-
તમાકુ કે કઠોળ? પ્રાથમિકતા નક્કી કરો
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
નશીલા પીણા કે પદાર્થનું સેવન કરવું નુકસાનકારક છે, અમુક સ્થળે તે ગેરકાનૂની છે, છતાં આખરે તે સ્વૈચ્છિક તેમજ વ્યક્તિગત બાબત છે. તમાકુનું વિવિધ પ્રકારે સેવન સ્વાસ્થ્યને ઘણું નુકસાન કરે છે, અને આ હકીકત હવે અતિશય જાણીતી થઈ ચૂકી છે. સિગારેટ, બીડી કે ગુટખાનાં પડીકાં પર કેન્સરની ચેતવણી અને ભયજનક ચિત્ર જે તે બ્રાન્ડના નામ કરતાંય મોટું મૂકાયેલું જોવા મળે છે. આમ છતાં, કોઈ ચાહીને તેનું સેવન કરવા ચાહે તો એ રોકી શકાય એમ નથી, કેમ કે, છેવટે એ વ્યક્તિગત પસંદગીનો મામલો બની રહે છે.
અલબત્ત, તમાકુ અને તેની પેદાશોને ખલનાયક ચીતરવામાં આવતા રહ્યા છે, તેના સેવન અને વેચાણ પર વિવિધ પ્રકારે પાબંદીઓ મૂકવામાં આવે છે, છતાં તેના ઉત્પાદનને નિયંત્રિત કરવા બાબતે કશું વિચારાતું નથી એ નવાઈ કહેવાય. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મોટેરાં તમાકુનું વિવિધ સ્વરૂપે સેવન કરતાં હોય છે, અને એમનું જોઈને નાનેરાં એ માર્ગે વળે છે. છતાં દરેક કિસ્સે આમ ન પણ હોય. મુખ્ય વાત એ છે કે તમાકુની પેદાશોનું સેવન નુકસાનકારક હોવાની સાથોસાથ ખર્ચાળ પણ છે. એ ખર્ચાળ હોવાને કારણે પરિવારના માસિક આયોજનમાં તેની પ્રાથમિકતા કેટલી છે એ જાણવું જરૂરી છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી કેન્દ્ર સરકારના સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા પ્રકાશિત આંકડા જોવા જેવા છે. આ મંત્રાલય અંતર્ગત વર્ષ ૨૦૨૩ – ૨૪ દરમિયાન ‘નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ’ (એન.એસ.એસ.ઓ.) દ્વારા ઘરેલુ ખર્ચનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. એમાં જણાયું કે વિભિન્ન રાજ્યોમાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પાન, તમાકુ અને અન્ય માદક પદાર્થો પાછળનો ખર્ચ ઘરેલુ ખર્ચના પાંચથી નવ ટકા જેટલો હોય છે. કઠોળ, ફળ અને ક્યારેક તો આ પ્રમાણ દૂધના ખર્ચ કરતાં પણ વધુ હોય છે. શહેરી વિસ્તારોમાં આ પ્રમાણ ઓછું હોય છે, પણ મોટે ભાગે તે કઠોળ પાછળ કરાતા ખર્ચને ઓળંગી જાય છે.
અલબત્ત, આ નવું નથી. અગાઉ એન.એસ.એસ.ઓ. દ્વારા વર્ષ ૧૯૯૯-૨૦૦૦ દરમિયાન કરાયેલા અભ્યાસમાં આ પ્રમાણ ભારતભરમાં દસ ટકા જણાયું હતું. સાદી ભાષામાં કહીએ તો લોકો પોષક ખાદ્ય ચીજો કરતાં વધુ ખર્ચ આવા માદક દ્રવ્યો પાછળ કરતા જણાયા.
આનો એક અર્થ એ થઈ શકે કે ખર્ચ કરનારાઓ પસંદગીપૂર્વક પોષક આહારને બદલે માદક દ્રવ્યો પાછળ ખર્ચ કરે છે. સવાલ એ પરવડવાનો નથી, પણ પ્રાથમિકતાનો છે. ૧૯૯૦ના દાયકામાં એવું જોવા મળેલું કે ઘરેલુ ખર્ચનો મોટો હિસ્સો અનાજ પાછળ ખર્ચાતો. એ પછીના સમયમાં તે તમાકુ જેવા માદક દ્રવ્યો પાછળ ખર્ચાતો થયો છે, જે નથી આહાર કે નથી આપતો કશું પોષણ. તેનાથી મળે છે ફક્ત ને ફક્ત જીવલેણ રોગ. લોકો નાણાં ખર્ચીને પીડાદાયી મૃત્યુ ખરીદે છે એમ કહી શકાય.
આમ થવા પાછળનું કારણ શું? પહેલી અને પ્રાથમિક વાત એ કે આને લોકોની આર્થિક સમૃદ્ધિ કે વધેલી ખરીદશક્તિ સાથે સાંકળી લેવાની જરાય જરૂર નથી. શ્રમિક વર્ગના કામ કરવાની બદલાયેલી પરિસ્થિતિઓ તેના માટે ઘણે અંશે જવાબદાર છે.
‘એડવાન્સ્ડ સ્ટડીઝ ઈન કોમ્પ્લેક્સ ચોઈસીસ’ (આઈ.એ.એસ.સી.સી.)ના સભ્ય અનિલ સૂદના જણાવ્યા અનુસાર શારિરીક શ્રમના કામમાં તમાકુનું સેવન એક મહામારીની જેમ વ્યાપેલું છે. નિવાસી સમુદાયોમાં આ વલણ દાયકાઓથી જોવા મળતું આવ્યું છે. યોગ્ય વિરામ વિના લોકો બારથી ચૌદ કલાક કામ કરે છે, જાગતા રહે છે અને ઢસડ્યે રાખે છે. આ પ્રક્રિયામાં તેઓ ખોરાકની અવેજીમાં અન્ય માદક પદાર્થના શરણે જાય છે. સૂદે એમ પણ જણાવ્યું કે આ વલણ વિવિધ કાર્યક્ષેત્રો અને વયજૂથોમાં વ્યાપક રીતે જોવા મળે છે. ચાહે એ બાંધકામ ક્ષેત્રના કામદારો હોય, ડેરીઉદ્યોગના હોય કે ટેક્સી ડ્રાઈવરો હોય. અઢાર- ઓગણીસ વર્ષના યુવાનો સુધ્ધાં આ કુટેવને અન્યો પાસેથી ગ્રહણ કરી લે છે. તેઓ માને છે કે આનાથી તેમને ઊર્જા મળે છે. એક વાર શરૂ થઈ ગયા પછી આ આદત ભાગ્યે જ છૂટે છે.
શહેરી વિસ્તારોમાં ધુમ્રપાનનું પ્રમાણ ઘટ્યું છે, પણ તમાકુનું સેવન વધી રહ્યું છે. ખાસ કરીને શહેરમાં આવેલા સ્થળાંતરિત શ્રમિકો આ આદતને ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરોમાં લાવે છે. સૂદના જણાવ્યા અનુસાર શહેર હોય કે ગામ, આદત એટલી જ નુકસાનકારક બની રહે છે.
આપણા દેશની તમાકુ નિયંત્રણ નીતિમાં સિગારેટ પર નિયંત્રણ વધુ જોવા મળે છે, જ્યારે ધુમ્રવિહીન પદાર્થો, જેવા કે તમાકુ, પાનમસાલા કે અન્ય સ્થાનિક પદાર્થો સુલભ અને સસ્તાં હોય છે. તેમની પર નિયંત્રણ ખાસ હોતું નથી. વિચિત્ર બાબત એ પણ છે કે વારેવારે જી.એસ.ટી.ના વધારા પછી પણ આ સેવન ઘટ્યું નથી, જે સૂચવે છે કે ભાવવધારો પણ સેવનને રોકી શકતો નથી. બારથી ચૌદ કલાક કામ આકરું શારિરીક કામ કરવાનું હોય એવી સ્થિતિમાં ભલે કામચલાઉ ધોરણે, પણ તમાકુ કે અન્ય માદક પદાર્થો જાણે કે ઔષધિનું કામ કરે છે. તેનાથી થતી લાંબા ગાળાની નુકસાનકારક અસરો વિચારી શકાય એવી એ કામદારોની માનસિક કે આર્થિક સ્થિતિ હોતી નથી.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી આપણી પોષણ નીતિ મુખ્યત્વે અનાજ દ્વારા મળતી કેલરી પર કેન્દ્રિત છે. પ્રોટિન તેમજ અન્ય સૂક્ષ્મ પોષક દ્રવ્યની ઉણપ એમની એમ રહે છે. આ અભ્યાસમાં જાણવા મળે છે કે આવક વધે તો પણ ઘરના ખર્ચનો હિસ્સો તમાકુમાંથી અન્ય પોષક દ્રવ્યો તરફ ફાળવાતો નથી. મતલબ કે સ્વાસ્થ્ય નીતિ અને પોષણ નીતિ રેલવેના બે પાટાની જેમ, એકમેક સાથે કશી લેવાદેવા વિના કામ કરે છે. આ બાબતે સરકાર જ્યારે વિચારે ત્યારે, એક નાગરિક તરીકે આપણે સૌએ વિચારવા જેવું છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨ – ૨– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
વિધિ.
જીવનની ખાટી મીઠી
નીલમ હરીશ દોશી
પહેલી દીકરીનો જન્મ થયો ત્યારે અનંતભાઇ અને ધરાબેને અંતરના વહાલથી દીકરીને પોંખી હતી. એ પછી બે વરસે પુત્ર ફેનિલ આવ્યો અને એક પૂર્ણ કુટુંબની વ્યાખ્યા પૂરી થઇ.
વિધિ કે ફેનિલ ભાઇ બહેનના ઉછેરમાં કોઇ ભેદભાવ તેમણે નહોતો રાખ્યો. બલ્કે વિધિ તો કાલ સવારે પારકી બનીને ઉડી જશે..એવા વિચારે વધારે લાડથી રાખી હતી.
નસીબજોગે દીકરા કરતા દીકરી ભણવામાં વધારે હોંશિયાર નીકળી. થોડી ઘણી આર્થિક તકલીફ વેઠીને પણ સારા માર્કસ આવવાથી અનંતભાઇએ દીકરીને મેડીકલમાં મોકલી. દીકરો ગ્રેજયુએટથી આગળ વધી ન શકયો. ભણવામાં તેને ખાસ રસ ન જ જાગ્યો. વિધિ ડોકટર બની અને ફેનિલને એક બેંકમાં કલાર્ક તરીકે નોકરી મળી ગઇ.બંને ભાઇ બહેનના લગ્ન કરી માતાપિતાએ હાશકારો અનુભવ્યો. સંસારની બધી જવાબદારીઓ હવે પૂરી થઇ હતી. સદનસીબે વહુ પણ સારી મળી હતી. ખાસ કોઇ તકલીફ નહોતી. બહું પૈસા નહોતા પણ રોજિંદો જીવનનિર્વાહ ચાલી જતો હતો. પુત્રી વિધિ હવે લાખોમાં ખેલતી હતી. તેનો પતિ પણ ડોકટર હતો અને બંનેની પ્રેકટીસ સરસ ચાલતી હતી. તેના પતિ ઉમંગનો સ્વભાવ પણ ખૂબ સારો હતો. દીકરીનું સુખ જોઇ માતા પિતા હરખાતા રહેતા હતા.
ફેનિલના દીકરાને જનોઇ આપવાની હતી. તેથી વિધિ પિયર આવી હતી. આમ તો તે ખાસ આવતી નહીં..આવે ત્યારે પણ એક દિવસથી વધારે રોકાતી નહીં. શ્રીમંત પુત્રીને હવે અહીં થોડા અગવડવાળા ઘરમાં ફાવતું નથી. માતા સમજી જતી. પરંતુ શું બોલે ? અને વિધિ તો કહેતી રહેતી., ’ ફેનિલ, આવા ઉનાળામાં તમે બધા રહો છો કેમ ? માણસ એકાદ એ.સી. તો વસાવી લે.’
ફેનિલ કશું બોલતો નહીં. વિધિ ભૂલી જતી કે પોતે પણ આ ઘરમાં જ મોટી થઇ છે. અને ભાઇની સામાન્ય નોકરી,માતા પિતાની જવાબદારી આ બધામાં એ.સી. કે એવી કોઇ સગવડ તેને પોસાય તેમ નથી. બહેન આ બધું જાણતી જ હતી. અને છતાં ભાઇના ઘરમાં પોતાને કઇ ક ઇ અગવડ પડે છે અને ભાઇના ઘરમાં શું નથી..એ એક કે બીજી રીતે બતાવતી રહેતી. વિધિની વાત કોઇને ગમતી તો નહીં..પરંતુ દીકરી બે દિવસ આવી છે એમાં એને કયાં કહેવું ? એવા વિચારે બધા મૌન રહીને સાંભળી લેતા.
વિધિ આવે એટલે ઘરમાં ટેંશન વધી જાય. તેની પુત્રીને અમુક વસ્તુ જ ગમે અને અમુક વસ્તુ જ ભાવે..એ બધાનું ધ્યાન રાખવામાં જો જરાક પણ ચૂક થાય તો ભાભીનું આવી જ બને. એક બે દિવસ પણ મારી દીકરીને તમારાથી નથી સરખી રીતે નથી સાચવી શકાતી ?ભાભી સારી હતી..તેથી સાંભળી લેતી. મનમાં ગુસ્સો તો બહું આવતો. પણ ચૂપ રહેતી. વિધિ આવે એટલે ઘરનું બજેટ પણ ડામાડોળ થઇ જાય.’ જો, ફેનિલ, મારા ઘર પ્રમાણે તારે વહેવાર કરવાનો..તારું ખરાબ ન લાગે એટલે કહું છું. બાકી મને કંઇ તારા પૈસાની પડી નથી. મારે કોઇ જરૂર નથી. પણ મારો ભાઇ સાધારણ છે એવું કોઇ કહી જાય એ મને ન ગમે. અને બહેનનો વહેવાર સાચવવા ભાઇને કયારેક કોઇ પાસેથી ઉધાર પૈસા પણ લેવા પડતા. વિધિ આવે ત્યારે ભાઇના દીકરા માટે મોંઘા કપડાં ને મોંઘી વસ્તુઓ અચૂક લાવે. પણ પછી કહેવાનું ન ચૂકે ‘ મારે તો હજુ ઘણું લાવવું હતું. પણ પછી પાછું વાળવામાં ભાઇ બિચારો તણાઇ જાય ને ? બહેનનું રાખીને બેસી તો ન રહેવાય. નકામું તમારે બમણું કરીને આપવું પડે. એટલે હું જ વધારે નથી લાવતી.’
આ વખતે તો જનોઇનો પ્રસંગ હતો. વિધિ ભાઇના દીકરા માટે સોનાનો ચેન લાવી હતી. ફેનિલ ગભરાયો. હવે બહેનને પોતે પાછું કેવી રીતે વાળી શકશે ? તે મા સામે જોઇ રહ્યો. મા દીકરાની મૂંઝવણ સમજી ગઇ. તેણે ધીમેથી પુત્રીને કહ્યું. ’ વિધિ, તું ભત્રીજા માટે હોંશથી લાવી એ સારું કર્યું. પણ બેટા, તારે અમારા ઘર પ્રમાણે જ લાવવું..તારા ઘર પ્રમાણે નહીં. અમારાથી તારા ઘરના મોટા વહેવાર નહીં સચવાય. દીકરી, તું ડોકટર બની છે. તારો ભાઇ એક કલાર્ક છે. એ યાદ રાખજે.
ફેનિલ, વિધિનો ચેન પાછો આપી દે. વિધિ, શુકનનો સવા રૂપિયો ભત્રીજાને પ્રેમથી આપી દેશે. અમારે તો પ્રેમની જ કીમત છે. ‘ ફેનિલે ચેન બહેનના હાથમાં લંબાવ્યો. વિધિ શું બોલે ?
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
-
સ્મૃતિસંપદા – સ્મરણગંગા : અશોક વિદ્વાંસ – સેકન્ડ ઇનીંગ્સ [૩]
આ પહેલાં આપણે શ્રી અશોક વિદ્વાંસની પહેલી ઇનિંગ્સના અમદાવાદ – કૉલેજ – અને આગળના તબક્કાથી અવગત થયાંહવે આગળ…..
લગ્ન – ભાવનગર – અને વડોદરા
લગ્ન એ માનવીના જીવનની સૌથી વધુ અગત્યની ઘટના છે. ૭૫ વર્ષનું આયુષ્ય મળ્યું હોય એવા પરિણીત સ્ત્રી અને પુરુષ આશરે ૫૦-૫૫ વર્ષ સુખ-દુઃખમાં પરસ્પરનાં સાથી તરીકે રહે છે, જીવે છે. આમાંથી થોડાં જ યુગલ એવાં હોય છે કે જેમનો સંસાર સદા-સર્વદા સુખી, અને પરસ્પરના સ્નેહથી ઉભરાતો હોય છે, એમ છતાં પાછલા આશરે ચાર-પાંચ હજાર વર્ષથી ’પતિ-પત્ની અને બાળકોવાળું કુટુંબ’ એ માનવ સમાજનું મુખ્ય ઘટક રહ્યું છે. સ્ત્રી-પુરુષની જોડી વિનાનું કુટુંબ અને એવા કુટુંબ વિનાનો સમાજ હજી સુધી તો આપણી કલ્પનામાં નથી.
એ જ અગત્યની ઘટના અમારા જીવનમાં પણ બની અને ૬ જુન ૧૯૭૧ના દિવસે શૈલા અને હું લગ્નવિધિથી જોડાયાં. અમારાં લગ્ન ’આયોજિત’ હતાં. પહેલાં બંનેનાં કુટુંબથી પરિચિત અને હિતેચ્છુ એવા સંબંધીએ અમારાં વડીલો પાસે દરખાસ્ત મૂકી, પછી અમે બંને બે વખત રૂબરૂ મળ્યાં અને પરસ્પર માટે અમારી પસંદગી જાહેર કરી. એ દિવસોમાં શૈલા વડોદરામાં અને હું દુર્ગાપુરમાં હતો એટલે લગ્ન પહેલાં એથી વધારે વાર મળવાનું શક્ય ન હતું. આમ અમારો પ્રત્યક્ષ પરિચય ખૂબ ઓછો હતો. પણ પત્રદ્વારા અમે એકબીજાનાં સંપર્કમાં રહ્યાં. એ છ મહિનામાં અમે દર અઠવાડિયે અરસપરસને એકથી વધુ પત્રો લખતા. શૈલાનાં પત્રોમાંથી મને એનું જે વ્યક્તિત્વ દેખાયું એ પ્રત્યેક ક્ષણે જીવન માણવા ઇચ્છતી, એક અતિશય ઉલ્લાસ અને ઉત્સાહથી ઊભરાતી નવયૌવનાનું હતું. એ એટલું યથાર્થ હતું કે આશરે ત્રીશ વર્ષ પછી અમેરિકામાં અમારા એક મિત્રે શૈલાનું નામ “ઉત્સાહમૂર્તિ” પાડ્યું! એ સમયમાં દૂર દુર્ગાપુરમાં હું એકલો હોવા છતાં ખૂબ ખુશ હતો.
લગ્નપ્રસંગે મેં કરેલી બે વાત મને બરાબર યાદ રહી ગઈ છે. જૂના જમાનાથી મરાઠી સમાજમાં પ્રચલિત, માંડવામાં જ પતિ પોતાની પત્નીનું નામ બદલી એને નવું નામ આપે, એવો એક બેહૂદો રિવાજ છે. પુરુષપ્રધાન સંસ્કૃતિનું એ એક વરવું ઉદાહરણ છે જેમાં લગ્ન પહેલાંનું સ્ત્રીનું અસ્તિત્વ સંપૂર્ણપણે મીટાવી દેવાની ઘેલછા રહેલી છે. મેં એ રિવાજ અનુસાર શૈલાનું નામ બદલી ’શીલા’ કર્યું હતું. સાહજિક જ શૈલાને એ માટે બહુ માઠું લાગ્યું હતું. જ્યારે એણે અમેરિકન નાગરિકત્વ અંગીકાર કર્યું ત્યારે શૈલાને મારી એ ભૂલ સુધારવાની તક મળી અને તેણે એનો યોગ્ય ઉપયોગ કર્યો. તે દિવસથી કાયદેસર રીતે ’શીલા’ પાછી ’શૈલા’ બની. બીજું એટલે લગ્ન પ્રસંગે મને કશુંક સારું કરવાની મળેલી તકનો મેં ઉપયોગ ન કર્યો એ વાત. શૈલાના બાળપણમાં જ એના પિતાજીનું અવસાન થયેલું, પરિણામે અમારાં લગ્ન વખતે એનાં બા વિધવા હતાં. મારાં એક માશી પણ ’બાળવિધવા’ હતાં. અમારા લગ્ન હિંદુ વિધી પ્રમાણે થયાં હતાં. ત્યારે મારે આગ્રહપૂર્વક એમ કહેવું જરૂરી હતું કે વિધી શૈલાનાં બા અને મારાં માશી કરે. આજે તો કદાચ આવું બનવું સામાન્ય હશે પણ અમારા લગ્ન સમયે એવું ન હતું. એ વખતે મેં એમ કર્યું હોત તો એ બે સ્ત્રીઓની જીવનભરની તપસ્યાની કદર થઈ હોત. મારા માટે મારાં માશી અને શૈલાને માટે એનાં બા જેટલું હિતેચ્છુ અન્ય કોઇ ન હતું. અફસોસ, મને એમ કરવાનું ન સૂઝ્યું.
અમારાં લગ્ન પ્રસંગે નીરખેલો એક મરાઠી રિવાજ મને ખૂબ ગમ્ય઼ો છે. લગ્ન પછી પહેલી જ વાર શૈલા અમારાં ઘરમાં પ્રવેશી ત્યારે બારણામાં ચોખા ભરેલો એક પ્યાલો મૂક્યો હતો. રિવાજ પ્રમાણે શૈલાએ એને પગથી ઠોકર મારી ચોખા ઢોળી નાખવાના અને મારાં ભાભી (શૈલાનાં જેઠાણી) એ ચોખા પાછા પ્યાલામાં ભરી દે. શૈલાએ અને નીલાભાભીએ આ વાત બે-ત્રણ વાર કરી અને પછી શૈલાએ ગૃહપ્રવેશ કર્યો. આ રિવાજમાં સૂચન એ છે કે અમારાં ઘરમાં પહેલી જ વાર આવનાર યુવતી ભૂલ તો કરશે પણ અમે – ઘરના વડીલો – એ ચલાવી લઈશું, એને સુધારી લઈશું અને સંભાળી લઈશું. આવા સરસ, અર્થપૂર્ણ, રિવાજનું આપણાં આખા સમાજમાં પાલન થતું હોય તો કેવું સારું? સાસુ-વહુનાં સંબંધો કેટલાં મીઠાં બની જાય!
આપણાં હિંદુ લગ્ન વિષે એક વધુ વાત અહીં નોંધવી છે. લગ્નવિધી ચાલતી હોય ત્યારે પ્રેક્ષકોનું વર્તન કેમ તદ્દન બેશિસ્ત હોય છે? એકાદ કલાકની વિધી દરમિયાન પણ આપણે શાંત અને સ્વસ્થ બેસી પ્રસંગની આમન્યા કેમ જાળવી નથી શકતા? અમેરિકા આવ્યા પછી મેં જોયું કે આપણે જ્યારે ક્રિશ્ચીયન વિધીથી ચર્ચમાં થતાં લગ્નમાં હાજરી આપીએ ત્યારે ચૂપચાપ બેસી પ્રસંગની ગરિમા જાળવીએ છીએ. તો, એવી જ શિસ્ત આપણે આપણાં લગ્ન પ્રસંગે કેમ નથી જાળવી શકતાં?
શૈલા મારા જીવનમાં પ્રવેશી અને એકાદ અઠવાડિયામાં મને ભાવનગરમાં નવા શરૂ થતા એક ’મિનિસ્ટીલ પ્લાન્ટ’માં લગભગ બમણા પગારની નોકરી મળી !! આ કદાચ કાકતાલીય ન્યાય હશે. પણ અમારાં ઘરમાં સહુએ શૈલાને શુકનવંત કહી ખૂબ ખુશી વ્યક્ત કરી. અમારા ઘરથી દુર્ગાપુર ૧૧૦૦ માઈલ દૂર હતું. ભાવનગર અમારે મન ઘરસમાન હતું. મારો સ્ટીલ ઇન્ડસ્ટ્રીના કામનો અનુભવ લેખે લાગ્યો હતો. મેં તરત જ એ નોકરી સ્વીકારી અને શૈલા અને હું અમારું પહેલું ઘર વસાવવા ભાવનગર પહોંચી ગયાં.
એ પછીના સાત વર્ષ અમે ભાવનગરમાં ગાળ્યાં. ખાનગી માલિકીની – એકાદ વ્યક્તિ જ જેની માલિક હોય અને બધો કારભાર ચલાવતી હોય એવી – કંપનીમાં કામ કરવાનો આ મારો બીજો અનુબવ હતો. આવી કંપનીને ’માલિકની મરજી’ એ એક માત્ર ’કલ્ચર’ હોય છે. તન તોડી નાખે એવું કામ અને સાથે એવો જ સારો પગાર, અને જો તમે શેઠની મરજીમાં આવી જાવ તો તો ઘી-કેળાં. અમેરિકા આવવા પહેલાં ભારતમાં મેં ત્રણ જગ્યાએ થઈ કુલ ૧૪-૧૫ વર્ષ આવી ખાનગી કંપનીમાં કામ કર્યું. બધે લગભગ આવો જ અનુભવ થયો વફાદારીને ખૂબ કિંમત પણ નીતિમત્તાનો ખાસ ભાવ નહીં. મહેનતુ, સાહસી, ખંતીલા, પણ સાથેસાથે જ જરા ’જાડી ચામડીવાળા’ લોકો આવા વાતાવરણમાં ખૂબ ખીલી ઊઠે. આવી જગ્યાએ હું આટલો સમય શી રીતે ટકી શક્યો એ મારે મન એક કોયડો છે. એ બધા વર્ષોમાં મને કામ અંગે ભારતભર ખૂબ ફરવા અને જોવા-જાણવા મળ્યું.
ભાવનગર એ સોનગઢ કરતાં ખાસું મોટું પણ અમદાવાદ કરતાં ઘણું નાનું અને જૂની વિચારસરણીવાળું શહેર છે. આઝાદી પહેલાં ભાવનગર એક સંસ્થાન હતું અને એ સમયનું સ્મરણ કરાવે એવાં અવશેષો ત્યાંની પ્રજાની રહેણીકરણીમાં હજી પણ મોજુદ હતાં.
અમે ભાવનગર હતાં એ દરમિયાન શૈલાને ફ્રાન્સ અને મને અમેરિકા ફરવા જવાની સરસ તક મળી જે અમે બંનેએ ઝડપી લીધી. ૧૯૭૪માં શૈલા અને હું એક “ફ્રૅન્ચ ઇન્ટરનૅશનલ ઍક્સચેન્જ ગ્રુપ”માં જોડાયાં અને ભાવનગરમાં પહેલીવાર પાંચ ફ્રૅન્ચ પરોણાં આવ્યાં અને અમારી સહિત પાંચ કુટુંબમાં એકએક જણ ત્રણ અઠવાડિયા રહ્યાં. અમારા બધાં માટે એ એક સાવ નવતર અને ખૂબ આહ્લાદક અનુભવ હતો. ત્યારથી, ૧૯૮૩માં ભારત છોડી અમેરિકા આવ્યાં ત્યાં સુધી અમે બંને એ પ્રવૃત્તિ સાથે પૂરા ઉત્સાહથી જોડાયેલાં રહ્યાં. એના જ નેજા હેઠળ ૧૯૭૬માં શૈલાને એક મહિના માટે પેરિસ સહિત ફ્રાન્સના જુદા જુદા ભાગમાં રહેવા-ફરવાની સુંદર તક મળી. એ પ્રવૃત્તિને કારણે અમારે કેટલાંક ફ્રૅંચ કુટુંબ સાથે જે મૈત્રી થઈ છે એ આજે પચાસ વર્ષ પછી પણ ખૂબ ઘનિષ્ટ છે. ૧૯૭૬માં ’ગ્રુપ સ્ટડી ઍક્સચેન્જ’ નામના રોટરી ક્લબના એક પ્રોગ્રામના સભ્ય તરીકે ભાવનગર રોટરી ક્લબ તરફથી મારી પસંદગી થઈ અને બે મહિના માટે મને અમેરિકાના ’વેસ્ટ વરજિનીયા’ રાજ્યમાં જુદાજુદા કુટુંબ સાથે રહેવા મળ્યું. આ બંને પ્રવાસ પછી અમને એક ખાતરી થઈ કે દુનિયા ઘણાં બધાં સજ્જન, પ્રમાણિક, અને શાંતિપ્રિય માણસોથી ભરેલી છે.
મારા અમેરિકાના પ્રવાસ માટે ’વિઝીટર વિસા’ મેળવવો જરૂરી હતો અને એ કરતાં એક અણધાર્યો અનુભવ થયો. અમારી ટીમ માટે વિસા મેળવવાનું કામ જે ’ટ્રાવેલ એજન્સી’ કરતી હતી એણે મને જણાવ્યું કે મારા સિવાય બધાને વિસા મળી ગયો છે પણ મુંબઈના કૉન્સલ મને પ્રત્યક્ષ મળવા માગે છે. એ મુલાકાતમાં મને કૉન્સલેટના અધિકારીએ જણાવ્યું કે દસ વર્ષ અગાઉ મેં કરેલી ’ઇમિગ્રેશન વિસા’ની અરજી એમના દફતરમાં હજી ’ખુલ્લી’ છે એટલે તેઓ મને વિઝીટર વિસા નહીં આપી શકે; પણ હું જો વિઝીટર વિસાની અરજી રદ કરું તો તેઓ મને તરત જ ઇમિગ્રેશન વિસા આપશે. એવી અરજી કર્યાનું મને તો યાદ પણ ન હતું! મેં કહ્યું, “ઇમિગ્રેશન વિસાની અરજી રદ કરી મને વિઝીટર વિસા આપો.” પેલા અધિકારી આશ્ચર્યથી મારા સામે જોઇ રહ્યા. આ ૧૯૭૮ની વાત હતી જ્યારે ’ઇમિગ્રન્ટ’ તરીકે અમેરિકા જવા લોકો એક પગે તત્પર હતા. અધિકારીએ મને બે વાર પૂછ્યું, “તમે ખરેખર મને તમારી ઇમિગ્રેશન વિસાની અરજી રદ કરવા કહો છો?” મેં બંને વાર સ્પષ્ટ ’હા’ કહ્યું. ખૂબ આશ્ચર્ય સાથે એમણે મને એક જગ્યાએ સહિ કરવા કહ્યું અને એ ફાઇલ ’ક્લોઝ’ કરી તરત જ મને વિઝીટર વિસા આપ્યો. આ આખો પ્રસંગ લખવાનાં બે કારણ છે. એક, આ પરથી ખ્ય઼ાલ આવે છે કે અમેરિકન સરકારનું ’પરદેશખાતું’ કેટલું બધું વ્યવસ્થિત અને ધોરણસર કામ કરે છે! બીજું, કે એ સમયે કાયમ માટે અમેરિકા જવાની મારી જરાપણ ઈચ્છા ન હતી. સદંતર વિરોધાભાસ એ છે કે પછીના માત્ર પાંચ જ વર્ષમાં અમે ભારત છોડી કાયમ માટે અમેરિકા રહેવા આવ્યાં.
ભાવનગરના અમારાં સાત વર્ષના રોકાણમાં અમને એક અતિશય સરળ સ્વભાવના, પરગજુ, અને ઉષ્માભર્યા દિલવાળા વડીલની શીળી છાંયમાં રહેવાનો મોકો મળ્યો. એમનું આખું નામ તો મૂળશંકરભાઈ મો. ભટ્ટ, પણ એમને નજીકથી ઓળખનાર સહુ ’ભાઈ” ના હુલામણા નામે સંબોધે. લગભગ અકિંચન હોવા છતાં ભાઈનું જીવન એવું ભર્યું-ભર્યું હતું કે એ દેખીને ભલભલાને અચંબો થાય. જાણે જીવન સાચી રીતે જીવવાની જડીબુટ્ટી એમને મળી ગઈ હતી. એમનું કે એમના જીવન સાફલ્યનું આથી વધારે શબ્દોમાં વર્ણન કરવા હું અસમર્થ છું. મારા કાકા શ્રી ભાસ્કરરાવ (ઉર્ફે અમારા દાદા) અને ભાઈ, એ બે વડીલો મારા જીવનમાં આવ્યા એ માટે હું પોતાને ધન્ય સમજું છું.
ભાવનગરમાં બે જૂની ઓળખાણ પાછી તાજી થઈ. એક મહેન્દ્રભાઈ મેઘાણી, અને બીજો મારો શાળાનો મિત્ર જીવરાજ સુતરિયા. ખોબો ભરીને ખારીશીંગ લઈ ચાવતા-ચાવતા રોજ સવારે મહેન્દ્રભાઈ અમારા ઘર પરથી ચાલીને ’લોકમિલાપ’ કામે જતા. આખો દિવસ કર્મયોગીની નિષ્ઠાથી મિલાપના કામમાં ડૂબેલા રહેતા. ’લોકોને સારું વાચન-સાહિત્ય પીરસવું’ એ એક માત્ર ધ્યેય પાછળ એમણે પોતાની આખી જિંદગી આપી છે. એક હાથલારીમાં પુસ્તકો ભરી એકાદ શાકભાજીવાળાની જેમ ઠેલતા ઠેલતા ભાવનરના મુખ્ય ચોકમાં જઈ તેઓ ત્યાં દિવસભર ઊભા રહેતા. વેચાણ તો કેટલું થતું હશે કોણ જાણે, પણ એમની લગનને સો-સો સલામ છે. રોજ પરોઢિયે ઊઠી ઘંટી પર બેસી આખા ઘરની લોટની જરરિયાત માટે તેઓ ઘઉં-બાજરી જાતે દળતા. ભાઉનો ૭૫મો જન્મદિન ઉજવવા અમે એમના કેટલાક મિત્રોને જમવા નોતરેલા એમાં મહેન્દ્રભાઈ પણ હતા. મહેન્દ્રભાઈએ મને કહ્યું, “તે દિવસના લાડવા માટે ઘઉંનો લોટ હું આપી જઈશ.” અલબત્ત એ લોટ એમણે જાતે દળેલો હતો! મહેન્દ્રભાઈ એક તપસ્વીનું જીવન જીવ્યા છે. આજે લગભગ ૧૦૦ વર્ષની વયે, અનેક શારીરિક વ્યથા વચ્ચે તેઓ સન્યસ્ત મનથી શરીરનો મોહ છોડીને બેઠા છે.
મેં ઉપર લખ્યું છે તેમ મારો મિત્ર જીવરાજ એક ફિલસૂફ છે. એણે મારી સાથે જ ઇન્ટર-સાયન્સની પરીક્ષા આપી અને ’પ્યૉર ફિઝીક્સ’માં પીએચ. ડી કર્યું ને અમે ભાવનગરમાં હતા ત્યારે જ ત્યાંની કૉલેજમાં પ્રોફેસર બન્યો. પણ એ જન્મજાત ખેડૂત અને એની રગેરગમાં ખેતીપ્રેમ ભરેલો હોવાથી ૩-૪ વર્ષમાં જ ’પ્રોફેસરગીરી’ છોડી એક વિશાળ વાડી વેચાતી લીધી અને આનંદથી ખેતી કરવા માંડ્યો. ત્યારથી આજે પચાસ વર્ષ પછી પણ તનથી અને મનથી એ ખેડૂત જ છે. અવારનવાર એની વાડી પર જઈ ઋતુ પ્રમાણે બોર, જમરૂખ, શેરડી આરોગવાનું શૈલા અને મારા માટે સામાન્ય બની ગયું છે. તે સમયથી અજવાળીભાભીએ જે પ્રેમથી અમને રાખ્યાં છે એ આજે પચાસ વર્ષ પછી પણ સતત ચાલુ છે. અજવાળીભાભીનો નિર્મળ પ્રેમ એટલે એમના હૃદયની આરસી. પરંતુ જીવરાજ સાથેની એ મુલાકાતો માત્ર મજા પુરતી મર્યાદિત ન હતી. પોતે જે દીર્ઘદૃષ્ટિથી ખેતી કરતો’તો એ જીવરાજ મને વિગતથી સમજાવતો. ખેડૂતને વૈજ્ઞાનિક સમજ કેવી રીતે આપી શકાય, એને સક્ષમ કેમ બનાવી શકાય, અને સમાજમાં એનું શોષણ થતું કેમ અટકાવી શકાય; એ વાતો હું જીવરાજ પાસેથી સમજ્ય઼ો. એની સાથેની ચર્ચામાં “માણસ દુઃખી કેમ થાય છે?” જેવા અટપટા પ્રશ્નોનાં જવાબ વિષે વિચારતો થયો. દુનિયાના કેટલાક મહાન તત્વચિંતકોના વિચાર મેં એની પાસેથી જાણીને સમજ્યા છે. એમાં જીવરાજની ખાસિયત એ કે એ આવા તત્વચિંતકોના પ્રગલ્ભ વિચાર રજૂ કરે ત્યારે માત્ર પોપટિયું જ્ઞાન નથી હોતું પણ સમજીને આત્મસાત કરેલી માહિતી હોય છે. મિત્રોની બાબતમાં હું સાચે જ નસીબદાર રહ્યો છું.
અમે ભાવનગર ગયાં અને તરત જ શૈલાએ ત્યાંની કૉલેજના આંકડાશાસ્ત્ર વિભાગમાં નોકરી મેળવી. એ વખતે એની ઉંમર આશરે ૨૨ વર્ષ હતી, ત્યારથી અમેરિકા આવ્યા પછી ૨૦૧૩ની સાલમાં નિવૃત્ત થઈ ત્યાં સુધી એણે કામ કર્યું. પોતાની વ્યાવસાયિક કારકિર્દી એ શૈલાનાં જીવનનો અગત્યનો, છતાં માત્ર એક ભાગ હતો. ભાવનગરનો નાનો પણ એકજૂથ મરાઠી સમાજ સાંસ્કૃતિક રીતે ખૂબ સમૃદ્ધ હતો. ગણપતિ-ઉત્સવના નાટકોમાં ભાગ લઈ શૈલાએ એમાં પોતાનું સ્થાન મેળવ્ય઼ું. સાથે જ અનેક નવી ઓળખાણ કરી અમારા કૌટુંબિક જીવનને ભર્યુંભર્યું બનાવ્યું. નીડરપણે પોતાનો મત રજૂ કરવામાં શૈલાને સંકોચ નથી થતો. એકવાર ભાવનગરની કૉલેજમાં વિદ્યાર્થીઓએ હડતાળ પાડી, તોફાન કર્યું, અને એક પ્રોફેસર પર ખુરશીનો ઘા કર્યો. આખરે સમાધાન થયું અને થોડા દિવસમાં ગુરૂપૂર્ણિમા આવી ત્યારે વિદ્યાર્થીઓએ ગુરૂજનોનું પૂજન કર્યું. એ પ્રસંગે શૈલાએ વિદ્યાર્થીઓને સંબોધી કહ્યું, “તમે અમારું પૂજન કરો એ સારી વાત છે. પણ તો પછી અમારામાંના એક પર ખુરશીનો ઘા કરો એ કેવું?” એ સાંભળી પ્રિન્સીપાલ સહિત ત્યાં હાજર હતા એ સહુ સ્તબ્ધ બની ગયા. દયાજનક વાત તો એ કે ખાનગીમાં પ્રિન્સીપાલે શૈલાને સલાહ આપી, “આપણે આવું ન બોલવું.” આવું હતું અમારું ભાવનગર!
૨૯મી મે ૧૯૭૪ના દિવસે અમારા દીકરા રણજિતનો જન્મ થયો; અમારા સંસારમાં પૂર્ણતા આવી અને સાથે જ એક નવું સોપાન ખુલ્યું. એને માટે નવાંનવાં કપડાં અને રમકડાં લાવવામાં શૈલાનો હરખ માતો ન હતો. “રણજિત અમારું એક માત્ર સંતાન છે.” એટલું કહું તો વાચક એના પ્રત્યેની અમારી લાગણી સમજી શકશે. સમય ઝટપટ પસાર થવા લાગ્યો અને અમારા ધ્યાનમાં આવે એ પહેલાં જ ત્યાંની ’કૉન્વ્હૅન્ટ સ્કૂલ’માં રણજિતનો અભ્યાસ શરૂ થયો. ત્યાંના ’પ્રિન્સ સ્ટુડિઓ’માં પડાવેલો રણજિતનો ફોટો આજે પણ મારા ડેસ્કની બાજુમાં છે. બાળપણમાં એને સંભાળનારાં, ગરીબ પણ અત્યંત પ્રેમાળ અને સરળ સ્વભાવનાં નંદકુંવરબાની ખાનદાની અમે બંને આજે પણ યાદ કરીએ છીએ.
૧૯૭૬માં અચાનક ખબર પડી કે દાદાને ’રૅક્ટમ’નું કૅન્સર છે અને એ ભાગ શસ્ત્રક્રિયા કરીને કાઢી નાખવો પડશે. એ ઑપરેશન મુંબઈની ટાટા હૉસ્પિટલમાં કરવાનું નક્કી કર્યું. એ પ્રસંગે દાદાની મદદમાં અને સારવાર માટે હું પણ એકાદ મહિનો ત્યાં રહ્યો. ઑપરેશન નિર્વિઘ્ન પાર પડ્યું, અને દાદા એ પછી આઠ વર્ષ તંદુરસ્તપણે જીવ્યા. એ માંદગી દરમિયાન દાદાની સેવા કરવાની મને તક મળી એ મારું મોટું સદ્ભાગ્ય હતું. ભાઉના કુટુંબ પર એમના એટલા બધા ઉપકાર છે કે એમ કહી શકાય કે એમના વગર અમે કોઇ કશું ન હોત. અહીં એક અગત્યની નોંધ કરી લઉં. હૉસ્પિટલમાં, પોતે જાણે ત્યાંના રાજા છે એવો ડૉક્ટરોનો રૂઆબ, અને અભિમાનભર્યું વર્તન કોઇપણ શિક્ષિત વ્યક્તિને છાજે એવું ન હતું. દરદીના પ્રશ્નોના એ લોકો જે ઉદ્દતાઈથી જવાબ આપતા એ જોઇ એમની અને દરદીની, બંનેની દયા આવે એવું હતું.
સાતેક વર્ષ પછી મારી પ્રગતિ માટે મેં નવી નોકરી મેળવી, અને અમે ભાવનગરથી વડોદરા સ્થળાંતર કર્યું. એ પછીના અમારાં પાંચ વર્ષ બહુ સરસ પસાર થયાં. વડોદરા શૈલાનું પિયર હોવાથી ત્યાં એનાં સગાં અને મિત્રોનો પાર ન હતો અને ત્યાંની ગલ્લીએ ગલ્લી એની જાણીતી હતી. બહુ ટૂંકા સમયમાં જ પોતે ભણી હતી એ કૉલેજમાં, પોતાના ક્ષેત્રમાં જ શૈલાને ’લૅક્ચરર’ની સરસ નોકરી મળી ગઈ. રણજીત હવે ચાર વર્ષનો થયો હતો અને અમે એને ’ભારતીય વિદ્યા ભવન્સ’ની શાળામાં ’ડે બોર્ડર’ તરીકે દાખલ કર્યો.
મારા કામનો પ્રકાર બદલાયો હતો. હવે હું ’માર્કેટીંગ એન્જિનીઅર’ તરીકે મોટી મોટી કંપનીને, જેમાં અનેક યંત્રો તથા પ્રક્રિયા સમાયેલાં હોય તેવા અટપટા ’પ્લાન્ટ્સ’ વેચવાનું કામ કરતો હતો. ભારતભર મારે ફરવું પડતું હતું તથા મહત્વના નિર્ણયો અને મોટી રકમના સોદામાં ભાગ લેવો પડતો હતો. આ બધું મને ખૂબ ગમતું હતું અને હું ઉત્સાહથી બધી દોડાદોડ કરતો હતો. પ્રવાસ દરમિયાન મને વાંચવાનો ભરપુર સમય મળતો, એથી મારો એ શોખ ખૂબ ફુલ્યોફાલ્યો. થોડો સમય બધું સરસ ચાલ્યું, પણ ધીમે ધીમે એક વાત મારા ધ્યાનમાં આવી કે આવા સોદામાં “એન્જિનીઅર” તરીકેના જ્ઞાન કરતાં “વહેવારુ” જ્ઞાનની જરૂર અને ઉપયોગ વધારે હતાં. શરૂના બે-ત્રણ વર્ષ તો મારે એ “વહેવારુ” ભાગ સંભાળવાનો ન હતો પણ સમય સાથે એ પણ મારી જવાબદારી બનવા માંડી. મારા માટે એ સાવ અજાણ્યો પ્રદેશ હતો અને એમાં વિચરતાં મને બહુ અકળામણ થતી હતી.
બાકી બધી વાતે વડોદરાનું જીવન અમારે ત્રણે માટે મજા જ મજા હતી. દિલચસ્પ મિત્રો અને મનગમતી પ્રવૃત્તિઓનો તોટો ન હતો. લગ્ન પહેલાં હું વડોદરામાં ત્રણ વર્ષ રહ્યો હતો એ સમયના દોસ્તો ફરી મળ્યા હતા. વડોદરામાં ગુજરાતી તેમ જ મરાઠી બંને ભાષી સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રેલમછેલ હતી. સ-રસ મરાઠી નાટકો અને શાસ્ત્રીય સંગીતનાં કાર્યક્રમ માણવાનું ત્યાં સહજ શક્ય હતું. આમ વડોદરામાં અમે બધી વાતે ખુશખુશાલ હતા.
૧૯૭૬ થી ’૮૦ એ ભાઉની છેલ્લી માંદગીના ચાર વર્ષ હતાં. એ વર્ષોમાં તેઓ સાવ પથારીવશ અને પરવશ રહ્યા અને દાદાએ લક્ષ્મણને ઈર્ષા આવે એવી નિષ્ઠાપૂર્વક એમની સેવા કરી. આશરે ૧૯૪૨-૪૩થી શરૂ થયેલું મરાઠી સાહિત્ય કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું એમનું કામ ૧૯૭૬ની માંદગી સુધી સતત ચાલ્યા કર્યું. એ વર્ષોમાં તેઓએ પચીસેક નવલકથા, પિસ્તાળીસ ઉપરાંત વાર્તસંગ્રહ, અને કેટલાક જીવન-વૃત્તાંત મળી કુલ ૭૬ પુસ્તકો અનુવાદીત કર્યાં. એમાંનો મોટાભાગનો સમય મેં ભાઉને એ પુરુષાર્થ કરતા ખૂબ નજીકથી નિહાળ્યા છે. એમાં મને કોઇ પણ ભગીરથ કામ કરનાર વ્યક્તિનાં એકાગ્રતા, ધગશ, શિસ્ત અને મનોનિગ્રહ જોવા મળ્યાં છે. અસ્તુ. આખરે ૨૩ મે, ૧૯૮૦ના દિવસે એ માંદગીમાંથી ભાઉને સદા માટે મુક્તિ મળી. આયુષ્યભર તેઓ અમારા સહુના પિતા તરીકે પોતાનાં જવાબદારી અને કર્તવ્ય નિભાવતા રહ્યા, અને ૩૭ વર્ષ સુધી સતત મને એમનો પ્રેમ, વાત્સલ્ય, અને હૂંફ મળતાં રહ્યાં. મને લાગે છે પિતા અને સંતાન વચ્ચેનો સંબંધ પિતા માટે ક્યારેક તલવારની ધાર પર ચાલવા જેવો કઠિન હોય છે. સંતાનનું હિત અને એની પ્રત્યેનો પ્રેમ, એ બે વચ્ચેની ખેંચતાણ પિતાને ક્યારેક કઠોર તો ક્યારેક કર્તવ્યચ્યુત બનાવતી હોય છે. અફસોસ એ વાતનો છે કે પિતાની આવી દ્વિધા સ્થિતિનું જ્ઞાન સંતાન પોતે જ્યાં સુધી પાલ્ય મટી પાલક નથી બનતું ત્યાં સુધી નથી આવતું! ભાઉ ગુજરી ગયા ત્યારે એમની સ્થાવર મિલકત બહુ ઓછી હતી. પણ મને એમની પાસેથી જે મળ્યું છે એનો અંદાજ લઉં છું ત્યારે ભાન થાય છે કે કુબેર જેવા પિતા પાસેથી પણ હું એટલું ન પામ્યો હોત.
ભાઉ ગયા ત્યારે શિશિરભાઈ અમેરિકા હતા. અમે એમને સમાચાર જણાવ્યા અને છ મહિના પછી તેઓ સહુને મળવા અમદાવાદ આવ્યા. બીજી વાતોની સાથે એમણે જણાવ્યું કે પોતે તેમ જ ઇલાભાભીએ અમેરિકાનું નાગરિકત્વ લીધું છે અને અમારામાંથી કોઇને જો ત્યાં કાયમ રહેવા આવવાની ઇચ્છા હોય તો તેઓ અમારા માટે ’ઇમિગ્રન્ટ વિસા’ મેળવી શકશે. શૈલાએ અને મેં તરત જ હાથ ઊંચો કર્યો. અમેરિકા પાછા ફર્યા પછી શિશિરભાઈએ અમારાં માટે અરજી કરી અને ત્રણ વર્ષ પછી ૧૯૮૩ના મે મહિનામાં અમને ’ગ્રીનકાર્ડ’ માટે વિસા મળ્યો અને અમે ભારત છોડવાની તૈયારીએ લાગ્યાં.
ભારતમાં અમારું ત્રણનું કુટુંબ બહુ સુખી હતું. એટલે સ્વસ્થાન હવે છોડવું પડશે એનો ખેદ, અને સ્વજનોથી દૂર થવું પડશે એનો ઝુરાપો મને સતાવતાં હતાં. પણ એ બધાથીયે વધુ મારું કાળજું કપાતું હતું વૃદ્ધાવસ્થામાં હું દાદાને ભરતભાઈના હવાલે સોંપીને જઈશ, એ જાણકારીથી. ભરતભાઈ અને દાદાના સ્વભાવ વચ્ચે બહુ અંતર હતું, અને જે દાદા જિંદગીભર સ્વમાન સાથે જીવ્યા તેમને હવે વૃદ્ધાવસ્થામાં કદાચ પોતાનાં મૂલ્યો સાથે તડજોડ કરવી પડશે; એ વિચાર મારા માટે અસહ્ય હતો. છતાં મારા, શૈલાના અને અમારા દીકરાના ભવિષ્ય ખાતર હું દાદા પ્રત્યેની મારી ફરજ વિસારે પાડવા તૈયાર થયો હતો. આવી મનોદશામાં હું ભારત છોડવા સજ્જ થયો.
ક્રમશઃ
-
કુદરતની કેડીએ – કેડી કંડારનારા – ૧૩ (૨)
ઉત્પત્તિ, અસ્તિત્વ અને ઉત્ક્રાંતિને ઉઘાડનારા : ચાર્લ્સ ડાર્વિન (૨)
લેખન-સંકલન : યાત્રી બક્ષી
પ્રથમ નજરમાં, ચાર્લ્સ ડાર્વિન અસંભવિત ક્રાંતિકારી લાગે છે. શ્રીમંત બ્રિટિશ પરિવારના એક શરમાળ અને નિરંતર સભ્ય તરીકે ઊછરેલા ચાર્લ્સ, પિતાને નિષ્ક્રિય અને દિશાહીન દેખાતા હતા. પરંતુ બાળપણમાં પણ આ ડાર્વિને પ્રકૃતિમાં રસ દર્શાવ્યો હતો. પાછળથી, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરતી વખતે, તેમને એચએમએસ બીગલ પર અવેતન પ્રકૃતિશાસ્ત્રી તરીકે કામ કરવાની તક આપવામાં આવી હતી, જે વિશ્ર્વભરમાં સંશોધનાત્મક સફર શરૂ કરનાર નૌકા જહાજ હતું.
દરિયામાં લગભગ પાંચ વર્ષ દરમિયાન બીગલે દક્ષિણ અમેરિકાના દરિયાકિનારાનું સર્વેક્ષણ કર્યું અને ઓસ્ટ્રેલિયા અને સૌથી વધુ પ્રખ્યાત રીતે, ગાલાપાગોસ ટાપુઓ જેવાં સ્થળોએ રોકાણ કર્યું. સતત હાડમારી, વારંવારની બીમારીઓ અને અવ્યવસ્થાઓની વચ્ચે ડાર્વિનનું અમરત્વ ઘડાઈ રહ્યું હતું. તેઓએ ગાલાપેગોસ જેવા વણખેડાયેલા પ્રચુર પ્રાકૃતિક ખજાનાને ખોળેથી વિશ્ર્વને જીવઅસ્તિત્વની સમજ સુધીની કડીઓ ઉકેલી આપી. તેણે તેજસ્વી વાદળી પગવાળાં પક્ષીઓ, ટી-આકારનાં માથાવાળા શાર્ક અને વિશાળ કાચબાનો સામનો કર્યો. ડાર્વિને તેના પ્રવાસમાં છોડ, પ્રાણીઓ અને અવશેષો એકત્રિત કર્યાં અને વિપુલ પ્રમાણમાં ફીલ્ડ નોટ્સ લીધા. આ સંગ્રહો અને રેકોર્ડ્સે તેમના નોંધપાત્ર સિદ્ધાંતને વિકસાવવા માટે જરૂરી પુરાવા પૂરા પાડ્યા હતા.
આ પ્રશ્ર્નો માં એક ખૂટતી કડી હતી. આ ખૂટતી કડીઓ સાથે યુવાન ડાર્વિન જીવનભર ટકી શકે તેટલી સમસ્યાઓ અને પ્રશ્ર્નો લઈને પરત ફરી રહ્યા હતા. ઑક્ટોબર ૧૮૩૬માં જ્યારે તેઓ પોતાની ધરતી ઉપર ઊતર્યા ત્યારે યુવાનીમાં ધૂંધવાતી અકળામણ ઝાંખી પડી ગઈ હતી. એમ કહી શકાય કે હવે બંદૂકનું સ્થાન નોટબુકે લઈ લીધું હતું, આ પ્રવાસે તેઓને અનેક પડકારો, શારીરિક તકલીફો અને બીમારીઓ સાથે અગમ્ય ઉદાસીનતા પણ આપી. છતાં હંમેશાં નાનાં કારણોથી મોટાં પરિણામો તરફ આગળ વધતા જતા ભવિષ્યના સર્વોચ્ચ સિદ્ધાંતકાર, નવા જવાબો માટે પોતાની વિક્ટોરિયન સંસ્કૃતિની સંકુચિતતાથી આગળ જોવાની જરૂરિયાત ઓળખી ચૂક્યા હતા.
ડાર્વિનની પ્રતિભાએ ૧૮૫૯માં ’ઓરિજિન ઓફ સ્પીસીસ’ના પ્રકાશન સાથે અચાનક બાયોલોજીના પાયાને જ હચમચાવી નાખ્યો. ત્યારે તો કોઈ એવી ભ્રામક છાપ ઊભી કરી શકે તેમ હતા કે તેમનો ઉત્ક્રાંતિનો સિદ્ધાંત વૈજ્ઞાનિક ઇતિહાસમાં કોઈ પૂર્વધારણા વિનાની કપોળકલ્પિત રચના માત્ર છે. પરંતુ જીવવિજ્ઞાનના ઇતિહાસનાં તેના અગાઉનાં પ્રકરણો દર્શાવે છે તેમ, ડાર્વિનના સિદ્ધાંત માટે કાચો માલ દાયકાઓથી તૈયાર થઈ રહ્યો હતો. ભૂસ્તરશાસ્ત્રીઓ અને પેલિયોન્ટોલોજિસ્ટ્સે એક આકર્ષક નમૂનો વિકસાવ્યો પણ હતો કે પૃથ્વી પર જીવન લાંબા સમયથી હતું, સમય જતાં તે બદલાઈ ગયું હતું અને ઘણી પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ હતી. તે જ સમયે, ૧૮૦૦ ના દાયકાની શરૂઆતમાં જીવંત પ્રાણીઓનો અભ્યાસ કરતા ભ્રૂણ અભ્યાસીઓ અને અન્ય પ્રકૃતિવાદીઓએ, કેટલીક વાર અજાણતાં, ડાર્વિનના સિદ્ધાંતના વિકાસ માટે ઉપયોગી થનારા શ્રેષ્ઠ પુરાવાઓ શોધી કાઢ્યા હતા.
ફિન્ચ પક્ષીનાં ડાર્વિનનાં અવલોકનો
૧૮૩૫માં ગાલાપાગોસ ટાપુઓની મુલાકાતે ડાર્વિનને પ્રાકૃતિક પસંદગી અંગેના તેમના વિચારો ઘડવામાં મદદ કરી. તેને વિવિધ પર્યાવરણીય માળખામાં અનુકૂલિત ફિન્ચની ઘણી પ્રજાતિઓ મળી. આ તમામ ફિન્ચપક્ષીઓના ચાંચના આકાર, ખોરાકના સ્રોત અને ખોરાક કેવી રીતે પકડવામાં આવે છે તેમાં પણ ભિન્નતા હતી.
આ બધા પુરાવા સામાન્ય પૂર્વજમાંથી પ્રજાતિઓની ઉત્ક્રાંતિની તરફેણ કેવી રીતે કરે છે અને જીવનનો વિકાસ કરી શકે તેવી બુદ્ધિગમ્ય પદ્ધતિ પ્રદાન કરે છે. તેનું જોડાણ સ્થાપવાનું પ્રતિભાવાન વિશ્ર્લેષણ એ ડાર્વિનની સિદ્ધિ છે. લેમાર્ક અને અન્ય લોકોએ ઉત્ક્રાંતિ સિદ્ધાંતોને પ્રોત્સાહન આપ્યું હતું, પરંતુ જીવન કેવી રીતે બદલાયું તે સમજાવવા માટે, તેઓ અટકળો પર આધારિત હતા. સામાન્ય રીતે, તેઓએ દાવો કર્યો હતો કે ઉત્ક્રાંતિ કેટલાક લાંબા ગાળાના વલણ દ્વારા સંચાલિત હતી. ઉદાહરણ તરીકે, લેમાર્કે વિચાર્યું કે સમય જતાં જીવન સાદા એકકોષીય સ્વરૂપોમાંથી જટિલ સ્વરૂપો તરફ આગળ વધવા માટે પ્રયત્ન કરે છે. ઘણા જર્મન જીવવિજ્ઞાનીઓએ પૂર્વનિર્ધારિત નિયમો અનુસાર જીવનના વિકાસની કલ્પના કરી હતી, તે જ રીતે ગર્ભાશયમાં ગર્ભનો વિકાસ થાય છે. પરંતુ ૧૮૦૦ ના દાયકાના મધ્યભાગમાં, ડાર્વિન અને બ્રિટીશ જીવવિજ્ઞાની આલ્ફ્રેડ રસેલ વોલેસે સ્વતંત્ર રીતે જીવન માટે કુદરતી, અવલોકનક્ષમ, પરિવર્તનની પદ્ધતિની કલ્પના કરી હતી. ડાર્વિન આ પ્રક્રિયાને ’કુદરતી પસંદગી’ કહે છે.
રસપ્રદ વાત એ છે કે ડાર્વિન અને વોલેસને અર્થશાસ્ત્રમાંથી આ દૃષ્ટિએ પરિવર્તનને પારખવાની પ્રેરણા મળી હતી. થોમસ માલ્થસ નામના એક અંગ્રેજ પાર્સને ૧૭૯૭ માં ‘વસ્તીના સિદ્ધાંત પર નિબંધ’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું જેમાં તેણે તેના સાથી અંગ્રેજોને ચેતવણી આપી હતી કે ગરીબોને મદદ કરવા માટે રચાયેલ મોટાભાગની નીતિઓ વસ્તી વૃદ્ધિના અવિરત દબાણને કારણે વિનાશકારી છે. એક રાષ્ટ્ર થોડા દાયકાઓમાં સરળતાથી તેની વસ્તી બમણી કરી શકે છે, જે દુષ્કાળ અને બધા માટે દુ:ખ તરફ દોરી જાય છે.જ્યારે ડાર્વિન અને વોલેસે માલ્થસની આ થિયરીને વાંચી, ત્યારે તે બંનેને લાગ્યું કે પ્રાણીઓ અને છોડ પણ સમાન વસ્તીના દબાણનો અનુભવ કરતાં હોવાં જોઈએ.
લક્ષણોની પસંદગી
અસ્તિત્વ માટેના આ સંઘર્ષમાં, ટકી જવાની ક્ષમતા અને પ્રજનન એ બંને માત્ર એક સંભાવના ઉપર આધારિત નથી. ડાર્વિન અને વોલેસ બંનેને સમજાયું કે જો કોઈ પ્રાણીમાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો છે જે તેને બાહ્ય પડકારોનો સામનો કરવામાં સહાયક નીવડે છે જેના કારણે તે વધુ પ્રજનન ક્ષમતા ધરાવે છે. આથી જ તે વધુ સંખ્યામાં સંતાનો ઉછેરશે અને સમય જતાં આ લક્ષણો પોતાની પ્રજાતિનું વધુ સફળતાપૂર્વક સંવર્ધન કરવામાં મદદ કરે છે, કારણ કે તો તે અન્ય કરતાં વધુ સંતાનોને પાછળ છોડી શકે છે. અને સરેરાશ, આ ટકી રહેવાની ક્ષમતા આપતું વિશિષ્ટ લક્ષણ પણ આવનારી પેઢીઓમાં વધુ સામાન્ય બનશે.
ડાર્વિન લખે છે, આ ઉત્ક્રાંતિ બે પરિબળોને કારણે છે. પ્રથમ પરિબળ એ છે કે દરેક વ્યક્તિગત પ્રાણી સૂક્ષ્મ તફાવતો દ્વારા ચિહ્નિત થયેલ છે જે તેને તેનાં માતાપિતાથી અલગ પાડે છે. ડાર્વિન, જેમણે આ તફાવતોને “વિવિધતા” તરીકે ઓળખાવ્યા હતા, તેઓ તેમની અસરને સમજતા હતા પરંતુ તેમના કારણને નહીં; આનુવાંશિક પરિવર્તનનો વિચાર અને ખરેખર જિનેટિક્સનો વૈજ્ઞાનિક અભ્યાસ, ૨૦મી સદીની શરૂઆત સુધી સંપૂર્ણ રીતે વિકાસ પામ્યો નહોતો. બીજું પરિબળ, ડાર્વિને દલીલ કરી હતી કે ભિન્નતા અવ્યવસ્થિત હોવા છતાં, તેમાંના કેટલાક વિશિષ્ટ ફાયદાઓ દર્શાવે છે – ઉદાહરણ તરીકે શ્રેષ્ઠ છદ્માવરણ, એક હૃદયપૂર્ણ બંધારણ અથવા વધુ ઝડપ, – જે પ્રાણીને તેના પર્યાવરણમાં ટકી રહેવા માટે વધુ સારી રીતે સજ્જ કરે છે. જીવન ટકાવી રાખવાની મોટી તક સંવર્ધનની વધુ તક આપે છે અને મોટી સંખ્યામાં સંતાનોને ફાયદાકારક લક્ષણો ભેટ કરે છે. સમય જતાં, એક ફાયદો સમગ્ર પ્રજાતિમાં ફેલાય છે; બદલામાં, પ્રજાતિઓ સહન કરે છે અને પ્રજનન કરે છે. આમ, ઘણી પેઢીઓ દરમિયાન, સૂક્ષ્મ ફેરફારો થાય છે અને એકઠા થાય છે, જે આખરે મોટા ફેરફારો અને સંભવત: એક નવી પ્રજાતિમાં પરિવર્તિત થાય છે. પ્રજાતિઓ કેવી રીતે વિકસિત થાય છે તેના માટે બુદ્ધિગમ્ય અને આકર્ષક સમજૂતી પ્રદાન કરવાની હતી અને જીવનના વિકાસના ઇતિહાસને શોધવા માટે આ સમજૂતીનો ઉપયોગ કરવાનો હતો. આથી તેઓ દલીલ કરે છે કે તમામ અસ્તિત્વમાં રહેલા જીવો, નાની સંખ્યામાં મૂળ અથવા પૂર્વજ જાતિઓમાંથી ઊતરી આવ્યા છે. ડાર્વિને જીવનના ઇતિહાસની તુલના એક મહાન વૃક્ષ સાથે કરી હતી, તેનું થડ આ થોડા સામાન્ય પૂર્વજોનું પ્રતિનિધિત્વ કરે છે અને શાખાઓ અને ડાળખીઓ એક વ્યાપક પ્રણાલીનું, કે જે તેમાંથી વિકસિત જીવનની વિવિધતાનું પ્રતીક સંભવે છે.
બે વિજ્ઞાનીઓ વચ્ચે વહેંચાયેલી નોંધપાત્ર શોધ
ડાર્વિન જાણતા હતા કે તેના કટ્ટરપંથી વિચારોને સખત વિરોધનો સામનો કરવો પડશે. ૨૦ વર્ષના સંશોધન પછી પણ, તેઓ ચિંતિત હતા કે તેમનો ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કેવી રીતે સ્થાપિત થશે કારણ કે તે તે સમયની વ્યાપક ધાર્મિક માન્યતાઓને પડકારે છે. તેમણે આ વિષય પર ઘણાં વર્ષો સુધી પ્રકાશન કરવામાં વિલંબ કર્યો. તેમણે પુરાવાઓનો પહાડ એકઠો કર્યો. જ્યારે તેને ખબર પડી કે યુવા પ્રકૃતિવાદી આલ્ફ્રેડ રસેલ વોલેસે સમાન વિચારો વિકસાવ્યા છે, ત્યારે ડાર્વિન વોલેસના વિચારોને તાત્કાલિક પ્રકાશન માટે જર્નલમાં મોકલવા સ્વયં તૈયાર થયા.
ઓરિજિન ઓફ સ્પીસીસ પર કદાચ ક્યારેય લખવામાં આવ્યું ન હોત, જો તે આલ્ફ્રેડ રસેલ વોલેસ સાથે જોડાયું ના હોત. વોલેસની ઘોષણાએ ડાર્વિનને જાહેરમાં જણાવવા માટે હિમ્મત આપી અને પ્રેરિત કર્યા કે પોતાનું સ્વતંત્ર સંશોધન મજબૂત રીતે નિર્ણાયક નિષ્કર્ષ પર દોરી જાય છે. આ વિક્ટોરિયન સજ્જનોની ઉંમર હોવાને કારણે, બંને વિજ્ઞાનીઓ એક જ વિષય પર સંયુક્ત રીતે તેમનાં લખાણો પ્રકાશિત કરશે તે અંગે સંમત થયા હતા. તેમનું કાર્ય -જેમાં ડાર્વિનની અગાઉની નોંધોનો સંગ્રહ અને વોલેસના નિબંધનો સમાવેશ થાય છે તે ૧ જુલાઈ, ૧૮૫૮ ના રોજ લંડનમાં પ્રકૃતિવાદીઓના સંગઠન લિનીન સોસાયટીને વાંચવામાં આપવામાં આવ્યાં હતાં. પછીના વર્ષે, ડાર્વિને ઉત્ક્રાંતિવાદ પરના પોતાના સાતત્યપૂર્ણ દીર્ઘ ચિંતનના આધારે પોતાના વિચારોના અત્યંત વિગતવાર વિશ્ર્લેષણ અને પુરાવાઓ સાથે આ સિદ્ધાંતને પ્રકાશિત કર્યો. આ પુસ્તક તાત્કાલિક બેસ્ટ સેલર થયું અને ઝડપથી વિવાદના વાવાઝોડાનું આગમન થયું.
જ્યારે ડાર્વિનના વિચારોએ શરૂઆતમાં લાંબા સમયથી ચાલતી વૈજ્ઞાનિક અને ધાર્મિક માન્યતા પ્રણાલીઓને પડકારી હતી, ત્યારે ‘ઓન ધ ઓરિજિન ઓફ સ્પીસીસ’ના પ્રકાશન પછીના દાયકાઓમાં અંગ્રેજી બોલતા વિશ્ર્વના વૈજ્ઞાનિક સમુદાયોમાં ડાર્વિનની વિચારસરણીનો વ્યાપક વિરોધ મોટાભાગે ભાંગી પડયો હતો. છતાં પણ બ્રિટિશ અને અમેરિકન ચર્ચો દ્વારા ઉત્ક્રાંતિને જોરશોરથી નકારવામાં આવતી રહી કારણ કે, ધાર્મિક નેતાઓએ દલીલ કરી હતી કે, સિદ્ધાંત ખ્રિસ્તી ધર્મના ઘણા મુખ્ય ઉપદેશોનો સીધો વિરોધ કરે છે.
ડાર્વિનની એ સંકલ્પના કે માણસ સહિતની અસ્તિત્વ ધરાવતી તમામ પ્રજાતિઓ સમયાંતરે સતત અને અવ્યવસ્થિત પરિવર્તનને કારણે વિકાસ પામી છે તે “તમામ જીવો ઈશ્ર્વર દ્વારા તેમના પ્રકાર પ્રમાણે બનાવવામાં આવ્યા છે” એમ જે બાઇબલના પુસ્તકના પ્રથમ જિનેસિસ પ્રકરણમાં વર્ણવવામાં આવ્યું છે એ વિચારનો સ્પષ્ટ વિરોધ કરે છે. ડાર્વિન પહેલાં, જીવનની ઉત્પત્તિ અને વિકાસના પ્રચલિત વૈજ્ઞાનિક સિદ્ધાંતે માન્યું હતું કે પ્રજાતિઓ નિશ્ર્ચિત છે અને તે ક્યારેય બદલાતી નથી. આ સિદ્ધાંત, જેને “વિશેષ સર્જનવાદ” તરીકે ઓળખવામાં આવે છે, તે પછીના ફેરફારનો ઉલ્લેખ કર્યા વિના માછલી, મરઘી અને સસ્તન પ્રાણીઓની રચનાના ઈશ્ર્વરના બાઇબલના અહેવાલ સાથે સારી રીતે સુસંગત હતો. ચર્ચ અને ધાર્મિક સમાજ ડાર્વિનના સખત વિરોધમાં હતાં કારણ કે ડાર્વિનિયન વિચારધારા ખ્રિસ્તી ધર્મ અને અન્ય ઘણી આસ્થાઓના કેન્દ્રમાં રહેલી કલ્પનાનો વિરોધાભાસ કરતી દેખાય છે, કે માણસને પ્રાકૃતિક ક્રમમાં ઈશ્ર્વરે આપેલું વિશેષ સ્થાન મળેલું છે. તેના બદલે, ઉત્ક્રાંતિના સમર્થકોએ માનવ-શરીરરચનાનાં કેટલાંક એવાં અંગો દર્શાવી એ ચિહ્નો તરફ ધ્યાન દોર્યું કે માનવી સસ્તન જીવો સાથે એક બચ્ચા આપતા વંશમાં સ્થાન ધરાવે છે ઉદાહરણ તરીકે પૂંછડીનો અવશેષ. ડાર્વિનના સિદ્ધાંતે એ વિચારને પડકાર્યો કે કુદરતી વિશ્ર્વ પરોપકારી સંવાદિતામાં અસ્તિત્વ ધરાવે છે.
સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક સત્તાધિકારીઓ વચ્ચેનો જાહેર મતભેદ ૧૮૬૦માં સમાપ્ત થયો ન હતો, ત્યારે ધાર્મિક વિચારકો વૈજ્ઞાનિક આધારો પર ઉત્ક્રાંતિને સીધી રીતે પડકારવા માટે વધુ સાવચેત બન્યા હતા. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં અને ૨૦મી સદીની શરૂઆતમાં, આદિ માનવે, નીચલા સ્તરના જીવોમાંથી ઉત્થાન પામી હાલનું માનવીનું સ્તર હાંસિલ કર્યું છે તેવા ચિંતન તરફ ઊર્જા કેન્દ્રિત કરવાને બદલે કોઈ અજ્ઞાત ઈશ્ર્વરે માનવીનું ઉચ્ચતર સ્તર માટે સર્જન કર્યું છે તેવા ચિંતનને સ્વીકારી લઈ, જીવોની ઉત્ક્રાંતિ સમૂળી ઈશ્ર્વર નિર્દેશિત પદ્ધતિનું પરિણામ હોવાનું ચર્ચે સ્થાપિત કરી દીધેલું, જેના વિષે કોઈ સવાલ જ ના કરી શકાય. ત્યારે કોઈએ માણસના એકમાત્ર સર્જક તરીકે ઈશ્ર્વરની ભૂમિકા પર પ્રશ્ર્ન ઉઠાવ્યો ન હતો.
ડાર્વિને સમજાવ્યું કે કેવી રીતે પ્રજાતિઓ ‘નેચરલ સિલેક્શન’ નામની પ્રક્રિયા દ્વારા સમય જતાં ‘વિકસિત’ (બદલાવ અથવા વિકાસ) થઈ શકે છે. આનાથી દરેકને આઘાત લાગ્યો કારણ કે, ત્યાં સુધી, એવું વ્યાપકપણે માનવામાં આવતું હતું કે ગ્રહ પરનાં તમામ પ્રાણીઓ એક જ સમયે એક સર્જક દ્વારા બનાવવામાં આવ્યાં હતાં. કેટલાક લોકો આજે પણ એવું માને છે. પરંતુ આ તમામ વિરોધો અને પડકારોના અંતે ચર્ચ, ડાર્વિનને સ્વીકારવા મજબૂર બને છે.
વિજ્ઞાનમાં ડાર્વિનનું સૌથી મોટું યોગદાન એ છે કે કુદરતી નિયમો અંતર્ગત દ્રવ્યોના પારસ્પરિક રૂપાંતરણના ભાગ રૂપે જીવનનું અસ્તિત્વ એક ગતિશીલતા ધરાવે છે એ જીવવિજ્ઞાનના નિયમને પ્રાકૃતિક પસંદગી, સજીવોની ઉત્પત્તિ અને અનુકૂલનના તબક્કાઓને વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરાવી કોપેર્નિકેન ક્રાંતિને પૂર્ણ કરી. આ શોધે માન્યતાઓ અને રૂઢિઓ આધારિત ધર્મસત્તા સામે વિજ્ઞાનને સ્પષ્ટ સ્થાન અપાવ્યું .
જીવવિજ્ઞાનનું કોઈ પણ ક્ષેત્ર માનવઉત્પત્તિના વિજ્ઞાન કરતાં ડાર્વિનની ઉત્ક્રાંતિની કલ્પનાથી વધુ પ્રભાવિત થયું નથી. ચાર્લ્સ ડાર્વિન પોતે કાલ્પનિક માનવપૂર્વજોના સર્વોપરી અમૂર્ત ગુણો વિષે, મનોમન ખુશ જણાય છે અને જાણી જોઈને લાંબા સમય સુધી માનવીના અશ્મિભૂત અવશેષો બાબતે સીધા જોડાઈને સંશોધનથી અલિપ્ત રહેવા માંગતા હતા. આના માટે ઘણાં કારણો હોવાનું જણાય છે, જેમાં મુકાબલો ટાળવાની ડાર્વિનની ઇચ્છાનો સમાવેશ થાય છે; બીજું કે ઓગણીસમી સદીના મધ્યમાં અશ્મિભૂત અવશેષો અને દસ્તાવેજોના દાવાઓ વિશેનાં કૌભાંડોથી; અશ્મિભૂત રેકોર્ડની વિશ્ર્વસનીયતા વિશે ડાર્વિનની પોતાની કાયમી ચિંતા; અને તેમના નજીકના સાથીદાર થોમસ હેનરી હક્સલી દ્વારા જે તે સમયે જાણીતું હોમો સેપિયન્સની “અસંસ્કારી” વિવિધતાનું પ્રતિનિધિત્વ કરતું સૌથી વિશિષ્ટ હોમિનિડ અશ્મિ, નિએન્ડરથલ હાડપિંજરની અધિકૃતતા વિશે શંકા અને અણગમો પણ જવાબદાર હશે તેમ માની શકાય. ‘ઓન ધ ઓરિજિન ઓફ સ્પીસીઝ’ના પ્રકાશન સુધીનાં વર્ષોમાં માનવ ઉત્ક્રાંતિ અને તેની અસરો ડાર્વિનના મન પર ખૂબ જ પ્રભાવી હતી તેમાં કોઈ શંકા નથી; પરંતુ અંતે તેણે આ સામાજિક અને બૌદ્ધિક મથામણથી દૂર રહેવાનો સભાન નિર્ણય લીધો હોય તેવું લાગે છે. માનવજાતની ઉત્પત્તિ માટેના વાસ્તવિક મૂર્ત પુરાવાઓની ગંભીર તપાસ કરતાં, ‘ધ ડિસેન્ટ ઑફ મેન’ પરનો તેમનો વિશાળ ગ્રંથ પણ બહુવિધ વિરોધી, ગુલામી-વિરોધી માર્ગ તરીકે અને જાતીય પસંદગીની વ્યાખ્યા તરીકે વધુ બુદ્ધિગમ્ય રીતે વાંચવામાં આવે છે.
– યાત્રી બક્ષી | paryavaran.santrigmail.com
સંદર્ભ- ઈન્ટરનેટ ઉપર ઉપલ્બધ માહિતીઓ, સંશોધન લેખો અને સંગ્રહસ્થાનો
-
સંસ્પર્શ- ૨૦
ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
તત્વમસિ એટલે “તે તું જ છે.” આ તે એટલે કોણ? આ તે એટલે ઈશ્વર, જીવ, પ્રકૃતિનું એક એક સજીવ,નિર્જીવ સર્જન.
વૃક્ષ, પહાડ, નદી, સૂરજ, ચંદ્ર, તારા, ગગન, ધરા, લીલી હરિયાળીમાં વાતો પવન, આ બધાં સાથે એકરૂપતાનું દર્શન એટલે “તે તું જ છે.”
હા,ધ્રુવદાદાએ તત્વમસિ નવલકથા દ્વારા સામવેદનાં આ વાક્યને આપણને સરળતાથી સમજાવી દીધું છે કે આ સમગ્ર બ્રહ્માંડની દરેક સૃષ્ટિમાં તું જ સમાયેલો છે જો તને તે જોતાં અને પામતા આવડે તો!
માત્ર ‘અહમ્ બ્રહ્માસ્મિ’ એટલે ‘હું જ બ્રહ્મ છું’ નહીં કે “અયમાત્મા બ્રહ્મ “એટલે ‘આત્મા જ બ્રહ્મ છે “ પણ નહીં પરતું સમગ્ર બ્રહ્માંડની દરેક વસ્તુમાં તું છે.
માણસનો જીવ જો પરમનો અંશ હોય તો આપણી આસપાસની સૃષ્ટિનાં તત્વો, સમગ્ર જીવો,પશુ-પંખી પણ પરમનાં જ તત્વ કહેવાય એટલે તેમાં પણ આપણે સમાયેલા છીએ- તે સામવેદની વાત નવલકથા દ્વારા દાદાએ સમજાવી છે.અને યાદ આવે નરસૈંયાની પંક્તિઓ,
“નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો
તે જ હું તે જ હું શબ્દ બોલે
અને
શ્યામ શોભા ઘણી ,
બુધ્ધિ ના શકે કળી,
અનંત ઓચ્છવમાં પંથ ભૂલી
જડ ને ચૈતન્ય રસ કરી જાણવો
પકડી પ્રેમે સજીવન મૂળી….નવલકથાની શરૂઆત પરદેશમાં રહેતા નાયકને તેના પ્રોફેસર ભારત જઈને નર્મદા તટે વસતાં આદિવાસીઓ પાસે રહીને તેના પર રીસર્ચ કરવા જવાનું સૂચવે છે ,જે નાયકને ગમતું નથી. પરદેશમાં રહીને ત્યાંની સંસ્કૃતિને જ સભ્ય સંસ્કૃતિ માનતો નાયક ભારતના નર્મદા તટે રહેતાં આદિવાસીઓ સાથે રહી આપણે સંસ્કૃતમાં જેને ‘એતિહ્ય’ એટલે સંસ્કૃતિ કે પરંપરા કહીએ તેને જાણે છે અને તેને સંપૂર્ણ રીતે સ્વીકારે છે. દાદાએ આ વાત ડાયરીરૂપે તબક્કાવાર નવલકથામાં સરસ રીતે પીરસી છે.
ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતા કેવી રીતે સમાયેલ છે, તે દાદાએ ખૂબ ઝીણવટપૂર્વક આલેખ્યું છે.
ટ્રેનમાં બેઠેલો નાયક ,પોતાની નીચેની બર્થ પર એક માજીને એક બાજુ બેસી માળા કરતાં અને તે જ બર્થનાં બીજા છેડે બીજો પ્રવાસી કપડું પાથરી નમાજ પડતા જુએ છે. એક જ બર્થ પર,સામસામે છેડે બેસીને જુદા જુદા ધર્મના માણસો પોતપોતાની પ્રાર્થના કરે છે.
ભારતમાં જુદા ધર્મો,જુદી ભાષા, અલગ રીત-રિવાજો,સાવ ભિન્ન અવસ્થામાં ઉછેર છતાં બધામાં કંઈક સામ્ય હોવાનો આભાસ નાયકને થાય છે. ટ્રેનમાં સાવ અજાણ્યા સહપ્રવાસીને નાતજાત, ધર્મ-ભાષાનાં વાડા ભૂલી, હળીમળી કુંટુંબીજનની જેમ એક જ નાસ્તાનાં ડબ્બામાંથી વહેંચીને ખાતો જોઈ તેમજ પોતાના અંગત કુટુંબીઓની વાત સ્વજન હોય તેમ કરતા જોઈ નાયક વિસ્મિત થઈ જાય છે.
અમેરિકામાં એકલો રહેતો માણસ સભ્યતાનું મ્હોરું પહેરી, પોતાની સમસ્યાઓને એકલપંડે ઘુંટાઈને વેઠી, જીવતો જોતો નાયક વિચારમાં પડી જાય છે!
ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પર આફરીન થઈ જાય છે! નાની નાની અનેક હૃદયસ્પર્શી વાતો નાયકને પોતાના સાચા અસ્તિત્વની ઓળખ કરાવે છે. અનેક પ્રશ્નો, ઝઘડાઓ, અસમાનતા અને વિવાદો વચ્ચે પણ આપણો દેશ હજારો વર્ષોથી કેવી રીતે અખંડ રહી શક્યો છે, તેનું રહસ્ય નાયકને ધીરેધીરે સમજાતું જાય છે.
તેથી પણ આગળ અનેક મુશ્કેલ પરિસ્થિતિઓ, અછતો, પૂરતાં કપડાં કે ખોરાકનો અભાવ છતાં પોતાની મસ્તીમાં મસ્ત થઈ સુખ-સંતોષથી આનંદમાં જીવતા આદિવાસીઓને જોઈ નાયકની સુખની વ્યાખ્યા બદલાઈ જાય છે.
સુખ એટલે ભૌતિક સુખ સગવડો એમ માનતો નાયક, સુખ આપણી પોતાની વૈચારિક અવસ્થા છે. તે સમજી જાય છે. અમેરિકામાં અઢળક સુખ સાહ્યબીમાં જીવતાં માનવીઓ પણ આટલા સંતોષ અને બેફિકરાઈથી જીવી શકતા નથી તે સત્ય નાયક પામી જાય છે.
આદિવાસીઓ સાથે જીવતાં, જીવન વિશેના વિચારોની નાયકની પરિભાષા બદલાઈ જાય છે. ભૌતિક સમૃદ્ધિ અને આંતરિક સમૃદ્ધિનાં ભેદને પામી જતો નાયક પોતાની પરંપરા, નર્મદાનાં તટવાસીઓ અને અભાવમાં પણ આનંદિત જીવન જીવતાં આદિવાસીઓ સાથે જ જીવવાનો નિર્ણય લે છે, તે આખી યાત્રા વાચકને પણ આશ્ચર્ય સાથે આહ્લાદકતાનો અનુભવ કરાવે છે.
આ સાથે આ જ વાતની સાબિત કરતું ધ્રુવગીત પણ સાંભળીએ.
‘બાર બાય બાર જેવી બાથરુમ હોય અને પચ્ચી બાય ચોવીના ઓરડા,
એવી મોટી મહેલાતુંને ટક્કર મારે તે મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં,મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં.ખોરડાંને આડ નહીં ફરતે દિવાલ નહીં નજરુંની આડે નહીં જાળિયું,
તક્તીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં ચોપન દિશામાં એની બારિયું,
બંધન ગણો તો પણે આંબલીના ઝાડ હેઠ છોકરાએ ટાંગેલ દોરડાં,મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં.ઘરમાં બેસું ને તોયે સૂરજની શાખ દઈ ચાંદરણા તાળી લઈ જાય છે,
કેમનું જિવાય કેવી રીતે મરાય એવી વાયરાઓ વાતો કહી જાય છે,
એક વાર ફફડે છે હોઠ અને ગહેકે છે ભીંતે ચીતરેલ બધાં મોરલા,મારાં ચાર-પાંચ નળિયાનાં ખોરડાંધ્રુવદાદાને બાર બાય બારની બાથરૂમ અને પચ્ચી બાય ચોવીનાં મસ મોટા રૂમો અને બાથરૂમ હોય તેવા મહેલ જેવાં ઘરને, સંતોષ અને સુખોથી સમૃદ્ધ ચાર પાંચ નળિયાંથી ઢંકાએલ ઝૂંપડી ટક્કર મારે તેમ લાગે છે.
તેમના આ નાનકડાં ખોરડામાં એટલે કે છાપરા જેવા ઘરમાં ચારેબાજુ ફરતી દીવાલ નથી કે નથી જાળી સાથેનાં બારી બારણાં. આ નાનકડી ઝૂંપડીમાં બહાર નામની બંગલાઓમાં લગાવી હોય તેવી નામની તક્તિ પણ નથી. પરતું ચોપન દિશાઓમાંથી વાતો પવન તેમની કુદરતની પવનની બારીઓમાંથી અનેરી ઠંડક રેલાવે છે. ઘરમાં બેસે તોય સૂરજનાં કિરણોનું તેજ અને ચંદ્રની ચાંદની તેમને તાળી દેતી હોય તેમ તેમની પર રેલાય છે.
જીવન મરણની વાતો કરતાં મીઠાં વાયરા સાથે ઘરમાં રહી તે વાતો કરે છે અને આ મીઠા વાર્તાલાપમાં જાણે એક વાર હોઠ ફફડે ત્યાંતો ભીંતે ચીતરેલાં બધાં મોરલા ગહેકીને ટહુકો કરતાં સંભળાય છે. જ્યારે માણસ ભીતરથી આનંદિત હોય તો તેને બહારની દુન્યવી સંપત્તિનો કોઈ મોહ હોતો નથી. તે તો તેના નિજાનંદમાં મસ્ત હોય છે. આમ આ ધ્રુવગીતમાં દાદાએ નિજાનંદ જ સાચું સુખ છે તે સમજાવ્યું છે.
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
એક સાહિત્યિક તીર્થ અને તેમાં રહેલી પુસ્તકપ્રતિમાઓ – ભરતખંડના રાજ્યકર્તા / ઔરંગઝેબ
આદિમુદ્રિત ગ્રંથવૈભવ
નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.
‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્ક પર વાંચી શકાશે.
https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/
ભરતખંડના રાજ્યકર્તા / ઔરંગઝેબ
બીરેન કોઠારી

પુસ્તક ક્રમાંક: ખ ૯૦/ ૦૦૫૫૫
પુસ્તકનું નામ: ભરતખંડના રાજ્યકર્તા / ઔરંગઝેબ
મૂળ લેખક: સ્ટેન્લી લેન-પૂલ
ગુજરાતીમાં ભાષાન્તરકર્તા: ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, ‘ગુજરાતી’ના તંત્રી
પ્રકાશન વર્ષ: –
કિંમત: –
પૃષ્ઠસંખ્યા: ૨૫૧
વિગત: ગુજરાતી ભાષામાં ચરિત્રાત્મક સાહિત્ય ઓછું છે અને પ્રાચીન તેમજ અર્વાચીન કાળના અનેક પ્રતાપી તેમજ ખ્યાતનામ શાસકો વિશેની માહિતી જૂજ હોવાનું આ ગ્રંથના પ્રકટકર્તા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ અંગ્રેજીમાં લખેલી પોતાની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. ક્લેરેન્ડન પ્રેસ ઑફ ઑક્સફર્ડ દ્વારા પ્રકાશિત તેવીસ પુસ્તકોની આવી શ્રેણી પૈકી દસ પુસ્તકોને ગુજરાતીમાં ઉતારવા માટે પસંદ કરાયાં છે. એ પૈકીનું એક પુસ્તક એટલે આ.
કુલ બાર પ્રકરણમાં વહેંચાયેલા આ પુસ્તકમાં ‘અકબરનો વારસો’ અને ‘ઔરંગઝેબનું કુટુમ્બ’ પછી પ્રથમ પ્રકરણ ‘શાહજાદો’ અને અંતિમ પ્રકરણ ‘ઔરંગઝેબની પડતી’ છે. તેમના જન્મથી લઈને તેમના મૃત્યુ સુધીનો સમગ્ર જીવનકાળ આ પ્રકરણોમાં આવરી લેવાયો છે.
આ પુસ્તક નીચેની લીન્ક પર વાંચી શકાશે.
https://rekhtagujarati.org/ebooks/stanley-lane-pole-ebooks
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
વૈચારિક શુદ્ધિના પ્રણેતા: પંડિત દીનદયાલ
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
થાય છે, વાતનો ઉપાડ ખાસાં અઠ્ઠાવન વરસ પાછળ જઈને કરું: ૧૯૬૮ના ફેબ્રુઆરીની ૧૧મી તારીખે, એ દિવસોમાં ગમતા રાજપુરુષો પૈકી એક, જનસંઘના લગભગ સ્થપતિ જેવા દીનદયાલ ઉપાધ્યાયના અકાલમૃત્યુની ખબરે મેં કંઈક આંચકો અનુભવ્યો હતો. વય ૫૧-૫૨ની હશે, અને પક્ષપ્રમુખ થયાને તો હજુ આખા ૪૨૩ દિવસ માંડ થયા હશે. વળી એક દસકો પાછળ જઈને જોઉં છું તો ૧૯૫૮-૫૯ની એમની પહેલી રૂબરૂ મુલાકાત સ્મરણપટ પર ઊપસી આવે છે. એ ગાળામાં અમે કેટલાક મિત્રો નિખિલ ભારત વિદ્યાર્થી વર્તુલ એવા ભારીભરખમ નામ નીચે (બિલકુલ, ચકલી નાની ને ફૈડકો મોટો) પ્રવૃત્તિ કરતા હતા.
ત્યારે હજુ ગુજરાત-મહારાષ્ટ્ર ર છૂટાં પડ્યાં નહોતાં અને મુંબઈ સરકારે પાઠ્યપુસ્તકોમાં લખનૌ લિપિ દાખલ કરવા વિચાર્યું હતું. સ્વાતંત્ર્યસૈનિક શિક્ષણકાર ઠાકોરભાઈ ઠાકોરે સૂચિત લિપિફેર સામે ઝંડો ઉપાડ્યો હતો અને અમને મિત્રોને પણ એ જ લાઈન પર વિરોધસૂર ઉઠાવવા જેવું લાગતું હતું. દીનદયાલ ઉપાધ્યાય અમદાવાદ આવ્યા હશે અને ગુજરાત જનસંઘના મહામંત્રી હરિપ્રસાદ પંડ્યાએ એમની સાથે અમે મળીએ એવું ગોઠવ્યું. કોંગ્રેસ કરકાર સામે વિરોધ પક્ષ તો તક જ શોધતો હોય એવી જાડી સમજ સાથે અમે મુલાકાતના સમયે અમદાવાદની મહારાષ્ટ્ર સોસાઈટીમાં ડો. વણીકરને ત્યાં પહોંચી ગયા.
દીનદયાલે શાંતિથી બિલકુલ એકધ્યાન થઈને અમને સાંભળ્યા પણ સમર્થન ન આપ્યું. બલકે, કહ્યું કે ‘રાષ્ટ્રધર્મ’ માસિક, ‘પાંચજન્ય’ સાપ્તાહિક અને ‘સ્વદેશ’ દૈનિકની આરંભિક જવાબદારી સંભાળતા ને હેન્ડ કમ્પોઝમાં હાથ બટાવતા મેં પણ લિપિસુધારતની જરૂરત અનુભવી છે. જાહેર જીવનનું આ એક એવું લેસન હતું જે એ જ અરસામાં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ મગનભાઈ પ્ર. દેસાઈ સાથેની મુલાકાતથીયે દૃઢાયું હતું. ઠાકોરભાઈ ઠાકોર અને એ અંગ્રેજી કયા ધોરણથી શીખવવું તે મુદ્દે સામસામે ખરાખરીના જંગમાં પડેલા હતા.
મગનભાઈએ લખનૌ લિપિના વિરોધ કે સમર્થનની લપછપમાં પડ્યા વગર એક અચ્છા શિક્ષકની અદાથી અમને સમજાવ્યું હતું કે લિપિફેર એક સહજ પ્રક્રિયા હોઈ શકે છે, એટલે ફેરફાર માત્રથી બારોબાર વિરોધ ન થઈ શકે. વાત ક્યાંથી ક્યાં ચાલે છે તો લગરીક લોહિયાને પણ સંભારી લઉં. મગનભાઈ એ દિવસોમાં માતૃભાષાના માધ્યમ અંગે એમના આગ્રહથી ઉપલક ઉભડક સમજવશ ટીકાપાત્ર બન્યા હતા. ‘મગન માધ્યમ’ એ ઉપહાસવિષય હતો. એમને અને એમના પક્ષને (કોંગ્રેસ)ને ઝૂડવા માટે એ હાથવગો બલકે મોંવગો મુદ્દો હતો. પણ લોહિયા જેનું નામ, અમદાવાદની જાહેર સભામાં એમણે મગનભાઈની સૈદ્ધાંતિક ને શાસ્ત્રીય ભૂમિકાને ઉલટભેર વધાવી લેતાં મુદ્દલ સંકોચ કર્યો નહોતો.
દીનદયાલ ઉપાધ્યાયના સ્મરણ સાથે એમની પહેલી પહેલી મુલાકાતની જોડાજોડ કેટલીક વાત ગાયની પૂંઠે પૂંઠે વાછડા પેટે ધ્રોપટ ચાલી આવી તે ચાલી આવી. ૧૯૫૧-૫૨માં, બારેક વર્ષની વયે મેં એમનું નામ પહેલી વાર સાંભળ્યું હશે. નેહરુ-પટેલે કોંગ્રેસ બહારનીયે પ્રતિભાઓ લઈને સ્વરાજનું પહેલું પ્રધાનમંડળ રચ્યું એમાંથી છૂટા થયા પછી શ્યામાપ્રસાદ મુખર્જીએ હિંદુ મહાસભામાં પાછા નહીં ફરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહયોગથી જે નવો પક્ષ રચ્યો એને સંઘે આપેલા ચુનંદા સાથીઓમાં અંગ્રેજી સાહિત્યના અવ્વલ છાત્ર દીનદયાલ પણ હતા. સુદીર્ઘ મહામંત્રીકાળ દરમ્યાન સંગઠન બાંધવામાં તેમ વૈચારિક સફાઈની દિશામાં તો એ સ્થપતિ જેવા પુરવાર થયા હતા.
ખેર, એમની પહેલી મુલાકાત પછી પાંચ-સાત વરસ કુદાવું છું ત્યારે થઈ આવતું સ્મરણ એમના ને લોહિયાના એ સંયુક્ત નિવેદનનું છે જેમાં ભારત-પાક સમવાય અગર અર્ધ-સમવાય (કોન્ફેડરેશન)ની હિમાયત હતી. દેખીતી રીતે જ, હિંદુત્વ રાજનીતિના ઘોર રાષ્ટ્રવાદ અને વિજીગીષુ વૃત્તિ સહિતના યુનિટરી નેશન-સ્ટેટના જડબેસલાક ચોકઠાની બહાર જતી આ વાત હતી. આગળ ચાલતાં ૧૯૯૯માં વડાપ્રધાન વાજપેયી મિનારે પાકિસ્તાનની સત્તાવાર મુલાકાત વાટે જે લવચીક અભિગમ દાખવવાના હતા તે પણ આ સંદર્ભમાં સાંભરે છે. નિતાન્ત મુસ્લિમદ્વેષમાંથી પોષણ મેળવતી રાજનીતિથી હટવા સાથેનું એમનું વ્યાપક ને ઉદાત્ત વલણ ૧૯૬૫માં મુંબઈનાં ચાર વ્યાખ્યાનોમાં એમણે એકાત્મ માનવ દર્શનની જે માંડણી મૂકી એમાંથી ફોરે છે.
એકાત્મ માનવવાદની વિગતવિશદ ચર્ચા યથાપ્રસંગ કરીશું, પણ એમના વ્યાપક વલણ વિશે સહેજસાજ ભલે ને અછડતો પણ નિર્દેશ જરૂર કરું- જેમકે, દાખલા તરીકે, ધર્મરાજ્ય જેવા પ્રયોગને એમણે ‘રુલ ઓફ લો’ તરીકે ઘટાવ્યો હતો. હકીકતે, દીનદયાલના મતે ‘રાષ્ટ્ર’ માત્રને અંતરાત્મા સરખો કોઈક માર્ગદર્શક મુદ્દો કહેતાં ‘ચિતિ’ હોય છે. ભારતની ‘ચિતિ’ કોઈ હોય તો તે ધર્મ છે. હિંદુ ધર્મ અગર ઈસ્લામ એવા કોઈ અર્થમાં નહીં, પણ ધર્મ કહેતાં ધારણપોષણનું નિયામક બળ. (અરવિંદ જેમકે ધર્મને ‘કોડ ઓફ કન્ડક્ટ’ તરીકે સમજાવે છે.) આ જો રિલિજિયન નથી તો હિંદુ હોવાને ધોરણે રચાતું રાષ્ટ્ર પણ નથી.
આ ચર્ચા જો આગળ લંબાય તો એમ પણ સમજાય કે સાવરકર-હેડગેવાર, ગોળવલકરની પરિઘિને દીનદયાલ કોઈક તબક્કે લાંઘી પણ શકે. અલબત્ત, આ શક્યતા ઉત્તર બલકે ઉત્તરોત્તર દીનદયાલની હોઈ શકતી હતી. ૨૦૧૬-૧૭માં નમો શાસને ૩૦૦ કરોડના ખર્ચે દીનદયાલ શતાબ્દી મનાવી… પણ પેલો ચિતિબોધ? ધર્મ છૂટી ગયો ને રિલિજિયનનું રાજકારણ સવાર થઈ ગયું. સહચિંતનની ભૂમિકાએ પેલી ગાયકવાડી કહેવત જરી ફેરવીને મૂકીએ તો હાથમાં દંડો ને બગલમાં મોઈ, સત્તા લેતાં ‘ચિતિ’ ખોઈ. આટલું, દીનદયાલ એકસો દસમે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૩-૨-૨૦૨૬ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
સંસારસંન્યાસ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
લાંબા સમય પછી નિવૃત્તિ બાદ ગજાધર બાબુને ઘેર આવેલા જોઈને શકુંતલાદેવી તો ભારે ખુશ. હાશ, હવે પતિની પસંદગીનું ખાવાનું બનાવીને એ એમને ખવડાવી શકશે. ખૂબ સેવા કરશે. લાંબા અરસા પછી પતિના સાંનિધ્યમાં સમય પસાર કરવાનો શકુંતલાના મનનો હરખ એના ચહેરા પર છલકાતો હતો.
૨૫ વર્ષથી એ પતિથી દૂર રહી. ગજાધર બાબુની નોકરી જ એવી હતી કે દર ત્રણ વર્ષે એમની ટ્રાન્સફર કોઈ દૂરદૂર શહેરોમાં થતી. સંતાનોને દર વખતે નવી જગ્યા, નવી સ્કૂલ, અલગ વાતાવરણમાં અગવડ ન પડે અને એમના અભ્યાસમાં ખલેલ ન પહોંચે એટલે શકુંતલા પિયર હતું એ શહેરમાં સંતાનો સાથે રહી. ઘર સંભાળ્યું, સંતાનોના ઉછેર અને અભ્યાસ પાછળ પૂરતો સમય આપતી રહી.
સમય જતા મોટા દીકરાનું લગ્ન થતાં પુત્રવધૂ આવી. દીકરીને પણ ધામધૂમથી પરણાવી. નાના દીકરાને પરણાવવાનો સમય પણ નજીક આવતો ગયો. સઘળી જવાબદારી શકુંતલાએ એકલા હાથે પાર પાડી. મનમાં સતત આશાનો એક દીપ લઈને એ આ બધું કરતી રહી કે પતિ નિવૃત્ત થઈને ઘેર આવશે ત્યારે ઘર-પરિવારના સઘળા ભારથી મુક્ત થઈને સંપૂર્ણ સમય પતિ સાથે, પતિ માટે જ ફાળવશે. ઉત્તરાર્ધનો સોનેરી સમય પતિ સાથે ગાળશે, પતિ સાથે ભરપૂર જીવશે. આટલા વર્ષોના વિયોગને એ ઉત્સવમાં બદલી નાખશે.
છેલ્લા પાંચ મહિનાથી પુત્રવધૂને ઘરકામમાં કેળવવા માંડી હતી જેથી પોતે ઘરકામથી ફારેગ થાય તો પુત્રવધૂ સરળતાથી એ જવાબદારી સંભાળી શકે. આટલા વર્ષોથી પોતે તો પરિવાર સાથે રહી છે, પણ પતિ તો સાવ એકલા જ રહ્યા છે. પોતે પતિની એકલતાને, વર્ષોના સૂનકારને સુંવાળા સહચારથી ભરી દેશે.
શકુંતલાદેવીનું સપનું સાકાર થવાનો દિવસ આવ્યો. ગજાધર બાબુ ઘેર આવ્યા, પણ આ શું?
શકુંતલાદેવીને એ વાતનું આશ્ચર્ય થતું કે આટલા વર્ષે પત્ની સાથે રહેવાનો સમય આવ્યો ત્યારે પતિ મહાશયમાં કેમ જરાય ઉમળકો વર્તાતો નથી? શકુંતલાદેવી પાસે બેઠા હોય તો પણ પતિદેવ તો મોબાઇલમાં જ વ્યસ્ત. બાજુમાં બેઠેલી પત્ની તરફ નજર માંડવાના બદલે. પત્નીની વાતો સાંભળવાના બદલે એમનું ધ્યાન સતત મોબાઇલમાં જ રહેતું. હાથમાં ફોન અને ફોન પર ખટર પટર, પટર ખટર. શકુંતલા પાસે બેસતી તો ગજાધર બાબુ અસહજ બની જતા.
આટલા વર્ષો એકલા રહ્યા પછી ગજાધરે WhatsApp, Twitter, Facebook, Instagram જેવા social media સાથે દોસ્તી કરી લીધી હતી. ફેસબુક તો જાણે એમની ઓળખ બની ગયું હતું. અવારનવાર ફેસબુક પર પોતાની પોસ્ટ શેર કરે રાખતા. મળ્યા ન હોય એવા લોકો સાથે વાતચીત અને વાહવાહીમાં સમય પસાર કરતા.
એક શકુંતલાદેવી હતાં જેમણે ચાતકની જેમ પતિની રાહ જોઈ હતી. જીવનભરની કથા, વ્યથા પતિને જણાવવી હતી. પતિ એકલા રહેતા હતા એટલે એમને કોઈ જાતનો ઉચાટ, કોઈ દ્વિધા કે અવઢવ ઊભી ન થાય એટલે સતત સંજોગો સામે એ ઝઝૂમતી રહી. આ પચીસ વર્ષ કેવી રીતે પસાર કર્યાં છતાં એનો અણસારો સુદ્ધાં પતિ સુધી પહોંચવા નહોતો દીધો.
શકુંતલાદેવી સરસ તૈયાર થતી, પણ પતિદેવને ફેસબુકની સુંદરીઓને જોવા આડે એક મિનિટની ફુરસદ જ ક્યાં હોય કે પત્ની સામે નજર માંડે? હવે તો સ્થિતિ એવી આવતી કે, શકુંતલાદેવી કંઈક કહેતા હોય તો પણ ગજાધરબાબુનું ચિત્ત એમનાં ‘બુદ્ધુ બોક્સ’- ‘Idiot Box’માં જ હોય. શકુંતલાદેવીએ ક્યારે, શું કહ્યું એ હવામાં જ જતું. બંનેના દિવસ-રાત પણ અલગ. શકુંતલાદેવી વહેલા સૂઈ જાય, પતિદેવ મોડા સુધી મોબાઇલમાં રચ્યાપચ્યા હોય. શકુંતલાદેવી સવારે વહેલા ઊઠે, પતિદેવ મોડી સવાર સુધી ઊંઘતા હોય.
કેટલીય વાર શકુંતલાદેવીને લાગતું કે પતિદેવ કોઈની સાથે વાત કરી રહ્યા છે, પણ એમને જોઈને ચૂપ થઈ જાય છે.
આ એ જ પતિ હતા જે કહેતા કે, “શકુ, તારા વગર રહેવું મારા માટે મોતથી બદતર દશા જેવું છે.” અને આજે પચીસ વર્ષે મળેલા પતિદેવ આટલા બદલાઈ ગયા?
હાય રે, આટલા માટે જુદાગરો વેઠ્યો હતો?
પતિદેવે અચાનક એક દિવસ શકુંતલાદેવીને જાણ કરી કે, સરકારનો રિટાયર્ડ લોકોને નોકરી પર રાખવાનો પ્રસ્તાવ એમણે મંજૂર કરી લીધો છે અને હવે પોતે નવી નોકરીવાળા નવા શહેરમાં જશે. શકુંતલાદેવીએ રાજી થઈને પતિ સાથે જવાની તૈયારી આદરી.
પણ, ગજાધરબાબુએ એમના ઉત્સાહ પર ઠંડુ પાણી રેડતાં કહ્યું, “એમને ક્યાં ક્યાં જવું પડશે એ નિશ્ચિત નથી. વળી અહીં પૌત્ર-પૌત્રીઓ, પરિવારને શકુંતલાદેવીની જરૂર વધારે છે. પોતે તો પોતાની વ્યવસ્થા કરી લેશે.”
“અરે ભગવાન, હવે પેન્શનની પૂરતી રકમ મળે છે તો નવી નોકરીની જરૂર છે જ ક્યાં? જીવનના આ પડાવ પર સાથે રહેવાનો સમય મળ્યો છે તો માણી લો ને?” પત્નીએ અકળામણ ઠાલવી.
ગજાધરબાબુ પત્નીને કેવી રીતે સમજાવે કે, “હવે એમને એકલા રહેવાનું માફક આવી ગયું છે. WhatsApp, Twitter, Facebook, Instagram જ એમની દુનિયા છે અને એમાં જ મસ્ત રહેવાનું ગમે છે. પત્નીની સાથે રહેવાનું, પત્નીના સવાલોના જવાબ આપવાનું નથી ગમતું. હવે તો એકાકી જીવનમાં જ મસ્ત અને વ્યસ્ત રહેવું છે.”
અને ગજાધરબાબુએ ફરી પોતાનો સામાન સમેટવા માંડ્યો. શકુંતલાદેવી ફરી રસોડું સંભાળવા તરફ વળ્યાં.
ડૉ. પદ્મા શર્મા લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
બાસમતી ચોખા
આશા વીરેન્દ્ર
પ્લાસ્ટર ઊખડી ગયેલી, પડું પડું થતી દીવાલ વાળું જર્જરિત ખંડેર જોઈને કોઈ માની ન શકે કે, એક જમાનામાં અહીં જમીનદારની શાનદાર હવેલી ઊભી હતી. જેવી હાલત હવેલીની એવી જ, કે કદાચ એનાથીય બદતર હાલત હતી એની માલકણ પારવતીની. ચીંથરું થઈ ગયેલી ચાદર ર્જીણ શરીર પર લપેટતાં એ રોજ કહેતી, “વહુ, આ બુઢ્ઢાં હાડકાંઓમાં ઠંડી સહન કરવાની તાકાત નથી રઈ. એકાદ જૂનું ગોદડું હોય તો કાઢી આલજે. વરંડામાં પડેલી પાટ પર સૂઉં છું તે રાતે ટાઢથી થીજી જવાય છે.”
“ગોદડું ક્યાંથી લાવું? માવતરેથી લગન વખતે લાવી’તી ઈ ફાટીને તાર તાર થઈ ગ્યું છે. ઈ બેય છોકરાંઓનાં ડિલ પર નાખું છું. બસ! ઈ સિવાય હવે કાંઈ નથ.”
ડોસી ચુપચાપ ઘરની કંગાળ હાલત પર નિસાસો નાખતી. માલિકના ગયા પછી હવેલીની પડતી શરૂ થઈ. ત્યારબાદ એક પછી એક નોકરોએ પોતાનો રસ્તો લઈ લીધો. એક ફક્ત ગોપી એને આપેલી ખોલીમાં પડી રહેતો ને થઈ શકે એવું પરચૂરણ કામ કર્યા કરતો. નવરાશના સમયે ઓટલે આવીને બેસતો ને કહેતો, “શેઠાણીબા, ઉં તો ક્યાંય નંઈ જવાનો. મારો જેંતી શેરમાં રે’વા બવ બોલાવે છ પણ મીં કીધું કે, જીવ્યો ઐયાં ને મરવાનો પણ ઐયાં જ!” એની ઇચ્છા પૂરી થઈ. ચાર દિવસ પહેલાં એણે દેહ છોડ્યો. ગઈકાલે જેંતી મોટર લઈને આવ્યો ને એણે જાહેરાત કરી, “મારા બાપનું સરાધ હું ધામધૂમથી કરવાનો છું. આખા ગામને જમવા નોતરવાનો છું.”
ડોસી આ સાંભળીને બબડ્યાં, “જોઈએ તો ખરાં કે, મોટો સાયેબ થઈ ગ્યો છે તે શું જમાડે છે?”
ત્યાં તો સ્કૂલેથી આવેલી નાનકડી દીકરીએ કહ્યું, “દાદી, ગોપીકાકાના ઘર પાસેથી આવી ને, ત્યારે મેં જોયું કે, ત્યાં આ…ટલો બધો ભાત રંધાય છે.”
“ના બાઈજી, હવે તો ઈ લોકોય તુવેરની દાળ ને બાસમતી ભાત જમાડે છે.” સાસુની વાત સાંભળી રહેલી જમનાએ કહ્યું, “બાસમતી એટલે શું? દીકરીએ પૂછ્યું.”
“બચાડીએ કોઈ દી જોયું હોય તો ખબર પડે ને? બેટા, બાસમતી ઈ ચોખાની એક જાત છે. કોલમ, મસૂરી, પરિમલ… કેટલી બધી જાતના ચોખા આવે, ખબર છે?” બોલતાં બોલતાં ડોસીનાં મોંમાં પાણી આવવા લાગ્યું. આ બધું સાંભળી રહેલા પ્રતાપને બહુ ગુસ્સો આવતો હતો. “સાલ્લા, બે બદામના નોકરડા, આખા ગામને જમાડે ને આપણે એમાં જમવાનું?” મોટેથી ઘાંટો પાડીને એણે સૌને કહી દીધું હતું, “જેંતી ભલે જાતે નોતરું આપવા આવે, પણ ખબરદાર છે કોઈ જમવા ગયું છે તો! ગમે તેમ તોયે આપણે એના માલિક છીએ. એમ ભુખ્ખડની જેમ જમવા બેસી જઈએ તો કેવું લાગે?”
સાયકલ લઈને પ્રતાપ બહાર નીકળતો હતો ત્યારે જમનાએ એની પાછળ જઈને કહ્યું, “રોજ રોજ જાડા કુસકાના રોટલા ખાઈને બધાં કંટાળ્યાં છે. વીસ દિવસથી રોટલા ને ભાજીનું શાક- એની સિવાય કંઈ બનાવાયું જ નથી. માથી તો રોટલો ચવાતો પણ નથી.”
“બધું સમજું છું પણ નસીબ આડેથી પાંદડું ખસતું નથી તો શું કરું?”
થોડીવાર પછી જેંતી નિમંત્રણ આપવા આવ્યો હતો. શેઠાણીને પગે લાગીને ગળગળા સાદે કહ્યું હતું, “તમે તો અમારા અન્નદાતા છો. આજે જે કંઈ છું એ તમારા પ્રતાપે. સહકુટુંબ જમવા જરૂર પધારજો.”
બંને નાનાં બાળકો જમવા જવા તૈયાર થઈ ગયાં હતાં પણ જમનાએ કહ્યું, “તમારા બાપા જાણશે તો ટાંટિયો ભાંગી નાખશે. બેસો, છાનાંમાનાં ઘરમાં!”
જેંતીએ કહ્યું, “મા, એ તો હું. તમે કોઈ જમવા ન આવ્યાં તે હું ખાવાનું ઢાંકવા આવ્યો છું. લાપસી, દાળ-ભાત, શાક બધું છે.” સાંભળીને ડોસીની આંખો ચમકી ઊઠી.
“મા, કોની સાથે વાત કરતી હતી? કોઈ આવેલું?” પ્રતાપ ને એની પાછળ છોકરાંઓ અને જમના બધાં બહાર આવ્યાં.
“જેંતી આવ્યો’તો. પરાણે ખાવાનું મૂકી ગયો. મેં ઘણી ના પાડી કે, હજી તો હમણાં બધાં પેટ ભરીને જમ્યાં છીએ, પણ ઈ ન માન્યો.”
જમના ડરતાં ડરતાં બોલી, “હવે આવ્યું જ છે તો બેય છોકરાંઓને જમવા બેસાડી દઉં? ભૂખ્યા પેટે બેયને નીંદર નથી આવતી.”
જવાબની રાહ જોયા વિના બેઉ બાળકો દોડતાં આવ્યાં ને થાળી લઈને ગોઠવાઈ ગયાં. હજી એ બંનેની થાળી પીરસાય ત્યાં ડોસીમા ડગુમગુ કરતાં આવ્યાં, “વહુ, મનેય ખાવાનું આપી જ દે. વરસો થયાં આવું બધું ખાધાને! ને ગોપી આપણો નોકર હતો એટલે એના ઘરનું ન ખાવું એવું ઓછું છે? કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી.”
પ્રતાપ ત્રણેને અકરાંતિયાની જેમ ખાતાં જોઈ રહ્યો પછી જમના સામે જોઈ ધીમેથી બોલ્યો, “હજી ખાવાનું ઘણું વધ્યું છે, નહીં? આટલું સારું ખાવાનું ફેંકી દેવા કરતાં ચાલ, આપણે બેઉ પણ જમી લઈએ. થાળી પીરસ.”
બંનેની થાળી પીરસીને સામે મૂકી ત્યારે પ્રતાપ પત્નીની આંખમાં આંખ નહોતો મેળવી શકતો. નીચી મૂંડી કરીને કોળિયા ભરી રહેલા પતિની મજાક કરતાં જમનાને કહેવું હતું કે, ‘કેમ, ના કહેતા હતા પણ આખરે જમવું પડ્યું ને?’
પણ એનાથી એવી ક્રૂર મજાક ન થઈ શકી. હસવાનો પ્રયત્ન કરવા જતાં એની આંખમાંથી નીકળેલાં આંસુ દાળમાં પડ્યાં. જમીને આંગળાં ચાટી રહેલાં સાસુ અને બાળકોને જોઈને એના ચહેરા પર સંતોષનો ભાવ આવ્યો કે કરુણાનો એ એને પોતાને જ ન સમજાયું.
(બસવરાજ સાદરની મૈથિલી વાર્તાને આધારે)
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
એક કલાકાર: ગાયકો એકથી વધુ [૪]
નિરંજન મહેતા
આ શ્રેણીના આ લેખમાં મનોજકુમાર વિષે રજૂઆત કરૂં છું. ન કેવળ એક અદાકાર પણ નિર્માતા નિર્દેશક અને ગીતકાર તરીકે પણ તેમણે આગવી પ્રતિભા દાખવી છે. જેમ સામાન્ય રીતે રાજકપૂર માટે મુકેશનો અવાજ બંધ બેસે છે તેમ મનોજકુમાર માટે મહેન્દ્ર કપૂરનો અવાજ. .તેં છતાં કેટલાક ગીતો અન્ય ગાયકોએ પણ ગાયા છે. વળી મનોજકુમારે દેશપ્રેમ દર્શાવતી કેટલીક ફિલ્મો બનાવી છે તેને કારણે તે ભારતકુમાર તરીકે પણ ઓળખાય છે.
સૌ પ્રથમ જોઈએ ૧૯૬૨ની ફિલ્મ ‘‘બનારસી ઠગ’ના ગીતો
પહેલા ગીતના ગાયક રફીસાહેબ
अब मोहब्बत में जो पहले थी, वो तासीर नहीं
अब वो शीरीं नहीं, लैला नहीं, वो हीर नहींગીતકાર અખ્તર વારીસ સંગીતકાર ઇકબાલ કુરેશી. મનોજકુમાર સાથે વિજયા ચૌધરી
બીજા ગીતના ગાયક મુકેશ
खुली खुली जुल्फों को बांध भी लो
हो जाये न दुनिया में शम कही
यु न देखो यूं न देखो
तुम मुझकोગીતકાર અઝીઝ કૈસી સંગીતકાર ઇકબાલ કુરેશી. મનોજકુમાર સાથે વિજયા ચૌધરી
૧૯૬૨ની જ અન્ય ફિલ્મ ‘હરિયાલી ઔર રાસ્તા ‘
પહેળા ગીતમાં મનોજકુમાર પર રચાયેલ આ ગીત એક પાર્શ્વગીત છે જે મહેન્દ્ર કપૂરના અવાજમાં છે
खो गया है मेरा प्यार मेरा प्यार
ढूंढता हु मै मेरा प्यार
ढूंढता हु मै मेरा प्यार
खो गया है मेरा प्यार मेरा प्यारગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન
બીજું ગીત મુકેશના સ્વરમાં
तेरी याद दिल से भुलाने चला हूँ
के खुद अपनी हस्ती, मिटाने चला हूँગીતકાર હસરત જયપુરી અને સંગીતકાર શંકર જયકિસન
૧૯૬૨ની વધુ એક ફિલ્મ ‘મા બેટા’
પહેલા ગીતમાં સ્વર છે હેમાંન્ત્કુમારનો
मुहब्बत जिसको कहते
हैं वोह इक
धड़कन पुराणी है
यह किस्सा हर नजर का
है यह हर दिल
की कहानी हैમનોજકુમાર સાથે અમિતા. સ્વર છે હેમંતકુમાર અને લતાજીનાં. હેમંતકુમારનું સંગીત અને પ્રેમધવનનાં શબ્દો
બીજા ગીતમાં સ્વર છે મુકેશનો.
मैंने कहा जी मैंने
कहा तुमसे हमें प्यार है
मैंने कहा जी मैंने कहा हमको
कब इंकार है मैंने कहाમનોજકુમાર સાથે અમિતા. સ્વર છે મુકેશ અને લતાજીનાં હેમંતકુમારનું સંગીત અને પ્રેમધવનના શબ્દો
૧૯૬૨ની અન્ય ફિલ્મ ‘નકલી નવાબ’માં ત્રણ ગીતો એવા છે જેમાં ત્રણ જુદા જુદા ગાયકો છે
પહેલા ગીતના ગાયક છે તલત મેહમુદ
मस्त आँखें हैं की पैमाने दो
हाय! आज तो मुझ को बहक जाने दो
आ: इतने छलका के न पैमाने दो
हाय! इक ज़रा होश में आ जाने दोસાથ આપ્યો છે શકીલાએ. સહગાયિકા છે આશા ભોસલે. ગીતકાર કૈફ ઈર્ફાની અને સંગીતકાર બાબુલ
બીજું ગીત ગાયું છે રફીસાહેબે
સાથ આપ્યો છે શકીલાએ. ગીતકાર રાજા મેહંદી અલી ખાન અને સંગીતકાર બાબુલ
छेड़ा जो दिल का फ़साना
हंसा ज़ोर से क्यों ज़माना
अल्ला जाने मौला जानेત્રીજું ગીત મુકેશના સ્વરમાં
फूलो से रंगीन ज़मी है
कतो का गुम भी यही है
दुनिया के मलिक ये
दुनिया तेरी है मेरी नही हैસાથ આપ્યો છે શકીલાએ. ગીતકાર કૈફ ઈર્ફાની અને સંગીતકાર બાબુલ
૧૯૬૪ની ફિલ્મ ‘વો કૌન થી’ના પહેલા ગીતના ગાયક છે રફીસાહેબ અને સહગાયક આશા ભોસલે.
तिकी रिकी तिकी रिकी ताकुरी
तिकी रिकी तिकी रिकी तुम
कल जो मिला था
मुझे ख्वाब में
वही तो नहीं हो क्या तुमબીજા ગીતના ગાયક છે મહેન્દ્ર કપૂર. સહગાયક લતાજી.
छोड़ कर तेरे प्यार का दामन ये बता दे कि हम किधर जायें
हम को डर है कि तेरी बाहों में हम खुशी से न आज मर जायेंબંને ગીતમાં મનોજકુમારને સાથ આપ્યો છે હેલને બંને ગીતના ગીતકાર રાજા મહેંદી અલી ખાન અને સંગીતકાર મદન મોહન
૧૯૬૪ની અન્ય ફિલ્મ ‘અપને હુએ પરાયે’
પહેલા ગીતમાં ગાયક છે સુબીર સેન
गगन के चँदा न पूछ हमसे, कहाँ हूँ मैं दिल मेरा कहाँ है
गगन के चँदा न पूछ हमसे, कहाँ हूँ मैं दिल मेरा कहाँ है
किसीके चाहत में खो गए हम, ना अपना दिल है, ना अपनी जाँ हैમનોજકુમારને સાથ આપ્યો છે શશીકલાએ. શૈલેન્દ્રના શબ્દો અને શંકર જયકિસનનું સંગીત. સ્વરમાં સાથ છે લતાજીનો.
બીજા ગીતના ગાયક છે મુકેશ
दुपटे की गिरह में बांध लीजिए
मेरा दिल है कभी काम आएगाગીતકાર હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયકિસને
૧૯૬૫ની ફિલ્મ ‘પૂનમ કી રાત’માં જે ગીતો છે તેમાના પહેલા ગીતના ગાયક છે મુકેશ અને સાથ આપ્યો છે લતાજીએ.
तुम कहा ले चले हो सजन अलबेले
ये कौन सा जहा है बताओ तो बताओ तो
ये सफ़र अंजना ये प्यार की है राहे
जरा संग मेरे तुम आओ तो
तुम आओ तो
तुम कहा ले चले होબીજું ગીત ગયું છે રફીસાહેબે
दिल तड़पे तड़पाये
जिनके मिलान को तरसे
वो तो न आये
मौसम आये जायेબંને ગીતના ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર સલીલ ચોંધરી
૧૯૬૫ની અન્ય ફિલ્મ ‘શહીદ’
પહેલું ગીત મહેન્દ્ર કપૂર અને સાથીઓએ ગાયું છે.
मेरा रंग दे बंसती चोला माहे रंग दे बसंती चोला
जिस चोले को पहन शिवाजी खेले अपनी जान पे
जिसे पहन झाँसी की रानी मिट गई अपनी आन पे
आज उसी को पहन के निकला हम मस्तों का टोलाબીજું ગીત ગાનાર છે રફીસાહેબ
सरफ़रोशी की तमन्ना
अब्ब हमारे दिल में है
देखना है जोर कितना
बाजुए कातिल में हैબંને ગીતોના ગીતકાર અને સંગીતકાર પ્રેમ ધવન
૧૯૬૫ની એક વધુ ફિલ્મ ‘હિમાલય કી ગોદ મેં’
પ્રથમ ગીતના ગાયક છે રફીસાહેબ
हाय सोनिये हिरिये हिरिये हाय रे हाय
ओए सोनिया ओए सोनिया होए रंज़ियाગીતકાર કમર જલાલાબાદી
બીજું ગીત મુકેશના સ્વરમાં
मैं तो एक ख्वाब हूँ, इस ख्वाब से तू प्यार न कर
प्यार हो जाए तो, फिर प्यार का इज़हार न करગીતકાર આનંદ બક્ષી
બંને ગીતના સંગીતકાર કલ્યાણજી આણંદજી.
૧૯૬૬ની ફિલ્મ ‘સાવન કી ઘટા’
પહેલું ગીત ગાયું છે મહેન્દ્ર કપૂરે શર્મિલા ટાગોરને ઉદ્દેશીને
मेरी जान तुम पे सदके, एहसान इतना कर दो
मेरी ज़िंदगी में अपनी, चाहत का रंग भर दोબીજું ગીત પણ શર્મિલા ટાગોરને ઉદ્દેશીને ગવાયું છે જેના ગાનાર છે રફીસાહેન
होठो पे हसी आँखों में नशा
पहचान है मेरे दिलबर की
जब ढली नजर दिल मोह लिया
क्या बात है इस जादूगर कीબંને ગીતના ગીતકાર એસ.એચ બિહારી અને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે.
૧૯૬૭ની ફિલ્મ ‘પત્થર કે સનમ’માં બે જુદા જુદા ગાયકો પાસે ગીતો ગવડાવ્યા છે.
પહેલું ગીત નફરતભર્યું છે જે વહીદા રેહમાન માટે ગાયું છે રફીસાહેબે
पत्थर के सनम, तुझे हमने, मुहब्बत का ख़ुदा जाना
बड़ी भूल हुई, अरे हमने, ये क्या समझा ये क्या जानाબીજું ગીત મુમતાઝને ઉદ્દેશીને મુકેશે ગાયું છે
तौबा ये मतवाली चाल झुक जाए फूलों की डाल
चाँद और सूरज आकर माँगें, तुझसे रँग-ए-जमाल
हसीना तेरी मिसाल कहाँબંને ગીતોના રચયિતા મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ
૧૯૬૭ની જ અન્ય ફિલ્મ ‘ઉપકાર’માં પણ બે ગાયકો છે.
પહેલા ગીતના ગાયક છે મહેન્દ્ર કપૂર અને સાથીઓ
मेरे देश की धरती सोना उगले, उगले हीरे मोती
मेरे देश की धरती …ગીતકાર ગુલશન બાવરા
બીજા ગીતના ગાયક છે મુકેશ
दीवानों से ये मत पूछो दीवानों पे क्या गुज़री है
हाँ उनके दिलों से ये पूछो, अरमानों पे क्या गुज़री हैગીતકાર કમર જલાલાબાદી
બંને ગીતના સંગીતકાર કલ્યાણજી આણંદજી
૧૯૬૯ની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’માં મોટા ભાગના ગીતો મહેન્દ્ર કપૂરે ગાયા છે પણ એક ગીત મુકેશના સ્વરમાં છે.
कोई जब तुम्हारा हृदय तोड़ दे
तड़पता हुआ जब कोई छोड़ दे
कोई जब तुम्हारा हृदय तोड़ दे
तड़पता हुआ जब कोई छोड़ दे
तब तुम मेरे पास आना प्रिये
मेरा दर खुला है खुला ही रहेगा
तुम्हारे लियेબીજા ગીતો જે મહેન્દ્ર કપૂરે ગાયા છે તેમાનું એક
है प्रीत जहाँ की रीत सदा
मैं गीत वहाँ के गाता हूँ
भारत का रहने वाला हूँ
भारत की बात सुनाता हूँબંને ગીતના રચયિતા ઇન્દીવર અને સંગીતકાર કલ્યાણજી આણંદજી
૧૯૭૨ની ફિલ્મ ‘શોર’નું પહેલું ગીત ગાનાર છે મહેન્દ્ર કપૂર
जीवन चलने का नाम
चलते रहो सुबह शाम
के रास्ता कट जाएगा मित्र
के बादल छंट जाए मित्र
के दुःख से झुकना न मित्र
के इक पल रुकना न मित्रગીતકાર છે ઇન્દ્રજીત તુલસી
બીજા ગીતના ગાયક છે મુકેશ અને સાથ આપ્યો છે લતાજીએ
एक प्यार का नग़मा है, मौजों की रवानी है
ज़िंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी हैગીતકાર છે સંતોષ આનંદ
બંને ગીતના સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ
૧૯૭૨ની અન્ય ફિલ્મ ‘બેઈમાન’નું પહેલું ગીત ગાયું છે મુકેશ અને લતાજીએ. રક્ષાબંધનને અનુલક્ષીને આ ગીત રચાયું છે નાઝીમા પર
ये राखी बंधन है ऐसा
जैसे चँदा और किरण का
जैसा बदरी और पवन का
जैसे धरती और गगन काબીજું ગીત ગયું છે મહેન્દ્ર કપૂરે સાથ આપ્યો છે આશા ભોસલેએ. મનોજકુમાર સાથે છે રેખા.
पतला पतला रेशमी कुरता चुदिदार पजामा
ज़ुल्फ़ के छे टुकड़े ये देख के मचा हंगामा૧૯૭૪ની ફિલ્મ ‘રોટી કપડા ઔર મકાન’માં બે ગાયકો છે
પ્રથમ જોઈએ મહેન્દ્રકપૂરે ગાયેલું ગીત જેમાં ઝીનત અમાન અને અન્ય નજરે પડે છે
और नहीं बस और नहीं, ग़म के प्याले और नहीं
दिल में जगह नहीं बाकी, रोक नजर अपनी साकी तोબીજું ગીત ગાયું છે મુકેશે જેને સાથ આપ્યો છે લતાજીએ. મનોજકુમાર સાથે છે ઝીનત અમાન
.
मैं ना भूलूँगा, मैं ना भूलूँगी
इन रस्मों को इन क़समों को
इन रिश्ते नातों कोબંને ગીતના રચયિતા સંતોષ આનંદ અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ
૧૯૮૧ની ફિલ્મ ‘ક્રાંતિ ‘
આ ભજન ગાયું છે મહેન્દ્ર કપૂરે અને સાથ આપ્યો છે મીનુ પુરુશોત્તામે
दुर्गा है मेरी माँ आंबे है मेरी माँ
बोलो जय माता कीફક્ત ઓડીઓ
બીજું ગીત નીતિન મુકેશના સ્વરમાં છે અને સાથ આપ્યો છે લતાજીએ.
ज़िन्दगी की ना टूटे लड़ी
प्यार कर ले घड़ी दो घड़ी
लम्बी लम्बी उमरिया को छोड़ो
प्यार की एक घड़ी है बड़ीબંને ગીતના રચયિતા સંતોષ આનંદ અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ
મનોજકુમારની બહુ ઓછી જાણીતી ૧૯૮૯ની ફિલ્મ ‘ક્લાર્ક’માં પણ એક કરતા વધુ ગાયકો છે.
પહેલા ગીતના ગાયક છે મહેન્દ્ર કપૂર જેને સાથ આપ્યો છે લતાજીએ. આ એક દેશભક્તિ ગીત છે.झूम झूम के गाओ रे
मस्ती में सब आओ रे
चुप चुप जनाब आप रहते हैं
इस छुपीબીજા ગીતના ગાયક છે નીતિન મુકેશ અને સાથ આપ્યો છે લતાજીએ.
छुपी चुपी छुपी चुपी में
मैंने किया इरादा छुपी चुपी में
उस इरादे में छुपा हैं प्यारा वादाબંને ગીતોમાં સહકલાકાર છે રેખા, બંને ગીતો લખ્યા છે ખુદ મનોજકુમારે અને સંગીતકાર છે ઉત્તમ જગદીશ.
૧૯૮૯ની અન્ય એક ફિલ ‘સંતોષ’નું પહેલું ગીત ગાયું છે નીતિન મુકેશે સાથમાં છે આશા ભોસલે
बताओ तुम्हे प्यार कैसे करूँ
मुझे प्यार करने की आदत नहीं
मैं जैसा भी हो हा जैसा भी हो
सामने हुँ खड़ा
मुझे कुछ छुपाने की आदत नहीं
बताओ तुम्हे प्यार कैसे करूँ
मुझे प्यार करने की आदत नहींગીતમાં હેમા માલિની દર્શાવાઈ છે.
બીજું ગીત ગાયું છે મહેન્દ્ર કપૂરે.
आज मैं बेचैन हूँ
यार मैं बेचैन हूँ
ये महज तन्हाईया
दर्द की अंगड़ाईयाँ
ये महज तन्हाईया
दर्द की अंगड़ाईयाँ
मौत की परछाइयांબંને ગીતોના રચયિતા સંતોષ આનંદ અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ
જ્યાં કોઈ ફિલ્મમાં એક કરતા વધુ ગીતો એક ગાયકે ગાયા હોય તો તેમાંથી એક જ ગીત ઉપર મુક્યું છે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
