બિલીમોરાના કેસલી ગામમાં શિક્ષિકા તરીકે કામ  કરતા કવયિત્રી હર્ષવી પટેલ એટલે આજની તેજસ્વી કલમ અને એક આગવો અવાજ. તેમનો ગઝલસંગ્રહ ’તારી ન હો એ વાતો’ નોંધપાત્ર લેખાયો છે. તાજેતરમાં તેમને શયદા એવોર્ડ મળ્યો છે. અને સિદ્ધહસ્ત ગઝલકારો સાથે અનેક મંચ પર છવાઈ ગયાં છે.

અત્રે તેમની એક ગઝલ અને તેનો આસ્વાદ પ્રસ્તુત છેઃ

ગઝલઃ

અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી તમે, તમે રહી શકો નહીં.

શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.

પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં
કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં.

જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.

તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.

પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,
સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.

– હર્ષવી પટેલ
:આસ્વાદઃ
 દેવિકા ધ્રુવ

છ શેરોમાં પથરાયેલી આ ગઝલમાં  મસ્તીભરી ખુમારી છે અને  પ્રેમભીનો આત્મવિશ્વાસ છલકાય છે.

મત્લાના શેરમાં  જ એક પડકાર ફેંકાયો છે. સામાન્ય રીતે કોઈપણ બે વ્યક્તિ એકસરખી હોઈ શકે નહિ. પણ જે કંઈ  ફરક હોય તે પરખાઈ તો આવે જ અથવા તો અંતરમાં શું છે તે વાણી, વર્તન,હાવભાવથી કળી પણ શકાય. પણ અહીં તો નાયિકા સીધો દાવો કરે છે કે, ભલે ને, તમે ગમે તેટલા કાબેલ હોવ પણ આ ફરક નહિ જાણી શકો. અરે એ તો એટલે સુધી કહી દે છે કે, એકવાર જો તમે મને મળો તો… તમે પોતે ‘તમે ‘ રહી શકો જ નહિ!! What a confidence? “મને મળ્યા પછી તમે, તમે રહી શકો નહીં.” વાહ..વાહ.

બીજા શેરમાં એ જ વાત થોડા ગમતીલા મિજાજથી આગળ વધે છે. ઉલા મિસરામાં જરા બેફિકરાઈથી કહે છે કે તમારે જે માનવું હોય તે માનો. શરત ગણો, મમત માનો કે ગમે તે અર્થ કરો પણ એક વાત તો ચોક્કસ છે કે..એ શું ચોક્કસ છે તેની સ્પષ્ટતા કર્યા વગર જ સાની મિસરામાં ભીતરી ભાવ અલગ મિજાજથી છૂપી રીતે પ્રગટ કરે છે. એ કહે છે કે તમે જે છો તે છો; માટે મને મળી શકો છો. કેટલી ‘હટકે’ભરી છટા છલકે છે. તમે ‘તમે ન હોવ તો મને મળી શકો નહીં.’ એટલે કે, તમે જે છો તે, મને ગમો છો અને એટલે જ મને મળી શકો છો! કેવી કલામય અભિવ્યક્તિ! બે મિસરાની વચ્ચેની ખાલી જગામાં કેવો ઊંડો ભાવ ભરી દીધો એ જ કવિકર્મ અને એનું નક્શીકામ.

ત્રીજા શેરમાં વળી આ ગુફ્તેગુની મઝા ઑર નીખરે છે. કવયિત્રી કહે છે કે, એકબીજાંને મળવા બાબતે કે, આવનજાવન માટે અહીં કોઈ નિયમ કે નિયમન નથી. પણ એક વાત નક્કી છે કે, એકવાર તમે આવો પછી પાછા ફરી શકાશે નહિ. કેવી મિઠ્ઠી  સ્નેહભરી નોંકઝોક? એમ કહેવું જ નહિ પડે કે, “અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહી”.. તમે ખુદ પાછા વળી નહિ શકો! કેવી સરસ દાદીગીરી!!

હવે આ જ ભાવ કંઈક નોખી રીતે ચોથા અને પાંચમા શેરમાં વ્યક્ત થાય છે.. એક વાત તો સાચી જ છે કે, કોઈપણ નામ, સ્થાન કે ઘટના એકવાર ગમતીલી થઈ જાય તો માનવીને એના વગર જરાયે ચાલે નહિ. માણસમાત્રનો  એ એક સ્વભાવ રહ્યો છે. અરે, ઘણીવાર તો રોજીંદા નિત્યક્રમથી પણ માનવી એટલો ટેવાઈ જાય કે, જો કોઈવાર કશુંક જુદું બને કે કંઈ કરવાનું રહી જાય તો એને એનો ઓસાંગરો લાગે, મઝા ન આવે. તો અહીં તો બે પ્રેમીહૈયાંની લાગણીઓની વાત છે.

કાવ્યનાયિકા  પૂરા વિશ્વાસથી કહે છે કે, એકવાર “જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.  “ કેવો અને કેટલો આત્મવિશ્વાસ?

આ વાતની સાબિતીમાં એક નવો દાખલો ટાંકીને એ કહે છે કે, તરવૈયાઓ ગમે તેટલા કુશળ હોય, સાગરો તરી જઈ શકે એટલી પ્રવીણતા ધરાવતા હોય પણ એ મહારથી, એકવાર જો કોઈની આંખોના દરિયામાં ડૂબી ગયા તો… સમજો..  ગયા કામસે..

અહીં અમૃત ‘ઘાયલ’ નો શેર યાદ આવી જાય છેઃ

કસુંબલ આંખડીના કસબની વાત શી કરવી !
કલેજું કોતરી નાજૂક મીનાકારી કરી લીધી.

ઉપરોકત પાંચમા શેરમાં કવયિત્રી સહજપણે જાણે એક ફરમાન બહાર પાડી દે છે એમ કહીને કે,

તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.

આફ્રીન પોકારી જવાય એવી સુંદર અદાકારી.

અને છેલ્લે મક્તાના શેરમાં એક સહજ ચમકારારૂપે અતિશય સરળતાથી અને સલૂકાઈથી નાયિકા ભીતરનો ભાવ વ્યક્ત કરી દે છે. અગાઉના પાંચે શેરમાં ‘તમે’ ‘તમે’ સંબોધન કરીને વાતચીત છેડનાર વ્યક્તિ હવે ક્રિયાપદ બદલે છે. પોતાને જે ખબર પડી છે તે બેધડક રીતે છતાં સિફતપૂર્વક પ્રગટ કરે છે.

‘પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી’- અહીં ખબર પડશે નહિ,પણ પોતાને ખબર પડી છે દ્વારા પ્રેમની વાત જાહેર કરી દે છે. પ્રેમમાં મરી શકાય પણ પ્રેમ વિના જીવી ન શકાય. અહીં નઝાકતભરી રીત છે, પરિપક્વતા છે, મક્કમતા છે અને ખુમારી પણ ખરી જ.

‘પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી.
‘સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.’

ક્યા બાત!

આમ, ‘લગાલગા’નાં ચાર આવર્તનોમાં રચાયેલી આ આખીયે ગઝલમાં શેરિયતથી મિજાજ સુધીની તમામ કાવ્યાત્મકતા છટાદાર રીતે અનુભવાય છે. ‘ શકો નહિ’ જેવા સામાન્ય  બોલચાલના શબ્દોને રદીફ  તરીકે લઈને, ગઝલને સાદ્યંત સુંદર અને રસમય રીતે એકસૂત્રથી બાંધી છે. પ્રત્યેક શેર દાદ માંગી લે છે.

હર્ષવી પટેલને ખૂબ અભિનંદન.

અસ્તુ.