-
પર્યાવરણનું નિકંદન કાઢવા વધુ એક વિકાસ યોજના આવી રહી છે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
એક સમયે આપણા દેશની વરસાદ આધારિત ખેતીની સમસ્યાના ઊકેલ માટે વિવિધ મોટી નદીઓ પર બંધ બાંધવામાં આવ્યા હતા, જેમણે સિંચાઈની સાથોસાથ વીજળીની સમસ્યાને પણ હળવી બનાવવામાં યોગદાન આપ્યું. જો કે, હવે બંધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવીને તેના થકી આવક રળવાનો જે રોગ શરૂ થયો છે એ ખતરનાક છે. એનું ઉદાહરણ નર્મદા નદી પર બાંધવામાં આવેલો બંધ છે. તેનું પાણી સિંચાઈ અને વીજઉત્પાદન માટે વપરાય એ મૂળભૂત હેતુ છે, પણ પ્રવાસીઓની મોજમજા માટે સાબરમતી રિવરફ્રન્ટમાં ઠલવાય એ તેનો વેડફાટ છે. એમાંય હજી એની નહેરોનું કાર્ય પૂર્ણ ન થયું હોય એ સ્થિતિમાં આ ગુનાહિત વેડફાટ છે. પણ ઉત્સવ- ઉજવણીમાં મસ્ત અને રત લોકો એ બધી ફિકર શું કામ કરે? અને એ લોકો ફિકર ન કરે તો સરકાર પોતે શું કામ કશું કરે?
હવે આવી વધુ એક જોગવાઈ ઓડિશામાં આયોજન હેઠળ છે. અહીંના સમ્બલપુર જિલ્લાની મહા નદી પર બાંધવામાં આવેલો હીરાકુડ બંધ વિશ્વના સૌથી વધુ લંબાઈ ધરાવતા બંધ પૈકીનો એક છે. સિંચાઈ, વીજ ઉત્પાદન તેમજ પૂર નિયંત્રણના મામલે તે મહત્વની રાષ્ટ્રીય સંપત્તિ કહી શકાય. તેની સુરક્ષા અને સલામતિ સરકાર માટે હંમેશાં મહત્ત્વની રહી છે, અને પ્રવાસીઓના આવાગમનને ઘણે અંશે મર્યાદિત રાખવામાં આવ્યું છે.

Odisha plans Hirakud Mahostav on Mahanadi river bank to boost tourism(Twitter/Phanindra_IIMC)
સાંદર્ભિક તસવીર નેટ પરથીહવે આ પરિસ્થિતિ બદલાય એવાં એંધાણ જણાઈ રહ્યાં છે. આ બંધ થકી સર્જાયેલા વિશાળ કૃત્રિમ જળાશય અને તેની આસપાસના વિસ્તાર પર સરકારની નજર બગડી છે. અહીં પ્રવાસીઓને આકર્ષીને નાણાં રળવા માટે સરકારની દાઢ દળકી છે. આવી કોઈ કાર્યવાહી કરતાં અગાઉ પ્રવાસન વિભાગ દ્વારા જરૂરી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (એન.ઓ.સી./ ના વાંધા પ્રમાણપત્ર) જરૂરી છે, જે ઓડિશા સરકારના જળ સંસાધન વિભાગે ‘સ્થળવિશેષ પ્રવાસન’ના વિકાસ માટે આપવા માંડ્યા છે. આ આયોજનમાં લેસર સંગીતનો કાર્યક્રમ, દિવસ દરમિયાન જળપ્રવાસ (ક્રુઝ)ની સુવિધાઓ માટેનું મથક, હોટેલ/તરતી હોટેલ, બંધનું સંગ્રહાલય, પ્રવાસીઓનું આગમન સ્થાન સહિત અન્ય અનેક સુવિધાઓનો સમાવેશ થાય છે.
સ્વાભાવિકપણે જ આવા પ્રકલ્પો થકી બંધ અને તેના જળાશયના પર્યાવરણ પર પડનારી વિપરીત અસરો વિશે ચર્ચા જાગી છે. આ જળાશય એશિયાનું સૌથી વિશાળ કૃત્રિમ જળાશય છે. તેની સાથે અતિ સમૃદ્ધ જળસૃષ્ટિ તેમજ વન્યજીવ સૃષ્ટિ સંકળાયેલી છે. તદુપરાંત યાયાવર પક્ષીઓ માટેનું આ મહત્ત્વનું સ્થાન છે.
સમ્બલપુર અને ઝારસુગુડા જિલ્લામાં આ બંધ ફરતે આવેલાં આવાં નવ સ્થળ પૈકી આઠ માટે ‘એન.ઓ.સી.’ આપી દેવામાં આવ્યાં છે, જેમાં વિવિધ પ્રકારની જોગવાઈઓ સામેલ છે. જળ સંસાધન વિભાગનાં અન્ડર સેક્રેટરી સસ્મિતા મિશ્રા દ્વારા આ પ્રમાણપત્રો પ્રવાસન વિભાગના સેક્રેટરી બલવંત સિંઘને મોકલવામાં આવ્યાં છે. અશોક નિવાસ હીલ ફ્રન્ટ નામના સ્થળ નંબર એક માટે પ્રમાણપત્ર નકારવામાં આવ્યું છે. કારણ કે બંધનો જમણો ભાગ ચાંદલી ડુંગરી હીલ પર નિર્મિત છે. અને ત્યાં કશું પણ બાંધકામ કરવામાં આવે તો બંધની સલામતિ માટે જોખમી સાબિત થઈ શકે એમ છે. પત્રમાં આમ જણાવાયું છે.
પ્રમાણપત્ર આપતી વખતે જાતભાતની શરતો મૂકવામાં આવી છે, જે હીરાકુડ જળાશય ફરતે આવેલી પર્યાવરણપ્રણાલિ કેટલી નાજુક છે એ દર્શાવે છે. પત્રમાં એમ પણ દર્શાવવામાં આવ્યું છે કે બંધ/જળાશય ફરતે પ્રવાસન વિકાસ કરતાં રાષ્ટ્રીય બંધ સુરક્ષા પ્રાધિકરણ દ્વારા નિર્ધારીત માર્ગદર્શિકાઓને ચુસ્તપણે અનુસરવાની રહેશે. ટૂંકમાં જોઈએ તો, પ્રમાણપત્ર ભલે અપાયું, પણ પ્રવાસન ગતિવિધિઓ સાથે સંકળાયેલાં જોખમો વિશે બન્ને વિભાગને પૂરેપૂરી જાણકારી છે.
સિદ્ધાર્થ શંકર મિશ્રા નામના વકીલે જણાવ્યું છે કે આ બંધ અસલમાં સિંચાઈ, પૂર નિયંત્રણ તેમજ લાખો લોકોના અસ્તિત્ત્વ માટે બાંધવામાં આવ્યો હતો, પણ હવે સરકાર તેને ધનિકો માટેનું વૈભવી રમતનું મેદાન બનાવવા માગે છે. કોર્પોરેટ લાલસા સામે આ રીતસરની શરણાગતિ છે. પર્યાવરણનું વધુ એક વાર નિકંદન કાઢવાનો આ દસ્તાવેજ તૈયાર થાય એ પહેલાં સરકારને એ માટે ઉત્તરદાયી ઠેરવવી જોઈએ.
ખેડૂત અગ્રણી સરોજ મોહન્તીએ કહ્યું છે કે આ મુદ્દાઓને જાહેરમાં લાવવા જોઈએ અને વિકાસપ્રવૃત્તિઓ થાય એ પહેલાં તેના સહભાગીઓ સાથે સાથે ચર્ચા યોજાવી જોઈએ.
પર્યાવરણ પર પડનારી વિવિધ સંભવિત અસરોનો અભ્યાસ, તેનો અહેવાલ અને એ બાબતે લેવાનારાં પગલાંની કવાયત કાનૂની અનિવાર્યતા છે, એટલે કરવામાં અવશ્ય આવે છે, પણ તેનાથી ખાસ કશો ફરક પડતો નથી. પર્યાવરણ માટે આજે ખતરો સાબિત થનારા તમામ પ્રકલ્પો આ ચકાસણીમાંથી પસાર થયેલા હોય છે, પણ જે વિપરીત અસરો થવાની છે એ રોકી શકાતી નથી, કેમ કે, આ બધી કવાયત કેવળ કરવા ખાતર કરવામાં આવે છે. એ કેવળ એક કાનૂની ઔપચારિકતા છે, તેની બીજી કોઈ ગંભીરતા નથી.
પ્રવાસન હવે શીશીમાંથી નીકળેલો એક એવો દૈત્ય બની ચૂક્યું છે કે તેને પાછો શીશીમાં પૂરવો શક્ય નથી. અહીં વાત આડેધડ અને અવિચારી પ્રવાસન વિકાસની છે. આ સમસ્યા કેવળ ભારત પૂરતી મર્યાદિત નથી, પણ વિશ્વભરમાં વ્યાપેલી છે. સરકારને અઢળક આવક અને કોર્પોરેટ સાથેની દોસ્તી સિવાય બીજી કશી પરવા હોતી નથી. પર્યાવરણના ભોગે પ્રવાસનનાં માઠાં અને ઘાતક પરિણામો હવે તો વારંવાર જોવા મળી રહ્યાં છે. પણ એનાથી ચેતવાને બદલે રોજેરોજ નવા નવા પ્રકલ્પો જાહેર કરાય છે. સરકારને કોઈ પૂછનાર નથી, અને કોઈ પૂછે તો તેને ચૂપ કરાવવાના તમામ હથકંડા અજમાવવામાં આવે છે. વાર્યા ન વળે એ હાર્યા વળે એમ કહેવાય છે, પણ આ બાબતે નથી વાર્યા વળતા કે નથી હાર્યા વળતા. આગળ ને આગળ ધપ્યા કરે છે- વિનાશ તરફ!
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૪ – ૧૨– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
વામા-વિશ્વ : ગૌહરજાન
અનુરાધા દેરાસરી
ગૌહરજાન ભારતની ગ્રામોફોન કંપનીની પ્રથમ રેકોર્ડીંગ સ્ટાર હતી. તેણે દસ ભાષાઓમાં લગભગ ૬૦૦ ગીતો ગાયાં છે.

આજના ટેકનોલોજીના યુગમાં, સંગીતની દુનિયામાં, અદ્યતન રેકોર્ડીંગ પદ્ધતિઓ આવી ગઈ છે. ત્યારે થોડા ભૂતકાળના પાનાઓ ફેરવી પાછળ જઈએ અને વિશ્વની ભૂતકાળમાં જાણીતી કંપની ‘ગ્રામોફોન’ જેણે રેકોર્ડીંગની શરૂઆત કરેલી, એ ભારતની પ્રથમ ‘ગ્રામોફોન ક્વીન’ અથવા ‘ગ્રામોફોન ગર્લ’ તરીકે જાણીતી થયેલી ‘ગૌહરજાન’ વિષે ફોકસ કરીએ.
‘ગ્રામોફોન’ કંપની બ્રિટીશરોએ શરૂ રેલી. જેઓએ ગીતોના રેકોર્ડીંગની શરૂઆત પ્રથમવાર કરી. ‘ગૌહરજાન’ ભારતની પ્રથમ ગાયિકા હતી, જેણે ભારતમાં પ્રથમ ગીત ગ્રામોફોન કંપની માટે રેકોર્ડ કર્યું.
વાત છે લગભગ આજથી સદી પહેલાની. એ સમયે સ્ત્રીઓ જાહેરમાં ખાસ ગાતી નહિ. જે સ્ત્રીઓ ગાતી તે કોઠાની ગાયિકા કહેવાતી. ગૌહરજાનની શરૂઆત એ રીતે થઈ પરંતુ ગ્રામોફોન સીંગર બન્યા પછી તેને આ લોગોમાંથી મુક્તિ મળી.
ગૌહરજાનનો જન્મ, આઝમગઢમાં એક યહૂદી ક્રિશ્ચયન દંપતિને ત્યાં થયો હતો. તેનું શરૂઆતનું નામ એનજલીના હતું.પરંતુ એનજલીની થોડી સમજણ થતા, તેની માતા વિક્ટોરીયાએ છૂટાછાડે લીધા અને ખુરશીદ નામના મુસલીમ યુવકને ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લગ્ન કર્યા. આ ઘટના પછી વિક્ટોરીયા ‘મલીકાજાન’ બની અને એન્જલીનાનું નામ, ‘ગૌહરજાન’ રાખવામાં આવ્યું.
‘મલ્લીકાજાન’ ખાસ કરીને જુદા જુદા ઘરાનાઓ એટલે ક્લાસીકલ સંગીતમાં અને કથ્થક નૃત્યમાં નિપૂણ હતી. નાની ગૌહરજાન માને સંગીત અને નૃત્યની તાલીમ લેતા જોતી. ગૌહરજાન અત્યંત દેખાવડી હતી. પાણીદાર આંખો, ગોરોવાન અને તેની નજાકત કોઈ પણ પુરુષને આકર્ષી શકે તેમ હતી, આને કારણે ગૌહરજાન નાનપણમાં, શારીરિક શોષણનો ભોગ બની.
આ પ્રકારની મહિલાઓ અને યુવતીઓ માટે શિક્ષણનો તો પ્રશ્ન જ ના આવે, આથી નાની ગૌહર એ સંગીત અને નૃત્યની તાલીમ લેવા માંડી અને જોતજોતામાં ગૌહર અતિ નિપૂણ કથકની ડાન્સર બની ગઈ. નૃત્યકલા ઉપરાંત, તેની પાસે ગોલ્ડન વોઈસ હતો. આથી નાની ગૌહર માતા સાથે ગીત અને નૃત્યની પ્રસ્તુતિ કરતી.
૧૪ વર્ષની ઉંમરે ગૌહરે પ્રથમવાર દરભંગા રાજ્યના રાજાને ત્યાં પ્રથમવાર એકલા ક્લાસીકલ (શાસ્ત્રીય સંગીત) ના ગીત સાથે કથ્થક નૃત્યની પ્રસ્તુતિ કરી અને ગૌહરની પ્રતિષ્ઠા પર ચાર ચાંદ લાગી ગયા. આ ઉપલબ્ધિને કારણે ગૌહરજાનને દરભંગાના રાજ્યદરબારમાં સંગીતકાર તરીકેની પદવી મળી.
બસ શરૂ થઈ ગૌહરની સંગીતયાત્રા. જુદા જુદા રાજ્યોમાં ગૌહર શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિ માટે જતી. તેની પ્રતિષ્ઠા આખા ભારતમાં ફેલાઈ.

જાહેરમાં કથ્થક નૃત્ય કરનાર તે પ્રથમ યુવતી બની આથી તેને ‘ડાન્સર ગર્લ’નું બિરૂદ પણ મળ્યું. (એ સમયમાં સ્ત્રીઓ જાહેરમાં નૃત્ય કરતી ન હતી.) આ પછી ગૌહરજાનની માંગ વધી ગઈ. તેનો સુરીલો અવાજ, સાથે ભારતીય શાસ્ત્રીય સંગીતનું જ્ઞાાન અને કથ્થક નૃત્યના સમન્વયને કારણે તેની માંગ લગભગ દરેક રાજ્યોના દરબારોમાં થવા લાગી. એ સમયમાં ગૌહરની ફી ૧૦૦૦ રૂા. હતી, (જેની કિંમત આજના સમયમાં અનેક ઘણી ગણી શકાય.)
આમ ગૌહરજાનની સંગીત, નૃત્ય યાત્રા ચાલતી હતી તે સમયે ભારતમાં ‘ગ્રામોફોન’ કંપની આવી. ગ્રામોફોન કંપની રેકોર્ડ્સ બહાર પાડતી હતી, એ સમયની રેકોર્ડીંગ ટેકનોલોજી હતી. ગ્રામોફોન કંપનીએ ગૌહરજાનના ગોલ્ડન વોઈસના વખાણ સાંભળ્યા અને ગૌહરજાનને રેકોર્ડીંગ માટે કરારબદ્ધ કરી.
ગૌહરજાન શાસ્ત્રીય સંગીતની ખાં હતી. શાસ્ત્રીય સંગીતમાં ઠુમરી, દાદરા, કજરી, તરાના જેવા વિવિધ ખ્યાલો અને રાગોની પ્રસ્તુતિમાં નિષ્ણાત હતી. આથી આ વિષય પર તેનાં ગીતો રેકોર્ડીંગ કરવાનું નક્કી થયું.
ગૌહરજાનનું પ્રથમ ગીત ૩ મિનિટ માટે, ૭૮ રેમ્પ પર રેકોર્ડ થયું અને પ્રથમ રેકોર્ડ બહાર પડી. એ સમયના રેકોર્ડીંગ એન્જીનીયર જણાવે છે કે, એક પણ ભૂલ વગર, જરાય અટક્યા વગર ગૌહરજાને ૩ મિનિટમાં પહેલી જ વારમાં, રેકોર્ડીંગ પતાવ્યું.
ભારતમાં આ પ્રથમવાર રેકોર્ડ આવી તે ઇતિહાસ બની ગયો અને ગૌહરજાન પ્રથમ ભારતીય ગાયિકા બની, જેનું ગીત રેકોર્ડ થયું અને રેકોર્ડ બહાર પડી. ગૌહરજાન આ એક ગીત માટે એ સમયમાં રૂા. ૩૦૦૦ હજાર લેતી હતી.
ગૌહરજાને ૧૯૦૩ થી ૧૯૨૦ સુધીમાં લગભગ દસ ભાષાઓમાં ૬૦૦ ગીતો ગાયા. ગૌહર જાનના આ બહાર પડેલા ગીતોનો ફાયદો એ થયો કે રેકોર્ડને લીધે ભારતીય શાસ્ત્રીય સંગીત આમ જનતા સુધી પહોંચ્યું. રાજાના દરબારો સુધી સિમિત ભારતીય શાસ્ત્રીય સંગીત લોકભોગ્ય બન્યું.
ગૌહરજાનનું ભારતીય સંગીતની દુનિયામાં આ મોટામાં મોટું પ્રદાન.
ગૌહરજાન એ સમયની ધનવાન સ્ત્રીઓમાંની એક ગણાતી, સાથે ફેશન આઈકોન પણ ગણાતી. આથી કહેવાય છે કે દર વખતે જ્યારે રેકોર્ડીંગમાં આવતી ત્યારે દર વખતે જુદા ફેશનેબલ વસ્ત્રો અને મોંઘી જ્વેલરી પહેરીને આવતી. એનાં વસ્ત્રો અને જ્વેલરીનું ક્યારે પણ પુનરાવર્તન (રીપીટેશન) થતું નહિ. તે એટલી બધી ફેશનેબલ હતી કે, એક ડ્રેસ ને જ્વેલરી એક જ વાર પહેરતી.
ગૌહરજાનની સ્ટુડિયોમાં જવાની સ્ટાઈલ પણ આગવી હતી. તેણે સાત ઘોડા વાળી બગી રાખી હતી, તે બગીમાં તે રેકોર્ડીંગમાં જતી, ત્યારે કોઈ રાણી હોય તેવો આભાસ થતો. આ જોઈને એક અંગ્રેજ અફસરે હેટ ઉતારીને માન આપ્યું હતું પરંતુ પાછળથી વાસ્તવિકતા ખબર પડતાં એ અંગ્રેજ અફસરે ૧૦૦૦ રૂા. દંડ કર્યો, તો ગૌહરે વટથી તે દંડ ભરી દીધો, પણ બગીમાં મુસાફરી કરવાનું ના છોડયું.
ગૌરહજાનનો મિજાજ પણ તેટલો જ તેજ હતો. એમ કહેવાય છે કે, ‘ગ્રામોફોન ક્વીન’ ગૌરહજાનની રેકોર્ડોને બેગમ અખ્તરથી લતામંગેશ્કર સુધી સાંભળીને શાસ્ત્રીય સંગીત માટે ફોલો કરી છે. આજે પણ શાસ્ત્રીય સંગીતમાં ખ્યાલો માટે ગૌહરજાનનું નામ લેવાય છે.
આમ ગૌહરજાન એ ભારતીય રેકોર્ડીંગ સ્ટાર ગણાઈ અને ‘ગ્રામોફોન ક્વીન’ નામથી ભારતના સંગીતના ઇતિહાસમાં અમર થઈ ગઈ.
-
સ્મૃતિસંપદા – સ્મરણગંગા : બાબુ સુથારઃ એક કાચબાની કથા [૨]
ગતાંકમાં શ્રી બાબુ સુથારે તેમની બાલ્યવયની સફર અને તેમની જીવન કથાનાં શીર્ષકનાં જોડાણની પૂર્વકથા જણાવી.હવે આગળ…..
એ ગાડાંના ધંધામાં બાપાને ખૂબ આર્થિક નુકસાન થયેલું. એ નુકસાન ભરપાઈ કરવા એમણે ખેતરમાં કૂવો ખોદવા લોન લીધેલી. એ કૂવામાં પથરા વધારે ને પાણી ઓછું આવ્યું. પથરા તોડવા બાપાએ ઘણી વાર એક સાથે વીસ વીસ સુરંગો મૂકવી પડતી. એને કારણે દેવું થઈ ગયેલું. એક દેવામાંથી બહાર આવવા બીજો ધંધો કરે ને એ ધંધો દેવું વધારે. આખરે અમારે એક ખેતર ગિરો મૂકવું પડેલું. જો કે, તો ય કૂવામાં પૂરતું પાણી ન હતું આવ્યું. આખરે બાપાએ બીજું ખેતર પર ગિરો મૂકેલું. એ દરમિયાન હું એસ.એસ.સી.માં પ્રથમ વર્ગમાં પાસ થયો. એથી મારું કુટુંબ ખૂબ દુ:ખી થઈ ગયેલું. કેમ કે એમની પાસે મને કોલેજમાં મોકલવાના પૈસા ન હતા. આખરે બાપા નજીકમાં આવેલા મુવાલ નામના એક ગામના એક કણબી પાસેથી ત્રણસો રૂપિયા લઈ આવેલા. એ ત્રણસો મારા હાથમાં મૂકતાં એમણે મને કહેલું કે આ પૈસા લઈને આણંદ જા. ત્યાં પ્રાથમિક શાળાના શિક્ષકની કોલેજ છે. એક વરસની. તું એક વરસમાં માસ્તર થઈ જઈશ.
હું એ પૈસા લઈને આણંદ જવાને બદલે મોડાસા ગયો. ત્યાં મેં આર્ટસમાં પ્રવેશ લીધો. એકાદ અઠવાડિયું આર્ટ્સ કર્યું હશે ત્યાં જ કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું, “કોમર્સ કર. નોકરી જલ્દી મળશે.” હું કોમર્સમાં ગયો. ત્યારે હું હોસ્ટેલમાં રહેતો હતો. નાનકડી રૂમમાં અમે ત્રણ જણ હતા. હું ઘેરથી દશીવાળો સ્ટવ લઈ ગયેલો. હું એના પર ખીચડી બનાવતો ને દહી સાથે ખાતો. પાછળથી મેં હોસ્ટેલમાં ખાવાનું શરૂ કરેલું. હું ઘેર જતો ત્યારે બા મને દૂધથી બાંધેલા લોટના મરચામીઠાવાળા રોટલા આપતાં. હું એ રોટલા પર દસ દિવસ કાઢી નાખતો. એટલા દિવસનો મને કટ મળતો. એથી મારું ફૂડ બીલ ત્યાર પંચાસીને બદલે પાંસઠ રૂપિયા આવતું. બા દર મહિને સો રૂપિયા ક્યાંકથી લઈ આવતાં ને એમાંથી ઘર ચલાવવા વીસ રૂપિયા પોતે રાખી લેતાં અને બાકીના પંચાશી મને આપતાં. એમાંથી પાંસઠ હું ફૂડબીલના આપતો. એક તબક્કે શાહુકારોએ બાને/બાપાને પૈસા ધીરવાનું બંધ કર્યું. એમણે મને પાછો ઘેર બોલાવી લીધો. અને હું એક સેમેસ્ટરમાં જ કોલેજ પડતી મૂકીને ઘેર આવ્યો. બાપાએ કહ્યું: મારી સાથે આવ ને સુથારી કામ શીખી લે. મારી પાસે પણ એ સિવાય બીજા કોઈ વિકલ્પો ન હતા.
મોડાસા એ રીતે મારું ‘ઘર’ બન્યું. પણ માંડ ચાર-પાંચ મહિના માટે જ. ત્યારે મારી પાસે પેન્ટ ન હતું. હું પટાવાળો લેંઘો પહેરીને કોલેજ જતો. જૂતાં પણ ન હતાં. હું ઉઘાડે પગે કોલેજ જતો. એકાદવાદ બાએ સ્થાનિક બજારમાંથી ચંપલ લઈ આપેલાં. ચામડાનાં. બાએ ચારપાંચ દિવસ સુધી એ ચંપલ દિવેલમાં બોળી રાખેલાં. તો પણ એ સુંવાળાં થયાં ન હતાં. હું પહેરતો તો એનાથી મારા પગ છોલાઈ જતા.
ઘેર પાછા આવ્યા પછી મેં ભણવાની ઇચ્છા છોડી દીધી હતી. જો કે, ત્યારે જો એસએસસીમાં સારા ટકા આવ્યા હોય તો તમને સરકારમાં ક્યાંક કારકુનની નોકરી મળી જતી. પણ, મારી ઉમર ઓછી પડતી હતી. એથી જાહેરાતો આવતી તો પણ હું ક્યાંય અરજી કરી શકતો ન હતો.
એ દરમિયાન મારાં ફોઈનો છોકરો શંકરભાઈ અમારા ઘેર આવ્યા. એ ગોધરામાં ટેલિફોન ઓપરેટર હતા. એમને ત્યાં દીકરી આવેલી. એમણે મને કહ્યું કે તું ગોધરા ચાલ. મારી દીકરીને રાખવામાં મદદ કરજે અને સમય મળે ત્યારે કોલેજ જજે. મેં એમની ઓફર સ્વીકારી લીધી. અને હું એમની સાથે ગોધરા ગયો. વતન ટ્રોય બન્યું.
શંકરભાઈ અને એમનાં પત્ની મહાલક્ષ્મીભાભીએ મને સારી રીતે રાખતાં હતાં. એમનું ઘર પણ ભાડાનું હતું. આગળ બેઠક રૂમ. વચ્ચે સુવાનો રૂમ અને છેલ્લે રસોડું. હું અને એમની દીકરી આગળની રૂમમાં સૂતાં. મેં ત્યારે ગોધરાની કોમર્સ કોલેજમાં પ્રવેશ મેળવેલો. હું રહેતો હતો ત્યાંથી કોલેજ દૂર હતી. જો કે, શંકરભાઈએ મને એક સાયકલ લઈ આપી હતી. હું સાયકલ પર કોલેજ જતો. પણ જેવા ક્લાસ પૂરા થાય કે તરત જ પાછો ઘેર આવી જતો.
આખરે ત્યાં મેં મારું એક સેમેસ્ટર પૂરું કર્યું. હું પ્રિ-કોમર્સમાં થર્ડ ક્લાસમાં પાસ થયો. એ દરમિયાન ટેલિફોન ઓપરેટરની એક જાહેરાત આવી. મેં એના જવાબમાં અરજી કરી. મારે એસ.એસ.સી.માં ૬૨.૩% ટકા હતા. એ વરસે એ લોકોએ ૬૨% વાળા ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં બોલાવેલા. હું લેખિત તથા મૌખિક ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો. અને થોડાક વખતમાં જ એમણે મને અમદાવાદ બોલાવ્યો. ટેલિફોન ઓપરેટરની તાલિમ માટે.
ત્યાં, મેં આગળ નોંધ્યું છે એમ, હું નવરંગપુરામાં આવેલી વિશ્વકર્મા હોસ્ટેલમાં રહેતો હતો. ત્યાંથી અસારવામાં આવેલી મેન્ટલ હોસ્પિટલ પાસેના એક સંકુલમાં મારી તાલિમ ચાલતી હતી. હું મોટે ભાગે ચાલીને જતો ને ચાલીને આવતો. ત્યારે ત્યાં જવાના સીધા રસ્તા ન હતા. નવરંગપુરાથી મારી તાલિમનું કેન્દ્ર આશરે છ કે સાત માઈલ દૂર હશે. ત્યારે મને સો કે એકસો દસ રૂપિયાનું સ્ટાઈફંડ મળતું. એમાંથી મને એએમટીસ બસની ટિકિટ પરવડે એમ ન હતી. જો કે, અમદાવાદમાં હું ત્રણ જ મહિના રહેલો. ત્યાર પછી મારું પોસ્ટિંગ ગોધરા થયેલું અને પાછો હું ગોધરા આવેલો.
ગોધરામાં આરંભમાં હું શંકરભાઈના ત્યાં રોકાયેલો. પછી મેં એક નાનકડી ઓરડી ભાડે રાખેલી. હશે આશરે દસ બાય દસની. એમાં પણ મેં એક દશીવાળો સ્ટવ રાખેલો. હું રોજ ખીચડી બનાવતો ને દહીં સાથે ખાતો. બન્ને વાર. અને પૈસા બચાવતો. ત્યારે મારો ૭૮૧ રૂપિયા પગાર હતો. એમાંથી હું દર મહિને માબાપને ૫૦૦ રૂપિયા મોકલતો. કેમકે એમને ઘણું દેવું થઈ ગયેલું હતું. બાકીના ૨૭૧માંથી સો રૂપિયા ભાડાના જતા. બાકીના ખાવાપીવાના.
મેં ગોધરામાં ઘણા મિત્રો બનાવેલા. સૌ પહેલો મિત્ર કવિ/લેખક વિનોદ ગાંધી. પછી કવિ સુભાષ દેસાઈ અને દિનેશ ભટ્ટ. અમે અઠવાડિયામાં એકાદવાર ક્યાંક મળતા અને અમારી ઓછી અને બીજાની સાહિત્યિક કૃતિઓ વધારે વાંચતા. ત્યારે અમે હિન્દી કવિતાઓ પણ ખૂબ વાંચતા. એમાં ધૂમિલની અને દુષ્યન્તકુમારની કવિતાઓનો પણ સમાવેશ થતો. ત્યાં ગોધરામાં રહીને જ મેં અને વિનોદ ગાંધીએ ‘ઢંઢેરો’નામનું એક પતાકડું શરૂ કરેલું. પાછળથી મેં એકલા હાથે ‘Tension’ નામનું સામયિક કાઢેલું. એના ચારેક અંક કાઢ્યા હશે. ગોધરામાં એક પુસ્તકાલય- સ્ટુઅર્ટ પુસ્તકાલય- સારું હતું. એનો લાયબ્રેરીયન, મને હજી એમનો ચહેરો યાદ આવે છે, ઘણી વાર નિયમની ઉપરવટ જઈને મને એક સાથે છથી સાત પુસ્તકો વાંચવા આપતા. એ પહેલાં મેં કદી પણ સાહિત્યમાં કે ગુજરાતી ભાષામાં રસ લીધો ન હતો. નાનપણમાં તો કદી નહીં.
એ સમયગાળામાં જ મેં અંગ્રેજી સાહિત્ય પણ વાંચવાનું શરૂ કરેલું. હું ત્યારે સુરેશ જોષીને વાંચતો અને એમાં જે વિદેશી સાહિત્યકારોનાં નામો આવતાં એ સાહિત્યકારોનાં પુસ્તકો પુસ્તકાલયમાં હોય તો ઘેર લઈ આવતો અને વાંચતો. સુભાષ દેસાઈ ત્યારે પુસ્તકો ખરીદતા. એમને જોઈને હું પણ પુસ્તકો ખરીદવાના રવાડે ચડેલો.
મને બરાબર યાદ નથી પણ એ સમયગાળામાં જ અમેરિકન ચિન્તક ઇવાન ઇલિચ ગુજરાત આવેલા. એ પણ ગાંધીબાપુના આશ્રમની મુલાકાતે. મેં એમનું Deschooling Society નામનું પુસ્તક વાંચેલું. એનો મારા પર ખૂબ પ્રભાવ પડેલો. એટલો બધો કે એ પુસ્તક વાંચ્યા પછી મેં ન ભણવાનું નક્કી કરેલું. પણ, અમારી ઓફિસમાં એક વ્યાસબહેન હતાં. એમનું નામ હું ભૂલી ગયો છું. એમણે મારા માટે કાંઈક બીજું જ નક્કી કરેલું. એ મને ભણાવવા માગતાં હતાં. એક દિવસે એમણે મને કોલેજના ફીના પૈસા હાથમાં આપી કહ્યું, “તારે ભણવાનું છે. લે આ ફી.” હું એમને ના ન પાડી શક્યો. અને મેં ગોધરાની શેઠ પી. ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રવેશ લીધો. એ પણ ગુજરાતી મુખ્ય વિષય સાથે ને હિન્દી ગૌણ વિષય સાથે.
પહેલા વરસે મેં એક પણ પાઠ્યપુસ્તક વાંચ્યું ન હતું. એને બદલે મેં પરીખ-ઝાલાની ગાઈડો વાંચેલી. હું ક્લાસમાં પણ ખાસ જતો ન હતો. મને અધ્યાપકો ખૂબ કંટાળાજનક લાગતા. પણ જ્યારે મેં વાર્ષિક પરીક્ષા આપી ત્યારે મારે ૫૬ ટકા આવેલા. હું ખુશ થઈ ગયેલો. પાઠ્યપુસ્તકો વાંચ્યા વગર માર્કસ આવે એ કોને ન ગમે. એમ કરતાં મેં ગુજરાતી મુખ્ય વિષય સાથે ત્યાંથી બી.એ. કર્યું. ત્યારે મારો નાનો ભાઈ, ભીખો, પણ મારી સાથે રહેતો. ઘણી વાર એ પણ મારા માટે ખાવાનું બનાવતો.
મારી ભણવાની ધખશ જોઈને મારી સાથે નોકરી કરતા કેટલાક ટેલિફોન ઓપરેટરોએ મને એમ.એસ. યુનિ.માં સુરેશ જોષીના હાથ નીચે ભણવા જવા દબાણ કર્યું અને મેં એમ કર્યું. હું રાતે બારથી સવારના સાત નોકરી કરતો અને પછી સવારે નવ વાગ્યાની ટ્રેઈન લઈને વડોદરા જતો. ક્લાસમાં બેસતો અને સાંજે છ વાગે પાછો આવતો. એ દરમિયાન ટ્રેઈનમાં ઊંઘી લેતો. હોમવર્ક હું નોકરી પર હોઉં ત્યારે કરતો.
ત્યાં જ એક દિવસે મારા મકાનમાલિકે મને કહ્યું કે તમે મારું ઘર ખાલી કરશો કે નહીં કરો? ને મને ખૂબ લાગી આવ્યું. હું બીજા જ દિવસે એમનું ઘર ખાલી કરીને મારા એક મિત્ર, જયન્તિ પટેલના ત્યાં, રહેવા ગયો. એ પણ બીજા એક મિત્ર સાથે રહેતો હતો. ભાડાની રૂમમાં. જયન્તિ ત્યારે મારી સાથે ટલિફોન ઓપરેટર હતો. એ પણ સાહિત્યનો જીવ હતો. ત્યારે હું, વિનોદ ગાંધી અને જયન્તિ પટેલ રોજે રોજ ક્યાંકને ક્યાંક બેસતા અને સાહિત્યની વાતો કરતા.
એકાદ વરસ જયન્તિ સાથે રહ્યા પછી મેં વડોદરા બદલી કરાવી. ત્યારે હું એમ.એ.ના બીજા વરસમાં હતો. વડોદરામાં, મેં અગાઉ નોંધ્યું છે એમ, મારે કોઈ સ્થાયી કહી શકાય એવું ઘર ન હતું. મને વડોદરાનાં મકાનનાં ભાડાં પરવડે એવાં ન હતાં. મારે માબાપને પણ પૈસા મોકલવાના હતા.
વડોદરામાં હું, મેં આ લેખના આરંભમાં નોંધ્યું છે એમ, હોસ્ટેલોમાં અને મિત્રોના ત્યાં રહેતો. હું મોટે ભાગે રાતની નોકરી કરતો. ક્યારેક ટેલિફોન ઓફિસમાં જ પ્રાત:ક્રિયાઓ પરવારીને સવારે સાડા આઠે હંસા મહેતા પુસ્તકાલયમાં પહોંચી જતો. ત્યાં બેસીને વાંચતો. ક્યારેક સહેજ ઊંઘી પણ લેતો. ક્લાસ શરૂ થાય ત્યારે હું ક્લાસમાં જતો. ક્લાસ પૂરા થાય પછી પાછો હું પુસ્તકાલયમાં પહોંચી જતો. પછી રાતે બાર વાગે પાછો નોકરી પર જતો. ઘણી વાર હોસ્ટેલોના બાથરૂમમાં નાહી લેતો તો કોઈ પૂછતું નહીં. બેત્રણ મહિના હું આ રીતે ઘર વગર જ રહ્યો હોઈશ. ત્યાં જ એક મિત્રએ મને એની સાથે રહેવાની સગવડ આપી. એ પણ મારી જેમ જ ભણતો હતો. અર્જુનસિંહ એનું નામ. પછી અમે બન્ને બેએક વરસ સાથે રહ્યા. વચ્ચે વચ્ચે અમે ઘર બદલતા રહેલા. નહીં નહીં તો અમે ત્રણેક વાર ઘર બદલ્યું હશે. છેલ્લે, અમે એક દસ બાય દસની ઓરડીમાં સાથે રહેલા. એ ઓરડીના માલિકે અમને એક વાર કહેલું કે હું મહિનામાં એક જ વાર પેન વાપરું છું. પગાર લેતી વખતે.
વડોદરામાં રહીને મેં ગુજરાતી વિષય સાથે એમ.એ. કર્યું. એમાં મારો પહેલો નંબર આવેલો. મને ગોલ્ડ મેડલ પણ મળેલો પણ મેં ન હતો લીધો. એ દરમિયાન, રાજ્ય સરકારે એની શિક્ષણ નીતિ બદલેલી. એને કારણે પ્રિ. આર્ટ્સ, પ્રિ. કોમર્સ અને પ્રિ. સાયન્સ હાઈસ્કુલમાં ચાલ્યાં ગયેલાં. એથી ગુજરાતી વિષયના અધ્યાપકો ફાઝલ પડેલા. સરકાર જ્યાં સુધી એ ફાઝલ અધ્યાપકોને થાળે ન પડે ત્યાં સુધી કોઈ નવા અધ્યાપકોની નિમણૂંક કરવા માગતી ન હતી. એને કારણે મને કોઈ કોલેજમાં અધ્યાપકની નોકરી મળતી ન હતી. એથી મેં એ વખતે મેં, એમ કહોને કે ‘પાપી પેટ કે ખાતીર’ વધુ એક પ્રમાણપત્ર લેવાનું નક્કી કર્યું. એના એક ભાગ રૂપે મેં ભાષાશાસ્ત્રમાં ડિપ્લોમા કર્યો. એને કારણે મારી લાયકાતમાં એક ફૂમતું ઉમેરાયું. મને એમ હતું કે મને આ ફૂમતાને કારણે કદાચ ક્યાંક નોકરી મળી જશે.
અને મને સંતરામપુરની આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અધ્યાપકની નોકરી મળી ગઈ. પણ, કાયમી તો નહીં. કોલેજ દર વર્ષે ગુજરાતીના ફાઝલ અધ્યાપકોને નોકરી પર આવવા આમંત્રણ આપતી અને મોટા ભાગના અધ્યાપકો ના પાડતા. પછી એમની જગ્યાએ મને રાખવામાં આવતો. પણ, હવે હું આ પ્રકારની અસ્થિરતાથી ટેવાઈ ગયો હતો.
ક્રમશઃ
-
ઘર એક સહિયારૂ
જીવનની ખાટી મીઠી
નીલમ હરીશ દોશી
નચિકેત અને નિત્યાના લગ્ન થયા ત્યારે બધા કહેતા… મેઇડ ફોર ઇચ અધર જેવી જોડી છે. અને વાત ખોટી પણ નહોતી. બંનેની નોકરી સરસ હતી. સમજણ હતી. નચિકેત પત્નીને રસોડામાં પૂરેપૂરી મદદ કરાવતો. તેથી કોઇ પ્રશ્નો આવતા નહીં. જીવન ખળખળ વહેતા ઝરણાની માફક વહી રહેતું. રવિવારે બંને કોઇ ને કોઇ કાર્યક્રમ અચૂક ગોઠવતા અને ભરપૂર આનંદ માણતા. અને સમય દોડતો રહેતો.
લગ્નના બે વરસ કયારે પૂરા થઇ ગયા એ સમજાયું નહીં.નિત્યાને હવે સ્ત્રી સહજ ઝંખના જાગી હતી..માતૃત્વની ઝંખના…પરંતુ નચિકેત એ માટે તૈયાર નહોતો. બાળક માટે થઇને નિત્યા અત્યારથી નોકરી મૂકી દે એ તેને ગમતું નહોતું. બંને એ શૂન્યથી ઘર માંડવાની શરૂઆત કરી હતી. હજુ થોડા વરસ જો નિત્યા નોકરી કરે તો ઘર જલદીથી ઉંચુ આવે. તેના સપના આભને આંબતા હતા.
નિત્યા કહેતી, નચિકેત, આ બધાનો તો કયાંય અંત જ નથી. હવે તારી સરસ નોકરી છે. ઘરમાં બધું વસાવાઇ ગયું છે. હવે આપણે એક બાળક ચોક્કસ એફોર્ડ કરી શકીએ તેમ છીએ. આમ પણ આપણે કંઇ વીસ વરસે તો લગ્ન કર્યા નથી..મને ત્રીસ થવા આવ્યા..હજુ બે પાંચ વરસ રાહ જોઇએ તો બાળકો મોટા કયારે થાય ? મને લાગે છે હવે આપણે મોડું કરવાની જરૂર નથી. આમ પણ મને કંઇ જિંદગી આખી નોકરી કરવામાં કોઇ રસ નથી. મને તો ઘર, વર અને છોકરા..બસ…એટલું જ ગમે. ’
શું નિત્યા, તું પણ સાવ અભણ જેવી વાત કરે છે ? નોકરી છોડીને ઘરેલું સ્ત્રી બનીને બેસી રહેવું છે તારે ? માત્ર હાઉસવાઇફ બનીને બેસવું છે ?
કેમ ? એમાં કંઇ ખોટું છે ? હાઉસવાઇફ નહીં…હું તો હોમમેકર બનવાની.. નિત્યાએ કહ્યું.
’એ બધું એક જ…જો ઘરમાં જ બેસી રહેવું હતું તો આટલું ભણીને આટલા બધા વરસો બગાડવાની જરૂર કયાં હતી ? આજે કોઇને નોકરી મળતી નથી…અને તું આવી સરસ મળેલી તક છોડી દેવાની વાત કરે છે ? મૂરખ જેવી વાત ન કર.
એમાં મૂરખ શેની ? કંઇ નોકરી કરવા માટે જ હું ભણી નથી. એ તો ભવિષ્યમાં કદી એવા કોઇ સંજોગો ઉભા થાય અને સાચા અર્થમાં એવી કોઇ જરૂર પડે તો કામ લાગે. કાલની કોને ખબર છે ? અને નોકરી કરું તો જ મારા શિક્ષણનો અર્થ છે એવું તું માનતો હોઇશ હું નહીં.. પૈસા પાછળ કે કેરીયર પાછળ આંધળી દોટ મૂકવામાં મને કોઇ રસ નથી.અને આપણે સારી રીતે રહી શકીએ એટલું તો તું કમાય જ છે. પછી શું ? ’
સારી રીતે કોને કહેવાય એનું ભાન છે ? જરા જઇને જો..મોટા લોકોની લાઇફ સ્ટાઇલ જો…તો સમજાશે કે સારી રીતે રહેવું એટલે શું ?’
મારે કોઇનું જોવાની જરૂર નથી. આટલું પણ ન હોય એવા પણ અનેક લોકો ખુશીથી દુનિયામાં રહે જ છે.
એમની પાસે બીજો કોઇ વિકલ્પ નથી હોતો. આપણી પાસે એ છે..
મને બીજા કોઇ વિકલ્પમાં રસ નથી.
દિવસો સુધી બંને વચ્ચે દલીલો ચાલતી રહી.
નિત્યા કહે, નોકરી કરીને કેરીયરમાં જ રસ હોત તો મેં લગ્ન જ ન કર્યા હોત. મને આખી જિંદગી દોડતા રહેવામાં રસ નથી જ.
અંતે વાત વટે ચડી ગઇ. અને મનમાં કોઇ કડવાશ જાગે એ પહેલા બંને છૂટા પડયા.
નચિકેત, મને લાગે છે..આપણે થોડો સમય અલગ રહીએ..છૂટાછેડાની કાયદેસરની કોઇ કાર્યવાહી કરવાની અત્યારે જરૂર નથી. એકાદ વરસ તું તારી રીતે રહે..હું મારી રીતે..એકાદ વરસ પછી જે યોગ્ય લાગશે તે કરીશું. આ સમય દરમ્યાન એકમેક પર કોઇ બંધન નહીં રહે. તને તારા વિચારોને અનુરૂપ બીજું કોઇ સારું પાત્ર દેખાય અને લાગણી જાગે તો મને નિખાલસતાથી કહેજે..હું સ્વીકારીશ. બંને ને પોતાની રીતે સુખી થવાનો હક્ક છે. કોને ક =ઇ રીતે સુખ મળે છે એ તેણે પોતે નક્કી કરવું રહ્યું.
અને બંને સહજતાથી છૂટા પડયા…મનમાં કોઇ કડવાસ રાખયા સિવાય બસ…અલગ થયા.. એકને બદલે બે વરસ પસાર થઇ ગયા છે. છૂટા પડયા પછી બંને કદી મળ્યા નથી..ફોનથી વાત નથી કરી..કોઇ સંપર્ક એકબીજા સાથે રાખ્યો નહોતો. બંને પોતપોતાની રીતે વ્યસ્ત હતા. એવામાં આજે સાંજે અચાનક બંને એક મોલમાં મળી ગયા.
નિત્યા…તું ? કેટલા સમય બાદ તને જોઇ ?
ઓહ..નચિકત…કેમ છો ?
ચાલે છે. તું કેમ છે ?
મારું પણ ચાલે છે..ખાસ કોઇ મોટા પ્રશ્નો નથી. નિત્યા..એક ને બદલે બે વરસ થઇ ગયા…
નિત્યા મૌન રહીને નચિકેત સામે જોઇ રહી.
નિત્યા, તારા વિના ઘર આજે પણ સૂનુ છે. ઘેર આવીશ તું ? કહેતા નચિકેતે પોતાનો હાથ આગળ કર્યો.
નિત્યાએ નચિકેતની આંખોમાં જોયું…એકાદ મિનિટ પછી તેણે ચૂપચાપ નચિકેતનો લંબાયેલ હાથ પકડયો.અને બંને ઘર તરફ ચાલવા લાગ્યા..
પોતાના સહિયારા ઘર તરફ….કદાચ કદી છૂટા ન પડવા માટે..
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
-
સમસ્યા: અંતર્ગોળ અને બહિર્ગોળ પેટની
નિસબત
ચંદુ મહેરિયા
અખબારી ભાષામાં કદાચ એમ કહેવાય કે ૨૦૨૫ના અંત સુધીમાં ગુજરાતીઓની એક કરોડ કિલો ચરબી ઉતરી જશે ! અહીં ચરબી ઉતારવાનો અર્થ મિથ્યા અભિમાન કે ખોટી દાદાગીરીનો નથી. લિટરલી ગુજરાતીઓની ચરબી કહેતાં શરીરનો મેદ ઘટાડવાની આ તો વાત છે. મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ યોગ, આહાર અને આયુર્વેદના નિયમનથી આ મહિનાના અંત સુધીમાં દસ લાખ મેદસ્વી લોકોના શરીર પરનું એક કરોડ કિલો વધારાનું વજન ઘટશે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી તબીબી પત્રિકા લાન્સેટના આંકડાઓ પ્રમાણે ૨૦૨૧માં દુનિયામાં ૨.૧૧ અબજ લોકો મેદસ્વી હતા. તેમાં ૧૦૦ કરોડ પુરુષો અને ૧૧૧ કરોડ સ્ત્રીઓ હતી. ચાળીસ વરસોમાં( ૧૯૮૦ થી ૨૦૨૦)માં સ્થૂળતા દર ૬.૪ ટકાથી વધીને ૧૨ ટકા જેટલો બમણો થયો છે. ભારતમાં સાડા ત્રણ દાયકામાં સ્થૂળતા પાંચ ગણી વધી છે. ભારતમાં ૨૧.૮ કરોડ પુરુષ અને ૨૩.૧ કરોડ મહિલા મેદસ્વી છે. કુલ ૨૭ લાખ ગુજરાતીઓ મેદસ્વી છે. જેમાં મહિલાઓ ૫૮ ટકા અને પુરુષો ૪૨ ટકા છે. હાલના દરે મેદસ્વિતામાં વધારો થતો રહેશે તો ૨૦૫૦ સુધીમાં સામ્યવાદી ચીનમાં પચીસ વરસથી વધુ વયના સૌથી વધુ ૬૨.૭ કરોડ, લોકતાંત્રિક ભારતમાં ૪૫ કરોડ અને મૂડીવાદી અમેરિકામાં ૨૧. ૪ કરોડ લોકો મેદસ્વી હશે. વૈશ્વિક સ્થૂળતામાં ભારતનો ક્રમ ચીન પછી બીજો છે. રાષ્ટ્રીય કક્ષાએ મેદસ્વી રાજ્યોમાં ગુજરાતનું સ્થાન ત્રીજું છે.
બોડી માસ ઈન્ડેક્ષ( બીએમઆઈ) થી શરીરમાં કેટલી ચરબી વધારે છે તે જાણી શકાય છે. તેના આધારે અલ્પ, મધ્યમ અને તીવ્ર સ્થૂળતા નક્કી થાય છે. વિશ્વના અઢાર વરસથી ઉપરના ૪૩ ટકા લોકો વધુ વજન ધરાવે છે પરંતુ તેમાંથી ૧૬ ટકા મેદસ્વી છે. દર પાંચે એક વ્યક્તિ બાહ્ય દેખાવમાં શારીરિક રીતે સ્વસ્થ લાગે છે પરંતુ અંદરથી ખોખલો હોય છે. વિશ્વના પુખ્ત વયના ૨૦ ટકા લોકોના બીએમઆઈ સામાન્ય છે પણ તેમના પેટનો ઘેરાવો વધુ હોય છે કે પેટની આસપાસ ચરબી જમા થયેલી હોય છે. વિસરલ ફેટ તરીકે ઓળખાતી પેટની ચરબી શરીરના અંદરના અંગોમાં પણ જમા થયેલી હોય છે. વ્યક્તિનું ઉપસેલું, બહિર્ગોળ કે વધુ ઘેરાવો ધરાવતું પેટ મેદસ્વિતાનું લક્ષણ છે અને તે ખતરનાક છે.
પુખ્ત વયની વ્યક્તિઓ જ નહીં બાળકો અને કિશોરોમાં પણ સ્થૂળતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. દેશનો દર દસમો કિશોર વધુ વજનનો છે. પાંચમા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં જણાવ્યા મુજબ પાંચ થી ઓગણીસ વરસના પચીસ ટકા બાળકો અને કિશોરો સ્થૂળતાનો ભોગ બનેલા છે. ગુજરાતમાં ૨.૭૩ લાખ બાળકો સામાન્ય કરતાં વધુ વજનના છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દુનિયામાં ૩૪ કરોડ બાળકો સામાન્ય કરતાં ઘણું વધારે વજન ધરાવતા હોવાનું નોંધે છે.
મેદસ્વિતા, સ્થૂળતા, ઓબેસિટી કે ચાલુ ભાષામાં કહેવાતું જાડિયાપણું ખરાબ જીવન શૈલી, મીઠા પીણાં, વધુ કેલેરીવાળા ફાસ્ટ ફૂડ, બેઠાડુ જીવન પ્રવૃતિ, અનિયમિત ઉંઘ અને આહાર, એકલતા, વધુ સ્ક્રીન ટાઈમ, આનુવંશિક પરિબળો, તણાવ જેવા કારણોથી જોવા મળે છે. શહેરોની તુલનામાં ગામડાંના લોકો સપ્રમાણ શરીર ધરાવે છે પરંતુ ગ્રામીણ વિસ્તારની ચોથા ભાગની વસ્તી પણ મેદસ્વી છે.
શરીરમાં ચરબીનું વધુ કે અતિ પ્રમાણ અનેક જોખમો નોતરે છે. ટાઈપ-૨ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હ્રદયરોગ, સાંધાનો ઘસારો, પ્રોસ્ટેટ કેન્સર, મહિલાઓમાં સ્તન અને ગર્ભાશયનું કેન્સર, નસોમાં લોહીના ગઠ્ઠા, માનસિક અસ્થિરતા, પિત્તાશયની પથરી, ચામડીના રોગો અને લીવર સીરોસીસ જેવી બીમારીઓ મેદસ્વિતાના કારણે થઈ શકે છે. સ્થૂળ વ્યક્તિઓ વધુ માંદી પડે છે અને તેમનું મરણનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ જાડા શરીરની વ્યક્તિઓને વીમો આપવા ઈન્કાર કરે છે કે વધુ પ્રિમિયમ માંગે છે. એકાદ વિમાન કંપનીએ જાડા પેસેન્જરને વધુ એક સીટ બુક કરવાનું કહ્યાનું સાંભળ્યું છે. મેદસ્વિતાની આર્થિક અસરો પણ છે. તેલની આયાત વધે છે. દેશ વરસે ૧૩૦ લાખ ટન તેલ આયાત કરે છે. મેદસ્વિતાના કારણે દેશના આર્થતંત્ર પર ૨૦૧૯માં રૂ. ૨.૪ લાખ કરોડનો આર્થિક બોજ પડ્યો હતો. જે ૨૦૩૦ સુધીમાં વધીને રૂ. ૬.૭ લાખ કરોડ અને ૨૦૬૦માં ૬૯.૬ લાખ કરોડ થઈ શકે છે.
વૈશ્વિક સમસ્યા મેદસ્વિતાથી ભારતને મુક્ત કરવા વડાપ્રધાનની હાકલ પછી વ્યક્તિ, સમાજ અને સરકાર તે દિશામાં સક્રિય થયા છે. સ્વસ્થ આહાર અને આહાર નિયંત્રણ, પૂરતી ઉંઘ, યોગ્ય જીવન શૈલી, તણાવ મુક્ત જીવન, બેઠાડુ જીવન પ્રવૃતિનો ત્યાગ, યોગ, પ્રાણાયામ, ઓછી કેલેરી, ઓછી ચરબીનો અને રેસાયુક્ત ખોરાક તથા કસરત જેવા ઉપાયોથી મેદસ્વિતામાંથી મુક્ત થઈ શકાય છે. દવાઓ અને સર્જરી પણ તેના ઉપાય છે. વડાપ્રધાને લોકોને પોતાના ખોરાકમાં દસ ટકા તેલનો વપરાશ ઘટાડવા આહવાન કર્યું છે. સીબીએસસીએ શાળાઓને તેલ અને સુગરના વધુ ઉપયોગના જોખમો સંબંધી બોર્ડ મુકવા સૂચના આપી છે.
વિરોધાભાસોથી ભરેલા આપણા દેશમાં અતિ જાડા લોકો છે તો સાવ સુકલકડી જ નહીં, માયકાંગલા લોકો પણ છે. મેદસ્વી લોકો છે તો કુપોષિત પણ છે. એ તે કેવી વિડંબના કે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો અનાજ ઉત્પાદક દેશ છે. તેમાં કુલ બાળકોના ૧/૩ કુપોષિત છે. એટલે કે તેમને પર્યાપ્ત ખાવાનું મળતું નથી. ૨૦૨૦ થી ૨૦૨૨ વચ્ચે ૭૪ કરોડ લોકો અલ્પપોષિત હતા. સરકારનો દાવો છે કે તે કોરોનાકાળથી દેશના ૮૧.૩૫ કરોડ ગરીબોને નિ:શુલ્ક પૂરક અનાજ પૂરું પાડે છે. તે બધા પણ નાનામોટા કુપોષણનો ભોગ બનેલા જ હશેને?
પાંચમા રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે અનુસાર દેશના ૧૦ જિલ્લા સૌથી વધુ કુપોષિત છે. તેમાં ગુજરાતના ચાર આદિવાસીબહુલ જિલ્લા, પંચમહાલ, દાહોદ, નર્મદા અને તાપીનો સમાવેશ થાય છે. આ ગંભીર ચિંતાનો વિષય છે. રાજ્યના કેટલાક વિકસિત જિલ્લાના તાલુકાઓમાં પણ કુપોષિત લોકો છે. સંકલિત બાળ વિકાસ યોજના , મધ્યાહ્ન ભોજન યોજના અને અન્નસુરક્ષાના કાયદા છતાં કુપોષણને ખાળી શકાયું નથી.
આજે મેદસ્વિતા સરકારના રાજકીય એજન્ડાનો વિષય બન્યો છે. તેમ જો કુપોષણ પણ બને અને ગરીબી, ભૂખ , કુપોષણ જે સામાજિક-રાજકીય કારણોનું પરિણામ છે તેની નાબૂદીની દિશામાં જાગ્રત થઈએ તો બહિર્ગોળ પેટની જેમ અંતર્ગોળ પેટની સમસ્યા પણ નિવારી શકાય. કાગળ પરની ગરીબી નાબૂદીની યોજનાઓ ધરાતલ પર ઉતરે, કુપોષણ મુક્તિ લોક આંદોલન બને તો ચરબીથી વધી ગયેલા પેટની સાથે ભૂખથી અંદર ઉતરી ગયેલા પેટની સમસ્યા પણ ઉકલે. સરવાળે નહીં અદોદળા, નહીં માયકાંગલા એવા ગુજરાતી, ભારતીય અને અને વિશ્વનાગરિક જોવા મળે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ : પરિવારમાં મરણ
બીરેન કોઠારી
મૃત્યુ ચાહે ભયાવહ હોય કે સામાન્ય, તે જીવન સાથે અભિન્નપણે સંકળાયેલું છે. એટલે કે જીવન હોય ત્યાં મૃત્યુ પણ હોવાનું જ. ભૂપેન ખખ્ખરે 1978માં ચીતરેલા આ ચિત્રનું શિર્ષક છે ‘Death in the family’ અર્થાત ‘પરિવારમાં મરણ’. સદ્ગતને સ્મશાને લઈ જઈને વિદાય આપ્યા પછી સ્વજનો ઘેર પાછા ફરે ત્યારે તેમને માથે પાણી રેડીને સ્નાન કરાવવાનો રિવાજ મોટે ભાગે પ્રચલિત છે. હવે મોટે ભાગે લોકો હથેળીમાં પાણી આપે છે.
આ ચિત્રમાં સ્મશાનેથી પરત ફરેલા ડાઘુઓને બતાવવામાં આવ્યા છે, જેઓ છૂટાછવાયા બેઠેલા છે. પરિવારની એક વ્યક્તિ એક ડાઘુને લોટા વડે જળસ્નાન કરાવે છે.
મૃત્યુના આ કેન્દ્રીય વિષયની આસપાસ શું છે? સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડાબી તરફના ભાગમાં શેરીની વિવિધ ગતિવિધિઓ સામાન્યપણે ચાલી રહી છે. સૌથી આગળની દુકાને કેળાંની લૂમ લટકે છે અને તેની આગળ શેરીનું કૂતરું ઊભેલું છે. ટાયરની દુકાનવાળા ભાઈ કામ કરી રહ્યા છે, તેમનાથી પણ આગળ એક ભાઈ પોતાના મકાનની ગેલરીમાં ઊભેલા છે અને કદાચ તોરણ બાંધી રહ્યા છે. રેડીમેડ કપડાંની દુકાન ખુલેલી છે અને તેમાં વિવિધ પ્રકારનાં કપડાં ટાંગેલાં છે. રાહદારીઓ આવનજાવન કરી રહ્યા છે અને સૌ પોતપોતાની ગતિમાં રત છે.
ચિત્રની જમણી તરફ બે ગાય બંધાયેલી દેખાય છે, જે પણ પોતાની ગતિવિધિમાં રત છે. તેની પાછળ એક નાનકડી સાયકલ મૂકાયેલી છે. ડાઘુઓ બેઠેલા છે તેની પાછળ પણ કોઈક વૃક્ષ ઊગેલું છે.
એટલે કે ચિત્રમાં વચ્ચોવચ્ચ મૃત્યુ છે, અને તેની આસપાસ જીવન.
અને આ બધાની ઉપર, જેમનું મૃત્યુ થયું છે એમનો આત્મા વિહરતો બતાવાયો છે. તેમનો ધડ સુધીનો ભાગ મનુષ્ય જેવો છે, અને પગના ભાગે વાદળ બતાવાયેલાં છે, તેમજ તેમને ફરિશ્તાની પાંખો છે. આ આત્મા કદાચ પોતાના શરીરમાંથી નીકળીને હવે આ બધું સાક્ષીભાવે જોઈ રહ્યો છે. એ આત્મા કદાચ ચિત્રકારનો પણ હોઈ શકે યા ચિત્રના દર્શકનો પણ! એ રીતે એનાં વિવિધ અર્થઘટન નીકળી શકે. આખું ચિત્ર Narrative/કથનાત્મક શૈલીનું છે.
અહીં ચીતરેલી શેરીમાં લઘુચિત્ર/Miniature painting શૈલી જોવા મળે છે. અગ્રભૂમિમાં બેઠેલા માણસોએ લુંગી પહેરેલી છે, અને પાછળની દુકાનમાં કેળાંની લૂમ લટકે છે. આવું દૃશ્ય ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળે. ભૂપેન તમિલનાડુના શિવકાશીમાં ગયા ત્યારે ત્યાં થોડા સ્કેચ કરેલા. તેનો ઉપયોગ તેમણે આ ચિત્રમાં કરેલો જોવા મળે છે.

[ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
કાન્તનું મંથન: ધર્મ, કવિતા અને સત્યની અનંત ખોજ
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
જો ગાનુજોગ, કાન્તના ૧૫૮મા જન્મદિવસે (વીસમી નવેમ્બરે), ગુજરાતી સાહિત્ય પરિષદના રા. વિ. પાઠક સભાગૃહમાં જય ખોલિયાનું કાન્ત વિષયક દસ્તાવેજી ચિત્ર જોવાનું બન્યું. પૂર્વાલાપ ફાઉન્ડેશન દ્વારા પ્રાપ્ત સર્વપ્રથમ ફેલોશિપ અતંર્ગત નિર્મિત આ ફિલ્મ જોતો હતો અને એમાં કાન્તના પુત્ર મુનિકુમાર ભટ્ટનો ઉલ્લેખ આવ્યો તે સાથે હું સહસા પાંચેક દાયકા પાછળ ચાલ્યો ગયો.
ભાવનગરમાં મુનિકુમારના ‘તપોવન’ બંગલામાં મિત્ર અજય પ્રિયવદન પાઠકના સ્નેહવશ એક રાત ગાળવાનું બન્યું હતું. એ રાતે ચિત્ત કંઈક જુદા જ ચગડોળે ચડી ગયું હતું. એ રાત્રિ મારે સારુ એક મોટા કવિની નહીં પણ ધર્મચિંતકની મનોમન મુલાકાતની હતી. કાન્તે ૧૯૦૦માં ‘પવિત્ર ભોજન’પૂર્વક ખ્રિસ્તમતનો જાહેર અંગીકાર કીધો એની પૂંઠે એમનું જે મંથન રહ્યું હશે એને આપણે ઘટતો ન્યાય આપી શક્યા નથી. જે કવિહૃદયે ૧૮૮૮માં એક એલ્ફિન્સ્ટોનિયનને નાતે બી.એ. થવા વાસ્તે ચહીને લોજિક અને મોરલ ફિલોસોફી જેવા વિષયો લીધા હતા તેણે કરેલ નિર્ણયની પૂંઠે કંઈક તો વજૂદ હશે જ. હવે ફ્રિન્જ લાઈન ચર્ચોમાં જ ક્યાંક રહી ગયેલી ને ખરીખોટી વગોવાયેલી વટાળ પ્રવૃત્તિનો સામાન્ય કિસ્સો તો એ ન જ હોય. પણ બ.ક.ઠા. સરખા વિદ્યાવારિધિ નિકટમિત્ર સુદ્ધાં એમના મનોમંથનની રગ પકડવામાં ઊણા પડ્યા ને એક ગાળા માટે એમની મૈત્રીમાં મુદત પડી ગઈ હતી.
૧૮૮૬ થી ૧૮૯૧ દરમ્યાન જે સર્જનયજ્ઞ માંડ્યો તે કવિ કાન્ત છે. પણ ગુજરાતી પાઠ્યપુસ્તક કે સાહિત્યિક પુસ્તકની જરી બહાર જઈએ તો તે પછીનાં વરસો એમના ધર્મમંથનનાં છે. ક્યાં ક્યાં નથી વિહર્યા ને વિચર્યા, એ! બુદ્ધ કને જાય છે અને એમની કરુણા ને વર્ણાશ્રમવિરોધને હૈયે ધરે છે. સંતપરંપરાના હૃદયબોલમાંયે એ ઊંડા ઊતર્યા છે. છેવટે, ૧૮૯૭-૯૮ લગી પહોંચતે પહોંચતે એકત્રીસમે એમને દિલનો કરાર સાંપડ્યો હોય તો એ સ્વીડનબોર્ગમાં છે.
રા. વિ.એ ‘પૂર્વાલાપ’ની બીજી આવૃત્તિ વેળાએ જે ઉપોદઘાત લખ્યો, સપ્ટેમ્બર ૧૯૨૬માં, તે અધ્યાપિ બિલકુલ મેરુદંડવત છે. પાઠકસાહેબે લખ્યું છે કે કવિએ ફિલસૂફી અને ધર્મની શોધમાં ન પડતાં કાવ્યમાર્ગે જ પ્રગતિ કરી હોત તો સારું એમ કહેવું સહેલું છે. ‘પણ આપણે જાણવું જોઈએ કે એ કાવ્યો પણ, જે સત્યની ખોજ તેઓ કરતા હતા તેમાંથી જ ઉદભવતાં હતાં.’ પહેલાં પત્ની નર્મદા (નદી) પાછાં થયાં, ૧૮૯૧માં, અને કવિની કલમ જાણે અટકી ગઈ. ‘કોઈ વસમી આપત્તિથી હૃદય ઘાયલ થાય ત્યારે મૃદુ થઈ દ્રવે.’ પાઠકસાહેબ લખે છે, ‘પણ કાન્તનાં કાવ્યોમાં માત્ર આમ થતું નથી… તેમાં જગતની યોજનાની અપૂર્ણતા છે એ સામે કવિમાનસની ફરિયાદ છે, પોકાર છે.’ આ માનસને અને આ હૃદયને પતિ-પત્ની સ્વર્ગમાં મળી શકે એવો સધિયારો સંપડાવતાં સ્વીડનબોર્ગીય દર્શનમાં સમાધાન અનુભવાયું,
૧૮૯૮ પહોંચતે પહોંચતે અને આગળ ચાલતાં એમણે ઉપવીન છોડ્યું, ને ૧૯૦૦માં તો ‘પવિત્ર ભોજન!’ કાન્ત-સંપર્કે કલાપીએ પણ સ્વીડનબોર્ગીય સૃષ્ટિમાં કંઈક પ્રવેશ કીધો છે. જોકે, સ્નેહે ઝૂરતા કવિ માટે નિકટના સ્વજનોથી વંચિત અવસ્થામાં (નાત બહાર) રહેવું આકરું ને અકારું હતું એટલે વિધિવત્ પ્રાયશ્ચિતપૂર્વક પાછા ફર્યા પણ દિલનો કરાર તો ખ્રિસ્ત સાથે હતો તે હતો. નાતના જમણવાર વખતે એ જગન્નાથના મરાલકુલનાયક જેવા પોતે બગલાંથી ઘેરાયેલા જેવું અનુભવતા એવું એક સમકાલીન સ્મરણ નોંધાયેલું છે.
છેલ્લાં વર્ષોમાં એમણે મુંબઈથી સ્વીડનબોર્ગીય પત્રિકા પ્રકાશનમાં રસ લીધો ત્યારે એક સમજ જરૂર પાકી હતી કે એના અનુસરણ માટે ધર્મપરિવર્તન જરૂરી નથી. ગાંધીને શ્રીમદ્ રાજચંદ્રનો ભેટો થયો એવી કોઈ બીનાથી કાન્ત વંચિત છે. પણ એમની વિચારરૂપામાં આર્યસમાજના અંશો, ઋગ્વેદના કોઈક સૂકન વગેરે મૂળભૂત સ્વીડનબોર્ગીય આરત સાથે સંકળાયેલ વરતાય છે. કલ્પનાને જરી છૂટો દોર આપું તો ગાંધીને પોતાની તરેહના વિશ્વવત્સલ ખ્રિસ્તમતીલા તોલ્સ્તોય મળ્યા તે જો કાન્તને મળ્યા હોત તો?
હવે સંકેલો કરું તે પહેલાં મને ગમતી એક કાન્ત-છવિ નાનાભાઈ ભટ્ટની આત્મકથામાંથી સંભારું. પ્રો. નૃસિંહપ્રસાદ ભટ્ટ, ટૂંકમાં ને માનથી શ્રીમન નથુરામ શર્માના વર્તુળમાં પ્રસાદજી- એમણે ભાવનગરનાં પ્રોફેસરી પરહરી છાત્રો માટે દક્ષિણામૂર્તિની શરૂઆત કરી ત્યારે ગુરુપૂર્ણિમાએ નથુરામ શર્માનું પૂજન છાત્રાવાસમાં કરતા. એક વાર પૂજન વખતે ડંગોરો ખખડાવતા કાન્ત પ્રવેશ્યા અને એમણે નાનાભાઈને શબ્દે શબ્દે ઝૂડ્યા કે તારો ગુરુ હોય તેમાં આ છોકરાને શું. પરંપરાગત માળખામાંથી નૃસિંહપ્રસાદને નાનાભાઈ બનવા ભણી લઈ જતો એ નવી કેળવણીનો ઈતિહાસધક્કો હતો.
હમણેના દાયકાઓમાં ગુજરાત એ વાતે રળિયાત છે કે સતીશ વ્યાસના ‘જળને પડદે’ નાટકથી આપણે કાન્ત સાથે મુખોમુખ થયા અને હવે જયની આ ડોક્યુમેન્ટરી પણ આપણી વચ્ચે છે. અને હા, ‘કુમાર’માં સિલસિલાવાર પ્રગટ થયેલું કાન્તચરિત્ર પણ પ્રફુલ્લ રાવલના આખરી ઓપ સાથે ગ્રંથસ્થ થવામાં છે. ઈચ્છું કે ગુજરાતની પ્રસંગોપાત પ્રગટ થવા કરતી, વચ્ચે વળી વળીને ખોડંગાતી રેનેસાં મથામણને કાન્તના જીવનસમગ્રના પરિચયે લગરીક પણ ચાલના મળે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૩ – ૧૨– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
એક વાર અજવાળું…
સરયૂ પરીખ
સોના બારણાં પાછળ ઊભી રહી પતિદેવના હુકમની રાહ જોઈ રહી હતી. વરસ પહેલા, સોના રમણ, ઉર્ફે રૉકી, સાથે લગ્ન કરી અમેરિકા આવી હતી. દેશમાં પરિવાર માને કે ધનભાગ્ય સોનાના કે કમાતો અમેરિકન જમાઈ મળી ગયો. નવા દેશમાં રહેતી હતી પણ તેનું વિશ્વ તો એક નાના બંગલાની દિવાલો વચ્ચે સીમિત હતું. પતિનું પ્રભુત્વ અનાયાસ સ્વીકારીને નિત્યક્રમ શીખી લીધો હતો. દરમ્યાન, અંતરમાંથી ઉઠતાં અકળાયેલા સવાલો ગુંગળાઈને ઓસરી જતા.
રોકીનો આદેશ હતો, “એય ! મારા મિત્રો આવ્યા હોય ત્યારે આઘી રહેજે, કાન માંડીને અમારી વાત સાંભળવા નહીં આવતી અને નાસ્તાપાણી સરખા બનાવજે.” પણ, હુકમ સાથે તેમની વાતો સોનાને સાંભળવી જ પડે…
“જુઓ હું તો ઘરનો રાજા. મને તો એવા આદમીની દયા આવે જે બૈરીની પાછળ પાળેલા કુત્તાની જેમ ફરતા રહે.” અને એના મિત્રો “શાબાશ” કહી મજેસથી ગ્લાસના ટંકાર કરી ખુશ થયા.
તેમાં એક નવો આવેલ યુવક હાથમાં પાણીનો ગ્લાસ લઈ શાંત બેસી રહ્યો હતો. તેની સામે ધ્યાન પડતા રૉકી બોલ્યો, “વિશુ, આ કોણ મંદબુદ્ધિને લઈ આવ્યો છે? Dull dude!”
“એ મારો પિત્રાઈ, કેશવ છે. અહીં યુનિવર્સિટીમાં આગળ ભણવા આવ્યો છે. એ મૌનધારી તરફ ધ્યાન આપવાની જરૂર નથી.” વિશુએ પરિચય આપ્યો.
રૉકીએ ગર્વીલું હાસ્ય કરી ઉંચા અવાજે હૂકમ છોડ્યો, “સોના ! વધારે સમોસા લાવ અને જલ્દી…”
સોના નિસ્તેજ, નીચી નજર સાથે બહાર આવી અને ટ્રે મૂકી પાછી જતી રહી.
પણ, કેશવ આશ્ચર્ય ચકિત થઈ જોતો રહ્યો. ‘અરે, આ અમારા મહોલ્લાની સોના! જે રાતોની રાતો નવરાત્રીમાં નાચતી…તે જ આ નિર્જીવ સ્ત્રી? શું આ એ જ સોના?’ કેશવ વિચારતો રહ્યો.
રૉકી અને મિત્રો પોતાના મર્દાનગીના પરાક્રમોની વાતો કરવામાં મત્ત હતા જે સાંભળીને કેશવ અકળાઈ રહ્યો હતો. જ્યારે રૉકીએ સોનાને તોછડાઈથી ફરી હુકમ કર્યો, ત્યારે કેશવની ધીરજ ખૂટી ગઈ.
રૉકી સામે સ્થિર નજર કરી કેશવ બોલ્યો. “કોઈ તમને હુકમ કરી દોડાવે, ત્યારે તમને કેવું લાગે છે?”
રૉકી ખંધુ હસીને બોલ્યો, “વિચિત્ર માણસનો કેવો વિચિત્ર સવાલ !!”
સોનાના કાન સરવા થયા. આગળ એ જ તિખાશ ભર્યો અવાજ સંભળાયો, “ચોખ્ખુ દેખાય છે કે તમને તમારી પત્ની માટે જરાય માન નથી.” અટકીને કેશવ બોલ્યો, “હાં, એ હકીકત છે કે જુલમ કરવાવાળો તો શેતાન છે, પણ જુલમ સહેવાવાળો કાયર છે અને પોતાની લાચાર દશા માટે જવાબદાર છે.” રૉકી અને મિત્રો ડઘાઈને સાંભળી રહ્યા. આવા વિધાનનો શું જવાબ?
સોનાએ ડોક લંબાવી બોલનાર સામે જોયું. “આ તો મારા પાડોશનો કેશવ કામદાર, જેને અમે બેનપણીઓ ‘બુદ્ધિમાન’ કહીને બોલાવતા. અમારા વડીલો આદર્શવાદી કેશવનો દાખલો આપતા.”
પોતાના ગામભાઈને જોઈ, સોનાના હૈયામાં પહેલી વખત, અસહાય-એકલતાના પાશની પકડ ઓછી થઈ.
રૉકી અને મિત્રોને જાણે રંગમાં ભંગ પડ્યો. મહેમાનોના ગયા પછી પીધેલ અને થાકેલો રૉકી ઊંઘી ગયો. સોના શાંતિથી સોફા પર બેસી એ સાંજના બનાવ પર વિચાર કરવા લાગી. ફરી ફરીને કેશવનું વાક્ય મગજમાં ઘુમરાતુ રહ્યું… “હાં, એ હકીકત છે કે જુલમ કરવાવાળો તો શેતાન છે, પણ જુલમ સહેવાવાળો કાયર છે અને પોતાની લાચાર દશા માટે જવાબદાર છે.”
સોનાનું મનોમંથન સવાલ કરી ઊઠ્યું, “હું અહીં કેમ આવી છું? આ માણસ મારા પર અત્યાચાર કરે છે અને હું કેમ સહન કરી રહી છું? કેમ કરીને હું સાવ ભૂલી ગઈ કે સોના કોણ છે?” અને તેના આંખમાંથી અશ્રુ સરી પડ્યાં.
મક્કમ હાથે આંસુ લૂછી, હોઠ દબાવી નિર્ણયો લેતી સોના, સોફા પર નિદ્રાવશ ઢળતી ગઈ. સવારના પંખીના કલરવથી જાગી તેણે સૂર્યોદય સાથે આશા કિરણને હાસ્ય સાથે આવકાર્યું.
રૉકીનો કર્કશ અવાજ…”એય! જલ્દી ચા નાસ્તો લાવ, નોકરીનું મોડું થાય છે.” વળી, “આ મારા જુતા સાફ કર્યા વગર કેમ લાવી? મુરખ.” શબ્દો જાણે તેને સ્પર્શ કર્યા વગર પસાર થઈ ગયા.
જેવો રૉકી નીકળ્યો કે સોના તૈયાર થઈ, ચાલીને નજીકની લાઈબ્રેરીમાં ગઈ. ત્યાંના મદદનીશથી કમ્પ્યુટર ચાલુ કરી, ગૃહ કંકાસમાં મદદ કરતી સંસ્થાની માહિતી ખોલી વાંચવા લાગી. તે બરાબર સમજી કે માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ કઈ રીતે કાયદાના આધારે અટકાવી શકાય. ‘સ્ત્રીને દબાવીને રાખવાનો પોતાનો જન્મસિદ્ધ હક છે,’ એવું માનનારા રૉકીની સામે સોનાના મનમાં આગ ભભૂકી. સોનાએ જરૂરી નંબર નોંધી લીધા. પોતાને આગળ ભણવા માટે અને નોકરીની તક માટે પણ તપાસ કરી, દ્રઢ પગલા ભરી ઘરે પહોંચી.
ફરી એમ જ, સાંજના રૉકી માટે જમવાની થાળી પિરસી.
“આવું ભંગાર ખાવાનું બનાવ્યું?” રૉકીનો સત્તા ભર્યો અવાજ આવ્યો.
“સારૂ જ છે. ગમે તો ખાવ.” સોનાના બેદરકારી ભર્યા જવાબ સાથે રૉકીએ હાથ ઉગામ્યો. સોનાએ હવામાં જ તેના હાથને જોરથી પકડી પાછો ફેંક્યો અને તણખા ઝરતી આંખો મેળવી બોલી,
“જરા સંભાળજો. એક ફોન કરીશ અને પોલીસ આવી જશે. આજ પછી, કોઈ પણ કઢંગી વર્તણૂક કરતા ધ્યાન રાખજો. મારો હક્ક અને સલામતી કેમ મેળવવી એ મને ખબર છે.”
સોનાનો મક્કમ અને નિડર અવાજ સાંભળી રૉકી અવાક્ થઈ ગયો. જાણે તેનું નબળું મન સોનાના નવા સ્વરૂપને જોઈ થથરી ગયું.
સોના ધીમે પગલે રસોડામાં ગઈ અને રૉકીએ ખુરશીમાં બેસી, પુતળાની માફક, કોળીયો મોંમાં મુક્યો.
સોનાનું અંતર એક ચિનગારીથી જાગી ઊઠ્યું. ‘સોના ક્યાં ખોવાઈ ગઈ છે?’ તેમ હવે પૂછવું નહીં પડે.
એક વાર અજવાળું
અંધારી કોટડીમાં રોજીંદી આવજા, કે’છે કે આમ જ જીવાય,
આથમેલા તેજમાં, રૂંધેલી રૂહમાં, આમ જ આપત્તિ સહેવાય.ડરથી ઓસરતા આશાના રંગને ઓળખવા પાંપણ ઉંચકાય,
ઘેરા અજ્ઞાનના અંધારા આભમાં, ક્યાંયે ના તારક દેખાય.ઓચિંતા એક દિન ફરફરતી કોરથી ચમકારો આવી દેખાય,
નિર્મળ ઉજાસ સખી આવો રે હોય! સૌમ્યતા આને કહેવાય!સાતત્ય યજ્ઞમાં અંતર પ્રકાશ અને ઉર્જાનું આવાહન થાય,
આતમ જાગીરના તાળા ખૂલે, જો એકવાર અજવાળું થાય.અંતરમાં અજવાળું થાતાની સાથમાં ધૂળમાં ય મોતી કળાય,
ચેતનની ચાવીથી આળસ ઊડે પછી કર્મોની કેડી દેખાય.જાગેલું મન, જાણે ખીલ્યું સુમન, સ્નેહની સુગંધ ધરી જાય,
રૂઢિની રુક્ષતાની રાખને નકારીને મુક્તિના વનમાં લહેરાય.
Saryu Parikh સરયૂ પરીખ www.saryu.wordpress.com
-
રજનીગંધા
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
રજનીગંધા, રાતની રાણી, કેટલું સરસ નામ અને એવી જ મઝાની એનાં ફૂલોની સુગંધ. રાત પડે, અંધકાર ઘેરાય અને એનાં ફૂલોની રેલાઈ આવતી સુગંધથી મન આનંદસાગરમાં લહેરાય. ખૂબ ગમે છે આ રજનીગંધાના ફૂલોની સુગંધ.
છતાં, મેં રજનીગંધાનો છોડ રોપવાની અનુમતિ ક્યારેય આપી નથી. એની પાછળ એક એવી સ્મૃતિ જડાયેલી છે કે….શું કહું?
સત્તર વર્ષની ઉંમરે કૉલેજમાં ભણતા યુવાનનું જીવન કેવું હોય? અંગ્રેજો સોળ વર્ષની ઉંમરને ‘સ્વીટ સિક્સટીન’ કહે છે. સોળ વર્ષે યુવાનીમાં કેટલાય લોકો પ્રેમમાં આંધળુકિયા કરી ઊંધેકાંધ પછડાતા હોય છે. સુંદર યુવતી જોઈ નથી કે અત્યંત ભાવુક બની વાસ્તવિકતાથી દૂર સપનાંની દુનિયામાં ખોવાઈ જાય. માથે કવિતા લખવાનું ભૂત સવાર થાય.
પુસ્તકમાં આલેખાતો પ્રેમ આદર્શ લાગે. કેટલીય યુવતીઓના સૌંદર્ય, ચારિત્ર્ય પારખ્યા પછી અંતે માલતી પર મારી પસંદગી ઢળી. માલતી સુંદર હતી. ચાંદનીની જેમ ચમકતો ચહેરો, નશીલી આંખો, નાજુક પૂતળી જેવી કાયા, હંસલી જેવી ચાલ, પણ અવાજમાં ગજબનો રોફ. માલતીનો આ રોફ મને સૌથી વધુ આકર્ષી ગયો.
માલતીને આવતી જોવા હું બહાર વરંડામાં જઈને ઊભો રહેતો, કાશ મારી આ ઉપાસના માલતી સુધી પહોંચતી હોત! પણ, નહોતી પહોંચતી. હું ઘણી વાર વિચારતો કે માલતી પ્રત્યેના મારા પ્રેમમાં ખરેખર સાવ નિર્દોષતા, પવિત્રતા હતી ખરી? ખરેખર એને ઉપાસના કેવી રીતે કહી શકાય કારણ કે કેટલીય વાર વૃક્ષ સાથે વેલી વીંટળાય એમ માલતી મને વીંટળાઈને ઊભી હોય એવી કલ્પના થઈ જતી.
માલતી અમારા ઘરથી થોડે જ દૂર ઊંચી દીવાલવાળા મહેલ જેવા ઘરમાં રહેતી હતી. એના પિતા સાથે મારે સાધારણ પરિચય હતો. કદાચ માલતી પણ મને ઓળખતી હશે.
રાત્રે જમીને બહાર નીકળતો ત્યારે પગ અનાયાસે માલતીની ઘર તરફ જ વળતા. એના ઘરના ઝાંપા પાસે રજનીગંધાનો છોડ હતો. એ છોડ પાસે સંતાઈને બેસુ તો માલતી એના રૂમમાં આરામથી વાંચતી બેઠેલી દેખાય. હું એમ જ કરતો. ટેબલ પર મૂકેલા લેમ્પના અજવાળામાં માલતીના ચહેરા પરના ભાવ જોઈ શકતો. મોડી રાત સુધી ઊંઘ આવી જાય ત્યાં સુધી એ વાંચ્યા કરતી. ઝોકે ચઢેલી માલતીનું માથું ટેબલ પર અફળાતું તો એ પરાણે આંખો ફાડીને જાગવા મથતી.
મને મન થતું કે બૂમ મારીને એને કહું, બસ કર હવે. પણ, એ તો આંખો ચોળતી ફરી વાંચવા લાગતી. રજનીગંધાની સુગંધથી મન તર થઈ જતું છતાં શ્વાસ રોકીને હું એને જોયા કરતો. એ સુવાસિત વાતાવરણ સ્વર્ગના નંદનવન જેવું લાગતું અને માલતી મારી સ્વપ્નપરી.
ક્યારેક એ ‘મંજરી’ છંદમાં કવિતા ગાતી. એનો અવાજ સુરીલો હતો. એના કંઠની માધુરી સૌને રસવિભોર કરી દે એવી હતી.
લગાતાર ત્રણ મહિના સુધી રોજ રાત્રે એક એક કલાક સંતાઈને એને જોયા કરી છે. વરસાદના દિવસો શરૂ થયા. મારા માટે વરસાદ નહીં વિપદાના દિવસો શરૂ થયા. જ્યારે ખૂબ વરસાદ હોય ત્યારે એ બારી બંધ કરી દેતી. જાણે મારા હૃદયના બારણાં બંધ થઈ જતાં.
એક દિવસ માલતીના પિતાને એમના બાગના તમામ જૂના ફૂલઝાડ અને દીવાલની આસપાસ ફૂટી નીકળેલાં ઝાડની સફાઈ કરાવવી છે એવું કહેતા સાંભળ્યા અને મારું હૃદય ધબકાર ચૂકી ગયું.
ઓહ, હવે હું મારી માલતીને કેવી રીતે જોઈશ? મારું નંદનવન બચાવવાના એકમાત્ર ઉપાય તરીકે મારા હૃદયના ભાવ ઠલવતો એક પત્ર માલતીને લખ્યો. એમાં ત્રણ ત્રણ મહિનાથી રજનીગંધાના છોડ પાસે બેસીને કેવી રીતે હું એની ઉપાસના કરતો એ પણ લખ્યું. રજનીગંધાના છોડને બચાવી લેવા વિંનતી કરી. ‘વ્હાઇટ ઓફ વેલ્સ’ના છોડની ડાળી માંગવાના બહાને માલતીને પત્ર આપવા નીકળ્યો.
પહોંચ્યો ત્યારે ત્યાં હો-હલ્લા મચી હતી. દસેક માણસો એકઠા થઈને એક લાંબા કાળા નાગને લાઠીથી મારવા મચ્યા હતા.
આટલા સમયથી કોઈનુંય ધ્યાન નહોતું પડ્યું કે, રજનીગંધાના છોડની આડમાં એનું નિવાસસ્થાન હતું. જ્યારે છોડ કાપ્યો ત્યારે એ ફુંફાડા મારતો નીકળ્યો.
મારા હોશ ઊડી ગયા. કલેજું થરથર કાંપવા માંડ્યું. જીવ તાળવે ચોંટ્યો. હવે એક ક્ષણ મારાથી ત્યાં ટકાય એમ નહોતું. આટલા સમયથી જ્યાં બેસીને હું માલતીને જોતો ત્યાં મારી નજીક જ એ ભયંકર નાગ રહેતો હતો!
કોશિશ કરવા છતાં એ વાત હું ભૂલી શકતો નહોતો. એવું લાગતું કે ફેણ ચઢાવીને એ કાળો નાગ મારી પીઠ પાછળ બેઠો છે.
એ રાત્રે મને સખત તાવ ચઢ્યો. સપનામાંય સઘળે નાગ દેખાતો. પલંગ પર, મારી છાતી પર, દરવાજા પર, છત પર લટકતો નાગ જોઈને ઊંઘમાં બૂમ પાડતો, “નાગ નાગ.”
ઘરના સૌ લાઠી લઈને દોડી આવતા.
સપનામાં માલતી નાગકન્યા જેવી લાગતી. એનો ચહેરો જોવો ગમતો પણ એનો નાગકન્યા જેવો દેહ જોઈને છળી જતો.
એક મહિના સુધી તાવમાં તપતો રહ્યો. માંડ થોડું સારું થયું અને માલતીના ઘર તરફ નીકળ્યો ત્યારે જાણ થઈ કે એ લોકો ઘર વેચવા મૂકીને કન્નૂર ચાલ્યા ગયા છે. ઘણાં લાંબા સમય પછી જાણ થઈ કે માલતીના લગ્ન થઈ ગયા અને બે બાળકો છે.
હજુ ક્યાંકથી રજનીગંધાની સુગંધ આવે ત્યારે મારી સત્તર વર્ષની ઉંમરનો ઘેલછાભર્યો પ્રેમ યાદ આવે છે. સાથે ઊંઘરેટી આંખે પુસ્તક વાંચતી માલતીનો ચહેરો અને ફેણ ઊઠાવીને બેઠેલો કાળો નાગ યાદ આવે છે.
આજ સુધી ક્યારેય મારા બાગમાં રજનીગંધાનો છોડ રોપવા દીધો નથી.
બસ, આટલી છે સોળ વર્ષે ઊંધેકાંધ પ્રેમમાં પડેલા યુવકની વાત.
એસ.કે. પોટ્ટેક્કાટ લિખીત વાર્તા -રજનીગંધા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મહેન્દ્ર શાહનાં નવેમ્બર ૨૦૨૫નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahemdra Shah’s art creations for November 2025
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
