પહેલા અંકમાં આપણે આજથી પચાસ વર્ષ પહેલાં નવં સવાં ગાયિકા પ્રીતિ સાગરનાં ગીત ‘ માય હાર્ટ ઈઝ બિટીંગ‘ની વાત કરી હતી. તે પછી બીજા અંકમાં બીરેનભાઈનો પ્રીતિ સાગર સાથે અંગત પરિચય કયા સંજોગોમાંથયો તે જાણ્યું. એ જોડાણનું લાંબું પુરાણ આલેખવાની શી જરૂર પડી તે હવે બીરેનભાઈ પાસેથી જ જાણીએ.
બીરેન કોઠારી
૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ના બપોરે એક વાગ્યે ઉર્વીશનો ફોન આવ્યો. વાતચીત કંઈક આવી થઈ. તેણે પૂછ્યું: “નડિયાદ આવી ગયો છું?”
“હા.”
“તને લેવા આવીએ છીએ.”
“ક્યાં જવાનું છે?”
“પ્રીતિ સાગરને મળવા.”
“હેં???”
“વિગત જણાવું છું હમણાં, પણ તું તૈયાર રહે. અમે (ઉર્વીશ અને હસિત મહેતા) દસેક મિનીટમાં જ નીકળીએ છીએ.”
આટલા ઓછા સમયમાં પણ બીજા અંકમાં લખી હતી એ તમામ સ્મૃતિઓની પટ્ટી મનમાં ફરવાની શરૂ થઈ ગઈ.
ઊર્વીશનો ફોન આવ્યાની દસ મિનીટમાં જ અમે નેશનલ હાઈવે પર હતા. હસિતભાઈની કારમાં ડૉ. પારૂલબહેન પટેલ, ઉર્વીશ અને હું- એમ કુલ ચાર જણા નડિયાદથી વિદ્યાનગરને રસ્તે નીકળ્યા. ઉર્વીશે જણાવ્યું કે પ્રીતિ સાગર હસિતભાઈના એક મિત્ર દેવદત્તભાઈ સાથે મુંબઈથી આવેલાં છે, અને વિદ્યાનગરના એક રિસોર્ટમાં ઊતર્યાં છે. તેઓ ચેક આઉટ કરીને નીકળવાનાં છે, અને આપણે એ વખતે એમને મળવાનું છે.
આખી વાત એવી બનેલી કે પ્રીતિ સાગર અને એમના પતિ સોમી સરન દેવદત્તભાઈ દંપતિનાં મિત્રો હતા. તેઓ આગલા દિવસે મુંબઈથી આવેલાં અને ડાકોર દર્શનાર્થે ગયેલાં. હસિતભાઈ સાથે દેવદત્તભાઈ સંપર્કમાં હતા અને તેમણે હસિતભાઈને જણાવેલું કે તેમની સાથે એક ‘ગેસ્ટ’ પણ છે, અને એ લોકો બીજા દિવસે ‘અમૂલ’માં કોઈકને મળવા જવાના છે. આમ તો, દેવદત્તભાઈના ગેસ્ટ હોય એમાં હસિતભાઈને શું રસ હોય, પણ તેઓ ‘અમૂલ’માં કોઈકને મળવા જવાના છે, અને હસિતભાઈ ‘અમૂલ’માં અનેક લોકોને જાણે. એટલે એમણે સ્વાભાવિકપણે જ પૂછ્યું, ‘કોને મળવા જવાના છો?’ દેવદત્તભાઈએ કહ્યું, ‘મારી સાથે પ્રીતિ સાગર છે.’ આ સાંભળીને હસિતભાઈને હળવો આંચકો લાગ્યો અને તેમનાથી સહસા પૂછાઈ ગયું, “એ હમણાં શું કરે છે?” દેવદત્તભાઈને લાગ્યું કે હસિતભાઈ પ્રીતિ સાગરને કદાચ ન પણ ઓળખતા હોય. એટલે એમણે સહજપણે કહ્યું, “એ સીંગર છે.” એ પછીની વાતોમાં જે રહસ્યોદ્ઘાટન થયું હોય એ, પણ હસિતભાઈને લાગ્યું કે પ્રીતિ સાગર આમ છેક ઘરઆંગણે આવ્યાં હોય અને એમને મળીએ નહીં એ કેમ ચાલે? એ પછી એમને આવેલો તરતનો વિચાર એ કે બીરેન-ઉર્વીશને સાથે લઈને મળીએ તો ઓર મજા આવે. હસિતભાઈના મનમાં બીજાં પણ આયોજન હશે, પણ આખરે એ નક્કી થયું કે બપોરે અમારે રિસોર્ટ પર પહોંચી જવું.
રસ્તામાં ઉર્વીશ સાથે વાત થઈ એટલે એણે ટૂંકમાં કહી દીધું કે ‘બધો માલ લઈ લીધો છે.’ તેને આગોતરી જાણ થઈ અને બધો ‘માલ’ એની પાસે સહજસુલભ રીતે ગોઠવાયેલો હતો. એ બધું એણે સાથે રાખેલું.
પોણા બે – બે વાગ્યાની આસપાસ અમે વિદ્યાનગર પહોંચીને સીધા રિસોર્ટના રિસેપ્શન એરિયામાં પહોંચી ગયા. લગભગ તરત જ દેવદત્તભાઈ આવ્યા. હસિતભાઈએ પરસ્પર પરિચય કરાવ્યો અને અમે વાતો કરતાં બેઠાં. એમણે કહ્યું, ‘પ્રીતિબહેન પણ આવે જ છે.’ વાતવાતમાં જાણવા મળ્યું કે દેવદત્તભાઈ અને પ્રીતિ સાગરના પતિ મિત્રો હતા.
અમારી વાતો ચાલી, અને થોડી વારમાં જ પ્રીતિ સાગર, તેમના પતિ શ્રી સરન અને દેવદત્તભાઈનાં પત્ની સામેથી આવતા દેખાયા. તેઓ આવ્યાં એટલે દેવદત્તભાઈએ હસિતભાઈનો પરિચય કરાવ્યો, અને હસિતભાઈએ અમારા સૌનો. બહુ વિવેકસભર રીતે પ્રીતિ સાગરે હાથ જોડીને સૌને મળવાની ખુશી વ્યક્ત કરી. તેઓ ગુજરાતીમાં જ વાત કરી રહ્યાં હતાં. હસિતભાઈએ કહ્યું, “આ બન્ને ભાઈઓ તમને વરસોથી ઓળખે છે. એ લોકો જ એના વિશે કહેશે.” પ્રીતિ સાગરે સ્મિત આપ્યું. એ પછી ઉર્વીશ મહેમદાવાદથી લાવેલા ‘માલ’ સાથે ઊભો થયો અને પ્રીતિ સાગરની બાજુમાં ગોઠવાયો. અમને બરાબર અંદાજ હતો કે પ્રીતિ સાગર એ જોશે તો નવાઈ જ પામશે. એ ધારણા સાચી પડી. સૌથી પહેલાં ઉર્વીશે ૧૯૯૧માં લીધેલા તેમના અને તેમના પિતાજી મોતી સાગરના ઓટોગ્રાફ દેખાડ્યા. એ જોઈને તેમને સુખદ આશ્ચર્ય થયું. એ પછી 1991માં યોજાયેલા એ કાર્યક્રમ વિશે ઉર્વીશે વાત કરી. તેમને યાદ નહોતું કે પોતે આવા કાર્યક્રમમાં આવેલાં. પણ એના ફોટા જોઈને તેમણે બહુ આનંદ વ્યક્ત કર્યો.
ત્રણ દાયકા પછી એ જ પાન પર…(પાછળ ઊભેલાં શ્રીમતી દેવદત્ત)
સંઘરેલો ‘માલ’ દેખાડવાની મજા
‘ભૂમિકા’ની રેકોર્ડના કવર પર ઓટોગ્રાફ
(સામે બેઠેલા હસિત મહેતા)
પ્રીતિ સાગર અને એમના પતિ સોમી સરન
એક વાત એ લાગી કે પ્રીતિ સાગર પોતે એવા વહેમમાં હોય એમ ન લાગ્યું કે એમનું નામ પડતાં જ લોકો એમને ઓળખી જાય. એટલે એમના ઊપરાંત એમના પિતાજીના ઓટોગ્રાફ અને ફોટોગ્રાફ જોઈને એમને બહુ સારું લાગ્યું હોય એમ જણાયું.
એ પછી ઉર્વીશે એક પછી એક રેકોર્ડ કાઢી. એ જોઈને તેમના મોંમાથી આશ્ચર્યના ઉદ્ગાર સરતા ગયા. ‘Spring is coming’ રેકોર્ડ જોઈને એમણે કહ્યું, ‘આ તો મારી પાસે પણ નથી.’
“આ તો મારી પાસે પણ નથી.”
સહજપણે વાતો આગળ વધતી રહી. ‘મંથન’ની રેકોર્ડના કવર પર અગાઉ વનરાજ ભાટિયાના ઓટોગ્રાફ લીધેલા હતા. એની બાજુમાં જ એમને ઓટોગ્રાફ આપવા અમે વિનંતી કરી. અમે વનરાજ ભાટિયા સાથેની મુલાકાત યાદ કરીને ‘મંથન’ના ગીત વિશે કહ્યું. એટલે તેમણે કહ્યું, ‘મને બધા કહેતા કે વનરાજ ભાટિયાનાં કમ્પોઝિશન એવાં હોય છે કે બીજું કોઈ એ ગાઈ ન શકે. તું કેમનાં ગાઉં છું?’ એમ કહીને જણાવ્યું, ‘એમના ગીતમાં એક ટ્રેક આમ (એક દિશામાં હાથથી ઈશારો કરીને) ચાલતી હોય, બીજી ટ્રેક આમ (બીજી દિશામાં હાથથી ઈશારો કરીને) ચાલતી હોય..!’ આર્ટ ફિલ્મોના દિગ્દર્શકોની ગીત ફિલ્માંકનની અણઆવડત બાબતે વનરાજ ભાટિયાનો અભિપ્રાય અમે જણાવ્યો, જેનાથી એ જ્ઞાત ન હોય એમ બને જ નહીં. એમણે ઊમેર્યું, ‘શ્યામ બેનેગલ પણ એ રીતે જ ફિલ્માંકન કરતા હતા.’ વાતવાતમાં તેમણે કહ્યું, ‘મંથન’ માટે અસલમાં શ્યામ બેનેગલે અવિનાશ વ્યાસ પાસે એક ગીત લખાવેલું. પણ એ ગીત એમને બહુ ‘ભારે’ લાગ્યું અને કહ્યું કે ના, આવું નહીં, મારે એકદમ સરળ ગીત જોઈએ.’ પ્રીતિ સાગરનાં બહેન નીતિ સાગર ત્યારે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણતાં. માતા ગુજરાતી હોવાથી ભાષાથી પરિચીત, પણ ગીતલેખનનો કોઈ અનુભવ નહીં. છતાં તેમણે કહ્યું, ‘હું પ્રયત્ન કરું?’ તેમણે થોડા શબ્દો લખ્યા અને શ્યામ બેનેગલને બતાવ્યા એટલે શ્યામબાબુ અહે, ‘બસ, મારે આવું જ ગીત જોઈએ.’ એમ એ ગીત લખાતું ગયું. વનરાજ ભાટિયા પણ એમાં સંકળાતા. ગીત રજૂઆત પામ્યું અને એવી લોકપ્રિયતાને વર્યું કે વખતોવખત એ જ મૂળ ધૂનમાં શબ્દો બદલાવીને ‘અમૂલ’એ તેને અપનાવી લીધું. ‘અમૂલ’માં ઈન્ટરકોમ પર કોલર ટ્યુન તરીકે આ ગીત, લીફ્ટમાં પણ આ જ ગીત, જાહેરાતમાં પણ આ જ ગીતનો ઊપયોગ! પોતે ગાયેલા ગીતનું આ હદનું ચિરંજીવપણું કયા ગાયકને ન ગમે! એનો માપસરનો રોમાંચ પણ એમની વાતમાં જણાયો.
મોતી સાગર અને નલિન શાહની મિત્રતા વિશે વાત નીકળી એટલે અમે નલિનભાઈ અમારા ‘ગુરુ’ હતા એ જણાવ્યું. એમણે તરત પૂછ્યું, ‘એમની પાસે ઘણું જૂનું કલેક્શન હતું. એનું શું થયું?’ ‘સાગર મુવીટોન’ પુસ્તક વખતે નલિનભાઈએ મને એક જૂનું બાંધકામ જોવા જવા જણાવેલું, જે એમને મોતી સાગરે બતાવેલું અને એ ‘સાગર મુવીટોન’ની લેબ હતી એમ કહેલું. એ બધી વાતો થઈ.
ઓટોગ્રાફ બુકમાં એમણે 33 વર્ષ અગાઉ ઓટોગ્રાફ આપેલા એની બાજુમાં જ એમને કંઈક લખવા જણાવ્યું અને એમણે પણ હોંશથી એ લખી આપ્યું. ઉર્વીશે જણાવ્યું કે તમને પહેલી વાર મળ્યો ત્યારે મારી ઉંમર વીસ-એકવીસની હતી, આજે મારી દીકરીની ઉંમર એકવીસની છે. આ જાણીને તેમને પણ મજા આવી. બીજી વાતો પણ થતી રહી. તેઓ પછી એડ ફિલ્મો અને એના નિર્માણ સાથે સંકળાયેલાં. ફિલ્મમાં પાર્શ્વગાયન ઘણા વરસોથી બંધ કર્યું છે.
૩૩ વર્ષના અંતરાલ પછી એ જ પાન પર
(વાતચીત દરમિયાન ૩૧ વર્ષનો ઉલ્લેખ
થતો રહ્યો હોવાથી એમણે પણ એ
જ આંકડો લખ્યો છે.)
વીસ-પચીસ મિનીટની એ ટૂંકી, પણ આનંદદાયક મુલાકાત અમારા સૌ માટે સંભારણા જેવી બની રહી. અમારા માટે તો ખરી જ, પ્રીતિ સાગરે પણ કહ્યું, ‘મને ખ્યાલ નહોતો કે આ મુલાકાતમાં તમને મળવાનું થશે અને આવું સરપ્રાઈઝ મળશે. બહુ આનંદ આવ્યો.’
આ આખી મુલાકાતમાં એક બાબત ખાસ નોંધવી રહી. પ્રીતિ સાગરના પતિ સોમી સરનની ભૂમિકા સમગ્ર ઊપક્રમમાં બહુ સહયોગપૂર્ણ રહી. આરંભિક પરિચય પછી તેઓ એક તરફ ગોઠવાયા અને અમારી વાતોમાં ક્યાંય વચ્ચે ન આવ્યા કે ન કશી એવી ચેષ્ટા દાખવી કે અમારે વાત ટૂંકાવવી પડે. તેમણે પણ સમગ્ર મુલાકાતનો આનંદ વ્યક્ત કર્યો. આ લખવાનું ખાસ કારણ એ કે આવું સહજ નથી હોતું. હસિતભાઈ અને પારૂલબહેને પણ અમને વાતોની મોકળાશ કરી આપી, અને પારુલબહેને અમારી વાતચીત દરમિયાન તસવીરો ખેંચવાની જવાબદારી સ્વેચ્છાએ સંભાળી લઈને અમને વાતચીત કરવા માટે મુક્ત રાખ્યા. એ જ રીતે દેવદત્તભાઈ અને તેમનાં પત્નીએ પણ પૂરો સહયોગ આપ્યો.
આમ, પરોક્ષ રીતે શરૂ થયેલું સંગીતસંબંધનું એક વર્તુળ પ્રત્યક્ષ મુલાકાત દ્વારા બહુ આનંદદાયક રીતે પૂરું થયું.
આ લેખ આ પહેલાં ૨૬-૧૨-૨૦૨૩ના રોજ પ્રકાશિત થઈ ચુક્યો છે.
પરંતુ આજની ભૌતિક દૃષ્ટિકોણની પાછળ દોડતી સેવાની પ્રવૃતિની સામે આ લેખમાં જ તેમની સેવા પ્રવૃતિ માટે કહેવાયેલું વાકય – સાચા ભગવાન મંદિર, મસ્જિદ કે તીર્થમાં નથી કે નથી પથ્થરની મૂર્તિઓમાં સાચા દેવ દરિદ્રનારાયણ છે. તેમની સેવા એ જ સાચી સેવા છે એમ ઉપદેશતા બાબા સેવાના નામે ચાલતા ધંધાથી વાકેફ હતા. થોડી સેવા અને ઝાઝી પ્રસિધ્ધિને બાબા સેવાના નામે ચાલતી દુકાનદારી કહેતા હતા- આ કક્ષાના ભેખધારી ‘સેવક સંત’ વ્યક્તિત્વોને ફરી ફરીને યાદ કરવાની જરૂરને અધોરેખિત કરે છે.
તેથી આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમને યાદાંજલિ તરીકે આ લેખ પુનઃપ્રકાશિત કરી છીએ.
સંપાદક મંડળ, વેબ ગુર્જરી
નિસબત
ચંદુ મહેરિયા
આજકાલ બધે ચર્ચા તો બાગેશ્વર બાબાની છે પણ આપણે વાત ગાડગે બાબાની કરવી છે. હવે આડા બે વરસ છે ને એમનું દોઢસોમું જન્મ પર્વ મનાવાશે. મૂળ નામ તો ડેબુ કે ડેબુજી. પણ જાણીતા થયા ગાડગે બાબા(૧૮૭૬-૧૯૫૬) તરીકે. પત્ની- સંતાનો સહિતના પરિવારને છોડી લોકસેવા માટે એમણે ભારતના આમ આદમી જેવું જીવન સ્વીકાર્યું. તેમાં બદન પર ફાટેલા લુગડાં અને એકમાત્ર મિલકત સમું માટીનું શકોરું હતાં. શકોરાને મરાઠીમાં ગાડગં કહે છે એટલે તેને કાયમ સાથે રાખનાર તરીકે ગાડગે બાબા તરીકે પ્રખ્યાત થયા હતા.
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના શેણગાંવમાં ૨૩મી ફેબ્રુઆરી ૧૮૭૬ અને મહાશિવરાત્રિના દિવસે નિર્ધન ધોબી પરિવારમાં ગાડગે બાબાનો જન્મ થયો હતો. પિતાનું નામ ઝિંગરાજી અને માતાનું નામ સખુબાઈ. ધોબી જ્ઞાતિનો ઉત્તર અને પૂર્વ ભારતમાં અસ્પૃશ્ય અને પશ્ચિમ તથા દક્ષિણ ભારતમાં પછાત વર્ગમાં સમાવેશ થાય છે. બાબા ગાડગેના જન્મ સમયનું , ઓગણીસમી સદીનું , ભારત અને મહારાષ્ટ્ર ધાર્મિક વહેમ, અંધશ્રધ્ધા, પાખંડ, રૂઢિજડતા, પશુબલિ, વ્યસનો, ગરીબી , અસ્પૃશ્યતા અને નિરક્ષરતાથી ગ્રસ્ત હતું. ડેબુના પિતા પણ દારૂના વ્યસન અને શાહુકારોના કરજથી મુક્ત નહોતા. આઠ વરસના એકમાત્ર સંતાન પુત્ર ડેબુને છોડીને અંતિમ વિદાય લેતાં એમણે પત્ની પાસેથી દીકરાને દારુ અને ધાર્મિક પાખંડથી દૂર રાખવાનું વચન લીધું હતું.પિતાનું અવસાન થતાં, માતાએ પિયરવાટ પકડી. ડેબુજીનું બાળપણ મોસાળમાં વીત્યું. નિશાળે જવાનો તો કોઈ સવાલ જ નહોતો. ઢોર ચરાવવાનું અને ખેતીનું કામ કરતા મહેનતુ ભાણાને મામાએ બહુ વહેલો પરણાવી દીધો.
ગોવાળિયા તરીકે ઢોર ચરાવતી વેળા કે વિશ્રાંતિમાં ભજનો લલકારતા ડેબુજીએ ભજન મંડળી પણ ઉભી કરી હતી. જોકે નિરક્ષર ડેબુજીનો અભિગમ ધાર્મિક કરતાં માનવતાવાદી વધુ હતો. સારાનરસા અને ન્યાયઅન્યાયની પરખે મામાની સાથે શાહુકારે કરેલી છેતરપિંડી અને તેમના પ્રતિકાર સામે કુટુંબની શરણાગતિએ તેમને હલાવી મૂક્યા. અગાઉ પ્રથમ સંતાનના જન્મ વખતે તેમણે પશુબલિનો ઈન્કાર કરીને સમાજમાં સુધારાની શરૂઆત તો કરી જ હતી. મનની ચૈતસિક સ્થિતિ અને સમાજની હાલત વિશે વિચારીને કુટુંબના નાના દાયરાની બહાર નીકળી બહોળા સામાજિક જીવન અને સમાજસુધાર માટે તેમણે ગૃહત્યાગ કર્યો હતો.
ગર્ભવતી પત્ની અને ત્રણ બાળકોને છોડીને ડેબુજી નીકળી પડ્યા હતા. ૧૯૦૫થી ૧૯૧૭ના બાર વરસ તેઓએ આખા મહારાષ્ટ્ર અને દેશના ઘણાં ભાગોમાં પગપાળા અને ક્યારેક રેલવેમાં ખુદાબક્ષ તરીકે ભ્રમણ કર્યું હતું. આ વરસોમાં અપમાન,ઉપેક્ષા, તિરસ્કાર અને માન જેવા બધા અનુભવો કર્યા. બાર વરસનો આ સાધનાશ્રમ ખરેખર તો અનુભવશ્રમ કે સ્વાધ્યાય હતો. રોજ ભીખ માંગીને ખાધું અને બદલામાં તનતોડ મજૂરી કરી. ભીખના બદલામાં કોઈના લાકડા ફાડ્યા તો ખેતર કે મહોલ્લો સાફ કર્યો.
શેઠના બંગલે કે ગાંધીના સેવાગ્રામ સુધ્ધામાં દેશના અદના આદમીની જેમ જમીન પર બેસીને હાથમાં રોટલો અને ચટણી લઈ બાબા હંમેશા ખાતા. શકોરું કે છાલિયાની જેમ સાવરણો પણ એમની ઓળખ. ગાંધી હજુ ભારતમાં આવ્યા પણ નહોતા તે પૂર્વે ગાડગે બાબાએ સ્વચ્છતાને આચરણ દ્વારા ઉપદેશ બનાવ્યો. મંદિર હોય કે ગામનો ચોક સઘળું દિવસભર ચોખ્ખુંચણાક કરી દેતા. ગંદકીથી ખદબદતા તીર્થસ્થાનોને પણ એમણે ચમકાવ્યા હતા.સમાનતા અને સ્વચ્છતાની અલખ મારું જીવન એજ મારી વાણીથી જગવ્યા હતા..
ભ્રમણ દરમિયાન દિવસે મજૂરી કરતાં ગાડગે મહારાજ રાત્રે કિર્તન કરતા હતા. તેમના મધુર અવાજમાં કબીર અને રૈદાસ, જ્ઞાનેશ્વર અને તુકારામના પદો એવા તો ગવાતા કે જે લોકો તેમને પાગલ સમજતા તે પણ સાંભળવા બેસી જતા. બાબાની કિર્તન કરવાની પધ્ધતિ સંવાદની કે સવાલ-જવાબની હતી. સરળ અને લોકભોગ્ય શૈલી તથા વિદર્ભની કરાડી બોલીમાં તે ઘણી અઘરી વાતો તર્કબધ્ધતાથી લોકોના ગળે ઉતારતા. આખાબોલા બાબા કડવાબોલા પણ એટલા જ હતા. માનવમાત્ર અને પશુપક્ષી પ્રત્યે અપાર કરુણા ધરાવતા બાબા લોકોને ખોટું કરતા જોઈને દુ:ખી થતા. તેઓ કિર્તન કે સંવાદમાં અસ્પૃશ્યતા, ભાઈચારો, ધાર્મિક અંધશ્રધ્ધા, શાહુકારોનું કરજ, પશુબલિ, ગરીબી અને શિક્ષણ જેવા વિષયો ચર્ચતા હતા. બાબા કિર્તનમાં કોઈ આત્મા-પરમાત્માનું આધ્યાત્મિક જ્ઞાન આપવાને બદલે લોકોના જીવનને સ્પર્શતી સામાજિક- ધાર્મિક સુધારાની બાબતો કહેતા એટલે લોકોને તે વધુ ઉપયોગી બનતી.
ગાડગે બાબા કહેતા કે ના હું કોઈનો ગુરુ છું કે ના કોઈ મારો ચેલો છે. એટલે રાત્રે કિર્તન પૂરું કરીને એ અલોપ થઈ જતા હોય તેમ બીજા ગામ જતા રહેતા. તેમની પાછળ રહેતા તેમના કિર્તનના શબ્દો, જે લોકો જીવનભર ગાંઠે બાંધતા. બાબાએ જ્યાં પણ લોકોની મુશ્કેલીઓ જોઈ ત્યાં તેમને મદદ કરી. દલિતો, પછાતો, ગરીબો, કુષ્ઠરોગીઓ, વૃધ્ધો અને વિકલાંગોની સેવા તેમની પ્રાથમિકતા રહેતાં. કર્મસ્થળ ઋણમોચનની પૂર્ણા નદી, મંદિર અને ઘાટની સફાઈનું આરંભિક નમૂનેદાર કાર્ય તેમની કાયમી ઓળખ બની ગયું. જનહિત માટે તેમણે લોકફાળાથી લોકોપયોગી ઘણા ઘાટ,ધર્મશાળા, શાળા, વૃધ્ધાશ્રમ , અનાથાલય અને ઔષધાલય બનાવ્યા હતા.
આભડછેટનો તેમનો વિરોધ ખુદના આચરણથી ઉભો થયો હતો. એટલે સો ટચનો હતો. પંઢરપુરમાં વિશાળ ચોખામેળા ધર્મશાળા તેમણે દલિતો માટે બનાવી હતી. જાતે નિરક્ષર હતા પણ શિક્ષણની મહત્તા જાણતા હતા.એટલે ગરીબોને કહેતા કે બાળકોને ભણાવવાના પૈસા ન હોય તો ખાવાની થાળી વેચીને પણ બાળકોને ભણાવજો. થાળી વિના રોટલો હાથમાં લઈને ખાઈ શકાશે પણ ભણ્યા વિના નહીં ચાલે. મહારાષ્ટ્રના અમરાવતીની ગાડગે બાબા યુનિવર્સિટી અભણ બાબાના લોકશિક્ષણ અને સામાજિક સુધારણાનું જીવંત સ્મારક છે.
નિરક્ષર ગાડગે બાબા પાસે અનુભવનું જ્ઞાન એટલું કે ડો.આંબેડકર અને ગાંધીજી બેઉ તેમની સાથે વિમર્શ કરતા અને માર્ગદર્શન મેળવતા. બાબાસાહેબ આંબેડકર પ્રત્યે બાબાને સવિશેષ ભાવ હતો.પંઢરપુરની ધર્મશાળા બાબાએ બાબાસાહેબને દલિત વિધ્યાર્થીઓની હોસ્ટેલ માટે અર્પિત કરી હતી. કરોડાના ખર્ચે લોકસેવાના કામો અને બાંધકામો છતાં બાબા અકિંચન જ રહ્યા. કોઈ કીર્તિ અને કલદાર તેમને ચળાવી ના શક્યા.રાજ્ય અને રાષ્ટ્રના અનેક નેતાઓ તેમને મળતા પણ એ તો સદાય ચીંથરેહાલ અને શકોરા સાથે જ રહ્યા.
સાથી કાર્યકરોની પસંદગી તેઓ આકરી તાવણીથી કરતા.. ગણપતરાવ ગાંગણા બાબાના બધા કામોનો હિસાબકિતાબ રાખતા. કામમાં કુશળ અને પ્રામાણિક એટલા કે બાબા ગણપતરાવ જેવાના ગામ વસાવવાનું કહેતા. આ જ ગણપતરાવ પર ખોટું આળ મૂકાયું તો એમણે આત્મદહન કરીને જીવ આપી દીધો હતો. લોકોને તીર્થયાત્રાઓમાં નકામા સમય, શક્તિ, નાણા ન વેડફવા બાબા કહેતા.સાચા ભગવાન મંદિર, મસ્જિદ કે તીર્થમાં નથી કે નથી પથ્થરની મૂર્તિઓમાં સાચા દેવ દરિદ્રનારાયણ છે. તેમની સેવા એ જ સાચી સેવા છે એમ ઉપદેશતા બાબા સેવાના નામે ચાલતા ધંધાથી વાકેફ હતા. થોડી સેવા અને ઝાઝી પ્રસિધ્ધિને બાબા સેવાના નામે ચાલતી દુકાનદારી કહેતા હતા.
૮૦ વરસની વયે ૧૯૫૬ની ૨૦મી ડિસેમ્બરે અવસાન પામેલા ગાડગે બાબા લોકસેવાની એવી મિશાલ હતા કે સ્વામી આનંદે તેમને સેવક સંત કહ્યા હતા. આચાર્ય અત્રેના મતે અડધી સદી સુધી શુધ્ધ માર્ક્સવાદનું લોકશિક્ષણ આપનાર ગાડગે બાબા મહારાષ્ટ્રની સમાજવાદની પીઠ હતા.
નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. જોતજોતામાં આપણે ૨૦૨૫ના અંતિમ ચરણમાં આવી પહોંચ્યા છીએ. અત્રે USAમાં હાલ પાનખરની ઋતુ પૂરબહારમાં ખીલી છે. ભલે દિવસ બદલાય, મહિના બદલાય, ઋતુ બદલાય,પણ મનુષ્યની આનંદ અને ખુશી મેળવવાની મૂળભૂત ઝંખના હંમેશા અકબંધ જ રહે છે અને રહેશે. દલાઈ લામાએ ખુબ સરસ કહ્યું છે “The purpose of our lives is to be happy”. આ happiness એટલે કે સુખની કે આનંદની વ્યાખ્યા અને તેને મેળવવાનું માધ્યમ દરેક માટે અલગ અલગ હોય છે.
કોઈકને ધોધમાર વરસતા વરસાદમાં ભીંજાવામાં અનહદ આનંદની અનુભૂતિ થાય તો કોઈને વરસાદનો એક છાંટો પણ પડે તો મન વ્યથિત થઇ જાય. આમ આનંદની અનુભૂતિ કરવાનો સમગ્ર આધાર આપણા જીવન પરત્વે ના દ્રષ્ટિકોણ પર છે, આપણી મનઃસ્થિતિ પર છે Dale Carnegieએ પણ એવુંજ કંઈક કહ્યું છે કે “Remember happiness doesn’t depend upon who you are or what you have; it depends solely on what you think”. કવિવર ટાગોરે તેમના જીવનમાં પરમેશ્વર અને પ્રકૃતિને સમાન ભાવે પૂજ્યા છે. તેમના મતે પ્રકૃતિ અને પ્રાકૃતિક તત્વો એ પરમેશ્વરે આપેલી સૌથી મોટી બક્ષિશ હતી અને કદાચ એટલે જ પ્રકૃતિ સાથે એકાકાર થવામાં કવિવરને અનહદ આનંદનો આવિષ્કાર થતો હતો. અને પરમેશ્વર તો સ્વયઁ સત્તચિદાનંદ સ્વરૂપ છે.
પરમેશ્વર કે જે સમગ્ર સૃષ્ટિ પર પોતાની સમષ્ટિ અને કૃપાદૃષ્ટિ વરસાવે છે અને પરમેશ્વરના પ્રસાદ સમી પ્રકૃતિ- એ બંનેનો મહિમા વર્ણવતી કવિવરની એક ખુબ પ્રખ્યાત રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. ૧૮૯૩માંરચાયેલી આ રચના પૂજા પારજોયમાં(વિભાગમાં) અને “વિવિધા ” ઉપ પારજોયમાં વર્ગીકૃત થયેલી છે. જેનું શીર્ષક છે আনন্দলোকে মঙ্গলালোকে(Aanandloke Manglaloke) અને તેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે “આનંદનો આવિષ્કાર…”.
આ રચના મૈસુર રાજ્યમાં નિત્ય ગવાતા એક ભજન પર આધારીત છે અને અને ગુરુદેવે પોતે તેનું સ્વરાંકન તેજ રાગ પર કરેલું છે. આ રચનાને એકતાલ તાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ છે. આ રચનાને બંગાળી રબીન્દ્રસંગીતના ખ્યાતનામ કલાકારોના અવાજમાં સાંભળવી એ એક અનેરો લ્હાવો છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારાઆપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.
આનંદનો આવિષ્કાર
પરમસત્ય, પરમસુંદર, બસ એક જ તારું નામ પરમ આનંદની છોળો વહેતી નિરંતર તારે ધામ
પ્રસરાયો છે ઉજાસ તારો, સદૈવ અનંત આકાશે દાસ બનીને સમગ્ર બ્રહ્માંડ, ચરણો તારા પખાળે
આ સૂર્ય, ચંદ્ર ,ગ્રહો અને તારા મળી એક સંગાથે નાચી રહ્યા મદમસ્ત બની તારી કૃપાના અજવાળે
આ પુષ્પો, પર્ણો,વૃક્ષો અને વેલી નિજ મસ્તીમાં ઝૂમે વહી રહ્યો રંગબેરંગી સુગંધનો દરિયો તારા અનુગ્રહે
ફરી રહ્યું છે જીવનનું ચક્ર દિવસ રાત્રીને પગથારે વહી રહી છે જીવનસરિતા તારી કરુણાને સથવારે
સ્નેહ, દયા અને ભક્તિના રસથી છલકાવ્યું તે મારું મન સંતોષ, શાંતિ અને સમતાના દીપ પ્રગટાવ્યા મુજ જીવન
બનાવ્યુ ઉત્સવ આ જગતને, નમન મારા તું કર સ્વીકાર તારા શરણમાં થઇ રહ્યો મને, નિત્ય આનંદનો આવિષ્કાર
આ સુખ નો સાક્ષાત્કાર અથવા આનંદ નો આવિષ્કાર થવો એ અમુક વ્યક્તિઓ માટે બહુ સહજ ઘટના હોય છે. Some people can be happy in about everything and everywhere.
આ સુખ અથવા આનંદ એટલે શું? ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના અઢારમા અધ્યાયમાં સુખના ત્રણ પ્રકાર કહ્યા છે. સાત્વિક, રાજસિક અને તામસિક સુખ . સાત્વિક સુખ કે જેમાં આત્મા એક અવર્ણીય આનંદની અનુભૂતિ કરે છે અને તેના થકી આત્માનું પરમાત્મા તરફનું જોડાણ દ્રઢ બને છે. આ સાત્વિક સુખ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા ખુબ લાંબી અને કઠિન હોઈ શકે પણ અંતે એક અદ્વિતીય આનંદનો અનુભવ કરાવે છે.It is poison in the beginning and nectar in the end. આપણી ઇન્દ્રિયોના ઉપયોગથી મળતું સુખ એટલે રાજસિક સુખ જે ક્ષણિક આનંદનો અનુભવ કરાવે છે અને પ્રમાદ તથા અમર્યાદિત વિષય-વિલાસથી મળતું સુખ એટલે તામસિક સુખ.
આપણા વેદ-ઉપનિષદમાં સાત્વિક અને રાજસિક સુખ માટે “શ્રેય” અને “પ્રેય” શબ્દોનો પ્રયોગ થયેલ છે. “શ્રેય” એટલે કે જે જેને પ્રાપ્ત કરવાની યાત્રા ભલે વિકટ હોય પણ અંતે જેના થકી અનંત આનંદની અનુભૂતિ થાય અને “પ્રેય” એટલે કે જેના થકી ફક્ત તત્કાલ ક્ષણિક આનંદની અનુભૂતિ થાય.
પોતાની ભીતર રહેલા પરમાત્મા સાથે સાતત્યપૂર્ણ જોડાણ અનુભવતા કવિવર પોતાની કલમ અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા સાત્વિક સુખનો સાક્ષાત્કાર કરી શકતા હતા. પરમેશ્વરના શરણમાંજ અદભુત અદ્વિતીય આનંદનો આવિષ્કાર કરી શકતા હતા અને કદાચ એટલેજ તેમની કલમ દ્વારા પ્રકૃતિ અને પરમેશ્વરને પોંખતી આ રચના ઉદ્ભવી.
તો ચાલો, એ સત-ચિત્ત-આનંદ સ્વરૂપ પરમાત્માનું સ્મરણ કરતા કરતા હુંમારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,
સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
મહાન વિજ્ઞાની એરીસ્ટોટલે ૮૦ વર્ષની ઉંમરે વાંસળી શીખવાનું શરુ કર્યું. આ જોઇ કોઇએ પૂછ્યું કે “આટલી ઊંમરે વાંસળી શીખતા તમને શરમ નથી આવતી ?” એરીસ્ટોટલે કહ્યું, “ના ! શરમ તો મને હમણાં સુધી થતી હતી, જ્યારે બીજાને વાંસળી વગાડતા જોતો અને મને તે આવડતું નહોતું ત્યારે.” ઉંમર ગમે તેટલી હોય, શીખવામાં કોઇ શરમ ન હોવી જોઇએ. માનવ જાતની આજ સુધીની પ્રગતિ તેના કુતુહલ અને અભ્યાસવૃતિના કારણે થઈ છે.
ઉદાહરણ સાવ નાની ઉંમરવાળાનું : “પ્રાંશુ ! હું પૂછું એનો જવાબ દઈશ બેટા ! આપણા દેશનું નામ શું ?” એ કહે “ભારત.” મેં આગળ પૂછ્યું, “અને ભારતની રાજધાનીના શહેરનું નામ ?” તો કહે “દિલ્હી”. હાથમાં પૃથ્વીનો ગોળો લઈ મેં ચોથા ધોરણમાં અભ્યાસ કરતા મારા પૌત્ર પ્રાંશુ ભીંગરાડિયાને તેના સામાન્યજ્ઞાનની ખરાઇ અર્થે પ્રશ્નો પુછવાના શરુ કર્યા.
“ચાઇનાની રાજધાની ?….ઈઝ્રાયલની ?. અફઘાનીસ્તાનની ?, ઇરાકની ? એમ હું નકશામાં જોઇ દેશનું નામ પૂરુ બોલી ન રહ્યો હોઉં ત્યાં જ પૌત્ર પ્રાંશુ તેની રાજધાનીનું નામ ફટાફટ બોલી દેતો જોઇ-સાંભળી હું તો અચંબામાં પડી ગયો ! આવી રીતે મેં ૨૨-૨૫ દેશોની રાજધાની વિશે પૂછ્યું, પણ બધા જ સવાલોના સાચા જવાબો સાંભળી મારી ખુશીનો કોઇ પાર ન રહ્યો ! કહેવું પડે આ બાળકનું ! સાવ નાની વયમાં આટલું બધું સામાન્યજ્ઞાન ? કેટલી બધી યાદશક્તિ ? આટલી નાની ઉંમરે આટલી બધી યાદશક્તિ ખીલવી શક્યો હોય તો મોટો થયે ક્યાં પહોંચશે ? અમને વડીલોને એને જ્યારે ને ત્યારે મોબાઇલમાં રચ્યો પચ્યો રહેતો ભાળી “બાળક મોબાઇલમાં આટલો બધો ચોટ્યો રહે તે બરાબર નહોતુ લાગતું” પણ તેનો સદુપયોગ થાય તો તેનો મોબાઇલ પાછળ ખરચેલો સમય લેખે લાગ્યો ગણાય.
વિદ્યાવારિધીઓને મન પણ શીખવાને જ મહત્વ :
[૧]……સ્વ. ન.પ્ર. બુબુચદાદા ગ્રામ વિદ્યાપીઠ લોકભારતીનું મૂલ્યવાન ઘરેણું હતા. તેમની નિયમિતતા, નમ્રતા, બુદ્ધિમતા, વાક્ચાતુર્ય, રમુજી સ્વભાવ અને સામાન્યજ્ઞાન અસાધારણ હતાં. તેમણે 88 મે વર્ષે “ક્રેંચ ભાષા” શીખવાનું શરુ કરેલું. આ ઉંમરે તો માણસ બધામાંથી પરવારી જાય. ઘણાને આની નવાઇ લાગી અને પૂછતા;” આવો નવો પરિશ્રમ કેમ કરો છો ?” તેમનો જવાબ હતો, “યુરોપની શ્રેષ્ઠ ભાષાઓમાંની આ “ફ્રેંચ” નું સાહિત્ય બહુ સમૃદ્ધ છે, ઉપરાંત આપણી સંસ્કૃતભાષા અને યુરોપની ફ્રેંચ ભાષાના બંધારણની તુલના કરવાની મારી લાંબી ઇચ્છા હવે પૂરી કરવામાં સમય આપી શકું છું.”. જો કે તે પછી ૩-૪ વરસ જ તેઓ જીવ્યા. પણ છેલ્લે સુધી ફ્રેંચ ભાષાના અભ્યાસમાં જ તેઓ વ્યસ્ત હતા બોલો ! અરે, વિનોબા ભાવેતો જુદી જુદી કેટલીય ભાષાઓના જાણકાર અને કેટલાય ધર્મશાસ્ત્રોમાં પારંગત હોવા છતાં “હવે કંઇ નવું શીખવું નથી” એવું એમણે જીવનભર ક્યારેય વિચાર્યું નહોતું. ,
[૨]……….ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા અને ગ્રામવિદ્યાપીઠ લોકભારતી સણોસરાના સ્થાપક નાનાભાઇ ભટ્ટને અવસાન પહેલાં બે વર્ષે અકસ્માતમાં પગનું હાડકું ભાંગતાં સતત પથારીવશ રહેવું પડેલું. એવી સ્થિતિમાં પણ નાનાભાઇએ “ક્વોન્ટમ થિયરી” વિશે અભ્યાસ શરુ કર્યો. તેઓ ધર્મ, આધ્યાત્મ અને કેળવણીના માણસ હતા, વિજ્ઞાનના નહીં. બધાને નવાઇ લાગે. નાનાભાઇએ ખુલાસો કરતા કહ્યું કે “ઉપનિષદ અને ક્વોન્ટમ થિયરીમાં શું સામ્ય છે તે તપાસવું જોઇએ. એટલે મેં ક્વોન્ટમ થિયરી વિશે વાંચવાનું શરુ કર્યું છે.” આખો દિવસ પથારીમાં ગાળવા છતાં આ નવા અભ્યાસને કારણે તેઓ તાઝા રહેતા હતા. તેઓ શરીરની પીડા પણ ભૂલી જતા હતા.
[૩]………જૈન સાધુ મુનિ રાજદર્શન વિજયજી ફૂલછાબની “સાધુતો ચલતા ભલા” કોલમમાં લખે છે કે “એક સંતે મોટી ઉંમરે સન્યાસ સ્વીકાર્યો. લોકો કહે: હવે આ ઉંમરે સન્યાસ લઈને તમે શું કરશો ? આ સીત્તેર તો તમને થયાં, હવે બે-પાંચ વર્ષમાં તો તમે સાવ નકામા થઈ જશો ! સંતે કહ્યું: તમે કેવી વાત કરો છો ? હું ઘરડો લાગુ છું ? ઘરડો તો દેહ થાય છે, મન ક્યાં ઘરડું થાય છે ? મારાં જે થોડાં ઘણાં વર્ષો બચ્યાં છે એમાં આનંદનો મેળો જામે માટે હું સન્યાસ લઉં છું.”
આપણે માની ન શકીએ એવું કામ એ સંતે કર્યું. અનેક દુહાઓ, પંક્તિઓ, શેર, લોકગીતો, સુભાષિતો કંઠસ્થ કર્યા અને એમાં જે સુભાષિતો એમને બહુ ગમતાં હતાં એનું એક એક પેજ ભરીને વિવેચન તૈયાર કર્યું. વીસ વર્ષમાં એમણે ત્રણસો ત્રણસો પાનાનાં બાર પુસ્તકો તૈયાર કર્યાં. પછી દેહ થાક્યો પણ મન અખંડ રહ્યું. મનને થાક ન લાગવા દીધો. આજે હિંદીભાષી વાચકો માટે તેમનું સાહિત્ય અંગત વ્યક્તિ જેવું કામ કરે છે.
[૪]……….ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં દોઢેક વરસ કામ કર્યા પછી મનુભાઇ પંચોળી [દર્શક}ને એમ થયું કે “ સંસ્થાનો મુખ્ય ઉદ્યોગ ખેતી છે, ત્યારે જ્યાં સુધી હું જાતે જ ખેતી વિશેનું વિજ્ઞાન અને એનાં વિવિધ કાર્યોની પ્રત્યક્ષ રીતે જાણકારી નહીં મેળવું ત્યાં સુધી વિદ્યાર્થીઓ સાથેના પ્રયોગકાર્યમાં રંગ નહીં લાવી શકું.” અને નાનાભાઇની મંજુરી લઈને-જેઓ વાંકાનેર રાજ્યના ભૂતપૂર્વ ખેતીવાડી અધિકારી અને તરવડામાં પોતાની વાડીમાં ખેતી કરી રહેલ ઉદ્યાનપંડિત ઇસ્માઇલભાઇ નાગોરીની વાડીએ રહી, જમીનવિજ્ઞાન, જંતુ વિજ્ઞાન, પાક વિજ્ઞાન, કીટકશાસ્ત્ર, પાણી અને જમીનના સંબંધો તથા ફળઝાડ ઉછેરની તાલીમ લીધેલી. વળી પોતે કહ્યું હતું કે “આ તાલીમને પરિણામે મેં જોયું કે “ખેતી એ કેવળ એક ધંધો નથી, પણ એક સંપૂર્ણ જીવન સાધના છે, સંસ્કાર ઘડતર છે” આ વાત અનુભવ વિના સમજાવવી મુશ્કેલ છે. ખેતીમાં તો પળે પળે ભગવાનની લીલા પ્રગટતી જોઇ શકાય છે. ખેડૂતનું ચિત્ત સુકોમળ, વ્યાપક અને સમતોલ બની જાય છે. અળસિયાં, ફુદાં, પતંગિયાં, બળદ, ગાય, મરઘાં, કુતરાં, ખેતીના દાડિયા, જમીન, વૃક્ષ, વનસ્પતિ બધામાં કુદરતનો અપૂર્વ રસ નીતરતો ભાળે છે. ચાર મહિના હું તરવડા ખેતી શીખવા રહ્યો તે દહાડા તીર્થસમાન નીવડ્યા.” વિદ્યાર્થીઓને ખેતીનું માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં પણ પ્રત્યક્ષરૂપે આપવું હોય તો એ માટે થઈને પોતે ખાસ સમય ફાળવી ખેતી શીખવા તરવડા ચાર મહિના રોકાયા. મનુભાઇની ઉંમર તો વિદ્યાર્થીઓને શીખવવાની હતી, પોતાને શીખવાની થોડી હતી ? છતાંયે આવી ઉંમરે તેઓએ ખેતી વિજ્ઞાનને શીખવાને પ્રાધાન્ય આપ્યું.
પાકે ઘડે કાંઠા ચડાવ્યાનો મારો પોતાનો અનુભવ :
મેં ૧૯૬૫માં કૃષિસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો તે સમયે કોઇના ઘેર ટેલીફોન કે કોઇ પાસે મોબાઇલ નહોતા. ઇમરજન્સીમાં કોઇને સમાચાર આપવાના થાય તો “તાર” નો આશરો લેવાતો. એટલે આ “ઇંટરનેટ” કે “લેપટોપ” જેવા સાધનને નજરે જોવાની વાત તો બાજુએ રહી, તેનું નામ સુદ્ધાં સાંભળાયું નહોતું. એટલે અત્યારના આધુનિક સમયમાં કંઇ લખવાનું હોય, હિસાબ કરવાના હોય, અવનવી વિગત શોધવાની હોય, કે કોઇને વિગત કે ટપાલ મોકલવાની હોય તો તે બધું જ “લેપટોપ”- “ઇંટરનેટ” ના માધ્યમથી કરાતું ભાળી મને બહુ ઇંતેજારી થયા કરતી અને આ બધું મને પણ આવડે કે નહીં ? એવું મનમાં થયા કરતું.
એમાં ૨૦૦૫ ની સાલે મારા પત્નીને ગોઠણનું ઓપરેશન કરાવવાનું થતાં ૮-૧૦ દિવસ દીકરાના ઘેર સુરતમાં રહેવાનું થયું. એક દિવસ દીકરા ભરતને “લેપટોપ” પર કામ કરતો ભાળી પૂછી બેઠો કે “ હેં બેટા ! મને આ લેપટોપ ચલાવતા આવડે ?” મને કહે, “ બાપા ! તમારી ઇચ્છા હોય તો આવો તમને શીખવાડું.”, હું તો વિદ્યાર્થી બની દીકરા પાસે લેપટોપ ચલાવવાનું શીખવા બેસી ગયો. લેપટોપ કેવી રીતે ખોલવું, ખોલ્યા પછી ક્યા નિશાન પર “ટચ” કરી શરુ કરવું, માઇક્રોસોફ્ટ વર્ડ ખોલવું, કર્સર કેમ ચલાવાય વગેરે જેવી પ્રાથમિક વિગતો દીકરો કહેતો ગયો તેમ હું લેપટોપ પર કરતો ગયો. ઉપરાંત “ગાઈડ” સ્વરૂપે એક બુકમાં લખતો પણ ગયો. ત્રણ દિવસ તાલીમ લીધા પછી ચોથા દિવસે મને લેપટોપ પર ગુજરાતીમાં લખાણ લખતો જોઇ દીકરો કહે, “બાપા ! આ લેપટોપ અને પ્રિંટર બન્ને વાનાં ગામડે લેતા જાઓ !” આજની ઘડી ને કાલનો દિવસ ! આજ [૨૦૨૧] છેલ્લા ૧૫-૧૬ વર્ષથી હું મારા કૃષિ વિષયક અનુભવ લખાણો લેપટોપ પર ગુજરાતીમાં લખી રહ્યો છું અને દર અઠવાડિયે બે દૈનિકપત્રો અને હર મહિને આઠ-નવ કૃષિ વિષયક સામયિકોને “નેટ” દ્વારા “મેઇલ” કરી દઉં છું. આજે તો ૭૫ વટાવી ગયો છું, પણ છેલ્લા ૧૫ વરસથી એટલેકે ૬૦ વરસની ઉંમરે હું ઇંટરનેટનો ઉપયોગ કરવાનું શીખ્યો ! કહેવાય ને પાકે ઘડે કાંઠા ચડાવ્યા એવું જ !
ધર્મ ક્ષેત્રે પણ “શીખવા”ને અપાએલ મહત્વ :
[૧]……..ભગવાન શ્રીકૃષ્ણે વ્રજમાં બાળલીલા દરમ્યાન મોટા મોટા અસુરોનો સંહાર કર્યો હતો. દેવરાજ ઇંદ્રને પડકાર ફેંકીને પોતાની આંગળી પર ગોવર્ધન પર્વતને ધારણ કર્યો હતો. મથુરાના શક્તિશાળી રાજા કંસનો વધ કર્યો હતો. આવા સમર્થ પ્રભુ પણ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ઉજ્જેનમાં આવેલ ગુરુ સાંદીપનિના આશ્રમમાં ગયા હતા. માણસનું પદ કે ઉંમર ગમે તે હોય, નિરંતર જ્ઞાન પ્રાપ્ત કરતા રહેવું જોઇએ.
[૨]………. મહાભારતનુ યુદ્ધ પુરું થઈ ગયા પછી બાણશય્યા પર સૂઇ રહેલા ભીષ્મપિતામહ સૂર્ય ઉત્તરાયણનો થાય એની રાહ જોઇ રહ્યા હતા એ વખતે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે “તમે ભીષ્મપિતામહ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરો.” યુધિષ્ઠિર તો જીવનના સંઘર્ષોમાંથી ઘણું બધું શીખ્યા હતા એમ છતાં ભગવાને તેમને જ્ઞાન પ્રાપ્ત કરવા ભીષ્મપિતામહ પાસે જવાનું કહ્યું. તેથી તેઓ જ્ઞાન પ્રાપ્ત કરવા ભીષ્મપિતામહ પાસે ગયા અને એના લીધે જ આપણને મહાભારતમાં શાંતિ તથા અનુશાસન પર્વના સંવાદનો અદભૂત લાભ મળ્યો છે.
વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ સાથે પરીક્ષા આપી : માલપરાની વાત્સલ્યધામ લોકશાળાના અભ્યાસ દરમ્યાન 1961ની સાલે અમે કેટલાક વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ તરફથી લેવામાં આવતી હિંદીની पहली, दूसरी, तीसरी પાસ કર્યા પછીની ચોથી “वीनीत” ની પરીક્ષા દીધી ત્યારે અમ વિદ્યાર્થીઓની સાથોસાથ શાળાના આચાર્યશ્રી અને સંસ્થાના સંચાલકશ્રી પણ પરીક્ષામાં બેઠેલા. ઉંમર ભલે મોટી હોય કે હોદ્દો ભલે ગમે તેટલો ઉંચો હોય, શીખવામાં કોઇ બાધા આવતી નથી.
ગામડા ગામની યુવતીઓ પણ શીખવા બાબતે પૂરી ચબરાક નીકળી ! : હું તો ગામડામાં રહીને ખેતી કરનારો ખેડૂત છું. આસપાસના ઘણા વિસ્તારોમાં ખેતીના અભ્યાસાર્થે ફરનારી વ્યક્તિ હોવાથી કેટલાય ખેડૂત કુટુંબોના સહવાસમાં આવ્યો હોવાથી મારા જોવામાં આવ્યું છે કે કેટલીએ વખત એવું બનવા પામે છે કે મૂળ ગામડાના પણ શહેરમાં જઈ વસેલા માવતરની દીકરીને ખેતીકામોનો કશો પરિચય કે અનુભવ નથી હોતો. પરંતુ લગ્ન થયા હોય ગામડામાં વસતા ખેડૂત કુટુંબમાં ! સાસરે આવ્યા પછી એ કેવી બદલી જાય છે ! એ ખેતીવાડીના બધાં નીંદવું, પારવવું, વાઢવું, લણવું જેવા સામાન્ય ખેતીકામો તો શું, પણ ૧૬ લીટરિયો પંપ ખંભે લઈ દવા છાંટવી, હેંડલ મારી ઓઇલએન્જિન ચાલુ કરવું, ટ્રેકટર ચલાવવું કે ઘેર ગાય-ભેંશ જેવાં દુઝાણાં દોહવાં જેવા આવડત અને કૌશલ્ય માગી લે તેવા કાર્યો બહુ જ ચીવટ અને ઝડપથી શીખી લઈ, જવાબદારી પૂર્વક કરવા લાગી ગઈ હોય તેવી હોંશિયાર દીકરીઓની યાદી મારી પાસે છે મિત્રો ! પોતાનું મન ઇચ્છે તો શું નથી થઈ શકતું, કહો !
ખેતીમાં પણ વિજ્ઞાન ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. નવાં બિયારણો, નવી પદ્ધતિઓ, નવાં નવાં યંત્રો અને આયામો આવી રહ્યા છે ત્યારે, ક્યારેય આપણે એમ નહીં વિચારવાનું કે “હવે આપણાથી આમાં ન પડાય ! મારી તો ઉંમર થઈ ગઈ ! આ બધું આપણને ન ફાવે !“ જો એવું નકારાત્મક વલણ અપનાવશું તો માપથી ઝાઝા વાંહે રહી જઇશું હો ! “શરીર” થાકશે તો રાત્રિ દરમ્યાનના ઊંઘ અને આરામ થકી થાક ઉતારી સવારે તાજું બની જશે. પણ જો “મન’ને થકવી દેવાશે ને તો કોઇ નવું કામ શીખવાની ઇચ્છા જ મરી પરવારશે. માટે ખેતીમાં મન ક્યારેય ન થાકે એનું પૂરું ધ્યાન રાખવું પડશે હો ભાઇઓ ! નિરંતર શીખતા રહેવાની વૃતિ માણસને જીવનમાં આગળ ધપાવે છે. શીખવાનું બંધ કરી દે છે તેઓની પ્રગતિ અટકી જાય છે. જે માણસો હંમેશા નવું નવું શીખતા રહે છે અને પોતાની કાર્યકુશળતા વધારતા રહે છે તેને અવશ્ય સફળતા વરે છે. વળી તે અન્ય લોકો માટે એક અનુકરણીય આદર્શ બની જાય છે.
શીખવામાં કોઇ પદ-હોદ્દો કે ઉંમરનો બાધ નડતો નથી. કંઇ કેય નવું આવ્યું ? યા હોમ કરીને કુદી પડવાનું ! શીખવા માંડ્યે શું ન આવડે ? શીખ્યે પાર ! સફળતા ન મળે તો તે બિચારી જાય ક્યાં ?
ખૂબ જ ઓછા એવા શિકારી પક્ષીઓ હોય છે જે બ્રાહ્મણી કાઇટ જેટલી સરળતાથી ઓળખાઈ જાય! તેનું માથું અને પેટનો ભાગ સફેદ, અને બાકીનું શરીર અને પાંખ સુંદર ભગવા રંગનું હોય છે. દરિયા, નદીકાંઠા અને શહેરી જળાશયો ઉપર જાણે તે જગ્યાનું રક્ષક હોય તેમ ધીમી ઉડાન સાથે સોરીંગ કરતું જોવા મળી જાય છે. આ પક્ષી ભારતમાં સામાન્ય હોવા છતાં અનોખું છે.
બ્રાહ્મણી કાઇટ (Brahminy kite)ને તેનું અંગ્રેજી નામ તેના ભગવા રંગથી મળ્યું છે અને તેને ગુજરાતીમાં પણ તે જ કારણથી ભગવી સમડી અથવા ભગવી ચીલ તરીકે ઓળખવામાં આવે છે.
બ્રાહ્મણી કાઈટ સાથેનો મારો પહેલો પરિચય બાળપણમાં થયો હતો. આપણામાંથી ઘણાં લોકોની જેમ, હું પણ ડિસ્કવરી અને એનિમલ પ્લેનેટ જેવા ચેનલ્સ જોઈને મોટો થયો છું, અને બાલ્ડ ઈગલ જેવી દૂર દેશોના પ્રખ્યાત પક્ષીઓ અને પ્રાણીઓને જ નિહાળતા શીખ્યો હતો. પરિવાર સાથે ભુજ પાસેના રૂદ્રમાતા ડેમની મુલાકાત દરમિયાન, પાણી ઉપર ઉડતું એક મોટું શિકારી પક્ષી મેં જોયું, જેનું માથું અને શરીર સફેદ હતું. હું અત્યંત ખુશ થઈ ગયો, મને લાગ્યું કે મેં બાલ્ડ ઈગલ જોઈ લીધું છે. એ ક્ષણ વન્યજીવન સાથેનો મારો પહેલો સાચો અનુભવ હતો અને મને લાંબા સમય સુધી અચંબામાં રાખી ગયો. જો હું અત્યારે તે પળ યાદ કરું તો હું હજી તે પક્ષીને મારી નજરો સમક્ષ જોઈ શકું અને હવે એ તારણ પર આવી શકું કે તે બાલ્ડ ઈગલ નહીં પણ બ્રાહ્મણી કાઇટ હતી! ત્યારબાદ બ્રાહ્મણી કાઈટ સાથેના મારા બધા અનુભવ હંમેશા પાણીની આસપાસ જ રહ્યા છે— ડેમ, ગામના તળાવો, નદીકિનારા, દરિયા કાંઠા વગેરે જેવા જળાશયો.
આ અનુભવ એક મોટો પ્રશ્ન પણ ઊભો કરે છે. બાળપણમાં આપણે વન્યજીવો વિશે જે કંઈ શીખીએ છીએ તે મોટાભાગે વિદેશી પર્યાવરણ અને પ્રાણીઓ પર આધારિત દસ્તાવેજી ફિલ્મોમાંથી આવે છે. શાળામાં પણ આપણે G ફોર જિરાફ અને Z ફોર ઝેબ્રા શીખતા મોટા થઈએ છીએ, જ્યારે આપણા પોતાના સ્થાનિક પરિસરતંત્ર, જીવવૈવિધ્ય અને કુદરતી વારસો મોટેભાગે અવગણ્ય રહી જાય છે. બ્રાહ્મણી કાઈટ જેવા અનેક પક્ષીઓ આપણા આજુબાજુ જ હોય છે, છતાં આપણે તેમના મૂલ્યને ઓળખી શકતા નથી, કારણ કે આપણને વિદેશી વસ્તુઓને વધારે વખાણવાની આદત પાડવામાં આવી છે. માત્ર ટીવી પર વન્યજીવનની વાર્તાઓ જોવાને બદલે, આપણે રોજિંદા વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢીને એ જ વાર્તાઓને પોતાની આંખે જોવું જોઈએ. જ્યારે આપણે શાંતિથી અને ધ્યાનપૂર્વક આવા પ્રાણીઓને નિહાળીએ છીએ, ત્યારે તેમના જીવનમાં ખરેખર શું ચાલી રહ્યું છે તે સમજવાની કલ્પના આપણા અંદર વિકસે છે.
બ્રાહ્મણી કાઈટને ઓળખવી સહેલી છે. તેનું શરીર ગાઢ ચેસ્ટનટ અથવા મરૂન રંગનું હોય છે, જ્યારે માથું અને ઉપરની છાતી ચમકદાર સફેદ હોય છે. તેની પાંખો પહોળી હોય છે અને પૂંછડી ગોળાકાર હોય છે, જેના અંતે હળવો પટ્ટો દેખાય છે. ઉડાન દરમિયાન તે ધીમા પાંખ-ફડકાર અને લાંબા ગ્લાઈડ સાથે આગળ વધે છે. તેનો અવાજ પાતળો અને ઊંચી સીટી જેવો હોય છે, જે ઘણી વાર પક્ષી દેખાય તે પહેલાં સાંભળાઈ જાય છે અને તે ભારતનું નિવાસી પક્ષી છે. આ સ્પષ્ટ લક્ષણોના કારણે, બ્રાહ્મણી કાઈટ ઘણી વાર શરૂઆત કરનાર પક્ષીપ્રેમીઓ માટે પ્રથમ શિકારી પક્ષી બને છે!
[ઊંચા ઝાડની ડાળખી પર બેસી શિકાર શોધતી બ્રાહ્મણી સમડી]બ્રાહ્મણી કાઈટ સામાન્ય રીતે પાણીની નજીક ઊંચા વૃક્ષોમાં માળો બાંધે છે. આ માળો લાકડીઓથી બનેલો મોટો પ્લેટફોર્મ હોય છે, જે વર્ષો સુધી ઉપયોગમાં લેવાય છે અને દર સીઝનમાં તેની મરામત કરવામાં આવે છે એનો અર્થ એ કે બ્રાહ્મણી કાઇટ દર વર્ષે તે જ માળાનો વારંવાર ઉપયોગ કરે છે. આથી સ્પષ્ટ થાય છે કે સ્થિર અને અખંડિત નિવાસસ્થાન તેમના માટે કેટલું મહત્વપૂર્ણ છે
ખોરાકની વાત આવે ત્યારે, બ્રાહ્મણી કાઇટ ઓપરચુનિસ્ટ હોય છે તે શિકાર કરીને અથવા મરી ગયેલી માછલીઓ ખાય છે. ક્યારેક, તે સરિસૃપ, નાના સસ્તન પ્રાણીઓ અથવા પક્ષીઓનો શિકાર પણ કરે છે, અને તે અન્ય પક્ષીઓ પાસેથી ખોરાક ચોરી કરવા માટે જાણીતું છે. આ વર્તન દ્વારા, જળાશયો સ્વચ્છ રાખવામાં મદદ કરે છે.
દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયામાં બ્રાહ્મણી કાઈટનું સાંસ્કૃતિક મહત્વ પણ છે. ભારત અને ઈન્ડોનેશિયામાં તેને ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ તરીકે માનવામાં આવે છે. ભારતમાં તેના નામ અને ગૌરવસભર દેખાવને કારણે તેને ભયજનક શિકારી કરતા રક્ષણ અને નજર રાખનાર તરીકે જોવામાં આવે છે.
બ્રાહ્મણી કાઈટની સૌથી રસપ્રદ વિશેષતાઓમાંની એક એ છે કે તે માનવોની નજીક રહીને પણ સારી રીતે જીવતી રહે છે. માછીમારી પર નભતા દરીયા કાંઠાના ગામો, તળાવો અને નદીઓ પાસે તેને સહેલાઈથી જોઈ શકાય છે. પરંતુ આ નજીકપણું જોખમ પણ ઊભું કરે છે. પ્રદૂષણ, પ્લાસ્ટિક કચરો અને કુદરતી તળાવોના નાશથી તે જે પાણી પર નિર્ભર છે તે સીધુ અસરગ્રસ્ત થાય છે.
જોકે વૈશ્વિક સ્તરે બ્રાહ્મણી કાઈટ સંકટગ્રસ્ત નથી, પરંતુ સ્થાનિક સ્તરે વેટલેન્ડસ અને દરિયાકાંઠાના વિસ્તારને નુકસાન થવાથી તેની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ શકે છે. આ પક્ષીની રક્ષા માટે અલગથી વિશેષ પગલાં લેવાની જરૂર નથી. ફક્ત સ્વચ્છ પાણી અને સ્વસ્થ વેટલેન્ડસની સુરક્ષા જરૂરી છે.
નદી કે દરિયાકાંઠા ઉપર શાંતિથી ઉડતી બ્રાહ્મણી કાઈટને જોવું આપણને યાદ અપાવે છે કે ઓળખીતા લાગતા દૃશ્યોમાં પણ વન્યજીવન હજી જીવંત છે. તે કુદરત, સંસ્કૃતિ અને દૈનિક માનવ જીવન વચ્ચેનો એક જીવંત સેતુ છે, જે આપણને ઉપર નજર ઉઠાવીને આસપાસની જગ્યા વિશે વિચારવા પ્રેરે છે.
પરિકાના ડક્કા પરથી મોટરબોટ દ્વારા અમે મહાનદી ઍસૅકીબો પર સફર કરી રહ્યાં હતાં. દેખાવે નદી પોતે દરિયા જેવી છે. એના પરનું વહન દરિયા પર જતાં હોઈએ તેવું જ લાગતું હતું. શાંત અને સંયત હોય તેવો દરિયો. જોકે આ નદી હંમેશાં આવી નિર્દોષ નથી હોતી. એ અતિચંચળ બની શકે છે, અને તોફાની પણ.
અમારે એટલે જ વહેલી સવારમાં નદી પાર કરવાની હતી. દિવસ ચઢતો જાય તેમ નદી પરનું વહન અઘરું, અને જોખમી બનતું જાય છે. દરિયામાં જેમ જેમ ભરતી ચઢે તેમ એનો ધક્કો નદીનાં પાણીને લાગતો રહે છે, ને તેથી બદલાઈ જાય છે નદીનું વ્યક્તિત્વ.
નદી તો ચાલી તે ચાલી તે ચાલી, જાણે. ક્યારેક લાગે કે નદીએ આ લીધો વળાંક, કે આ આવી મળી બીજી કોઈ નદી. કારણ એ, કે એના પટમાં અનેક ટાપુઓ બનેલા છે, બધા મૅનગ્રોવ જળ-વૃક્શોથી ખીચોખીચ છે, ને તેથી જાણે પ્રવાહની દિશા બધો વખત દેખાતી નથી. રહસ્યમય છે આ જળ-પ્રવાહ.
અડધોએક કલાક આમ ગયો હશે. તે પછી બોટ કિનારા પાસે ગઈ, અને અમે ઊતરવા માટેનો એક નાનો, ખવાઈ ગયેલાં લાકડાંનો બનેલો, અને હમણાં તૂટી પડશે તેવો લાગતો ડૅક જોયો. એની સીડીનાં લપસણાં, ઢાળ પડતાં પગથિયાં અમે બધાં વારાફરતી, સાચવી સાચવીને ચઢ્યાં. ત્યાં એક વૅન અમારે માટે આવી ગઈ હતી.
ગયાનાના પશ્ચિમ ભાગમાં હવે અમારે એક-સવા કલાક આ વૅનમાં જવાનું હતું. હું તો નકશો જોતી હોઉં, તેથી હું જાણું કે રસ્તો ઍટલાન્ટીકના કિનારાને સમાંતર જાય છે. પણ સમુદ્ર જરા પણ દેખાય નહીં. ક્યાંતો પથ્થરની દીવાલ સળંગ બનેલી હોય, ક્યાંતો જમીનને ઊંચી કરેલી હોય. ઉપરાંત, હવામાં પણ દરિયો બીલકુલ વર્તાતો નહતો. કશી ખારાશનો ભાવ નહીં, કશી દરિયાની સાબિતી નહીં.
આ બધો ડાંગર ઉગાડતો પ્રદેશ લાગ્યો. ખુલ્લો, ખેતરોનો પ્રદેશ. પણ ખેતર પીળા-લીલાં થઈને રહેલાં હતાં. ધરુ ક્યાંયે નથી હવે. નાળિયેરીનાં ઝાડ હંમેશ મુજબ રુચિર લાગે. ઘરો પણ બધે હોય છે તેમ રસ્તા પર જ હતાં. રસ્તાને પાકી કિનારી કરેલી નથી, પણ ચોખ્ખું વધારે લાગે છે અહીં.
કદાચ આ પ્રદેશ કૈંક વધારે સારો, ને વધારે સુખી છે. દેશના મુખ્ય શહેરથી કેટલો તો દૂર. અહીં હવા વધારે ચોખ્ખી ને તાજી લાગી. ખૂબ ખુલ્લી ખુલ્લી જમીનને લીધે સરસ મોકળાશ લાગી. જોકે નાનાં નાનાં ગામો એક પછી એક આવતાં પણ હતાં. જરાક વારમાં નામ બદલાય. નો ફિયર, ડૅવનશાયર, આના રેજિના, સ્પાર્ટા જેવાં પશ્ચિમી નામો લોકપ્રિય લાગે છે.
આજ રાતને માટેની અમારી હોટેલ ચૅરિટી નામના ગામમાં હતી. બસ, ત્યાં જ આ રસ્તો પૂરો થઈ જાય છે. આમ રસ્તાને પૂરો થતો જોવામાં કૈંક અચરજ છે, અચંબો છે. જાણે જીવન માટે મુંઝવણ થાય. એ પછી, બસ, આગળ જવા દરિયામાં હોડી લેવાની, અથવા નાનું વિમાન ભાડે કરવાનું.
ચૅરિટી ગામનું બજાર સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
અહીં અમે બે જૂથમાં છૂટાં પડ્યાં. તબીબી-કૅમ્પ બે જગ્યાએ રાખવામાં આવ્યો હતો. અમે આઠ જણ, જે રસ્તે આવ્યાં હતાં ત્યાં વીસેક મિનિટ જેવું પાછાં ગયાં. એક મંદિર અમને આવકારવા માટે ખાસ શણગારવામાં આવેલું. ઘણી સ્ત્રીઓ રાહ જોતી બેઠી હતી, અને અમે તરત કામ શરૂ કરી દીધું. લગભગ એકસો દરદીઓ આવ્યાં. મારી સાથેના ડૉક્ટરોએ કહ્યું, કે આ પ્રદેશના લોકોની તબિયત વધારે સારી છે.
કેટલાંક યુવાન અને યુવતીઓ પણ આવેલાં. એમાં છોકરાઓને ઍલર્જી, લાલ ચામડી અને ખણજની ફરિયાદ હતી, તો છોકરીઓને સોજા અને સાંધાના દુખાવાની ફરિયાદ હતી. બધા સાદાસીધા લોકો. શાંત, હસતા, આભાર માનતા.
જમવા માટે અમે રસ્તાની પેલી બાજુ ગયાં. દોઢ વાગ્યો હતો. કોઈ જ ટ્રાફીક નહતો. કદાચ સ્થાનિક લોકો વામકુક્ષી કરતા હશે. મંદિરના એક ભક્ત-કુટુંબના સુંદર ઘરની પાછલી બાજુ પરના, મોટા પૉર્ચમાં રસોડું હતું. અહીં લગભગ બધાં ઘરોમાં રસોડું આમ બહાર હોય છે, કે જેથી ઘર વધારે ગરમ ના થાય, અને થોડી હવાવાળા ભાગમાં રસોઈ કરી શકાય. સાથે જ, બેસવા માટે છાંયડાવાળો ભાગ પણ બધાં ઘરોમાં હોય.
ત્યાં હાજર રહેલી બધી સ્ત્રીઓએ કહ્યું, બહુ ગરમ થઈ જાય છે અહીં. પણ એમણે અમારે માટે કેટલી બધી ચીજો બનાવેલી. નાના ને જાડા એવા સ્થાનિક ચોખાનો ભાત, આલુ-છોલે, કોળું ને ડબકાંનું શાક, દાળ, કાકડી, ટામેટાં, બે અથાણાં, અને ઘઉંના લોટમાંથી બનાવેલી કશીક સ્વીટ. સાવ આપણા શિરા જેવું નહતું. એટલું ઘી નહીં, અને એટલું ગળ્યું પણ નહીં, પણ સ્વાદમાં સારું હતું. ઉપરાંત, લાલ તરબુચ, પીળું પાઇનેપલ.
ઘણી સ્થાનિક સ્ત્રીઓ ભેગી થઈ હતી. બધી હળીમળીને કામ વહેંચી લેતી હતી. અમને બહુ હોંશથી ખવડાવ્યું.
સવારે આઠ વાગ્યે અમે ચૅરિટી ગામ તરફ જતાં હતાં ત્યારે સ્કૂલે જતાં છોકરાં દેખાયાં હતાં. સફેદ, ભૂરા, મરૂન ગણવેશોમાં એવાં સુઘડ લાગ્યાં હતાં. અત્યારે બપોરના ત્રણ વાગ્યે એ બધાં ઘેર પાછાં જતાં હતાં. સવારે ને બપોરે જાહેર મિનિ-બસો માટે એ બધાંએ રાહ જોતાં ઊભાં રહેવું પડે છે, ને અહીં સૂરજ સવારથી જ કેવો ઉગ્ર હોય છે.
એ બપોરે ત્રણ વાગ્યે થોડો પવન હતો, તે બહુ સારું લાગ્યું. લંચ લીધા પછી, અમે રસ્તો ઓળંગીને, તરત પાછાં તબીબી-ક્લિનિક પર જતાં રહ્યાં હતાં.
ક્રમશઃ
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
“કેમ કે, હું રેડિયોએક્ટિવ (કિરણોત્સર્ગ ગ્રસ્ત) છું.”
આ સંવાદ એક માતા અને બાળક વચ્ચેના છે, જે ‘ડાઉન ટુ અર્થ’ સામયિકના કાર્ટૂનિસ્ટ સોરિત ગુપ્તોએ ચીતરેલા કાર્ટૂનમાં દર્શાવાયા છે. ખરેખર તો આ કાર્ટૂન વાસ્તવિકતા પર આધારિત છે. કેમ કે, બિહારના છ જિલ્લાઓમાં માતાના ધાવણમાં યુરેનિયમની ભયજનક માત્રા જોવા મળી છે. માતાનું ધાવણ નવજાત શિશુ માટે સર્વોત્તમ આહાર ગણાય છે. તેમાં યુરેનિયમ જેવી કિરણોત્સર્ગી ધાતુના અંશ મળી આવે એ કેટલું જોખમી ગણાય! થોડા સમય અગાઉ બિહારના કેટલાક જિલ્લાઓમાં માતાના ધાવણમાં સીસાના અંશો મળી આવ્યા હતા.
બિહારના પટણાસ્થિત મહાવીર કેન્સર સંસ્થાન અને સંશોધન કેન્દ્ર, પંજાબના ફાગવાડાની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, બિહારના હાજીપુરસ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એડ્યુકેશન એન્ડ રિસર્ચ તેમજ દિલ્હીની ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ જેવી વિવિધ સંસ્થાઓના વિજ્ઞાનીઓની સંયુક્ત ટીમ દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. એના અંતર્ગત ઓક્ટોબર, ૨૦૨૧ થી જુલાઈ,૨૦૨૪ દરમિયાન ૧૭ થી ૩૫ વર્ષની, સ્તનપાન કરાવતી ચાલીસ માતાઓની પસંદગી બિહારના ભોજપુર, સમસ્તીપુર, બેગુસરાઈ, ખગડિયા, કટિહાર અને નાલંદા જિલ્લાઓમાંથી કરવામાં આવી હતી.
વિખ્યાત બ્રિટીશ સામયિક ‘નેચર’માં આ અભ્યાસનાં પરિણામ અને તારણો પ્રકાશિત થયાં છે. સ્વાભાવિકપણે જ માતાઓની સરખામણીએ બાળકોના સ્વાસ્થ્ય પર આની અતિ ગંભીર અસર પડી શકે એમ છે. સિત્તેર ટકા બાળકોમાં યુરેનિયમના ભેગની આ અસર કેન્સરકારક નહીં, પણ બિનકેન્સરકારક હોવાની સંભાવના છે. એટલે કે કિડનીસંબંધી કે હાડકાંનાં રોગ થઈ શકે. યુરેનિયમનો આ સ્રોત પીવાનું પાણી યા ખોરાકી હોઈ શકે. ભૂગર્ભજળમાં યુરેનિયમનું ભળવું આપણા દેશની અતિ ગંભીર સમસ્યા છે, જેનાથી અઢાર રાજ્યોના ૧૫૧ જિલ્લા અસરગ્રસ્ત છે. બિહારના જ અગિયાર જિલ્લાઓનો આમાં સમાવેશ થાય છે.
આ અભ્યાસમાં કયું ઊપકરણ ઊપયોગમાં લેવાયું, યુરેનિયમની સૌથી વધુ અને સૌથી ઓછી માત્રા કેટલી જોવા મળી, અને કયા સ્થળે પૃથક્કરણ કરાયું વગેરે વિગતો ઉપલબ્ધ છે, પણ અહીં અપ્રસ્તુત છે. આખા અભ્યાસનો સાર એટલો કે આ વિસ્તારમાં નવજાત શિશુઓના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો છે, અને યુરેનિયમના ખોરાકપાણીમાં ભેગ બાબતે તાત્કાલિક પગલાં જરૂરી છે. આ અભ્યાસનું આ એક પાસું થયું. બીજી તરફ,’બ્રેસ્ટફીડિંગ પ્રમોશન નેટવર્ક ઓફ ઈન્ડિયા’ (બી.પી.એન.આઈ.)ના સ્થાપક ડૉ. અરુણ ગુપ્તાએ આ અભ્યાસ બાબતે જરા જુદો મત વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર: ‘આને કારણે બિનજરૂરી ભય ફેલાશે અને લોકો સ્તનપાન માટે નિરુત્સાહ થશે. વરસોથી અમે તેને ઊત્તેજન મળે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ, કારણ કે બાળકો માટે એ શ્રેષ્ઠ પોષણ છે. બાળકને તે ચેપથી પણ બચાવે છે.’ અમુક નિષ્ણાતોના મતાનુસાર માતાના દૂધમાં મળી આવેલા યુરેનિયમનું પ્રમાણ એટલું બધું નથી. વરસો દરમિયાન સ્વાસ્થ્ય પર તેની કશી વિપરીત અસર જણાઈ નથી. કેટલાકે આ અભ્યાસના સંશોધકો દ્વારા અપનાવાયેલી સંશોધનપદ્ધતિ પર પણ સવાલ ઊઠાવ્યા છે, અને કેવળ માતાના દૂધ બાબતે સંશોધન કરવાના હેતુને શંકાના દાયરામાં મૂક્યો છે.
ભાભા એટમિક રિસર્ચ સેન્ટરના પૂર્વ ગૃપ ડાયરેક્ટર ડૉ. દિનેશ અસ્વાલે પણ આ ભયને નકાર્યો છે. તેમના જણાવ્યા અનુસાર: ‘યુરેનિયમ એક પ્રાકૃતિક તત્ત્વ છે, જે એકે એક ચીજમાં લઘુત્તમ માત્રામાં હોય છે જ. સમગ્ર પૃથ્વી પરના ભૂગર્ભ જળમાં યુરેનિયમનું થોડું પ્રમાણ હોય છે. સારી બાબત એ છે કે યુરેનિયમ ભારે તત્ત્વ છે, અને શરીરની પેશીઓ સાથે તે જોડાતું નથી. આથી શરીરમાં લેવાયેલું યુરેનિયમ થોડા જ સમયમાં બહાર નીકળી જાય છે. કિડની પર એની વિપરીત અસર ત્યારે થાય જ્યારે યુરેનિયમની અતિશય માત્રા ધરાવતા પાણીને વરસો સુધી પીવામાં આવે. ખરેખર તો, ભારતમાં તેનું પ્રમાણ-અને આ સંશોધકોને મળી આવેલું પ્રમાણ પણ કંઈ એટલું ઊંચું નથી.’
આ સંશોધન અને તેની સામે થયેલી દલીલો જોતાં એટલું ચોક્કસ છે કે યુરેનિયમની માત્રા હોવા બાબતે કશો ઈન્કાર નથી. એ બન્ને પક્ષોએ સ્વીકાર્યું છે. તેનાથી નુકસાન થાય છે કે કેમ એ તેની માત્રા પર આધારિત છે, પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે તેનું પ્રમાણ માતાના દૂધમાં મળી આવ્યું છે. ભલે ને તેનું પ્રમાણ ભયજનકથી ઓછું હોય!
આ સૂચવે છે કે પ્રદૂષિત હવા અને પાણી વચ્ચે જીવતી માતાઓ પોતાના શિશુને સૌથી પોષણયુક્ત મનાતું પોતાનું દૂધ પીવડાવશે તો એ પણ પ્રદૂષિત હશે. ભાવિ પેઢી માટે આ બાબત કેવડો મોટો અભિશાપ છે એ કલ્પી લેવું રહ્યું. અત્યારે આપણે આશા રાખવી રહી કે ડૉ. અસ્વાલની વાત બરાબર હોય અને એ યુરેનિયમ હાનિકારક નીવડે એટલી માત્રામાં ન હોય. સાથોસાથ એ હકીકત સ્વીકારવી રહી કે પીવાનું શુદ્ધ જળ અને શ્વસવા માટેની શુદ્ધ હવા હવે દુર્લભ બનતાં જવાનાં છે, અને એના માટે જવાબદાર કોઈ ગણાશે નહીં. સરકારને આવા મામૂલી મુદ્દાઓ પર ધ્યાન આપવાનો સમય નથી, કે નથી વૃત્તિ. આથી એના નિયંત્રણ માટે કશી નીતિ બનશે તોય અધકચરી. એના અમલનાં પગલાં ઉપરછલ્લાં હશે. નાગરિકો હવે બધાથી ટેવાઈ ગયા છે. નહીં ટેવાયા હશે એ પણ ટેવાતા જશે.
આવા અહેવાલ અને પ્રતિઅહેવાલ પણ હવે રાજરમતનો હિસ્સો બની રહ્યા છે. નાગરિકો ધારે તો પણ કશું કરી શકે એમ નથી એ હકીકત છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૧ – ૧૨– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
આ પહેલાં શ્રી બાબુ સુથારની કૉલેજકાળની ‘કાચબા કથા’ની સફરનો આપણે સંગાથ કર્યો.
હવે આગળ….
એ સાથે મેં ફરી એક વાર ‘ઘર’ બદલ્યું. હું સંતરામપુર ગયો. ત્યાં મને એક વિચિત્ર કહી શકાય એવી એક જગ્યાએ ઓરડી ભાડે. એ ઓરડીમાં જવા માટે મારે એક છાપરા પર નાખેલાં પતરાં પર ચાલીને જવું પડતું. એથી અવાજ પણ આવતો. એને કારણે આડોશપાડોશને ખબર પડી જતી કે હું ઘેર છું કે બહાર. જો કે, કોલેજ ત્યાંથી નજીક હતી. ચાલતાં જવાય એટલી નજીક. કોલેજનું પુસ્તકાલય પ્રમાણમાં ઠીક હતું. હું મારો મોટા ભાગનો સમય વાંચવામાં અને થોડોક સમય લખવામાં ગાળતો. એ વખતે મેં થોડાંક એકાંકી લખેલાં. એમાંનાં એકબે ભજવાયેલાં પણ ખરાં.
સંતરામપુરમાં મારે આચાર્ય સાથે એકબે બાબતે મન ખાટું થયેલું. એટલે મેં બીજે નોકરી શોધવાનું ચાલુ રાખેલું. પરિણામે મને મુંબઈના વિલે પાર્લેમાં આવેલી મણીબેન નાણાવટી કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપકની નોકરી મળેલી. પછી સંતરામપુર મારા માટે ‘ટ્રોય’ બન્યું. હું એને છોડીને મુબંઈ ગયો.
મુંબઈ જતી વખતે મેં મારાં તમામ લખાણો ગોધરામાં મારા નાનાભાઈના ત્યાં એક કોથળામાં મૂકેલાં. મારો નાનો ભાઈ પણ ટેલિફોન ઓપરેટર બનેલો. પણ, એક વાર ગોધરામાં ભારે વરસાદ પડ્યો. પરિણામે શહેરના નીચાણવાળા વિસ્તારમાં બધે પાણી ભરાયેલું. એ પાણીમાં એક સાપ તણાતો તણાતો નાનાભાઈના ઘરમાં, મેં જેમાં મારા લખાણો મૂકેલાં એ કોથળામાં, ઘૂસી ગયો. અને નાનાભાઈએ એ સાપને અને મારાં લખાણોને પણ નદીમાં પધરાવી દીધેલાં. એણે મને કહેલું: ભાઈ, સાપ બહુ મોટો હતો. એને કોથળામાંથી બહાર કાઢવાને બદલે મેં તો કોથળો જ પધરાવી દીધો પાણીમાં. ત્યાર પછી મેં કદી નાટક લખવાનો પ્રયાસ કર્યો નથી.
મુંબઈમાં હું શરૂઆતમાં ત્યારે ઘાટકોપરમાં રહેતાં સર્જક દંપતિ ભરત નાયક અને ગીતા નાયકને ત્યાં રહેલો. એમણે મારી ખૂબ કાળજી રાખેલી. બેત્રણ મહિના પછી હું ત્યાંથી મલાડ રહેવા ગયેલો. એ ઘર પણ એમણે જ શોધી આપેલું. એમાં એમના એક વિદ્યાર્થી મુકેશએ ચાવીરૂપ ભૂમિકા ભજવેલી. એ મકાન, જો મારી સ્મૃતિ મને દગો ન કરતી હોય તો, અંજલિ કિચનવેરના માલિકોનું હતું. ત્યાં હું કોઈ પણ ભાડું આપ્યા વિના છએક મહિના રહેલો. ત્યાર બાદ એમને ઘરની જરૂર પડી ને હું પાછો ત્યાંથી વિલે પાર્લેમાં, કોઈક મરાઠી નિવૃત્ત અધિકારીના ત્યાં, પેઈગ ગેસ્ટ તરીકે રહેવા ગયો. એ અધિકારી એકલા હતા. ખૂબ દારુ પીતા. મારી અને એમની વચ્ચે ભાગ્યે જ કોઈ વાતચીત થતી. એ દારૂ પીવે ત્યારે મરાઠીમાં બોલતા અને હું દારૂ પીધા વગર ગુજરાતીમાં કે હિન્દીમાં ને ક્યારેક અંગ્રેજીમાં બોલતો. આમ તો એ અધિકારીએ મને ‘પેઈંગ ગેસ્ટ’ની કોટિમાં મૂકેલો પણ મારે ખાવાપીવાનું બહાર હતું. ખાલી સુવાનું જ ત્યાં.
ત્યાં જ, પાછી મારી નોકરી ગઈ. કેવળ ઓડિસિયસને જ નહીં, દરેક માણસને એક એક પોસોઈડોન મળતો હોય છે. એ તમને ક્યાંય સ્થિર ન થવા દે અને તમારા ગંતવ્ય સ્થાને પહોંચવા પણ ન દે. મારે પણ એવો એક દેવ હશે એવું મને લાગે છે. મને હજી ખબર નથી કે મારી નોકરી કેમ ગયેલી. કદાચ કેટલાક લોકોને હું વધારે પડતો ગામડિયો લાગતો હોઈશ. પણ, સત્તાવાર મને એમ કહેવામાં આવેલું કે સરકાર મારી નિમણૂંક મંજુર કરતી નથી. આ પોઝિશન સરકાર અનામત ઉમેદવાર માટે ખાલી રાખવા માગે છે. પણ, સાચે જ એવું ન હતું. મને ઊંડે ઊંડે વહેમ છે કે હું ત્યાં પહેલેથી જ અનિચ્છનિય હતો. મારો ઇન્ટરવ્યુ લેનારામાંના એક નિષ્ણાતે મારી પસંદગી ન થાય એ માટે મારા રસના ન હોય એવા ઘણા પ્રશ્નો પૂછેલા. કમનસીબે, એ નિષ્ણાત પાછા મારા મિત્ર પણ હતા.
મણીબેન નાણાવટીમાંથી નોકરી ગયા પછી પાછો હું બેકાર બની ગયો. હવે તો મારાથી ટેલિફોન ખાતામાં પણ પાછા જવાય એમ ન હતું. ત્યાં આધુનિકીકરણ શરૂ થઈ ગયું હતું. એના એક ભાગ રૂપે, ટેલિફોન ખાતું વરિષ્ઠ કામદારોને સ્વેચ્છાએ નિવૃત્ત થવા માટે પ્રોત્સાહન આપી રહ્યું હતું.
યોગાનુયોગ, એ વખતે ‘ગુજરાત સમાચાર’ની મુંબઈ આવૃત્તિ શરૂ થઈ રહી હતી. દાદરમાં કે દાદરની આસપાસમાં જ ક્યાંક એમની ઓફિસ હતી. ભરત નાયકે મને કહ્યું કે ત્યાં જા. એમણે એકબે પત્રકારોનાં નામ પણ આપેલાં. હું એમને મળ્યો. એમણે ચીફ સબ એડીટર શ્રી પાઠકને વાત કરી. પાઠક ખૂબ સજ્જન માણસ હતા. એમણે ગુજરાત સમાચારના માલિક શ્રેયાંસ શાહને વાત કરી. એમણે મને ઓફિસમાં બોલાવીને પૂછેલું, “અનુવાદ કરતાં આવડે છે?” મેં હા પાડેલી. બીજા દિવસે એમણે મારો ઇન્ટરવ્યુ ગોઠ્વયો. હું પાસ થઈ ગયો. અને ગુજરાત સમાચારે મને સબ એડીટરની નોકરી આપી. પગાર બારસો રૂપિયા. એ જ ગાળામાં મણીબેન નાણાવટીએ પણ મને પાર્ટ ટાઈમ કામ ચાલુ રાખવાનું કહ્યું. એમનો અને ગુજરાત સમાચાર બન્નેનો પગાર અધ્યાપકના પગાર કરતાં વધારે હતો. પણ, હવે મેં જીંદગીમાં બે નોકરીઓ કરવાનું શરૂ કર્યું.
ત્યારે હું અવારનવાર મુંબઈથી વડોદરા જતો. ખાસ કરીને સુરેશ જોષીને મળવા. એમને મળ્યા પછી હું મારા વતનમાં જતો. મારાં માબાપને મળવા. એક વાર સુરેશ જોષીએ કહ્યું કે તમે હવે વડોદરા પાછા આવતા રહો. એમણે મને લોકસત્તાના ત્યારના તંત્રી નવીન ચૌહાણ પર એક ચીઠ્ઠી લખી આપી. એમાં લખ્યું હતું: બાબુભાઈ મારા વિદ્યાર્થી હતા. જો એમને કોઈક નોકરી આપી શકાય તો સારું. ચૌહાણે એ ચીઠ્ઠી વાંચીને મને કહ્યું, “લોકસત્તામાં તો કોઈ જગ્યા નથી. પણ, વડોદરામાં સંદેશ શરૂ થાય છે. ત્યાં જાઓ. એ લોકોને જરૂર છે.” હું કારેલી બાગમાં આવેલા ‘સંદેશ’ કાર્યાલયમાં ગયો. એ લોકોએ મારો ઇન્ટરવ્યુ લીધો અને મને મુંબઈ કરતાં ઓછો પગાર આપવાનું કહ્યું. મારે ગરજ હતી. મેં અગિયારસો રૂપિયાનો પગાર સ્વીકારી લીધો. અને પછી હું વાજતેગાજતે પાછો મુંબઈ છોડીને વડોદરા આવ્યો.
વડોદરામાં મારા મિત્ર અર્જુનસિંહ હતા જ. થોડો વખત હું એમની સાથે રહ્યો. પછી મેં મારી સ્વતંત્ર ઓરડી ભાડે કરી. એ દરમિયાન મેં ચારપાંચ ઠેકાણે ગુજરાતી વિષયના અધ્યાપક માટે અરજી કરી. પણ, મને ક્યાંય નોકરી ન મળી. એક દિવસે મેં વિચાર્યું: લાવ, હવે વધુ એક માસ્ટર ડીગ્રી લેવા દે. કદાચ એને કારણે મને કોઈક નોકરી મળી જાય.
એ દરમિયાન હું ભાષામાં વધુ રસ લેવા માંડ્યો હતો. પણ, મારો પહેલો પ્રેમ ભાષાની ફિલસૂફી હતો. બીજો પ્રેમ ભાષાનો વૈજ્ઞાનિક અભ્યાસ. અર્થાત્, ભાષાશાસ્ત્ર. મેં ભાષાશાસ્ત્રમાં એમ.એ. કરવાનું નક્કી કર્યું. સુરેશ જોષીને એ ગમ્યું ન હતું. પણ, મારી પાસે બહુ ઓછા વિકલ્પો હતા.
મેં બે વરસમાં ભાષાશાસ્ત્રમાં એમ.એ. કર્યું. ત્યાર પછી મેં ધાર્યું હતું એવું થયું. મને એમ. એસ. યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગમાં Teaching Assitantની નોકરી મળી ગઈ. હવે મારી પાસે બે નોકરીઓ થઈ. સવારે ભાષાશાસ્ત્ર ભણાવવાનું, સાંજે સંદેશમાં સબ-એડીટર તરીકે કામ કરવાનું. ત્યારે મારું અંગ્રેજી ખૂબ સારું ન હતું. મારા કરતાં મારા વિદ્યાર્થીઓ વધુ સારું અંગ્રેજી બોલતા હતા. હું ખૂબ જ ધ્યાનથી એમને સાંભળતો અને મારું અંગ્રેજી સુધારતો. મેં મારા વિદ્યાર્થીઓને એ રીતે મારા ગુરુ બનાવેલા. જો કે, મને ભાષાશાસ્ત્રની વાત અંગ્રેજીમાં કરવામાં ઝાઝી મુશ્કેલી ન હતી પડતી.
એ દરમિયાન મારા એક મિત્ર ઉપેન્દ્ર નાણાવટીએ એમની વગ વાપરીને મને યુનિવર્સિટી કેમ્પસને અડીને આવેલા પ્રતાપ ગંજના એક મકાનનું ખાલી ગરાજ ભાડે અપાવડાવ્યું. એ ગરાજને બારણું ન હતું. દરવાજો હતો. ભાડું કેવળ સો રૂપિયા હતું. જાજરું બહાર હતું. મારું અને મકાનમાલિકના નોકરનું સહિયારું. બાથરૂમ અંદર. પણ, પતરાં જડીને બનાવેલો. ઉપરથી ખુલ્લો. મેં લોખંડનું એક ટેબલ જાતે બનાવીને એના પર દશીઓ વાળો સ્ટવ રાખવાનું શરૂ કરેલું. એ મારું રસોડું હતું. હું સ્ટવ પર રાબેતા મુજબ ખીચડી બનાવતો. હવે એ મારું ઘર હતું. પણ પેલા ઓડિસિયસ જેવું નહીં. ત્યાં કોઈ રાહ જોનાર ન હતું. પેલા ઈનિઅસ જેવું. ચરણ રૂકે ત્યાં ન કાશી નહીં, ન મથુરા. પણ, ત્યાં ઘર. ઇસપના કાચબા જેવું.
હું ત્યાં રહેતો હતો ત્યારે સુરત પાસે આવેલા સાયણનાં રેખા પંચાલ સાથે મારું લગ્ન થયું. અમે બે વાર લગ્નમાં નિષ્ફળ ગયેલા અમારી જ જ્ઞાતિના એક સામાજિક કાર્યકરના મેરેજ બ્યૂરો દ્વારા મળેલાં. રેખાને માંસાહારી અને દારૂ પીતો છોકરો ન હતો જોઈતો. એને ભણેલો છોકરો જોઈતો હતો. એમાં હું ફૂલ્લી પાસ હતો.
પછી અમે બન્નેએ ગરાજમાં અમારો સંસાર શરૂ કર્યો. ત્યાં મારા દીકરા હેતુનો જન્મ થયો. ત્યાર પછી છએક મહિને અમારા મકાનમાલિકને અમારા પર દયા આવી. એથી એમણે અમને એમના મૂળ ઘરમાં એક બેડરૂમ રસોડું કાઢી આપ્યું. અમે ગરાજ છોડીને એ ઘરમાં રહેવા ગયાં.
ત્યાં બેએક વરસ રહ્યાં હોઈશું. એ દરમિયાન મને એમ. એસ. યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગમાં અધ્યાપકની કાયમી નોકરી મળી ગઈ. એ પણ બે વાર નકારાયા પછી. અને એ સાથે હું અધ્યાપકોના ક્વાટર્સમાં રહેવાને લાયક બન્યો. મેં એ માટે અરજી કરી. અને મને યુનિવર્સિટીની નજીકમાં જ એક બેડરૂમ, એક બેઠક રૂમનો ફ્લેટ મળ્યો.
ત્યાં છ-સાત મહિના રહ્યા હોઈશું ને મને યુનિવર્સિટીએ રસોડામાં પણ હાથી બાંધી શકાય એવડું મોટું ઘર રહેવા આપ્યું. એ ઘરની એક જ મુશ્કેલી હતી. હું ત્યારે મિત્રોને મજાકમાં કહેતો: હું બે ages વચ્ચે રહું છું. એક તે leak-age અને બીજી તે seep-age. કેમ કે ચોમાસું આવતું ત્યારે એ ઘરમાં ઉપરથી leakage થતું ને નીચેથી seepage. સદ્નસીબે, હું નાનો હતો ત્યારે મારા ઘરમાં પણ leakage બહુ થતું. બા એની નીચે વાસણો મૂકી દેતી. અમે એમાં ટપકતા પાણીના અવાજને સાંભળતા સૂઈ જતા. એ યુક્તિ અને અનુભવ મને અહીં પણ કામ આવી ગયેલાં. એ માટે અમે સાતેક વાસણો રાખેલાં. ઘણી વાર અમારે એ સાતેય વાસણો વાપરવાં પડતાં. હું રેખાને કહેતો: જલતંરગ વાગે છે. એ ઘરમાં ગણપતિનાં વાહનો પણ ઘણાં હતાં. રાતે અમે સૂતા હોઈએ ત્યારે એ વાહનો વાસણની પાટલી પર દોડધામ કરી મૂકતાં. એને કારણે ઘણી વાર વાસણો પણ નીચે પડતાં. રેખા કહેતી કે હવે સવારે પાછાં મૂકીશ. જો કે, એ વાહનો સાથે કામ પાર પાડવામાં પણ મારા નાનપણના અનુભવો કામ લાગેલા. મારાં બા ઉંદરો સાથે લડવાને બદલે ઉંદરો સાથે ભાઈબંધી કરતાં. એ પાટલી પર વાસણો ખાસ્સાં ત્રાંસાં મૂકીને ઉંદરોને દોડવાની જગ્યા કરી આપતાં. એથી બહુ બહુ તો સવારે પાટલી પરથી ઉંદરની લીંડીઓ સાફ કરવી પડતી પણ વાસણો ખૂબ ઓછાં નીચે પડતાં. મેં રેખાને એ યુક્તિ અપનાવવાનું કહેલું. થોડીક કામ લાગેલી.
હવે હું એમ.એસ. યુનિ.માં સત્તાવાર કાયમી અધ્યાપક થઈ ગયો હતો. આ બાજુ મારા કુટુંબમાં પણ અનેક દુર્ઘટનાઓ બની ગયેલી. મારા નાનાભાઈએ પુષ્કળ દેવું કરી નાખેલું. એમાં કેટલુંક દેવું મારા એક ઓળખીતાનું પણ હતું. એ દેવું ચૂકવવા અમારે એક ઘર, ભેંસ અને જમીન બધું જ વેચી દેવું પડેલું. બધી જમીન વેચતાં મારા ભાગે પંચોતર હજાર રૂપિયા આવેલા. એમાંથી મેં મારાં માબાપનું બધું જ દેવું ચૂકવી દીધેલું. મારા હાથમાં માંડ ચાલીસ હજાર બચેલા. અમે એ પૈસા રોકીને એક ઘર લેવાનું નક્કી કર્યું અને અમે ગરીબ લોકોના આવાસના એક કોર્નરમાં બે સ્ટુડીયો રાખી એ બન્નેને ભેળવી દઈ બે બેડરૂમ એક બાથરૂમનો એક એપાર્ટમેન્ટ ખરીદ્યો. એ વખતે નવી સોસાયટી બનતી હોય ત્યારે જે તે ડેવલેપરે અમુક મકાનો ગરીબો માટે રાખવાં પડતાં. જો કે, એમાંના બહુ ઓછાં ઘર ગરીબો પાસે જતાં. આ ઘર બીજા માળે હતું. એની નીચે દુકાનો હતી. હવે તો પહેલા માળે પણ દુકાનો અને ઓફિસો બની ગઈ છે. એ ઘર ખરીદતી વખતે ઘણા મિત્રોએ મદદ કરેલી. મેં મારી યામાહા મોટરબાઈક વેચી દીધેલી અને રેખાએ એનાં ઘરેણાં પણ વેચી દીધેલાં.
તારી ફરિયાદ મળી. આટઆટલા ભજન, કીર્તન , પૂજા પાઠ, હોમ હવન, તીર્થયાત્રાઓ પછી પણ તને મારો સાદ કદી સંભળાયો નથી. દોસ્ત, તારી વાત સાચી છે.પણ હકીકતે તારો સાદ જ મારા સુધી કયાં પહોંચ્યો છે ? મારા સુધી તારો સાદ પહોંચે તો હું જવાબ આપી શકું ને ? બની શકે તને જાણ જ ન હોય કે તારો સાદ મારા સુધી કયારે અને કેવી રીતે પહોંચે ? દોસ્ત, મારા સુધી તારી પ્રાર્થના, તારો અવાજ પહોંચાડવાની એક જ રીત છે. મારા અન્ય દુખી બાળકોના આંસુ લૂછવા. શક તેટલી તેમને મદદ પહોંચાડવી, તન, મન કે ધન કોઇ પણ રીતે મદદ કરી શકાય. અરે, આર્થિક કે શારીરિક રીતે સક્ષમ ન હોઇએ ત્યારે પણ ફકત માનસિક સધિયારો..બે સારા શબ્દથી પણ કોઇના ઘાવ રૂઝાવી શકાય.દોસ્ત, એ કંઇ બહું અઘરું કામ નથી જ ને ? પરંતુ આપણે તો એ પણ કયાં કરીએ છીએ ? એમાં યે કંજૂસાઇ ? એમાં યે સમય નથી ના બહાના. તારી પાસે જો બીજા્ની વ્યથામાં ભાગ લેવાનો , મ સમય ન હોય તો મારી પાસે તારી વ્યથા કે તારી માગણી પૂરી કરવા માટે સમય કયાંથી હોવાનો ? દોસ્ત, સમજાય છે મારી વાત ?
સારી રીતે ભજન ગાવા એ મજાની વાત છે. પણ જે પણ કામ કરીએ એ ભજન માનીને પૂરા ભાવથી કરીએ તો એ કાર્ય કેવું દીપી ઉઠે ? અને ભજન કરતા પણ ભજન જેવું કાર્ય મને વધારે પસંદ છે. એ તો તું જાણે જ છે ને ? તારું દરેક કાર્ય મને અર્પણ કરતો હોય તે ભાવ મનમાં રાખીને કરીશ તો એ કામ ઉત્તમ જ થશે અને પછી કોઇ ખોટું કામ કરતા તું અચકાઇશ. બસ એ ખચકાટ જાગે તો પણ ભયો ભયો. એ ખચકાટ જ તને એક દિવસ સાચી દિશા તરફ દોરી જશે.
ગંગાકિનારે નળમાં જે પાણી આવે છે એ પણ ગંગાનું જ હોય છે. અને છતાં ત્યાંના લોકો પણ ગંગામાં જ સ્નાન કરવા જાય છે .શા માટે ?
કેમકે ગંગાનો વહેતો પ્રવાહ એ નર્યા હાઇડોર્જન અને ઓકિસજનનું સંયોજન નથી. એ પાણીમાં કરોડો દેશવાસીઓની હજારો વરસથી ઘૂંટાયેલી આસ્થા ભળી છે એથી એ ફકત પાણી નથી. પવિત્ર ગંગાજળ છે.
દોસ્ત, કોઇ પણ કામનું આવુ જ છે, જે કામમાં ભાવના ભળે ત્યારે એ કામ ન રહે, યોગ, યજ્ઞ બની જાય.અને મને આવા યજ્ઞની હમેશા ઝંખના રહી છે.
લિ. તારો ઇશ્વર,અલ્લાહ
પ્રાર્થના એટલે હાથ લંબાવવાના નહીં, પણ હાથ. જોડવાના.
જીવનનો હકાર.
કંઇ પણ નવું શોધવું હોય તો એની પાછળ પહેલા ખોવાવું પડે.
પ્રતિશ્રુતિ’ નવલકથાની શરૂઆત ધ્રુવદાદાએ મહાભારતમાં કુરુક્ષેત્રનાં યુદ્ધ પછી ભિષ્મ પિતામહ બાણશૈયા પર સૂતા હોય છે ત્યારે તેમના શ્રીકૃષ્ણ સાથેના સંવાદથી કરી છે.
શ્રીકૃષ્ણ ભિષ્મ પિતામહને પૂછે છે કે “પિતામહ, રાજગાદી-ત્યાગ,સંસારનો નકાર,સંબંધોનો તિરસ્કાર, જીવનનો અસ્વીકાર અને ભીષણ પ્રતિજ્ઞાઓ કરવાથી જ જન્માંતરો, ઋણ અનુબંધરહિત જીવી શકાય છે? જો એમ હોત તો બધાં તેમ ન કરત.?”
આમ પૂછી, કૃષ્ણ એક રાત માટે સાક્ષીભાવે ભિષ્મ પિતામહને તેમના જન્મ, જીવન અને તેમણે લીધેલ પ્રતિજ્ઞા વિશે વિચારી, પૂરી ગંભીરતાપૂર્વક તેના પરિણામો અંગે વિચારવા કહે છે.
ધ્રુવદાદાએ નવલકથામાં આખા મહાભારતનું ભિષ્મનાં પાત્ર સાથેનું સુક્ષ્મ અવલોકન કરી ખૂબ રસસભર મૂલ્યાંકન કર્યું છે. પોતાનાં અલગ અંદાજ સાથે મહાભારતનું કથન નજર સમક્ષ ભજવાઈ રહેલા નાટક જેવું રસપ્રદ શૈલીમાં લખાયું છે.મહાભારતનાં અનેક શ્લોકો અનુવાદ સાથે ટાંકીને ધ્રુવદાદાએ તેમની નજરે મહાકાવ્યની અનેક અજાણી રહી ગયેલી વાત રજૂ કરી ઐતિહાસિક સફર આપણને કરાવી છે.
ભિષ્મના માતા સત્યવતી એટલે મત્સ્યગંધા ,જે માછલીનાં પેટમાંથી જન્મેલા હતાં તે મત્સ્યકન્યા રૂપે સૌને નૌકામાં નદી પાર કરાવતાં હતાં. આ વાત સૌ કોઈ જાણતું હોય પરતું તે જ સત્યવતી કૃષ્ણ જન્મ સમયે યમુનામાં જઈ વાસુદેવ કૃષ્ણને યમુના પાર કરાવવા પહોંચી ગયાં હતાં તે આપણે ન જાણતા હોઈએ. આવી નાની નાની અનેક વાતો દાદાએ પ્રતિશ્રુતિમાં આવરી લીધી છે.
ભિષ્મ પિતામહે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી તેથી તે ભિષ્મ કહેવાયા, પણ શું તે યોગ્ય હતું ? તેમના જીવનની આ પ્રતિજ્ઞાથી તેમણે મા સત્યવતી, અંબા, અંબિકા અને અંબાલિકાનાં જીવનમાં જે ઝંઝાવાત લાવ્યા હતાં તે યોગ્ય હતા? તેમની એક પ્રતિજ્ઞા પૂરી કરવા તેમજ મુક્તિની ઈચ્છાએ તેમણે મા સત્યવતી સમેત કેટલી સ્ત્રીઓનાં સુખનાં સપના રગદોળી નાંખ્યાં.
દ્રૌપદીનાં વસ્ત્રાહરણ સમયનું પિતામહનું મૌન અને ગાંધાંરીને પોતાનાં અંધ પુત્ર માટે પુત્રવધૂ તરીકે માંગવી વગેરે પ્રંસંગોને ભિષ્મ પિતામહ દ્વારા જ મરણપથારીએ સ્મરણ કરાવી , દાદાએ પોતાની રીતે સરસ મૂલવણી કરી છે. ભિષ્મ પિતા માટેનાં પોતાનાં વિચારોને દાદાએ જુદા જુદા પાત્રોનાં સંવાદો દ્વારા રજૂ કર્યા છે.
દ્રૌપદી ભિષ્મ પિતામહને પોતાની સાથે ખાંડવપ્રસ્થ આવવાનું કહે છે ત્યારે પિતામહ કહે છે કે ,”હું હસ્તિનાપુરનો સેવક છું એટલે તમારી સાથે ન આવી શકું.”
ત્યારે દ્રૌપદી પિતામહને કહે છે કે “પાંડવો પણ સત્યવતીનાં જ વંશજો છે.” ભિષ્મ ત્યારે દ્રૌપદી પર ગુસ્સે થઈ જાય છે. મરણપથારીએ એ યાદ આવતા તેમને સમજાય છે કે, “મેં તો સંસારથી અને રાજકાજનાં વળગણોથી દૂર રહેવાના આશયથી જ પ્રતિજ્ઞા કરી હતી.
આમ ભિષ્મ પ્રતિજ્ઞાએ ભલે ભિષ્મ તરીકે પિતામહને બિરદાવ્યા, પરતું દાદાએ આ નવલકથામાં પોતાની રીતે તેની જુદી જ મૂલવણી કરી છે.
શ્રીકૃષ્ણ -ભિષ્મના છેલ્લા સંવાદમાં કૃષ્ણ કહે છે, “પિતામહ, જુદું તમે જીવ્યા છો. જુદું જીવવાની ઝંખનામાં તમને ક્યારેય એ ન દેખાયું કે મનુષ્યો સાથે સહજ રીતે જીવવા માટે આપણી મહાનતા દર્શાવવા કરતાં તેમનાં સુખદુ:ખને અનુભવવા, સમજવા તે સરળ ઉપાય છે.”
મા ગંગા પણ ભિષ્મને કહે છે, “બેટા, મુક્તિ માટેની લીલામાંથી પસાર થતાં રહીને જીવનને ‘લીલા’ સમજીને જીવવું તે જ તો વાસ્તવમાં સ્વર્ગ છે, સુખ છે તે કેમ તને ન સમજાયું?”
આ નવલકથામાં ભિષ્મ તેમની પ્રતિજ્ઞાઓ થકી કેટલીયે વાર જીવનનાં અનેક પડાવ પર અસહાય બની અટવાઈ જતા દેખાયા છે. ભિષ્મનાં પાત્ર દ્વારા ધ્રુવદાદા આપણને સમજાવવા માંગે છે કે મોક્ષ એ જ જીવનનો હેતુ હોવો ન જોઈએ પરતું એક સાચા, સરળ, સહજ, સહૃદયી મનુષ્ય બનીને જીવી, સહજતાથી આનંદપૂર્ણ જીવન જીવવું એ જ શ્રેષ્ઠ જીવન જીવવાની રીત છે.