વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • વાસંતી વાયરો

    દેવિકા ધ્રુવ

    આ વાસંતી વાયરાને હૈયે ઝીલું, ઝીલી ઝીલીને આખું ગગન ઘૂમું.

    ગગનની પાર ઘૂમી ભીતર વળું,
    ભીતર વળીને પૂરો સમંદર ભરું.
    શીતલ શીકરથી હવા ભીની કરું,
    સ્નેહભીની લહેર થકી જીવન સીંચું.. આ વાસંતી વાયરાને હૈયે  ઝીલું.

     

    જીવનની મહેકને ચોપાસ વીંટું,
    વીંટી વીંટીને, બસ ગુલશન વીંઝુ.
    ગરવા આ વીંઝણાને શબ્દે ગૂંથું,
    ગૂંથી ગૂંથીને કોઈ સરગમ  રેલું.. આ વાસંતી વાયરાને હૈયે ઝીલું.

    સરગમ સંગ ગાનને વ્હેતાં મૂકું,
    વહેતાં બે ગીતના ઠમકે ઝૂમું.
    ઝૂમતાં, ડોલતાં, મુક્તમન નાચું..
    ને દૂર આભે ઊડું, પરમ પ્રેમમાં ડૂબું… આ વાસંતી વાયરાને હૈયે ઝીલું.


    સુશ્રી દેવિકાબેન ઘ્રુવનાં સંપર્ક સૂત્રો
    ઇ-મેલ ddhruva1948@yahoo.com
  • ઊર્મિલ સંચારઃ પ્રકરણ – ૬ અકળ દોરી

    આયુર્વેદિક કેન્સર સારવારમાં ખોટા આંકડા લખવામાં ડો.અંજલિનો હાથ ન હતો. ગુનેગાર ડો.રાકેશ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી. શોમ, અંજલિ સાથેના તૂટેલો વિશ્વાસ દોરને સાંધવા પ્રયત્ન કરે છે. અંજલિ ભારત જવાની તૈયારીમાં છે. શોમ માતાની અણધારી માંદગીથી ચિંતિત છે, ત્યારે… 

    સરયૂ પરીખ

    શોમ સાથે ચર્ચા કરતા ડોક્ટર બોલ્યા, “માહીની તબિયત પર આવી પડેલ આપત્તિને કેમ કરીને નિવારવી? તે છપ્પન વર્ષના જ છે અને બીજું કોઈ દરદ નથી…”

    “અમે અંદર આવી શકીએ?” રમેશ બારણું પકડીને ઊભા હતા અને અંજલિ, દાખલ થતા પહેલા પૂછી રહી હતી. “હા. જરૂર આવો.” જવાબ મળતા તેઓ અંદર દાખલ થયા. શોમનું દિલ ખુશીનું માર્યું જોરથી ધડકવા લાગ્યું. વિસ્ફારિત નયને અંજલિ સામે જોઈ રહ્યો. રમેશે નજીક આવી જરા સ્પર્શ કરી તેનું ધ્યાન ખેંચ્યું.

    “હા, તો અમે વાત કરતા હતા કે, રોગનિદાન સારું લાગે છે. સામાન્ય તંદુરસ્તી સારી હોવાથી શ્રીમતી જોષી જલ્દી સાજા થઈ જશે. આગળ જતા અમુક કારણો, જેમકે ટ્યુમર કેટલી ત્વરાથી વધે છે, અને બીજી કોઈ ગૂંચવણ ઊભી થાય તો ઈલાજ બદલવો પણ પડે. હવે તમારું આયુર્વેદિક સારવાર માટે શું સૂચન છે તે વિશે જોઈએ…ડોં.મારુ, તમારો અભિપ્રાય જણાવશો?” ડોક્ટરે અંજલિને પૂછ્યું.

    અત્યાર સુધી આત્મવિશ્વાસ સાથે બોલી રહેલો શોમ સાવ શાંત બની, વિદ્યાર્થીની માફક સાંભળી રહ્યો. વ્યવસ્થિત સારવારનો ક્રમ નક્કી કરી મિટિંગ પૂરી થઈ.

    બહાર નીકળતા જ શોમ બોલ્યો, “અંજલિ! તું અહીં કેમ?”

    “ભારત જવા નીકળવાની તૈયારી જ હતી અને સ્ટિવનનો ફોન આવ્યો કે ‘આંટી બેભાન થઈ ગયાં હતાં અને બ્રેઈન ટ્યુમરની શક્યતા લાગે છે. તેણે જણાવ્યું કે કયા સ્તરની ગંભીરતા છે તે કાલે ખબર પડશે.’ અને તરત મેં એક સપ્તાહ પછીની ટિકિટ કરાવી નાખી.” અંજલિ રમેશ તરફ ફરીને બોલી, “આંટીને મળવા જઈશું?” અને શોમને ત્યાં જ વિચાર કરતો છોડીને તેઓ નીકળી ગયા.

    જોષી-નિવાસ પહોંચીને જોયું તો માહી તેની પથારીમાં રડતી હતી. રમેશને જોઈને વધારે રડી પડી. “બસ, હવે હું નહીં બચુ. ડોકટરો તો કહે પણ…મને આવી કેંસરની બીમારી થાય જ કેમ? મુંબઈ મારી મમ્મીને છેલ્લી વખત મળવા જવું છે.”

    “અરે, તું જો તો ખરી, તારી ફિકરમાં કોણે ભારત જવાનું માંડી વાળ્યું છે!”

    અંજલિ ધીમેથી અંદર આવી અને માહીના ચહેરાના ભાવ વિજળીના ચમકારાની જેમ બદલાઈ ગયા. અંજલિ નજીક આવતા, તેના બંને હાથ પકડીને માહીએ પોતાની બાજુમાં બેસાડી…અને તેની માંદગીનાં સમાચાર સાંભળીને અંજલિ રોકાઈ ગઈ છે, તે સાંભળતાં માહી ગદગદ થઈ ગઈ.

    “આંટી, બહુ ભૂખ લાગી છે. શું જમશું?”

    “ફ્રીઝમાંથી શોધી કાઢ, હું હમણાં રસોઈમાં આવું છું.” માહી ઝડપથી ઊભી થઈ તે જોતા રમેશ હસીને બોલ્યો, “ઓ મેડમ! જરા સંભાળીને…”

    અમુક વ્યક્તિનો સ્પર્શ પારસમણિ જેવું કામ કરે છે. એ જૂજ અહોભાગ્ય હોય છે, જ્યાં સોનુ બનવાની ક્ષમતા સામેના વ્યક્તિત્વમાં મળી આવે છે. અશ્રદ્ધા અને ચિંતાની સાથે સમજ અને આશા પણ જોડાઈ ગયાં, અને મુશ્કેલીને સ્વીકારવાનો દ્રષ્ટિકોણ બદલાયો. એ દરમિયાન શોમ અને મોટીમાસી પણ આવી ગયા અને થોડા સમય માટે માહી હળવીફૂલ બની, સ્વભાવગત બીજાની સંભાળ લેવામાં વ્યસ્ત થઈ ગઈ.

    નક્કી કર્યા પ્રમાણે, માહીને લઈને શોમ આયુર્વેદિક સેન્ટર પર ગયો. અંજલિ અને શોમ, બન્ને કુશળ ડોક્ટર્સ, સંવાદિતાથી કામ પર ધ્યાન આપી રહ્યા હતા. અજાણતા આંખ મળી જાય કે સ્પર્શ થઈ જાય તે પળ થંભી જતી, એ વ્યાકુળ ઝણઝણાટી વિષે તે બે સિવાય બીજા અજ્ઞાત હતા.

    અંજલિએ મીસીસ. પંડ્યાના આગ્રહને નમ્રતાથી નકારી, તેની મિત્ર સારાને ઘેર તે અઠવાડિયું રહેવાનું નક્કી કર્યું હતું. સારાએ શનિવારે સાંજે, ઘેર નાની પાર્ટી ગોઠવી, સ્ટિવન અને શોમને બોલાવ્યા હતા. આરી અને તેની ગર્લફ્રેન્ડ અને બીજા બે ચાર જણા સાથે સારાનું ઘર ગુંજતું હતું. અંજલિ અને શોમના ચહેરા પર ક્યારેક હસતાં હસતાં ઉદાસીની પીંછી ફરી વળતી. ‘હું આના વગર કેમ જીવી શકીશ?’ તો સાથે અંજલિને એ પણ વિચાર સતાવતો કે…’મારા મન પર આ મણનો ભાર છે, તે કેમ જતો નથી? ‘બાબા કહે છે તેમ, સમયને તેનું કામ કરવા દો, અવળા પ્રવાહમાં વલખાં મારવાનું છોડી દો… આ ચઢાણનો ઉતાર મળી રહેશે.’ ગમે તે હો, પણ મિત્રો સાથેની એ સાંજ અણમોલ હતી. શોમ નીકળી રહ્યો હતો તે વખતે અંજલિએ કહ્યું હતું કે, ‘રવિવારે સવારે એબી સેંટરમાં જઈને, આંટી માટે જરૂરી ઓસડિયાં તૈયાર કરી દઈશ, જેથી આવતા મહિનાઓમાં ખલાસ ન થઈ જાય.’

    અંજલિ દસેક વાગે સેંટર પર પહોંચી અને ગાર્ડ સાથે થોડી વાત કરી, ઉપર જઈને કામે લાગી ગઈ હતી. ઔષધી માપીને લીધી અને પછી લોખંડનો ખાંડણી દસ્તો લઈ અંજલિ ખાંડવામાં મગ્ન હતી. પાછળથી એકદમ બારણાંના ખોલવા-બંધ થવાના અવાજથી ચમકીને તેણે પાછળ ફરી જોયું. “અરે! રાકેશ? અહીંયા શું કરે છે?” રાકેશનો દાઢી-મૂછથી ભરેલો બિહામણો ચહેરો જોઈ અંજલિના ધ્રૂજતા હાથમાંથી દસ્તો સરી ને તેના પગ પર પડ્યો. “ઓ મા!” કરીને  અંજલિ ખુરશી પર બેસી ગઈ.

    “અવાજ ધીમો,” રાકેશે કરડાકીથી કહ્યું. તેની ગુસ્સાભરી લાલ આંખોમાં ભય ઝલકતો હતો, ‘આ બે ભાવ!! ક્રોધ અને ભયનું ભયંકર મિશ્રણ’ એમ વિચારતા અંજલિ વધારે ગભરાઈ ગઈ.

    “મારી પાછળ કત્રીના પોલીસ લઈને પડી છે, કહે છે મેં તેને મારી હતી.” રાકેશની વાત સાંભળીને અંજલિનો ચહેરો તંગ થયો. “એ તો સાવ જૂઠ્ઠી છે…મારી સાથે જંગલિયત કરતી હતી અને મારી માને ગાળ દીધી, તેથી મેં જોરથી એક થપ્પડ અડાવી દીધી…કત્રીના એ લાગની જ છે. અરે, એ તો લગ્ન કરવા તૈયાર હતી… ત્યાં એને મારી એબી સેન્ટરની બાતમી મળી ગઈ અને પછી તો આભ તૂટી પડ્યું.”

    “પણ તું અહીં કેમ આવ્યો છે?”

    “મને શંકા હતી જ કે કત્રીના આવું કંઈક સિપાઈનું લફરું કરશે. મારા સગાને ત્યાં આગલા બારણે ધમાલ સાંભળીને હું પાછલા બારણેથી, મારી તૈયાર બેગ લઈને ભાગી નીકળ્યો. આ જગ્યા સલામત લાગી. થોડા કલાકોનો જ સવાલ છે…કારણકે મારી પાસે આજ સાંજની ભારત જવાની ટિકિટ છે. મને ખબર હતી કે તું હ્યુસ્ટનમાં રોકાઈ ગઈ છે. અને જો! …મારા સારા નસીબે તું અહીં મળી ગઈ! બસ તારે મને એરપોર્ટ પહોંચાડવાનો છે. તારે મને મદદ કરવી જોઈએ. મેં કાંઈ એવો મોટો ગુનો નથી કર્યો. આપણા બંનેનું સારું દેખાય તેથી થોડા આંકડા બદલ્યા, એમા તો આ સતવાદીઓએ મને હેરાન કરી નાખ્યો.” રાકેશ અસંબદ્ધ બોલ્યે જતો હતો.

    “મારી પાસે ક્યાં કાર છે?” અંજલિ તેના પગને પંપાળતી બોલી.

    “તું તારા બોયફ્રેન્ડ, શોમને બોલાવ…”

    “હું એવું કંઈ કરવાની નથી, તું થાય તે કરી લે.” અંજલિ ગુસ્સે થઈને બોલી.

    રાકેશે ખિસ્સામાં હાથ નાખી નાની શીશી કાઢી, તેના પર ‘ઝેર’ લખેલું હતું. “ભલે. તારે મદદ ન કરવી હોય તો હું આ ઝેર ખાઈ લઈશ. બસ, એટલી મહેરબાની કરજે…ભારત જાય પછી મારા વિધવા મમ્મીને મળીને કહેજે કે, મેં તમારા દિકરાને મરવા દીધો.”

    “હું એવા ગપ્પાથી ભોળવાઈશ નહીં. તેં જે ભૂલો કરી છે તેની સજા ભોગવ.”

    રાકેશ કશું બોલ્યા વગર, શીશી ખોલી ગોળીઓ હાથમાં કાઢી અને સિંક પાસે પાણી લેવા ગયો.  અંજલિને લાગ્યું કે હમણાં તેનો ગોળીઓવાળો હાથ મોં પાસે પહોંચશે…

    “બસ કર!! મારે તારું મોત મારા માથા પર નથી થોપવું, સમજ્યો?” અંજલિએ બૂમ પાડી. અને શોમનો નંબર જોડ્યો, “શોમ! અહીં સેન્ટર પર આવી શકશો? જલ્દી…”

    “હા, થોડું કામ પતાવીને આવું…”

    “ના હમણાં જ, ઇમર્જન્સી છે.” અંજલિ અચકાઈને બોલી.

    “શું વાત છે? તું ઠીક છે?” શોમ ચિંતિત થઈ બોલ્યો. રાકેશે નાક પર આંગળી મૂકી ચૂપ રહેવા કહ્યું. અંજલિએ “હા” કહીને ફોન મૂકી દીધો.

    જવાની તૈયારી કરતો હતો ત્યાં, શોમનો ફોન ફરી વાગ્યો, “ડોક્ટર! હું કત્રીના બોલું છું. રાકેશ ત્યાં આવ્યો છે?”

    “ના” કહીને ફોન પડતો મૂકી શોમ ઝડપથી નીકળીને સેન્ટર પર પહોંચ્યો. વાતોડિયા ગાર્ડ સાથે ‘કેમ છો’ કરીને ઉપર જવા લાગ્યો, પણ દાદર પાસે અટકીને ગાર્ડને પૂછ્યું, “ડોક્ટર અંજલિ સિવાય બીજું કોઈ આવ્યું છે?”

    “હા, પંદરેક મિનિટ પહેલા ડોક્ટર રાકેશે તેમની કોઈ વસ્તુ લેવા અંદર જવાની માંગણી કરી હતી, અને મેં જવા દીધા હતા.”

    “હું થોડા સમયમાં નીચે ન આવું તો, તમે ઉપર આવજો,” કહેતા શોમ બે બે પગથિયાં ચડતો દોડ્યો. બારણું બંધ હતું. શોમે ટકોરા માર્યા અને અંજલિનો અવાજ આવ્યો, “કોણ?”

    “હું શોમ.” બારણાની આંકડી ખુલી અને રાકેશે તેને અંદર આવવા દઈ બારણાં પર ફરી આંકડી મારતો જોઈને બોલ્યો,

    “રાકેશ આ શું કરે છે?” કહેતો શોમ અંજલિ પાસે ગયો. તેનો વેદનાથી ખરડાયેલો ચહેરો જોઈ અકળાઈને રાકેશ તરફ ગુસ્સાભરી નજર નાંખી. નીચે નજર પડતાં, “અરે, તારા પગના અંગુઠા પર સોજો આવી ગયો છે અને નખ લીલો પડી ગયો છે, hematoma… આનો તરત ઈલાજ કરવાની જરૂર છે.”

    રાકેશ જલ્દીથી બોલ્યો, “ઈલાજ પછી, પહેલાં મને એરપોર્ટ ઉતારી દ્યો, પછી પ્રેમથી અંજલિને સંભાળજો.” શોમ કડકાઈથી ના પાડવા જતો હતો ત્યાં અંજલિ કણસતા બોલી, “મહેરબાની કરીને રાકેશ કહે છે તેમ કરો. મારાથી આ પગનો દુખાવો સહન નથી થતો.”

    “ચાલો નીકળીએ. મારી બેગ બહાર ખૂણામાં પડી છે તે લઈ લઉં.” રાકેશ જવા ઉતાવળો થઈ ગયો.

    “કત્રીનાનો મારા પર ફોન આવ્યો હતો.” શોમે કહ્યું અને રાકેશના પગ થંભી ગયા.

    “હવે હું કહું તે પ્રમાણે કરો.” રાકેશ મક્કમ અવાજે બોલ્યો, “અંજલિ! તું અને શોમ નીચે જાવ. શોમ કાર લેવા જાય અને અંજલિ તું ગાર્ડને કોઈ પણ બહાને પ્રવેશદ્વાર પાસેથી દૂર લઈ જજે. હું કાર આવતા જ પાછલી સીટમાં ઘૂસી જઈશ અને પછી તું આવી જજે. ગાર્ડને ખબર પડશે કે હું બેગ લઈને નીકળ્યો છું, તો કત્રીના તેની પાસેથી સામ, દામ, દંડ, ભેદથી બાતમી મેળવશે. મારી ફ્લાઈટ નીકળે પહેલા મને પકડી પાડે તેવી પાગલ બાઈ છે.”

    શોમ તેનો હૂકમ માનવા તૈયાર ન હતો અને બિલકુલ ખસ્યો નહિ. એ જોઈ રાકેશ ઢીલો પડી ગયો અને બે હાથ જોડીને રડવા લાગ્યો. “મેં ખરેખર કત્રીના પર જુલમ નથી કર્યો. મારા પર દયા કરીને એરપોર્ટ પહોંચાડો. ગોઆમાં વૈદ્ય ભાણજી મને સજા આપશે.” અંજલિએ શોમ સામે જોયું અને ઉઠવા માટે ટેકો લેવા હાથ લંબાવ્યો.

    નીચે જઈને અંજલિએ પોતાના દુખતાં અંગુઠા માટે ગાર્ડને રૂમાલ ભીનો કરવા મોકલ્યો. શોમની કાર આવતા જ રાકેશ પાછલી સીટમાં જઈને સંતાઈ ગયો, પછી અંજલિ આવી અને તેઓ એરપોર્ટ જવા નીકળી ગયાં. એરપોર્ટ પર કાર અટકી કે તરત આજુબાજુ જોતો રાકેશ ઝડપથી જતો રહ્યો. “એને લાંબી વિદાય નથી ગમતી લાગતી.” કહીને શોમ હસ્યો. પણ પગના અંગુઠામાં થતાં લબકારાને લીધે અંજલિની આંખમાં આંસુ આવી ગયાં.

    વધુ બોલ્યા વગર શોમે કાર હોસ્પિટલ તરફ લીધી. અંજલિ આંખો મીચી બેસી રહી. હોસ્પિટલ પહોંચીને શોમે અંદર જઈ નર્સને વ્હીલચેર લાવવાનું કહ્યું. કારનું બારણું ખોલ્યું, પણ અંજલિની નિંદર ન ખૂલી. શોમે કોમળતાથી તેને ઊંચકી અને વ્હીલચેરમાં બેસાડી, “ઓહ, માફ કરજો. મારી આંખ મળી ગઈ હતી.” સફાળી જાગીને તે જરા ગૂંચવાઈ ગઈ.

    શોમ જે રીતે તેની કાળજી લઈ રહ્યો હતો તેવી ઘણા સમયથી કોઈએ નહોતી લીધી. ડોક્ટર તરીકે પોતે જ હંમેશા ખડે પગે રહેતી. અંજલિ આરામથી બેસીને આળપંપાળ મ્હાણી રહી. પાટાપિંડી પત્યા પછી શોમે પૂછ્યું, “જોષી-નિવાસ જઈશું? ગરમ લંચ મળવાની શક્યતા છે.” અને તેઓ ઘેર આવી પહોંચ્યા. કારમાંથી અંજલિને પગથીયા સુધી શોમ ચલાવીને લઈ આવ્યો… જ્યાં તે અચકાઈને ઊભી રહી ગઈ. પાંચ પગથિયાં ચડીને શોમે ડોરબેલ વગાડ્યો. માહી અને મોટીમાસી બારણું ખોલી આશ્ચર્યથી જોતાં રહ્યાં. શોમ પાછો ફરી, અંજલિને બાંહોમાં ઊંચકી, સહજ રીતે ઊંબરો પસાર કરી અંદર લઈ આવ્યો. મોટીમાસી તો આ કામને એકદમ ગંભીરતાથી અવલોકતા રહ્યાં. ખાનગીમાં માહી સાથે તેની આલોચના પણ થઈ. પણ માહી કહે, “ના, ના. એવું કશું નક્કી નથી.”

    અંજલિએ બે દિવસ સારાને ઘરે આરામ કર્યો. એકાંતમાં શાંત અને નિસ્વાર્થ ભાવથી પોતાના મનને ચકાસ્યું. ‘હું શા માટે શોમને ચાહું છુ? પ્રેમ છે કે કોઈ લાલચ છે?’ અને દર વખતે અંતર પોકારે કે મારે શોમનો સાથ જોઈએ છે. ‘પરંતુ શોમની ખુશી મારાથી દૂર રહેવામાં હોય તો એ પણ કબૂલ છે. તે હંમેશા ખુશ રહે… મમ્મી અને બાબા સાથે વાત કરીશ ત્યારે સ્પષ્ટતા થશે.’

    જવાના આગલા દિવસે બપોરે અંજલિ આવજો કહેવા જોષી-નિવાસ આવી હતી. રમેશના ઘેર આવવાની રાહ જોતી હતી એ દરમ્યાન… ટેબલ પર કાગળ પેન લઈને બેઠી અને કશું લખી રહી હતી. સમય પછી, “આંટી, એક પુસ્તક શોમના રૂમમાં મૂકું છું.” કહીને અંજલિ અંદર ગઈ. રમેશ આવી ગયા અને દીકરીને વિદાય કરતા હોય તેટલા સ્નેહથી ‘આવજો’ કહ્યું. ‘હવે નહીં મળીએ? અને મળશું તો કયા સંબંધના નેજા નીચે?’ એ પ્રશ્ન માહીને બે ધારી તલવારની જેમ સોરતો હતો.

    આ વખતે શોમે અંજલિની ‘ના’ સાંભળી જ નહીં, અને એરપોર્ટ લઈ જવા માટે કાર લઈને સારાના ઘેર હાજર થઈ ગયો.

    રમણીય તવ સાથ હું આજે લઉં ચોરી,
    આંખમાં સમાવી કરું છાની બળજોરી.
    ભલે જાયે આઘેરી, લાગે તું ઓરી,
    રોકવાને કાજ દિલ ખેંચે અકળ દોરી.


               ——      કમશઃ


    સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com
  • ફ્રાંઝ કાફકા

    વ્યંગ્ય કવન

    ઉદયન ઠક્કર

    (છંદઃ મનહર)

    ફ્રાંઝ કાફકાએ એના મિત્રને લખેલો પત્ર,

    ટહેલ નાખું છું, મારી ટહેલ નિભાવજે,

    મારા ગયા પછી, મન કઠણ કરીને પણ,

    મારી સર્વ હસ્તપ્રતો સળગાવી નાખજે!

    હસ્તપ્રતો પર મિત્ર એવો તો ઓવારી ગયો,

    સળગાવી નહિ અને ધરાર છપાવી છે,

    કાફકાની સૂચનાને અવગણી, પણ એણે

    આખરે તો કાફકાની આબરૂ દીપાવી છે.

    ‘મારા ગયા પછી મારી હસ્તપ્રતો છપાવજે,’

    એવું કહી એક કવિમિત્ર પાછો થયો છે,

    મારા પર એ મુઆને કેટલી તો શ્રદ્ધા હશે,

    શાયરીનું શ્રાદ્ધ કરવાનું કહી ગયો છે.

    આબરૂ વધારવાની વાત તો બાજુએ રહી,

    સવાલ છે કેવી રીતે આબરૂ બચાવવી?

    કદી કદી લાગે છે કે પ્રકટ કરાવવી ને

    પછી એમ લાગે છે કે પ્રકટાવી નાખવી.

  • ‘કોઈ’ શબ્દવાળા ગીતો – (૨) – कभी ना कभी कोई ना कोई तो आयेगा

    નિરંજન મહેતા

    આ વિષયને લગતા ૧૯૬૦ સુધીના ગીતો ૨૫.૦૨.૨૦૨૩ના લેખમાં મુકાયા હતા. આનો બીજો ભાગ આ સાથે પ્રસ્તુત છે જેમાં ૧૯૬૬ સુધીના ગીતોને આવરી લેવાયા છે

    સૌ પ્રથમ જોઈએ ૧૯૬૧ની ફિલ્મ  ‘કાબુલીવાલા’નું આ ગીત

    गंगा आये कहा से
    गंगा जाये कहा से
    लहराए पानी में
    जैसे धूप छांव रे

    ગંગા કિનારે કોઈ ભિક્ષુકના કંઠે ગવાતા ગંગા નદીના સંદર્ભમાં આ ગીત મુકાયું છે જેના શબ્દો છે ગુલઝારના અને સંગીત છે સલીલ ચૌધરીનું. સ્વર છે હેમંતકુમારનો. પાર્શ્વમાં બલરાજ સહાની દર્શાવાયા છે.

    ૧૯૬૧ની અન્ય ફિલ્મ છે ‘જંગલી’ જેના આ ગીતે ત્યારે તો ધૂમ મચાવી હતી અને આજે પણ તેના ઉપર લોકો ઝૂમી ઉઠે છે.

    याहू याहू

    चाहे कोई मुझे जंगली कहे
    कहेने दो जी कहेता रहे
    हम प्यार के तुफानो में
    गिरे है हम क्या करे

    શમ્મીકપૂરની આગવી અદા આ ગીતમાં જણાઈ આવે છે. ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. આગવો સ્વર છે રફીસાહેબનો.

    ૧૯૬૧ની  ફિલ્મ ‘માયા’નુ આ ગીત એક ફિલ્સુફીભર્યું ગીત છે

    कोई सोने के दिलवाला
    कोई चांदी के दिलवाला
    शीशे का मतवाले तेरा दिल

    પ્રેમભંગ દેવઆનંદ પોતાની વ્યથા આ પાર્ટીગીતમાં દર્શાવે છે જેમાં પોતાની પ્રેમિકાને પથ્થરદિલ તરીકે ઉલ્લેખે છે. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે સલીલ ચૌધરીએ. સ્વર છે રફીસાહેબનો.

    ૧૯૬૧ની ફિલ્મ ‘ઝૂમરૂ’નુ આ ગીત દર્દભર્યું ગીત છે

    कोई हमदम ना रहा कोई सहारा ना रहा
    हम किसी के ना रहे कोई हमारा ना रहा

    નિરાશ કિશોરકુમારના સ્વરમાં અને તેણે જ સંગીતબદ્ધ કરેલા આ ગીતના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી.

    ૧૯૬૨ની ફિલ્મ ‘મૈ ચૂપ રહુંગી’માં આ એક પ્રેમી યુગલની નોકઝોક છે.

    कोई बता दे दिल है जहा
    क्यों होता है दर्द वहां

    तीर चला के ये तो ना पूछो
    दिल है कहां और दर्द कहां

    સુનીલ દત્ત અને મીનાકુમારી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે રાજીન્દર કૃષ્ણ અને સંગીત આપ્યું છે ચિત્રગુપ્તે. સ્વર છે લતાજી અને રફીસાહેબના

    https://youtu.be/bhGaJ0B1UDs

    ૧૯૬૨ની ફિલ્મ ‘આશિક’નુ આ ગીત પ્રતિકાત્મક ગીત છે.

    ओ शमा मुजे फूंक दे
    मै ना रहू तू ना रहे
    ……….

    पत्थर दिल है ये जगवाले
    जाने ना कोई मेरे दिल की जलन

    શમા પરવાનાના સંબંધોને અનુલક્ષીને આ નૃત્યગીત રચાયું છે જેના મુખ્ય કલાકાર છે રાજકપૂર અને પદ્મિની. શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાયકો છે મુકેશ અને લતાજી.

    ૧૯૬૩ની ફિલ્મ ‘દિલ એક મંદિર’નુ આ ગીત એક પ્રેમીના મનોભાવને ઉજાગર કરે છે

    यहां कोई नहीं तेरे मेरे सिवा
    कहती है झूमती गाती हवा

    ડો. રાજેન્દ્રકુમાર અતીતમાં સરી જાય છે જેમાં તે પોતાની પ્રેમિકા મીનાકુમારીને મનાવવા આ ગીત ગાય છે તેમ દર્શાવાયું છે. ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર શંકર જયકિસન ને સ્વર છે રફીસાહેબનો.

    ૧૯૬૪ની ફિલ્મ ‘દૂર ગગન કી છાંવ મેં’નુ આ ગીત પણ એક દર્દભર્યું ગીત છે.

    कोई लौटा दो मुझे मेरे बीते हुए दिन
    बिते हुए दिन वो मेरे प्यारे पल छीन

    અતીતની યાદમાં ખોવાયેલ કિશોરકુમાર માટે આ એક પાર્શ્વગીત તરીકે પ્રસ્તુત છે જેના શબ્દો છે શૈલેન્દ્રના. ગાયક અને સંગીતકાર કિશોરકુમાર.

    ૧૯૬૪ની ફિલ્મ ‘શરાબી’નુ આ ગીત પણ વ્યથાપૂર્ણ છે

    कभी ना कभी कोई ना कोई तो आयेगा
    अपना मुझे बनाएगा दिल में मुझे बसायेगा

    વિરહની તડપ દર્શાવતું આ ગીત દેવઆનંદ પર રચાયું છે જેના શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત આપ્યું છે મદનમોહને. સ્વર છે રફીસાહેબનો.

    ૧૯૬૪ની ફિલ્મ ‘દોસ્તી’નુ આ ગીત દોસ્તીના સંબંધ પર રચાયું છે.

    कोई जब राह न पाये मेरे संग आये
    के पग पग दीप जलाये
    मेरी दोस्ती मेरा प्यार

    દોસ્તીની મીસાલરૂપ આ ફિલ્મમાં બે મિત્રોની વાત રજુ થઇ છે જેમાં એક પ્રજ્ઞાચક્ષુ હોય છે. તેના ઉપર આ ગીત દર્શાવાયું છે. દોસ્તો છે સુધીરકુમાર અને સુશીલકુમાર. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે રફીસાહેબનો.

    ૧૯૬૪ની ફિલ્મ ‘અપને હુએ પરાયે’નુ ગીત એક હકારાત્મક પ્રકારનું ગીત છે.

    फिर कोई मुस्कुराया फिर एक फुल खिला
    कोई बुलाये और कोई आये अब दिल चाहे क्या

    કોઈના એક સ્મિત મળવાથી તેની શું અસર થાય છે તે આ ગીત દ્વારા જણાવાયું છે. મનોજકુમાર પર રચાયેલ આ ગીતના પાર્શ્વમાં માલા સિંહા દેખાય છે. શૈલેન્દ્રના શબ્દોને સજાવ્યા છે શંકર જયકિસને. ગાયક મુકેશ.

    ૧૯૬૫ની ફિલ્મ ‘દો દિલ’નુ ગીત છે

    कहां है तू आजा ऐ मेरे सजना आ जा
    प्यासी हिरनी बन बन धाये कोई शिकारी आये

    ફૂદકતી ફૂદક્તી રાજશ્રી આ ગીત દ્વારા કોઈને આવવાનું આમંત્રણ આપે છે જે સાંભળી બિશ્વજીત તેને શોધતો ફરે છે. શબ્દો છે કૈફી આઝમીના અને સંગીત છે હેમંતકુમારનુ. સ્વર છે લતાજીનો.

    ૧૯૬૫ની ફિલ્મ ‘ગુમનામ’નુ આ ગીત સસ્પેન્સ ગીત છે.

    गुमनाम है कोई बदनाम ई कोई
    किस को खबर कौन है वो अनजान है कोई

    આ ગીત પાર્શ્વગીત તરીકે મુકાયું છે જે એક ટાપુ પર ફસાયેલા કલાકારોને સંભળાય છે અને તેને કારણે તેઓ ભયભીત થાય છે. ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને જેના ગાયિકા છે લતાજી.

    https://youtu.be/Kjyr9JYd3-I

    ૧૯૬૫ની ફિલ્મ ‘તીન દેવીયા’નુ આ ગીત  એક પાર્ટી ગીત છે.

    ख़्वाब हो तुम या कोई हकीकत
    कौन हो तुम बतलाओ
    देर से कितनी दूर खडी हो
    और करीब आ जाओ
    પાર્ટીમાં હાજર ત્રણ મહિલાઓ સિમી ગરેવાલ, નંદા અને કલ્પના સમજે છે કે આ ગીત તેને ઉદ્દેશીને જ દેવઆનંદે ગાયું છે. આમ એક ભ્રમમાં તેઓ ત્રણે ઝૂમી ઉઠે છે. ગીતકાર મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને અને સ્વર છે કિશોરકુમારનો.

    ૧૯૬૬ની ફિલ્મ ‘લવ ઇન ટોકિયો’નુ આ ગીત એક નૃત્યગીત છે.

    कोई मतवाला आया मेरे द्वारे
    अंखियो से कर गया अजब इशारे

    ભાવનાઓને વ્યક્ત કરાતા આ નૃત્યગીતમાં જોય મુકરજી ટી.વી. પર આશા પારેખને જુએ છે. ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને જેના ગાયિકા છે લતાજી.

    ૧૯૬૬ની ફિલ્મ ‘બહારે ફિર ભી આયેગી’નુ ગીત છે

    कोई केह दे केह दे केह दे जमाने से जाके
    के हम गबराके मोहब्बत कर बैठे

    પ્રેમ કર્યા બાદ પોતાની ભાવનાને તનુજા આ ગીત દ્વારા ધર્મેન્દ્ર આગળ વ્યક્ત કરે છે. ગીતકાર છે અઝીઝ કાશ્મીરી અને સંગીતકાર છે ઓ. પી. નય્યર. ગાયિકા આશા ભોસલે.

    https://youtu.be/vpNmhOY33JY
    ૧૯૬૬ની ફિલ્મ ‘દિલ દિયા દર્દ લિયા’નુ આ ગીત શીર્ષકને અનુરૂપ દર્દભર્યું છે.

    कोई सागर दिल को बहेलाता नहीं
    बेखुदी में भी करार आता नहीं

    શરાબ પીધા બાદ પોતાના દર્દને દિલીપકુમાર આ ગીત દ્વારા વ્યક્ત કરે છે. શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત છે નૌશાદનું. સ્વર છે રફીસાહેબનો.

    ૧૯૬૬ની ફિલ્મ ‘દેવર’ના ગીતમાં બે વર્ઝન છે

    दुनिया में ऐसा कहां सब का नसीब हो
    कोई कोइ अपने पिया के करीब हो

    શર્મિલા ટાગોર શણગાર કરતા કરતા આ ગીત ગાય છે જેને સાંભળીને ધર્મેન્દ્ર તેને શોધતો શોધતો આવે છે અને ત્યારબાદ તેને જોઇને તે બાળપણની યાદમાં ખોવાઈ જાય છે. બીજા વર્ઝનમાં બાળપણના સાથીઓને દર્શાવાયા છે. ગીતના ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર રોશન. ગાયિકા લતાજી.

    ૧૯૬૬ પછીના ગીતો હવે પછીના ભાગ ત્રણમાં.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મ સંગીત વાદ્યવિશેષ : (૬) – તંતુવાદ્યો (૧) – વાયોલીન

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    અત્યાર સુધીની કડીઓમાં હિન્દી ફિલ્મી ગીતોમાં પ્રયોજાયેલાં વિવિધ કળવાદ્યો વિશે જાણ્યા પછી હવે તંતુવાદ્યો તરફ આગળ વધીએ. રાવણહથ્થા જેવા સાદા લોકવાદ્યથી લઈને અતિશય સંકીર્ણ રચના ધરાવતાં સિતાર અને વીણા જેવાં જુદા જુદા પ્રકારનાં તંતુવાદ્યો જોવા મળે છે.

    સૌથી પહેલાં વાયોલીનનો પરિચય કેળવી અને ફિલ્મી ગીતોમાં તેના પ્રદાન વિશે વાત કરીએ.  આમ તો આપણા માટે તે એટલું પરીચિત છે કે એ જાણીને નવાઈ લાગી શકે કે વાયોલીન વિદેશી મૂળનું તંતુવાદ્ય છે. આકૃતિમાં જોઈ શકાય છે તેમ આ વાદ્યની રચનામાં ચોક્કસ આકારના તુંબડાથી લઈને તેની સાથે જોડાયેલા હાથાના છેડા સુધી ચાર તાર બાંધેલા હોય છે. આ તારને અલગઅલગ સૂરમાં મેળવી લેવાય છે. તસવીરમાં વાયોલીન સાથે મૂકવામાં આવેલી ગજ/Bow તરીકે ઓળખાતી રચના વડે જે તે તારને ઘસતાં ચોક્કસ સૂરનો અવાજ નિષ્પન્ન થાય છે. જે અવાજ નીપજે છે તેને વગાડનાર કલાકાર પોતાના બીજા હાથની આંગળીઓ વડે કુશળતાથી નિયંત્રીત કરીને ધાર્યા સ્વર વગાડે છે.

    મોટા ભાગના સંગીતરસિકો વાયોલીનથી પરીચિત હોય છે. પણ તેના જ કુળનાં ત્રણ વાદ્યો – વાયોલા સેલો અને બાસ– બહુ પ્રચલિત થયાં નથી. નીચેની તસવીરમાં જોઈ શકાય છે તેમ ચારેમાં મુખ્ય તફાવત કદનો હોય છે. વાયોલીન ચારેયમાં સૌથી નાનું હોય છે અને પછી ચડતી શ્રેણીમાં વાયોલા, સેલો અને બાસ આવે છે. દરેક વાદ્યની બાજુમાં તેના તારને ઝંકૃત કરવા માટે વપરાતો ગજ પણ જોવા મળે છે. અલબત્ત, ચારેય વાદ્યોને વગાડવાની શૈલીમાં પણ થોડો-ઘણો તફાવત રહેલો છે, પણ એ સંકીર્ણ વિષયની ચર્ચા અત્રે અસ્થાને છે.

    (જમણેથી)વાયોલીન, વાયોલા, સેલો અને બાસ

    આ ચારેય પ્રકારનાં વાદ્યો પશ્ચિમી વાદ્યવૃંદોમાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગે લેવાતાં આવ્યાં છે. ભારતીય શૈલીના સંગીતમાં મહદઅંશે વાયોલીનનો પ્રયોગ થાય છે. વાયોલીન એક સંપૂર્ણ વાદ્ય ગણાય છે અને તેનો ઉપયોગ શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, હળવા તેમ જ ફિલ્મી સંગીતમાં છૂટથી કરવામાં આવે છે.

    ભારતીય શાસ્ત્રીય વાદ્યસંગીતના બે ઉપપ્રકારો – હિન્દુસ્તાની અને કર્ણાટકી – માં વાયોલીનવાદનનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થતો આવ્યો છે. પ્રસ્તુત ક્લીપમાં કલા રામનાથ નામનાં કલાકાર વાયોલીન પર હિન્દુસ્તાની રાગ તીલક કામોદ વગાડી રહ્યાં જણાય છે.

    આ ક્લીપમાં મંજુનાથ માયસોર અને નાગરાજ માયસોર કે જેઓ ‘માયસોર બ્રધર્સ’ તરીકે જાણીતા છે, તે ભાઈઓ વાયોલીન ઉપર કર્ણાટકી રાગ ચારુકેશી વગાડી રહ્યા છે.

    આ બે ક્લીપ્સ માણીને ખ્યાલ આવશે કે ભારતીય તેમ જ કર્ણાટકી સંગીતમાં એના એ જ વાયોલીનના સૂર સાવ અલગ રીતે જ નીકળે છે. બન્ને પ્રકારના વાદનમાં અમુક અંશે વાયોલીન પકડવાની શૈલીમાં પણ તફાવત હોય છે.

    પાશ્ચાત્ય સંગીતનાં વાદ્યવૃંદો માટે વાયોલીન અને સેલો અને બાસ જેવાં તેનાં પિતરાઈ વાદ્યો અનિવાર્ય ઘટક હોય છે. ઉદાહરણ તરીકે એક ક્લીપ માણીએ, જેમાં સમગ્ર વાદ્યવૃંદમાં વાયોલીનવાદકોનું પ્રમાણ સ્પષ્ટપણે ઊંચું જોઈ શકાય છે. આ રીતે સામૂહિક વાદન થાય તેને ગ્રુપ વાયોલીન્સ અથવા સ્ટાફ વાયોલીન્સ વાદન કહેવામાં આવે છે. આ રજૂઆતમાં સમયસમયે એક મહિલા વાદક પોતાના ભાગના અંશો એકલાં જ વગાડે છે. આને સોલો વાયોલીન વાદન અથવા એકલવાદન કહેવાય છે.

    આવી જ પ્રણાલી હિન્દી ફિલ્મી વાદ્યવૃંદોમાં પણ જોવા મળે છે. એક સ્ટેજ કાર્યક્રમમાં ફિલ્મ ‘બરસાત’ના ગીતની રજૂઆત ધ્યાનથી માણતાં તે બાબત નોંધી શકાશે. ગાયિકાની પાછળ આઠ વાયોલીન વાદકો જરૂર પ્રમાણે પોતાનું પ્રદાન કરે છે. શરૂઆતમાં 0.20 થી 0.35 સુધી ગીતના મુખડાની તરજ એકલવાદન દ્વારા રજૂ થાય છે. તે પછી 0.42 થી 0.48 સુધી સમૂહવાદન છેડાય છે. 0.50 થી 0.55 દરમિયાન ફરીથી એકલવાદન સાંભળી શકાય છે.

    ઉપરની ક્લીપ્સને માણતાં સમજી શકાય છે કે વાયોલીન એક સંપૂર્ણ વાદ્ય છે, જેનો ઉપયોગ વિવિધ વાદનપ્રણાલીઓમાં વ્યાપક ધોરણે કરાતો આવ્યો છે.

    હવે હિન્દી ફિલ્મી ગીતોનું બંધારણ યાદ કરી લઈએ. અપવાદો બાદ કરતાં ગીતની શરૂઆત વાદ્યસંગીતથી થાય છે, જેને પૂર્વાલાપ/Prelude કહેવામાં આવે છે. તે પછી ગીતના મુખડાની ગાયકી શરૂ થાય છે. મુખડા પછી વાદ્યસંગીતનો એક પડાવ આવે છે. તે મધ્યાલાપ/Interlude કહેવાય છે. તે પછીની ગાયકીને ગીતનો અંતરો કહેવામાં આવે છે. સામાન્ય રીતે ફિલ્મી ગીતોમાં બે અંતરા હોય છે. પૂર્વાલાપ તેમ જ મધ્યાલાપ ઉપરાંત ગાયકીને સમાંતર પણ વાદ્યસંગીતના પ્રયોગો થતા રહે છે, જે ઓબ્લિગેટોસ/Obligatos અથવા કાઉન્ટર મેલોડી/Counter Melody તરીકે ઓળખાય છે. આવા બધા જ પ્રયોગોમાં વાયોલીન્સનો પ્રચૂર ઉપયોગ થતો આવ્યો છે. હિન્દી ફિલ્મી ગીતોનું વાયોલીંસ અભિન્ન અંગ બની રહ્યાં છે. આટલી પૂર્વભૂમિકા પછી આગળ વધીએ, વાયોલીનપ્રધાન હિન્દી ફિલ્મી ગીતો તરફ.

    વાયોલીનની વાત નીકળે એટલે સંગીતપ્રેમીઓની જુબાને સૌથી પહેલું નામ આવે શંકર-જયકિશનની જોડીનું. તેમણે એટલી પ્રચૂર માત્રામાં વાયોલીન્સનો ઉપયોગ કર્યો છે કે તેમના માટે એક અલાયદો લેખ થઈ શકે. પહેલાં અન્ય સંગીતકારોએ શી રીતે તેનો ઉપયોગ કર્યો છે તે સાંભળીએ.

    ઈન્ટરલ્યુડ્સમાં વાયોલીન્સનો ભરપૂર ઉપયોગ ગુલામ હૈદરે કર્યો. ૧૯૪૨ની ફિલ્મ ‘ખાનદાન’માં તેમનું જ સંગીત હતું. નૂરજહાંએ હાયેલા પ્રસ્તુત ગીતમાં સોલો તેમ જ ગ્રુપ વાયોલીન્સના અંશો સમયસમયે સાંભળી શકાય છે.

    ફિલ્મ ‘રતન’ (૧૯૪૪)માં નૌશાદના નિર્દેશનમાં જોહરાબાઈ અમ્બાલાવાલીનું ગાયેલું આ ગીત ધૂમ મચાવી ગયું હતું. તેમાં વાયોલીન્સના અંશો પ્રચ્છન્નપણે કાને પડતા રહે છે.

    હિન્દી ફિલ્મી ગીતોમાં શિરમોર ગણાવી શકાય તેવી લોરી સી. રામચન્દ્રએ ૧૯૫૧ની ફિલ્મ ‘અલબેલા’ માટે બનાવી છે. લતા મંગેશકર અને ખુદ સી. રામચન્દ્રના સ્વરમાં ગવાયેલી આ રચનામાં ખુબ જ નાનું અને સાદું વાદ્યવૃંદ ઉપયોગમાં લેવાયું છે. તેમાં ખાસ કરીને એકલ વાયોલીનના ટૂકડા અવિસ્મરણીય છે.

    ૧૯૬૪માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘હકીકત’નાં મદનમોહનના સંગીતથી મઢેલાં ગીતો ખુબ જ લોકપ્રિય થયાં હતાં. તે પૈકીના આ ગીતમાં એકલ વાયોલીનનો અસાધારણ પ્રયોગ થયો છે. કિંવદંતી મુજબ આ અંશો સંગીતકાર પ્યારેલાલે વગાડ્યા હતા. ગીતના શબ્દોમાં વણાયેલી વ્યથાને જેટલો ન્યાય મહંમદ રફીએ આપ્યો છે એટલો જ ન્યાય વાયોલીનવાદકે પણ આપ્યો છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.

    ફિલ્મ ‘મેરે સનમ’ (૧૯૬૫)માં ઓ.પી.નૈયરનું સંગીત હતું. તેના આ યુગલગીતની શરૂઆતના પૂર્વાલાપમાં અને પછી નિયાત સમયે વાગ્યા કરતા ઓબ્લિગેટોઝમાં વાયોલીન સતત હાજરી પૂરાવતું રહે છે.

    મદનમોહને ૧૯૭૦માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘મહારાજા’ના એક ગીત માટે વિશિષ્ટ પ્રયોગ કર્યો હતો. વાયોલીન, વાયોલા તેમ જ સેલો એમ ત્રણ પિતરાઈ વાદ્યો સાથે મધ્યાલાપ બનાવ્યા હતા. તે ગીત સાંભળીએ.

    ફિલ્મ ‘પ્રેમપૂજારી’ (૧૯૭૦)ના સચીનદેવ બર્મનની સ્વરબાંધણી ધરાવતા અને લતા મંગેશકરે ગાયેલા આ ગીતમાં શરૂઆતમાં અને બીજા અંતરા પછીના મધ્યાલાપમાં ખુબ જ શ્રવણીય વાયોલીન સાંભળવા મળે છે.

    આવનારી કડીમાં પણ વાયોલીનપ્રધાન ફિલ્મી ગીતો માણશું.

    નોંધ :

    ૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • ઘરશાળા (Home schooling)

    ચેલેન્‍જ.edu

    રણછોડ શાહ

    જે છે તે તો છે જ
    આ તો એમ જ પડી અમસ્તી
    શંકા અમને સ્‍હેજ.

    હરીશ મીનાશ્રુ

    શિક્ષણમાં આવતાં પરિવર્તનનોની સંખ્યા ખૂબ વધારે હોય છે. એક જમાનામાં રેતી ઉપર લખતો વિદ્યાર્થી સ્લેટ-પેનથી શિક્ષણ પામતો થઈ ગયો. તો નોટ-પેન્સિલ અને શાહીની પેનમાંથી કયારે બૉલપેનનો જમાનો આવી ગયો તે સમજાયું નહીં. બ્લેક બોર્ડમાંથી સ્માર્ટ બોર્ડ આવી ગયા. બે પરિમાણદર્શી શિક્ષણમાંથી ત્રિપરિમાણ અને બહુપરિમાણી શિક્ષણ તરફ આપણે જેટ સ્પીડથી પહોંચી ગયા. ભૂગોળના તાસ દરમિયાન નકશા લઈ જવાને બદલે પ્રોજેક્ટર મારફત નકશો બતાવી શિક્ષણ આપતી શિક્ષકોની નવી પેઢી પૂર ઝડપે વર્ગખંડોમાં પ્રવેશી રહી છે. વર્ગખંડો વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરાઈ જવા લાગ્યા. વિશ્વમાં બહુ મોટા પ્રમાણમાં વસ્તી વધારો થયો. કેટલાક વાલીઓને મોટી સંખ્યાવાળા વર્ગો સ્વીકાર્ય નથી. આ સંજોગોમાં કંઈક અન્ય વ્યવસ્થાનો વિચાર આવતાં કદાચ ‘ઘરશાળા’, ‘ઘરશિક્ષણ’, ‘ઘર અઘ્યયન’ કે ‘ઘર અઘ્યાપન’નો વિચાર ઉદ્‍ભવ્યો હોય.

    જ્હોન હોલ્ટ (John Holt)  ડોરોથી (Dorothy) અને રેમન્ડ મૂરે (Raymond Mure) અમેરિકાના ત્રણ લોકપ્રિય લેખકો છે. તેઓએ લગભગ ૧૯૭૦માં ઘરશાળા વિશે પુસ્તકો લખવાનું શરૂ કર્યું. તેઓને ઘરશાળાનું પગલું પ્રગતિશીલ લાગ્યું. વિવિધ સંશોધનો પણ થયા. અમેરિકામાં અત્યારે લગભગ બે મિલિયન બાળકો ઘરશાળા (Home schooling)માં અભ્યાસ કરે છે. તે દ૨ વર્ષે લગભગ સાતથી પંદર ટકાના દરથી વૃદ્ધિ પામે છે. અમેરિકાનાં તમામ રાજયોમાં ઘરશાળાને કાયદેસરતા પ્રાપ્ત થઈ ગઈ છે. ‘તમારાને તમે શીખવો’ (Teach your own) પુસ્તકના લેખક હોલ્ટ છે. વાલીઓ આ પુસ્તક વાંચીને આનંદિત અને પ્રોત્સાહિત થઈ ગયા છે. શાળાના પ્રત્યક્ષ શિક્ષણમાંથી બાળકને ઘરે ભણાવવાની રીતના પાયામાં વાલીઓ એટલે કે મમ્મી-પપ્પાની શિક્ષણની જાણકારી, તીવ્ર ઈચ્છાશક્તિ, શોખ, સમય આપવાની તેયારી અને દૃઢ મનોબળ પાયાની આવશ્યકતા છે.

     

    આપવા કરતાં અહીં લેવું વધારે હોય છે,
    કોણ જાણે આ અપેક્ષા, શી રીતે પોષાય છે?

    અશોક જાની (આનંદ)

     

    ભારતમાં આ વિભાવના નૂતન છે. શાળાઓ ભારતના સામાજિક જીવનમાં એક આગવું સ્થાન ધરાવે છે. વર્ગખંડો, શિક્ષકો, શાળાના પુસ્તકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ એકબીજા સાથે સંલગ્ન છે. શિક્ષકે વર્ગખંડમાં પુસ્તકની મદદથી જ ભણાવવાની સમજ જડબેસલાક રીતે મનમાં બેસી ગઈ છે. બાળકના જન્મ સમયથી વાલીઓ સારી શાળાની શોધખોળમાં લાગી જાય છે. નામાંકિત શાળાઓનું જાહેર જીવનમાં એક આગવું સ્થાન છે. બાળકને કઈ ઉંમરથી શાળાએ દાખલ કરવો તેની ચર્ચા બાળક બે વર્ષનું થાય તે અગાઉ શરૂ થઈ જાય છે. અલબત, ગુરુકુળના સમયમાં આપણા દેશમાં ઘરશાળાનો ખ્યાલ હતો. તેનું અમલીકરણ પણ થતું. વિદ્યાર્થી ગુરૂને ત્યાં જઈ અને ત્યાં રહીને અભ્યાસ કરતો. અહીંયાં ગુરૂનં ઘર પોતાનું ઘર જ બની જતું. ઘરના સંચાલનની મોટાભાગની જવાબદારીઓમાં વિદ્યાર્થીઓ પ્રેમથી જોડાઈ જતા. જીવનોપયોગી તમામ વિદ્યા પ્રાપ્ત થતી. ગુરૂ તેમના પપ્પા-મમ્મીનું સ્થાન લઈ લેતા.

    શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થતાં શિક્ષક માટે વ્યક્તિગત ઘ્યાન આપવાનું કઠિન બન્યું. શાળામાં આવતાં વિવિધ બુદ્ધિમતા અને શક્તિઓવાળા તમામ વિદ્યાર્થીઓને એક સ્તરેથી શીખવવામાં આવે તો તે યોગ્ય ન કહેવાય. વિદ્યાર્થીના ઘરનું વાતાવરણ અને આર્થિક સ્તર પણ અલગ અલગ હોય તે સ્વાભાવિક છે. શાળામાં ઉદ્‍ભવતી સમસ્યાના પાયામાં રહેલા આ તફાવતો તરફ ઘ્યાન આપવાનું મુશ્કેલ બન્યું. શાળા સંચાલકો અને આચાર્યશ્રી – શિક્ષકો માટે વિદ્યાર્થીઓ વચ્ચે એકરૂપતા કે સમાનતા લાવવાનું ખૂબ જ મુશ્કેલ છે. તેથી વાલીઓને સંતોષ આપવાનું કઠિન બનતાં વાલીઓ શિક્ષણની અન્ય પદ્ધતિ અંગે વિચારે તે સ્વાભાવિક છે. ભારતમાં કદાચ આ કારણે ઘરશાળાનો વિચાર ઉદ્‍ભવ્યો હોય તેવું બને. હાલમાં થોડાક શિક્ષણપ્રેમી મિત્રોએ પોતાના સંતાનો માટે આ પ્રયોગ શરૂ કર્યો છે. તેમના અનુભવો જાણવા રસપ્રદ બને.

    હું ખૂબ જ ખિન્ન હતો
    કારણ કે મારી પાસે પગરખાં ન હતાં.
    મારી ખિન્નતા ખોવાઈ ગઈ એને જોયા બાદ,
    એને તો પગ જ નહોતા.

    હેરોલ્ડ એલેટ

    ઘરશાળામાં વિશ્વાસ ધરાવતા મિત્રો નીચે જણાવેલ મુદ્દાઓ રજૂ કરે છે :

    • વ્યક્તિગત અધ્યાપન જ શિક્ષણની ઉત્તમ પદ્ધતિ છે.
    • વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ અનુભવોનું શિક્ષણ ઘરશાળામાં વધારે સારી રીતે પ્રાપ્ત કરી શકે.
    • ઘરે રહી અપાતી કેળવણીમાં અગાઉ એક મર્યાદા એ હતી કે બાળકોમાં સામાજિકતાનો આલેખ પૂર્ણ વિકસે નહીં. પરંતુ હવે ફેસબુક, વોટ્સએપ અને ઈ-મેઈલના સમયમાં તો એ કુશળતા પણ પ્રાપ્ત કરી શકાય છે.
    • જે ઉંમરે જે શીખવું હોય તે શક્ય બને છે. બારમા ધોરણ સધી નાણાંકીય વહીવટ શીખવા માટે રાહ જોવાની જરૂર રહેતી નથી. ઈચ્છા થાય તો સાતમા ધોરણમાં મનોવિજ્ઞાન શીખવી શકાય જે પ્રચલિત શિક્ષણ વ્યવસ્થામાં શક્ય નથી.
    • વિદ્યાર્થીઓ તેમની મુશ્કેલીઓ સહેલાઈથી, સરળતાથી અને ખુલ્લા મનથી રજૂ કરી શકતા હોવાથી તેમનો વિકાસ ઝડપી બને છે.

    શાળેય શિક્ષણમાં શ્રદ્ધા રાખતા કેળવણીકારો તેની તરફેણમાં નીચેના મુદ્દાઓ રજૂ કરે છે :

    • વિદ્યાર્થીઓ સમૂહમાં અભ્યાસ કરતા હોવાથી અરસપરસ શિક્ષણ સહેલાઈથી અને સારી રીતે લઈ શકે છે. એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી પાસેથી શીખતાં ગુરુતા કે લઘુતાગ્રંથિની તકલીફ રહેતી નથી.
    • પ્રત્યેક વિષય શીખવનાર શિક્ષક જે તે વિષયના તજજ્ઞ હોવાથી તેમના જ્ઞાનનો ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે.
    • શિક્ષણ આપનાર એક કરતાં વધારે વ્યક્તિઓ હોવાથી એકની મર્યાદા બીજાના શિક્ષણથી દૂર થઈ જાય છે. ઘરશાળામાં આ શકય નથી.
    • શાળા જીવનના વિવિધ તબક્કે જુદા જુદા સ્વભાવવાળા, સિદ્ધિઓ, ખૂબીઓ અને ખાસિયતોવાળા મિત્રો મળતા હોવાથી મિત્રવર્તુળ વિશાળ અને સમૃદ્ધ બને છે.
    • શાળામાં યોજાતી વિવિધ સહઅભ્યાસ પ્રવૃત્તિઓ ભવિષ્યમાં અનેક શોખ વિકસાવવા માટેનો પ્રારંભ કરાવે છે. ઘરમાં શાળા અને શાળાએ જઈને અપાતું / લેવાતું શિક્ષણ ફાયદાકારક છે તો સાથે સાથે મર્યાદાસભર પણ છે. શકય હોય તો બંને એકબીજાને પૂરક બને તેવી વ્યવસ્થા ગોઠવાય તો શિક્ષણનાં ઉત્તમ તત્વોનો સુમેળ સાધી શકાય. વિદ્યાર્થી અને સમાજ માટે તે પદ્ધતિ ઉપકારક બની શકે.

    આચમન:

    આરસ પર કોતરાયેલું શિલ્પ સમય જતાં નાશ પામે છે,
    પિત્તળ પરની કોતરણી સમય જતાં ઘસારો પામે છે,
    મંદીરનાં ઘુમ્મટો કાળક્રમે ધૂળમાં મળી જાય છે,
    કિન્‍તુ આત્મા જે અમર છે, તેના પર સદ્‍ગુણોની કોતરણી
    અનંતકાળ સુધી પ્રકાશિત રહે છે.

    અજ્ઞાત


    (શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


    (પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)

     

  • બાળ ગગન વિહાર – મણકો (૨૨) – વાત અમારી દાદીમા (સાહીરા)ની

    શૈલા મુન્શા

    “માનવી ભાળી અમથું અમથું
    આપણું ફોરે વ્હાલ;
    નોટને સિક્કા નાખ નદીમાં,
    ધૂળિયે મારગ ચાલ!”

    – મકરંદ દવે

    મકરંદભાઈ જેવા આધ્યાત્મિક અને અલગારી કવિની આ પંક્તિ અમારા આ અનોખા બાળકો માટે જ જાણે સર્જાઈ હોય એવું લાગે છે.

    દાદીમા શબ્દ વાંચી ને ચમકી ગયાને!!!

    તમે વિચારતા હશો કે  અરે! બાળકોની વાત કરતાં કરતાં આ દાદીમા ક્યાંથી આવી ગયા? ભાઈસા’બ જરા તમારા વિચારોની લગામને કાબુમાં રાખો. આ કોઈ મારા કે તમારા દાદીમાની વાત નથી, પણ અમારી સાહીરા જેનો રૂઆબ કોઈ દાદીમાથી ઓછો ઉતરતો નથી, આજે એની વાત કરવી છે.

    સાહીરા પાંચ વર્ષની થઈ અને અમારા ક્લાસમાં આવી. બાંગલાદેશ એમનુ વતન. માતા પિતા થોડા વર્ષોથી અમેરિકા આવી વસ્યા હતા. એમને બે દીકરી એમાં મોટી તાહીરા એમની સાથે આવી હતી અને નાની દીકરી સાહીરા બાંગલાદેશ દાદા દાદી પાસે હતી. તાહીરા ખૂબ તેજસ્વી, બે વર્ષથી અમારી સ્કૂલમાં આવતી હતી. હું રોજ એને બસમાંથી ઉતરતા જોઉં. વિનય સભર, હસમુખો ચહેરો અને રોજ હસીને ગુડ મોર્નીગ કહે. એટલી અમારી ઓળખાણ. તાહીરા ચોથા ધોરણમાં અને ક્લાસમાં એની ગણત્રી હોશિયાર વિદ્યાર્થીઓમાં થાય.

    બીજા વર્ષે એની બહેન સાહીરા આવી. આટલા વર્ષો સાહીરા બાંગ્લાદેશ એના દાદા, દાદી પાસે હતી, એટલે લગભગ પાંચ વર્ષની થઈ ત્યારે સ્કૂલમાં આવી. દાદા દાદીના લાડ પ્યાર અને ઘરમાં પણ સહુથી નાની એટલે બધું એનુ ધાર્યું જ થાય. સાહીરાને  પહેલે દિવસે ઓફીસ રજીસ્ટાર અમારા ક્લાસમાં લઈ આવી. સાહીરા બહુ બોલતી નહિ પણ થોડી ગોળમટોળ અને ચહેરા પરથી જ લાગે એનુ ધાર્યું કરવાવળી છે. Autistic child એટલે અમારા દિવ્યાંગ બાળકોના ક્લાસમાં  દાખલ કરી.

    બાંગ્લાદેશમાં એ કોઈ સ્કૂલમાં ગઈ નહોતી અને અમેરિકામાં બાળક જન્મતાની સાથે જ જેટલા ટેસ્ટ, શારીરિક તપાસ થાય એટલી બાંગ્લાદેશમાં થાય નહિ એટલે સાહીરાની બીજી કોઈ વિશેષ માહિતી નહોતી. દેખાવમાં સામાન્ય બાળકી જેવી લાગતી સાહીરા દાદા દાદીના લાડમાં મોટી થઈ હતી અને વાચા પૂરી ખુલી નહોતી એટલો જ ઘરમાં સહુને ખ્યાલ હતો.  સામાન્ય રીતે જે પણ બાળક અમારા ક્લાસમાં આવે ત્યારે એમની માનસિક પરીસ્થિતિનો ચિતાર પેપરમાં હોય અને એ પ્રમાણે એમને સ્પીચ કે ફીજીકલ ટ્રેઈનીંગની સગવડ મળે.

    અમેરિકાની સ્કૂલમાં આ બધા નિયમો જરા સખ્તાઈથી પાળવામાં આવે છે, એટલે સાહીરાના દાખલ થવાની સાથે જ સ્કૂલની નર્સ, સાયકોલોજીસ્ટ, અમારા અભિપ્રાયની નોંધ કરી બધી માહિતી સાથે ડોક્ટરોના બધા ટેસ્ટ સાથે સાહીરાની ફાઈલ તૈયાર કરવામાં આવી.

    પહેલે દિવસે સાહીરાને લેવા બપોરે એની બેન તાહીરા આવી, એને જોતા જ ઓળખી ગઈ કારણ દરરોજ એને બસમાંથી ઉતરતા હું જોતી અને એ પણ મને ઓળખતી. મને જોઈ એને જરા નિંરાત થઈ. સાહીરા રડી કે નહિ વગેરે મને પુછવા માંડી. મે કહ્યું તુ ચિંતા ના કર એ તો બધા સાથે ભળી ગઈ છે અને અમને પણ એક જ દિવસમાં બીજાનો ખ્યાલ રાખવાનુ એને ગમે છે એ દેખાઈ આવ્યું છે.

    સાહીરાના રુઆબનો પણ અમને જલ્દી જ પરચો મળી ગયો. સાહીરાને ક્લાસમાં બધું બરાબર એની જગ્યા એ જોઈએ. બોલે ઓછું પણ જાણે બધા પર હુકમ ચલાવતી હોય એવા એના હાવભાવ. ક્લાસના બધા બાળકોમાં અમારા નાનકડા ગ્રેગરીની જાણે મોટી બહેન હોય એમ એની આગળ પાછળ જ ફરે. અમે ગ્રેગરીને કાંઈ કહીએ તે પહેલા એ દોડીને ગ્રેગરી પાસે પહોંચી જાય.

    રમત ના મેદાનમાં પણ પોતે રમવાને બદલે ગ્રેગરીને રમાડવામાં જાણે એને વધારે મજા આવે. ગ્રેગરી પણ એવો જ રમતિયાળ અમેરિકન બાળક. ગોરો ગોરો ને સુંવાળા ગાલ. સાહીરા એની બધી વસ્તુનુ ધ્યાન રાખે, જાણે ચોવીસે કલાક એની નજર ગ્રેગરી પર જ હોય. એ જો રમકડું ફેંકી દે તો દોડીને લઈ આવવાનુ જમતી વખતે એનુ ધ્યાન પોતાના જમવા કરતાં હું ગ્રેગરીને બરાબર જમાડું છું કે નહિ, એના પર જ એની નજર હોય!

    એક દિવસ ખરી મજા આવી.

    કાફેટેરિઆમાંથી બાળકોને જમાડી અમે ક્લાસમાં પાછા આવતા હતા. હું ગ્રેગરીનો હાથ પકડી સહુથી આગળ ચાલતી હતી વચ્ચે બધા બાળકો ને લાઈનમાં ચલાવવાનો અમે પ્રયાસ કરતા હતા એટલે સમન્થા સહુથી છેલ્લે હતી. ગ્રેગરીનુ પેટ ભરાયેલુ હતું એટલે એ ભાઈ પણ ગેલમાં હતા. કુદકા મારી મારી ને ચાલતા ગ્રેગરીનો હાથ મેં ગમ્મત માટે છોડ્યો અને એને જરા દોડવા દીધો. દડબડ દોડતા ગ્રેગરીનો પગ જરા લથડ્યો અને હું હાથ ઝાલવા જાઉં એ પહેલા તો સાહીરાએ પાછળથી દોડતા આવી ને ગ્રેગરી ને પકડી લીધો અને મારી સામે એવી રીતે ગુસ્સા ભરી નજરે જોવા માંડી જાણે હમણા  ને હમણા મને વઢી નાખશે.

    ઘરના દાદીમાનો ગુસ્સો જાણે નવી આવેલી વહુથી કાંઇ ભુલ થઈ જાય ને સાતમા આસમાને જાય એમ અમારી ત્રણ ફૂટની સાહીરાનો ચહેરો જોવા જેવો હતો.

    સમન્થા અને મારૂં હસવું રોકાતું નહોતુ. અમે બન્ને સાથે બોલી ઉઠ્યા, ” આ તો આપણી પણ દાદીમા છે.”

    આ દિવ્યાંગ બાળકો સાથે કામ કરતાં એક વાત ખાસ મારા ધ્યાનમાં આવી છે કે આ બાળકો કોઈપણ સામાન્યા બાળક કરતાં સહેજ પણ ઉતરતા નથી એમની સમજણ શક્તિએ અમને અવારનવાર ચકિત કરી દીધાં છે અને યોગ્ય માર્ગદર્શન, કેળવણી એમના જીવનને જરુર ઉન્નતિના માર્ગે લઈ જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

    આ દિવ્યાંગ બાળકોની પ્રગતિમાં, એમના ચહેરા પર આનંદ લાવવામાં હું મારી જાતને ધન્ય માનુ છું, એ ખુશી મને જીવવાનુ નવું બળ આપે છે. મકરંદભાઈની પંક્તિઓ સાર્થક લાગે છે,

    “નોટને સિક્કા નાખ નદીમાં,
    ધૂળિયે મારગ ચાલ!”

    – મકરંદ દવે


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • જાડો, પાતળો, લાંબો, ટૂંકો જેવા શબ્દો અસંસ્કારી ગણાય?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    સાહિત્ય શાશ્વત છે કે કેમ એ ચોક્કસપણે કહી શકાય નહીં, તેમ એ પોતાના સમયનું પ્રતિબિંબ છે કે કેમ એ પણ કહી શકાય એમ નથી. બિલકુલ એ જ રીતે કઈ કૃતિ કે લેખક કયા કારણથી સફળ થશે કે કેમ એ બાબત પણ અનિશ્ચિત હોય છે. પોતાના સમયમાં અતિશય લોકપ્રિય બની રહેલી કૃતિનું મૂલ્યાંકન સમયાંતરે થતું રહે છે, પણ પ્રત્યેક સમયમાં તે ભાવકોને આકર્ષી ન શકે એમ બને. આનું કારણ એ કે પ્રત્યેક કૃતિ સાથે વાચકોની જે તે પેઢીનું ચોક્કસ અનુસંધાન હોય છે.

    વીસમી સદીમાં થઈ ગયેલા બાળકથાઓના ખ્યાતનામ લેખક રોઆલ્ડ ડાહલ પોતાની ‘મટીલ્ડા’, ‘ચાર્લી એન્‍ડ ધ ચોકલેટ ફેક્ટરી’, ‘જેમ્સ એન્‍ડ ધ જાયન્‍ટ પીચ’, ‘ફેન્‍ટાસ્ટિક મિ.ફોક્સ’, ‘બીલી એન્‍ડ ધ મીનપીન્‍સ’, ‘ધ વીચીઝ’ સહિત અનેક કૃતિઓથી જાણીતા હતા. વાર્તામાં આવતાં વિવિધ પાત્રોનાં વર્ણન વિશિષ્ટ રહેતાં. ૧૯૯૦માં થયેલા તેમના અવસાન પછી પણ તેમનાં પુસ્તકો હજી બહોળા પ્રમાણમાં વંચાઈ રહ્યાં છે. હવે તેમના પુસ્તકોના પ્રકાશક ‘પફીન બુક્સ’ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ મુજબ ડાહલનાં પુસ્તકોમાં ‘કેટલાક નાના અને કાળજીપૂર્વકના’ ફેરફાર કરવામાં આવ્યા છે. વંશીય ટીપ્પણી, વર્ગભેદ કે લિંગભેદનો યા અન્ય કોઈ પણ માટે અપમાનજનક હોવાનો અણસાર આપતા હોય એવા શબ્દો કે વાક્યોને બદલવામાં આવ્યાં છે. ભલે અંગ્રેજીમાં હોય, પણ આ ફેરફારના બે-ત્રણ નમૂના જાણવા જેવા છે. ‘ચાર્લી એન્‍ડ ધ ચોકલેટ ફેક્ટરી’ના એક પાત્ર ઑગસ્ટસ ગ્લૂપને વાર્તામાં ‘ફૅટ’ એટલે કે ‘જાડીયો’ વર્ણવાયો છે. આ શબ્દને બદલીને ‘ઈનોર્મસ’ લખવામાં આવશે, જેનો અર્થ ‘પ્રચંડ’ થાય છે. ‘ધ ટ્વીટ્સ’માં શ્રીમતી ટ્વીટના પાત્રને ‘અગ્લી એન્‍ડ બીસ્ટલી’ તરીકે વર્ણવાયું છે, જેનો અર્થ થાય છે ‘કદરૂપી અને ઘૃણાસ્પદ’. ફેરફાર પછી આ પાત્ર માટેનો ‘અગ્લી’ એટલે કે ‘કદરૂપી’ શબ્દ કાઢી નખાયો છે અને કેવળ ’બીસ્ટલી’ એટલે કે ‘ઘૃણાસ્પદ’ શબ્દ જ રખાયો છે. ‘ધ વીચીઝ’માંના એક વર્ણનમાં લખાયું છે ‘ડાકણ પોતાની વીગની નીચે કેશવિહીન હોય છે.’ તેને બદલીને લખાયું છે, ‘મહિલાઓ વીગ પહેરે તેનાં અનેક કારણ હોય છે અને એમાં કશું ખોટું નથી.’ અમુક સ્થાને આખા ને આખા ફકરાને બદલવામાં આવ્યો છે.

    આ આખી કવાયત પાછળનો હેતુ ઉમદા છે કે બાળકોમાં તમામ પ્રકારની વ્યક્તિ માટે સ્વિકૃતિ જાગે અને કશો પૂર્વગ્રહ પેદા ન થાય. ઉમદા હેતુ હોવા છતાં સરવાળે આખી કવાયત હાસ્યાસ્પદ જણાય છે. સાહિત્યકૃતિઓમાં આવતું વર્ણન તેનો પ્રાણ અને લેખકની ઓળખ હોય છે. લેખક પોતાના ચોક્કસ વિચારને આધારે કૃતિની રચના કરતો હોય છે. શબ્દોની પસંદગી પાછળ તેનો યોગ્ય તર્ક અને સમજણ હોય છે. ખાસ કરીને વાર્તાઓમાં, અને એમાંય બાળવાર્તાઓમાં વિવિધ પાત્રની પ્રકૃતિની રંગછટાઓ કૃતિને અનોખું પરિમાણ બક્ષે છે. તેનું આ રીતે ‘શુદ્ધિકરણ’ કરવાથી ખરેખર અર્થ સરે ખરો?

    બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક, બુકર પારિતોષિક વિજેતા સાહિત્યકાર સલમાન રશદી સહિત ડાહલની કૃતિઓના અનેક ચાહકોએ પ્રકાશકની આ ચેષ્ટા સામે નારાજગી દર્શાવી છે. આ વિવાદને પગલે પ્રકાશકે ‘સુધારેલી’ આવૃત્તિની સાથોસાથ અસલ આવૃત્તિ પણ પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે.

    સાહિત્યકૃતિઓમાં એક યા બીજા કારણોસર કરવામાં આવતી છેડછાડ આજકાલની નથી. એ પણ એક જૂની અને પ્રસ્થાપિત પરંપરા છે. ઓગણીસમી સદીના આરંભિક કાળે એક ફીઝીશિયન થોમસ બોદલેર દ્વારા શેક્સપિયરનાં નાટકોનું ‘ધ ફેમીલી શેક્સપિયર’ના નામે પુનર્લેખન કરવામાં આવ્યું હતું. પોતાના પરિવારજનો માણી શકે એ હેતુથી કરાયેલા આ પુનર્લેખનમાં બોદલેરને જે બાબત ‘યોગ્ય’ ન જણાઈ એ તેમણે કાઢી નાંખી. આ કૃત્યને પગલે કૃતિમાંથી ‘અયોગ્ય’ કે ‘અપમાનજનક’ બાબતને દૂર કરવાની ચેષ્ટાને ‘બોદલેરીઝમ’ નામ મળ્યું. ચાર્લ્સ ડિકન્‍સની અનેક કૃતિઓમાં ચિત્રો દોરનાર જ્યોર્જ ક્રકશેન્‍ક ડિકન્‍સના મિત્ર હતા. પણ અનેક પરીકથાઓનું તેમણે પુનર્કથન કરેલું, જેમાં મુખ્યત્વે મદ્યનિષેધનો સંદેશ હતો. તેમની આ ચેષ્ટા બદલ ડિકન્‍સ બરાબર અકળાયેલા અને તેમણે ‘ફ્રોડ્સ ઑન ધ ફેરી’ (પરીકથાઓનો પ્રપંચ) શિર્ષકથી નિબંધ લખેલો.

    આપણી ભાષામાં પણ ગિજુભાઈની બાળવાર્તાઓમાં જાતિવિષયક ઉલ્લેખો પ્રચૂર માત્રામાં છે, જે એ સમયનું પ્રતિબિંબ છે. આ સંદર્ભોનું કેવળ પુનર્મૂલ્યાંકન કરતાં પણ વિવાદ થયો હતો અને આ ચેષ્ટા સામે જ ઘણાને વાંધો પડ્યો હતો. હરિપ્રસાદ વ્યાસના અમર પાત્ર બકોર પટેલની વાર્તાઓમાં જાણીતા હાસ્યવિદ્‍ રતિલાલ બોરીસાગરે નવી પેઢીને સમજાય એ રીતે અમુક સંદર્ભ સાંપ્રત સમય અનુસાર બદલ્યા છે.

    સામાન્યત: જોઈ શકાય છે એમ ફેરફાર કરનારનો હેતુ મોટે ભાગે ‘ઉમદા’ હોય છે. કૃતિનું માધ્યમાંતર થાય ત્યારે જે તે માધ્યમની વિશેષતાને અનુરૂપ તેમાં કરાતા ફેરફાર અલગ બાબત છે, પણ એના એ જ સ્વરૂપમાં સમયાંતરે ફેરફાર કરવા વાજબી ગણાય કે કેમ એ કાયમ ચર્ચાનો વિષય રહેવાનો. બાળસાહિત્યકારોની કૃતિઓ સાથે તેના વાચકો તાદાત્મ્ય સાધી ન શકે તો લોકપ્રિયતામાં એ ટકી ન શકે.

    બાળકો કેવળ વાંચનમાંથી જ નહીં, પોતાની આસપાસના વાતાવરણમાંથી ઘણું બધું ગ્રહણ કરતાં રહેતાં હોય છે. તેમને ‘સંસ્કારી’ બનાવવાની ‘સાત્વિક લ્હાય’માં તેમની નૈસર્ગિકતાનો ભોગ ન લેવાઈ જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. બાળકો માટેની કૃતિઓમાં નિર્ભેળ મનોરંજનની સાથોસાથ સંસ્કારઘડતર માટેનો સંદેશ વણી લેવાની અને પોતાની જાતને ‘ઉપદેશક’ની ભૂમિકામાં મૂકવાની લાલચ ખાળવી અઘરી હોય છે. કોઈ લોકપ્રિય કૃતિમાં આ હેતુસર કરાયેલા ફેરફાર સરવાળે એ કૃતિના સત્વને હણી નાખે છે, ઉપરાંત એ હાસ્યાસ્પદ પણ સાબિત થાય છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૬ – ૦૩ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • કોઈનો લાડકવાયો – (૨૦) – મહારાષ્ટ્રમાં વિદ્રોહ (૨) – સાતારા અને કોલ્હાપુર

    દીપક ધોળકિયા

    સાતારા અને કોલ્હાપુર વિશે વાત કરવા માટે આપણે ઇતિહાસમાં પાછળ જવું પડશે.

    બન્ને રાજ્યો છત્રપતિ શિવાજીનાં વારસ રાજ્યો હતાં. શિવાજીના મૃત્યુ પછી મરાઠા સામ્રાજ્ય ડોલી ગયું હતું. શિવાજીની રાજધાની તો રાયગઢ હતી પણ ધીમેધીમે એનું મહત્વ ઘટી ગયું હતું. કારણ કે ખરી સતા પેઢી દર પેઢી પેશવાઓએ કબજે કરી લીધી હતી. એ પૂના (હવે પૂણે)માંથી શાસન ચલાવતા હતા અને છત્રપતિઓ પેશવાના હાથમાં રમકડાં જેવા થઈ ગયા હતા.  છત્રપતિ માત્ર બિરુદ રહી ગયું હતું. પેશવાઓ એમને જે ફાવે તે કરતા, છત્રપતિઓનું કામ માત્ર એમને પેશવા તરીકેની ‘નીમણૂક’ બદલ પાઘડી અને પહેરવેશની ભેટ આપવાનું રહી ગયું હતું. પેશવા બાજીરાવ બીજાએ તો સાતારામાં બિરાજમાન પંદર વર્ષની વયના છત્રપતિ પ્રતાપ સિંહને બંદી બનાવીને રાખ્યા હતા.

    ૧૮૧૮માં ઈસ્ટ ઇંડિયા કંપની અને પેશવા બાજીરાવ બીજા વચ્ચે લડાઈ થઈ તેમાં પેશવાનો કારમો પરાજય થયો.  ભીમા કોરેગાંવ પાસે અંગ્રેજોની આઠસોની સેના સામે પેશવાના બે હજાર સૈનિકો હતા. એમણે અંગ્રેજી ટુકડી પર હુમલો કર્યો પણ લડાઈ લાંબી ચાલી. પેશવાને ડર લાગ્યો કે એમને બીજી કુમક મળી જશે તો હાર ખમવી પડશે. પેશવાએ લડાઈ રોકીને પીછેહઠ કરવાનો રસ્તો લીધો. આ લડાઈ ઇતિહાસમાં ત્રીજા એંગ્લો-મરાઠા યુદ્ધ તરીકે જાણીતી છે. એ વખતે બાજીરાવ લડાઈના મેદાનમાં પણ પ્રતાપ સિંહને લઈ ગયો હતો. પેશવાને ભાગવું પડ્યું એટલે પ્રતાપ સિંહ અંગ્રેજોના હાથમાં પડ્યા.

    ઈસ્ટ ઇંડિયા કંપનીએ છત્રપતિનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. એમણે વિચાર્યું કે પેશવાએ છત્રપતિને બંદી બનાવ્યા હતા પણ લોકલાગણી પેશવાની વિરુદ્ધ હતી. એટલે લોકોને રાજી કરવા એમણે પ્રતાપ સિંહને મુક્ત કરીને એમને સાતારા પાછું આપ્યું અને અંગ્રેજ અધિકારીઓ નીમી દીધા.

    પ્રતાપ સિંહ શિવાજીના સૌથી મોટા પુત્ર શંભાજીની પરંપરાના હતા, જ્યારે કોલ્હાપુરમાં એમના બીજા પુત્ર રાજારામની પરંપરા ચાલતી હતી. અહીં ‘પરંપરા’ શબ્દ એટલા માટે વાપર્યો છે કે શિવાજીની ત્રીજી પેઢીથી જ ભોંસલે કોમના સરદારોમાંથી કોઈના સંતાનને દત્તક લેવાનું શરૂ થઈ ગયું હતું. એટલે એમના પછીના છત્રપતિઓ સીધા જ શિવાજીના વંશજ હતા એમ માનવાની ભૂલ ન કરવી.

    આમ તો કોલ્હાપુરની ગાદી પણ રાજખટપટને પરિણામે ઊભી થઈ અને બન્ને પોતાને છત્રપતિ જ કહેતા. જો કે ૧૮૫૭ સુધીમાં બન્ને વચ્ચે મેળ થઈ ગયો હતો કારણ કે બન્ને પાસે ખરી સત્તા તો હતી નહીં અને બન્ને રાજ્યો અંગ્રેજોની દયા પર જીવતાં હતાં.

    ૧૮૩૯ સુધી તો બરાબર ચાલ્યું પણ પછી કંપનીને લાગ્યું કે સાતારાનો અમુક પ્રદેશ પાછો લઈ લેવો જોઈએ. આના પછી પ્રતાપ સિંહ વિરુદ્ધ વાતો શરૂ થઈ ગઈ. અંતે એમને પદભ્રષ્ટ કરીને કાશી મોકલી દેવાયા.

     આ વાત પ્રતાપ સિંહના સમર્થકોને ન ગમી.  આમાંથી એક હતા રંગો બાપુજી. શિવાજીના સામ્રાજ્યની સ્થાપનામાં એમને સાથ આપનારામાં એક હતા નરસપ્રભુ ગુપ્તે. રંગો બાપુજી એમના જ પરિવારમાં જન્મ્યા એટલે છત્રપતિઓ પ્રત્યે એમની વફાદારી અનોખી હતી.  એ છૂપી રીતે પ્રતાપ સિંહ ને મળવા ગયા. અંગ્રેજોએ એમને ગાયના ગમાણમાં રાખ્યા હતા. રંગો બાપુજી એમને મળ્યા અને એમનો કેસ લંડનમાં રજૂ કરવા સૂચવ્યું પ્રતાપ સિંહ તૈયાર થઈ ગયા. એમનો કેસ લઈને બાપુજી લંડન ગયા અને ત્યાં ૧૨ વર્ષ રહ્યા અને  ઘણા વકીલો અને રાજકારણીઓને મળ્યા અને કેસ લડતા રહ્યા. દરમિયાન પ્રતાપ સિંહનું ૧૮૪૭માં અવસાન થઈ ગયું અને  એ બિનવારસ હતા એટલે ૧૮૪૯માં ઈસ્ટ ઇંડિયા કંપનીએ સાતારા ખાલસા કરી લીધું.

    રંગો બાપુજી તે પછી પાછા ફર્યા. છત્રપતિ સાથે થયેલો અન્યાય એમને ખૂંચતો હતો એટલે એમને હવે અંગ્રેજો સામે લડી લેવાનો નિરધાર કર્યો.

    આ બાજુ કોલ્હાપુરના છત્રપતિ શાહજી તો અંગ્રેજોને વફાદાર રહ્યા પણ એમના નાના ભાઈ ચીમા સાહેબ સ્પષ્ટવક્તા હતા. એમને અંગ્રેજોની દાદાગીરી પસંદ નહોતી. એ પણ કંઈ કરવા માગતા હતા. દરમિયાન ઉત્તર ભારતમાં સિપાઇઓએ બળવો કરી દીધો. રંગો બાપુજી પણ આ તકનો લાભ લઈને કૂદી પડ્યા.  એ સાધુવેશે પોતાની દીકરીને ઘરે પહોંચ્યા. ત્યાં કોઈ ધાર્મિક પર્વ હતું. કંપનીના જાસૂસોને માહિતી મળી ગઈ હતી કે રંગો બાપુજી ત્યાં પહોંચ્યા છે. પોલીસ ટુકડીએ ઘરને ઘેરી લીધું પણ રંગો બાપુજી દાદીમાના વેશમાં ત્યાંથી ભાગી છૂટ્યા અને જંગલમાં સાધુવેશે ફરીને એમણે લશ્કર એકઠું કરવા માંડ્યું. એ લોકોને સમજાવવા માટે જુદી જુદી વાતો કહેતા. એમણે કહ્યું કે મુંબઈ પ્રાંતનો ગવર્નર રાજ પાછું આપવા માગે છે એટલે એણે રંગો બાપુજીને કહ્યું છે કે સાતારામાં જેટલા યુરોપિયનો છે એ આડે આવે છે, એટલે એમને પકડી લો!

    દરમિયાન કોલ્હાપુરમાં પણ ખળભળાટ શરૂ થઈ ગયો હતો. વિદ્રોહીઓએ દસમી ઑગસ્ટે અંગ્રેજોના રહેઠાણના વિસ્તાર પર હુમલો કરવાનું  નક્કી કર્યું પણ ઉતાવળા એવા કે ૩૧મી જુલાઈએ જ કશાય આયોજન વિના ધસી ગયા. અંગ્રેજ સાહેબોને વફાદાર માણસોએ એમને સમાચાર પહોંચાડી દીધા. બધા ત્યાંથી ભાગી છૂટ્યા. તરત મુંબઈથી બીજી ટુકડીઓ પણ એમના રક્ષણ માટે આવી ગઈ.

    અંગ્રેજોએ ભાગીને જ્યાં  આશરો લીધો એ જગ્યામાં સેનાના વિદ્રોહીઓ પણ હતા. અંગ્રેજ ફોજે પહેલાં તો એમને દબાવી દીધા. બીજી બાજુ ૨૭મી રેજિમેંટમાં સિપાઈઓએ બળવો કર્યો. એ વખતે અંગ્રેજોએ ભૂતપૂર્વ બળવાખોરો અને નવા વફાદારોની જ ટુકડી બનાવીને એમની સામે ઉતાર્યા. આમ જે રેજિમેંટ બળવો દબાવવા આવી હતી એણે બળવો કર્યો અને જે બળવો કરતા હતા તે અંગ્રેજોની સાથે થઈ ગયા!

    કોલ્હાપુરમાં બળવાને દબાવી દીધા પછી તરત કેસ ચલાવીને એકવીસને મોતની સજા કરાઈ. દરમિયાન, રંગો બાપુજી તો ભાગી છૂટ્યા હતા અને કદીયે અંગ્રેજોના હાથમાં ન આવ્યા પણ એમના ૧૭ સાથીઓને પકડીને કેસ ચલાવવામાં આવ્યો અને રંગો બાપુજીના પુત્ર સહિત ૧૭ જણને સાતમી સપ્ટેમ્બરે મોતને ઘાટે ઉતારી દેવાયા. આમાંથી કેટલાકને ફાંસી દેવાઈ, કેટલાકને તોપને નાળચે બાંધીને ઉડાવી દેવાયા.

    ૦૦૦

    સંદર્ભઃ

    1. https://prahaar.in/RangoBapuji (મરાઠી)
    2. CHAPTER – VI THE REVOLT OP 1857 AND THE KOLHAPUR STATE (pdf) Click here
    3. https://cultural.maharashtra.gov.in/english/gazetteer/SATARA/his_british_rule.html
    4. The Satara Raj by Sumitra Kulkarni -Mittal Prakashan) નીચે આપેલી લિંક પર મળશે https://www.google.co.in/books/edition/The_Satara_Raj_1818_1848   
  • કલમના કસબી : કનૈયાલાલ મુનશી – ભગવાન પરશુરામ – દ્વિતીય ખંડ

    પુસ્તક પરિચય

    રીટા જાની

    ભારત એ માત્ર ભૂખંડ નથી પણ એક સંસ્કૃતિ છે, જે હજારો વર્ષોના સમયગાળામાં વ્યાપ્ત છે. વિશેષતા એ છે કે આ ભૂમિએ અનેક મહાપુરુષોને જન્મ આપ્યો છે, જેનું સ્મરણ કરીને આપણે જે તે સમયખંડની પળોને જીવંત કરી શકીએ છીએ. આ સંસ્કૃતિનું સ્વરૂપ મેઘધનુષી છે. તેથી  તેના રંગચિત્રો આપણા માનસપટને રંગી દે છે. આવી એક વિભૂતિ એટલે પરાક્રમી અને દૂર્જેય, પ્રતાપી અને અડગ વિજેતા – ભગવાન પરશુરામ. ગત અંકમાં આપણે  મુનશીની પૌરાણિક ઐતિહાસિક નવલકથા ‘ભગવાન પરશુરામ’ના પ્રથમ ખંડની વાત કરી હતી.
    દ્વિતીય ખંડની શરૂઆત થાય છે ‘રેવાના તટ પર’.
    પ્રાગ-ઐતિહાસિક નિ:સીમતામાં વહી જતી નર્મદાના તટ પર માહિષ્મતી નગરી આવી હતી. આર્યાવર્તની વન્ય સંસ્કૃતિમાં ઉછરેલાને અમાનુષ શંભુમેળો લાગે એવા ભાતભાતના લોકો – આર્યો, દ્રવિડો, નાગો, કોલ્લો, પાતાળવાસીઓ, શોણિતવાસીઓ – જુદી જુદી બોલીમાં ઘાંટાઘાંટ કરી મુકતા. ત્યાં ભૃગુકુળના કોઈ સંતાનને પુરોહિત પદે સ્થાપવાની જરૂર ઊભી થઈ. આજે પણ જે રીતે રાજરમતના આટાપાટામાં એક વિષયના નિષ્ણાતને બીજા વિભાગના પ્રધાન બનાવી દેવાય એવું જ અહીઁ પણ બન્યું. ત્યારે મિસર જતાં વહાણોમાં નાનકડો વેપાર કરતાં અઠંગ વેપારી મૃકંડને રાતોરાત ગુરુ બનાવી દીધો. તે પૈસાની આપલેના બદલે સ્વર્ગ અને સંતાન આપવાનો વેપાર કરવા લાગ્યો. રાજા સહસ્ત્રાર્જુનને ઘણી રાણીઓ હતી, પણ મૃગારાણીની તેમાં ગણના થતી ન હતી. એ તેની પરિણીતા ન હતી પણ એની મોરલી પર સહસ્ત્રાર્જુન નાચતો. રાજા, રાણી ને મહારથીઓ એનાં રમકડાં હતાં. રાજા સહસ્ત્રાર્જુન, તેની રાજ્યલક્ષ્મી મૃગારાણી અને સેનાપતિ  ભદ્રશ્રેણ્ય ત્રણેયે રાજસત્તાને પ્રબળ બનાવી. પણ સહસ્ત્રાર્જુનના અત્યાચારોમાં  ભદ્રશ્રેણ્ય સામેલ ન થયા માટે તેને સેનાપતિપદેથી ભ્રષ્ટ કર્યા ને એને જાનથી મારવાની પેરવી થઈ રહી હતી.
    પરશુરામના આવવાથી સત્તાના સમીકરણો બદલાઈ ગયા. મૃકંડને લાગતું હતું કે ભાર્ગવને વશ કરવા શક્ય નથી. હવે ભુગુઓ તેમના કહ્યામાં નહિ રહે. તેમણે કુલપતિ હોવાનો ઢોંગ છોડી દેવો પડશે. કારણ હીરાની ઉપસ્થિતિમાં સ્ફટિકની કિંમત કોણ કરે? મૃગા રામને ભગાડવા કે પૂરો કરવા ઘાટ ઘડતી હતી. પણ ભાર્ગવને જોતાં એનો ગર્વ ઓગળી ગયો અને પૂજ્યભાવ એને અનિચ્છાએ જકડી રહ્યો. પોતે પતિવ્રતા છે પણ પરિણીતા નથી, રાજ્યલક્ષ્મી નથી તેનું ભાન થયું. ભાર્ગવ રાજરમતના દાવપેચ પારખી ગયા. તેમણે મૃગા અને મૃકંડને ચેતવણી આપી કે ભદ્રશ્રેણ્યને મારવાનો સંકલ્પ કર્યો હોય તો છોડી દે. મૃકંડે ભાર્ગવને ભયંકર રુદ્રાવતાર બનતા જોયા. ભાર્ગવની ભભૂકતી આંખોના કારમા તેજ જોઈ તેના હાંજા ગગડી ગયા. રામની વિકરાળ આંખો, વાણીમાં સત્યનો ટંકાર, અવાજમાં દ્રઢ સંકલ્પ જોઈ સામેની વ્યક્તિ થરથર કાંપતી.
           લોમા અગ્નિ સાંનિધ્યે ભાર્ગવની અર્ધાંગના, ભગવતી લોમહર્ષીર્ણી બની. મહાગુરુઓની કુલતારીણી શક્તિ એનામાં આવી – જાણે ભાર્ગવનું સૌમ્ય ને સુખકર સ્વરૂપ હોય. ભાર્ગવના સ્વરૂપ અને શબ્દોમાંથી શ્રદ્ધા અને ભક્તિની ભેદી સરિતાઓ ચારે તરફ વહેતી ને બધાને તરબોળ કરતી. તો ભગવતી ભૃગુઓનાં નયનોનાં નૂર હતાં. એવું કોઈ શસ્ત્ર ન હતું જે અદભુત કળાથી તે ન વાપરી શકે. ભાર્ગવ તો જાણે પશુપતિના અવતાર હોય એમ એક સ્થળે બેસી રહેતા. તેમની શક્તિના આવિર્ભાવ સમા ભગવતી ચારે તરફ તેમનાં તેજ પ્રસારતાં. ભાર્ગવે આરંભેલા  21 દિવસના યજ્ઞના કારણે જનમાનસના હૈયામાં શ્રદ્ધા, ભક્તિ ને ઉલ્લાસ અનુભવાતાં હતાં. ભાર્ગવને પ્રતીતિ થઈ હતી કે તેઓ સહસ્ત્રાર્જુને સ્થાપેલા ભયના સામ્રાજ્યને પડકારી વિદ્યા, તપ અને ધર્મનું સામ્રાજ્ય સ્થાપી રહ્યા હતાં. યજ્ઞના બારમા દિવસે અંધારી મોડી રાત્રે ભાર્ગવને મારવા અઘોરી વેશે છરો લઈને જ્યામઘ આવ્યો હતો. પણ એકદમ ઊઘડેલાં બે ભયંકર નેત્રોમાંથી વહેતી તેજધારા ને અંધકારમાં બે ચકચક થતાં તેજબિંદુ જોઈ તે જીવ લઈને ભાગી ગયો. આજનો યુવાન  ભગવાન પરશુરામ પાસેથી પ્રેરણા મેળવી શકે કે જો હૃદયમાં આત્મશ્રદ્ધા હોય તો પડકારો તમને ડરાવી કે હરાવી શકતાં નથી.
    રાવણના સૈન્યને હરાવી સહસ્ત્રાર્જુન માહિષ્મતી આવી પહોંચ્યો. પણ અહીં જોયેલા પરિવર્તનથી એનો વિજયોલ્લસ ખાટો થઈ ગયો હતો. લોકોનાં હૃદયમાં પ્રસરતાં ભાર્ગવ ઘેલછાના તરંગો,  ભદ્રશ્રેણ્યનો વધતો પ્રતાપ, રામ અને લોમાનાં લગ્ન, ગુરુદેવ ભાર્ગવની ખ્યાતિ જોઈ તેને લાગ્યું કે લોકહૈયામાં એ પદભ્રષ્ટ થઈ ગયો હતો. એટલું જ નહિ મૃગાએ પણ ગુરુદેવને અપનાવી લીધા હતા. જ્યારે મૃગાએ તેનું અગ્નિ સાંનિધ્યે પાણિગ્રહણ કરવા કહ્યું તો સહસ્ત્રાર્જુનનો સંયમ જતો રહ્યો ને તેણે મૃગાને ગુસ્સાના આવેશમાં મારપીટ કરી, અપશબ્દો કહ્યા. વિચારો, આ પુરુષપ્રધાન સમાજમાં ત્યારથી લઈને આજ સુધી કેમ એવું બને છે કે કોઈ ન ગમતી વાત સ્ત્રી કરે કે કોઈ ન ગમતું આચરણ કરે તો ન્યાય બાજુ પર મૂકી પોતાની શારીરિક શક્તિનો પ્રયોગ સ્ત્રી પર કરવામાં આવે છે? દુઃખ સાથે  કહેવું પડે કે સમય જતાં તેનું પ્રમાણ તો ઓછું થયું છે પણ નામશેષ નથી થયું.
    ભાર્ગવ, ભગવતી લોમાને સહત્રાર્જુનથી બચાવવા દૂર મોકલી દે છે. સહસ્ત્રાર્જુન, ભાર્ગવને મળવા બોલાવે છે. ભાર્ગવ સહસ્ત્રાર્જુનને સમજ અને સંયમ રાખવા સમજાવે છે. ભાર્ગવ કહે છે કે ધર્મથી સુરક્ષિત રાજ્ય તેને અપાવશે અને ઉદ્ધારનો પંથ બતાવશે. પણ સહસ્ત્રાર્જુન ભાર્ગવને જાનથી મારવા ઈચ્છે છે. ત્યારે ભાર્ગવ તેને શાપ આપે છે. તેથી સહસ્ત્રાર્જુન ભાર્ગવને સેનાપતિની મદદથી કેદ કરે છે. સહસ્ત્રાર્જુન, અંધારું થાય એટલે બધાજ ભૃગુઓનો શિરચ્છેદ કરવાનો હુકમ આપે છે ને ગાંડાની જેમ કોટના કાંગરા પર આથમતા સૂર્યે રચેલાં તેજપુંજ તરફ જોઈ રહે છે. ભાર્ગવ કાંગરા પર ઊભા હતાં. એમના મુખ પર સહસ્ર સૂર્યનો પ્રકાશ ઓપતો હતો. તેમની પરશુમાંથી કિરણો ચમકતાં હતાં. એમનું કદાવર શરીર આથમતા પ્રકાશમાં ગગનને સ્પર્શતું દેખાયું. ધીમે ડગલે બે ભભૂકતી આંખે ભાર્ગવ કાંગરા પરથી નીચે ઊતર્યા ને ગઢની બહાર ચાલ્યા ગયા. બધાં જોનારના હૈયા થંભી ગયા ને સહસ્ત્રાર્જુનના હાથમાંથી ખડગ પડી ગયું.
    મુનશીની નવલકથાઓના પાત્રો ખૂબ ચોટદાર તો હોય જ છે પણ તેમાં માનવેતર પાત્રો પણ હોય છે. જેમ કે બાબરો ભૂત. આ કથામાં આવું જ એક પાત્ર છે ગુરુ ડડ્ડનાથ અઘોરીનું. મૃગા ભાર્ગવને કેદમાંથી છોડાવી ચંદ્રતીર્થ જવા વિનંતી કરે છે ને હોડીમાં ત્યાં જવાની વ્યવસ્થા ગોઠવે છે. પણ એક ખલાસી હોડીમાં બાકોરું પાડી હોડી ડુબાડે છે ને ભાર્ગવ અઘોર વન પહોંચી જાય છે.  અહીં તેઓ ગુરુ ડડ્ડનાથ અઘોરીના પણ ગુરુ બની જાય છે. અહીં અઘોરીના વિશ્વની વાતો, ભાર્ગવ અને લોમા કઈ રીતે તેમનો વિશ્વાસ જીતે છે અને તેમનું પુનર્મિલન થાય છે તેની રસપ્રચૂર વાતો વાચકને કોઈ અન્ય દુનિયામાં લઈ જાય છે. બીજી તરફ મૃગા પોતાની વાત પર અડગ રહે છે કે જ્યાં સુધી સહસ્ત્રાર્જુન તેનું પાણિગ્રહણ ન કરે ત્યાં સુધી એ તેની વાસનાને તાબે નહિ થાય.  તેથી  સહસ્ત્રાર્જુન તેને પકડે તે પહેલાં મૃગા કટાર પોતાની છાતીમાં ભોંકી ભગવાન પરશુરામનું રટણ કરતાં અંતિમ શ્વાસ લે છે.
    પરાક્રમી પરશુરામ અને સિતમગર સહસ્ત્રાર્જુનની ટક્કરની રસ્પ્રચૂર કથાના તૃતીય એટલે કે અંતિમ ખંડની વાત કરીશું આવતા અંકે…


    સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com