વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૨

    રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

    અલ્પા શાહ

    નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.

    આપણે જાણીએ છીએ તેમ માનવ મનની પ્રત્યેક સંવેદનાઓને કવિવરે રવીન્દ્રસંગીતની વિવિધ રચનાઓ દ્વારા વહેતી મૂકી છે. “પ્રેમ” એટલેકે Love એક અલૌકિક અને અદભુત અહેસાસ છે.જીવનની આ સર્વશ્રેષ્ટ અનુભૂતિને આવરી લેતી અનેકાનેક રચનાઓ કવિવરની કલમ દ્વારા પ્રગટી છે. જે તેમણે પ્રેમ પારજોયની રચનાઓમાં આવરી લીધી છે.

    જેમ દિવસ પછી રાત આવે, સુખ પછી દુઃખ આવે તેમજ જ્યાં પ્રેમ હોય ત્યાં પીડા પણ હોય જ. When there is love, there is pain. આ પીડા અનેક કારણોસર ઉભી થઇ શકે. કોઈકવાર પ્રિયજનની ક્ષણિક ગેરહાજરીના હૃદયને વિરહની વેદનાને છલકાવી મૂકે તો કોઈક વાર પ્રિયજન પાસેથી કોઈક અપેક્ષાની પૂર્તિ થવામાં ચૂક થાય તો હૃદય ખિન્ન થઇ જાય અથવા તો જેને આપણે “પ્રિયજન” માની સાચો પ્રેમ કર્યો હોય તે એ પ્રેમને ઠુકરાવીને આપણી જિંદગીમાં થી સદાને માટે દૂર થઇ જાય… કારણ ગમે તે હોય અને પીડાની માત્રા વધતી ઓછી હોય પણ આ પીડાના મૂળમાં અઢી અક્ષરનો શબ્દ “પ્રેમ” જ હોય.

    ગુરુદેવના અંગત જીવનમાં પણ એવી અનેક ક્ષણો આવી જયારે તેમને પ્રેમની સાથે વણાયેલી પીડાની સ્વ-અનુભૂતિ થઇ. આ વિરહની વેદનાને કવિવરે કલમ સાથે વહાવી દીધી. આવીજ એક વિરહભરી સંવેદનશીલ રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. ૧૯૨૭માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે তোমার গীতি জাগালো স্মৃতি (તોમારો ગેતી જાગલો શ્રીતી) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “અશ્રુના લીલેરા તોરણ…” જેનું સ્વરાંકન કવિવરે મલ્હાર રાગમાં કર્યું છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

    અશ્રુના લીલેરા તોરણ

     તારા ગીત સંગાથે આવ્યા તારી યાદોના ધણ
    અને મારે નયને બંધાયા અશ્રુના લીલેરા તોરણ

    તારા વિયોગ વિરહમાં મારી નીંદર થઇ વેરણ
    અને મારે નયને બંધાયા અશ્રુના લીલેરા તોરણ

    ઘનઘોર વાદળોની મંદ સુવાસ ગઈ પ્રસરાઈ
    વર્ષાના વિયોગે કળીઓનું સ્મિત ગયું મુરઝાઈ

    અણદીઠા સ્પર્શે વિલાઈ ગઈ સાવ અકારણ
    અને મારે નયને બંધાયા અશ્રુના લીલેરા તોરણ

    આજ સમીર તારી યાદની કવિતા લઈ ફુંકાયો
    હેલી કેરા ગડગડાટે મારો કર્ણપટલ છલકાયો

    કવિતાના શબ્દે શબ્દે હૈયું મારુ થયું રણઝણ
    અને મારે નયને બંધાયા અશ્રુના લીલેરા તોરણ

     ©અલ્પા શાહ

    ગુરુદેવની આ નાનકડી રચનામાં શબ્દે શબ્દે વિરહની વેદના ટપકે છે. જયારે પ્રિયજનની પ્રત્યક્ષ હાજરી ન હોય ત્યારે અશ્રુના તોરણ તો નયનોમાં બંધાય જ પણ સાથે સાથે આસપાસની સૃષ્ટિમાં પણ સતત પ્રિયજનના જ ભણકારા સંભળાય…અને મન અને હૃદયને કાબુમાં રાખવું મુશ્કેલ બની જાય.

    આપણે સૌ જાણીએ છીએ તેમ ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એ પ્રિયજન પ્રત્યેના અલૌકિક પ્રેમની પરાકાષ્ટા ગણાય છે શ્રીમદ ભાગવતજીમાં એક સુંદર પ્રસંગ છે. ગોપીઓને પોતાના પ્રેમનો સાત્વિક ઘમંડ હોય છે અને એ મદ અને મોહને તોડવા મદનમોહન મહારાસલીલા સમયે અચાનક અંતર્ધ્યાન થઇ જાય છે અને ગોપીઓ એટલી પ્રચંડ માત્રામાં વિરહની વેદના અને વિયોગની પીડા અનુભવે  છે કે તેઓ બાવરી બનીને વૃંદાવનના દરેક વૃક્ષને વીંટળાઈને તેમના કનૈયાની ભાળ મેળવવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે…

    કદાચ પ્રેમનું જેટલું ઊંડાણ વધુ તેટલી વિરહની વેદના પણ પ્રચંડ… The deeper the love, the steeper the pangs of separation. પ્રેમમાં ઘણીવાર પ્રિયજનનું  પ્રત્યક્ષ “હોવું” જ જરૂરી બનતું હોય છે. એ હાજરી જ ચાલક બળ બની રહેતી હોય છે અને પ્રિયજનની ગેરહાજરીમાં વિરહ અને વિયોગ મને અને હૃદય પર આધિપત્ય જમાવી દે છે  આવાજ કોઈ સંજોગોમાં કવિવર દ્વારા આ રચનાનું સર્જન થયું હોવું જોઈએ.

    તો ચાલો, વિરહની વેદના વ્યક્ત કરતી આ રચના પર મનન કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું.

    આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,


    સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • હેમંત કુમાર – ‘તુમ્હારા ઇન્તઝાર હૈ!’

    સંગીતની કેડીએ જિપ્સીનો વિસામો

    કેપ્ટન નરેન્દ્ર ફણસે

    હેમંતકુમાર – જેમને આપણે સહુ હેમંતદા’ના નામે ઓળખીએ છીએ, એન્જીનીયરીંગ કૉલેજમાં દાખલ થયા હતા. સંગીતના શોખના કારણે તેમણે ઇજનેરીનો અભ્યાસ છોડ્યો. પરમાત્માએ તેમને પત્થરના પુલ બનાવવાને બદલે માનવ હૃદયોને જોડવાનાં ભાવનાત્મક પુલનું નિર્માણ કરવાનું કામ સોંપ્યું હોય તેવું લાગે છે. શરૂઆતમાં તેમણે શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ખાંસાહેબ ફૈયાઝખાનસાહેબ પાસે લીધું, પરંતુ ખાંસાહેબના નિધનને કારણે શાસ્ત્રીય સંગીત અધવચ્ચે મૂકીને રવીંદ્રસંગીત તથા બંગાળના આધુનિક સંગીત તરફ વળ્યા. રવીંદ્ર સંગીતમાં તેમણે ગાયેલા ગીતો બેજોડ ગણાયા. ખાસ કરીને ‘મોને રોબે કિના રોબે આમારે’, ‘પાગલા હવા, બાદલ દિને’, ‘મન મોર મેઘેર સંગી, ઉડે ચલે દિગ્ દિગંતેર પાને’ તેમના પછી અનેક ગાયકોએ ગાયા. એટલું જ નહિ, અમારી અૉફિસર્સ મેસમાં થતી પાર્ટીઓમાં બંગાળી મહિલાઓ અને અફસરો આ ગીતો શોખથી ગાતાં, અને હજી પણ ગાય છે! પણ હેમંતદા’એ જે રીતે કવિગુરૂના શબ્દોને, સંગીતને મૂર્ત બનાવ્યું, વાહ! આ ગીત તો હેમંતદા’નું જ ગણાય!

    તેમણે સૌથી પહેલું હિંદી ગીત ગાયું હોય તો તે ફૈયાઝ હાશમીનું ‘કિતના દુ:ખ ભુલાયા તુમને, પ્યારી!’

    (ગયા અંકમાં જિપ્સીએ તેની માન્યતા પ્રમાણે લખ્યું હતું કે તેમનું પહેલું ગીત ‘આંચલસે ક્યું બાંધ લિયા‘ હતું. કદાચ તે ભુલ ભરેલી માન્યતા હોય!)

    હેમંતદા’ના સમકાલિન ગાયકો હતા જગન્મય મિત્ર – જેમને આપણે સુરસાગર જગમોહનના નામે ઓળખીએ છીએ, ધનંજય ભટ્ટાચાર્ય (જેમણે ‘યાત્રિક’માં ‘તુ ખોજતા હૈ જીસકો, બસતી હૈ યાદ મનમેં/વહ સાંવરા સલોના રહતા હૈ તેરે મનમેં’ ગાયું હતું) જેવા ગાયકો. અંગ્રેજી સાહિત્યમાં જેમ Romantic Period હતો, તેવો તે સમયે બંગાળમાં રોમૅન્ટીક, પ્રેમ ગીતોનો યુગ હતો. જગમોહન – ખેર, આજની વાત હેમંતદા’ની છે. જગમોહનની વાત ફરી કદી! તેઓ તો સુરસાગર જ હતા! બન્નેએ જુદા જુદા માર્ગ અપનાવ્યા અને બન્ને પોતપોતાના ક્ષેત્રમાં અનન્ય નીવડ્યા. ગમે તે હોય, હેમંતદા’ની વાત નિરાળી જ છે.

    હેમંતદા’એ હિંદી ફિલ્મોમાં ગીતો ગાયા અને લોકોના હોઠે રમવા લાગ્યા! તેમણે ફિલ્મ અનારકલીમાં ગાયેલી બાગેશ્રી ‘જાગ દર્દે ઇશ્ક જાગ/દિલકો બેકરાર કર’ પણ એવું ગીત છે, કોઇ તેને કદી ભુલી શક્યું નથી.

    https://youtu.be/Ki8ChPsYeJU?si=wCjva4nP3aBO9nhr

    તેમનો forté હતો ઉર્દુ શાયરોની આર્દ્રતાભરી ગઝલ પેશ કરવાનો. અગાઉ જણાવ્યા પ્રમાણે તેમણે ગાયેલું ‘પત્થરકી તરહ હો દિલ જીસકા‘ તો આપે સાંભળ્યું જ હશે.

    પણ ત્યાર બાદ તેમણે ગાયેલ ‘જાને વો કૈસે લોગ થે..‘ એવી હૃદયસ્પર્શી હતી, રસિકો ઘણી વાર વિમાસણમાં પડતા કે હેમંતદા’એ ગાયેલી આ ગઝલને કારણે, સચીન દેવ બર્મનના સંગીત, ગુરૂ દત્તના અભિનયને લીધે કે પછી કવિની કરૂણાંતિકા-કથાને કારણે ‘પ્યાસા’ ફિલ્મ પ્રખ્યાત થઇ હતી.

    હકીકત તો એ છે કે આ બધા કલાકારો-સર્જકોએ તેના સર્જનમાં પોતાની ભાવનઓનું તેમાં સિંચન કર્યું હતું, તેથી. ત્યાર પછી હેમંતદા’એ ગાયેલી ‘તુમ પુકાર લો, તુમ્હારા ઇન્તઝાર હૈ’, હજી પણ શ્રોતાને તેના સ્નેહ જગતમાં લઇ જાય છે. છેલ્લા અંતરામાં તેઓ એવી હળવાશથી કહે છે, ‘મુખ્તસરસી બાત હૈ, તુમસે પ્યાર હૈ..’ સાંભળીને કોઇ પણ યુવતિ યુવાનના પ્રેમનો સ્વીકાર કરી લે!

    આપને તેમનું ‘યહ નયન ડરે ડરે હુવે’ યાદ છે?’ કેવી હળવાશથી તેઓ જાણે પ્રેયસીના કાનમાં આ વાત ન કહેતા હોય!

    જિપ્સીને તેની કિશોરાવસ્થામાં સાંભળેલ તેમનું ગીત ‘મૈં સાઝ બજાઉં, તુમ ગાઓ!’ તેના પ્રિય ગીતોમાંનું એક બની ગયું છે.

    હેમંતદા”એ સંગીતકાર તરીકે baton સંભાળ્યો, ત્યારે તેમણે ‘નાગિન’ જેવી સામાન્ય કથાને એવી હિટ ફિલ્મ બનાવી, ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ તેનાં ગીતોની રૅકર્ડ્ઝના વેચાણમાંથી જ ફિલ્મનો ખર્ચ નીકળી ગયો! ત્યાર પછી હેમંતદા’ના સંગીત પર વૈજયન્તીમાલાએ કરેલા નૃત્યો અભૂતપૂર્વ ગણાયા. ખાસ કરીને ‘મૈં આયી રે તેરે લિયે સારા જગ છોડકે’ ગીત પર કરેલા તેમનાં નૃત્યે તો ધમાલ મચાવી હતી.

    (અહીં વૈજયન્તીમાલાના નૃત્યની વાત કરીએ તો હેમંતદા’એ રચેલા આ ગીત બાદ તેમણે કોઇ ફિલ્મમાં ઉત્તમ નૃત્ય કર્યું હોય તો તે ‘જયુએલ થીફ’માં ‘હોઠોંપે ઐસી બાત’ હતું જેને જિપ્સી ન ભૂતો ન ભવિષ્યતિ ગણે છે! આવાં નયનરમ્ય, કલાપૂર્ણ નૃત્યો ફરી કદી રૂપેરી પરદા પર રજુ થયા નથી.)

    તેમણે સંગીતબદ્ધ કરેલી ફિલ્મ ‘ખામોશી’નાં ગીતોએ તો માનવીની ભાવનાઓને સૂરમય બનાવી દિધી. તેમના નિર્દેશનમાં કિશોરકુમારે ગાયેલ ગીત ‘વો શામ, કુછ અજીબ થી’હજી પણ ‘તે’ સંધ્યાને તાજી બનાવી દે છે. આવો હતો હેમંતદા’નો જાદુ! તેમને પ્રત્યક્ષ સાંભળવાનો જેમણે લહાવો લીધો છે તેઓ જેટલી તેમના ગીતોના આસ્વાદથી અભિભૂત થયા એટલા જ તેમની વિનમ્રતાથી ગદ્ગદ્ થયા છે. આપણા મિત્ર શ્રી. માર્કન્ડભાઇએ ગયા અંકમાં આની વાત લખી છે તે આની સાક્ષી પૂરે છે.

    હેમંતદા’ના સંગીતની શી વાત કરીએ! અને તેમણે ગાયેલાં ગીતોની! તેમના સંગીતને આપણે માણી શક્યા તે આપણું સદ્ભાગ્ય જ ગણાય.


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • વાહ ! ઝાડવું એક અને થડિયાં અનેક !

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

         માત્ર ચૂલો, કડાઇ, તાવેથો અને તાપની ગોઠવણ કર્યે  “ શીરો ” બની જતો હોત તો ઘી, ગોળ કે લોટ-પાણીનો  કોઇ ભાવ જ ન પૂછત ! એ રીતે આકાશથી ઉતરી આવતો સૂર્યપ્રકાશ અને હવા માંહ્યલો અંગારવાયુ વનસ્પતિના લીલા પાંદડે પહોંચી જવા માત્રથી વનસ્પતિનો ખોરાક તૈયાર થઇ જતો નથી. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પહેલી જરૂર પડે છે પોષક તત્વોથી સભર એવા રંધાનારા કાચા ખોરાક રૂપી જમીનના રસની, અને એને જમીનમાંથી ચૂસી પાંદડા સુધી પહોંચાડ્યા કરવાનું પાયાનું કામ કરે છે – આપણી નજરને નહીં ભળાતા એવા જમીનમાં ધરબાએલા ઝાડ-છોડના મૂળિયાં .

    મૂળિયાનું એવું જ બીજું બહુ અગત્યનું કામ છે – ઝાડ-છોડને ધરતી પર મજબૂતીથી ઊભો રાખવાનું. તોફાની પવનની આંટીઓ કે વાવાઝોડું  સિમેંટ-રેતીથી ધરબેલા અને ચોતરફ તાણિયા કસેલ વીજળીના થાંભલાને પાયામાંથી ઉખાડી જમીનદોસ્ત કરી દેતા હોય છે. પણ નહીં ફાંઉડેશન કે નહીં એકેય તાણિયો ! ઝંઝેડી નાખતા ઝંઝાવાત ફળ-પાંદડા તો ખેરી નાખે, ડાળીઓય ભાંગી નાખે, થડિયુંયે ફંહાય જાય પણ વૃક્ષના મૂળિયાં માટીની પકડ મૂકતા નથી. ઝાડ કે છોડને પોષનારું અને ધરતી પર અડીખમ ઊભુ રાખનારું કોઇ પરિબળ હોય તો તે છે તેનાં મૂળિયાં !

    દુ;ખ જ આપણું આ છે = આપણે બધા પાકના ખોરાકી તત્વો એટલે કે વિવિધ જાતના સેંદ્રિય અને રાસાયણિક ખાતરોના ઉમેરણની જેટલી ચિંતા રાખીએ છીએ એનાથી પાંચમાં ભાગનીયે દરકાર એ ખોરાકી તત્વોને જમીનમાંથી ચૂસી ઉપર ધકેલનારા  ઝીણાં-મોટા મૂળિયાંની લેતા નથી. ખોરાક ભલેને ઢગલામોઢે પડ્યો હોય – એ ચૂસનારા મૂળિયાં જ જો  માયકાંગલા અને અલ્પ જથ્થામાં હોય તો ? છતે ખોરાકે છોડવાને ભૂખે મરવાનો વારો આવે કે નહીં ?

    ઈમારત કેટલી ઉંચી લઇ જઇ શકાશે તેનું ગણિત તેના પાયાની મજબૂતાઇ કેટલી કરવામાં આવી છે તેને ધ્યાને લઇને એંન્જીનીયરો કરતા હોય છે. આપણા છોડવા કે ઝાડવા કેવાક ફાલશે-ફૂલશે કે કેટલું ઉત્પાદન આપવા સક્ષમ બનશે તેનું ગણિત પણ તેનું મૂળતંત્ર કેવુંક મજબુત, ફેલાએલું અને કાર્યરત છે તેના પર જ મંડાવાનું .

    એક ઝાડવાને એક થડ હોય-એ તો હોય ! એમાં કંઇ નવું કે અચંબો પમાડે એવું નથી. પણ એક ઝાડવાને એકથી વધારે થડિયાં હોય એવું જોયું છે ક્યાંય ?  યાદ કરો બરાબર ! કોઇ કોઇ ગામના ગોંદરે કે તળાવની પાળે ઊભેલા વૃક્ષ-જગતના વડિલ એવા વડદાદાને નીરખીને જોજો જરા !  જૂઓને, કવિ સુંદરમે દરેક કુટુંબના વડીલ દાદાઓને વડ સાથે સરખાવ્યા છે.

    “ અમારા એ દાદા, વિપુલ વડના ઝુંડ સરખા, વિશાળી છાયાઓ, સકળ અમ સંતાપ હરતા.”

    પણ તે તો વડને કુદરતે દીધેલી વિશિષ્ટ શક્તિ દ્વારા મૂકાએલી વડવાઇઓએ પકડેલા થડના સ્વરૂપો છે.

    આ વડવાઇઓ શું છે ?  વડ કે પીપર જેવા ખાસ વિશિષ્ટ ખાસિયત ધરાવતા ઝાડવાઓ પૂખ્ત ઉંમરના થતાં તેની પાકટ ડાળીઓમાંથી પાતળાં મૂળિયાં ફૂટી ધરતી તરફ લંબાતા હોય છે. જમીન સુધી પહોંચ્યા પછી તે જમીનમાં પ્રવેશી મૂળનું માળખું બનાવી જમીનમાંથી પોષણ ખેંચી ખેંચી ઉપર મોકલવાનું કામ બજાવવા લાગે છે. સમય જતાં તે માળખું મોટું બનતું જાય છે અને જમીનથી મુખ્ય ડાળી સુધીની એ વડવાઇ હવે પાતળાપણું છોડી ,લોંઠકી બની થડનું રૂપ ધારણ કરી લે છે. વખત જતાં એની જાડાઇ એટલી બધી વધી જતી હોય છે કે મૂળ થડ ક્યુ  અને વડવાઇઓ દ્વારા બનેલાં થડ ક્યા ? એ પારખવું અઘરું થઇ પડતું હોય છે.

    તમે જોજો ! આવું જ લીમડે લટકતી ગળોની વેલી પણ પોતાના શરીરમાંથી વડવાઇઓ જેવા તાંતણાં લટકાવી નીચે જમીન પર પહોંચ્યાં ભેળા જ તેના અગ્ર ભાગેથી ઝીણાં મૂળો પ્રસરાવી રસ ખેંચાણ કરવાની પેરવીમાં જ કાયમ ભળાતી હોય છે.

    પણ દુ:ખ એ વાતનું …….કે : ખાટલે મોટી ખોટ્ય કે વડ-પીપર જેવા વડવાઇઓ ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવનારા વૃક્ષો, વૃક્ષ તરીકેના અનેક લાભો દેતા હોવા છતાં સ્વાદિષ્ટ અને પોષક ખોરાક ઉપરાંત બજારૂ આવક આપનારા ફળો દેવા માટે ઊણા ઊતરે છે. એટલે કોઇ ખેડૂત વાડીની અંદર તેનું વ્યવસ્થિત વાવેતર તો ન જ કરે ને ?

    આપણી અભિલાષા : આપણને ઘડીભર એમ થાય કે વડ-પીપરના જેવી વધારાની થડ-મૂળ બનાવી શકવાની વિશિષ્ટ શક્તિ ભગવાને માનવીય ખોરાકમાં ઉપયોગી એવાં મીઠાં અને મધુંરાં ફળો આપતાં બધાં વૃક્ષોને આપી હોત તો ? જામો પડી જાત હો ! ખેતરે ખેતરે કબીરવડ જેવાં ફળઝાડો લહેરાતાં હોત ! પણ જવા દો એ વાત.

    ઝાડની આ આવડતનો લાભ આપણે લઇ શકીએ ? = હા, ખેતીના આધુનિક વિજ્ઞાને આ પડકાર જીલ્યો છે અને “ કલમ ” ના સિધ્ધાંતને સહારે નવું કૌતૂક ઊભું કર્યું છે. કેવી રીતે તે જરા જોઇએ.

     રીત સાવ સહેલી છે = રાયણના પઠ્ઠા પર ભેટ કે નૂતન કલમ કરી ચીકુનું વર્ધન કરવાનું ખેતી વિજ્ઞાને શીખવાડ્યું છે. બસ, એ જ રીત-પધ્ધતિએ લગભગ બધા ફળઝાડોને વધુ થડ-મૂળ ઉમેરી શકાય છે. જેમકે ચીકુનું ઝાડ ઉછરી મોટું ડાળીઓ વાળું બની જાય એટલે મુખ્ય થડથી 3-4 ફૂટ છેટે જ્યાં ચીકુની ડાળી નમાવતાં આસાનીથી નીચે નમી શકતી હોય ત્યાં નીચે રાયણના પઠ્ઠાને જમીનમાં રોપી દેવાનો. પઠ્ઠો જમીનમાં ચોટી જઇ જોરદાર રીતે વધવા માંડે ત્યારે તેને ચીકુની ડાળી સાથે ભેટ કલમ કરી જોડી દેવાનો. કલમનો સાંધો મળી જાય – બન્ને એક્જીવ થઇ જાય એટલે રાયણના પઠ્ઠાનું માથું કાપી નાખવાનું, પણ ચીકુની ડાળીને તેના ઝાડથી અલગ નહીં કરી દેતા –એમને એમ લાગેલી રહેવા દેવી. જેથી રાયણનો પઠ્ઠો હવે ચીકુનું નવું થડ બની ગયું, અને એના મૂળિયાં હવે ખોરાક ચૂસી ચૂસી ઉપર ચીકુના ઝાડને મોકલવાનું શરુ કરી દે છે. આવા બે ત્રણ કે ચાર વધારાના થડ બનાવી દીધા હોય તો ઝાડ આસાનીથી તેનો મૂળવિસ્તાર સવાયો-દોઢો વિસ્તારી, એટલી વધારાની જમીનમાંથી રસકસ ચૂસી ઝાડને મોકલી શકે. એટલે સહેજે આપણને એક થડ વાળા ઝાડની સરખામણીએ આવા ઝાડમાં વધારે ઉત્પાદન મળવા લાગે.

     આ રહ્યો બોલતો પુરાવો = આ રીતે ફળઝાડોને  વધુ થડ-મૂળિયાં ઉમેરાયા હોય એવું પ્રત્યક્ષ કામ જોવા ઈચ્છતા હોય તેમને માટે માહિતી આપું. શ્રી હિરાભાઇ રાજાભાઇ કરમટા-[જી.ઇ.બી.વાળા] મો. 94272 29603 ની 12 એકરની ચીકુવાડી ગામ-ખેરા તા-માળિયા,જિ. જુનાગઢમાં આવેલી છે. ખેતી પધ્ધતિ સજીવવાળી છે. આ વાડીના 700 ચીકુનાં તમામ ઝાડવાં જોઇ વળો- એક થડ વાળું શોધ્યું નહીં જડે ! લગભગ તમામને બે થી માંડી ત્રણ-ત્રણ ને ચચ્ચાર સુધીના થડ જોવા મળશે. તેઓ આ વિશિષ્ટ પ્રકારના ઝાડ ઉછેરની મહેનત પોતાના મોટાભાઇની ગણે છે અને વધુને વધુ મૂળને પરિણામે ફળોનું ઉત્પાદન પણ ધીંગું રહ્યાનું કબુલે છે. આ બાગ જોયા પછી પ્રગતિશીલ માનસ ધરાવતા ખેડૂતો જરૂર કંઇક નવું કરવા પ્રેરાશે.

    શું બીજા વૃક્ષોમાં આવું થઇ શકે ? હા, જરૂર થઇ શકે. જે જે ઝાડમાં ભેટકલમ શક્ય  બને છે તે બધા જ ઝાડ- આંબા, જામફળી, આમળા, ગુંદા,આમલી વગેરે ઝાડવાઓમાં વધારાના થડ-મૂળિયાં ઉભા કરી , વધુ ખોરાક ઝાડને પહોંચતો કરી, ફળરૂપે ઉત્પાદનમાં રૂપાંતરિત કરી શકાય છે.

    આપણે પણ આવું કરી શકીએ :

    [૧] તમે નિરીક્ષણ કર્યું હશે કે જુવાર, બાજરો, મકાઇ, ગલગોટા જેવા છોડવાને વડલાની જેમ તેના થડમાં જમીન નજદીકની નીચલી ગાંઠોમાંથી વડવાઇઓ નીકળતી હોય છે.પણ તે ઉંચે ને ઉંચે ટીંગાઇ રહી સુકાઇ જતી હોય છે. આપણે તેવા પાકોને ચાસે વાવેતર કરી તેના થડિયા ફરતે જરા વધારે ઊંચે સુધી માટી ચડે તેવા પાળા ચડાવી દીધા હોય તો તે ગાંઠોમાંથી નીકળતી વડવાઇઓને જમીનમાં પ્રવેશ કરવાનો મોકો ઊભો થશે, અને તેના દ્વારા ધરતીમાંથી વધારાના રસ-ખેંચાણનો લાભ ઉત્પાદનમાં ચોક્કસ મળવાનો જ !

    [૨]  એવું જ દૂધી, તૂતિયાં, ગલકાં, ટીંડોરાં, કાકડી, કારેલાં જેવાં વેલાવાળા પાકોમાં પણ જોશો કે વેલાની ગાંઠોમાંથી વડવાઇઓ જેવાં પાતળાં મૂળો ફૂટતાં હોય છે.પણ વેલો પવન-પાણીથી આડો-અવળો થતો રહેતો હોઇ, તે મૂળિયાં જમીનમાં પ્રવેશી શકતાં નથી. પરંતુ જો આવા વેલાને એની કોઇ કોઇ ગાંઠો પર પાણતિયા દ્વારા પાવડોભરી માટીની ઢગલીઓ કરાવતા થઈ જઈએ, તો આ વડવાઇઓ પણ જમીનને વળગી, પોષણ ચૂસી વેલાને મોકલવા માંડે છે, અને વેલો વધુ ઉત્પાદન આપવા શક્તિમાન બને છે. આતો અમારો જૂનો થઈ ગયેલો જાત અનુભવ છે.

          તલસ્પર્શી નિરીક્ષણની ટેવ હોય તેવા ખેડૂતોને આ પ્રકારના અનુભવો થતા રહેતા હોય છે. આ લખાણને વાંચી રહેલા કોઇ પ્રયોગશીલ ખેડૂતભાઇને આવી કોઇ નવી વાત જાણવા મળી હોય તો સૌને જાણકારીનો લાભ મળે એ ખાતર મને જાણ કરવા વિનંતી. સુખ તો વહેંચવાથી જ વધે ને, મિત્રો !


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • વરસાદી ઋતુનો અનોખો વણકર

    પ્રકૃતિની પાંખો

    હીત વોરા

    જેમ જેમ ઉનાળાની ઋતુ અંત તરફ જાય છે તેમ પ્રકૃતિ ધીમે ધીમે બદલાતી લાગે છે, ઉનાળાની તીવ્ર ગરમી ઓછી થવા લાગે છે, પવનમાં ભેજનો અહેસાસ થાય છે અને આકાશમાં વાદળો ભેગા થવા લાગે છે. આ સમય દરમિયાન, જો તમે બાવળ કે ખજૂરના ઝાડને ધ્યાનથી જુઓ, તો તમને તેમાં લટકતી નાની રચનાઓ દેખાશે. આ છે Baya Weaver—જેને ગુજરાતીમાં “સુગરી” કહેવાય છે તેના ગૂંથેલા માળા.શરૂઆતમાં આ માળા તાજા લીલા અને અપૂર્ણ દેખાય છે, જાણે હજી પણ પવન સાથે આકાર લઈ રહ્યા હોય.

    આ પક્ષી શિયાળાના સમયમાં સાદું ચકલી જેવું ભૂખરા રંગનું દેખાય છે જે થી તે ખેતરો અને ઘાસવાળા વિસ્તારોમાં સરળતાથી ભળી જાય છે અને ખાસ ધ્યાન ખેંચતું નથી આ સમયમાં તેના રંગ-રૂપને નોન બ્રીડિંગ પ્લુમેજ કહેવામાં આવે છે. પરંતુ ચોમાસું નજીક આવે ત્યારે નર પંખીનો  રૂપ-રંગ બદલાઈ જાય છે. તેનું માથું તેજસ્વી પીળા રંગનું થઈ જાય છે અને તે ખૂબ સક્રિય બની જાય છે—તેનો મુખ્ય ઉદ્દેશ એક જ હોય છે: માળો બનાવવો અને માદા સુગરીને આકર્ષવી.

    [માદા સુઘરી અને નર સુઘરી પ્રજનન કાળ સિવાયના સમયે બિન – સંવનન પીછાંપરિવેશમાં હોય છે અને સાદા ચકલી જેવા ભૂખરા રંગના દેખાય]
    [નર સુગરી પ્રજનન કાળ સમયે સંવનન પીછાંપરિવેશમાં, સુંદર કાળું મુખ અને શિર અને છાતીના ભાગનો ચમકદાર પીળો રંગ]
    નર સુગરીઓ પહેલા યોગ્ય ડાળી પસંદ કરે છે, સામાન્ય રીતે એવી કે જે પાણી ઉપર લટકતી હોય અથવા કાંટાવાળા ઝાડમાં હોય. આથી સાપ જેવા શિકારી પ્રાણીઓથી રક્ષા મળે છે અને અવરજવર પણ ઓછી રહે છે. ત્યારબાદ તે ઘાસના તંતુઓને ખૂબ કુશળતાથી વણીને માળા બનાવવાની શરૂઆત કરે છે. પ્રથમ અવસ્થા “હેલ્મેટ સ્ટેજ” તરીકે ઓળખાય છે—આ સંપૂર્ણ માળો નથી, પરંતુ માદાને આકર્ષવા માટેનું પ્રદર્શન છે.

    નર તેમાં લટકી રહે છે, અવાજ કરે છે અને સતત હલચલ કરીને માદાને આકર્ષે છે. માદા આવે છે અને માળાની સારી રીતે તપાસ કરે છે. જો માળો મજબૂત, સુરક્ષિત અને યોગ્ય લાગે, તો તે તેને સ્વીકારી લે છે અને પછી માળો સંપૂર્ણ બોટલ જેવા આકારમાં બને છે. જો માળો સ્વીકારવામાં ન આવે, તો નર તે માળાને ત્યજી ઉડી જાય છે. એક જ ઝાડ પર લટકતા ઘણા માળાઓમાંના ઘણા માળા નકારેલા પણ હોય છે—પ્રકૃતિમાં પસંદગી કેટલી કડક છે તેનું આ એક ઉદાહરણ છે.

    આ સમગ્ર પ્રક્રિયા ચોમાસા સાથે ગાઢ રીતે જોડાયેલી છે. વરસાદ સાથે નવી ઘાસ ઊગે છે, જે માળા બનાવવા માટે જરૂરી છે. ખેતરોમાં બીજ વધે છે અને જીવાતોની સંખ્યા વધી જાય છે—જે નવજાત બચ્ચા માટે મહત્વપૂર્ણ ખોરાક છે. એટલે સુગરી માટે ચોમાસું માત્ર એક ઋતુ નથી, પણ જીવનચક્રનો આધાર છે.

    જ્યારે માદા કોઈ માળો સ્વીકારી લે છે, પછી જ નર તેને પૂર્ણ કરે છે. માદા તેમાં સામાન્ય રીતે ૨ થી ૪ ઈંડાં મૂકે છે અને તેમની ઉષ્ણતા જાળવે છે. થોડા સમયમાં બચ્ચા બહાર આવે છે અને જ્યાં સુધી તેઓ ઉડવા તૈયાર ન થાય ત્યાં સુધી માતા-પિતા તેમને ખવડાવે છે.

    સુગરીના માળાનો એક રસપ્રદ પાસો એ છે કે તે હવામાનની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. સામાન્ય રીતે માળાનું મુખ ચોમાસાના તેજ પવનની દિશાથી વિપરીત રાખવામાં આવે છે, જેથી વરસાદ અને પવનનો પ્રભાવ ઓછો પડે. માળાનો લાંબો અને સંકોચાયેલો પ્રવેશદ્વાર પણ વરસાદી પાણી અંદર જવાથી રોકે છે. આ પ્રકારની રચનાને કારણે માળાના અંદરનું વાતાવરણ તુલનાત્મક રીતે સ્થિર રહે છે, જે ભારે વરસાદ દરમિયાન ઈંડાં અને બચ્ચા માટે વધુ સુરક્ષિત બને છે.

    સુગરી સામાજિક પક્ષી છે અને સામાન્ય રીતે ટોળાંમાં રહે છે. આ ટોળાં ખોરાક માટે સાથે મળીને શોધખોળ કરે છે—ઘાસમાંથી બીજ ખાય છે. કાપણી થયેલા ખેતરોમાં તે મોટા ટોળાંમાં ભેગા થઈને બાકી રહેલા દાણા, ખાસ કરીને ધાન, ખાય છે. તેમના ટોળાંનું ઉડાન પણ ખાસ હોય છે. તે ટોળામાં એકબીજાની નજીક રહીને ઝડપથી વળાંક લેતા, સંકલિત રીતે દિશા બદલતા ઉડે છે!

    પ્રજનન સમય દરમિયાન તેઓ જીવાતો જેમ કે ઈયળ, પતંગિયા અને અન્ય કીટકો પણ પકડે છે, જે બચ્ચા માટે જરૂરી પ્રોટીનનો સ્ત્રોત બને છે. ક્યારેક તેઓ નાનાં દેડકા અને ગરોળી પણ પકડે છે. તેમની હાજરી ખોરાકની ઉપલબ્ધિ પર આધારિત હોય છે—જ્યાં ખોરાક મળે, ત્યાં તેઓ જાય છે. સાંજ પડે ત્યારે તેઓ પાણીના સ્ત્રોતની આસપાસના રીડ-બેડમાં(નદી અથવા તળાવમાં રહેલી મોટી અને લાંબી ઘાસમાં)ટોળાંમાં બેસી રહે છે.

    ક્યારેક તેઓ પાકને નુકસાન પહોંચાડે છે, પરંતુ સાથે સાથે તેઓ જીવાતો ખાઈને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદ પણ કરે છે.

    બચ્ચા ઉડી જાય પછી માળાની વાર્તા પૂરી થતી નથી. ઘણા માળા ખાલી રહી જાય છે અને ધીમે ધીમે સુકાઈ જાય છે. પરંતુ તે વ્યર્થ નથી જતા. નાના પંખીઓ જેમ કે મુનિયા અથવા સિલ્વરબિલ આ માળાઓનો ઉપયોગ કરે છે. નાના જીવાતો અને મકોડાં પણ તેમાં રહેવા લાગે છે. એટલે એક માળો, જે એક પરિવાર માટે બનાવાયો હતો, પછી બીજા ઘણા જીવો માટે આશ્રય બને છે.

    આ કારણે, આવા માળાઓને સજાવટ માટે ઘરે લઈ જવું યોગ્ય નથી. જે માળો આપણને ખાલી લાગે છે, તે હકીકતમાં પર્યાવરણનો એક ભાગ છે.

    સુગરી પોતાની રીતે પર્યાવરણનું પ્રતિબિંબ છે. તેની હાજરી બતાવે છે કે આસપાસનો વિસ્તાર સ્વસ્થ છે—જ્યાં ઘાસ, પાણી અને ખોરાક પૂરતો છે. તેનો પ્રજનન મોન્સૂનના આગમનને દર્શાવે છે, અને તેની પ્રવૃત્તિ ઋતુના ફેરફારો સાથે જોડાયેલી છે.

    આવતા વરસાદ સાથે, સુગરી ફરી પાછી આવે છે—અને આ ચક્ર આમ જ ચાલતું રહે છે.


    શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • લોકો ધારે તો શું કરી શકે એનું જ્વલંત ઉદાહરણ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ગતાંકના લેખ વિરોધ વિકાસનો નહીં, એના નામે થતા દૃષ્ટિહીન આયોજનનો માં ચિત્તૂર- થાથમંગલમના લોકોએ જે અદ્‍ભુત પહેલ કરી તેની વ્ગતો હવે આજે……

    કેરળના પલક્કડ જિલ્લાના ચિત્તૂર-થાથમંગલમ નામના નગરના લોકોએ રાજ્ય સરકારના ‘ડ્રાફ્ટ માસ્ટર પ્લાન, ૨૦૩૧’ નામના વિકાસના આયોજનનો વિરોધ કર્યો, પણ એટલેથી અટકવાને બદલે તેમણે પોતે, પોતાના નગરની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને  ‘ચિત્તૂર-થાથમંગલમ માસ્ટર પ્લાન ૨૦૪૨’ તૈયાર કર્યો. નગર આયોજનના બે નિષ્ણાતો જયરાજ સુંદરેશન અને માલિની કૃષ્ણકુટ્ટીની ‘માસ્ટર પ્લાન એક્સપર્ટ કમિટી’ (એમ.પી.ઈ.સી.) બનાવવામાં આવી અને સૌએ મળીને નગરની વિવિધ વિશેષતાઓને લક્ષમાં રાખીને વૈકલ્પિક આયોજન ઊભું કર્યું. ગયા સપ્તાહે તેની મુખ્ય વિગતો જાણ્યા પછી આ આયોજનનાં વિવિધ પાસાં કેવાં રહ્યાં એ જાણવું જરૂરી બની રહે છે.

    માલિની કૃષ્ણકુટ્ટીના જણાવ્યા અનુસાર ભારતમાં વિશાળ સંખ્યામાં લોકો અનૌપચારિક આવાસમાં વસે છે અને તેમની આજીવિકાના સ્રોત પણ અનૌપચારિક હોય છે. જે સામુહિક સ્થાનો અને નૈસર્ગિક સ્રોત પર તેઓ અવલંબિત છે તેને મોટે ભાગે ‘બિનઆયોજિત’ની શ્રેણીમાં મૂકવામાં આવે છે. મિલકતના હકને પ્રાથમિકતા આપતા આયોજનના આધુનિક અભિગમને બદલે આપણે જળજમીનને સહિયારી મિલકત તરીકે જોવાનો અભિગમ અપનાવવાની જરૂર છે.

    આ અભિગમને કેન્‍દ્રસ્થાને રાખીને કામ શરૂ કરવામાં આવ્યું, જેમાં સ્વયંસેવકો અને સ્થાનિકોનાં સૂચનો તેમજ વાંધાવિરોધ મંગાવવામાં આવ્યા. તેની પર વિચારવિમર્શ કરાયો. મ્યુનિસિપાલિટી પાસે આ માટેનાં નાણાંની જોગવાઈ અપૂરતી હોવાથી ‘એમ.પી.સી.’ના સભ્યોએ અવેતન કામ કર્યું. વિવિધ કૌશલ્યમાં નિષ્ણાત સ્થાનિકો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ એ જ રીતે સંકળાયા. ક્ષેત્રીય કાર્ય માટે જે બે જુનિયર પ્લાનરો સંકળાયા તેમની મર્યાદિત નાણાંકીય જોગવાઈ  ‘ધ કેરલ ઈન્‍સ્ટિટ્યૂટ ઓફ લોકલ એડમિનિસ્ટ્રેશન’ દ્વારા કરવામાં આવી. આસપાસની યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ‘જી.આઈ.એસ. (જિયોગ્રાફિક ઈન્‍ફર્મેશન સિસ્ટમ) મેપિંગ, ભૂપૃષ્ઠના મોડેલિંગ તેમજ સ્થળચકાસણી જેવાં કામોમાં સંકળાયા. રાજકીય કર્મશીલો, ઉદ્યોગ સાહસિકો તેમજ બૌદ્ધિકોએ અમલદારશાહી સાથે સુમેળ સાધ્યો અને નાણાંકીય વ્યવસ્થા સંભાળી, તો સ્થાનિક રહીશોએ મિલનનાં આયોજન કરીને આ ચળવળ માટે જનાધાર ઊભો કર્યો.

    ત્રણ તબક્કે આ આયોજનપ્રક્રિયાએ આકાર લીધો. પહેલા તબક્કામાં રાજ્ય સરકારનો ‘ડ્રાફ્ટ માસ્ટર પ્લાન, ૨૦૩૧’ લોકોને સમજાવવામાં આવ્યો, જેમાં નગરના કુલ ૨૯ વોર્ડને નવ સમૂહમાં વિભાજીત કરવામાં આવ્યા. મલયાલમ ભાષામાં જ બધી ચર્ચા થતી, જેથી સૌ કોઈ તેને સરળતાથી સમજી શકે. બીજા તબક્કામાં સ્થાનિકોની જરૂરિયાત, તેમની આકાંક્ષાઓ અને નિસ્બત સાથે સંકળાયેલી વિવિધ બાબતો પર એકદમ મુદ્દાસર, શ્રેણીબદ્ધ સમૂહચર્ચાનો દૌર ચાલ્યો. બાર શાળાઓના પચાસ બાળકોને નગરની ભાવિ જરૂરિયાત શી છે એ વર્ણવવાથી તેનો આરંભ થયો, જેમાં આગળ જતાં સાડા પાંચસો સહભાગીઓને સાંકળતી વીસેક સમૂહચર્ચાઓ થઈ. આ ચર્ચામાં શિક્ષણ, રોજગાર, જાહેર સ્વચ્છતા, પર્યાવરણ, સામાજિક સમાનતા, જ્ઞાતિગત સમીકરણો વગેરે વિષયોને આવરી લેવામાં આવ્યા.

    સ્થાનિક ટીમોએ જમીનના ઊપયોગને વિગતવાર અંકિત કર્યો અને તેનું મલયાલ ભાષામાં જ દસ્તાવેજીકરણ કર્યું. એ પછી આયોજિત કરાયેલી ત્રણ દિવસીય કાર્યશાળા ‘માસ્ટર પ્લાન શિલ્પશાલા’માં આયોજન સમિતિએ આયોજન તેમજ વિવિધ ક્ષેત્રના પંદર નિષ્ણાતોને દેશભરમાંથી આમંત્ર્યા અને ૧૮૬ સ્થાનિકો સાથે તેમને જોડ્યા. આમ, સમગ્ર આયોજન એકદમ વાસ્તવિક બની રહે એ ધ્યાન રાખવામાં આવ્યું. આ કાર્યશાળામાંથી જે વિચારો જન્મ્યા તેના આધારે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા ‘માસ્ટર પ્લાન, ૨૦૨૩’નો પાયો તૈયાર થયો. એક જ ઉદાહરણ જોઈએ. આ નગરમાં ચાલવું અને સાયકલ મુખ્ય બાબતો છે, પણ સરકારી આયોજનમાં તેને બદલે પહોળા રસ્તા હતા. ગામલોકોએ પોતાના આયોજનમાં ચાલવા માટેની ફૂટપાથ તેમજ સાયકલ ટ્રેકની જોગવાઈ કરી. પૂરનિયંત્રણ માટે પણ નદીનાળાં તેમજ અન્ય જળસ્રોતોને જોડવામાં આવ્યાં. આવું જ વૃક્ષાચ્છાદન માટે.

    માસ્ટર પ્લાન ૨૦૪૨ માં અલ્લમરમ તરીકે ઓળખાતાં વિશાળ વડ અને અલ્લથરા તરીકે ઓળખાતા તેની આસપાસના વર્તુળાકાર ઓટલાઓને ગ્રામ સમાજની બેઠકોનાં સ્થાન તરીકે દસ્તાવેજ કરાયેલ છે. – Jayaraj Sundaresan
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    ત્રીજા તબક્કામાં આખરે જુલાઈ, ૨૦૨૪માં રાજ્ય સરકારના પ્લાનને સ્થાને લોકો દ્વારા તૈયાર કરાયેલો પ્લાન ચીફ ટાઉન પ્લાનરના કાર્યાલય દ્વારા સરકારને જમા કરાવવામાં આવ્યો. મ્યુનિસિપાલિટીએ આ પ્લાનને મલયાલમમાં સમજાવતી  ચાલીસ પાનાંની પુસ્તિકાનું ઘેરઘેર વિતરણ કર્યું. વિચારવિમર્શ માટેના સાઠ દિવસના સમયગાળા પછી વિશેષ સમિતિએ પોતાનો આખરી અહેવાલ સરકારમાં આપ્યો છે અને હવે આ પ્લાનને અધિકૃત સરકારી મંજૂરી મળે તેની પ્રતીક્ષા છે.

    કેરળના આ નગરે ખરેખર તો એક નવી કેડી કંડારી છે. પોતાના સમુદાયના હિત માટે સૌ સંપીને કામ કરે તો કેવું ઊત્તમ પરિણામ મળી શકે એનું આ જીવંત ઉદાહરણ છે. હિમાંશુ નિતનવરે દ્વારા ‘ડાઉન ટુ અર્થ’ પોર્ટલ માટે આલેખાયેલો આ અહેવાલ ખરા અર્થમાં એક પ્રેરક ગાથા કહી શકાય એમ છે.

    આયોજનની પુસ્તકિયા વ્યાખ્યા અને વાસ્તવિક આયોજન વચ્ચેનો ભેદ કેટલો મોટો હોય છે, એ પણ આમાં ઊજાગર થાય છે. વર્તમાન સમયમાં પાકા રોડ અને આડેધડ બંધાઈ રહેલા પુલોને વિકાસ તરીકે ઓળખાવાય છે, અને તેનાથી થતા વિશાળ આર્થિક લાભ ગણાવવામાં આવે છે. ઘણાખરા કિસ્સામાં તો કેવળ તેની પાછળ ફાળવવામાં આવેલી તોતિંગ રકમ જ પૂરતી થઈ પડે છે. લોકોની વાસ્તવિક જરૂરિયાત શી છે એ ભ્રામક રાજકીય પ્રચારના મારામાં કોરાણે મૂકાઈ જાય છે. વિકાસ એ જરૂરિયાતનો નહીં, પણ રાજકીય મુદ્દો બની ગયો છે. આવા માહોલમાં કેરળનું આ નગર એક નવી જ દિશા ચીંધે છે અને તે એ પણ દર્શાવે છે કે આપણા ભલા માટે આપણાથી વિશેષ કોઈ વિચારી ન શકે. આ સમગ્ર પ્રકલ્પમાં સ્થાનિક રાજકારણ નડ્યું હશે કે કેમ, એ ખબર નથી, પણ મૂળ વાત એ છે કે સૌએ ભેગા મળીને પરિણામલક્ષી કામ કર્યું. હવે આગામી એક બે દાયકામાં એ દિશામાં કામ થશે એટલે તેનાં સુપરિણામ પણ જોવા મળશે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૯-૪– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • ગયાના – નદીઓ અને જંગલોનો દેશ : ૧૬

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    ગયાના દેશમાં દિવસો ઘણા સારા ગયા હતા. સેવાનું કામ થયું, દેશની નદીઓને જોઈ અને એમાં વહેવાનો અનુભવ પણ લીધો. દેશનાં અંધાર-ઘેરાં જંગલોને ઉપરથી જોયાં, અને એમાં ચાલીને એક વિખ્યાત ધોધ પણ જોયો. જ્યૉર્જ ટાઉન શહેરની એક ઝાંખી મેળવી. આ વખતે હું એકલી નહીં, પણ જૂથમાં હતી, તેથી કંપની મળી, અને નિરાંત રહી.

    આ દરમ્યાન, એક વાર હું દેશનું આધુનિક, તેમજ સંપન્ન પાસું પણ જોવા પામી હતી, જ્યારે મને જિયોની અદ્યતન હોટેલમાં એક સાંજ ગાળવાની તક મળી હતી. હવે આવી એક બીજી તક પણ મને મળી રહી હતી. સંજોગવશાત્ મારે ન્યૂયૉર્કમાં એક ગયાનીઝ દંપતી સાથે ઓળખાણ છે. એ લોકો વર્ષમાં જિયો અને ન્યૂયૉર્કની વચ્ચે આવ-જાવ કરે છે. મને જાણ હતી, કે આ સમયે એ લોકો જિયોમાં હતાં. મેં પહોંચીને ફોન કરેલો, અને છેલ્લે દિવસે મળવાની વાત થયેલી. પછી તો, હું એક રાત એમને ત્યાં રહીશ, એવું નક્કી થયેલું.

    જિયો શહેરમાં હરી-ફરીને અમે બધાં પાછાં આવ્યાં પછી, સાંજ થતાં મને લેવા ડ્રાયવરવાળી મોટી ગાડી આવી. આ કુટુંબ ગયાનામાં અત્યંત ધનવાન ગણાય છે, અને ખૂબ જાણીતું છે, તેથી હોટેલની માલિકણ મને કહે, મૅડમ આવ્યાં હોય તો મારી ઓળખાણ જરૂર કરાવજો. મેં કહેલું, ચોક્કસ કરાવીશ. પણ મૅડમ એમ લેવા શાનાં આવે?

    જોકે મારી એ મિત્ર એને ઘેર મારી રાહ જોતી હતી. અને શું ઘર હતું એ. અરે, એક મોટા કમ્પાઉન્ડમાં બે ભાઈઓનાં બે ઘર હતાં. મોટાં નિવાસસ્થાન. વચમાં, ઝાડપાનથી છવાયેલો,  સ્વિમીંગપૂલ હતો. ઝાંપા પર ઊભેલા દરવાને જાણીતી ગાડીને તરત કમ્પાઉન્ડમાં અંદર જવા દીધી. બધે જ ઝાડ, છોડ, ફૂલો, ને પાછળ શાકભાજીનો ગાર્ડન.

    સરસ સફેદ રંગેલાં, કોલોનિયલ સ્ટાઇલનાં બંને મકાનો હતાં. મારાં મિત્રના મકાનના બે માળ પર ફરતો પહોળો વરંડો હતો. સળંગ જતા કઠેડાની જાળીમાં સુંદર ડિઝાઇન થયેલી હતી. ત્યાંથી દરિયા પર બાંધેલી દીવાલ, તેમજ દરિયો દેખાય. દરિયાનું લાલાશ પડતું, ડહોળું પાણી. નહીં ભૂરો રંગ, નહીં જરા પણ મોજાં.

    જોવા જેવું કાંઈ નહીં. અને મોકળાશ ખરી, છતાં હવા જરા પણ નહીં. અમુક સમયે અને અમુક ઋતુ દરમ્યાન ફરફર પવન કદાચ આવતો હશે. અહીં દરિયાના દેખાવની મઝા નહતી, કે નહતી હવામાં કશી ઠંડક, છતાં આ પ્રૉપર્ટી ગણાય અત્યંત ઈચ્છનીય, અને એવી જ મોંઘી. આવી જગ્યાએ રહેનારાં ઉચ્ચ શ્રીમંત વર્ગનાં જ હોય, તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

    આ વિશાળ ગૃહનાં રસોડા ને જમવાના ભાગમાં ઍરકંડિશન નહતું, અને હવામાં ઘામ. પંખો બહુ અસર કરતો ના લાગે. પણ અહીં તો બારે માસ બધાં બારી-બારણાં ખુલ્લાં રાખી શકાય, તેથી બધે પંખાનો જ રિવાજ હશે. બેસવાના અતિ-સુશોભિત ખંડમાં પણ પંખા જ હતા. જોકે સૂવાના કક્ષમાં સરસ ઠંડક હતી. ત્યાં ઍરકન્ડિશન મશિન લગાવેલાં હતાં.

    ઘરના કામ અને રસોઇને માટે બે ગયાનિઝ સ્ત્રીઓ રાખેલી છે. એમણે સરસ ખાવાનું બનાવેલું. વધારે પડતું તેલવાળું નહીં, અને લાગે ઇન્ડિયન-જેવું, છતાં જુદા સ્વાદવાળું. સવારે નાસ્તો કર્યા પછી હું નીચે કમ્પાઉન્ડમાં થોડી વાર ચાલી, પાછળનો શાક-ગાર્ડન જોયો, આ નિવાસના ફોટા લીધા. ગયાના જેવા અજાણ્યા દેશમાં આમ મિત્રો હોય, અને એમની કંપની મળે, એને ખુશનસીબ જ કહેવાય ને.

    બપોરે મારી પનામા જવાની ફ્લાઇટ હતી. મને એમ કે ટૅક્સી મંગાવી લઈશ, પણ મારાં મિત્રોએ મને ઘરની ગાડીમાં ઍરપૉર્ટ મોકલી. એમની સગવડ સાચવવા મારે થોડાં વહેલાં નીકળવાનું થયું, પણ આરામથી જવાયું. એ જ એક લેનના રસ્તા પર થઈને ઍરપૉર્ટ પહોંચતાં પાછો એક કલાક થયો. જો એકાદ ટ્રક આગળ હોય, તો ગતિ તદ્દન રુંધાઈ જ જાય.

    હાઈવે પરનું એક મંદિર

    મથકનું મકાન સાવ નાનું છે. એમાં ગણીને ચાર દુકાનો થયેલી છે – એક આધુનિક સ્ટાઇલનાં ઘરેણાંની, બે ડ્યુટી-ફ્રી ચીજોની, અને એક નાનકડી દુકાનમાં દેશની હાથ-બનાવટની થોડી વસ્તુઓ હતી. મારી પાસે જે થોડું નાણું બચેલું, તે અહીં વાપરી નાખવું હતું. હસ્તકળાની હાટડીમાં જોતાં જોતાં પછી એક હૅટ લીધી. સારા ભૂરા રંગની હતી, ને સામે દેશના ધ્વજના રંગોમાં ‘ગયાના’ ભરેલું હતું.

    સવારથી જ જ્યાં ગરમી થઈ જાય છે, તે દેશના વિમાન-મથકની અંદર વાતાનુકૂલ હતું. ચાલો, પરસેવો તો નહતો થતો. હું વાર્તાની ચોપડી વાંચતી બેઠી. સમય થતાં પનામાની ફ્લાઇટની જાહેરાત થવા માંડી. આગલી રાતે, ટૅલિવિઝન પરના સમાચારમાં જોયું હતું, કે પનામામાં વરસાદ છે.

    સાડા ત્રણ કલાકના ઉડ્ડયન પછી વિમાન પનામા સિટીના મથકે ઊતર્યું. બહાર નીકળતાં બહુ વાર ના લાગી, જોકે ઇમિગ્રેશન સ્ત્રી-ઑફીસરે મારી કીકીનો ફોટો લીધો, અને દસે દસ ટેરવાંની છાપ લીધી. આખરે તો હું ઇન્ડિયન ને. એટલે કે સંદેહપ્રદ વ્યક્તિ. બહુ વર્ષોના અનેક પ્રવાસો દરમ્યાન, દુનિયાભરમાં, આવા વર્તાવ, આવા ભાવ હું ભોગવતી આવી છું. ભ્રમણ-પ્રેમને કારણે એ પણ સહી લેતી રહી છું.

    પનામા સિટીના આકાશમાં ક્યાંયે વરસાદનું નામોનિશાન નહતું, પણ સાંજના સાડા છ થતાંમાં અંધારું થઈ ગયું હતું. મથકેથી ટૅક્સી જ લેવી પડી. ખૂબ તડકાને લીધે અહીં બધી ગાડીઓના કાચ પર કાળી ફિલ્મ લગાવી હોય તેમ લાગે છે. આથી, મારી ટૅક્સીની અંદર પણ અંધારું લાગતું હતું.

    આ વખતે વળી, મેં પહેલેથી એક હોટેલ બૂક કરી રાખેલી. ગયાનામાંના મોટા ઓરડાઓમાં રહ્યા પછી આ ઓરડો નાનો લાગ્યો, પણ નકશામાં જોઈને એવી જગ્યા પસંદ કરેલી કે જ્યાંથી શહેરમાં બધે સહેલાઈથી જઈ શકાય. ઓરડાના ભાડામાં સવારના નાસ્તાનો સમાવેશ થતો હતો. વળી, હું તો કોઈ ઇલેક્ટ્રૉનિક ઉપકરણ સાથે રાખતી નથી, તેથી લૉબિમાં રહેલાં કમ્પ્યુટરનો ફ્રી વપરાશ મને કામે લાગ્યો.


    ગયાનાનો પ્રવાસ પુરો થયો અને હવે પનામાનો પ્રવાસ શરૂ થઈ રહ્યો છે.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સ્મૃતિસંપદા : રેખા સિંધલઃ શૂન્ય થી અનંતની સફર [૩]

    સુશ્રી રેખાબહેન સિંધલની શૂન્ય થી અનંતની સફર ની શરૂઆત તેમના અમેરીકામાં પ્રવેશ અને સંઘર્ષથી થઈ અને પછી મારી વિદ્યાયાત્રા ના પડાવ સુધી આપણે સંગાથ કર્યો..
    હવે તેમની સાથે સફરમાં આગળ વધીએ …..

    મારી લેખન યાત્રા

    ઓપરા વિન્ફ્રીના કહેવા મુજબ ‘રોજ સવારે ઊઠીને તમને જો લખવાનો વિચાર આવતો હોય તો સમજો કે તમે લેખક છો’ લખવાની પ્રબળ ઈચ્છા રોજ સવારે મારાં મનમાં ઊઠે અને મને સર્જક થવા પ્રેરે. રોજ એમ થાય કે જોબ પર જવાનું ન હોત તો લખવાં બેસી જાત. જોબ પરથી આવીને રસોઈ, બાળકોના હોમવર્ક અને ઓવરટાઈમ કરીને આવેલા પતિની સંભાળમાંથી પરવારૂં ત્યાં આકાશમાં તારા દેખાવા માંડે અને સર્જક થવા મથતું મારૂં હ્રદય પ્રસવની પીડા સાથે ડાઈનીંગ ટેબલ પર કાગળ પેન લઈને બેસે. કોઈક એકાદ કૃતિ ક્યારેક અવતરે અને ક્યારેક દિવસ દરમ્યાન હ્રદયના ગર્ભમાં જ મરણને શરણ થઈ ચૂકી હોય. પીડાની શાહીથી ચિત્કારીને મદદ માટે પોકાર કરૂં. ડાયરીમાં દટાયેલો એવો એક પોકાર હજુ ઊંહકારા કરે છે. આ રહ્યો એ પોકારઃ

    ગર્ભમાં જ મૃત્યુને શરણ થયેલી મારી કવિતાના
    ખેંચી ખેંચીને બહાર કાઢેલા
    પ્રાણ વિનાના શબ્દો,
    કબ્રસ્તાન જેવી મારી નોટબુકના પાનામાં અહીં તહીં
    દટાયેલા પડ્યા છે.

    હે મિત્ર કવિજનો, મને કહેશો કે
    ગર્ભપાત પછીની પીડા તમે પણ અનુભવી છે?
    અથવા તો કહો કે ચાહકોને પ્રસન્ન કરી મૂકતી
    તમારી આ ધબકતી કવિતાઓને તમે
    ક્યા ક્યા ઓસડિયાં પાયાં છે?

    આવા ઓસડિયાં આપવા તૈયાર હોય તેવા કવિ મિત્રોમાં બે નામ તરત યાદ આવે નીલમ દોશી અને ચંદ્રકાંત શાહ. બીજા ઘણાં સહયાત્રીઓને મળી છું પણ આ બંનેએ સક્રિય રસ લઈ મારી કૃતિઓના અવતરણમાં ફાળો આપ્યો છે. કલમ હાથમાં લેવાની પ્રેરણા નીલમની મૈત્રી થકી થઈ. કોલેજકાળ દરમ્યાન અમે હોસ્ટેલમિત્રો. લગભગ રોજ રાત્રે એને લખતી જોઈને મને એનું લખાણ વાંચવાનું મન થાય. ક્યારેક તે વંચાવે પણ ખરી! કોલેજની વાર્તા સ્પર્ધામાં નીલમ મને આગ્રહ કરીને લઈ જાય. વાંચનની તીવ્ર ભૂખ નાનપણથી. ઘરમાં બાલસંદેશ કે ફૂલવાડી જેવું બાળ સાહિત્ય અઠવાડિયે એકવાર વાંચવા મળે. રોજના છાપાથી ભૂખ સંતોષાય નહીં. ગામની વચ્ચે આવેલી લાયબ્રેરીમાં બાળકોથી જવાય નહીં. બાપુજી માટે આવતા સામાયિકો વાંચુ અને મિત્રો પાસેથી પણ વાંચન સામગ્રી શોધ્યા કરૂં. ગુજરાતી મિડીયમની હાઈસ્કૂલમાંથી ઈંગ્લીશ મિડિયમની સાયંસ કોલેજમાં ગઈ તેથી ભાષા અઘરી થઈ. એચ. જી વેલ્સની વાર્તાઓ અભ્યાસક્રમનો ભાગ હતી. તે વાંચવી ગમે પણ બાયોલોજી અને કેમેસ્ટ્રી અંગ્રેજીમાં અઘરાં પડે તેથી તેના અભ્યાસમાં સમય વધારે આપવો પડે. આમ કોલેજ દરમ્યાન ગુજરાતી સાહિત્ય સાથે મર્યાદિત સંપર્ક રહ્યો.

    વેકેશનમાં મારી વાંચનપ્રવૃતિમાં મારી માતા રસ લેતી અને કવિતાઓ કે ઐતિહાસિક વાર્તાઓ તેને હું ક્યારેક વાંચી સંભળાવતી. તે ધ્યાન દઈ રસપાન કરતી અને મંતવ્ય પણ આપતી. આમ છતાં બૂકવોર્મની જેમ આખો દિવસ મને ચોપડીમાં ડૂબેલી જોઈને બાને મારાં સાસરવાસના ભવિષ્યની ચિંતા થાય. ગ્રેજ્યૂએટ થઈ તે પહેલાં મારાં લગ્ન થઈ ગયાં હતાં. ‘હશે’ ને બદલે ‘હહે’ બોલતા પરિવારમાં મારી ભાષા શુદ્ધિ ચાગલાઈ ગણાય. અંગ્રેજી શબ્દ ભૂલથી ય હોઠેથી સ્ફૂટે તો અભિમાન ગણાય. “છંદે શું ચડી છે?” એવું મને કહેવામાં ન આવ્યું હોય તો પણ એટલી બધીવાર કાને પડ્યું છે કે છંદ કદી શીખવાનું મન જ ન થાય. આવા વાતાવરણમાં સમયની પાબંદી છતાં મારા પતિ મારી આ યાત્રાને આગળ વધારવામાં સહાયરૂપ થયા. આ અરસામાં મારે ફાધર વાલેસ સાથે નિયમિત પત્રવ્યવહાર અમેરીકા આવી ત્યાં સુધી ચાલુ રહ્યો. આ દરમ્યાન વર્ષમા એકાદ બે વાર લખીને ‘ફૂલછાબ’ ‘સ્ત્રી’ કે ક્યાંય મોકલ્યું હોય તો સ્વીકાર થાય તે કારણે ઉત્સાહ જળવાઈ રહ્યો.

    અમેરીકા આવ્યા બાદ ટુંક સમયમાં તારક મહેતાનો કાર્યક્ર્મ મારે આંગણે હું ગોઠવી શકી. શ્રી તારક મહેતા માટે ત્યારે મેં એક કાવ્ય લખ્યું હતું જેની પહેલી પંકતિ ‘રૂદનને રડાવે એક તારક રૂદનને રડાવે’ છે. પીડાના આંસુને હર્ષના આંસુમાં એક સાચો કલાકાર જ ફેરવી શકે. આ સાચા કલાકારે મને એક સલાહ આપી હતી કે મારે વધુ નહીં તો એક કલાક રોજ રાત્રે લખવાની ટેવ પાડવી. એ કેટલું અઘરૂં છે એનો અનુભવ એક પડકાર બની ગયો. લખવાનું શરૂ કરૂં પછી અટકવાનું અઘરૂં થઈ જાય. સમયનું ભાન ભૂલીને હું કોઈ બીજા જ વિશ્વમાં વિહરતી ઘણે દૂર નીકળી જાઉં. બીજે દિવસે સવારે ઊઠવાનું મોડું થઈ જાય. ડોમીનો ઈફેક્ટમાં બાળકોની સ્કૂલ, મારો જોબ પર જવા આવવાનો સમય અને છેલ્લે બાળકોના સૂવાના સમય સુધી આખો દિવસ તણાવું પડે. આગલી રાતનો ઉજાગરો અને દિવસ આખાના થાકને અંતે સરસ્વતિ દેવીને બે હાથ જોડીને વંદન કરવા જેટલી જ શક્તિ બચી હોય. પતિના રોમેંટિક મૂડ સામે તો પડખું ફરી શકાય પણ બીજા દિવસની સવારના એલાર્મને અવગણી શકાય નહીં. આમ જીવનમાં લખવાનો નિત્યક્રમ થઈ શક્યો નહીં પણ કવિ સંમેલનોમાં આદિલ મંસુરી અને પન્ના નાયક જેવા કલાકારોને મળીને લખતાં રહેવાનું પ્રોત્સાહન મળ્યા કરે.

    વડીલ કહી શકાય એવા શ્રી કિશોરભાઈ દેસાઈ સાથે ‘ગુર્જરી’ ડાયજેસ્ટથી હું જોડાયેલી રહી શકી તેને મારૂં સદભાગ્ય ગણું છું. નવોદિતોને પ્રોત્સાહન પુરૂં પાડવાના શુભ આશયથી એમણે હંમેશા મારી કૃતિઓને સ્વીકારી છે. એ થકી વાંચકોના પ્રતિભાવો પણ પ્રોત્સાહિત કરતાં રહ્યા. જોબ પરથી ઘરે જતાં ડ્રાઈવ કરતી વખતે ક્યારેક કારને રસ્તા પરથી એકબાજુ ઊભી રાખીને કવિતા લખી હોય.  આવી એક કવિતા ‘ગુર્જરી’ ડાયજેસ્ટમાં વાંચીને પન્ના નાયકને ત્યાંથી કવિ શ્રી સુરેશ દલાલનો ફોન આવ્યો ત્યારે એવોર્ડ મળ્યા જેટલો આનંદ થયો હતો. ગુર્જરીની ૨૫ વર્ષની આનંદયાત્રાની પ્રસ્તાવનામાં શ્રી મધુ રાય જેવા સર્જક મારાં નામનો ઉલ્લેખ નવોદિત તરીકે કરે ત્યારે થાય કે આગળ વધી શકાશે.

    કલાચાહનાને કારણે બોસ્ટનમાં શ્રી મનુભાઈ પંચોળી, રમેશ પારેખ, અનિલ જોશી અને રજનીકુમાર પંડ્યા જેવી ઉત્તમ કક્ષાના કલાકારો સાથે ઘરઆંગણે ગોષ્ઠી થઈ શકી. ગુણવંત શાહ જેવા ચિંતક સાથે પણ મુલાકાત થઈ. આવા સત્સંગને કારણે કલમ થોડી થોડી ચાલતી રહી પણ વધુ રડતી રહી. બોસ્ટન છોડ્યા પછી થોડા વર્ષો આ પ્રવૃતિ સાવ બંધ થઈ ગઈ હતી. દેવી સરસ્વતિને કરેલી પ્રાર્થના ફળી અને નીલમ સાથેની મૈત્રીનો દોર વર્ષો બાદ ફરી સંધાયો ત્યારે નીલમે ફરી કલમ હાથમાં આપી. નીલમ અમેરીકા આવે ત્યારે અમે અમેરીકાનું સૌંદર્ય જોવા સાથે નીકળી પડીએ. ઘરે આવીને નીલમ પ્રવાસ વર્ણન લખવા બેસે અને મને ય બેસાડે! એણે બ્લોગ પણ ચાલુ કરી આપ્યો. કોમપ્યૂટરમાં ગુજરાતી ફોંટ ઈંસ્ટોલ કરી આપ્યા પછી હું થોડું વધારે લખતી થઈ. એ પછી કોઈકવાર હરિફાઈમાં ભાગ લઉં અને કૃતિ ઈનામને પાત્ર હોય ત્યારે યાત્રા ચાલુ રાખવાનો ઉત્સાહ જળવાઈ રહે.

    ૨૦૧૧માં મુંબઈ ગઈ ત્યારે નૂતનબેન જાની સાથેની ગોષ્ઠીએ ડાયાસ્પોરા અને નારી વિષે લખવામાં રસ જાગ્યો. જે હજુ ય સુષુપ્ત અવસ્થામાં જળવાઈ રહ્યો છે. લંડનના વિપુલભાઈ કલ્યાણીનું ‘ઓપીનિયન’ કલ્યાણકારી નીવડ્યું. થોડો સમય ‘વેબગુર્જરી’ માટે શ્રી જુગલકિશોરભાઈ વ્યાસ સાથે કામ કરવાથી ભાષા વિષે હું વધુ સજાગ થઈ. વિશ્વસાહિત્યમાં રસ ધરાવતી ભાષાપ્રેમી મિત્ર મેરીયન મળ્યા પછી રસ વધતો રહ્યો. ભલે કાચબાની ગતિએ પણ આ યાત્રા ચાલુ રહી શકી છે તે જ મારાં માટે આનંદની વાત છે. વાંચનની ભૂખ અને લેખન માટેનો તલસાટ મને જીવંત રાખે છે. શબ્દરૂપે બ્રહ્મ મારાં શ્વાસમાં ઓગળી શક્તિનો સ્ત્રોત બની જાય છે.

    કુટુંબધર્મ અને હ્રદયમંદિર

    તમે ક્યા ધર્મમાં માનો છો? અમેરીકામાં આ પ્રશ્ન મને ઘણીવાર પૂછવામાં આવ્યો છે. હું બધા ધર્મોમાં માનું છું અથવા તો હું માનવધર્મમાં માનું છું એવા ટૂંકા જવાબથી પૂછનારને સંતોષ ન થાય. અંધશ્રદ્ધાના પ્રબળ વિરોધ વચ્ચે હું ઊછરી છુ. માતાજીના પાંચ મઢોને ટ્રસ્ટમાં ફેરવવા માટે મારાં પિતાજીએ ભૂવાઓ સામે કોર્ટમાં કેસ કર્યો હતો. પૂંજના નામે ભક્તિ અર્થે ધૂપેડો ઊઘરાવવાની પ્રથા બંધ કરવાની શરૂઆત મારાં પિતાએ કરી. એ માટે તેઓ નાતબહાર પણ મૂકાયા હતા. ઘણા વિરોધ વંટોળનો સામનો એમણે કર્યો હતો. અભણ ગણાતા અમારાં રબારી સમાજમાં જાગૃતિ અને શિક્ષણ માટે તેઓ પ્રેરણાસ્રોત બની રહ્યા. મારી માતા રોજ સવારે ઉગતા સૂર્યને નમસ્કાર કરી શક્તિમંત્રો ઉચ્ચારતી. વિશાળ જગ્યામાં રહેતા પંદરથી વધારે સભ્યોવાળા અમારાં વિશાળ કુંટુંબ માટે મારી માતા પ્રેમનો સ્ત્રોત હતી. બા સહુને સાંભળે પણ ભાગ્યે જ કોઈને કંઈ કહે. કુંટુંબધર્મની એની ભક્તિમાં ત્યાગ અને સહાનુભૂતિ મુખ્ય હતાં. માતા બન્યા પછી હું એના પ્રેમની પરિભાષા સમજતી થઈ. પરાણે છોડવું પડે તે અત્યાચાર ગણાય પણ પ્રેમથી છોડવું તે ત્યાગ છે. શીતળ સ્વભાવની મારી સંયમી માતા પાસેથી મનને અડગ રાખતા હું શીખી હતી. સ્વચ્છતા માટેના એના નિયમોનું કડક પાલન સૌ માટે ફરજીયાત હતું.

    બાલ્યકાળમાં રોપાયેલી મારાં હ્રદયની એક ડાળની અણધારી વિકાસ યાત્રા એટલે મારૂં લગ્નજીવન.

    દસ વર્ષની ઊંમરે પ્રતાપ સાથે મારી સગાઈ થઈ. એ સમયે હું ખાનગી સ્કૂલના પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. તે દિવસે સ્કૂલે મોડી પડવાનું કારણ શિક્ષકો પાસે પહોંચી ગયું હતું. મને સ્કૂલેથી ખબર પડી કે મારી સગાઈ થઈ છે. પ્રતાપની બહેનની સગાઈ મારાં ભાઈ સાથે થઈ હતી. એ રીતે સામસામે સગપણ થયું હતું. આ રીતે સાટાપાટામાં દીકરીની લેવડદેવડ અમારી જ્ઞાતિમાં સામાન્ય બાબત હતી. અમે એક જ મહોલ્લામાં રહેતાં હતાં પણ જ્ઞાતિ રિવાજ મુજબ લગ્ન પહેલાં મળવાનો વર કન્યા પર પ્રતિબંધ હતો. કૌટુંબિક મેળાવડાઓમાં એકબીજા સામે જોવાની ય શરમ રાખવી પડતી.

    ૧૯ વર્ષની ઊંમરે મારાં લગ્ન થયા. પ્રતાપને ભણવામાં જરા યે રસ નહીં. દાદાના વાડી ખેતર હતાં તેમાં તેને વધારે રસ. અમારાં રસ રુચિમાં કોઈ પણ પ્રકારનું સામ્ય નહીં. વિચારોનો મેળ પણ અઘરો હતો. લગ્ન પહેલાં એકબીજા વિષે ઘણી વાતો સાંભળી હતી. તે થકી એકબીજા પાસેથી સુખની કોઈ આશા કે અપેક્ષા ન હતા પણ પરસ્પરને દુઃખી ન કરવાની શુદ્ધ ભાવના હતી જેને પ્રેમનું નામ આપી અમે સંસાર શરૂ કર્યો. ‘પતિ એ જ પરમેશ્વર’ નો સંસ્કૃતિ વારસો મને મારી બા દ્વારા મળ્યો અને “સૌરાષ્ટ્રની રસધાર” વાંચીને દ્રઢ થયો. લેખક શ્રી ઝવેરચંદ મેઘાણીના શોર્યગીતો રગેરગમાં દોડે. ‘ચૌદ વરસની ચારણ કન્યા’ માં મને મારૂં પ્રતિંબિંબ દેખાય. એક આડવાત એ કે મારાં આ પ્રિય કવિની દૌહિત્રી પલ્લવી સાથે પરદેશમાં મારી મિત્રતા ગાઢ થઈ તે વિસ્મયકારક બાબત છે. અમારાં બંનેના વિચારોમાં ગ્રામ્ય અને શહેરી સંસ્કૃતિનો ફેર તેથી મતભેદો થતા રહે પણ મારી વજ્રતા અને એની મૃદુતા અકબંધ રહે. જંગલમાં ખીલેલા છોડ સાથે બગીચાના મુલાયમ છોડ જેવી અમારી મૈત્રી મેં બોસ્ટન છોડ્યા પછી પણ વિકસતી રહી.

    લગ્નજીવનની શરૂઆત ખુબ અઘરી હતી. મારાં સાસુ વર્ષો પહેલાં મૃત્યું પામ્યાં હતાં. ત્રણ કાકી સાસુઓ સાથેના પંદર સભ્યોના સંયુક્ત કુંટુબમાં પ્રતાપને કોઈ ગણે નહીં.  એની બહેન અને મારાં ભાઈના લગ્નજીવનમાં તિરાડને કારણે સાસરીમાં મારે ઘણું સહન કરવું પડશે તે કલ્પના ન હતી. બધી બાજુથી થતી અવગણનાનું દુઃખ અમેરીકા આવવાનું મુખ્ય કારણ બન્યું. ૧૯૭૬માં ગ્રેજ્યૂએટ થઈ ત્યારે મને અમેરીકા આવવાની તક હતી તે તક ગુમાવી તેનો ક્યારેક અફસોસ થાય. ચૌદ વરસનો સાસરવાસ વેઠયા પછી ફરી તક મળી. જે મેં વિના વિલંબે ઝડપી લીધી.

    મને હતું કે વાંચન લેખનનો શોખ મારે લગ્ન પછી ત્યજી દેવો પડશે. એને બદલે પછી પણ મારૂં ભણવાનું પણ ચાલુ રહ્યું. મારી પ્રગતિમાં પ્રતાપે હંમેશા સાથ આપ્યો જેની મને આશા ન હતી. ‘ત્રણ દીકરીઓ અને હું’ આટલી એની સિમિત દુનિયામાં એણે દિલ રેડીને અમને સૌને પાંગરવા દીધા. પ્રતાપના કંઠનું માધુર્ય અને સંગીતના શોખ થકી જીવન સૂરીલું બન્યું. અમારાં દાંપત્યજીવનનો એક પ્રસંગ ‘પિયર્સ’ ગુર્જરી ડાયજેસ્ટમાં શ્રી કિશોરભાઈ દેસાઈએ ડાયાસ્પોરીક કૃતિ તરીકે નોંધ લઈ પ્રકાશિત કર્યો છે. તે અહીં મૂક્યા વગર આ દાંપત્યયાત્રા અધૂરી ગણાશે.

    હોસ્ટેલમાં રહી હું ભણતી હતી ત્યારે પિયર્સ મારો પ્રિય સાબુ હતો. માબાપે આપેલા એલાવન્સમાંથી મોંઘો સાબુ વાપરનારા ગણ્યાગાંઠ્યાઓમાંની હું એક હતી. સ્વાભાવિક રીતે જ લગ્ન પછી આણાની બેગમાં નાની મોટી વસ્તુઓની સાથે ડઝનબંધ પિયર્સ પણ મૂકાયો. હજુ તો વિદાય વખતના વચનો..”દીકરી, બધાને અનુકૂળ થઈ રહેજે” ના પડઘા શમ્યા ન હતા ત્યાં pears(સાબુ)નો stock ખલાસ! સહજ રીતે જ હું બીજો લઈ આવી. આણાની બેગમાં તો પિયરનો ખરીદેલો હતો તેથી કોઈને નહતો ખટક્યો પરંતુ સાસરાના પંદર માણસના સંયુક્ત કુંટુંબમાં મોંઘો સાબુ ખટકવાનો તેની જાણ મને ન હતી પણ મારાં પતિને હતી. સાબુ જોતાં જ તેના ચહેરાના હાવભાવ બદલી ગયા તે મેં જોયું. મેં “કેમ?” પૂછ્યું તો માંડ એટલું બોલ્યા કે “આપણને આ નહીં પોસાય” મેં તરત જ સહજતાંથી કહ્યું કે હું પાછો આપી આવીશ. મને કહે, ‘રહેવા દે! હું બજારમાં જઈશ એટલે પાછો આપી આવીશ, ક્યાંથી લીધો?’ ‘મંગલમ’માંથી મેં જવાબ આપ્યો.

    નવજીવનના નાના મોટા બીજા ફેરફારોમાં આ એક નજીવો ફેરફાર તો વિસરાઈ પણ ગયો. આમ પણ પિયર છૂટતાં ઘણું બધું છૂટ્યું તેમાં પિયર્સ સાબુની તો શી વિસાત? પછી તો ઘણા સંઘર્ષો પછી જ્યારે આછરેલા નીર જેવી સ્થિર પ્રવાહિતા જિંદગીમાં આવી ત્યારે તો લગ્નની સિલ્વર જ્યુબિલીની મુબારકબાદી લઈને દિકરી-જમાઈ આંગણે મહેમાન બનીને ઊભાં હતાં અને અમને અમેરિકાની ધરતી પર આવીને રોપાયાને પણ દાયકો થઈ ગયો હતો. teenageના ગમા-અણગમા તો બહુ દૂરનો ભૂતકાળ થઈ ગયા હતાં. Pears નામનો કોઈ સાબુ હું teenager હતી ત્યારે વાપરતી તે ય વિસરી ગયેલી ત્યાં અચાનક એક દિવસ મારાં પતિએ એક ડઝન સાબુ લાવીને kitchen island પર મૂક્યો. સાબુ જ નહીં જાણે એક વાત મૂકી. હું રોટલી વણતી હતી. મારી એ તરફ પીઠ હતી. મને કહે, ‘ન્હાવાનો સાબુ લાવ્યો છું જો તો !’ મેં જરા એ તરફ જોઈને કહ્યું ‘ભલે હું પછી ઠેકાણે મૂકી દઈશ’ કહી ફરી રોટલી વણવા લાગી. વળી કહે, ‘તેં જોયું નહીં ક્યો સાબુ છે?’ મેં કહ્યું, ‘ હા, pears’, મને કાંઈ નોંધ લેવા જેવું લાગ્યું નહીં. બે દીકરીઓ teenageમાંથી પસાર થઈ ગઈ હતી. આનાથી મોંઘા સાબુઓ સ્થાન મેળવી સ્થાનભ્રષ્ટ પણ થયા હતાં અને હજુ ત્રીજી નાની teenager દીકરીની પોતાની આગવી પસંદના સાબુ-શેમ્પૂ અને સૌંદર્ય પ્રસાધનોની બ્રાન્ડ-નેઈમ આવ-જા વચ્ચે પિયર્સ સાબુ કંઈ ધ્યાન ખેંચે એવી મહત્તા નહોતો ધરાવતો. મહત્વની વાત મારાં પતિની આંખમાં હતી કોઈની આંચકી લીધેલી વસ્તુ પસ્તાવા સાથે પાછી આપતાં ગુનેગારનો એ ભાવ હતો. એ કહેવા લાગ્યા, ‘અમેરીકા આવ્યા પછી pears પહેલીવાર ઓચિંતો નજરે ચઢ્યો અને મનમાં રહેલો ખટકો બહાર આવ્યો. ‘મંગલમ’માં મારે સાબુ પાછો આપવા જવું પડ્યું હતું તેનો મને અફસોસ હતો. India હતાં ત્યાં સુધી તો મારો આ ખટકો હું દૂર કરી શકું તેમ ન હતો એક સાબુ જેવી મામૂલી વસ્તુમાં પણ તારી પસંદ હું કબૂલ નથી રાખી શક્યો. આજ સ્ટોરમાં આ pears સાબુ જોતાં જ મંગલમ યાદ આવ્યુ. ફક્ત સાબુ જ નહીં તારે જે ઘણું બધું છોડવું પડ્યું તે સમય અને તે સમયની મારી લાચારી બધું એક સામટું યાદ આવ્યું અને ઉદાસ થઈ જવાયું. હું કંઈ બોલી શકી નહીં. હું જાણું છું કે મેં કંઈ વિશેષ નથી કર્યું પરણીને સાસરે જતી કે મુગ્ધાવસ્થામાંથી યુવાનીની જવાબદારી ભૂમિકા નિભાવતી સ્ત્રી ફક્ત પિયરનું આંગણું જ નથી છોડતી બીજો ઘણો ત્યાગ કરીને પોતાના પરિવારને કિલ્લોલતો રાખવા મથતી હોય છે.

    મારી બાએ પાળેલો કુંટુંબધર્મ મેં પણ અપનાવ્યો હતો. પતિમાં પરમેશ્વર જોવાનો ભાવ વિસ્તરીને દરેકમાં પરમનો અંશ જોવાની દ્રષ્ટિને શુદ્ધ કરતો રહ્યો. ભક્તિ અને પ્રેમભાવ એકબીજાના પર્યાય બનીને મારાં હ્રદયની હિમશીલાઓ ઓગાળીને વહેતા ઝરણાં થયાં ૩ સપ્ટેંબર ૧૯૭૭માં. આ દિવસે એકસાથે બે દીકરીઓએ મારાંમાંથી જન્મ લઈને મને ભરપૂર સ્નેહથી નવડાવી.

    ‘શ્રાવણ માસને અનરાધાર મેહ, પીડા એવી ઉપડી

    બે બાળકીને જન્મ આપીને થયુ હાશ હું છૂટી,

    છૂટી શું બંધાણી એવી આજ સુધી ન છૂટી
    બબ્બે નહીં ચાર ચાર હાથોએ વ્હાલની લ્હાણી લૂંટી’

     ૧૯૮૫માં ત્રીજી પુત્રીનો જન્મ થયો. આ ત્રણ દેવીઓ પ્રત્યેનો પ્રેમ મને એક માતાને પરમ તત્ત્વ ની નજીક રાખે છે. ભક્તિ માટે મંદિરે જવાની જરૂર હજી સુધી મને જણાઈ નથી.

    ધાર્મિક માન્યતાઓ જ્યારે બાળકના મનને કલુષિત કરે છે ત્યારે એના હૈયાનું પરમ તત્ત્વ રડી ઊઠે છે. આવો એક કિસ્સો અદિતિ હાઈસ્કૂલમાં હતી ત્યારે બન્યો.

    એલિઝાબેથ અને અદિતિની મૈત્રી દૂધમાં સાકર જેવી! એલિઝાબેથ અમારે ત્યાં અવારનવાર આવે, ક્યારેક રાત પણ રોકાઈ જાય. જોતાં જ વ્હાલ ઉપજે તેવી નિર્દોષ અને સોહામણી એલિઝાબેથે અમારાં પરિવારના બધાના દિલ જીતી લીધાં હતાં. એકવાર સ્કૂલેથી રડમસ ચહેરે આવીને અદિતિ કહે, “મોમ, એલિઝાબેથ આજે સ્કૂલે મને જોતાંવેંત રડી પડી. એ કહેતી હતી કે હું ક્રિશ્ચિયન નથી તેથી નર્કમાં જઈશ અને સ્વર્ગમાં એને મારાં વગર નહીં ગમે તેનું એને દુઃખ થાય છે.” આટલું બોલતા અદિતિ ગળગળી થઈ ગઈ.

    મર્યા પછી છૂટા પડ્યાના દુઃખ સાથે નર્કમાં જવાની કલ્પના તેર વર્ષની આ બાળાઓ માટે અસહ્ય થઈ પડી હતી. મૃત્યુપર્યંતની મૈત્રીભાવનામાં તિરાડ પડશે કે શું? એવું વિચારીને બંને દુઃખી હતી.

    એવું બની શકે કે આ વાક્ય એ સમયે વિરોધીઓ માટે બોલાયું હોય. એ સ્થળે ત્યારે વિધર્મીઓનું અસ્તિત્વ દૂરની વાત હોઈ શકે. જે હોય તે પણ…ધાર્મિક માન્યતાઓનો

    સંકુચિત અર્થ યુગો સુધી માનવજાતને પીડ્યા કરે છે.

    “મોમ, આપણે નર્કમાં જઈશું એ વાત સાચી છે?” અદિતિનો પ્રશ્ન મને હચમચાવી ગયો. દરેક ધર્મમાં દશાવેલો માનવધર્મ સૌથી શ્રેષ્ઠ છે એ વિચારબીજ ત્યારે હું એના જવાબરૂપે રોપી શકી.

    એક બીજો પ્રસંગ પણ મનમાં ઝબકે છે. સ્ટુડન્ટ કાઉન્સીલમાં વાઈસ પ્રેસીડેંટ થઈ તે વર્ષે અદિતિ પંદર વર્ષની હતી. તેની મિત્ર લોરેન પ્રેસીડેંટ હતી. બંને એકબીજાને ઘરે કલાકો સુધી ઈતર પ્રવૃતિની તૈયારીઓ કરે. વારંવાર મળીએ એટલે લોરેનની મા પ્રસેલા સાથે મારે પણ મૈત્રી થઈ. પ્રસેલા અને લોરેન સાથે અદિતિને ક્યાંય જવું હોય તો મારી કદી ના ન હોય. અદિતિએ એક દીવસ મને પૂછયું, “તું ઈંડીયન મિત્રોનો વિશ્વાસ કરે છે એટલો અમેરીકન મિત્રોનો કેમ નથી કરતી?” આ સાંભળી મને નવાઈ લાગી એટલે એવું એને કેમ લાગ્યું તે મેં પૂછયું. જવાબમાં કહે, “તું લોરેનને ત્યાં સ્વીપઓવરની ના પાડે પણ અંજલિને ત્યાં જવા દે છે એવું કેમ?” આ અઘરા પ્રશ્નનો જવાબ આપતા મેં કહ્યું હતું કે ભારતીય સમાજ મને પરિચિત લાગે જ્યારે અમેરીકન સમાજ મારાં માટે અપરિચિત છે તેથી તે લોરેનને ત્યાં રાત રહે તો હું રાતભર સૂઈ ન શકું એટલી ચિંતા મને રહે. અદિતિ આ સમજી શકી તે મારૂં સદભાગ્ય!

    પ્રોમની નાઈટ પાર્ટીમાં જવાની રજા આપતી વખતે મારી ખરી કસોટી થઈ. એકતા અવનિએ તો સમજીને મને પૂછ્યું જ નહોતું. અદિતિ જે છોકરા સાથે જવાની રજા માંગતી હતી તેના ભારતીય માબાપને હું ઓળખતી હતી. મને એમના માટે ઊંચો અભિપ્રાય હતો તેથી અદિતિને હતું કે હું ના નહીં પાડું. મેં ના પાડી એટલે અદિતિ કહે, “કેમ? તને મારો વિશ્વાસ નથી?” અદિતિ મને સમજાવવા માટે દલીલ કરવા માંડી. અવનિ વચ્ચે પડીને અદિતિને કહે, “મમ્મીને બીક છે કે તું પ્રેમમાં પડી જઈશ. પ્રેમ પહેલાં લગ્ન અને લગ્ન પહેલાં ભણવાનું એવું મમ્મી માને છે.” અદિતિ ખડખડાટ હસવા માંડી. “રીઅલી મોમ?” એકતાને ‘મા’ સંબોધન ગમે, અવનિને ‘મમ્મી’ કહેવાની ટેવ અને અદિતિ મને ‘મોમ’ કહે. વાત આટોપતા અદિતિ કહે, “તું ના પાડશે તો હું નહીં જાઉં પણ ફરીથી વિચારી જોજે. પ્રોમ-પાર્ટી વિષેની તારી માન્યતાઓમાં તથ્ય નથી” પ્રોમ નાઈટને ઘણા દિવસોની વાર હતી. અંતે અદિતિ મને પટાવીને જ રહી.

    મારી રૂઢિગત માન્યતાઓ સાથે ક્યારેક સંદેહ જોડાઈ જતો. દીકરીઓની સલામતીની ચિંતાં મને ઊંઘમાં ય પરેશાન કરતી. ગીરના સિંહ જેવા મારાં પિતાની ઓળખ અહીં નહોતી તેથી અસલામતીએ મન પર એવો કબજો લઈ લીધેલો કે એકતા અવનિ સ્કૂલેથી છૂટે એટલે મારી નજર ઘડીયાળ પર સ્થિર થઈ જાય. સ્કૂલ દોઢ માઈલની અંદર હોય તો બસની સેવા ન મળે. બંને દીકરીઓએ પગપાળા રોજ દોઢ માઈલ ચાલીને સ્કૂલે જવાં આવવાનું. બરફની વર્ષા અને ઠંડીની મુશ્કેલી સામાન્ય હતી. એક અસામાન્ય વાત એ અરસામાં એ બની હતી સ્કૂલે જતી એક અમેરીકન બાળાનું અપહરણ થયું હતું. ટી.વી. પર આ સમાચારે ચકચાર જગાવી હતી. લાંબી તપાસને અંતે એક ચર્ચના પાદરીના બેઝમેંટમાંથી એની લાશ મળી હતી. આ કારણે આ નવા સમાજ પર વિશ્વાસ કેળવાતા થોડો વધારે સમય લાગ્યો હતો. બાળકોમાં સ્વીકારની ભાવના ઘણી વધારે હોય એટલે સંસ્કૃતિનો સમન્વય ત્રણે ય દીકરીઓ મારાંથી વધારે ઝડપથી કરી શકી. એકતા પર પૂર્વની સંસ્કૃતિનો વધુ પ્રભાવ જોવા મળે. અવનિ પર પશ્ચિમી સંસ્કૃતિની વધુ અસર અને અદિતિમાં બંનેનું સુભગ મિશ્રણ જોવા મળે. બંને સંસ્કૃતિનું ગૌરવ કરે તેવા જમાઈઓ સાથે ત્રણ પેઢી સુધીના ગાઢ સંબંધને તો કુદરતની કૃપા જ ગણી શકાય! ચાર દૌહિત્રોની જન્મભૂમિ અમેરીકા પણ હવે મારો દેશ છે. ભારત મારી જન્મભૂમિ છે અને હું બંને દેશોને ચાહું છું. પ્રેમની સીમાઓ વિસ્તરતી રહે એ જ સાચો ધર્મ! એની શરૂઆત કુંટુંબથી થાય છે અને હ્રદયમંદિરના સ્થિર ભાવોની શુદ્ધિ એ જ ભક્તિ!


    ક્રમશઃ

  • પ્રતીક્ષા…

    જીવનની ખાટી મીઠી

    નીલમ  હરીશ દોશી

    દીકરી સાપનો ભારો કે દીકરી તુલસી કયારો..એવું વિચારવાની કોઇ પળોજણ  બકુલભાઇને નહોતી. દીકરી તેમને ખૂબ વહાલી હતી. એક દીકરો અને એક દીકરી..નાનું કુટુંબ..સુખી કુટુંબ . પરંતુ બકુલભાઇનો દીકરો નાનો  હતો અને હજુ ભણતો હતો. જયારે  રાજાના કુંવરની માફક વધતી દીકરી યુવાન થઇ ચૂકી હતી. અને હવે લગ્નને ઉંબરે આવીને ઉભી હતી. સગાઇ તો બે વરસથી થઇ ગઇ હતી.  હવે સ્વાભાવિક રીતે જ છોકરાવાળા લગ્નની ઉતાવળ કરતા હતા.

    બકુલભાઇને પણ  દીકરીને પરણાવવાની હોંશ  હતી. પણ એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિમાં લગ્નના પૈસાની જોગવાઇ કેમ કરવી એ બહું મોટો પ્રશ્ન હતો. પરચૂરણ વસ્તુની દુકાનમાંથી પાંચ વ્યક્તિના ઉદરની ક્ષુધા માંડ સંતોષાતી હતી.  ઘરમાં બીમાર મા હતી. તેના દવા દારૂમાં સારા એવા પૈસા ખર્ચાઇ જતા હતા. મા એંસી  વરસ વીતાવી ચૂકી હતી. હવે સાવ ખાટલાવશ હતી. સાજા થવાની કોઇ શકયતા નહોતી. પણ જીવતી હોય..શ્વાસ ચાલતા હોય ત્યાં સુધી દવા તો કરવી જ ને ? અને દવાનો ખર્ચો રોજ રોજ વધતો જતો હતો.

    પૈસાની પૂરતી સગવડ ન હોય ત્યારે ઘરમાં પણ સ્વાભાવિક રીતે જ કંકાસ, કલહ વધી જ જાય.  સામાન્ય જરૂરિયાતો  પણ પૂરી ન થઇ શકવાથી ઘરમાં  પત્ની સાથે બોલાચાલી થતી રહેતી. પુત્રી બધું સમજતી..પણ શું કરે ? બાર ધોરણ સુધી જ ભણેલ છોકરીને નાના ગામમાં નોકરી મળવી પણ કયાં સહેલી હતી ? છતાં ઘેર બેસીને  તે નાના છોકરાઓને ભણાવતી. પણ બે છેડા ભેગા કરતાં બકુલભાઇને નાકે દમ આવી જતો. કયાંય કોઇ આરોવારો નહોતો દેખાતો.

    માના હાથમાં સોનાની બે બંગડીઓ હતી.  ગળામાં એક ચેન પણ હતો. દીકરાની પરિસ્થિતિથી મા અજાણ નહોતી જ. તેણે પુત્રને બંગડીઓ અને ચેન કાઢીને આપ્યા. પણ બકુલભાઇનું મન ન માન્યું. બા ને પોતે કંઇ કરાવી તો નથી દઇ શકયો. હવે આ ઉમરે બાના હાથમાંથી કઢાવી કેમ શકે ? બાપુજીએ કેટલી હોંશથી બાને આ બંગડી લઇ દીધી હતી. એ પોતે જાણતો હતો. અને બાને બાપુજીની એ યાદગીરી કેટલી પ્રિય હતી..એનાથી પણ પોતે કયાં અજાણ હતો ? તેથી તેનું મન ન માન્યું.  આમ પણ એટલાથી કંઇ તેનો પ્રશ્ન ઉકલે તેમ પણ કયાં હતો ?

    હા..એક વાત બા માને તો આ પ્રશ્ન આસાનીથી ઉકલી શકે તેમ હતો. પણ બા માને તો ને ?

    ગામડામાં  બાપુજીનું એક જૂનું મકાન હતું. જો એ વેંચી શકાય તો  એ પૈસામાંથી લગ્નનો ખર્ચો નીકળી જાય તેમ હતું. પણ મકાન બાને નામે હતું. અને મા કોઇ રીતે પોતાના જીવતા એ મકાન વેચવા માટે તૈયાર નહોતા થતા…એ મકાન સાથે પોતાની અનેક યાદગીરી જોડાયેલ હતી. એ મકાન તેમને જીવથી પણ વધારે વહાલું હતું. સાજા થઇને એકવાર થોડો સમય ત્યાં રહેવા જવાની તેમને ખૂબ હોંશ હતી. એ શકય નથી એ બકુલભાઇ જાણતા હતા..પરંતુ બાને એમ સાવ ચોખ્ખું તો કેમ કહી શકે ? કે તમે હવે સાજા થવાના નથી જ.

    પત્ની અકળાઇ હતી. ગમે તેમ કરીને બે મહિનામાં લગ્ન કરવા જ પડે તેમ હતું. વેવાઇને કયાં સુધી બહાના બતાવી શકાય ?

    મૂંઝાતા બકુલભાઇ ફરી એકવાર માને સમજાવવા મથી રહ્યાં હતા. પણ મોહ..માયા છોડવા કંઇ સહેલા તો નથી જ. હવે તો માના મરવાની જ પ્રતીક્ષા કરવી રહી. મનમાં આ વિચાર ન જાણે કયાંથી ઘૂસી આવ્યો..પોતે માના..પોતાની જનેતાના મરવાની પ્રતીક્ષા કરે છે ? આવી હીન કક્ષાએ પોતે પહોંચી ગયા છે ? બકુલભાઇ મનોમન માની માફી માગી રહ્યા..જોકે તે છતાં મનમાંથી એ વિચાર કાઢી તો ન જ શકયા. પત્ની તો આમ પણ કયારની એ પ્રતીક્ષામાં જ હતી. તેને બાની જીદ ન ગમે એ પણ સ્વાભાવિક જ હતું.  સામે યુવાન દીકરી ઉભી હતી..તેની ચિંતા કરે કે મરવા તરફ જઇ રહેલી સાસુની ચિંતા કરે ?

    પણ  જીવન..મરણ કંઇ કોઇના હાથની વાત થોડી જ છે ?

    આજે  બકુલભાઇ માને દવા પીવડાવી રહ્યા હતાં. પત્ની વેધક આંખે પતિની સામે જોઇ રહી હતી.હવે કયાં સુધી આને દવા પીવડાવ્યા કરીને શ્વાસ ટકાવી રાખશો ? સામે તમારી પુત્રી નથી દેખાતી ?

    આજે બકુલભાઇ દુકાનમાં બેઠા હતા. કોઇ ઘરાક નહોતું. ઘેર જવાનો સમય થઇ ગયો હતો. બાની દવાનો સમય પણ થઇ ગયો હતો. બકુલભાઇ ઘેર જઇને રોજ  પહેલું કામ બાને દવા આપવાનું કરતા. એ કામ હમેશા તેઓ જાતે જ કરતા. આજે ન જાણે કેમ બકુલભાઇને ઘેર જવાનું મન ન થયું. દવાનો સમય તો યાદ હતો..પણ…. થોડીવાર તે એમ જ બેઠા રહ્યા. ત્યાં પુત્ર દોડતો આવ્યો..’ પપ્પા. જલદી ચાલો..’ બકુલભાઇ દોડયા. ઘેર પહોંચ્યા ત્યાં દીકરાની સેવાથી સંતોષ પામી માજીએ અંતિમ શ્વાસ લીધા. જતાં પહેલાં  બધાની હાજરીમાં માજીએ  દીકરાને કહ્યું, ‘બેટા, તેં મારી ઘણી સેવા કરી છે. મને શાંતિ અને સંતોષ છે.  મેં મારા હાથે મારે જે દાન પુણ્ય કરવાં હતાં તે મારી રીતે કરી જ લીધા છે. હવે મારી પાછળ તારે કંઇ જ કરવાનું નથી. અને હા..હવે તું તારે ઘર વેચીને લગન કરી લેજે મારા આશીર્વાદ છે.  ‘ ત્રૂટક શબ્દોમાં આટલું બોલી મા આંખો બંધ કરી ગઇ.

    પાંચ મિનિટમાં  માએ અંતિમ શ્વાસ લીધો.

    બધાની પ્રતીક્ષા પૂરી થઇ.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • વીરચંદ ગાંધી : વિશ્વ ધર્મ પરિષદનું બીજું અણમોલ રત્ન

    માહિતી જંક્શન

    વિશાખા મોઠિયા

    વિશ્વ ધર્મ પરિષદનું નામ સાંભળીએ કે તરત જ આપણા માનસપટ પર સ્વામી વિવેકાનંદની તસ્વીર આવી જાય છે તેમજ તેના વ્યાખ્યાનનાં શબ્દો. એમણે વિવિધ દેશોમાંથી આવેલ વિદ્વાનો, તત્વ ચિંતકો, અન્ય મહાનુભાવો તેમજ પ્રેક્ષકો સમક્ષ આપણાં ભારત દેશની ધર્મ પરંપરા તેમજ વૈદિક સંસ્કૃતિ રજૂ કરી હતી. પરંતુ આપણામાંથી બહુ ઓછા લોકોને ખબર હશે કે એ પરિષદમાં સ્વામીજીની સાથે અન્ય એક મહાન વિભૂતિ પણ ત્યાં ગયા હતા, જેમણે જૈન ધર્મ વિશે વૈશ્વિક સ્તરે વ્યાખ્યાન આપ્યું હતું, અને આખા અમેરિકામાં ડંકો વગાડ્યો હતો. તો ચાલો જાણીએ – જૈન સમાજનું ગૌરવ એવા વીરચંદ ગાંધી વિશે, જેઓ વિશ્વ ધર્મ પરિષદમાં ભારત તરફથી બીજુ અણમોલ રતન હતાં.

    જન્મ અને ભણતર :-

    શ્રી. વીરચંદભાઈ ગાંધીનો જન્મ ૨૫મી ઑગસ્ટ, ૧૮૬૪નાં રોજ ભાવનગર જિલ્લાનાં મહુવા ગામમાં થયો હતો. તેમનો જન્મ એક જૈન કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રાઘવજીભાઈ ગાંધી અને માતાનું નામ માનબાઈ હતું. એ સમયગાળા દરમિયાન ચોતરફ રૂઢિચસ્તતા બહુ જ હતી, પરંતુ રાઘવજીભાઈ ગાંધી ધર્મપ્રિય અને સમાજ સુધારક હતા. તેઓ જૈન ધર્મનું ચુસ્તપણે પાલન કરનારા – આજીવન એમણે સચિત વસ્તુઓનો ત્યાગ કરેલો, પાણી હંમેશા ઉકાળીને જ વાપરતા, મરણમાં રડવા – ફૂટવાના રિવાજ અયોગ્ય લાગતો. રાઘવજીભાઈ ગાંધી વેપાર ભલે મોતીનો કરતાં પણ એની ઈમાનદારી ૧૦૦ % ની હતી. જેટલા ધર્મપરાયણ હતા એટલા જ બદલાતા સમયની સાથે ચાલવાવાળા આધુનિક માણસ પણ હતાં. સમાજમાં ચાલતા રૂઢિચુસ્ત રિવાજોને અયોગ્ય માનતાં.

    વીરચંદભાઈ નાનપણથી જ તીવ્ર યાદશક્તિ અને અદ્ભુત જ્ઞાન પિપાસા ધરાવતા હોવાથી, તેમણે પ્રાથમિક શિક્ષણ તો સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું હતું. તેઓ વ્યવહારુ શિક્ષણ માટે જેમ શાળાએ જતાં, તેવી જ રીતે ધાર્મિક અભ્યાસ અર્થે નિયમિત પાઠશાળાએ જતાં. આ ઉપરાંત તેઓ વ્યાખ્યાન સંભળાવા માટે ઉપાશ્રય પણ જતાં. એ સમયમાં મહુવામાં માત્ર પ્રાથમિક શિક્ષણની જ શાળાઓ હતી, માધ્યમિક તેમજ સ્નાતક માટે બીજે ગામ જવું પડતું. એટલા માટે પિતાજીએ વીરચંદભાઈના આગળના અભ્યાસ માટે ગામ અને સમયની મર્યાદાની પરવાહ કર્યા વગર સહકુટુંબ ભાવનગર સ્થાયી થયાં. મહુવાનાં હેડમાસ્તર અને ઈન્સ્પેકટરની ભલામણથી ભાવનગરની હાઈસ્કૂલમાં પ્રવેશ લીધો. પોતાના અથાગ પરિશ્રમથી

    જોતજોતામાં જ વીરચંદભાઈએ માધ્યમિક શિક્ષણ પણ પૂરું કરી લીધું અને મેટ્રિક્યુલેશન એટલે કે ધો. ૧૦ની પરીક્ષામાં રાજ્યસ્તરે પ્રથમ ક્રમાંક મેળવ્યો. આ ઉપરાંત તેમને ભાવનગરમાંથી સર જશવંતસિંહજી સ્કોલરશીપ પણ મળી હતી. અભ્યાસની સાથે સાથે તેમણે સાહિત્ય – વાંચનમાં પણ રસ કેળવ્યો હતો. જીવન ઉપયોગી પુસ્તકો તેમની પ્રતિભા નિખારવામાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે તેમના ત્રણ જીગરી મિત્રો સાથે સાહિત્યિક વાર્તાલાપ, પત્ર વ્યવહાર પણ કરતાં તેમજ મિત્રોએ લખેલી કવિતા માટે યોગ્ય માર્ગદર્શન પણ આપતાં. વીરચંદ ભાઈ અને તેના બે મિત્રોની સાહિત્યરસિક ત્રિપુટી હતી, જેમાં ભગવાનદાસ દુર્લભદાસ પારેખ, શ્રી મૂલચંદ નાથુભાઈ અને વીરચંદભાઈ પોતે હતા. આ ત્રિપુટીએ પરસ્પર કરેલો સાહિત્યિક પત્ર વ્યવહાર આપણને શીખવી જાય છે કે – પત્રો પણ સાહિત્યનું સ્વરૂપ પામી શકે છે.

    ભાવનગરમાં કોલેજ નહોતી એટલે આગળના અભ્યાસ માટે બીજા શહેરમાં જવું પડે એમ હતું. વીરચંદભાઈનો અભ્યાસ પ્રત્યેનો રસ, એકાગ્રતા અને બુદ્ધિ પ્રધાનતાના ગુણોને પારખીને પિતાએ એના ઉચ્ચ અભ્યાસ – સ્નાતકની કેળવણી આપવા બાબતે સહેજ પણ ખચકાયા વગર ભાવનગર છોડી મુંબઈ સ્થાયી થયા, અને પછી તેઓ હંમેશ માટે ત્યાંજ રહ્યા હતાં. પહેલેથી જ વીરચંદભાઈની અંગ્રેજી ભાષા પરની પકડ સારી હતી. એટલા માટે કોલેજ ભણતર માટે બહુ વાંધો નહોતો આવ્યો. તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાંથી માત્ર ૨૦ વર્ષની ઉંમરે વર્ષ – ૧૮૮૪માં સફળતાપૂર્વક વકીલાતમાં સ્નાતક થયા. તેઓ જૈન સમાજના પ્રથમ સ્નાતક વ્યક્તિ હતાં. આ સમય દરમિયાન તેમની મુલાકાત મહાત્મા ગાંધીજી સાથે થઈ હતી, તે અંગે ગાંધીજીએ પણ તેમની આત્મકથામાં ઉલ્લેખ કર્યો હતો.

    આ ઉપરાંત તેઓ વર્ષ – ૧૮૮૪ માં જ જૈન એસોસિએશન ઑફ ઈન્ડિયા નામની સંસ્થામાં સર્વાનુમતે તેમની પ્રમુખ પદે વરણી કરવામાં આવી. આ સંસ્થાની સ્થાપના વર્ષ – ૧૮૮૨ માં કરવામાં આવી હતી, જેના મુખ્ય હેતુ કંઇક આ મુજબ હતા :

    ૧. જૈન સમાજ અને ધર્મને સંગઠિત કરવો. તેની સામાજિક તથા નૈતિક ઉન્નતિ સાધવી.

    ૨. જૈન ધર્મનાં ટ્રસ્ટ ફંડ અને ધર્માદા ખાતાઓની દેખરેખ રાખવી.

    ૩. પશુ વધ અટકાવવા, તથા તીર્થ સ્થાનોમાં યાત્રિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવી વગેરે.

    આ સાથે વીરચંદભાઈને સરકારી વકીલ સુશ્રી. લિટલ સ્મિથ ફ્રેઅર એન્ડ નિકોલસન નામની સરકારી પેઢીમાં નોકરી મળી અને તેમાં આર્ટીકલ ક્લાર્ક તરીકે જોડાયાં.

    વિશ્વ ધર્મ પરિષદમાં વ્યાખ્યાન :-

    ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં, વર્ષ : ૧૮૯૩માં શિકાગો (ચિકાગો)માં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં આપણા ભારત દેશનાં બે  અણમોલ રત્નો : સ્વામી વિવેકાનંદજી અને વીરચંદ ગાંધીએ પોત પોતાના વિષયોનાં વ્યાખ્યાન દ્વારા આગવી છાપ છોડી હતી. આ પરિષદની વિશેષતા એ હતી કે – આ પરિષદમાં જુદા જુદા દેશોમાંથી આવેલ અલગ અલગ ધર્મનાં પ્રતિનિધિઓએ પહેલી વખત હાજરી આપવાની હતી અને પોત પોતાના ધર્મ વિશે વ્યાખ્યાનો – (સ્પીચ ~ વક્તવ્ય) આપવાના હતાં.

    વિશ્વ ધર્મ પરિષદ નાં મુખ્ય ઉદ્દેશો આ મુજબ હતા :

    ૧) જુદા જુદા ધર્મોનું વિશ્વને જ્ઞાન આપવાનું,

    ૨) સર્વ ધર્મોનાં અનુયાયીઓમાં ભ્રાતૃત્વ તેમજ સ્નેહ ભાવ પ્રગટાવવાનો, તેમજ વિચાર વિમર્શ દ્વારા આ ભાવનાને પ્રબળ બનાવવાનો,

    ૩) ભિન્ન ભિન્ન ધર્મોનાં વિદ્વાનોનાં સાહિત્ય – કલા – વ્યાપાર આદિ વિવિધ વિષયોને આવરી લઈને વિચારોનો વિનિમય કરવાનો અને,

    ૪) વિભિન્ન રાષ્ટ્રોને એકત્ર કરી, વિશ્વમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો કરવા વગેરેનો સમાવેશ હતો.

    અને આ પરિષદનું જે સફળ સંચાલન થયું, તે વૈશ્વિક ઇતિહાસમાં સુવર્ણમય ઘટના બનીને રહી ગયું. આ પરિષદમાં ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

    શિકાગોમાં યોજાનારા વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનાં પ્રતિનિધિ તરીકે સર્વ પ્રથમ તો પૂ. આચાર્યશ્રી વિજયાનંદસૂરિ ~ પૂ. આત્મારામજી મહારાજની પસંદગી થઈ હતી. તેમની સમાજ અને ધર્મ પ્રત્યેની સેવા ઉપરાંત વિશિષ્ટ વિદ્વતાની ખ્યાતિ અમેરિકા અને યુરોપમાં પ્રસરી હતી. એટલા માટે વર્ષ – ૧૮૯૨ માં તેમને પરિષદમાં જૈન ધર્મનાં પ્રતિનિધિ તરીકે હાજરી આપવાનું નિમંત્રણ મળે છે. પરંતુ જૈન ધર્મની પ્રણાલિકા અનુસાર – વિદેશ મુસાફરી કરવાનું તેમને માટે બાધક હોવાથી, તેઓ પરિષદમાં હાજરી આપી શકશે નહીં તેવી દિલગીરી સાથેની જાણ પરિષદનાં સંચાલકોને કરી હતી. આથી પરિષદનાં સંચાલકોએ તેમને જૈન ધર્મ વિશેનો મહત્વપૂર્ણ મહાનિબંધ તૈયાર કરીને, અહીં પુસ્તક રૂપે મોકલવાનું સૂચવ્યું, જેથી પરિષદમાં હાજર રહેલ પ્રતિનિધિઓને વાંચન દ્વારા જૈન ધર્મનાં સિદ્ધાંતોનો ખ્યાલ આવે. પરિણામે જૈન ધર્મનાં તત્વજ્ઞાનની ઝાંખી દર્શાવતું પુસ્તક “ચિકાગો પ્રશ્નોત્તર” નામે તૈયાર થયું, અને તેને પરિષદનાં સંચાલકોને મોકલવામાં આવ્યું. આ પુસ્તક વાંચીને એ સંચાલકો એટલા બધા પ્રભાવિત થયાં કે તેમણે પૂજ્ય. આત્મારામજી મહારાજને વિશેષ પ્રતિનિધિ મોકલવાનો આગ્રહ કર્યો. આ આગ્રહને પરિણામે શ્રી. વીરચંદભાઈ ગાંધીની પસંદગી થઈ. શિકાગો જતાં પહેલાં છ મહિના સુધી વીરચંદભાઈએ પૂ. આત્મારામજી મહારાજ પાસે જૈન ધર્મનાં તત્વજ્ઞાનનું તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું. મહારાજે તેમને સ્વદેશી પહેરવેશ પહેરવાની તેમજ રોજિંદા જીવનમાં બીજી કશી જ શિથિલતા ન આવે તેની આજ્ઞા આપી. શિકાગોની યાત્રામાં રસોઈ માટે મહુવાનાં વતની એવા વિશ્વવિખ્યાત જાદુગર પ્રો. નથુ મંછાચંદને સાથે લીધાં.  શિકાગો જવાની સ્ટીમર અસમથી રવાના થવાની હતી. સ્ટીમરનાં કેપ્ટન પાસેથી અલગ રસોઈ બનાવવાની પરવાનગી મેળવી લીધી હતી.

    ભારતીય દર્શનનું તત્વજ્ઞાન, એનાં વિષયની છણાવટ અને સમજાવટ – આ બધું યોગ્ય ઢબે નવા લોકો સમક્ષ પ્રસ્તુત કરવું ખૂબ જ કઠણ કામ હોય છે. એમાં જ્યારે જૈન ધર્મનાં સિદ્ધાંતો અને તત્વજ્ઞાનની વાત આવે ત્યારે એના વિષયોનો ઊંડાણ પૂર્વક તેમજ સૂક્ષ્માતિસૂક્ષ્મ એવો તલસ્પર્શી અભ્યાસ કરી, એના તત્વજ્ઞાનને સરળતાથી સમજી અને તેને પરિષદનાં વિદ્વાનો સમક્ષ રજૂ કરવી – એ બાબત “ગાગરમાં સાગર સમાવવા” જેવી હતી, અને આવું અઘરું કાર્ય  માત્ર અને માત્ર વીરચંદભાઈ જ પાર પાડી શકે એમ હતાં.

    પરિષદમાં એમણે જૈન તત્વજ્ઞાન, જૈન નીતિ સંબંધી વ્યાખ્યાન આપતાં શ્રુત ધર્મને લગતી બાબતો જેમ કે – નવ તત્વ, છ પ્રકારનાં જીવો, વિશ્વનાં આદિ – અંતની અન્ય ધર્મોનાં મંતવ્યો સાથે તુલના, દ્રવ્ય આર્થિક તેમજ પર્યાયાર્થીક ન્યાય સંબંધી જૈન દર્શનની સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચારસરણી રસસભર રીતે રજૂ કરી. એ સમયમાં જૈન ધર્મની પરિભાષાને અંગ્રેજીમાં રજૂ કરવી ઘણી મુશ્કેલ હતી, પરંતુ શ્રી. વીરચંદભાઈએ એમની વિદ્વતા તેમજ તુલનાત્મક અધ્યયન શક્તિનો ઉપયોગ કરીને જૈન ધર્મની રજૂઆત અંગ્રેજીમાં કરવાનો પાયો નાખ્યો હતો. પરિષદમાં એમનાં જૈન ધર્મ વિશેનાં પ્રવચનોથી લોકોમાં જૈન ધર્મ વિશે એટલી પ્રબળ જિજ્ઞાસા જાગી કે પરિષદ પૂર્ણ થયા પછી અમેરિકામાં ઠેર ઠેર જગ્યાએ એનાં પ્રવચનો યોજાયાં. આ ઉપરાંત કર્મ, તત્વજ્ઞાન અને યોગનું સ્વરૂપ સમજાવવા માટેનાં વર્ગો પણ અનેક સ્થળોએ શરૂ થયાં. એમનાં મોહક વ્યક્તિત્વથી વિદેશીઓ એટલા બધા પ્રભાવિત થયાં કે અમેરિકાનાં વર્તમાનપત્રોમાં પણ ફ્રન્ટ પેજ પર શ્રી. વીરચંદભાઈનાં પ્રવચનોને અગ્રીમ સ્થાન આપવામાં આવ્યું અને તેની ખૂબ જ પ્રશંસા થઈ હતી. પરિષદમાં એવા ઘણાંય હિન્દુ વિદ્વાનો, તત્વજ્ઞાનીઓ અને ધર્મ ઉપદેશકોએ હાજરી આપી હતી અને પ્રવચનો આપ્યા હતાં. તે પૈકી કેટલાંક પ્રવચનો તો એવા હતા કે – જેમની વિદ્વતા, વકતૃત્વ શક્તિ અને ધર્મ ભક્તિ કોઈ પણ પ્રજાની ઉચ્ચમાં ઉચ્ચ વ્યક્તિઓ સાથે સમાન પદ પર મૂકી શકાય પરંતુ આ બધામાંથી શ્રી. વીરચંદભાઈનું પ્રવચન શ્રોતાઓએ જે રસથી સાંભળ્યું હતું,  તેનાં કરતાં કદાચ કોઈનું પ્રવચન આટલું રસપૂર્વક નહીં સાંભળવામાં આવ્યું હોય. જેમ સ્વામી વિવેકાનંદના પ્રવચનથી આખી પરિષદ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી હતી, એવી રીતે જ શ્રી. વીરચંદભાઈનાં પ્રવચનથી પણ આખી પરિષદ ગુંજી ઉઠી હતી. આખી પરિષદમાં ભારતનાં આ બે અણમોલ રત્નોની ભારોભાર પ્રશંસા થઈ રહી હતી. આ બંને મહાનુભાવો પરિષદની શાન હતાં.

    ચિકાગો ધર્મ પરિષદની પૂર્ણાહૂતિ સમયે પરિષદમાં હાજરી આપેલ તમામ વિદ્વાનોએ આભાર વિધિ કરી હતી. એમાં શ્રી. વીરચંદભાઈએ જલદી વિદાય લઈ રહ્યા હતાં. વિદાય વેળાએ વીરચંદ ભાઈએ જલદીથી છૂટા પડવા અંગે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે – “શું આપણે એ વાતનું દુઃખ નથી અનુભવી રહ્યા કે આપણે અતિશિઘ્ર વિદાય થઈ રહ્યા છીએ ? શું આપણી ઈચ્છા નથી કે આ પરિષદ સત્તર વખત સત્તર દિવસ સુધી ચાલુ રહે ? શું આપણે આ મંચ ઉપરથી વિદ્વાન પ્રતિનિધિઓ નાં વ્યાખ્યાન આનંદ અને રુચિ પૂર્વક નથી સાંભળ્યા ? શું આપણને એમ નથી લાગતું કે પરિષદનાં સંચાલન દ્વારા જે કોઈ સિદ્ધ થયું છે એના કરતાં પરિષદનાં સંચાલકોનું સ્વપ્ન કંઈક અત્યાધિક હતું ?”

    વિદેશમાં એમના પ્રવાસ દરમિયાન વીરચંદભાઈએ ભારતીય સંસ્કૃતિને શોભે એ રીતે એમણે બાહ્ય ટીકાઓથી ભારતની સંસ્કૃતિનું રક્ષણ કર્યું હતું, તેમજ તેનો પ્રચાર કરવામાં એક નિખાલસ અને વિશાળહૃદયી વિદ્વાનને શોભે એવું કૌશલ્ય દાખવ્યું હતું. એમનાં પ્રવચનોમાં : હિન્દુઓનું પ્રાગ – ઐતિહાસિક જીવન, ભારતમાં લગ્નનો દરજ્જો, ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ, ભારતીય પ્રજાનાં સામાજિક રીત રિવાજો, હિન્દુ – જૈન અને બૌદ્ધ ધર્મનું મુખ્ય તત્વજ્ઞાન, ધી લૉ ઑફ એથીકલ કોઝેશન : અ સોલ્યુશન ઓફ લાઈફ, રાજકીય ભારત : હિન્દુ, મુસ્લિમ અને અંગ્રેજ, ભારતીય સ્ત્રીઓ : ભૂત, વર્તમાન અને ભાવિ વગેરે વિષયો મુખ્ય સ્થાન પર હતાં. અન્ય વિષયોમાં ઓકલ્ટીઝમ, ગાયન વિદ્યા, અમેરિકાઓની સ્ત્રીઓએ ટોપીમાં પક્ષીના પીછાં ન રાખવા જોઈએ, સમાચાર પત્ર અને રંગભૂમિનો સંબંધ, અમેરિકન રાજનીતિ પર વર્તમાન સામાજિક કાયદાનો પ્રભાવ, ભારતનો અમેરિકાને સંદેશ, ભારતની અમેરિકાને ભેટ, બૌદ્ધ ધર્મ, દર્શનની ત્રણ મૌલિક પ્રથાઓ, ભારતની રાજનૈતિક અવસ્થા, હિન્દુ – મુસલમાન અને અંગ્રેજ રાજ્યમાં નારીનું સ્થાન વગેરે વિવિધ વિષયો પર પ્રવચન આપીને પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો.

    વિશ્વ ધર્મ પરિષદ બાદ તેઓ થોડોક વખત અમેરિકામાં રહ્યા હતાં. ત્યારબાદ તેમણે અનુક્રમે ઈ.સ. ૧૮૮૯ માં અને ઈ.સ. ૧૮૯૬ માં એમ બે વખત અમેરિકા ગયા હતાં. આ દરમિયાન તેમણે ૬૫૦ જેટલાં પ્રવચનો આપ્યા હતાં. એ પૈકી કેટલાંક – જૈન ફિલોસોફી, કર્મ ફિલોસોફી અને યોગ ફિલોસોફી નામક પુસ્તકમાં ગ્રંથસ્થ થયા.

    વીરચંદ ગાંધીએ કરેલા અન્ય કાર્યો :

    () પાલીતાણા શેત્રુંજ્ય પર્વત પર આવતા જાત્રાળુઓ માટે કર મુક્તિ :-

    આમ તો સમ્રાટ અકબર અને નગર શેઠ શાંતિદાસના સમયથી જ શેત્રુંજ્ય પર્વત શ્વેતાંબર જૈનોનાં કબજામાં હતું, પરંતુ તે પછીના આવેલા બાદશાહો એ જે તામ્ર પત્રો આપેલાં ફરમાનોનો વેળાસર ઉપયોગ ન થવાને લીધે શેત્રુંજ્ય પર્વત પર પાલીતાણાના નામદાર દરબારશ્રીની હકુમત આવી. હકુમત આવતાની સાથે જ નામદાર ઠાકોર સુરસિંહજીએ શેત્રુંજ્યની જાત્રાએ આવતાં યાત્રાળુઓ પર કર ઉઘરાવવાનો શરૂ કરી દીધો હતો.. આ કર પર્વતના સંરક્ષણ માટે છે –  એવું કહીને જાત્રાળુઓ પાસેથી વ્યક્તિ દીઠ બે રૂપિયાનો કર ઉઘરાવવાનો શરૂ કરી દીધો. આ કર અગવડભર્યો તો હતો જ, પણ સાથોસાથ ત્રાસદાયક પણ હતો. આ તરફ બીજી બાજુ એ શેત્રુંજ્ય પર્વત પાસે આવેલા સૂરજ કુંડ નજીક ભગવાન શ્રીઋષભદેવની પાદુકા સ્થાપિત હતી, જે કોઈ વિઘ્ન સંતોષી દ્વારા ખોદીને ચોરવામાં આવી હતી. આથી તે તીર્થના નોકરોને પકડીને તેની પાસે બધી કબૂલાત કરાવવામાં આવી. આ બાબત અંગેની ફરિયાદ એ સમયનાં ગવર્નર લોર્ડ રેને કરવામાં આવી તેમજ બીજે તાર દ્વારા સંદેશો મોકલ્યો. તા.૧૮/૦૭/૧૮૮૫ ના રોજ પૂનામાં ગવર્નર લોર્ડ રેને પાલીતાણાના આ જુલમ કેસ સંબંધિત એક જૈન પ્રતિનિધિ મંડળ બનાવ્યું. ત્યારબાદ આ કેસની યોગ્ય તપાસ સોનગઢ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કપ્તાન ફોરડાઈઝ દ્વારા કરવામાં આવી અને આ કેસને પોલિટિકલ એજન્ટની કોર્ટમાં લઈ જવામાં આવ્યો. પોતાનો બચાવ કરવા પાલીતાણાના નામદાર ઠાકોર પણ ગવર્નર પાસે અરજી લઈને ગયા અને આ બાજુ વીરચંદભાઈ પણ અન્ય જૈન આગેવાનો સાથે ગવર્નર પાસે પહોંચ્યા. થોડાક સમયમાં જ પાલીતાણાનાં એ ઠાકોર અવસાન થયું અને એની સાથે તેના પર ચાલતો કેસ પણ બંધ થઈ ગયો. હવે પાલિતાણાની ગાદીએ નવા ઠાકોરની ગાદીએ આવવાના હતા, એટલે તકનો લાભ ઉઠાવીને શ્રી વીરચંદભાઈએ પોતાના વકીલાતના કૌશલ્યથી નવા ઠાકોર શ્રી. માનસિંહજી સાથે જૈન યાત્રિકો પર લાદેલા કર અંગે સમાધાન કરવાના પ્રયત્નો કર્યા અને આખરે વીરચંદભાઈનાં પ્રયત્નો સફળ થયા. સમાધાનમાં ઠાકોરસાહેબ શ્રી.માનસિંહજી અને જૈન સંઘ વચ્ચે નીચે મુજબનો કરાર થયો –

    ૧). યાત્રિકો દીઠ રૂપિયા – બે નો કર કાઢી અને પ્રતિવર્ષ ઠાકોરને તે માટે રૂ. ૧૫૦૦૦ ઉચક આપવી.

    ૨) આ ગોઠવણ સન – ૧૮૮૬ નાં એપ્રિલથી ૪૦ વર્ષ સુધી કાયમ રાખવી.

    ૩) ૪૦ વર્ષની આખરે ઉપરોક્ત ઉચક રકમમાં ફેરફાર કરવા બાબતે બંને બાજુએ છૂટ રાખવામાં આવી.

     બંને બાજુની દલીલો ધ્યાનમાં લીધા પછી એ ફેરફાર મંજૂર અથવા નામંજૂર કરવાનું કામ બ્રિટીશ સરકારનાં હાથમાં રહેશે.

    આમ, વીરચંદ ભાઈએ પોતાની પ્રભાવશાળી કર્તૃત્વ શક્તિ તેમજ વકીલાતની આવડતનો પરિચય આપ્યો હતો.

    ) સંમેદ શિખર પર ચાલતાં કતલ ખાના બંધ કરાવ્યા (વર્ષ૧૮૯૧) :-. 

    સંમેદ (સંમેત) શિખર એ જૈન સમુદાયનું પવિત્ર તીર્થ સ્થળ છે. જૈન સમુદાયનાં લોકો સંમેદ શિખરના દરેક કણને પવિત્ર માને છે. આ શિખરને “પાર્શ્વનાથ પર્વત”  તરીકે પણ ઓળખવામાં આવે છે.  અહીં ચોવીસ તીર્થંકરોમાંના ૨૩મા તીર્થંકર (ભગવાન પાર્શ્વનાથ) તેમજ અન્ય જૈન સાધુઓએ નિર્વાણ (મોક્ષ)  પ્રાપ્ત કર્યો હતો. જેની ચરણ પાદુકા હજુ પણ અહીં હાજર છે.  આ ઉપરાંત આ શિખર પર બે હજાર વર્ષ જૂનાં પૌરાણિક મંદિરો પણ આવેલા છે.

    સંમેદ શિખર પર ભગવાન પાર્શ્વનાથનું દેરાસર આવેલ છે, માટે આ શિખરની તીર્થ તરીકેની મહત્તા ઘણી છે. આ સમયમાં આ તીર્થ બંગાળનાં હજારીબાગ જિલ્લાનાં પલગંજ રાજ્યની સરહદમાં આવતું હતું.  જેમ પાલીતાણાના દેરાસરોમાં ચઢાવવામાં આવતી વસ્તુઓ ભાટ લોકો લઈ જતા હતા, તેમ અહીં ભગવાનને ચઢાવવામાં આવતી વસ્તુઓ લઈ જવાનો હક રાજાને હતો. તીર્થનાં રક્ષણ બદલ સંઘ દ્વારા રાજાને રૂ. ૧૫૦૦ આપવામાં આવતા હતા. બાદશાહનાં વખતથી જ આ તીર્થ જૈનોની માલિકીની જ હતુ, પરંતુ તેની દેખરેખ, જાળવણી તેમજ હક્ક જાળવવાના પ્રયત્નોમાં ખામી રહી ગઈ હોવાથી, તે હક ડૂબી ગયો હતો. એટલા માટે ત્યાંના રાજાએ પહાડ પર ઉગતા ઘાસ તેમજ વૃક્ષોનાં લાકડાઓ પર ઊપજ લેવાનું ચાલુ કરી દીધું હતું.  થોડાક સમય બાદ વિક્રમ સંવત – ૧૯૪૨નાં અરસામાં રાજાએ પહાડને લગતી થોડીક જમીન બેડમ નામના એક અંગ્રેજને ચા રોપવા આપી દીધી હતી. ચાર પાંચ વર્ષ પછી આ વ્યક્તિએ અહીં ડુક્કરોની ચરબી કાઢવાનું કારખાનું ઊભું કર્યું. આમ તો આ કારખાનું તીર્થ સ્થળ થી બે-ત્રણ માઈલ દુર હતું, પરંતુ સંમેદ શિખરની ફરતે બાર ગાઉની પ્રદક્ષિણા ફરતી વખતે તે રસ્તામાં આવતું હતું. કારખાનાની અંદર થતી ડુક્કરોની ચીસાચીસ અને રોકકળ છેક ઉપર મંદિર સુધી સંભળાતી હતી, જે જાત્રાળુઓ તેમજ મંદિરના અનુયાયીઓ માટે અસહનીય હતી. આવા નિર્દોષ જનાવરોની હત્યા હૃદય કંપાવી દે તેવું હતું. આથી મંદિરનાં  અનુયાયીઓ તેમજ શ્રીસંઘનાં આગેવાનોએ આ અંગે હજારીબાગ જિલ્લાનાં કમિશ્નરને ફરિયાદ કરી, પરંતુ ત્યાંના કમિશ્નરે “અમે કોઈ પણ પ્રકારનાં વ્યાપારમાં ન પડીએ” – એમ કહીને ફરિયાદને નકારી દીધી. ત્યારબાદ આ લોકોએ પરગણાની કોર્ટમાં આ કેસ દાખલ કર્યો, ત્યાં પણ સરખો ચુકાદો ન આવતા, આ કેસ છેક કલકત્તા હાઇકોર્ટમાં લઈ જવામાં આવ્યો. અહીં પણ બે બાબતોને લીધે કેસ મજબૂત નહોતો બનતો :

    (૧) પરગણાની કોર્ટમાં પ્રાથમિક પુરાવા દાખલ નહોતા કરવામાં આવ્યાં, અને

    (૨) સ્થાનિક ભાષામાં રહેલા મંદિરનાં પત્રો, શિલાલેખો, તામ્રપત્રો વગેરેની નકલો કોર્ટમાં બંગાળી ભાષામાં રજૂ કરવાના હતા. એટલા માટે સૌથી પહેલાં તો વીરચંદભાઈએ કલકત્તામાં રહીને છ મહિના સુધી બંગાળી શીખ્યા;  ત્યારબાદ એ પત્રો, શિલાલેખો તેમજ તામ્રપત્રો વગેરેની નકલો બંગાળી તેમજ અંગ્રેજી ભાષામાં (અનુવાદ કરીને) રજૂ કરીને સંમેદ શિખર માલિકીનો હક સાબિત કર્યો.

    કોર્ટમાં વીરચંદભાઈની કેસ સંબંધિત સ્પષ્ટ અને સુંદર રજૂઆતને લીધે કેસ જૈન સંઘની તરફેણમાં આવ્યો અને કેસ જીતી ગયા. આમ, ફરી એકવાર શ્રી વીરચંદભાઈએ પોતાની પ્રભાવશાળી પ્રતિભા તેમજ કર્તવ્યપરાયણતાથી અને આવડતથી એક મહત્ત્વનું કાર્ય પાર પડ્યું હતું.

    ) શિકાગોમાં વીરચંદભાઈનાં મંત્રી પદે ભારતની મદદ અર્થે દુષ્કાળ રાહત સમિતિની રચના :-  વર્ષ : ૧૮૯૬ – ‘૯૭ માં ભારતમાં પડેલા દુષ્કાળને લીધે સ્વામીજી જ્યારે દેશનાં ખૂણે ખૂણે જઈને પીડિતોની સેવા અને માંદાની માવજત કરી રહ્યાં હતાં; ત્યારે વીરચંદભાઈએ અમેરિકામાંથી ત્યાંના લોકોને અપીલ કરીને અહીંની સ્થિતિ માટે મદદ કરી હતી. વીરચંદભાઈનાં કાને જેવી ખબર પડી કે ભારતમાં દુષ્કાળ સર્જાયો છે, ત્યારે તેમણે તરત જ વિશ્વ ધર્મ પરિષદનાં પ્રમુખ સી. સી. બોનીનાં અધ્યક્ષ પદે એક તત્કાલીન દુષ્કાળ રાહત સમિતિની રચના કરી. આ સમિતિમાં વીરચંદભાઈએ મંત્રીપદે રહીને શિકાગોની જનતાને આ પરિસ્થિતિમાં ભારતની મદદ માટે અપીલ કરી. તાત્કાલિક રાહતનાં પગલાં તરીકે તુરંત જ  અન્ન ભરેલું વહાણ સાન ફ્રાન્સિસ્કો થી કલકત્તા મોકલવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિશેષ રાહત કાર્ય માટે ટહેલની નાખવામાં આવતા જ શિકાગોની જનતાએ શ્રી.વીરચંદભાઈની ઝોળી છલકાવી દીધી. લગભગ ચાલીસ હજાર રૂપિયા રોકડા દેશનાં વિવિધ ભાગોમાં રાહત અર્થે પહોંચાડવામાં આવ્યાં.

    ) આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદ :- ઈ.સ. ૧૮૯૯માં મળેલી આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં શ્રી. વીરચંદભાઈએ સમગ્ર એશિયાનાં પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. ત્યાં એમણે આપણી પોસ્ટલ પદ્ધતિ સુધારવા, વિસ્તૃત કરવા અને તેનો વિકાસ કરવા સૂચવ્યુ હતું, જેથી વિશ્વનાં દરેક દેશને તેમાં સમાવી શકાય. આ ઉપરાંત તેમણે વાણિજ્યનું વિસ્તૃત અને સંપૂર્ણ શિક્ષણ આપવા વિશે પણ કહેલું.

    આ ઉપરાંત તેમણે વર્ષ – ૧૮૯૫માં પૂણેમાં યોજાયેલ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ (INC) નાં અધિવેશનમાં મહારાષ્ટ્ર રાજ્યનાં પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. તેમજ ૧૯ ડિસેમ્બર, ૧૮૯૮ નાં રોજ વિલિયમ સાઈન્સ બિલ્ડિંગનાં વિશાળ હોલમાં ભારતીય રાજકારણ અને ઉદ્યોગ પર લેક્ચર આપ્યો હતો.

    વિશેષ બાબતો :-

    – વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનાં બે પનોતા પુત્ર : સ્વામી વિવેકાનંદ અને વીરચંદ ગાંધીએ ભારત દેશનું નામ વિશ્વ સ્તરે ઝળહળતું કર્યું હતું. આ બંને મહાનુભાવોનાં વ્યાખ્યાનોની બાબતો વિશ્વ ધર્મ પરિષદનાં ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ. વિદેશમાં જેમ જૈન ધર્મનો પરિચય કરાવવાનું માન વીરચંદભાઈ ગાંધીને જાય છે, તેવી જ રીતે વેદાંત તત્વજ્ઞાનનો પરિચય પાશ્ચાત્ય દેશોમાં કરાવવાનો યશ શ્રી. સ્વામી વિવેકાનંદને ફાળે જાય છે. સને – ૧૮૯૩ માં થયેલી વિશ્વ ધર્મ પરિષદમાં ભારત તરફથી આ બંને પ્રતિનિધિ હતાં. આ બંને મહાન વિભૂતીઓમાં ઘણી સામ્યતા જોવા મળે છે, કારણ કે બંનેનાં કાર્યક્ષેત્ર પણ સમાન છે. કર્તવ્યનિષ્ઠા, પવિત્રતા અને સત્યતા : આ ત્રણેય ગુણોને આ બંનેય વિભૂતિઓએ પોતાના જીવનમાં વણી લીધા હતા. બંને તત્વજ્ઞાનનાં પ્રખર અભ્યાસુ હતા તેમજ બંનેમાં અદ્ભુત તુલનાત્મક અધ્યયન શક્તિ અને વિશાળ દૃષ્ટિ હતી. બંને યોગનાં અભ્યાસી હતાં અને બંનેએ યોગની ક્રિયા – પ્રક્રિયા વિદેશીઓને સમજાવી હતી. આ ઉપરાંત આર્ય સંસ્કૃતિઓનું હાર્દ સમજાવવામાં બંનેએ અથાગ પરિશ્રમ લીધો હતો. વિદેશમાં તેઓ એકબીજાનાં પૂરક રહ્યા હતાં. સ્વામી વિવેકાનંદને વીરચંદભાઈની કાબેલિયત અને શક્તિ પર ખૂબ જ વિશ્વાસ હતો. આમ, સ્વામી વિવેકાનંદ અને વીરચંદ ગાંધી બંને કરુણાની મૂર્તિ હતાં.

    – વિશ્વ ધર્મ પરિષદ તેમજ આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદ જેવા વિદેશ પ્રવાસો દરમ્યાન વીરચંદભાઈનાં ઘણાં ગાઢ મિત્રો બન્યા હતા અને કેટલાક તો તેમનાં અનુયાયીઓ પણ બન્યા હતાં.

    જે આ મુજબ છે :

    (૧) અમેરિકાનાં મિસિસ હાર્વર્ડએ વીરચંદભાઈની જૈન ધર્મ  પરાયણતા જોઈને એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે તેઓ વીરચંદભાઈનાં હસ્તે દીક્ષિત થયા હતા અને શિષ્યા બની ગયા હતાં.

    (૨) હર્બટ વોરન નામનાં વ્યક્તિ પણ વીરચંદભાઈનાં હસ્તે જ દીક્ષિત થયા હતાં. આ આદર્શ વ્યક્તિ ને “આદર્શ જૈન” નાં ઉદાહરણ રૂપ ગણાવી શકાય. શ્રી. વીરચંદભાઈએ ઈંગ્લેન્ડમાં જ્યારે ” Philosophical Society (ફિલોસોફિકલ સોસાયટી)” ની સ્થાપના કરી, ત્યારે હર્બટ વોરન ત્યાં આવતા વિદ્યાર્થીઓમાંનો એક હતો. આ સંસ્થામાં જૈન ધર્મ, હિન્દુ યોગ તેમજ બૌદ્ધ તત્વજ્ઞાન વિશે તુલનાત્મક જ્ઞાન આપી શકાય એ માટેનાં વર્ગો ચલાવવામાં આવતા હતાં. હર્બટ વોરને શ્રી. વીરચંદભાઈનાં તમામ પ્રવચનોની નોંધ રાખી હતી. આ પ્રવચનોની નોંધ પરથી તેમણે “Jainism” નામનું એક પુસ્તક પણ પ્રગટ કરેલું.

    (૩) વિશ્વ ધર્મ પરિષદનાં પ્રમુખ : પ્રેસિડેન્ટ ચાર્લ્સ સી. બોની, મંત્રી : ડૉ. જ્હોન હેનરી બરોઝ અને ત્યાંના સહમંત્રી : વિલિયમ પાઈપ – આ ત્રણેય વીરચંદભાઈનાં ગાઢ મિત્રો બની ગયા હતાં. ભારતમાં જ્યારે દુકાળ પડ્યો હતો ત્યારે, અમેરિકામાં જે ‘રાહત સમિતિ’ ની રચના કરવામાં આવી હતી, તેમાં ચાર્લ્સ સી. બોની અધ્યક્ષપદે રહ્યા હતા અને વીરચંદભાઈની ખૂબ સહાય કરી હતી. પરિષદ પૂર્ણ થયા બાદ ધર્મનાં પ્રચાર અર્થે વીરચંદભાઈને થોડોક સમય ત્યાં રોકાવાનું થયુ  હતું, ત્યારે ડૉ. જ્હોન હેનરી બરોઝે તેમનું ઘર ખાલી કરી આપ્યું હતું અને ત્યાં વીરચંદભાઈ રોકાયા હતાં. અમેરિકામાં વીરચંદભાઈએ સ્થાપેલી “School of Oriented Philosophy” અને “Esoteric Studies” સંસ્થામાં  વર્ગો ચાલતાં, ત્યારે તેની દેખરેખનું કામ વિલિયમ પાઈપ કરતાં હતાં.

    – મહાત્મા ગાંધી જ્યારે ઈંગ્લેન્ડમાં હતાં, ત્યાં  તેમની મુલાકાત વીરચંદ ભાઈ સાથે થઈ હતી. તેઓ પોતાની આત્મકથા “સત્યનાં પ્રયોગો” માં તેઓ જ્યારે ઈંગ્લેન્ડમાં ખોરાકના અખતરા કરતા હતા, ત્યારે વીરચંદભાઈ પણ તેમાં શામિલ હતા – તેવું નોંધેલ છે.

    – વીરચંદભાઈનાં પત્રો બહુ ઓછા ઉપલબ્ધ છે. એ પૈકી થોડાક શ્રી. મહાવીર જૈન વિદ્યાલયનાં સંગ્રહાલયમાં છે. એમનાં કુટુંબીજનોએ ઈ.સ. ૧૯૪૬ માં એમની જન્મ શતાબ્દીનાં ઉજવણી વખતે શ્રી. મહાવીર જૈન વિદ્યાલયને એમનું અપ્રગટ સાહિત્ય કાસ્કેટ, મેડલ તેમજ પત્રો વગેરે આપી દીધા હતાં.

    – વર્ષ : ૧૯૯૦ માં શિકાગો અને મહુવામાં વીરચંદભાઈનું પૂતળું મૂકવામાં આવ્યું હતું.

    –  ૮ નવેમ્બર, ૨૦૦૯ નાં રોજ ભારતીય ડાક (પોસ્ટ ઑફિસ) વિભાગે વીરચંદ ગાંધીનાં માનમાં તેમના ઈમેજ વાળી એક પોસ્ટ ટિકીટ બહાર પાડી હતી.

    કેટલીક મહાન વ્યક્તિ ઓનાં કાર્યો એટલાં મહાન હોય છે કે, એનાં સત્કાર્યોનો પ્રવાહ નિરંતર ચાલ્યા કરે એવી સૌની લાગણી હોય છે. પણ કહેવાય છે ને કે – કાળ કોઈનો નથી. ત્રીજી વખતની વિદેશયાત્રાએથી નાદુરસ્ત તબિયત લઈને જ્યારે ઘરે આવ્યા પછી, તેમની તબિયતમાં સુધારો થયો જ નહીં. પોતાની ૩૭ વર્ષ સુધીનાં જીવનકાળ દરમ્યાન તેઓ સતત કાર્યરત રહ્યાં, કદાચ શારીરિક ક્ષમતા થી વધુ તેઓ કાર્યશીલ રહ્યાં. વર્ષ – ૧૯૦૧ નાં જુલાઈ મહિનામાં સ્વદેશ પરત ફર્યાં અને તબિયતમાં કંઈ જ ફેરફાર ન થતાં ૭ ઑગસ્ટ, ૧૯૦૧નાં રોજ મુંબઈમાં પોતાના નિવાસ સ્થાને તેમનું દેહાવસાન થાય છે. કાકા કાલેલકર એ ” સ્મરણ યાત્રા” માં નોંધ્યું છે કે – “ડાહ્યો – શાણો માણસ ઝાઝું જીવે નહીં. અને આ ઉક્તિ વીરચંદ ગાંધીના સમયનાં મહાનુભાવો – સ્વામી વિવકાનંદજી, શ્રીમદ્ રાજચંદ્ર વગેરે પર સાચી પડી. આ બધા જ મહાન વ્યક્તિઓએ હજુ પોતાની ચાલીસી વટાવી નહોતી ત્યાં જ ભગવાનનાં ઘરેથી આટલું વહેલું તેડુ આવી ગયું. કદાચ એટલા માટે જ આ લોકો પોતાની ટૂંકી જિંદગીમાં એક પછી એક કામ આટોપવા લાગ્યા અને કાર્ય પૂર્ણ થતાંની સાથે જ જીવનકાળ પણ સમાપ્ત થઈ ગયો.

    તો આ વાત હતી, વિશ્વ ધર્મ પરિષદનાં બીજા અણમોલ રત્ન એવા વીરચંદ ગાંધીની. જેમણે જૈન ધર્મને વૈશ્વિક સ્તરે લઈ જઈને ભારતની ધાર્મિક રીત – પરંપરા તેમજ જૈન ધર્મનું ગૌરવ વધાર્યું. એક એવા મહાન વ્યક્તિ જેઓ સ્વામી વિવેકાનંદની જ રૂપરેખા હતાં. પરિષદ પૂર્ણ કર્યા બાદ તેઓ જ્યારે ભારત આવ્યા ત્યારે, લોકોએ તેમને “નાના સ્વામી વિવેકાનંદ” કહીને સંબોધ્યા હતાં.

    શ્રી. વીરચંદ ગાંધીને શત શત વંદન

     

  • પરિવાર નિયોજન નીતિમાં રાજ્યો દ્વારા મુકાતી ઢીલ યોગ્ય છે?

    નિસબત

    ચંદુ મહેરિયા

    એક મહિલાએ તેના જીવનકાળમાં કેટલા બાળકોને જન્મ આપ્યો કે આપી શકે? તેને કુલ પ્રજનન દર, અંગ્રેજીમાં Total Fertility Rate( TFR), કહેવામાં આવે છે. ૧૯૭૧માં ભારતનો કુલ પ્રજનન દર ૫.૨ હતો,  ૧૯૮૧માં ૪.૫, ૧૯૯૧માં ૩.૬ અને આજે ૨ છે. અનિયંત્રિત વસ્તી વધારામાં ઘટાડો થવાનું કારણ વસ્તી નિયંત્રણ નીતિ કે પરિવાર નિયોજન યોજનાઓ છે.  ગરીબી, ખાધ્યસુરક્ષા અને રોજગારના પડકારો સામે લડવા વસ્તી વધારાને રોકવો જરૂરી હતો. ‘ અમે બે અમારા બે’  અને ‘નાનું કુટુંબ સુખી કુટુંબ’ના પરિવાર નિયોજન અભિયાનને કારણે ૨૦૦૦ના વરસ સુધીમાં દેશનો કુલ પ્રજનન દર ૩.૩થી ઘટાડીને ૨ સુધી કરવામાં મદદ મળી છે. ૨૦૨૧માં દેશની વસ્તી આશરે ૧૩૫.૫  કરોડ હતી તે ૨૦૫૧માં ૧૫૯.૦૧ કરોડ થશે. એટલે વસ્તી તો વધશે પરંતુ કુલ પ્રજનન દર ઘટશે. આ વરસોમાં ભારતનો સરેરાશ વાર્ષિક વૃધ્ધિ દર ૦.૫ થશે. અર્થાત ભારતની વસ્તીમાં સ્થરીકરણ આવશે.

    Changes in discourse on unmet need for family planning among married women in India: evidence from NFHS-5 (2019–2021)
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    આજે  દેશના કુલ પ્રજનન દર ૨ કરતાં  ઘણા રાજ્યોનો પ્રજનન દર ઓછો છે.એટલે આ રાજ્યો તેમના ઘટતા પ્રજનન દરથી ચિંતિત છે. ભાજપાશાસિત રાજસ્થાન સરકારે તાજેતરમાં વિધાનસભામાં રાજસ્થાન પંચાયતી રાજ (સુધારા) વિધેયક ૨૦૨૬ અને રાજસ્થાન નગરપાલિકા (સુધારા) વિધેયક ૨૦૨૬ પસાર કર્યું છે. રાજસ્થાનની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોમાં છેલ્લા ત્રીસ કરતાં વધુ વરસોથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિ ઉમેદવારી કરી શકતી નહોતી. આ બાધ્યતાનું કારણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પરિવાર નિયોજન માટે આદર્શ બને અને લોકોમાં વસ્તી નિયંત્રણ માટેનો સંદેશ આપી શકાય તે હતો. પરંતુ હવે આ પ્રતિબંધ કાયદામાં સુધારો કરીને ઉઠાવે લીધો છે. રાજસ્થાન સરકારે વિધાનસભમાં કહ્યું છે કે આ પ્રતિબંધ વસ્તી નિયંત્રણ માટે અસરકારક નહોતો. તે નાગરિકોને માટે ભેદભાવપૂર્ણ હતો. કેમકે તે બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિઓને સ્થાનિક સ્વરાજની લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેતા અટકાવતો હતો. રાજસ્થાનનો ૧૯૯૧-૯૪માં કુલ પ્રજનન દર ૩.૬ હતો.જે ૨૦૨૪-૨૫માં ૨.૦ છે રાજ્યની કુલ વસ્તીમાં વધારો થઈ રહ્યો છે પણ  પ્રજનન દર ઘટી રહ્યો છે એટલે હવે તેણે બે થી વધુ બાળકો ધરાવનાર પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી શકશે તેમ કાયદેસર ઠરાવ્યું છે.

    રાજસ્થાન પૂર્વે તેલંગાણા, ઉત્તરપ્રદેશ,  મધ્યપ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડની રાજ્ય સરકારોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બે બાળકો કરતાં વધુ બાળકો ધરાવનાર વ્યક્તિને ઉમેદવારી કરતાં રોકતા કાયદામાં ફેરફાર કર્યો છે અને આ પ્રતિબંધ દૂર કર્યો છે. ૨૦૨૩-૨૪માં બિહારનો ટોટલ ફર્ટીલિટી રેટ ૩.૦૦ અને યુ.પી. નો ૨.૪ હતો . બીજા રાજ્યોનો ટીએફઆર ૨ કે ૨થી થોડો ઓછો હતો. એટલે વસ્તી નિયંત્રણ નીતિમાં ઢીલ મૂકવામાં માત્ર ઓછો પ્રજનન દર ધરાવતા રાજ્યો જ નહીં રાષ્ટ્રીય પ્રજનન દર કરતાં વધુ પ્રજનન દર ધરાવતા રાજ્યો પણ છે. જે રાજ્યોએ પંચાયત-પાલિકામાં ઉમેદવારો માટે બે કરતાં વધુ બાળકોના નિયમમાં છૂટછાટ મૂકી છે તેમાં ભાજપાશાસિત રાજ્યો છે તો કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોની રાજવટ ધરાવતા રાજ્યો પણ છે. એટલે વસ્તી નિયંત્રણ નીતિમાં ઢીલ મૂકવામાં રાજસ્થાનમાં વિપક્ષ કોંગ્રેસ વિરોધ કરે છે પરંતુ તેના જ પક્ષની તેલંગાણા સરકારે આવો જ કાયદાકીય સુધારો કર્યો છે તે વિશે મૌન સેવે છે. અર્થાત આ બાબતમાં તમામ રાજકીય પક્ષો વચ્ચે છૂપી  સંમતિ પ્રવર્તતી હોય તેમ લાગે છે.

    દેશના અડધો ડઝન કરતાં વધુ રાજ્યોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ટુ ચાઈલ્ડ નોર્મમાં સુધારો કર્યો છે. પરંતુ એનડીએના પ્રમુખ ઘટક દળ તેલુગુ દેશમની આંધ્રપ્રદેશ સરકારે તો વસ્તી પ્રબંધન નીતિની  ઘોષણા કરી છે. વધુ બાળકો પેદા કરનાર દંપતિને ખાસ પ્રોત્સાહન આપવાની નીતિ ઘડનાર આંધ્રપ્રદેશ દેશનું પહેલું રાજ્ય છે. આંધ્ર સરકારની જાહેરાત પ્રમાણે હવે રાજ્યમાં જે દંપતિને બીજું અને ત્રીજું બાળક જન્મશે તેને સરકાર રૂ.૨૫,૦૦૦ની પ્રોત્સાહન રાશિ આપશે. IVF ( ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન)થી બાળકો પેદા કરનારને ખર્ચમાં ખાસ રાહત આપવામાં આવશે. ત્રીજા બાળકને પાંચ વરસ સુધી દર માસે પોષણ સહાય રૂપે રૂ. ૧,૦૦૦ આપવાનું પણ નક્કી કર્યું છે. બીજા અને ત્રીજા બાળકને અઢાર વરસની ઉમર સુધી સરકારી શિક્ષણ સંસ્થામા નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે. આ તમામ લાભ રાજ્યની વસ્તીમાં વૃધ્ધિ માટે આપવામાં આવશે.

    આંધ્રપ્રદેશનો હાલનો પ્રજનન દર ૧.૫ છે. દક્ષિણ ભારતના તમામ પાંચ રાજ્યોનો પ્રજનન દર દેશના પ્રજનન દર ૨.૧ કરતાં ઘણો નીચો એટલે કે ૧.૫ જેટલો છે. પરંતુ આંધ્રપ્રદેશ જેવી વસ્તી વૃધ્ધિ માટે નાણાકીય પ્રોત્સાહનની નીતિ કોઈ રાજ્યે જાહેર કરી નથી. આ નીતિ માટેનો રાજ્યનો ઉદ્દેશ લોકસભામાં તેના પ્રતિનિધિત્વમાં થનારા સંભવિત ઘટાડાને અટકાવવાનો છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં આંધ્રપ્રદેશની લોકસભા બેઠકો ૨૫ હતી. મહિલા અનામતના અમલ પહેલાં લોકસભા બેઠકોનું નવેસરથી પરિસીમન કરવાનો કેન્દ્ર સરકારનો ઈરાદો છે.આંધ્ર પ્રદેશમાં જો ધીમા દરે વસ્તી વધારો થાય તો તેની લોકસભા બેઠકો તો ઘટે જ વસ્તીના આધારે નાણા પંચ નાણાકીય ફાળવણી માટેની જે ભલામણો કરે છે તેમાં પણ ઘટાડો થઈ શકે છે. આ ચિંતા વાજબી હોવા છતાં વસ્તી નિયંત્રણ નીતિને તડકે મુકવાની આંધ્ર સરકારની ઉતાવળ ન સમજાય તેવી તો છે જ અયોગ્ય પણ છે. દક્ષિણના રાજ્યો સહિત દેશના જે જે રાજ્યોનો ટીએફઆર નીચો છે તેમણે સાથે મળીને આ બાબતમાં કેન્દ્રમાં રજૂઆત કરવી જોઈએ તે ખરો માર્ગ છે.

    પ્રજનન દરનો હાલનો ઘટાડો મહિલાઓના દ્રષ્ટિકોણથી તપાસતાં ખૂબ જ પ્રગતિશીલ અને સુધારક જણાય છે. મહિલા શિક્ષણમાં વધારો, મહિલાઓની નોકરી સહિત કુટુંબના નિર્ણયોમાં ભાગીદારી અને સમાજમાં વધતી મહિલા જાગ્રતિ અને સક્રિયતાના કારણે પ્રજનન દરમાં ઘટાડો થયો છે. જો રાજ્યસરકારો વસ્તી વૃધ્ધિના નિયમો અને નીતિઓને મહિલા અધિકારોની અવગણના કરીને  અમલી બનાવશે તો તે સરવાળે રાજ્ય અને દેશને પાછળ ધકેલશે. સામાન્ય રીતે વધુ બાળકો ગરીબો અને અશિક્ષિતોને હોય છે. આમ પણ  આર્થિક અભાવોમાં તેમને માટે કુટુંબનું ભરણ પોષણ કરવું મુશ્કેલ હોય છે. ત્યારે નવા બાળકની જવાબદારી તેમના માટે બોજ બની શકે છે અને માનવ સંપત્તિની ગુણવતા ઘટે તેમ પન બનશે. સરકાર જે માસિક પોષણ સહાય, પ્રોત્સાહન રકમ અને બીજા લાભો આપવાની છે તે એક બાળકના શિક્ષણ, આરોગ્ય અને લાલનપાલનના ખર્ચની તુલનામા પર્યાપ્ત જણાતા નથી.

    રાજ્ય સરકારોએ કેન્દ્રના પરામર્શમાં રહીને રાષ્ટ્રીય ધોરણે વસ્તી નિયંત્રણો હટાવવા  બાબતે નિર્ણયો લેવાની જરૂર છે. આંધ્રપ્રદેશ અને બીજા રાજ્યોના પગલાંની પ્રતિકૂળ અને નકારાત્મક અસરોની પણ વ્યાપક ચર્ચા થવી જરૂરી છે. દાયકાઓની કઠોર મહેનત પછી આપણે વસ્તી નિયંત્રણ હાંસલ કર્યું છે. તેને આમ વેડફી ન નાંખી શકાય. પરિવાર નિયોજનનો ગંભીર મુદ્દો રાજનીતિથી પર થઈને વિચારવો જોઈશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.