નિસબત
ચંદુ મહેરિયા

રમતોના મહાકુંભ તરીકે ઓળખાતી એશિયન ગેમ્સ અને તેની વાંસોવાસ એશિયન પેરા ગેમ્સની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. જાપાનના આઈચી નાગોયા(Aichi-Nagoya) ખાતે યોજાયેલી આ વીસમી એશિયન ગેમ્સ રમતો સિવાયના તેના આયોજન, વ્યવસ્થા અને વર્તનના કારણોથી કાયમ સ્મરણ અને ચર્ચામાં રહેશે. ૧૨.૩ કરોડની વસ્તીનું જાપાન એક સમૃધ્ધ અને વિકસિત રાષ્ટ્ર છે. અગાઉ ત્યાં બે વખત એશિયન ગેમ્સ રમાઈ હતી અને ઓલમ્પિકનું આયોજન પણ તે કરી ચૂક્યું છે. માળખાકીય સવલતો અને સંસાધનોમાં તે એશિયાના દેશોમાં મોખરાનું સ્થાન ધરાવતો દેશ છે. તેમ છતાં એશિયન ગેમ્સના તેના આયોજનમાં જોવા મળેલી ખામીઓથી તેમાં ભાગ લેનારા દેશોને ઘણી મુશ્કેલીઓ સહેવી પડી હતી. ‘ એશિયન ગેમ્સના ઈતિહાસનું આ સૌથી ખરાબ આયોજન’ જેવી આકરી ટીકા પણ કેટલાકે કરી છે.
૧૯૪૮માં લંડન ઓલમ્પિક વખતે એશિયાના દેશોએ પણ સાથે મળીને એશિયન ગેમ્સનું આયોજન કરવું જોઈએ તેવો વિચાર પ્રો. ગુરુદત્ત સોઢીએ વહેતો મૂક્યો હતો. જી.ડી.સોઢી સ્પોર્ટસ એડમિનિસ્ટ્રેટર અને ભારતીય ઓલમ્પિક સમિતિના પ્રતિનિધિ હતા. તેમના વિચારને વ્યાપક સમર્થન મળ્યું. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના ટેકા પછી તો ૧૯૫૧માં પહેલી એશિયન ગેમ્સ નવઆઝાદ ભારતમાં રમાઈ હતી.
દિલ્હીમાં રમાયેલી પહેલી એશિયન ગેમ્સમાં ૧૧ દેશોના ૪૮૯ રમતવીરોએ ભાગ લીધો હતો અને કુલ રમતો માત્ર ૬ જ હતી. ૨૦૨૬ની વીસમી એશિયન ગેમ્સમાં એશિયાના માન્યતાપ્રાપ્ત લગભગ બધા ૪૫ દેશો અને એશિયામાં રહેતા શરણાર્થીઓ સાથે ૪૬ ટીમોએ ભાગ લીધો હતો. દર ચાર વરસે યોજાતી એશિયન રમતોમાં ૨૦૨૬માં ૪૬૯ સ્વર્ણપદકો માટે ૪૩ રમતો હતી અને હજારો સ્પર્ધકો હતા. એશિયન રમતોનું સ્થાન દુનિયામાં ઓલમ્પિક પછીનું છે. જાપાન સહિતના કેટલાક દેશોમાં ત્રણ વખત તે રમાઈ છે. થાઈલેન્ડમાં સૌથી વધુ ચાર વખત તેનું આયોજન થયું હતુ. એશિયાના દેશોમાં રમતની ભાવના અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન વિકસે, ખેલદિલી કેળવાય તથા એકતા વધે તેવો તેનો ઉદ્દેશ છે. ૨૦૨૬ની એશિયન ગેમ્સની થીમ ‘ ઈમેજિન વન એશિયા’ હતી તે તેના મૂળ ઉદ્દેશને સાર્થક કરે છે.
૧૯૫૧ની પહેલી એશિયાઈ રમતોમાં ભારતનું સ્થાન બીજું હતું જે ૨૦૨૬માં ચોથું છે. એશિયન રમતોમાં વરસોથી ચીન તેનું પ્રથમ સ્થાન જાળવીને બેઠું છે. જાપાન સહિતના દેશોએ ૨૦૨૬ની રમતોની પૂરતી પૂર્વ તૈયારીઓ કરી હતી. ભારતે રૂ. ૭૦૮ કરોડનો ખર્ચ કર્યો હતો. જાપાનમાં અગાઉ ટોક્યો(૧૯૫૮) અને હિરોશિમા(૧૯૯૪)માં એશિયન ગેમ્સનું આયોજન થયું હતું. આ વખતે દેશના ચોથા નંબરના મહાનગર આઈચી- નાગોયામાં તે યોજાઈ હતી. અન્ય દેશોમાંથી આવતા ખેલાડીઓ જાપાનના હવામાનથી ટેવાયેલા ન હોય એટલે ટોક્યો પાસે આબોહવાને અનુકૂળ બનવાના કેમ્પ (અક્લિમેટાઈજેશન કેમ્પ) બનાવ્યા હતા. એશિયન ગેમ્સમાં ક્રિકેટની રમતનો સમાવેશ ચોથી વખત થયો હતો. પણ જાપાની દર્શકો ક્રિકેટની રમતોની બારીકીઓથી પરિચિત નથી.એટલે ક્રિકેટના દર્શકો માટે સચિત્ર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જાપાની સહિત ૩૦૦ ઉપરાંત વાનગીઓ ભોજનમાં પિરસવાનું પણ આયોજન હતું.
જાપાને ખર્ચમાં કરકસરની નીતિ અપનાવી અને જુદું એશિયન ગેમ્સ વિલેજ ન બનાવ્યું તેના કારણે ઘણીબધી મુશ્કેલીઓ પડી હતી. ભારતીય કુસ્તી અને દોડની રમતોના ખેલાડીઓને આવાસ ફાળવણીમાં લગભગ ૧૬ કલાકનો વિલંબ થયો હતો. તે દરમિયાન તેમને પાણી કે ખાવાનું પણ મળ્યું નહોતું. આવી ફરિયાદ ઘણા દેશોની હતી. જાપાને હોટલોની સાથે ક્રુઝ શિપ અને શિપિંગ કન્ટેનરમાં ખેલાડીઓના નિવાસની વ્યવસ્થા ગોઠવી હતી. જે ઘણી અગવડદાયી બની હતી. નાના રૂમમાં વધુ લોકોનો સમાવેશ અને નાના અને નબળા બેડ હોવા વાતે પણ ઘણો કકળાટ જોવા મળ્યો હતો. પરિવહનના સાધનો ઓછા અને સમયસર મળ્યા નહોતા.જે ભોજન મળતું હતું તે પૂરતી માત્રામાં નહોતું કે ચા અને ભોજન નાના વાસણો અને પેપર કપ કે ડીશમાં અપાતા હોવાનું પણ બન્યું છે.
સૌથી મોટી ભૂલ તો એ થઈ કે બાંગ્લાદેશ અને દક્ષિણ કોરિયા વચ્ચેની હોકી મેચના આરંભે દક્ષિણને બદલે ઉત્તર કોરિયાનું રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું. બંને કોરિયા વચ્ચેની દુશ્મની એટલી કટ્ટર છે કે તેઓએ એકબીજાના રાષ્ટ્રીય પ્રતીકો અને રાષ્ટ્રીય ગીતોને પણ પ્રતિબંધિત કર્યા છે. ત્યારે આ માફ ન કરી શકાય તેવી ભૂલ હતી. વળી હદ તો ત્યારે થઈ કે જ્યારે ભૂલથી વગાડેલા દક્ષિણને બદલે ઉત્તર કોરિયાનું ગાન થયું તેને કારણે બે ને બદલે ત્રણ ગાનોમાં (બાંગ્લાદેશ, દ. કોરિયા અને ઉત્તર કોરિયા) થોડી મિનિટો કે સેકન્ડો વધારે થઈ. એ દરમિયાન રેફરીએ મેચ શરૂ કરી દીધી. તેનાથી મુશ્કેલીઓ ઑર વધી હતી.
આ વખતની એશિયન ગેમ્સ ભારતના સંદર્ભમાં રમતવીરો માટેની વર્તન સંબંધી માર્ગદર્શિકાને લીધે પણ કાયમ યાદ રહેશે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અન્ય રમત સંઘોએ ભારતીય ખેલાડીઓ માટે જાપાનમાં એશિયન ગેમ્સ દરમિયાન સાંસ્ક્રુતિક, ભોજન અને શિષ્ટાચાર સંબંધી ગાઈડલાઈન જારી કરી હતી. જાપાનમાં ડાઈનિંગ ટેબલ મેનર્સ અને ભોજનના વાસણોને લઈને કેટલાક કડક નિયમો કે પ્રણાલી છે. આ સાંસ્ક્રુતિક સામાજિક રીતભાતનું પાલન કરવા ખેલાડીઓને જણાવવામાં આવ્યું હતું.
નૂડલ્સ કે સુશી જેવું ખાવા માટે લાકડા, વાંસ કે હાથીદાંતની બનેલી પાતળી સળીઓની જોડીનો ઉપયોગ થાય છે. આ ચોપસ્ટિક્સ જમવાની પ્લેટમાં સીધી કે ઉભી રાખવી તે જાપાનમાં અશુભ મનાય છે એટલે ભારતીયોને આ બાબતનું ધ્યાન રાખવા તાકીદ કરાઈ હતી. જાપાનમાં જાહેર કચરાપેટીઓ બહુ ઓછી હોય છે.તેથી ભારતીય રમતવીરો અને અન્ય કચરો ગમે ત્યાં ન ફેંકે અને પોતાની સાથેની કચરાની બેગમાં રાખે તે પણ કહ્યું હતું. ભારતમાં સહજ એવી કેટલીક બાબતો પણ ન કરવા જણાવ્યું હતું. જેમાં મોટેથી સંગીત ન વગાડવું, ઈયર ફોન અચૂક વાપરવું, હરોળમાં શિસ્તબધ્ધ ઉંભા રહેવું કે બેસવું, અજાણ્યા લોકોને બિનજરૂરી સ્પર્શ ન કરવો મોટા કે દેખાય તેવા ટેટુ ઢાંકવા વગેરે સામેલ હતા.
જાપાનનું કહેવું છે કે તેની ધારણા કરતાં વધુ લોકો એશિયન ગેમ્સમાં આવ્યા હતા તેથી અવ્યવસ્થા ઉભી થઈ હતી. જાપાન જેવો સમૃધ્ધ અને હાઈટેક દેશ તેની વૈશ્વિક છાપથી આયોજનમાં કાચો પડે તે બીજા દેશો માટે સ્વીકારવું અઘરું હતું.એટલે વ્યવસ્થા માટે આટલો બધો ઉહાપોહ થયો છે.
ભારતે તેના બેંગ્લોર કેન્દ્રમાં ભારતીય ખેલાડીઓને જાપાની વાનગીઓ પીરસીને જાપાની ભોજનથી વેળાસર અવગત કરાવ્યા હતા. તો જાહેર વર્તન અને પહેરવેશની બાબતમાં જાપાનમાં ખૂબ જ કડકાઈ હોઈ ગાઈડલાઈનનો અમલ કરવામાં બહાનાબાજી ચલાવી લેવાશે નહીં તેવી ચેતવણી આપી હતી. એશિયામાં ભાઈચારો અને એકતા વધે એવા આશયથી જ્યારે એશિયન ગેમ્સ રમાતી હોય ત્યારે તેને કોઈ એક દેશનું આયોજન ન ગણતાં સમગ્ર એશિયાનું આયોજન ગણવું જોઈએ. જાપાનની સાંસ્કૃતિક સંવેદનશીલતાની ભારત જેવા સાથીઓએ કદર કરીને તેના પાલન માટે કટિબધ્ધતા દર્શાવી હતી.વ્યવસ્થાની જેમ છાપે ચડે એવા વર્તનના બનાવો ખાસ નોંધાયા નથી. તેથી માનવું રહ્યું કે બધું સુખરૂપ રહ્યું હશે. હવે ૨૦૩૦માં કતરના દોહામાં એશિયન ગેમ્સ યોજાનાર છે અને તે પછીના ચાર વરસે કદાચ આપણાં અમદાવાદમાં.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
