પ્રીતિ શાહ-સેનગુપ્તા

મૉન્ગોલિયા દેશના મોટા ભાગમાં ફેલાયેલું છે અતિવિશાળ એવું ગોબીનું રણ. પૂરા પાંચ લાખ ચો.મા.નું એનું ક્ષેત્રફળ છે. પૂર્વથી પશ્ચિમે એની લંબાઈ એક હજાર માઇલ છે, અને ઉત્તરથી દક્ષિણે એની પહોળાઈ પાંચસો માઇલ છે. આ ઉપરાંત, રેતીની આંધીઓને કારણે, દર વર્ષે ૧૪૦૦ ફીટ જેટલું એ વધતું જાય છે -ખાસ કરીને એના દક્ષિણ ભાગમાં. આ ભાગ ચીનની સરહદમાં છે, ને ચીનને ઘણું નુકસાન પહોંચી રહ્યું છે.

આમ તો ગોબીનું રણ, સમુદ્રની સપાટીથી ત્રણ હજારથી પાંચ હજાર ફીટ જેટલે ઊંચે આવેલું છે. પણ એની દક્ષિણ-પશ્ચિમે આવેલા, તિબેટમાંના ઊંચા પર્વતોને લીધે ગોબીમાં વરસાદ નથી થતો, અને એ ઠંડું રણ ગણાય છે. ત્યાં બરફની આંધીઓ પણ ઊઠતી રહે છે. ગોબીના જુદા જુદા ભાગોમાં કુદરત પણ જુદી જુદી જાતની છે – ક્યાંક પર્વતો, ક્યાંક પાષાણ-શિલાઓ, ક્યાંક કોતરો, ક્યાંક ગુફા, ક્યાંક રેતીની ટેકરીઓ, તો ક્યાંક સાવ સપાટ મેદાન. ઉનાળાના ખૂબ ટૂંકા ગાળા દરમ્યાન ઘણો તાપ-તડકો અને અત્યંત ગરમી હોય છે. આ સમયે હજારો માઇલોમાં લીલું ઘાસ ઊગી નીકળે છે, અને વચમાં વચમાં થોડાં ફૂલો પણ દેખાઈ જાય.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

બરાબર આવા સમયે મેં ગોબીને જોવા જવાની વ્યવસ્થા એક પ્રવાસ-જૂથ સાથે કરેલી. ઉલાનબાતરના સ્ટેશનેથી રાતની ટ્રેન લેવાની હતી. પ્લૅટફૉર્મ તો એટલું ચોખ્ખું, કે માન થાય. આ પણ ત્રીજા વિશ્વનો જ દેશ છેને. ઘણા સ્થાનિક લોકો ઉતાવળે આમતેમ જતા હતા. એમને માટેની બોગી આપણા થર્ડ ક્લાસ જેવી હોય તેવું લાગ્યું. પરદેશીઓને માટેની બોગીને આપણા ફર્સ્ટ ક્લાસ સાથે સરખાવી શકાય. બરાબર આપણે ત્યાંની ટ્રેનો જેવી જ લાગે. હું માનું છું, કે આ ટ્રેનો ભારતમાં જ બની હોવી જોઇએ. કદાચ મિટર ગેજથી થોડી સાંકડી હોઈ શકે છે.

રાતના અંધારામાં ભૂમિ જોવા ના મળી, એ ના ગમ્યું. ટ્રેન કદાચ બે-ત્રણ વાર ઊભી રહી હશે, પણ ઊઠીને જોવા ના જવાયું. જોકે બારી ખૂલતી પણ નહતી, ને હું ઉપલી બર્થ પર હતી. ખૂબ વહેલી સવારે ટ્રેન થોડો વખત ક્યાંક અટકી ગઈ હશે, ને પછી છ વાગતાંમાં તો ગોબીમાંના એક ટાઉનના સ્ટેશને આવી પહોંચી. સિરિલિક લિપિમાં લખેલું નામ ઊકલે તો નહીં, પણ મેં નામ પૂછ્યું ખરું. મૉન્ગોલિયન લોકો બોલે છે ખૂબ ઝડપથી. મને એ નામ સરખું સંભળાય જ નહીં, એટલેકે ખ્યાલ જ ના આવે કે શું બોલે છે. એવું બોલે, કે    ‘શાઁશાઁ’ જેવું જ સંભળાય! ચારેક વાર પૂછ-પૂછ કર્યા પછી સમજાયું, કે આ જગ્યાનું નામ સાયન્શાન્ડ હતું. પૂર્વીય ગોબી પ્રોવિન્સનું એ મુખ્ય ટાઉન હતું.

સ્ટેશનેથી પંદરેક માઇલ દૂર બનાવવામાં આવેલા રહેઠાણ-કૅમ્પ પર મિનિ-બસમાં જવા માંડ્યાં ત્યારે ટાઉનનાં રહેવાસી ને સરકારી મકાનો જોવા મળ્યાં. કેટલાંક બહુમાળી મકાનો થયેલાં હતાં, અને નાનાં ઘર પણ હતાં. બધું જરા જૂનું લાગે. બરાબર રણની વચમાં, એટલે કદાચ સતત રેતીના હુમલાથી બાંધકામ ખવાઈ જતાં હશે. અહીં હૉસ્પિટલ, સ્કૂલો અને યુનિવર્સિટી પણ છે. અહીં જ ભણીને ડૉક્ટર થયેલી એક યુવતી મળેલી. જીન્સમાં સજ્જ, કડકડાટ અંગ્રેજી બોલે, દુનિયાના કોઈ પણ ભાગમાંની હોઈ શકે એવી મૉડર્ન, પણ હતી મૉન્ગોલિયન. ગોબીના રણની રિક્ત-વિયુક્ત વિસ્તૃતિમાં ભરપુર રીતનું જીવન છે, અને તે આપણને વિસ્મિત કરતું રહે છે.

જોકે ચારે બાજુ રહેલો છે ભૂમિનો અનંત લાગતો વિસ્તાર – ખાલી, શાંત, સ્તબ્ધ, જિગ્નાસાપ્રેરક. ટૂંકા ઘાસને લીધે બધે ‘લીલા રણ’ જેવું હતું. ક્યાંક ઘેટાં, ગાય, ઘોડા અને આ પ્રદેશમાં લાક્શણિક એવાં બે ખૂંધવાળાં ઊંટ દેખાઈ જતાં હતાં. દૂર દૂર સુધી હતો કેવળ રણ-પ્રદેશ. અડધાએક કલાકે અમારા રાતવાસાની જગ્યા આવી.    ‘ગૅર’ કહેવાતા, ત્રીસેક લાક્ષણિક મૉન્ગોલિયન તંબુ-ઘર ત્યાં બનાવેલા હતા. દરેકમાં ચાર ખાટલા, પૂરતું ઓઢવા-પાથરવાનું, એક ટેબલ, અને વીજળીની બત્તી. એક બારણું, તે એટલું નીચું કે આવતાં-જતાં દરેક જણનું માથું બે-ત્રણ વાર તો અથડાય જ! પણ બારણા પર સરસ ડિઝાઇન કરેલી ખરી!

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

સ્થાનિક પુરુષો આવા ‘ગૅર’ બે કે ત્રણ કલાકની અંદર બનાવી દઈ શકે છે. જ્યારે સ્થાનાંતર કરવાનું હોય ત્યારે તરત એમને છૂટા પણ કરી દઈ શકાય છે. ગૅરના ગોળ માળખા, તથા એની છત માટેનાં લાકડાનાં પાટિયાં હવે તૈયાર મળે છે. એ બધું રીતિસર ગોઠવી દીધા પછી ગોળ માળખા પર રૂ, પોલિયાસ્ટર વગેરેની જાડી સામગ્રી વીંટાળે; એના પર જાડું કાપડ બાંધે, જેથી બહારથી ગૅર વ્યવસ્થિત દેખાય. પછી બારણું લગાવી દે, ને બસ, ગૅર તૈયાર! છેક ઉપર હવા-ઉજાસને માટે એક ગોળ બાકોરું ખુલ્લું રાખે છે, કે જે સહેલાઈથી બંધ પણ થઈ શકે છે.

જે પ્રજા રણમાં વસે છે એમનો શિયાળો ઘણો આકરો હોય છે, ને તેથી ગૅરને ફરતે ખૂબ જાડું પડ જરૂરી છે. વળી, રસોઈ પણ ગૅરની અંદર જ કરવાની, એટલે ઉપર ચિમનીની જેમ એક બાકોરું હોય તે પણ જરૂરી છે. અહીં વરસાદ લગભગ નહીં, ને બરફ પણ ઓછો, પરંતુ પવન સખત વાય, અને અત્યંત ઠંડો પણ હોય. અમે તો એની કલ્પના કરીને સંતોષ પામી લીધો.

ગોબીમાંના મારા સમય દરમ્યાન હવામાન સહેજે ૧૦૫ ફેરનહીટ જેવું હતું. તડકો ખૂબ, પણ ઘામ નહીં, એટલે એ ગરમી સહન કરી શકાઈ. મને તો એ નિર્બંધ પ્રદેશ ખૂબ આકર્ષી રહ્યો. મનમાં થયા કર્યું કે ગોબી કહેવાતું આ સ્થાન ખરેખર તો છે ગેબી.


ક્રમશઃ


સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.