મંજૂષા

 વીનેશ અંતાણી

ભારતની પ્રજાસત્તાક શાસનપદ્ધતિપશ્ચિમમાંથી ઉછીનો લેવામાં આવેલો ખયાલ નથી, બલકે એનો પ્રસાર ભારત અને ગ્રીકમાંથી થયો છે.

આપણે ત્યાં પ્રાચીન સમયમાં શાસનમાં પ્રજાની ભાગીદારીની પરંપરા હતી. તે સમયે ઘણાં જનપદોના શાસકો વિદ્વાન. શાણા અને અનુભવી લોકોની સલાહ અનુસાર નિર્ણયો લેતા. વૈદિક સમયમાં લોકો કબીલામાં રહેતાં. કબીલાના સંચાલન માટે ‘સભા’ અને સમિતિ’ મહત્ત્વની સંસ્થા હતી. ‘મુખિયા’ની પસંદગી લોકો કરતા. પાછળથી પંચાયતને નિર્ણય લેવાની સ્વત્રંતતા મળી હતી. ઘણાં જનપદો પ્રજાસત્તાક શાસનપદ્ધતિનાં ઉત્તમ ઉદાહરણ હતાં.

અત્યારના ઉત્તર બિહાર વિસ્તારમાં ‘વજ્જિ’ નામનું જનપદ હતું. મગધના રાજા અજાતશત્રુ વજ્જિ જનપદ પર આક્રમણ કરવા માગતો હતો. નિર્ણય લેતા પહેલાં એણે ભગવાન બુદ્ધનું માર્ગદર્શન લેવાનું નક્કી કર્યું. બુદ્ધે વજ્જિ જનપદમાં પ્રચલિત ગણતંત્રની કેટલીક મૂલ્યવાન પરંપરાઓ સમજાવી હતી. એમણે કહ્યું હતું તેમ વજ્જિના વહીવટ માટે પસંદ કરવામાં આવેલા લોકો નિયમિત મળતા અને દરેક મુદ્દાના બધાં પાસાંની ઘનિષ્ઠ ચર્ચાવિચારણા કર્યા બાદ નિર્ણય લેતા. શાસનના ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોથી માંડી સામાન્ય પ્રજાજનો કાયદાના અનુશાસનનું ચુસ્ત પાલન કરતા. વડીલો-મુરબ્બીઓનું માન જાળવવામાં આવતું. સ્ત્રીઓનું રક્ષણ કરવાની જવાબદારી શાસકોની હતી. ધર્મસ્થાનો અને ધર્મગુરુઓ-સંતોને આદર આપવામાં આવતો. ભગવાન બુદ્ધે કહ્યું હતું: ‘જ્યાં સુધી વાજ્જિ જનપદના શાસકો અને લોકો આ મૂલ્યોને જાળવશે ત્યાં સુધી એમની પ્રગતિ થતી રહેશે.’

લોકશાહી પાયામાં રહેલાં આ મૂલ્યોનું આજે દરેક લોકશાહી દેશના શાસકો અને પ્રજાએ સમજવાની જરૂર છે. વર્તમાન સમયમાં ચાલી રહેલાં યુદ્ધો, વાતેવાતે યુદ્ધની ધમકી, ગેરમાર્ગે દોરતી જૂઠી માહિતીઓ, આર્થિક ક્ષેત્રમાં અનિશ્ચિતતા , પર્યાવરણના પ્રશ્નો, એકહથ્થુ સત્તાની લાલસા જેવા વાતાવરણથી દુનિયા ઘેરાઈ ગઈ છે. લોકશાહીનો આદર્શ નબળો પડવા લાગ્યો છે. ભારતમાં જ્યારે પણ લોકશાહી પર ખતરો ઊભો થયો ત્યારે પ્રજા તરીકે આપણે વધારે મજબૂત બન્યા છીએ. એની સરખામણીમાં પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળમાં પ્રવર્તતી ગંભીર પરિસ્થિતિનો વિચાર કરીએ ત્યારે ભારતની પ્રજામાં વહેતી પ્રજાસત્તાક સંસ્કૃતિનું મહત્ત્વ સમજાય છે.

ભારતને આઝાદી મળી પછી બંધારણના ઘડવૈયાઓએ લોકશાહીનાં મૂલ્યોને સમાવતા તંત્રની મજબૂત ભૂમિકા રચી આપી છે. બંધારણની અવગણનાની એક ભૂલ અને દેશના સાંસ્કૃતિક વારસાને ડાઘ લાગતાં વાર નહીં લાગે. આજે દુનિયામાં કેટલાક શાસકો પોતાને દેશથી મોટા માનવા લાગ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તરંગી નિર્ણયોને લીધે વિશ્વ સામે ઘણા પડકાર ઊભા થયા છે. એના પોતાના દેશની લોકશાહી સામે પણ ભય ઊભો થયો છે. ટ્રમ્પે અમેરિકાની લોકશાહીના મૂળભૂત ઢાંચાને દેખીતી રીતે તોડી પાડ્યું નથી, પરંતુ એના પાયા હચમચાવી નાખ્યા છે. એ પોતાને જ ‘શાસન’ માને છે. અનુકૂળ ન હોય એવાં ચૂંટણી-પરિણામોનો એ ખુલ્લેઆમ અસ્વીકાર કરે છે. એના વિરુદ્ધ ચુકાદા આપનાર ન્યાયાધીશો માટે અશોભનીય વિધાનો કરે છે. પ્રેસને દુશ્મન કહીને ઉતારી પાડે છે. એણે લોકશાહીના સ્તંભ સમાન સંસ્થાઓને બાજુએ હડસેલી દેવાનું વલણ અપનાવ્યું છે. ટ્રમ્પ કોઈ સરમુખત્યારને પણ પાછળ રાખી દે એવા શાસકોના પ્રતિનિધિ અને પ્રતીક બની ગયા છે. એનો ચેપ કેટલાક બીજા દેશોના રાજનેતાઓને પણ લાગવાનો ભય ઊભો થયો છે.

આવા સંજોગોમાં લોકશાહીનું માળખું જ રહે છે, એનું આંતરિક સત્ત્વ ખોખલું બની જાય છે. લોકશાહી માત્ર પાર્લામેન્ટ કે બંધારણમાં અસ્તિત્વ ધરાવતી નથી. એના દ્વારા લોકો એકબીજાની સાથે જોડાયેલા રહે છે. સંવાદ, મતભેદ, બીજાના મતનો સ્વીકાર અને પ્રજાના હિતમાં સમાધાન કરવાની તૈયારી હોય તો લોકશાહીનું સંવર્ધન શક્ય બને છે. લોકશાહીમાં સરકાર અને પ્રજા વચ્ચે મજબૂત ભરોસો ખૂબ અગત્યની શરત છે. ચૂંટણીનાં પરિણામો જ લોકશાહીની સફળતાનો માપદંડ નથી. નાગરિકો કેવળ મતદારો નથી, દેશનું ભાવિ એમના હાથમાં છે. પ્રજાની સત્તાનું ઉલ્લંઘન કોઈ પણ દેશની લોકશાહીના પતનનું નિર્ણયક બળ બની શકે છે.

માનવીય ગરિમાની જાળવણી લોકશાહીનું હાર્દ છે. આ શાસનપદ્ધતિમાં દરેક સ્તરના નાગરિકોનું સમાન સ્થાન છે. દરેક મતદારનો મત નાત, જાત, લિંગ, ધર્મ, ગરીબ-શ્રીમંત ભેદભાવ વિના એકસરખું વજન ધરાવે છે. લોકશાહી પરસપર વિરોધી સ્થિતિમાં પણ સમાનતા અને એકતાના પાઠ શીખવે છે. નાગરિકોનું કર્તવ્ય માત્ર થોડાંથોડાં વર્ષે મતદાન મથકે ઊભા રહી વોટ આપી આવવાનું નથી, પોતાની ફરજો અને અધિકારો પ્રત્યે સભાન રહેવાનું પણ છે. લોકશાહીમાં કોઈ પ્રેક્ષક નથી, બધા નગારિકો સમાન હક્ક ધરાવતા ખેલાડી છે. વિરોધમાંથી જ સમાધાનની ભૂમિકા રચાય છે.

એક ગામમાં નવો કૂવો ખોદવાની જરૂર હતી. એ માટે પંચાયતના સભ્યોની મીટિંગ ચાલતી હતી. દરેક સભ્ય પોતાની જ સવલતનો ખ્યાલ રાખી નવા કૂવાની જગ્યા માટે આગ્રહ રાખતા હતા. ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ પકડ્યું. એકબીજા પર આક્ષેપો થવા લાગ્યા. વાતાવરણ હદથી બહાર બગડ્યું ત્યારે એક વૃદ્ધ મહિલા સભ્ય ઊભી થઈ. એણે કહ્યું: ‘આપણે એકબીજાનાં દુશ્મન નથી, આપણા ગામનું ભવિષ્ય નક્કી કરવા ભેગા મળેલા પડોશી છીએ.’ એ સાંભળી દરેક જણને સમજાયું કે તેઓ એકબીજાનો વિરોધ કરવા માટે ચૂંટાયા નથી. એમને ગામના લોકો અને ભાવિ પેઢીની સુખાકારી માટે યોગ્ય નિર્ણય લેવાની જવાબદારી સોંપવામાં આવી છે. લોકશાહી એવી સમજણમાંથી મજબૂત બને છે.

લોકશાહી સર્વને પોતાની અંદર સમાવી સુરક્ષા બક્ષતું ઘર છે. ભાડાનું ઘર નહીં, આપણું પોતાનું – ઘરનું ઘર. આજે એ ઘરનો ઢાંચો થોડો નબળો પડતો જણાય છે. ભીંતોમાં તિરાડો દેખાવા લાગી છે. કદાચ લોકશાહી નામનું ઘર આપણને સુરક્ષા પ્રદાન કરવાની જવાબદારી ઉપાડીને થોડું થાકી પણ ગયું હોય.

શક્ય છે કે એ પરિસ્થિતિનો લાભ લેવા કોઈ ખૂણામાં એક બુલડોઝર રાહ જોતું ઊભું હોય. એ સંજોગોમાં નિર્ણય લોકશાહીના કેન્દ્રમાં રહેલી પ્રજાએ લેવો પડે છે – શું જરૂરી છે, બુલડોઝર કે વરસોની મહેનત પછી બનાવેલા ઘરની સલામતી?


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.