‘અદમ’ ટંકારવી

એના પાયામાં પડી બારાખડી

ચોસલાંથી શબ્દનાં ભીંતો ચણી
એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી.

ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે
ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે.

થઈ ધજા ફરક્યું ત્યાં સર્વનામ તું
ટોડલે નામોના દીવા ઝળહળ્યા
સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા.

જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો.

:રસદર્શનઃ

દેવિકા રાહુલ ધ્રુવ

સિદ્ધહસ્ત ગઝલકાર શ્રી ‘અદમ’ ટંકારવીએ ઘણાં ઉચ્ચ પારિતોષિકો મેળવ્યાં છે, મુશાયરાઓના સફળ સંચાલક છે અને સૌથી વિશેષ તો એ એક અદના આદમી છે. સહજતા, સાદગી અને સરળતા તેમના વ્યક્તિત્ત્વના અભિન્ન પાસાંઓ છે.

આજથી દસેક વર્ષ પહેલાં મળેલ તેમના ‘૭૮૬ ગઝલો’નું પુસ્તક ફરી એકવાર  આજે હાથમાં આવ્યું અને તેમાંથી વાળેલાં પાનાંઓમાંની એક રચના (૧૪૦માં પાને) નજરે ચઢી.’એના પાયામાં બારાખડી પડી’.

વાંચતા વેંત જ ગમી ગયેલી, ગાલગાગાના ૧૭ માત્રામાં ગૂંથાયેલી ગઝલકારની આ રચના ‘નઝમ કે સોનેટ !?’ એવા અત્યંત ઝીણા અને ઝાંખા અક્ષરે પેન્સિલથી કરેલાં આશ્ચર્ય અને પ્રશ્નાર્થ ચિહ્નો જોઈ એને સમજવાનો અને આસ્વાદ કરવાનો મનસુબો પાક્કો થયો. તે માટે ફરીથી વાંચતા સ્પષ્ટ થતું જ ગયું કે, ચાર ચાર પંક્તિના ત્રણ વિભાગ અને છેલ્લી ૨ પંક્તિઓ મળીને રચાયેલ આ કાવ્યપ્રકાર સોનેટ છે, ગઝલ નથી..

પ્રથમ ૮ પંક્તિઓમાં ખૂબ જ સુંદર રીતે અહીં ભાષાના મહેલનું ચિત્ર ઊભું થાય છે. કોઈપણ મકાન, ઘર,  કે ઈમારત ઘડવા માટે મુખ્યત્ત્વે ઈંટો, ભીંત, બારી, બારણા, છાપરું, નળિયાં વગેરે જોઈએ જ. કવિએ આવી પાયાની બાબતોને ધ્યાનમાં લઈને અહીં અદ્ભૂત કલ્પના કરી છે. આ તો ભાષાનો મહેલ! એટલે કે, કક્કો, બારાખડી, એમાંથી બનતા શબ્દો, શબ્દોમાં પણ તત્સમ અને તદ્ભવ, ક્રિયાપદ વગેરે  જરૂરી. વળી તેમાં પણ વિરામચિહ્નો,અનુસ્વાર, વિભક્તિ, વગેરે હોય. આ બધાંની આલિશાન કલ્પના તો જુઓ?

તો આ ભાષામહેલના પાયામાં  તેમણે બારાખડી મૂકી, શબ્દોની ભીંતો બનાવી, ક્રિયાપદોની બારીઓ અને તત્સમ શબ્દોના પ્રવેશદ્વાર કલ્પ્યાં. એટલું જ નહિ,

ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન,
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે
ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે.

અતિ સરળ બાનીમાં તરત જ સમજાતું જાય તેવું તેમણે એક ચિત્ર ઊભું કરી દીધું કે, આ મકાનના ભોંયતળિયે બધાં જાણે વિરામચિહ્નો, છાપરાનાં નળિયા તરીકે અનુસ્વાર દર્શાવ્યાં. ગોખલાઓમાં વિભક્તિઓ ગોઠવી  અને ઊંબરે આવકારના કે સ્મિતના ભાવ!! વાહ..વાહ.. મસ્ત મઝાની કવિ-કલ્પના. કશાયે ભારેખમ શબ્દો વગર, અતિ સહજતાથી આપણી નજર સામે એક ચણાતું મકાન તાદૄશ કરી દીધું.

તે પછીની ચાર પંક્તિઓમાં આ જ ભાવમાં મઝાથી ઘણું બધું ઉમેરાતું જાય છે. આલિશાન મહેલ જેવું મકાન પણ ખરા અર્થમાં ‘ઘર’ તો ત્યારે જ બને કે એમાં કોઈ હોય, કશુંક જીવંત હોય, ચેતનાનું ચાલક બળ હોય, આંગણે સાથિયા પૂરાતા હોય, ટોડલે દીવા પ્રગટતા હોય ને મખમલી પડદાઓની હરફર હોય. પણ એવું કોણ હોય? ભાવકને માટે કવિનો કસબ અહીં માત્ર ‘તું’નું સર્વનામ મૂકે છે. આ ‘તું’માં તો એ…ય મનને માંડવે ધજાઓ લહેરાવા માંડે છે. એટલું જ નહિ, કવિ અહીં બાકી રહેલ નામ, સર્વનામ, વિશેષણને પણ ક્યાં ભૂલ્યા છે? આ એક સામાન્ય ઈમારત નથી; ભાષાભવન છે! એમાં કશીયે ઓછપ કેમ ચાલે?!

વાંચતા જઈએ અને માણતા જઈએ કેઃ

થઈ ધજા ફરક્યું ત્યાં સર્વનામ તું
ટોડલે નામોના દીવા ઝળહળ્યા
સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા.

વાચક એના ભાવવિશ્વ મુજબ કલ્પના કરવા માંડે અને આ પોતપોતાના ‘તું’ના પ્રેમનો અનુભવ કરવા માંડે. કોઈ આશિકને પોતાની માશૂકા સાંભરે, માને બાળક પ્રત્યેનો પ્રેમ વર્તાય, કોઈ મનમાં પ્રિયતમની પ્રેમાનુભૂતિ કરવા માંડે તો સંતાનોને સુદૂર ગયેલ મા-બાપના દર્શન થાય. એમ દરેક ભાવક વિવિધ એવા પેલા ‘તું’ થી ભીંજાવા માંડે. ત્યાં તો સોનેટની કારીગરી એક ગજબનો પલટો કરે છે.

કવિકર્મને સલામ કરવાનું મન થાય એવી આ આખરની બે પંક્તિઓમાંઃ ‘જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો, ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો.’ અચાનક ભાવકના મનમાં – હેં …શું…,આહાહા…વાહ.. જેવા એક પછી એક ઉદ્ગારો નીકળે છે. હા, આ સામાન્ય દુન્યવી પ્રેમની અનુભૂતિ નથી એ વાત ધીરે ધીરે સમજણમાં ઉતરતાં પહેલાં આંચકા, પ્રશ્નાર્થ, વિસ્મય વગેરેનાં બારીબારણાં ખુલતાં જાય છે. એ સર્વનામ ‘તું’ એટલે કે, આ તો  અલૌકિક અને દિવ્યપ્રેમની અનુભૂતિનો ઈશારો વર્તાય છે. એનો જરાક પણ અહેસાસ થાય તો અને ત્યારે…જગતના ભલભલા આલિશાન મહેલો કે એની મહેલાતો પણ પત્તાની જેમ પળમાત્રમાં ઊડી જાય છે. જેને એ પ્રેમની પ્રતિતી થાય છે તેને સઘળી અન્ય સાહ્યબી ફિક્કી લાગે છે એવો પણ સૂર સંભળાય છે.

કવિ શ્રી સુંદરમ્ કહી ગયા છે તેમ “ મારે આતમને આવાસ પ્રભુ, તારી પગલી પડે, મારે અંતર આંગણ માંહ્ય મગન કેરી આંધી ચડે. જો કે, એમાં તો પ્રભુ શબ્દ સીધો, અભિધાની રીતે પ્રયોજ્યો છે જ્યારે અદમભાઈએ ગૂઢાર્થ રાખ્યો છે. સાંઈ કવિ શ્રી મકરંદ દવે પણ અચૂક યાદ આવે જ.

આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઈ
ભૂલ્યા-ભુલાયા સંભારણે,
આ તેજની સવારી કોને કારણે ?

કવિને કદાચ એ પણ અભિપ્રેત હોઈ શકે કે, દિવ્ય પ્રેમ શબ્દાતીત હોય છે. અદમભાઈ એક ઑલિયા ફકીર તરીકે પણ જાણીતા છે એ અહીં આ પંક્તિઓમાં પ્રતિબિંબિત થાય છે. ક્યાંક તેમણે એમ પણ લખ્યું છે કે, અક્ષરી એકાંતમાં પુરાઈને બેઠા છીએ,વાણીના વિસ્તારમાં પુરાઈને બેઠા છીએ. કેવો ઊંચો સૂફી વિચાર!

આમ, સત્ત્વ અને તત્ત્વથી ભર્યા ભર્યા આ નઝમ જેવા સોનેટનો આસ્વાદ કર્યાની ધન્યતા સાથે કવિ શ્રી અદમભાઈને આદરપૂર્વકવંદન.