વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • વાદ્યવિશેષ (૩૮) – તાલવાદ્યો (૩) : ઢોલક

    ફિલ્મી ગીતોમા વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    ગઈ કડીમાં આપણે જેનો પરિચય કર્યો, તે તબલાં જેટલી જ વ્યાપક પ્રસિદ્ધી ઢોલક પણ ધરાવે છે. વળી ઉપયોગીતાની દૃષ્ટીએ પણ ઢોલક તબલાંને સમકક્ષ જ ગણાવી શકાય. એક વ્યાપક માન્યતા મુજબ ઢોલક્ તાલવાદ્ય તરીકે પહેલાં ચલણમાં આવ્યું હશે અને સમય જતાં તેને બે ભાગમાં વિભાજિત કરીને તબલાં બનાવવામાં આવ્યાં હશે. ઉત્તરીય અને મધ્ય ભારતીય વિસ્તારોમાં તબલાંનો મહિમા વધારે જોવા મળે છે, જ્યારે ઢોલકનું સૌથી વધુ ચલણ પંજાબમાં અને તેની આસપાસના પ્રદેશોમાં હોય છે. એક નોંધનીય બાબત એ છે કે શાસ્ત્રીય ગાયન-વાદન સાથે તબલાંની જ સંગત હોય છે. તે જ રીતે લોકગીતો સાથે મહદઅંશે ઢોલકનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે ઢોલકને બેય છેડેથી પાતળા દોરડાથી બાંધી, ગળામાં ભેરવી સહેલાઈથી વગાડી શકાય છે. આથી તે ઉત્સવો અને ઉજાણીઓમાં વગાડાતું જોવા મળે છે. આ તબક્કે એક સ્પષ્ટતા કરવી રહી કે વરઘોડામાં કે સરઘસોમાં દાંડી વડે વગાડવામાં આવતાં હોય છે એ ઢોલ કહેવાય છે, એ ઢોલક નથી.

    ઢોલકની રચના પણ સાગ અથવા અન્ય કોઈ મજબૂત વૃક્ષના થડને આડું કાપીને મેળવેલા એક લંબઘન ટૂકડામાંથી થાય છે. આવા ટૂકડાની અંદરના ગર્ભભાગને દૂર કરતાં બનતા પોલાણની બન્ને બાજુએ બકરા અથવા ઘેટાની ચામડી લગાવી દેવામાં આવે છે. ત્યાર બાદ મૃત પ્રાણીના આંતરડામાંથી બનાવેલી દોરી જેવી રચના વડે એ ચામડીને મજબૂતીથી સીવી લેતાં ઢોલકનું નિર્માણ થાય છે. તેની બન્ને બાજુ ઉપર યોગ્ય રીતે હળવો પ્રહાર કરતાં ઉત્પન્ન થતી અનુનાદિય અસર થકી અપેક્ષિત બોલ વગાડી શકાય છે.

    એક રસપ્રદ બાબત એ છે કે પ્રથામ દૃષ્ટીએ આ વાદ્ય જેવાં દેખાતાં અન્ય તાલવાદ્યો પણ ચાલણમાં છે. જેમ કે પરંપરાગત ઢોલક કરતાં નાનું કદ ધરાવતું વાદ્ય ઢોલકી કહેવાય છે. એનાથી પણ નાના કદનું વાદ્ય માદલ તરીકે ઓળખાય છે. તે ઉપરાંત નાળ, પખાવજ અને મૃદંગ પણ થોડાઘણા અંશે ઢોલક જેવી રચના ધરાવતાં હોય છે. આ બધાં જ તાલવાદ્યો જેને તેને વગાડતાં ઉત્પન્ન થતા બોલ અને વાદનની શૈલી વડે એકબીજાંથી ખાસ્સાં જુદાં પડે છે. આ કડીમાં આપણે એવાં ફિલ્મી ગીતો માણીએ, જેમાં તાલવાદ્ય તરીકે ઢોલકનો પ્રભાવક ઉપયોગ થયો હોય.

    સૌ પ્રથમ જે બે ગીતો સાંભળીએ તે ૧૯૫૧ની એવી ફિલ્મનાં છે, જેનું નામ ઢોલક હતું! શ્યામસુંદર નામના પ્રમાણમાં ઓછા જાણીતા એવા સંગીતકારના નિર્દેશનમાં આ ફિલ્મ માટે સંગીત તૈયાર થયું હતું.

    પહેલાં સાંભળીએ ‘મૌસમ આયા હૈ રંગીન’. પરદા ઉપર મોટું વાદ્યવૃંદ નજરે પડે છે, જેમાં વાદકો તરીકે યુવતીઓ છે. આ ક્લીપ પરથી ઢોલકના લાક્ષણિક બોલોનો ખ્યાલ આવી શકે છે. શરૂઆતમાં કેટલીક યુવતીઓ ઢોલક વગાડતી પણ દેખાય છે.

    હવે આ જ ફિલ્મનું અન્ય ગીત ‘હલ્લા ગુલ્લા લઈલા’ માણીએ. આ ગીતમાં પણ તખ્તા પરથી થઈ રહેલી રજૂઆતમાં વિવિધ વાદ્યોના સ્વર સાથે ઢોલકના બોલ સ્પષ્ટ સંભળાય છે.

    આગળ વધીએ ૧૯૫૬ની ફિલ્મ ચોરી ચોરીના ગીત ‘પ્યાર હુઆ ઈકરાર હુઆ’ તરફ. શંકર-જયકિશનના સંગીતનિર્દેશનમાં તૈયાર થયેલા આ ગીત સાથે ઢોલકનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે.

    ફિલ્મ દો આંખેં બારાહ હાથ(૧૯૫૭) માટે વસંત દેસાઈએ તૈયાર કરેલાં બધાં જ ગીતો ખુબ જ લોકપ્રિય થયાં હતાં. તે પૈકીના ગીત ‘અય માલિક તેરે બંદે હમ’ (પુરુષોના સમુહસ્વરમાં) સાથે વાગી રહીલા ઢોલકના બોલ આગવી અસર ઉભી કરે છે.

    આ જ ફિલ્મના અન્ય ગીત ‘ઊમડ ઘૂમડ કર આયી રે ઘટા’માં પણ ઢોલક પોતાની હાજરી પૂરાવતું રહે છે. નોંધીએ કે પરદા ઉપર ગીતની શરૂઆતમાં નાયક વગાડે છે તે ઢોલ છે, પણ પછી સમગ્ર ગીત દરમિયાન ઢોલક કાને પડતું રહે છે.

    ફિલ્મ દિલ અપના ઔર પ્રીત પરાઈ(૧૯૬૦)માં શંકર-જયકિશનનું સંગીત હતું. આ ફિલ્મના ગીત ‘અંદાઝ મેરા મસ્તાના’ માણીએ. એક બિનદસ્તાવેજી માહીતિ મુજબ આ ગીત સાથે સહાયક સંગીતકાર દત્તારામે ઢોલક વગાડ્યું હતું.

    ૧૯૬૧માં પરદા ઉપર રજૂ થયેલી ફિલ્મ આસ કા પંછીના ગીત ‘તુમ રૂઠી રહો મૈં મનાતા રહૂં’ સાથે ઢોલકના બોલ પ્રભાવક રીતે સંભળાતા રહે છે, સંગીતનિર્દેશન શંકર-જયકિશનનું હતું.

    હવે સાંભળીએ ઢોલકના તાલ વડે સજાવાયેલું ફિલ્મ મેરે સનમ(૧૯૬૫)નું ગીત ‘હમદમ મેરે માન ભી જાઓ’. સ્વરનિયોજન ઓ.પી. નૈયરનું છે. શરૂઆતમાં પાશ્ચાત્ય તાલવાદ્યો સંભળાય છે, પણ ગાયકીની સાથે ઢોલકના બોલ શરૂ થઈ જાય છે.

    ફિલ્મ પથ્થર કે સનમ(૧૯૬૭)ના ગીત ‘કોઈ નહીં હૈં ફીર ભી હૈ મુઝ કો’ સાથે ઢોલક વાગે છે તે સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત-પ્યારેલાલની લાક્ષણિક તાલશૈલીને અનુરૂપ છે.

    ૧૯૬૮ની ફિલ્મ રાજા ઔર રંક માટે પણ લક્ષ્મીકાંત-પ્યારેલાલે સંગીત તૈયાર કર્યું હતું. તે ફિલ્મના ગીત ‘મેરા નામ હૈ ચમેલી’ સાથે પણ લાક્ષણિક શૈલીમાં ઢોલકવાદન કાને પડે છે.

    આ કડીના અંતમાં સાંભળીએ ૧૯૭૮ની ફિલ્મ સત્યમ શિવમ સુંદરમનું ઢોલકપ્રધાન ગીત ‘ભોર ભયી પનઘટ પર’. આ ફિલ્મ માટે સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે તૈયાર કર્યું હતું.

    https://www.youtube.com/watch?v=5o_GLXqUBek&list=RD5o_GLXqUBek&start_radio=1

    આવતી કડીમાં અન્ય તાલવાદ્યો સાથે મળીશું.


    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • દૈયડ: શહેરી ઘોંઘાટ વચ્ચેનું સુંદર ગાયક

    પ્રકૃતિની પાંખો

    હીત વોરા

    વહેલી સવારે, લોકો કામે નીકળે, ટ્રાફિકનો ઘોંઘાટ શરૂ થાય અને દિવસ વેગ પકડે તે પહેલાં, એક મધુર સૂરીલું અને પુનરાવર્તિત ગીત સંભળાય છે. આપણામાંથી મોટાભાગના લોકો એ આ ગીત સાંભળ્યું પણ હશે અને તેના ગાયક કલાકારને જોયું પણ હશે, પણ ઘણા ઓછા લોકોએ રોજિંદી જિંદગીમાંથી સમય કાઢી તેને માણ્યું અથવા સમજ્યું હશે.

    આ પક્ષી જેને અંગ્રેજીમાં “ઓરિએન્ટલ મેગપાઈ રોબિન (Oriental Magpie Robin)” અને ગુજરાતીમાં “દૈયડ” કહેવાય છે, એ શહેરોમાં આપણી નજીક એટલા લાંબા સમયથી રહે છે કે તેનું ગાન રોજિંદા જીવનની પૃષ્ઠભૂમિનો ભાગ બની ગયું છે.

    તે એક નાનું પક્ષી છે, જે ભારતીય ઉપખંડમાં સામાન્ય છે, બગીચાઓ, ખેતરો, શહેરો અને જંગલની ધારમાં આરામથી જોવા મળી જાય છે. તે માનવ પ્રભાવિત પર્યાવરણમાં રહેવા ટેવાઈ ગયું છે.

    [ચળકતો કાળો રંગ ધરાવતો નર મેગપાઈ રોબિન]
    નર ઓળખવામાં સરળ છે: ઉપર ચળકતો કાળો, નીચે સફેદ, પાંખ પર ઘાટા સફેદ ડાઘ અને લાંબી પૂંછડી જે ઘણીવાર તે ઊંચી અને સીધી રાખે છે. માદાનો રંગ આછો અને રાખોડી-ભુરા જેવો હોય છે, જે તેની આસપાસના વાતાવરણમાં સરળતાથી ભળી જાય છે. સંવર્ધન ઋતુ દરમિયાન, આ તફાવત વધુ સ્પષ્ટ બને છે.

    [આછા ગ્રે રંગ ધરાવતી માદા મેગપાઈ રોબિન]
    દૈયડ તેના જટિલ અને મધુર ગીત માટે જાણીતું છે. હકીકતમાં તેનું વૈજ્ઞાનિક નામ Copscychus saulrais માં saularis શબ્દ સંસ્કૃત/હિન્દીમાંથી લેવા માં આવ્યો છે જે તેના સૌ પ્રકારના ગીત ગાતા હોવાનું દર્શાવે છે. તેના ગીત ગાવા પાછળ પણ ઘણા કારણો છે. નર બ્રીડિંગ સિઝનમાં ઊંચી ડાળી, ટાવર જેવી ટોચની જગ્યા પર બેસી વારંવાર ગીત ગાય છે, વારંવાર ગીત ગાવું માદાને એવો સંદેશ આપે છે કે આ નર એકદમ સ્વસ્થ છે અને તેની પાસે ખાવાનું  પણ પુષ્કળ છે, તો જ તે દિવસનો વધારે સમય ગીત ગાવા માટે ફાળવી શકે. આ રીતે માદા દૈયડ સૌથી ઉત્તમ નરને સંવર્ધન માટે પસંદ કરે છે!

    [એક નર મેગપાઈ રોબિનનું બ્રીડિંગ ઋતુ સમયનું જટિલ સંગીત !]

    શહેરોમાં મેગપાઈ રોબિન ઘણી વખત બહુ વહેલી સવારમાં ગાતું સાંભળાય છે, ક્યારેક સૂર્યોદય પહેલાં અને ક્યારેક તો રાત્રે ત્રણ વાગ્યે પણ જાગી ગીત ગાય છે. આ વર્તણૂકનું સીધું કારણ શહેરોમાં થતું ધ્વનિ-પ્રદૂષણ છે. દિવસ દરમિયાન માનવ પ્રવૃત્તિઓથી સતત ઘોંઘાટ રહે છે જેનાથી નરનો અવાજ સ્પષ્ટ અને વધારે દૂર સુધી નથી પહોંચી શકતો. મોડી રાત અથવા વહેલી સવારના શાંતિના સમયમાં ગાવાથી તેનો અવાજ દૂર સુધી અને સ્પષ્ટ પહોંચે છે. આ શહેરી વાતાવરણમાં કરેલું અનુકૂલન છે જે ખાલી દૈયડમાં જ નહીં પણ ઘણા સોંગબર્ડ્સમાં જોવા મળી રહ્યું છે!

    દૈયડ જમીન પર રહી મુખ્યત્વે કીડીઓ, ભમરા, ઉધઈ, ઈયળો – વગેરે જંતુઓ ખાય છે જેથી કીટકોની વસ્તી પણ નિયંત્રિત રહે છે, પણ હવે અબોલ જીવો પ્રત્યે દયા ધરાવતા ને પુણ્ય કમાવા ઇચ્છતા લોકોની બિનજરૂરી મદદથી દૈયડ હવે ગાંઠિયા, રોટલી, ચવાણું, સેવ વગેરે ખાતા થઈ ગયા છે જેની સીધી અસર તેમના પાચન અને સ્વાસ્થ્ય પર પડે છે અથવા ઘણી વખત પક્ષીઓ મૃત્યુ પણ પામે છે અને થોડુંક દૂર નું વિચારીએ તો કીટકોની વસ્તી પણ માપ બહાર વધી જાય છે! એટલે હંમેશા પુણ્ય કમાવા જતા અથવા દયા બતાવવા જતા વિચારવું કે શું તે પશુ-પક્ષી માટે હાનિકારક તો નથી ને?

    [એક કીટકનો શિકાર કરી તેનું ભક્ષણ કરતો નર દૈયડ]
    સંવર્ધન ઋતુ દરમિયાન, નર મજબૂત રીતે પ્રાદેશિક (territorial) બની જાય છે અને બીજા નરની તેના વિસ્તારમાં ઘૂસણખોરી સહન કરતા નથી. ઘણી વખત કાચમાં પોતાના પ્રતિબિંબને તેનો હરીફ સમજી તેના પર પણ હુમલો કરે છે

    તે ઘાસ, ડાળીથી નાની વાટકી જેવો માળો સામાન્ય રીતે પોલાણમાં બનાવે છે. ઝાડની બખોલ, વપરાશમાં ન આવતા પાઇપ અથવા ત્યજી દેવાયેલ માળખામાં માળો બનાવે છે. માતાપિતા બંને બચ્ચાઓને ખવડાવે છે, અને જો પરિસ્થિતિઓ અનુકૂળ હોય તો એક કરતાં વધુ બચ્ચાઓ ઉછેરી શકે છે. આ સુગમતા સમજાવે છે કે શા માટે આ પ્રજાતિ ભીડવાળા માનવ વસાહતોમાં પણ સફળતાપૂર્વક સંવર્ધન ચાલુ રાખે છે.

    સદીઓથી, ઓરિએન્ટલ મેગપાઈ રોબિન તેના ગીત માટે પ્રશંસા પામ્યું છે. તે જ કારણે પહેલાના સમયમાં તેને પાંજરામાં મનોરંજન અને દેખાવ માટે રાખવામાં આવતું હતું, અને કેટલીક જગ્યાએ, નરનો ઉપયોગ તેમના પ્રાદેશિક વર્તનના આધારે આક્રમક સ્પર્ધાઓમાં પણ થતો હતો. જ્યારે આવી પ્રથાઓ હવે કાયદાની વિરુદ્ધ છે, તે એક વિરોધાભાસ દર્શાવે છે: પક્ષીને મર્યાદિત રાખવા માટે પૂરતું મૂલ્ય આપવામાં આવતું હતું, છતાં આપણા ઘરની બહાર તેના મુક્ત ગીતને મોટાભાગે અવગણવામાં આવે છે.

    ઇકોલોજિકલ રીતે, મેગપાઈ રોબિન માનવ વસવાટની આસપાસ જંતુઓને નિયંત્રિત કરવામાં ભૂમિકા ભજવે છે. તેની હાજરી સૂચવે છે કે તે વિસ્તાર હજુ પણ મૂળભૂત ઇકોલોજીકલ સંતુલનને ટેકો આપે છે. પરંતુ સામાન્ય હોવાને કારણે તે સુરક્ષિત નથી. જંતુનાશકો, જીવદયા ધરાવતા પ્રાણીપ્રેમીઓ અને ધ્વનિ પ્રદૂષણ ધ્યાન આકર્ષિત કર્યા વિના આ સુંદર પક્ષીની સ્થાનિક વસ્તીને ઘટાડી શકે છે.

    ઓરિએન્ટલ મેગપાઈ રોબિન માનવ-પ્રભુત્વ ધરાવતા લેન્ડસ્કેપ્સનો સામાન્ય રહેવાસી છે. માનવ હાજરીમાં તે તેના વર્તનમાં (જેમાં ગીતનો સમય, માળા અને ખોરાકની પસંદગી, ખોરાક શોધવાનો સમયમાં) ફેરફાર લાવી તે ઉચ્ચ સ્તરની અનુકૂલનક્ષમતા દર્શાવે છે. આવી પ્રજાતિઓનો અભ્યાસ કરવાથી, પક્ષીઓ પર્યાવરણીય પરિવર્તન અને સતત માનવીય ખલેલ સાથે કેવી રીતે અનુકૂલન કરે છે તે સમજવામાં મદદ મળે છે.


    શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • એસ ધમ્મો સનંતનો – સનાતન પરંપરાઓનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન (૧) : વૈદિક અને શ્રમણ પરંપરાઓ

    સનાતન પરંપરા વિશે જેટલું લખીએ તેટલું ઓછું પડે. આ દીર્ઘ લેખામાળાના સમાપનમાં સનાતન પરંપરાઓનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન તેમને સમજવામાં મદદરૂપ બની શકશે.

    વૈદિક પરંપરા

    આજથી સીત્તેર હજાર વર્ષ પૂર્વે વૈદિક ઋષિઓએ પરમ ચેતના – બ્રહ્મ – અંગે તેમના આંતરિક મન વડે દર્શન કર્યું અને પછી તેને સામાન્ય જનસમાજ સમક્ષ રજૂ કરવા સંસ્કૃત ભાષાના ૬૪ અક્ષરો અને ગાયત્રી, અનુષ્ટુપ, જગતી જેવા ૭ છંદોમાં ગઠન કરીને અદ્‍ભૂત ઋચાઓમાં આ દર્શનને વણી લીધું. આપણી વૈદિક પરંપરાઓનો પ્રારંભ થયો.

    એક વિદેશી વિદ્વાને સાચું લખ્યું છે કે ઈજિપ્ત અને માયા સંસ્કૃતિના પથ્થરોમાં સચવાયેલા ધાર્મિક અને સામાજિક જ્ઞાનનો કાળક્રમે નાશ થશે પણ અક્ષરદેહમાં સચવાયેલી વૈદિક પરંપરા શાશ્વત છે. તેનો કદી પણ નાશ નહીં કરી શકાય.

    વેદની રચના થયા પછી વેદના ઋષિઓએ ઉપરોક્ત જ્ઞાનને અધ્યાત્મનું રૂપ આપવા આરણ્યકો અને ઉપનિષદોની રચના કરી. આ બધું સાહિત્ય શ્રુતિ સાહિત્ય તરીકે ઓળખાય છે. આ જ્ઞાનને મૂર્ત સ્વરૂપ આપવા યજ્ઞ પ્રથાનું આયોજન વૈદિક ઋષિઓએ કર્યું. આ માટે શતપથ બ્રાહ્મણ અને ગૌપથ બ્રાહ્મણ જેવા અદ્‍ભૂત ગ્રંથો રચાયા. તેમ છતાં હજુ કંઈ ખુટતું જણાતું હતું. તેથી છ વેદાંગ પરિપાટીનું પ્રચલન થયું. વેદાંગોમાં કપિલ મુનિનું સાંખ્યશાસ્ત્ર, મીમાંસાઓ, યોગ અને વ્યાકરણશાસ્ત્રની રચના દ્વારા આ ખોટ પુરી કરવામાં આવી.

    પરંતુ, સામાન્ય પ્રજાને આટલું ઉચ્ચ સાહિત્ય સમજી શકવામાં તકલીફ પડતી હતી. તે વખતે ઘણા તત્વજ્ઞાનીઓ આ જ્ઞાનને સમજાવવા આગળ આવ્યા. શ્રીવેદવ્યાસે બ્રહ્મસૂત્ર તથા શંકરાચાર્યે તેના પરની ટીકાઓ રજૂ કરતાં પ્રસ્થાનત્રયીની રચના કરી. તેઓનો અદ્વૈતવાદ અને રામાનુજ, માધવાચાર્ય વગેરેના દ્વૈતવાદ, દ્વૈતાદ્વૈતવાદ અને અચિંત્ય ભેદવાદની પ્રકાંડ તત્ત્વજ્ઞાનની વિચારસરણી રજૂ કરી. પરંતુ, સાચા અર્થમાં, વૈદિક પરંપરા અભિજાત્ય વર્ગ – ઉચ્ચવર્ગ (Elite Class) માટે જ બની રહી, તે લોકભોગ્ય ન બની શકી.

    વૈદિક પરંપરાનું પતન

    વૈદિક પરંપરા માટે પતન શબ્દ બંધબેસતો નથી. તેમ છતાં નોંધવું પ્ડે છે કે ભારતના આ પછીના પુરોહિતોએ ઋષિઓનું સ્થાન ખુંચવી લીધું. અતિખર્ચાળ અને પશુબલિને ટેકો આપતા અનેક યજ્ઞોનું પ્રાયોજન કરીને તેઓએ વૈદિક પ્રથાને નિર્બળ બનાવી દીધી. સામાન્ય પ્રજા પોતાના દુઃખોને દૂર કરવા ઈંન્દ્ર, અગ્નિ, સોમ, બૃહસ્પતિ ઈત્યાદિ જેવા જે વૈદિક દેવતાઓ અને સિનીવાલી અને કુહુ જેવાં દેવીઓની સ્તુતિ કરતાં તે દેવદેવીઓ આ દુઃખો દૂર કરવામાં નિષ્ફળ ગયાં. સંસાર વ્યાપન કરતા સામાન્ય માણસને વર્ણવ્યવસ્થા પ્રમાણે તેને કરવાના કાર્યો માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા. મનુસ્મૃતિ, ગૃહ્યસૂત્ર, પરાશર સ્મૃતિ જેવાં અનેક ધર્મસૂત્રો અને ધર્મશાસ્ત્રો દ્વારા આ નિયમોનાં બંધનો પ્રજા પર લાદવામાં આવ્યાં. કોઈ કાર્યમાં કોઈ દુષણ આવી જાય તો તેના શુદ્ધિકરણ માટે પણ અનેક નિયમો આ શાસ્ત્રોએ સુચવ્યા. પરિણામે, ચાર વર્ણને બદલે અઢાર વર્ણમાં સમાજ વહેંચાઈ ગયો અને નિર્બળ બન્યો.

    શ્રમણ પરંપરા

    વૈદિક પરંપરાનાં જ્યારે વળતાં પાણી થયાં યારે દીર્ઘકાળથી પ્રચલિત શ્રમણ પરંપરાના બે મહામાનવો, ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી,નું પ્રાગટ્ય થયું. રાજકુમાર સિદ્ધાર્થ જ્યારે કેવળ જ્ઞાન પામીને ગૌતમ બુદ્ધ બન્યા અને વર્ધમાન પરમ જ્ઞાન પામીને મહાવીર સ્વામી બન્યા ત્યારે તેઓએ વ્યક્તિની આંતરિક સુધારણા પર ભાર મૂક્યો.  બાહ્ય યજ્ઞો અને ખર્ચાળ કર્મકાંડોને સ્થાને તેઓએ માનવમાત્રને સારાં કામો દ્વારા નિર્વાણ અને મોક્ષ પામવા માટેના સરળ સિદ્ધાંતો આપ્યા. આ માટે તેઓએ સંસ્કૃતની જગ્યાએ પ્રાકૃત અને અર્ધમાગધી જેવી બોલચાલની ભાષાઓમાં ઉપદેશો આપ્યા,

    જૈન પરંપરા પ્રમાણમાં પાળવી કઠણ હતી, એટલે તેનો વિસ્તાર માત્ર ભારતમાં જ થયો. પરંતુ, બૌદ્ધ ધર્મ પ્રારંભથી જ સરળ હતો. તે અન્ય વ્યક્તિના ધર્મ પરિવર્તનમાં માનતો. વળી બૌદ્ધ ધર્મની શાખા મહાયાનમાં પ્રજાનાં દુઃખ દૂર કરે તેવા બોધિસત્વના અવતારો, તેમની પુજા – અર્ચના અને વજ્રયાનની તાંત્રિક પરંપરાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું. ભારતવર્ષની લગભગ ૮૫ પ્રતિશત પ્રજાએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો.  બૌદ્ધ ધર્મની શાખા હિનયાન શ્રીલંકામાં ફેલાઈ. અહીં જ બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથ  ત્રિપિટકોની રચના કરવામાં આવી. મહાયાન પરંપરાએ ભારત ઉપરાંત મધ્ય એશિયા, ચીન, કોરિયા અને જાપાનમાં પણ બૌદ્ધ ધર્મને ફેલાવ્યો.

    ભારતવર્ષના મૌર્ય વંશના સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરીને આખા દેશને ચોર્યાસી હજાર જેટલો સ્તૂપો, ચૈત્યો, વિહારો, અને અનેક ગુફાઓમાં ધ્યાન કેન્દ્રો સ્થાપ્યાં. અજંન્તા અને ઈલોરાનાં ગુફાસ્થાપત્યો વિશ્વની વિરાસત બન્યાં છે. મધ્ય એશિયાના સમ્રાટ કનિષ્કે પણ બૌદ્ધ ધર્મ સ્વીકારીને તેનો પ્રચાર સમગ્ર યુરોશિયામાં કર્યો. પરિણામે વેદની સાઠ પર્તિશત ઋચાઓ આ પાષાણ સ્મારકોમાં ટકરાઈને આપણાથી દૂર થઈ ગઈ.ઓશો રજનીશ કહે છે કે અધ્યાત્મ અને ધર્મના જે શબ્દ બોલાય છે તે ક્યારેય નાશ પામતા નથી, પણ આકાશીય સંદેશ તરીકે સચવાય છે.

    વાળ, દાંત જેવા બુદ્ધના દેહાવશેષો પર ચૈત્યો અને સ્તૂપોનું નિર્માણ કરવામાં આવ્યું. પૂર્વ એશિયાના દેશો ઉપરાંત દક્ષિણ – પૂર્વ એશિયાના વિયેતનામ, કમ્બોડિયા, થાઈલેન્ડ, લાઓસ અને મ્યાનમારમાં પણ બૌદ્ધ  ધર્મ રાજધર્મ બન્યો. પ્યુ (PEW) રિસર્ચના અંદાજ મુજબ ઇ. સ. ૨૦૨૦માં બૌદ્ધ ધર્મ પાળનાર લોકોની સંખ્યા વિશ્વની વસ્તીના ચાર પ્રતિશત, એટલે કે લગભગ ૫૦ કરોડ જેટલી, માનવામાં આવે છે. કમનસીબે, એશિયાના દેશોમાં પણ બૌદ્ધ ધર્મ પાળનારાઓની સંખ્યા ઘટવા લાગી છે.

    સામાન્ય રીતે આપણને ઇતિહાસમાં એમ શીખવવામાં આવે છે કે બુદ્ધ અને મહાવીર સમકાલિન હતા. તેઓનો સમયકાળ આજથી ૨,૬૦૦ વર્ષ પહેલાંનો મુકવામાં આવે છે. પરંતુ, ભારતના શોધકર્તાઓએ હવે એવું પ્રતિપાદિત કર્યું ચ એકે ભગવાન બુદ્ધ આજથી લગભગ ૩,૮૦૦ વર્ષ પૂર્વે થઈ ગયા. તેમના સમકાલિન મહાવીર સ્વામી નહીં પણ પાર્શ્વનાથ ભગવાન હતા. આ શોધકર્તાઓ મહાવીર સ્વામીનો સમયકાળ આજથી ૩,૨૦૦ વર્ષ પૂર્વેનો મુકે છે.

    કાળક્રમે જૈન ધર્મ શ્વેતાંબર અને દિગંબર એમ બે મુખ્ય સંપ્રદાયોમાં વહેંચાઈ ગયો અને વિકસ્યો. એકતાળીસ આગમો અને સૂત્રો જેવા જૈન ધર્મગ્રંથોની રચના પ્રમાણમાં અર્વાચીન છે. પરંતુ તેઓના .

    સ્મારકો મથુરા, સમેતશિખર (ઝારખંડ), ગિરનાર પર્વત, પાલીતાણા અને આબુ પર્વત પર આવેલાં છે. આ ધાર્મિક સ્થલો પર હિંદુઓ પણ પોતાનો દાવો રજૂ કરે છે, પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ આ સ્થાનકો મુળભૂત રીતે જૈન ધર્મનાં છે.

    ભગવાન બુદ્ધ પોતે ભગવાન બન્યા પણ પોતે ઈશ્વરતત્વ વિશે આજીવન મૌન રહયા. તેઓએ આત્માનો પણ સ્વીકાર ન કર્યો. આમ વૈદિક ધર્મનાં વેદાંતનો બુદ્ધે સંપૂર્ણ જાકારો આપ્યો. મહાવીર સ્વામીએ પણ વેદાંતનાં તત્વજ્ઞાનને બદલે અનેકાન્તવાદ[1] અને સ્યાદ્‍વાદ જેવા દરેકને સ્વીકૃત એવા મહાન તત્વજ્ઞાનનો પાયો નાખ્યો. તેઓ અનિશ્વરવાદી હતા. તેઓએ આત્માનો સ્વીકાર કર્યો હતો, પણ એક પદાર્થ (મુદ્‍ગલ) તરીકે તેઓ આત્માને ક્ષણભંગુર માને છે. આમ આ બન્ને મહાનુભવોએ વેદ પરંપરાના પૂર્ણત્વને સ્થાને શૂન્યવાદ[2] અને નકારાત્મક તત્વજ્ઞાનનો પ્રચાર કર્યો.

    નાગાર્જુનના શુન્યવાદના સિદ્ધાંત તથા દિંગનાથ, વસુબન્ધુ અને ધર્મકીર્તિ નામના તત્વજ્ઞાનીઓએ શ્રમણ પરંપરાના પ્રકાંડ તત્વજ્ઞાનના પાયા નાખ્યા. તેથી વેદોએ પ્રચલિત પૂર્ણત્વ પ્રાપ્ત કરવાના તત્વજ્ઞન સામે આ શુન્યવાદની વિચારધારા સમગ્ર ભારતામાં સ્વીકૃત બની. આમ જ્યારે દરેક ક્ષેત્રમાં શ્રમણ પરંપરાની બોલબાલા હતી ત્યારે તેમાં વિકૃતિઓ પણ દાખલ થવા લાગી. આપણા દેશની રક્ષાનો ભાર સંભાળતા મોટા ભાગના ક્ષત્રિપ કુળોએ જીવનની નકારતાને સ્વીકારનારી જીવન પદ્ધતિ અપનાવી, જેના પરિણામે દેશમાંથી ક્ષાત્રત્વ હણાઈ ગયું. ઇરાનીયનો, શક, હુણ જેવી હિંસક પ્રજાઓના પશ્ચિમમાંથી આવવા લાગેલાં આક્રમણો સામે ભારત વર્ષનાં રાજ્યો પાસે પુરતી સંરક્ષણાત્મક ક્ષમતા ન રહી. આપણી રાજ્ય સરકારોનું મૌલિક કેન્દ્ર છિન્નભિન્ન થઈ ગયું.

    બૌદ્ધ અને જૈન પરંપરાઓમાં સ્ત્રીઓને પણ પ્રવેશ મળ્યો. તેનાં પરિણામ સ્વરૂપ, વિજાતીય આકર્ષણની એક આડ અસર રૂપે શ્રમણ સંઘોમાં અનેક પ્રકારનાં દુષણો પ્રવેશ પામ્યાં.


    [1] અનેકાન્તવાદ

    [2] શૂન્યવાદ


    હવે પછીના મણકામાં લેખમાળામાં ઐતિહાસિક મૂલ્યાંકન વિશે હજુ વધારે વાત કરીશું.


    શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • શિશુપાલે નવમાંથી સાત સીમારેખાઓ પાર કરી દીધી છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    શિશુપાલવધની કથા જાણીતી છે. સો ગુનાની મર્યાદા પૂરી થતાં ભગવાન કૃષ્ણે તેનો વધ કર્યો હતો. આ કથાનો સૂક્ષ્મ સ્તરે સૂર એટલો કે પ્રત્યેક અનિષ્ટની પણ એક મર્યાદા હોય છે. એ મર્યાદા વળોટાય કે વિનાશ સમજવો.

    આપણે સૌ જાણીએ છીએ કે પોતાના ઉદ્‍ભવકાળથી પૃથ્વી પર અનેક ઊથલપાથલો સર્જાતી રહી છે. કેટલીય વાર જે તે પ્રજાતિનો સમૂહવિનાશ થયેલો છે. એ બધામાં ક્યાંક ને ક્યાંક પૃથ્વીમાં થઈ રહેલાં પરિવર્તનો જવાબદાર હતાં.

    છેલ્લાં પાંચેક હજાર વરસોમાં વિવિધ સંસ્કૃતિઓ વિકસતી ગઈ એમ સુખસુવિધા પણ વધી, પૃથ્વી પરનાં વિવિધ સંસાધનોનો ઊપયોગ વધતો ચાલ્યો, જે વીસમી સદીમાં ચરમ સીમાએ પહોંચ્યો. વિજ્ઞાન અને ટેક્નોલોજીની વિવિધ શોધો થકી માનવજીવન અગાઉ ક્યારેય નહોતું એવું સવલતયુક્ત બન્યું, તો અગાઉ કદી નહોતાં એવાં જોખમ પણ પેદા થયાં. હવે એકવીસમી સદીનો પા ભાગ વીત્યો છે ત્યારે લાગે છે કે માનવજાતના વિકાસની અને વિનાશની દોટ સમાંતરે ચાલી રહી છે.

    વિકાસની આ દોટ જોઈને કેટલાક વિજ્ઞાનીઓએ પૃથ્વી બાબતે આંકેલી સીમારેખા ‘પ્લેનેટરી બાઉન્ડ્રીઝ’ તરીકે ઓળખાય છે. આ વિભાવના પહેલવહેલી વાર જોહાન રોકસ્ટોર્મ અને વીલ સ્ટેફન નામના વિજ્ઞાનીઓના વડપણ હેઠળના ૨૮ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિજ્ઞાનીઓના સમૂહે વિચારેલી. પર્યાવરણમાં વૈશ્વિક સ્તરે થતા ફેરફારને સંશોધનની વિવિધ શાખાઓ થકી પ્રાપ્ત થયેલી સમજણ સાથે  તેમાં સાંકળવામાં આવ્યા હતા. એમાં વૈશ્વિક પરિવર્તનની કુલ નવ પ્રણાલિઓ નક્કી ક્રવામાં આવી છે.  પૃથ્વીની પ્રણાલિની કાર્યક્ષમતા જે માનવીય ગતિવિધિઓ દ્વારા અસરગ્રસ્ત થાય છે તેનું મૂલ્યાંકન આ નવ પ્રણાલિઓના માપદંડના આધારે કરવામાં આવે છે. એમ સમજો કે આપણા શિશુપાલવેડા તેના થકી મપાય છે.

    પહેલાં આ નવ પ્રણાલિઓનો નામજોગો પરિચય મેળવી લઈએ અને પછી તેની પરિસ્થિતિ તપાસીએ. હવામાન પરિવર્તન, આપણા પર્યાવરણમાં પ્રવેશેલાં પ્લાસ્ટિક અને એ પ્રકારનાં નવિન તત્ત્વો, સ્ટ્રેટોસ્ફીઅરમાં ઓઝોનના સ્તરમાં થતો ઘટાડો, વાયુમંડળમાં એરોઝોલ(તરતાં કણો)નું પ્રમાણ, સમુદ્રી જળનું એસિડીકરણ, જૈવ-રાસાયણિક પ્રવાહોમાં ફેરફાર, મીઠા પાણીના સ્તર અને વહેણમાં થતા ફેરફાર, ભૂપ્રણાલિમાં ફેરફાર અને જૈવવિવિધતાનું સંતુલન તેમજ સ્થિરતા.

    આ પ્રણાલિઓનું ઊલ્લંઘન થતું જાય એટલા આપણે વિનાશથી વધુ નજીક ખસતા રહીએ છીએ એમ કહી શકાય. ૨૦૨૫ના અભ્યાસ અનુસાર આપણે આ નવ પૈકીની સાત સીમારેખાઓ પાર કરી ચૂક્યા છીએ. હવામાન પરિવર્તન, આપણા પર્યાવરણમાં પ્રવેશેલાં પ્લાસ્ટિક અને એ પ્રકારનાં નવિન તત્ત્વો, જૈવવિવિધતાનું સંતુલન તેમજ સ્થિરતા, ભૂપ્રણાલિમાં ફેરફાર, મીઠા પાણીના સ્તર અને વહેણમાં થતા ફેરફાર, જૈવ-રાસાયણિક પ્રવાહોમાં ફેરફાર અને તાજેતરમાં સમુદ્રી જળનું એસિડીકરણ.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    સાદા ઉદાહરણથી સમજીએ તો હવામાન પરિવર્તનની સીમારેખા વાતાવરણમાં અંગારવાયુના પ્રમાણ અનુસાર નિર્ધારીત કરાયેલી છે, કેમ કે, માનવજીવન પર અસર કરતું તે મહત્ત્વનું પરિબળ છે. વાતાવરણમાં નિર્ધારીત કરાયેલું અંગારવાયુનું પ્રમાણ ૩૫૦ પી.પી.એમ. (પાર્ટ્સ પ્રતિ મીલીઅન) છે, જ્યારે હાલ તે ૪૨૫ પી.પી.એમ. છે. આવી જ ભયજનક સ્થિતિ અન્ય સીમારેખાઓ બાબતે છે, જેમાં હવે સાતમી સીમારેખાનું ઊલ્લંઘન પણ થઈ ગયું છે.

    એક અભ્યાસ અનુસાર, હવામાન પરિવર્તન, જૈવવિવિધતાનો નાશ અને પ્રદૂષણને કારણે સમુદ્રી જળનો કોઈ ખૂણો અસરગ્રસ્ત થયા વિનાનો રહ્યો નથી. સમુદ્રી જૈવવિવિધતા ધરાવતાં દસ ટકાથી વધુ સ્થળો વૈશ્વિક સરેરાશ કરતાં અનેક ગણી તેજ ગતિએ એસિડયુક્ત થઈ રહ્યાં છે. સમુદ્ર જળનાં સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યાં છે, અને તેનું તાપમાન ભયજનક રીતે વધતું રહે છે. ગયા ડિસેમ્બરથી માર્ચની વચ્ચે આર્ક્ટિક સમુદ્રમાં ચચ્ચાર વખત હિમનું સૌથી ઓછું પ્રમાણ નોંધાયું છે. ઔદ્યોગિક યુગના આરંભ પછી સમુદ્ર જળનું પી.એચ.મૂલ્ય ૦.૧ એકમ ઘટ્યું છે, જે એસીડીટીમાં ૩૦થી ૪૦ ટકા જેટલો વધારો સૂચવે છે. આને કારણે અસંખ્ય સમુદ્રીપ્રણાલિઓ જોખમગ્રસ્ત બની ગઈ છે, અને પૃથ્વીની સ્થિરતા જાળવવાની સમુદ્રની ક્ષમતા ઘટી છે. આપણા દ્વારા વાતાવરણમાં ઉત્સર્જિત કરાતા અંગારવાયુનું સમુદ્ર દ્વારા મોટા પ્રમાણમાં શોષણ થાય છે. પણ એમ થતાં સમુદ્ર જળની અમ્લતા વધે છે. ઈ.સ.૧૮૫૦થી સમુદ્રની અમ્લતા ૩૦થી ૪૦ ટકા જેટલી વધી છે. આ દર છેલ્લા સાડા પાંચ કરોડમાં થયેલી અમ્લતાની વૃદ્ધિની સરખામણીએ દસેક ગણો વધુ છે. સાર એટલો કે સમુદ્ર સદીઓથી આપણા દ્વારા ઉત્સર્જિત અંગારવાયુ શોષતો આવ્યો છે, પણ હવે ઉત્સર્જનોએ હદ વટાવી દીધી છે.

    જરૂર છે થોભવાની, અને આપણા અર્થતંત્રને એ રીતે પુન:આયોજિત કરવાની કે જેથી સમુદ્ર તેમજ પૃથ્વી પરના અન્ય જીવો સલામત રહી શકે. આપણા દ્વારા વિવિધ રીતે કરાતા અંગારવાયુના ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડતા જઈએ તો આની શરૂઆત થઈ શકે ખરી.

    પણ એક વાત સમજી લેવા જેવી છે. વિકાસની જેમ વિનાશની ગાડીને પણ બ્રેક વગરની હોય છે. આ હકીકત વરસોવરસ પુરવાર થતી રહી છે, અને તેનાં વિપરીત પરિણામ નજર સામે આવવાં લાગ્યાં છે.  હજી ઘણા ભોળા જીવો તમામ સમસ્યાઓના ઊકેલ તરીકે નાણાંને જુએ છે અને એવી ભ્રમણામાં રાચે છે કે પોતાની પાસે પૂરતાં નાણાં હશે તો કશો વાંધો નહીં આવે.

    જે રીતે અનેકવિધ કુદરતી પ્રણાલિઓનું પદ્ધતિસર, કાયદાના, અને બીજા એવા અન્ય ઓઠા હેઠળ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે એ જોતાં લાગે છે કે આપણી શિશુપાલવૃત્તિ અટકવાની નથી. આપણો વિનાશ બીજું કોઈ નહીં, ખુદ આપણા દ્વારા જ થશે એ નિશ્ચિત છે. એટલું જોવાનું રહે છે કે એ પહેલાં આપણે પૃથ્વીનું કેટલું નિકંદન કાઢતા જઈએ છીએ!


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૨ – ૧– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • જેલ જવાના વિકલ્પની રૂખ્માબાઈની પસંદગીના પડઘા આજે પણ ગૂંજે છે !

    આલેખનઃ અશોક વૈષ્ણવ

    ૧૮૮૭માં, બહુ લાંબા અને અનેક વળાંકોમાં પસાર થયેલ ‘ભીખાજી વિ. રૂખ્માબાઇ, ૧૮૮૫’ના મુકદ્દમામાં અંગ્રેજ ન્યાયાધિશની  એક કોર્ટે રૂખ્માબાઈ નામની એક યુવતીને બે વિકલ્પો આપ્યા.

    પતિ સાથે જાઓ. અથવા જેલમાં જાઓ.

    ત્રેવીસ વર્ષની એ ભારતીય યુવતીએ જેલ પસંદ કરી.

    યુવતીના એ જવાબે સમગ્ર રાષ્ટ્રને હચમચાવી નાખ્યું. આ મુકદ્દમાની ચર્ચા ભારતથી માંડીને ઈંગ્લેન્ડ સુધી ચર્ચા શરૂ ગઇ. આ ચર્ચાના મહામંથનને પરિણામે ભાવિ પેઢીની લાખો છોકરીઓ માટે કાયદો બદલવામાં મદદ મળઈ.

    કેવી રીતે એક મહિલાના ઇનકારથી રૂઢિચુસ્ત સમાજ અને ‘જ્યાં સુરજ ક્યારેય ડુબતો નથી’ એવું એક સામ્રાજ્ય ઘૂંટણિયે પડી ગયું તેની આ એક એવી વીસરાઈ ગયેલી કહાણી છે.

    +                       +                      +

     રૂખ્માબાઈનો જન્મ ૨૨મી નવેમ્બરે ૧૮૬૪માં બોમ્બેમાં થયો હતો. તેમના મા, જયંતિબાઈ, પણ બાળ લગ્નની ક્રૂરતામાં તવાઈ ચુકેલાં હતાં. ચૌદ વર્ષની ઉંમરે જયંતિબાઈનાં લગ્ન  થયા, પંદર વર્ષની ઉંમરે મા બન્યાં અને સત્તર વર્ષે તો વિધવા થયાં.

    જ્યારે રુખ્માબાઈ આઠ વર્ષની હતી, ત્યારે તેમના માએ ડૉ. સખારામ અર્જુન નામના પુરુષ સાથે ફરીથી લગ્ન કર્યાં  સખારામ અર્જુન એક પ્રખ્યાત ચિકિત્સક અને સમાજ સુધારક હતા. એમના સમયના અન્ય પુરુષોથી તેઓ અલગ હતા. તેઓ માનતા હતા કે છોકરીઓને શિક્ષિત કરવી જોઈએ. તેમનું પોતાનું ઘર પુસ્તકોથી ભરેલું હતું. રુખ્માબાઈને પણ તેમણે ભણવા  માટે પીઠબળ પુરૂં પાડ્યું.

    પરંતુ ૧૮૭૦ના દાયકાના ભારતમાં આવું અલગ તરાહ પર વિચારનારાઓ પાંખી લઘુમતિમાં હતા અને સમાજની રૂઢીઓની મર્યાદાને હજુ આધીન હતા. .

    અગિયારમા વર્ષે રુખ્માબાઈના લગ્ન ઓગણીસ વર્ષના દાદાજી ભીખાજી સાથે થયા. સદીઓથી ભારતીય સમાજ પર નાગચુડ બનીને ફેલાયેલા રિવાજોને રૂખ્માબાઈના નાનાજીનું અનુસરણ કંઈ નવું નહોતું.

    રૂખ્માબાઈ તો બાળકી હતી. તેને તો શું એના માને પણ આ વિશે કંઈ પુછવાનું ન હોય. અને પુછાય તો તેમણે કંઈ કહેવાપણું પણ ન હોય.

    તે સમયના રિવાજો મુજબ, રુખ્માબાઈએ લગ્ન પછી તરત જ તેના પતિને ઘેરે રહેવા જવાનું નહોતું. તે તેની માતા અને સાવકા પિતા સાથે રહીને ખાનગીમાં પોતાનું ભણવાનું ચાલુ રાખ્યું.

    તેનો કિશોર પતિ એ સમયના સમાજના પ્રવાહો મુજબ મરદ બની રહ્યો હતો..

    જ્યારે રૂખ્માબાઈ એક બુદ્ધિશાળી, સંસ્કારી યુવતી બની રહી હતી – અકરાંતિયાંની જેમ વાંચતી, વ્યાખ્યાનોમાં હાજરી આપતી અને સુધારકો સાથે પત્રવ્યવહાર કરતી, ત્યારે તેને ‘પતિ’ દાદાજી આળસ અને દેવામાં ડૂબી રહ્યો હતો. એણે ભણવાનું છોડી દીધું અને તેના કાવતરાબાજ કાકાના પ્રભાવમાં આવીને પોતાની બાળ કન્યાને પત્ની બનીને પોતાને ઘરે આવે એમાં પોતાની નાણાકીય સમસ્યાઓના અંતની રાહ જોઈ રહ્યો હતો.

    ૧૮૮૪માં, જ્યારે રુખ્માબાઈ વીસ વર્ષનાં થયાં ત્યારે દાદાજીએ માગની કરી કે હએ પોતાની પત્ની તેની સાથે રહે.

    રૂખ્માબાઈએ ના પાડી.

    દાદાજી તેની પત્નીને કોર્ટમાં ઘસડી ગયો.

    દાદાજી ભીખાજી વિરુદ્ધ રૂખ્માબાઈનો કેસ ઓગણીસમી સદીના ભારતમાં સૌથી વધુ પ્રસિદ્ધ કાનૂની લડાઈ બની ગયો. દાદાજીનો દાવો “લગ્ન અધિકારોની પુનઃસ્થાપના (Restitution of conjugal rights)” માટે હતો. “લગ્ન અધિકારોની પુનઃસ્થાપના” કાનૂની શબ્દપ્રયોગનો અર્થ, મૂળભૂત રીતે, કોઈ પણ જાતનાં પુરતાં કારણ વિના પતિકે પત્ની એકબીજાને વૈવાહિક અધિકારો ભોગવવા ન દઈ શકે એવો હતો. જોકે મોટા ભાગના કિસ્સાઓમાં તો આ દાવાઓમાં પતિની દલીલ રહેતી કે પત્ની તેની મિલકત છે અને કોર્ટે પત્નીને પતિની સાથે રહેવા માટે અને વૈવાહિક અધિકારો ભોગવવા દેવા માટે દબાણ કરવું જોઈએ.

    રૂખ્માબાઈનો બચાવ અભૂતપૂર્વ હતો.

    તેમણે દલીલ કરી હતી કે તેમના લગ્ન એક નાસમજ બાળક તરીકે થયા હતા, તે ઉંમરે તો તેઓ લગ્નનો અર્થ પણ સમજી શકે તેમ ન હતાં તેમણે એમ પણ દલીલ કરી હતી કે તેમણે ક્યારેય સંમતિ આપી ન હતી. તેમણે તો આગળ વધીને એમ પણ  દલીલ કે સ્ત્રીને દાવો કરી શકાય એવી મિલકત ગણવી જોઈએ નહીં.

    ભારતીય કોર્ટમાં આ પહેલાં આવી દલીલો કોઈએ કરી ન હતી.

    ૧૮૮૫માં, ન્યાયાધીશ રોબર્ટ પિન્હેએ તેમના પક્ષમાં ચુકાદો આપ્યો. તેમણે જાહેર કર્યું કે અંગ્રેજી કાયદો સંમતિ આપનારા પુખ્ત વયના લોકોને લાગુ પડે છે, હિંદુ કાયદામાં તો વળી આવા કિસ્સાઓનો કોઈ પૂર્વાધાર જ નથી.  – રુખ્માબાઈનાં લગ્ન તો તેમની ‘અસહાય શિશુવય’માં કરવામાં આવ્યાં હતાં, આવી સ્ત્રીને તેઓ (કાયદા હેઠળ) ફરજ નથી પાડવા માગતા.

    રૂઢિચુસ્ત ભારતમાં તો વિરોધનો દાવાનળ ફાટી નીકળ્યો.

    પરંપરાવાદીઓએ કોર્ટ પર હિન્દુ રિવાજોની પવિત્રતાને સમજ્યા વિના જ તેના પર હુમલો કરવાનો આરોપ મૂક્યો. રાષ્ટ્રવાદી નેતા બાલગંગાધર તિલકનાં અખબાર ‘કેસરી’ જેવા સમાજ સુધારકો પણ એ લખ્યું હતું કે રૂખ્માબાઈનો વિરોધ ખૂબ વધારે અંગ્રેજી શિક્ષણનું પરિણામ હતું. ધાર્મિક નેતાઓએ ચેતવણી આપી હતી કે હિન્દુ ધર્મ પોતે જ ખતરામાં છે.

    આ કેસની ફરી સુનાવણીની અરજી કરવામાં આવી..

    એ સમયના કાયદાની અદાલતમાં કે સામાજિક વાતાવરણમાં ‘એ ઉમરની બાળકી પોતાના વિચારો રજૂ કરી શકવા સમર્થ હોય’ કે ‘શરીરથી પક્વ ન બને ત્યં સુધી કાચી ઉમરની સ્ત્રી માટે વૈવાહિક સંબંધ યાતના નીવડી શકે’ જેવી દલીલો રૂખ્માબાઈનો બચાવ કરવામાં વામણી નીવડી.

    અને ૧૮૮૬માં, એક ઉચ્ચ અદાલતે નિર્ણય ઉલટાવી દીધો.

    માર્ચ ૧૮૮૭માં, ન્યાયાધીશ ફરાનએ પોતાનો ચુકાદો આપ્યો: રૂખ્માબાઈ ક્યાં તો તેના પતિ સાથે રહે, અને નહીં, તો, છ મહિનાની જેલની સજા ભોગવે..

    રૂખ્માબાઈ એ પોતાનો ફેંસલો સંભળાવ્યોઃ ‘જે લગ્ન સાથે હું સંમત નથી તેને આધીન થવાને બદલે હું જેલમાં જવાનું પસંદ કરીશ.

    આ વિધાનનાં અદોલન સમુદ્રોને પાર કરી ગયાં બ્રિટિશ અખબારોએ આ કેસને વ્યાપકપણે આવરી લીધો. ઇંગ્લેન્ડના મહિલા સામયિકોએ તેમના પક્ષમાં રેલી કાઢી. પ્રખ્યાત વિદ્વાન મેક્સ મુલરે લખ્યું કે રૂખ્માબાઈના શિક્ષણે તેમને પોતાની પસંદગી પોતે કરવા યોગ્ય બનાવ્યાં

    રૂખ્માબાઈના ૧૫૩મા જન્મદિવસે પ્રકાશિત થયેલ ગુગલ ડુગલ

    દરમિયાન, રૂખ્માબાઈએ પોતાની કલમ ઉપાડી.

    રૂખ્માબાઈએ હવે પોતાની લડત કાયદાના દાયરામાંથી હટાવીને એક સ્ત્રી તરીકે પોતાની ઓળખ માટેની લડતમાં ફેરવી નાખી.

    ‘એક હિન્દુ મહિલા’ તરીકે, તેમણે ધ ટાઇમ્સ ઑવ ઈન્ડીઆમાં લખ્યું કે, “બાળ-લગ્નના ક્રૂર રિવાજે મારા જીવનના બધાં જ સુખ છીનવી લીધાં હતાં. મારી જિંદગીમાં મારાં શિક્ષણ અને મારી ઈચ્છા મુજબ મારાં મનનું ઘડતર અને સંવર્ધન જેવી મારી પાયાની બે બાબતોમાં તે અવરોધ બનીગયું હતું. મારા કોઈ વાંક ગુના વગર એકલી પાડી કાઢવામાં આવી છે.  (મારી લાખો) અજ્ઞાની બહેનોથી ઉપર ઉઠવાની મારી મહત્વાકાંક્ષાને શંકાની નજરે જોવામાં આવે છે અને તેના વિશે અભદ્ર ટીકા કરવામાં આવી રહી છે.”

    રૂખ્માબાઈના આ વલણે હવે આખી ચર્ચાને બાળ લગ્નના શારિરીક અપરિપક્વતા અને અને માનસિક ત્રાસના મુદ્દાને બદલે એક સ્ત્રીનાં સમગ્ર જીવન પર એવાં લગ્નના વ્યાપક પરિણામો તરફ વા ળી દીધી.

    તેમનો વિરોધ ફક્ત વ્યાવહારિક રિવાજોને લગતી દલીલોથી આગળ વધીને, મહિલાઓની સ્વતંત્રતા અને ગૌરવને જાળવી રાખવાના દૃષ્ટિકોણ પર ભાર મુકી રહ્યો હતો.

    પુરુષ સમાજ સુધારકોની વિચારસરણીથી વિપરીત, રૂખ્માબાઈના વિરોધમાં વ્યક્તિગત અસ્તિત્વ અને સ્વાયત્તતા માટે જીવનભરના સંઘર્ષને પ્રતિબિંબિત કરતું ઊંડાણ હતું. તેમણે  ‘સ્ત્રીઓનાં આગવાં સ્થાન’ ની વિભાવનાનાં બીજ ભારતના તે સમયનાં સામાજિક પરિપ્રેક્ષ્યમાં વાવ્યાં. એક પારંપારિક રૂઢિચુસ્ત પિતૃસત્તાક સમાજમાં તેમણે મહિલાઓના અધિકારો અને ઓળખની હિમાયત કરી.

    રૂખ્માબાઈએ ન્યાય માટે અપીલ માટે એ સમયનાં સુઅથી શક્તિશાળી સ્ત્રી, બ્રિટનનાં મહારાણી વિક્ટોરિયાને પત્ર લખ્યો. એ પત્રમાં તેમણે હિન્દુ કાયદામાં એક સાવ સીધો સાદો ફેરફાર કરવાની માંગ કરી: છોકરાઓ માટે વીસ વર્ષની ઉંમર અને છોકરીઓ માટે પંદર વર્ષની ઉંમર પહેલાં કરવામાં આવતા લગ્ન કાયદેસર રીતે બંધનકર્તા ન હોવાં જોઈએ.”

    ૧૮૯૧માં બ્રિટિશ હિંદમાં સંમતી માટેની વય, ૧૮૯૧ (Age of Consent, 1891) શીર્ષક હેઠળ છોકરીની લગ્ન માટેની લઘુતમ ઉમર ૧૦ને બદલે ૧૨ વર્ષ થઈ.

    જુલાઈ ૧૮૮૮માં, આખરે સમાધાન થયું. દાદાજીએ, ૨૦૦૦ રૂપિયાના વળતરના બદલામાં લગ્નની સાંકળ તોડી પાડવા અને રૂખ્માબાઈ પ્રત્યેના બધા દાવા છોડી દેવા માટે પોતાની સંમતિ આપી.

    રૂખ્માબાઈ હવે મુક્ત હતાં.

    પણ તમની લડાઈ હજુ પુરી નહોતી થઈ.

    એક અગ્રણી બ્રિટિશ ચિકિત્સક ડૉ. એડિથ પેચેની મદદથી, રૂખ્માબાઈ તબીબીશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા. ૧૮૯૪માં, તેઓ લંડન સ્કૂલ ઓફ મેડિસિન ફોર વુમનમાંથી સ્નાતક થયા.

    તે દેશના ઇતિહાસમાં પ્રેક્ટિસ કરતાં બીજાં મહિલા ડૉકટર[1] તરીકે આગામી પાંત્રીસ વર્ષ સુધી, રૂખ્માબાઈએ સુરત અને રાજકોટની મહિલા હોસ્પિટલોમાં મુખ્ય તબીબી અધિકારી તરીકે સેવા આપી. તેમણે દરેક વર્ગ અને જાતિના દર્દીઓની સારવાર કરી.

    જ્યારે અન્ય લોકો ભાગી ગયા ત્યારે તેમણે મહામારીઓમાં પણ કામ કર્યું.

    તેમણે ક્યારેય લડવાનું બંધ કર્યું નહીં.

    નિવૃત્તિ પછી પણ, તેમણે પડદાની પ્રથા પર પ્રહારો કરતી પત્રિકાઓ પ્રકાશિત કરી. તેમના વસિયતનામામાં, તેમણે છોકરીઓના શિક્ષણને આગળ વધારવા માટે પોતાનું ઘર લખી આપ્યું.

    તેમણે લડેલી કાનૂની લડાઈના પરિણામોના પડઘા આવનારી  પેઢીઓ સુધી લડતા રહ્યા છે.

    ૨૫ સપ્ટેમ્બર, ૧૯૫૫ના રોજ રૂખમાબાઈનું અવસાન થયું. તેઓ નેવું વર્ષના હતા.

    તેઓ તેમના પર દાવો કરવાનો પ્રયાસ કરનારા પતિ કરતાં વધુ જીવ્યાં હતાં. તેઓ તેમના દેશ પર શાસન કરતા સામ્રાજ્ય કરતાં પણ વધુ જીવ્યાં હતાં. તેઓ હોઠ અને વિચારોને સીવી લે એવા રિવાજો કરતાં પણ વધુ જીવ્યાં હતાં .

    તેમનાં જીવન પર બહુ જ સંશોધનના પરિપાક રૂપે Rukhmabai: The Life And Times Of A Child Bride Turned Rebel-Doctor (લેખકઃ સુધીર ચંદ્ર  – પ્રકાશકઃ Pan Macmillan India) પુસ્તક પ્રકાશિત થયું છે. તેમના જીવન પર અનન્ત મહાદેવન દિગ્દર્શિત મરાઠી ફિલ્મ ડૉક્ટર રૂખ્માબાઈ ફિલ્મ પણ બની છે.


    [1] (ભારતનાં સૌ પ્રથમ પ્રેક્ટીસીંગ મહિલા ડૉકટર કાદમ્બિની ગાંગૂલી હતાં, જેમણે ૧૮૮૬માં પ્રેક્ટીસ શરૂ કરી હતી.)

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : ડો. દિનેશ ઓ. શાહ – [૪]

    પહેલાં આપણે ડૉ. દિનેશ ઑ શાહની અમેરિકાની  જીવન સફર જાણી

    આજે હવે અંતમા ૩૫ વર્ષ ગાળાના મુખ્ય બનાવો તેમના શબ્દોમાં જાણીએ.


    આ રીતે જોતજોતામાં ૩૫ વર્ષ નીકળી ગયા.  આ ગાળાના મુખ્ય બનાવો નીચે ટૂંકમાં લખ્યા છે.

    • મને દર વર્ષે કોઈને કોઈ એવોર્ડ મળતા જ રહ્યા . મને પાંચ વર્ષના ટૂંક સમયમાં ફૂલ પ્રોફેસરની પદવી મળી કે જેના માટે ૧૦ થી ૧૪ વર્ષ લાગે.  આખી યુનિવર્સીટીના ઇતિહાસમાં મારુ પ્રમોશન સૌથી ઝડપી હતું.
    • ૧૯૭૪માં અમેરિકા સામે આરબ ઓઇલ એમ્બારગો થયો.  ઓઈલની ખોટ દૂર કરવા મેં એક પ્રપોસલ નેશનલ સાયન્સ ફાઉન્ડેશનને લખ્યું.  આ રિસર્ચ પ્રોજેક્ટને નેશનલ સાયન્સ ફાઉન્ડેશન તેમજ ૩૦ ઓઇલ અને કેમિકલ કંપનીઓનો આર્થિક સહકાર મળ્યો.  આ પ્રોજેકટથી અમારી યુનિવર્સીટી તેમજ અમારું ડિપાર્ટમેન્ટ આખા દેશમાં ખુબ પ્રસિદ્ધિ પામ્યા.
    • ૧૯૮૮માં મને ફ્લોરિડા સાયન્ટિસ્ટ ઓફ ધ ઈયર એવોર્ડ મળ્યો. ૧૯૮૨માં મને ફ્લોરિડા બ્લુ કી એવોર્ડ મળ્યો અને મને હોમકમીંગ પરેડના ગ્રાન્ડ માર્શલ બનાવી પરેડમાં મને તેમજ સુવર્ણાને ગામમાં ફેરવ્યા.
    • એક મલ્ટી ડિસીપ્લીનરી સેન્ટર ફોર સરફેસ સાયન્સ અને એન્જિનિયરિંગ ની સ્થાપના ૧૯૮૪માં કરી. યુનિવર્સીટીએ મને આ સેન્ટરનો ડાયરેક્ટર બનાવ્યો.
    • ૧૯૮૭ થી ૧૯૯૧સુધી મેં કેમિકલ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી.
    • ૧૯૯૬માં મને ઘી ફર્સ્ટ ચાર્લ્સ સ્ટોક્સ પ્રોફેસરનું શીર્ષક અથવા બહુમાન મળ્યું. ચેર પ્રોફેસર એ સૌથી ઊંચું ટાઇટલ એકેડેમિક દુનિયામાં છે.
    • ૧૯૮૯માં બે મહિનાના ટૂંકા ગાળામાં અમારી યુનિવર્સીટીના ત્રણ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો. આ બનાવોથી ગામના બધા ભારતીયો હચમચી ઉઠેલા.  અમે એક મિટિંગ બોલાવીને નક્કી કર્યું કે આપણે ઇન્ડિયા સ્ટુડન્ટ સેન્ટર બનાવીએ. મને આ સંસ્થાનો પ્રમુખ બનાવ્યો અને પાંચ વ્યક્તિઓની કારોબારી નીમી. અમે આઠ વર્ષ ખુબ મહેનત કરી આઠ લાખ ડોલર ભેગા કરી એક મોટું મકાન વિદ્યાર્થીઓને મળવા માટે બનાવ્યું. આ મકાનમાં પહેલો પ્રસંગ બીજલના લગ્નનો હતો. તેનું ખાતમહૂર્ત  ભારતના એમ્બેસેડર સિદ્ધાર્થ શંકર રે ના હસ્તે થયું હતું અને ઉદ્ઘાટન ડો. સી. કુમાર પટેલના હસ્તે થયું.  આ મકાનમાટે ફંડ ભેગું કરવા હું અને સુવર્ણા ફ્લોરિડાના ઘણા ગામોમાં ફરેલા.  આ કારણથી જયારે કોઈ ભારતીય પોતાના દીકરા કે દીકરીને અમારા કેમપસ ઉપર મુકવા આવે ત્યારે અચૂક મને મળવા આવે અને પોતાના દીકરા  કે  દીકરીને અમારા સંપર્કમાં રહેવા કહે.

    પ્રોફેસર ની  કારકિર્દીનો એક પ્રસંગ મને કાયમ યાદ રહેશે.  મારા એક વિદ્યાર્થીની સાથે બેસીને તેની પી.એચ.ડી નો નિબંધ હું વાંચી રહ્યો હતો.  મેં તેને થોડા સુધારા કરવા કહ્યું તે એને ના ગમ્યું.   તો એણે કટાક્ષમાં મને કહ્યું કે ડો. શાહ તમે આટલા સ્માર્ટ છો તો તમને હજુ સુધી  કેમ નોબેલ પ્રાઈઝ નથી મળ્યું?  હું તો ડઘાઈજ ગયો.  મેં એવું વર્તન કોઈ વિદ્યાર્થીનું જોયું જ નહોતું.  મેં શાંતિથી એને જવાબ આપ્યો, કે ભારતમાં એક કહેવત છે કેઃ ગુરુ કરતાં ચેલા સવાયા .  મને નોબેલ પ્રાઈઝ ભલે ના મળ્યું પણ આશા રાખું છું કે ભવિષ્યમાં તને મળે.  તારા સવાલનો બીજો જવાબ એ છે કે ભવિષ્યમાં  આવું વાક્ય તારા કોઈ પણ બોસને ના કહેતો.  મારા જેટલી સહન શક્તિ, ધીરજ અને સંયમ બીજાનામાં  હોય તે શક્યતા ઓછી છે.  બાકી બીજા કોઈ પ્રોફેસરે તને કહ્યું હોત  કે જા  તું બીજો કોઈ પ્રોફેસર શોધી લે હું તારી થીસીસ પર  સહી નહિ કરું.  તો તું શું કરતો?  બીજા કોઈ પ્રોફેસર તને ના લેતા કારણ કે બધાને મારો સ્વભાવ ખબર છે કે મારા બધાજ વિદ્યાર્થીઓને  હું સારી રીતે ગાઈડ કરું છું.  એનું પી.એચ.ડી. પતી  ગયું અને જોબ પણ એક મોટી કંપનીમાં મળી ગઈ.  વર્ષો પછી મારી યુનિવર્સીટીએ મારા માર્ગદર્શન નીચે થયેલા વિદ્યાર્થીઓને  મારા વિષે અભિપ્રાય લખવા જણાવ્યું.  દર વર્ષે અમારી યુનિવર્સીટી પાંચ હજારમાંથી એક પ્રોફેસરને ટીચર-સ્કોલર ઓફ ધ ઈયર એવોર્ડ આપે છે.  તેના માટે દરેક કેન્ડિડેટના વિદ્યાર્થીઓનો કોન્ટેક્ટ કરે અને અભિપ્રાય મેળવે. તે વર્ષે મને ટીચર-સ્કોલર ઓફ ધ ઈયરનો એવોર્ડ મળ્યો. યુનિવર્સીટીએ મને મારા બધા વિદ્યાર્થીઓએ લખેલા પત્રોની એક કોપી મોકલી.  એમાં સૌથી સારો અભિપ્રાય આ વિદ્યાર્થીનો હતો.  તેણે  લખ્યું હતું કે ડો. શાહ માત્ર વિજ્ઞાનના જ ટીચર-સ્કોલર નથી પણ જીવનના દરેક પાસાના  ટીચર સ્કોલર છે.

    ૧૯૮૬ માં ગુજરાતના પ્રખ્યાત ગાયક અને સ્વર નિયોજક પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે મારી ત્યાં પ્રોગ્રામ આપવા આવેલા.  મેં તેમને મારા લખેલા ગીતો બતાવ્યા. એમને મારા બે ગીત ખુબ ગમ્યા અને સાંજે પ્રોગ્રામમાં સુંદર સ્વરનિયોજન કરી ગાયા.  મારે એમની સાથે માધુરીબેને મને મદદ કરેલી તે વાત પણ થઇ.  ત્યારે તેમણે મને કહ્યું કે ૧૯૮૬માં તમારે અમેરિકા આવે ૨૫ વર્ષ પુરા થાય છે તો તમે મુંબઈમાં માધુરીબેનની સ્મૃતિમાં તમારા જ લખેલા ગીતોનો એક કોન્સર્ટ કરો.  મને આ વિચાર ખુબ ગમ્યો. મેં કહ્યું કે અમે ચારે, હું, સુવર્ણા , બીજલ અને પ્રેરક મુંબઈ આવીશું અને કોન્સર્ટની બધી જ વ્યવસ્થા તમે કરજો.  ઓગસ્ટ. ૯, ૧૯૮૬ ના રોજ “પરબ તારા પાણી” નામનો કોન્સર્ટ મુંબઈમાં ભારતિય વિદ્યાભવનમાં થયો.  પરુષોત્તમભાઇ, આશિત દેસાઈ અને સુરેશ દલાલે ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો.  મુંબઈ સમાચાર , જન્મભૂમિ વગેરે ન્યુઝપેપરોમાં કોન્સર્ટના ખુબ વખાણ સાથે માહિતી આવેલી.  માધુરીબેનને અંજલિ આપવા અમેરિકાથી ફેમિલી સહીત હું મુંબઈ આવ્યો તેની પણ નોંધ થયેલી.  કોઈ પણ વ્યક્તિ એક ગામથી બીજે ગામ ઉનાળામાં જતી હોય ત્યારે રસ્તામાં પાણીની પરબ આવે. લોકો ત્યાં બેસી પાણી પી આગળ વધે. પાણી બધાને મફત અપાતું. મને એમાં છુપાયેલું રહસ્ય સમજાયું.  દરેક માનવી જીવનમાં બે ગામ વચ્ચે મુસાફરી કરે છે.  એક ગામનું નામ જન્મ અને બીજા ગામનું નામ મૃત્યુ.  આ મુસાફરીમાં આપણે સૌએ ઘણી પરબના પાણી પીએ છીએ.  એ પાણી સગા, સ્નેહી, મિત્રો કે અજાણ માણસની મદદ રૂપે હોઈ શકે જેમ માધુરીબેને મને મદદ કરેલી.  આ કોન્સર્ટના બધા ગીતો મારા લખેલા હતાં . જયારે આપણે કેરીનો મીઠો રસ માણતા હોઈએ ત્યારે એટલું યાદ રાખવાનું. કે આ આંબા બીજાએ વાવેલા અને આપણે એના ફળોનો આનંદ માણીએ છીએ.  આપણે પણ ભાવિ પેઢી માટે આંબા  વાવવા જોઈએ.  યોગ્ય સમયે આપણે પણ પરબ બેસાડવી જોઈએ મુસાફરોની તરસ છીપાવવા.

    ૧૯૯૫ અને ૧૯૯૬ માં અમારા બંને બાળકો, પ્રેરક ના લગ્ન સલિના મેહતા સાથે થયા અને બીજલના લગ્ન અસીમ મહેતા સાથે થયા.  બે વર્ષમાં અમે દાદા અને દાદી થઇ ગયા.

    ૧૯૯૯માં અચાનક સુવર્ણને કેન્સર થઇ ગયું.  આ બ્રેઈન ટ્યૂમર ન મટે તેવું હતું.  સર્જરી, કિમોથેરાપી બધુજ કરાવ્યું પણ અંતે ઓગસ્ટ ૨૮, ૨૦૦૦ ના રોજ એનો સ્વર્ગવાસ થયો.  અમારા જીવનમાં જે આનંદનો નાયગરા ધોધ હતો તે કાયમ માટે બંધ થઇ ગયો.  હવે માત્ર એ આનંદના ધોધની યાદોથી જીવવાનું થયું.  મને થયું કે હવે સુવર્ણા  નથી તો મારે બધી જવાબદારી ઉપાડવી જોઈએ.  તેથી ૨૦૦૫માં મેં જૉબમાંથી નિવૃત્તિ લીધી.  જેથી બાળકોની ત્યાં ગમે ત્યારે જવામાં સરળતા રહે.  બંનેની ત્યાં ત્રણ ત્રણ બાળકો થયા.  પ્રેરકની ત્યાં ત્રણ દીકરા અને  બીજલની ત્યાં બે દીકરી અને એક દીકરો છે.

    ભારતમાં હું બાલમંદિરથી એમ.એસ.સી સુધી ભણ્યો.  મારી આ વર્ષોની ફી સો ડોલર કરતા પણ ઓછી હતી.  તો આ શાળાઓં અને કોલેજો ચલાવવાનો ખર્ચ સરકાર અને જાહેર સંસ્થાઓ ઉપર પડતો. દાતાઓ મોટા મોટા દાન શાળા  અને કોલેજો  સ્થાપવા આપતા.   મને હંમેશા ડંખતું કે મેં ભારતનું આ ઋણ ચુકવ્યું નથી.  હજુ મારી તંદુરસ્તી સારી હતી, મને સંશોધનના સારા સારા વિચારો આવતા હતા.  એટલે મેં નક્કી કર્યું કે ભારતમાં કંઈક એજ્યુકેશન માં ફાળો આપું.  મેં ભારતની મુલાકાત લીધી અને મને ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટી સારી લાગી.  મેં એના પ્રમુખ સાથે વાત કરી કે હું તેમના કેમ્પસ ઉપર એક સરફેસ સાયન્સ અને નેનોટેક્નોલોજીનું રિસર્ચ સેન્ટર બનાવી આપું. તે ઉપરાંત મારે પગાર નથી લેવો.  યુનિવર્સીટી મારી રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી આપે.  અમેરિકા આવી મારા બાળકોને વાત કરી તો બંને બાળકોએ મને છ મહિના ભારતમાં અને છ મહિના અમેરિકામાં  રહેવા  સૂચન કર્યું કે જેથી થોડો સમય એ લોકો સાથે  પણ રહી  શકું.  આ રીતે ૨૦૦૭ થી ૨૦૧૭ સુધીના દસ વર્ષ ગેઇન્સવિલ અને નડિયાદ વચ્ચે છ છ મહિને આવજા કરી. ડો. પી. એ. જોશી અને શીતલ પટવા નામની બે વ્યક્તિઓએ મને ખુબ મદદ કરી.  મારે આ સેન્ટર કરવા માટે નવ કરોડ રૂપિયાની જરૂર હતી. આ માટે અમે ત્રણ ભાગીદાર ઉભા કર્યા.  ગુજરાત સરકાર, ડી.ડી. યુનિવર્સીટી  અને દસ મોટી કંપનીઓ.  આ દસ કંપનીઓ સલાહકાર સમિતિ બનાવી સેન્ટરને સલાહ સૂચન આપે. યુનિવર્સીટી મકાન, સ્ટાફ અને ફેકલ્ટી મેમ્બરો અને   વિદ્યાર્થીઓ  આપે. ગુજરાત સરકાર સાડા ત્રણ કરોડ રૂપિયા જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા આપે. સારા નસીબે આ ત્રણે ભાગીદારો સંમત થયા અને ત્રણ વર્ષમાં સેન્ટર સ્થપાઈ ગયું.  મારા કામની કદર રૂપે યુનિવર્સીટીએ આ સેન્ટરનું ને મારુ નામ આપવાનું સૂચન કર્યું તો મેં સાથે મારા પ્રોફેસર શૂલમનનું નામ જોડવા વિનંતી કરી.  મારા જ્ઞાન તેમજ અનુભવમાં તેમનું પ્રદાન ઘણું મોટું હતું. આ પ્રમાણે આ સેન્ટરનું નામ શાહ-શૂલમન  સેન્ટર ફોર સરફેસ સાયન્સ એન્ડ નેનોટેક્નોલોજી રાખ્યું.

    દસ વર્ષ નડિયાદમાં ગાળ્યા તેમાં ઘણું જાણવાનું અને શીખવાનું મળ્યું.

    • ભારતમાં ઉતાવળથી કશું જ ના થાય. તમારે ખુબજ ધીરજ રાખવી પડે.
    • ભારતમાં હજુ દયા જેવી વસ્તુ છે. માણસાઈ જેવી વસ્તુ છે.
    • વિદ્યાર્થીઓ શિક્ષકોનું માન રાખે છે.
    • ગાય , બકરી, ગધેડા, અને કુતરા હજુ રસ્તા ઉપર છુટા રખડે છે.
    • લોકો દોડાદોડી કરે છે પણ કામ એકદમ ધીમું થાય છે. એફીસીયંસીમાં કોઈ માનતું જ નથી.

    ડી.ડી.યુનિવર્સીટીમાં દસ વર્ષમાં નીચેના પ્રોજેક્ટો પુરા કર્યા.

    • દસ વિદ્યાર્થીઓને પી.એચ.ડી નુ સંશોધન કરાવ્યું. ૮ ફેકલટીને સરફેસ સાયન્સ અને નેનોટેચાનોલોજીમાં માહિતગાર કર્યા.
    • ૪૫ થી વધુ રિસર્ચ પેપરો ઇન્ટરનેશનલ જર્નલોમાં પબ્લિશ કર્યા.
    • એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજી તેમાં ૧૬ જાણીતા પરદેશી વૈજ્ઞાનિકોને આમંત્રણ આપી બોલાવેલા.
    • પાંચ કરોડ રૂપિયાના સરફેસ સાયન્સ અને નેનોટેક્નોલોજીના મશીનો વળી લેબ તૈયાર કરી.
    • લગભગ 15 કંપનીઓને અમે મદદ કરી સંશોધનના પ્રોજેક્ટો દ્વારા.

    ૨૦૧૧માં કપડવંજની મ્યુનિસિપાલિટીએ જે રસ્તો મારી પોળ પાસેથી પસાર થાય છે તેનું નામ ડો. દિનેશ ઓ. શાહ માર્ગ આપવાનું નક્કી કર્યું.  તે સમયે ડો. રોબર્ટ પૃધોમ જે પ્રિન્સટન યુનિવર્સીટીમાં કેમિકલ એન્જીનીયરીંગના પ્રખ્યાત પ્રોફેસર છે તે નડિયાદમાં અમારા સેન્ટરમાં એક સપ્તાહ માટે લેક્ચર આપવા આવેલા. તો રવિવારે આ રોડનું ઉદ્ઘાટન હતું. તો મેં તેમને પૂછ્યું કે તમારે મારી સાથે આવવું છે અને તમે મારુ ગામ કપડવંજ પણ જોઈ શકશો.  તેઓ કપડવંજ આવવા સમ્મત થયા એટલે એમની સાથે કારમાં  હું કપડવંજ ગયો.  ત્યાં રામજી મંદિર પાસે બેન્ડ વાજા વગાડતું હતું અને મોટા ટોળામાં નાના મોટા માણસો ઉભા હતાં.  અમે પહોંચ્યા એટલે શોભા યાત્રા શરુ થઇ અને આખા ગામમાં ફર્યા પછી લાયંસ ક્લબના હૉલમાં બધા ભેગા થયા.  ભારતની સુપ્રીમ કોર્ટના માજી ન્યાયાધીશ ગીરીશભાઈ નાણાવટી પ્રમુખ સ્થાને હતા.  શોભાયાત્રામાં લોકો પોતાની બારીઓમાંથી તેમજ અટારીઓમાંથી ફૂલો અમારા ઉપર નાખતા હતા.  પ્રોફેસર પૃધોમ ના હાથે આ રોડનું ઉદ્ઘાટન થયું.  તેઓએ કહ્યું, દિનેશ આ ગામના લોકો તમને બહુ પ્રેમ કરે છે.  આવું સન્માન પ્રોફેસરોનું અમેરિકામાં થાય તો કેવું સારું?

    અચાનક એક વાર ભાઈબીજના દિવસે ખુબ માંદો પડી ગયો.  મને બાર ઉલટી, તાવ વી થઇ ગયું.  મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.  અમારા વાઇસ ચાન્સેલર વગેરે મને મળવા આવી ગયા. અમેરિકાથી મારા દીકરો અને દીકરી જે બંને ડોક્ટરો છે તે ફોન કરી શું શું ટેસ્ટ કર્યાં  તે પૂછે અને આ હોસ્પિટલમાં તેવા ટેસ્ટ કરવાના સાધનો જ નહોતા. ત્યાં માત્ર દર્દીને પૂછવાનું કે ગઈ કાલ કરતા આજે વધારે સારું લાગે છે? અને દર્દી હા કહે તો સમજી લેવાનું કે દર્દી સારો થતો જાય છે.  સાજો થયા બાદ હું મારા એપાર્ટમેન્ટમાં રહેવા ગયો. પણ મારામાં ઉભા થવાની તાકાત નહોતી. તો મારા બે વિદ્યાર્થીઓએ મારી સાથે રહેવાનું નક્કી કર્યું.  એક હિન્દૂ હતો અને એક મુસલમાન હતો. બંને એ મારી ખુબ ચાકરી કરી.  દરરોજ સવારે મને માલીસ કરી આપે. દૂધમાં ખજૂર નાખી ઉકાળીને મને નાસ્તામાં આપે.  માબાપની ચાકરી કરે તેટલા પ્રેમથી મારી સારવાર કરી. આ અનુભવ જિંદગીમાં ના ભુલાય તેવો હતો.  એકવાર મેં કહ્યું કે હું ફ્લોરિડામાં આ રીતે માંદો પડયો હોત તો મારા કોઈ પણ વિદ્યાર્થીઓએ મારી આવી ચાકરી ના કરી હોત. તો બંનેએ મને હસતા હસતા જવાબ આપ્યો કે આવી ચાકરી અમે બીજા કોઈ પ્રોફેસરની ના કરીએ.  અમને ખબર છે કે તમે અહીં વગર પગારે  કામ કરો છો. તમારું કુટુંબ આખું અમેરિકામાં છે.  છતાં ભારતનું ઋણ ચૂકવવા તમે અહીં રાતદિવસ કામ કરો છો એટલે અમે તમારી સેવા કરીએ છીએ. આ વિદ્યાર્થીઓ મારી કદર કરે છે તે જાણી સંતોષ થયો.

    ભારતના નિવાસ દરમ્યાન મને પ્રેસિડન્ટ કલામે રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્ર્યો.  તેમની સાથે લગભગ ૪૫ મિનિટનો વાર્તાલાપ થયો.  તેમણે પોતાની લખેલી કવિતા મને ભેટમાં આપી અને મેં મારી લખેલી કવિતા “વિવિધતામાં એકતા” તે તેમને ભેટમાં આપી.  તે સમયે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા. તેમણે  મને તેમના બંગલા માં મળવા બોલાવેલો. તેમને નેનોટેકનોલોજી તેમજ સરફેસ સાયન્સનો ઇન્ડસ્ટ્રીમાં શું ઉપયોગ છે તે જાણવું હતું.  ત્યાર પછી એક સપ્તાહમાં અમને સાડા ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ગુજરાત સરકાર તરફથી મળી.

    એપ્રિલ ૨૦૧૭ માં યુ.એસ.એ. પાછો ફર્યો ત્યારે મારા દીકરા અને દીકરીએ કહ્યું કે પપ્પા તમે ભારતની દસ વર્ષ સેવા કરી છે હવે ના જાવ તો સારું. તમે ત્યાં માંદા  પડો ત્યારે અમે ત્યાં આવી ના શકીએ ત્યારે અમારી હાલત બહુ જ ખરાબ થાય છે.  તો હવે તમે ફોન અને ઈમેઈલથી જેટલી થાય તેટલી સેવા કરો.  છેલ્લા ચાર વર્ષથી ભારત નથી ગયો.  મારા સહાધ્યાયીઓ તેમજ વિદ્યાર્થીઓ મને ખુબ યાદ કરે છે.  છેલ્લા દોઢ વર્ષથી કોવિદ-19 નો વાવર ચાલ્યો એટલે ફ્લાઇટો બંધ થઇ ગયેલી. અવારનવાર મારા ફેકલ્ટી સાથીઓની સાથે ફોનથી વાતો કરું છું અને દર મહિને એક સામુહિક ઇમેઇલ બધા વિદ્યાર્થીઓને લખું છું.  ડી.ડી.યુ. નો દસ વર્ષનો મારો પ્રોજેક્ટ એ મારા પોસ્ટરિટાયર્મેન્ટનો સૌથી સારો ઉપયોગ હતો.  આ પ્રોજેક્ટે મને કંઈક નવું કરવાની તક આપી.  આ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓને નવી રિસર્ચ કરવાના સાધનો આપ્યા. જેમ રામ લંકાનો સેતુ બનાવતા હતા ત્યારે એક ખિસકોલી રેતીમાં આળોટી પાણીમાં રેતી નાખી આવતી હતી જેથી સેતુ પૂરો થાય.  તે રીતે ભારતની પ્રગતિમાં મારી પણ થોડી રેતી  મૂકી આવ્યો છું.  મને ભારતનું ઋણ  ચુકાવ્યાનો સંતોષ છે અને ઘણા નવા સ્વજનો બનાવ્યાનો આનંદ છે.

    ભારત થી પાછા ફર્યા બાદ હું  બાળકોની ત્યાં થોડો થોડો સમય ગાળતો . આ રીતે પૌત્ર અને પૌત્રીઓ સાથે વાતો કરવાની મજા માણતો .  એક વાર બધા પૌત્ર પૌત્રીઓ ભેગા થયા ત્યારે મેં એક સવાલ પૂછ્યો.  માનો  કે મારે જીંદગીમાં માત્ર એક જ મુવી જોવાની હોય તો હું કઈ મુવી જોવાનું પસંદ કરું?  મેં એક કાગળમાં મારી પસંદગી લખી મારા ખીસામાં મૂકી દીધી.  પછી મારા છ પૌત્ર પૌત્રીઓને કહ્યું તમારી ધારણા પ્રમાણે હું કઈ મુવી જોવાનું પસંદ કરું તે લખો અને જાહેરમાં બોલો. કોઈકે ટેન કમાન્ડમેન્ટ્સ, કોઈકે લોરેન્સ ઓફ એરેબિયા, કોઈકે ડો. ઝિવાગો આવા નામ લખેલા.  મારા સૌથી નાના પૌત્રે એની ચીઠીમાં “ગાંધી” મુવી નામ લખેલું. બધાએ કહ્યું કે બતાવો તમે તમારી ચીઠીમાં શું લખ્યું છે.  મેં મારી ચીઠી કાઢી બધાને બતાવી તો તેમાં “ગાંધી” મુવી લખેલું હતું. મેં પૌત્ર કેવલને (બિજલનો દીકરો)  સો ડોલરનું  ઇનામ દાદાની સાચી પસંદગીની ધારણા માટે આપ્યું. એ મારી પસંદગી બરાબર સમજી શક્યો હતો.

    હું જયારે પ્રેરકની ત્યાં સમય ગાળતો હતો ત્યારે તેનો સૌથી નાનો દીકરો અવન મારી સાથે ચાલવા આવતો.  કાયમ મને કહે કે દાદા, યુ ટેલ મી એ સ્ટોરી !  દરરોજ મને નવી નવી સ્ટોરી કહેવાનો આગ્રહ રાખતો.  હું મારી નાનપણમાં સાંભળેલી વાર્તાઓ તેને કહેતો.  કાગડો  ને શિયાળની વાર્તા જેમાં ફુલણજી કાગડો ગાવા માટે મોં ખોલે છે અને પુરી જમીન ઉપર પડે છે અને શિયાળ પુરી લઇ ખાઈ જાય છે તેવી વાર્તાઓ કહેતો.  મેં એને સૂચન કર્યું કે તું આ વાર્તાઓ તારી ભાષામાં લખી પબ્લિશ કર. તો એણે આ વાર્તાઓ અંગ્રેજીમાં ટાઈપ કરી અને દરેક વાર્તાને અનુરૂપ કલર ચિત્ર દોરી ખુબ સુંદર બુકલેટ બનાવી. એમેઝોન.કોમ નામની કંપનીએ આ બુક છાપી અને વેચાણ કર્યું.  ચોપડીનો નફો અવનને ચેકથી મોકલાવી આપ્યો.  આ નફો તેણે નોર્થ સાઉથ ફાઉન્ડેશન નામની સંસ્થાને જે ભારતમાં બાળકોના શિક્ષણમાં ફાળો આપે છે તેને દાન માં આપી દીધો. ચોપડીનું શીર્ષક હતું “વોકિંગ વિથ માય દાદા”.

    મારી બંને પૌત્રીઓને ગરબાનો ખુબ જ શોખ છે.  તેઓ એક પ્રખાત “મિકી આંટીના” હાથ નીચે તાલીમ લેવા જાય છે.  તેમની ટિમ અનેક વાર નેશનલ લેવલ ઉપર પહેલા ય બીજા નંબરે આવી છે.  એ લોકોને ગરબા કરતા જોઉં છું ત્યારે મને સુવર્ણા યાદ આવે છે.  સુવર્ણા શરૂઆતથી અંત સુધી ગરબા કરતી.  હું ઘણીવાર મજાક માં પૂછતો કે તને થાક નથી લાગતો ? તો એ હસીને જવાબ આપ કે હકીકતમાં મારો થાક ગરબાથી ઉતરી જાય છે.  મારી પૌત્રીઓ પણ ગરબાથી થાકતી નથી. નાની પૌત્રી જાનકી જુદી જુદી વાનગીઓ બનાવવાની ખુબ શોખીન છે.  તેને ટીવી ઉપર સસોઈ કરવાના તેમજ જુદી જુદી વાનગીઓ બનાવવાના શો ગહૂજ ગમે છે.  સુવર્ણના જુદી જુદી વાનગીઓ બનાવવાના જીન જાનકીમાં આવ્યા છે.

    અવનથી મોટો પૌત્ર આકેશનો એક પ્રસંગ ખુબ યાદગાર છે.  એણે એકવાર સાંભળેલું કે સુહાગ ફોઈ એ એક વર્ષ માટે ચોક્લેટવાળી કોઈ પણ વસ્તુ ના ખાવાની બાધા લીધેલી.  જયારે લો કોલેજમાં એડમિશન મળ્યું ત્યારે જ ચોકલેટ ખાવાની શરૂઆત કરી.  તો આકાશે બાધા લીધી કે હું એક ગોલ  સોકરની રમતમાં ના કરું ત્યાં સુધી ચોકલેટની કોઈ વાનગી નહિ ખાઉં.  ત્રણ મહિનાની ઋતુ પુરી થવા આવી પણ આકેશ એક પણ ગોલ  બનાવી ના શક્યો.  હવે છેલ્લી ગેમ અમે બધા જોવા ગયા અને એને બેસ્ટ ઓફ લક  કહ્યું. છેલ્લી પાંચ મિનિટ રહી હતી. અમને એમ થતું કે એ ગોલ  નહિ કરે તો આખું વર્ષ રાહ જોવી પડશે. વર્ષ પછી બીજી સીઝન શરુ થાય. અમે બધા ભગવાનને પ્રાર્થના કરતા કે આકેશને ગોલ  બનાવવામાં સફળતા મળે.  અચાનક તાળીઓના ગડગડાટ વચ્ચે આકેશે એક ગોલ  બોલને કિક  મારીને બનાવ્યો. ગેમ પછી બધા એને એક આઈસ્ક્રીમ સ્ટોર માં લઇ ગયા અને ચોકલેટ આઈસ્ક્રીમ વિથ ચોકલેટનો ભૂકો ઉપર પાથરી મોટો કપ એના માટે લીધો. એને ખુબ આનંદ અને સંતોષથી આઇસક્રીમ ખાધો.  આ રીતે મારા પૌત્ર અને પૌત્રીઓમાં ભારતીય સંસ્કારો “ટીચ બાય એક્ઝામ્પલ” થી  આવ્યા છે.

    ૨૦૧૬માં એક સપ્તાહની રજા લઇ જૂન મહિનાના અંતમાં પ્રેરક, સલિના, તેમજ અંજય, આકેશ અને અવન  બોસ્ટનથી ગેઈન્સવીલ આવ્યા. મોટી ટ્રક ભાડે કરી ઘર ખાલી કરવા માંડ્યું.  હરેક્રિશ્નના મંદિરવાળા તેમજ બધા ભારતીય વિદ્યાર્થીઓને કહેલું કે મારા ઘરમાંથી જે વસ્તુઓ ગમતી હોય તે લઇ જાય.  તો વાસણ, કપડાં, તેમજ ઘરના નાના ફર્નિચરો વગેરે લોકો લઇ ગયા. બાકીનો ૧૭,૦૦૦ પાઉન્ડ વજનનો સામાન, કાગળો વગેરે ગાર્બેજમાં ફેંકી દીધા.  અહીં ગાર્બેજ ડમ્પમાં કચરો નાખવાના પૈસા વજન પ્રમાણે આપવાના હોય છે. તે લોકો ટ્રકનું વજન દાખલ થાવ ત્યારે કરે અને બહાર નીકળો ત્યારે કરે આથી કેટલો સમાન તમે ત્યાં નાખી દીધો તે ખબર પડે. તે પ્રમાણે તમારે ડોલર આપવાના.  મેં શાંતિ નિકેતન નામના રિટાયરમેન્ટ કોલોનીમાં બે બેડરૂમનો કોન્ડોમિનિયમ ખરીદ્યો હતો.  અહીં ૫૫ વર્ષ થી મોટી ઉંમરના ઇન્ડિયન અમેરિકન મારા જેવી વ્યક્તિઓ રહે છે.  બિલકુલ મીની-ઇન્ડિયા જેવું લાગે.  ગુજરાતી, મરાઠી, બંગાળી, મદ્રાસી, પંજાબી એમ  દરેક પ્રાંતના લોકો છે. અહીં ૧૨૦ કોન્ડોમિનિયમ છે. દરેકમાં બે બેડરૂમ, બે બાથરૂમ, કિચન, લિવિંગ રૂમ તેમજ એક કાર સમાય તેવું ગરાજ તેમજ રેફ્રિજરેટર, સ્ટવ, વોશર અને ડ્રાયર પણ હોય.  આ જગાએ મારે રસોઈ કરવાનો તેમજ વાસણ ધોવાનો સમય બચી ગયો.  અમેરિકામાં આને ડાઉન સાઈઝીંગ કહે છે.  એક વ્યક્તિ માટે મારુ જૂનું મકાન બહુજ મોટું હતું.  તેમજ તેને મેન્ટેન કરવું બહુ ભારે હતું. આ બધા કારણોથી મેં ગેઇન્સવિલનું ઘર વેચી અહીં શાંતિ નિકેતનમાં રહેવા આવવાનો વિચાર કર્યો. આ જગ્યા ગેઇન્સ્વીલથી દોઢ કલાકના ડ્રાંઇવિંગ અથવા ૮૮ માઈલ દૂર છે.  ચાર દિવસમાં પ્રેરક અને ત્રણ પૌત્રોએ  ભેગા મળી ૩૨ વર્ષથી સજાવેલું ઘર ખાલી કરી મારા માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ લઇ ત્રણ દિવસમાં મારો બે રૂમનો ફ્લેટ સજાવી દીધો.  બધા જૂટુંબીજનોના ફોટા લટકાવી દીધા. ટીવી લગાવી દીધો.  પછી કહે કે પપ્પા, અમારી સાથે બોસ્ટન ચાલો અને સમર પત્યા પછી અહીં રહેવા આવજો.  એને એવું લાગ્યું હશે કે જૂનું ઘર ખાલી કરી અહીં રહેવાનો પપ્પાને બહુ કપરું લાગશે.  મને આનંદ અને  સંતોષ એ વાતનો છે કે મારા બંને બાળકો બીજાની લાગણીઓ સમજી શકે છે.

    ૨૦૧૮માં કોન્ડોમિનિયમ બોર્ડની ચૂંટણી થઇ તેમાં મને પ્રેસિડન્ટ બનાવ્યો.  મારો ચેરમેન તરીકેનો અનુભવ તેમજ ઇન્ડિયાનો અનુભવ ખુબ કામ લાગ્યો.  મારા સમય દરમ્યાન કોમન પ્રોપર્ટી  બિલ્ડરના નામ ઉપરથી કોન્ડોમિનિયમના નામે વકીલની સલાહ લઇ કરી દીધી.  આ બહુ મહત્વનું કામ હતું.  રસોંડુ  અને ડાઇનિંગ હોલ પણ અમે સંભાળી લીધા. બધાને સંપીને રાખવા એ એક મોટી ચેલેન્જ હતી.   કારોબારીના બીજા ચાર મેમ્બરોના સહકારથી બધી મુસીબતોમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયા.

    ૨૧ માર્ચ ૨૦૧૮ના દિવસે મારી ૮૦મી વર્ષગાંઠ હતી . મેં સુવર્ણા પોએટ્રી ફેસ્ટિવલ કરવા યુનિવર્સીટી ઓફ ફ્લોરીડાને એક લાખ ડોલરની પુરાંત આપી હતી.  એની આવકમાંથી દર આંતરે વર્ષે અમે સુવર્ણા શાહ પોએટ્રી ફેસ્ટિવલ યોજીએ છીએ.  મારા સહાઘ્યાયીઓએ માર્ચ ૩૧ ના શનિ-રવિ આ પોએટ્રી ફેસ્ટિવલ ગોઠવ્યો.  ભારતથી અમે બે કવિઓને, ભાગ્યેશ જ્હા અને હિતેન આનંદપરા ને બોલાવેલા.  તેમજ અમેરિકામાં વસતા દસ કવિઓને આમંત્રિત કરેલા. શનિવારે બપોરે એક કલાક મારા  લખેલા ગીતોને રજુ કરવાના હતા. મારુ કવિતા વાંચન યુટ્યુબ ઉપર મૂકેલું છે. દોઢ દિવસનો પ્રોગ્રામ હતો તેમજ શનિવારે રાત્રે સંગીત અને સર્ટિફિકેટનો પ્રોગ્રામ હતો.  સૌ કવિતાના ધોધમાં તરબોળ થઇ ગયેલા.  સાંજના સંગીતના પ્રોગ્રામ માટે મારા સ્નેહી ડો. સુમંતભાઈ તેમજ ડો. સ્નેહલતાબેને શ્રી કર્ણીકભાઈને વડોદરાથી ખાસ મારા લખેલા ગીતો ગાવા બોલાવેલા.  કર્ણીકભાઈએ અત્યાર સુધીમાં મારા ગીતોની છ સીડી બનાવી છે.  પ્રોગ્રામ દરમ્યાન ડો. વસુધાબેન નારાયણે મને પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ યુનિવર્સીટી ઓફ ફ્લોરિડા પ્રેસિડેન્ટ તરફથી આપ્યો.   અમારા પ્રોવોસ્ટે  મને પ્રીએમીનન્સ એવોર્ડ મોકલેલો.  કર્ણીકભાઈ મારી કવિતાઓ ગુજરાતની શાળાઓની  ટેક્સ્ટબુકમાં મુકવામાં આવી છે તે ચોપડીઓ મને આપવા લઇ આવેલા.  તે  દિવસે સાંજે હું વાદળ નંબર ૯ ઉપર હતો.

    એક દિવસ બીજલ અને પ્રેરક સાથે વાત કરતા બંનેએ  કહ્યું કે પપ્પા તમારે જે ડોનેશન કરવા હોય તે તમે જાતે કરી લો.  અમને ભારતની કયી સંસ્થાઓ મદદ કરવા લાયક છે તેની ખબર નહિ પડે.  તો મેં મારી બચતના ત્રણ ભાગ પાડ્યા. એક ભાગ બિજલનો, એક ભાગ પ્રેરકનો અને એક ભાગ સામાજિક કલ્યાણ માટે.  તે ઉપરાંત છ પૌત્રો અને પૌત્રીઓ માટે બે લાખ ડોલર દરેકના કોલેજના ખર્ચ માટે દરેકના નામે બાજુ એ મૂકી દીધા.  જે રકમ વધે તે તેમના બાળકોના કોલેજના  અભ્યાસ માટે વાપરે.  આપણા ઘરમાં એજ્યુકેશનને ખુબ અગત્યનું માનવામાં આવે છે.   ભવિષ્યની પેઢી પણ હાયર એજ્યુકેશનને અગત્યનું સમજે એવું હું ઈચ્છું છું.

    સામાજિક કલ્યાણમાટે અત્યાર સુધીમાં નીચેના પ્રોજેક્ટ કર્યા  છે અને ઈશ્વર હજુ બીજા સારા કામો કરાવે તેવી પ્રભુ પ્રાર્થના.

    • મારી કપડવંજની શાળાને નવું વિજ્ઞાનભવન બનાવવા મોટું દાન આપ્યું. તેમાં ત્રણ આધુનિક કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી લેબોરેટરી હશે. તેમજ ઇન્ટરનેટ ઉપર આવતા કોઈ પણ પ્રયોગો સ્ક્રીન ઉપર બતાવી શકાય તેવી સગવડ દરેક લેબોરેટરીમાં હશે.
    • ગાંધીનગરની આઈ. આઈ .ટી. માં ડો. દિનેશ ઓ. શાહ ચેર પ્રોફેસર માટે દાન આપ્યું.
    • કપડવંજમાં વિકલાંગ શાળામાં હીયરીંગ ક્લિનિક માટે ડોનેશન આપ્યું.
    • નડિયાદમાં આનંદ આશ્રમ બનાવવાં સ્વામી મુદિતનંદજીને દાન આપ્યું.
    • કપડવંજમાં પાંચ વર્ષમાટે દાંતનો કેમ્પ કર્યો જેમાં આયુર્વેદની જલંધર બંધ પદ્ધતિ વાપરી બ્લડલેસ અને પેઈનલેસ દાંત કાઢી આપતાં.
    • ઘણા વિદ્યાર્થીઓને તેમજ ફેકલ્ટીને નડિયાદ સેન્ટરમાંથી પરદેશ કોન્ફરન્સ માં હાજરી આપવા તેમજ તેમનું સંશોધન રજુ કરવા મોકલ્યા.
    • કપડવંજ માં બારમા ધોરણમાં પ્રથમ નંબર આવનારને દર વર્ષે એવોર્ડ આપ્યા.

    આવા નાના મોટા દાન ભવિષ્યમાં ચાલુ રાખવાની શુભકામના છે.

    મારી કોડિયા ઉપર લખેલી એક કવિતા મારા જીવનની છબિ રજુ કરે છે.

    કોડિયું

    ભીની રે માટી ચડાવી ચાકડે  મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે
    નીર છાંટી એણે ઘાટ ઘડ્યો લઇ દોરી મુજને કાપ્યો રે …..મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે

     કોકે મૂકી એક વાટ  લાંબીને કોકે તેલ ભરી છલકાવ્યો રે
    કોક રૂપાળા હાથે મુજને ઊંચે ગોખ ચડાવ્યો રે …………..મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે

    સુરજ ડૂબ્યો અંધાર છવાયા કોકે મુને પ્રગટાવ્યો રે
    દૂર ન થાય અંધારા જગના મેં ગોખલો એક ઉજાળ્યો રે ……મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે

    તેલ ખુટયું  ને વાટ ખૂટી મારા સપનાનો અંત ન આવ્યો રે
    લાખ દિવા એક જ્યોતમાં દીઠા મેં સાર જીવનનો જાણ્યો રે …..મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે

    મને આશ્ચર્ય એ વાતનું છે કે મારી જીવન વાર્તા બાવીસ  પાનામાં પુરી થઇ ગઈ. કવિતાની બે લીટીમાં મારે કહેવું હોય તો નીચેની બે લીટી લખું.

    “ જિંદગી ચાલતાં લાગ્યું કે બહુ લાંબી યાત્રા હતી
    હકિકતમાં તો ફક્ત બાવીસ પાનની વાર્તા હતી”


    હવે પછી શ્રી અશોક ગોપાળરાવ વિદ્વાંસની ‘બીજી ઈનિંગ્સ’ની વાત કરીશું.

  • નીરવ સંવાદિતાનાં સાધિકા : મા શારદાદેવી

    દીઠે અડસઠ જાત્ર

    દર્શના ધોળકિયા

    “એક આદર્શ તરીકે કરવું જોઈએ તે કરતાં ઘણું વધારે મેં કર્યું છે.’ પોતાને વિશે આ પ્રકારનું નિવેદન કરવાનો હક્ક ગમે તે વ્યક્તિને મળી શકતો નથી. જીવનને પૂર્ણ રૂપમાં પામી લીધા પછીનો, જગતનું અખંડ દર્શન કર્યા પછીનો આ ઉદ્‍ગાર, આ યુગની મહાન સંત નારી, એમના જેવા જ મહાન સંન્યાસી પતિ પરમહંસ શ્રી રામકૃષ્દેવની આંતર સહધર્મચારિણી, દેહિક પત્નીત્વ ને માતૃત્વથી અસ્પૃશ્ય રહીને પત્ની ને જગન્માતા બનેલી મા શારદાનો છે. પોતાને વિશે આ પ્રકારનું નિવેદન કરવાની હિંમત કાં તો ગૌતમ બુદ્ધે ને એનાથીયે આગળ જઈને જોઈએ તો ધર્મરાજ યુધિષ્ઠિરે કરી છે. આ બંને માનવગુરુઓને મતે, પોતાને સત્ય લાધ્યું છે તે સત્ય જ હોઈ શકે, અન્ય કશું જ નહિ એવી પ્રતીતિ છે. આ વ્યક્તિઓએ પણ જીવનને પામ્યા પછી પોતે મેળવેલી સ્થિતિને સ્પષ્ટ કરવા માટે આ પ્રકારનું નિવેદન કર્યું હોઈ, તેને ઘમંડ કહેવાની ભૂલ કરવામાં ઔચિત્ય સચવાતું નથી. શારદામણિદેવીને પણ બુદ્ધ અને યુધિષ્ઠિરની પંગતમાં બેસવાનો પૂરો અધિકાર છે એમના જીવનદર્શન તેમ જ જીવનનિષ્ઠાને લઈને.

    શારદાદેવીના ભાગે ભારતના – કહો કે જગતના – મહાન અધ્યાત્મ પુરુષ રામકૃષ્ણ પરમહંસનાં સહયાત્રી બનવાનું આવ્યું છે. શારદા રામકૃષ્ણનાં પ્રથમ શિષ્યા છે. રામકૃષ્ણે સમાજ પ્રતિ ઇચ્છેલા ને આચરેલા લોકકલ્યાણના વિચારનાં એ પ્રથમ વાહક બન્યાં છે. પતિની જેમ જ એમની પાસે કોઈ બાહ્ય ભભક નથી. આછું-પાતળું અક્ષરશાન – તે પણ પાછળથી મેળવેલું, ગ્રામ્યસમાજમાં થયેલો ઉછેર, તત્કાલીન બંગાળની રૂઢિચુસ્ત નીતિ-રીતિમાં વીતેલું બાળપણ ને અમુકાંશે યુવાની પણ – જેવી બાહ્ય ઓછપ, રામકૃષ્ણ સાથે સંવાદ સાધવામાં શારદાદેવીને જરાય નડી નથી. એના મૂળમાં શારદાના આંતરપ્રવાહમાં વહેતી જીવન પ્રત્યેની નીરવ સંવાદિતા છે. તેમનામાં પડેલી નિર્મળ સંસારની જીવનદૃષ્ટિએ તેમને ભવિષ્યની સાધના માટે સક્ષમ બનાવવા માટે મૂલ્યવાન ફાળો આપેલો છે. તેમના વ્યક્તિત્વમાં પડેલી આ અનંત શક્યતાઓને લઈને જ કદાચ તેઓ રામકૃષ્ણના જીવનમાં પ્રવેશ પામી શકયાં છે. શારદાદેવીને પોતાના એક આવશ્યક અંગ તરીકે રામકૃષ્ણે દબદબાભેર પોતાના જીવનનાં સહયાત્રી તરીકે પ્રવેશ આપ્યો છે. સમાજ અને કુટુંબ જેમને ગદાધર તરીકે ઓળખતું હતું લેવા આ લોકોત્તર પુરુષે પોતાથી ૧૯ પર્ષ નાની બાયિકા શારદા સાથે પસંદગીનાં લગ્ન કર્યાં છે. આ વસ્તુ બતાવે છે પત્નીના સંવિત્ ને એક ઝવેરીની નજરથી તેમણે પારેખ્યું છે. આ સંવિતને લઈને જ આ દંપતિની પરસ્પર વિકસેલી સૂક્ષ્મ રતિ, આસક્તિને અતિક્રમી ગયેલી વિરક્તિ બનીને દ્ામ્પત્યનું નવીન સ્વરૂપ પ્રગટાવી શકી છે. આ અર્થમાં, આ બંનેના દામ્પત્યને મૌલિક કહી શકાય.

    રામફષ્ણા જેવી વ્યક્તિએ જે રીતે પ્રેમાદરથી શારદાદેવીનું સન્‍માન જાળવ્યું છે એ જોતાં શારદાનું ભાગ્ય કોઈને પણ ઈર્ષ્યા પ્રેરે એવું ભવ્ય છે. તો બીજી બાજુ સંન્યાસી પતિ પાસે રહીને શારદાદેવીએ ધગધગતા વૈરાગ્યને પોતાના ચેતનાગર્ભમાં ઉછેર્યો છે, વિકસાવ્યો છે, પરાકાષ્ઠાએ પહોંચાડયો છે ને અંતે પતિના વૈરાગ્યની જ્યોત સાથે મેળવીને તેનું સંવરણ કર્યું છે એ તેમને મળેલા સદ્ભાગ્યની શારદાએ ચૂકવેલી કિંમત છે. આ દમ્પતીએ પોતપોતાના વૈરાગ્યને ચકાસવા માટે દામ્પત્યનો એક માધ્યમ તરીકે ઉપયોગ કર્યો હોય તેવું જણાય છે.

    બંગાળના બાંકુડા જિલ્લામાં, અગ્નિકોણમાં આવેલા નાનકડા ગામ જયરામવાટીમાં ઈ.સ. ૧૮૫૩ની ૨૨મી ડિસેમ્બરની રાત્રે, પિતા રામચન્દ્ર મુખરજી ને માતા શ્યામાસુંદરીદેવીને ઘેર પ્રથમ પુત્રી તરીકે જન્મેલાં શારદાદેવીનું બાળપણ ઝાઝું ટક્યું નથી. પાંચ વર્ષ પછી જ, ઈ.સ. ૧૮૫૯ના મે માસમાં કામારપુકુર ગામમાં રહેલા ખુદીરામ બોઝના પુત્ર ગદાધર સાથે શારદા લગ્નગ્રંથિથી જોડાય છે. શારઘાનું માગું ખુદ ગદાધરના કહેવાથી જ નંખાયું છે. પાંચ વર્ષની બાલિકા સાથે લગ્નથી જોડાયેલા ચોવીસ વર્ષીય ગદાધર ખુશખુશાલ છે. ૧૮૬૦ના ડિસેમ્બર માસની આસપાસ શ્વસુરગૃહની મુલાકાત લેતા ગદાઈ પત્ની શારદાને મળે પણ છે !

    જીવનના પ્રારંભથી જ શારદાદેવીએ પોતામાં રહેલું હીર કાળજીથી છુપાવ્યું છે. તેમને જાણે કે પતિએ જ તૈયાર કર્યા હોવાનો વહેમ જાય એટલી હદે શારદાએ નિર્દોષતા, સરળતા ને નમ્રતા દાખવ્યાં છે. નાનપણથી જ વિદ્યાપ્રાપ્તિની શારદાને હોંશ ને ધગશ છે. સાસરે જતી શારદા ચોરીછૂપીથી ભત્રીજી લક્ષ્મીની ચોપડી વાંચે છે. પાછળથી તેઓ દક્ષિણેશ્વરના નિવાસ દરમિયાન સરખી રીતે વાંચતાં લખતાં શીખેલાં. આ અભ્યાસને પરિણામે તેઓ રામાયણ જેવાં પુસ્તકો વાંચી શકતાં પણ લખી શકતાં નહિ. કામારપુકુરમાં રહ્યાં ત્યારે તરવાનું, ગાવાનું ને સીવવાનું શીખ્યાં. રામકૃષ્ણે તેમને ગૃહજીવનને લગતી તાલીમ આપી, જેમાં હોડીમાં કે ગાડીમાં જતિ વખતે વસ્તુઓ કેમ સાચવવી, દીવાનૉ વાટ કેમ સંકોરવી, દાળ-શાકનો મસાલો કેમ કરવો, પાન કેમ બનાવવું વગેરે બાબતોનો સમાવેશ થતો હતો. પતિએ આ સમયે માતા બનીને શારદાદેવીને ગૃહિણીધર્મની કેળવણી આપી જેથી કરીને માતાજી પોતાના શ્વસુરગૃહમાં પણ સન્માનપૂર્વક રહી શકે.

    શારદાદેવી એક વૈરાગીને પરણ્યાં હતાં એ વાતનો રામકૃષ્ણે આછો અંદેશો પણ બાલ્યવયની પત્નીને આવવા દીધો નથી કે નથી તો તેમનામાં અધ્યાત્મની ભાવના જગવવાનો લેશમાત્ર પ્રયત્ન કર્યા. એક બાલિકાની આંતરિક જરૂરિયાતને જ લક્ષમાં લઈને રામકૃષ્ણે પત્નીની ભારે કોમળતાથી માવજત કરી છે. પતિનો પોતાના પ્રત્યે આ પ્રકારનો પ્રેમ જોઈને જ માતાજીએ પણ બહુમાનપૂર્વક પોતાના હૃદયદેવ તરીકે આ દિવસોમાં, અનાયાસે જ, તેમને સ્થાપી દીધા છે. લગ્નના આ પ્રારંભકાલીન દિવસોને પાછળથી યાદ કરતાં માતાજીએ નોંધ્યું છે : “ત્યારથી મને એવો અનુભવ થતો કે મારા હૃદયમાં જાણે આનંદનો એક પૂર્ણ કળશ સ્થાપિત થઈ રહેલ છે. તે ધીર, સ્થિર અને દિવ્ય ઉલ્લાસથી મારું અંતર કેટલે સુધી, કેવી રીતે ભરેલું રહેતું તે શબ્દોથી ન સમજાવી શકાય.’

    માતાજીના પ્રસન્ન દામ્પત્યના મૂળમાં આવી કેટલીક બહારથી નાની લાગતી પણ અસરકારક ગણી શકાય એવી ઘટનાઓ પડેલી છે. બાલ્યાવસ્થામાં પતિને પ્રેમમૂર્તિ તરીકે જોયા પછી ફરીથી થોડો સમય શારદાદેવીને તેમનો વિરહ ભોગવવાનો આવ્યો છે. રામકૃષ્ણ દક્ષિણેશ્વર રહેવા ચાલ્યા જવાથી માતાજી પણ પિયર રહેવા ગયાં. ઈ.સ. ૧૮૬૭-૬૮ના ગાળામાં માતાજીને કાને પતિની ઉન્માદ અવસ્થાનું વર્ણન સાંભળવામાં આવ્યું. ગામલોકો માતાજીને એક ગાંડા માણસની પત્ની ગણીને દયનીય માનવા લાગ્યાં. આ પરિસ્થિતિથી વ્યથિત થયેલાં શારદાદેવીએ જાતે જ દક્ષિણેશ્વર જઈને પતિની તપાસ કરવાનું યોગ્ય ધાર્યું ને પિતા સાથે કલકત્તા જવા નીકળ્યાં.

    ઉન્‍્માદી ને સાથોસાથ વિદેહી તરીકે ઓળખાતા રામકૃષ્ણદેવે પોતાની યુવતી બનેલી અઢારવર્ષીય પત્નીનું વિસ્મય પ્રેરે એ રીતનું પરોક્ષ સ્વાગત કર્યું છે. જયરામવાટીથી આવેલા યાત્રીઓને દક્ષિણેશ્વરના ગંગાઘાટે ઊતરતા જોઈને પોતાના ભાણેજ હૃદયને રામકૃષ્ણ પૂછે છે, ‘ઓ હૃદુ, આ અશુભ ઘડી તો નથીને ? એપહેલીવાર આવે છે.’ અનાસક્ત રામકૃષ્ણાદેવની પત્ની પ્રત્યેની સૂક્મ રતિનો આ પ્રથમ પરિચય છે. શારદામણિદેવી રામકૃષ્ટાના જીવનમાં શુભ ઘડી બનીને હંમેશને માટે પ્રવેશ્યાં તે ક્ષણથી જ તેમના ગુણોએ કરીને આ મહામાનવનો આદર તેમણે પ્રાપ્ત કર્યો છે.

    આ દિવસોમાં રામકૃષ્ણષ્યે શારદામાણિને સહશયન કરવાની અનુમતિ આપી છે. ત્યારથી તેમનું મૌલિક દામ્પત્ય શરૂ થાય છે. સંસારમાં, પત્નીનો ભાગ ભજવવા આવેલી આ યુવતીને તેમનાથી ઓગણીસ વર્ષ મોટા પતિનો પહેલો પ્રશ્ન આ છે ઃ’તમે મને મું સંસારના માર્ગે ખેંચો જવા આવ્યાં છો ?’ ત્યારે શારદાદેવીનો તેમને અસામાન્‍્ય યુવતી તરીકે પ્રગટે કરતો ઉત્તર સાંપડે છેઃ ‘ના રે ભાઈ, હું શા માટે તમને સસારના માર્ગે ખેચી લઈ જાઉ ? હું તો તમને સસારના માર્ગે સહાય કરવા આવી છું.’ આ ઉત્તર કંઈ મનને કેળગીને , સમજાવીને, બહેલાવીને અપાય એવો ઉત્ત૨ તો નથો જ એ સહેજે સમજાય તેમ છે. આ પ્રકારના ઉત્તરનું જિંદગીભર વહન કરવું એ પણ કેટલું મુશકેલ હશે એ વાત પણ સમજાય તેવી છે. આ પરથી અનુમાન કરવું મુશકેલ નથી કે શારદાદેવી પણ પ્રચ્છન રીતે વિરક્ત સ્ત્રી જ હશે. સહશયનની ક્ષણમાં સામાન્ય સ્ત્રી પતિનો આવો પ્રશ્ન સાંભળીને કાં તો મૂંઝવણમાં મુકાય, કાં તો પતિથી નારાજ થઈ જાય અથવા વિવશ થઈને જીવનને ધિક્કારવા લાગે. એને બદલે સ્વસ્થ રીતે પતિની વિચારધારાને સમજીને પહેલે જ ધડાકે શારદાદેવીએ પોતાની જાતને પ્રમાણિત કરી દીધી છે. રામકૃષ્ણે તેમના ઉપર પ્રસન્નતાથી મારેલી પત્ની તરીકેની પસંદગીની મહોર આ ક્ષણે સમજાય છે. પત્નીને રામકૃષ્ણ પહેલેથી જ પારખે છે. આથી જ એક વાર તેમની ઓળખાણ આપતાં તેમણે કહેલું, ‘એ છે શારદા, જ્ઞાનદાયિની. આ વખતે રાખ ઢાંકીને આવી છે. રાખ ઢાંકીને આવેલી બિલાડીની જેમ એનું રૂપ ઓળખાય નહીં.’ શારદાદેવીએ ભલે રાખ ઢાંકીને રહેવાનું પસંદ કર્યુ, પણ એમનું રૂપ છુપાય તેમ જ નહોતું. ખુદ રામકૃષ્ણે એમનું રૂપ પ્રગટ થાય એમ ઇચ્છેલું.

    ક્યારેક રમૂજમાં તો ક્યારેક ગંભીર રીતે રામકૃષ્ણે પત્નીનાં હીર વિશે ઇશારો કર્યો જ છે. વાતવાતમાં એક વાર હસીને રામકૃષ્ણે સંતાનો વિશેનો પોતાનો અભિપ્રાય જુણાવતાં કહેલું, ‘જે સંતાનના જન્મ સમયે માતા શણગારે, તે જ માતા તેના મૃત્યુ વખતે કલ્પાંત કરે. એના કરતાં બાળકો ન હોય તે જ સારૂં.’ આ સાંભળીને શારદયદેવીએ તરત જ દલીલ કરતાં કહ્યું, ‘બધાં બાળકો કંઈ મરી ન જાય.’ પત્નીની વાત સાંભળીને પ્રસન્ન થયેલા પરમહંસદેવે મજાક કરી : “અરે, આ તો જીવતા નાગ પર પગ પડ્યો ! મને તો એમ કે ભોળાં છે. પણ આ તો બધું જ સમજે છે.’ બધું જ સમજવા છતાં પોતાના અસ્તિત્વને શૂન્યવત્‌ કરવાની શારદાની કળાએ કરીને .રામકૃષ્ણ જિતાઈ ગયા છે.

    રામકૃષ્ણના ભાણેજ હૃદય અવારનવાર શારદાદેવી સાથે અપમાનપૂર્વક વાતચીત કરતા ત્યારે એક વાર રામકૃષ્ણે તેમને ચેતાવતાં કહેલું, “આનામાં (પોતામાં) જે છે તે જો ફૂંફાડો મારશે તો પછી વાંધો નથી. પણ આમનામાં (શારદામણિદેવીમાં) જે છે તે ફૂંફાડો મારશે તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ બચાવી નહીં શકે.’ શારદામણિને રામકૃષ્ણની આ પહેલી ને એતિમ એજલિ છે. તેઓ જ આ પત્નીને, આ પ્રકારે સમજી શકે.

    રાખ ઢાંકીને ફરતાં શારદાદેવીનું સ્થૈર્ય કેવી કેવી ક્ષણોમાંથી પસાર થયું છે તે જોઈને નવાઈ લાગે. પતિની સેવા કરતાં શારદાદેવીએ એક સમયે રામકૃષ્ણને પૂચ્યુંઃ ‘તમે મને તમારી શું કહીને જાણો છો ?’ જવાબ મળ્યો ઃ ‘જે માતા સામે મંદિરમા ખિરાજે છે, તે જ માતાએ આ દેહને જન્મ આપ્યો છે. અત્યારે નોબતખાનાની ઓરડીમાં વસે છે ને એ જ માતા અત્યારે મારા પગ દાબી રહી છે.’ આવો છે આ બેનો સંબંધ, જેને કોઈ જ નામ આપવું ઉચિત જણાય તેમ નથી. કોઈ પણ પ્રકારની સંજ્ઞા આ મૌલિક દામ્પત્યને આપવામાં અણસમજ ચ્યક્ત થઈ જાય તેવું છે.

    શારદાદેવીનો વૈરાગ્ય પતિના પગલે ચાલવાની હોશ કે ધૂનમાંથી જન્મ્યો હોત તો આટલો પરિપક્વ ન હોત. ક્યાંક ને ક્યાંક એમાં વિષાદની ગાંઠ રહી જવા પામો હોત. આથી. સ્વાભાવિક રીતે જ રામકૃષ્ણ પાસે સ્થાન મેળવવું તેમને માટે મુશ્કેલ બની જાત. તેને બદલે, ઊલટાનું રામકૃષ્ણને આમ કહેવાનું આવ્યું, ‘એે જો આટલાં સંયમી ન હોત ને એમણે જો મનનો સંયમ ગુમાવીને મને આકર્ષ્યો હોત તો કોણ જાણે છે કે હું પણ મારો સંયમ ગુમાવી ન બેસત ? લગ્ન થયા પછી જગદમ્બાને મેં પ્રાર્થના કરેલી કે મારી પત્નીના મનમાંથી સ્થૂળ ભોગોની વાસના તદ્દન નિર્મૂળ કરી
    દે . હું એમની સાથે રહ્યો ત્યારે મને ખબર પડી કે મારી એ પ્રાર્થના માએ ખરેખર સાંભળી છે.’ રામકૃષ્ણનું આ નિરીક્ષણ સ્પષ્ટ કરે છે કે શારદાદેવીના  વ્યક્તિત્વમાં આશ્વાસન મેળવ્યાની ક્ષણો આવી નથી. વ્યાસ જેને સમાધાત્ત કહે છે તેવું સમાધાન તેમને સાંપડ્યું છે. વૈરાગ્ય તેમનો સ્થાયી ભાવ છે. રામકૃષ્ણ પાસે આવ્યા પહેલાનાં શારદાદેવી ભોળાં છે, ગ્રામબાળા હોઈને અણસમજુ છે પણ પછીથી ઘડાયાં છે એમ માનવું યોગ્ય નથી. ભૌતિક વિલાસ શું છે તેની તેમને જાણ છે; પણ એમાં એમને રસ નથી. એમની ચેતના જીવનના ઊર્ધ્વીકરણમાં વિચરતી હોઈ, ભૌતિક વિલાસ તેમના માટે ગૌણ બન્યો છે. નીર-ક્ષીરનો ભેદ પારખવાનો તેમનામાં રહેલો વિવેક તેમને પરમહંસનાં સાથીદાર, પત્ની ઠેરવે છે.

    પતિ સાથેનું શારદાદેવીનું વિરલ સાયુજ્ય રચતો પ્રસંગ તે ષોડશી પૂજાનો છે. આઠ માસના શારદાદેવી સાથેના વસવાટ પછી રામફૃષ્ણે ઈ.સ. ૧૮૭૨ના જૂન માસમાં અમાસની રાત્રિએ માતૃપૂજા કરવાનું નક્કી કરીને દેવીની મૂર્તિને સ્થાને શારદાદેવીનું સ્થાપન કરીને તેમનું વિધિવત્‌ પૂજન કર્યું. આ ક્ષણે બે ઘટના સાથે ઘટી. એક તો, રામકૃષ્ણે પત્નીનો માતૃભાવે મહિમા કર્યો ને બીજી રીતે જોતાં, તેમને દીક્ષિત કર્યાં એમ પણ કહી શકાય. પૂજા દરમ્યાન શારદામણિ દેવીએ ભાવસમાધિ ભોગવેલી ને બાહ્ય ભાન ગુમાવી દીધેલું .એક જૂદા પ્રકારનું આ સંવનન હતું જેનું નિર્વહણ શારદાદેવીએ એ જીવનપર્યંત કર્યુ. શારદાદેવીમાં રહેલા માતૃત્વને આ ક્ષણે રામકૃષ્ણે સૌ માટે ખૂલ્લુ કરી સૌને તેમાં પરિપ્લાવિત થવાનું નિમંત્રણ આપ્યું. આ નિમંત્રણને વૈરાગી  શારદામણીએ જે રીતો નિભાવ્યું એમાં પતિ સાથે અસ્પૃશ્ય રહીને કરેલા સહશયનનો પ્રતિઘોષ જોવા મળે છે. પતિએ માતૃપૂજા દ્વારા આપેલું માન કૃતજ્ઞતાપૂર્વક શારદામણિએ માથે ચઢાવ્યું.

    શારદાદેવી જીવનમાં આઠ જ માસનો ગાળો એવો આવ્યો જેમાં તેઓ પતિની સાધે એકાંતમાં રહી શક્યાં. એ ગાળો રંગ-રાગ કે વિલાસનો તો નહોતો જ, બલકે કેટલો નાજૂક હતો તેની વાત કરતાં શારદાદેવીએ પાછળથી કહેલું, ‘તેઓ કેવા અપૂર્વ દિવ્ય ભાવમાં રહેલા એ રામજાવી શકાય તેમ નથી. કોઈ વાર હસતા, કોઈ વાર રડતા અને કોઈ વાર સમાધિમાં તદ્દન સ્થિર થઈ જતા. આવું તો રાતભર ચાલ્યા કરતું. એમનામાં કોઈ એવો અસાધારણ દિવ્ય ભાવ થઈ આવતો કે હું બીકથી ધ્રૂજ્યા કરતી અને રાત કયારે પૂરી થશે એના વિચારો કરતી. એ વખતે સમાધિ કોને કહેવાય
    તેની મને મુદ્લે ખબર નહોતી.’ પછીથી શારદામણિ સમાધિ ઉતારવાની રીત ભક્તો પાસેથી શીખ્યાં. એ માટે તેમને પતિની પુષ્કળ કાળજી કરવી પડતી ને રાતના ઉજાગરા પણ થતા. આથી રામકૃષ્ણે તેમને નોબતખાનામાં સૂવા જણાવેલું.

    રામકૃષ્ણા-શારદાદેવીનો સંબંધ જોડાયેલો રહ્યો છતાં બંને જણ એકબીજા પ્રત્યેનો અભિપ્રાય ભાગ્યે જ વ્યક્ત કરતાં. પણ જ્યારે આ અભિપ્રાય વ્યક્ત થઈ જતો ત્યારે એની પાછળ રહેલો એકબીજા પ્રત્યેનો તીવ્ર અનુરાગ દેખાઈ આવતો. અનેક લોકોને પોતાના હૃદયમાં જગા આપતા કલ્યાણકામ રામકૃષ્ણના હૃદયમાં પત્ની માટે એક જુદો જ ખૂણો હતો જ્યાં માત્ર શારદાદેવીનું જ આસન હતું. પત્નીના આરોગ્યની, લોકોએ તેમના પ્રત્યે કરવા જોઈતા આચાર-વ્યવહારની રામકૃષ્ણે ભારે કાળજી કરી છે. પોતા સાથે પત્નીના નાતે જોડાયેલી શારદા સામાન્‍ય સંસારસુખથી માંડીને મુક્તિ સુધ્ધાં મેળવે તેવી રામકૃષ્ણની ખ્વાહિશ છે. આથી જ તો એક વાર મંદિરમાં સીતાજીનાં ઘરેણાં જોઈને રામકૃષ્ણે પત્ની માટે બાજુબંધ ઘડાવવાની વ્યવસ્થા કરી આપીને મજાકમાં કહેલું, “મારે ને એમને આવા સંબંધ છે !’ સ્વયં સંન્યાસી હોવા છતાં પત્નીના શૃંગારમાં રામકૃષ્ણે ભારે રસ લીધો છે ને બાળકનાં કુતૂહલથી માતાજીને ઘરેણાં પહેરાવ્યાં છે. ‘એ શારદા હોવાથી એને ઘરેણાં ગમે છે’ એવું માનતા રામકૃષ્ણે પોતાના નિર્વાણ પછી પત્નીને સૂક્ષ્મ રૂપે દર્શન આપીને ઘરેણાં ન કાઢવા ભારપૂર્વક જણાવ્યું છે. પોતાનાથી આપી શકાય એ પ્રકારનાં સંસાર સુખનું પ્રદાન કરીને જ રામકૃષ્ણ અટક્યા નથી, પણ પોતા જેવી વિરલ વ્યક્તિમત્તા સાથે શારદામણિ જોડાયાં છે ને જે તપસ્યામાં સાથીદારી નિભાવી જાણી છે તે બદલ તેમને બહુ મોટો લાભ મળે એવું રામકૃષ્ણ ઇચ્છે છે. આથી જ , માતાજીને એક વાર મરડો થઈ ગયેલો ત્યારે તેઓ મનુષ્યજન્મ સાર્થક કર્યા વિના મૃત્યુ ન પામે તો સારું એ પ્રકારની ચિતા રામક્રષ્ણે યક્ત કરી છે.

    બીજી બાજુ , માતાજીએ પણ પતિને સમર્પિત ભાવે ચાહ્યા છે. ભાવજગતમાં જ જીવતા પરમહંસનું અનિયમિત જીવન શારદાદેવી જ વશમાં રાખી શકતાં. પતિ જમવા બેસે ત્યારે તેમને ભાવસમાધિ આવી ન જાય તે માટે પતિને વાતમાં રોકી રાખીને જમાડી લેતાં. રાત્રે મોડા આવતા પતિની જાગીને પણ કાળજી લેતાં. તેમની એકે એક વાત, ચેષ્ટામાત્રથી માતાજી સમજી શકતાં. ત્યાં સુધી કે પતિ તેમને ક્યારે ઇચ્છે છે ને ક્યારે દૂર રાખવા માગે છે તેની પણ તેમને ખબર પડી જતી. પોતે સંન્યાસી પતિ સાથે સંકળાયાં હોવાથી રામકૃષ્ણ સાથેના બાહ્ય વ્યવહારમાં તેમણે સંન્‍્યાસીની પત્નીને છાજતો વ્યવહાર કર્યો છે. રામકૃષ્ણે પણ પત્નીની આ સૂઝ વિશે અનેક વાર પ્રશંસાના ઉદ્‍ગાર કાઢેલા છે. એક પ્રસંગ આ બાબત પર પ્રકાશ ફૅકે છે. કલકત્તાની નજીક પાણીહાટીમાં દર વર્ષે મે-જૂન માસમાં વૈષ્ણવોનો દંડ મહોત્સવ યોજાતો જેમાં જવાની રામકૃષ્ણને ઇચ્છા થઈ. માતાજીને પણ પતિની સાથે જવાનો ઇચ્છા થતાં એ અંગે તેમણે રામકૃષ્ણને પુછાવ્યું. ઉત્તરમાં પતિએ ‘એમની ઇચ્છા હોય તો ભલે આવતાં’ એમ કહેવડાવ્યું તેથી માતાજી ન ગયાં. માતાજીને મતે રામકૃષ્ણે “જરૂરથી આવો’ એમ કહેવડાવ્યું હોત તો જ એમનાથી જઈ શકાત. પાછળથી રામકૃષ્ણે માતાજીની બુદ્ધિની પ્રશંસા કરી. કેમકે ત્યાંના લોકોએ ઠાકુરની ભાવસમાધિ ને ભક્તિ જોઈને તેમની મશ્કરી કરેલી. માતાજી જો સાથે હોત તો તેઓ પણ મજાકનો
    ભોગ બનત ને પતિની મજાક સહન ન કરી શકત. આમ, એકબીજા પાસે વ્યક્ત થયા વિના પણ બંનેની વિચારણામાં આ પ્રકારનો સંવાદ પડેલો હતો.

    માતાજીએ પહેલેથી જ ઠાકુરને પતિ તરીકે નહિ પણ એક મહામાનવ તરીકે પારખ્યા હોવા છતાં માતાજીની અવારનવાર પરીક્ષા લેતા રહેતા રામકૃષ્ણો એક વાર લથડતી હાલતમાં આવીને માતાજીને પૂછેલું, ‘શું મે દારૂ પીધો છે ?’ જવાબ મળેલો : ‘ના રે, તમે તો કાલીનું ભાવામૃત પીધું છે.’

    માતાજીની આ પરખશક્તિને લઈને જ રામકૃષ્ણ માતાજીનાં ગુજરાનની ચિંતા પણ કરી છે. હંમેશાં માતાજીના હાથે જ ભોજન લેતા રામકૃષ્ણને પોતાની થાળી બીજું કોઈ લાવે તે બિલકુલ પસંદ ન પડતું. એક વાર એક ભક્ત સ્ત્રીએ ઠાકુરની થાળી માતાજીના હાથમાંથી લઈને ઠાકુરને જમાડેલા ત્યારે ટઃઆડુરે માતાજીપો આમ કરવા માટે ઠપકો આપેલો. આ સમયે શારધાદેવીનો ઉત્તર હતો : “હું કોઈને ન નહીં પાડું. તમે કંઈ મારા એકલૉના થોડા છો ? તમે તો બધાના છો” માતાજીએ ઠાકુરને આવો તટસ્થ પ્રેમ ક્યો છે. સ્ત્રીમાં સામાન્ય રીતે ઘર કરી જતો માલિકીભાવ શારદાદેધીમાં બિલકુલ નથી. તેમના આ ગુણલક્ષણે કરીને જ તેમનો માતૃભાવ ખીલ્યો છે, ફૂલ્યોફાલ્યો છે. રામફષ્ણે પણ આ જ કારણે તેમને પોતાના ઉત્તરાધિકારી તરીકે, પોતાની હયાતિ દરમ્યાન જ શિષ્યો સમક્ષ મૂઈ આપ્યાં છે. શારદાદેરી પાછળથી રામકૃષ્ણ મિશનમાં સંઘમાતા બન્યાં તેના મૂળમાં सहनौभुनक्तुની તેમની ભાવના પડેલી હતી.

    સાસરે આવીને છેક જીવનના એત સુધી શારદાદેવી અનેક પ્રકારના અભાવોમાં રહ્યાં. દક્ષિણેશ્વરમાં નોબતખાનાનું રહેઠાણ એક માણસ માંડ સમાઈ રકે તેટલું; આર્થિક તકલીફો; જાતભાતના લોકોને સાચવવાના; કેટલીક વાર દિવસો સૂધી રામકુષ્ણનાં દર્શન પણ નહિ પામવાનાં; રામકૃષ્ણની ભાવદશાની માવજત કરવાની; પતિની ગંભીર માંદગીમાં પાર વિનાની ચાકરી; પિયરિયાંઓની કનડગત; ગાંડાં ભાભી ને ધૂની ભત્રીજીને જીવનભર સાચવવાનાં… આ યાદી ઘણી લાંબી છે. પણ માતાજીએ થાક્યા વિના આ સર્વ કંઈ કર્યું. તેમને થાક તો માત્ર ચડચો છે પતિનાં નિર્વાણનો. રામકૃષ્ણની અનુપસ્થિતિએ તેમને મનથી ભાંગી નાખ્યાં. આ સમયે પોતાના ને રામકૃષ્ણના મહાન શિષ્યોનો સંપૂર્ણ સાથ ને આધાર હોવા છતાં પતિના પ્રેમ વિનાનું જીવન તેમને વેરાન ભાસ્યું છે. પરંતુ રામકૃષ્ણના આદેશને લઈને તેમણે પતિના શિષ્યોને ઊભા કરવા માટે પોતાનું બાહ્ય જીવન પૂરી પ્રસસ્તતાથી ટકાવીને રામકૃષ્ણનું સ્થાન ગૌરવભેર સાચવ્યું છે.

    તેમની પાછલી અવસ્થાને જોતાં સમજાય છે કે તેઓ તેમની વૈરાગી વૃત્તિને લઈને જ મહાન નારી સાબિત થયાં છે. રામકૃષ્ણ સાથેનું તેમજ દુનિયા સાથેનું તેમનું વર્તન જલકમલવત્‌ બની રહ્યું છે. તેમનું અનાસક્ત મન ક્યાંય બંધાયું નથી. રામકૃષ્ણની પણ માત્ર ઉપસ્થિતિને, પોતાના જીવનમાં તેમના સ્થાનને જ માત્ર તેમણે ચાહ્યું છે. તેમના વિના જીવવું માતાજીને કઠણ જરૂર લાગ્યું છે પણ એ દુ:ખ એક વૈરાગી સ્ત્રીનું છે, રાગી સ્ત્રીનું નથી. આધ્યાત્મિક સાથીદાર તરીકે જેઓ તેમને સમજતા હતા એ હવે નથી તેની સભાનતાએ જ તેમને માત્ર પીડ્યાં છે. તેમના સંન્યાસ વિશેના ખ્યાલોને જોતાં આ વાત સ્પષ્ટ થાય છે.

    સંન્યાસ વિશે શારદાદેવીનું વલણ એક રીતે લવચીક રહયું છે. સંન્‍્યાસને તેઓ કોઈ જડ મત સાથે સાંકળતાં નથી . આમ છતાં, સંન્યાસને તેઓ એક ચુસ્ત આચાર તો  જરૂર માને છે. તેમને મતે સંન્યાસી કદી બાંધછોડ ન કરી શકે. રસ્તામાં ઊલટી પડેલી વસ્તુને સીધી કરવાની પણ જેને ઇચછા ન જાગે એ જ માણસ શારદાદેવીને મન સાચો સંન્યાસી છે. આથી જ કોઈ સંન્યાસી તેમને ખૂબ ચાહતો ત્યારે તેઓ તેને ચંતવતાં, તેઓ તરત જ નારાજ થઈને આ પ્રકારી આસક્તિ ન રાખવાનું તેને સુચવતાં. ઈશ્વરપ્રાપ્તિની અપેક્ષા રાખતા સાધુઓને તેમનું કહેવું હતું કે, ‘સંન્યાસીનું કામ ઈશ્વરનું સ્મરણ કરેવાનું; એ જ એનો ધર્મ. ઈશ્વરને કયારે તેની પાસે આવવું તે ઇશ્વર પોતે નકકી કરેશે.’ આ પ્રકારના કઠોર વૈરાગ્યએ જ તેમને વિષમ જીવનપ્રવાહમાં તરવાની શક્તિ પ્રદાન કરી હશે.

    બાલ્યાવસ્થાથી જ શારદાદેવીનો સ્વભાવ લજજાળુ ને સરળ હતો. દક્ષિણેશ્વરમાં નવવધૂ તરીકે પ્રવેશેલાં ત્યારે રામકૃષ્ણને ચિંતા એ હતી કે આ ગામડાંની છોકરી કોને ખબર, કેવી રીતે રહેશે ! તેને બદલે તો તેઓ નિત્ય કર્મ ક્યારે કરતાં તેની પણ કોઈને ખબર ન પડતી ! દક્ષિણેશ્વરના ખજાનચીને પૂછતાં જાણવા મળતું કે માતાજી અહીં છે ખરાં, પણ તેમને કોઈએ જોયાં નથી. આ સરળતા ને સૌમ્યતા છેક સુધી એવાં જ રહ્યાં. કોઈ વાતનો વિરોધ કરેવો, પોતાના અંગે પ્રમાણભૂતતા સિદ્ધ કરવી એ તેમના સ્વભાવમાં જ નહોતું. સ્વામી વિવેકાનંદ પાસે એક ફકીરનો ચેલો આવતો તેથી તેના ગુરુએ નારાજ થઈને સ્વામીજીને શાપ આપેલો. પરિણામે સ્વામીજીને પેટની વ્યાધિ થઈ ગયેલી. આ વાતનો ઉલ્લેખ કરીને વિવેકાનંદે માતાજીને એક સમયે કહેલું, ‘ઠાકુરે આ સમયે મારા માટે શું કર્યું ?’ ત્યારે રિસાયેલા વિવેકાનંદને સાંત્વન આપીને માતાજીએ રમૂજમાં ઉમેરેલું, ‘દીકરા, એમને ન માનીને ક્યાં જશો ? તમારી ચોટલી તો એના હાથમાં જ બાંધી છે.’ આ સરળતાએ કરીને વિવેકાનંદ જેવા તર્કશુદ્ધ સંન્યાસી ગદગદ થઈને કહી ઊઠયા તે મુજબ, “રામકૃષ્ણ વિશે તમે ગમે તેમ માનો, પણ માને જે મહાન ન માને તેમને ધિક્કાર છે.’

    અધ્યાત્મ જગતમાં પ્રવેશેલી કોઈપણ વ્યક્તિ વૈચારિક દષ્ટિએ સામાન્યત: આધુનિક હોવાની જ. માતાજીમાં પણ દષ્ટિકોણની આધુનિકતા ધ્યાન ખેંચે એ રીતે વક્ત થઈ છે. ગૃહસ્થી ને ત્યાગીને એકસરખું માન આપતાં માતાજી બહારના વેશ કરતાં અંદરના વૈરાગ્યને વધારે મૂલ્યવાન ગણતાં. સ્ત્રીઓને પણ સંન્‍્યાસની અધિકારિણી ગણતાં શારદાદેવીને મતે સ્ત્રી માટે કુંવારી રહેવામાં ઘણો ભય હોવા છતાં જેને લગ્ન ન કરવાં હોય તેને પરણાવીને સંસારમાં નાખવી એ અન્યાય જ  ગણાય.

    માતાજીના સમયમાં બંગાળમાં વર્ણાશ્રમધર્મ ભારે ચુસ્તીથી પળાતો ત્યારે પણ માતાજીએ, પોતે સનાતની હોવા છતાં અંગ્રેજ લોહી ધરાવતાં વિવેકાનંદનાં શિષ્યા ભગિની નિવેદિતાને પોતાની સાથે રાખીને તેમજ ભોજન પણ સાથે લઈને ખુદ વિવેકાનંદને દંગ કરી ધીધેશા ! ગાંધીજીથી પણ પહેલાં ચરખાનો પ્રચાર બંગાળમાં કરવાનો વિચાર માતાજીએ પ્રગટ કરેલો.

    ગુરુ શિષ્ય સંબંધ અંગે માતાજીનું માનવું હતું તેમ શિક્ષા ગુરુ બદલી શકાય, પણ દીક્ષા ગુરુ કદી બદલવા ન જોઈએ. શિષ્ય સારો હાય તો ગુરુને પણ લાભ થાય એવું તેમનું માનરું હતું. જપની કાર્યસાધકતા તેમને મન એ હતી કે જેથી કરીને ઈન્દ્રિયોનો પભાવ ઘટી જાય. પણ અવિકારીને માટે તો મહત્ત્વનું છે જ્ઞાન. એને માટે જપ બડબડાટથો વધુ કંઈ નથી. જ્ઞાનીની તો માતાજીને મન વાત જ જુદી હતી.

    કોઈ તેમને પૂછતું કે. તમે બધાંને મંત્ર કેમ આપતાં નથી ? તેમનો જવાબ હતો : ‘બધાં કંઈ સમજી શકે ? કૃષ્ણ ગોવાળો જોડે રમ્યા, જમ્યા પણ બધા કંઈ તેમને સમજ્યા ?’ અછડતી રીતે માતાજીએ પોતાની રાખ આ રીતે ખંખેરીને તેમનું રૂપ જોતાં આવડે એમને બતાગ્યું છે. એક વાર પોતા વિશે તેમણે કહેલું, ‘ભગવાન ન હોય તે શું આટલું સહન કરી શકે ?’

    તેમની વાત સંપૂર્ણ સાચી જણાય છે. ગીતાકાર જેને ‘લોકસંગ્રહ’ કહે છે તેવો લોકસંગ્રહ માતાજીએ પ્રચુર માત્રામાં કર્યો. એક આદર્શ તરીકે કરવું જોઈએ તે કરતાં ઘણું વધારે કરીને મનુષ્યમાત્ર માટે વ્યક્તિત્વના એક શ્રેષ્ઠતમ ઉદાહરણ તરીકે પોતાની જાતને તેમણે ખીલવી. રામકૃષ્ણ સાધના કરીને જીવન જીવી ગયા; શારદાદેવીએ શાક સુધારતાં, વાસીદું વાળતાં યોગીને પણ ટક્કર મારે એવું જીવન જીવીને પોતાની  સડસઠ વર્ષની જીવનયાત્રા ૨૦મી જુલાઈ ૧૯૨૦ના રોજ સંકેલી.

    શારદાદેરી વિશે એક અજાણી, વિદેશી નારી ભગિની નિવેદિતાએ તેમના થોડાક પરિચય માત્રથી તેમના એક મિત્રને જે લખેલું તે તેમને અપાયેલી ભવ્ય અંજલિ બની રહે છે : ‘એક તીવ્ર મધુર પ્રેમ, જે કદી ઇન્કાર ન કરે. એવા આશીર્વાદ કે જે આપણા સમગ્ર જીવનમાં વણાઈ જાય. એવી સંનિધિ કે જેનાથી આપણે દૂર ન જઈ શકીએ. એવું હૃદય કે જેમાં હમેશાં આપણે સલામતી અનુભવીએ. અતલ માધુર્ય, અતૂટ બંધન, નિર્ભેળ પવિત્રતા, આ બધું જ અને તેથીય વધારે તે મા.’

    આનાથીયે આગળ વધીને નિવેદિતાએ એક વાર કહેલું, “ઈસુની મા મેરીનો વિચાર કરતાં મારી સમક્ષ માતાજીનો ચહેરો તરી આવે છે.”

    નીરવ સંવાદનાં આ સાધિકાએ પોતાની સૌમ્ય તપસ્યાથી રામકૃષ્ણને મેળવ્યા, હસ્તગત કર્યા ને તેમના સાથે રહીને ફેલાઈ ગયાં. જગતના કાનમાં પ્રેમનો મંત્ર ફૂંકીને એક સંન્યાસીનું કર્તવ્ય બજાવી જગતનું સદ્‍ગુરુપદ મેળવ્યું,


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?

    નિસબત

    ચંદુ મહેરિયા

    રોજ આપણે છાપામાં ચોરીના સમાચાર વાંચતા હોઈએ છીએ. મંદિરે જતાં વૃધ્ધા, , મોર્નિંગ વોક માટે નીકળેલા સિનિયર સીટિઝન,  બજારે ખરીદી કરતાં ગૃહિણીની બુકાનીબંધ બાઈક સવારે સોનાની ચેઈન ખેંચ્યાના કે મોબાઈલ ઝૂંટવ્યાના, ઉનાળામાં ઘરની અગાસીએ સૂતેલા કે ઘર બંધ કરી બહાર ગયેલા લોકોના ઘરનાં તાળા તૂટ્યાના સમાચાર કોઈ પણ દિવસના અખબારના કોઈક પાને જરૂર જડી આવે છે. દેશમાં દર પાંચ સેકંડે ચોરીનો એક બનાવ બને છે અને ઈન્ડિયન પિનલ કોડ કે ભારતીય ન્યાય સંહિતા મુજબ ચોરી એ ગુનો છે. આ અપરાધની સજા પણ કાયદામાં મુકરર થઈ છે.

    ચોરી એટલે કોઈ વ્યક્તિની માલિકીની કે કબજા હેઠળની જંગમ સંપત્તિ તેની સંમતિ વિના, અપ્રમાણિકતા આચરીને કે ખોટી રીતે લઈ લેવી, પડાવી લેવી. હવે ચોરીઓ પણ હાઈટેક બની છે. તે માત્ર ચેઈન સ્નેચિંગ સુધી મર્યાદિત નથી રહી. તેમાં નવી નવી તરકીબો અજમાવીને, મસમોટી વસ્તુઓની ચોરીઓ થાય છે.

    સુરતની એક જ્વેલરી શોપમાં ચોરી કરવાના ઈરાદે ચોરે ત્રીજી દુકાન ભાડે રાખી હતી. એક રાત્રે ચોરીનો મોકો મળતાં તેણે પોતાની ભાડાની દુકાનમાંથી બાજુની દુકાનમાં અને તેમાંથી જ્યાં ચોરી કરવાની હતી તે સોના-ચાંદીની દુકાનની દીવાલમાં બાકોરું પાડ્યું. છે ને નવતર તરકીબ! લગભગ બે લાખના ચાંદીના દાગીના તેણે ચોર્યા પણ નસીબ વાંકુ તે અમદાવાદ પોલીસની તપાસમાં રસ્તે જ પકડાઈ ગયો.

    મંદિરે, રસ્તે, બજારમાં, ઓફિસે જતાં– આવતાં કે ઘરે ચોરી થાય અને ચોર ભાગી જાય એ તો સમજાય એવું છે પણ કુદરતી હાજતે કોઈ જાય અને ચોરી થાય? ગાંધીનગરમાં ભાડેથી રીક્ષા ફેરવતા આધેડ રસ્તે સાચવીને રીક્ષા મૂકી કુદરતી હાજતે ગયા અને તેમની રીક્ષા ચોરાઈ ગઈ! આવી પણ ચોરી થાય છે.

    ચોર ચોરી કરતાં પૂર્વે અને દરમિયાન કેવી કેવી ટેકનિકો અપનાવે છે અને સાવધાની રાખે છે તેની માહિતી સુરતની હીરા પેઢીમાં થયેલી ૩૨ કરોડના હીરાની ચોરીના બનાવમાં જાણવા મળે છે. ચોરી કરતાં પહેલાં ચોરોએ કંપનીના સીસીટીવી અને ફાયર એલાર્મ તોડી નાંખ્યા હતા અને ડીવીઆર ઉઠાવી ગયા હતા. તે પછી તેમણે ગેસકટરથી તિજોરીમાં બાકોરું પાડી ૩૨ કરોડના હીરા અને રૂ. પાંચ લાખ રોકડા ચોરી લીધા હતા. જો તસ્કરો આવી કોઈ સાવધાની ન રાખે તો પરિણામ શું આવે? વડોદરાની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું એટીએમ તોડવા ઘૂસેલા ચોરે રૂપિયા ભરેલા બોક્સનું તાળું હથોડીથી તોડતાં જ સીસીટીવીનું મોનિટરીંગ કરતાં મુંબઈ બેઠેલા કર્મચારીને ખબર પડી.તેણે સીસીટીવીના સ્પીકરથી ચોરને ” તુમ કૌન હૌ? મશીન ક્યોં તોડ રહે હો?”  એમ પૂછતાં ચોરભાઈ ગભરાઈને ભાગી ગયા..

    સામાન્ય રીતે રૂપિયા-પૈસા, સોના–ચાંદીના ઘરેણા, હીરા-મોતી જેવી કિંમતી વસ્તુઓની ચોરી થાય છે. એટલે કે ચલ સંપત્તિ જ ચોરાય છે. પરંતુ ચોર જેનું નામ!  તે અચલ ને પણ ચલ બનાવી જાણે છે. જુનાગઢના દાતારના જંગલમાં ચંદનના કિંમતી ઝાડ કાપી ચોરી જવાનો બનાવ નોંધાયો છે. વળી આ ચોર છેક મધ્યપ્રદેશના કટનીથી હથિયારો સાથે ટ્રેનમાં જુનાગઢ આવ્યા હતા. જો કોઈ વ્યક્તિ ઊઠાવીને કે લઈ જવાના ઈરાદે કે વેચી મારવાના ઈરાદે ઝાડ કાપે તો તે કાયદાની વ્યાખ્યામાં ચોરી ગણાય છે.

    અમદાવાદના જુહાપુરા વિસ્તારની દુકાનમાં ૧૧ વિદેશી પોપટની ચોરી કરવામાં આવી હતી. આ પોપટ કોઈ સામાન્ય પોપટ નહોતા. એકની કિંમત રૂ. લાખ-દોઢ લાખ હતી એટલે રૂ. ૧૫ લાખના ૧૧ પોપટ ચોર્યા હતા. તહેવારોમાં કે સામાજિક-ધાર્મિક પ્રસંગોએ સાફસફાઈ કરવા આવતા મજૂરો નાની-મોટી ચોરી કરતાં હોવાનું તો સાંભળ્યું છે પણ ગાંધીનગર જિલ્લાના કુડાસણના એક બંગલામાં દિવાળીએ સાફસફાઈ કરવા આવેલા મજૂરો બંગલાના માલિકની રિવોલ્વર કારતુસ સાથે ચોરી ગયા હતા. પરંતુ તેમની ચોરી લાંબી ના ટકી અને પોલીસની ઝડતીમાં પકડાઈ ગયા.

    સોનાનો હાર, બંગડી, હીરા, રોકડ, ચંદનના ઝાડ, પોપટ અને રિવોલ્વર જ નહીં મરઘાંની પણ ચોરી થઈ છે. તેલંગાણાના મહેબૂબનગર જિલ્લાના એક ગામના ગરીબ પશુપાલકના ઘરેથી ચોરે મરઘાંની ચોરી કરી હતી. પરંતુ તે ગામમાં જ  વેચવા જતાં લોકોના હાથે ઝલાઈ ગયો હતો.

    આખરે લોકો ચોરી કરે છે શા માટે? નાણાંભીડ, આર્થિક જરૂરિયાત,  દવાખાનાના ખર્ચને પહોંચી વળવા- ટૂંકમાં ગરીબીને કારણે લોકો ચોરી કરતાં હોય છે. પરંતુ બધા ચોર કે બધી ચોરીઓ કંઈ એવી નથી હોતી. કોઈ થ્રીલ માટે ચોરી કરે છે તો કોઈ મોજશોખને પહોંચી વળવા પણ ચોરી કરે છે. માત્ર પુરુષો જ નહીં મહિલાઓ પણ ચોરી કરે છે. ચોરી કરવામાં કોઈ એક ધર્મ કે જ્ઞાતિના લોકોનો ઈજારો નથી. ગરીબોની જેમ અમીરો પણ ચોરી કરે છે. બસમાં કે ટ્રેનમાં જ નહીં વિમાનમાં પણ  ચોરીઓ થાય છે. પ્રેમ લગ્ન કરનાર યુવકને કન્યાપક્ષને ચાર લાખ રૂપિયા આપવાના હતા. તે માટે તેણે ચોરી કરી હતી. પત્નીની મોંઘા આઈફોનની માંગણી પૂરી કરવા પતિએ ચોરી કરી. પકડાયો નહીં એટલે ચોરીના રવાડે ચડ્યો હતો. પોતાની પ્રેમિકા સાથે ચંદ્ર પર સેક્સ કરવાનું સ્વપ્ન પૂરું કરવા અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાના એક કર્મચારીએ પોણા બે કરોડના ચંદ્રના દુર્લભ પથ્થરોની ચોરી કર્યાનો બનાવ અમેરિકામાં બન્યો હતો.

    હવે તો ચોરીનો વ્યાપ વધ્યો છે અને તેના સ્વરૂપ બદલાયાં છે. અમીરો કરચોરી કરે છે,  શોષકો શ્રમિકોનો પસીનો ચોરે છે, નિર્ધન રોટલો ચોરે છે અને નેતા મત ચોરે છે. વિધ્યાર્થી પરીક્ષામાં ચોરી કરે છે અને શિક્ષક ભણાવવામાં ચોરી કરે છે.

    નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના ચોરીના આંકડા ચોંકાવનારા છે. આખા દેશમાં ૨૦૨૩માં રૂ. ૬૯૧૭.૨ કરોડની ચોરી થઈ હતી. રાજધાની દિલ્હીમાં ચોરીથી થયેલું નુકસાન રૂ.૬૮૮.૬ કરોડનું હતું.  એનસીઆરબીના અહેવાલ પ્રમાણે ૨૦૨૩માં ૬૨.૪૧ લાખથી વધુ ચોરીના નોંધાયેલા ગુના હતા. ૨૦૨૨ કરતાં તેમાં ૭.૨ ટકાની વૃધ્ધિ થઈ હતી.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    દેશની એક લાખની વસ્તીએ ચોરીના બનાવોની રાષ્ટ્રીય સરેરાશ ૪૯.૫ છે. સૌથી વધુ અરુણાચલમાં ૯૪.૧ છે. ગુજરાતમાં ૨૬.૯ની સરેરાશ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે પરંતુ ઉત્તરપ્રદેશની સરેરાશ ૧૮.૬ થી વધુ છે. ચોરીના બનાવોમાં વધારો થયો છે પણ ચોરાયેલો માલ પરત મેળવવામાં ઘટાડો જોવા મળ્યો છે. આખા દેશમાં ચોરીનો વસૂલાત કે પરત સંપત્તિનો દર ૨૦૨૧માં ૩૦.૨ ટકા હતો, ૨૦૨૨માં ૩૬ ટકા અને ૨૦૨૩માં ૨૯.૯ ટકા હતો.

    ગાંધીજીના અગિયાર વ્રતોમાં સત્ય અને અહિંસા પછી ત્રીજા સ્થાને રહેલું ચોરી ના કરવી એ વ્રત નમ્રપણે દ્રઢ કેવું આચરાય છે તે તો દેશમાં એક મિનિટે એક ડઝન ચોરીના બનાવો બને છે  તેના પરથી સમજાય છે. ભવ્ય ભારત ભૂમિમાં ચોર છે તો દાતારો પણ છે. એટલે એરણની ચોરી અને સોયના દાનનો ઘાટ છે. લાગે છે દેશમાં ન ચોરી મટવાની છે ન દાનત.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કાર્ટૂનકથા (૨૭)

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના  સત્તાવીસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.

    વાર્તાવ્યંગ્ય


    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સહસ્ત્રલિંગનું પવિત્ર તર્પણ: વીર મેઘમાયા

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    બરાબર યાદ છે પ્રિસ્તાલીસેક વરસ પરની એ બપોર. મધ્યાહને સૂર્ય શા યથાનામ ભાનુ અધ્વર્યુ પ્રેસમાં એમની કોલમ માટેનું મેટર લઈને પ્રગટ્યા, અને એમનો જે છીંકણીરાબેતો તે સંગીન ધાર્મિક રીતે સંપન્ન પણ કર્યો. જોકે, હું તો એમનો ચહેરો એ આવ્યા ત્યારથી વાંચી રહ્યો હતો. એ કશુંક કહેવા બાબતે જાણે ઝાલ્યા નહીં રહે એવું લાગતું હતું. છીંકણી પછી અલબત્ત સુક્કા ટાટ ગુજરાતને એવો ચાનો પેગ ચડાવતે ચડાવતે ભાનુભાઈએ બોલવા માંડ્યું- ‘હું હરિજનોનો હમદર્દ કે હામી કહેવાઉં ને મને જ ખબર નહીં!’ ૧૯૮૧ના અનામત વિરોધી આંદોલન અને ઉત્પાતના એ દિવસો હતા

    અને છાત્ર યુવા સંઘર્ષ વાહિનીના અમારા મિત્રો (હવે આર્ચ વાહિનીએ ખ્યાત અનિલ પટેલ તેમજ હવે રાજ્યના પૂર્વમંત્રી તરીકે ઓળખાતા મહેસાણાના ઈશ્વરભાઈ મકવાણા વ.) સાથે ઉત્તર ગુજરાતનાં કેટલાંક ગામોમાં હરિજનો પરના અત્યાચારની જપ્ત તપાસ માટે ગયા હતા. સવારે ઊઠ્યા ને બે-પાંચ મિત્રો સહસ્ત્રલિંગ (પાટણ)ની મુલાકાત સારુ આગ્રપૂર્વક લેવા આવ્યા હતા અને સાથે વાજાપેટી ને ઢોલક પણ હશે. આ સાજસજ્જા ને તામઝામ જોઈ વીર ભાનુવાળાનું છટક્યું- ‘તમને કંઈ ખબર પડે છે કે નહીં? અમે પર્યટન માટે નથી આવ્યા, સ્થળતપાસ વાસ્તે આવ્યા છીએ. સહેલાણી નથી.’ માને તો જુવાનિયા શાના. સહસ્ત્રલિંગ તળાવે પહોંચી વચમાં ટેકરા પર લઈ ગયા. વાજાપેટી જમાવી ને ગાવા લાગ્યાઃ

    બાર બાર વરસ નવાણ ગળાવ્યા નવાણે નીર ના આયાં જી રે.

    વાત એમ હતી કે તળાવ ફેરગોડાવી સધરા જેસંગે (સિદ્ધરાજ જયસિંહે) પાણીની સોઈ કરવા ધાર્યું હતું, પણ નવાણે નીર ના’વે! કોઈ બત્રીસ લક્ષણો બલિદાન આપે તો જ પાણી આવે. રાજ આખામાં વાયક ફરી વળ્યું ત્યારે ધોળકા પાસેના રનોડા ગામનો વણકર, નામે માયો, સ્વેચ્છાએ તૈયાર થયો. (તેથી સ્તો વીર કહેવાયો) જોકે, એણે વળતી શરત મૂકી કે મારા સમાજને તમે અન્યાયી અનવસ્થામાંથી છોડાવોઃ

    કુલડીઓ છોડાવો રાજો સાવરણી તોડાવો ગામની બાજુમાં વસાવો જી રે

    હડે હડે થતી હડધૂત દશામાંથી એ સમુદાય મુક્ત થવાની શરત સ્વીકારાઈ અને વીરમાયાના બલિદાન સાથે સહસ્ત્રલિંગ તળાવ જળાં જળાં થઈ ઊઠ્યું. લખવા બેઠો અને પિસ્તાલીસ વરસ પરની બપોરે લાંગર્યો એનું નિમિત્ત હમણાં ધ્યાનમાં આવેલી એ આનંદવાર્તા છે કે મહા સુદ સાતમે (પચીસમી જાન્યુઆરીએ) વીર મેઘમાયા બલિદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છેઃ આ યાત્રા ગાંધીનગરથી સહસ્ત્રલિંગ (પાટણ) લગીની રહેશે અને એનું સમગ્ર સંચાલન ને વ્યવસ્થાપન ‘વિશ્વ વીર મેઘમાયા સમાજ’નું રહેશે. આ અંગે પ્રસારિત પત્રિકામાં ગાઈવગાડીને એટલે કે અધોરેખિતપણે એક મુદ્દો ખાસ એ કરાયો છે કે વીર મેઘમાયાએ કોઈ ચોક્કસ ધર્મ, સમાજ કે જ્ઞાતિ માટે નહીં પણ પાણી વગર ટળવળતાં સૌ પશુપંખી, વનસ્પતિ અને તમામ જીવસૃષ્ટિ માટે બલિદાન આપ્યું હતું.

    ગયે વરસે પણ માયા સાતમ કહેતાં મહા સુદ સાતમે આવી યાત્રા યોજાઈ હતી. ત્યારે આયોજન વીર મેઘમાયા સમિતિનું હતું. હવે તે વિશ્વ મેઘમાયા સમાજ રૂપે કાર્યરત છે. આ નામાંતરમાંથી વ્યાપકતા ફોરે છે, અને એ સ્પષ્ટતા પણ અંકિત થાય છે કે તે કોઈ એક જ્ઞાતિ, ધર્મ, રાજકીય પક્ષથી પ્રેરિત, સંચાલિત કે આયોજિત નથી. આ અભિગમમાં વણકર સમાજની સહજ પહેલ અલબત્ત હશે, છતાં સંકોચનને બદલે ઉમાશંકરની પ્રખ્યાત પંક્તિ ‘વિશાળે જગવિસ્તારે…’ની ધાટીએ વ્યાપકતાની વાંછના પણ છે- સંતબાલજી જેને વિશ્વવાત્સલ્ય કહેતા એવું કંઈક એમાં અભીષ્ટ છેઃ કિશોર મકવાણાના પુસ્તકની પ્રસ્તાવનામાં નરેન્દ્ર મોદીએ લગરીક હાઈપકારાની રીતે પણ એક મુદ્દો મજાનો કીધો છે કે આપણે આંબેડકરને સ્વાભાવિક જ સન્માનભેર સંભારીએ છીએ,

    પણ એમના પૂર્વેય વીરમાયા જેવા ભોં ભાંગનારા થઈ ગયા છે. આપણી સામાજિક ન્યાય ચળવળની ચર્ચામાં ગાંધી અને આંબેડકર બે છેડે ધ્રુવીકૃત થઈ જવાનું વલણ જોવા મળે છે, એની સામે માયા ઘટનાને વ્યાપક વિશ્વમાનતાની રીતે જોવાનું જે વલણ છે તે મૂકવા જેવું છે. સ્વેચ્છાએ બલિદાનનો માયા માર્ગ, ૧૯૩૪માં હરિજન યાત્રાએ નીકળેલા ગાંધી પર પુણેમાં જે બોમ્બ પ્રયાસ થયો તેની જરી જુદા છેડેથી યાદ આપે છે… પરથમ પહેલું મસ્તક મૂકી, વળતું લેવું હરિ(જન)નું નામ જો ને! અંગત રીતે હું બહુ રાજી થાઉં, જો આંબેડકર ને ગાંધીને સામસામા મૂકવા કરતાં પોતપોતાને છેડેથી- એક જો અધિકારના છેડેથી તો બીજા વળી પ્રાયશ્ચિતના છેડેથી- સરવાળે એક જ પંથના પથિક હતા એવી જાડી પણ સમજ કેળવવામાં મેઘમાયા માહોલ સફળ થાય.

    જે વસ્તુ ઝટ પકડાતી નથી તે એ છે કે ગાંધી કે આંબેડકર જાહેર જીવનમાં કોઈ ઈસ્ત્રીબંધ ફિનિશ્ડ પ્રોડક્ટ તરીકે પ્રવેશ્યા ન હતા. બંને વિકસતા અને ખીલતા ગયા છે. કોઈક તબક્કે ગંઠાઈને એમને માત્ર એમ જ જોતા રહેવાથી, બને કે ઝાડવાં ગણતાં આપણે જંગલ ચૂકીએ. ‘કાસ્ટ મેટર્સ’ અને ‘કાસ્ટ, અ ગ્લોબલ સ્ટોરી’થી દેશવિદેશના દલિત વિમર્શમાં જેનો પાટલો પડે છે તે સૂરજ મિલિન્દ યેંઝે, જેમ કે દક્ષિણ આફ્રિકી ગાંધીના સમતા અભિગમ બાબતે આશ્વસ્ત નથી.

    ગોરા સાંસ્થાનિકો સામે બ્રિટિશ રાજના નાગરિક તરીકે હિંદીવાનોના હકની લડાઈ ગાંધી જરૂર લડ્યા હતા. પણ બાકી સૌ, રિપીટ, સૌને એ આગળ ચાલતા પોતાની સમજમા આવરી શક્યા ન હોત તો માર્ટિન લ્યુથર કિંગ કે નેલ્સન મંડેલાને એમનામાં આદર્શનાં દર્શન ન જ થયાં હોત. આટલું એક સમતા સિપાહી તરીકે, મેઘમાયાની સાખે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૧-૧-૨૦૨૬ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.