હળવા નિબંધો
માવજી મહેશ્વરી
કેવી ગઈ હોળી? કેવી ગઈ નવરાત્રી? કેવી ચાલે છે દિવાળી? આ કોમન પ્રશ્નો અનેકને પૂછતા હશે. અનેકોના જવાબ મોટા ભાગે એક જેવા જ હશે. ‘બહુ મજા આવી હોં, ખુબ જલ્સા કર્યો.’ આ ફિક્સ જવાબ છે. જયારે કોઈ તહેવાર આવે છે ત્યારે અને તે પછી એની ચર્ચા થતી રહે છે.
ભારત નદીઓનો, ભાષાઓનો, સંપ્રદાયોનો, દેવી દેવતાઓનો અને તહેવારોનો દેશ ગણાય છે. તે પૈકી કેટલાક એવા તહેવારો છે જેની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર આખાય દેશમાં પડે છે. હમણાં જ એક તહેવાર ગયો. જેને રંગોનો તહેવાર ગણાવાયો છે. એ તહેવાર એટલે હોળી. પણ હોળીના બીજા કે ત્રીજા દિવસે રસ્તાઓ અને જાહેર જગ્યાઓની દશા જોઈ ને વિચાર આવ્યો કે હોળી ખરેખર રંગોનો તહેવાર છે? જાહેર માર્ગોની ભીંતો, ઓટલા, ખૂણાઓ અરે, ક્યાંક તો કોઈનાં વાહનોંય ખરાં! હોળી રમનારાઓએ રંગોના નામે જાત જાતની માટીથી એવા તો ખરડી નાખ્યા હતા કે હવે રસ્તા ઉપર રીતસર ઝીણી રજ ઉડ્યા કરે છે. આ તો એક ઉદાહરણ માત્ર છે.
સૌ જાણે કે તહેવારો અસલીયત ખોઈ ચૂક્યા છે. વાસ્તવમાં ભારતમાં ઉજવાતા તહેવારો, વર્ષો પહેલાનું સામાજિક જીવન અને વ્યવસાયોની નીપજ છે. અહીં થોડા ઊંડે જવાની ઈચ્છા થાય છે. ઉત્તર ભારતની ભાષાઓમાં રહેલો ‘વર્ષ’ શબ્દ વાસ્તવમાં વર્ષા એટલે કે વરસાદ ઉપરથી આવ્યો છે. વર્ષાકાળ એટલે કે ચોમાસાની પુર્ણાહુતિ. એજ વર્ષ પુરું થવાની ઘટના. તહેવારો પણ ચોમાસા અને મુખ્ય ખેતીના વ્યવસાયોને ધ્યાનમાં રાખીને ઉજવાતા થયા છે. તહેવારોનો સમય ભારતીય ભૂગોળ આધારીત છે. ભારતીય ઉપખંડનું ચોમાસું વિશ્વમાં એક જુદા પ્રકારની ભૌગોલિક ઘટના છે. આ ચોમાસાએ જ ભારતીય ઉપખંડમાં રહેતી પ્રજાને જુદા જુદા તહેવારોની ભેટ ધરી છે. જોકે વર્તમાન સમયમાં આ બધું સમજવું અને સ્વીકારવું જરા અઘરું અને બિનજરૂરી પણ લાગે. છતાં હકીકત એ છે કે અત્યારે ઉજવાતા હોળી, દિવાળી, નવરાત્રી, વૈશાખી, પોંગલ, ઉતરાયણ જેવા તહેવારો એ પ્રજાએ શરૂ કર્યો છે જે માત્ર કૃષિકાર અને પશુપાલક હતી. આ તહેવારોના ઉદ્દભવ સમયે ભારત ખેતી અને પશુપાલન ઉપર જીવતું હતું. ચોમાસાનો વરસાદ મહતમ પ્રજા માટે જીવનનો આધાર હતો. વ્યાપારને ભારતની પ્રજા તે વખતે સમજી ન હતી કે એ પ્રકારનો અવકાશ જ ન્હોતો. આવા સમયમાં તે વખતની પ્રજાએ પોતાનાં જીવનને ઉલ્લાસમય બનાવવા તહેવારો ઉજવવાનું શરૂ કર્યું. જોકે દરેક તહેવારોને કોઈ ને કોઈ ઘટના કે કથા સાથે સાંકળીને તેને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આમ કરવાનું એક કારણ તહેવારની ગંભીરતા જળવાઈ રહે તેવું પણ હોઇ શકે છે. પરંતુ દરેક તહેવારમાં કૃષિ જગત છલકતું, ભૌગોલિક સ્થિતિ દેખાતી. તહેવાર ઉપર આસપાસના જે તે પ્રદેશની ભાષા અને સંપ્રદાયોની અસર થઈ. પરંતુ મુલત: શ્રમિક પ્રજા માટે રોજબરોજની દોડધામ અને ઘરેડમાંથી થોડો સમય મુક્તિ પામવાનો એક સાર્વજનિક ઉપાય જ હતો. તહેવારો સામાજિક સંબંધો અને જીવનરસને ટકાવી રાખવા હેતુ ઉજવાતા આવ્યા છે. તહેવારોનો મૂળ હેતુ જ આનંદ અને ઉત્સાહ છે. એવો આનંદ જે સામુહિક હોય, પારિવારિક હોય, જેનાથી મન વધુ સાફ અને ખુશખુશાલ બને. તહેવારો ઉજવીને રોજિંદા શ્રમનો થાક વિસરી પાડી ફરી કામે ચડવાનો, પ્રાકૃતિક આનંદ મેળવવાનો હેતુ હતો. વાસ્તવમાં તહેવારોનાં મૂળિયાં શ્રમ અને સંતોષમાં પડેલાં છે. જ્યાં શ્રમ જ નથી, ત્યાં તહેવારો ઉજવવાનો આરામ ક્યાંથી?
પરંતુ આજે સ્થિતિ જુદી છે. તહેવારોના નામ એના એજ છે. મહિના અને તિથી એના એજ છે. પરંતુ ન સ્થિતિ એ છે કે ન માણસની વૃત્તિ. ન હવે ભારત કૃષિપ્રધાન દેશ છે કે ન તો શ્રમ કરનારી પ્રજા છે. આવી સ્થિતિમાં તહેવારોની અસલીયત ખોવાઈ જાય તેમાં કોઈ નવાઈ નથી. આજે ભારતમાં ખેતી અને પશુપાલન દૂર ધકેલાતા જાય છે. છેલ્લાં ત્રણેક પાંચેક દાયકાથી શહેરીકરણની આંધળી દોટ શરૂ થઈ ગઈ છે. આમ તો ભારત ગામડાંનો દેશ પણ ગણાય છે. તેમ છતાં ઇન્ટરનેટથી સજ્જ ગામડાંમાં ગ્રામતત્વ કેટલું હોઇ શકે તે એક સંશોધનનો વિષય છે. શ્રમ, ખેતી અને સંતોષી જીવનનો વારસો ધરાવતી ભારતીય પ્રજાનું માનસ એકવીસમી સદીના આગમન પછી આમેય બદલાઈ ગયું છે નફો, ફાયદો, ઉપયોગી આવા શબ્દો સમાજ જીવનમાં ચસોચસ ગોઠવાઈ ગયા છે. શિક્ષણ વ્યવસ્થા અર્થોપાર્જનની પ્રક્રિયા બની ગઈ છે. દરેક જણ ઈચ્છે છે કે તેની પાસે બધું જ હોય અને મહતમ હોય. સામાજિક જીવનમાં ભયજનક બદલાવ આવ્યો છે. ‘વસુધૈવ કુટુમ્બકમ’નું સૂત્ર આપનાર આ દેશોમાં બે ભાઈઓ સાથે રહેવા તૈયાર નથી. તમામ બાબતોનું વ્યવસાયી કરણ થઈ ગયું છે, અથવા થઈ રહ્યું છે. કોઈ કોઈના માટે મફતમાં કશું કરવા રાજી નથી. દેશની વ્યવસ્થાઓનો મહતમ લાભ પોતાના આર્થિક ફાયદામાં કેમ લેવો તે વિશે વિચારવાની હોડ લાગી છે. સંચાર વ્યવસ્થા અને પરિવારના સાધનોએ બધુ ખુલ્લું કરી નાખ્યું છે. કોઈ સ્થળ દુર્ગમ રહ્યાં નથી. કુતુહલ જાગે તેવી કોઈ સ્થિતિ બચી નથી. આવા સંજોગોમાં જીવતો ભારતીય માણસ હજુ એ તહેવારો ઉજવી રહ્યો છે, જે ઉજવવા પાછળના હેતુઓ અને સ્થિતિ સાવ જુદાં હતાં. પરિણામે તહેવારો નામે અવ્યવસ્થા, ભીડ, ગોકીરો, લૂંટાલૂંટ અને ક્યાંક વિકૃત આનંદ જેવી ઘટનાઓ આકાર લેવા માંડી છે.
ભારતીય અર્થતંત્ર અને બજાર ઉપર તહેવારો મોટી અસર કરે છે. તહેવારોની જાણ સૌથી પહેલા બજારને એટલે કે વ્યાપારીઓને થાય છે. જાત જાતની લોભામણી જાહેરાતો તહેવારોની આસપાસ થવા માંડે છે. જયારે કોઈ અભાવ ન રહ્યો હોય, કોઈ ઓછપ ન રહી હોય તેવી સ્થિતિમાં આનંદ કેવી રીતે મેળવવો? પરિણામે તહેવારો પોતાનો અસલી રંગ ખોઈ ચૂકી, વરવાં રૂપ ધારણ કરવા માંડ્યા છે. નવરાત્રીના નામે રાતભર ધ્વનિ પ્રદુષણ, દિવાળીના નામે બિનજરૂરી ખરીદી અને આતીશબાજીના વરવાં પ્રદર્શન, હોળીના નામે જેને રંગવાનો કોઈ અવકાશ જ બચ્ચો હોય તેવા લોકો ઉપર રંગોના કુંડાં, જાહેર માર્ગો ઉપર ભીડ, ફાયદા-વ્યવસ્થાનો સરેઆમ ભંગ. લાગે છે આંતરિક અશાંતિની નીપજ તહેવારોના બહાને બહાર આવે છે. અહીં એક અલગ મુદ્દો પણ છે. એ છે આપણી અવસ્થાનો. માણસ તેની વયને શોભે તેવું વર્તન કરે તો એ સારું લાગે. બધાંય આનંદ આજીવન હોતાં નથી. બાળકોએ મેળવવાનો આનંદ એમના માટે જ રહેવા દે તેની વ્યવસ્થા ઊભી કરી પણ તેમાં સામેલ ન થાય એ વડીલ કહેવાય. આજે પાકટ ઉંમરની વ્યક્તિને રસ્તા ઉપર પીચકારી સાથે દોડતો જોઉં ત્યારે થોડું આશ્ચર્ય થાય છે. જરૂર છે જરા બે ઘડી થંભવાની, રંગોનાં કૂંડાં ભરી ભરીને ક્યાં સુધી ભરવાં? કેટલુંક તો છોડી દઈએ.
ચાલો ત્યારે આવજો. રામ રામ.
શ્રી માવજીભાઈ મહેશ્વરીનો સંપર્ક mavji018@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
