વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

“સીમા, સાંજે જમવામાં મારી રાહ ન જોતાં. આજે ઑફિસમાં મારી ફેરવેલ પાર્ટી છે.” ઑફિસ જવા તૈયાર થતી અનુરાધાએ એની ભાભીને કહ્યું.

“તમારી ટ્રાન્સફર થઈ છે?” સીમાએ પૂછ્યું.

“ના, હું નોકરી છોડી રહી છું.” અનુરાધાએ જવાબ આપ્યો.

નણંદ-ભાભીની વાત સાંભળીને છાપું વાંચતો સમીર ચમક્યો.

“નોકરી છોડે છે, કેમ?”

“હું લગ્ન કરવાની છું.” અનુરાધાએ શાંતિથી જવાબ આપ્યો.

“હેં ! હવે આ જતી ઉંમરે, આ વળી નવી વાત ?”

સમીર એની વાત પૂરી કરે એ પહેલાં સીમા અનુરાધાને વહાલથી વળગી પડી.

“શું વાત છે, દીદી? આ તો મસ્ત સરપ્રાઇઝ. આ ખબરની કેટલી રાહ જોઈ છે? કોણ છે એ ખુશનસીબ?”

અનુરાધાએ પર્સમાંથી એક કાર્ડ કાઢીને સીમાને આપ્યું.

“અરે વાહ! લગ્નનું કાર્ડ પણ તૈયાર છે ને?” સમીરે કટાક્ષ કર્યો.

“કેમ, લગ્નમાં કાર્ડ તો હોય જ ને?” સીમાએ જવાબ આપ્યો. કાર્ડમાં અનુરાધા અને પ્રદીપ મહેતાનું નામ વાંચીને ખુશ.

“દીદી, બીજી તારીખનું લગ્ન છે? બે દિવસ જ બાકી છે અને લગ્નની તૈયારી કેવી રીતે થશે..?

“લગ્ન સાવ સાદાઈથી જ કરવા છે. જતી ઉંમરે લગ્નમાં વળી શી ધામધૂમ?” અનુરાધાએ સમીરની સામે જોઈને જવાબ આપ્યો.

“લગ્ન અને ઉંમરને શું લેવાદેવા? ધામધૂમ તો હોય જ ને?” સીમા ગજબ ઉત્સાહમાં હતી.

“થોડીક ધામધૂમ થવાની છે. મારી ઑફિસની મિત્ર પૂનમને તો તું ઓળખે છે,  રવિવારે સાંજે એના ઘેર સંગીત-મહેંદી અને પછી ડિનર ગોઠવ્યું છે. તું. ક્ષમા અને શૌનક આવી જજો. હું સવારથી જતી રહીશ. બીજા દિવસે ત્યાંથી જઈને મંદિરમાં લગ્ન, પછી સાંજે રિશેપ્શન છે.” કહીને અનુરાધાએ વાતનો બંધ વાળ્યો ને પોતાના રૂમમાં ચાલી ગઈ.

સીમાને અનુરાધાના લગ્ન આર્યસમાજના મંદિરમાં થાય એ જરા ઓછું પસંદ પડ્યું અને સમીરનું અતડાપણું તો જરાય પસંદ ન પડ્યું.

પિસ્તાળીસ વર્ષની ઉંમરે પહોંચેલી અનુરાધા એના બૉસ પ્રદીપ મહેતા સાથે લગ્ન કરવાની હતી બીજવર પ્રદિપના સંતાનો કૉલેજમાં ભણતાં હતાં. સમીરને આ બધા સામે વાંધો હતો.

સીમા સમીર પર અકળાઈ.

“પહેલેથી ઘરમાં સૌએ દીદીના લગ્ન વિશે વિચાર્યું હોત તો આજે એમનાં સંતાનો પણ કૉલેજમાં ભણતાં હોત. ભાઈઓ તો સમજ્યા, પણ મા કેમ આ અંગે ઉદાસ રહ્યાં? હવે જ્યારે દીદીએ પોતાનું સુખ શોધ્યું ત્યારે એને સાથ આપવાના બદલે આવું ઉપેક્ષિત વર્તન કરવાનું ?”

સામે અનુરાધાને ટેકો આપવા બદલ સમીરે સીમા પાસે પોતાનો રોષ ઠલવ્યો.

“હજુ તો શમાને ડૉક્ટર બનાવવાની છે, આગળ ભણવા અમેરિકા મોકલવાની છે, ડૉક્ટર જમાઈ શોધવાનો છે. દીકરીનાં ઉજ્જ્વળ ભાવિ માટે જોયેલાં સપનાં અનુરાધા લગ્ન કરીને ચાલી જશે તો રોળાઈ જશે. કોણ પૂરાં કરશે એ સપનાં, ક્યાંથી પહોંચી વળાશે?”

“શમાને ભણાવવાનું, ડૉક્ટર બનાવવાનું સપનું દીદીના ભરોસે નહોતું જોયું. તમારાથી પહોંચી વળાય તો ઠીક નહીંતર શમા બી.એ. બી.કૉમ કરીને જે મળશે એ નોકરી કરશે. હા, એક વાત નક્કી કે હું આ ઘરના ચીલા મુજબ મોટી ઉંમર સુધી એને ઘરમાં નહીં બેસાડી રાખું, યોગ્ય સમયે યોગ્ય યુવક શોધીને લગ્ન કરાવી દઈશ.”

સીમાની વાતમાં સત્યની સાથે અનુરાધા માટે લાગણી હતી. મોટોભાઈ ભણીને અમેરિકા ચાલ્યો ગયો. સમીર ધંધામાં સેટ થાય ત્યાં સુધી અનુરાધાએ ઘર સંભાળ્યું. આ ઘરની નાનામાં નાની ચીજ, ફર્નિચરથી માંડીને ટી.વી, ફ્રીઝ દરેક વસ્તુ દીદીએ વસાવી. અત્યાર સુધી સીમાને દીદીની ઉધાર ગૃહસ્થી સંભાળતી હોય એવું લાગતું. હવે સંતાનોના ભાવિ માટે દીદી પર નિર્ભર રહેવાનું સમીર વિચારતો હોય તો એમાં એનો નર્યો સ્વાર્થ જ દેખાયો. છોકરાંઓની જરૂરિયાતો માટે દીદી પર ઘણો આધાર રાખ્યો હતો. છોકરાંઓને પણ એમની જરૂરિયાત માટે ફિયાને કહેવું પડે એ નહોતું ગમતું.

એકવાર તો શૌનકે સીધું જ સીમાને પૂછ્યું કે, “તમે ફિયાના ભરોસે અમને જન્મ આપ્યો છે કે શું?”

સીમાની અકળામણનો સમીર પાસે એનો કોઈ જવાબ નહોતો.

સાંજે શમા, શૌનક સ્કૂલેથી આવ્યાં ને ફિયાના લગ્નના સમાચાર સાંભળીને એકદમ ખુશ. ફિયાને વહાલથી વળગી પડ્યાં.

બીજા દિવસે સવારે બજારનાં કામ નિપટાવવા સીમા આખો દિવસ ઘરની બહાર રહી. સાંજે પાછી આવી ત્યારે શમા અને શૌનકે ફિયાએ એમને પાર્ટીમાં પહેરવાં અપાવેલાં કપડાં બતાવ્યાં. છોકરાંઓનો ઉત્સાહ, ઘરની ચલપહલ જોઈને પણ સમીરનો મૂડ ઠેકાણે આવ્યો નહોતો. એ ઊભો થઈને અંદર ચાલ્યો ગયો. અનુરાધા એનો સામાન સમેટવા અંદર ચાલી ગઈ.

સીમા સમીરની પરવા કર્યા વગર ઘર શણગારમાં પરોવાઈ. શૌનકની મદદથી ઘરની બહાર આસોપાલવનું તોરણ બાંધ્યું. દિવાળીની જેમ ઘરમાં ને ઘરઆંગણે રોશની કરી.

ઘર તો આખું ઝગમગ ઝગમગ.

અનુરાધા પાસેથી લગ્નની આમંત્રણ-પત્રિકા લઈને આજુબાજુમાં પાડોશીઓને આપી આવી.

બીજા દિવસે સવારે પૂનમ અનુરાધાને લેવા આવવાની હતી. એ આવે ત્યાર પહેલાં અનુરાધાએ પોતાનો સામાન પેક કરીને બે બેગો બહાર લાવીને મૂકી.

બે બેગનો સામાન જોઈને સમીર ભડક્યો.

“આટલો બધો સામાન? આખું ઘર ખાલી કરવાનો વિચાર છે કે શું?”

“દીદીને પિસ્તાળીસ વર્ષ થયાં, સમીર. આટલા સમયમાં બે બેગ જેટલો પોતાનો સામાન તો હોય જ ને? બાકી દીદી ઈચ્છે તો આખા ઘરનો સામાન લઈ જાય તો એ પણ એમનો અધિકાર છે.”

પૂનમ અનુરાધાને લેવા આવી ત્યારે સીમાએ એને આગ્રહ કરીને રોકી.

“ચા, નાસ્તો કરીને જ જવાનું છે.” કહીને એણે ડાઇનિંગ ટેબલ પર ચા સાથે સર્વિંગ બાઉલમાં પૌંવા, સમોસા, ગુલાબજાંબુ મૂકયાં. સવારે પાંચ વાગ્યે ઊઠીને એણે બધું જાતે બનાવ્યું હતું.

અનુરાધા માટે તો ડાઇનિંગ ટેબલ પર ફૂલોની રંગોળી વચ્ચે ચાંદીની પ્લેટ મૂકીને એમાં નાસ્તો પીરસ્યો.

એ જોઈને અનુરાધાનું મન ભરાઈ આવ્યું. શમા, શૌનક અને પૂનમ તો ખુશખુશ. ચા-નાસ્તા પછી સીમા અનુરાધાને પૂજારૂમમાં લઈ ગઈ.

ઠાકોરજીની સામે બાજઠ પર અનુરાધાને બેસાડી.

“દીદી, આ ઘરમાં આવીને મેં કન્યાવિદાય જોઈ નથી, પણ મારા ઘરમાં મેં જે જોયું છે, જાણ્યું છે એ કરવાનો પ્રયાસ કરીશ.” કહીને અનુરાધાને કંકુનો ટીકો કરીને એના ખોળામાં કંકુ-ચોખા, નારિયેળ, મેવા-મીઠાઈનાં પૅકેટો મૂક્યાં. બીજું પૅકેટ ખોલીને એમાંથી બનારસી સાડી અનુરાધાને માથે ઓઢાડી.

“દીદી, લગ્નમાં તમારે આ સાડી જ પહેરવાની છે.”

ત્રીજું બોક્સ ખોલીને એમાંથી સોનાનાં બે કડાં અનુરાધાને પહેરાવ્યાં.

અનુરાધા તો સ્તબ્ધ.

“અરે, એક દિવસ માટે આટલો બધો ખર્ચો?”

“દીદી, આ માજીનાં કડાં છે. એમના આશીર્વાદ સાથે આ ઘરમાંથી તમે વિદાય લેશો. ઘરની લક્ષ્મીને ખાલી ખોળે, ઠાલા હાથે વિદાય ન કરાય એટલી મને ખબર છે અને તમારાં માટે થોડું કંઈક કરી શકું એટલા પૈસા મારી પાસે પણ છે.”

“તું મને રોવડાવીને જ રહીશ?”

“થોડું રડી લો દીદી. વિદાય વખતે કન્યા રડે એ તો શુકન કહેવાય.” બોલીને સીમા જ અનુરાધાને વળગીને રડી પડી.

માજીનાં ગયાં પછી સૂનો પડેલો પૂજારૂમ અને અપૂજ ઠાકોરજી આ મંગળ દૃશ્યથી સંતુષ્ટ થઈ ગયાં. અનુરાધાને પહેલી વાર લાગ્યું કે એના લગ્ન માત્ર એક સેલિબ્રેશન નહોતું. આ ઘરમાંથી એ સાચે જ વિદાય લઈ રહી છે.


માલતી જોશી લિખિત વાર્તા ‘બિદા’ પર આધારિત ભાવાનુવાદ 


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.