મંજૂષા
વીનેશ અંતાણી

અત્યારના સમયમાં એક માન્યતા વિકસી છે કે જો કશુંક સારું હોય તો એનાથી પણ વધારે સારું, એનાથી પણ ઉત્તમ. કશુંક હોવું જોઈએ અને તે મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ કારણે લોકો પોતાની જાત પાસેથી સો ટકાથી પણ વધારે કાર્યદક્ષતાની માગણી કરવા લાગ્યા છે.
સફળતાના સંદર્ભમાં વધારે, હજી વધારે. એથી પણ વધારે, એવી માગણીનાં સારાં પરિણામ આવે છે તો ખરાબ પરિણામો પણ આવે છે. સફળતાનું એક શિખર સર કર્યા પછી એનાથી પણ ઉપરના અને ઉપરના શિખરે પહોંચવાની મહત્ત્વાકાંક્ષા વકરવા લાગી છે. લોકોને શ્રેષ્ઠતમથી ઓછું કશુંય સંતોષ આપતું નથી. ઉચ્ચ માપદંડ રાખવા એ સારી વાત છે, પરંતુ એના અતિરેકથી એક એવી જગ્યા આવે છે, જ્યાં માત્ર શૂન્યવકાશનો અનુભવ થાય છે. કોઈ પણ સારી બાબત વાસ્તવિકતાના ધરાતલનો સંપર્ક છોડી દે ત્યારે ઉત્તમ અને હજી ઉત્તમ મેળવાની ઇચ્છા એક પ્રકારનું વળગણ બની જાય છે. અશક્યનાં પારખાં કરવાની પણ હદ હોય છે.
ગ્રીકના મહાન વિચારક એરિસ્ટોટલે વર્ષો પહેલાં મધ્યમ માર્ગ અપનાવવાની શીખ આપી હતી. એમણે જીવનના દરેક ક્ષેત્રમાં સંતુલન અને સંયમ જાળવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. કશું ઓછું નહીં, કશું હદથી બહાર વધારે નહીં. વડીલો કહેતા આવ્યા છે કે કોઈ બાબતને એની કુદરતી મર્યાદાથી વધારે ખેંચવામાં આવે ત્યારે એની સારી બાજુઓ હાનિકારક બનવા લાગે છે. સ્થિતિસ્થાપકતાની પણ સીમા હોય છે. ભલમનસાઈનો અતિરેક ક્યારેક દખલગીરી લાગવા માંડે છે, શિસ્તનો હઠાગ્રહ જડતામાં પરિણમે છે અને સંપૂર્ણતાનો અતિ આગ્રહ બોજ બની જાય છે. આપણામાં કહેવાય છેને કે અતિની ગતિ હોતી નથી. આજે એ વાત ભુલાવા લાગી છે. આપણે માનવા લાગ્યા છીએ કે બધાં કામ ચોકસાઈપૂર્વક ખૂબ સારી રીતે કરવાથી જિંદગી સરળ બની જશે.
પરંતુ પ્રશ્ન એ પણ છે કે ઉત્તમ કરવું, પણ કેટલું? આપણી શક્તિઓને અંગત જીવનના ભોગે કેટલી હદ સુધી ખેંચવી હિતાવહ છે? આખરે તો આપણે આપણાં દરેક કાર્ય પોતાની, પરિવારની અને સમાજ-દેશની સુખાકારી માટે કરીએ છીએ. અતિશયતાનો આગ્રહ અંગત સંબંધો પર અવળી અસર કરવા લાગે તો એનો શો ફાયદો એવા સવાલ પણ થવા જોઈએ. શ્રેષ્ઠતમના આગ્રહનો ઓવરડોઝ થવા લાગે ત્યારે એનાં નકારાત્મક પરિણામો આવે છે. આજે માતાપિતા એમનાં સંતાનોનો સ્વાભાવિક વિકાસ રૂંધી નાખે છે. એક માળી એના બગીચાના છોડોને ખૂબ ચાહતો હતો. દરેક છોડનો ઝડપી વિકાસ થાય તે માટે એ કુમળા છોડોને પુષ્કળ પાણી આપવા લાગ્યો. પરિણામે છોડોનો કુદરતી વિકાસ રૂંધાઈ ગયો અને મૂળ સડવા લાગ્યાં. એ જ રીતે વધારે પડતી સંભાળ રાખવાથી સંબંધોમાં પણ રૂંધામણ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. ક્યારેક વધારે પડતી ભીનાશને સૂકવવા દેવી પડે છે.
કામકાજની જગ્યામાં કોઈ વ્યક્તિ એના સહકાર્યકર્તાનાં દરેક કામમાં મદદ કરવા લાગે તો સાથી કર્મચારી પોતાની રીતે કામ કરવાની આવડત વિકસાવી શકતો નથી. દરેક કામમાં પૂર્ણતાનો આગ્રહ રાખવાથી પણ નુકશાન થાય છે, એક લેખક સરસ લેખ પર કામ કરતો હતો. એણે લેખનો પહેલો ડ્રાફ્ટ બહુ સરસ રીતે લખ્યો હતો. એમાં એ એના વિષયના બધા મુદ્દા સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શક્યો હતો. છતાં લેખને વધારે સારો કરવા એ વારંવાર એનું પુનર્લેખન કરતો રહ્યો. એથી લેખમાંથી તાજગી ઊડી ગઈ. લેખક પોતે પણ સર્જનનો આનંદ ગુમાવી બેઠો. બીજું દૃષ્ટાંત: એક કંપનીનો માલિક પોતાની ટીમના લોકો પાસેથી વધારેમાં વધારે કામ લેવાનો આગ્રહી હતો. એમ કરીને એ એની કંપનીમાં ઉચ્ચ ધોરણો સ્થાપવા માગતો હતો, પરંતુ એવું બન્યું નહીં. કર્મચારીઓની કાર્યક્ષમતા પર ઊંધી અસર પડી અને કંપની ખોટમાં જવા લાગી. મનોવૈજ્ઞાનિકો કહે છે તેમ આપણે ઉત્તમથી પણ વધારે હાંસલ કરવાની અને દરેક બાબતમાં સંપૂર્ણતાનો આગ્રહ રાખવા લાગીએ ત્યારે અજાણતાં જ પોતાના પર પ્રેસર વધારીએ છીએ. આપણા મગજને ભાગ્યે જ આરામ મળે છે, સંતોષનું પ્રમાણ ઘટી જાય છે. એ બધું માનસિક શાંતિનો ભોગ લે છે. સ્વભાવ ચીડિયો થઈ જાય છે. આપણે નાનીનાની સફળતાઓનો આનંદ માણી શકતા નથી. સતત લાગે છે કે હજી ઘણું કરવાનું બાકી રહી ગયું છે. વધારે સારું કરવાનો અભિગમ આપણી ગતિને ધીમી કરી નાખે છે.
એક ઝેન કથા છે. શિષ્ય એના ગુરુ પાસે ગયો અને પૂછ્યું: ‘મારે ધ્યાન પર પ્રભુત્વ મેળવતાં કેટલો સમય લાગશે?’ ગુરુએ કહ્યું, ‘દસ વર્ષ.’ શિષ્યએ પૂછ્યું: ‘હું રોજ બમણો સમય ધ્યાન ધરું તો?’ ગુરુએ સ્મિત કરીને જવાબ આપ્યો: ‘તો વીસ વર્ષ લાગશે.’ એક કુંભાર દરરોજ માટીના સુંદર ઘડા બનાવતો હતો. કેટલાક ઘડામાં થોડી ક્ષતિ રહી જતી, છતાં એ ઘડા પણ વેચવા મૂકતો હતો. કોઈ એનું કારણ પૂછ્યું ત્યારે કુંભારે કહ્યું: ‘ઘણા લોકોને ક્ષતિવાળા ઘડા જ પસંદ આવે છે, એમને એ ઘડા પોતાના જેવા લાગે છે.’
આપણું જીવન પણ એવું જ છે. આપણી અધૂરપોથી આપણે બીજા લોકોની અધૂરપ સાથે સહજતાથી જોડાઈ શકીએ છીએ. આધુનિક જીવનનો લય હદબહાર વધી ગયો છે. એક સમયે ‘હવે પૂરતું’ થયું એવો અભિગમ હતો. તે હવે અપૂરતો લાગે છે. એક સમયે જે ‘વધારે’ લાગતું તે હવે આરંભબિંદુ થઈ ગયું છે. પૂર્ણતાનો હઠાગ્રહ પણ અધૂરપની નિશાની છે. કશું પૂર્ણ હોતું નથી કારણ કે પૂર્ણતાના ખ્યાલની ક્ષિતિજો વિસ્તરતી રહેવાની છે.
કહેવાય છે કે ઉત્તમ ગાલીચા બનાવતા ઇરાનના કારીગરો એમના ગાલીચામાં હેતુપૂર્વક નાનકડી ભૂલ રાખતા. તેઓ માનતા હતા કે ઇશ્વર સિવાય કશું સંપૂર્ણ હોતું નથી.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
