સિત્તેર વરસની અંદાજવામાં આવી છે તેમાં રાજ્ય, શહેરી અને ગ્રામીણ વસ્તી તથા પુરુષ અને મહિલાની દ્રષ્ટિએ અંતર જોવા મળે છે. દેશમાં સૌથી વધુ આયુષ્ય ધરાવતા પાંચ રાજ્યોમાં દિલ્હી, કેરળ , જમ્મુ-કશ્મીર, હિમાચલપ્રદેશ અને પંજાબ છે. સૌથી ઓછું આયુષ્ય ધરાવતા રાજ્યો છતીસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, અસમ અને રાજસ્થાન છે. સૌથી વધુ આયુષ્ય દિલ્હીના લોકોનું ૭૫.૯ (વૈશ્વિક સરેરાશથી પણ વધુ) વરસ છે.  જ્યારે સૌથી ઓછું આયુષ્ય છત્તીસગઢનું ૬૫.૩ વરસ છે. બંને વચ્ચે દસ વરસ કરતાં વધુનો તફાવત છે.

    સામાન્ય રીતે ભારતમાં પુરુષોની તુલનામાં મહિલાઓનું આયુષ્ય વધુ જોવા મળે છે. ભારતના લોકોનું જે ૬૯.૭ વરસનું આયુષ્ય છે તેમાં પુરુષોનું ૬૮.૪ અને મહિલાઓનું ૭૧.૧ વરસ છે. દિલ્હીમાં મહિલાનું આયુષ્ય  ૭૭.૫ અને પુરુષોનું ૭૪.૩ છે. એટલે દેશમાં અને દેશના સૌથી વધુ આવરદા ધરાવતા રાજ્ય દિલ્હીમાં મહિલાઓ વધુ જીવે છે. પરંતુ સૌથી ઓછી આયુ ધરાવતા છતીસગઢમાં મહિલાઓ (૬૩.૭ વરસ) કરતાં પુરુષો ( ૬૫.૩ વરસ) વધુ જીવે છે. બિહાર અને ઝારખંડની મહિલાઓ પણ ઓછું આયુષ્ય ધરાવે છે. ગુજરાતના કુલ ૭૦.૨ વરસના આયુષ્યમાં મહિલાઓનું ૭૨.૮ અને પુરુષોનું ૬૭.૯ વરસનું છે.

    શહેરી ભારતના ૭૩ વરસના આયુષ્યની સરખામણીએ ગ્રામીણ ભારતનું આયુષ્ય ઓછું એટલે કે ૬૮.૩ વરસ છે. દુનિયા અને ભારતનું સૌથી વધુ  વાયુ પ્રદૂષિત શહેર રાજધાની દિલ્હી છે.પરંતુ દિલ્હી રાજ્યના લોકોનું આયુષ્ય દેશમાં સૌથી વધુ છે !. એ જ રીતે શુધ્ધ  હવા-પાણી મેળવતા ગામડાના લોકો કરતાં અશુધ્ધ હવા-પાણીમાં જીવતા શહેરોના લોકો વધુ જીવતા હોય તે સહેલાઈથી ના ઉકેલી શકાય તેવો કોયડો છે.

    ભારતીયોના અલ્પાયુ-દીર્ઘાયુનો આધાર આર્થિક-સામાજિક સ્થિતિ, શિશુ મૃત્યુ દર, કુપોષણ, પ્રસૂતા માતા મૃત્યુ, આરોગ્યની સ્થિતિ અને તબીબી સવલતો સુધીની પહોંચ, પર્યાવરણ, વધુ વસ્તીનું દબાણ, સરકારી નીતિઓ ખાસ કરીને રાજ્યનું આરોગ્ય ખર્ચ  તથા જીવનની ગુણવતાનો દર કે જીવન જીવવાની સ્થિતિ પર રહેલો છે. ભારતીયોના આયુષ્યમાં નિ:શંક અસામાન્ય વધારો થયો છે પરંતુ તે પર્યાપ્ત નથી.

    જન્મ સમયની અને એક થી પાંચ વરસની ઉમર પછીની આવરદામાં પણ તફાવત જોવા મળે છે. જન્મ સમયની ૬૯.૭ વરસની આવરદા જો બાળકનું ૧ થી ૫ વરસમાં મરણ ના થાય તો ૭૧.૩ વરસની થઈ શકે છે. તે પ્રમાણે ૬૦ વરસ પાર કરી ગયેલા લોકો વધુ ૧૮.૩ અને ૭૦ વરસ પછી વધુ ૧૧.૮ વરસ જીવી શકે છે.

    વલ્ડ પોપ્યુલેશન રિવ્યુ મુજબ ૧૯૫ દેશોના શિશુ મૃત્યુ દરમાં ભારત ૧૩૮મા ક્રમે છે. ૧૯૭૦માં ભારતમાં દર એક હજારે ૧૩૨ બાળકોના મોત થતા હતા.૨૦૨૦માં તે ઘટીને ૩૨ અને  ૨૦૨૨માં ૨૭.૮ થયા છે. આવરદાની વૃધ્ધિમાં શિશુ મૃત્યુ દર બાધક છે. જેટલા બાળ મરણ વધારે એટલી આવરદા ટૂંકી. ૧૯૯૦માં દર દસ હજારે ૫૫૬ પ્રસૂતાઓના મોત થતા હતા. ૨૦૧૮માં તે ઘટીને ૧૧૩ થયાં છે. પરંતુ તે લાંબી આવરદા માટે પર્યાપ્ત નથી. પુરુષો કરતાં મહિલાઓને તબીબી સવલતો ઓછી મળે છે, ઘરનું વૈતરું તેના શિરે જ હોય છે અને ખાવાનું પણ પૂરતું મળતું નથી. છતાં તેની જીવટ તેને લાંબુ જીવાડે છે.

    વધુ આયુષ્ય ધરાવતા દેશો અને રાજ્યોમાં આરોગ્ય પાછળ થતો ખર્ચ પણ કારણભૂત છે. દિલ્હીના મહોલ્લા ક્લિનિક, કેરળમાં શિક્ષણ અને આરોગ્ય પ્રત્યેની લોક જાગ્રતિ તથા જીવનશૈલીને કારણે આ રાજ્યોના લોકો લાંબુ જીવે છે. અમેરિકા જીડીપીના ૧૭.૯ ટકા, ફ્રાન્સ ૧૧.૬ ટકા, જપાન ૯.૩ ટકા, ચીન ૫ ટકા અને ભારત ૩.૯ ટકા આરોગ્ય પાછળ ખર્ચે છે. જપાનના લોકોના દીર્ધાયુનું કારણ કદાચ જેનેટિક કે નૃવંશીય છે. પરંતુ દુનિયાના વિકસિત દેશોમાં અમેરિકા જ એક માત્ર એવો દેશ છે જેના નાગરિકોનું આયુષ્ય લાંબુ નથી. મરણની જેમ જીવનની રેખા પણ કદાચ રહસ્યમય છે. એટલે ઝાઝુ પિષ્ટપેષણ કર્યા વિના  જીવનરેખા બે વરસ લંબાઈ છે તો ચાલો મોજથી જીવી લઈએ.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • એક પથ્થર જેમ જગત રસ્તે મેં લાતો જ સહી છે… નહીંતર હું…

    વાત મારી, તમારી અને આપણી

    ડૉ. મૃગેશ વૈષ્ણવ
    એમ.ડી.(મનોચિકિત્સક)

     તમારી સાથે શું થયું એ મહત્વનું નથી પણ હવે પછી તમે શું કરવા માંગો છો અને શું કરી શકો તેમ છો તે મહત્વનું છે

     

    ભૂતકાળમાં તમારી સાથે થયેલ અન્યાયનો તમે ક્યારેક ઉલ્લેખ કરો એ વ્યાજબી છે પરંતુ એના ઓઠા હેઠળ ભૂતકાળને મારી, મચડી વિકૃત બનાવી તમે તમારી વર્તમાન પરિસ્થિતિ માટે બીજાઓ પર દોષનો ટોપલો નાંખી જાતને છેતરતા રહો એ વ્યાજબી નથી. કારણ આવું કરી તમે તમારી નબળાઈ, નિષ્ક્રિયતા અને બેજવાબદાર વલણ પર તમે ઢાંકપિછોડો કરો છો જેથી  તમે તમારી ”સેલ્ફ ઈમેજ” ‘આત્મછબિ’ને નબળી કે નિર્માલ્ય બનાવતા રહો છો. ભૂતકાળના બનાવોથી છેડો ફાડવો મુશ્કેલ છે.

    ભૂતકાળની ઘટનાઓના ઉઝરડા પ્રત્યેક વ્યક્તિના મનમાં રહી જાય છે. ભૂતકાળના જખ્મો તાજા થઈ જાય અને તમે તેનો અફસોસ સાથે ઉલ્લેખ કર્યા વિના ન રહી શકો તો નીચેની બાબતો ચોક્કસ ધ્યાનમાં રાખો.

    ૧. માત્ર બહાનાબાજી તરીકે ભૂતકાળના અન્યાયનો ઉલ્લેખ ન કરશો. તમે વર્તમાનમાં જે છો જેવા છો એ માત્ર ભૂતકાળના બનાવોને કારણે જ છો એવું પણ ઘુંટયા ના કરતા. હું તો એક પ્રભુની મૂર્તિ બનવા લાયક અવતાર હતો પણ મને લોકોએ એક પથ્થર જેમ લાતો જ માર્યા કરી છે, એવું ગાણુ ગાઈ તમારા આત્મસન્માનને સાવ તળીયે ન જવા દેશો.

    ૨. તમે તમારા મનનો ઉભરો ઠાલવવા ભૂતકાળની વાતો કરતા હો ત્યારે તેમાં નકારાત્મક લાગણી ઘૂંટયા ન કરશો. ”હું બિચ્ચારો… બાપડો… સહાય… આવા અન્યાયને લાચારીથી સહન કર્યા સિવાય બીજું કરી પણ શું શકું?…” એવું વિચારી તમારી જાતને દિન-હીન અને લાચાર પુરવાર કર્યા કરશો તો તમારી આત્મછબિ હંમેશાં નબળી જ રહેશે.

    ૩. તમારા ભૂતકાળના બનાવોનું વર્ણન કરતા હોવ ત્યારે જેમણે મને અન્યાય કર્યો છે. તેમના પ્રત્યે ધિક્કાર કે નફરત ઓકતા રહેશો નહીં. કારણ એમ કરવાથી તમારા ભૂતકાળને તમે જીવંત રાખશો અને મનની કડવાશને સતત પોષ્યા કરશો. યાદ રાખો જ્યાં સુધી તમે મનમાં કડવાશ અને ધૃણા રાખશો ત્યાં સુધી તેઓ તમારા મન પર નકારાત્મક પ્રભાવ પાડશે, અને તમારી ‘સેલ્ફ ઈમેજ’ને નિસ્તેજ અને નિર્માલ્ય બનાવતા રહેશે.

    ૪. તમારી સાથે ભૂતકાળમાં શું શું બની ગયું તે મહત્ત્વનું નથી પણ હવે પછી તમે શું કરવા માંગો છો અને શું કરી શકો તેમ છો તેનું મહત્ત્વ છે.

    જાતની જવાબદારી ટાળવા લોકો કેવી બહાનાબાજી ભર્યા વિધાનો કરે છે અને તમારી તંદુરસ્ત ”સેલ્ફ ઈમેજ” બનાવવા તમે આવાં વિધાનોનો કેવો જડબાતોડ જવાબ આપી શકો છો તેનાં કેટલાંક દ્રષ્ટાંતો આપું છું.

    વિધાન : કોલેજમાં ખરાબ દોસ્તોએ મને દારૃના રવાડે ચડાવ્યો હતો. હાલમાં હું મારો બિઝનેસ જમાવવા માટે ઓફીસરો, વેપારીઓ અને વગદાર લોકો સાથે મારે શરાબની પાર્ટી તો યોજવી જ પડે ને? હું શું કરું? શરાબ પીવો એ મારી ઈચ્છા નહીં લાચારી છે.

    જડબાતોડ જવાબ : ખોટી વાત. આજ સુધી કોઈ પણ વ્યક્તિએ મારી મરજી વિરૃધ્ધ પરાણે મારા મોઢામાં દારૃ રેડયો નથી. મને દારૃ પીવો ગમે છે એટલે હું પીવું છું. મારી આ આદત માટે હું જ જવાબદાર છું અને હું જ તેને બદલી શકું તેમ છું.

    વિધાન : મારે પણ સવારે વહેલા ઉઠી વાંચવા બેસવું જ છે અને દિવસમાં દસ-બાર કલાક એકાગ્રતાથી વાંચવું જ છે, પણ હું શું કરી શકું? …અત્યારની તીવ્ર ઠંડીમાં ઉઠાતું નથી. દિવસ દરમ્યાન ઘરમાં ઘણાં ગેસ્ટ આવે છે. પાડોશીઓ આખો દિવસ ”તારક મહેતા કે ઉલ્ટે ચશ્મે” સિરીયલ ચલાવે છે પછી હું એકાગ્રતા કેવી રીતે લાવું?

    જડબાતોડ જવાબ : હકીકતમાં મને ભણવા બેસવામાં રસ નથી. મારી જ્વલંત કારકીર્દી બનાવવાની કોઈ મહત્વકાંક્ષા જ નથી. બાજુવાળા નવરા છે એટલે સિરીયલ જુએ છે. એ લોકો મને જોવા આવવાનો આગ્રહ કરતા નથી. ઠંડીમાં મારે ઉઠવું હોય તો હું ઉઠીને વાંચી શકું છું પણ હું આળસુ થઈ ગયો છું. વાંચવાનો નિર્ણય મારે જ કરવો પડશે અને એ માટે મારે કઠોર પરિશ્રમ કરતા શીખવું પડશે.

    વિધાન : મને પ્રમોશન ક્યાંથી મળે? ઉપરી સાહેબોને મસ્કા મારતા મને ક્યાં આવડે છે?

    જડબાતોડ જવાબ : હું ક્યારેય ઓફીસે સમયસર પહોંચ્યો ખરો? કોઈપણ બહાનું બતાવી હું વહેલો છટકી નથી જતો? મને સોંપેલા કામ હું પાછા ઠેલ્યા કરું છું. પછી મારા પ્રમોશનની ભલામણ સાહેબ કેવી રીતે કરે? મને પ્રમોશન નથી મળતું તેમાં મારો જ વાંક છે.

    યાદ રહે તમારી વર્મતાન પરિસ્થિતિ માટે ભૂતકાળનો આશરો લઈ અન્ય પર દોષારોપણ કે બહાનાબાજી કરવાથી તમારો વર્તમાન સુધરવાનો નથી કે તમારી સેલ્ફ ઈમેજ મજબૂત બનવાની નથી. અત્યાર સુધી ખોટી દલીલો અને બહાનાબાજીથી તમે તમારો વિકાસ અટકાવ્યો હોય તો હજી પણ સમય છે. તમે તમારી જાત સાથે જડબાતોડ દલીલો કરી તમારો અભિગમ બદલી શકો છો. આ અંગે હું સુપ્રસિધ્ધ પાર્લામેન્ટરીયન અટલ બિહારી બાજપાઈનો દાખલો આપું છું. અટલજી વિરોધપક્ષમાં બેસતા હતા ત્યારે તેમના ધારદાર વક્તવ્યો માટે જાણીતા હતા. એક દિવસ લોકસભામાં તેમને સરકારની નબળી આંતરિક સુરક્ષા અને આર્થિક નીતિ પર બોલવાનું હતું. વ્યસ્ત અટલજીને હોમવર્ક કરવાનો સમય ન હતો. આથી તેમના આસીસ્ટન્ટોએ તેમને આંકડા તથા દલીલ લખી આપ્યા. અટલજીએ તેમની આગવી છટામાં વક્તવ્ય શરૃ કર્યું. પરંતુ એનાથી તો સામેના પક્ષના લોકો પાટલી થબથબાવા માંડયા. જ્યારે અટલજીની પાર્ટીના મોઢાં છોભીલાં થયાં અટલજીને અણસાર આવી ગયો કે કંઈક બફાય છે. તેમણે પોતાના વક્તવ્યમાં થોડો પોઝ આપ્યો અને સતર્કતાથી બાજી સંભાળી લેતાં કહ્યું. આ બધી સામા પક્ષની બહાનાબાજી છે. તેનો જડબાતોડ જવાબ આ રહ્યો. આમ કરીને સામા પક્ષની દલીલો કેટલી વાહિયાત છે અને ખરેખર સાચું શું છે એવું કહી તેમણે સામેના પક્ષના છક્કા છોડી નાંખ્યાં.

    અટલજી જેવી જ સતર્કતા તમે પણ તમારા જીવનમાં રોજબરોજ અજમાવી શકો છો. અત્યાર સુધી તમારી નિષ્ફળતા કે અણઆવડત પર ઢાંક પિછોડો કરવા તમે આતશબાજી કરીને જાતને છેતરતા રહ્યા છો. પરંતુ આનાથી ફાયદો થવાને બદલે તમને નુકસાન થયું છે. એટલે હવે પછી તમારી બહાનાબાજીને સતર્કતાથી જડબાતોડ જવાબ આપી તમારી ‘સેલ્ફ ઈમેજ’ તમારે સુધારી પ્રગતિ કરવાની છે. પરંતુ જેટલી આસાની અને સતર્કતાથી અટલજીએ બાજી પલટાવી તેટલું તમારા કિસ્સામાં કરવું સહેલું ન પણ બને. કારણ તમને અત્યારની પરિસ્થિતિ માફક આવી ગઈ હોય. હવે કોઈ પ્રકારની મહેનત કરવા કરતાં આ જે છે એજ શું ખોટું છે? નાહકનું ટેન્શન વધારવું અને કાયાને કષ્ટ આપવું? બીજું તમને અત્યારની પરાવલંબી પરિસ્થિતિ અનુકૂળ આવી ગઈ હોય તો તમારે શું કરવું કે શું ન કરવું એ બીજું કોઈ નક્કી કરતું હોય તમે નિર્ણય લો એ ખોટો પડે તો તેની જવાબદારી લેવી પડે. એના કરતાં કંઈક ખોટું થાય તો બીજા પર દોષનો ટોપલો નાંખી ચિંતામુક્ત રહી જાતને બિચ્ચારી… લાચાર… નિર્દોષ… અન્યાય સહન કરનાર પુરવાર કરતા રહો અને નફીકરાઈથી સરળ જિંદગી જીવતા રહો.

    આ વલણ બાલ્યાવસ્થાનું છે પરંતુ નબળી ‘સેલ્ફ ઇમેજ’વાળી વ્યક્તિ પુખ્ત થયા પછી પણ બાળક જેવા નાના રહી પોતાના જીવનની કોઈ જ જવાબદારી લઈ શકતા નથી કે પછી તેમ કરવાનું ટાળે છે. કારણ આવા લોકો એમ વિચારતા હોય છે કે પોતે નિર્ણય લે અને ખોટા પડે તો શું? એમ વિચારી તેઓ હંમેશાં છટકબારી શોધતા રહે છે અને પલાયનવાદી થઈ જાય છે.


    ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.,નાં વિજાણુ સંપર્ક સૂત્રો:

    E_Mail: mrugeshvaishnav@gmail.com
    Website: www.drmrugeshvaishnav.com

  • ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪૭

    ચિરાગ પટેલ

    उ. १७.१.९ (१६२५) किमित्ते विष्णो परिचक्षि नाम प्र यद्ववक्षे शिपिविष्टो अस्मि । मा वर्पो अस्मदप गूह एतद्यदन्यरुपः समिथे बभूथ ॥ (वसिष्ठ मैत्रावरुणि)

    કિરણોયુક્ત હું છું એ પ્રમાણે સર્વવ્યાપી ભાવવાળું આપનું સ્વરૂપ નિઃસંદેહ પ્રખ્યાત છે. એવા સ્વરૂપને અમારાથી છુપાવી ના દો, કારણ કે, સંગ્રામમાં અન્ય રૂપ ધારણ કરવા છતાંય તમે અમારા સંરક્ષક બની રહો છો.

     

    उ.१७.१.१० (१६२६) प्र तत्ते अद्य शिपिविष्ट हव्यमर्यः शँसामि वयुनानि विद्वान् । तं त्वा गृणामि तवसमतव्यान्क्षयन्त मस्य रजसः पराके ॥ (वसिष्ठ मैत्रावरुणि)

    હે કિરણોવાળા વિષ્ણુ! આપના પૂજ્ય નામવાળા સ્વરૂપની શ્રેષ્ઠ સત્કર્મ પરાયણ અમે પ્રશંસા કરીએ છીએ. અત્યંત બળશાળી રજોલોકથી દૂર રહેનારા અમે આપના નાના ભાઈના રૂપમાં આપની સ્તુતિ કરીએ છીએ.

     

    उ.१७.१.११ (१६२७) वषट् ते विष्णवास आ कृणोमि तन्मे जुषस्व शिपिविष्ट हव्यम् । वर्धन्तु त्वा सुष्टुतयो गिरो मे यूयं पात स्वस्तिभिः सदा नः ॥ (वसिष्ठ मैत्रावरुणि)

    હે વિષ્ણુ! આપની પાસે અમે વષટપૂર્વક આહુતિ અર્પણ કરીએ છીએ. હે પ્રકાશથી વ્યાપ્ત! આપ અમારી આહુતિને ગ્રહણ કરો. શ્રેષ્ઠ સ્તુતિઓ યુક્ત અમારી વાણી આપની ગરિમા વધારે. આપ સર્વે કલ્યાણકારી શક્તિઓ સાથે સદૈવ અમારા સંરક્ષક બનો!

    ઉપરોક્ત ત્રણ સામમાં ઋષિ વસિષ્ઠ મૈત્રાવરુણિ વિષ્ણુ સંબોધન સર્વવ્યાપી સૂર્ય માટે પ્રયોજે છે. સૂર્યના કિરણો સમગ્ર પૃથ્વી પર વ્યાપ્ત છે અને કિરણોયુક્ત એટલે કે પ્રકાશિત એવું સૂર્યનું આ એક સ્વરૂપ છે. જ્યારે રાત્રીનો અંધકાર હોય ત્યારે ચંદ્રમા અને નક્ષત્રો દ્વારા સૂર્ય અન્ય સ્વરૂપે ઉપસ્થિત હોય છે. આ સ્વરૂપમાં પણ સૂર્ય પોતાની રક્ષા કરે એમ ઋષિ ઈચ્છે છે.

    વિષ્ણુ શબ્દનો અર્થ સર્વત્ર વ્યાપ્ત કે સર્વને ધારણ કરનાર છે. ઋષિને સૂર્યનું આ નામ વધુ પ્રિય છે; અને પોતાને વિષ્ણુના રજોલોકથી દૂર એટલે કે પૃથ્વી પર સૂર્યના નાના ભાઈ સમાન યજ્ઞના અગ્નિને વિષ્ણુ માની પૂજતા હોવાનું કહે છે. યજ્ઞમાં સ્વાહા શબ્દથી આહુતિ અપાય છે. આ સામમાં ઋષિ વષટ શબ્દથી આહુતિ પોતે આપતાં હોવાનું જણાવે છે.

     

    उ.१७.३.२ (१६४०) व्यरुन्तरिक्षमतिरन्मदे सोमस्य रोचना । इन्द्रो यदभिनद्वलम् ॥ (गोषूक्ति अश्वसूक्ति काण्वायन)

    સોમપાનથી પ્રસન્ન ઇન્દ્ર પ્રકાશવાન અંતરિક્ષને વિશેષ પ્રકાશ સંપન્ન કરે છે તથા વાદળોને છિન્ન ભિન્ન કરે છે.

     

    उ.१७.३.३ (१६४१) उद् गा आजदङ्गिरोभ्य आविष्कृण्वन्गुहा सतीः । अर्वाञ्चं नुनुदे वलम् ॥ (गोषूक्ति अश्वसूक्ति काण्वायन)

    ઈન્દ્રે ગુફામાં રહેલી ગાયોને પ્રગટ કરીને અંગિરાઓ સુધી પહોંચાડી. એને રોકી રાખનાર નીચું મોં કરીને પલાયન થઈ ગયા.

     

    उ.१७.४.५ (१६५२) वि चिद् वृत्रस्य दोधतः शिरो बिभेद वृष्णिना । वज्रेण शतपर्वणा ॥ (वत्स काण्व)

    સંસારને ભયભીત કરનાર વૃત્રના માથાને શક્તિ સંપન્ન ઇન્દ્રએ પોતાના તીક્ષ્ણ પ્રહારવાળા વજ્રથી કાપી નાખ્યું.

    ઉપરોક્ત ત્રણ સામમાં ઋષિઓ ઇન્દ્ર એટલે કે સૂર્યને લગતી પ્રાચીન કથાનો નિર્દેશ કરે છે. અહિ  ઇન્દ્ર એટલે સૂર્ય, ગાયો એટલે પ્રકાશ કિરણો, ગુફામાં રહેલા એટલે કે અપ્રગટ, અંગિરાઓ એટલે શરીરધારીઓ, રોકી નાખનાર અથવા વૃત્ર એટલે બળ કે પ્રકૃતિ, વજ્ર એટલે આકાશી વીજળી એમ સ્થૂળ અર્થ લઈએ. ૧૨,૯૦૦ વર્ષ પૂર્વેના લગભગ બે હજાર વર્ષના છેલ્લા હિમયુગના અંત સમયે, પૃથ્વી પર વ્યાપેલા ગાઢ અંધકારરૂપી ઘનઘોર વાદળોમાં વીજળીઓથી વર્ષા ચક્રનો પુનઃ પ્રારંભ થયો હતો અને સૂર્ય પૂર્ણ સ્વરૂપે પ્રકાશિત થયો હતો. આ ભૌગોલિક/ખગોળીય ઘટના અંગે સામવેદ કાળના ઋષિઓને જાણકારી હતી એમ ચોક્કસ કહી શકાય.

    આદ્યાત્મિક અર્થ લઈએ તો, ઇન્દ્ર એટલે મન, ગુફામાં રહેલ ગાયો એટલે આત્માની પ્રેરણા, અંગિરા એટલે શરીર, વૃત્ર એટલે મનની અડચણરૂપ વૃત્તિઓ, વજ્ર એટલે ચૈતન્ય શક્તિ. એ અર્થમાં આત્મા મનને કેવી રીતે પ્રેરણા આપે છે એનું વર્ણન ઋષિ અહી કરે છે.

  • આંતરચક્ષુ એકાક્ષરે

    ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

    દિનેશ.લ. માંકડ

    દરેક ઉપનિષદને તેની વિશેષ શિક્ષણ વિભાવનાઓ છે.જ્યાં અને જેવી રીતે જિજ્ઞાસુઓ પહોંચે ત્યાં પોતાના જ્ઞાનનો નિર્વ્યાજ, અને નિસ્પૃહી ભાવે વહેંચણી વિવિધ રીતે ,વિવિધ પદ્ધતિથી કરવી એ ઉપનિષદોની લાક્ષણિકતા રહેલી છે. વિશાળ એવું બૃહદારણ્યક ઉપનિષદ પણ આવાં અનેક ગુરુ-શિષ્ય બોધ લઈને આવે છે.શુક્લ યજુર્વેદની કણ્વ શાખાના શતપથ-વાજસેનીય બ્રાહ્મણ અંતર્ગત આ ઉપનિષદ છે.એમાં છ અધ્યાય છે અને દરેકમાં અનેક  બ્રાહ્મણ છે.

                 શિષ્યની તર્કશક્તિ અને મૌલિકતા ખુબ તીવ્રતાપૂર્વક અને વિવિધ પ્રયુક્તિઓ દ્વારા વિકસે એ શિક્ષણની વિશેષ વિભાવના છે.એમાંય ભારતીય સંસ્કૃતિને તો વિશ્વની શ્રેષ્ઠ દેવભાષા સંસ્કૃતનું અણમોલ વરદાન છે. સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ તો અનન્ય છે. બૃહદારણ્યક ઉપનિષદના પાંચમા અધ્યાયના પ્રથમ બ્રાહ્મણમાં આપણી આ મહામૂલી ભાષાના એકાક્ષરી સાંકેતિક શબ્દો દ્વારા ગુરુ-શિષ્ય કેટલું અગાધ જ્ઞાન આપી શકે તે દર્શાવાયું છે.

    ઉપનિષદના પાંચમા અધ્યાયના પ્રથમ બ્રાહ્નણનો ॐ पूर्णमदः पूर्णमिदं …..મંત્રથી પ્રારંભ કર્યો છે.  કૌરવ્યાયણી પુત્રના મત અનુસાર ‘ ખં ‘ ( અનંત આકાશ ) જ બ્રહ્મ છે.તેની અંદર વાયુ વિચરણ કરે છે. ॐ३ खं ब्रह्म खं पुराणं वायुरं खमिति ह स्माऽऽह कौरव्यायणीपुत्रो। वेदोऽयम्ं ब्राह्मणा विदुर्वेदैनेनयद्वेदितव्यम् ॥ આમ અહીં પ્રારંભથી જ એકાક્ષરી શબ્દનું મહત્ત્વ બતાવાયું છે.

               જ્યાં સુધી શિષ્ય સ્વતંત્ર વિચારતો ન થાય ત્યાં સુધી તે શિષ્યના મનમાં એક વિચાર બીજ રોપાય અને એ વિચારતો થાય. અને એટલે જ ગુરુ પણ કોઈ સંકેત કે વિચાર મૂકી શિષ્ય પર છોડી દે.શિષ્ય તેના પર પૂરતી વિચાર શક્તિ દોડાવે તારણ કાઢે ને પછી  ઉત્તર આપે.

    બૃહદારણ્યક ઉપનિષદની એક કથા આવો જ એક સંદેશ લઈને આવે છે. પ્રજાપતિના ત્રણેય પુત્રો દેવ,માનવ અને અસુર પૂર્ણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યા પછી પિતા-ગુરુ પાસે આવ્યા.અમને ઉપદેશ આપો સહુ પ્રથમ દેવતાઓનો વારો. તેમની વિચારશક્તિ અને વિચાર દિશા જાણવા માટે પ્રજાપતિએ તેમને કહ્યું,’ દ’ એટલે શું ? ‘ ते॒भ्यो हैत॒दक्ष॒रमुवाचः द॒ इ॒ति; व्य॒ज्ञासिष्टा३ इ॒ति । તેનો માર્મિક વિચાર કરવા માટે સંકેત કરીને  તેમની પર છોડી દીધું.. થોડીવાર તેમને સૂચક રીતે પૂછી લીધું કે તમે સમજી ગયા છો ને ?  દેવોએ સંમતિ સૂચક હા પાડી व्य॒ज्ञासिष्मे॒ति होचुः दा॒म्यते॒ति न आत्थे॒ति । ओ॒मि॒ति होवाच, व्य॒ज्ञासिष्टे॒ति ।. ને કહ્યું કે,’ અમે ‘ દ’ નો ભાવાર્થ એ સમજ્યા છીએ કે ‘દમન’ ( ઇન્દ્રિય ) એ જ શ્રેષ્ઠત્વ તરફ લઇ જનારો માર્ગ છે.’

    પછી પ્રજાપતિએ મનુષ્યોને પણ ‘દ ‘ નો અક્ષરનો ગુઢાર્થ કહ્યો ને પછી દેવોની જેમ તેઓને પણ વિચારતા કરીને છોડી દીધા. તેમણે ‘દ’નો ભાવનાત્મક અર્થ કાઢ્યો. પ્રજાપતિએ એમને પૂછ્યું.  મનુષ્યોએ પણ પોતાની સમજણથી વિચારીને હકારમાં ઉત્તર આપતાં જણાવ્યું કે,’ અમારી સમજણ કહે છે કે માનવ જીવનમાં કશુંક પ્રાપ્ત કરવું હોય તો ‘ દ’ એટલે ‘દાન’ એ જ ઉત્તમ વિકલ્પ છે.  व्य॒ज्ञासिष्मे॒ति होचुः दत्ते॒ति न आत्थे॒ति । ओ॒मि॒तिहोवाच, व्य॒ज्ञासिष्टे॒ति ।

    હવે વારો અસુરોનો હતો. પ્રજાપતિએ તેમને પણ સહજ સમજણથી ‘દ’નો અર્થ સમજાવીને સવાલ કર્યો. ‘ દ’ એટલે શું ?’  અસુરોને પુછાયેલા આ જ સવાલનો ઉત્તર અસુરોએ પણ પોતાની ક્ષમતામાં વિચારી લીધો. અને ઉત્તર વાળ્યો.  ते॒भ्यो हैत॒देवा॒क्ष॒रमुवाचः द इ॒ति; व्य॒ज्ञासिष्टा३ इ॒ति । व्य॒ज्ञासिष्मे॒ति होचुः द॒यध्वमि॒ति न आत्थे॒ति । ‘અમારી આસુરીવૃત્તિને નિયંત્રણ લાવવા માટે ‘દયા’ એ જ સાચો માર્ગ છે. ‘દ’ નો અમારો અર્થ અમારા કલ્યાણ માટે એ જ છે. ‘

    આનંદિત થયેલા પ્રજાપતિ બોલ્યા, તમે સહુએ ‘ દ’ નો  જે શ્રેષ્ઠ અર્થ ગ્રહણ કર્યો છે તે જ સાચો અર્થ છે.’   દેવ,માનવ ને અસુર વૃત્તિના સહુને માટે સદાકાળ  ઉન્નતજીવનના લક્ષ્ય બની રહેશે એમ સમજાવી પ્રજાપતિએ અનુશાસિત ઉદ્ઘોષ કર્યો व्य॒ज्ञासिष्मे॒ति होचुः द॒यध्वमि॒ति न आत्थे॒ति ।ओ॒मि॒ति होवाच, व्य॒ज्ञासिष्टे॒ति । त॒देत॒देवै॒षा॒ दै॒वी वा॒ग॒नुवदतिस्तनयित्नुः॒ ददद इ॒ति; द॒म्यत दत्त॒ द॒यध्वमि॒ति । त॒देत॒त्त्रय॒ꣳशिक्षे॒द् दमं॒, दा॒नं, दया॒मि॒ति ।.‘જયારે કોઈ દિવ્યવાણી ઉચ્ચારાય ત્યારે દૈવી વાણી,પ્રકૃત્તિના સહારે પણ સમર્થન આપે તેમ  तदेतदेवैषा दैवी वागनुवदति

    स्तनयित्नुर्द द द इति दाम्यत दत्त दयध्वमिति । – દ ,દ,દ, એમ મેઘગર્જના પણ થઇ- એમ ઉપનિષદ કહે છે.

    પ્રસ્તુત કથામાં પ્રજાપતિ પાસે આવનાર ત્રણેય શિષ્યો બિલકુલ અલગ પર્યાવરણીય છે. સ્વાભાવિક છે દેવોને સ્વર્ગીય સુખ વિશેષ છે.અને જો તેની ભૌતિક ઈચ્છાઓને પ્રાધાન્ય આપી દે તો તેનું દેવત્વ ઝાંખું પડી શકે .પ્રજાપતિએ તેમને ઇન્દ્રિય દમનનો સંદેશ આપ્યો છે..માણસ પણ કર્મનિષ્ઠ છે.એટલે તેની આર્થિક સમૃદ્ધિ વધે ત્યારે એ પણ ભૌતિક સુખની દિશામાં દોડે .ઉપરાંત પૃથ્વીલોક પર તો સંઘર્ષમય જીવનાર વર્ગ પણ છે એટલે જો સમાજની સમતુલા ગોઠવવી હોય તો માણસએ આપવા વૃત્તિ વિકસાવવી જોઈએ એટલે તેને દાનનો મહિમા કહ્યો છે. ઝનૂન અને વેર બદલાની ભાવના વૃત્તિવાળા અસુરને તો જીવન વિકસાવવા દયા જ ઉત્તમ માર્ગ છે .એટલે પ્રજાપતિએ માત્ર ‘ દ’ અક્ષરના માધ્યમથી ત્રણેય શિષ્યને ઉચિત અને આવશ્યક શિક્ષણ આપ્યું.આવનાર શિષ્ય સમૂહ કદી એક સરખો ન હોય.ભિન્ન વાતાવરણ., વારસો,ભિન્ન બૌદ્ધિક સ્તર અને ભિન્ન વિચાર લઇ  આવે છે. બધાને ‘ એક લાકડીએ હાંકનાર ‘- ગુરુ શ્રેષ્ઠ નથી.દરેક શિષ્યની પોતાની આગવી ઓળખ છે અને જેની જેવી આવશ્યકતા તેને તેવું શિક્ષણ એ જ સાચી વિભાવના છે. સાથે સાથે મૌલિકતા અને તર્કશક્તિને પ્રાધાન્ય અપાયું છે.વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં માત્ર વ્યાખ્યાન અને પરીક્ષા પદ્ધતિ પરના જોરની સામે આ પ્રાચીન સંકલ્પના આદર્શ રૂપ બનીને સામે આવે છે.એટલે જ ઉપનિષદનો આ મન્ત્ર પ્રજાપતિના આ અનુશાસનિય આદેશને દ.દ.દ…. મેઘગર્જના જેવા દૈવી અનુમોદન આપે છે. तदेतदेवैषा दैवी वागनुवदतिस्तनयित्नुर्द द द इति दाम्यत दत्त दयध्वमिति । तदेतत्त्रयꣳ

    शिक्षेद् दमं दानं दयामिति ॥ અને સંદેશ આપી જાય છે કોઈને પણ માટે આખરે દમન, દાન,અને દયા જ ઉત્કર્ષના સાચા માર્ગદર્શકો છે.

    આજ રીતે બૃહદારણ્યક ઉપનિષદના પાંચમા અધ્યાયના ત્રીજા અને ચોથા અને પાંચમા બ્રાહ્મણમાં પણ પદના દરેક અક્ષરમાં છુપાયેલા મર્મને સમજાવવામાં આવ્યો છે. तदेतत्त्र्यक्षरꣳहृदयमिति । हृ इत्येकमक्षरमभिहरन्त्यस्मै स्वाश्चान्ये च यएवं वेद । द इत्येकमक्षरं ददत्यस्मै स्वाश्चान्ये च य एवं वेद ।

    यमित्येकमक्षरमेति स्वर्गं लोकं य एवं वेद ॥  હૃદય શબ્દ ક્ષરીત ન થનાર ગુણોથી યુક્ત છે. ‘ ર્હ ‘ અક્ષર છે એના પોતાના તથા બીજાના પ્રાણ પ્રવાહને અભિહરણ કરે છે. ‘દ’ જે આ જાણે છે એના પોતાના અને અન્યને દાન કરે છે ‘ ય’ જાણનાર સ્વર્ગને પ્રાપ્ત કરે છે. આ સત્યને જ જાણી રાખવાનો આગ્રહ પણ કરે છે . एवमेतन्महद्यक्षं प्रथमजं वेद सत्यं ब्रह्मेति सत्यꣳह्येव ब्रह्म ॥ અને સત્ય જ બ્રહ્મ છે એ માટે પણ ઉપનિષદ સ્પષ્ટ છે. ह्येव ब्रह्म ॥ સમગ્ર દેવગણ બ્રહ્મરૂપ સત્યની જ ઉપાસના કરે છે. अप एवेदमग्र आसुस्ता आपः सत्यमसृजन्त सत्यं ब्रह्म

    ब्रह्म प्रजापतिं प्रजापतिर्देवाꣳस्ते देवाः सत्यमेवोपासते तदेतत्त्र्यक्षरꣳ सत्यमिति । स इत्येकमक्षरं तीत्येकमक्षरं यमित्येकमक्षरम् । प्रथमोत्तमे अक्षरे सत्यं मध्यतोऽनृतं तदेतदनृतमुभयतः सत्येन परिगृहीतꣳ सत्यभूयमेव भवति ।

    नैनंविद्वाꣳसमनृतꣳ हिनस्ति ॥

    એજ રીતે  ‘ભૂ ,ભૂવઃ ‘ના પણ એવાં જ  વિશ્લેષણ છે. આ આદિત્ય મંડળમાં

    तद्यत्तत्सत्यमसौ स आदित्यो । य एष एतस्मिन्मण्डले पुरुषो यश्चायं दक्षिणेऽक्षन् पुरुषस्तावेतावन्योऽन्यस्मिन्प्रतिष्ठितौ

    रश्मिभिरेषोऽस्मिन्प्रतिष्ठितः प्राणैरयममुष्मिन् स यदोत्क्रमिष्यन्भवति शुद्धमेवैतन्मण्डलं पश्यति नैनमेते रश्मयः प्रत्यायन्ति ॥

     ‘જે ( સત્યનામ યુક્ત પુરુષ ) વિદ્યમાન છે ‘ભુ:’ તેનું શિર છે .અને ભૂવઃ તેની બે ભુજા છે .સ્વઃ તેની પ્રતિષ્ઠા કે ચરણ છે.’ અને भूरिति शिर एकꣳ शिरएकमेतदक्षरं भुव इति बाहू द्वौ बाहू द्वे एते अक्षरे स्वरिति  દ્વારા પદમાં રહેલા વિશેષ ભાવને વ્યક્ત કરે છે . મર્મ માર્ગે જીવનદૃષ્ટિ આપતું આ ઉપનિષદ માનવસમાજને દિશાદર્શક બની રહે છે.

             ભાષા એ તો મા સરસ્વતીના વસ્ત્ર અલંકાર છે.ઉપાસક તેને વિશેષ અલંકૃત કરે એ જ એની પૂજા છે.એમાંય ગુરુ દ્વારા શિષ્યના તર્ક- સમજણ વિકસાવવા માટે પ્રયોજાય ત્યારે તો તેનું અધિક મૂલ્ય જ હોય.એકાક્ષરે આંતરચક્ષુ  ખૂલે, એથી વિશેષ રૂડું શું ?


    શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com

  • ઊર્મિલ સંચાર : પ્રકરણ-૨. હ્યુસ્ટન

    યુવા ડોક્ટર શોમ ભારત જઈ વૈદ્ય ભાણજી પાસે આયુર્વેદનું જ્ઞાન લઈ…એલોપથી સારવારના સમન્વયની શોધ કરવાના પ્રયત્નમાં છે.

    જોષી પરિવારની ખુશી માટે ભારતીય કન્યા સાથે લગ્ન કરી પાછા હ્યુસ્ટન પાછા ફરે છે.

    પ્રકરણ ૧થી આગળ વાંચો…

    સરયૂ પરીખ

    શોમ તેના માતા-પિતા સાથે હ્યુસ્ટન પાછો ફર્યો. શોમ અને માયાનાં ઘડિયા લગ્ન લેવાયા પણ ખાસ કોઈ લાગણીનાં બંધનમાં અટવાયા સિવાય, બંને પોત-પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ ગયાં.

    શોમ તેના મિત્રોને ઉત્સાહપૂર્વક પોતાની ભારતની મુલાકાતની વાતો કરતો હતો. મિત્ર સ્ટિવન બોલ્યો, “તારા લગ્ન થઈ ગયા, તું બહુ ખુશ હશે!”

    “હાં, ઘરમાં બધા ખુશ છે. પણ સાંભળ, એકદમ ઉમંગની વાત તને કરવાની છે. હું ગોઆ જઈને વૈદ્ય ભાણજીને મળ્યો. આશા છે કે આપણને તેમના તરફથી સહકાર મળશે. શક્ય છે કે આપણી કેન્સર રિસર્ચ માટે આયુર્વેદ નિષ્ણાતોને અહીં મોકલશે. આપણે મેનેજમેન્ટ પાસેથી ડોલરની વ્યવસ્થા કરવાની છે.”

    સ્ટિવન તેના મિત્ર શોમનો એકલક્ષી ઉત્સાહ જોઈ રહ્યો.

    શોમનું પોતાના એપાર્ટમેન્ટ મેડિકલ સેન્ટર નજીક હતું. દર રવિવારે મમ્મીના હાથની રસોઈ અને પિતા સાથે શાસ્ત્રીય સંગીત સાંભળવા ઘેર જવાનો શિરસ્તો રાખ્યો હતો જે શોમ ક્યારેક જ ચૂકતો.

    થોડા મહિનાઓમાં માયાને અમેરિકાનું ગ્રીનકાર્ડ વિઝા મળી ગયો અને આવવાની તારીખ નક્કી થઈ ગઈ. એ દરમ્યાન, નીનાને બાળક-જન્મનો સમય હોવાથી માયાનાં આગમનને દિવસે માહી કેલિફોર્નિયામાં હતી. માહીની સૂચનાઓ શોમ સાંભળતો અને ‘હા’ અને ‘અહમ’ વચ્ચે કેટલી અમલમાં મૂકશે તેની આશંકા હતી. તેનું ધ્યાન ફરીને પોતાના કામ તરફ ક્યારે દોડી જતું એ કહેવું મુશ્કેલ હતું.

    શોમ લગ્નની વીંટી આંગળી પર ચડાવી, બને તેટલા આનંદિત દેખાવ સાથે માયાને એરપોર્ટથી ઘરે લઈ આવ્યો. રમેશ હોસ્પિટલથી ઘરે આવી ગયા હતા.

    “બેટા માયા, તમારા ઘરે બધા કેમ છે?” અને ત્યારબાદ દાદાજીની તબિયત અને બીજા સમાચારોની

    વાતચીત થઈ ગઈ.

    “માયા પહોંચી ગઈ છે તેનો ફોન કરી દઉં. તારા માતા-પિતાને ફોન કરવો છે ને?”

    “ના, તમે અંકલને કહી દો કે ત્યાં જણાવી દે.” માયાનો જવાબ જરા વિચિત્ર લાગ્યો.

    કેલિફોર્નિયામાં માહી સાથે વાતો કરી, અને નક્કી થયું કે એ ત્રણે જણા ચાર દિવસ પછી કેલિફોર્નિયા બેબીને જોવા અને નીનાને મળવા જશે. માહીએ બનાવેલી રસોઈ, ફ્રિજમાંથી કાઢી, ગરમ કરીને ત્રણે જણા મજેથી જમ્યા.… ‘બીજા દિવસે વહેલા ક્લિનીક પર જવાનું છે’ કહી, રમેશ તેમના રૂમમાં જતા રહ્યા.

    શોમ માયાની બેગ લઈ પોતાના રૂમ તરફ જવા જતો હતો, ત્યાં તેને માયાના અવાજે અટકાવ્યો.
    “હું આજે થાકેલી છું, તો તમને વાંધો ન હોય તો ગેસ્ટ-રૂમમાં રહીશ.”

    આ બીજું આશ્ચર્ય…”ઓહ, ભલે,” અને શોમ તેને ગેસ્ટ-રૂમમાં લઈ ગયો. શોમ રાતના વિચાર કરતો રહ્યો કે માયાને અજાણ્યું ન લાગે તેના માટે બધો પ્રયત્ન કરવો જોઈએ. પોતાની જવાબદારીને કેવી રીતે અદા કરવી તેની યોજનાઓ કરી.

    બીજે દિવસે સવારે રમેશ કામ પર જવા દરવાજો ખોલતો હતો ત્યાં માયા બહાર આવી અને રમેશ પાસે જઈને પગે લાગી, “અંકલ, આભાર.”

    રમેશ કહે, “અરે, આવી કોઈ ઔપચારિકતાની જરૂર નથી …સાંજે મળીએ.”

    શોમ ચા બનાવીને લઈ આવ્યો અને ટેબલ પર મૂકી. માયા સંકોચ સાથે બેઠી. દિવાલ પરના ટેલિફોન તરફ ફરી ફરીને જોયા કરતી હતી. જેવો ફોન રણક્યો કે એકદમ ઊભી થઈ ગઈ અને “હું લઈ શકું?” પૂછી, જવાબ મળતા પહેલા ઊંચકી લીધો.

    “હા, ભલે…” કહીને માયાએ ફોન મૂકી દીધો.

    માયા પાછી આવીને બેઠી, અને શોમની પ્રશ્નાર્થ ભરી નજર સાથે નજર મેળવ્યા વગર બોલી, “કેવી રીતે કહું એ ખબર નથી પડતી, પણ મેં તમારી સાથે લગ્ન… અમેરિકા આવવા માટે કર્યા હતા. મારા પ્રેમલગ્ન ભાસ્કર સાથે થઈ ગયા છે…ગયા વર્ષે. તે કાકાના આધારે અમેરિકા આવી ગયો. પણ તેના કાકા મને સ્પોન્સર કરે તેવી શક્યતા નહોતી. મારા માટે અહીં આવવાનો આ રસ્તો તમે ખોલી આપ્યો. માફ કરજો.” અવાજમાં કંપારી વધી…”મારા માતા-પિતાને આ વાતની ખબર નહોતી… ગઈકાલે મેં મુંબઈ એરપોર્ટથી તેમને કાગળ પોસ્ટ કર્યો હતો.”

    માયા એક શ્વાસે બોલી ગઈ. શોમ અવાચક થઈ ગયો. આશ્ચર્યથી તેની આંખો મટકું મારવાનું ભૂલી ગઈ…

    કળ વળતા શોમ બોલ્યો, “ઓહ! આ તો અમારા ભોળપણ અને વિશ્વાસની મજાક ઉડાડવાની યોજના હતી? છટ્! તમે તો ગજબના ઠગારા નીકળ્યાં.” અને તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો.

    માયા ભયથી ધ્રુજી ઊઠી, “જુઓ, ભાસ્કર હમણાં જ આવી પહોંચશે.”

    એ સાંભળી શોમ વ્યંગમાં હસ્યો, “તો તમે એમ માનો છો કે હું તમને જબરજસ્તી અહીં રોકવા પ્રયત્ન કરીશ?… આવી વ્યક્તિ સાથે મારે એક પળ પણ નથી ગાળવી. મને થતું હતું કે કેમ મને આ કહેવાતી પત્ની માટે કોઈ લાગણી નથી થતી? આજે ખબર પડી.” શોમ ખુરસીને ધક્કો મારી ઊભો થઈ ગયો.

    શોમે આંગળી પરથી વીંટી ઉતારી ટેબલ પર પટકી. માયા કાંપતા અવાજે બોલી, “આપણા ડિવોર્સના કાગળિયા મુંબઈથી આવશે, મહેરબાની કરી સહી કરી દેશો.”

    “જરૂર…આ સામે બારણું છે, ચાલતી પકડો.” કહીને શોમ પાછલું બારણું ખોલી પુલ પાસે જઈને બેઠો. થોડી વારમાં બેગોના ખસવાનો અવાજ અને પછી કારની ઘઘરાટી…શોમના મનને ડામાડોળ કરીને નીરવ થઈ ગઈ. એ સન્નાટામાં શોમને પોતાના મસ્તિષ્કની નસનાં ધબકારા સંભળાયા…’મારી મા કેટલી ખુશ હતી! અને દાદા-દાદી…પરિવારમાં બધાને હું શું કહીશ? મને જ કેમ આવું થાય છે! શું મારા માથા પર ‘મૂર્ખ’ છપાયેલું છે?’ તેને પોતાના કરતાં વધારે ચિંતા હતી તેના વડીલોની…કાંટો વાગ્યો તેના ઋજુ રુહમાં ને વેદના  ઉભરશે સ્વજનોના ઉરમાં!!!

    ગુસ્સાથી બળતા ચિત્તને શાંત કરવા શોમે શર્ટ-પેન્ટ ફેંકી દઈ સ્વિમિંગ પુલમાં ઝંપલાવ્યું. કેટલો સમય તરતો રહ્યો એ ભાન નહોતું. થાકીને વિવશ થઇ ગયો ત્યારે પરાણે બહાર આવી તેના પ્રિય ઓકના ઝાડ નીચે આરામ-ખુરશીમાં અઢેલીને ઊંઘી ગયો. એકાદ કલાકમાં શોમની નીંદર ખુલી અને ‘શું મને ખરાબ સ્વપ્ન આવ્યું હતું?’ પણ ના, તે હકીકત છે! એવા વિચાર સાથે દિલમાં ડંખ વાગ્યો.

    સૂમસાન ઘરમાં દાખલ થયો અને કપડાં બદલી તેણે ફોન જોડ્યો, “ડેડી, તમે જલ્દી ઘેર આવશો?”

    “કેમ દીકરા, તારો અવાજ કેમ બરાબર સંભળાતો નથી? તું અને માયા ઠીક છો ને?”

    “હાં…” શોમ આગળ કશું બોલી શક્યો નહીં. ડો.રમેશને લાગ્યું કે શોમે કોઈ દિવસ તેને આ રીતે ‘જલ્દી ઘેર આવો’ તેમ કહ્યું નથી. કોઈ ગંભીર વાત હોવી જોઈએ તેમ સમજીને કહ્યું,

    “હું દરદીઓને જોઈને લંચ પહેલા આવી જઈશ”

    શોમ ઠંડુ પાણી લેવા ગયો અને ટેબલ પર વીંટી, દાદીએ આપેલ ચેઇન, બંગડી વગેરેની ઢગલી પડેલી જોઈ નફરતથી નજર ફેરવી લીધી. વ્યવસ્થિત રીતે ગોઠવેલા, શોમના ખાસ મિત્રો, પુસ્તકોની તરફ અનાયાસ ખેંચાયો. વર્ષો પહેલાં પિતાએ ભેટ આપેલ પુસ્તક જે. કૃષ્ણમૂર્તિનું પુસ્તક હાથમાં લઈ ઉદાસિનતાથી પાનાં ફેરવવા લાગ્યો. એક વાક્ય પર નજર અટકી ગઈ…”જેને આપણે સત્ય, ઇશ્વર કે તથ્ય તરીકે જાણીએ છીએ તે સનાતન છે. તેને પરિસ્થિતિ, વિચાર કે માનવ છલ-કપટ, વિક્ષિપ્ત ન કરી શકે.”

    આગળ વધારે વાંચતો ગયો અને આવી પરિસ્થિતિ સર્જાવા વિષે તેના મનમાં પ્રકાશ પડ્યો…’અશ્રદ્ધા અને ભય’. દાદા-દાદી નિરાશ થશે તો! બીજી ઉમેદવાર નહીં મળે તો! આવા નિર્બળ વિચારો સાથે લગ્ન કર્યા. જે કાર્ય પાછળ સ્વાર્થી હેતુ હોય તેનું પરિણામ આવું આવે ત્યારે આશ્ચર્ય કેમ? … શોમ આત્મનિરીક્ષણ કરવા મજબૂર થઈ ગયો. પુસ્તક અને આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી ગયો.

    ગરાજડોર ખૂલવાના અવાજથી શોમ જાગૃત થઈ ગયો અને રમેશ ઘરમાં દાખલ થતાં જ શોમ પિતાને લાગણીવશ ભેટ્યો. રમેશે આજુબાજુ માયાને શોધવા નજર નાખીને સવાલ પૂછ્યો, “શું થયું?” માયાની કપટી યોજના વિશે સાંભળીને જાણે તેમને તમ્મર આવી ગયા. આશ્ચર્ય અને ન માની શકાય તેવી ઘટના ઘટી હતી. જીવનના અનેક અનુભવોમાંથી પસાર થયેલ સમજદાર પિતાને પણ કળ વળતા જરા વાર લાગી. પિતા પુત્ર એ વિષય પર થોડી વાતચીત કરી. કલાકો પહેલાની શોમની મનઃસ્થિતિથી તે ઘણો ઉપર હતો. શોમે પ્રામાણિકતાપૂર્વક પોતાની ભૂલોનો સ્વીકાર કર્યો.

    ત્યાં જ ફોનની ઘંટડી વાગી અને માહીએ અતિ ઉત્સાહથી જણાવ્યું, “હલો, નાનાજી, પૌત્રને આવકારવા અહીં આવી જાવ. નીના અને બેબી બરાબર છે.”

    “અભિનંદન…માહી! નીનાને વ્હાલ કહેજે.” પછી અટકીને બોલ્યા, “અને તું જ આ ખુશખબર ભારતમાં આપી દઈશ?”

    “ઓકે. તમને ત્રણેને જલ્દી મળીએ! આવજો.”

    શોમે પોતાના અંગત મિત્રોને હકીકત જણાવી પણ નીનાના બાળકની ખુશખબરની ઓઢણી તળે માયાના કુરૂપ સમાચાર ઢંકાઈ રહ્યા.

    નીનાને ઘરે જતાં પહેલાં શોમે ફોન પર રૉકીને વાત ખાનગી રાખવાનું કહી, માયા વિષે જણાવી દીધું હતું. નીનાના ઘરની ઘંટડી રમેશે વગાડી. માહી સિલ્કની સાડીમાં સજ્જ, મોટો ચાંદલો અને પ્રફુલ્લિત ચહેરા સાથે બારણું ખોલી બોલી. “રમેશ, તમે અંદર આવી જાવ. હમણાં રૉકી અને તેના મમ્મી, હોસ્પિટલથી નીના અને બેબીને લઈને આવશે તે પહેલા, વર-વધૂનું સ્વાગત કરું.”

    ડોક લંબાવી, ઉમંગભર્યા અવાજે બોલી, “શોમ! માયાને લઈને આવ, સ્વાગતની થાળી તૈયાર છે.”

    શોમ સૂટકેસ ખેંચતો આવીને, જરા નમન કરીને, અંદરના રૂમમાં જવા લાગ્યો.

    “અરે, આમ કેમ અંદર જતો રહ્યો?” માહીએ આશ્ચર્યથી રમેશને પૂછ્યું. “માયા ક્યાં?”

    “તું અહીં બેસ. તારી સાથે વાત કરવાની છે.” રમેશે બારણું બંધ કર્યું.

    માહીને માટે આ સમાચાર સહન કરવા ઘણા અઘરા હતા. હોસ્પિટલથી આવતી વખતે રૉકીએ માયાની લુચ્ચાઈ વિશે નીનાને જણાવ્યું. પ્રયત્નપૂર્વક, દિલ કઠણ કરીને નીના ઘરે આવતા પહેલાં સ્વસ્થ થઈ ગઈ. રૉકીની કારનો અવાજ સંભળાતા જ પોતાની વહાલી બહેન અને ભાણજાને આવકારવા શોમ દોડ્યો અને તેની પાછળ તેના માતા-પિતા.

    પોતાના નાના ભાઈને દૂભવવા માટે માયા તરફનો નીનાનો ગુસ્સો અમાપ હતો. જેવા તેની સાસુ બેબીને લઈને અંદર ગયા, તે રડમસ ચહેરે શોમને ભેટી પડી.

    “મને એટલું ખરાબ લાગે છે. એ માયા છોકરીની સામે કાનૂની પગલાં લેવા જોઈએ. મારી સામે આવી હોત તો સીધી કરી દેત.” નીના ઉગ્ર થઈને બોલતી હતી. શોમે તેને સોફામા બેસાડી વ્હાલથી ખભે હાથ મૂકીને બોલ્યો, “ઓ મારી પ્યારી ગુસ્સાભરી બહેના…શાંત થઈ જા. જો હું દુઃખી લાગું છું?”

    માહીની આંખો આંસુથી છલકાઈ ગઈ. તે પણ નીનાની જેમ જ વિચારતી હતી.

    રૉકી કહે, “માયાએ ગઝબનું પગલું ભર્યું કહેવાય! તેના પક્ષમાં એક જ વસ્તુ અગત્યની બની રહી કે, શોમ એક સજ્જન વ્યક્તિ છે. નહીંતર તેની દશા બહુ કફોડી થઈ જાત!”

    રમેશ કહે, “સો વાતની એક વાત, આપણા મનની શાંતિ માટે શું જરૂરી છે?…અને જીવનમાં તે મુજબ જ આપણું વર્તન રાખશું. શોમનું લક્ષ ઘણું ઊંચું છે, તે એની શક્તિ આવા પ્રસંગો પર વેડફશે નહીં.”

    કબીરા આપ ઠગાઈએ, ઓર ન ઠગીએ કોઈ,
    આપ ઠગે સુખ ઉપજે, ઓર ઠગે  દુઃખ હોઈ.


    —— ક્રમશઃ પ્રકરણ ૩ 


    Rangoli by Ila Mehta
    સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com