વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

 • નવજીવન

  દુર્ગેશ ઓઝા.

   રમેશ તો નવાઈમા ડૂબી ગયો. ઓરડામાં ચારે બાજુ કરોળિયાનાં ચિત્રો, રંગોની ડબ્બીઓ, કેનવાસ, કાગળના થપ્પા, ને એની અંદર ખૂંપેલા પપ્પા! પપ્પાનું આવું રૂપ આ પહેલાં એણે ક્યારેય નહોતું જોયું. અચાનક રમેશની નજર મોટા રંગબેરંગી મથાળાવાળા કાગળ પર પડી, જેમાં એક વાર્તા લખેલી હતી, જેને એ રસપૂર્વક વાંચવા લાગ્યો.

  ‘એક હતી કોયલ. તે એક વાર માંદી પડી. તેને ખબર પડી કે તેનો અવાજ થોડા દી’ પૂરતો બેસી જશે. એની ખબર કાઢનારા કહે,  ‘અ ર ર ર, તારો અવાજ બેસી જ્શે? હાય હાય…હવે તારી જિંદગી!’

  કોયલ કહે, ’ભલે અવાજ બેસી જતો. એ પાછો ઊભો થઈ જશે.. બે-ચાર દી’ અવાજ ચાલ્યો જાય એમાં કાંઈ આખું જીવન નકામું નહીં થઇ જાય, કાગડાકાકા! હું કાંઈ એમ હિંમત હારું એવી નથી. અવાજ બેસી ગયો એટલે એવું સમજો કે દસમા-બારમાં ધોરણની પરીક્ષાનું પેપર નબળું ગયું, કાં  એમાં નાપાસ થયા, બસ એટલું જ.. તમે ખાલી ચોપડીની પરીક્ષામાં જ હારી ગયા, પરંતુ, પરીક્ષા પૂરી એટલે તમારું સાવ પૂરું થઇ ગયું એવું નથી. તમારી સામે આખી જિંદગી પડી છે. હજી ઘણી બધી તકો, પ્રવૃતિઓ છે.

  કાળઝાળ ગરમીમાં એક વખત પાક સાવ બળી જાય તો ધરતી કાયમને માટે સૂકીભઠ્ઠ થઈ નથી જતી, વાંદરાભાઇ! એ એમ નથી વિચારતી કે ‘આપણી જિંદગી ખતમ.’ પાક ખાલી એક જ વાર બગડ્યો છે, પણ ફરી એ જ જમીનમાં વાવશો તો પાછું ઊગશે, એટલું જ નહીં, ચોતરફ અનેરી હરિયાળી લહેરાઈ ઊઠશે, કારણ કે નબળો પાક એ સમજો માત્ર એક પરીક્ષા કે તેનું પેપર છે, તે આખા જીવનનો સાર કે તેનું માપ નથી. અભી તો પિક્ચર બાકી હૈ મેરે દોસ્ત. ’કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય, તૂટે ઘર તો પાછું નવું બનાવતો જાય.’ એટલે હું નિરાશ થઈ આપઘાતના નબળા વિચાર નહીં કરું.’ ને કોયલ; ખરેખર થોડા દિવસ પછી ફરી એ જ મસ્તીમાં ટહુકવા લાગી ને બીજાનેય ખુશ કરી સાચો રસ્તો બતાવી ગઈ..

  ….ને એ રંગબેરંગી કાગળ શોધવા જેવી હિંમતલાલે પાછળ નજર ફેરવી કે તરત જ…’લે તું ક્યારે રૂમની અંદર ઘૂસી ગયો દીકરા!? અચ્છા, તો એ કાગળ તારા હાથમાં છે એમ! કેવી લાગી વાર્તા?’

  ‘સરસ છે પપ્પા.’ રમેશ થોડું મલક્યો ને પપ્પા બોલ્યા, ‘તને નવાઈ લાગે છે ને કે આ બધું..!! એક પુસ્તકે મને જગાડ્યો જેમાં લખેલું કે ‘તમે જીવનમાં ક્યારેય ન કર્યું હોય એવું સારું, કંઇક નવું. અનોખું કરી બતાવો.’ બેટા, નાનો હતો ને ત્યારે હું સરસ ચિત્રો દોરતો,

  પણ છેલ્લાં વીસ વરસથી ધંધા, નફા, પૈસા.. વગેરેની હાયવોયમાં હું બધું ભૂલી ગયો હતો, પરંતુ આજ મેં નક્કી કર્યું કે આજકાલ વિદ્યાર્થી નબળા પેપર કે પરિણામથી નાસીપાસ થઈ જીવનનો અંત આણવા સુધી પહોંચી જાય છે, તે ન થાય ને તે ફરી પડકાર ઝીલી લઈ નવી આશા ને શ્રદ્ધા સાથે બેઠો થાય એવું કાંઇક કરું. ને દીકરા સાચું કહું? આ વાંચીને વિદ્યાર્થી વગેરેને તો મળશે જ, પણ મને તો અત્યારે જ નવજીવન મળી ગયું. જો આ ચિત્રો.’ પહેલું ચિત્ર કરોળિયો ચડે એવું, બીજું તે નીચે પડે તેનું ને ત્રીજું તે ફરી ઉપર ચડી અંતે ઘર બનાવવામાં સફળ થાય એ પ્રકારનું હતું. રમેશે ચિત્રો જોયાં ને પછી તે ઘરની બહાર નીકળ્યો..

  .દીકરો મોડી સાંજે ઘેર પાછો આવ્યો ને પપ્પાને વળગી રડવા લાગ્યો. પછી થોડું સ્વસ્થ થતા એ બોલ્યો, ’પપ્પા, સવારે જ્યારે હું તમને મળવા આવ્યો’તો ત્યારે અમારી પરીક્ષા પૂરી થતાં જ હું કાંકરિયા તળાવની પાળે ફરવા જવાની રજા લેવા આવ્યો’તો. પણ સાચું કહું? હું કાયમ માટે તમારી રજા લેવા આવ્યો’તો. હું ત્યાંથી પાછો નહોતો આવવાનો, પણ તમારી વાર્તા, ચિત્રો વગેરે જોઈ હું ઘેર પાછો ફર્યો છું. બધાં માબાપ તમારાં જેવાં હોય જે મિત્ર બની સાચું વહાલ કરે, ખોટું દબાણ ન કરે તો જીવવાની મઝા આવે. થેંક્યુ પપ્પા.’

  થોડીવાર સાવ શાંતિ છવાઈ ગઈ. ને પછી પપ્પા ગળગળા સાદે કહી રહ્યા, ’બેટા, એવા અનેક લોકો છે જે ભણવામાં સાવ ‘’ઢ’’ હતા, છતાં સફળ થયા છે. પરીક્ષા મહત્વની છે, જે દિલ દઈ પૂરી મહેનત કરી આપો, પણ એની જ ફૂટપટ્ટીથી તમારી કુશળતાને ન માપો. ને ખાલી અભ્યાસક્રમના ચોપડા જ ન વાંચો. બીજું પણ વાંચો. થોડું નાચો-ગાઓ, હરો-ફરો તો ટેન્શન જાશે, આનંદ આવશે, ને ઊલટું વધુ યાદ રહેશે. પરીક્ષા એ જીવનની છેલ્લી તક નથી. એની બહાર પણ એક સુંદર જીવન છે. સચીન તેંડુલકર ઝીરોમાં જાય તો તે કાયમ માટે ક્રિકેટ છોડી નથી દેતો. ફરી હિંમત બતાવી બીજા મેચમાં સદી ફટકારે છે.  ઝીરોમાંથી હીરો બની જાય છે. હારો ભલે, પણ હિંમત ન હારો. બેટા, તું આ પરીક્ષામાં ભલે કદાચ ઓછા ગુણ મેળવ કે નાપાસ થા, પણ જીવનની પરીક્ષામાં તો તું ફર્સ્ટ-ક્લાસ પાસ થયો છે. અભિનંદન. આ સદગુણનું મૂલ્ય પેલી પરીક્ષાના ગુણ કરતાંય ક્યાંય વધુ છે. ચાલ, એના માનમાં થોડો મસ્ત ડાન્સ થઈ જાય.’

  ને પિતા-પુત્ર બંને ખુશીમાં નાચવા લાગ્યા. બંનેને કશુંક અનોખું પ્રાપ્ત થયું હતું.

  ૦ ૦ ૦ – – – ૦ ૦ ૦

  સંપર્ક: દુર્ગેશ ઓઝા. પોરબંદર.  ૐ. મો. ૯૮૯૮૧૬૪૯૮૮  ઈ –મેઈલ: durgeshoza@yahoo.co.in

 • કમ્માલનો માણસ છે, આ !

  વલીભાઈ મુસા 

  “ફૂટવેરનો જ દાખલો લ્યો ને ! કોઈ શોરૂમમાં રેક ઉપર બોક્ષમાં પેક થયેલાં મૂલ્ય, ગુણવત્તા અને વિવિધ પ્રકારો ધરાવતાં જૂતાં આપણને કેવાં ધ્યાનાકર્ષક લાગે! મીઠડાં સેલ્સમેન કે સેલ્સવિમેન  એમનાં ધંધાકીય કૌશલ્યો વડે આપણને એવાં હિપ્નોટાઈઝ્ડ કરી દે કે આપણે સ્લીપર્સ લેવા ગયાં હોઈએ અને બુટ ખરીદી લઈએ; સસ્તું લેવાનો ઈરાદો હોય અને મોઘુંદાટ લઈ બેસીએ; ઉંમરને શોભે તેવું લેવાના બદલે કોલેજિયનોની પસંદ એ આપણી પસંદ બની જાય! એ લોકોએ એમની ધંધાકીય પ્રિમાઈસિઝમાં જાણે કે એવાં અદૃશ્ય જામર (Jammer) લગાવી દીધાં હોય કે ગ્રાહકોની વિચારશક્તિ માત્ર નિષ્ક્રીય જ નહિ, બુઠ્ઠી પણ  બની જાય! દિવ્ય દૃષ્ટિ ધરાવતાં એ સેલ્સ પર્સન્સ આપણા વૉલેટમાંની કરન્સી ગણી લે, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ જોઈ આવે અને આપણને આપણા કદ પ્રમાણે વેતરવાની પેરવી કરી લે. ખિસ્સાકાતરુઓ અને એ લોકોમાં જો ફરક હોય તો માત્ર એટલો જ કે પેલા ખિસ્સાકાતરુઓની કાતર કે બ્લેડ આપણાં ખિસ્સાં તરફ લંબાય, જ્યારે આ લોકોની કાતરો કે બ્લેડો એમના હાથમાં જ રહે અને આપણાં ખિસ્સાં સામેથી કપાવા એમની તરફ લંબાય! આવું જ આપણને….”

  પ્રિયાએ આકાશને અધવચ્ચે અટકાવતાં કહ્યું, ‘મનમાં વાંચો ને, પ્લીઝ! આખા દિવસ દરમિયાન ઘરકામના ઢસરડા ખેંચી ખેંચીને થાકીને લોથપોથ થયાં હોઈએ અને તમે તો જુઓ ને ઊંઘવાય નથી દેતા!’

  પતિ મહાશય મિ. આકાશ કમ્પ્યુટર ઉપર થોડું થોડું કંઈક લખતા જાય અને વચ્ચે વચ્ચે સહેજ મોટા અવાજે વાંચતા જાય. આ એમની હમણાંની રોજિંદી આદત બની ગઈ હતી.

  ‘મનમાં વાંચવામાં અને મોટા અવાજે વાંચવામાં ફરક છે, ડાર્લિંગ! પણ એ તને નહિ સમજાય. મહાન માણસોની સફળતા પાછળ સ્ત્રીઓનો હાથ હોય છે એમ જે કહેવાય છે એ મને લાગુ નહિ પડે. મને જો લાગુ પડે તો એ પડે કે મહાન થવા મથતા માણસોની નિષ્ફળતા પાછળ સ્ત્રીઓની જીભ હોય છે!’

  ‘મહાન માણસ થવા માટે તમને બીજું કોઈ ક્ષેત્ર ન મળ્યું અને જિંદગીભર ભૂખડીબારશ રહેવા માટેનું આ લેખક થવાનું ક્ષેત્ર જ મળ્યું? હું મેટ્રિક સુધી ભણેલી છું એટલે મને એટલી ખબર તો પડે છે કે ફિલ્મની સ્ક્રીપ્ટ કેવી હોય! હમણાં બોક્સઑફિસ ઉપર ટંકશાળ પાડી ચુકેલી બેચાર ફિલ્મો જોઈને તમે ફિલ્મ માટેની સ્ટોરી લખવાની ઘેલછામાં પડી ગયા છો. તમે દિવાસ્વપ્ન જોઈ રહ્યા છો કે કોણ જાણે કેટલાય ફિલ્મ પ્રૉડ્યુસર્સ આપણા ઘર આગળ લાઈન લગાવીને ઊભા રહેશે અને તમારી સ્ટોરી માટે પડાપડી કરશે! અરે ભલા,  તમારું નામ આકાશ છે, એનો મતલબ એ તો ન જ હોય ને કે એ સમગ્ર આકાશ તમારું  થઈ ગયું અને બસ તેમાં તમે એકલા જ ઊડ્યા કરો. ભલે આકાશમાં ઊંચે ઊડ્યે જાઓ, પણ ક્યારેક તો ધરતી ઉપર ઉતરાણ કરવું જોઈશે ને! હવે હું પૂછું તેનો મને સાચો જવાબ આપો કે હાલ તમે મોટા અવાજે જે વાંચ્યું, તે તમને કોઈ ફિલ્મી સ્ટોરી જેવું લાગે છે? મને તો હાઈસ્કૂલ કે વધારેમાં વધારે કોલેજ કક્ષાનો કોઈ નિબંધ જ હોય તેવું જણાઈ આવે છે!’

  ‘એક્ઝેટલી નિબંધ જ તો! અરે ગાંડી, આ તો નેટપ્રેક્ટિસ કહેવાય! હવે, ચાલ ઊંઘી જા અને હું મનમાં વાંચીશ, બસ! આપણા બજેટમાં ન હોવા છતાં આ ઈમ્પોર્ટેડ જાદુઈ સેન્સર ટેબલ લેમ્પ એટલા માટે વસાવ્યો છે કે ટ્યુબલાઈટનાં અજવાળાં તને ઊંઘવામાં વિઘ્નરૂપ ન બને. હવે તું સૂવા પહેલાં મારી એક ભીષ્મપ્રતિજ્ઞા સાંભળી લે કે હું સાહિત્યજગતને વધારે નહિ તો ઓછામાં ઓછી એક નવલકથા તો એવી આપીશ કે જે બેસ્ટસેલર બની રહેશે, દુનિયાની અસંખ્ય ભાષાઓમાં એના અનુવાદ થશે, દુનિયાભરની ભાષાઓમાં એની ફિલ્મો બનશે, સિરિયલો બનશે, મારા ઈન્ટરવ્યૂ લેવાશે, મારી મુલાકાત માટેની એપોઈન્ટમેન્ટ એમને મહિનાઓ પછી મળશે, મારા સેક્રેટરી એના ચીફ સેક્રેટરીને પૂછીને જ  એ તારીખો આપશે અને એ ચીફ સેક્રેટરી તું જ હશે. તું પણ આપણી ફેમિલી લાઈફને જ પ્રાધાન્ય આપશે, પછી ભલે ને એ ગમે તેવો મોટો સમારંભ હોય કે પછી લાખોકરોડો રૂપિયાનો કોપીરાઈટનો કોઈ સોદો હોય!’

  ‘મહાશય, આ બધું એકી શ્વાસે જે બોલી ગયા એ પહેલાંની મારી વાસ્તવિક વાતની યાદ અપાવું તો ખરે જ હવે તમે આકાશથી નીચે ધરતીમાતાની ગોદમાં આવી જાઓ, તમારી નેટપ્રેક્ટીસ ચાલુ રાખો અને મને ઊંઘવા દો; નહિ તો અહીંથી સૂતીસૂતી તાળી વગાડીને તમારા સેન્સર ટેબલ લેમ્પને સ્વીચ ઓફ કર્યે જ જઈશ અને તમને કામ કરવા નહિ દઉં, સમજ્યા?’

  ‘ના, ના. એમ કરીશ નહિ, પ્લીઝ. લખવાનો બરાબરનો મુડ જામ્યો છે. ઓ.કે, ઓ.કે.; ગુડ નાઈટ, પ્રિયે!’

  પરંતુ પ્રિયાની ઊંઘ જામી નહિ. તે કરવટો બદલતી રહી અને વિચારોના ચગડોળે ચઢી. અન્ડર ગ્રેજ્યુએટ આકાશ ગંજબજારમાં મુનીમજી તરીકેની ખાનગી નોકરી દ્વારા જે વેતન લાવતો તેમાંથી માંડ ઘર નભતું હતું. શેઠે પેઢીમાં નવીન કમ્પ્યુટર વસાવતાં આકાશની વિનંતીને ગ્રાહ્ય રાખીને જૂનું કમ્પ્યુટર તેને ભેટ તરીકે આપ્યું હતું. આકાશે એ આશાએ કમ્પ્યુટરની માગણી કરી હતી કે કોઈ નાના વેપારીઓનાં નામાં લખવાનાં મળી જાય તો કાળઝાળ મોંઘવારી સામે ટકી રહેવા કંઈક પૂરક આવક મળી રહે. એણે નામાં મેળવવા માટે તપાસ તો ચલાવી હશે, પણ કોઈ કામ ન મળતાં છેવટે કંઈક સર્જનાત્મક સાહિત્ય લખવાના રવાડે તે ચઢી ગયો હતો. રજાના દિવસે અને મોડી રાત સુધી કંઈક લખવાનું વળગણ એને ‘પી.કે.’ અને ‘બજરંગી ભાઈજાન’ જેવી ફિલ્મો જોયા પછી લાગ્યું હતું. પ્રિયા માનતી હતી કે એમના જેવાં મધ્યમવર્ગી લોકોએ પોતાની આર્થિક ભીંસને ભૂલવા ચિત્તને ક્યાંક પરોવાયેલું રાખવું જોઈએ, નહિ તો હતાશા એમને ઘેરી વળે. દારૂ અને જુગાર જેવાં અનિષ્ટોનું ઉદ્ભવસ્થાન આ ગરીબી જ હોય છે ને ! એવી બદીઓમાં ફસાવા કરતાં કમ્પ્યુટર સાથેનો આકાશનો લગાવ સલામત તો ખરો! હાલ ભલે એ દિવાસ્વપ્નોમાં રાચતો લાગે, પણ ભાવીના ગર્ભમાં શું પડેલું હોય છે તે કોણ જાણી શક્યું છે? એ ભલે નવોદિત છતાંય સાહિત્યકાર તો છે જ. કોઈકવાર સામયિકોમાં એની વાર્તાઓ છપાય છે પણ ખરી. એ વાર્તાઓ છપાય ત્યારે એના ચહેરા ઉપર કેવો આનંદ છવાઈ જતો હોય છે! પુરસ્કારરૂપે મળતી સોબસો રૂપિયાની નાની રકમ પણ કેવી મોટી લાગતી હોય છે અને ઘરમાં કોઈક બજેટમાં ન આવી શકતી ચીજવસ્તુ કેવી આસાનીથી ખરીદાઈ જાય છે! આવા વિચારોમાં પ્રિયા ક્યારે નિદ્રાધીન થઈ ગઈ તેની એને ખબરસુદ્ધાં ન રહી અને સવાર પડી ગઈ.

  પ્રિયાની આંખ ખૂલતાં જ એણે જોયું તો આકાશ કીબૉર્ડને મોનિટર તરફ ખસેડીને ટેબલના છેડા ઉપરની ખાલી જગ્યા ઉપર માથું ટેકવીને નસકોરાં બોલાવતો ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. ટેબલ લેમ્પ ચાલુ જ હતો. એ સહસા સ્વગત બોલી ઊઠી, ‘હાય રામ, આ તે કઈ માટીનો બનેલો માણસ છે! આજે રવિવાર છે, એટલે આખી રાત કામ કર્યું લાગે છે! લાવ, એને જગાડીને પથારીમાં સૂવા જણાવું.’

  પ્રિયા જેવી આકાશની નજીક ગઈ, ત્યાં તો તેના આશ્ચર્ય વચ્ચે એણે જાણી લીધું કે આકાશ જાગતો જ ઊંઘી રહ્યો હતો અને બનાવટી નસકોરાં બોલાવી રહ્યો હતો. એ એની એ જ સ્થિતિમાં પોતાના માથાને ટેકવી રાખીને પ્રિયાની કમરે હાથ વીંટાળતો બોલી પડ્યો હતો, ‘પ્રિયે, તને સરપ્રાઈઝ આપું તો મેં મારી પહેલી નવલકથા હમણાં અડધાએક કલાક પહેલાં જ પૂર્ણ કરી દીધી છે. એ મેં તને અર્પણ કરી છે, એ જ પ્રચલિત વિધાન સાથે કે મારી આ સફળતા પાછળ તારો જ હાથ છે અને એ પણ નકારાત્મક!’

  ‘સાચે જ! મારા માન્યામાં આવતું નથી, ખાઓ મારા સમ! અને મારો નકારાત્મક હાથ? તમે તો મને બદનામ કરી દેશો!’

  “તારા નકારાત્મક વલણે જ તો મને આ નવલકથા લખવા પ્રેર્યો છે! તું મારા આ કાર્ય અંગે જેટલું વધારે નકારાત્મક બોલતી હતી, તેટલો જ હું વધારે ને વધારે પોરસાતો જતો હતો અને તને મારી સિદ્ધિ બતાવવાની મારી ધગશ વધતી જતી હતી. જો કમ્પ્યુટર સ્ક્રીન ઉપર નવલકથાનું કવર પેજ મૂકી રાખ્યું છે. બસ, તારી જાગવાની રાહ જ જોઈ રહ્યો હતો.’ આમ કહેતાં આકાશે માઉસ હલાવ્યું અને સ્ક્રીન ઉપર નવલકથાનું આકર્ષક શીર્ષક વંચાયું : ‘આકાશદીપ’”

  ‘ઓ મારા આકાશ, આ તો તમે ગજબ કર્યો! હવે મારા સવાલોના જલ્દીજલ્દી જવાબ આપો તો જ હું પૂરેપૂરો વિશ્વાસ કરું કે આ દિવાસ્વપ્ન તો નથી જ, નથી.’ આમ કહેતાં પ્રિયા હરખઘેલી બનીને આકાશનું માથું પંપાળવા લાગી.

  ‘બોલ પૂછી નાખ, એકીસાથે બધા સવાલો અને હું બધાયનો જવાબ આપીશ.’

  ‘શેઠજી પાસેથી કમ્પ્યુટર મેળવવા માટે નામાં લખવાનું બહાનું જ માત્ર હતું? કમ્પ્યુટર આવ્યે માંડ એકાદ મહિનો થયો હશે અને પહેલા જ દિવસથી આ નવલકથા લખવી શરૂ કરી હતી? રાત્રે સૂવા પહેલાં પેલો નિબંધ જેવો ફકરો વાંચી સંભળાવ્યો હતો એ શું હતું? અને છેલ્લો સવાલ કે આટલા ટૂંકા ગાળામાં અને એ પણ રોજ લગભગ અડધી રાત સુધી તથા ચારેક રવિવારના આખા દિવસના કાર્યકાળમાં જ કેવી રીતે આ બન્યું?’

  ‘તારા પહેલા સવાલનો જવાબ એ કે તને લાગે છે કે હું શેઠજીને કમ્પ્યુટર ઉપર નામાં લખવાનું ખોટું કારણ આપું? મેં પ્રયત્નો કરી જોયા હતા, પણ એવાં નામાં લખવા મને મળ્યાં ન હતાં. અને હા, પહેલા જ દિવસથી મેં નવલકથા આરંભી દીધી હતી. રાત્રે તને વાંચી સંભળાવેલો ફકરો એ મારા છેલ્લા પ્રકરણના ભાગરૂપ જ હતો. હું આખી રાત હાલ પૂરતો ઈ બુક બનાવવાના કામમાં લાગ્યો રહ્યો હતો. તારા છેલ્લા પ્રશ્ન ટૂંકા ગાળામાં આખી નવલકથા લખાઈ જવાનો જવાબ એ કે બસોએક કલાક કંઈ ઓછા કહેવાય? આ ઉપરાંતનું એક રહસ્ય છે જે રહસ્ય જ રહે તો સારું. એ ન પૂછે તો તારો મોટો ઉપકાર સમજીશ.’

  ‘એ રહસ્ય જાણવાનો મારો અધિકાર નહિ? સપ્તપદીનાં વચનોની યાદ અપાવવી પડશે કે શું? પતિપત્ની વચ્ચે ખાનગી જેવું કંઈ હોય ખરું?’

  ‘ડાર્લીંગ, એ ધંધાકીય ગુપ્તતા (Trade Secrecy) કહેવાય. એ રહસ્ય છતું થઈ જાય તો સાહિત્યકૃતિની બધી મજા જ મારી જાય!’

  ‘તમને એમ લાગે છે કે અમે સ્ત્રીઓ ખાનગી કોઈ વાતને હજમ ન કરી શકીએ? મને પણ તમે એવી નાના પેટવાળી સ્ત્રી સમજો છો?’

  ‘ના, બિલકુલ નહિ. તું તો મારી રહસ્યમંત્રી છે! તો લે કહી જ દઉં કે એ તો ગૂગલ મહારાજનો સથવારો અને કોપી-પેસ્ટની કમાલ!’

  ‘એ શું વળી?’

  ‘એ પછી સમજાવીશ. હાલ તો ગરમાગરમ ચા અને થોડોક નાસ્તો થઈ જાય. ત્યાર પછી એક ટૂંકી ઊંઘ ખેંચી લઉં અને પછી તું શિષ્યા બનીને પલાંઠી વાળીને મારી સામે બેસી જજે. અડધાએક કલાકમાં તને પણ લેખિકા ન બનાવી દઉં તો મારા સમ!’

  ‘કંઈ સમજાવવાની જરૂર નથી. એમ કહો ને કે ઊઠાંતરી!’

  ‘ડાર્લીંગ, એ પણ એક કલા છે. આઘુંપાછું કરતાં આવડવું જોઈએ, નહિ તો ચોરી પકડાઈ જાય. નવલકથાનાં પ્રાકૃતિક વર્ણનો, નાયકનાયિકાનાં દેહસૌંદર્યનાં વર્ણનો, પ્રસંગોચિત વેશભૂષાઓ વગેરે જે જે જોઈએ તે સઘળું ગૂગલ મહારાજ આપી દે. જેમ કોઈ મશિનના સ્પેરપાર્ટને એસેમ્બ્લ કરવામાં આવે અને મશિન બની જાય તેમ જ તો વળી આ કામ થઈ જાય! તું મને એકલાને એ નજરે જોતી નહિ. મને તો મારી પહેલી નવલકથા લખવામાં ખાસ્સો એક મહિનો લાગ્યો. મારા વાલીડા કહેવાતા એવા પ્રૉફેશનલ લેખકો તો આઠદસ દિવસમાં એક પૉકેટબુક તૈયાર કરીને બુકસ્ટોલો ઉપર કોરિયરથી મોકલ્યે જ જાય અને બુક્સ વેચાયા પછી જ પેમેન્ટ વસુલે. ન વેચાયેલો માલ પરત અને એ પણ જાય પસ્તીમાં. કમ્પ્યુટર યુગની આ જ તો છે કમાલ!’

  પ્રિયા બાધી બનીને પોતાના પ્રિય આકાશને સાંભળતી રહી અને મનોમન બોલી પણ ખરી કે ‘કમ્માલનો માણસ છે, આ! એની એકાદ બુક પણ બેસ્ટ સેલર નીવડી, તો તો બેડો પાર!’

  * * *

  શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

  ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577

  નેટજગતનું સરનામુઃ
  William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો | હળવા મિજાજે

 • સીમાંત [૧]

  વાર્તાઃ અલકમલકની

  ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

  ફાગણ મહિનાના બદલાતી મોસમના દિવસો હતા. સવારે સાધારણ ઠંડી અને બપોર પછી દક્ષિણ તરફથી વહી આવતી ગરમ હવાથી વાતાવરણમાં ગરમી પ્રસરી જતી.

  બગીચાના એક ખૂણામાં બેઠેલા યતીનની નજર દૂર દેખાતા મેદાન અને એની બાજુના કાચા રસ્તા પરથી પસાર થતા ગાડા પર અટકી હતી. ગાડીવાળાએ ગરમીથી બચવા માથે ગમછો લપેટ્યો હતો, પણ એ ગરમીની મન પર કોઈ અસર ન હોય એમ નિરાંતે પોતાની મસ્તીમાં ગીત ગણગણતો ગાડું હંકારતો આવતો હતો.

  “કેમ યતીન, વિચારોમાં છેક પૂર્વ જન્મ સુધી પહોંચી ગયો કે શું?” પાછળથી પટલનો કોમળ સ્વર સંભળાયો.

  “કેમ એટલો હતભાગી છું કે મારી પાસે પૂર્વ જન્મ સિવાય વિચારવાનું કશું બાકી નથી?”

  “હાસ્તો, આ જન્મનું વિચારતો હોત તો ક્યારનો એક પત્ની લઈ આવ્યો હોત. આ અમારા માળી ધનેસરે પણ લગ્ન કરીને ઘર વસાવી લીધું અને હવે એની ઘરવાળી સાથે સવાર-સાંજ ઝગડા કરીને એના અસ્તિત્વની જાણ કર્યા કરે છે અને તું ,આ ખુલ્લા મેદાનોમાંથી કોઈ ચાંદનો ટુકડો પ્રગટ થવાનો હોય એમ તાકીને બેસી રહ્યો છે.” પટલે મસ્તી ચાલુ રાખી.

  “બસ હવે, એ એક બાકી રહ્યું છે, કાલે સવારે ઊઠીને જે છોકરી દેખાશે એના ગળામાં વરમાળા પહેરાવી દઈશ, હવે તો રાજી?”

  યતીન અને પટલની ઉંમરમાં માત્ર એક દિવસનો ફરક હતો. પટલ યતીન કરતાં માત્ર એક દિવસ જ મોટી હતી. પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે હોય એવું હેત હતું પણ મોટી હોવાના લીધે યતીન એને દીદી કહીને સન્માનતો નહોતો એની પટલને ભારે ખીજ હતી. પટલ હતી ગોળ-મટોળ અને પ્રસન્નવદના. ગંભીરતા તો ક્યારેય એની પ્રકૃતિમાં પ્રવેશી જ નહી. એ જ્યાં જતી ત્યાં પ્રસન્નતા પ્રસરાવતી. પટલના પતિ હરકુમાર બાબુ ડેપ્યુટી મેજીસ્ટ્રેટ હતા અને બઢતી મળતા હવે  કલકત્તાના આયકર વિભાગના ઉચ્ચ પદ પર નિમણૂક થઈ હતી. કલકત્તામાં ફેલાયેલી પ્લેગની મહામારીના ભયથી કલકત્તાના ઉપનગરમાં એમનું ઘર હતું ત્યાં રહેતા અને ત્યાંથી કલકત્તા આવ-જા કરતા. અનેકવાર એમને અન્ય ગામોની મુલાકાતે જવું પડતું. પટલને એની એકલતામાં કોઈ આત્મિય સાથે હોય એવી ઝંખના રહેતી. એ જ અરસામાં યતીન ડૉક્ટરની ડીગ્રી મળી. પટલનું નિમંત્રણ સ્વીકારીને યતીન અહીં રહેવા આવ્યો. કલકતાની અંધારી ગલીઓમાંથી નીકળીને સીધા જ આમ વનરાજી વચ્ચે આવીને રહેવાનું એને ગમ્યું.

  આમ જોવા જઈએ તો પટલ સાવ એકલી નહોતી. એની સાથે ચુનિયા તો હતી જ. જે સમયે દુકાળના, ભૂખમરાના સમયમાં અનેક લોકો ટપોટપ મરતાં હતાં એવા કપરાં સમયમાં ચુનિયાના મા-બાપ પણ આ દુકાળમાં સંસારની સઘળી ઝંઝટથી મુક્ત થઈને પ્રભુશરણ થયાં હતાં. પાછળ રહી ગઈ આ ચુનિયા. એને હરકુમાર લઈ આવ્યા હતા અને પટલે અત્યંત સ્નેહથી કાળજી લઈને ચુનિયાને બચાવી લીધી હતી. સાવ અબૂધ એવી ચુનિયા જાણે અહીં નવજીવન પામી હતી.. ૧૬ વર્ષની મૃગનયની ચુનિયા હવે આ પરિવારની સદસ્ય બની રહી. એની જાતિ વિશે કોઈ પૂછે તો પટલ કહી દેતી કે આ ઘરમાં એનો નવો જન્મ છે એ અર્થમાં એ દ્વિજ કહેવાય અને વાત ત્યાં આટોપાઈ જતી. એ દિવસે પટલના કહેવાથી યતીને ચુનિયાની તબીબી દ્રષ્ટિએ ઝીણવટભરી તપાસ કરીને એની શારીરિક અંશતઃ સ્વસ્થતા વિશે ખાતરી આપી..

  ચુનિયાનું પરિક્ષણ કર્યા પછી યતીનને એક વાત સમજાઈ ગઈ કે એની અબૂધતા એના માટે આશીર્વાદ સમાન છે. જે છોકરીએ એની નજર સામે મા-બાપને મરતાં જોયાં છે એના જીવન પર એ ઘટનાની કેવી ભયંકર છાયા અંકિત થઈ હોય? વિધાતાએ એની બુદ્ધિ પર અબૂધતાનું આવરણ નાખીને એને સુખી રાખી છે.

  યતીન તરફથી ચુનિયાની સ્વસ્થતાનું પ્રમાણપત્ર મળતાં જ પટલ પોતાના અસલ મસ્તીખોર મિજાજ પર ઉતરી આવી. એણે સીધું જ ચુનિયાને પૂછી લીધું,

  “મારો ભાઈ તને પસંદ આવ્યો? એની સાથે વિવાહ કરીશ?”

  અબૂધ ચુનિયાએ એની મૃગ જેવી ચંચળ આંખો પટપટાવીને હા શું કહી કે મસ્તીખોર પટલ ખુશ થઈ ગઈ.

  બસ પછી તો પટલે એના તોફાનોનું નિશાન ચુનિયા અને યતીનને બનાવી દીધાં એ દિવસે તો પટલે હદ કરી. ચુનિયા અચાનક કોઈ અજબ વેદનાથી પીડાઈ રહી હતી. કોઈ અગમ્ય કારણોથી એનું શરીર અકડાઈ ગયું હતું, હાથ-પગ ઠંડા પડી રહ્યા હતા. પટલ એને ગરમ તેલની માલિશ કરી રહી હતી એના હાથમાંથી ગરમ તેલ લઈને યતીને ત્વરાથી ચુનિયાના પગના તળિયાના ભાગે મસાજ કરવા માંડ્યો. ઘડીઓ પસાર થઈ રહી હતી. રાત ઢળવા આવી હતી અને યતીન હજુ માલિશ કરી રહ્યો હતો. ઘણી વારે બરફની જેમ થીજી રહેલા શરીરમાં ચેત આવ્યું, ચુનિયાએ એની મૃગ જેવી ભોળી ભોળી આંખો ખોલી. એ જોતાંની સાથે પટલની સાથે યતીનનાય જીવમાં જીવ આવ્યો. મન પરથી બોજ ઉતરતાં પટલે ચુનિયા સામે જોતા ટીખળ આદરી. “અરે પાગલ, તારી મૃગ જેવી આંખો ખોલીને તું બેઠી થાય એના માટે તો તારા વરે અડધી રાત સુધી તારા તળિયા પંપાળીને તને મનાવવા મથામણ કરી છે. ઊભી થા અને એની પવિત્ર ચરણરજ લઈને માથે ચઢાવ.”

  નાદાન ચુનિયાએ કશું સમજ્યા વગર પટલે કહ્યું એમ કર્યું.

  એ દિવસથી યતીન સાથે અવનવા ઉપદ્રવોના શ્રી ગણેશ મંડાઈ ચૂક્યા. હવે તો પટલ યતીનને કેમ કરીને સતાવવો એની તાકમાં રહેવા માંડી. ચુનિયાની સાથે ચા મોકલવાથી માંડીને યતીન જમવા બેસે ત્યાં ચુનિયાને વિંઝણો ઢોળવાનું કામ સોંપી દેતી. કશુંય સમજ્યા વગર ચુનિયા પટલ કહે એમ કરતી ગઈ. જેમ યતીન અકળાતો એમ પટલ વધુ મસ્તીએ ચઢતી. યતીનની અકળામણ જોઈને પટલને મઝા આવતી.

  હા, પટલ ચુનિયાને ભારે સ્નેહ કરતી. એને શણગારવાના પટલને ભારે અભરખા રહેતાં. એને પોતાને સજવા-સવરવામાં ઝાઝો રસ નહોતો પણ ચુનિયાને બરાબર શણગારતી.

  સાંજનો સમય હતો. બહાર ઢળતી સંધ્યાના રંગોથી આકાશ રંગાયેલું હતું. યતીન એના ઓરડામાં  કોઈ પુસ્તક વાંચવામાં તલ્લીન હતો અને એના શ્વાસોશ્વાસ સુધી સુગંધ પ્રસરી. હવાની લહેરખી સાથે વહી આવેલી એ સુગંધ તરફ યતીનનું ધ્યાન ગયું. જોયું તો ચુનિયા બોરસલીના ફૂલોની માળા લઈને એના ઓરડામાં પ્રવેશી રહી હતી.

  “છી ચુન્ની, તને તારી દીદીએ મજાકનું પાત્ર બનાવી દીધી છે એટલું ય તને સમજાતું નથી?”

  યતીનની વાતનો અર્થ તો એ સમજી નહીં હોય પણ ચહેરા પર ચીઢના ભાવ સમજાતા એ ભોંઠી પડીને પાછી જવા માંડી. યતીન માસૂમ ચુનિયાની ભોંઠપથી વ્યથિત થઈ ઊઠ્યો. એણે ચુનિયાને પાછી બોલાવીને એણે બનાવેલો હાર જોવા માંગ્યો. ચુનિયાના ચહેરા પરના વિષાદના વાદળ ખસી ગયા અને આનંદથી એનો ચહેરો ચમકી ઊઠ્યો અને સહસા યતીનના કાને ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો.

  બીજા દિવસે યતીન માટે ફરી એક નવી ટીખળના વિચારે પટલ એના રૂમમાં ગઈ તો રૂમ ખાલી હતો. ટેબલ પર એક ચબરખી પડી હતી- “મારા માટે હવે અહીંથી ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી.-યતીન.”

  “અરે ઓ ચુનિયા, તારો વર તો ભાગી છૂટ્યો અને તું એને રોકી ના શકી?” અને ટેબલ પર પડેલી બોરસલીની માળા ચુનિયાને બતાવીને પટલ રૂમની બહાર નીકળી ગઈ.

  ચુનિયાની સમજ સુધી આ વાત પહોંચતાં થોડી વાર લાગી પણ એને જ્યારે સમજાયું એ પછી એ પાષાણની પ્રતિમા જેવી બની ગઈ.

  બહાર ફાગણ મહિનાની સવારનો ઉજાસ લીલાછમ વૃક્ષો વચ્ચેથી ચળાઈને ઓસરીમાં રેલાઈ રહ્યો હતો. પક્ષીઓનો સમૂહ કલરવ કરી રહ્યો હતો. નાની અમસ્તી ખિસકોલી આમથી તેમ દોડી રહી હતી. પ્રકૃતિ સોળે કળાએ ખીલી હતી અને એ ચેતનવંતા વાતાવરણ વચ્ચે એક અબૂધ છોકરી પોતાના અસ્તિત્વનો કોઈ અર્થ શોધી રહી હતી. એના માટે આ બધું એક પહેલી સમાન બની ગયું હતું. આ શું થઈ ગયું? અત્યાર સુધી આ સવાર, આ ઘર બધુંજ હર્યુંભર્યું લાગતું હતું એ અચાનક કેમ સન્નાટામાં ફેરવાઈ ગયું? ચુનિયાની આસપાસ અંધકાર પ્રસરી ગયો હોય એમ એ સાવ નિસ્તેજ બની ગઈ. હ્યદયમાં ન સમજાય એવો સૂનકાર પ્રસરી ગયો. ઊંડી ગર્તામાં ધકેલાઈ ગઈ હોય અને કોઈ બહાર કાઢનાર ન હોય એમ સ્તબ્ધ થઈને ઊભી રહી.

  એને શોધતી પટલ આવી, “અરે ચુનિયા,”

  પણ ચુનિયાએ પ્રત્યુત્તર ના આપ્યો. સ્થિર એવી ચુનિયા પાસે જઈને પટલે એને જાણે ઢંઢોળી અને ચુનિયા ધ્રુસકે ચઢી જાણે આંખોના બંધ છૂટી પડ્યા. એના અજાણ મનમાં ક્યારે કયા ભાવોની ભરતી ચઢી એની તો એને જાણ સુધ્ધાં નહોતી પણ યતીનના જવાથી જે ઓટનો અનુભવ થયો એ ખાળવો એના માટે મુશ્કેલ હતો.

  પટલને હાથના કર્યા હૈયે વાગ્યા જેવું થયું. અજાણતાં રમૂજ રમૂજમાં એનાથી કોઈના હ્રદયના ભાવો સાથે રમત રમાઈ ગઈ છે એ સમજાયું પણ ત્યાં સુધીમાં ઘણાં પાણી વહી ચૂક્યાં હતાં. એણે ચુનિયાને પોતાના આલિંગનમાં લીધી.

  “એક વાર તો બોલ કે થયું છે શું તને?”

  પણ ચુનિયા પાસે ક્યાં એવી કોઈ ભાષા હતી કે જેનાથી એ પોતાના વ્યથિત હ્રદયની વાત વ્યક્ત કરી શકે? બસ આ ઘટના પછી એનું મન સાવ બધિર થઈ ગયું. પટલની પ્રુચ્છા કે ક્ષમાયાચનાનો પણ કોઈ જવાબ આપતી નહીં પણ ક્યારેક ગૂઢ ભાવો એવે રીતે ચહેરા પર આવતાં જેનાથી એ ક્રોધિત છે એટલું તો પટલ સમજી શકતી.

  અને એક દિવસ ઊઠીને જોયું તો ચુનિયા ક્યાંય દેખાઈ નહીં. આજ સુધી અનેકવાર જે વસ્ત્રો અને  આભૂષણોથી પટલ એને સજાવતી એ તમામ વસ્ત્રો અને આભૂષણ ચુનિયાના રૂમમાં યથાવત પડ્યાં હતાં.

  હરકુમાર બાબુએ ચુનિયાનો પત્તો મેળવવા પોલીસને જાણ કરી. પ્લેગની મહામારીના લીધે અસંખ્ય લોકો ભયભીત થઈને ચારેકોર ભાગવા માંડ્યાં હતાં એવામાં ચુનિયા ક્યાં મળે? અનહદ પ્રયત્નો પછી જ્યારે ચુનિયા ના મળી ત્યારે અંતે હતાશ થઈને બંનેએ આશા છોડી દીધી. નસીબે મળેલી છોકરીને કમનસીબે ગુમાવી દેવાનું આકરુ તો લાગ્યું પણ સમય જતાં મન સાથે એમણે સમાધાન કરવા માંડ્યું.

  ચુનિયા ક્યાં હશે ? ચુનિયાને ધરતી ગળી ગઈ ?

  જોઈએ આવતા અંકમાં…


  ક્રમશઃ


  સીમાંત -રવીન્દ્રનાથ ટાગોર લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ


  સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

 • અમર પ્રેમ (૧૯૭૧)

  ટાઈટલ સોન્‍ગ

  બીરેન કોઠારી

  સચીન દેવ બર્મનની સંગીતરચનાઓ અવશ્ય ગમે છે, પણ સૌથી વધુ ગમતો હોય તો તેમનો સ્વર. તેમના ગાયનમાં એક શિસ્તબદ્ધ ગાયક પાસે હોય એવી સુંવાળપ નથી, અને એ જ બાબત તેમના સ્વરને અનન્યતા બક્ષે છે. સહેજ બરછટપણું પણ સૂરીલું લાગે છે. ઘણી વાર તેમના અમુક ઉચ્ચારો એક વખતમાં ન સમજાય એમ બને, પણ તેની એક જુદી મઝા છે. હિન્દી ફિલ્મોમાં તેમણે ગાયેલાં સાવ મર્યાદિત ગીતો માટે ગુરુ રજનીકુમાર પંડ્યાએ પ્રયોજેલો શબ્દ ‘કલાવિવેક’ એકદમ સચોટ છે.

  મઝા એવી કે આવા બરછટ સ્વરમાં પણ અમુક ગીતોમાં તેમના ભાગે નાયિકાના મનોભાવોનું આલેખન કરવાનું આવ્યું છે. આવાં ગીત સાંભળતાં લાગે કે બરછટપણામાં કોમળ ભાવોના આલેખનને દાદા બર્મન જેટલો ન્યાય કદાચ ભાગ્યે જ કોઈ ગાયક આપી શક્યા હોત!

  આવું એક સદાબહાર, અતિ પ્રિય ગીત એટલે ‘અમર પ્રેમ’નું ‘ડોલી મેં બિઠાઈ કે કહાર’. ૧૯૭૧માં રજૂઆત પામેલી ‘અમર પ્રેમ’નું સંગીત ખરા અર્થમાં સદાબહાર છે. શક્તિ ફિલ્મ્સ નિર્મિત, શક્તિ સામંત દિગ્દર્શીત, ફિલ્મમાં રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર, ઓમ પ્રકાશ, સુજીત, બિંદુ, મદન પુરી સહિત અનેક કલાકારો હતા. આનંદ બક્ષીએ લખેલાં કુલ છ ગીતોને રાહુલ દેવ બર્મને સ્વરબદ્ધ કર્યાં હતાં અને એકે એક ગીત કર્ણપ્રિય! અલબત્ત, ‘ડોલી મેં બિઠાઈ કે કહાર’ની ધૂન ખુદ સચિન દેવ બર્મનની બનાવેલી હતી. કિશોરકુમાર અને રાહુલ દેવ બર્મનની કારકિર્દીનાં શ્રેષ્ઠ કહી શકાય એવાં ગીતો આ ફિલ્મમાં હતાં. ‘રૈના બીત જાય’ અને ‘બડા નટખટ હૈ યે કૃષ્ણકનૈયા’ લતા મંગેશકરે ગાયેલાં હતાં. ‘ચિનગારી કોઈ ભડકે’, ‘કુછ તો લોગ કહેંગે’ અને ‘યે ક્યા હુઆ, કૈસે હુઆ, કબ હુઆ’ કિશોરકુમાર દ્વારા ગવાયેલાં હતાં.

  સંગીતકાર પિતાપુત્ર: (ડાબેથી) સચીન દેવ અને રાહુલ દેવ બર્મન

  દાદા બર્મનના સ્વરમાં ગવાયેલા ‘ડોલી મેં બિઠાઈ કે કહાર’ નો ઉપયોગ  ટાઈટલ સોન્‍ગ તરીકે કરવામાં આવ્યો છે. આ ગીતમાં નાયિકાની પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. ગીતના આરંભે કહારોના ઉદ્‍ગારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દાદા બર્મનના સ્વરમાં આ ગીતની અસર અનેક ગણી વધી જાય છે.

  તેના શબ્દો આ મુજબ છે:

  हो रामा रे, हो ओ रामा
  डोली में बिठाई के कहार – (२)

  लाए मोहे सजना के द्वार
  ओ ओ…डोली में बिठाई के कहार

  बीते दिन खुशियों के चार,
  देके दु:ख मन को हजार
  ओ ओ…डोली में बिठाई के कहार

  मर के निकलना था ओ..ओ..
  मर के निकलना था घर से साँवरिया के
  जीते जी निकलना पड़ा
  फूलों जैसे पाँवों में, पड़ गए छाले रे
  काँटों पे जो चलना पड़ा
  पतझड़…ओ बन गई पतझड़….
  ओ बन गई पतझड़ बैरन बहार
  डोली में बिठाई के कहार

  जितने हैं आँसू मेरी ओ..
  जितने हैं आँसू मेरी अँखियों में उतना
  नदिया में नाहीं रे नीर
  ओ लिखनेवाले तूने लिख दी ये कैसी मेरी
  तूटी नैया जैसी तक़दीर
  रूठा माझी,
  ओ माझी
  रूठा माझी,
  ओ माझी रे,
  रूठा माझी तूटी पतवार
  डोली में बिठाई के कहार

  ટાઈટલ અહીં પૂરાં થાય છે, અને ટાઈટલ ગીત પણ. આ ગીતનો વધુ એક અંતરો ફિલ્મમાં અન્યત્ર વાગે છે, જેના શબ્દો આ મુજબ છે.

  तूटा पहले ये मन,
  तूटा पहले मन अब चूड़ियाँ तूटी,
  हुए सारे सपने यूँ चूर
  कैसा हुआ धोखा, आया पवन का झोंका
  मिट गया मेरा सिंदूर
  लुट गए,
  ओ रामा लुट गए,
  ओ रामा मेरे लुट गए
  सोलह सिंगार

  डोली में बिठाई के कहार
  लाए मोहे सजना के द्वार
  ओ ओ…डोली में बिठाई के कहार

  અહીં આપેલી લીન્ક પર ટાઈટલ વખતનું ગીત સાંભળી શકાશે. એટલી ખાત્રી કે આ ગીત એક વખત સાંભળીને ધરવ નહીં થાય. વારંવાર સાંભળ્યા પછી પણ મનમાં એ સતત ગૂંજતું રહેશે.

   


  (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


  શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
  ઈ-મેલ: bakothari@gmail.com
  બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

 • મહેન્દ્ર શાહનાં નવેમ્બર ૨૦૨૨નાં સર્જનો

  મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

  Mahendra’s month of Nov. creations for WG.


  મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

 • આયોજનના ભ્રામક તર્કનાં વમળમાંથી બહાર કેમ નીકળવું

  મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંત

  પાર્કિન્સનનો નિયમ અને સમયનું વ્યવસ્થાપન

  સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

  આયોજનનો ભ્રામક તર્ક, સામાન્ય રીતે, ઉત્તેજના ને આશાવાદની વ્યાપક લહેર પેદા કરે છે. તેનું એક પરિણામ એ પણ આવી શકે છે કે આયોજનને લગતી કોઈ પણ નકારાત્મક બાજુની શક્યતા આપણાં વિચારફલકમાં દેખા જ નથી દેતી.

  કોઈ પણ માહિતી કે વ્યુહરચનાની સકારાત્મક અને નકારાત્મક બન્ને બાજુઓને ગણત્રીમાં ન લેવાથી:

  • ખર્ચાના ઓછા અંદાજ આંકવાનાં
  • કામ પુરું થવાનો અંદાજ ઓછો આંકવાનાં, કે-અને
  • ફાયદાઓના અંદાજને વધારે પડતો આંકી બેસવાનાં

  જોખમો, જાણ્યેઅજાણ્યે, નોતરી બેસવાની શક્યતાઓ વધી જાય છે.

  આયોજનના ભ્રામક તર્કનાં વમળમાં ફસાઈ ન જવાના સૈદ્ધાંતિક ઉપાયો Planning Fallacy લેખમાં જોવા મળે છે:

  વિભાજન પ્રભાવ એટલે કોઈ પણ કામની નાનાં કામોમાંની વહેંચણીમાં એ દરેક નાનાં કામ માટે ફાળવેલ સમયના સરવાળા કરતાં આખાં કામ માટે ફાળવાયેલો ઓછો સમય. ૨૦૦૮માં ડેરીલ ફોર્સીથે કરેલા અભ્યાસમાં આ પ્રભાવની મદદથી આયોજનના ભ્રામક તર્કને ઓછો કરી શકાય કે કેમ તે તપાસવામાં આવ્યું. એ ત્રણ પ્રયોગોમાં વિભાજન પ્રભાવ નોંધપાત્ર સ્તરે અસરકારક હોવાનું તારણ આવ્યું. જોકે, વિભાજન તર્ક એ બાબતનાં સર્વગ્રાહી જ્ઞાનના બહુ સંસાધનોની આવશ્યકતા માગી લે છે, પરિણામે તેનો રોજબરોજનો ઉપયોગ મુશ્કેલ બની રહે એમ પણ બને. [18]

  અમલીકરણનો આશય કેમ, ક્યારે અને ક્યાં શું શું પગલાં લેવામાં આવશે તેનાં નક્કર આયોજનનું નિરૂપણ છે. વિવિધ પ્રયોગો દ્વારા જોઈ શકાયું છે કે અમલીકરણ આશયની મદદથી કામનાં સર્વગ્રાહી ચિત્ર અને તેનાં સંભવિત પરિણામો બાબતે લોકોને વધારે જાણકાર કરી શકાય છે. શરૂઆતમાં આગાહીઓ વધારે આશાવાદી થવાની શક્યતાઓ વધે છે. પણ એમ માનવામાં આવે છે કે અમલીકરણ આશયનાં ગઠનથી, કામ પુરું કરવાની પ્રતિબધ્ધતા માટેનાં  ‘સ્પષ્ટ મનોબળનું ઘડતર’ શક્ય બને છે.  એ પ્રયોગો દરમ્યાન જેમણે જેમણે અમલીકરણ આશય ઘડેલ હતો તેઓ કામને વહેલું શરૂ કરી શક્યા, વચ્ચે ઓછાં નડતરો અનુભવ્યાં, અને આગળ જતાં વધારે અડતી આશાવાદી આગાહી કરવાનાં વલણમાં ઘટાડો પણ જોવા મળ્યો. એમ પણ જોવા મળ્યું કે અમલીકરણમાં અડચણોના ઘટાડાનો પણ આશાવાદી વલણ ઓછું કરવામાં ફાળો રહ્યો હતો. [3]

  વર્ગીકૃત સ્તરીય સંદર્ભ આધારિત આગાહી નિયોજિત કરાયેલ કામનાં પરિણામોની આગાહી એ જ પ્રકારનાં સાંદ્રભિક સ્તરે વર્ગીકૃત કરાયેલાં કામોનાં ખરેખર આવેલાં પરિણામો સાથે સરખામણીના આધાર પરથી કરે છે.

  સદ્‍ભાગ્યે, જો આ બધી સૈદ્ધાંતિક ભાંજગડમાં ન પડવું હોય તો વ્યવહારમાં સરળ રીતે અમલ કરી શકાય એવા ઉપાયો પર અનેક લેખો પ્રકાશિત થયેલ છે. તે પૈકી આપણે કેટલાક પ્રતિનિધિ લેખો પર એક નજર  કરીશું –

  Which of these 6 time traps is eating up all your time?Ashley Whillans

  સમય દારિદ્ર્ય – કામ ઘણાં અને સમય ટાંચો – આપણી પાસે ઉપલબ્ધ કલાકો અને કામો કરવા માટે આવશ્યક કલાકો વચ્ચે સંતુલનનો મેળ ન પડવાથી પેદા નથી થતું; પણ આપણે એ ઉપલબ્ધ કલાકોને કયા દૃષ્ટિકોણથી જોઇએ છે અને તેમને કેટલું અગત્ય આપીએ છીએ તેમાંથી નીપજે છે.

  The Planning Fallacy: How to Avoid Becoming a Victim

   “The Eisenhower Box” [1] દર્શાવે છે કે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનાં કામો કરવાને બદલે અન્ય કામો હાથ પર લેતાં રહેવું. ‘તાકીદનું અને મહત્ત્વનું’ એ રીતનાં વર્ગીકરણનું કોષ્ટક જે મહત્ત્વનાં કામોને પહેલાં કરવાં જોઇએ કે જેના પર લાંબા ગાળાનું પણ ધ્યાન અપાતું રહેવું જોઇએ, જે કામો તાકીદનાં છે પણ વ્યુહાત્મક રીતે ઓછાં મહત્ત્વનાં છે કે જે કામો તાકીદનાં પણ નથી કે મહત્ત્વનાં નથી તેવાં ચોસલાંમાં ગોઠવી આપે છે.

   White space risk [2] [3]– બીનમહત્ત્વનાં કામો પાછળ સમય આપવો – આયોજનનાં મહત્વનાં ઘટકોને નજરંદાજ કરવાનાં ભયસ્થાનો પેદા કરી શકે છે.

  Solving the Planning Fallacy – સામાન્યપણે બધું ધાર્યા મુજબ જ પાર પડશે તેવી આપણી માન્યતાને કારણે આયોજનમાં સંભવિત અણધારી ઘટનાઓની સાથે સંકાળાયેલી સમસ્યાઓ પર આપણે ઓછું ધ્યાન આપવાનાં વલણનાં શિકાર બની જતાં હોઈએ છીએ અને આપણાં આયોજનમાં તેમની ઉચિત ગણત્રી કરી લેવાનું ભુલી જઈએ છીએ.

  હજુ પણ વધારે વ્યાવહારિક ઉપાયો દર્શાવતા કેટલાક અન્ય લેખો –

  જો રસ હોય તો આવાં વધારાનાં વાંચન પણ છે –


  [1]

  [2] White space Opportunity

  [3] Managing in the WhitespaceMark C. Maletz and Nitin Nohria

 • કામ મારા માટે હોય કે પછી તમારા માટે, પણ કામ જ તમારી આગવી ઓળખ બની રહેશે

  સ્વ-વિકાસ : વિચાર વલોણું

  તન્મય વોરા

  જ્યારે કોઈ સંસ્થાના કે ટીમના ભાગ રૂપે કામ કરતાં હોઇએ છીએ ત્યારે, કંપની માટે, ટીમના સંચાલક માટે કે કોઈ ગ્રાહક માટે, એટલે કે કોઈ ‘બીજાં માટે કામ કરી રહ્યાં છીએ’ એવું લાગી શકે.

  પરંતુ એ જ કામ આપણે આપણા માટે જ કરી રહ્યાં છીએ એમ લાગે તો બહુ મોટો ફરક પડી જાય છે.

  આપણું કામ આપણી ઓળખનું પ્રતિબિંબ છે. કળાકાર તેની કળા મારફત, લેખક તેની લેખની મારફત કે ટીમ અગ્રણી તેની નેતૃત્વ શૈલી મારફત પોતાની ઓળખ ઊભી કરે છે. આપણાં કામમાં આપણાં વ્યક્તિત્વની ઝલક છલકતી રહે છે. આપણું કામ આપણાં વ્યક્તિત્વનું અનોખું નિરૂપણ છે.

  ‘આ કામ મારું છે’ એ વિધાન એ કામ સાથે આપણી જાતને વણી લે છે. અને જ્યારે આપણું વ્યક્તિત્વ આપણાં કામમાં વણાઈ જાય ત્યારે જ તે પોતાની ઉત્કૃષ્ટતા નીખરી  શકે છે. ગમે તેટલી નિષ્ઠાથી કરાતું હોય, પણ બીજાં માટે છે એ અનુભૂતિમાં કામ કરવાની ફરજ પુરી કરવાનો, ઊંડે ઊંડે પણ, ભાવ રહે છે. ફરજ છે એટલે તેને પુરી નિષ્ઠા અને પ્રતિબદ્ધતાથી કરવું એ પણ તમારાં વ્યક્તિત્વનાં જ એક પાસાંની ઓળખ જરૂર છે,પણ લાંબે ગાળે તે કામમાંથી રસ ઊડતો જાય એવી ભીતિ રહેલ છે.

  એ જ કામ ‘મારું’ છે તેવી ભાવના ગમે તેવાં વિપરીત સંજોગોમાં પણ આપણી અંતરની શક્તિઓની સરવાણીને સુકી નથી પડવા દેતી.

  તમારાં કામને ‘સરેરાશથી વધારે’ કે ‘ઉત્કૃષ્ટ’ની ઓળખ આપવી તે આપણાં મનની વાત છે. ‘કામ મારું છે’ એ ભાવના આપણને જ નવી ઉર્જા નથી આપતું પણ આપણી આસપાસનાં વાતાવરણને પણ ઉર્જામય કરી શકવાની તાકાત ધરાવે છે.

  એટલે હવે જ્યારે કોઈ પણ કામ કરવાનું આવે ત્યારે એ કામ ‘મારું’ છે તેવી સ્પષ્ટ ભાવનાથી કરી જોજો, કંઈ અનોખી જ મજા આવશે !


  આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

 • કરોળિયાના જાળાં : કળા છે કે કળાકૃતિ?

  ફિર દેખો યારોં

  બીરેન કોઠારી

  કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
  વણતૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય.

  કવિ દલપતરામની આ કવિતા ગુજરાતી માધ્યમમાં રહી ચૂક્યા હશે એવા સહુ કોઈને યાદ હશે. તેમાં કરોળિયાના હિંમત, ખંત, ધીરજ અને પ્રયત્નશીલતા જેવા ગુણોને બીરદાવીને કહેવાયું છે કે મનુષ્ય પણ કરોળિયા પાસેથી આ ગુણો શીખે તો તેને માટે લાભદાયી નીવડે છે.

  કરોળિયાના જાળાની રચના, તેની મજબૂતાઈ અને કળાત્મકતા વિશે પણ ઘણું કહેવાયું છે. પશ્ચિમમાં તો કરોળિયા જેવાં લક્ષણો ધરાવતા ‘સ્પાઈડરમેન’નું પાત્ર સર્જાયું છે, જેણે વિશ્વવ્યાપી લોકપ્રિયતા મેળવી છે એમ કહી શકાય. ‘વર્લ્ડ વાઈડ વેબ’ની મૂળભૂત વિભાવના કરોળિયાના જાળા પર આધારિત છે. આનો અર્થ એવો હરગીજ નથી કે મનુષ્યને કરોળિયો બહુ ગમે છે. કરોળિયાનું જાળું કાર્ટૂનકળામાં સ્થગિતતાના પ્રતીક તરીકે વપરાય છે. ચાહે પૂર્વ હોય કે પશ્ચિમ, ઘરના કોઈક ખૂણે કરોળિયાનું જાળું નજરે પડે એ સાથે જ તેને હટાવવાનો ઉદ્યમ આરંભી દેવાય છે. એટલે કે કરોળિયો, એનું જાળું અને એનાં ગુણો કવિતા પૂરતા સારા. વાસ્તવ જીવનમાં એનો કશો ખપ નથી એમ માનવું. એમાંય દિવાળી પહેલાંના દિવસો એટલે રીતસર કરોળિયાનાં જાળાં સાફ કરવાનો કાર્યક્રમ.

  તસવીર સાંદર્ભિક છે –
  સ્રોત : ઇન્ટરનેટ

  આગામી ત્રણ મહિના એટલે કે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધી આમસ્ટર્ડામના એક સ્થળે કરોળિયાનાં જાળાં સાફ કરવા પર પાબંદી મૂકાઈ છે. તેનું કારણ રસપ્રદ છે. અહીંના રાઈક્સ મ્યુઝિયમમાં વીતેલા સમયના રેમ્બ્રાં, વર્મીઅર જેવા મહાન ચિત્રકારોની કૃતિઓ પ્રદર્શિત છે. કોઈ મ્યુઝિયમમાં કરોળિયાનાં જાળાં હોવાં આવકાર્ય ન ગણાય. પણ ટોમસ સારાચેનો નામના એક કલાકારે આ મ્યુઝિયમમાં કરોળિયાની આ કૃતિઓને આવા ઉત્તમ કલાકારોની કૃતિની જેમ પ્રદર્શિત કરવાની વિનંતી કરી છે, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તદનુસાર અહીંના સફાઈ કર્મચારીઓને સૂચના અપાઈ છે કે આ સમયગાળા દરમિયાન તેમણે અહીં દેખાતું કરોળિયાનું એક પણ જાળું સાફ કરવું નહીં.

  આટલું વાંચીને ઘડીભર એમ લાગે કે કળાના નામે કંઈ પણ તુક્કો ચલાવી દેવાની આ તરકીબ હશે. આવી ધારણા બાંધતા અગાઉ ટોમસ સારાચેનો અને તેના કામ વિશે જાણવું જરૂરી છે. આ કલાકારની વિશેષતા તરતાં શિલ્પ તૈયાર કરવાની છે, જેમાં તેમનો મુખ્ય વિષય પર્યાવરણ સાથે સુસંગતતા જાળવીને સહઅસ્તિત્ત્વ કેળવવાનો છે. વિવિધ આંતરરાષ્ટ્રીય પ્રકલ્પ, ઈન્‍ટરએક્ટિવ ઈન્સ્ટૉલેશન તેઓ તૈયાર કરી ચૂક્યા છે. તેમની વિશેષ રુચિ કરોળિયામાં અને તેના જાળામાં છે. ‘એરેક્નોફીલીઆ’ નામના એક સંશોધનાત્મક પ્રકલ્પ થકી તેઓ કરોળિયા અને તેના જાળાંને લગતી વિવિધ પ્રકારની કળાત્મક, વૈજ્ઞાનિક અને સૈદ્ધાંતિક વિગતોનો પ્રસાર કરતા રહે છે.

  સારાચેનો માને છે કે મનુષ્યો આક્રમક પ્રજાતિ છે. મોટા ભાગનાં અપૃષ્ઠવંશી પ્રાણીઓને તે ‘જીવાત’ કે ‘કીટક’ ગણીને તેનો નાશ કરી દે છે. આજે જ્યાં મકાનો, ઑફિસ કે મ્યુઝિયમો ઊભેલાં છે એ તમામ સ્થળે સદીઓથી આ જીવોનો વસવાટ હતો. આજને તબક્કે નૈતિક અને તાર્કિક રીતે કમ સે કમ એટલું તો થઈ જ શકે કે સહઅસ્તિત્ત્વનો સ્વીકાર થાય. તેમને જોતાંવેંત તેમને કચડી નાંખવા માટે તત્પર થઈ જવાને બદલે તેમની સર્જકતાનો સ્વીકાર થાય અને તેમને જોવાનો એક નવો દૃષ્ટિકોણ વિકસે.

  સૂક્ષ્મદર્શક યંત્રો નહોતાં એવે સમયે જીવાત અને અન્ય અપૃષ્ઠવંશી જીવ ડર અને જુગુપ્સા પેદા કરતાં. તેમનું શારિરીક બંધારણ સસ્તન કરતાં સાવ અલગ હોવાને કારણે આમ થતું. તેમને અનિષ્ટ અને ભેદભરમ સાથે સાંકળવામાં આવતાં. વિજ્ઞાને પ્રગતિ કરતાં તેમના શરીરની વિશેષતાઓ, તેમની સર્જનશીલતા અને જીવનશૈલી વિશે જાણકારી પ્રાપ્ત થતી ગઈ. કરોળિયાની કળાકારીગરી વિશે જાણવું સરળ બન્યું. સારાચેનો માને છે કે પ્રત્યેક ઘરમાં સફાઈ બાબતે સહેજ આળસ દાખવવામાં આવે તો કરોળિયાના જાળાંરૂપી કળાકૃતિનું અદ્‍ભુત પ્રદર્શન આયોજિત કરી શકાય.

  સારાચેનોની વાત સહેજ વિચિત્ર લાગી શકે એવી છે, પણ તેમની વાતમાં વજૂદ છે. તેઓ પોતે ચાર અલગ અલગ પ્રજાતિના કરોળિયાનાં જાળાંને પોતાની કૃતિઓમાં પ્રયોજે છે. સારાચેનો અને એરેક્નોફીલીઆ (કરોળિયાપ્રેમી) સમુદાયે અપૃષ્ઠવંશી પ્રાણીઓના હક માટેનો ખુલ્લો પત્ર તૈયાર કરેલો છે, જેમાં રાઈક્સ મ્યુઝિયમના સત્તાવાળાઓને કરોળિયાના તેમજ તેમના જાળાંના હકને પિછાણવા અને તેને આદર આપવાની અપીલ કરવામાં આવી છે.

  મૂળ વાત એ છે કે પૃથ્વી પરની કોઈ પણ પ્રજાતિ અલાયદી કે એકલવાયી જીવતી નથી હોતી. અનેક અન્ય પ્રજાતિ અને પ્રણાલિઓ સાથે એ અરસપરસ સંકળાયેલી હોય છે. આથી કોઈ એક પ્રજાતિનું નિકંદન સમગ્ર પૃથ્વીના પર્યાવરણને ખલેલ પહોંચાડે છે, અને એ પણ એવી રીતે કે તેની વિપરીત અસરનો ખ્યાલ ઝટ ન આવે. અપૃષ્ઠવંશી જીવોના સહઅસ્તિત્ત્વ અને તેમના અંગેની સમજણ વિકસાવીને તેમની સાથે પુનર્જોડાણ કરવું જરૂરી બની રહે છે અને આ ઉપક્રમમાં કરોળિયા આદર્શ પણ છે, તેમજ રૂપક પણ! આ સાવ તુચ્છ, નાજુક અને નબળી દેખાતી આ પ્રજાતિ સહસ્ત્રાબ્દિઓથી શી રીતે પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખી શકી છે એ જાણવા માટે તેમના પ્રત્યેની સૂગ દૂર કરવી રહી. સારાચેનો અને એરેક્નોફીલીઆ સમુદાયની આ ઝુંબેશ પ્રશંસનીય છે, કેમ કે, એ રીતે તેઓ છેવટે તો સમગ્ર પૃથ્વીની ખેવના દર્શાવી રહ્યા છે. પણ માનવ એક એવી પ્રજાતિ છે કે એ જેમ સુવિકસીત અને સભ્ય બનતી જાય એમ તે વિનાશના અવનવા અખતરા પ્રયોજે. માનવ માનવનો જાન લેવા તત્પર રહેતો હોય ત્યાં એ કરોળિયાને બચાવવા વિશે વિચારશે એમ માનવામાં ભારોભાર આશાવાદ જોઈએ. ટોમસ અને તેમના જેવા અનેક લોકોમાં આવો આશાવાદ છે એ આનંદની વાત ગણાય.


  ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૪-૧૧ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


  શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
  ઈ-મેલ: bakothari@gmail.com
  બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

 • દેશી કથાઓ – પરદેશી કથાકારો

  નિત નવા વંટોળ

  પ્રીતિ સેનગુપ્તા

  પોતાના દેશની બહાર , બીજા કોઈ (પશ્ચિમી) દેશમાં જઈને વસેલા કોઈ પણ લેખકો કદાચ એ બે દેશોનાં જીવન અને રીત-રસમોને વણી લેતી કથાઓ લખતા હશે. ઘરથી દૂર ગયેલાંનાં મનની સર્જન-સ્થિતિ કદાચ એવી જ થઈ જતી હશે. સાથે જ, એ પણ જોઈ શકાય છે કે દેશાંતરિત લેખકોની કથાઓ દેશમાં લખાતાં પુસ્તકો કરતાં જુદી પડતી હોય છે – ખાસ કરીને,
  કથાવસ્તુની દૃષ્ટિએ. મોટા ભાગની એ કૃતિઓ કૈંક વિચિત્ર, વિલક્ષણ, ક્યારેક તો હેતુપૂર્વક આઘાતજનક બનાવાયેલી હોય તેવી લાગે છે. શાથી થતું હશે આવું? દેશની બહાર રહેનારાં દેશના જીવનની ગતિ-વિધિનાં વહેણની પણ બહાર હશે, તેથી? કે પછી, પરદેશમાં હોવા-રહેવાને કારણે કશી “સાહસિકતા? અનુભવાતી હશે, તેથી?

  આવાં લેખકો તેમજ તેમની કૃતિઓ ઘણી વાર તરત ભુલાઈ પણ જતાં હોય છે. જો એકાદ સમાલોચના કોઈએ કરી હોય તો તેનું મૂલ્ય સાહિત્ય ક્ષેત્રમાં એતિહાસિક પરિપ્રેક્ષ્યની દૃષ્ટિએ જ રહી જતું જણાય છે. સામટાં આવાં કેટલાંક પુસ્તકો વિષે જાણવા મળ્યું નથી. એ દરેક સર્જક ભારતીય, કે બહુ જાણીતા, પણ આ દરેક જ્ણે ભારતનાં વિવિધ પાસાંને જે રીતે કથાનક માટે પસંદ કર્યા છે તે જોવું રસપ્રદ બને છે.

  લી સીંગલ નામના એક અમેરિકને પોતાના પુસ્તકમાં વિદ્વત્તા, આત્મકથાનક તેમજ કલ્પિત તત્ત્વને ભેળવ્યાં. એ પોતે એક તરફ ધંધાદારી જાદુગર છે, ને બીજી તરફ અમેરિકાના એક મહાવિદ્યાલયમાં “ધર્મ”ના પ્રાધ્યાપક છે. એમણે ભારતમાં વિનોદ અને જાદુ વિષય પર વિદ્વત્તાપૂર્ણ પુસ્તકો લખ્યાં છે. પ્રસ્‍તુત પુસ્તકની શરૂઆત થાય છે રાજીવ ગાંધીની કરપીણ હંત્યાના ઘૃણાસ્પદ વર્ણનથી.

  લેખક ભારતીય સાહિત્યમાં ભયંકર અને જુગુપ્સાનાં તત્ત્વો પર સંશોધન કરવા વારાણસી ગયા છે. કોઈ એમને ચારણ જેવા ફરતા વાર્તાકાર વિષે જણાવે છે, કે જે લોહી ચૂસતા પ્રેતની વાર્તાઓ કહેતા ફરતા હોય છે. પણ લેખક એમને મળી નથી શકતા. છેવટે લેખક કલ્પનાથી એ પાત્ર ઘડી કાઢે છે, ને પછી પોતે જ લખતા જાય છે વાર્તાઓ – ભય પમાડે તેવી, એકમેક
  સાથે સંકળાયેલી, રાજા વિક્રમ અને વૈતાળની વગેરે. રાજકારણ, વાસ્તવ ને કલ્પના – એમ ત્રિવિધ સૂત્રોથી વણાયેલી કથાઓ જીવનની અકલ્પ્ય મુસીબતો પ્રત્યે અપાતી ભારતીય પ્રતિક્રિયાનાં ઉદાહરણ પૂરાં પાડતી રહે છે.

  વિક્રમ ચંદ્રા પોતાની અંગ્રેજીમાં લખાયેલી “લાલ પૃથ્વી અને ધોધમાર વરસાદ” નામની નવલમાં ત્રણ સદીઓ અને ત્રણ દેશો – અમેરિકા, ઇગ્લંડ, ભારત -ને સાંકળે છે. સાડા પાંચસો પાનાંની એ પ્રથમ નવલકથાને જાણે હજાર ખંડ છે, દરેકમાંથી જુદું દૃશ્ય દેખાય છે, દરેકમાં એક નાયક છે, દરેક નાયકનું એક કાર્યક્ષેત્ર છે. એટલા જ ખલનાયક પણ છે, તેમજ શસ્ત્રો, શોણિત, સાક્ષાત્કાર અને જાદુ પણ એમાંથી બાકાત નથી. એક પ્રકારની ‘અરેબિયન નાઇટ્સ’ જ જાણે. ખૂબ ટૂંકમાં કથાવસ્તુ આમ છે : મુખ્ય પાત્ર અભય રજાઓમાં અમેરિકાથી ભારત આવ્યો છે. માતા-પિતાને ત્યાં એનું પેન્ટ ચોરી ગયેલા વાનરને એ મારી નાખે છે. યમરાજ એને લેવા આવે છે. બીજા દેવો પણ આવે છે. વાટાઘાટો પછી એમ નક્કી થાય છે કે જો અભય અને એનું કુટુંબ રોજ બે કલાક વાર્તાઓ કહીને દેવોને સંતોષી શકે, તો વાનર જીવતો રહી શકે. એ વાનર આગલી કોઈ જિંદગીમાં સંજય નામનો કવિ હતો. તે પોતે જ એ વાર્તાઓ ટાઇપ કરવા બેસી જાય છે.  મોટેથી વંચાતી-બોલાતી વાતીઓ સાંભળવા શ્રોતાઓ વધતા જ જાય છે, ને આખા મેદાનને ભરી દે છે. લોકોની રોજિંદી જિંદગીની વાતો પણ વચ્ચે વચ્ચે મુકાતી જાય છે. અભય અમેરિકા વિષેની વાતો કર્યા કરે છે, તો સંજયની પોતાની વાતોમાં તો અવનવા સંજોગો બને છે – હાથી સાથેના અકસ્માત, જાદુઈ આગ વગેરે. અંતે લેખક વિક્રમ ચંદ્રનું કહેવું એમ છે કે કોઈ પણ બાબત અગે એક જ રજુઆત ના હોઈ શકે, અને જો લાંબી લાંબી વાતી હોય તો જ ટકી રહેવાય.

  અનિતા દેસાઈ નામનાં, અમેરિકામાં વસતાં, જર્મન-ભારતીય લેખિકાની “જર્ની ટુ ઈથાકા” નામની નવલકથામાં ગદ્ય બહુ સરસ છે, પણ એ જાણે કથાતત્ત્વને શોધી રહ્યું છે. લેખિકા-ને જ જો પાત્રોની પડી ના હોય તો વાચકોને શું કામ હોય? પશ્ચિમના લોકોમાં પૂર્વીય આધ્યાત્મવાદ માટે પ્રેમાદરના જે ભાવ હોય છે તે સમજવા માટે એમણે ઘણાં પુસ્તકો વાંચ્યાં
  હતાં, પણ એનાથી એમનાં પાત્રોને અથવા પુસ્તકોને ફાયદો થયો જણાતો નથી. મુખ્ય પાત્ર-સ્થાને એક યુરોપી યુગલ છે. ભારત આવીને એ પુરુષ ફકીરો, સ્વામીજીઓ ને આશ્રમોમાં ખુંપી જાય છે. એની પત્નીને એમાં રસ નથી પડતો. પછી પુરુષ “માતાજી” નામના ગુરુમાં સંપૂર્ણપણે માનતો થઈ જાય છે. આખી દુનિયામાં એમના ભક્તો છે, પણ પત્નીને શંકા છે કે માતાજી કોઈ ઢોગી વ્યક્તિ તો નથી ને. એની ખાતરી કરવા એ મથે છે, પણ અચાનક, બાળક જન્મતાં એ સ્ત્રી શોધ છોડી દે છે. અચાનક, કથાનક પણ રખડી પડતું લાગે છે. વાતી જાણે અધરી રહી જતી લાગે છે.

  લેખિકા રુથ પ્રાવર ઝાબવાલા તો ઘણી જાણીતી વ્યફિત છે. મર્ચન્ટ-આઈવરીની ફિલ્મો માટે એમણે ઘણાં કથાનક લખ્યાં છે. એમની છેલ્લી નવલકથા “સ્મરણની કરચો?” જાણે ફિલ્મ માટે જ લખાઈ છે. પાત્રો એટલાં બધાં છે કે એમનાં નામ, કામ, સંબંધોનો ખ્યાલ રાખવો અઘરો બને છે. વળી, એમાં પૂર્વ અને પશ્ચિમનાં સ્થાનો છે, અને બંને બાજુની વિભિન્ન
  લાગણીઓ પણ નિરુપાઈ છે. જુદાં જુદાં પાત્રો તરફનો લેખિકાનો અનાદર અથવા સ્નેહ સ્પર્ષ બનતો રહે છે. આ નવલમાં પણ એક ધર્મગુરુ છે, જે ફકૂત “માસ્ટર” તરીકે ઓળખાય છે, ને એમને વિષે પણ એ સાચા છે?, સારા છે?, દભી છે?, ગાંડા છે? જેવા પ્રશ્નો ઊભા થતા રહે છે.

  એ.બી.યેહોશ્વા નામના લેખક ઈઝરાયેલી છે, અને વાર્તાઓ અને નવલકથાઓમાં ઈઝરાયેલની રોજેરોજની જિંદગીની વાસ્તવિકતા નિરૂપે છે. “ઓપન હાર્ટ” નામની એમની પાંચમી નવલ ભારતમાં ઘટે છે. એનું કથાવસ્તુ ભારતીય ધર્મતત્ત્વ, યાત્રીઓની શ્રદ્ધા, આત્માનું દેહાંતરણ વગેરે બાબતો પર આધારિત છે. નાયક બેન્જામિન રુબિન તેલઅવીવની હૉસ્પિટલમાં સર્જન છે, એક ઈઝરાયેલી દરદીની સંભાળ લેવા ભારત જાય છે, એ દરદીની માતા ડોરીના પ્રેમમાં પડે છે; સાથે જ, ભારતની રહસ્યમયતાથી સંપૂર્ણપણે અભિભૂત થઈ જાય છે, અને સમય સાથે હોડ કરવાનું છોડતાં શીખે છે.

  ઇગ્લંડમાં વસતા પાકિસ્તાની લેખક હનીફ કુરેશીએ એમની નવલ ‘બ્લેંક આલ્બમ’માં મૂળ પાકિસ્તાનના, ને હવે બ્રિટનમાં વસતા મુસ્લિમોની વાત લખી છે. નાયક શાહિદ હસન પૂરો અંગ્રેજ, કે પ્રો મુસ્લિમ, કે પૂરો પાકિસ્તાની પણ નથી. જાણે લેખકનું પોતાનું, તેમજ યુવાન પાકિસ્તાની-બ્રિટિશના માનસિક સંઘર્ષોનું પ્રતિબિંબ આમાં મળે છે. વાસ્તવિક અને
  સમકાલીન જીવન દર્શાવતી આ એક આધુનિક સાહિત્યિક કૃતિ છે.

  ચિત્ર-વિચિત્ર કથાઓ લઈને, કેંક અજમાયેશ, અખતરા કે પરદેશમાં વેચાણના ખ્યાલ સાથે લખાતી, વક્રોફિત કે કટાક્ષના ઉદ્દેશવાળી કૃતિઓ દ્વારા, હંમેશાં, સારું સાહિત્ય વાંચ્યાનો સંતોષ નથી મળતો હોતો.


  સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે

 • બીનસરનું પ્રાકૃતિક સૌંદર્ય અને પર્સ પ્રકરણ

  નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ

  આશા વીરેન્દ્ર

  બીનસરનાં પ્રાકૃતિક સૌંદર્ય વિશે ઘણું સાંભળેલું. વળી ત્યાં અગાઉ જઈ આવેલા લોકોએ એમ પણ કહેલું કે ત્યાં લાઈટ નહીં હોય એટલે દિવસનાં અજવાળે અજવાળે પહોંચી જવું જ સારૂં. આ બધું વિચારીને રસ્તામાં ક્યાંય સમય ન બગાડતાં સાંજના  ચારની આસપાસ અમે ત્યામ પહોંચી ગયાં.

  કુમાઉ નિગમનાં ગેસ્ત હાઉસમાંથી જે પ્રકૃતિ દર્શન કરવા મળતું હતું એણે અને બગીચામાં પૂરબહારમાં ખીલેલાં અવનવાં, અગાઉ કદિએ જોયાં પણ ન હોય એવાં, ફૂલો એ ‘લવ એટ ફર્સ્ટ સાઈટ’નો અનુભવ કરાવી દીધો. રાત્રે હજુ જમવાનું પતે ન પતે ત્યાં તો ‘બત્તી ગુલ’ થઈ ગઈ.  રાત્રે સૌ ભેગાં મળીને બેસશું, ‘ગપ્પાં’ મારીશું અને ગીતો લલકારીશું એવાં કરેલા વિચારો પણ બત્તીની સાથે જ બુઝાઈ ગયા. ‘રાતે વહેલા જે સૂએ, વહેલા ઊઠે તે વીર’ વાળી ઉક્તિનો પરાણે અને કંઈક કમને અમલ કરવો પડ્યો.

  બીનસરનો અદ્‍ભૂત સૂર્યોદય

  જોકે જે વીરો અને વીરાંગનાઓ વહેલાં ઊઠી શક્યાં, તેમને દિલ ખુશ થઈ જાય એવો સૂર્યોદયનો અદ્‍ભૂત નજ઼ારો જોવા મળ્યો. પળેપળ બદલાતી રંગછટા, વિદાય લેતી કાલિમા અને ધીરગંભીર પગલે અવતરી લાલિમાને જોઈને ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ એ ચિરંજીવ ગીત સ્મૃતિપટ પર ઊભરી આવ્યું.

  ચા નાસ્તો પતાવીને હવે પછીના રાત્રિપડાવનાં સ્થાન લોહાઘાટ જવા માટે ઊચાળા ભર્યા.

  – પર્સ પ્રકરણ –

  ત્રણેક કલાકની મુસાફરી બાદ જોગેશ્વરનાં મંદિરે પહોંચવાનું હતું. એકાદ કલાક જેટલું આગળ વધ્યાં હઈશું, ત્યાં મને ફાળ પડી ‘હાય, હાય મારૂં પર્સ?’ તે સાથે જ સહપ્રવાસીઓના ચહેરાઓ પર આશ્ચર્યો, પ્રશ્નો અને મુંઝવણોની રેખાઓ ઉપસવા લાગી. જોકે સારૂં થયું કે ‘પર્સમાં પૈસા હતા? … કેટલા હતા?’ જેવા સવાલ મને કોઇએ પૂછ્યા નહીં.  એ સવાલોનો સાચો જવાબ આપતાં મારી (અને સાથે મારા પતિ વીરેન્દ્રની પણ) આબરૂના વટાણા વેરાઈ જાય તેમ હતું. જોકે આટલા લાંબા પ્રવાસે નીકળેલી એક મહિલાના પર્સના ખજાનામાં બીજાં, વધારે, મહામૂલાં રત્નો ન હોય એ તમારી કલ્પના અહીં પણ સાવ સાચી જ છે !

  મારાં પર્સમાં પણ, મુસાફરી દરમ્યાન કદાચ જરૂર પડે તો હાથવગાં નીવડે એવાં અનેક શસ્ત્ર સરંજામનો અક્ષય ભંડાર ભર્યો હતો. પર્સનાં એક ખાનામાં ચપ્પુ, કાતર, ચાંદલાનું પૅકેટ, સેફ્ટી પિન, રબર બેન્ડનું બંડલ, વગેરે હતાં તો બીજાં ખાનામાં પાવડરની ડબ્બી, ગોગલ્સ, જાત જાતની દવાઓ, મુખવાસનાં પૅકેટ હતાં. તો વળી ત્રીજાં ખાનામાં મોબાઈલ, પાન કાર્ડ, અધાર કાર્ડ એવું કંઈ કંઈ ભર્યું હતું. ધાર્યે સમયે આમાંની એક વસ્તુ પણ ન મળે તો હું તો સાવ આધાર વિનાની જ થઈ  જાઉં !!

  આવાં મહામૂલાં પર્સને શોધવા આ પહાડી પ્રદેશના વાંકાચૂંકા, ઉબડખાબડ રસ્તાઓ  પર ફરી પાછા જવું એનો સીધો અર્થ હતો કે હવે પછીના મુકામે પહોંચવાના સમયનું ત્રણથી ચાર કલાકનું આંધણ! તે ઉપરાંત વધારામાં એ આખો સમય ‘એટલી ખબર ન પડે?’,  ‘પર્સ જેવું પર્સ એમ તે કેમ ભૂલી જવાય?’, ‘બધાંની મજા બગડી ને !’ જેવા અન્ય પ્રવાસીઓના પ્રગટ કે અપ્રગટ કચવાટ અને ગુસ્સાના ધુંધવાટ, ચુપચાપ સહન પણ કરવા પડે.

  આ બધી કલ્પનાઓથી મારૂં મન થથરી જતું હતું. તો પણ શિયાંવીયાં થતાં થતાં, હિંમત એકઠી કરીને ડ્રાઈવરની હળવેથી સૂચના આપી, ‘ ભૈયા, ગાડી થોડા સાઈડ પર કર લેંગે?’ ગાડી ધીમી પડીને  હજુ તો બાજુએ પહોંચી જ હતી ત્યાં પાછળ પાછળ આવી રહેલી ગાડીમાંથી અંજુબેને બારીમાંથી હાથ બહાર કાઢીને મારાં પર્સને ઝુલાવતી સબ સલામતની છડી પોકારી. તે સાથે જ, મારા જ નહીં, અમારી ગાડીનાં સાથી પ્રવાસીઓના પણ, જીવમાં જીવ આવ્યો.

  મને તો ફ્લેશ લાઈટ થઈ જ ગઈ કે હોટલથી નીકળતી વખતે બધી ગાડીઓમાં ચીકીના પૅકેટ વહેંચવા ગઈ ત્યારે પર્સ હોટલનાં પગથિયાં પર મૂકેલું, અને પછી ત્યાં જ ભૂલી ગઈ હતી ! ભલું થજો અંજુબેનનું કે તેમણે એ પર્સ જોયું અને સાથે લઈ લીધું, અને મને ઘોર સંકટમાંથી ઉગારી લીધી. અમારી ગાડી પણ હવે ફરીથી રસ્તા પર આવી ગઈ હતી, એટલે મનોમન વિચાર્યું કે  મહાદેવનાં મંદિરે જતાં વેંત ભોળા શંભુને અંજુબેન પર પ્રસન્ન રહેવાની પ્રાર્થના કરી જ લઈશ !

  –  ઈતિ પર્સ પ્રકરણ –


  ક્રમશઃ


  સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.