-
કાર્ટૂનકથા (૨૬)
બીરેન કોઠારી
આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
‘વારેવા’ના છવીસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.
વાર્તાવ્યંગ્ય

(વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પ્રતાપ ભાનુ મહેતા: લોકશાહીનો સજાગ અવાજ
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
શું કહીશું એને, અલબત્ત આનંદવાર્તા સ્તો, કે ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ પ્રતાપ ભાનુ મહેતા અચ્યુત યાજ્ઞિક વ્યાખ્યા નિમિત્તે અમદાવાદમાં હતા.
હાર્વર્ડથી જેએનયુ લગી બધે જ એક રાજકીય વિચારક ને જાહેર જીવનના બૌદ્ધિક લેખે જેમનો સિક્કો પડે છે તે પ્રતાપ ભાનુ કથિત ગુજરાત મોડેલ વિશ્વતખતે ગાજ્યું (જોકે વરસ્યું નહીં) એ ગાળામાં એકાદ વાર અમદાવાદ આવ્યાનું સાંભરે છે. ઘણું કરીને સેપ્ટમાં દીક્ષાન્ત પ્રવચન માટે એ દસેક વરસ પર આવ્યાનો ખ્યાલ છે. બેઉ અલબત્ત અલગ શખ્સિયત છે, પણ થોડા મહિના પર રામચંદ્ર ગુહા આપણી વચ્ચે હતા તે પછી પોતીકી તરેહની પણ એક નોંધપાત્ર ઘટના આ હોવાની છે.
ગુહાની લગભગ કેમિયો મુલાકાત, થોડાં વરસ પર કંઈક લાંબા સહવાસનીયે હોઈ શકી હોત. પણ અમદાવાદ યુનિવર્સિટીમાં એમના સૂચિત શૈક્ષણિક રોકાણને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની વિરોધ રજૂઆતને પગલે એમણે જ માંડી વાળી હતી. અભાવિપે વિરોધપત્રની એક નકલ રાજ્યના શિક્ષણમંત્રીને તેમ રાજ્યપાલ કોહલીને પણ મોકલી આપી હતી. કોહલી અધ્યાપકી પૃષ્ઠભૂ ધરાવતા હતા એટલે ગુહાની પ્રતિભાની એમને કદર હોવા સંભવ છે. જોકે, એમણે દરમ્યાન થવું પસંદ નહોતું કર્યું કેમ કે અધ્યાપકી મૂલ્ય સામે સત્તામૂલ્ય એમને વધારે પસંદ પડ્યું હશે.
પ્રતાપ ભાનુ મહેતાની વાત કરતે કરતે લેખક મશાય ગુહા પર ક્યાંથી ક્યાં ચાલી ગયા, તમને થશે. પણ મને ગુહા ઘટના યાદ આવી એનું તત્કાળ નિમિત્ત હજુ બે-ત્રણ અઠવાડિયાં પરનો મહેતાનો એક લેખ છે. રાજસ્થાનની ભાજપ સરકારે અભાવિપની માંગણીને પગલે પાંચ પાંચ વાઈસ ચાન્સેલરોને પહેરે લૂગડે પાણીચું આપ્યું એ બીનાનો ઉલ્લેખ કરીને પ્રતાપ ભાનુ મહેતાએ કહ્યું કે ધોરણસરની નિમણૂકથી માંડીને રૂખસદ વાસ્તે વિધિવત તપાસ પ્રક્રિયા જેવા સાદા પણ પાયાના ખયાલને હવે કદાચ જરૂરી મનાતા નથી.
પ્રતાપ ભાનુના શબ્દોમાં હવે પબ્લિક યુનિવર્સિટીઓમાં પાર્ટી સ્ટેટ (પક્ષરાજ્ય) બેરોકટોક ધસી રહ્યું છે. અંગ્રેજીમાં બોલતાં બોલતાં એમણે હાલના સત્તાકારણના એક પ્રિય પ્રયોગ ‘ઘૂસપેઠિયા’નો પણ અચ્છો પ્રયોગ કર્યો: યુનિવર્સિટીઓમાં હવે પક્ષરાજ્ય ‘ઘૂસપેઠિયા’ની ભૂમિકા ભજવવા લાગ્યું છે, અને વિદ્યાજગતમાં કે લોકમાં કોઈ એમને ના પાડનારું રહ્યું નથી. ‘કોઈ ના પાડનારું રહ્યું નથી’, એ વ્યથિત એટલાં જ મન્યુમંડિત વચનો વાંચતે વાંચતે મને થઈ આવેલું સ્મરણ દર્શકે ‘દીપનિર્વાણ’માં એક વિદ્યાધામના પ્રવેશદ્વારે મુકાયેલી જે સૂચના ઉતારી છે એનું હતું:
‘હે ચક્રવર્તી! આ જગ્યાએ જ્ઞાની અધિષ્ઠાત્રી, આજીવન બ્રહ્મચારિણી, સર્વવત્સલા સરસ્વતીનું ઉપાસનાસ્થાન છે. એટલે અહીં શાંતિને અભંગ રાખવા માટે તારા, સપ્તસિંધુનું જલ પીધેલ ઘોડાને બહાર જ વિશ્રામ દેજે. તારાં દેદીપ્યમાન અસ્ત્રશસ્ત્રોનો ભાર અહીં જ રથમાં ઉતારી નાખજે, અહંભાવ અહીં જ મૂકીને આ અંતર્વેદીમાં પગ મૂકજે.’ આમ તો, લોહાંગના માર્ગરેટ થેચરને માનદ ઉપાધિ આપવાની ના કહેતી ઓક્સફર્ડ યુનિવર્સિટીને અહીં સંભારી શકાય, પણ વર્તમાન શાસનને પ્રાચીન ભારતનો જે મહિમા વસ્યો જણાય છે એ લક્ષમાં રાખી ‘દીપનિર્વાણ’ના સ્મરણને અગ્રતા આપી, એટલું જ.
પ્રાચીન ભારતને હાલનું સત્તાપ્રતિષ્ઠાન ખાસ રીતે જુએ છે. ખાસ રીતે એટલે કે ચોક્કસ ચોકઠામાં- વિચારધારાકીય દામણે બંધાયેલ ને ડાબલે અંધાયેલ પોતાની વાતને હાલનું સત્તાપ્રતિષ્ઠાન એક ‘સિવિલાઈઝેશન સ્ટેટ’ (સભ્યતા રાજ્ય) તરીકે આગળ ધરે છે, પણ એ પરબીડિયામાં આપણી સામે એક એથ્નિક સ્ટેટ અને સંસ્કૃતિની સાંકડી સમજ આવે છે. દેખીતી રીતે જ આપણા સાંસ્કૃતિક ખુલ્લાપણા પર એથી આઘાત પહોંચે છે અને બંધારણ મારફતે પ્રાચીન પરંપરાનું ઉત્તમ કાલવી જે એક પ્લુરલ અભિગમ મૂકવામાં આવ્યો છે એને સ્થાને એથી રાષ્ટ્રવાદને નામે નર્યાનકરા બહુમતીવાદનું તત્ત્વત: બિનલોકશાહી સ્વરૂપ આપણી સામે આવે છે.
પ્રતાપ ભાનુ મહેતા હાલના કથિત મુખ્ય પ્રવાહના આલોચક છે. એનો અર્થ એ નથી કે 2014 પહેલાંના શાસનના એ સુવાંગ સમર્થક હતા. છેક 2006માં એમણે ભારત સરકારના નોલેજ કમિશનની કારોબારીમાંથી ચોક્કસ મુદ્દે વિરોધમત સાથે રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું. છેલ્લાં વરસોમાં જોકે શાસકીય-રાજકીય વલણો એમને ઉત્તરોત્તર વધુ અખરતાં જણાયાં છે. 2016માં મોદી સરકારે નેહરુ મ્યુઝિયમ ને મેમોરિયલ (હવે પ્રાઈમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ ને મેમોરિયલ)ના સંચાલન માટે શૈક્ષણિક સજ્જતાને બદલે સત્તાજોડાણને લક્ષમાં લઈ રાજકીય નિમણૂક કરી ત્યારે એમણે કાર્યવાહક સમિતિમાંથી રાજીનામું આપ્યું હતું…
અને હમણેનાં વરસોમાં એમણે સુપ્રતિષ્ઠ અશોકા યુનિવર્સિટીના કુલપતિપદેથી જ નહીં અધ્યાપક તરીકે પણ રાજીનામું આપ્યાને કિસ્સો ગાજ્યો હતો. એમણે અસંદિગ્ધ શબ્દોમાં કહ્યું હતું કે જાહેર જીવનમાં અભ્યાસમૂલ્યોને ધોરણે મારી સ્વતંત્ર વિચાર રૂખ પ્રગટ થતી રહે છે તે સરકારને ગમતું નથી એટલે અશોકા પર હું બોજ બની જાઉં એ પહેલાં ખસી શકું તો ઠીક એમ કેટલાક ટ્રસ્ટીઓને લાગે છે. જાહેર કરતાં સરકારી યુનિવર્સિટીઓમાં પરસ્પર મુક્ત વિમર્શ વિલુપ્ત થઈ રહ્યો છે, કેમ કે બધું ‘પ્રભારીઓ’ હસ્તક છે, પણ ખાનગી યુનિવર્સિટીઓમાંયે…
અહીં આ જે લગરીક ઝલક આપી છે તે પરથી પ્રતાપ ભાનુને કોંગ્રેસ વિ. ભાજપ જેવી કોઈ ચોકઠાબંધ રીતે ખતવી નાખવા જેવું નથી. ચીન જેમ વન પાર્ટી સ્ટેટ છે તેમ આપણે ત્યાં ન થઈ જાય એ માટે તેઓ સંચિત ને સતર્ક ચોક્કસ છે. પણ આપણે જેને લિબરલ ડેમોક્રસી કહીએ છીએ તેમાંયે કેવાં ઊંજણપિંજણ જરૂરી છે તે વિશેય એમની અભ્યાસતપાસ અહોરાત્ર અને અતંદ્ર વરતાય છે. વેલ, ઓવર ટુ પ્રતાપ ભાનુ!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૪ – ૧૨– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
કુદરતની કેડીએ – કેડી કંડારનારા-૧૨
રાલ્ફ વાલ્ડો એમર્સન : પ્રકૃતિપ્રેમી મહાન તત્ત્વચિંતક
લેખન-સંકલન : યાત્રી બક્ષી
ભારતીય દ્વીપ પ્રકલ્પમાં ઉદ્ભવેલી અને સંસ્કારિત થયેલી માનવ- સભ્યાતાએ વિશ્ર્વને વેદકાલીન વારસો આપ્યો. આ સભ્યતાએ પ્રકૃતિના અવલોકનથી અનુભૂતિને અતિક્રમીને આધિભૌતિક સ્તરે ચેતનાના વ્યાપને વિસ્તારવાની ક્ષમતા વિસ્તારી. આ કારણે અભ્યાસ કરતા થોડી એવી સમજ વિકસે છે કે ભારતીયતામાં પ્રકૃતિથી સંસ્કારિત રીતિ નીતિ પામેલો સમાજ વિકસ્યો. બીજી બાજુ પાશ્ર્ચાત્ય સભ્યતાઓનો અભ્યાસ અને તેની કેડી કંડારનારા મહામાનવો વિષે જાણવાની આ યાત્રામાં મારી એક સીમિત ધારણા વિકસી રહી છે કે પૃથ્વીના એ શીત ગોળાર્ધમાં સ્વથી પર કે ભૌતિકથી આધિભૌતિક તરફની ચેતના જાગૃત થઈ
હશે ? પાશ્ચાત્ય વિશ્ર્વમાં ભૌતિકતા હજુ પણ પોતાનું ગુરુત્વ ટકાવવા તરફનું વલણ દાખવી રહી છે. આ સાથે કુદરત પણ સ્થૂળતામાં અભિભૂત થઈ રહેલા બુદ્ધિલક્ષી પ્રવાહોમાં ચેતનાને જાગૃત રાખવા ચેતવણી ઉચ્ચારતા ચિંતકોને વારંવાર જન્મ આપે છે. આજે કેડી કંડારનારાઓમાં મનન, ચિંતન અને લેખનથી ભૌતિકવાદી માનવસભ્યતાનાં વકરતાં મૂળિયાઓ વચ્ચે પ્રકૃતિલક્ષી ચેતનાને જાગૃત કરવા વધુ એક કઠિન કેડીના ચાલક વિશે જાણીશું.
‘ધ મેન એન્ડ નેચર’ લખનાર પાર્કિન્સ જેમ પ્રકૃતિના સ્વયંસિદ્ધ વ્યવસ્થાપનમાં માનવી ખલેલરૂપ છે તે બાબત તથ્યોના આધારે લગભગ સદી પહેલાં પામી શક્યા તે સ્તરે કેટલાક વિચારકો પ્રકૃતિ એક એકમ છે એ વાત ચેતનાના સ્તરે અનુભવી તેને વ્યાખ્યાયિત કરવાની શરૂઆત ૧૯મી સદીમાં કરે છે. આ વિચારકો અને તત્ત્વચિંતકોમાં સૌથી પ્રેરણાદાયી નામ એટલે રાલ્ફ વાલ્ડો એમર્સન.
૧૮૦૩માં જન્મેલા રાલ્ફ વાલ્ડો એમર્સન, એક અમેરિકન નિબંધકાર, વ્યાખ્યાનકાર અને કવિ હતા. જેમણે ૧૯મી સદીના મધ્યમાં અતીન્દ્રિયવાદી ચળવળનું નેતૃત્વ કર્યું હતું. તેમને વ્યક્તિવાદના ચેમ્પિયન અને સમાજની વિપરીત વિચારધારાઓના આકર્ષણના પ્રખર વિવેચક તરીકે જોવામાં આવ્યા હતા, અને તેમણે ડઝનેક પ્રકાશિત નિબંધો અને સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં ૧,૫૦૦થી વધુ જાહેર પ્રવચનો દ્વારા તેમના વિચારોનો પ્રસાર કર્યો હતો. એમર્સને તેમના મોટા ભાગના મહત્ત્વપૂર્ણ નિબંધો પહેલાં પ્રવચનો તરીકે લખ્યા અને પછી છાપવા માટે તેમને સુધાર્યા. તેમના નિબંધોના પ્રથમ બે નિબંધ સંગ્રહો : પ્રથમ શ્રેણી (૧૮૪૧) અને નિબંધો : બીજી શ્રેણી (૧૮૪૪), તેમના વિચારના મૂળને રજૂ કરે છે. તેમાં જાણીતા નિબંધો ‘સ્વ-નિર્ભરતા’, ‘ધ ઓવર-સોલ’, ‘સર્કલ’, ‘ધ પોએટ’ અને ‘એક્સપીરિયન્સ’નો સમાવેશ થાય છે. ‘કુદરત’ સાથે મળીને, આ નિબંધોએ ૧૮૩૦ના દાયકાના મધ્યથી ૧૮૪૦ના દાયકાના મધ્ય સુધીના દાયકાને એમર્સનનો સૌથી ફળદ્રુપ સમયગાળો બનાવ્યો.
એમર્સન ‘પ્રકૃતિ’ એ જ ‘ઈશ્ર્વર’ છે એટલે કે સર્વેશ્ર્વરવાદમાં માનતા થયેલા. સર્વેશ્ર્વરવાદ એટલે કે જડ-ચેતન પ્રત્યેકમાં ઈશ્વરનો વાસ રહેલો છે તેમ માનનારો માર્ગ, જે આપણે ત્યાં સદીઓ સુધી વૈદિક વારસાના લીધે ભારતીય સંસ્કૃતિના વાસ્તવિક પ્રચલનમાં હતો. એમર્સને અસંખ્ય વિષયો પર લખ્યું, નિશ્ર્ચિત ફિલોસોફિકલ સિદ્ધાંતોને ક્યારેય અપનાવ્યા નહીં, પરંતુ વ્યક્તિત્વ, સ્વતંત્રતા, માનવજાત માટે કંઈ પણ સમજવાની ક્ષમતા અને આત્માના અને આસપાસના વિશ્ર્વ વચ્ચેના સંબંધ વિશે ચોક્કસ વિચારો વિકસાવ્યા. આ એ પ્રક્રિયા હતી જે વૈશ્ર્વિક સ્તરે યાંત્રિકીકરણ અને આધિપત્યની જે નવીન યોજનાઓ અમલમાં આવી રહી હતી અને તેની સાથોસાથ વૈચારિક સ્તરે પ્રકૃતિના મહત્ત્વ વિશેની ચેતવણીઓનો પાયો પણ નાખી રહી હતી.
એમર્સનનો જન્મ અમેરિકામાં મેસેચ્યુસેટ્સ રાજ્યના બોસ્ટનમાં થયો હતો. એમર્સન સંપૂર્ણપણે અંગ્રેજ વંશના હતા અને તેમનો પરિવાર પ્રારંભિક વસાહતી સમયગાળાથી ન્યૂ ઇંગ્લેન્ડમાં હતો. તેઓએ આઠ વર્ષની વયે પિતા ગુમાવેલા. એમર્સનનું ઔપચારિક શિક્ષણ ૧૮૧૨માં બોસ્ટન લેટિન સ્કૂલમાં શરૂ થયું હતું. ૧૮૧૭માં, ૧૪ વર્ષની ઉંમરે, એમર્સન હાર્વર્ડ કૉલેજમાં ગયા. વૈશ્ર્વિક પ્રવાહો વિશે જાણવાની ઉત્સુકતા તેમનામાં પહેલેથી હતી, બહોળું વાંચન તેમનું ઘડતર કરી રહ્યું હતું. જુનિયર વર્ષ દરમિયાન એમર્સને એક સાદી નોટબુકને જર્નલ બનાવી વાંચેલાં પુસ્તકોની યાદી રાખવાનું શરૂ કર્યું, જેને તેઓ ‘વાઇલ્ડ વર્લ્ડ’ કહેતા. શિક્ષણના ખર્ચને પહોંચી વળવા તેઓ બાકીના સમયમાં નોકરી કરતા, એક જગ્યાએ હોટેલમાં વેઇટર તરીકે અને કાકાની સાથે શિક્ષક તરીકે. હાર્વર્ડની અનેક મૌલિક શિક્ષણ પ્રણાલીઓમાંની એકમાં એમર્સન ભાગ લેતા થયેલ, જેમાં પ્રત્યેક અઠવાડિયે વિદ્યાર્થીએ પોતે રચેલી મૌલિક કવિતાનું પઠન કરવાનું રહેતું.
તેઓ પોતાના ક્લાસમાં અભ્યાસની દૃષ્ટિએ એક સાધારણ વિદ્યાર્થી તરીકે સ્નાતક થયા. નબળા સ્વાસ્થ્યને જોતાં તેઓ પહેલાં દક્ષિણ કેરોલિના, ત્યારબાદ ફ્લોરિડા ગયા કે જ્યાં પ્રમાણમાં હૂંફાળી આબોહવા હોય, ઓગસ્ટિનમાં તેમણે લાંબો સમય ગાળ્યો જ્યાં તેમનું કવિતા લેખન વધ્યું. તેઓ પોતાને ‘વાલ્ડો’ તરીકે ઓળખાવતા. અહીં તેમનો પરિચય નેપોલિન બોનાપાર્ટના પિતરાઈ પ્રિન્સ અચિલ મુરાત સાથે થયો. તેમની મૈત્રી ખૂબ વિકાસ પામી., બંને ધર્મ, સમાજ, ફિલસૂફી અને સરકારની જ્ઞાનપ્રદ ચર્ચાઓમાં વ્યસ્ત હતા. પોતાનાથી બે વર્ષ મોટા મુરાતને એમર્સન વૈચારિક શિક્ષણ માટે એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ ગણતા હતા.
‘ધ નેચરાલિસ્ટ’
એમર્સનના કુદરતને ઉકેલવાના ચિંતનાત્મક પ્રયાસો અને પાશ્ર્ચાત્ય જગતમાં કુદરતને વૈજ્ઞાનિક ઢબે વર્ગીકૃત અને સંગ્રહિત કરવાની હોડનાં ભયસ્થાનો વિષેના વિચારોનો સર્વ પ્રથમ ઉલ્લેખ કે રજૂઆત આપણને ૧૯૩૪માં મળી આવે છે. ૭મી મે, ૧૯૩૪માં બોસ્ટન નેચરલ હિસ્ટ્રી સોસાયટી ખાતે તેઓ ‘ધ નેચરાલિસ્ટ’ નામે એક વક્તવ્ય આપે છે. આ વક્તવ્યમાં કુદરતની કેડી કંડારતી પદ્ધતિસરની માહિતીના દસ્તાવેજો ઊભા કરતાં પ્રકૃતિવિદોને તેઓ સંબોધે છે. કુદરતની સમજણ શિક્ષણનો એક ભાગ બને તે જરૂરી પણ છે. આમ છતાં સૌથી ખરાબ વિકૃતિ અથવા કુદરતની યોજનાની સંપૂર્ણ ઉપેક્ષા હોવા છતાં, કુદરતનો અભ્યાસ શિક્ષણમાં અમુક સ્થાન પર કબજો કરશે, તે નિશ્ર્ચિત છે.
તેઓ કહે છે, “કુદરતનું સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વ તેની સાધનની સરળતા અને પરિણામની ભવ્યતા વચ્ચે વિલસતાં સંયોજનોનો વિરોધાભાસ છે; તેનાથી ઊંચું, ગહેરું અને વિશાળ બીજું કંઈ જ નથી. ક્રમબદલ અને સંયોજન નામના અંકગણિતના નિયમમાં (પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન) કુદરત અત્યંત કુશળ છે. કેટલીક વાર તે એટલું રમૂજી હોય છે કે મને ફ્રેન્ચ રસોઈયાની યાદ અપાવે, જે એક મેંદામાંથી ચાલીસ વાનગીઓ બનાવી શકે છે. કુદરતે કેટલાંક તત્ત્વોને અસંખ્ય પદાર્થોમાં રૂપાંતરિત કરીને પૃથ્વીને ભરી દીધી છે. તેમાં રહેલી ભાવિની ભવ્યતા પર્વતની ટોચ પર ઊભા રહી જોઈ જુઓ. ઘણી, એની એ જ સામગ્રી, નવાં નવાં સંયોજનોમાં સતત પરિવર્તિત થઈ રહેલી દેખાય છે. વ્યક્તિગત સ્વરૂપોના લાવણ્ય કરતાં આ સંરચનાઓ વધુ મહત્ત્વપૂર્ણ છે. દરેક કલાકાર એ જાણે છે કે કલાકૃતિના મુખ્ય વિષયની ઉત્કૃષ્ટ તેના પરિપ્રેક્ષ્યના કારણે વધુ સુંદરતા પામે છે. જેમ કે તમારા શૉકેસમાં સજાવેલાં છીપલાં કરતાં દરિયાઈ તટે બીજાં શંખ છીપ સાથે રેતીમાં પડેલું તે છીપલું આંખોને વધુ આકર્ષે છે કારણ કે વિશાળ આકાશ અને સમુદ્રના જલરાશિ વચ્ચે બીજાં થોડાં છીપલાંઓ વચ્ચે પડેલું તે ભીનું છીપ, વિશાળતા ને ક્ષણિક સુંદર સજીવતા વચ્ચે એક વિરોધાભાસ ઊભો કરે છે. મને યાદ છે, જ્યારે બાળપણમાં રોમાન્ચભેર આ છીપલાઓ વીણીને ઘેર લાવતા પરંતુ ત્યારબાદ તે રોમાંચ, તીવ્ર દુર્ગંધને કારણે વિસરાઈ જતો. ખેતરની માટીની સુગંધ ફૂલોની સુગંધ કરતાં વધુ લાંબી ટકે છે અને પ્રિઝમની પસંદગી સૂર્યાસ્તે થતી મૂંઝવણ સાથે સરખાવી શકાતી નથી. અને ત્યારબાદ મને સમજાયું કે એક એકમની સુંદરતા તે એકલા એકમને કારણે નહિ પરંતુ તેના સંયોજનમાં રહેલી છે.”
“ઉદાર શિક્ષણ માને છે કે પૃથ્વી, જે ઉદાર માતા અને નર્સ છે. તે આપણું નિવાસ્થાન પણ છે. ઉત્તેજના, દવા અને આપણા બધાની કબર પણ છે. આપણે એ દરેકમાં વિસ્તરેલ અથવા સરળ બનાવેલ આપણી પોતાની રચનાઓનો અભ્યાસ કરીએ છીએ, ના કે સાથી જીવોનો… આ તમામ સૌથી પ્રાચીન અને કાયમી છે જેનું આપણને થોડું જ્ઞાન ચોક્કસ છે. આપણી અસ્વસ્થ જિજ્ઞાસા દફનાવી દેવાયેલાં શહેરો શોધવા અને મમીના ખાડાઓ ખોદવા તેમજ ઇજિપ્તના પત્થરો પર ઘસાઈ ચૂકેલા પત્રો તરફ દોરી જાય છે. પણ આપણે વાદળો અને ઘાસમાં રહેલી પ્રાચીનતાને એ જ આદરથી ક્યારે જોઈશું ?”
જીવવિજ્ઞાનના મહત્ત્વને જરા પણ ઓછું આંક્યા વિના કુદરતની કેડી કંડારનારા ‘નેચરાલિસ્ટો’ની સંવેદનાઓને જીવતી રાખવા અને વિચ્છેદ અને વિભાજનની દૃષ્ટિમાં કુદરતમાં રહેલી સામાજિકતાને જાળવી રાખવા આહ્વાન કરતી તેમની અત્યંત પ્રભાવક અને ભીતરથી વિચલિત કરનારી આ પ્રગલ્ભ પ્રસ્તુતિ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. સૌએ વાંચવી ઘટે પરંતુ અહીં તેમના બીજા પ્રવચન અને નિબંધની ઝલક પણ મેળવી લઈએ.
એક માર્મિક કાવ્ય અને માર્ગદર્શક સિદ્ધાંત સ્થાપતો નિબંધ : “અસંખ્ય વર્તુળોની સૂક્ષ્મ સાંકળ, સુદૂરને સમીપ લાવે છે; આંખ જ્યાં જાય છે ત્યાં સુકુન વાંચે છે, અને ભાષાઓ બધી ગુલાબ જ બોલે છે; અને, એક કીડો અનેક સ્વરૂપોમાંથી પસાર થઈ શિખર પર પહોંચે છે, એ છે માણસ બનવાનો પ્રયત્ન.”
“માણસ માટે કુદરતના મંત્રાલયમાં, માત્ર સામગ્રી જ નથી, પણ પ્રક્રિયા અને પરિણામ પણ છે. બધા ભાગો માણસના લાભ માટે સતત એકબીજાના હાથમાં કામ કરે છે. પવન બીજ વાવે છે, સૂર્ય સમુદ્રનું બાષ્પીભવન કરે છે; પવન ખેતરમાં વરાળ ઉડાડે છે; બરફ, ગ્રહની બીજી બાજુએ, આ પાર વરસાદને ઘટ્ટ કરે છે; વરસાદ છોડને ખવડાવે છે; છોડ પ્રાણીને ખવડાવે છે; અને આ રીતે દૈવી ધર્માદાના અનંત પરિભ્રમણ માણસને પોષણ આપે છે.”
આ નિબંધમાં એમર્સન પ્રકૃતિને માનવી દ્વારા કરાતા ચાર ઉપયોગોમાં વિભાજિત કરે છે. સંસાધન, સૌંદર્ય, ભાષા અને શિસ્ત. આ ચાર ભિન્ન દૃષ્ટિકોણ દ્વારા માનવસમાજ પોતાની મૂળભૂત જરૂરિયાતો, મનોરંજનની ઇચ્છા, એકબીજા સાથેનો તેમનો સંદેશાવ્યવહાર અને વિશ્ર્વ વિશેની સમજણ માટે પ્રકૃતિનો ઉપયોગ કરે છે.
એમર્સને ૯ સપ્ટેમ્બર, ૧૮૩૬ના રોજ અનામી રીતે તેમનો પ્રથમ નિબંધ ‘નેચર’ પ્રકાશિત કર્યો હતો. આ એ સમય હતો જ્યારે બાઇબલ અને ચર્ચની સીમિત સંકલ્પનાઓમાં રાચતું પશ્ર્ચિમી જગત પણ માન્યતાઓથી મુક્ત નહોતું. આ એ સમય પણ હતો કે જ્યારે ઈશ્વર, એ સર્વોપરી સત્તા મનાતી અને રાજા અને ચર્ચ તેના વહીવટદારો. એક તરફ જેમ વિજ્ઞાનની શાખાઓ વિકસી રહી હતી તેની સાથોસાથ ચર્ચની બહાર સમાંતર મુક્ત કલ્પનાઓ પણ વિકસી રહી હતી. ‘બીટા કપ્પા’ એ સ્વતંત્ર ચિંતનમાં માનતા સભ્યોનું રક્ષણ કરવા અને એકતાની ભાવના જગાડવા માટે એક ગુપ્ત ‘ફ્રી બીટા કપ્પા સોસાયટી’ હતી. નવા સમાજને ‘ફ્રી બીટા કપ્પા’ નૂતન સૂત્ર આપવામાં આવ્યું હતું જેનો ભાવાર્થ થાય છે, “શીખવા માટે પ્રેમ એ જીવનનો માર્ગદર્શક છે.”
૧૮૪૯માં નિબંધોના સંગ્રહ ( જેમાં ‘નેચર’નું પ્રથમ પ્રકાશન સામેલ હતું)નું નામ બદલવામાં આવ્યું. મિત્રોએ તે વક્તવ્ય પ્રકાશિત કરવા વિનંતી કરી અને પોતાના ખર્ચે પ્રકાશિત આ ૫૦૦ નકલો એક મહિનામાં વેચાઈ ગઈ. એમર્સન ૧૮૩૫ની શરૂઆતમાં હેનરી ડેવિડ થોરોને મળ્યા હતા. ૧૮૩૭ના પાનખરમાં, એમર્સને થોરોને પૂછ્યું, “શું તમે જર્નલ રાખો છો ?” આ પ્રશ્ર્ન થોરો માટે જીવનભરની પ્રેરણા સમો બની રહ્યો હતો. ૧૮૬૦ અને ૧૮૮૨ વચ્ચે જારી કરાયેલ હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ એડિશનમાં એમર્સનની પોતાની જર્નલ ૧૬ મોટા ગ્રંથોમાં પ્રકાશિત થઈ હતી. કેટલાક વિદ્વાનો આ જર્નલને એમર્સનની મુખ્ય સાહિત્યિક કૃતિ માને છે.
ઉત્તર યુનાઇટેડ સ્ટેટ્સમાં છેક સેન્ટ લૂઇસ, ડેસ મોઇન્સ, મીનીઆપોલિસ અને કેલિફોર્નિયા સુધીની મુસાફરી કરી. ૧૮૪૪માં એમર્સને તેમનો બીજો નિબંધ સંગ્રહ પ્રકાશિત કર્યો, આ સંગ્રહમાં ‘ધ પોએટ’, ‘એક્સપિરિયન્સ’, ‘ગિફ્ટ્સ’ અને ‘કુદરત’ શીર્ષક હેઠળ લખાણો આપ્યાં હતાં.
એમર્સન ઘણું કમાય છે, જીવન સ્તર સુધરે છે, પ્રવાસો, વ્યાખ્યાનોથી પશ્ર્ચિમી જગતમાં બૌદ્ધિકો અને લોકોમાં એક વૈચારિક આંદોલન પ્રસારે છે અને માનવીની સ્વતંત્રતા, મૌલિકતા, સમાનતા અને પરસ્પર સંવેદનશીલતાભર્યા સમાજનો પાયો નાખે છે. એમર્સન અનેક વિચારકોના માર્ગદર્શક બની રહે છે. તેઓને એક સંત કે વિચારક માનવામાં આવે છે. પરંતુ તેમને એટલો જ રસ વિજ્ઞાનમાં અને વૈજ્ઞાનિક શોધશિક્ષણમાં હતો અને આ અંગે તેઓ સતત માહિતગાર રહેતા વિચારક હતા. એમની રુચિઓની શ્રેણી ખરેખર ખૂબ વ્યાપક હતી, જે ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રથી માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર સુધી વિસ્તરેલી હતી. એમના ઉપર એલેકઝાન્ડર હમ્બોલ્ટનો ભારે પ્રભાવ હતો.
રાલ્ફ વાલ્ડો એમર્સન એ અમેરિકન પ્રકૃતિ લેખનમાં સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓમાંની એક છે. હજુ સુધી વાચકો પાસે તેમના કાર્ય અંગેનું આ કેન્દ્રીય વિષયને સમર્પિત કોઈ પુસ્તક નથી. “ધ બેસ્ટ રીડ નેચરલિસ્ટ’ આ ખોટની પૂર્તિ કરી આપે છે. જેમાં એમર્સનના પ્રાકૃતિક લેખનના ઘણા ઓછા જાણીતા ટુકડાઓ, તેમના પ્રમાણિક નિબંધો ઉપલબ્ધ છે. કાલક્રમિક રીતે સંગ્રહિત પ્રવચનો, સંબોધનો અને નિબંધોથી બનેલી તેર પસંદગીઓ – એમર્સનની કારકિર્દીમાં ફેલાયેલ ‘કુદરતના દર્શન’ સાથે તેની નિસ્બત દર્શાવે છે. જેમ જેમ આપણે તેમના વ્યક્તિત્વને ‘કુદરતનું પુસ્તક’ તરીકે ઓળખતા જઈએ છીએ તેમ તેમ સંપૂર્ણપણે પ્રકૃતિ સાથે જોડાયેલા વિચારક તરીકે તેઓ ઊભરી આવે છે. ભૌતિક વિશ્ર્વ સાથે પ્રકૃતિના ક્રમ અને તેની ચેતના વચ્ચેના પત્રવ્યવહારને ઉજાગર કરવાની એક ચિંતિત વિજ્ઞાનીની ક્ષમતાથી તેઓ આપણને આકર્ષે છે. ‘ધ બેસ્ટ રીડ નેચરલિસ્ટ’, એમરર્સનના તત્ત્વચિંતનની પરિપક્વતામાં પ્રાકૃતિક ઇતિહાસના અભ્યાસના મહત્ત્વપૂર્ણ પ્રભાવને પ્રકાશિત કરે છે.
સંદર્ભ : ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતીઓ, સંશોધન લેખો અને સંગ્રહસ્થાનો
ભૂમિપુત્ર : ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫
-
એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૨ જું. – પ્રભાતનું શાંતિસ્થાન
પ્રકરણ ૧ લું. – અમર રહો માતા કોરીયા ! થી આગળ
ઝવેરચંદ મેઘાણી
ચીનની કમર પર લટકતી કોઈ તલવાર જેવી આ દેવભૂમિ ચીનની પૂર્વમાં ને દક્ષિણમાં શોભી રહી છે. વાયવ્ય ખુણામાં જાપાની સામુદ્રધુની ઘુઘવે છે, અને દક્ષિણે તથા પશ્ચિમે અપરંપાર ન્હાના ન્હાના ટાપુઓ એને ઘેરીને બેઠા છે. બરફના મુગટ માથે મેલીને જળ દેવતાના સેંકડો કુમારો કેમ જાણે પ્રકાશમાં રમવા નીકળ્યા હોય, અને પૃથ્વીપરની એકાદ રમણીના પગ આગળ ઘેરો વળી કુતૂહલની નજરે નિહાળી રહ્યા હોય એવો રમ્ય દેખાવ કોરીયાના કિનારા પર ખડો થાય છે.
ઉત્તરથી દક્ષિણ સુધી આખા મુલક ઉપર અનેક ન્હાના મોટા ડુંગરા વેરાયેલા છે. રત્ન–કણિકા સમી એની દસહજાર શિખરમાલા ઉપર એક કાળે બૌધ વિહારો બંધાયેલા. આજ ફક્ત કોરીયાનાં મનુષ્યોજ નહિ પણ ચીન અને જાપાનના નિવાસીઓ પણ એ પ્રદેશની ભવ્યતા ઉપર મોહી પડેલા છે. દસ હજાર ગિરિ–શિખરોથી છવાયેલો એ દેશ, તોફાને ચડેલા એકાદ સમુદ્ર જેવો જણાય છે. આખા મુલકમાં ક્યાંક ક્યાંક ગીચ ઝાડીઓ ઝુકી રહી છે, તો બીજી બાજુ ઘણા પ્રદેશપર કેવળ વનસ્પતિ વિહોણા પહાડો ઉભા ઉભા તપે છે, પ્રત્યેક પ્હાડમાં, અને ખીણમાં ઝરણાં દોડા દોડ કરે છે. ત્યાં મોટી નદીઓ બહુ ઓછી છે.
રોમ નગરની ઉત્પત્તિ પહેલાં દોઢ હજાર વરસ ઉપર, અને ઇસુખ્રીસ્તના જન્મથી અઢી હજાર વરસ પૂર્વે કોરીઆના ઇતિહાસનો આરંભ થાય છે. સ્વર્ગના સરજનહારનો એક કુમાર, પોતાના દેવદૂતોને લઇ પૃથ્વી પર ઉતર્યો, અને આ ઉજ્જડ દ્વીપકલ્પના એક પ્હાડ ઉપર ચંદનના ઝાડ નીચે એણે આસન માંડ્યું, એક હજાર વરસ સુધી એણે રાજ્ય ચલાવ્યું. આખરે, પોતાનું અસલ દેવ–સ્વરૂપ ધારણ કરીને એ અમર–લોકમાં સ–શરીરે ચાલ્યો ગયો. એના રાજ્યના સ્મરણ અવશેષો હજુ યે મોજુદ છે. એક ટાપુની અંદર પહાડ ઉપર એણે બંધાવેલી યજ્ઞ—વેદી હજુ હયાત છે. ત્યાર પછી એના પુત્રે રાજ્ય કરેલું.
આ તો પુરાણ કથા. કોરીયાની સંસ્કૃતિનો પિતા તો ઈસ્વીસન પૂર્વે ૧૧રર મે વરસે ચીન દેશમાંથી કોરીઆમાં આવ્યો. ચીનના બાદશાહ ચાઉની જુલ્મ–જહાંગીરીએ આખા દેશને સળગાવી મુકેલો, તે વેળા એ વ્યભિચારી શહેનશાહના દરબારમાં ત્રણ ઋષિઓ પ્રધાનપદે હતા. શહેનશાહને અત્યાચારને માર્ગેથી ઉગારી લેવાનો આ ત્રણ ઋષિઓએ યત્ન કરેલો. બાદશાહે પોતાની એક રખાયતની શીખવણીને વશ થઈને ત્રણમાંથી બે વૃદ્ધોને ઠાર માર્યા. ત્રીજો વૃદ્ધ કી ત્સી તે કાળે કારાગારમાં પડેલો. જૂનો રાજા પદભ્રષ્ટ થયો. નવા રાજાએ એ બંદીવાન સચીવને છુટો કર્યો, અને અસલની પદવી ઉપર બેસવા આજ્ઞા કરી. પરંતુ એને પોતાના જૂનો સ્વામી સાંભર્યો. પોતાના ઉપર કાળો કેર ગુજાર્યા છતાં યે એ જૂના બાદશાહની પ્રત્યે પોતાનો ભક્તિભાવ હજુ અમર હતો, પોતાના એક કાળના માલીકની દુર્દશા એનાથી ન જોવાણી. એણે પ્રધાનપદ સ્વીકારવાની ના પાડી. પાંચ હજાર સૈનિકો લઈને વૃદ્ધ ચાલી નીકળ્યો. કોરીઆમાં આવીને એણે રાજ્ય સ્થાપ્યું. એ દેશનું નામ પાડ્યું “પ્રિય ભૂમિ” અગર “પ્રભાતનું શાંતિ–સ્થાન.”
વૃદ્ધ કી ત્સી આવ્યો તે પહેલાં કોરીઆની કેવી હાલત હતી ? ત્યાં જંગલી જાતો વસતી, જંગલીઓ અંગ ઉપર ઘાસનાં વસ્ત્રો પહેરતાં, ઉનાળામાં ઝાડ તળે રહેતાં, અને શિયાળામાં ભોંયરાની અંદર ભરાતાં. ફળ કુલનો આહાર કરતાં. નવા રાજાએ જંગલી પ્રજાને ચીનનાં કળા કૌશલ્ય શીખવ્યાં, ખેતીની તાલીમ દીધી. ઉપરાંત નવી સભ્યતા શીખવી. રાજા પ્રજા, પિતા પુત્ર, પતિ પત્નિ, વૃદ્ધ યુવાન, સ્વામી અને સેવક, એ વચ્ચેનો પરસ્પર સંબંધ સમજાવ્યો, અને આઠ સાદા કાયદા ઠરાવ્યા. માત્ર આઠ જ કાયદાનો અમલ એવો તો ઉત્તમ નીવડ્યો કે લૂંટ ચોરીને કોઈ જાણતું નહિ, ઘરનાં બારણાં દિવસ રાત ખુલ્લાં રહેતાં, અને સ્ત્રીઓનું શિયળ કદી પણ નહોતું લુંટાણું—૩૧ વરસ રાજ કરીને રાજા અવસાન પામ્યો. એ ઋષિની કબર હજુયે કોરીયામાં મોજુદ છે. વરસે વરસે ત્યાં યાત્રાળુઓ આવે છે. એના કુળની ગાદી એક હજાર વરસ સુધી ટકી. આખરે ચીનની તલવારે એ કુળનો ધ્વંસ કર્યો.
ત્યાર પછી એ દેશ ઉપર ત્રણ જુદાં જુદાં રાજ્યો સ્થપાયાં કે જેના ઇતિહાસ સાથે આપણને અત્રે કશી નિસ્બત નથી.
જાપાન સાથેના સંબંધની શરૂઆત.
જાપાનના ઇતિહાસમાંથી એક એવી કથા નીકળે છે કે, ઈ. સ. ૨૦૦ ની અંદર જાપાનની મહારાણીને સ્વર્ગમાંથી પ્રેરણા થઈ. એ પ્રેરણામાં એને સંભળાયું કે “૫શ્ચિમે સોના રૂપાથી રેલી રહેલી એક ભૂમિ છે, અપરંપાર સમૃધ્ધિથી શોભતી એ ભૂમિ કોઈ સુંદર સુસજ્જ રમણી જેવી દેખાય છે.” મહારાણીને એ ભૂમિમાં જવાની અભિલાષા થઈ. એની આજ્ઞાથી એક સેના તૈયાર કરવામાં આવી. અને ચોમેરથી નૌકાઓ એકઠી થઈ. મંગળ શુકન સામાં મળ્યાં, દેવોએ બે ફિરસ્તાઓ એનું રક્ષણ કરવા મોકલ્યા, વ્હાણને હંકારવા વાયુ દીધો, અને દરીયામાંથી પ્રચંડ માછલીઓ બ્હાર આવીને વ્હાણને પોતાની પીઠ ઉપર ઉપાડી ચાલી.
કિનારા ઉપર એ ત્રણ રાજ્યોમાંનું એક સીલા નામનું રાજ્ય આવેલું. ત્યાં આખા પ્રદેશ પર સમુદ્રનાં પાણી ચડવા લાગ્યાં. લોકો ભય પામ્યાં.
સીલાની પ્રજા કળા કારીગીરીમાં નિપુણ હતી. રાજપ્રકરણી આવડતમાં ઉસ્તાદ હતી. પણ યુધ્ધનાં બખ્તર સજવાની તાકાદ એમાં નહોતી. રાજા લાચાર બનીને મહારાણી પાસે આવ્યો, ઘુંટણપર પડ્યો, ભોંય સાથે માથું અડકાવ્યું, અને કોલ દીધો, કે “જ્યાં સુધી સુર્ય પશ્ચિમે નહિ ઉગે, નદીઓનાં વ્હેન પાછાં નહિ વળે, પથરો આકાશમાં ચડીને તારા નહિ બની જાય, ત્યાં સુધી કોરીયાનો રાજા જાપાનને ચરણે નમ્યા વિના નહિ રહે, ખંડણી ધરતો નહિ અટકે.”
મહારાણીએ રાજાની શરણાગતી મંજુર રાખી. રાજાના ખજાનામાંથી સોનું રૂપું રેશમ ઈo નાં આઠ જહાજ ભરીને રાણી જાપાન ગઈ. જાપાનીઓ કહે છે કે બાકીનાં બન્ને રાજ્યો પણ, સીલાની દશા જોઇને, તેમજ જાપાની હલ્લાનું જોર જોઈને ચુપચાપ ચેતી ગયા, તથા માગ્યા પ્રમાણે ખંડણી ભરતા થઈ ગયા.
કોરીઆને આજે કબ્જે કરી લેવાનો જાપાની દાવો, આ પુરાણા ઇતિહાસ ઉપર મંડાયો છે. પરંતુ ચીન અગર કોરીયાની તવારીખોમાં આવો કોઈ બનાવ ક્યાંયે માલૂમ પડતો નથી.
કોરીઆનો ઇતિહાસ ફક્ત એટલું જ બતાવે છે કે ત્રણે રાજ્યોની અંદર પરસ્પર કલહ ચાલતો હોવાથી તેમાંનું એક સંસ્થાન જાપાનની સાથે મહોબ્બત બાંધવા વારંવાર મિત્રાચારીની ભેટ સોગાદ મોકલ્યા કરતું. જાપાન એ ભેટનો અંગીકાર કરી મિત્રતાને દાવે એ સંસ્થાનને મદદ પણ કરતું.
જાપાનને કોરીઆએ શી શી સંસ્કૃતિ દીધી ?
૪૦૫ ની સાલમાં વાની નામનો એક શિક્ષક કોરીયાએ જાપાનને સમર્પ્યો. વાનીના આગમન પહેલાં જાપાનને લખવા લીપી નહોતી ચોપડા નહોતા. શિક્ષણ શરૂ થયું, ને ચીનાઈ સંસ્કૃતિની આખી પ્રણાલી જાપાનમાં ઉતરી. આજ જે કળા કૌશલ્યને માટે જાપાન જગવિખ્યાત છે તેની કકા બારાક્ષરી તો એ એક કોરીયાવાસી આચાર્યે ઘુંટાવી.
ત્યાર પછી કોરીયાથી સાધુઓ આવ્યા. બુધ્ધ ભગવાનની પ્રતિમા સાથે લાવ્યા. જોતજોતામાં બૌધ ધર્મ જાપાનનો રાજધર્મ બન્યો. સાધુઓ આખા મુલકમાં ઘૂમી વળ્યા. દયાનો સંદેશ ફેલાવ્યો, જાપાનીઓ પોતાના પુરાણા દેવતાઓને ભૂલ્યા. સાધુ સાધ્વીઓનાં ટોળેટોળાં આવી પહોંચ્યાં. અને તેઓની સાથે કડીયા, કોતરકામ કરનારા, કંસારા, અને બીજા કારીગરો પણ ખેંચાઈ આવ્યા. ઠેર ઠેર બૌધ ધર્મની કીર્તિ મંડાણી, અને દેવાલયો બંધાયાં. નૃત્ય, સંગીત, ખગોળ, ભુગોળ અને જ્યોતિષ વિદ્યા પણ કોરીયાએ જાપાનમાં છૂટે
હાથે વેર્યાં. કોરીયાનાં મહાન વિદ્યાલયોને બારણે જાપાની જુવાનો શીખવા જતા, ત્યાંથી ચીનનાં વિદ્યાલયોમાં ભણવા જતા.
આજ આ જાપાને કોરીયાની એ સંસ્કૃતિનો ધ્વંશ કરી નાખ્યો છે.


આવતા અંકેઃ પ્રકરણ ૩ જું. – ઘરના ઘા.
.
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત
-
ડિસેમ્બરમાં જન્મેલા અને ડિસેમ્બરમાં જ અવસાન પામેલ શ્રી યોસેફ મેકવાન વિશે
દેવિકા ધ્રુવ૨૦મી ડિસેમ્બર ૧૯૪૦ થી ૨૫મી ડિસેમ્બર ૨૦૨૨ સુધીની જીવન-સફર કરનાર શ્રી યોસેફ મેકવાને ગુજરાતી સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું છે. તેમણે સાહિત્યનાં તમામ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક ખેડાણ કર્યું છે. તેઓ એક સારા કવિ, બાળ સાહિત્યકાર, ગઝલકાર પણ હતા. તેમણે ગઝલ જેવો એક ‘ઉસાલ’નામે નવો પ્રયોગ પણ કર્યો હતો.. તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘સ્વાગત’ને ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમની બાળકવિતાઓને ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર, બાળવાર્તાઓને ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર, ૧૯૮૩માં ‘સૂરજનો હાથ’ માટે જયંત પાઠક કવિતા પુરસ્કાર મળ્યો હતો અને ૨૦૧૩માં તેમને ‘કુમાર સુવર્ણ ચંદ્રક‘ મળ્યો હતો. તેમણે ગુજરાતી બાળસાહિત્યમાં ફાળો આપ્યો છે તો રમૂજી નિબંધો પણ લખ્યા છે. વિવેચન પણ કર્યું છે અને ‘સ્ત્રોતસંહિતા’ નામે બાઇબલનો પદ્યાત્મક અનુવાદ પણ તેમણે કરેલ છે.
યોસેફભાઈ એક ખૂબ જ સરળ સ્વભાવના માનવી હતા. અમદાવાદની મુલાકાત દરમ્યાન તેમને મળવાનું અચૂક બનતું. હ્યુસ્ટનની સાહિત્ય સરિતા માટે તેમણે હાઈકુ અને મુકતકોની સમજ આપતા લેખો પણ લખીને મોકલ્યા હતા.
૨૦૨૨ની સાલમાં નાતાલની સવારે ફેસબુકનું પાનું ખોલતાંની સાથે જ તેમની વિદાયના આંચકાજનક સમાચાર વાંચવા મળ્યા હતા..ઘડીભર મન ત્યારે માની શક્યું ન હતું.. અરે? સાચે? હજી થોડા દિવસ પહેલાં તો વાત થઈ છે.. કોઈ અણસાર વગર જ!!! બીજી જ ક્ષણે હું ફેંકાઈ ગઈ હતી છેક ૨૦૦૯ના ડિસેમ્બર મહિના તરફ, જ્યારે યોસેફ મેકવાન સાથે અમદાવાદમાં પ્રથમ મુલાકાત થઈ હતી.. તે પછી તેમની સરળતા, સાદગી અને સર્જક વ્યક્તિત્ત્વને કારણે નિયમિતપણે ફોન પર, ઈમેઈલ દ્વારા તેમનો સંપર્ક થતો રહ્યો અને જ્યારે જ્યારે ભારત જાઉં ત્યારે પ્રત્યક્ષ મળવાનું બનતું રહ્યું. .. તેમની સાથેની કેટલી બધી યાદો!
છેલ્લે છેલ્લે યોસેફભાઈએ, નવેમ્બર મહિનામાં જ ‘નિત્યનીશી’ માટે તેમની ડાયરીનું એક પાનું પણ મોકલી આપ્યું હતું. તેમના ‘અલખનો અસવાર’ અને ‘શબ્દ-સહવાસ’ પુસ્તકો મારા ટેબલ પર શોભી રહ્યા છે. આજે તેમની જીંદગી પરની રચના પ્રસ્તુત છે.
જિંદગી આ જાય પવનપાવડીના વેશમાં,
શ્વાસમાં શું હોય છે દીવાસળીના વેશમાં?માન્યતાઓ-રૂઢિઓનાં પોટલાં છોડું અને
એ ફરી બાંધી રહું છું ગાંસડીના વેશમાં.‘કૃષ્ણ-રાધા-કૃષ્ણ’ કેરા જાપનો શો અર્થ છે?
પ્રેમ ત્યાં ને ત્યાં રહ્યો છે વાંસળીના વેશમાં.યાદની એ કાંકરી તો આંખમાં ખૂંચ્યાં કરે
આંસુ પૂછે : કોણ છે રે કાંકરીના વેશમાં.આવકાર્યા વિણ જુઓ ને, ઝાડ ઠંડક આપતું !
આપણે ત્યાં કોણ છે હેં ? ડાળખીના વેશમાં !મૌનની ભાષા વિશે તો શું કહું હેં દોસ્ત હું
સ્પર્શના દરિયા બળે છે આંગળીના વેશમાં.યોસેફ મેકવાન
Devika Dhruva : ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
-
આગ સે નાતા, નારી સે રિશ્તા…
ધિક્કારનાં ગીતો
વાંક સમય-સંજોગોનો હોવા છતાં વાંકું પડે ત્યારે વ્યક્તિની અને ઇવન તેની આખી જાતિની ટીકા શા માટે?
દીપક સોલિયા
એક કુમ્ભકારનો ગધેડો ખોવાઈ ગયો. તેનું બધું કામ અટકી પડ્યું. એટલે એ નીકળ્યો પડ્યો પોતાનો ગધેડો શોધવા. આખો દિવસ એ બહુ રખડ્યો, પણ ગધેડો મળ્યો નહીં. ગધેડાને શોધતાંશોધતાં એ બીજે ગામ પહોંચી ગયો. રાત પડી ગઈ. ઘરે પાછું ફરી શકાય તેમ નહોતું. મોંઘી હોટેલ પરવડે તેમ નહોતી. એવામાં એક હનીમૂન હોટેલના ભલા મેનેજરે રસ્તો સૂચવ્યોઃ એક નવપરિણીત કપલ છેલ્લા શોમાં ફિલ્મ જોવા ગયું છે; તેના પલંગ નીચે સંતાઈને સૂઈ જા; ભાડું ફક્ત દસ રૂપિયા. કુમ્ભકાર માની ગયો. એ પલંગ નીચે સૂઈ ગયો. એકાદ વાગ્યે કપલ આવ્યું. પલંગ પર પ્રેમાલાપ શરૂ થયો. પતિએ પત્નીને કહ્યું, તારી આંખોમાં મને આખી દુનિયા દેખાય છે.
‘એમાં મારો ગધેડો દેખાય છે?’ પલંગની નીચેથી બહાર નીકળીને પેલાએ ભોળાભાવે પૂછ્યું.
અલબત્ત, આ એક વાહિયાત જોક છે. જોકનો મુદ્દો તો એ છે કે સૌને પોતપોતાની પડી હોય, પરંતુ આપણો મુદ્દો એ છે કે પ્રણયકાળના આરંભે પ્રેમીને પ્રેમિકાની આંખોમાં આખી દુનિયા દેખાય, પરંતુ એ ‘દૃષ્ટિ’ હંમેશાં નથી ટકતી. પછી પ્રણયની અભિવ્યક્તિની તીવ્રતા અને પ્રમાણમાં ઘટાડો થાય તે સ્વાભાવિક છે. પથ્થર જેવો પથ્થર પણ કાળક્રમે ઘસારાને લીધે બદલાતો હોય તો માનવીનું અને એમાં પણ પ્રેમનું તો પૂછવું જ શું? કેતન મહેતાની ફિલ્મ માયા મેમસાબમાં એવા મતલબનો એક સંવાદ હતો કે આ પ્રેમ કમબખ્ત કમાલની ચીજ છે; એક ઠેકાણે અટકતો જ નથી; વધે નહીં તો ઘટવા લાગે છે.
ખેર, એ એક વિશ્વવ્યાપી હકીકત છે કે પ્રેમીઓ પતિ-પત્ની બન્યા બાદ કાયમને માટે પહેલાં જેવી, ‘તારી આંખોમાં આખી દુનિયા દેખાય છે’ એવી, રોમેન્ટિક વાતો નથી કરતાં. પણ તેથી શું થયું? જુવાનીથી છેક વૃદ્ધાવસ્થા સુધી સ્ત્રી-પુરુષ વચ્ચે લાગણીનો તંતૂ ટકેલો રહી જ શકે અને ઇવન વધુ ને વધુ મજબૂત પણ બની શકે. આ સમયગાળા દરમિયાન પ્રેમનું રૂપ અને અભિવ્યક્તિ સતત બદલાવાનાં જ, કારણ કે પરિવર્તન એ તો સંસારનો નિયમ છે.
સંસારના આ અફર નિયમ મુજબ પ્રેમીને આજે પ્રેમિકાની આંખોમાં આખી દુનિયા દેખાય તો કાલે ન પણ દેખાય. આ સ્વાભાવિક પરિવર્તનનો જો સ્વસ્થ સ્વીકાર ન થઈ શકે તો ઝઘડા નક્કી છેઃ પહેલાં તો તું કેવો મારી આગળપાછળ ફરતો હતો, હવે તો તને મારી પરવા જ નથી. પહેલાં તો તું ઓફિસેથી દિવસમાં દસ વાર મને ફોન કરતો હતો, હવે તો તને ફોન કરવાનું યાદ પણ આવતું નથી. પહેલાં તને મારી કેટલી પરવા હતી, પણ હવે તો હું જીવું કે મરું, તને કોઈ ફરક જ નથી પડતો…
આ પ્રકારની ફરિયાદોના નીચોડ જેવા છે આ શબ્દોઃ
રહતે થે કભી જિન કે દિલ મેં હમ જાન સે ભી પ્યારોં કી તરહ…
ફિલ્મ મમતાના આ ગીત વિશે આપણી વાત ચાલી રહી હતી.
અગાઉ તમને તમારા જીવ કરતાં પણ હું વધુ વહાલી હતી. અને હવે?
બૈઠે હૈ ઉન્હી કે કૂચે મેં હમ આજ ગુનહગારોં કી તરહ…
આજે એમને ત્યાં અમે ગુનેગારની જેમ બેઠાં છીએ. એટલું જ નહીં, કરગરી પણ રહ્યા છીએઃ
ઠોકર ન લગાના હમ ખુદ હૈ ગિરતી હુઈ દિવારોં કી તરહ.
આહ! આ ફરિયાદ ચોટદાર છે. સ્ત્રીની હાલત બિસ્માર દિવાલ જેવી થઈ ચૂકી છે. એની વિનંતી એટલી જ છે કે હવે ઠોકર ન મારીશ. નહીંતર હું સાવ જ પડી જઈશ, વિખેરાઈ જઈશ.
ફિલ્મમાં જે નાયિકા આ ગીત ગાઈ રહી છે તે અસલમાં પ્રેમીના નહીં, સમાજના પ્રહારોથી થાકેલી છે. એટલે એ કહેવા એવું માંગે છે કે યાર, દુનિયાએ તો બહુ જાલીમિયત દેખાડી, હવે તું તો જાલીમ ન બન. ફિલ્મમાં આ ગીત પહેલાં અને આ ગીત પછી, જુવાનીથી વૃદ્ધાવસ્થા સુધી, પ્રેમી-પ્રેમિકા (અશોક કુમાર-સુચિત્રા સેન) વચ્ચેનો પ્રેમ સતત લીલોછમ્મ જ રહેતો દેખાડાયો છે. વચ્ચે ફક્ત થોડી મિનિટો પૂરતી એક ગેરસમજને લીધે ખિજાયેલી નાયિકા નાયકને આ ગીત દ્વારા અતિ આકરા ટોણા મારે છે. બાકી તો એ સ્ત્રી જાણે જ છે કે દોષ પ્રેમીનો નથી, સંજોગોનો છે, સમયનો છે.
પ્રેમસંબંધ પર સમયનો પ્રભાવ… આ એક નાજૂક અને મહત્ત્વની બાબત છે. બે મનુષ્ય વચ્ચેનો સંબંધ સમયના પ્રભાવને લીધે બદલાય, ખાસ તો કથળે, ત્યારે સમયની ભૂમિકા સ્વીકારવાને બદલે મોટે ભાગે બન્ને પક્ષો સામસામી વ્યક્તિગત આરોપબાજી પર ઉતરી આવતાં હોય છે. એવી આરોપબાજીનાં ગીતોની આપણે વાત કરી રહ્યાં છીએ ત્યારે નોંધવું રહ્યું કે કેટલાંક અત્યંત જૂજ ગીતો એવાં છે ખરાં જેમાં પુખ્ત પ્રેમીઓ એ વાતને સમજી શકે છે કે વાંક તારોય નથી ને વાંક મારોય નથી, વાંક છે સમયનો. આવું એક મૅચ્યોર ગીત હતું ફિલ્મ કાગઝ કે ફૂલનું, જેમાં બૅકગ્રાઉન્ડમાં વાગતા ગીત દ્વારા નાયિકા પ્રેમસંબંધ પર પડેલો કાળનો પ્રભાવ આ શબ્દોમાં સ્વીકારે છે:
વક્ત ને કિયા ક્યા હંસી સિતમ
તુમ રહે ના તુમ, હમ રહે ના હમ…આને કહેવાય સ્વસ્થ સ્વીકાર. અલબત્ત, આ સ્વીકારમાં વેદના છે, ઉદાસી છે, પણ આરોપબાજી નથી. તું આવો ને તું તેવી એવી તુંતા કર્યા વિના ‘કાળદેવતા’ના પ્રભાવનો આવો સ્વીકાર ન કેવળ પ્રેમસંબંધના બલ્કે બીજા અન્ય અનેક પ્રકારના ઝઘડાઓ અટકાવી શકે.
https://youtu.be/3TxjJCEKYvE?si=3Md7nCLIFdYhMvy8
બાકી, સામેના પક્ષનો વાંક કાઢવો બહુ સહેલો હોય છે. ગુસ્સે થઈ જવું બહુ સહેલું હોય છે. ભડાસ કાઢવાનું સહેલું હોય છે. આવી ભડાસ કાઢતી વખતે પ્રેમી ભાયડો ક્યારેક તો એની ચોક્કસ પ્રેમિકા ઉપરાંત આખેઆખી નારીજાતિને ખરીખોટી સુણાવી દેઃ
આગ સે નાતા, નારી સે રિશ્તા
કાહે મન સમજ ન પાયા…લ્યો બોલો. નારી સાથે સંબંધ બાંધવો એટલે જાણે આગથી ખેલવું… શબ્દો દઝાડે એવા છે, પણ ગીતની ટ્યૂન એકદમ કોમળ અને મધૂર છે. ગીત છે ફિલ્મ અનામિકાનું, જેના આરંભિક શબ્દો છેઃ મેરી ભીગી ભીગી સી પલકોં પે રહ ગએ… ગળ્યું સંગીત ધરાવતા આ કડવા ગીત વિશે વાત કરીશું આવતા લેખમાં
https://youtu.be/3TxjJCEKYvE?si=3Md7nCLIFdYhMvy8
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
-
વાદ્યવિશેષ (૩૭)- તાલવાદ્યો : (૨) તબલાં
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
હિન્દુસ્તાની સંગીતના શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, હળવા તેમ જ ફિલ્મી સંગીત પ્રકારોમાં તાલવાદ્ય તરીકે તબલાં(‘તબલા’ પ્રયોગ અરેબીક ભાષાના ‘તબ્લ’ શબ્દ પરથી આવ્યો છે, તેની જોડી હોવાથી ગુજરાતીમાં તબલાં કહેવાય છે)નો સૌથી વધારે ઉપયોગ થતો આવ્યો છે. એક વાયકા અનુસાર અમીર ખુસરોએ ઢોલકને વચ્ચેથી કાપીને તબલાં તૈયાર કરાવ્યાં હતાં.

છબીમાં જોઈ શકાય છે એ તબલાંની જોડી એટલી પ્રચલિત છે કે તેની ઓળખાણ આપવી ન પડે. અહીં ડાબી બાજુએ નજરે પડતા સહેજ ઊંચા તબલાને મોટા ભાગના વાદકો જમણા હાથ વડે વગાડતા હોવાથી તેને ‘દાંયા’ (દાહીના) કહેવામાં આવે છે. ગુજરાતીમાં તેને ‘નરઘું’ પણ કહે છે. જમણી બાજુએ સહેજ નીચું અને પહોળું દેખાય છે તે તબલાને ‘બાંયા’ કહે છે, કારણ કે તે ડાબા હાથે વગાડાય છે. ગુજારાતીમાં તે ‘ભોણીયું’ તરીકે પણ ઓળખાય છે. અહીં એક સ્પષ્ટતા જરૂરી છે કે અમુક વાદકો દાંયાને ડાબા હાથ વડે અને બાંયાને જમણા હાથ વડે વગાડતા હોય છે. પણ પરંપરાગત નામકરણ તેનું તે જ રહે છે. નોંધનીય છે કે તબલાંની બનાવટમાં લાકડાની જગ્યાએ પીત્તળ કે સ્ટીલ જેવી ધાતુઓનો પણ ઉપયોગ થાય છે.
સાગ અથવા અન્ય કોઈ મજબૂત ઝાડના થડના ટૂકડાને વચ્ચેથી કોતરી નાખવાથી બનતા પોલા નળાકારના ઉપરના હિસ્સાને બકરા, ઘેટા અથવા ઊંટ જેવા પ્રાણીના ચામડામાંથી બનાવાતા દોરા વડે ખુબ મજબૂતીથી મઢી લેવામાં આવે છે. આ માટે ઊંટના ચામડામાંથી બનાવાતા પાતળા દોરડાનો ઉપયોગ થાય છે. મઢાયેલા ચામડાના ઉપરના મધ્ય ભાગે કાંજી સાથે કાળી ભૂકી મેળવી બનાવાતી લુગદી ચોપડી, શક્ય એવી ગોળાકાર તકતી બનાવવામાં આવે છે. સામાન્ય ભાષામાં આવી લુગદીને ‘શાહી’ કહેવામાં આવે છે, સમયસમયે ચામડાની નળાકાર ઉપરની પકડ ઢીલી પડી જાય, તેને ફરીથી કસવા માટે તબલાની રચનાના ઉભા પટ્ટે ચામડામાથી બનાવાયેલા પાતળા પટ્ટા લગાડાયેલા હોય છે, લાકડાના બનેલા લંબગોળાકાર ટૂકડાઓને આવા પટ્ટા તંગ કસાયેલા રહે તે રીતે તબલાના નીચેના છેડે લગાડવામાં આવે છે, જરૂર પડ્યે નાની હથોડીના આછા પ્રહાર વડે પણ તબલાને કસી, અપેક્ષિત ધ્વનિ ઉપજાવી શકાય છે.
તબલાં વગાડવાથી ઉત્પન્ન થતા ધ્વનિને બોલ કહેવાય છે. નરઘું(બાંયા) વગાડવા માટે મહદઅંશે આંગળીઓ અને ભોણીયું(દાંયા) વગાડવા માટે હથેળીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે આ તો થઈ માત્ર પ્રાથમિક પદ્ધતિ. તે ઉપરાંત એક નિપૂણ તાબલાવાદક અનેક રીતો અજમાવે છે. વાદનની શાસ્ત્રીયતા બાબતે ઊંડા ન ઉતરતાં હવે એક દિગ્ગજ તબલાવાદક ઉસ્તાદ અહમદજાન થીરકવાનું વાદન માણીએ. કિશન મહારાજ, નિખીલ ઘોષ, અલ્લારખ્ખા અને ઝાકીર હુસૈન જેવા વિશ્વવિખ્યાત તબલચીઓ થીરકવા સાહેબને એક અવાજે મહાનતમ વાદક તરીકે બિરદાવતા રહ્યા છે. આ આ અને હવે પછીની ક્લીપ્સ પૈકીનાં કેટલાંયે રેકોર્ડીંગ્ઝ બહુ આધુનિક નહીં તેવી સુવિધાઓ સાથે થયેલાં હોઈ, માણવા માટે હેડફોનનો ઉપયોગ કરવા ભલામણ છે,
હિન્દી ફિલ્મસંગીતના છેક પ્રારંભકાળથી સંગતમાં તબલાંનો ઉપયોગ થતો આવ્યો છે. હવે સાંભળીએ અત્યંત કુશળતાથી થયેલા તબલાંવાદન ધરાવતાં કેટલાંક ફિલ્મી ગીતો.
પહેલાં સાંભળીએ ૧૯૫૪માં પરદા ઉપર આવેલી ફિલ્મ બૂટ પાલિશનું ગીત ‘લપક ઝપક તૂ બરસ બદરવા’. સંગીત શંકર-જયકિશનનું છે.
સાંભળીએ ફિલ્મ ઝનક ઝનક પાયલ બાજે(૧૯૫૫)નું એક નૃત્યગાન, જેના શબ્દો છે ‘મુરલી મનોહર ક્રિશ્ન કન્હૈયા’. આ ફિલ્મ માટે વસંત દેસાઈએ સંગીત તૈયાર કર્યું છે.
https://www.youtube.com/watch?v=-hrgZCE2rEY&list=RD-hrgZCE2rEY&start_radio=1
૧૯૫૫ની સાલમાં જ પ્રદર્શિત થયેલી ફિલ્મ યાસ્મીન માટે સી.રામચંદ્રે સંગીત આપ્યું હતું, આ ફિલ્મનું ગીત ‘મુઝ પે ઈલ્ઝામ એ બેવફાઈ હૈ’ તબલાંની સંગત થકી વધુ કર્ણપ્રિય બન્યું છે.
યાદગાર તબલાંવાદન ધરાવતું એક ગીત ૧૯૫૬ની ફિલ્મ એક હી રાસ્તાનું ‘ચલી ગોરી પી કે મિલન કો ચલી’ છે. સંગીતકાર હતા હેમંતકુમાર. ઉલ્લેખનીય છે કે પરદા ઉપર તબલાં વગાડી રહેલા કલાકાર પદ્ધતિસરનું વાદન કરી રહ્યા છે. કેટલીયે ફિલ્મોનાં ગીતના ફિલ્માંકનમાં વાદક અને વાદન માત્ર પ્રતિકાત્મક જ હોય છે.
સી.રામચંદ્રના સંગીતનિર્દેશનમાં તૈયાર થલેલું એક યાદગાર તબલાંપ્રધાન ગીત માણીએ. પ્રસ્તુત છે ફિલ્મ અમરદીપ(૧૯૫૮)નું ગીત ‘મેરે મન કા બાંવરા પંછી’
https://www.youtube.com/watch?v=9bzjO_kfK84&list=RD9bzjO_kfK84&start_radio=1
ફિલ્મ નવરંગ(૧૯૫૯)નાં ગીતો પણ સી રામચંદ્રના નિર્દેશનમાં બન્યાં હતાં. તે પૈકીનું એક નૃત્યગીત ‘રંગ દે રે’ ઉત્કૃષ્ટ તબલાંવાદન વડે સજાવાયું છે.
૧૯૬૦ના વર્ષમાં પ્રદર્શિત થયેલી ઐતિહાસિક ફિલ્મ મુગલ એ આઝમ તેના દરેક પાસાની ભવ્યતા થકી ખરા અર્થમાં ઐતિહાસિક બની રહી છે. આ ફિલ્મનું એક નૃત્યગીત ‘મોંહે પનઘટ પે નંદલાલ’ સાંભળતાં જ સંગતમાં વાગી રહેલાં તબલાં ધ્યાન ખેંચી લે છે.
૧૯૬૦ની સાલમાં જ પરદા ઉપર આવેલી ફિલ્મ કોહીનૂર માટે પણ ગીતો નૌશાદના નિર્દેશનમાં તૈયાર થયાં હતાં. આ ફિલ્મનું એક શકવર્તી નૃત્યગીત ‘મધુબન મેં રાધિકા નાચે રે’ ખુબ જ ધ્યાનાકર્ષક તબલાંવાદન વડે સજાવાયું છે. સાથે સાથે અમુક પડાવ ઉપર મૃદંગના બોલ પણ વાગે છે.
ફિલ્મ ઓપેરા હાઉસ(૧૯૬૧) માટે ગીતો ચિત્રગુપ્તના નિર્દેશનમાં બન્યાં હતાં. ઉક્ત ફિલ્મનું ગીત ‘બલમા માને ના’ સાંભળતાં જ તબલાંનો સાથ ધ્યાન ખેંચી લે છે. નોંધીએ કે આ પણ એક નૃત્યગીત છે.
સચીનદેવ બર્મનના નિર્દેશનમાં બનેલાં ૧૯૬૩ની ફિલ્મ બંદિનીનાં ગીતો ભારે લોકપ્રિયતાને વર્યાં હતાં. તેમાંનું ગીત ‘મોરા ગોરા અંગ લઈ લે’ તબલાંની સંગત થકી વધુ કર્ણપ્રિય થયું છે.
૧૯૬૩ના વર્ષમાં જ પરદા ઉપર આવેલી અને સચીનદેવ બર્મનના જ નિર્દેશનમાં તૈયાર થયેલાં ગીતો ધરાવતી ફિલ્મ મેરી સૂરત તેરી આંખેંના ગીત ‘નાચે મન મોરા’માં વિશિષ્ટ તબાલાંવાદન સાંભળવા મળે છે. ઉલ્લેખનીય છે કે વરિષ્ઠ શાસ્ત્રીય તબલાવાદક પંડીત સામતાપ્રસાદે અપવાદરૂપે આ ફિલ્મી ગીત માટે સંગત કરી હતી.
૧૯૬૩ની એક વધુ ફિલ્મ દિલ હી તો હૈનાં ગીતો ખુબ જ લોકપ્રિય થયાં હતાં તે પૈકીનું એક કાળજયી ગીત ‘લાગા ચૂનરી મેં દાગ છૂપાઉં કૈસે’ માણીએ. આ ગીતના વાદ્યવૃંદમાં વિવિધ સૂરવાદ્યો સાથે તબલાંવાદન પણ ખુબ જ ચિત્તાકર્ષક છે. ધૂન સંગીતકાર રોશનની છે. દૃશ્યાવલીમાં એક મકામ પર એક કલાકાર મૃદંગ વગાડી રહેલા દેખાય છે, પણ ગીત સાથે તબલાંની જ સંગત કરાઈ છે.
૧૯૬૫માં પરદા પર આવેલી ફિલ્મ ગાઈડ માટે સચીનદેવ બર્મને સંગીત આપ્યું હતું. આ ફિલ્મના ગીત ‘મોં સે છલ કીયે જાય’ માટે યાદગાર તબલાંવાદન સુખ્યાત સંતૂરવાદક પંડીત શિવકુમાર શર્માએ કર્યું હતું, જે નોંધનીય છે.
આજની કડીની આખરમાં હિન્દી ફિલ્મોના ઈતિહાસમાં પોતાનું આગવું સ્થાન જમાવીને બેસેલી ફિલ્મ પાકીઝાનું એક તબલાપ્રધાન ગીત ‘ઈન્હી લોગોં ને લે લીના દૂપટ્ટા મેરા’ સાંભળીએ. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ રજૂ થાય તે પહેલાં તેના સંગીતનિર્દેશક ગુલામ અહમદ અવસાન પામ્યા હતા.
અત્યાર સુધીનાં ગીતો સાંભળતાં એવી છાપ પડે કે ધ્યાનાકર્ષક તબલાંવાદન માત્ર શાસ્ત્રીય ગીતો કે નૃત્યગીતો માટે જ પ્રયોજાય છે. પણ, ઓ.પી, નૈયરે પશ્ચિમી તાલ સાથે તબલાંનું સંયોજન (Fusion) કરીને જે જાદૂઈ અસર ઉભી કરી એ તેમની આગવી ઓળખ બની રહી છે. તેમનાં આવાં અનેક લોકપ્રિય ગીતોમાંનું એક, ફિલ્મ મેરે સનમ(૧૯૬૫)નું ‘જાઈએ આપ કહાં જાઓગે’ સાંભળીએ. ગીતનો આરંભ અને મુખડું પશ્ચિમી તાલમાં છે, પણ મુખડાની અંતિમ પંક્તિ ‘દૂર તક આપ કે પીછે પીછે’ શરુ થતાં તબલાંનો લાક્ષણિક તાલ વાગવા લાગે છે. ગીતમાં આ પ્રયુક્તિ આરંભમાં અને અંતમાં એમ બે જ વાર કરવામાં આવીઆવી હોવાથી તે બહુ જ અસરકારક લાગે છે. જો કે તે બાબતે બરાબર ધ્યાન ન અપાયું હોય તો તે ચૂકાઈ જવાની સંભાવના રહે છે.
આજે અહીં અટકીએ.આવતી કડીમાં નવી સામગ્રી સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
વાહ! કાગ ભાઈ, વાહ!
પંખીઓના દેશમાં
ગિરિમા ઘારેખાન
એક નાનું ગામ હતું. ગામની વચ્ચે હતું એક મંદિર. મંદિરની બહાર એક વડલો. વડલા ઉપર કેટલાય પંખીઓના માળા. એની નીચી ડાળીઓ ઉપર ચકલીઓના માળા અને વચલી ડાળીઓ ઉપર કાગડાના માળા. આ બધાં પક્ષીઓ વચ્ચે ખૂબ સંપ. કોઈ કોઈને હેરાન ના કરે અને સંપીને રહે. વડલો પણ આ બધાને ખૂબ પ્રેમ કરે.
હવે બન્યું એવું કે એકવાર એક મોટો સાપ ત્યાં આવી ચડયો. એને પણ આ ઘટાદાર વડ બહુ ગમી ગયો. એટલે એણે એના થડની નીચે જ એક દરમાં પોતાનું ઘર કરી લીધું.
હવે આ સાપ તો રાત પડે એટલે સડસડાટ ઝાડ ઉપર ચડે અને પક્ષીઓના માળામાંથી ઈંડા ખાઈ જાય. એમના નાના બચ્ચાંને ઓહિયા કરી જાય. આને લીધે ઝાડ ઉપર રહેતાં પંખીઓ સાપથી ડરી ગયા. એ લોકોએ તો બીજા અલગ અલગ ઝાડ ઉપર પોતાનો વિસામો શોધી લીધો. વડલાની ઉપર સંભળાતા પંખીઓના મધુર ગાન વગર વડ તો સાવ સૂનો થઇ ગયો. એને તો દિવસ રાત બસ સાપના ફૂંફાડા સાંભળવા મળતા. વડલો તો ખૂબ ઉદાસ રહેવા માંડ્યો.
વડની ઉપર રહેતાં બધા પક્ષીઓ બીજે રહેવા ગયા તો હતાં પણ એ બધાને ત્યાં ગમતું ન હતું. બધાને એકબીજાની અને વડદાદાની ઘણી યાદ આવતી હતી. એમના જેવી વડવાઈઓ બીજા કોઈ વૃક્ષ પાસે ન હતી. બીજા વૃક્ષ ઉપરના પંખીઓ એમની સાથે ઝઘડતાં પણ હતાં.
એક દિવસ બપોરે પેલો સાપ જયારે એના દરમાં હતો ત્યારે બધાં પંખીઓ એમના વડદાદાને મળવા આવ્યાં. વડદાદા તો એવા એકલા પડી ગયા હતા કે એ તો એ બધાને જોઇને રડવા જ માંડ્યા.
પંખીઓને પણ એમને રડતા જોઇને અને પોતાના જૂના ઘર, માળા, બધું જોઇને બહુ રડવું આવી ગયું. બધાને કહ્યું, “આપણે કોઈ પણ રીતે પેલા સાપને અહીંથી ભગાડવો જોઈએ. તો આપણે પાછા અહીં રહેવા આવી શકીએ’.વડદાદા કહે, “પણ એને ભગાડશો કેવી રીતે? એને તો રહેવા માટે સરસ ઘર મળી ગયું છે.’
હવે આપણે બધા જાણીએ છે કે પંખીઓમાં કાગડો સહુથી ચતુર હોય છે. એણે બધા પંખીઓને કહ્યું. “તમે કોઈ રડશો નહીં. હું કંઇક ઉપાય કરું છું. હું એ સાપને ભગાડીશ અને આપણે બધા પાછા અહીં રહેવા આવી જઈશું.”ચતુર કાગડાએ વિચાર કર્યો કે સાપને કોણ ઊંચકી શકે? એને સમડી યાદ આવી. સમડી પોતાના મોંમાં લટકાવીને સાપને બીજે નાખી આવી શકે. પણ એને એ પણ ખબર હતી કે સમડી પોતે બહુ જબરી હોય છે. એ કારણ વિના કોઈનું કામ કરે નહીં. કોઈને મદદ ન કરે. હવે શું કરવું?
કાગડાએ ખૂબ વિચાર કર્યો. સમડીને કહેવું તો પડશે જ. એની પાસે કામ કરાવવા માટે એને ખુશ કરવી પડશે. એણે એક ઉપાય વિચાર્યો. એ તો ગામના કચરાના ઢગલા પાસે ગયો અને એમાંથી વીણીવીણીને મરેલા ઉંદર બહાર કાઢયા. પછી એ બધા ઉંદરને પોતાની ચાંચમાં પકડીને એ તો ગયો સમડી પાસે. જઈને એણે સમડી પાસે એ ઉંદરો મૂકી દીધા અને પોતાનું માથું નમાવીને બોલ્યો, “હું કાગડાઓનો નેતા તમારે માટે આ એક નાનકડી ભેટ લાવ્યો છું. મેડમ, તમે સહુથી ઊંચું ઊડી શકો છો. તમારા જેવી તેજ નજર બીજા કોઈની નથી. એટલે જ તમને અમે અમારા રાણી માનીએ છીએ.’
વખાણ કોને ન ગમે? સમડી તો આ બધું સાંભળીને ઘણી ખુશ થઇ. કાગડો તો રોજ મરેલા ઉંદર લઈને સમડી પાસે જવા માંડ્યો. બે ચાર દિવસમાં જ એણે સમડી સાથે દોસ્તી કરી લીધી.
ચાર દિવસ પછી એ સમડીને મળવા ગયો ત્યારે વાતવાતમાં એણે કહ્યું, “મેં સાંભળ્યું છે કે તમે સાપને પણ પોતાની ચાંચમાં ઉપાડી શકો?’
સમડી કહે ,’હા, ઉપાડી લઉં. એમાં શું હતું?’
કાગડો કહે, “ હું તો એ જાણું જ છું. પણ બીજા પંખીઓ એ માનતા નથી. કહે છે કે સમડી એ કામ કરી બતાવે તો જ અમે એને રાણી માનીએ.’
સમડીએ તો એકદમ એની પાંખો પહોળી કરી, માથું ઊંચું કયું અને અભિમાનથી બોલી, “ચલ બતાવી દે ક્યાંય સાપ હોય તો. હું એને મારા મોંમાં પકડી બતાવીશ.’
“ખાલી પકડવાનો નહીં, એને લઈને ઉડવાનું અને દૂર ફેંકી દેવાનો. આ બધું તમે કરી શકો?’ કાગડાએ ડરતો હોય એવી રીતે પૂછ્યું,
હા રે હા. એમાં શું હતું. હું તો સાપ કરતાં ય ભારે જાનવરને ઊંચકી શકું. પછી સાપની શું વિસાત?’
કાગડાને તો આ જ જોઈતું હતું. એણે પોતાના બધા સાથી પંખીઓને પોતાની યોજના જણાવી દીધી. એ પ્રમાણે બીજે દિવસે બપોરે એ બધા પંખીઓ વડ ઉપર આવીને કલશોર કરવા માંડ્યા. પંખીઓનો અવાજ સાંભળીને સૂતેલો સાપ તો ઉઠયો અને ખુશ થઈને દરની બહાર આવ્યો. કાગડો તો સમડીને લઈને પહેલેથી ત્યાં આવેલો જ હતો. એણે સમડીને સાપ બતાવ્યો. સમડીએ તો સીધી એના ઉપર તરાપ મારી અને ચાંચમાં લઈને ઉડવા માંડી. બધા પંખીઓએ કાગડાના શીખવાડ્યા પ્રમાણે જોરથી ‘સમડી રાણીની જય’ બોલાવી. આકાશ તરફ જતી સમડી આ સાંભળીને ઘણી ખુશ થઇ. સાપને પકડીને એ તો દૂર દૂર ગઈ અને પછી સાપને નીચે ફેંકી દીધો.
એ સાપનું પછી શું થયું એ કોઈને નથી ખબર. આપણને તો એટલી ખબર છે કે હવે બધા પંખીઓ પાછા એમના વડદાદાની ઉપર રહે છે, એમને ગીતો સંભળાવે છે અને વડદાદા પણ ખુશ છે. પેલો કાગડો જયારે મળે ત્યારે બધા પંખીઓ એને સલામ કરીને કહે છે “વાહ! કાગભાઈ, વાહ!’
ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯
-
બુલબુલનું લંચબોક્સ
લતા જગદીશ હિરાણી
– બુલબુલ ઓ બુલબુલ
– શું છે મા ?
– ચાલ જમી લે.
– ના, મને ભૂખ નથી. ઊંઘ આવે છે.
– કેંન્ટિનમાં કંઇ ખાધું લાગે છે. તને કેટલીવાર કહ્યું કે બહારનું ખા ખા ન કર !
મા બોલતી રહી ને બુલબુલ રજાઇ ઓઢીને સુઇ ગઇ.
બુલબુલને સપનું આવ્યું. સપનામાં એ એક ગાઢ જંગલમાં પહોંચી ગઇ હતી. નાજુક નમણાં હરણાં કુણું કુણું ઘાસ ચરતા હતા અને રેશમી રુંવાટીવાળા સસલાં દોડાદોડી કરતાં હતાં. ચારે બાજુ લીલાંછમ વૃક્ષો, રંગબેરંગી ફૂલો અને ખળખળ વહેતા ઝરણાં…
– અરે વાહ ! બુલબુલ તો ખુશખુશાલ થઇ નાચવા માંડી.
એ દોડતી દોડતી સોમુ સસલા પાસે ગઇ. એને ખોળામાં લઇને ગેલ કરવા માંડી. આ જોઇને હમ્ફી હરણ એની બાજુમાં આવી ગયું,
– ચાલ આપણે દોસ્તી કરીએ.
બુલબુલે બધા સાથે હાથ મિલાવ્યા. ઝાડ પરથી પિન્ટુ પોપટ પણ ઉડીને આવ્યો,
– હું યે તમારો ભાઇબંધ…
બધા ભેગા મળીને ખૂબ રમ્યાં. ખૂબ ધમાલ મસ્તી કરી. બુલબુલ થાકી ગઇ હતી
– મને બહુ ભૂખ લાગી છે. કહેતાં એ ઝાડ નીચે લાંબા પગ કરીને બેઠી.
હમ્ફી હરણ હજી કુદાકુદ કરતું હતું પણ સોમુ સસલું ટપાક કરતું બુલબુલના ખોળામાં બેસી ગયું. એના લાંબા લાંબા કાન બુલબુલને અડાડી વહાલ કરવા માંડ્યું. બુલબુલને એ સુંવાળા સુંવાળા સ્પર્શની મજા પડી ગઇ. એ એની પીઠ પંપાળવા લાગી. પિન્ટુ પોપટ ઘડીકમાં બુલબુલના હાથ પાર તો ઘડીકમાં એના માથા પર બેસે.

– ચાલો ચાલો, હું ઝાડ પરથી જામફળ લઇને આવું છું.
– અને તારા મરચાં ? બુલબુલે પૂછ્યું.
– પિન્ટુને મરચાં ખાવા દો. મારે આ રહ્યું મજાનું ઘાસ. સોમુ સસલું બોલ્યું.
– એ બધું રહેવા દો. એ તો તમે રોજ ખાઓ છો. ચાલો આજે તમને કંઇક સરસ ખવડાવું. કહેતાં બુલબુલે પોતાનું દફતર ખોલ્યું. એમાંથી મોટું પેકેટ કાઢ્યું. પેકેટમાં હતા બર્ગર અને સાથે પેપ્સીની બોટલ.
– તમે કદી બર્ગર ખાધા છે ? ચાખો એકવાર. દાઢમાં સ્વાદ રહી જશે.
– બર્ગર ? એ વળી શું ?
હમ્ફી હરણ મોટી મોટી આંખો ઝીણી કરીને બોલ્યું.
સોમુ સસલાએ એનું નાનકડું નાક બર્ગરને અડાડી સુંઘી લીધું અને મોઢું ફેરવી લીધું.
પિન્ટુ પોપટે પેપ્સીની બોટલ ચાંચ મારીને પાડી દીધી.
તમે બધાં આમ કેમ કરો છો ? આવું મસ્ત ખાવાનું તમે જિદગીમાં કદી ચાખ્યું નહીં હોય. તમેય શું યાદ કરશો તમારી આ બુલબુલને….

કોઇએ એ ખોરાક ખાવાની તૈયારી બતાવી નહીં. બુલબુલને જરા માઠું લાગ્યું. એ કંઇ બોલ્યા વગર બર્ગર હાથમાં લઇને ખાવા માંડી અને ખોલી પેપ્સીની બોટલ.
પિંટુ પોપટથી ન રહેવાયું,
– આ તું શું ખાય છે બુલબુલ ?
– ડહાપણ કર્યા વગર તુંય ખાને
– ના હોં, મારે તો મારા ફળ ભલાં !
સોમુ સસલું બુલબુલના ખોળામાંથી ખસીને ઘાસ ખાવા લાગ્યું. બર્ગર તરફ એણે નજર પણ ન નાખી.
હમ્ફી હરણ ઝરણાંનુ પાણી પીવા ચાલ્યું ગયું.
બુલબુલની આંખમાં આંસુ આવી ગયા. એવામાં ત્યાંથી બોબી હાથી નિકળ્યો. બુલબુલની ભીની આંખ જોઇને સુંઢ હલાવતો એની પાસે ઊભો રહી ગયો.
– અરે, સોમુ, હમ્ફી, પિંટુ, અહીં આવો.
બોબીહાથીનો હુકમ બધાં માને.
– કેમ બધાં બુલબુલને નારાજ કરો છો ? – બધાં ચુપ રહ્યાં.
– બુલબુલ વાત એમ છે ને કે અમે છાપું નથી વાંચતા. અમને બર્ગરની ક્યાંથી ખબર હોય ? પિંટુ પોપટ બોલ્યો.
– અમે કદી ટીવી પણ નથી જોયું. અમને વહાલા અમારા જંગલ ને ઝરણાં ! હમ્ફી હરણે કુદકો માર્યો.
બોબીહાથી કહે, ’જો બુલબુલ, નારાજ ન થા. તમને માણસોને જ આવી કચરાપટ્ટી ખાવાની ટેવ હોય. અમે તો કુદરતે આપેલું જ ખાઇએ. કોલ્ડ્રીંક્સનું ઝેર પીવું એનાં કરતાં આ ખળખળ વહેતાં ઝરણાંના પાણીનો સ્વાદ ચાખી જો.”
બુલબુલ રડી પડી, “સોરી ફ્રેંડ્ઝ. હું પણ પહેલાં મારી મમ્મીએ બનાવેલી રસોઇ જ ખાતી હતી. હમણાં મારી એક નવી ફ્રેંડ થઇ છે, સુનમુન. બસ એના વાદે હું આવું બધું ખાતાં શીખી ગઇ. કોલ્ડ્રીંક્સ બહુ નુકસાન કરે છે એવું અમારા ટીચર પણ કહેતા હતા. બસ હવે વાત પૂરી. બહારની ખાણીપીણી બંધ અને સુનમુનની દોસ્તી પણ.’
આમ કહેતાં એણે પેપ્સીનો કર્યો ઘા. તડાક તુટવાનો અવાજ આવ્યો.
બુલબુલ જાગી ગઇ. બાજુમાં એલાર્મ વાગતો હતો ને મમા ઓશિકા પાસે બેસી બુલબુલને પંપાળતી હતી.
– ચાલ બેટા, જલ્દી ઉઠ. જો તારા માટે દાદીમાએ ગરમ ગરમ સુખડી તૈયાર રાખી છે. થોડી અત્યારે ખા અને થોડી લંચબોક્સમાં ભરી દઉં.
– ઓહ સુખડી…. યસ મા. સુખડી જ. અને હા કાલે તું મારા માટે લાડુ બનાવજે હોં..
તોફાની બુલબુલે મમાનો દુપટ્ટો ખેંચ્યો.
– અરે વાહ, તુ તો સુધરી ગઇ ને કાંઇ… ચાલ મારો દુપટ્ટૉ છોડ, મારે બહુ કામ છે.
બુલબુલે પલંગ પરથી કુદકો માર્યો. હમ્ફી હરણની જેમ જ…..
-
પહેલો પુરુષ: હાસ્યલેખક
મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
આપણે કોઇને કોયડો પૂછીએ ત્યારે મોટાભાગે તે સાચો જવાબ ન આપી શકે તેમ ઇચ્છીએ છીએ તેવી જ રીતે કશીક બાબતે અનુમાન કરવાનું કહીએ ત્યારે તેનું અનુમાન ખોટું પડે તેમ ઇચ્છતા હોઇએ છીએ અને જો અનુમાન સાચું પડે તો નિરાશ થવાય છે. આથી જ વાચક મિત્રોને મથાળું વાંચીને આ લેખ શેના વિષે હશે એવું અનુમાન કરવાનો પડકાર આપતો નથી. છતાં કેટલાક વાચક મિત્રો સ્વનિર્મિત પડકાર ઝીલીને અનુમાન કરવા પ્રેરાશે કે દુનિયાના પહેલા પુરુષ મનાયેલા ઈવવાળા આદમની અથવા સનાતનીઓના પહેલા પુરુષ ભગવાન મનુની વાત હશે જેમાં લેખક કહેવા માગતા હશે કે આદમ કે ભગવાન મનુ હાસ્યલેખક હતા. કદાચ “વૃજમાં કૃષ્ણ પુરુષ છે એક” એવા ભક્ત કવિ દયારામનાં કીર્તનમાં ફેરફાર કરીને કૃષ્ણની જગ્યાએ હાસ્યલેખકને મૂકવા માગે છે. જો કે આ પણ મારાં અનુમાનો જ છે. પરંતુ હવે હું આ અનુમાન પુરાણ બંધ કરીને મૂળ વાત પર આવું.
યાદ કરો, તમે શાળામાં ભણેલા ગુજરાતી વ્યાકરણને. પહેલો પુરુષ એક વચન એટલે “હું” અને બહુવચન એટલે “અમે કે આપણે”. આગળ બીજા કે ત્રીજા પુરુષ બાબતે નહિ લખવાની હૈયાધારણ આપીને મિત્રોને વ્યાકરણનાં એ કંટાળો આપતાં વિષયનું વિશેષ દુ:સ્મરણ નથી કરાવતો.
મોટાભાગના હાસ્યલેખકો ‘પહેલા પુરુષ’ની એટલે કે પોતાની કથા કહીને હાસ્ય નિપજાવવા પ્રયાસ કરતા હોય છે. પોતે ક્યારે અને કઈ રીતે મૂર્ખ બન્યા, પોતે કેવા ભૂલકણા છે, પોતે લીધેલા સંકલ્પો કઈ રીતે તૂટ્યાની, વહેલી સવારે ઊઠીને ફરવા નીકળતા પોતાના ઉપર આવેલી આફતોની, પોતે શારીરિક રીતે કે માનસિક રીતે કેવા દુર્બળ છે તથા ક્યારેક પોતાની થયેલી ફજેતીનું વર્ણન કરીને વાચકોનું મનોરંજન કરે છે. જ્યોતીન્દ્ર દવેએ પોતાની આંખે થયેલી આંજણીની, પોતાની વ્યાયામ સાધનાની, પોતાને ભેટેલા પ્રશ્નાર્થ ચિહ્નની એવી અનેક વાતો કરીને હાસ્યરસ ઉત્પન્ન કર્યો છે. તેમના એક હાસ્યલેખનું શિર્ષક જ “હું જ્યોતીન્દ્ર દવે” છે! બીજા એક હાસ્યલેખકે તો પોતાનાં હૃદયની બીમારી વિષે એક આખું પુસ્તક લખીને લોકોને હસાવવા પ્રયાસ કર્યો છે.
હાલના સમયમાં પ્રજાનું સરેરાશ આયુષ્ય વધ્યું છે તેમાં સાહિત્યકારો પણ દીર્ઘાયુષ્ય પામ્યા છે. પણ એક સમય હતો કે કોઇ જાણીતી વ્યક્તિને સાંઈઠ વર્ષ પૂરા કરી નાખે તે પહેલા જ તે પોતે જ સાંઈઠ વર્ષને મહાત કરી દેતા. આમ કરીને તેમણે કોઇ મહાન કાર્ય કર્યું છે (તેમણે હવે ખૂબ જીવી લીધું છે!) તેમ માનીને તેમના ચાહકો અને અન્ય સ્નેહીઓ તેમની ‘ષષ્ઠ્ઠીપૂર્તિ’ નામે ઓળખાતી ઉજવણી કરતા. આવી ઉજવણીનો લાભ ક્યારેક કેટલાક સાહિત્યકારોને પણ મળતો. આ ઉપક્રમમાં શ્રી જ્યોતીન્દ્ર દવેની ષષ્ઠ્ઠીપૂર્તિ – જેઓ પોતાને જ્યોતીન્દ્ર દવેના હિતેચ્છુંઓ માનતા તેવા મિત્રો દ્વારા- ઉજવવામાં આવેલી. રીવાજ પ્રમાણે પોતાનાં સન્માનનો પ્રત્યુત્તર આપવો ફરજિયાત ગણાતો હોવાથી જ્યોતીન્દ્ર દવેએ પણ તે પ્રસંગે પોતાનો પરિચય આપીને પ્રત્યુત્તર આપેલો. કોઇને પણ નવાઈ લાગે કે આટલા પ્રસિદ્ધ સાહિત્યકારે પોતાનો પરિચય શા માટે આપવો પડે? પરંતુ ખરેખર તો તેમણે પહેલા પુરુષની એટલે કે પોતાની જ વાત કરીને લોકોને હસાવવા હતા. આથી તેમણે રચેલાં “આત્મપરિચય” નામનાં કાવ્યનું પઠન કરવાની સાથે હાસ્યલેખક માટે આવશ્યક એવા ‘પહેલા પુરુષ’ને ન્યાય આપીને શ્રોતાઓને ખડખડાટ હસાવેલા.
એવું નથી કે હાસ્યલેખકે પહેલા પુરુષ એક વચનમાં જ વાત કરીને વાચકોને હસાવ્યા છે. ‘સબકા સાથ સબકા વિકાસ’ એ સૂત્ર ભલે પછીથી આવ્યું હોય, પરંતુ તે સૂત્ર પાછળની ભાવના તો હાસ્યલેખકોને વિદિત હતી જ! આથી જ્યોતીન્દ્ર દવેએ તેમના મિત્ર ધનસુખલાલ મહેતાની ભાગીદારીમાં ‘ અમે બધા” નામનું આત્મકથા સ્વરૂપનું પુસ્તક લખ્યું. તેમના અનુગામી શ્રી વિનોદ ભટ્ટે પણ ‘એવા રે અમો એવા” નામનું પુસ્તક લખ્યું છે. આ રીતે તેમણે પહેલા પુરુષ બહુવચનનો પ્રયોગ કરીને વાચકોનું મનોરંજન કર્યું છે.
માત્ર હાસ્યલેખકો જ નહિ, શાહબુદ્દીન રાઠોડ સાહેબ જેવા ડાયરાના કલાકારો પણ ઘણેભાગે ‘પહેલા પુરુષ’ની જ વાત કરીને શ્રોતાઓને હસાવે છે. વાત સાચી કે ક્યારેક તેઓ પોતાની કથામાં પાત્ર તરીકે પત્નીને લઈ આવતા હોય છે, પરંતુ એ તો ‘દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે’ એ ઉક્તિને સાચી ઠરાવવા માટે જ લાવે છે!
હવે સવાલ એ થાય છે કે હાસ્યલેખકો સહિત હાસ્યકારોની કફોડી સ્થિતિ પર વાચકો કે શ્રોતાઓને હસવું કેમ આવતું હશે? માત્ર વાચકો કે શ્રોતાઓને જ નહિ સરકસના જોકરને પણ ઝુલા પરથી પટકાયેલો જોઇને પ્રેક્ષકોને હસવું આવે છે. ‘મેરા નામ જોકર’ ફિલ્મમાં જોકરની માતાએ તેને કહેલાં વાક્ય “તેરે પિતાકે મરતે દમ તક લોગોને તાલિયા બજાઈ થી”! માં આ વાતની જ પ્રતીતિ થાય છે.
જો કે આ બાબતે અપવાદો તો ઘણા હશે. પહેલા પુરુષને બદલે ત્રીજા પુરુષની વાત કરીને ભાવકોનું મનોરંજન કર્યાના અનેક દાખલા મળી આવે છે. પરંતુ હાસ્ય નિષ્પન્ન કરવાનો સરળ માર્ગ તો પહેલા પુરુષની કથામાં જ છે. આથી હાસ્યકારો હાથવગા અને સરળ એવા પહેલા પુરુષનો રાજમાર્ગ પસંદ કરીને લોકોને હસાવતા હોય છે.
હાસ્યકારો બાબતે આ પ્રકારનું નિરીક્ષણ કર્યા પછી કોઇ વિદ્વાને એવું સંશોધન કર્યું હોય એમ જાણ્યું નથી કે હાસ્યકારો કફોડી સ્થિતિમાં મૂકાય તેથી વાચકો, શ્રોતાઓ કે પ્રેક્ષકોને હસવું કેમ આવતું હશે? આથી હંમેશની જેમ, વિદ્વાનો જે કાર્ય નથી કરી શકયા તે કરવાની જવાબદારી મારી સમજીને હું સવાલનો જવાબ શોધવા પ્રયાસ કરું છું.
આપણો સૌનો અનુભવ છે કે રસ્તા પર ઠેસ વાગવાથી કે બીજી કોઇ રીતે કોઇને, ખાસ કરીને તો પોતાના પરિચિતને પડી જતો જોઇને લોકો હસતા હોય છે. જોનારને લાગે છે કે પેલો પડ્યો પણ આપણે તો પડ્યા નથી ને, એમ જાણીને પોતે સારી સ્થિતિમાં છે તેનું સુખ માણતા હોય છે. એ જ રીતે અન્યની કોઇપણ પ્રકારની કફોડી પરિસ્થિતિ જોઇને સરખામણીમાં પોતે સારી સ્થિતિમાં છે તેનો આનંદ અનુભવતા હશે છે. કદાચ આ પ્રકારનો જ આનંદ હાસ્યકારો પોતાની નબળાઇ, પોતાની મુશ્કેલીની કે અન્ય બાબતે અલ્પતાની વાત કરે છે ત્યારે લોકોને આવતો હશે. બીજો એવો પણ તર્ક છે કે હાસ્યલેખકે વર્ણવેલી હાલતમાં ક્યારેક વાચકોને પોતાને પણ પસાર થવું પડ્યું હોય છે. તેથી લેખક સાથે તાદાત્મ્ય સધાવાથી sailing in the same boat નો આનંદ માણતા હશે.
જો કે આ પ્રકારના તર્ક કરતી વખતે મને ‘રઘુવંશ’માં કાલિદાસે લખેલા વાક્ય प्रांशु लभ्ये फले मोहाત્ उदबाहुरिव वामन(ઉંચા ઝાડ પરનું ફળ લેવાનો પ્રયાસ કરતા ઠીંગણા માણસ)ની જ લાગણી થાય છે.
હાસ્યકારો ગમે તે માનતા હોય, પરંતુ આ બાબતે આપણા એક મોટાગજાના હાસ્યલેખક તારક મહેતાનો અભિપ્રાય જણાવીને ,પહેલા પુરુષની કથાનું સમાપન કરું છું.
તેમણે લખ્યું છે, ”છેલ્લા ૫૦ વર્ષથી સાહિત્યમાં એક એવો મત પ્રચલિત કરવામાં આવ્યો છે કે જે લેખક પોતાની નબળાઇઓની મજાક ઉડાવી શકે, પોતાની જાતની હાંસી કરી શકે એ સર્વશ્રેષ્ઠ વિનોદ. મેં બધા પ્રયોગ કરી જોયા. મેં મારા લેખનમાં તેમજ જાહેરમાં મારી ઘણી હાંસી કરી, લોકો હસ્યા, હજી પણ હસે છે. કદાચ એ લોકો હસ્યા જ કરશે. તમે એમ સમજો છો કે તમે પ્રજાને હસાવો છો પણ ખરી વાત એ છે કે પ્રજા તમને હસે છે.”
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


