પ્રીતિ શાહ-સેનગુપ્તા
સર્જનાત્મક લેખન તો સર્વત્ર થતું જ હોય છે – કોઈ પણ દેશમાં, કોઈ પણ ભાષામાં. છતાંયે આ એક પ્રદેશ જુદો જ લાગે છે. જાણે ત્યાંની હવામાં જ કાવ્યમયતા વહે છે. ને જાણેકે એ હવામાં શ્વાસ લેનાર દરેક જણની ચેતનામાં એ વહેણ હંમેશાં ફરતું રહેતું હોય છે. નહીં તો કઈ રીતે પેઢી દર પેઢી ત્યાંના સાહિત્યમાં આટલી ઉત્કટ રીતે રમમાણ રહી શકે?
આ પ્રદેશ તે પશ્ચિમ બંગાળ. આ ભાષા તે બંગાળી. આ હવા તે ત્યાંના સમાજની. આ ચેતના તે ત્યાંની જનતાની.
કેટલાક બંગાળી લેખકોને માટે લોકોને કેટલો પ્રેમ, કેટલી ચાહના, કેટલું આકર્ષણ હોય છે, તે બંગાળના કોઈ પણ સાહિત્યિક કાર્યક્રમમાં જોઈ શકાય છે. કેવળ કલકત્તામાં જ નહીં, પણ બહારના પરગણાની કોઈ નાની જગ્યામાં પણ. લોકો સાહિત્યકારને પગે પડતા હોય, ને બસ, જાણે એમને ભેટી પડવાનું, એમને ઊંચકી લેવાનું જ બાકી રહ્યું હોય.
લેખિત સાહિત્ય કેટલું વેચાય છે તે પુસ્તક-મેળાઓ દરમ્યાનના આંકડાઓ પરથી તરત જાણી શકાય છે. કાવ્ય-વાંચન અને કાવ્ય-ચર્ચા પણ અવિરત ચાલતાં જ રહેતાં હોય છે. તોયે શ્રાવ્ય-સાહિત્યની જે પ્રક્રિયા છે તેને તો ‘અદ્ભુત’, એટલેકે અસાધારણ જ કહેવી પડે. ‘ગાન’, એટલેકે કાવ્ય-ગીત સાંભળવાનો અતીવ ઊંડો રસ આ આખા સમાજમાં પ્રસરેલો સ્પષ્ટ જણાય છે.
ગાવા માટે જ હોય તેવાં નવાં ગીતોને ‘આધુનિક’ પ્રકાર કહે છે, બંગાળી ફિલ્મોમાં આવતાં ગીતોનો પણ એક અલાયદો પ્રકાર છે, અને એ સિવાય, શ્યામા-સંગીત, પલ્લીગીતિ, લાલનગીતિ, બાઉલ ગાન, રામપ્રસાદી, બ્રાહ્મ-સૂર, કીર્તન વગેરે જેવા, ભાવપૂર્વકના ઊંડાણવાળા, અનેક પ્રકારો છે, જેમને વીતેલા સમયનો કોઈ કાટ લાગ્યો નથી. વળી, બંગાળમાં ઉત્તમ ગાયકો તથા વાદકો કેટકેટલા છે, તે ગણાય તેમ નથી. આટલી બધી નિપુણતા, આટલાં બધાંમંા? સાવ નાનપણથી જ બધાં શીખતાં હોય. ઘરમાં માતા-પિતા જ સંગીત-પ્રેમી અથવા સંગીતગ્ન હોય. બાળક ઘરની ને બહારની હવામાંથી જ ભાષા, સાહિત્ય, કવિતા, ગાન અંગે પોષણ પામતું ગયું હોય તેમ લાગે.
બંગાળી ભાષામાં સાહિત્યના દરેક ક્ષેત્રમાં કેટકેટલાય સર્જકોની યાદી જોવા મળે, પણ સૂર અને શબ્દનું શું તો બાહુલ્ય છે. બિન-બંગાળીઓએ જે નામ સાંભળ્યું હોય તે તો ફક્ત રવીન્દ્રનાથનું, પણ બંગાળના જન-હૃદયમાં જે વસે છે તે બંગાળી ભાષાનો અમર વારસો સ્થાપનાર અન્ય સર્જકો પણ છે. કવિતા તેમજ ગીત-કાવ્યના પ્રકારમાં, આમ તો, જનપ્રિય કવિ જીવનાનંદ દાસ (૧૮૯૯-૧૯૫૪)થી માંડીને સમકાલીન કવિ જય ગોસ્વામી (૧૯૫૪-) સુધીમાં ઘણા બીજા વિખ્યાત કવિઓ થયેલા છે – જેમકે, સુભાષ મુખોપાધ્યાય, સુનીલ ગંગોપાધ્યાય, શક્તિ ચટ્ટોપાધ્યાય, નવનીતા દેવ સેન, કવિતા સિંહ વગેરે.
પણ આ ઉપરાંત એવા મહાનાતિમહાન કવિઓ છે, જે “ પૉન્ચો-કોબિ” (પંચ-કવિ) તરીકે પ્રસ્થાપિત છે -પૂજાય છે, એમ જ કહેવાય. એમને માટે ‘પંચ-ભાસ્વર’ અને ‘પંચ-પ્રદીપ’ જેવા શબ્દ-પ્રયોગ પણ મેં જોયા છે. આહા, શું સ્નેહ, શું સન્માન. આમાં શરૂઆતે તો રવીન્દ્રનાથ જ હોય, પણ પછી આવે કાઝી નજરુલ ઈસ્લામ. ને અન્ય તે અતુલપ્રસાદ સેન, દ્વિજેન્દ્રલાલ રૉય, અને રજનીકાન્ત સેન. દરેક પોતપોતાની વિશિષ્ટ ગીત-અનુભૂતિને માટે જાણીતા છે. દરેકની જન્મ-મૃત્યુની તારિખો પણ ગાન-સન્માન પામતી જ હોય. આવાં અનુષ્ઠાન દરમ્યાન શું કવિત્વમય અને ભાવસભર ભાષા પ્રયોજાય – સંલાચન કરનાર દ્વારા, તેમજ સર્વ ગાયકો દ્વારા પણ.

રવીન્દ્રનાથ (૧૮૬૧-૧૯૪૧) તો પ્રખર સાહિત્ય-સૂર્ય છે. સાહિત્ય અને કળાના દરેક પ્રકારમાં એમનું પ્રદાન તેજસભર છે. છતાં, કેવળ એમનાં ગીતો તેમજ ગીત-નાટ્ય દ્વારા એ સંપૂર્ણ સમાજના માનસ પર આજે પણ છવાયેલા છે. કોઈ પણ ગાયક રવીન્દ્ર-સંગીતથી કાર્યક્રમ શરૂ ના કરે તો હજી પણ આશ્ચર્ય થતું હોય છે. ઉપરાંત, કનિકા બેનરજી જેવાં વિખ્યાત તેમજ સમાજનાં અતિસ્નેહભાજન ગાયિકાને તો અન્ય પ્રકારો ગાવા દેવામાં જ નહતા આવ્યા, એમ કહી શકાય.
આ પછી તરત કાઝી નજરુલ ઈસ્લામ (૧૮૯૯-૧૯૭૬)નું નામ લેવાતું હોય છે. એમણે રવીન્દ્રનાથથી પણ વધારે ગીતો લખ્યાં – પ્રેમ, દેશભક્તિ, આધ્યાત્મિક અનુભવ જેવા જુદા જુદા વિષયો પર, અને વળી ગાન, ગઝલ, કીર્તન, ભજન જેવા જુદા જુદા પ્રકારો પણ સર્જ્યા. એમનું જીવન ઘણા આર્થિક સંઘર્ષમાં વીત્યું, હંમેશાં એ મહાકવિના ઓછાયામાં જ રહ્યા, પણ તોયે એમનું બહુ આગવું સ્થાન છે લોક-હૃદયમાં. બંગાળમાં એ સ્નેહ ને સન્માનથી જરા પણ વંચિત નથી, અને બાઁગ્લાદેશમાં તો એ રાષ્ટ્રકવિનું સ્થાન ધરાવે છે. એમનું પ્રદાન “નજરુલ-ગીતિ” તરીકે વિખ્યાત થયેલું છે. એમની શૈલીની ખાસ બાબત એ છે કે એમનાં ગીતોમાં બંગાળી તેમજ ઉર્દુ ભાષાના શબ્દો સાથોસાથ રહેલા હોય છે, ને તેથી એમાં એક અનન્ય મીઠાશ અનુભવાતી હોય છે ઃ “બિરહના મારા ગુલ-બાગમાં ભૂલમાં આજે શું બકુલ ખીલી આવ્યાં છે? અબૅલાય (અસમયે) કુંજવિથિની મંજરી પર શું બુલબુલ આવી બેઠું છે?”
એક નોંધનીય બાબત એ છે કે રવીન્દ્રનાથ કૃષ્ણ-ગીત લખે છે અવશ્ય, ને એમાં જમુનાતીર, વાંસળી જેવા પ્રતીક-શબ્દો જરૂર આવે, પણ નામ ના આવે; જ્યારે કાઝી નજરુલ તીવ્ર સંવેદનસભર ભક્તિ-ગીત લખે છે, ને નામ પણ લે છે. જેમકે, “ઓ કાળી જમુના, મને કહે કે ક્યાં છે ઘૉનૉશૅમ (ઘનશ્યામ), મારો ક્રિશૉનો ઘૉનૉશૅમ.” ફિરોઝા બેગમ જેવાં અસાધારણ નજરુલ-ગાયિકાના સ્વરમાં ગવાતાં આવાં ગીત ભક્તિ-ભાવમાં આંખો ભીની કરી દે છે.
અતુલપ્રસાદ સેન (૧૮૭૧-૧૯૩૪) કવિ, ગીતકાર અને સૂરકાર તો હતા જ, ને સાથે વકીલ પણ હતા. થોડા સમય માટે એ લંડન ગયેલા, ને પછી લખનૌમાં સ્થાયી થયેલા. કૉર્ટમાં કેસ સાચવવાની સાથે એમણે પ્રકૃતિ, સ્વદેશ, માનવજીવન, દેવ-ઈશ્વર, પ્રેમ, વિરહ વગેરે વિવિધ વિષયો પર રાગ-આધારિત ગીતો લખ્યાં છે. ઉપરાંત, વૈષ્ણવી ગીત અને સાગર સંગીત કહેવાતી કૃતિઓ લખી. એ ઉર્દુ અને પર્શિયન પણ જાણતા, અને એમણે બંગાળી ગીત-સંગીતના ક્શેત્રમાં ઠુમરી અને ગઝલનો પણ પ્રવેશ કરાવ્યો. કાજી નજરુલ ઉપરાંત બીજા અનેક કવિઓના લેખન પર એમની પ્રતિભાની અસર પડી હતી.. એમનું સમગ્ર પ્રદાન “અતુલપ્રસાદનાં ગાન” તરીકે ઓળખાય છે.
એમની પત્નીની સાથે અત્યંત મનદુઃખ હોવાથી એમણે પ્રેમ-ભંગનાં ઘણાં ગીતો લખ્યાં – “મારાં ગાનની એકાકી નાવને મેં છોડી દીધી નયન-જળમાં.” વળી, સ્વદેશ-ભક્તિને લગતાં લોક-પ્રોત્સાહન માટેનાં ગીતો પણ ખૂબ પ્રચલિત થયેલાં. બંગાળમાં નવ-જાગૃતિનો એ સમય હતો, અને અતુલપ્રસાદની સાથે અન્ય કવિઓ પણ પ્રેરણારૂપ બનેલા.
એમાંના બીજા એક કવિ તે દ્વિજેન્દ્રલાલ રૉય (૧૮૬૩-૧૯૧૩). એમનો જન્મ શ્રીમંત કુટુંબમાં થયેલો, પણ એ કૃષિ-વર્ગ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા. એમ.એ.ના અભ્યાસ પછી શિષ્યવૃત્તિ મેળવી એ કૃષિ-વિગ્નાન વિષે ભણવા ઇંગ્લંડ ગયેલા. ત્યાં અતુલપ્રસાદ, સરોજિની નાયડુ, હરેન્દ્રનાથ જેવાં ઘણાં ભારતીય સાથે મળવાનું થતું રહેતું. એ પોતે ડિ.ઍલ.રૉય તરીકે ઓળખાતા આવ્યા છે. એ કવિ અને ગીતકાર ઉપરાંત નાટ્યકાર હતા. એમણે હિન્દુ ધર્મકથાઓ અને દેશના ઇતિહાસને લઈને નાટકો લખેલાં. એમણે પાંચસોથી વધારે કાવ્યો લખેલાં, અને એ “દ્વિજેન્દ્ર-ગીતિ” ના પ્રકાર તરીકે જાણીતાં છે.
નવ-જાગૃતિના જુવાળમાં એમણે દેશ-ભક્તિનાં ઘણાં હૃદયસ્પર્શી ગીતો લખેલાં. અત્યંત જાણીતું એક ગીત છે – “ધન ધાન્ય પુષ્પોથી ભરેલી આપણી આ વસુંધરા છે. એ સ્વપ્નો વડે તૈયાર થયેલી છે, સ્મૃતિ દ્વારા ઘેરાયેલી છે. આવો દેશ ક્યાંયે તમે શોધી કાઢી શકશો કે? સકલ દેશોની રાણી તે છે મારી (આપણી) જન્મભૂમિ.” દેશ-ભક્તિનું આ ગાન કોઈ પણ દેવ-ભક્તિના ગીતથી ઓછું અસરકારક નથી.
આ ગીત હરેન્દ્રનાથનાં પુત્રી ક્રિષ્ણા ચટ્ટોપાધ્યાયના કંઠે સાંભળેલું. એ ડિ.એલ.રૉય, અતુલપ્રસાદ અને રજનીકાન્તનાં ગાન ગાવા માટે વિખ્યાત બનેલાં, અને આ કવિઓનાં સ્વદેશ તેમજ ભક્તિ-ગીતો ભાવપૂર્વક ગાતાં. એમની પાસેથી ક્યારેક જ રવીન્દ્ર-સંગીત સાંભળવા મળતું.
આ સન્માનસ્મરિત કવિવૃંદમાંના અન્ય એક તે રજનીકાન્ત સેન (૧૮૬૫-૧૯૧૦). એ પણ કવિ, ગીતકાર, સૂરકાર હતા, તેમજ વકીલ પણ હતા. એ “કાન્તકવિ” તરીકે ઓળખાય છે, અને એમનાં ગીતો “કાન્ત-ગીતિ” નો પ્રકાર કહેવાય છે. એમની કૃતિઓનું વર્ગીકરણ ભક્તિમૂલક, દેશાત્મબોધક, માનવધર્મી, હાસ્યરસાત્મક (કટાક્શલક્શી) તરીકે થાય છે. કૉલૅજ-કાળ દરમ્યાન એ પ્રસંગ પ્રમાણે તત્કાળ કાવ્ય લખી આપી શકતા. એમનાં બહેન પણ એ સમયે જાણીતાં કવયિત્રી ગણાતાં. રજનીકાન્તે એક પુત્રને ગુમાવ્યા પછી એ દુઃખી ઘણા થયેલા, પણ ઈશ્વર પરની શ્રદ્ધા ક્યારેય ગુમાવી નહતી. એમનાં સ્વદેશ-ભક્તિનાં કેટલાંક ગીતો ખૂબ જ પ્રશંસા પામેલાં, જાહેરમાં જોરશોરથી ગવાતાં, અને જનતાને પ્રોત્સાહિત કરવામાં સફળ બનેલાં. જેમકે, “ હા, આપણે ખૂબ ગરીબ છીએ, સાવ સાધારણ છીએ, છતાં આપણે સાત કરોડ એકસાથે છીએ; ભાઈઓ, ઊઠો.”
આ પાંચેય કવિઓ એકમેકને ઓળખતા, સ્વદેશી માલ માટેની ચળવળની તરફેણમાં તથા બંગાળને વિભાજિત કરવા વિરુદ્ધે સરખેસરખો મત ધરાવતા, અને એ માટે કાવ્યો લખતા રહેતા. આ બધાની કૃતિઓ એ સમયનાં સામયિકોમાં પ્રગટ થતી, અને દરેકના કાવ્ય-સંગ્રહો પણ પ્રકાશિત થયેલા. આ પાંચેય કવિઓએ લખેલાં સાહિત્યિક સંગીતમય ગીતો અનેક બંગાળી સિનેમામાં પણ સ્થાન પામ્યાં છે. પશ્ચિમ બંગાળના આ પાંચ અપ્રતિમ શબ્દ-સૂર-પ્રદીપનાં સર્જન તેમજ વ્યક્તિત્વ-પ્રતિભા આજે પણ બંગાળી સમાજમાં સ્નેહ અને સન્માન પામતાં રહે છે.
કોઈ પણ કવિને માટે સૌથી ઊંડો સંતોષ આ જ છે, કે પોતાનું કામ લોક-હૃદયમાં કાયમ માટે સ્થાન પામે, પ્રચલિત ને પ્રિય બનીને રહે, અને ગેય-સ્વરૂપે સદાકાળ આખા સમાજના સામુહિક સ્મરણમાં વસી રહે.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
