નિસબત

ચંદુ મહેરિયા

જેનો સૂર્ય દુનિયામાંથી કદી આથમતો નહોતો તેવી અંગ્રેજ સલ્તનતને ગાંધીજીના અહિંસક આંદોલને પરાસ્ત કરી દીધી હતી અને ભારત ગુલામીની જંજીરોમાંથી મુક્ત થઈ ગયું હતું. ઈ.સ. ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા તે પહેલા દક્ષિણ આફ્રિકાના હિંદીઓને થઈ રહેલા અન્યાય સામે તેઓ પેસિવ રેઝિસ્ટન્સનું શસ્ત્ર સફળતાપૂર્વક અજમાવી ચૂક્યા હતા. ગાંધીજીએ ભારતની આઝાદીના તેમના અહિંસક આંદોલનમાં સત્યાગ્રહ, અસહકાર, સવિનય કાનૂન ભંગ, ઉપવાસ, વિદેશી ચીજોની હોળી, બહિષ્કાર જેવી રીતોનો પ્રયોગ કર્યો હતો. આજે તો કોઈપણ આંદોલનકારી ગાંધીચિંધ્યા માર્ગે  જ આંદોલન કરવાનો દાવો કરે છે પણ તેમાં ગાંધીનો માર્ગ કેટલો તેવો સવાલ થાય છે. યુધ્ધજ્વરથી પીડિત અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક રાતમાં પૂરી ઈરાની સભ્યતાનો ખાતમો બોલાવી દેવાની ઘોષણા કરી ત્યારે ઈરાને ગાંધીનો રસ્તો અપનાવ્યો. સરકારે ઈરાનના ઓઈલ ભંડારો અને બીજા સ્થળોએ લોકોને શાંત માનવ શૃંખલા બનાવવા અપીલ કરી હતી.

વિરોધ અને અન્યાય પ્રતિકાર માટેના ગાંધીજીના અહિંસક આંદોલનમાં નવી નવી રીતો અજમાવાતી રહી છે.  યહુદી દેશ ઈઝરાયેલ પર હમાસના આંતકી હુમલા પછી ઈઝરાયેલે પેલેસ્ટાઈન અને ગાઝા પર કાળો કેર વર્તાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ગાઝાના આરોગ્ય વિભાગના આંકડાઓ પ્રમાણે ગાઝામાં માર્ચ-૨૦૨૬ના  અંત સુધીમાં ૭૨,૦૦૦ પેલેસ્ટીનીઓના મોત થયા છે, ૧૦,૦૦૦ કરતાં વધુનો કોઈ પતો નથી અને ૧.૭૨ લાખથી વધુ લોકો ઘાયલ છે. મૃતકોમાં બાળકો, મહિલાઓ અને વૃધ્ધોની સંખ્યા મોટી છે. ૯૨ ટકા ઘર અને ૯૧ ટકા  બીજી ઈમારતો કાંતો નષ્ટ થઈ છે કે ક્ષતિગ્રસ્ત થઈ છે. ઈઝરાયેલના હુમલાઓમાં ગાઝા ખંડેર બની ગયું છે. જે લોકો બચ્ચા છે તે બેહદ મુશ્કેલીઓ વચ્ચે જીવે છે.

ગાઝામાં વર્તાતા કાળા કેર વિશે મોટા ભાગની દુનિયા મૌન છે.પરંતુ સ્વીડનના પર્યાવરણ કર્મશીલ ગ્રેટા થનબર્ગ અને અન્યના પ્રયાસોથી ગ્લોબલ સુમુદ ફ્લોટિલા (GLOBAL SUMUD FLOTILLA) અભિયાન ચાલી રહ્યું છે. અરબી ભાષાના શબ્દ સુમુદનો અર્થ અતિ કઠિન પરિસ્થિતિઓમાં પણ અટલ રહેવું, હાર ન માનવી અને ફ્લોટિલા એટલે નાવોનો કાફલો. ૧૨મી એપ્રિલ ૨૦૨૬ના રોજ દુનિયાના ૭૦ થી વધુ દેશોના ૧૦૦૦ લોકો સ્પેનના બાર્સિલોનાથી ૭૦ નાવોમાં ગાઝા તરફ રવાના થયા છે. આ કાફલામાં દુનિયાભરના કર્મશીલો,  બૌધ્ધિકો, રાજનેતાઓ, અધ્યાપકો, મહિલા અગ્રણીઓ અને યુવાનો સામેલ છે. તેઓ તેમની સાથે ગાઝા માટે માનવીય મદદ તો લઈ જઈ રહ્યા છે પરંતુ ગાઝા નરસંહાર સામેનો તેમનો અહિંસહ અને દ્રઢ વિરોધ વ્યક્ત કરવા જઈ રહ્યા છે. અગાઉ આવા ચાર પ્રયાસો થયા છે. ઈઝરાયેલે કાં તો તેમને ગાઝા પહોંચતા અટકાવીને પરત કર્યા છે કે પછી જેલોમાં નાંખ્યા છે. પરંતુ તેનાથી જરાય ડર્યા વિના  આ પાંચમો પ્રયાસ વધુ મોટી સંખ્યામાં થઈ રહ્યો છે. ગાંધી અને તેની અહિંસા જીવિત છે તેનો આ પુરાવો છે.

વૈશ્વિકથી સ્થાનિક સ્તરે પણ ગાઝાના પીડિતોની વહાર અને ઈઝરાયેલની હિંસાને વખોડતા પ્રયાસો થયા છે. અમદાવાદના સાંણદ તાલુકાના નાની દેવતી ગામે આવેલા દલિત શક્તિ કેન્દ્રમાં બૌધ્ધિકો અને નાગરિકોની એક સભા ગાઝાની હિંસાને વખોડવા થઈ હતી. પેલેસ્ટાઈનના ભારત ખાતેના રાજદૂતની ઉપસ્થિતિમાં યોજાયેલા  આ કાર્યક્રમમાં એક કોફીન બોક્સના આકારની મીણબત્તી રાખવામાં આવી હતી. જેમાં મીણ તો ભર્યું હતું પણ તેને વાટ નહોતી. ગાઝાના મુદ્દે આપણી ચૂપકિદીનું તે પ્રતીક હતું. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જ નહીં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના આદેશ છતાં ગાઝા સુધી માનવીય મદદ પહોંચતી નથી  આ કઠિન કાળમાં દુનિયામાંથી ન્યાય માંગતો અવાજ શાંત થઈ ગયો નથી તેની પ્રતિતી ફ્લોટિલા કરાવે છે.

મતદારો મતદાનનો બહિષ્કાર કરી પોતાના વિસ્તાર,ગામ, શહેરની સમસ્યા અંગે ધ્યાન દોરે એવું તો ઘણીવાર બને છે. પરંતુ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાલમાં નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતની ચિખલોડ બેઠકના તમામ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચીને વિરોધની નવતર રીત અપનાવી છે. ૪૫૦૦ની વસ્તીનું ચિખલોડ કપડવંજ તાલુકાનું ગામ હતું પણ તેને સરકારે ફાગવેલ તાલુકામાં ભેળવી દીધું. તેનો વિરોધ મતદારો અને લોકો તો કરતા જ હતા પરંતુ તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોને ઉમેદવારી પરત ખેંચવાની ફરજ પાડી મતદાન બહિષ્કારની અનોખી રીત અજમાવી છે.

છતીસગઢના પાટનગર રાયપુરમાં ૯૦ દિવસથી શિક્ષકોની ભરતીની માંગણી સબબ ગાંધી માર્ગે શાંત અહિંસક આંદોલન ચાલતું હતું.  સરકારનો કશો પ્રતિભાવ ન મળતાં આંદોલનકારીઓએ દંડવત પ્રણામ કરતાં  કરતાં વિધાનસભા કૂચ કરી. સાડીનો કાચ્છડો મારી દંડવત કરતી યુવતીઓ  સહિતના આ યુવાનોને જોઈ જેનું દિલ ન પીગળે તે દયાહીન નૃપ જ હોઈ શકે! નાગરિકો કર તો નિયમિત ભરે પણ નાગરિક સુવિધાઓ મળે નહીં.ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદનું સાહિબાબાદ અને એનો બ્રિજ વિહાર લત્તો. અહીં એક ગંદા પાણીનું નાળુ છે. એ બંધાયું ત્યારથી  કદી સાફ થયું નથી. તેમાં ઝેરી ગેસ અને  દુર્ગંધથી લોકો પરેશાન  છે. પણ તંત્રના પેટનું પાણી નથી હાલતું. બ્રિજવિહારના રહેવાસી નિવૃત ઈજનેર હેમંત ભારદ્વાજે ગંદા નાળાના કેડસમા પાણીમાં ઉતરી હાથમાં બેનરો સાથે લોકોનું અને તંત્રનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો. તેમણે જો નાળાની સફાઈ ન જ થવાની હોય તો ઈચ્છામૃત્યુની માંગ કરી હતી.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

ગાંધીનગર જિલ્લાના તાલુકા મથક દહેગામના હાઉસીંગ બોર્ડના મકાનોમાં  ગટરનું ગંદુ પાણી નિયમિત વહે. તેનું ખાબોચિયું પણ ભરાય. લોકોની રજૂઆતો પણ નીંભર તંત્ર ના સાંભળે. અમેરિકાના શિકોગાની યુનિવર્સિટીમાં પીએચ ડી કરતા તેજસ્વી છાત્ર અને રંગકર્મી મૌલિકરાજ વતન આવ્યા તો તેમને આ મુશ્કેલી ખટકી. નાટ્યરંગે રંગાયેલા મૌલિકરાજે ગંદાપાણીના ખાબોચિયામાં વેશભૂષા ધારણ કરી  પરફોર્મન્સ કર્યું. . ગંદા પાણીમા ઉભા, બેઠા, આળોટ્યા અને નહાયા. એટલે મીડિયાનું પણ ધ્યાન ગયું. આ નવતર વિરોધ પછી નગરપાલિકાના શાસકો શરમાયા અને ગંદા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરી.

ગાંધી માર્ગે અનશન અને પદયાત્રા દ્વારા પર્યાવરણ અને શિક્ષણવિદ સોનમ વાંગચૂકે લદાખને અલગ રાજ્યનો દરજ્જો આપવા અને બીજી માંગણીઓને લઈને આંદોલનો કર્યા. છેક દિલ્હી સુધી રજૂઆતો કરી પણ  સરકાર એમ કંઈ સાંભળે? લોકોનો વિરોધ ઉગ્ર બન્યો અને હિંસા થઈ તો સરકારે વાંગચૂકને જ જવાબદાર ઠેરવી રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ પકડીને રાજસ્થાનના જોધપુરની જેલમાં મોકલી દીધા. સોનમની ધરપકડના અન્યાયી પગલાંથી હતાશ તેમના  સહયોગીએ આત્મવિલોપન કર્યું હતુ. સરકારે અદાલતના ડરે ૬૦ દિવસ જેલમાં ગોંધી રાખ્યા પછી વાંગચૂકને છોડી મૂક્યા છે અને વાંગચૂક ફરી આંદોલનમાં સક્રિય થઈ ગયા છે.

ગાંધીનો અહિંસાનો માર્ગ આજના જડ શાસકોને હલાવી શકે ખરો? ગાંધી માર્ગે થયેલા અંદોલનો સફળ થાય  ખરા? અવલ્લી પર્વતમાળાનું ખનન સંપૂર્ણ અટકાવવી દેવાનો સરકારનો નિર્ણય  અને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના મક્કમ વિરોધ પછી  પાર તાપી નર્મદા લિંક યોજના અને વાપી શામળાજી નેશનલ હાઈવેને ફોરલેન કરવાની યોજના સ્થગિત કરવી પડી છે તે તેના તાજેતરના ઉદાહરણો છે. ગાંધીનો માર્ગ નવતર રીતો સાથે ગઈકાલે,  આજે અને આવતી કાલે પણ પ્રસ્તુત રહેશે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.