જગદીશ પટેલ

અમેરીકાના કેલીફોર્નીઆ રાજ્યના વ્યવસાયીક અને પર્યાવરણીય રોગોના તબીબોના મંડળે કેલીફોર્નીઆ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ સ્ટાન્ડર્ડ બોર્ડ સમક્ષ એક અરજી કરી ૧%થી વધુ સીલીકા હોય તેવા એન્‍જીનીયર્ડ સ્ટોનના ઉત્પાદન અને તેને લગાવવા પર સંપુર્ણ પ્રતીબંધ મુકવાની માગણી કરી છે.

આપણા દેશમાં છેલ્લા થોડા વર્ષમાં સીલીકોસીસ અંગે જાગૃતી વધી છે અને કેટલાક રાજ્યોમાં પીડીતોને શોધવાનું અને તેમના અધીકારો અને કલ્યાણ માટે કામ કરતી સ્વૈચ્છીક સંસ્થાઓ ઉભી થઇ છે અને તેમને કારણે રાજ્યની નિતિ પર પ્રભાવ પડ્યો છે અને પીડીતોના કલ્યાણ માટે કેટલીક યોજનાઓ શરુ થઇ છે. રાજ્સ્થાન, હરીયાણા, પ. બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ જેવા રાજ્યોએ પીડીતોના પુનઃવિકાસ માટે નિતિ ઘડીને અમલમાં મુકી છે.

ભારતમાં ખાણકામ, અકીક, પથ્થરની મુર્તી ઘડનારા, કાચનું ઉત્પાદન, ક્વાર્ટ્ઝ પથ્થર દળવાના એકમો, સેન્‍ડ બ્લાસ્ટીંગનું કામ ( અનેક વ્યવસાયોમાં આ પ્રક્રીયાનો ઉપયોગ થતો હોય છે જેમ કે એન્‍જીનીયરીંગ એકમો જેમાં ફાઉન્‍ડ્રીમાં દાગીનાની સપાટીને સાફ કરવાનું કામ, ગ્લાસ ઇચીંગ જેમાં કાચ પર નામ લખવું કે ડીઝાઇન કરવી વિગેરે, બગસરા ઘરેણા ઉત્પાદન. આ પ્રક્રીયામાં રેતીને ખૂબ દબાણપૂર્વક સપાટી પર ફેંકવામાં આવે છે અને તે દરમીયાન ઘણી ધૂળ ઉડે) વિગેરે, કેન્‍દ્ર સરકારના મજુર મંત્રાલય હેઠળની સંસ્થાના જણાવ્યા મુજબ ૯૦થી વધુ વ્યવસાયોમાં મજુરોને માથે સીલીકાના કણોના સંપર્કમાં આવવાનું જોખમ હોય છે. પરંતુ આ એન્‍જીનીયર્ડ સ્ટોન વીશે ભારતમાં ન કોઇ જાગૃતી છે, ન કોઇ માહીતી.

આ એક ઇટાલીયન ટેકનોલોજી છે અને કહેવાય છે કે ભારતમાં પણ આવા કૃત્રીમ પથ્થરના ઉત્પાદન માટે કેટલાક એકમો સ્થપાયા છે. તે સંજોગોમાં આપણે પણ આવનારી આફત માટે તૈયાર થવું પડશે અને એ વ્યવસાયમાં જોડાયેલા કામદારોનું રક્ષણ કરવું પડશે. જો કે રક્ષણ કરવામાં આપણે સમર્થ નથી તે હકીકત છે. આવા કેટલા એકમ છે, ક્યાં છે, તેમાં કેટલા કામદારો રોકાયેલા છે અને તે પૈકી કેટલા સીલીકાના ભારે સંપર્કમાં આવે છે અને તે પૈકી કોઇ સીલીકોસીસનો ભોગ બન્યું છે કે કેમ તેની સટીક માહીતી એકઠી કરી શકીએ તો પણ ઘણું અને તે માહીતી મળે તો આગળ શું કરવું તેની સુઝ પડે. હાલ તો આ લેખમાં આપણે “ધ વેસ્ટર્ન ઓકયુપેશનલ એંડ એન્વાયર્નમેન્‍ટ મેડીસીન  એસોસીએશન” નામના અમેરીકાના ૭ રાજ્યોના તબીબોની માગણીઓ શી છે તે સમજીએ. આ સંસ્થામાં ૬૦૦ તબીબો સભ્યો છે.

આ એન્‍જીનીયર્ડ સ્ટોન (પથ્થર)ને કાપવા, ઘસવા, પોલીશ કરવા અને સાફ કરવાના કામમાં ઘણી ધૂળ ઉડતી હોય છે. ફેબ્રુઆરી ૨૩માં સરકારે આ તબીબોની માગણી સ્વીકારી ધૂળ માટે કટોકટીનાં હંગામી ધોરણો નક્કી કર્યા અને ડીસેમ્બર ૨૪માં તે ધોરણો કાયમી કર્યા. કાયદામાં એવા સુધારા કર્યા કે  જ્યાં વધુ ધૂળ હોય ત્યાં પાણીનો ઉપયોગ અસરકારક કરવો જેથી ધૂળ બેસી જાય, સફાઇ માટે ઝાડુ મારવાને બદલે પોતું કરવું, વધૂ ધૂળ ઉડે તેવા કામ નીયંત્રીત જગ્યામાં કરવા, આખો ચહેરો ઢંકાય અને ચહેરા પર બરાબર બંધબેસતા આવે તેવા “પાવર્ડ એર પ્યોરીફાયર” ( એક પ્રકારના માસ્ક) કામદારોને વિના મુલ્યે આપવા અને ધૂળના સંપર્કમાં આવતા કામદારોને વીનામૂલ્યે તબીબી તપાસની સુવીધા આપવાની જોગવાઇ કરવામાં આવી. તબીબી તપાસમાં છાતીનો સીટી સ્કેન અને શ્વાસોચ્છવાસના ટેસ્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કામદારોને તાલીમ આપવી, કાયદાભંગ માટે સજાની જોગવાઇ, સીલીકોસીસના દર્દીઓની માહીતી આપવી જેવા સુધારા કર્યા. આ બધા સુધારા છતાં તબીબોના મંડળને લાગે છે કે આ પૂરતું નથી કારણ સીલીકાના કણ અત્યંત ઝેરી હોય છે. જો આ કામ પર સંપૂર્ણ પ્રતીબંધ મૂકવામાં નહી આવે તો સીલીકોસીસ અટકાવી શકાશે નહી એમ તબીબોને લાગે છે. તેમ કરવાથી આ કામદારોનું રક્ષણ થશે અને સલામત ઉત્પાદનો માટેનો માર્ગ મોકળો થશે.

ઓસ્ટ્રેલીયામાં ત્યાંની સરકારે  ૧ જુલાઇ ૨૦૨૪થી આ ઉત્પાદનો પર પ્રતીબંધ મુક્યા પછી હવે બજારમાં સલામત ઉત્પાદનો મળવા શરુ થયાં છે. હવે આ ઉત્પાદનોમાં ક્રીસ્ટલાઇન સીલીકા નહીં, પણ એમોરફોસ સીલીકા વાપરવામાં  આવે છે. ક્રીસ્ટલાઇન સીલીકાને કારણે સીલીકોસીસ થાય છે, એમોર્ફોસ સીલીકાને કારણે થતો નથી. આઇકીઆ નામના સ્ટોર દ્વારા આખા અમેરીકાના પોતાના સ્ટોરમાંથી આ એન્‍જીનીયર્ડ સ્ટોન વેચવાનું બંધ કરી દીધું છે.

ડીસેમ્‍બર ૨૫ સુધીમાં કેલીફોર્નીઆ રાજ્યમાં સીલીકોસીસના ૪૪૭ દર્દીઓ નોંધાયા હતા અને ૨૫ના  મ્રુત્યુ થયા હતા. આ પીડીતોની સરેરાશ ઉંમર ૪૮ હતી. એક અભ્યાસમાં જોવા મળ્યું કે આ વ્યવસાયમાં સરેરાશ ૧૯ વર્ષના સંપર્ક બાદ સીલીકોસીસ થાય છે પણ ૨૪ દર્દી એવા હતા જેમને ૧૦ વર્ષ કે તેથી ઓછા ગાળામાં સીલીકોસીસ થઇ ગયો હતો.

આ તબીબોનું એમ પણ કહેવું છે કે કુદરતી પથ્થર કરતાં આ એન્‍જીનીયર્ડ સ્ટોન વધુ ઘાતક છે. એ શક્ય છે કે આ પથ્થરમાં જે પોલીએસ્ટર રેસીન વાપરવામાં આવે છે તે ફેબ્રીકેશન પ્રક્રીયા દરમીયાન તુટીને વોલેટાઇલ ઓર્ગેનીક કમ્પાઉન્ડમાં ફેરવાતો હોય તેમ બને. વળી, પથ્થરની રજ સાથે ધાતુના કણો પણ ભળતા હોય તો તે કારણે ફેફ્સાંમાં સોજો આવતો હોય. પ્રયોગશાળામાં એન્‍જીનીયર્ડ સ્ટોનને કારણે સીલીકોસીસનો ભોગ બનેલા કામદારના ફેફસાંની તપાસ કરતાં જાણવા મળ્યું કે કુદરતી પથ્થરને મુકાબલે આ પથ્થરની રજના સંપર્કમાં આવતા માણસના ફેફ્સાંના કોષ વધુ જલદી નાશ પામે છે અને ફેફસાંમાં સોજો પણ વધુ આવે છે.

વર્ષ ૨૦૨૫ની શરુઆતમાં કેલીફોર્નીઆ રાજ્યના ઓશા વિભાગનો અંદાજ હતો કે રાજ્યમાં આવા પથ્થરના ઉપ્તાદન માટે અંદાજે ૮૦૦ જેટલા કારખાનાં હશે અને તેમાં ૪૦૦૦ કામદારો હશે. આ ઉદ્યોગમાં સીલીકોસીસનો વૈશ્વીક દર ૨૧% છે. ઓગષ્ટ ૨૦૨૫માં ૩૬૪ દર્દીઓ નોંધાયા હતા. ૧૭%ના દરે ૪૦૦૦ કામદારો પૈકી ૬૮૦ કામદારોને સીલીકોસીસ થવાનો અંદાજ હતો. તે પૈકી ૧૩૦ના મ્રુત્યુ થાય તેવો અંદાજ હતો. ઓગષ્ટ મહીનામાં કેલીફોર્નીઆ સરકારે જાહેર કર્યું કે રાજ્યમાં ૯૨૦ કારખાનામાં ૪૬૦૦ કામદારો છે આ સંજોગોમાં સીલીકોસીસના દર્દીઓ મળવાનું ચાલુ રહેશે.

૨૦૧૯માં જ્યારે કેલીફોર્નીઆના આ પથ્થર કારખાનાઓના નિરીક્ષણનુ કામ સરકારે શરુ કર્યું ત્યારે ૫૦% થી વધુ કારખાનાઓમાં સીલીકાની રજનું પ્રમાણ માન્ય પ્રમાણ ૨૫ મ્યુગ્રામ/મી કરતાં વધુ હતું. તે જે રીતે અમેરીકામાં આ ઉદ્યોગના રાષ્ટ્રીય સ્તરે થયેલા અભ્યાસમાં જોવા મળ્યું કે ૪૩.૫% કારખાનાઓમાં સીલીકાનું પ્રમાણ માન્ય પ્રમાણ કરતાં ઘણું વધુ હતું. નાના કારખાનાઓ માટે કામદારોના રક્ષણ માટે પગલાં લેવાનું અશક્ય હતું. તે સંજોગોમાં એ કામદારોનું આ જોખમી ધૂળના સંપર્કમાં રહેવાનું ચાલુ રહેશે. કેલીફોર્નીઆ સરકારના મજુર વિભાગે ૧૨૨ કારખાનાઓનું નિરીક્ષણ શરુ કરેલું તે પૈકી ૯૯માં નિરીક્ષણ બંધ કર્યું તે ૯૯ પૈકી ૯૩ કાયદાનો ભંગ કરતા માલુમ પડ્યા હતા.

ભારતમાં આ પથ્થરનું ઉત્પાદન કરતા ૫૦ – ૬૦ એકમો હોવાનો અંદાજ છે. આ એકમો રાજસ્થાન, આંધ્ર અને તેલંગણા, ગુજરાત. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં છે.  આ એકમોમાં ૧૦થી ૧૫ હજાર કામદારો હોવાનો અંદાજ છે. આ કામદારો પૈકી કેટલાને સીલીકોસીસ છે તે આપણે જાણતા નથી. આ ક્ષેત્રે કામ કરતી સ્વૈચ્છીક સંસ્થાઓ માટે આ નવો  પડકાર છે.


જગદીશ પટેલ
M -9426486855 |
Email- jagdish.jb@gmail.com