વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • એક વાર અજવાળું…

    સરયૂ પરીખ

    સોના બારણાં પાછળ ઊભી રહી પતિદેવના હુકમની રાહ જોઈ રહી હતી. વરસ પહેલા, સોના રમણ, ઉર્ફે રૉકી, સાથે લગ્ન કરી અમેરિકા આવી હતી. દેશમાં પરિવાર માને કે ધનભાગ્ય સોનાના કે કમાતો અમેરિકન જમાઈ મળી ગયો. નવા દેશમાં રહેતી હતી પણ તેનું વિશ્વ તો એક નાના બંગલાની દિવાલો વચ્ચે સીમિત હતું. પતિનું પ્રભુત્વ અનાયાસ સ્વીકારીને નિત્યક્રમ શીખી લીધો હતો. દરમ્યાન, અંતરમાંથી ઉઠતાં અકળાયેલા સવાલો ગુંગળાઈને ઓસરી જતા.

    રોકીનો આદેશ હતો, “એય ! મારા મિત્રો આવ્યા હોય ત્યારે આઘી રહેજે, કાન માંડીને અમારી વાત સાંભળવા નહીં આવતી અને નાસ્તાપાણી સરખા બનાવજે.” પણ, હુકમ સાથે તેમની વાતો સોનાને સાંભળવી જ પડે…

    “જુઓ હું તો ઘરનો રાજા. મને તો એવા આદમીની દયા આવે જે બૈરીની પાછળ પાળેલા કુત્તાની જેમ ફરતા રહે.” અને એના મિત્રો “શાબાશ” કહી મજેસથી ગ્લાસના ટંકાર કરી ખુશ થયા.

    તેમાં એક નવો આવેલ યુવક હાથમાં પાણીનો ગ્લાસ લઈ શાંત બેસી રહ્યો હતો. તેની સામે ધ્યાન પડતા રૉકી બોલ્યો, “વિશુ, આ કોણ મંદબુદ્ધિને લઈ આવ્યો છે? Dull dude!”

    “એ મારો પિત્રાઈ, કેશવ છે. અહીં યુનિવર્સિટીમાં આગળ ભણવા આવ્યો છે. એ મૌનધારી તરફ ધ્યાન આપવાની જરૂર નથી.” વિશુએ પરિચય આપ્યો.

    રૉકીએ ગર્વીલું હાસ્ય કરી ઉંચા અવાજે હૂકમ છોડ્યો, “સોના ! વધારે સમોસા લાવ અને જલ્દી…”

    સોના નિસ્તેજ, નીચી નજર સાથે બહાર આવી અને ટ્રે મૂકી પાછી જતી રહી.

    પણ, કેશવ આશ્ચર્ય ચકિત થઈ જોતો રહ્યો. ‘અરે, આ અમારા મહોલ્લાની સોના! જે રાતોની રાતો નવરાત્રીમાં નાચતી…તે જ આ નિર્જીવ સ્ત્રી? શું આ એ જ સોના?’ કેશવ વિચારતો રહ્યો.

    રૉકી અને મિત્રો પોતાના મર્દાનગીના પરાક્રમોની વાતો કરવામાં મત્ત હતા જે સાંભળીને કેશવ અકળાઈ રહ્યો હતો. જ્યારે રૉકીએ સોનાને તોછડાઈથી ફરી હુકમ કર્યો, ત્યારે કેશવની ધીરજ ખૂટી ગઈ.

    રૉકી સામે સ્થિર નજર કરી કેશવ બોલ્યો. “કોઈ તમને હુકમ કરી દોડાવે, ત્યારે તમને કેવું લાગે છે?”

    રૉકી ખંધુ હસીને બોલ્યો, “વિચિત્ર માણસનો કેવો વિચિત્ર સવાલ !!”

    સોનાના કાન સરવા થયા. આગળ એ જ તિખાશ ભર્યો અવાજ સંભળાયો, “ચોખ્ખુ દેખાય છે કે તમને તમારી પત્ની માટે જરાય માન નથી.” અટકીને કેશવ બોલ્યો, “હાં, એ હકીકત છે કે જુલમ કરવાવાળો તો શેતાન છે, પણ જુલમ સહેવાવાળો કાયર છે અને પોતાની લાચાર દશા માટે જવાબદાર છે.” રૉકી અને મિત્રો ડઘાઈને સાંભળી રહ્યા.​ આવા વિધાનનો શું જવાબ?

    સોનાએ ડોક લંબાવી બોલનાર સામે જોયું. “આ તો મારા પાડોશનો કેશવ કામદાર, જેને અમે બેનપણીઓ ‘બુદ્ધિમાન’ કહીને બોલાવતા. અમારા વડીલો આદર્શવાદી કેશવનો દાખલો આપતા.”

    પોતાના ગામભાઈને જોઈ,​ સોનાના હૈયામાં પહેલી​ વખત, અસહાય-એકલતાના પાશની​ પકડ ઓછી થઈ.

    રૉકી અને મિત્રોને જાણે રંગમાં ભંગ પડ્યો. મહેમાનોના ગયા પછી પીધેલ અને થાકેલો રૉકી ઊંઘી ગયો. સોના શાંતિથી સોફા પર બેસી એ સાંજના બનાવ પર વિચાર કરવા લાગી. ફરી ફરીને કેશવનું વાક્ય મગજમાં ઘુમરાતુ રહ્યું… “હાં, એ હકીકત છે કે જુલમ કરવાવાળો તો શેતાન છે, પણ જુલમ સહેવાવાળો કાયર છે અને પોતાની લાચાર દશા માટે જવાબદાર છે.”

    સોનાનું મનોમંથન સવાલ કરી ઊઠ્યું, “હું અહીં કેમ આવી છું? આ માણસ મારા પર અત્યાચાર કરે છે અને હું કેમ સહન કરી રહી છું? કેમ કરીને હું સાવ ભૂલી ગઈ કે સોના કોણ છે?” અને તેના આંખમાંથી અશ્રુ સરી પડ્યાં.

    મક્કમ હાથે આંસુ લૂછી, હોઠ દબાવી નિર્ણયો લેતી સોના, સોફા પર નિદ્રાવશ ઢળતી ગઈ. સવારના પંખીના કલરવથી જાગી તેણે સૂર્યોદય સાથે આશા કિરણને હાસ્ય સાથે આવકાર્યું.

    રૉકીનો કર્કશ અવાજ…”એય! જલ્દી ચા નાસ્તો લાવ, નોકરીનું મોડું થાય છે.” વળી, “આ મારા જુતા સાફ કર્યા વગર કેમ લાવી? મુરખ.” શબ્દો જાણે તેને સ્પર્શ કર્યા વગર પસાર થઈ ગયા.

    જેવો રૉકી નીકળ્યો કે સોના તૈયાર થઈ, ચાલીને નજીકની લાઈબ્રેરીમાં ગઈ. ત્યાંના મદદનીશથી કમ્પ્યુટર ચાલુ કરી, ગૃહ કંકાસમાં મદદ કરતી સંસ્થાની માહિતી ખોલી વાંચવા લાગી. તે બરાબર સમજી કે માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ કઈ રીતે કાયદાના આધારે અટકાવી શકાય. ‘સ્ત્રીને દબાવીને રાખવાનો પોતાનો જન્મસિદ્ધ હક છે,’ એવું માનનારા રૉકીની સામે સોનાના મનમાં આગ ભભૂકી. સોનાએ જરૂરી નંબર નોંધી લીધા. પોતાને આગળ ભણવા માટે અને નોકરીની તક માટે પણ તપાસ કરી, દ્રઢ પગલા ભરી ઘરે પહોંચી.

    ફરી એમ જ, સાંજના રૉકી માટે જમવાની થાળી પિરસી.

    “આવું ભંગાર ખાવાનું બનાવ્યું?” રૉકીનો સત્તા ભર્યો અવાજ આવ્યો.

    “સારૂ જ છે. ગમે તો ખાવ.” સોનાના બેદરકારી ભર્યા જવાબ સાથે રૉકીએ હાથ ઉગામ્યો. સોનાએ હવામાં જ તેના હાથને જોરથી પકડી પાછો ફેંક્યો અને તણખા ઝરતી આંખો​ મેળવી બોલી,

    “જરા સંભાળજો. એક ફોન કરીશ અને પોલીસ આવી જશે. આજ પછી, કોઈ પણ કઢંગી​ વર્તણૂક કરતા​ ધ્યાન રાખજો. મારો હક્ક અને સલામતી કેમ મેળવવી એ મને ખબર છે.”

    સોનાનો મક્કમ અને નિડર અવાજ સાંભળી રૉકી અવાક્ થઈ ગયો. જાણે તેનું નબળું મન સોનાના નવા સ્વરૂપને જોઈ થથરી ગયું.

    સોના ધીમે પગલે રસોડામાં ગઈ અને રૉકીએ ખુરશીમાં બેસી, પુતળાની માફક, કોળીયો મોંમાં મુક્યો.

    સોનાનું અંતર એક ચિનગારીથી જાગી ઊઠ્યું. ‘સોના ક્યાં ખોવાઈ ગઈ છે?’ તેમ હવે પૂછવું નહીં પડે.

    એક વાર અજવાળું

    અંધારી કોટડીમાં રોજીંદી આવજા, કે’છે કે આમ જ જીવાય,
    આથમેલા તેજમાં, રૂંધેલી રૂહમાં, આમ જ આપત્તિ સહેવાય.

    ડરથી ઓસરતા આશાના રંગને ઓળખવા પાંપણ ઉંચકાય,
    ઘેરા અજ્ઞાનના અંધારા આભમાં, ક્યાંયે ના તારક દેખાય.

    ઓચિંતા એક દિન ફરફરતી કોરથી ચમકારો આવી દેખાય,
    નિર્મળ ઉજાસ સખી આવો રે હોય! સૌમ્યતા આને કહેવાય!

    સાતત્ય યજ્ઞમાં અંતર પ્રકાશ અને ઉર્જાનું આવાહન થાય,
    આતમ જાગીરના તાળા ખૂલે, જો એકવાર અજવાળું થાય.

    અંતરમાં અજવાળું થાતાની સાથમાં ધૂળમાં ય મોતી કળાય,
    ચેતનની ચાવીથી આળસ ઊડે પછી કર્મોની કેડી દેખાય.

    જાગેલું મન, જાણે ખીલ્યું સુમન, સ્નેહની સુગંધ ધરી જાય,
    રૂઢિની રુક્ષતાની રાખને નકારીને મુક્તિના વનમાં લહેરાય.


    Saryu Parikh  સરયૂ પરીખ  www.saryu.wordpress.com

  • રજનીગંધા

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    રજનીગંધા, રાતની રાણી, કેટલું સરસ નામ અને એવી જ મઝાની એનાં ફૂલોની સુગંધ. રાત પડે, અંધકાર ઘેરાય અને એનાં ફૂલોની રેલાઈ આવતી સુગંધથી મન આનંદસાગરમાં લહેરાય. ખૂબ ગમે છે આ રજનીગંધાના ફૂલોની સુગંધ.

    છતાં, મેં રજનીગંધાનો છોડ રોપવાની અનુમતિ ક્યારેય આપી નથી. એની પાછળ એક એવી સ્મૃતિ જડાયેલી છે કે….શું કહું?

    સત્તર વર્ષની ઉંમરે કૉલેજમાં ભણતા યુવાનનું જીવન કેવું હોય? અંગ્રેજો સોળ વર્ષની ઉંમરને ‘સ્વીટ સિક્સટીન’ કહે છે. સોળ વર્ષે યુવાનીમાં કેટલાય લોકો પ્રેમમાં આંધળુકિયા કરી ઊંધેકાંધ પછડાતા હોય છે. સુંદર યુવતી જોઈ નથી કે અત્યંત ભાવુક બની વાસ્તવિકતાથી દૂર સપનાંની દુનિયામાં ખોવાઈ જાય. માથે કવિતા લખવાનું ભૂત સવાર થાય.

    પુસ્તકમાં આલેખાતો પ્રેમ આદર્શ લાગે. કેટલીય યુવતીઓના સૌંદર્ય, ચારિત્ર્ય પારખ્યા પછી અંતે માલતી પર મારી પસંદગી ઢળી. માલતી સુંદર હતી. ચાંદનીની જેમ ચમકતો ચહેરો, નશીલી આંખો, નાજુક પૂતળી જેવી કાયા, હંસલી જેવી ચાલ, પણ અવાજમાં ગજબનો રોફ. માલતીનો આ રોફ મને સૌથી વધુ આકર્ષી ગયો.

    માલતીને આવતી જોવા હું બહાર વરંડામાં જઈને ઊભો રહેતો, કાશ મારી આ ઉપાસના માલતી સુધી પહોંચતી હોત! પણ, નહોતી પહોંચતી. હું ઘણી વાર વિચારતો કે માલતી પ્રત્યેના મારા પ્રેમમાં ખરેખર સાવ નિર્દોષતા, પવિત્રતા હતી ખરી?  ખરેખર એને ઉપાસના કેવી રીતે કહી શકાય કારણ કે કેટલીય વાર વૃક્ષ સાથે વેલી વીંટળાય એમ માલતી મને વીંટળાઈને ઊભી હોય એવી કલ્પના થઈ જતી.

    માલતી અમારા ઘરથી થોડે જ દૂર ઊંચી દીવાલવાળા મહેલ જેવા ઘરમાં રહેતી હતી. એના પિતા સાથે મારે સાધારણ પરિચય હતો. કદાચ માલતી પણ મને ઓળખતી હશે.

    રાત્રે જમીને બહાર નીકળતો ત્યારે પગ અનાયાસે માલતીની ઘર તરફ જ વળતા. એના ઘરના ઝાંપા પાસે રજનીગંધાનો છોડ હતો. એ છોડ પાસે સંતાઈને બેસુ તો માલતી એના રૂમમાં આરામથી વાંચતી બેઠેલી દેખાય. હું એમ જ કરતો. ટેબલ પર મૂકેલા લેમ્પના અજવાળામાં માલતીના ચહેરા પરના ભાવ જોઈ શકતો. મોડી રાત સુધી ઊંઘ આવી જાય ત્યાં સુધી એ વાંચ્યા કરતી. ઝોકે ચઢેલી માલતીનું માથું ટેબલ પર અફળાતું તો એ પરાણે આંખો ફાડીને જાગવા મથતી.

    મને મન થતું કે બૂમ મારીને એને કહું, બસ કર હવે. પણ, એ તો આંખો ચોળતી ફરી વાંચવા લાગતી. રજનીગંધાની સુગંધથી મન તર થઈ જતું છતાં શ્વાસ રોકીને હું એને જોયા કરતો. એ સુવાસિત વાતાવરણ સ્વર્ગના નંદનવન જેવું લાગતું અને માલતી મારી સ્વપ્નપરી.

    ક્યારેક એ ‘મંજરી’ છંદમાં કવિતા ગાતી. એનો અવાજ સુરીલો હતો. એના કંઠની માધુરી સૌને રસવિભોર કરી દે એવી હતી.

    લગાતાર ત્રણ મહિના સુધી રોજ રાત્રે એક એક કલાક સંતાઈને એને જોયા કરી છે. વરસાદના દિવસો શરૂ થયા. મારા માટે વરસાદ નહીં વિપદાના દિવસો શરૂ થયા. જ્યારે ખૂબ વરસાદ હોય ત્યારે એ બારી બંધ કરી દેતી. જાણે મારા હૃદયના બારણાં બંધ થઈ જતાં.

    એક દિવસ માલતીના પિતાને એમના બાગના તમામ જૂના ફૂલઝાડ અને દીવાલની આસપાસ ફૂટી નીકળેલાં ઝાડની સફાઈ કરાવવી છે એવું કહેતા સાંભળ્યા અને મારું હૃદય ધબકાર ચૂકી ગયું.

    ઓહ, હવે હું મારી માલતીને કેવી રીતે જોઈશ? મારું નંદનવન બચાવવાના એકમાત્ર ઉપાય તરીકે મારા હૃદયના ભાવ ઠલવતો એક પત્ર માલતીને લખ્યો. એમાં ત્રણ ત્રણ મહિનાથી રજનીગંધાના છોડ પાસે બેસીને કેવી રીતે હું એની ઉપાસના કરતો એ પણ લખ્યું. રજનીગંધાના છોડને બચાવી લેવા વિંનતી કરી. ‘વ્હાઇટ ઓફ વેલ્સ’ના છોડની ડાળી માંગવાના બહાને માલતીને પત્ર આપવા નીકળ્યો.

    પહોંચ્યો ત્યારે ત્યાં હો-હલ્લા મચી હતી. દસેક માણસો એકઠા થઈને એક લાંબા કાળા નાગને લાઠીથી મારવા મચ્યા હતા.

    આટલા સમયથી કોઈનુંય ધ્યાન નહોતું પડ્યું કે, રજનીગંધાના છોડની આડમાં એનું નિવાસસ્થાન હતું. જ્યારે છોડ કાપ્યો ત્યારે એ ફુંફાડા મારતો નીકળ્યો.

    મારા હોશ ઊડી ગયા. કલેજું થરથર કાંપવા માંડ્યું. જીવ તાળવે ચોંટ્યો. હવે એક ક્ષણ મારાથી ત્યાં ટકાય એમ નહોતું. આટલા સમયથી જ્યાં બેસીને હું માલતીને જોતો ત્યાં મારી નજીક જ એ ભયંકર નાગ રહેતો હતો!

    કોશિશ કરવા છતાં એ વાત હું ભૂલી શકતો નહોતો. એવું લાગતું કે ફેણ ચઢાવીને એ કાળો નાગ મારી પીઠ પાછળ બેઠો છે.

    એ રાત્રે મને સખત તાવ ચઢ્યો. સપનામાંય સઘળે નાગ દેખાતો. પલંગ પર, મારી છાતી પર, દરવાજા પર, છત પર લટકતો નાગ જોઈને ઊંઘમાં બૂમ પાડતો, “નાગ નાગ.”

    ઘરના સૌ લાઠી લઈને દોડી આવતા.

    સપનામાં માલતી નાગકન્યા જેવી લાગતી. એનો ચહેરો જોવો ગમતો પણ એનો નાગકન્યા જેવો દેહ જોઈને છળી જતો.

    એક મહિના સુધી તાવમાં તપતો રહ્યો. માંડ થોડું સારું થયું અને માલતીના ઘર તરફ નીકળ્યો ત્યારે જાણ થઈ કે એ લોકો ઘર વેચવા મૂકીને કન્નૂર ચાલ્યા ગયા છે. ઘણાં લાંબા સમય પછી જાણ થઈ કે માલતીના લગ્ન થઈ ગયા અને બે બાળકો છે.

    હજુ ક્યાંકથી રજનીગંધાની સુગંધ આવે ત્યારે મારી સત્તર વર્ષની ઉંમરનો ઘેલછાભર્યો પ્રેમ યાદ આવે છે. સાથે ઊંઘરેટી આંખે પુસ્તક વાંચતી માલતીનો ચહેરો અને ફેણ ઊઠાવીને બેઠેલો કાળો નાગ યાદ આવે છે.

    આજ સુધી ક્યારેય મારા બાગમાં રજનીગંધાનો છોડ રોપવા દીધો નથી.

    બસ, આટલી છે સોળ વર્ષે ઊંધેકાંધ પ્રેમમાં પડેલા યુવકની વાત.


    એસ.કે. પોટ્ટેક્કાટ લિખીત વાર્તા -રજનીગંધા પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મહેન્દ્ર શાહનાં નવેમ્બર ૨૦૨૫નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahemdra Shah’s art creations for November 2025

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

     

  • ડૉ. બાબાસાહેબ આંબેડકર: દલિતનેતા કે રાષ્ટ્રનેતા?

    નિસબત

    ચંદુ મહેરિયા

    દર વરસે 6ઠ્ઠી ડિસેમ્બરનો ડૉ. આંબેડકર નિર્વાણદિન આમ મુંબઈગરાઓ માટે ભારે અચરજનો હોય છે. દેશની આર્થિક રાજધાની એવા મહાનગર મુંબઈના દાદર વિસ્તારમાં અરબી સમુદ્રના કિનારે જ્યાં આંબેડકરના અંતિમ સંસ્કાર થયેલા એ ચૈત્યભૂમિ પર દેશભરમાંથી લાખો દલિતો સ્વયંભૂ ઊમટે છે. યાદ રહે છઠ્ઠી ડિસેમ્બર ૧૯૫૬ના રોજ નિર્વાણ પામેલ ડૉ. આંબેડકરનું આ નિર્વાણ-સ્મારક દલિતોએ ખુદના પૈસે ૧૯૬૫માં ખડું કર્યું હતું. પ્રતિ વરસ પોતાના પ્યારા બાબા અને મસીહાને સ્મરવા ચીંથરેહાલથી સૂટેડબૂટેડ દલિતો અહીં આવીને પોતાનો આદર, પ્રેમ અને ઓશિંગણ ભાવ વ્યક્ત કરે છે.

    ડૉ. આંબેડકરની અંતિમ યાત્રા
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની એક જાણીતી ઓળખ તો દલિતનેતા તરીકેની છે. ભારતની જાતિપ્રથા અને ઉચ્ચનીચના ભેદનો એમને ખુદને અનુભવ હતો. એટલે અમેરિકા, બ્રિટન તથા જર્મનીના ઉચ્ચાભ્યાસ અને પિતાની “છાંયડે બેસીને થાય તેવું કામ” કરવાની સલાહને અવગણીને તેમણે દલિતમુક્તિનો અઘરો માર્ગ પસંદ કર્યો હતો. બૌદ્ધિકતા અને કર્મશીલતાનો સમન્વય સાધીને ડૉ. આંબેડકરે આઝાદી આંદોલન દરમિયાન ગાંધીજી જેવી વિરાટ પ્રતિભા સામે બાથ ભીડીને દલિતમુક્તિનો માર્ગ કંડાર્યો હતો. દાંડીકૂચના જમાનામાં એમણે દલિતોના પીવાના પાણીના અધિકાર માટે મહાડનો જળ સત્યાગ્રહ અને કાલારામ મંદિર સત્યાગ્રહ કરીને સ્વતંત્રતા સાથે સમાનતા અને સ્વરાજ સાથે જ ન્યાયની આહલેક જગવી હતી.

    “દલિતોના અધિકારોના રક્ષણ માટે જ હું બંધારણસભામાં આવ્યો હતો. આ સિવાય મારા મનમાં બીજો કોઈ વિચાર નહોતો”, એમ સ્પષ્ટ કહેનાર ડૉ.આંબેડકરે ભારતના બંધારણમાં દલિતોના અધિકારો આમેજ કરાવ્યા હતા. બંધારણ દ્વારા અસ્પૃશ્યતાની સંપૂર્ણ નાબૂદી તથા શિક્ષણ, રોજગાર અને વિધાનગૃહોમાં અનામતની જોગવાઈ એ ડૉ. આંબેડકરનું મોટું પ્રદાન છે. ચૂંટણીમાં તમામ પુખ્ત નાગરિકને મતનો સમાન અધિકાર સમાનતાવાદી ડૉ. આંબેડકરની દેન છે. એટલે સ્વાભાવિક રીતે જ તેઓનું દલિતોના દિલમાં અનન્ય સ્થાન છે અને તેઓ દલિત મસીહા ગણાય છે.

    જોકે ડૉ. આંબેડકરનું ધ્યેય દલિતોને થોડાક અધિકારો અપાવવાનું જ નહોતું. તેઓ અસ્પૃશ્ય ગણાતા દલિતોને દેશના બરાબરીના નાગરિક બનાવવા માંગતા હતા. તે હિંદુધર્મની વર્ણવ્યવસ્થા કે જાતિપ્રથાની નાબૂદી સિવાય શક્ય નહોતું. એટલે ડૉ. આંબેડકરનું એકમાત્ર જીવનધ્યેય જાતિનું નિર્મૂલન હતું. તે માટે તેમણે “હું હિંદુ તરીકે મરીશ નહીં”નો સંકલ્પ પાર પાડી, અવસાનના થોડાક મહિના પહેલાં જ ધર્મપરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.

    શિક્ષણ, સંગઠન અને સંઘર્ષના આંબેડકરી ત્રિમંત્રમાં શિક્ષણને તેમણે આપેલું પ્રાધાન્ય આજે દેશમાં દલિતોની શૈક્ષણિક પ્રગતિમાં જોવા મળે છે. પરંતુ ડૉ. આંબેડકરને શિક્ષિત કે નોકરિયાત દલિતોથી જ ધરવ નહોતો. તેઓ વર્ણવિહીન, વર્ગવિહીન સમતામૂલક સમાજ ચાહતા હતા. 16મી સપ્ટેમ્બર 1954ના રોજ રાજ્યસભામાં ‘અસ્પૃશ્યતા અપરાધ વિધેયક’ પરની ચર્ચામાં એમણે વિધેયકમાં પ્રયોજાયેલ ‘અસ્પૃશ્ય’ શબ્દ સામે જ વાંધો લીધો હતો. બાબાસાહેબે કહ્યું હતું કે સ્વતંત્ર અને પ્રજાસત્તાક દેશમાં ન કોઈ સ્પૃશ્ય છે કે ન કોઈ અસ્પૃશ્ય; હવે આ દેશમાં સૌ નાગરિક છે- સમાન નાગરિક. એટલે આભડછેટનું આચરણ ડૉ. આંબેડકરને નાગરિક હકનું હનન લાગતું હતું અને આ કાનૂનનું નામ તેમણે ‘નાગરિક હક સંરક્ષણ કાનૂન’ રાખવા સૂચવ્યું હતું.

    નાગરિક માત્રની સમાનતા જેમનો જીવનમંત્ર હતો એવા ડૉ. આંબેડકરને દલિતનેતા તરીકે ખતવી દેવા શું યોગ્ય છે? જોકે બાબાસાહેબને એવા લેબલની કશી ફિકર નહોતી. તેમણે કહેલું, “મેં ક્યારેય એવો દાવો કર્યો નથી કે હું સમગ્ર પીડિત સમુદાયનો નેતા છું. મારી સીમિત ક્ષમતા માટે માત્ર દલિત સમસ્યા જ પર્યાપ્ત છે. મેં ક્યારેય દલિતોની મુક્તિથી વિશેષ વિચાર્યું નથી.” આ ડૉ. આંબેડકરની  વિનમ્રતા કે દલિત પ્રતિબદ્ધતા જ હતી. કેમ કે ભારતના જાહેરજીવનનાં લગભગ તમામ ક્ષેત્રોમાં તેમનું પ્રદાન છે. મુંબઈની ચાલીની નાનકડી ખોલીમાં જીવેલા ડૉ. આંબેડકરને ‘સમગ્ર પીડિત માનવતાની પીડા’નો સહજ ખ્યાલ હતો. મુંબઈની ધારાસભાના સભ્ય તરીકે તેમણે ખેડૂતો પાસેથી બળજબરીથી કૃષિકર વસૂલવાની ‘ખોતીપ્રથા’ અને મહારોની ગુલામગીરી જેવી ‘વતનદારી પદ્ધતિ’ નાબૂદ કરવાના પ્રસ્તાવો વિધાનસભામાં મૂક્યા હતા. કામદારોના હડતાળના હકને છીનવવાના પ્રયાસોનો તેમણે વિરોધ કર્યો હતો.

    1942થી 1946 સુધી ડૉ. આંબેડકર વાઇસરૉયની કારોબારીમાં શ્રમ, સિંચાઈ અને વીજળી વિભાગના મંત્રી હતા. એ સમયે તેમણે કામદાર કલ્યાણના અનેક કાયદાઓ કરાવ્યા હતા. સ્ત્રી-પુરુષને સમાન કામ માટે સમાન વેતન, કામના કલાકોમાં ઘટાડો, સ્ત્રી કામદારોને પૂરા પગારે પ્રસૂતિની રજા, પ્રોવિડન્ટ ફંડ, લઘુતમ વેતન, હકરજા તથા અન્ય રજાના અધિકારો, અકસ્માતમાં વળતર, ખાણ કામદારોની સલામતીનાં પગલાં, સ્રી કામદારનાં બાળકો માટે ઘોડિયાઘર, કામદારોની દાક્તરી તપાસ તથા તેમનાં બાળકોના શિક્ષણની વ્યવસ્થા જેવા કાયદાઓ બાબાસાહેબના પ્રયત્નોનું ફળ છે. ડૉ. આંબેડકરે વાઇસરૉયની કારોબારીના મંત્રી તરીકે જળ, સિંચાઈ અને વીજળી ક્ષેત્રે પાયાનાં કામો કર્યા હતા. બાબાસાહેબના જન્મશતાબ્દી વરસે એમના આ ક્ષેત્રના પ્રદાન અંગે સંશોધનો થયાં હતાં અને હકીકતો પ્રગટ થઈ હતી. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. સુખદેવ થોરાટના માર્ગદર્શનમાં ભારત સરકારે ૧૯૯૩માં ‘જળ સંસાધન વિકાસમાં ડૉ. આંબેડકરનું પ્રદાન’ એ નામે અભ્યાસ પ્રગટ કરતાં બાબાસાહેબનાં મોટા બંધો સહિતના ક્ષેત્રે કરેલાં કામો ઉજાગર થયાં હતાં.

    દલિતો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરનાર ડૉ. આંબેડકરનાં જાહેર કાર્યો અને વિચારો કોઈ એક વર્ગ કે વર્ણ પૂરતાં નહોતાં. ડૉ. આંબેડકરે જે પાંચ સામયિકો (મૂકનાયક, બહિષ્કૃત ભારત, જનતા, સમતા અને પ્રબુદ્ધ ભારત) પ્રગટ કર્યા હતા તેનાં નામોમાં કે તેમણે સ્થાપેલી સામાજિક-શૈક્ષણિક-રાજકીય સંસ્થાઓનાં નામોમાં ક્યાંય જાતિવાદની ગંધ આવે છે ખરી? ૧૯૨૪માં ભારત આવેલા ક્રિપ્સ મિશને દલિતોના અધિકારોની રજૂઆત ‘સ્વતંત્ર મજૂર પક્ષ’ (ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી) કઈ રીતે કરી શકે એવો વાંધો લીધો ત્યારે જ ડૉ. આંબેડકરને ‘શિડ્યૂલ્ડ કાસ્ટ ફેડરેશન’ની રચના કરવી પડેલી, જેનું તેઓ ‘રિપબ્લિકન પાર્ટી’માં રૂપાંતર કરવા માંગતા હતા. બાબાસાહેબના નિર્વાણ પછી તેમના અનુયાયીઓએ 3જી ઑકટોબર ૧૯૫૭ના રોજ ‘શિડ્યૂલ્ડ કાસ્ટ ફેડરેશન’નું વિસર્જન કરી ‘રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા’ની સ્થાપના કરી હતી. આઝાદ ભારતના પ્રથમ કાયદા પ્રધાન આંબેડકરે કોઈ દલિત મુદ્દે નહીં, પણ હિંદુ સ્ત્રીઓને અધિકારો આપતું હિંદુ કોડ બિલ સનાતની હિંદુઓના વિરોધને કારણે પસાર ન થઈ શકતાં રાજીનામુ આપ્યું હતું. આમ ડૉ. આંબેડકરના યુગકાર્યને ઉચિત પરિપેક્ષ્યમાં ખુલ્લા દિલે સમજીએ તો જ તેમના પ્રદાનને મૂલવી શકાશે.


    (લેખકના પુસ્તક ‘ચોતરફ’ પૃષ્ઠ-૧૪૬થી ૧૪૮માંથી,  પ્રકાશક- સાર્થક પ્રકાશન, અમદાવાદ)


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સદાબહાર સૂર શ્રી અવિનાશ વ્યાસ – પદ્મશ્રી અવિનાશ વ્યાસ

    આલેખનઃ રાજુલ કૌશિક

    અણ્ણા હઝારે, અપર્ણા સેન, અમિતાભ બચ્ચન, અલીક પદમશી, અશોક કુમાર અને અવિનાશ વ્યાસ…

    બારાખડીમાં આવતા કાનો-માત્રા વગરના અ પરથી જે નામ લખ્યા એ નામોમાં ‘અ’ ઉપરાંત બીજું શું સામ્ય છે જાણો છો? આ તમામ મહાનુભવોને પદ્મશ્રીનો ખિતાબ એનાયત થયો છે. આપણા માટે સૌથી મહત્વની વાત એ કે, આ સૌમાં આપણા ગુજરાતનું નામ રોશન કરતા સવાયા ગુજરાતી ગીતકાર, સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસનું નામ અહીં સન્માનપૂર્વક મુકાયું છે. તેઓ ૨૫ વખત શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીત માટે ગુજરાત સ્ટેટ ફિલ્મ પુરસ્કારના વિજેતા બન્યા છે અને ૧૯૭૦માં ભારત સરકારે એમને પદ્મશ્રીના ખિતાબથી સન્માન્યા છે.

    જોકે, આ લોકપ્રિયતા કે ખિતાબ પણ સાવ એમ જ સરળતાથી ક્યાં મળ્યા હતા? શરૂઆતના એમના વર્ષો પણ સંઘર્ષમાં ગયા. ૧૯૪૩માં સનરાઈઝ પિક્ચર્સના નિર્માણ નીચે તૈયાર થયેલી ફિલ્મ ‘મહાસતી અનસૂયા’માં એમને તક મળી જેમાં અવિનાશ વ્યાસ, શ્યામસુંદર અને અલ્લારખાં એમ ત્રણ મ્યુઝિક ડાયરેક્ટર હોવા છતાં અથવા ત્રણ મ્યુઝિક ડાયરેક્ટર હોવાના લીધે ઝાઝો યશ તો મળ્યો નહીં પણ અવિનાશ વ્યાસને ‘ સનરાઈઝ પિક્ચરમાંથી છૂટા કરવા પડ્યા હતા. ત્યારબાદ બીજી ૧૯૪૪માં આવેલી હિન્દી ફિલ્મ ‘કૃષ્ણભક્ત બોડાણા’ પણ નિષ્ફળ ગઈ અને ‘વાડીયા મુવીટોન’માંથી એમને છૂટા કરવામાં આવ્યા. એ પછી પ્રાણલાલ ઝવેરીના ‘કીર્તિ પિક્ચર્સ’ માંથી પણ એમને છૂટા થવું પડ્યું.

    આમ જોવા જઈએ તો અમિતાભ બચ્ચન પણ પહેલાં તો રિજેક્ટ થયા જ હતા ને? વાત નિષ્ફળતામાંથી સફળતા સુધી પહોંચવાની કરતાં હોઈએ તો એમાં એ મહાનાયકની જેમ અવિનાશ વ્યાસની પણ કરવી જ પડે.

    આજે આપણે સૌ સફળતાની ટોચે બિરાજેલા અમિતાભ બચ્ચનની જેમ એક ઊંચાઈને આંબેલા અવિનાશ વ્યાસને ઓળખીએ છીએ.

    જેમના માટે સૂર-શબ્દનું સરનામું જેવી ઓળખ પ્રસ્થાપિત થઈ એવા આપણા આ ગૌરવવંતા ગીતકાર અવિનાશ વ્યાસના નામે દસ હજાર ગુજરાતી ગીત રચનાઓ બોલે છે. અવિનાશ વ્યાસે ૧૯૦થી વધુ ગુજરાતી ફિલ્મો અને લગભગ ૬૨ જેટલી હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. એમની દીર્ઘ કારકિર્દી દરમ્યાન ૪૩૬ હિન્દી ગીતો તેમજ ગુજરાતી ફિલ્મો માટે ૧૨૦૦ કરતાં વધુ ગીતો માટે સંગીત આપી ચૂક્યા છે.

    ઘણીવાર એવું બને કે ક્યાંક વિશ્વ વિક્રમ રચાઈ ગયો હોય અને આપણે સાવ જ અજાણ રહી ગયા હોઈએ કારણ કે જેણે વિશ્વ વિક્રમની કક્ષાએ નામ મુકાય એવું કામ કર્યું હતું એમણે તો કદાચ આ અંગે સાવ મૌન જ ધારણ કર્યું અથવા સાવ નિર્લેપતા જ દાખવી. કારણ તો આપણે જાણતા નથી પણ આમ બન્યું છે એ રહી રહીને લોકોની નજરે આવ્યું.

    વાત જાણે એમ છે કે થોડા સમય પહેલાં બોલીવુડના ગીતકાર સમીરને સૌથી વધુ ગીતની રચના માટે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં એન્ટ્રી મળી હતી. સૌથી વધુ એટલે ત્રણ હજાર.. હવે આ ત્રણ હજાર ગીતો જો સૌથી વધુ કહેવાય અને આપણા લોકલાડીલા ગીતકાર અવિનાશ વ્યાસે દસ હજાર ગીતોની રચના કરી છે તો એમને કયા વિશ્વવિક્રમની કક્ષાએ મૂકી શકાય?

    વળી બેસ્ટ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય એવૉર્ડ જીતનારી ફિલ્મ ‘હેલ્લારો’એ એક હવા ઊભી કરી ત્યારે વર્તમાન ગુજરાતી ફિલ્મો અને એમાં અનુભવાતી વિવિધતા, નવિનતા, તાજગીના લીધે સૌનું ધ્યાન ખેચાયું. ‘હેલ્લારો’ના ગીત સંગીતથી તો સૌ અભિભૂત થઈ ગયા. જાણે ‘હેલ્લારો’એ સૌને હિલોળે ચઢાવ્યા.

    ત્યારે અવિનાશ વ્યાસ યાદ આવ્યા વગર રહે ખરા? એમના ગીતો-સંગીત તો આજે પણ લોકોને એટલા જ હિલોળે ચઢાવે છે.

    શરૂઆતના સિત્તેરના દાયકામાં ગુજરાતી ફિલ્મોને અત્યંત લોકપ્રિયતા પ્રાપ્ત થઈ. એ સમયના ગુજરાતી ફિલ્મોના કલાકારોની સાથે અવિનાશ વ્યાસ પણ એટલા જ લોકપ્રિય બન્યા. જાણે ગુજરાતી ગીત-સંગીતના પર્યાય બની ગયા. જોકે, આ સિત્તેરનો દાયકો અવિનાશ વ્યાસના જીવનનો ઉત્તરાર્ધ કહેવાય પણ તેમ હતો છતાં આ સમયગાળામાં એમની લોકપ્રિયતા શિખરને આંબી ગઈ.

    ગીત -સંગીત ઉપરાંત અવિનાશ વ્યાસે ‘મેંદીના પાન’ પુસ્તકની પણ આપણને ભેટ આપી છે. ૧૯૪૭માં પ્રકાશિત આ પુસ્તકમાં તેઓ જે માનતા એ એમણે એકદમ સ્પષ્ટપણે કહ્યું છે કે,….

    “ગીતકારે કથાની માંગ મુજબ ગીત લખવાના હોય છે. સંગીતકારોને પણ અનેક વસ્તુઓને વફાદાર રહેવાનું હોય છે. ગાયન, વાદન અને નર્તન અને સૌથી વધુ રંગભૂમિ પર મંડાયેલી વાર્તા, વાર્તાના પ્રસંગ, પ્રસંગના રંગને પણ ધ્યાનમાં રાખવા પડે છે. આ બધામાં કવિતાને અવકાશ નથી એવું પણ માનવાની જરૂર નથી. એને નહીં નિરખવાનો નિર્ધાર કરીને બેઠેલા એને નિરખતા નથી તોયે એને બિરાજવાનું હોય છે ત્યાં અને ત્યારે પૂર્ણ સન્માન સહ કવિતા આવીને એને આસને બિરાજે છે.”

    ગીત લેખનની એમની સૂઝને ગુજરાતી ફિલ્મોમાં એમણે અમલમાં મુકી છે. અવિનાશ વ્યાસે લોકજીવન, સંસ્કારજીવનને ઉજાગર કરતાં અનેક ગીતો લખ્યા અને સંગીતબદ્ધ કર્યા જે આજે પણ સૌને એટલા જ ગમે છે.

    આજે પણ ગુજરાતી ફિલ્મોમાં અવિનાશ વ્યાસના શબ્દાંકન કરેલા અને સ્વરાંકન કરેલા ગીતો યાદ કરીએ તો કેટલાક રોકડા ગીતો આપણી યાદમાં ઉભરી આવશે.

    ૧૯૫૬ની ફિલ્મ મળેલા જીવ’નું- ‘ચરર ચરર ચકડોળ મારું ચાલે.’

    ૧૯૬૨ની ફિલ્મ કંકુ અને કન્યાનું- ‘આવતા જતાં જરા નજર નાખતા જજો, બીજું તો કાંઈ નહીં પણ કેમ છો કહેતા જજો.’

    ૧૯૭૬ની ફિલ્મ સંતુ રંગીલીનું- ‘મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી.’

    ૧૯૭૭ની ફિલ્મ મા બાપનું- ‘હું અમદાવાદનો રીક્ષાવાળો’

    ૧૯૭૮ની ફિલ્મ મોટા ઘરની વહુનું ‘ઓરી આવે તો તને વાત કહું ખાનગી તું ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી’ જેવા ગીતો ઘણા લોકપ્રિય થયા.

    અને આ બધામાં સૌનું સૌથી પ્રિય એવું ૧૯૮૬માં રીલીઝ થયેલી ફિલ્મ સાત કેદીનું- ગીત ‘હૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ, જામી રમતની ઋતુ.’

    જોકે, ત્યારે આપણે તો આ ગીતના મસ્ત મઝાના રમતાં રમતાં ગવાય એવા શબ્દો અને એક શ્વાસે ગાઈ શકાય એવા ટ્યુન પર આફરિન હતાં.

    સાવ જ રમતિયાળ અંદાજમાં કેટલી મોટી વાત કહી દીધી હતી ! આ જગત તો આખું રમે જ છે પણ સાથે બ્રહ્માંડ પણ એની રીતે હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ રમે છે. એમાં તેજ અને તિમિર હોય કે પાણી અને સમીર હોય, પકડાપકડી તો ચાલતી જ રહે છે . આપણા અંતરમાં બેઠેલા પ્રભુજીને પામવાના બદલે પેલા વાદળની ઓઠે સંતાયેલા પ્રભુજીને શોધવા આપણે તો ઠીક પણ પેલા સંત અને ફકીર પણ ક્યાં ઓછા મથે છે?

    સંસારમાં પણ આટપાટા મંડાયેલા છે. સારા કે નરસા સ્વાર્થ માટે કે પોતાના સત્વને સાધવા જે ખેલ મંડાયો છે એમાં ક્યાં કોઈ બાકાત રહે છે? જીવતર છે ત્યાં સુધી આ મન, તન કે ધનનીય માયા ક્યાં છૂટે છે? એકમેકને પછાડવા કે પરાજિત કરવાના પ્રપંચ પણ ક્યાં નથી રચાતા?

    કેટલો મોટો ગૂઢાર્થ પણ અવિનાશ વ્યારે સાવ સરળ અને સાદી રીતે કહી દીધો છે એ જ એમની ખૂબી છે.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • દરેક ઉદ્યોગ સાહસિકે જોવી જ જોઈએ એવી ૧૦ દસ્તાવેજી ફિલ્મ……

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ

    મોટા ભાગના નવ્ય-ઔદ્યોગિક-સ્ટાર્ટાઅપ સંસ્થાપકો નવુંનવું શીખવા માટેના બોધપાઠોની ખોજ પુસ્તકોમાં કરતાં હોય છે.
    તે પૈકી વધારે વિચક્ષણ લોકો ઉર્ધ્વ પ્રગતિ, જોખમો અને પતન (પાયમાલી) વિશેનાં પુસ્તકોને તેમના વાંચનમાં ખાસ પ્રાથમિકતા આપે છે.
    નરી વાસ્તવિકાઓની કહાણીઓ. માત્ર સુખાંત કથાઓ જ નહીં…

    સિદ્ધાંતો, સૈદ્ધાંતિક માન્યતાઓ જે છુપાવી બેઠેલ હોય છે તે દસ્તાવેજી ફિલ્મો ઉઘાડી કરી મૂકે છે.

    નિદ્રાવિહિન, પાસાં ઘસી ઘસીને વિતાવેલી, રાતો.
    નૈતિક ધર્મસંકટો.
    કરોડો રૂપિયાનાં સામ્રાજ્યોને પળવારમાં ખડા કરતા, કે ધ્વંસ કરી દેતા, નિર્ણયો

    આ યાદી અહીં એટલે મુકી છે કે દરેકમ મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિક એક સત્ય તો આખરે શીખે જ છે:

    બીજાના જખમોમાંથી શીખેલા બોધપાઠ તમારા વિકાસને વેગ આપે છે.

    ૨૦૨૬નાં ઘડતર વિશેનાં તમારાં આયોજનમાં આ દસ દસ્તાવેજી ચિત્રો તમારી વિવેકબુદ્ધિ અને નિર્ણયશક્તિને વધારે ધારદાર બનાવશે, તમારા દૃષ્ટિકોણને વધારે વ્યાપક બનાવશે, અને ન કરવા જેવી ભૂલો કરવામાંથી બચાવશે.

    ચકડોળમાં ઘુમતી આ ફિલ્મો પર નજર કરો.
    એક પછી એક પસંદ કરો.
    દર અઠવાડીયે એક એક કરીને જૂઓ.

    Fyre – The Greatest Party That Never Happened (2019)

    ઐતિહાસિક નિષ્ફળતા. માર્કેટીંગની પતંગોને હવામાં ઉડતી રાખવા  કામગીરીની માંજો પાયેલી દોરની મદદ જોઇએ

    https://www.netflix.com/in/title/81035279

    Pixar Story (2007)

    નાવીન્ય, રચનાત્મકતા અને લવચીક અનુકૂલનશીલતાની ત્રિગુણી રસી વડે પિક્ષરે એનિમેશનને ફરી બેઠું કર્યું અને નવું કરતાં રહેવાની ભૂખ જાળવી રાખી

     The Call of Entrepreneur (2007)

    સ્ટાર્ટ-અપનાં સમરાંગણમાં ધૈર્ય અને હિમંત જોખમોનો પડકાર ઝીલતા અને વિજય વરતા વાસ્તવ જગતના સંસ્થાપકો

    Inside Bill’s Brain: Decoding Bill Gates (2019)

    એકાગ્રતા અને વ્યૂહરચના બાબતે સમસ્યા-નિરાકરણના અને પ્રાથમિકતા આપવાના બીલ ગેટ્સના બોધપાઠ

    Dirty Money (2018)

    ભ્રષ્ટાચાર અને છળકપટને ઉઘાડાં પાડતો અને નૈતિકતા અને ઉત્તરદાયિત્વને યાદ કરાવતા કિસ્સાઓનો અમૂલ્ય સંગ્રહ

    The Inventor: Out for Blood in Silicon Valley (2019)

    પાયા વિનાના પ્રચાર ગુબ્બારાઓનાં જોખમોને છતાં કરતાં થૅરેનૉસ જણાવે છે કે પૂરતી, તલસ્પર્શી, તપાસનો કોઈ વિકલ્પ નથી

    WeWork: Or the Making and Breaking of a $47 Billion Unicorn (2021)

    બહુ ઝડપથી મોટા થવું, કરિશ્માઈ નેતૃત્વ અને બઢાવેલ ચઢાવેલ મૂલ્ય-આકારણીઓની સામે ચેતવણીના સુરની કહાણી

    Becoming Warren Buffet (2017)

    ઓમાહાના ઋષિ પાસેથી ધૈર્ય, કરકાસર અને લાંબા ગાળાની વિચારસરણીના પાઠ શીખીએ

    Enron: The Smartest Guys in the Room (2005)

    નૈતિકતાના અવળા પાઠમાં ઊંડી ડૂબકી – છેતરપિંડીઓના ખેલમાં ચમરબંધીઓ ધૂળ ચાટતા કેમ થયા તે જૂઓ

    Startup.com (2001)

    ડૉટ.કોમ પરપોટાની ફુલવાની અને ફાટવાની હકીકતની તપાસ, આંતરિક સંઘર્ષો અને ફન્ડીગનાં જોખમોની માયાજાળ

    તમારી આવતી કાલ તમારી આભારી બની રહેશે.

    → બીજાંની ચડતી પડતીનો અભ્યાસ આપણી પોતાની પ્રગતિના વેગનો ગુણાકાર કરી આપી શકે છે.


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સંચાલકોને પ્રશિક્ષકની ભૂમિકામાં તૈયાર કરીને સંસ્થામાં ટીમોને સશક્ત કરીએ

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    આ વિષય દ્વારા એક એવાં વિચારબીજને રોપવાનો આશય છે  જે સંસ્થાના માળખાને નાટ્યાત્મક રીતે સશક્ત બનાવી શકે છે. સંચાલક અથવા ટીમ લીડના પદ પરના દરેકને દર મહિને ઓછામાં ઓછા બે કલાક અન્ય લોકોને (પહેલી પસંદગી તેમની ટીમોને આપી શકાય) તાલીમ આપવા માટે કહો. વિષય તેઓ જ નક્કી કરે. (મોટાભાગે તેમનાં પ્રાથમિક કૌશલ્ય ક્ષેત્ર, પ્રક્રિયાઓ, પદ્ધતિઓ, સોફ્ટ સ્કિલ અથવા એવા કોઈ પણ વિષય પસંદ કરી શકાય. ક્યારેક ક્યારેક માત્ર વ્યક્તવ્ય કે પ્રેઝન્ટેશન પણ આયોજી શકાય.

    થોડા ફાયદા:

    • સંચાલક અથવા ટીમ લીડ્સ આ વિષયો વિશે પોતે પણ નવી નવી બાબતો શીખી શકે છે.
    • આ પ્રયોગ દ્વારા તેઓ વિચાર પ્રક્રિયા, વિચારોની રજૂઆત અને જાહેરમાં બોલવાની બાબતે વધુ સારી કુશળતા મેળવી શકે છે.
    • પોતાના અનુભવો અને તારણો બીજાંઓ સાથે વહેચવાની સાથે સાથે સામેના લોકોને આ વિષય વિશેના આગવા દ્રષ્ટિકોણ સમજાવી શકાશે અને લોકોના દૃષ્ટિકોણ સમજી શકાશે.
    • ટીમના સભ્યો તેમના સંચાલક અથવા ટીમ લીડને પોતાના કાર્યક્ષેત્રોમાં જ્ઞાન વૃદ્ધિ દ્વારા થતાં મૂલ્યવર્ધન માટે સન્માન આપવાનું શરૂ કરી શકે છે.

    આ પ્રયોગ, શરૂઆતમાં  ત્રણ મહિના માટે કરી જૂઓ. હાજરીની સંખ્યા અને ગુણવત્તાની નોંધ રાખો અને ખર્ચવામાં આવેલા પ્રયત્નોનું માપ કાઢો – આ પ્રયાસનું ખર્ચ પરનું વળતર સારૂ  રહેવું જોઈએ કેમકે તે લોકો વચ્ચે મજબૂત કડીઓ બનાવે છે.

    બહુ જટિલ વિષયોને પસંદ ન કરીને જ્યારે તાલીમનું ભારણ ઓછું રાખવામાં આવે છે ત્યારે તે સૌથી અસરકારક હોય છે. વધુમાં – તે સતત શીખવાનાં વાતાવરણને પોષે છે.

    પ્રયોગ કરી જોવા જેવો જરૂર છે !


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • ગયાના – નદીઓ અને જંગલોનો દેશ : ૭

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    મોટી વૅન લેવા આવે એની રાહ જોવામાં સવા-દોઢ કલાક નીકળી ગયો. અહીંથી અમે જિયો, એટલેકે જ્યૉર્જ ટાઉન, પાછાં જવાનાં હતાં. એ જ રસ્તે જતાં, હવે મેં જોયું, કે ક્યાંક ક્યાંક મોટાં સરસ ઘર હતાં, નવાં રંગેલાં, મૉડર્ન લાગતાં; અને બરાબર સામે જ, જૂનાં, સાધારણ ઘર પણ હોય. આનું પણ એક સ્પષ્ટ એવું કારણ છે.

    ગયાના તો ઘણો નાનો દેશ ગણાય. એની વસ્તી હશે  આઠેક લાખથી પણ ઓછી. એમાં પણ પૈસાદાર ને ગરીબના સ્પષ્ટ ભેદ થયેલા છે. બીજી જાતિઓના લોકોમાં, તેમજ ઇન્ડિયનોની અંદર પણ આ ભેદ છે. કારણ એ છે, કે લાખો ગયાનિઝ લોકો કૅનૅડા, અમેરિકા, ઇંગ્લંડ જેવા પરદેશોમાં જઈ વસ્યાં છે. એ બધાં પોતપોતાનાં કુટુંબોને પૈસા મોકલે છે, આર્થિક મદદ કરે છે, અને તેથી આ કુટુંબો વધારે સુખી જીવન ગાળી શકે છે.

    એક એવો પણ વર્ગ છે, કે જે આધુનિક છે, સુશિક્ષિત છે, પરદેશોમાં ફરવા જાય છે, અંગ્રેજી બોલે છે, એમની છોકરીઓ જીન્સ ને કુરતી જેવાં કપડાં પહેરે છે, એમના છોકરાઓ કાળાં ગૉગલ્સ પહેરીને ગાડીઓ ફેરવે છે. તો બીજો વર્ગ, કદાચ, ખેતીમાં કામ કરનારાંનો હશે, કે જેમની જિંદગી આનાથી સાવ જુદી હશે.

    મોટા ભાગનાં દરદીઓ આ પ્રકારનાં હતાં, તેમ કહી શકાય. શારીરિક શ્રમ અને માનસિક નિષ્ક્રીયતા – આવા પ્રકારનું જીવન જીવતાં હોય, મુખ્યત્વે તેવાં સ્ત્રી-પુરુષોને અમે બે દિવસથી તપાસતાં રહ્યાં હતાં. પછીથી મારે ગયાનાના શ્રીમંત વર્ગ સાથે પણ સંપર્ક થયા હતા. સદ્ભાગ્યે મને દેશની બંને બાજુ જોવા મળી હતી.

    એ સાંજે જિયોની હોટેલમાં પહોંચ્યાં પછી રાતનું ભોજન ક્યાં લેવું, તે વિષે થોડી વિમાસણ થયેલી. શાકાહારી ખાવાનું જલદી મળે નહીં, અહીં બહાર. આવતી વખતે, અમે બેએક જણાંએ પિત્ઝાની એક રૅસ્ટૉરાઁ રસ્તામાં જોયેલી. એ ચાલીને જવાય તેટલે જ હતી. તેથી અમે પંદર જણ ત્યાં ગયાં. રસ્તા પર બહુ બત્તીઓ નહીં, અને ફૂટપાથ પર ચાલતાં, ઠોકર ના વાગે તે સાચવવું પડે. ચાલો ભાઈ, પિત્ઝા હતા તો સારા!

    સવાર તો વહેલી જ પડવાની હતી, તે અમે જાણતાં હતાં. પાંચથી યે પહેલાં બધાંને ઊઠવું પડ્યું, અને ઉતાવળે, સાડા પાંચ વાગતાંમાં તો અમે વૅનમાં બેસી ગયાં હતાં. પરિકા પહોંચતાં એક કલાક થવાનો હતો.

    ડૅમૅરારા નદી પરનો, સવા માઇલ લાંબો, પુલ પસાર કર્યો. ડચ ઍન્જિનિયરો દ્વારા, એ પાંત્રીસ વર્ષ પહેલાં બંધાયેલો. વહાણો પસાર થવાનાં હોય ત્યારે આ બ્રિજ પણ બે ભાગે ખુલી જાય છે. ફરીથી જોઈએ, અને ફરીથી સુંદર લાગે આ નદીઓ. સૂકી નદી એટલે શું, એની કલ્પના પણ ના આવે અહીં કોઈને.

    નદીના કાંઠા સળંગ લીલા દેખાય છે. કદાચ એ બધા મૅન્ગ્રોવ જળ-વૃક્શ હશે. અમે નદી પાર કરીને આગળ વધતાં ગયાં. બધું સરખા જેવું જ લાગે – ઘર, મસ્જિદ, ચર્ચ. કમાનો, ગુંબજ ને મિનારાવળી બે-ત્રણ મસ્જિદ બહુ સરસ લાગી. મેં જોયું કે ઘર સરસ હોય, મોટાં ને મોંઘાં હોય, ત્યારે પણ સાફસૂથરાં નથી લાગતાં. ને પછી મને ખ્યાલ આવ્યો, કે કારણ એ કે આ રસ્તાઓ પર કોઈ ફૂટપાથ, કે પાકી કિનારીઓ હોતી નથી. એટલે બધાં ઘર ધૂળિયા જેવા રસ્તા પર જ હોય.

    સવા કલાક થયો, ને અમે ડાબે વળ્યાં. ઍસૅકીબો નદી તરફ. એ પરિકા નામનું બંદર હતું. હજી તો સવારે સાત વાગતા હતા, ને પ્રવૃત્તિઓનો પાર નહતો. પેલી તરફનાં ગામોમાં જવા માટે, આ નદી પરનું મુખ્ય ક્રૉસિન્ગ આ છે. હોડીઓ અને હોડીવાળાઓ હાજર હતા. મોટરબોટો પાણીમાં હાલતી હતી. ટિકિટબારી ખુલી ગઈ હતી.

    સ્થાનિક લોકો ભેગા થયેલા હતા. જાહેર નૌકાઓ સવારે પાંચ વાગ્યાથી શરૂ થઈ જાય છે. નદીના કિનારા પરનાં ગામોમાં થોભતી થોભતી જાય, એટલે ઘણી વાર થાય છે એમાં.

    ડક્કા પર પણ ધમાલ હતી. એક મોટું વહાણ નાંગરેલું હતું. એમાં માલસામાન લઈ જવાય છે, સામેનાં કિનારા પરનાં ગામોમાં. ચીજો ચઢાવાતી હતી. લીલા કાચ જેવા કેળાંની મોટી મોટી લૂમો વહાણમાં મૂકાવાની રાહ જોતી હતી. ચારે બાજુ હૈશો-હૈશો હતું જાણે. પણ જોવાની કેવી મઝા.

    એક મોટરબોટમાં અમે બધાં ચઢ્યાં. ઘણી નાની બોટ હતી. એકદમ ટાઇટ બેસવું પડ્યું બધાંને. અમારી સાથે, દરેક જણની રાત્રી-બૅગો હતી, અને દવાઓ ભરેલા ત્રણ મોટા બૉક્સ પણ હતા. બધું માંડ માયું. વળી, અમારે દરેકે કેસરી લાઇફ-જૅકૅટ પણ પહેરવાં પડ્યાં.

    બોટ ચાલવા માંડી કે ઘણું બધું પાણી ફીણ ફીણ થઈને ફુત્કારવા લાગ્યું, અને બોટની બંને બાજુએ પાણીની મોટી દીવાલો થતી ચાલી. અંદર સૂરજ બીલકુલ પહોંચતો નહતો, અને કૈંક પવન આવતો હતો, એટલે સંકડાશ હતી છતાં બહુ વાંધો ના આવ્યો.

    આ ઍસૅકીબો નદી શક્તિવાન અને શોભનીય છે- માઇટી અને મૅગ્નિફિસન્ટ. ગયાનાની સૌથી મોટી નદી આ છે. બ્રાઝીલની સરહદ પાસે, ગયાનામાં દક્શિણ તરફ આવેલા આકારાઇ પર્વતોમાંથી એ નીકળે છે, અને ઉત્તર તરફ ગતિ કરે છે. દેશનાં જંગલો તેમજ મેદાનોમાં થતી, અન્ય નદીઓને પોતાનામાં સમાવતી, ૧,૦૧૦ કિ.મિ.નું અંતર કાપી, છેવટે એ ઍટલાન્ટીકમાં ભળે છે.

    ખરેખર તો, ઍસૅકીબો નદીનું સ્વરૂપ જ સમુદ્ર જેવું છે. વહેણમાં લગભગ હંમેશાં, એનો પટ ઘણો વિશાળ જ રહે છે, પણ ઍટલાન્ટીકમાં સમર્પિત થાય છે ત્યારે એની પહોળાઈ એવી બને છે, કે જેને માપી ના શકાય. એટલેકે, કલ્પના કરી ના શકાય તેટલી પહોળાઈ એનો પટ ધારણ કરે છે.

    Majestic Delta of the Essequibo River Flowing into the Atlantic Ocean – Guyana, South America
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    એના મુખ-ત્રિકોણમાં અસંખ્ય ટાપુઓ, અને છીછરા, કાદવિયા હિસ્સા પણ છે. ને તેથી જ એનું માપ કાઢવું અઘરું છે. છતાં, આશરે, એના મુખને બત્રીસ કિ.મિ.થી વધારે પહોળું ગણવામાં આવે છે. મહાસાગરમાં ભળતી આ મહાનદ છે, જાણે ગયાનાની પોતાની ગંગા….


    ક્રમશઃ


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • આર્થિક હિત મહત્ત્વનું, નહીં કે પ્રકૃતિ સાથેનું જોડાણ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    વિવિધ સંસ્થાઓ, સંશોધન કેન્‍દ્રો યા અન્ય એકમો દ્વારા દર વર્ષે અનેકવિધ ક્ષેત્રનાં સંશોધનો કે સર્વેક્ષણો થતાં રહે છે. આવાં સંશોધનોનાં પરિણામ અને તારણ પ્રકાશિત થાય એ અધિકૃત હોય, છતાં એ સાર્વત્રિક ધોરણે લાગુ પાડી ન શકાય, કેમ કે, તે નમૂનારૂપ અભ્યાસ હોય છે. એટલે કે તે અમુકતમુક બાબત, પ્રવાહ કે સ્થિતિનો અંદાજ આપી શકે છે. એ રીતે તે ઊપયોગી પણ છે. હમણાં ઈન્‍ગ્લેન્‍ડસ્થિત યુનિવર્સિટી ઑફ ડર્બીના પ્રો.માઈલ્સ રિચર્ડસનની આગેવાનીમાં બ્રિટન અને ઓસ્ટ્રિયાના સંશોધકોએ ૨૦૨૪માં હાથ ધરેલા એક અભ્યાસનાં પરિણામ ‘જર્નલ ઓફ એન્‍વાયર્ન્‍મેન્‍ટલ સાઈકોલોજી’માં પ્રકાશિત કરવામાં આવ્યાં. પ્રો.માઈલ્સ ‘નેચર કનેક્‍ટેડનેસ’ના પ્રાધ્યાપક છે. ‘નેચર કનેક્‍ટેડનેસ’ એટલે પ્રકૃતિ સાથેનું જોડાણ. આ વિચાર મનોવૈજ્ઞાનિક છે, જે અન્ય પ્રજાતિઓ સાથે જે તે વ્યક્તિ કે સમૂહની નિકટતાનું માપ છે. તેના માપન માટે વિવિધ માપદંડ છે, જેનો સાર એટલો કે તમે તમારી આસપાસના પર્યાવરણ કે પ્રજાતિઓ સાથે કેવીક સુસંગતતા જાળવીને રહી શકો છો.

    સાંદર્ભિક તસવીર – નેટ પરથી

    અભ્યાસનાં પરિણામો કેવાં મળ્યાં? જે લોકો પ્રકૃતિ સાથે વધુ સારી રીતે જોડાયેલા હોય છે તેમની સુખાકારી બહેતર હોય છે, અને તેઓ પર્યાવરણ સાથે સુસંગત રીતરસમો વહેવારમાં અપનાવતા જોવા મળે છે. પ્રકૃતિ સાથે ઓછા જોડાયેલા લોકોમાં એ માટેનાં ત્રણ મુખ્ય પરિબળો જવાબદાર હોવાનું જણાયું. તેમાં આસપાસની જૈવવિવિધતાનો અભાવ હોવાની સાથોસાથ વ્યક્તિગત અસમાનતા અને ભૌતિક પ્રાપ્તિની પ્રાથમિકતા હોવાનું જણાયું. એક વિચિત્ર બાબત એ પણ નજરે પડી કે વિજ્ઞાનની સરખામણીએ ધાર્મિકતાનો યા સાંસ્કૃતિક પરંપરાનો સ્વીકાર વધુ પ્રમાણમાં હોય એવા સમાજમાં પ્રકૃતિ સાથેનું જોડાણ વધુ જણાયું.

    કુલ ૬૧ દેશોના ૫૭,૦૦૦ લોકોના કરાયેલા અભ્યાસના પરિણામમાં જોવા મળ્યું કે પ્રકૃતિ સાથે સૌથી વધુ જોડાયેલો દેશ નેપાળ છે. પછીના ક્રમે ઈરાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને નાઈજીરિયા આવે છે. યુરોપીય સંઘમાંથી કેવળ ક્રોએશિઆ અને બલ્ગેરિઆ જ પ્રથમ દસમાં સ્થાન પામ્યા છે, જ્યારે ફ્રાન્‍સ ૧૯મા સ્થાને છે. જે દેશની યુનિવર્સિટી દ્વારા આ અભ્યાસ હાથ ધરાયો એ બ્રિટન છેક પંચાવનમા સ્થાને છે. બ્રિટનથી પણ પછીના ક્રમે નેધરલેન્‍ડ્સ, કેનેડા, જર્મની, ઈઝરાયલ, જાપાન અને સ્પેન છે. ભારતનો ક્રમાંક ત્રીસમો છે.

    પરિણામ તો બરાબર, પણ આ અભ્યાસ કેટલાંક તારણો દર્શાવે છે, જે ઘણાં મહત્ત્વનાં છે. ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ (સરળતાથી વ્યવસાય કરી શકાય એવી સરકારી નીતિ) અમલી છે, એવા દેશોનું પ્રકૃતિ સાથેનું જોડાણ ઓછું છે. અર્થાત આ બન્ને બાબતો વચ્ચે સીધો સંબંધ છે. પર્યાવરણ ક્ષેત્રે કામ કરતાં અનેક સંગઠનો બ્રિટનમાં કાર્યરત છે, છતાં પ્રકૃતિ સાથેની નિકટતામાં એ પાછલા ક્રમે છે. એટલે કે આ સંગઠનોની કાર્યવાહીની ખાસ અસર બ્રિટનમાં જણાઈ નથી. પ્રકૃતિ સાથેની નિકટતાના અભાવ માટે શહેરીકરણ, તદ્દન ઓછી આવક તેમજ ઈન્‍ટરનેટના વપરાશનો સીધો સંબંધ જણાયો.

    પ્રો.રિચર્ડસન આ બાબતે જણાવે છે: ‘પ્રકૃતિ સાથેનું જોડાણ આપણે શું કરીએ છીએ એટલા પૂરતું મર્યાદિત નથી. આપણે શું અનુભવીએ છીએ, વિચારીએ છીએ અને જગતમાં આપણા સ્થળનું શું મૂલ્ય આંકીએ છીએ એ બધા પર આનો આધાર છે.” આ બાબતે બ્રિટન પાછલા ક્રમે હોય એમાં પ્રો. માઈલ્સને નવાઈ નથી લાગતી, કેમ કે, તેમના જણાવ્યા અનુસાર: ‘આપણો સમાજ વધુ તાર્કિક, આર્થિક અને વૈજ્ઞાનિક બની ચૂક્યો છે. તેનાથી દેખીતો ઘણો બધો લાભ થયો છે, પણ તેની સામે કેટલીય અણધારી સમસ્યાઓ પેદા થઈ છે. ટેક્નોલોજી પર અતિશય આધારિત આપણા વિશ્વમાં આપણે પ્રકૃતિલક્ષી વિચારણાને શી રીતે પુન: સમાવીશું? સંસ્કૃતિને બદલવાનું મુશ્કેલ છે, પણ પ્રકૃતિના મૂલ્યને મુખ્ય ધારામાં લાવવું, તેને આપણી સુખાકારી સાથે સાંકળવું અતિ મહત્ત્વનું છે, જેથી તે એક પ્રકારે આદરપાત્ર અને પવિત્ર બાબત બને.’

    તેમણે કેટલાંક સૂચનો પણ કર્યાં છે. જેમ કે, માનસિક અને જાહેર સ્વાસ્થ્યસંબંધી ચિકિત્સામાં નૈસર્ગિક પર્યાવરણનો ઊપયોગ વધારવામાં આવે, પ્રકૃતિના હક અંગે કાનૂનની જોગવાઈઓ તૈયાર કરાવી શકાય, અને વ્યાવસયિક નિર્ણયો તેમજ નીતિઓમાં પ્રકૃતિને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવે. વ્યાવસાયિક નીતિઓ પર પુનર્વિચાર કરીને, પ્રકૃતિને કેન્‍દ્રમાં રાખીને ફેરવિચારણા કરી જ શકાય છે. કુદરતને સંસાધન નહીં, પણ સહભાગી ગણીને વિચારાય તો આ શક્ય બને.

    આ અભ્યાસ ભલે બ્રિટનમાં થયો, અને તેનાં પરિણામમાં વિવિધ દેશો અલગ અલગ સ્થાને આવ્યા, પણ મૂળ મુદ્દો અતિ મહત્ત્વનો છે, જે એકે એક દેશને લાગુ પડે છે. પોતાના દેશ કે પ્રદેશને આર્થિક તાકાત બનાવવાની લ્હાયમાં પર્યાવરણનો ખો કાઢી નીકળી ગયો હોવાની વાત જૂની થઈ. કુદરત સાથેનું આપણું જોડાણ સાવ ઘસાઈને તૂટી જાય એ કેવી વક્રતા! બ્રિટન જેવા વિકસીત દેશની આ હાલત હોય તો આપણો દેશ હજી વિકાસશીલ છે. અનેક યોજના, પરિયોજના કે પ્રકલ્પો આપણે ત્યાં નિર્માણાધીન છે. પર્યાવરણના અભ્યાસ કાગળ પર થાય છે ખરા, પણ વિપરીત અસર થઈને જ રહે છે. આ પરિયોજનામાં મૂડીવાદ અને ભ્રષ્ટાચાર ભળે પછી કુદરત શું અને પર્યાવરણ શું? કેન્દ્રમાં માત્ર ને માત્ર આર્થિક હિત જ હોય છે, અને એ પણ મુઠ્ઠીભર વર્ગનું.

    આ બાબતે એવી ફિકર પણ વ્યક્ત કરી શકાય એવી નથી કે ભાવિ પેઢી આમ ને આમ પ્રકૃતિથી વિમુખ થઈ જશે. કેમ કે, વર્તમાન પેઢીમાં આમ થઈ જ ચૂક્યું છે.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૭- ૧૧– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • ડેવિડ મેલોન અને ઈચ્છામૃત્યુ

    અતિ પીડાદાયક જીવલેણ રોગ દર્દીનું જીવવું દુષ્કર બનાવી દે છે અને પરિવારને થકવી નાખે એવી શારીરિક અને માનસિક તાણ સર્જે છે. દવા કંઈ કામ ન કરતી હોય અને અંત નિશ્ચિત હોય ત્યારે આ પીડા લંબાવવાને બદલે સામે ચાલીને તબીબી સહાયથી એનો અંત આણી દેવા માટે કાયદેસર પરવાનગી આપવાની માગણી આપણે ત્યાં ચળવળ સ્વરૂપે મીનુ મસાણીએ શરુ કરી હતી.

    ભારતમાં કેનેડાના હાઈ કમિશનર રહી ચૂકેલા ડેવિડ મેલોને ગત વર્ષે લીધેલા નિર્ણય મુજબ ૨૪મી નવેમ્બરે તબીબી સહાયથી મૃત્યુ વહોરી લીધું.

    આ ઘટનાના અનુસંધાનમાં ભારતના ટોચના પત્રકાર – લેખક પ્રતાપ ભાનુ મહેતાએ ૨૯ નવેમ્બરના ઇન્ડિયન એક્સપ્રેસમાં લખેલ લેખ, In thinking of the good death, what are the lines we ought to draw?,માં ભારત પ્રત્યે સવિશેષ પ્રેમ ધરાવતા ડેવિડ મેલોનને યાદ કરવા ઉપરાંત ઈચ્છામૃત્યુ વિશે પણ બહુ જ વિચારપ્રેરક ચર્ચા કરી છે.

    એ લખાણને થોડું ટૂંકાવીને એનો ભાવાનુવાદ અહીં રજૂ કર્યો છે.

    નરેશ પ્ર. માંકડ

    તમારો મિત્ર પોતાના આ દુનિયામાંથી વિદાય થવાની તારીખ જણાવતો પત્ર મોકલે તો તમે શું પ્રતિભાવ આપો?  કેનેડાના ભારત ખાતેના ભૂતપૂર્વ હાઈ કમિશનર ડેવિડ મેલોને બે માસમાં મૃત્યુ માટે તબીબી સહાય (Medical Assistance in Dying MAiD)[1]ના કાર્યક્રમની પોતાના ઈચ્છામૃત્યુ માટે પસંદગી કરી છે એ વાત મિત્રો વચ્ચે પ્રગટ કરી હતી.  આ નિર્ણય, જોકે, સંપૂર્ણતઃ આશ્ચર્યકારક નહોતો.  તેઓ જેને પોતાની ગુડબાય વર્લ્ડ ટૂર કહેતા હતા એ યાત્રા દરમ્યાન ઓક્ટોબર ૨૦૨૪માં દિલ્હી આવ્યા હતા, ત્યારે  અમે  મળ્યા હતા. ડેવિડે પોતાને બહુ શરૂઆતના અલ્ઝાઇમરનું નિદાન થયું હોવાનો અને પોતે MAiDનો માર્ગ લેવાનો વિચાર કરી રહ્યા છે એવો ઉલ્લેખ કર્યો હતો. એમણે ટૂંકમાં જ જણાવ્યું હતું કે “એ ખરેખર તો મૃત્યુના બે અલગ રસ્તાઓ વચ્ચેની પસંદગી છે,”

    ડેવિડની સંપૂર્ણ સાહજિકતા માટે સન્માન થવાનું હું સ્વીકારું છું. યાદશક્તિ ભૂંસાઈ જાય તેની પૂર્વકલ્પના કેવી ભયાનક લાગતી હશે એની મને જાણ નથી

    આપણે મૃત્યુને એક અમૂર્ત બાબત તરીકે લઈએ છીએ. પણ તમને જાણ હોય કે એક નિશ્ચિત સમયે તમારી વિદાયની તમે વ્યવસ્થા કરી રહ્યા છો તો કંઈ ફેર પડશે?  વૂડી એલને કહ્યું હતું, “મને મૃત્યુનો ભય નથી, હું માત્ર એ બને ત્યારે ત્યાં હોવા નથી માગતો.” ( I am not afraid of death, but I don’t want to be there when it happens.). ફિલસૂફીની રીતે પોતાના મૃત્યુ માટે “ત્યાં હોવું” (being there) એ ખ્યાલ વ્યથાકારક છે. પણ ડેવિડ તો વિચારતા હતા કે કેવળ કલ્પનામાં પણ સમય “ત્યાં હોવું” ની સહુથી નિકટનો સમય છે કે કેમ.

    મૃત્યુ માટે તબીબી સહાય (MAiD) એ ઈચ્છામૃત્યુ (euthanasia), નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ (passive euthanasia) કે આપઘાત નથી. MAiD માં તમે અતિગંભીર અને કોઈ સંજોગોમાં સુધારી ન શકાય એવી તબીબી હાલતમાં હો એ કારણે તમે જીવવાની ઇચ્છા ન ધરાવતા હો એ સ્થિતિ હોવી જોઈએ.

    ભારતમાં ૨૦૧૮માં નિષ્ક્રિય ઈચ્છામૃત્યુને કાનૂની માન્યતા અપાઈ છે અને એને જીવનના અધિકાર સાથે સાંકળવામાં આવેલ છે.

    ઘણા દેશોમાં મૃત્યુ માટે તબીબી સહાય (MAiD), ઈચ્છામૃત્યુ (euthanasia) કે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ (passive euthanasia) માટેના  નિર્ણય માટે અલગ અલગ વિચારો પ્રવર્તે છે.  Passive euthanasia અથવા સારવાર બંધ કરવાની રીત બહુ વ્યાપક રીતે સ્વીકૃત છે.  આપણી અદાલતોએ અરુણા શાનબાગના ચુકાદામાં એ માર્ગ ખુલ્લો મૂક્યો છે. બ્રિટનમાં રોગ ઘાતક હોવો જોઈએ, જેમાં નિદાનમાં જીવન માટે છ માસથી વધુ સમય ન રહ્યો હોય . કેનેડા, સ્વિટ્ઝર્લૅન્ડ અને નેધરલેન્ડમાં વધુ ઉદાર નિયમો છે. નેધરલેન્ડમાં  આ રીતના મૃત્યુ કુલ મરણના પાંચ ટકા જેટલા છે. સન્માનભેર મૃત્યુની ચળવળ વિશ્વમાં ફેલાતી જાય છે. એશિયામાં તેના પર સહુથી વધુ અવરોધક નિયમો છે.

    આધુનિક ભારતમાં મીનુ મસાણીએ આ વિચારને ચળવળનું રૂપ આપ્યું.  એમણે શ્રોતાઓને એ વાતની યાદ અપાવી હતી કે ભારતની પ્રાચીન ફિલસૂફીમાં સારાં જીવન જેટલું જ મહત્વ સારાં મરણનું છે.  ભારતમાં તો ફિલસૂફી અને સાહિત્યમાં મૃત્યુને પસંદ કરવાની કલ્પના – રામની જળસમાધિથી માંડીને જૈનના સંથારા સુધી – સહુથી સમૃદ્ધ છે. આપણે મૃત્યુના ઘટનાક્રમના અભ્યાસના અને મરણની પૂર્વધારણાના સહુથી ઊંડા ભંડાર ધરાવીએ છીએ. મસાણીની ચિંતા એ હતી કે આપણે આ વિષયથી મોઢું ફેરવી ન લઈએ.

    સન્માનપૂર્વક મૃત્યુના અધિકારના વિસ્તરણ બાબતમાં કઠિન નીતિગત અને સંસ્થાગત મુદ્દાઓ ઊભા થાય છે.  મૃત્યુનો નિર્ણય લેવાનું કામ સામાજિક નિષ્ફળતા, આર્થિક ભીંસ, એકલતા અથવા રાહતદાયક સંભાળના અભાવનું પ્રતિબિંબ તો નથી પાડતું એની ખાતરી શી રીતે કરવી? વાસ્તવમાં તો રાહતદાયક સંભાળ (hospice) ની ચળવળ મૃત્યુના અધિકારના વિરોધમાં અણધાર્યું પરિબળ છે.

    મારા એક ફિલસૂફ મિત્ર મજાક કરતા કે મૃત્યુનો વિષય એવો છે જેમાં દલીલોનું પણ મૃત્યુ થાય છે.  મૃત્યુના હક્ક માટેની બીજી ઘણી ચળવળ માટે, તેમ જ મસાણી માટે, આ આખો મુદ્દો વ્યક્તિગત સ્વાયત્તતાનાં મૂલ્ય પર આધારિત છે: એ પોતાની પસંદગીની અભિવ્યક્તિ હોવી જોઈએ. આ સીધીસાદી દલીલ નથી. સ્વાયત્તતાના નામે સ્વાયત્ત વ્યક્તિને જ અંત લાવવાના અધિકારનો સમાવેશ કેવી રીતે થઈ શકે?

    વ્યકિત સ્વાયત્ત એજન્ટ તરીકે કામ કરી શકે તેમ ન હોય એ સંજોગો ટાળવા માટેની તરફેણની દલીલો પૈકી કેટલીક તબીબી સહાયથી મૃત્યુ (MAiD) તો કેટલીક ઈચ્છામૃત્યુ (euthanasia)ના સ્વરૂપોમાં સામે આવવા લાગી છે, કરે છે. ડેવિડ સ્વાયત્ત વ્યક્તિ તરીકે વિદાય લેવા માગતા હતા.  ડેવિડના ઇમેઇલ સ્વાયત્તતા અને યાતના વિશે સચોટ દલીલ કરતા હતા પણ એ નબળા પાયા પર ઉભી કરેલી વાત હતી.  એમની વિદાયના બે અઠવાડિયાં પહેલાં આંતર રાષ્ટ્રીય કાનૂન પરના એમના શરૂઆતના કાર્ય વિશે મેં એમને લખ્યું હતું.  એણે વળતું લખ્યું, ” તમે મારા દિવસને આનંદઉત્સાહિત  કરી દીધો. ભારતની ખામીઓ છતાં ભારત માટે મને ઊંડો પ્રેમ છે.  એની પાસે કેનેડા નીરસ અને અતિસામાન્ય લાગે.  હું મારા ભારતીય મિત્રોની ખોટ અનુભવું છું – સહુથી વિશેષ તો તમારી. પરંતુ મને આશા છે આપણે ભવિષ્યમાં એક વધુ સારી દુનિયામાં મળશું.” પછી પાદનોંધ  હતી: ” મને અફસોસ છે કે આ બહુ ટૂંકું છે. જેમ જેમ હું splg (spelling) ની ભૂલો કરતો જાઉં છું તેમ તેમ પંક્તિઓ મારા માટે પીડાદાયક બનતી જાય છે.”

    યાતના દેખીતી જ હતી. સ્પષ્ટતાવાળા ફકરા છૂટાછવાયા થતા જતા હતા. પણ સ્પેલિંગ માટે મથામણ? લાગણીની સ્પષ્ટતા?  હું નક્કી નહોતો કરી શકતો કે રેખા ક્યાં ખેંચાયેલી છે. ડેવિડનું આત્મસન્માન અને સ્વાયત્તતા ક્યાં જોખમાય છે. મને ડેવિડની નિશ્ચિતતાની ઈર્ષા થતી હતી.  કેટલી ઝડપથી અંગત ભયાનકતા જાહેર સિદ્ધાંત બની શકે છે એ વાતથી હું વ્યથિત હતો.  કેનેડા વધુ પડતું આગળ વધી ગયું છે? ભારત હજુ જોઈએ એટલું આગળ નથી વધ્યું?  જેમ વધારે ને વધારે દેશો મૃત્યુસહાય બાબતે આગળ વધતા જશે  તેમ એકલતા, અસમાનતા, અને સંસ્થાગત પરિત્યાગ અને એટલા જ પ્રમાણમાં માંદગીના કારણોથી દોરવાઈને  મૃત્યુસહાયને યોગ્ય ઠરાવવા માટે સ્વાયત્તાનો મુદ્દાઓ ઉઠાવાતા રહેશે.  ડેવિડ તો જે રેખા હજી જોઈ શકતા હતા તેની તરફ આગળ ચાલ્યા ગયા. પણ  આપણે સદ્‍મૃત્યુના વિચાર બાબતે કઈ રેખાઓ ખેંચવી જોઈએ એ એક મુક્ત ચર્ચા માગી લેતો સવાલ રહે છે.


    [1]

    પૂરક સંદર્ભ માહિતી:


    શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.