મહાત્મા ગાંધી અને પર્યાવરણીય ચળવળ [૨] થી આગળ

રામચંદ્ર ગુહા

                અનુ. ડંકેશ ઓઝા

સમગ્રપણે આધુનિક સંસ્કૃતિનું ગાંધીએ જે તાત્ત્વિક અને ટીકાત્મક અવલોકન કર્યું છે તેનો આજે આપણા જીવનની શૈલી પર અને આજના પર્યાવરણ સાથે ગાઢ સંબંધ છે. તેઓ કહેતા ‘આધુનિક સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ એ જ છે કે આપણી જરૂરિયાતો અનંતગણી છે. આની સરખામણીએ પ્રાચીન સંસ્કૃતિઓમાં અનિવાર્ય એવો સંયમ હતો અને જરૂરિયાતો પર કડક નિયમન હતું.’ (‘યંગ ઇન્ડિયા’ તા. ૨-૬-૧૯૨૭) સામાન્ય એવા અસંયમી સ્વરે તેમણે સમય અને અંતરને કાપી નાખતી ગાંડી ઇચ્છાઓ, પશુઓની જેમ વધતી ભૂખ અને તેને સંતોષવા પૃથ્વીના બીજા અંતિમે પહોંચવાની તૈયારીની સંપૂર્ણપણે ભર્ત્સના કરી છે. ‘જો આધુનિક સંસ્કૃતિ આ જ કરવાની હોય અને જે હું સમજ્યો છું તે બરાબર હોય તો હું તેને શેતાની કહીશ.’ (‘યંગ ઇન્ડિયા’ ૧૭-૩-૧૯૨૭)

વ્યક્તિગત ધોરણે, ગાંધીની સ્વૈચ્છિક સાદગીની વાત આધુનિક જીવનશૈલી સામે એક ટકાઉ વિકલ્પ પૂરો પાડે છે. પર્યાવરણના નીતિશાસ્ત્રનું એક સૂત્ર અતિ ઉત્તમ છે, તે ગાંધી પૂરું પાડે છે : “પ્રત્યેકની જરૂરિયાત પૂર્ણ થાય તે માટે દુનિયામાં પૂરતું છે. પરંતુ પ્રત્યેકના લોભને સંતોષવા અહીં પર્યાપ્ત નથી.” ગાંધીએ ખુદ એનો અમલ કરી બતાવ્યો. સંસાધનોને ફરી ફરી વાપરવાં અને જરૂરિયાતો ઘટાડતાં જવું એ વાત એમના જીવનમાં વણાઈ ગઈ હતી. એમણે આર્થિક વિકાસની વ્યાપક પ્રક્રિયાઓનું જે પૃથક્કરણ કર્યું છે, ગ્રામીણ નવરચના માટે જે કાર્યક્રમ આપ્યો છે અને જિવાતા જીવનનું જે નીતિશાસ્ત્ર આપ્યું છે, એ ગાંધીનાં લખાણોને સાંપ્રત સંદર્ભમાં તપાસીએ તો આજની પર્યાવરણીય કટોકટી બાબતે તેમાંથી ઘણી સૂક્ષ્મ સમજણો ઊભી થાય છે. તેમના જીવનકાળ દરમ્યાન મહાત્માના અંગત શિષ્યોમાંના એક જે.સી. કુમારપ્પાએ ગાંધીના આર્થિક વિચારોને બરાબર સમજાવીને આપણી સમક્ષ રજૂ કર્યા છે. ગાંધીની પર્યાવરણીય સમજને ખૂબ સુંદર રીતે મૂકી આપનાર તે સૌથી પહેલા છે. એમના તરફ, એમના કાર્ય તરફ બહુ ધ્યાન ગયું નથી તેથી એનું મૂલ્યાંકન અહીં રજૂ કરવું વાજબી ગણાશે.

કુમારપ્પા તમિળ ખ્રિસ્તી હતા. તેમને લંડનમાં હિસાબ પદ્ધતિની તાલીમ મળેલી. મુંબઈમાં ઓડિટર તરીકેની તેમની પ્રેક્ટીસ ધમાકેદાર ચાલતી હતી. એ છોડીને ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં થોડો સમય અનુસ્નાતક અભ્યાસ માટે ગયેલા. ત્યાં તેમણે જાહેર નાણાં પદ્ધતિનો અભ્યાસ કરેલો. એ દરમ્યાન ભારતીય અર્થકારણનું કેવું વસાહતી શોષણ પદ્ધતિસર થઈ રહ્યું છે તેનો તેમના મનમાં ઉઘાડ થયેલો. ૧૯૨૯માં તેઓ વિદેશથી પાછા ફર્યા. હવે તેઓ રાષ્ટ્રવાદી હતા. તરત જ ગાંધીના સંપર્કમાં આવ્યા. જાહેર નાણાં પદ્ધતિ અંગેના તેમના વિચારો ‘યંગ ઇન્ડિયા’માં ક્રમશ: પ્રગટ થતા ગયા. કુમારપ્પાએ ઓડિટરની પ્રેક્ટીસ છોડીને સાબરમતી આશ્રમમાં જોડાવાનું નક્કી કરી દીધું. ગ્રામીણ પુન:રચના જે ગાંધીની મહત્ત્વની યોજના હતી તેનો હવાલો તેમને સોંપાયો. પછીના દાયકાઓમાં તેમણે કૃષિ અર્થતંત્ર અંગેનાં મહત્ત્વનાં સર્વેક્ષણો હાથ ધર્યાં અને અખિલ ભારતીય ચરખા સંઘ અને અખિલ ભારતીય ગ્રામોદ્યોગ સંઘ જેવી ગાંધીની સંસ્થાઓ ચલાવવામાં સહાયરૂપ બની ગયા.

ઓગણીસસોની ત્રીસી અને ચાળીસી દરમ્યાન જે.સી. કુમારપ્પાએ સંખ્યાબંધ પુસ્તકો લખી ગાંધીના અર્થશાસ્ત્રને ઔપચારિક રૂપ આપવાનો પ્રયાસ કર્યો. ગાંધીની માફક કુમારપ્પાનાં લખાણોમાં પણ પર્યાવરણની પ્રગાઢ અસરો અંગેનાં નિરીક્ષણો સતત આવતાં રહે છે. આમાંથી જ પર્યાવરણ અંગેની જવાબદારી માટે પાયાની શરત ઊભી થાય છે : “આપણને જરૂરી બધી ચીજવસ્તુઓ જો સ્થાનિક વિસ્તારમાંથી ઊભી કરવામાં આવે તો આપણે તે ઉત્પાદન પદ્ધતિઓ પર પૂરી નજર રાખી શકીએ. પરંતુ જો આપણે પૃથ્વીના બીજે છેડેથી આપણી જરૂરિયાતો પૂરી કરતા હોઈએ તો એ ઉત્પાદન પદ્ધતિઓ પર નિગરાની રાખવાનું અશક્ય બનતું હોય છે.”

પોતાના ગુરુની માફક જે.સી. કુમારપ્પાએ પણ ઔદ્યોગિક સંસ્કૃતિની આકરી ટીકા કરી છે. તેમનું નિરીક્ષણ રહ્યું છે કે લૂંટફાટ વિના ઔદ્યોગિકીકરણ શક્ય નથી. એની સરખામણીમાં ખેતી એ વ્યવસાયોમાં ઉત્તમ છે અને રહેશે. જેમાં મનુષ્ય કુદરત પર અને પોતાના પર્યાવરણ પર એવો કાબૂ ધરાવે છે.’ જેમાં ઉત્પાદનનાં સૌથી સારાં પરિણામો તે મેળવી શકે. આવું કહેતી વખતે તેમણે કુદરત પર ખેતી અને ઉદ્યોગ બંનેની અસર કેવો વિરોધાભાસ ઊભો કરે છે તે નીચેના શબ્દોમાં પ્રગટ કર્યું છે.

“કૃષિ સંસ્કૃતિમાં ઈશ્ર્વરદત્ત પ્રણાલી ઉપર કોઈ આક્રમણ કરવામાં આવતું નથી. ખેતી દરમ્યાન કરવામાં આવતું પરિવર્તન કુદરતી પુન: સર્જનને આવકારે છે. કુદરતમાં જે લાંબે સમયે દેખા દે છે તેને પ્રગટ કરવામાં ખેડૂત કુદરતને સહાયભૂત થાય છે અથવા એની ગતિની તીવ્રતા ટૂંકા ગાળા માટે ઊભી કરે છે…. ઔદ્યોગિક સમાજની આર્થિક પદ્ધતિમાં…. જે પરિણામો મેળવવા પ્રયત્ન થાય છે તે કુદરત સામે હિંસાનાં સ્વરૂપો હોય છે. કારણ કે તેમાં માંગની પરવા કર્યા વિના મોટો પુરવઠો ઊભો કરવામાં આવે છે. પછી બનાવટી રીતે આ સાધનો માટેની માંગ ઊભી કરવામાં આવે છે. તે માટે જાહેરાતની ચાલાકીભરી યુક્તિઓ પ્રયોજાય છે.

એમની પેઢીના બીજા ગાંધીજનોની માફક કુમારપ્પાને મુખ્ય રસ સૈદ્ધાંતિક વિચારણામાં ન હતો, પરંતુ ભારતના ખેડૂતો અને કારીગરોએ જે કંઈ ગુમાવ્યું હતું તેને બચાવવામાં હતો. એમનાં બધાં જ લખાણોમાં કૃષિ અર્થતંત્રનાં કુદરતી સંસાધનોના કાળજીપૂર્વકના સંવર્ધનની વાત સાતત્યપૂર્વક કરવામાં આવી છે. માનવમળને ખાતર તરીકે વાપરવાની વાત પર તેઓ ભાર મૂકે છે. એ માટે વ્યક્તિગત સબસીડી આપવી જોઈએ એમ પણ કહે છે. જ્ઞાતિના ભેદભાવથી ઉપર ઊઠીને માનવમળ એકઠો કરીને તેનો સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરવા સૂચવે છે. સાથોસાથ, જમીનની ગુણવત્તા સાચવવા તેનું ધોવાણ ન થાય, તેમાં સતત પાણી ભરાઈ ન રહે, તે ચકાસતા રહેવાની વાત પર પણ ભાર મૂકે છે.

જળ અને જંગલો એ એવી બાબતો છે જેનાથી આજે ભારતની પર્યાવરણીય ચળવળ સતત મૂંઝવણમાં છે. આ સંદર્ભે જાણવા જેવું છે કે અંગ્રેજ શાસન દરમ્યાન પણ સિંચાઈનાં તળાવોની પર્યાપ્ત જાળવણી થતી નથી એવી ટીકા કરવામાં કુમારપ્પાએ પાછીપાની કરી ન હતી. તેઓ  કહેતા કે ભૂતળનું જળ જળવાય અને ખારાશ ઘટે તે માટે સઘળા પ્રયાસો કરવા જોઈએ. જંગલ વ્યવસ્થાપનના સ્વીકાર્ય મોડેલ બાબતે સારગર્ભ ટિપ્પણી કરતાં તેઓ કહે છે :

“સરકારે જંગલોની જાળવણીની તેની નીતિમાં ધરખમ સુધારણા કરવાની જરૂર છે. જંગલ જાળવણીની પાછળ મહેસૂલ એકઠું કરવાની નીતિ ન હોવી જોઈએ. પણ પ્રજાની જરૂરિયાતની વિચારણા હોવી જોઈએ. આસપાસ રહેતા ગામલોકોની આવશ્યકતા શી છે તે વિચારીને વનોનું આયોજન થવું જોઈએ. જંગલોને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરવાં જોઈએ :

(૧) લાંબા ગાળાની દૃષ્ટિથી સમયાંતરે લાકડાનો પુરવઠો પૂરો પાડનારાં

(૨) ઈંધણ અને ઘાસ પૂરું પાડનારાં. આ બંને પ્રજાને ક્યાં તો વિના મૂલ્યે ક્યાં તો પ્રતીક મૂલ્યથી આપવાં જોઈએ. ગ્રામોદ્યોગમાં તાડનો ગોળ, કાગળ ઉત્પાદન, માટીકામ વગેરે તો જ વિકસી શકે જો ઈંધણ અને ઘાસ તેમને સસ્તા દરે મળતાં રહે.”

જૈવિક બળતણ કે કચરાની ગ્રામીણ અર્થતંત્રમાં કેવી અછત રહે છે એ બાબતે કુમારપ્પાની દીર્ઘદૃષ્ટિ હતી. તેમને ઘાસચારાની ઉપલબ્ધતા અંગે વિશેષ ચિંતા હતી. તેમણે કહ્યું છે કે શણ, તમાકુ અને શેરડી જેવા રોકડિયા પાક તરફ આપણે વળીએ છીએ પરિણામે માણસ માટે અનાજ ઘટે છે અને ઘરેલુ પ્રાણીઓ માટે ઘાસચારો. તેમણે ખેડૂતોની એ ફરિયાદ પણ નોંધી હતી કે એમનાં પશુઓ માટે પૂરતાં ગૌચર નથી. કિંમત ચૂકવ્યા વિના એટલે કે વિના મૂલ્યે પડતર જમીનમાં ગૌચર ઊભાં ન કરતી અંગ્રેજ સરકાર સામે તેમણે ઘણી ટીકાઓ કરી હતી.

જમીનની જાળવણી અને ઉત્પાદકતા, પાણીની જાળવણી અને એની પુન:પ્રાપ્તિ, ગામ લોકોના જંગલ અંગેના અધિકારો અને જૈવિક કચરાના અંદાજો – ગ્રામીણ પર્યાવરણની સમસ્યાઓની આ કાર્યસૂચિ આજે પણ આપણો કેડો મૂકતી નથી. ખેતીને કુદરતના આયોજનમાં દૃઢતાથી સ્થાપિત કરવામાં કુમારપ્પાએ ગાંધીવિચાર મુજબ પર્યાવરણનો આખો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. આજના પર્યાવરણવાદીઓ ભલે એમના કામથી સુપરિચિત ન હોય પણ તેઓ કુમારપ્પાના કામને જ આગળ લઈ જઈ રહ્યા છે.

બીજી વ્યક્તિ જે ગાંધીની સાથીદાર હતી અને જેના પર્યાવરણ વિશેના વિચારો ઘણા પ્રગતિશીલ હતા તે હતાં મેડેલીન સ્લેડ ઉર્ફે મીરાંબેન. તેઓ અંગ્રેજ એડમીરલની પુત્રી હતાં અને ૧૯૨૫માં સાબરમતી આશ્રમમાં ગાંધી સાથે જોડાયાં હતાં. જે.સી. કુમારપ્પાની માફક મીરાંબહેન પણ મહાત્માના આંતરિક વર્તુળમાં હતાં અને તેમના અનુયાયીઓમાં અગ્રગણ્ય હતાં. તમિળ અર્થશાસ્ત્રી કુમારપ્પાની માફક જ મીરાંબહેન પણ ગ્રામીણ પુન: રચનામાં અગ્રેસર હતાં. તેમાં ઘણાં વર્ષો વીતાવ્યાં હતાં. ગાંધીના એ અંગેના વિચારોને વ્યવહારુ રીતે અમલમાં મૂકીને આગળ લઈ ગયાં હતાં.

૧૯૪૭માં તેમણે હિમાલયની તળેટીમાં ઋષિકેશ નજીક પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો. તે પછી ઘણાં વર્ષો બાદ તેઓ ભીલંગણા ખીણ તરફ જઈને રહ્યાં હતાં. એ સમયે એમણે જે લેખો લખ્યા તેમાં મીરાંબહેને હિમાલય વિસ્તારમાં જંગલો ઓછાં થવા વિશે, જમીન ધોવાણ અને નદીઓનાં પૂર વિશે પ્રજાને તેમજ નીતિ નક્કી કરનારાઓને સાવચેત કર્યા હતા. બધી બાબતો એકબીજા સાથે જોડાયેલી છે તેના પર ભાર મૂક્યો હતો. ચિપકો આંદોલનનાં વર્ષો પહેલાં આ ટીકાઓએ લોકોને બળ પૂરું પાડ્યું હતું.

મીરાંબહેને શોધી કાઢ્યું હતું કે જંગલની જાળવણીમાં ગામલોકોને બાકાત કરાય છે તે સારી બાબત નથી. ઓકનાં વૃક્ષોને બદલે ઘણા વિસ્તારોમાં પાઈન વવાતાં હતાં એની પણ એમણે ટીકા કરી હતી. કારણ કે તેનાથી વરસાદનું પાણી જળવાવાની શક્તિ ઘટતી હતી. તેમણે આ બાબતોની વિગતે ફોટા પાડીને વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પણ મોકલેલા. નહેરુએ તે વનઅધિકારી તરફ મોકલેલા પણ વર્ષો બાદ મીરાંબહેને સખેદ નોંધ્યું હતું કે આ એવા પાયાના ફેરફારો હતા જે જંગલખાતું કરી શકે તેમ ન હતું.

ગ્રામીણ ઉત્તર પ્રદેશમાં લાંબાં વર્ષોના નિવાસ દરમ્યાન મીરાંબહેને ભારતીય કૃષિ અને તેની સાથે જોડાયેલી પર્યાવરણની મહત્ત્વની સમસ્યાઓ બાબતે જે ટીકાઓ કરેલી તે અધિકારીઓની સમજમાં આવે તેમ ન હતી. આ બાબતોમાં જોઈએ તો નહેર દ્વારા જે સિંચાઈ થાય છે તેમાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા ઊભી થાય છે; મીરાંબહેન જોઈ રહ્યાં હતાં કે જે ઝડપથી પર્યાવરણમાં ફેરફારો કરાઈ રહ્યા છે તે આધુનિક જીવનનું વિશિષ્ટ અને અવરોધક લક્ષણ જ છે. ઉત્તર અમેરિકા અને મધ્યપૂર્વની પ્રાચીન સંસ્કૃતિઓનો વિનાશ કુદરતી પર્યાવરણને નજરઅંદાજ કરી તેનો દુરુપયોગ કરવાથી જ થયો હતો એમ તેમણે તા. ૫-૬-૧૯૫૦ના રોજ ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ના એક લેખમાં લખ્યું.

એમણે આગળ એમ પણ લખ્યું કે ભૂતકાળમાં સંપૂર્ણ વિનાશ થતાં સદીઓ વીતી છે. પણ આધુનિક વિજ્ઞાન અને યંત્રશાસ્ત્ર તે આજે બહુ થોડાં વર્ષોમાં કરી નાખશે.

ગાંધી અને કુમારપ્પાની માફક મીરાંબહેનની પાયાની ચિંતા ભારતના ગ્રામીણ અર્થતંત્રને કેમ ફરી પાટે ચઢાવવું એની જ રહી. તેમ છતાં ઘણી બધી વખત એમનો નિસર્ગ સાથેનો અનુબંધ આધ્યાત્મિક રહ્યો અને તે યુરોપની વર્ડઝવર્થની ભાવનાપ્રધાન પરંપરા મુજબનો હતો. તેઓ કહેતાં કે હું મૂળભૂત રીતે પૃથ્વીમાતાની એક ભક્ત જ છું.

એપ્રિલ – ૧૯૪૯માં મીરાંબહેને લખ્યું કે :

“આજના શિક્ષિત અને ધનિક વર્ગો સંપૂર્ણપણે અસ્તિત્વની મહત્ત્વની પાયાની બાબતોથી અજાણ થઈ ગયા છે – પૃથ્વીમાતા, પ્રાણીઓ અને બીજી સજીવ સૃષ્ટિ વગેરે વિશે જાણે તેને કંઈ જ પડી નથી. એ તો તક મળે એટલે કુદરતના સહજ આયોજનને ઉશેટવા, એને અસ્તવ્યસ્ત કરવા અને લૂંટી લેવા બેઠો હોય એવાં એનાં વૃત્તિ અને વલણ છે. વિજ્ઞાન અને યંત્રો શક્ય છે કે એને કેટલોક સમય મોટાં વળતર અપાવશે. પણ અંતે તો પૃથ્વી એનાથી વેરાન જ બનવાની. ખરેખર તો આપણે કુદરતના સંતુલનનો, અને કુદરત એના નિયમો મુજબ ચાલે છે તેની સાથે જોડાઈને આપણો વિકાસ સાધવાની પદ્ધતિનો અભ્યાસ કરવાની જરૂર છે. આમ કરીશું તો જ આપણે શારીરિક રીતે તંદુરસ્ત અને નૈતિક રીતે સારી પ્રજાતિના છીએ એમ ગણાઈશું.”