વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સૌથી પ્રાચીન પર્વતમાળાની ઘોર ખોદવા તંત્ર સજ્જ છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    માનવજાત જે ઝડપે વિકાસ સાધી રહી છે એમાં ખરેખર તો કોનો વિકાસ થઈ રહ્યો છે એ સમજવું મુશ્કેલ છે. કેમ કે, વિકાસની આ દોટમાં નદી, પર્વત, સાગર, જમીન અને તમામ પર્યાવરણપ્રણાલિઓનો ભોગ લેવાઈ રહ્યો છે. આમ કર્યા પછી મુઠ્ઠીભર લોકોનું જીવનધોરણ કદાચ સહેજ ઊપર આવે તો પણ એમના જીવનની ગુણવત્તા સાવ કથળે છે. આનાં કંઈ કેટલાંય ઉદાહરણો રોજેરોજ નજર સામે આવી રહ્યાં છે. આટલા બધા નુકસાન પછી જે કંઈ હાથમાં આવે એને વિકાસ કહી શકાય ખરો?

    અરવલ્લીની ગિરિમાળા પર ક્યારનું જોખમ તોળાઈ રહ્યું છે,  જેના વિશે આ કટારમાં ત્રણેક વર્ષ અગાઉ વિગતે લખાયું હતું. એમાં મુખ્ય મુદ્દો દિલ્હી અને હરિયાણામાં આવેલા આ પર્વતમાળાના કેટલાક હિસ્સામાં ગેરકાયદે વધતી જતી બાંધકામની પ્રવૃત્તિ અને તેને લઈને બદલાતું જે તે વિસ્તારનું ભૂપૃષ્ઠ ઊપરાંત આ ગેરકાયદે બાંધકામ પ્રવૃત્તિને કાયદાકીય સ્વરૂપ અપાવાની હિલચાલનો હતો. 2018માં સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે આ ગિરિમાળાનો પા ભાગ રીતસર ખતમ થઈ ગયો છે. એ સાથે જ તેણે અરવલ્લીમાં થઈ રહેલા ગેરકાયદે બાંધકામ બાબતે કડકાઈ દાખવવા માંડી. આ ગિરિમાળા પર બનાવાયેલાં અમીરોનાં ફાર્મહાઉસ હોય કે ગરીબોનાં આવાસ, સર્વોચ્ચ અદાલતે કડકાઈ બાબતે કોઈ ભેદભાવ દાખવ્યો નથી.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    હવે વાત જરા જુદી રીતે અને વધુ ગંભીરપણે આગળ વધી રહી છે. તેના વિશે વાત કરતાં પહેલાં એટલી પ્રાથમિક વિગત જાણી લેવી જરૂરી છે કે ગુજરાતની પૂર્વેથી છેક હરિયાણાની દક્ષિણ સુધી, આશરે સાતસો કિ.મી.ના વિસ્તારમાં પથરાયેલી અરવલ્લીની ગિરિમાળા વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા છે. સ્વાભાવિકપણે જ તેની આગવી જૈવપ્રણાલિ હોય અને તેને કારણે આસપાસના વિસ્તારની આબોહવા પર તેની અસર હોય. ખાસ કરીને રાજસ્થાનના થારના રણમાંથી વાતી લૂને તે અવરોધે છે. દેશના કેટલાક ભાગ પૂરતું તે ‘હરિયાળું ફેફસું’ કહેવાય છે. પણ હવે જાણે કે પર્યાવરણ મંત્રાલયે તેને ખતમ કરવા માટે કમર કસી લીધી છે.

    નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં સર્વોચ્ચ  અદાલત દ્વારા કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની એક પેનલ દ્વારા કરાયેલી ભલામણનો સ્વીકાર કર્યો. એ મુજબ પેનલ દ્વારા રાજસ્થાનમાં આવેલા અરવલ્લીના ગણાતા વિસ્તારમાં લગભગ ૯૦% જેટલો ઘટાડો સૂચવાયો છે. અરવલ્લીના કયા વિસ્તારમાં ખનન માટે મંજૂરી આપવી એ બાબત નક્કી કરવામાં આ સરકારી પેનલે તેની પોતાની જ સંસ્થા ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા (એફ.એસ.આઈ.) દ્વારા તૈયાર કરાયેલી સત્તાવાર માર્ગદર્શિકાઓને અવગણી છે. પેનલે સૂચવ્યું છે કે સો મીટર યા તેથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારો જ પર્વતમાળાનો હિસ્સો ગણાશે.

    આ પર્વતમાળાની સરેરાશ ઊંચાઈ છસોથી નવસો મીટરની છે. એફ.એસ.આઈ.ના સર્વેક્ષણ અનુસાર, અરવલ્લીની કુલ ૧૨,૦૮૧ ટેકરીઓ પૈકીની કેવળ ૧,૦૪૮ ટેકરીઓ જ સો મીટર ઊંચાઈના આ માપદંડમાં બંધ બેસે છે. એ સિવાયની, એટલે કે મોટા ભાગની પર્વતમાળાની ઊંચાઈ વીસ મીટર કે એથી વધુ છે. એનો અર્થ એ થયો કે અરવલ્લી ગિરિમાળાના નેવુ ટકા હિસ્સાને સરકારની પેનલે ખનન માટે ખુલ્લો કરવાની ભલામણ કરી અને સર્વોચ્ચ અદાલતે એને મંજૂર રાખી. સર્વોચ્ચ અદાલતે પર્યાવરણ મંત્રાલયને એવા વિસ્તારોના ખનન માટે સુયોગ્ય યોજના બનાવવા જણાવ્યું છે. અલબત્ત, અદાલતની પોતાની સમિતિના ૨૦૧૮ના અહેવાલ સહિત બીજા અનેક અહેવાલમાં સૂચવાયું છે કે અરવલ્લીની ગિરિમાળાઓ પોતાનો પચીસ ટકા એટલે કે પા ભાગનો હિસ્સો ક્યારનો ગુમાવી ચૂકી છે. હવે ગિરિમાળાની આ નવી વ્યાખ્યા પછી તેમાં શું બાકી રહેશે એ સવાલ છે.

    વક્રતા એ છે કે હજી મે મહિનામાં જ પર્યાવરણ મંત્રાલય દ્વારા ‘અરવલ્લી લેન્‍ડસ્કેપ રિસ્ટોરેશન એક્શન પ્લાન’ બનાવવામાં આવ્યો હતો, જેમાં વનનાબૂદી, ખનન, ચરાણ તેમજ ગેરકાયદે ઘૂસણખોરીથી અરવલ્લીનું રક્ષણ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. તેમાં એમ પણ જણાવાયું હતું કે રણની રેતી પૂર્વ તરફ ખસી રહી છે અને ગુરુગ્રામ તેમજ અલવર જેવા વિસ્તારોને એ નુકસાન પહોંચાડે છે. છેક ૨૦૦૨ થી સર્વોચ્ચ અદાલત કહેતી આવી છે કે અરાવલ્લીના બધા ભાગો એટલે કે પહાડો, ઉચ્ચ પ્રદેશ પરની સમતલ જમીન, મેદાનો અને ડુંગરની સાંકડી ટોચો—આ બધું મળીને એક સંયુક્ત પર્યાવરણપ્રણાલિ તરીકે કામ કરે છે. ૨૦૧૮ માં સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે આ પહાડો નહીં રહે તો દિલ્હીમાં હવાના પ્રદૂષણમાં વધારો થશે.

    આમ, સર્વોચ્ચ અદાલત અને પર્યાવરણ બન્ને પોતે જ ભૂતકાળમાં છેડેલા સૂરથી વિપરીત સૂરાવલિ છેડી રહ્યાં છે. ભૂતકાળમાં સર્વોચ્ચ અદાલતે પર્યાવરણની સુરક્ષા બાબતે નિર્ણાયક પગલાં ભર્યાં હોવાનો ઉજ્જ્વળ ઈતિહાસ છે. હવે નિર્ધારીત કરાયેલી ઊંચાઈથી ઓછી ઊંચાઈની ટેકરીઓનો નાશ કરવામાં આવશે તો થોડાઘણા પહાડો બાકી રહેશે. દેશના ઊત્તર ભાગનું ‘હરિયાળું ફેફસું’ આ રીતે સાવ નકામું બની જશે.

    આ આખી કવાયત પરથી ખ્યાલ આવશે કે આપણો વર્તમાન અને ભાવિ કેવા કેવા લોકો અને કેવા તંત્રના હાથમાં છે. ખનનની પરવાનગી એટલે માત્ર ને માત્ર આવકનો સ્રોત ઊભો કરવો. એનાથી મુઠ્ઠીભર લોકોને થોડોઘણો આર્થિક લાભ થશે, પણ સામે આખેઆખી પર્યાવરણપ્રણાલિનું નિકંદન નીકળી જશે અને આટલા મોટા ભૂવિસ્તાર પર તેની વિપરીત અસરોનો ભોગ બનવું પડશે એ નુકસાનને કયા ત્રાજવે તોલીશું? આમાં સંવેદનાની નહીં, સાદી સમજણની વાત છે. પણ આર્થિક લાભ સાદી સમજણને ક્યાંય પાછળ મૂકી દે છે. એક નાગરિક તરીકે આવી ગતિવિધિઓના સાક્ષી બનવાનું આવે એનાથી મોટી લાચારી શી હોઈ શકે!


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮ – ૧૨– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : બાબુ સુથારઃ એક કાચબાની કથા [૪]

    પહેલાં આપણે શ્રી બાબુ સુથારના તેમની શરૂઆતની નોકરીઓની ખાટી મીઠી યાદો મમળાવી.
    હવે તેમના અમેરિકામાં સ્થાયી થવાના અનુભવો વિશે જાણીએ….

    હું એ ઘરમાં માંડ બેએક વરસ રહ્યો હોઈશ ત્યાં જ મારે અમેરિકા આવવાનું થયું અને હું ૧૫મી ઓગસ્ટ, ૧૯૯૭ના રોજ અમેરિકા આવ્યો. પહેલા ત્રણેક દિવસ હું મારા પ્રોફેસર જ્યોર્જ કાર્ડોનાને ત્યાં રહેલો. પછી, હું એમણે મારા માટે લઈ રાખેલા એક એપાર્ટમેન્ટમાં રહેવા ગયેલો. પશ્ચિમ ફિલાડેલ્ફિયામાં આવેલો એ એપાર્ટમેન્ટ ત્રીજા માળે હતો. એમાં એક રસોડું અને એક અંધારિયો ઓરડો. ઓરડામાં બારી એક પણ નહીં. એમાં દિવસે પણ લાઈટ કરવું પડતું. રસોડામાં બે બાજુ બારીઓ હતી. ત્યાં દિવસે લાઈટની જરૂર ન હતી પડતી. નસીબ જોગે રસોડું પેલા ઓરડા કરતાં મોટું હતું. એટલે એકબે દિવસ એ અંધારા ઓરડામાં રહ્યા પછી હું મકાનમાલિકને કહીને રસોડામાં રહેવા ચાલ્યો ગયેલો. અને પેલા ઓરડાને મેં સ્ટોર રૂમ બનાવેલો. એમાં મારાં બેગબિસ્તરા પડી રહેતાં. આ એપાર્ટમેન્ટમાં હું હકીકતમાં તો પેટાભાડૂત હતો. મને ત્યારે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી ભાષા ભણાવવા પેટે મહિને અગિયારસો ડોલર વેતન મળતું હતું. જો કે, યુનિવર્સટીએ મારી ટ્યુશન ફી માફ કરેલી અને મને તથા મારા કુટુંબને એ લોકોએ મેડિકલ વીમો આપેલો. હું ઘરભાડા પેટે મહિને બસો ડોલર આપતો હતો. પણ મારાં ‘માલિકણની’ એક શરત હતી: મારે રસોડાનું બારણું હંમેશાં ખુલ્લું રાખવાનું. કેમ કે, એમની ચારપાંચ બિલાડીઓમાંની એકને રસોડાની એક બારીમાં બેસવાની ટેવ હતી! મને એની સામે વાંધો ન હતો. હકીકતમાં તો મારાં માલિકણને ત્યાં એક નાનકડું પ્રાણીસંગ્રહાલય કહી શકાય એટલાં પ્રાણીઓ હતાં. એમાં ચારેક બિલાડીઓ ઉપરાંત, બે કૂતરા, બેચાર સસલાં અને બીજાં બે ત્રણ – જેમનાં મને નામ મને ત્યારે સમજાયાં ન હતાં- પ્રાણીઓનો સમાવેશ થતો હતો. હું જ્યારે પણ યુનિવર્સિટીએ જવા નીકળતો ત્યારે મારી કમરે આવે એટલા ઊંચા બેએક કૂતરા મારી પાસે આવતા અને મને ચારે બાજુથી સૂંઘતા. મને એમનો ખૂબ ડર લાગતો હતો. પણ, હું કહી શકતો ન હતો. મને એમ કે જો હું એનાં કૂતરાં સામે ફરીયાદ કરીશ તો એ કદાચ મને કાઢી મૂકશે અને મારે વધારે ભાડાના મકાનમાં રહેવા જવું પડશે. હું યુનિવર્સટીથી પાછો ઘેર આવતો ત્યારે પણ પાછા એ બન્ને કૂતરા મારી પાસે આવતા ને મને ચારે બાજુથી સૂંઘતા. હું મનમાં મનમાં બોલતો: હું જે હતો એ જ છું. બદલાયો નથી.

    આ એપાર્ટમેન્ટમાં હું એક વરસ રહ્યો. ત્યારે મારી પાસે કોમ્પ્યુટર કે એવું કશું હતું નહીં. હું ડાયનિંગ ટેબલ પર બેસીને વાંચતો. નોંધો તૈયાર કરતો. સાપ્તાહિક પરીક્ષા હોય તો હું આખી રાત ઉજાગરો કરીને પેપર તૈયાર કરતો અને પછી વહેલી સવારે સાતેક વાગે નીકળીને યુનિવર્સિટીએ જતો. ત્યાં મારી ઓફિસમાં બેસીને પેપર ટાઈપ કરતો.

    બીજા વરસે મારાં પત્ની અને મારો દીકરો મારી સાથે રહેવા આવવાનાં હતાં. એટલે મારે બીજે ઘર લેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. એટલે મેં હું જ્યાં રહેતો હતો એની નજીકમાં જ એક રૂમ રસોડાનું એપાર્ટમેન્ટ લીધું. એમાં દીકરો બેઠક રૂમમાં સૂઈ જતો. જો કે, એને કારણે એને ઘણું સહન કરવું પડતું હતું. કેમ કે શાળામાં બીજા વિદ્યાર્થીઓ એને પૂછતા તો એ પ્રામાણિક બનીને કહી દેતો કે ના, મારે મારો પોતાનો બેડરૂમ નથી. એક વાર એ ઘેર આવીને રડેલો પણ કરો. એ ઘરનું એક સુખ હતું. ત્યાંથી મારી યુનિવર્સિટી બેએક માઈલ દૂર થતી. હું ક્યારેક ચાલતો. ક્યારેક ટ્રોલી લેતો. ઘેર આવતી વખતે મને મોટે ભાગે મારી યુનિવર્સિટીની બસ મળતી. હું એ બસ લેતો. દીકરાની સ્કુલ બસનું સ્ટેશન પણ નજીકમાં હતું.

    એ વખતે અમે અમારું વડોદરાનું ઘર પણ બંધ રાખેલું. કેમ કે અમને એમ હતું કે હું પીએચડી પૂરું કર્યા પછી પાછો દેશમાં જઈશ અને ત્યાં જઈને “મારા જ્ઞાનનો લાભ” બીજા લોકોને આપીશ. એ જમાનામાં જે લોકો અમેરિકા ભણવા આવતા એમાંના મોટા ભાગના એવી રંગદર્શી અને રાષ્ટ્રીયતાવાદી કલ્પના કરતા. હું પણ એમાંનો એક હતો.

    એ દરમિયાન, મેં અને રેખાએ વિચાર્યું કે દીકરાએ એની સાથે ભણતા વિદ્યાર્થીઓને એવું કહેવું પડે કે એની પાસે એનો બેડરૂમ નથી એ સારું ન કહેવાય. વળી અમારાથી દીકરાને એમ પણ કહેવાય એમ ન હતું કે તું જૂઠું બોલ. એટલે અમે બે બેડરૂમનું એપાર્ટમેન્ટ શોધવા માંડ્યું. હવે રેખા કામ કરતી હતી. વળી મારું વેતન પણ થોડુંક વધેલું. એટલે અમે થોડોક વધુ આર્થિક ભાર ખમવા માટે તૈયાર હતાં. એ દિવસોમાં પાછું મારા માથે મારાં માબાપની પણ જવાબદારી હતી. એમને દર મહિને નહીં તો દર બે મહિને પૈસા મોકલવા પડતા. જેમ આજે માણસો કરતાં પૈસા વધારે સરળતાથી સીમાઓ ઓળંગે છે એવું ત્યારે ન હતું. એથી હું માબાપને ચેક મોકલતો અને માબાપ એ ચેક એમના ખાતામાં જમા કરાવતાં. મેં એમને કહી રાખેલું કે તમારા ખાતામાં પાંત્રીસ હજાર રૂપિયાથી ઓછા પૈસા હોય તો મને તરત જ જાણ કરવી.

    પછી અમે બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહેવા ગયાં. જો કે, એ ઘરમાં પણ રસોડામાં જવું હોય તો અમારે હેતુની રૂમમાં થઈને જવું પડતું. પણ, હવે હેતુને એક વાતનો સંતોષ હતો કે એની પાસે પણ એનો પોતાનો બેડરૂમ છે. એ એના મિત્રોને એવું કહી પણ શકતો હતો.

    આ બધાની વચ્ચે મેં પીએચ.ડી. પણ પૂરું કરી દીધેલું. હવે મને Teaching Assistantમાંથી લેક્ચરર બનાવવામાં આવ્યો હતો. હું અમેરિકા J-1 વિઝા પર આવેલો. જેથી મારાં પત્ની J-2 પર આવી શકે અને સત્તાવાર કામ કરી શકે. જો કે, J-1 વિઝામાં એક શરત હોય છે. કાં તો તમારે બે વરસ માટે તમારા દેશમાં પાછું જવું પડે, કાં તો તમારે ભારત સરકાર પાસેથી તમે અમેરિકામાં રોકાઈ જાઓ તો ભારત સરકારને એની સામે કોઈ વાંધો નથી એ મતલબનું ‘ના વાંધા’ પ્રમાણપત્ર મેળવવું પડે. આ બેમાંથી કોઈ એક શરતનું પાલન થાય તો જ તમને H-1 વિઝા મળે. મેં આમાંનો બીજો માર્ગ પસંદ કર્યો. ભારત સરકાર પાસેથી મેં ‘ના વાંધા’ પ્રમાણપત્ર મેળવ્યું. એના આધારે મારી યુનિવર્સટીએ મારા H-1 વિઝા માટે અરજી કરી. મને એ વિઝા મળી પણ ગયા. પણ, ત્યારે જે લોકો આ વિઝા પર હોય એમનાં પત્ની કે એમના પતિને કામ કરવાની પરવાનગી મળતી ન હતી. એટલે મને H-1 વિઝા મળ્યા પછી મારાં પત્ની અને મારા દીકરાને H-4 વિઝા મળ્યા. હવે મારાં પત્ની કામ ન હતાં કરતાં. એને કારણે અમારી એક આવક બંધ થઈ ગયેલી. જો કે, કુલ આવક લગભગ સરખી રહેલી.

    H-1 વિઝા મળતાં જ મેં ગ્રીન કાર્ડ માટે અરજી કરી. ત્યારે રાહ જોવાનો સમયગાળો ખૂબ લાંબો હતો. પણ, એમાં એક ફાયદો પણ હતો. એ અરજીના આધારે હું રેખા માટે કામ કરવાની પરવાનગી મેળવી શકતો હતો. એક દિવસે, રેખાએ કહ્યું કે હવે આપણે અહીં એક ઘર લઈ લઈએ. અમારી પાસે ડાઉન પેમેન્ટ કરી શકીએ એટલી બચત હતી. કોણ જાણે કેમ પણ હું ઘર લેવા તૈયાર ન હતો. મને થતું કે જો હું ઘર લઉં અને મને ગ્રીન કાર્ડ ન મળે તો હું શું કરીશ. પણ, રેખાએ તો નિર્ણય લઈ લીધેલો. ગમે તેમ થાય: ઘર ખરીદી લો. પાછળથી જોયું જશે. હવે હું થાકી પણ ગયો હતો. મને લાગતું હતું કે એક જીવનમાં કદાચ પાંચ છ જીવન એક સાથે જીવ્યો છું.

    આખરે અમે ફિલાડેલ્ફિયાના ઉત્તર-પૂર્વ વિભાગમાં એક ઘર પસંદ કર્યું. ત્રણ બેડરૂમ બે બાથરૂમનું. જો કે, નીચે બેઝમેન્ટમાં એક રૂમ હતો. જો ઘરમાં પાછળથી પ્રવેશ કરો તો સીધા બેઝમેન્ટમાં જવાય અને આગળથી પ્રવેશ કરતો તો બેઝમેન્ટમાં જવા એક દાદરો ઊતરવો પડે. આ ઘરનો નંબર હતો ૨૨૨૪. અમારા વડોદરાના ઘરનો નંબર ૨૨૩/૨૨૪ હતો. રેખાને થયું કે જેમ વડોદરાનું ઘર ફળ્યું એમ આપણને કદાચ આ ઘર પણ ફળે. મેં એની માન્યતાનો કોઈ વિરોધ ન હતો કર્યો. કેમ કે હું આવી બાબતોમાં વિવાદો નથી કરતો. મારા ઘરમાં હું અને મારો દીકરો બન્ને નાસ્તિક છીએ. પણ, અમારામાંથી એક પણ બીજા પર અમારા વિચારો લાદવામાં માનતું નથી.

    અમે આ ઘર લેતાં તો લઈ નાખ્યું પણ પછી ખબર પડી કે આ ઘરમાં ઘણું બધું રીપેર કર્યા વિના નિરાંતે રહી શકાશે નહીં. એટલે અમે દસેક હજાર ડોલર વધારે ખર્ચીને ઘર રીપેર કરાવ્યું અને એમાં રહેવા આવ્યાં. જો કે, આ ઘર મારી યુનિવર્સિટીથી અને રેખાની કામ કરવાની જગ્યાથી ઘણું દૂર હતું. અમારે બન્નેએ એક બસ અને એક ટ્રેઈન લેવી પડતી. પણ, હવે અમારી પાસે અમારું ઘર હતું. રેખાને એનો હરખ હતો. મને કોણ જાણે કેમ પણ એનાથી કોઈ હરખ થતો ન હતો. જો કે, મેં ઘર ખરીદતી વખતે એક વાત ધ્યાનમાં રાખેલી: લોનનો હપ્તો હું જેટલું ભાડું ભરતો હતો એના કરતાં વધારે ન આવવો જોઈએ. અને એમ જ કરેલું.

    અમે માંડ છએક મહિના આ ઘરમાં રહ્યા હોઈશું ત્યાં જ એક દિવસે એક દુર્ઘટના બની. એ દિવસે મારો દીકરો ઘરમાં, એની રૂમમાં, હતો અને હું અને રેખા પન્ના નાયકના ઘેર જતાં હતાં. ત્યાં જ રસોડામાં શોર્ટ સર્કીટ થઈ અને ઘરમાં આગ લાગી. દીકરાનો ફોન આવ્યો: “પાછા આવો, ઘરમાં આગ લાગી છે.” અમે ઘેર પાછાં આવ્યાં ત્યારે ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ બધાંથી આખું ફળિયું ખીચોખીચ. અમે તરત જ સુચીબેનને/ગિરીશભાઈને ફોન કર્યો. એ લોકો પણ ક્યાંક ગયેલાં હતાં. પણ, એ તરતજ ત્યાંથી પાછાં આવી ગયાં. આગમાં રસોડું અને બેઠક રૂમ સાવ બળી ગયાં હતાં. મને એમ કે આગ હોલવાઈ જશે પછી બધું સાફ કરીને અમે રહેવા માંડીશું. એટલામાં ફાયરબ્રિગેડના માણસોએ અમને કહ્યું: તમે આમાં રહેવા ન જઈ શકો. તમારે બીજે વ્યવસ્થા કરવી પડશે.

    એ દરમિયાન એક માણસ આવ્યો. એણે કહ્યું: હું public adjuster છું. હું તમારા વતી વીમા કંપની સાથે લડીશ અને ઘર પણ આખું રીપેર કરી આપીશ. પણ એ માટે હું પંદર હજાર ડોલર કમિશન લઈશ. મેં કદી પણ public adjusterનું નામ સરખું સાંભળ્યું ન હતું. ગિરીશભાઈને પણ કંઈ સમજાયું નહીં. પણ, અમે હા પાડી દીધી. અમે ઘરમાં મૂકી રાખેલા વીમાનાં કાગળિયાં શોધી લાવીને એને આપ્યાં. એણે કહ્યું, “આ વીમા કંપની ખૂબ સારી છે. તમારે ચિન્તા કરવાની જરૂર નથી.” એટલામાં Blue Crossના માણસો આવ્યા. એમણે અમને બસો ડોલરનું એક કાર્ડ આપ્યું અને કહ્યું કે તમે ખાવાપીવા માટે હમણાં આ કાર્ડ વાપરો. વધારે પૈસાની જરૂર પડશે તો અમે આપીશું અને અમે તમે બે કે ત્રણ દિવસ રહી શકો એ માટે સગવડ પણ કરી છે. પેલા Public Adjusterએ એમને કહ્યું કે અમારા રહેવાની સગવડ એ કરશે. મેં બસો ડોલરનું કાર્ડ લીધું પણ એમાંથી અમે એક પણ પૈસો વાપર્યો નહીં. કેમ કે, મારી પાસે વૈકલ્પિક વ્યવસ્થા હતી.

    એટલામાં ઝરમર વરસાદ પડવા લાગ્યો. પેલા Public Adjusterએ અમને પાંચ હજાર ડોલરનો ચેક લખીને આપ્યો અને કહ્યું કે આ પૈસા તમે રાખો. વીમા કંપની પાસેથી પૈસા આવશે ત્યારે અમે આ પૈસા મજરે કાપી લઈશું. એટલું જ નહીં, એણે નજીકમાં જ આવેલી એક હોટલમાં અમારા માટે રહેવાની વ્યવસ્થા કરી. એણે કહ્યું કે હોટલમાં રહેવાનો ખર્ચ પણ વીમા કંપની જ આપશે. એણે ત્યાં બે રૂમ રાખેલી. એક અમારા માટે, બીજી અમારા દીકરા માટે.

    અમે, ઘરમાં જે કંઈ કિમતી સામાન હતો એ લઈને હોટલમાં રહેવા ગયાં. સૌ પહેલાં તો અમારે નવાં કપડાં ખરીદવાનાં હતાં. કેમ કે ફાયર બ્રિગેડે ઘરમાં જે રસાયણો છાંટેલાં એ રસાયણોને કારણે અમારું એક પણ કપડું પહેરી શકાય એમ ન હતું. એ કપડાં અમારે એની ખાસ લોન્ડ્રી પાસે ધોવડાવવાં પડે. એ કામ પણ પેલા એડજસ્ટરે કરેલું. એણે કોઈક કંપનીને ફોન કરેલો અને એ કંપનીનો માણસ બધાં કપડાં લઈ ગયેલો.

    ફાયરબ્રિગેડે ઘર સંપૂર્ણ બળી ન જાય, પોતાના માણસો ગૂંગળાઈ ન જાય અને પાડોશનાં ઘરોમાં આગ ન ફેલાય એ માટે અમારા ઘરની બધી બારીઓ તોડી નાખેલી. એ બારીઓ પર પણ પેલા પબ્લિક એડજસ્ટરે પાટિયાં મરાવી દીધેલાં અને અમને કહેલું કે તમારે છ મહિના બહાર રહેવું પડશે. એ દરમિયાન આપણે વીમા કંપની પાસેથી પૈસા લઈને આ ઘર હતું એવું ને એવું બનાવી દઈશું. એ આગમાં મારાં બસો જેટલાં પુસ્તકો પણ બળી ગયેલાં અને બસો કે ત્રણસો dvd પણ બળી ગયેલી.

    અમે બે અઠવાડિયાં હોટલમાં રહીને પાછા વીમા કંપનીએ આપેલા એક એપાર્ટમેન્ટમાં રહેવા ગયાં. એ ઘર પણ બે બેડરૂમનું હતું. જો કે, રહેતાં હતાં ત્યાંથી એ થોડુંક દૂર હતું. પણ, એનાથી અમને બહુ મોટો ફરક પડતો ન હતો.

    હવે અરધું ઘર નવું બની રહ્યું હતું. બારીઓ બધ્ધી જ નવી નાખવામાં આવી હતી. ફ્લોર પણ નવો. રસોડું આખું ય નવું. એ દરમિયાન અમે નક્કી કર્યું કે આ તકનો લાભ લઈને આપણે ઘરની ડિઝાઈન બદલીએ. આ બાબતમાં હું થોડો જાણકાર. એથી મેં એ લોકોને રસોડાની નવી ડિઝાઈન આપી. એમાં એરકન્ડીશનની પાઈપો હતી એ ઢંકાઈ જાય એવી વ્યવસ્થા કરી અને ઘરને પાછળ બારણું ન હતું ત્યાં અમે દરવાજો કરાવ્યો અને એક મોટો ડેક પણ બનાવડાવ્યો. એ ડેક પર હિંચકો રહી શકે, છ માણસનું ડાયનિંગ ટેબલ પણ રહી શકે અને દસેક માણસો આરામથી બેસી પણ શકે એવી વ્યવસ્થા પણ કરી. અમે વીમા કંપનીએ જે પૈસા આપેલા એમાં પાછા ખિસ્સાના પૈસા ઉમેર્યા. નીચે બેઝમેન્ટમાં એક બેડરૂમ હતો એ આખો નવો કરાવ્યો. તદ્ઉપરાંત, એક વધારાનો અરધો બાથરૂમ પણ બનાવડાવ્યો. હવે ઘર સાચે જ સુંદર લાગતું હતું. મેં રેખાને કહેલું કે આ ઘરનું નામ આપણે ‘અગ્નિકૃપા’ રાખવું જોઈએ.

    પણ, એ શક્ય ન હતું. આગના બનાવના પગલે હું કશું કામ કરી શકતો ન હતો. હેતુની પણ એ જ સ્થિતિ હતી. રેખા કામ કરવા જતી. એનું કામ મોટે ભાગે યાંત્રિક હતું. એ એક સ્ટોર પર કામ કરતી હતી. એ દરમિયાન અમારી ગ્રીન કાર્ડની અરજીનો પણ અસ્વીકાર થયેલો. ઈમિગ્રેશન ઓફિસે કહેલું કે તમે વિદ્વાન છો એવું તમે સાબિત કરી શક્યા નથી. એ લોકોએ મને બે પ્રશ્નો પૂછેલા. મારા સંશોધનનો ગુજરાતે કે બીજા કોઈએ લાભ લીધો છે ખરો? અને તમારી વિદ્વતાનો યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સિવાય બીજી કોઈ યુનિવર્સિટિએ ઉપયોગ કર્યો છે ખરો? દેખીતી રીતે જ, મારો શોધનિબંધ તો મેં હમણાં પૂરો કર્યો હતો. હજી લોકોને એની ખબર પણ ન હતી. વળી ગુજરાતની વાત પણ અલગ હતી. પણ મારે અત્યારે એની વાત નથી કરવી. મેં ગ્રીન કાર્ડની અરજીનો અસ્વીકાર થયાની વાત બેએક અઠવાડિયાં છુપાવી રાખેલી. રેખા હજી આગના આઘાતમાંથી બહાર આવી ન હતી. મારે એને વધારે આઘાત આપવા ન હતા.

    પછી અમે અમારા ઘરમાં પાછાં આવ્યાં. એ દરમિયાન મારાં માતાપિતાનું અવસાન થયું. પહેલાં બા ગયાં, પછી બાપુજી. વચ્ચે બે કે ત્રણ મહિનાનો સમય રહ્યો. હું પણ ઇમિગ્રેશનના પ્રશ્નોને કારણે એ ઘટનાઓ બની ત્યારે ઘેર જઈ શકું એમ ન હતો. તમે એક વાર ગ્રીન કાર્ડ માટે અરજી કરો પછી તમારે પ્રવાસ કરવો હોય તો એ માટે પરવાનગી લેવી પડે. એ પરવાનગી મંજુર થતાં થોડો સમય વીતી જાય. આમેય તમે વતન છોડો પછી તમે તમારા વતનને તમારી પીઠ પર જ રાખી શકો. ઇનિઅસની જેમ એના બાપને રાખતો હતો એમ. મારાં માબાપ ભલે ગયાં પણ એ બન્ને મારી પીઠ પર જ હતાં. આજે પણ છે. આજે પણ ક્યારેક થતું હોય છે: બહુ દિવસથી બાને ફોન નથી કર્યો. પચી યાદ આવે કે બા તો ક્યારનાં ય ઉપર ચાલ્યાં ગયાં છે.

    આ બધી ઘટનાઓ બની રહી હતી ત્યારે અમેરિકામાં ભાષાસ્થિતિ પણ બદલાઈ રહી હતી. ૯/૧૧ને કારણે મોટા ભાગની યુનિવર્સિટીના દક્ષિણ એશિયા વિભાગોએ ભાષા પર ભાર મૂકવાને બદલે ધર્મ પર ભાર મૂકવાનો શરૂ કરેલો. અમેરિકન સરકારે વિદેશી ભાષાઓને ત્રણ વર્ગમાં વહેંચી નાખી છે. એમાંના પહેલા વર્ગમાં અમેરિકાની સુરક્ષા માટેની ભાષાઓ આવે. દેખીતી રીતે હિન્દી, ઉર્દુ, બંગાળી અને પંજાબી ભાષાઓ એ વર્ગમાં આવતી હતી. બીજા વર્ગમાં વિદ્વતાની ભાષાઓ આવે. એમાં તમિલ ભાષાનો સમાવેશ થતો હતો. જો કે, એ ભાષા પહેલા વર્ગમાં પણ આવતી હતી. કેમ કે ત્યારે શ્રીલંકામાં તમિલ ઉગ્રવાદ હતો. ત્રીજા વર્ગમાં સંસ્કૃતિની દૃષ્ટિએ મહત્ત્વની ભાષાઓનો સમાવેશ થતો હતો. એમાં ગુજરાતી ભાષાનો સમાવેશ થતો હતો. યુનિવર્સિટીઓ ત્યારે પહેલા વર્ગની ભાષાઓના અભ્યાસમાં રોકાણ કરતી. એમ કરતાં જો પૈસા બચે તો એ પૈસા બીજા વર્ગની ભાષાઓ પાછળ રોકતી. અને એમ કરતાં પણ પૈસા બચે તો એ પૈસા એ ત્રીજા વર્ગની ભાષાઓ પાછળ વાપરતી. હું અને મારા એક તમિલ મિત્ર ત્રીજા વર્ગની ભાષાઓને ‘ગૃહીણી-શિક્ષકોની ભાષાઓ’ તરીકે ઓળખાવતા. કેમ કે, એ ભાષાઓ મોટે ભાગે, જેમની પાસે ભાષાની કોઈ ડીગ્રી ન હોય, પણ એ ભાષા જાણતી હોય, એવી ગૃહીણીઓ જ ભણાવતી હતી. એમને માથા દીઠ પગાર મળતો.

    એ જ અરસામાં અમેરિકામાં સ્પેનિશ અને ચીની ભાષાનો પણ વિસ્તાર થયો. એટલે સુધી કે અમેરિકાએ મોટા ભાગની પ્રાથમિક શાળાઓમાં પણ સ્પેનિશ ભાષા શીખવવાનું શરૂ કરેલું. એને કારણે ગુજરાતી ભણનારા વિદ્યાર્થીઓ પણ ઓછા થઈ ગયેલા. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ત્યારે એવો નિયમ હતો (કદાચ આજે પણ હશે) કે દરેક વિદ્યાર્થીએ અંગ્રેજી ઉપરાંત બીજી એક ભાષા શીખવાની. ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાતી લેતા. પણ, હવે એ લોકો પ્રાથમિક શાળામાંથી જ સ્પેનિશ ભણીને આવતા હતા એટલે યુનિવર્સિટીમાં આવીને સ્પેનિશ ભાષાનો placement test લઈ એ જરૂરિયાત પૂરી કરતા. એ દરમિયાન, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના એન્જિનિયરીંગ, મેડિકલ વગેરે વિભાગે વધારાની ભાષા શીખવાની નીતિ બદલી નાખી. એ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ હવે અંગ્રેજી ઉપરાંત બીજી ભાષા શીખવાની ન રહી.

    આ બધાના કારણે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી વિદ્યાર્થીઓ ઘટ્યા અને એનું એક પરિણામ એ આવ્યું કે મારી નોકરી ગઈ. યુનિવર્સિટીએ ગુજરાતી પ્રોગ્રામ બંધ કર્યો. જો કે, એમાં પણ રાજકારણ હતું. મને લાગે છે કે એ રાજકારણની ચર્ચા અહીં અસ્થાને હોવાથી મારે એની ચર્ચા ન કરવી જોઈએ. પણ, હું ફરી એક વાર બેકાર બન્યો. અમેરિકામાં બીજી કોઈ યુનિવર્સિટીઓ ગુજરાતી ભાષા ભણાવતી ન હતી. મારી પાસે સિનેમાની ડીગ્રી પણ હતી. ખાલી મારો માસ્ટર શોધનિબંધ બાકી હતો. પણ, હું હવે ભાષાશાસ્ત્ર કે સિનેમા પણ ભણાવી શકું એમ ન હતો. કેમકે મારા પર ભાષાના અધ્યાપકનો સિક્કો વાગી ગયો હતો. એ પણ ગુજરાતી ભાષાના અધ્યાપકનો. એટલે મને કોઈ હિન્દી પણ ભણાવવા ન આપે. અમેરિકન શિક્ષણ વ્યવસ્થા આ બધી બાબતોમાં ક્રુર છે. જો કે, નોકરી ગઈ એ પહેલાં, મારા સારા નસીબે, મારું ગ્રીન કાર્ડ થઈ ગયેલું. તે પણ મારા જોરે. યુનિવર્સિટીએ મારી ગ્રીન કાર્ડની અરજીને ટેકો આપેલો પણ એ લોકોએ મારું ગ્રીન કાર્ડ સ્પોન્સર ન હતું કર્યું.


    ક્રમશઃ

  • મરમી માનવગુરૂ : મીરા

    દીઠે અડસઠ જાત્ર

    દર્શના ધોળકિયા

    આ પૃથ્વી પર જે ક્ષણથી મનુષ્યનું અવતરણ થયું તે ક્ષણથી જ, મનુષ્યની સાથોસાય પેમ તત્ત્વનો પણ આવિર્ભાવ થયો. એક સ્થાયી વૃત્તિ તરીકે પ્રેમે મનુષ્યના હૃદયમાં હંમેશ માટે ઘર કર્યું. મનુષ્યની ચેતના જેમ જેમ વિકસતી ચાલી તેમ તેમ એનામાં રહેલું પ્રેઅમતત્ત્વ ઉત્તરોત્તર નિખરતુ રહ્યુ. પૃથ્વી પર એવા પણ અનેક લોકોએ વસવાટ કર્યો જેમણે પ્રેમનું મૌલિક અર્થધટન કર્યું, મૌલિક અર્થઘટન પામેલો પેમ, હક્ક કે માલિકીની ભાવનાથી મુક્ત હતો, સાંપ્રદાયિક વાડાબંધીથી અલિપ્ત હતો, સ્થૂળ કે લૌકિક વાસનાઓથી અસ્પૃશ્ય હતો અને આવો પ્રેમ માત્ર પરમેશ્વરને જ થઈ શકે વું વિશુદ્ધ એનું રૂપ હતુ. એ પ્રેમની કલાને પામનાર માનવ આત્માઓ પણ પરમાત્માની હરીફાઈ કરી શકે તેવા વિરાટ ચૈતન્યના સ્વામીઓ હતા.

    સ્વાભાવિક રીતે જ, પ્રેમની આ કક્ષાને પામનારા મનુષ્યો જુદા જુદાં સ્યળે અને કાળે વસનારાં ને રહેનારાં હોય તો પણ તેમને ‘આધ્યાત્મિક ચેતનાના ઘટક’ તરીકે ઓળખાવી શકાય. અધ્યાત્મ, મનુષ્યની એક સ્થિતિનો નિર્દેશ કરતો શબ્દ છે. આ સ્થિતિમાં રહેતા માણસની ગતિવિધિ અન્ય માણસો કરતાં જુદી તરી આવે છે. તેની ઉપસ્થિતિમાત્રથી જ તેની ચેતના ફેલાઈ જતી હોય છે. તેની હાજરીમાં પ્રગટતી આભા તેનામાં પ્રવેશેલી સ્થિતિની ચાડી ખાય છે. આ ચાડી, આધ્યાત્મિક મનુષ્યને એ છૂપો રહેવા ધારે તોય છૂપો રાખી શકતી નથી. એને પ્રગટ થયે જ છૂટકો થાય છે. એને જે મળ્યું છે તેને લલકાર્યા વગરે એનાથી રહેવાતું નથી ને એના લલકારમાં રહેલો રણકો એને પ્રગટ કરી દે છે.

    મધ્યકાલીન ગુજરાતમાં અધ્યાત્મના રણકારને લલકારતા અનેક અવાજો આપણને સાંપડ્યા છે. તેમાં મીરાંનો રણકાર આગવો બનીને સુષુપ્ત અવસ્થામાં પડલા સૌને જગાડી દે એવો નક્કર ને લાલિમામંડિત ઉષઃકાળ જેવો મધુર છે. મીરાંમાં સળવળેલું આત્મતત્ત્વનું સ્ફુરણ માત્ર મીરાંનું ન રહેતા જગતસમગ્રમાં પથરાઈને જાણે કે સૌને હાથવગું બની જતું લાગે છે. મીરાંની સ્થૂળ ઓળખ મધ્યકાલીન ગુજરાતની ઉત્તમ સંત કઆચિત્રી; મેડતિયા રાઠોડ કુળની પુત્રી; સિસોદિયા કુળની પુત્રવધૂ; દુઃખી વિધવા હોવા છતાં પોતાને અખંડ સૌભાગ્યની સ્વામિની ગણતી સધવા; ગોકુળ-વૃન્દાવનમાં ફરતી ચિરપ્રવાસી ને દ્વારકામાં અનંતને ભેટતી સ્ત્રીની છે. એના જીવનમાં આવેલા તબક્કાઓની વચ્ચે એણે જીવેલા જીવનનો સમયગાળો આશરે ઈ.સ. ૧૪૯૭થી ૧૫૪૭ સુધીનો ગણાયો છે.

    મીરાંની સાચી ઓળખ તો પરમેશ્વરની પ્રિયતમા તરીકેની ગણી શકાય. જનમ્ ધરીને મીરાંએ જે કર્યું છે તે આ. મૃત્યુ સમયે પણ તેની પાસે જે મૂડી છે તે આ જ. મીરાં ચિર પ્રેમિકા છે. પ્રેમતત્ત્વે તેને રીતસરની ઘેરી લીધી છે. સમજ આવ્યા પછી તેને પ્રેમનો મહિમા સમજાયો છે એવું નથી. એ જાણે કે પ્રિયતમા બનીને જ કોઈની પુત્રી તરીકે, કોઈક દેશમાં જન્મી છે. આ વાતનો એકરાર કરતાં તે કહે છે :

    “આદ્ય વેરાગણ છું.’
    ‘બાલા તે પણમાં પ્રીત બંધાઈ. ‘

    જાણે કે થઈ રહ્યું ! જે ક્ષણથી મીરાં પ્રેમપાશમાં બંધાઈ તે જ ક્ષણથી સંઘર્ષ શરૂ થઈ ગયો. આ સંઘર્ષ તેણે સહેલાં દુઃખોનો નહોતો; તેના વૈધવ્યનો નહોતો; જનસમાજ તેની પીડાને સમજવા તૈયાર નહોતો તેનો પણ નહોતો. આ સંઘર્ષ હતો પ્રિયતમની વધુ ને વધુ નિકટ થવાની ઉતાવળનો. જેનું નામ હતું વિરહ. મીરાં વિષાદની નહિ પણ વિરહની મારી છે. અસીમ તત્ત્વને મીરાં ચાહી બેઠી છે. હવે ચિંતા છે તેને હાથવગું કરવાની :

    ‘નંદના કુંવર સાથે નેડલો બંધાણો, મારે છેડલો ઝાલીને ફરવું છે.’

    મીરાંનું આ પ્રારંભિક, ઊઘડતું વ્યક્તિત્વ છે. પ્રેમની ભાળ જેને લાગી એ ધન્ય તો થઈ જ ગયું. પણ પછી બીજી ચિંતા ઉત્પન્ન થાય છે પ્રિયતમની ભાળ લાગવા અંગેની. એકલા પ્રેમથી કંઈ ચાલતું નથી. પ્રેમતત્વને પામેલી મીરાં જીવનની વસમી યાત્રાએ -પ્રિયતમની શોધમાં નીકળી પડે છે. વિરહની મારી હોઈને તે શિથિલ બની ગઈ છે. પોતે અનુભવેલા શૈથિલ્યને એણે અનેક જગાએ, અનેક રીતે વ્યક્ત કર્યું છે :

    ‘તું તો ટળી રે સસરિયાના કામની રે.
    મુણે લેગ લાગી હરિના નામની રે.’

    મીરાંની સામે, તેના પ્રેમની સામે જેણે ફરિયાદ નોંધાવી છે તેવા લોકોને પણ વિવશ મીરાં જવાબ આપે છે:

    ‘મારૂં મનડું વિંધાનું રાણા, ચિતડું ચોરાણૂં, હું શું કરૂં?’

    મીરાં પ્રેમથી એટલી તો ભરાઈ ગઈ છે કે પોતે કરેલા પ્રેમને જાણે તે સહી શકતી નથી. આ પ્રેમે તેને વીંધી નાખી છે :

    ‘પ્રેમની, પ્રેમની, પ્રેમની રે, મુને લાગી કટારી રૅ.’

    ઈશ્વરે પ્રેમનું આક્રમણ કરીને મીરાંને ઘાયલ કરી છે, મૂંઝવી મારી છે.

    “કટારી લાગી આરપાર રે, મનડું તો ઘાયલ થયું.’

    આ વાત કહેવી પણ કોને ! પ્રેમ કર્યો તેની જ સામે જ્યાં ફરિયાદ હોય ત્યારે જવું પણ ક્યાં ? આથી મીરાં પોતા જેવા જ લોકોને યાદ કરીને આશ્વાસન મેળવે છે : “રામબાણ વાગ્યાં હોય તે જાણે!” કહીને યાદ કરતાં તેને પોતાના સહધર્મીઓનું સ્મરણ થાય છે :

    “ધ્રુવને માર્યા, પ્રહ્‍લાદને માર્યા તે ઠરી ના બેઠા ઠામ.’

    જેના જેના સામું મીરાંના પ્રિયતમે જોયું તે બધાની શાંતિ જ હરાઈ ગઈ. મીરાં તો રહી અબળા. તેનું ગજું શું ?

    ‘પિયુજી હમારો પારધી ભયો, મૈં તો ભઈ હરિણી શિકાર.’

    એક તો પોતે હરિણી-સી કોમળ, પાછો તેનો શિકાર થયો ને એ પણ હોશિયાર શિકારીનાં શસ્ત્રોથી. એ જ ક્ષણે મીરાંનું મીરાંપણું – સ્વત્વ ખોવાઈ ગયું. કાનુડે ભાળીને કીધાં ખાખ !’ કહેતી મીરાં ધીમે ધીમે પ્રેમમાંથી ભક્તિમાં જાણે સરકતી ગઈ છે.

    પ્રેમ થયાનો, સ્વત્વ ખોવાયાનો અનુભવ મીરાંને દોહ્યલો થઈ પડયો છે. ક્યારેક એને પોતે વેઠની ગાંસડી ઉપાડવાનો ભાવ પણ થઈ આવે છે. તેમ છતાં, મીરાં તેણે ઉપાડેલી ગાંસડીને છોડવા તૈયાર નથી. એને થાક લાગ્યો છે એણે કરેલા પ્રેમનો નહીં, પ્રિયતમની પ્રાપ્તિ માટે પસાર થયે જતા સમયનો. મીરાંને લગન છે ‘ઠેઠ’ પહોંચવાની. ‘ઠેઠ’ સુધી પહોંચતાં ભક્તિરૂપી જેઠ માસની લૂ સહન કરવા પણ તે તૈયાર છે. ‘રણછોડરાય શેઠ’ માટે કરીને એ ‘પચી-પચીને પીળું પાન’ થઈ ગઈ છે. જીર્ણ થયેલી મીરાંને રોગી ગણીને વૈદ્ય તેને જોવા આવે છે. તેને હસી કાઢીને મીરાં અંદરની પીડાને એક સ્વગતોક્તિમાં જ રજૂ કરી દે છે :

    “એ રે પીડા પરખે નહિ, મોહે કસક કાળજાની માંહ્ય.’

    પોતાને ચોંટેલા આ “ઘટ રોગ’ને મીરાં પરમ ભાગ્ય માનીને માથે ચઢાવે છે. તેને ત્યાગવાનો તો સવાલ જ ઊઠતો નથી. મીરાંએ ખેલવાનો સંઘર્ષ આ છે. જનસમાજને મતે મીરાં પોતાના દિયર સામે, પ્રજા સામે લડી છે. પણ હકીકતમાં મીરાંને એ પ્રકારનો સંઘર્ષ કરવાનો તો સમય જ નથી. પોતાના પ્રેમને સાચવવામાં  એને રસ છે. એમાં જે અંતરાયો થાય છે તેના સામે મીરાંએ આંખ ઊંચી કરી છે.

    આ ક્ષણોમાં મીરાંનું રાજવંશી ક્ષાત્રત્વ ઝળકે છેઃ

    ‘ગિરિધરલાલ વિના ઘડી ન ગોઠે,  હરિરસ ઘોળી ઘોળી પીધા જી.’

    ‘જીવડો જાય તો જવા દેઉં, હરિનઈ ભક્તિ નવ છોડું.’

    પોતાને મળેલી પ્રેમની, ભક્તિની ભેટથી મીરાં ન્યાલ બની ગઈ છે. મીરાંની મિરાત છે  એનો પ્રિયતમ શામળ. પ્રેમ સ્વયં એક કોમળ તત્ત્વ, પાછુ એ એક સ્ત્રીના હાથમાં આવી ચઢ્યું ને તેથી કોમળતમ બની રહયું. મીરાંએ કરેલા પ્રેમનું માધુર્ય સ્પર્શી ન શકાય તેવું મખમલી છે :

    ‘ફૂલનો પછોડો ઓઢું પ્રેમ ઘાટડી રે
    બાઈ, મારો શામળિયો ભરથાર.’

    ઘીમી ધારે પ્રેમ મીરાં પર વરસ્યો છે. એથી મુંઝાવાને બદલે ભીંજાઈ છે મીરાં :

    “ઝરમર ઝરમર મેહુલ વરસે, ભીંજે મારી સાળુડાની કોર રે.’

    એવો પ્રેમ જોઈને ભૂલેચૂકેય જો એને મીરાંનો બહારથી દુશ્મન ને અંદરથી મિત્ર જોઈને કોઈ ભૂલેચુકેય જો એને છોડવાની સલાહ મળે છે ત્યારે રાજરાણીનું ઓજસ  પ્રવર્તાવતી મીરાં આંખ ફેરવીને ઉત્તર વાળે છે :

    ‘રાજસી ભોજન જગવા નથી રાણા, અમે પ્રેમના ટુકડા માગી ખાશું.’

    મીરાં પોતે કરેલી પસંદગી પ્રત્યે અડોલ રહી છે. એની ભક્તિ ભક્તિનું રક્ષણ કરવાનો એનો નિશ્ચય પ્રતાપી છે. મીરાં પોતાના પ્રેમને ટકાવી શકી છે એનું કારણ પ્રેમને પ્રતિસાદ આપ્યો છે. મીરાંને કશુંક અનુભવાયું છે. આ અનામ તત્ત્વથી રસાયેલી મીરાંની વાણીમાં સંતૃપ્તિનો ઓડકાર છે. મીરાંની સભરતા વારંવાર મુખરિત થઈ ઊઠી છે. કૃષ્ણ મીરાંની પાછળ પડી ગયા છે. મીરાં વિના તેમને ચાલતું નથી. કૃષ્ણની આ જ તો રીત છે. પ્રથમ પોતાનાંને ઘાયલ કરવાં ને પછી જાતે ઘાયલ થવું. મીરાં જાણે છે તેમ, ધ્રુવ ને પ્રહૂલાદને પોતાની જેમ જ ઈશ્વરે રંજાડયા છે ને પછી પરિતૃપ્ત કર્યા છે. આ કંઈ મીરાંનો એકલીનો અનુભવ નથી, પ્રેમીમાત્રનો છે એવું મીરાંનું કહેવું છે : “પ્રીત કરે તેની પૂંઠ ન મેલે.’ આ વાતનો આનંદ મીરાં સમાવી શકતી નથી, પ્રભુ પોતાને વળગ્યા છે ને પોતે પશ અળગી થવા માગતી નથી. પરમેશ્વરનો પ્રેમ કેટલીકવાર તો સહન નથી થતો એટલો પ્રચુર માત્રામાં એ મીરાં પર ફરી વળે છે !

    મીરાં પોતે કરેલી પસંદગી પ્રત્યે અડોલ રહી છે. એની ભક્તિ વિનમ્ર છે અને ભક્તિનું રક્ષણ કરવાનો એનો નિશ્ચય પ્રતાપી છે.

    મીરાં પોતાના પ્રેમને ટકાવી શકી છે એનું કારણ ઈશ્વરે એના પ્રેમને પ્રતિસાદ આપ્યો છે. મીરાંને કશુંક અનુભવાયું છે. આ અનામ તત્ત્વથી રસાયેલી મીરાંની વાણીમાં સંતૃપ્તિનો ઓડકાર છે. મીરાંની સભરતા વારંવાર મુખરિત થઈ ઊઠી છે. કૃષ્ણ મીરાંની પાછળ પડી ગયા છે. મીરાં વિના તેમને ચાલતું નથી. કૃષ્ણની આ જ તો રીત છે. પ્રથમ પોતાનાંને ઘાયલ કરવાં ને પછી જાતે ઘાયલ થવું. મીરાં જાણે છે તેમ, ધ્રુવ ને પ્રહૂલાદને પોતાની જેમ જ ઈશ્વરે રંજાડયા છે ને પછી પરિતૃપ્ત કર્યા છે. આ કંઈ મીરાંનો એકલીનો અનુભવ નથી, પ્રેમીમાત્રનો છે એવું મીરાંનું કહેવું છે : “પ્રીત કરે તેની પૂંઠ ન મેલે.’ આ વાતનો આનંદ મીરાં સમાવી શકતી નથી, પ્રભુ પોતાને વળગ્યા છે ને પોતે પણ અળગી થવા માગતી નથી. પરમેશ્વરનો પ્રેમ કેટલીકવાર તો સહન નથી થતો એટલો પ્રચુર માત્રામાં એ મીરાં પર ફરી વળે છે !

    પરમેશ્વર કરેલા પ્રેમના બદલામાં, પરમેશ્વરે પાથરેલી ઝોળીમાં મીરાં આપોપું નાખીને પ્રિયતમની ઝોળી છલોછલ ભરી દે છે. ફૂલની પછેડી ઓઢીને ભરથારને ભજતી મીરાં પરમેશ્વરનો પ્રેમ જોઈને ઓછી ઓછી થઈ ગઈ છે. સ્વામી પાસે તેની કોઈ જ માંગ નથી, છતાંયે જો પ્રીતમ કશું દેવા જ માગતા હોય તો મીરાં માગે છં પોતાને ચાકર રાખવાનું. ચાકરીના બદલામાં પ્રીતમનું સ્મરણ ને દર્શન. બાકી તાં શું માગવાનું હોય જ્યાં માગ્યા પહેલાં જ પ્રીતમે પ્રેમ કરી નાખ્યો હોય ! અવારનવાર ક્ષત્રાણીનું રૂપ પ્રગટાવતી મીરાં પ્રીતમ પાસે વિનયનમ્ર બનીને યાચે છં :

    ‘માણીગર સ્વામી મારે મંદિર પધારો, સેવા કરું દિન રાતડી.’

    વિષાદ ને વિરહમાં પરિપક્વ થયેલો મીરાંનો પ્રેમ પ્રેમિકા મીરાંના અભિનિવેશને ક્રમશ: ઉપશમ ભણી લઈ જાય છે. ધીમે ધીમે તેનો પ્રેમ, તેને આત્મરતિ ભણી વાળે ચે ને પ્રેમી મીરાંનું જ્ઞાની મીરાંમાં જાણે રૂપાંતર થાય છે. મીરાંને થયેલા આત્મસાક્ષાત્કારનું આ સૂચન છે. તેને જે ઈશ્વરની પ્રાપ્તિ થઈ છે તે કોઈ સાકાર રૂપની નહીં પણ ચૈતન્યમય વિરાટ તત્ત્વની, જેનું મીરાં એક મહત્વનું અંગ છે તેવા તત્ત્વની. આ તત્ત્વને પામતી મીરાંનું રૂપ જ બદલાઈ જાય છે. આરતભરી રતિથી પ્રિયતમને પુકારતી મીરાંનો જાણે પુનર્જન્મ થાય છે. ભક્તિનું અતિક્રમણ કરતી મીરાંને જે દર્શન સાંપડ્યું છે તે તેના પહેલાંના કલ્પનાલોકનું નથી પણ આંતરજગતના ઊંડાણમાંથી આવેલું છે, મીરાંએ જોયેલા જ્ઞાનલોકનું છે.

    ‘આ તનકો દીવડો કુરું રે, મનસા કરું બાતી રે,
    તેલ જલાવું પ્રેમનું રે, નિશદિન પ્રેમમાં રાતી રે.
    અજ્ઞાનની કોટડીમાં ઊંઘ ઘણી આવે, પ્રેમ પ્રકાશમાં હું જાગી રે.

    આત્મપ્રકાશમાં જગત સમગ્રને જોઈ શકતી મીરાંનું ક્ષાત્રત્વ, એનું ઓજસ પણ ધીમે ધીમે શમી જાય છે. બચે છે માત્ર એનું સંતત્વ. આથી જ આજુબાજુના ડહોળાયેલા વાતાવરણની વચ્ચે પણ જે લોકો ઉપર ઊઠવા મથે છે તેના ભણી હાથ લંબાવીને મીરાંએ મૈત્રીભાવે પોતાની સાથે રહેવા તેમને નિમંત્ર્યા છે :

    ‘હો  ભાગ્યથાળી ! આવો તો રામરસ પીજીએ.
    હંસલાની સાથે વીરા સંગતું કરીએ, ભેળા બેસીને મોતી ચણીએ.’

    સંસારની વિચિત્ર ગતિવિધિને બરોબર ઓળખતી-પારખતી મીરાં સૌને એનાથી ચેતવે છે ને વીનવે છે :

    ઊંડા નીર જોઈને માંડી નહી ઘસીએ, સંતો, કાંઠડે બેઠા બેઠા નાહીએ,
    માયાનું રૂપ જોઈને ન ડગીએ, જીતી બાજી તો ન ઠારીએ.”

    મીરાં પોતે તો આ કરી શકી છે. મીરાં પાસે ચાવી છે ધીરજ ને ધ્યાનની. પોતાને ઉદ્દેશીને તેણે જે કહ્યું છે તે ખરેખર કહેવાયું છે તો આમ સમાજને, મીરાંને તો તેની જરૂર નથી પણ છતાંયે તેણે પોતાની જાતને સંબોધીને, સ્વગતોક્તિમાં પ્રગટોક્તિ રજૂ કરી દીધી છે :

    “મારી વાડીમાં વહાલા, પવન પાંદડીઓ : ધીરજ ધરજે મન, તું દોડીશ મા,.
    મારી વાડીમાં આંબો રે મ્હોર્યો, ફળ પાકાં લેજે, કાચાં તોડીશ મા.’

    પોતે જોયેલો ખજાનો સૌ સમક્ષ ખૂલ્લો મૂકીને મીરાંએ તેને વહેંચવા યત્ન કર્યો છે :

    તમે જણી લો સમુદ્ર સરીખા મારા વીરા રે, અ દિલ તો ખ્લીને દીવો કરો રે’
    દીવો કરતાંવેત જે દેખાયું છે તે શું છે?
    ‘આ રે કાયામાં છે વાડીઓ હોજી, માંહી મોર કરે ઝીંગારા,
    આ રે કાયામાં છે સરોવર હો જી, માંહે હંસ તો કરે કિલ્લોલા,
    આ રે કાયામાં છે હાટડાં, તમે વણજ વેપાર કરોને અપરંપરા રે.’

    જીવનભર બળી-ઝળીને ખાખ થઈ ગયેલી મીરાં પોતાને મળેલા દર્શનને પામીને ખીલી ઊઠી છે. “સુખ છે તમારા શરણમાં, ગુરુજીએ કહ્યું કરણમાં’ ગાતી મીરાંને મળેલો આ મહામંત્ર તેણે પચાવીને દીપાવ્યો છે. આ મંત્રે તેને પ્રથમ રતિ આપી ને તેમાંથી જ જન્મી તેની વિરતિ. ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્યનાં ત્રિતત્ત્વને મીરાંએ પોતાની જીવનયાત્રામાં પ્રમાણ્યું.

    પાછલી અવસ્થામાં તો મીરાંની ભાષામાં નાથપરંપરાની છાયાનો પ્રભાવ પણ દેખાય છે. વારંવાર ‘જોગી’ને સ્મરતી મીરાંનો જોગી કાં તો તેના ગુરુ (રેદાસ) હોઈ શકે, કૃષ્ણ પણ હોઈ શકે ને અન્ય કોઈ મહાપુરુષ પણ હોઈ શકે. મૂળેથી જ જોગણ એવી મીરાંનો જોગી કોણ છે એની ઓળખાણ મીરાં પોતે જ આપે છે :

    ‘માઈ, મને રમઈયો દે ગયો ભેખ.’

    ભેખ દઈને એ નાસી ગયો છે. આથી તેને આવવાનું કહેતી મીરાં જોગીની પ્રીતને દુખનું મૂળ કહે છે; આ જોગી ઝડપથી પોતાને દેશ આવે એમ ઇચ્છે છે. જોગીને ઇચ્છતી આ જોગણી છેલ્લે પોતે જ જોગી બની જાય છે. જોગી, જોગ ને જોગણી ત્રણે વિલુપ્ત બને છે :

    ‘ઊઠ તો ચલે અવધૂત, મઢીમાં કોઈ ન બીરાજે;
    પંથી હતા તે પંથ લાધ્યો, આસન પડી રહી વિભૂત’

    પરમેશ્વરનું આરાધન કર્યા પછી સૌ સાધનો મીરાં માટે મિથ્યા બની ગયાં છે. જ્ઞાનાજ્ઞિને પ્રગટાવતી મીરાં ઉપરછલ્લાં વળગણોને પયગંબરી વાણીમાં હસી કાઢે છે :

    ‘એકાદશી વ્રત કોણ કરે, હું તો ણેટાણાં ખાઉં;
    મીરાં કહે ગિરિધર નાગર, હરિરસ પીઉં ને પાઉં.’

    *

    ‘જપ-તપ-તીરથ કાંઈયે ન જાણું, ફરત મૈં ઉદાસી’

    *

    ‘જોગ કરો ને ભલે જગન કરાવો, હરિ નથી હોમ-હવનમાં
    મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરિ વસે છે હરિના જનમાં.’

    મીરાંને સંપ્રદાયમાં, વાદ-વિવાદમાં રસ નથી. આથી જ તેણે કોઈ પ્રકારની માયા રચી નથી. આ વાતનું તેને ગૌરવ છે. તે કહે છે તેમ, તેણે પુત્રને જન્મ આપ્યો નથી ને શિષ્યને દીક્ષા નથી આપી. મીરાંની યાત્રા એની પોતાની છે. એમાં કોઈને સ્થાન નથી. જગત પ્રત્યે મીરાં ઉદાસ છે. એનું કારણ એને કોઈ પ્રકારની ઉપેક્ષા છે એવું નથી પણ સંસારમાં રહેલી અપરિપકવતાને એણે માપી લીધી છે. નરસિંહ જેમ મીરાં પણ આથી જ, સંસારને ખરાબ નહીં પણ ‘કાચો’ કઢે છે. સંસારનું સુખ કાચું હોઈને મીરાંએ એનાથી ‘ન્યારા’ રહેવાનું પસંદ કર્યું છે. સંસારનું જળ, મૃગજળ છે, છલના છે. છલનાથી આકર્ષાવાનું મીરાંને પસંદ નથી. જે આકર્ષાયાં છે તેના પ્રત્યે કંઈક ઉપેક્ષાથી મીરાંએ જોયું છે. જરૂર લાગી છે ત્યારે તીવ્રતાથી મીરાંએ પોતાની આ ઉપેક્ષા પ્રગટ કરી છે :

    કુબુદ્ધિડા નવ જાણે હરિનીજી ભક્તિમાં વહાલા,
    સમજ્યા વિના નોખું નોખું તાણે.
    તમારો રંગ ઓધા છે પતંગનો, અમારો રંગ છે કરારી.’

    સંત હોવાને નાતે મીરાંએ પોતાનું રહસ્યદર્શન વહેંચ્યું છે પણ એને સૌએ ઝીલ્યું કે કેમ તેની મીરાંને પડી નથી. આથી જ તો એણે શિષ્યપરંપરા ઊભી જ કરી નથી. એનામાં રહેલી આ ખુમારી એના અધ્યાત્મવિચારની ભેટ છે. “લાગી મોહિં રામ-ખુમારી’ કહેતી મીરાંનું તેજ પછીથી કોઈ ક્ષત્રાણીનું રહેતું નથી પણ ભક્તાણીનું બને છે. અધ્યાત્મને પામનારા મનુષ્યને માટે સંસારનાં સુખો, ગુરુત્વ, સમાજ વગેરે સાથેનું જોડાણ કપાઈ જાય છે. પોતે પામેલા દર્શન વિશેનો દાવો કરવાની તો પછી વાત જ ક્યાં રહે ? એ તો સ્વમાં જ લીન બને છે. પોતે કરેલું આ પ્રકારનું જીવનકાર્ય વ્યક્ત કરીને મીરાં ભક્ત તરીકેનું, જ્ઞાની તરીકેનું ને વૈરાગી તરીકેનું ત્રિવિધ વ્યક્તિત્વ એક જ પંક્તિમાં વ્યક્ત કરીને આત્મપ્રતીતિનું ગૌરવ સવિવેક જાળવીને જાણે જાતને સમેટે છે :

    ‘ ખૂણે બેસી ને ઝીણું રે નથી રાખ્યું કાંઈ કાચું.’

    મીરાંને બે બાબતમાં રસ છે : અપ્રગટ રહેવામાં ને નક્કરની પ્રાપ્તિમાં. આથી તેણે ખૂણે બેસવું પસંદ કર્યું છે. કોઈ જુએ નહીં તેમ રહેવું ને સર્વ કાંઈ કાચી વસ્તુને પારખીને તેના ભણી ન ઘસવું એ મહામંત્ર મીરાં પામી છે. તેની આધ્યાત્મિક ખુમારીનો આ એક વધુ પુરાવો સાંપડે છે.

    મીરાંના નામ વિશે મંતવ્ય આપતાં શ્રી નિરંજન ભગત નોંધે છે : “મીરાં” શબ્દ વિશે બે અનુમાનો છે.  ‘મૌરાં’ શબ્દ  ફારસીથી આવ્યો છે. એના અર્થો છે પરમેશ્વર, અગ્રણી અને અમીર. સંસ્કૃતમાં મીરાં ‘મીર +આ; રૂપે આવ્યો છે. સંસ્કૃતમાં ‘મીર’ નો અર્થ છે સમૃદ્ધ.  ‘મીરાં’શબ્દ સંસ્કૃતના ‘મિહિર’નું પરિવર્તનરૂપ હોય તો ‘મિહિર’નો અર્થ ચે સૂર્ય.  ‘મોરાં’ના તમામ અર્થો મેડતાની આ રાજકુમારીએ, પરમેશ્વરની આ અભૂતપૂર્વ એવી, રાજકુમારીએ સિદ્ધ કર્યા છે.

    આરંભે શૃંગારમંડિત જણાતો મીરાંનો પ્રેમ આરંભથી અંત સુધી દિવ્ય છે. એના પદોમાં દિવ્યતાની સુગંધ ઠેર ઠેર છવાયેલી જોવા મળે છે. એ દિવ્યતામાં પ્રતિતી  અને અનુભૂતિ ભળતાં એનં પદો શાશ્વતી પામે છે.

    ‘એ હંમેશાં સુંદર લાગે છે. એ હૃદયદ્વારક છે કારણકે એ સાચાં છે. મીરાએ એનાથી ગાયા વિના રહેવાયું નથી એથી ગાયું છે. એનાં પદ સીધાં હૃદયમાંથી ફૂટે છે, ફૂવારાની જેમ. અન્ય કેટલાંકનાં પદની જેમ એમનાં પદ કીર્તિ માટે કે લોકપ્રિયતા માટે રચાયાં નથી, એમાં એની હંમેશની અપીલનું રહસ્ય છે,’

    મીરાંની અધ્યાત્મયાત્રા એની આત્મરતિને લઈને, એના દિવ્ય પ્રેમને લઈને,  એના શાશ્વત સંદેશને લઈને સૌને કૃતાર્થ બનાવતી રહી છે. આ કારણે મીરાંનું સ્થાન માનવગુરુનું બન્યું છે. માત્ર પરમેશ્વરની પિયા હોવાને નાતે જ નહીં પણ જીવનનો અર્થ પામ્યાંને કારણે મીરાં મરમી માનવગુરુ સિદ્ધ થઈ છે.


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સ્વચ્છતા માટે તાલીમ જરૂરી

    નલિની નાવરેક

    ગાંધીજીએ પોતાના રચનાત્મક કાર્યક્રમોમાં સ્વચ્છતાને અગ્રતાક્રમ આપ્યો હતો. તેઓ સ્વચ્છતાને અનન્ય મહત્ત્વ આપતા. નદી-તળાવોથી માંડીને મળ-મૂત્રની વ્યવસ્થા તેમજ ગામડાં અને આખા દેશની સ્વચ્છતા અંગે બાપુ વારંવાર રજૂઆતો કરતા. તેમ છતાં માત્ર સ્વચ્છતાની બાબત જોઈએ તો પણ ‘બાપુના સપનાનું ભારત’ આજે પણ જોવા મળતું નથી.

    દેશની અસ્વચ્છતાની પરિસ્થિતિ જોઈને વિનોબાજી પણ ખૂબ વ્યથિત હતા. ખૂબ જ તીવ્રતાથી તેમણે સફાઈ અંગે કહ્યું છે, “અસ્વચ્છતા ભારતનો એક બહુ મોટો રોગ જ છે. અને તેનું ભાન પણ આપણને નથી. સફાઈનું કામ પણ શિક્ષણનો એક વિષય છે. સ્વચ્છ ભારત કરવા માટે બહુ મોટી તપસ્યા કરવી પડશે. સમસ્ત જનતાને બધી રીતે શિક્ષિત કરવી પડશે. લોકોની ગંદી ટેવો છોડાવવી પડશે. માત્ર શાબ્દિક પ્રચારથી કશું વળવાનું નથી. અસ્વચ્છતાની ટેવો કાઢવા માટે બાળપણથી કેળવણીમાં સુધારા કરવા પડશે.”

    “સફાઈ એક યજ્ઞ છે. આપણે કોઈ એવા સમયની કલ્પના નહીં કરી શકીએ, જ્યારે માણસ સફાઈયજ્ઞ કરવાનું બંધ કરી દેશે. આ એક નિત્ય યજ્ઞ છે. આ કામ સર્વોદયનું એક અનિવાર્ય અંગ છે.”

    ગાંધીજીએ કહ્યું હતું, “નઈ તાલીમ સફાઈથી શરૂ થાય છે.”

    શાસ્ત્ર અને પ્રશિક્ષણ

    સફાઈનું એક મોટું શાસ્ત્ર છે. તેથી તે અભ્યાસનો, સમજી લેવાનો વિષય છે. આવા વિષયની પ્રત્યક્ષ તાલીમ મહત્ત્વની અને જરૂરી હોય છે. બૌદ્ધિકની સાથે પ્રાત્યક્ષિક (પ્રેક્ટીકલ) જરૂરી તેમજ ઉપયોગી છે. કાર્યકર્તાઓ જો સફાઈનું પ્રશિક્ષણ લેશે તો પોતાના ગામના લોકોને, યુવકોને, મહિલાઓને તેમનાં બાળકોને પણ નઈ તાલીમ આપી શકશે. અને તેઓ જે ગામમાં રહેતા-કામ કરતા હશે તેને તેમજ આખા દેશને ખરા અર્થમાં સાફ-સુથરો રાખવામાં પોતાની ભૂમિકા અદા કરી શકશે.

    પ્રશિક્ષણ સમગ્ર સ્વચ્છતાનું હોઈ શકે અથવા સફાઈના જુદાજુદા ભાગોનું પણ હોઈ શકે.

    ઉદાહરણ તરીકે,

    •       મળનું વ્યવસ્થાપન – શૌચાલયોના પ્રકાર તથા તાંત્રિક માર્ગદર્શન તેમજ સોનખતનું નિર્માણ.
    •       પેશાબનું વ્યવસ્થાપન – હીરાખત બનાવવાની પ્રક્રિયા તથા તેનું તંત્ર સમજવું.
    •       કચરાની વ્યવસ્થા – કંપોસ્ટ ખાતર, વર્મી કલ્ચર (અળસિયાંનું ખાતર) વગેરે.
    •       કાગળ વગેરેનું પુનર્ચક્રીકરણ – કાગળની લુગદીથી વસ્તુઓ બનાવવી તેમજ અન્ય પદ્ધતિઓ અને પ્રકારો.
    •       સ્વચ્છ, શુદ્ધ પાણી તથા ગંદા પાણીનું વ્યવસ્થાપન.
    •       સજીવ ખેતી
    •       સ્વચ્છતાની સારી ટેવો.

    આવા પ્રશિક્ષણથી કાર્યકરો પોતાના ઘર તેમજ ગામની સફાઈ, બાળકોના સંસ્કાર વગેરે માટે કામ કરી શકશે. સાથેસાથે આ અભ્યાસ અંગે વિચારતાં પ્રયત્નપૂર્વક તેમજ આયોજન સાથે તેનો ઉપયોગ કરશે તો આમાંથી તેને આર્થિક ઉત્પાદનનું સાધન પણ મળી આવશે.

    સાતત્યપૂર્વક પ્રયત્ન કરવાથી આખું ગામ સ્વચ્છ બનશે તો સૌનું આરોગ્ય પણ સારું રહેશે. – પાણીજન્ય અનેક રોગોને નિવારી શકાશે. આ કામ ટકાવી રાખવા માટે બાળકો સાથે સતત પ્રવૃત્તિઓ ચલાવવી જરૂરી છે. સાથેસાથે વૈચારિક સ્વચ્છતા અને માનસિક સ્વચ્છતા  માટે કામ કરવું પણ જરૂરી છે. ચિત્તશુદ્ધિ, આંતરિક શુદ્ધિ વિના બાહ્ય સ્વચ્છતાનો કોઈ અર્થ નથી. પરંતુ એ પણ સાચું છે કે બાહ્ય સ્વચ્છતા વિના આંતરિક શુદ્ધિ સંભવ નથી.

    ગાંધીજી કહે છે, ‘જે અંદરથી પૂર્ણરૂપે સાફ છે તે બહારની અસ્વચ્છતા સહન જ નહીં કરી શકે.’

    શુચિતાનો અર્થ જ છે, આંતર્બાહ્ય સ્વચ્છતા, નિર્મળતા ! આંતરિક શુદ્ધિમાં અર્થશુચિતા, આહારશુદ્ધિ, સાધન-શુદ્ધિ, વાણી શુદ્ધિ અને ચિત્ત-શુદ્ધિ સમાયેલી છે.

    ચિત્તશુદ્ધિની નિસરણી :

    शुचित्वात् आत्मादर्शन योग्यत्वम् – મુનિ પતંજલીના સ્વચ્છતા સંદર્ભે લખવામાં આવેલ સૂત્રનો આ સાર છે. વિનોબાજીએ આ સૂત્ર પર સાત દિવસ વ્યાખ્યાન આપ્યાં હતાં. આ વ્યાખ્યાનો ‘शुचिता से आत्मादर्शन’ નામથી પ્રસિદ્ધ છે. આત્મદર્શન તો આગળની વાત છે, આપણે જઈ રહ્યા છીએ શુચિતા તરફ ! આમાં મુખ્ય વાત છે આંતરિક શુદ્ધિની. આ પણ કંઈ સહેલી વાત તો નથી જ. પરંતુ વ્યવહાર અને અંતરનો વિકાસ – બંને માટે જરૂરી છે તેમજ પ્રયત્ન કરવાથી તે સધાઈ શકે તેવી છે. ચિત્તશુદ્ધિ આપણને આત્મદર્શનની નજીક લઈ જશે.

    ચિત્તશુદ્ધિ માટે ધ્યાન, પ્રાણાયામ, પ્રાર્થના, નામસ્મરણ, સત્સંગતિ, સદ્ગ્રંથપઠન અને શરીરશ્રમનું વ્રત – આ મહત્ત્વનાં સાધનો છે. ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરવામાં તે આપણને મદદરૂપ થઈ પડશે.


    નલિની નાવરેકર, મો.: ૭૫૮૮૩૧૬૧૩૭


    ભૂમિપુત્ર : ૧ ડિસેમ્બર, ૨૦૨૪
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે

    નિસબત

    ચંદુ મહેરિયા

    દેશના બે મહાનગરો, આઈટી હબ બેંગલુરુ અને આર્થિક રાજધાની મુંબઈમાં, આશરે પાંચ વરસથી મહાનગરપાલિકાની ચૂંટણી થઈ નથી. બેંગલુરુમાં ૨૦૨૧થી અને મુંબઈમાં ૨૦૨૨થી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને બદલે રાજ્ય સરકારો નીમ્યા અફસરોથી શાસન ચાલે છે. વધતા શહેરીકરણને કારણે હાલમાં દેશની ૪૦ ટકા વસ્તી શહેરોમાં વસે છે. ૨૦૫૦ સુધીમાં અડધોઅડધ વસ્તી શહેરોમાં વસતી હશે એવું અનુમાન છે ત્યારે નગરો-મહાનગરોમાં ચૂંટાયેલી મ્યુનિસિપાલિટીઓને બદલે અધિકારી રાજ હોય તે લોકતંત્ર માટે ઘાતક છે..

    સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીઓ પાછી ઠેલનાર રાજ્યો માત્ર મહારાષ્ટ્ર અને કર્ણાટક જ નથી. ઉત્તરપ્રદેશ, ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, કેરળ, ઝારખંડ અને  ઓડિશામાં પણ ચૂંટણીઓ યોજાઈ નથી. બિનસરકારી સંસ્થા ‘    જનાગ્રહ’ ના અભ્યાસમાં ૧૭ રાજ્યોનાં ૬૧ ટકા શહેરોમાં ચૂંટણીઓ તેના નિર્ધારિત સમયે યોજાઈ નથી. માત્ર નગરો-મહાનગરોમાં જ નહીં ત્રિસ્તરીય પંચાયતી રાજની ગ્રામ, પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ થઈ નથી. સત્તર રાજ્યોમાં સરેરાશ બાવીસ મહિનાનો વિલંબ જણાયો છે.

    બંધારણના તોંતેરમા અને ચુમ્મોતેરમા સુધારાથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નિયમિત ચૂંટણીઓ કરવા જણાવવામાં આવ્યું છે. જો મુદત પૂરી થઈ ગઈ હોય અને ચૂંટણીઓ થઈ શકે તેમ ન હોય તો વધુમાં વધુ છ માસ પછી ચૂંટણીઓ કરવી જોઈએ. પરંતુ  હાલમાં તે જોગવાઈઓની ઉપરવટ જઈને રાજ્ય સરકારો લોકોને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓથી વંચિત રાખે છે.

    હાલ ચૂંટણીઓમાં થઈ રહેલા વિલંબનું કારણ અન્ય પછાતવર્ગોને અનામત,, પરિસીમન અને તેના કારણે થયેલા અદાલતી કેસો છે. પરંતુ ખરેખર તો રાજકીય વિલંબને કોર્ટ કેસ કે વહીવટી કારણોના વાઘા પહેરાવવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ ચૂંટણીઓમાં વિલંબને બંધારણીય જોગવાઈઓનો ભંગ ગણાવીને પડતર અદાલતી કેસના બહાને ચૂંટણીઓ ન રોકવા જણાવ્યું છે.

    લોકતંત્રના પાયામાં રહેલી ગ્રામ પંચાયતથી જિલ્લા પંચાયતની ચૂંટણીઓ કે નગરો-મહાનગરોની પાલિકાઓની ચૂંટણીઓ સમયસર ન થાય તે લોકશાહીને હાણ પહોંચાડે છે. આમ નાગરિકના જીવનમાં સ્થાનિક સ્વરાજથી બદલાવ આવે છે. લોકોની રોજબરોજની જરૂરિયાતો  જેમ કે પાણી, વીજળી, કચરો, નિશાળ, દવાખાનું , રસ્તા જેવા મુદ્દે પંચાયત કે પાલિકા કામ કરે છે. હવે જો ત્યાં ચૂંટાયેલું તંત્ર જ ન હોય તો તે ફરિયાદ કોને કરે? અને જો તેની ફરિયાદ ન સંભળે તો તે પોતાના વોટથી જેને બદલી શકે તેવી વ્યવસ્થા જ સાવ ગેરહાજર હોય તો લોકો જાય ક્યાં?  એક રીતે આ વિલંબ જાણે કે બંધારણીય શૂન્યતાની સ્થિતિ સર્જે છે.

    મહારાષ્ટ્ર સરકારે ૨૦૨૧માં અન્ય પછાતવર્ગો(ઓબીસી) માટે પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ૨૭ ટકા અનામત બેઠકોનો કાયદો કર્યો હતો. આ કાયદાને હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા  સર્વોચ્ચ અદાલતે  ચૂંટણીઓ પર મનાઈ હુકમ આપ્યો હતો. પરંતુ મે-૨૦૨૫માં અદાલતે પૂર્વેની અનામત નીતિ પ્રમાણે(અર્થાત ઓબીસી અનામત વિના) ચાર મહિનામાં ચૂંટણીઓ યોજવા આદેશ કર્યો હતો. પરંતુ રાજ્ય ચૂંટણી પંચે અપર્યાપ્ત ઈવીએમ અને મતદાન કેન્દ્રોના બહાને ચૂંટણીઓ યોજી નહીં. હવે અદાલતે જાન્યુઆરી-૨૦૨૬ સુધીની નવી મુદત આપી છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં અનિશ્ચિત સમયનો ચૂંટણી વિલંબ સરકાર ચૂંટણીઓ ઈચ્છતી જ નથી તે સ્પષ્ટ કરે છે.

    તમિલનાડુએ ગામ, તાલુકા, જિલ્લાઓનું પુનર્ગઠન અને નવેસરથી વોર્ડ રચના કે પરિસીમનનું કારણ બતાવી ચૂંટણીઓ યોજી નથી. સુપ્રીમ કોર્ટ તમિલનાડુ અને બીજી રાજ્ય સરકારોને સ્પષ્ટ કહ્યું છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની મુદત પૂરી થવાની હોય તે પૂર્વે જ પરિસીમનની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. વળી પરિસીમન કે મતવિસ્તારોનું પુનર્ગઠન સતત ચાલતી પ્રક્રિયા છે એટલે તેના બહાને ચૂંટણીઓ ટાળી શકાય નહીં. આ પ્રકારનાં કારણોને અદાલતે ચૂંટણી ટાળવાની રણનીતિ ગણાવ્યાં છે અને કોઈ પણ સંજોગોમાં નાગરિકોને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ કામો કરવાની કે મતદાનનો અધિકાર છીનવી લેવાની સત્તા રાજ્યોને ન હોવાનું  કહ્યું છે. પરિસીમન તો સતત ચાલતી પ્રક્રિયા છે એટલે તે કારણે ચૂંટણીઓ યોજવામાં વિલંબ ન થવો જોઈએ.

    સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સ્વાયત્ત છે પરંતુ તેની પાસે નાણાકીય આવકના સ્ત્રોત મર્યાદિત હોવાથી તે રાજ્ય અને કેન્દ્રની આર્થિક સહાય પર નભે છે. રાજ્ય અને કેન્દ્રની સરકારો પાલિકા-પંચાયતની સત્તાઓ ઘટાડે છે, નવી જવાબદારીઓ આપતી નથી અને હવે તો લાંબા ગાળાથી ચૂંટણીઓ  કરતી નથી. પાલિકાઓ પાસે અગાઉ જે આવકનાં સાધનો હતાં તે છીનવી લેવાયાં છે. એક અનુમાન અનુસાર પાલિકાઓ પોતાના ખર્ચના ૩૦ ટકા જ જાતે ઉભા કરી શકે છે. બાકીના ૭૦ ટકા માટે તેણે રાજ્ય સરકારની દયા પર રહેવું પડે છે એટલે તેની  સ્વાયત્તતા રહેતી નથી. તેને બદલે તે રાજ્યના તાબા હેઠળનું વહીવટી તંત્ર બની ગયું છે. નીતિ નિર્ધારણમાં પણ તેનો અવાજ સંભળાતો નથી. લોકતાંત્રિક વિકેન્દ્રીકરણની વ્યવસ્થા ઝડપથી કેન્દ્રીકરણ તરફ જઈ રહી છે.

    પાલિકા-પંચાયતોમાં ચૂંટણીઓને બદલે રાજ્યસરકારના અધિકારીઓ તંત્ર ચલાવે તેનાથી સ્વશાસનની અવધારણા નબળી પડે છે. આમેય તે નાણા માટે સરકારોની દયા પર જીવે છે.  હવે તો તેના અસ્તિત્વ સામે જ સવાલો ઉભા થયા છે. ભારતના મહાનગરો-નગરોમાં આગામી વીસ વરસોમાં બુનિયાદી માળખા માટે ૫૫ અબજ ડોલરની જરૂર છે.  હાલ તે માત્ર ૧૮ અબજ ડોલર જ મેળવી શકે એટલે બીજી ત્રણ ગણી આવક ઉભી કરવા પણ ચૂંટાયેલા તંત્રની જરૂર છે.

    હાલની પરિસ્થિતિના વિવિધ ઉકેલ હોઈ શકે છે. અદાલતી કેસોના બહાને કોઈ રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી રોકે નહીં તેવો કાયદો ઘડવો જોઈએ કે વર્તમાન કાયદામાં સુધારો કરવો જોઈએ. પરિસીમન અને ચૂંટણી માટેના પર્યાપ્ત ઈવીએમ જેવી બાબતોની તપાસ અને કાર્યવાહી પંચાયત-પાલિકાની મુદત પૂરી થવાની હોય તેના છ મહિના પહેલાં  કરી લેવી જોઈએ. રાજ્યોને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ બાબતે અસીમિત સત્તાઓ છે તેવા કાયદા અંગે પુનર્વિચાર કરવો જોઈએ અને વર્તમાન સ્થિતિને અનુરૂપ સુધારા કરવા જોઈ.એ લોકસભાથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે એકસમાન મતદાર યાદી હોવી જોઈએ. એટલે મતદાર યાદી તૈયાર કરવાના કારણોસર ચૂંટણી ટાળવી ન જોઈએ. રાજ્ય ચૂંટણી પંચની સ્વાયત્તામાં વધારો પણ ચૂંટણી વિલંબ ટાળી શકે છે. શહેરી વિકાસ રાજ્યનો વિષય છે. જો રાજ્ય અને પાલિકા-પંચાયતમાં અલગ રાજકીય પક્ષની સત્તા હોય તો પર્યાપ્ત નાણાં મળતાં નથી. તેને કારણે વિકાસ કામો થઈ શકતાં નથી. એટલે બંધારણમાં એક મજબૂત સલામતી તંત્ર તેમના માટે ઉભું કરવું જોઈએ.

    ન્યૂયોર્ક, પેરિસ અને લંડનના મેયર પાસે છે તેવી અને તેટલી સત્તા મુંબઈ, બેંગલુરુ, કોલકાત્તા કે અમદાવાદના મેયર પાસે હોવી જોઈએ. ચૂંટણીની લટકતી તલવારથી તે મુક્ત હોવા જોઈએ. તો જ ગાંધીજીનું વિકેન્દ્રીકરણનું સપનું સાચા અર્થમાં ચરિતાર્થ થઈ શકશે. સ્વતંત્રતાની પોણી સદી જૂની આપણી ચૂંટણી પ્રણાલીમાં થોડા અપવાદો બાદ કરતાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની સમયસર કે નિયમિત ચૂંટણીઓ થઈ છે. જેણે આપણા લોકતંત્રને મજબૂતી બક્ષી છે. આ મજબૂતી પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વિલંબથી અસર પહોંચી છે. તે ઝટ દૂર કરવાની જરૂર છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • નારી વિમર્શ: પર્સનલ ઈઝ પોલિટિકલ સુધી…

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    હમણાં માનવ અધિકાર દિવસ ગયો ત્યારે ત્રણ દાયકા (ખરું જોતાં તેંત્રીસ વરસ) પરની એ સાંભરણ ઝંકૃત થઈ ઊઠી કે ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બર સાથે જે કોમી ધ્રુવીકૃત માહોલ બન્યો હતો એને સ્થાને નાતજાતકોમલિંગથી હટી માનવીય ધોરણે કંઈક કરવાની ગણતરીએ નાગરિક કર્મશીલોએ દસમી ડિસેમ્બર મનાવવા પર વધુ ભાર મૂકવાનો વ્યૂહ વિચાર્યો હતો. એ વખતે જે બધાં સૂત્રો ઉચ્ચારાતાં ને આગળ કરાતાં એમાં ‘અવાજ’નાં ઈલાબહેન પાઠકના આગ્રહથી એક સૂત્ર ખાસ દાખલ થયું કે સ્ત્રીના અધિકાર, માનવ અધિકાર અભિપ્રેત મુદ્દો એ હતો કે માનવ અધિકારની વાત વિશેષે કરીને વંચિત ને ઉપેક્ષિત તબકા વાસ્તે તો ખાસ થવી જોઈએ- તેથી જેમ દલિત કે બીજા હાંસિયા માંહેલાઓ તેમ મહિલાઓનાયે અધિકાર બાબતે બુલંદપણે બોલવું જોઈએ.

    ડિસેમ્બર અધવચ આ લખી રહ્યો છું એની પાછળનો એક ધક્કો ગુજરાતમાં નવ્ય નારીવાદી ચળવળ દરમ્યાન જે અવનવાં ઈતિહાસપાત્રોનો પરિચય થયો તેનો પણ છે. અવનવીન એવું એક પાત્ર હાલના બાંગ્લાદેશમાં ૧૯મી સદી ઊતરતે જન્મેલાં રુકૈયા સખાવત હુસેન (૯ ડિસેમ્બર ૧૮૮૦ : ૯ ડિસેમ્બર ૧૯૩૨)નું છે. જેનાં જન્મ અને મૃત્યુ બેઉ કલ્યાણક એક જ તારીખનાં હોય એવી આ વિલક્ષણ પ્રતિભા એવા સમયમાં એક મુસ્લિમ પરિવારમાં ઉછરી હતી જ્યારે ઉર્દૂનો એક ભદ્ર ભાષા તરીકે દબદબો હતો ને બંગાળી આમ ભાષા લેખાતી. અંગ્રેજી દાખલ તો થયું હતું- આમેય અંગ્રેજી રાજની પહેલી રાજધાની તો બંગાળમાં જ હતી ને! પણ છોકરીઓને વળી અંગ્રેજીનું શું કામ? જોકે, મોટાભાઈએ પિતાથી ખાનગી રાહે રુકૈયાને અંગ્રેજીનો કંઈક પરિચય કરાવ્યો. લગ્ન પછી રુકૈયા એ વિકસાવી શકી,

    કેમ કે એના પતિમાં એક ખુલ્લાપણું હતું. પતિની સ્મૃતિમાં રુકૈયાએ કોલકાતામાં શરૂ કરેલી કન્યા શાળા લૉર્ડ સિંહા રોડ પર હજુયે કાર્યરત છે.રુકૈયાની આછી ઝલક મેં આપી પણ એનો સાક્ષાત્કારક પરિચય તો નારીવાદી વર્તુળોમાં એ દિવસોમાં ચર્ચાતી વાર્તા ‘સુલતાના’ઝ ડ્રીમ’ થકી થયો હતો એ ખાસ લખવું જોઈએ. સુલતાના સપનામાં જુએ છે કે એક એવું રાજ્ય છે જેમાં ઉપદ્રવ નથી- શાંતિ જ શાંતિ છે, કેમ કે એમાં મહિલાઓ જનાનખાનામાં નથી, પણ પુરુષો માટે મર્દાનખાના ખસૂસ છે. પુરુષો પાબંદીમાં હોઈ રાજ્યમાં ઉપદ્રવ તો હોય જ નહીં ને! આ લખી રહ્યો છું ત્યારે વર્ષો પછી ‘લિસિસ્ટ્રાટા’[1] સહેજે સ્મરણમાં ધસી આવે છે. ૧૯૭૬ના મિસાવાસમાં વિશાળકાય રૂસી નવલકથાઓ અને એને મુકાબલે તનુકાય ગ્રીક નાટકો વાંચવાનો મળતાં મળે એવો અવસર મળ્યો ત્યારે એરિસ્ટોફનીસનું ‘લિસિસ્ટ્રાટા’ વાંચવાનું બન્યું હતું.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    આમ છે તો એ કોમેડી, પણ સંદેશે કરીને અલબત્ત મજબૂત જ મજબૂત છે. એથેન્સ ને સ્પાર્ટા વચ્ચે જંગનો છેડો નથી. ખુવારી જારી છે. તે વખતે લિસિસ્ટ્રાટા એક અહિંસક ઉપચાર વિચારી કાઢે છે- આપણે ઓરતો આપણા મરદોને રાતવરત સોડમાં ઢૂંકવા જ ન દઈએ તો કેવું! કહીએ કે યુદ્ધ મેલો ને પછી પથારીમાં પધારો. એક રીતે હમણેના દાયકાઓમાં બહુ ગાજેલ સૂત્ર ‘પર્સનલ ઈઝ પોલિટિકલ’ની સાહેદી આપતું એરિસ્ટોફનીસની કલમે આલેખાયેલું આ ઈસવી પૂર્વેનું ગ્રીનક નાટક છે. સ્ત્રી-પુરુષ સંબંધ (માત્ર એ જ શા માટે, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનો સંબંધ) બીજાં અનેક પરિબળોથી પરિચાલિત હોય છે. એટલે વ્યક્તિગત નિયતિ હો કે વ્યક્તિગત નિર્ણય, તે રાજકીય ને સામાજિક વાસ્તવથી છેક જ ઉફરાટે શક્ય નથી.

    ‘પર્સનલ ઈઝ પોલિટિકલ’ એ સૂત્ર સાંભર્યું તે સાથે ધસી આવતું સ્મરણ અરુણા રોયની વરસેક પર પ્રકાશિત આત્મકથાના શીર્ષકનું છે- ‘ધ પર્સનલ ઈઝ પોલિટિકલ.’ દોમ દોમ આઈએસ પરહરી અરુણા રોયે માહિતી અધિકારનો અલખ જગવ્યો: એને સોનિયા ગાંધીની સલાહકાર સમિતિ મારફતે મનમોહન સરકારનો વિધાયક પ્રતિસાદ મળ્યો એ ક્યારેક કટોકટીખ્યાત કોંગ્રેસ થકી બની આવેલી અચ્છી ઘટના છે, અને માહિતી અધિકારનું વર્તમાન શાસન હસ્તકનું સંકોચન ક્યારેક કટોકટીના પ્રતિકાર સારુ મશહૂર પક્ષ પરિવાર હસ્તકની પ્રતિગામી ઘટના છે. કટોકટી થકી ખ્યાત અને તેના પ્રતિકાર થકી પ્રખ્યાત, બેઉનાં જે તે સમયને મુકાબલે સુધરેલાં ને બગડેલાં કામોની તપસીલની રીતે જોઉં છું.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    તો એક વિલક્ષણ સ્મરણ નરસિંહ રાવના શાસનકાળ દરમ્યાન શક્ય બનેલ માનવ અધિકાર પંચનું છે. ખરું જોતાં જેપી આંદોલને જગવેલ ને સંસ્કારેલ લોકમાંગ એની પૂંઠે કામ કરી ગઈ હતી. પણ જે જનતા સરકારમાં શક્ય ન બન્યું તે કાળક્રમે કોંગ્રેસ સરકારમાં બની આવ્યું- એ એક મનોરમ ઈતિહાસ વૈચિત્ર્ય છે. જેમનો સ્મૃતિ દિવસ (૧૫મી ડિસેમ્બર) હજુ હમણે જ ગયો તે સાર્ધ શતાબ્દી પુરુષ સરદાર પટેલની ખાસ તરેહની આવૃત્તિ ને આકૃતિ વર્તમાન શાસનસેવી પક્ષ પરિવારે ઊભી કરી છે. ભાગલા પછી એક-બે વરસે પ. બંગાળમાં પૂર્વ બંગાળમાંથી હિંદુ લઘુમતીનો જે પ્રવાહ શરૂ થયો તે સંદર્ભે સરહદની બંને બાજુએ લઘુમતી પંચની રચનાની પ્રસ્તુતતા સમજાવી બંગાળને વિશ્વાસમાં લેવાની સિંહ જવાબદારી સરદારે બજાવી હતી તે ઈતિહાસવસ્તુ છે.

    આ જ સરદારને સદૈવ સદાસર્વદા જવાહરલાલના વિકલ્પે ઉછાળતું નેતૃત્વ ૨૦૦૨માં ગુજરાતમાં લઘુમતી પંચ બાબતે ‘અહીં એનું શું કામ છે?’ કહેતું સંભળાયું હતું. બંધારણ સભામાં લઘુમતીના અધિકારો પરની સમગ્ર કાર્યવાહીમાં સરદાર પટેલની અગ્ર ભૂમિકા હતી, પણ સરદાર કરતાં વધુ સરદારવાદી મંડળીને એની કદર ને સમજ હશે? ન જાને. તરતમાં ડિસેમ્બર સંકેલાશે અને 2026નો પહેલો મહિનો, ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ સોતો આપણી સામે આવશે. માનવ અધિકાર દિવસને સારુ પાયાની ભૂમિકા સર્જનાર ૨૬મી જાન્યુઆરીએ આપણે શો હિસાબ આપી શકવાના હતા, કહો જોઉં… હશે ભાઈ, આવાતેવા દિવસફિવસ તો આવે ને જાય, એમ સ્તો!


    [1] Lysistrata by Aristophanes


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૭ – ૧૨– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • સંભારણું -૧૧ – નાતાલ

    શૈલા મુન્શા

    અમેરિકા, યુરોપ અને જ્યાં જ્યાં ખ્રિસ્તી ધર્મ પળાય છે ત્યાં નાતાલનો વાર્ષિક તહેવાર ધૂમધામથી ઉજવાય છે. સાન્તાક્લોઝ રેન્ડિયરની બગીમાં બેસી આવે. જાજરમાન લાલ પોશાક, સફેદ દાઢી અને ખભે ભેટસોગાદોનો મોટો થેલો. નાના બાળકો માટે સાન્તા કોઈ જાદુઈ પરીથી કમ નથી જે એમની બધી ઈચ્છા અને માંગ પુરી કરે.

    નાના બાળકોની ઈચ્છા પરથી મને મળેલો એક બાળકીનો વીડિયો યાદ આવી ગયો. બાળકો જુદીજુદી રીતે સાન્તાને પોતાની માંગણી જણાવતા હોય છે. કોઈ ચિઠ્ઠી લખીને ક્રિસમસ ટ્રી નીચે મુકે, કોઈ મમ્મી પપ્પાને પોતાની ઇચ્છા જણાવે. એમની માંગણીઓ પણ મજેદાર હોય. આ બાળકો નાની અમથી ઈચ્છા પૂર્ણ થાય તો પણ રાજી રાજી થઈ જતાં હોય છે.

    મને જે વીડિયો મળ્યો હતો એમાં એક બાળકી ગાઈને સાન્તાને પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે, પણ એના આગળના બે દાંત પડી ગયા છે અને લોકો એની સામે કુતૂહલથી જુએ છે એટલે એ સાન્તાને પોતાની વીશ કહે છે કે પ્લીઝ મને મારા બે દાંત આપી દો. એની મોટી બહેનની બધાને ક્રિસ્મસની વધાઈ આપવાની રીત અનોખી હતી.એ બધાને વ્હિસલ મારી મારીને મેરી ક્રિસમસ વીશ કરતી હતી, એ નાનકડી બાળકીને પણ વ્હિસલ મારવી હતી પણ આગળના બે દાંત ના હોવાથી એ વ્હિસલ મારી શકતી નથી. વીડિયોમાં એ નાનકડી બાળકીની ગાવાની રીત, વ્હિસલ મારવાનો પ્રયાસ બધું જ બહુ રમૂજી રીતે દેખાય છે.

    લોકો એની મજાક ના ઉડાવે અને એ પણ વ્હિસલ મારીને ગીત ગાઈને લોકોને મેરી ક્રિસ્મસ કહી શકે એ માટે કરેલી માંગણી સાન્તા જરૂર પૂરી કરશે એવો દ્રઢ વિશ્વાસ એના હૈયે હતો.

    બાળકોની માંગણી પરથી ગયા વર્ષે કેપ્ટન નરેન્દ્ર ફણસેની નવલકથા “પરિક્રમા” વાંચી હતી તે યાદ આવી ગઈ. એમાં પણ કિશોર એક બાળક પોતાના માતા પિતા ગુમાવે છે અને બહેન રુપવતી એને પોતાના ઘરે લઈ આવે છે. આકસ્મિક આવી પડેલા આ દારુણ દુઃખથી કિશોરનું હૈયું સાવ મૂરઝાઈ જાય છે, એવામાં નાતાલમાં એનો મિત્ર કહે છે કે તું સાન્તાને પત્ર લખ, એ સહુની ઇચ્છા પૂર્ણ કરે છે. બીજા વર્ષે અમેરિકાથી અનાયાસે શોન અને એની પત્ની સુઝન પોતાના પૂર્વજોની શોધખોળમાં ભારત આવે છે અને શોધતાં શોધતાં રુપવતીના ઘર સુધી પહોંચે છે. કિશોર જ્યારે શોનને જુએ છે તો એના માનવામાં આવતું નથી કે એના પિતા એની સામે છે. શોન આબેહૂબ એના પિતા જેવો દેખાય છે, સાચે જ શોન એના પિતા નથી એવી સમજ એ ભોળા કિશોરને નથી. સાન્તા એની ઇચ્છા આટલી જલ્દી પૂર્ણ કરશે એ કિશોરને સપના જેવું લાગે છે.

    અમેરિકાના મારા શાળા જીવન દરમિયાન નવેમ્બરના છેલ્લા ગુરૂવારે ઉજવાતો થેન્ક્સ ગીવીંગનો તહેવાર પતે એટલે જાણે સમગ્ર અમેરિકામાં તહેવારનો માહોલ થઈ જાય.અમે સ્કૂલમાં બાળકોને ક્રિસમસનાં ગીતો અને મુવી દેખાડીએ. ક્લાસને શણગારવામાં બાળકો પણ ભાગ લે. લોકોનાં ઘરની બહાર ઝગમગ લાઈટના તોરણ ને કેન્ડી કેન રેન્ડિયરના પૂતળાં ઊભા થઈ જાય. ગલી રસ્તા વૃક્ષો સહુ ઝગમગી ઉઠે.

    મારી મસિયાઈ બહેન પરણીને સ્વીડન ગઈ બરાબર ક્રિસમસના તહેવાર પહેલાં. ત્યાંથી મોકલેલા ફોટા જોઈ મન ખૂશ થઈ ગયું. ચારેબાજુ બરફની સફેદ ચાદર અને ઉપર ઝગમગતી રંગીન રોશની, આહાહા!! અદભૂત મનોરમ્ય નજારો. ગયા વર્ષના કોરોનારુપી કોપમાંથી, ડરમાંથી બહાર નીકળી લોકો બમણા ઉત્સાહે તહેવાર મનાવવા, સાન્તાને આવકારવા સજ્જ થઈ ગયા હતાં.

    રોશની ને લાઈટનાં તોરણોના ઝગમગાટની યાદે મારું મન પણ બાળપણના ઓવારે પહોંચી ગયું. મુંબઈ હમેશા પચરંગી વસ્તી ધરાવતું શહેર છે અને ત્યાંના લોકો બધા તહેવાર ધામધૂમથી ઉજવે છે.

    મારા મામાના મોટા ગોડાઉન હતા અને એમાં ભરેલા માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા બે ખટારા પણ રાખ્યા હતા. મને યાદ છે કે ક્રિસમસની રાતે અમે ઘરના સહુ નાના મોટા એ ખટારામાં બેસી મુંબઈમાં થતી નાતાલની રોશની જોવા નીકળી પડતાં. વડીલો માટે ચાદર, તકિયા ગોઠવી દેતા. રાતભર સહુને ચાલે એવો નાસ્તો કુકી સ્પોંજકેક કાગળની ડીશ, પવાલાં બધું યાદ રાખી ખટારામાં મૂકાઈ જતું. સાંતાક્રુઝથી શરુ થયેલી સફર ચોપાટી, પાલવા બંદર થઈ કોલાબા સુધી પહોંચતી. વાતાવરણમાં ગુલાબી ઠંડી અને ચારેતરફ રોશનીનો ઝગમગાટ. રસ્તા પર લોકો મસ્તીના માહોલમાં ઝૂમતા એકબીજાને મેરી ક્રિસમસ કરતાં આગળ ચાલ્યાં જતાં, કોઈ ગીત ગાતાં ઝૂમતા. રાત છે કે દિવસ એ જ જાણે સમજાતું નહિ.

    પરોઢ થતાં થતાંમાં ફરી આવતા વર્ષની ક્રિસમસની વાટ જોતી અમારી સવારી ઘર તરફ પાછી વળતી. એ આનંદ એ મસ્તી એ માહોલ આજે પણ આંખ સામે તરવરે છે. એ મીઠા સંભારણાની મીઠી યાદ દિલના ખૂણે લીલીછમ છે!!

    કાશ એ બાળપણ પાછું મળે!!!


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • મારું નામ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    (ગૃહિણીકર્તવ્ય નિભાવવામાં પોતાના અસ્તિત્વ સમા નામનેય વિસારે પાડી દેતી યુવતીની કથા. કદાચ આ એક નહીં આવી અનેક ગૃહિણી હોઈ શકે.)

    ગૃહિણી બની એ પહેલાં એ એક સુશિક્ષિત, ચપળ, ચતુર, દક્ષ હોવાની સાથે લાવણ્યમયી યુવતી હતી.

    એક યુવકે એ યુવતીનું સૌંદર્ય, બુદ્ધિમત્તા અને પિતા તરફથી મળનારું દહેજ જોઈને એને પસંદ  કરી લીધી. અગ્નિની સાક્ષીએ એ યુવકે પહેરાવેલું મંગળસૂત્ર ધારણ કરીને યુવતી ગૃહિણી બનીને પતિગૃહે પધારી.

    “જો મારી લાડલી, આ હવે તારું ઘર છે.” પતિએ કહ્યું.

    પત્નીએ કમર કસી ઘરને અત્યંત કુશળતાથી લીપી ગૂંપીને રંગોળીથી સુશોભિત કર્યું.

    “અરે વાહ! ગૃહસુશોભન અને રંગોળીમાં જ તારી કુશળતાનો પરિચય થઈ ગયો. શાબાશ, કીપ ઇટ અપ.” અંગ્રેજીમાં ફરી એકવાર પ્રસંશા કરી પત્નીનો ખભો થાબડ્યો.

    પત્ની પોરસાઈ. જાણે જીવનનું એક માત્ર કર્મ કે ધર્મ હોય એમ લીંપણ-ગૂંપણ, ઘરસજાવટ, રંગબેરંગી રંગોળીથી ઘર સજાવતી રહી. ઘર, વર અને બાળકોની પાછળ એણે પોતાના અસ્તિત્વને વિસારે પાડી દીધું!

    વર્ષોનાં વહાણાં વીતતાં ગયાં. અચાનક એક દિવસ એ ચમકી. અરે, મારું નામ? મારું નામ શું હશે?

    હાથમાં પકડેલો સામાન જમીન પર પટકીને એ બારી પાસે જઈ ઊભી. બારીની સામેના મકાન પર  શ્રીમતી એમ. સુહાસિની, એમ.એ.પી.એચ.ડી, પ્રિન્સિપલને (એક્સ) કૉલેજ ના નામની ‘નેમપ્લેટ’ જોઈ.

    ‘અરે હા, મારું કોઈ એક નામ તો હશે ને? ખરી મુસીબત થઈ! હસતાં-રમતાં ઘરને સજાવવામાં નામ જ ભૂલી જવાયું એ વિચારે એનું મન બેચેન થઈ ગયું. જેમતેમ કરીને દિવસ પૂરો કરવા મથતી રહી. એટલામાં કામવાળી આવી. એને પોતાનું નામ પૂછ્યું.

    “આ તે કેવી વાત, માલિકોના નામથી અમને શું મતલબ? અમારા માટે તો તમે શેઠાણી છો એટલું જ બસ. બહુ બહુ તો સફેદ ઘરવાળી શેઠાણીથી અમે તમને ઓળખીએ.” કામવાળીએ જવાબ આપ્યો.

    “હંમ્મ, વાત તો સાચી. એને બિચારીને ક્યાંથી ખબર હોય?”

    બપોરે છોકરાઓ સ્કૂલેથી આવ્યા.

    “છોકરાઓ, મારું નામ શું છે એ તો કહો જરા?” છોકરાઓને તો ખબર જ હોય ને વિચારીને પૂછ્યું

    “મા, તારું નામ ‘મા’ તો છે. અમે સમજણાં થયાં ત્યારથી તને ‘મા’ જ કહીએ છીએ અને તેં પણ ક્યારેય તેં તારું નામ ક્યાં કહ્યું છે?  હા, પિતાજીના નામથી ટપાલ આવે છે એટલે એમનું નામ ખબર છે. તારા નામથી તો ટપાલેય ક્યાં આવે છે?”

    વાત તો સાચી છે. મને કોણ ટપાલ લખે છે? માબાપુ મહિનામાં એકાદ ફોન કરી લે છે. બહેનો પણ એમનામાં જ વ્યસ્ત છે. ક્યારેક પ્રસંગોપાત મળવાનું થઈ જાય ત્યારે ભાતભાતની વાત થાય પણ નામથી ક્યારેય કોઈએ બોલાવી હોય એવું યાદ નથી.

    પડોશમાં રહેતી મહિલાઓને પૂછ્યું.

    “આપણે ક્યાં એકબીજાનું નામ પૂછ્યું જ છે? ક્યારેક કોઈની સાથે વાત થાય તો સફેદ મકાનવાળાં કે દવાની કંપનીના મેનેજરના પત્ની કહીને ઓળખાણ આપીએ, બસ.”

    હવે પતિના શરણે જવું પડશે. એમને તો મારું નામ ખબર હશે. રાત્રે પતિને પૂછ્યું.

    “એવું તે શું થયું કે, આજે આમ અચાનક નામ પૂછવું પડ્યું? પરણ્યાં ત્યારથી તને ‘ઓયે કે સાંભળે છે’ કહીને બોલાવાની ટેવ પડી છે અને તેં પણ ક્યારેય એવું ના કહ્યું કે, મારું નામ નથી તે મને  આવી રીતે બોલાવો છો? હવે તો મને પણ તારું નામ યાદ નથી.. લોકો પણ તને મીસીસ મૂર્તિ કહે છે, બરાબર?”

    “મને મીસીસ મૂર્તિ નહીં મારું અસલી નામ જોઈએ છે.”

    “આમાં હેરાન થવાની જરૂર નથી. કોઈ પણ નામ રાખી લે. વાત પૂરી.” પતિએ સલાહ આપી.

    “વાહ! તમારું નામ સત્યનારાયણ મૂર્તિ છે અને તમને કોઈ શીવશંકર કે સુંદરરાવ નામ રાખવાનું કહેશે તો તમે રાખશો?”

    “તું પણ ગજબ છું. ભણેલી છું. તારા સર્ટિફિકેટ પર જોઈ લે ને? આટલી સામાન્ય સમજ ન હોય તો કેમ ચાલે?”

    ગૃહિણીએ સર્ટિફિકેટ શોધવામાં કબાટ ઉપરતળે કરી નાખ્યું. સર્ટિફિકેટ ના મળ્યું તે ના જ મળ્યું.  યાદ આવ્યું કે એ સર્ટિફિકેટ લાવી જ નહોતી. કંઈ નહીં પિતાજીના ઘેર જઈને શોધી લાવીશ.

    “તું જઈશ તો અમારું, ઘરનું, ઘરની સાફસૂફીનું ધ્યાન કોણ રાખશે?” પતિએ પૂછ્યું.

    “વાત તો સાચી. સૌને પોતપોતાનું કામ હોય એમ એ કામ મારું. બે દિવસ તમને અગવડ પડશે, પણ હવે નામ જાણ્યા વગર મને ચેન નહીં પડે.”

    ગૃહિણીને અચાનક આવેલી જોઈને માબાપુ રાજી. આવવાનું કારણ જાણ્યું.

    “મા, હું કોણ?”

    “તું અમારી મોટી દીકરી. બી.એ.ભણાવી, પચાસ હજારનું દહેજ આપીને પરણાવી. હવે તો તું બે બાળકોની મા…..”

    “મારે મારો ઇતિહાસ નહીં મારું સર્ટિફિકેટ પર લખેલું નામ જાણવું છે.”

    સર્ટિફિકેટ ક્યાંક જૂના કાગળો, ફાઇલોમાં મુકાયું હોવાની શક્યતા જાણી ગૃહિણીએ આખું માળિયું ફંફોસી લીધું.

    બીજા દિવસે પણ શોધવામાં નિષ્ફળતા રહી. ગૃહિણીને મન થયું કે, એ આજુબાજુમાં સૌને બૂમો મારી મારીને એનું નામ પૂછે.

    અંતે એક સ્કૂલની સખી મળી જેણે એને શારદા કહીને બોલાવી. જાણે ભૂખ-તરસથી મરણાસન્ને પહોંચેલી વ્યક્તિને બે બુંદ પાણીથી જીવનદાન મળે એમ શારદાને જીવનદાન મળ્યું.

    “તું એ જ શારદા છો ને જે દસમા ધોરણમાં પ્રથમ આવી હતી? કૉલેજની સંગીતસ્પર્ધામાં પણ પ્રથમ આવી હતી? સુંદર ચિત્રો બનાવતી? આપણે દસ જણાં હતાં. અમે સૌ એકબીજાને મળતાં રહ્યાં. કોણ જાણે તું કયા અજ્ઞાતવાસમાં ચાલી ગઈ?” સખીએ પ્રશ્નોની ઝડી વરસાવી.

    “હા પ્રમીલા, હું એ જ શારદા છું. તેં કહ્યું ત્યાં સુધી મને યાદ નહોતું આવતું. મારા દિમાગમાં તો ઘર, ઘરની સાફસફાઈ, સુશોભન સિવાય કંઈ આવતું જ નહોતું.”

    શારદાએ ઘરના માળિયે પડેલા સામાનમાંથી શોધી શોધીને પોતાનું સર્ટિફિકેટ, પોતે બનાવેલાં ચિત્રો, જૂનાં આલબમ, સ્કૂલ-કૉલેજમાં જીતેલા પુરસ્કારો એકઠા કર્યા.

    ખુશ થઈને ઘેર આવી.

    “આ જો, તું નહોતી તો ઘર સરાઈ બની ગયું. હાશ, હવે તું આવી હવે ઘરમાં તહેવાર જેવું લાગશે.” આવતાં વેંત પતિએ પોંખી.

    “એ બધું તો ઠીક છે, પણ હવે તમે મને ‘ ઓયે કે સાંભળે છે’ કહીને નહીં શારદા કહીને બોલાવજો” કહીને ખુશહાલ મિજાજ શારદા ગીત ગણગણતી, નિરાંતે સોફા પર ગોઠવાઈ.

    આજે એને પોતાની ઓળખ મળી હતી.


    પી.સત્યવતી લિખીત – અનુવાદઃ જે. એલ રેડ્ડી – તેલુગુ વાર્તા પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ડાહીકાકી – “નૂર હી નૂર હૈ..!”

    જયશ્રી વિનુ મરચંટ

    સવારના આઠ વાગ્યા હતાં. હું આળસ મરડીને ઊભી થઈ. એક હાથમાં ચાનો કપ અને એક હાથમાં ‘ટાઈમ” મેગેઝીન લઈ, બહાર બેકયાર્ડમાં ગઈ. સવારના સૂરજના ખોળામાંથી ઓચિંતી જ કૂદકો મારીને નીકળેલી ગરમીનું બાળપણ હજુ મુગ્ધવયમાં “આવું-આવું” કરી રહ્યું હતું.

    અહીં ફ્રીમોન્ટમાં મોસમ ખૂબ જ મજાની હતી. ચાની મજા લેતાં લેતાં હું વાંચી રહી હતી ને નજર એક એડવર્ટાઈઝ પર અટકી ગઈ, જેમાં હિપ્નોટિઝમની ટ્રીટમેન્ટથી કોઈપણ જાતના ‘ટ્રોમા’(માનસિક કે શારિરીક આઘાત) કે ‘ડીપ્રેશન’માંથી (માનસિક તનાવ કે હતાશા) મુક્તિ મળી શકે, એની જાહેરાત હતી. ને, અચાનક, ન જાણે ક્યાંથી, લગભગ પિસ્તાળીસ-પચાસ વરસ જૂની વાત યાદ આવી ગઈ ને મારી સ્મરણોની બારીમાંથી ડાહીકાકી ઓચિંતા જ ડોકિયું કરી ગયા…!

    મારા પિયેરના ઘરની બાજુની વાડી, શામજીબાપાની વાડી કહેવાતી. અમારા ઘર અને શામજીબાપાની વાડીની વચ્ચે, માત્ર ૨ ફૂટ ઊંચી દિવાલ હતી. શામજીબાપાની વાડી નાનકડી હતી. એમાં ફક્ત બે ઘર હતાં, એક એમનું ૧ માળનું, ૬ મોટા રૂમનું ઘર હતું, જેમાં હવે એમનાં પત્ની ચંચળબા, એકલાં જ રહેતાં હતાં. જ્યારે બીજું બેઠા ઘાટનું, ત્રણ રુમનું ઘર, વરસોથી ડાહીકાકીને ભાડેથી આપ્યું હતું.

    એ બેઉ ઘરની આગળના ભાગમાં, મોટા વરંડા હતાં અને આંગણમાં ખૂબ જ જતનથી ઉછેરેલી ફૂલવાડીઓ હતી, જેમાં મોસમ પ્રમાણેના ફૂલો ખીલતાં અને આ ઘરોને સાચા અર્થમાં વાડી બનાવતાં હતાં. બેઉ ઘરની વચ્ચે એક મીઠા પાણીનો કૂવો હતો. એવું કહેવાતું કે શામજીબાપાની વાડીના કૂવામાં કદી પણ પાણી સૂકાતું નહોતું. વાડીના પ્રવેશદ્વાર પાસે જ બે રૂમનું કાચું-પાકું, બેઠા ઘાટનું મકાન હતું, જેમાં વફાદાર, નેપાળી ગુરખા પતિપત્ની અને એમનાં બે સંતાનોનું કુટુંબ વસતું હતુ. આ આખુંયે કુટુંબ, ચંચળબાની વાડીની રખેવાળી, માળીનું કામ અને ઘરનાં નાના-મોટા બધાં જ કામ કરવાની જવાબદારી ખૂબ ખંતથી નિભાવતું હતું.

    મને એટલું આજેય યાદ છે કે, મારી મા પાસે સાંજના બાંકડે બેસવા આવનારા રોજિંદા આડોશી-પાડોશીઓમાં ચંચળબા પણ હતાં. ડાહીકાકી ક્યારેક ક્યારેક જ મા પાસે સાંજના એમની “બાંકડા-પાર્ટી”માં આવતાં. પણ, દર ગણેશચતુર્થીને આગલા દિવસની સાંજે, ડાહીકાકી ખાસ અમારે ઘરે આવીને ચતુર્થીની સાંજની આરતીમાં આવવાનું ભાવભર્યું નિમંત્રણ આપી જતાં. મા એમને પ્રેમથી આવકારતાં અને એમની સાથે હસી-બોલીને વાતો પણ કરતાં. ડાહીકાકીને ચા-પાણી આપવા જો મારે કે મારી મોટી બહેનોને જવું પડતું તો મા સામે પડેલી ટીપોય પર ટ્રે મૂકાવીને, તરત જ અમને કોઈને કોઈ કામસર ઘરમાં પાછાં મોકલી દેતાં.

    આ ક્રમ, દરેક વર્ષે કાયમ રહેતો. મને યાદ નથી કે અમે કદીયે ડાહીકાકીને ત્યાં ગયાં હોઈએ. પણ દર વરસે ડાહીકાકી આમંત્રણ આપવાનું કદી ચૂકતાં નહીં! એટલું જ નહીં, પણ, બીજે દિવસે, ડાહીકાકી ગુરખાના છોકરા સાથે ગણેશચતુર્થીનો પ્રસાદ અવશ્ય મોકલતાં. હું આઠેક વરસની હોઈશ અને ત્યારે એકવાર મેં મા અને મારાથી દસ વરસ મોટીબહેનની વાતચીતમાં સાંભળ્યું હતું કે ડાહીકાકીને હિપ્નોટિઝમ-વશીકરણ,(સંમોહન) કરતાં આવડે છે! ત્યારે માને મેં પૂછ્યું હતું કે આ હિપ્નોટિઝમ એટલે શું, તો જવાબમાં બેઉએ મને ધમકાવી કાઢી હતી અને કહ્યું, “તું બહુ નાની છે. અહીં રમતાં રમતાં અમારી વાતો અડધી સાંભળીને વધારે બોલ નહીં, સમજી? જા, વાડીમાં જઈને રમ!”

    ત્યારે તો હું કશું નહોતી સમજી પણ જેમજેમ હું મોટી થતી ગઈ તેમતેમ મને સમજાવા માંડ્યું હતું કે ‘હિપ્નોટિઝમ’ એટલે શું! શું આ જ કારણસર, કદાચ મા અમને એમનાથી દૂર રાખતાં અથવા તો બહુ હળવા-મળવા ન દેતાં કે બીજું કોઈ કારણ પણ હતું? એવો પ્રશ્ન મને કિશોરવયમાં કાયમ થયા કરતો, પણ માને કે બહેનને પૂછવાની હિંમત નહોતી થતી. પછી તો કાળક્રમે બેઉ મોટીબહેનોનાં લગ્ન થઈ ગયાં અને ઘરમાં સંતાનોમાં હું એકલી જ રહી ગઈ હતી.

    ડાહીકાકી પણ એમના રૂટિન પ્રમાણે, ગણેશચતુર્થીનું આમંત્રણ આપવા ઉપરાંત, ક્યારેક જ સાંજના માની “બાંકડા પરિષદ”માં બેસવા આવતાં, ત્યારેય, મા અમારા ઘરની આગતા-સ્વાગતામાં કોઈ પણ ફેર કર્યા વિના, એમને પૂરા માનથી આવકારતાં. માનો નિયમ હતો કે નાના-મોટા સહુને આપણા આંગણે એકસરખો આવકાર આપવો અને બને ત્યાં સુધી સાંભળેલી વાતોથી કોઈ તારવણી ન કાઢવી, હા, સચેત જરુર રહેવું એ શીખ અમને સહુ સંતાનોને પણ આપતાં હતાં. કંઈક તો કારણ હતું કે ડાહીકાકી સાથેના વ્યવહારમાં મા કાયમ સચેત રહેતાં હતાં, કોને ખબર, કેમ, પણ, હું જેમજેમ મોટી થતી ગઈ તેમેતેમ, મને એવું લાગ્યાં કરતું હતું કે માની આ સચેતતા પાછળ, ‘હિપ્નોટિઝમ’ નહીં, પણ નકી કોઈ બીજું કારણ હોવું જોઈએ! જોકે, આવું માનવા અથવા ન માનવા પાછળ, મારી પાસે ત્યારે કોઈ પ્રમાણ નહોતું.

    હું હાઈસ્કૂલમાં ભણતી હતી ત્યારે મોટીબહેનોની વાતો સાંભળી મને સમજાતું ગયું કે માના મનમાં ડાહીકાકી માટે કઈંક વહેમ ઘર કરી ગયો હતો. એ આજે હવે ન માની શકાય એવી વાત લાગે, પણ, ત્યારે, વધુ કઈં સમજી શકવા સવાલ-જવાબ કરી શકું એવી મારી ઉંમર નહોતી અને મારું ગજું પણ નહોતું! મારી સ્પષ્ટ સ્મૃતિ છે કે હું બારેક વરસની હતી ત્યારે મેં માને એક દિવસ પૂછ્યું હતું કે “ડાહીકાકીના વર પણ શામજીબાપાની જેમ ગુજરી ગયા છે?” જવાબમાં માએ નાના-નાના બે-ત્રણ વાક્યોનો સાદો જવાબ આપ્યો હતો, “તું હજુ બહુ નાની છે. મોટાની વાતો તને નહીં સમજાય, તું તારે, જા અને તારું ભણવાનું કર.”

    અમે જ્યારે આઠમા ધોરણમાં આવ્યા ત્યારે અમારી સ્કૂલની જગ્યા બદલાઈ ગઈ હતી. બજાર ક્રોસ કરીને મારી બહેનપણીઓ સાથે એકલાં આવવા-જવાની મંજૂરી મને બહુ કાકલૂદીઓ પછી મળી હતી. બજારમાં ખૂબ જ પ્રસિદ્ધ, જુમ્મનમિયાંની “ફરસાણ અને મિષ્ટાન હાઉસ” નામની દુકાન હતી.

    એક દિવસ હું સહેલીઓ સાથે ઘરે આવતી હતી તો મેં જોયું કે ડાહીકાકી ત્યાં એપ્રન પહેરીને જલેબીની બાજુની ટ્રેમાં ફાફડા ગોઠવતાં હતાં. એમણે પણ મને જોઈ અને બોલાવીને કહ્યું “દીકરી, જલેબી ખાવી છે?” જુમ્મનમિયાં પણ ગલ્લા પર હતાં. આ સાંભળી એમણે પણ કહ્યું કે, “ડાહી, દીકરીને જલેબી આપ, વાંધો નહીં.”  (જલેબી આજે પણ મને બહુ પ્રિય છે!) પણ, મેં હસીને ડોકું ધૂણાવી ના કહી અને ઝડપથી ચાલી નીકળી. મારી ત્રણ બહેનપણીઓમાંથી એકે કહ્યું, “અરે, તું આ બહેનને ઓળખે છે?” મેં બાઘાની જેમ, પ્રશ્નાર્થ ભાવથી જોયા કર્યું. કારણ, અમારા ઘરમાં ડાહીકાકીને લઈને જે મત પ્રવર્તતો હતો એથી મને સમજણ ન પડી કે ‘હા’ કહેવી કે ‘ના’ કહેવી! અને, વાત ત્યાં જ પૂરી થઈ ગઈ.

    ****

    વરસો વીતતાં ગયાં. હાઈસ્કૂલ (અમારા વખતે એસ.એસ.સી.) પૂરૂં કરીને હું હવે કોલેજમાં ભણતી હતી. ડાહીકાકી રોજ સવારે, સાડા છ વાગે, without fail, પોતાના ઘરમાં અને વરંડામાં સાફ-સૂફી કરતાં બુલંદ અવાજે ભજનો ગાતાં. જે મને આજે પણ યાદ છે. એમનું એક ભજન મારા કાનમાં આજે પણ ગુંજે છે, “જેના મુખમાં રામનું નામ નથી, તેનો મનુષ્ય તણો અવતાર નથી.”  એ ભજન ગાતાં, ગાતાં, વાળી-ઝૂડીને ઘર-આંગણું સાફ કરતાં.

    ડાહીકાકીના ભજનો રોજ સવારે છ – સાડા છ વાગે અચૂક મને જગાડી દેતાં, આથી મેં સાચા અર્થમાં, કોલેજના દિવસોમાં એલાર્મ મૂક્યું નહોતું. હું ભજનો ગાતાં ડાહીકાકીને લગભગ રોજ સવારે જોતી અને ત્યારે એમના મુખ પરની શાંતિ, આભા, એક પ્રકારનું નૂર જોઈ રહેતી. અને પછી, હું સૂર્ય સામે જોઈને હાથ જોડી, ‘નમસ્કાર’ કરીને મારા દિવસની શરૂઆત કરતી હતી.  હવે મારે માને પૂછવું નહોતું પડતું કે ડાહીકાકીના પતિ, શામજીબાપાની જેમ ગુજરી ગયા છે અને ‘હિપ્નોટિઝમ’ એટલે શું? હું હવે મોટી થઈ ગઈ હતી. બહારની દુનિયામાં કહેવાતું ઘણું બધું સાંભળતી પણ હતી અને સમજતી પણ હતી.

    ****

    ડાહીકાકી અને એમના પતિ, લગ્ન પછી, પાંચ વરસ ગામમાં રહ્યા હતાં, પણ પછી, ગામનું ઘર મૂકી, ડાહીકાકીને લઈને મુંબઈ કામ કરવા આવ્યા હતા. એવું કહેવાતું હતું કે, ગામમાં, લગ્નના પાંચ વરસમાં ડાહીકાકીને કોઈ સંતાન ન થતાં, સાસરિયામાં સતત પજવણી થતી હતી. આથી જ ડાહીકાકીએ એમના પતિને ‘અલ્ટિમેટમ’ આપ્યું હતું કે “જો એ હવે ગામનું ઘર છોડીને જુદા રહેવા નહીં જાય તો, પોતે કૂવો પૂરશે!” ડાહીકાકી જુવાનીમાં ખૂબ જ રૂપાળા અને દેખાવડા હતાં. એમના પતિએ, ગામ છોડીને, મુંબઈમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું. આમ, ડાહીકાકી એમનાં પતિ સાથે શામજીબાપાની વાડીમાં રહેવા આવ્યાં.

    મુંબઈમાં પણ નસીબે યારી ન આપતાં, વરસેકની અંદર જ, ડાહીકાકીના પતિ, “કમાવા માટે આફ્રિકા જાઉં છું” કહીને નીકળી ગયા. થોડો સમય તો નિયમિત મોકલાતાં પૈસા અને પત્રો ધીરેધીરે એકાંતરે મોકલાવા માંડ્યા, પણ પછી બેત્રણ વરસમાં સદંતર બંધ થતાં ડાહીકાકીએ જુમ્મનમિયાંની દુકાને કામ કરવું ચાલુ કર્યું.

    ડાહીકાકીનું પુરૂષની રખેવાળી વગરનું રૂપ જ એમનું વેરી બન્યું હતું, પણ ધન્ય એમના મકાન માલિક ચંચળબાને! આ કપરા સમય દરમ્યાન, ચંચળબા તો ડાહીકાકીના પડખે અડીખમ ઊભા રહ્યાં હતાં. ડાહીકાકીનું રૂપ અનેક પરણિત અને અપરણિત પુરુષોને લોભાવતું, ને, બસ, એમાં ડાહીકાકી પર “હિપ્નોટિઝમ કરે છે”નું લેબલ લાગી ગયું હતું!

    ડાહીકાકીના ગણેશચતુર્થીના આમંત્રણ દર વરસે આવવાના તો ચાલુ જ હતાં અને દર વરસની જેમજ, અમે પણ અમારા ન જવાનો ક્રમ છોડ્યો નહોતો. દર વર્ષની જેમ, ડાહીકાકી ગુરખાના કોઈ કુટુંબ સભ્યની સાથે દર વરસે કાયમ પ્રસાદ મોકલી આપતાં. પણ હવે મને દર વખતે થતું કે હું માને પૂછું કે, તમે આવું શા માટે કરો છો? દર વર્ષે આટલું બોલાવ્યાં પછી પણ કેમ એમને ત્યાં કદી આપણે નથી જતાં? ડાહીકાકીને જીવનનિર્વાહ માટે કામ કરવા સિવાય બીજો રસ્તો પણ શું હતો? એક રીતે મારું મન માની સામે બળવો પોકારવા કહેતું તો બીજી બાજુ, માને ઠેસ પહોંચાડવાનું મન પણ નહોતું થતું. ક્યારેક થતું, ડાહીકાકી શું વિચારતાં હશે અને બધાં આમ એમની વાતો કરે છે તો એમને કેવું લાગતું હશે? સાચે જ, કદાચ, હું હવે વધુ સમજણી થઈ ગઈ હતી!

    *****

    જુમ્મનમિયાં ઘણી વાર, બપોરે, દુકાન બે કલાક માટે બંધ હોય ત્યારે, ડાહીકાકીને ઘેર આવતાં અને ત્યાં જ બપોર ગાળીને દુકાને જતાં. ધીરે-ધીરે, આ રોજનો ક્રમ થતો ગયો હતો. લોકો વાતો કરતાં હતાં પણ, જુમ્મનમિયાંની ધાકને લીધે અથવા ચંચળબાની શાખને લીધે કોઈ વધુ કઈં બોલતું નહોતું.

    એકાદ વાર, સમાજના કહેવાતા આગેવાન, બે-ચાર ભાઈઓ સાથે મળીને, ચંચળબા પાસે ડાહીકાકી માટે અજુગતું બોલવા આવ્યાં હતાં તો ચંચળબાએ એમને રોકડું પરખાવી દીધું હતું, “જુઓ ભાઈ, તમારી પણ મા-બહેનો અને દીકરીઓ છે. જેવું ડાહી પર વિત્યું છે ભરજુવાનીમાં, એવું કોઈ પર વીતે નહીં, એની દુઆ માગો. ડાહીને એની રીતે જીવવા દ્યો. તમને એ કોઈ પણ રીતે નડતી હોય તો ક્યો. હું હમણાં ને હમણાં તમારી સામે બોલાવીને ઘરની બહાર કાઢી મૂકું! બાકી, મને તો બરાબર ખબર છે કે તમને બધાયને શેની ચૂંક આવે છે!” તે દિવસ પછી, કોઈ ચંચળબાને કશુંય ડાહીકાકી માટે કહેતું નહીં. ચંચળબા, સાચા અર્થમાં ડાહીકાકીની ઢાલ હતાં.

    મારી કોલેજ પૂરી થઈ પછી હું યુનિવર્સીટી ઓફ મિશીગનમાં ફાર્મસીનો અભ્યાસ કરીને, બે વર્ષમાં અમેરિકાથી પાછી આવી ગઈ હતી અને એક ફાર્મા્સ્યુટીકલ કંપનીમાં કામ કરતી હતી. એક દિવસ, સાંજના, હું ઘરે આવી. ત્યારે ડાહીકાકી, મા પાસે બાંકડે બેસવા આવ્યાં હતાં. હું આવીને એમની સાથે ઔપચારિક વાત કરવા ઊભી રહી. ત્યાં જ માએ કહ્યું, “બેટા, ડાહીકાકી માટે ચા બનાવવાનું મેં બાઈને કહ્યું છે. તૈયાર હોય તો ચા-નાસ્તો લઈ આવ.”

    હું ચા-નાસ્તો આપવા માટે પાછી ગઈ તો ડાહીકાકી મારા માથે હાથ મૂકીને બોલ્યાં, “ગણપતિબાપા તારું ભલું કરે.” હું થોડીક ગળગળી થઈ ગઈ હતી. એમનાં એ શબ્દોની સચ્ચાઈ મારા અંતર-મનને સ્પર્શી ગઈ હતી.

    એમના ગયા પછી, મેં માને પૂછ્યું કે ડાહીકાકી હજુયે ફરસાણની દુકાને કામ કરે છે તો એમણે મને જણાવ્યું કે હું અમેરિકા હતી એ દરમ્યાન, એમના પતિ, આફ્રિકાથી પૈસા તો નહીં, પણ કોઈક અસાધ્ય રોગ લઈને ઓચિંતા જ પાછા આવ્યા હતા. ડાહીકાકીએ જુમ્મનમિયાંની દુકાને કામ કરવા જવાનું મૂકી દીધું અને ખૂબ દિલથી એમની સેવા કરી. પણ બે-ત્રણ મહિનામાં જ એમનું મૃત્યુ થયું.

    એમના પતિ પોતાના જીવન વિમાના પૈસા ડાહીકાકીને મળે એટલી વ્યવસ્થા અંતમાં, કરતા ગયા, જેથી, ડાહીકાકીને ફરી કદી કામ ન કરવું પડે. માના અવાજમાં ડાહીકાકી માટે સહાનુભૂતિ ચોખ્ખી સંભળાતી હતી. કોણ જાણે કેમ, મને માના અવાજની અનુકંપા ગમી હતી, ખૂબ ગમી હતી.

    જુમ્મનમિયાંનું દરેક બપોરે ડાહીકાકીને ત્યાં આવવાનું તો હજુ ચાલુ હતું. એક દિવસ, હું બહારથી આવી ત્યારે, શામજીબાપાની વાડી સામે જુમ્મનમિયાંની પત્ની, એના ત્રણ જુવાન દીકરાઓ સાથે, બૂમો પાડીને, રડતાં રડતાં, અનેક અપશબ્દો બોલીને ડાહીકાકીને ભાંડી રહી હતી.

    વફાદાર ગુરખાના કુટુંબના એકેએક સભ્યોએ આ લોકોને કંપાઉંડમાં આવતાં રોકી રાખ્યાં હતાં. જુમ્મનમિયાંની પત્ની અને એની આ ભવાઈનો સાર એ હતો કે એમની જુવાન દીકરીના લગ્ન જુમ્મનમિયાંના ડાહીકાકી સાથેના લગ્નેતર સંબંધોને કારણે તૂટી ગયાં હતાં, જેનું ઠીકરું જુમ્મનમિયાંની પત્ની એકલાં ડાહીકાકીના માથે ખુલ્લેઆમ ફોડી રહી હતી!

    તમાશાને તેડું ન હોય, ને, જોતજોતાંમાં, લોકો જમા થઈ ગયાં. બહાર જે ભીડ એકઠી થઈ ગઈ હતી એને, અને જુમ્મનમિયાંની પત્નીને, શાંત પાડવાની ચંચળબા ઠાલી કોશિશ કરતાં હતાં. ડાહીકાકી ઘર બંધ કરીને બેસી રહ્યાં હતાં, એવું ત્યાં જોરજોરથી બોલાતું હતું, એ પરથી લાગ્યું. અમે પણ અમારી અગાશી પરથી આ તમાશો જોવામાં શામિલ હતાં.

    મેં, ત્યારે માને કહ્યું, “અરે, આટલાં વરસો પછી એમને આમ ભાંડવાનું યાદ આવ્યું? અત્યાર સુધી એમને ખબર નહોતી કે એમનો હસબંડ આટલા બધાં વર્ષોથી શું કરી રહ્યો હતો? એકલાં ડાહીકાકીને કેમ ભાંડે છે? એમનો એકલાનો વાંક થોડો છે?” માએ મારી સામે એક પ્રશ્નાર્થ નજર કરી.

    મેં પણ સામે શાંતિથી કહ્યું, “વોટ? મા, હું એડલ્ટ છું! ઓકે?” પછી અમે મા-દીકરી કઈં પણ બોલ્યાં વિના નીચે ઊતરી ગયાં.

    તે દિવસે, ચંચળબા અને ગુરખાનું કુટુંબના સભ્યો, આ ટોળાંની અને ડાહીકાકીની વચ્ચે એક અડીખમ દીવાલ સમ સતત ઊભા રહ્યાં હતાં. બે કલાક સુધી ભીડ ત્યાં જમા રહી અને જુમ્મનમિયાંની પત્ની એના જુવાન દીકરાઓ સાથે મળીને ડાહીકાકીને બે-ત્રણ કલાકો સુધી સતત ભાંડતી રહી હતી. છેવટે, જુમ્મનમિયાં ત્યાં આવ્યા અને પોતાના કુટુંબને મહામહેનતે સમજાવીને પાછા લઈ ગયા હતા.

    ****

    બીજે દિવસે, વહેલી સવારે, છ વાગે, ડાહીકાકીના ભજનને બદલે, પોલિસની સાયરનના અવાજથી જાગીને, હું સફાળી ઊઠી ને શું થયું છે, એ જોવા પાછળની અગાશીમાં ગઈ. મા પણ ત્યાં જ હતાં. ડાહીકાકીનું અચેતન શરીર એમના આંગણાંમાં પડ્યું હતું. જુમ્મનમિયાં એમના શરીર પાસે, આંસુ સારતાં, ગુમસુમ ઊભાં હતાં. ચંચળબા ચોધાર આંસુએ રડી રહ્યાં હતાં. બીજાં થોડાં આડોશી-પાડોશીઓ પણ ત્યાં ભેગાં થયાં હતાં.

    મેં માને પૂછ્યું, “શું થયું ડાહીકાકીને?”

    માની આંખમાં પણ આંસુ હતાં. “ડાહીએ ગઈકાલે રાતે કૂવામાં પડીને આપઘાત કર્યો! હું ત્યાં જાઉં છું, તારે એમનાં છેલ્લા દર્શન કરવા આવવું છે?” મેં ડોકું ધૂણાવીને ‘હા’ તો પાડી પણ કોણ જાણે કેમ, મારી આંખોમાં આંસુ આવ્યાં અને હું માને, ભેટી પડી! અમે ફૂલો લઈને શામજીબાપાની વાડીમાં પહોંચ્યાં.

    ડાહીકાકીના મૃતદેહના દર્શન કર્યાં પણ ત્યારે મારી આંખમાં વહી ન શકેલાં આંસુના પડળ બાઝી ગયા હતા. મેં એમનાં ચરણો પર ફૂલ મૂકીને પ્રદક્ષિણા કરી અને પ્રણામ કર્યાં. મારી સાથે, “જેના મુખમાં રામનું નામ નથી” ભજનનાં શબ્દો પણ મૌનનાં વાઘા પહેરીને પ્રદક્ષિણા ફરીને પ્રણામ કરતા હતા. ડાહીકાકીના નિશ્ચેટ મુખ ત્યારે, મુક્તિનો શાંત ઉત્સવ ઉજવાતો હોય એવી કોઈ અલૌકિક નૂરની આભા હતી.

    આજે, હિપ્નોટિઝમની જાહેરાત વાંચીને મારી સામે જાણે એ આભા, એ નૂર મારી સામે જ પથરાઈ ગયું હોય એવો મને ભાસ થતો હતો. એ નૂરની આભામાં મને “મજાજ”નો આ શેર અનાયાસે યાદ આવી ગયોઃ

    “નૂર હી નૂર હૈ જિસ સિમ્ત ઉઠાવું આંખે
    હુસ્ન હી હુસ્ન હૈ તા- હદ્દે- નજર આજ કી રાત…! ”


    સુશ્રી જયશ્રી વિનુ મરચંટનો સંપર્ક jayumerchant@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

     

  • સાગરમાં વિરમેલા સૂર

    સંગીતની કેડીએ જિપ્સીનો વિસામો

    કેપ્ટન નરેન્દ્ર ફણસે

    એ કયા ગાયક હતા જેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝના ઇન્ડીયન નૅશનલ આર્મીના સૈનિકો માટે ‘કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા‘ જેવા કૂચ-ગીતને સંગીત આપ્યું? જેના તાલ પર આઝાદ હિંદ ફોજના સૈનિકો ઇમ્ફાલ સુધી પહોંચી ગયા હતા?

    ક્યા ગાયકે કાઝી નઝરૂલ ઇસ્લામના ગીત ‘સાવન રાતે જદી’ને અમર કર્યું, જેને તેમના બાદ હેમંતદા’ સમેત અનેક ગાયકોએ ગાયું?

    એ ક્યા ગાયક હતા જેમણે એક ગીત દ્વારા અનેક અનભિજ્ઞોને ‘મેઘદૂત’ વાંચવાની પ્રેરણા આપી?

    ક્યા ગાયકે ૧૯૪૦-૫૦ના દાયકામાં (અને ત્યાર પછી પણ) લાખો યુવક-યુવતિઓને તેમના પ્રેમનો ઇજહાર કરતા પ્રિતી-ગીતોની ભેટ આપી? એવા ગીતો, જે તેમણે તેમની મનની છુપી સંદૂકમાં કાયમ માટે સંઘરી રાખ્યા અને જ્યારે પણ યુવાનીની મધુર યાદો આવે ત્યારે તેનો સ્મૃતી-સૌરભ માણવા આ ખજાનો ખોલતા હતા?
    ક્યા ગાયકને તેમની સંગીત જીવનની કારકિર્દીમાં ફક્ત એક જ ફિલ્મમાં સંગીત આપવાની તક મળી હતી? અને તેમાં લતાજીએ ગાયેલું ગીત તેમના સર્વોત્કૃષ્ટ ગીતોમાંનું એક ગણાય છે, પરંતુ હાલ ભુલાઇ ગયું છે?

    ક્યા ગાયકને ખુદ ગાંધીજીએ નવું નામ આપ્યું જે તેમની સાથે કાયમ માટે જોડાયું અને જગપ્રસિદ્ધ થયું?

    એવા ક્યા ગાયક છે, જેમના નામે અહીં જણાવેલી અને લોકમાનસમાં છવાયેલી અનેક સિદ્ધીઓ હોવા છતાં તેમના અવસાનની કોઇએ નોંધ સરખી ન લીધી?

    નથી ખ્યાલ આવતો?

    આપ સાંભળીને ચોંકી જશો. જિપ્સી સૂરસાગર જગમોહનની જ વાત કરે છે. તેમણે ગાયેલ ભજન અને દેશભાવનાનાં ગીત સાંભળી ખુબ ગાંધીજીએ તેમનું નામ જગતને મોહી લેનાર ગાયક – જગમોહન નામ આપ્યું હતું

    * * * *

    જગમોહનનું જન્મ નામ હતું જગન્મય મિત્ર. તેમનો જન્મ ૧૯૨૬માં એક શ્રીમંત જમીનદાર પરિવારમાં થયો હતો. તે સમયના જમીનદાર પરિવારોમાં સંગીત સાંભળવામાં આવતું, ગવાતું નહિ. જગન્મયના સંગીત શોખને પોષવા માટે કોઇ પ્રોત્સાહન અપાયું નહિ. સંગીત તથા દેશભક્તિના રંગમાં તેઓ એવા રંગાયા કે તેની પાછળ તેમણે પરિવારનો ત્યાગ કર્યો.

    ૧૯૩૦નો દાયકો બંગાળી ગીતોનો ‘રોમૅન્ટીક’ યુગ હતો. વાણીકુમાર, પ્રણવ રૉય તથા મોહિની (કુમાર) ચૌધુરી જેવા ગીતકારોનાં ગીતોને સંગીત આપનાર એવા જ પ્રખ્યાત પંકજ કુમાર મલ્લીક, કમલ દાસગુપ્ત અને તેમના ભાઇ સુબલ દાસગુપ્ત તથા રાયચંદ બોરાલ સંગીતકાર હતા. તે યુગમાં જગમોહને રવીંદ્ર સંગીત તથા નઝરૂલ ગીતી ગાવાનું શરૂ કર્યું. કાઝી નઝરૂલ ઇસ્લામનું ‘સાવન રાતે જદી…‘નું રેકોર્ડીંગ કર્યું અને રાતોરાત તેઓ પ્રખ્યાત થઇ ગયા.

    ૧૯૪૦ના દાયકામાં જગમોહને ફૈયાઝ હાશમી (તે સમયે ફૈયાઝ ટીનએજર હતા!) લિખીત ગીત ‘દિલકો હૈ તુમસે પ્યાર ક્યું’ ગાયું અને હિંદી બિનફિલ્મી જગતમાં તેઓ પ્રકાશી ઉઠ્યા.

    આ યુગમાં સિને સંગીત અને બિન ફિલ્મી સંગીત લગભગ એકબીજાને સમાંતર ચાલી રહ્યા હતા. બન્ને જુદા genreનાં હતા તેથી તેમનો ચાહક વર્ગ જુદી કક્ષાનો, પણ એટલો જ વિશાળ હતો. જગમોહન, હેમંત કુમાર, તલત મહેમૂદ (તેમણે પણ ફૈયાઝ હાશમીના ‘તસવીર તેરા દિલ મેરા બહેલા ન સકેગી’થી શરૂઆત કરી હતી) એટલા જ લોકપ્રિય થઇ ગયા હતા જેટલા સાયગલ, નવા આવેલા મોહમ્મદ રફી, કૃષ્ણ ચંદ્ર ડે થયા હતા. જો કે જગમોહનની વાત જ જુદી હતી. યુવાનો તેમનાં ‘દિલકો હૈ તુમસે પ્યાર ક્યું’ અને ‘મુઝે ન સપનોંસે બહેલાઓ’ જેવા ગીતો ગાતા રહેતા અને યુવતિઓ સાંભળતી રહેતી! અને એક તરફી પ્રેમ કરનારાઓ દૂરથી તેમની પ્રિયા (!)ને જોઇ ‘આંખોમેં બસા હૈ …’ અથવા ‘પ્યારી તુમ કિતની સુંદર હો‘ ગણગણતા, અને તેના પ્રેમથી અણજાણ એવી કન્યાનું લગ્ન થઇ જાય ત્યારે પ્રેમભગ્ન થઇ ‘દિલ દે કર, દર્દ લિયા..’ ગાતા રહેતા!
    સંગીતના રસિકોને જગમોહનનાં બધા જ ગીતો ગમતા. ‘ઉસ રાગકો પાયલમેં જો સોયા હૈ...‘માં તેમને
    નૃત્યાંગના દેખાતી અને આ ગીત સાંભળીને જાણે ઝાંઝરમાંથી તેમનો પ્રિય રાગ ઝણકાર કરીને બહાર નીકળશે એવું લાગે! અને તેમણે ‘મેઘદૂત’માં ગાયેલું ‘ઓ વર્ષાકે પહલે બાદલ, મેરા સંદેશા લે જાના..’ સાંભળતાં શ્રોતા મંત્રમુગ્ધ થઇ આંખ બંધ કરે તો તેને પીત વસ્ત્ર પરિધાન કરેલ યક્ષ નજર આવે અને બન્ને હાથ ઉંચા કરી આષાઢના પહેલા દિવસે દૃશ્યમાન થતા મેઘને આર્જવતાપૂર્વક વિનંતિ કરતો દેખાય! તે સમયે એવું સાંભળવામાં આવ્યું હતું કે આ ગીતથી પ્રેરીત ઘણા યુવાનોએ મેઘદૂત વાંચવાની ઇચ્છા પ્રદર્શીત કરી હતી!

    લેખની શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે જગમોહને ફક્ત એક ફિલ્મ ‘સરદાર’માં સંગીત આપ્યું હતું. તેમાં લતાજીએ ‘પ્યારકી યે તલ્ખીયાઁ’ એટલી સુંદરતાથી ગાયું, તેમના સર્વશ્રેષ્ઠ ગીતોમાં તેની ગણના થઇ. સમયના વહેણમાં આ ગીત ખોવાઇ ગયું પણ તેમાં લતાજીએ જે નજાકતથી એક તાન લગાવી છે, સાંભળીને સાંભળનારાના રોમે રોમ ખડા થઇ જાય.

    જગમોહન ઘણા ભાવુક સ્વભાવના સજ્જન હતા. તેમને જનતાએ અપૂર્વ સ્નેહ આપ્યો અને આ સ્નેહને પ્રતિસાદ આપવા તેમણે તેમના ચાહકોના આગ્રહથી તેઓ જ્યાં બોલાવે ત્યાં જઇ કાર્યક્રમ આપતા. સંગીતને તેમણે ધન ઉપાર્જન કે આજીવિકાનું સાધન માન્યું નહિ તેથી ફિલ્મ જગત પ્લેબૅક કે સંગીત નિર્દેશન તરફ ધ્યાન આપ્યું નહિ. તેમને સૌથી વધુ સ્નેહ આપ્યો હોય તો ગુજરાતની પ્રજાએ. ગુજરાતમાં તેમના અનેક કાર્યક્રમો થયા. તેમની પાસે તેમનું પોતાનું ઘર નહોતું. ગુજરાતના સાહિત્યકાર અને સંગીતના દર્દી શ્રી. રજનીકુમાર પંડ્યાએ તેમને પોતાને ઘેર બોલાવ્યા, જ્યાં તેમણે બે વર્ષ સુધી તેમની મહેમાનગતિ આનંદી. ત્યાર પછી તેમણે ગીતામંદિર નજીક ફ્લૅટ લીધો અને ત્યાં તેઓ એકલા રહ્યા. આપણા વરીષ્ઠ પત્રકાર તુષારભાઇ ભટ્ટે તેમની મુલાકાત લીધી હતી, જેનું તેમણે સુંદર વર્ણન પ્રસિદ્ધ કર્યું હતું. નવાઇની વાત તો એ છે કે તેમના ગીતામંદિરના વાસ્તવ્ય દરમિયાન તેમના પાડોશીઓ પણ જાણતા નહોતા કે સૂરસાગર તરીકે જાણીતા થયેલા ભારતના એ વખતના સૌથી વધુ લોકપ્રિય થયેલા ગાયક તેમની બાજુમાં રહેતા હતા!

    જિપ્સી જાણતો નથી કે કેવા સંજોગોમાં સૂરસાગર જગમોહન અમદાવાદ છોડી મુંબઇ ગયા. મુંબઇમાં તેઓ કોને ત્યાં અને કેવી હાલતમાં રહ્યા તે બહુ ઓછા લોકો જાણે છે. તેમના અવસાનની માહિતી પણ ‘આવાઝકી દુનિયાકે દોસ્તો’ સુધી પહોંચી નહિ. લોકોએ એટલું જ જાણ્યું કે સપ્ટેમ્બરના બીજા અઠવાડીયામાં જગમોહન આ દુનિયા છોડી ગયા. આપણે તેમને શ્રદ્ધાંજલિ આપીએ અને પ્રાર્થના કરીએ કે તેઓ કૈલાસ ધામમાં ચિરંતન સ્થાન પામે અને નટરાજના દરબારમાં તેમના સંગીતથી નટેશની અર્ચના કરતા રહે.


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com