આ પહેલાં આપણે શ્રી મનસુખ વાઘેલાની અમેરિકા જવાની કેડીની સફર કરી
હવે આગળ…….

અમેરિકામાં પહેલા દાયકાની સંઘર્ષ યાત્રાઃ

ન્યુયોર્કના જે. એફ. કેનેડી એરપોર્ટ પર મારું પ્લેન ૩:૩૦ વાગે ઉતરવાનું હતું અને સાત વાગે મારે લાગવાડિયાથી બફેલો બીજા પ્લેનમાં જવાનું હતું. કેનેડીથી લાગવાડિયા મારે હેલીકોપ્ટરમાં જવાનું હતું જેની ટિકિટ મેં લીધી હતી, પણ ન્યુયોર્કમાં પ્લેનને ઉતરવામાં બહુ વાર લાગી. એ ઉપરાંત કસ્ટમ, ઇમિગ્રેશન અને બાકીની બધી વિધિ પતાવતા ૫ વાગી ગયા એમાં હેલિકોપ્ટર છૂટી ગયું. હવે લાગવાડિયા કેવી રીતે જવું? એક રસ્તો હતો અને એ હતો ટેક્સી કરીને જવાનો. પણ ટેક્સીનો ખર્ચ ૫ ડોલર હતો. ભારત છોડતી વખતે મારી પાસે ૮ ડોલર હતાં, અને ગોવિંદભાઈએ મારા ગજવામાં ૬ ડોલર સરકાવી દીધા હતાં. એટલે કુલ મારી પાસે ૧૪ ડોલર હતાં. એમાથી ૫ ડોલર ખર્ચ કરી ને હું લાગવાડિયા પહોંચ્યો અને ત્યાંથી પ્લેન પકડીને બફેલો એરપોર્ટ પર ઉતર્યો ત્યારે મારી પાસે માત્ર ૯ ડોલર હતાં.

બફેલો એરપોર્ટ પર ઉતર્યા પછી મેં પબ્લિક ફોનમાંથી યુનિવર્સિટીમાં ફોન કર્યો જેથી મને કોઈ આવી ને લઈ જાય. સામે છેડે રેકોર્ડિંગ વાગ્યું કે આજે ‘લેબર ડે’ ની રજા હોવાથી કોઈ લેવા આવી શકે એમ નથી માટે આજ ની રાત કાં તો હોટલમાં અથવા તો વાય.એમ.સી.એ.માં ગાળો. અને કાલે સવારે ફોન કરશો તો કોઈને કોઈ તમને લેવા આવી જશે. હવે શું? નસીબજોગે વેનેજ્યુએલાના એક વિદ્યાર્થી સાથે મારી ઓળખાણ થઈ ગઈ. એની કોઈ મૈત્રીણી (ગર્લ ફ્રેન્ડ) એને લેવા આવવાની હતી. એટલે નક્કી કર્યું કે આજે રાતના એની એ મૈત્રીણીના ઘરે રહીશું અને કાલે સવારે સાથે યુનિવેર્સિટી જઈશું. એની મૈત્રીણી ગાડી લઈને આવી પણ ખબર પડી કે એના માબાપ જે બહારગામ હતાં તે પાછા આવી ગયાં છે માટે એના ઘરે રહેવાની સગવડ નહીં થાય. એટલે અમે રાત હોટેલમાં રહેવાનું નક્કી કર્યું.

યુનિવર્સિટી નજીક એક હોટેલ શોધી. રૂમનું ભાડું હતું ૧૦ ડોલર. એટલે દરેકને ભાગે ૫ ડોલર આવે. પણ હોટેલના માલિકે અમને રૂમ ભાડે આપવાની ના પાડી અને કહ્યું કે અમે તમારા જેવાને રૂમ ભાડે નથી આપતા. અમને તો સમજમાં ના આવ્યું કે આણે એવું કેમ કહ્યું, પણ પેલી છોકરીને સમજમાં આવી ગયું. એણે અમને કહ્યું  બે છોકરાઓ એકલા એક રૂમમાં એકજ પલંગમાં હોય તો એને અહીંયા ગેય (સમલંગિક) સમજવામાં આવે છે અને એવા જોડાને રૂમ ભાડે આપવી કે ના આપવી તે હોટેલના માલિક પર નિર્ભર કરે છે. અમને ખૂબ હસવું આવ્યું. અમે ત્યાંથી બીજી હોટેલમાં ગયાં, અને આ વખતે પેલી છોકરી અને તેનો મિત્ર કપલ બનીને રિજર્વેશન કરવા ગયાં અને રૂમ ભાડે મળી ગઈ.

રૂમમાં સેટલ થયા પછી મને તરસ લાગી એટલે મેં મારા સાથીને પુછ્યું કે તારી પાસે પાણી હોય તો મને આપ. એટલે એ એક પ્લાસ્ટિકનો કપ લઈને ગયો અને અંદર બાથરૂમમાથી જ પાણી ભરીને લાવ્યો. મેં એને કહ્યું કે હું આવું પાણી નહીં પીઉં, તો એ મારા પર હસવા લાગ્યો, અને બોલ્યો અમેરિકામાં બધે પાણી એક સરખું જ આવે છે, આ પી લે, તને કાંઈ નહીં થાય, તને કાંઈ થાય તો હું બેઠો છું ને. ઈશ્વરેજ મારે માટે આ ફરિશ્તો મોકલી આપ્યો હતો.

હવે ખીસામા ૪ ડોલર વધ્યા હતાં. ૨૫ ડોલરનો ચેક પાસે હતો અને ગોવિંદભાઈએ કહ્યું હતું કે તારો ૧૦૦૦ ડોલરનો ડ્રાફ્ટ ૧૦-૧૫ દિવસમાં આવી જશે. સવારે ઉઠી સ્નાન શોચની વિધિ પતાવીને યુનિવર્સિટીમાં ફોન કર્યો. એક સ્વયંસેવક આવીને અમને લઈ ગયો. આજે ઓરિએંટેશન હતું. ચા-પાણી અને નાસ્તો અમે ત્યાંજ કર્યા. સાંજના એ જ સ્વયંસેવકે મારા માટે ભાડાની રૂમ શોધી કાઢી. એક માજી હતાં, એમના ૩ બેડરૂમના ઘરમાં એક રૂમમાં અઠવાડિયાના ૧૦ ડોલરના હિસાબે હું પેઈંગ ગેસ્ટ તરીકે ગોઠવાઈ ગયો. માજીને મેં કહ્યું કે મારી પાસે ફક્ત ૪ ડોલર છે, અને ૨૫ ડોલરનો ચેક બતાવ્યો અને કહ્યું કે મારા બીજા પૈસા આવવાના છે, એટલે આવે પછી તમને આપી દઈશ. માજીએ મને કહ્યું કે મને તારા પર વિશ્વાસ છે, જ્યારે તારા પૈસા આવશે ત્યારે મને આપીશ તો ચાલશે. માજી ખૂબ માયાળુ હતાં. હું વેજિટેરિયન હતો એટલે મારા માટે એમણે અમુક વાસણો અલગ કાઢીને આપ્યા હતાં. રેફ્રિજરેટરમાં અલગ જગ્યા પણ કરી આપી હતી. મને તે ગ્રોસરી સ્ટોરમાં લઈ ગયાં અને જરૂરી વસ્તુઓ ક્યાં અને કઈ રીતે ખરીદવી એ મને સમજાવ્યું. એમને ત્યાં મેં એક મહિનો ગાળ્યો.

માજીનું ઘર યુનિવર્સિટીથી ખાસ્સું દૂર હતું. એકાદ વીકમાં વર્ગો ચાલુ થયાં. તેમના ઘરેથી યુનિવર્સિટી બસ માં જવાનું હતું, બે સ્ટોપ પછી ઉતરવાનું હતું. પણ બરાબર પહેલા જ દિવસે ખબર પડી કે બસ ડ્રાઈવરો હડતાળ પર ગયાં છે. એટલે ઘણું ચાલીને જવું પડે એમ હતું. કોઈકે અંગૂઠો ઊંચો કરતા શીખવ્યું. આ રીતે હડતાળ બે અઠવાડિયા ચાલી. ત્યાં સુધીમાં હું કંટાળી ગયો અને યુનિવર્સિટીની નજીક ઘર શોધી લીધું. એ એપાર્ટમેંટમાં એક બંગાળી બાબુ રહેતા હતાં. બે બેડરુમના એ ફ્લેટમાં એક રૂમમાં એ બંગાળી બાબુ રહે અને બીજા રૂમમાં હું અને પ્રફુલ શાહ રહેવા લાગ્યા. મહિને ભાડું ૧૦૦ ડોલર આવતું જેમાં પેલો બંગાળી બાબુ ૫૦ ડોલર આપતો અને હું ને પ્રફુલ ૨૫-૨૫ ડોલર આપતા હતાં. યુનિવર્સિટીની પહેલા સેમિસ્ટર ની ફી ૩૦૦ ડોલર હતી. ૧૦૨૯ ડોલર માં આખું વર્ષ ચલાવવાનું હતું. નસીબજોગે બીજા સેમિસ્ટરથી સ્કોલરશીપમાં ફી માફ થઈ ગઈ.

બંગાળી બાબુનું ભણવાનું પુરું થઈ ગયું હતું. એ નોકરી કરતાં હતાં. દર રવિવારે તપેલામાં ભાત, દાળ, શાક, અને ચિકન કાંતો ફિશકરી રાંધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરીને રાખે. એવી રિતે જ ફરી બુધ-ગુરુવારે રસોઈ કરે. અમને ખૂબ આગ્રહ કરીને વેજિટેરિયનમાથી નોનવેજ ખાતા કરી દીધા અને બીજા મિત્રોએ અમને ઈંડા અને ઓમલેટ ખાતા કરી દીધા. આમ અમારું વિદેશીકરણ થઈ ગયું.

હું મારી સાથે કોટના ખિસ્સામાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, રાઈ, હિંગ, જીરું, મેથી જેવા મસાલા ભરીને લાવ્યો હતો. તે બધુ લગભગ દોઢ મહિનો ચાલ્યું. હવે શું? લોકલ ગ્રોસરી સ્ટોરમાં આ બધુ મળે નહીં. લગભગ ૧૦ માઈલ દૂર એક જાપાનીઝ સ્ટોર હતો એમાં ભારતીય મસાલા મળતા હતાં. મહિને એક વખત કોઈની ગાડીમાં જઈને આ બધા મસાલા, શાકભાજી વગેરે જેવી જરૂરિયાતની વસ્તુઓ અમે લઈ આવતા. હું અને પ્રફુલ અમારી રસોઈ બનાવવામાં પાવરધા થઈ ગયાં અને સ્વાદિષ્ટ રોટલી, રીંગણાં બટેટાનું શાક, દાળ, ભાત. પાપડ, કચુંબર, અથાણું, વગેરે શોખથી ખાતા, રવિવારે ખીર કે ફ્રૂટ શ્રીખંડ પણ બનાવતા. પરંતુ બંગાળી બાબુ સાથે અમને વધારે ફાવ્યું નહીં એટલે ૧ વર્ષ પછી અમે બીજા એપાર્ટમેંટમાં રહેવા ગયાં.

જાન્યુઆરી મહિનામાં યુનિવર્સિટીમાં પાર્ટ ટાઈમ નોકરી મળી. મોટા પાર્કિંગ લોટમાં કારને ક્યાં પાર્કિંગ છે તે જણાવવાનું. વહેલી સવારે બફેલોની કડકડતી ઠંડીમાં સાડા છથી સાડા આંઠ વાગ્યા સુધી કામ કરવાનું. કલાકના ૧ ડોલર અને ૪૫ સેંટ નો પગાર હતો. અઠવાડિયાના ૧૦ ક્લાક મળતા. અમે ચાર મિત્રો વોકી-ટૉકી પર એકબીજાને જણાવતા કે કયાઁ પાર્કિંગની જગા ખાલી છે. અને અમે તેમનો પાર્કિંગનો પ્રશ્ન ઉકેલી  આપ્યો. બધા ખુશ થયાં. શાળાના ન્યૂજપેપરમાં અહેવાલ છપાયો હતો અને એમાં મારો ફોટો પણ છપાયો હતો. મેં એ ફોટો મારા કાકાને ટપાલથી મોકલ્યો, તો તેમનો જવાબ આવ્યો કે મેં તને અમેરિકા આવા કામ કરવા નથી મોકલ્યો. મારે તેમને કેવી રીતે સમજાવવું કે અમેરિકામાં વિદ્યાર્થીઓને પૈસા કમાવવા જે મળે એ નોકરી કરવી પડે છે.

ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓને ત્રણ મહિના દરમ્યાન કામ કરવાની છૂટ હતી. મને ટ્યુશન કરવાનો પાર્ટ ટાઈમ જોબ મળી ગયો. પછી એક મિત્રએ મને કહ્યું કે બ્રેડ બનાવવાની બેકરીમાં જોબ કરવાના સારા પૈસા મળે છે. અને હું પણ ત્યાં જોડાઈ ગયો. કલાકના ૨ ડોલર અને રોજના ૮ કલાક કામ કરવાનું. જુદા જુદા વિભાગોમાં ૧-૨ વીક કામ કરવાનું આવતું. જ્યારે ઓવનમાં બ્રેડની ટ્રે મૂકવાની કે બહાર કાઢવાની આવે ત્યારે જો ધ્યાન ના રહે તો દાજી જવાય.

એક દિવસ રિસેસમાં હું વેંડિંગ મશિનમાં  કોકાકોલા લેવા ગયો. ત્યાં મારી બેકરીના મેનેજર હેડ ની મુલાકાત થઈ. મેં મારો પરિચય આપ્યો કે હું યુનિવર્સિટીનો સ્ટુડન્ટ છું અને ઉનાળાના વેકેશનમાં અહિયાં કામ કરવા આવ્યો છું. એમણે મને પુછ્યું કે “તું શું ભણે છે?” એટલે મેં કહ્યું “મિકેનિકલ એંજિનિયરિંગ”. તેમણે મને કહ્યું કે “તો તારે આવું મજૂરીનું કામ કરવાની જરુર નથી, હું તારા માટે કાંઈક વ્યવસ્થા કરું છુ”. બીજે દિવસે મને ત્યાંના મિકેનિક કે જે બેકરીના બધાજ મશીનોની રેપેરિંગ અને દેખરેખ કરતાં હતાં ત્યાં કામ કરવા મૂક્યો. મિકેનિકને એ ગમ્યું નહીં પણ ઉપરથી આદેશ આવ્યો એટલે એ મને કંઈ કહી ના શક્યો. ચાર દિવસ તો નીકળી ગયાં પણ પાંચમે દિવસે તો એણે મારો કસ કાઢી લીધો. મને સવારના બોલાવ્યો અને કહ્યું આપણાં બોઈલરના પાઈપોમાં ખૂબ કચરો જામી ગયો છે અને તેને સાફ કરવાની જરૂર છે. એણે મને લાંબુ બ્રશ પકડાવી દીધું, મેં બે-ત્રણ કલાક કામ કર્યું અને કોલસાની રજકણ મારા શ્વાસોશ્વાસ સાથે ફેફસામાં ચાલી ગઈ. મારાથી શ્વાસ પણ ના લેવાય. પછી મને હોસ્પિટલમાં લઈ ગયાં ત્યાં મને એ લોકોએ ઓક્સિજનની ટ્રિટમેંટ આપી અને મને આવી વસ્તુઓથી દૂર રહેવાની સલાહ આપી. મારુ મિકેનિકલ કામ ત્યાં પૂરું થયું પરંતુ આ નોકરી, ટ્યુશન, અને અન્ય પ્રયત્નોથી મેં ત્રણ મહિનામાં ૧૦૦૦ ડોલર ભેગા કરી લીધા, જે મને બીજ વર્ષે ખૂબ કામ લાગ્યા.

સપ્ટેમ્બર મહિનામાં યુનિવર્સિટીમાં હવે મારે બે કોર્સ કરવાના બાકી હતાં. મેં એક કંટ્રોલ સિસ્ટમ નો વર્ગ લીધો અને થીસિસ માટે ત્રણ પૈડાં વાળી રિક્ષાની ડિઝાઈનનો પ્રોજેકટ હાથ ધર્યો. આ બંને નિર્ણયો આગળ જતાં મારા માટે નુકશાન કારક ઠર્યા. અત્યાર સુધી મારી એવરેજ બી ગ્રેડની હતી પરંતુ કંટ્રોલ સિસ્ટમના કોર્સમાં મને ડી ગ્રેડ આવ્યો. હું સંપૂર્ણ પણે નાપાસ થયો હતો. મારી એવરેજ પછી ચીલા પર લાવવા માટે મારે બે કોર્સ નવા લેવાના અને બંનેમાં એ ગ્રેડ આવે તો જ હું ભણવાનું ચાલુ રાખી શકું. હું ગણિતમાં હોંશિયાર હતો એટલે મેં બે કોર્સ ગણિત વાળા લીધા અને બંનેમાં એ ગ્રેડ લઈ આવ્યો. પરંતુ મારો પ્રોજેકટ હું પૂરો ના કરી શક્યો, પ્રોફેસરોની સમિતિ કાંઈક ને કાંઈક વાંધા કાઢીને મને આગળ નહોતી વધવા દેતી.

આ દરમ્યાન હું જ્યાં ટ્યુશન કરતો હતો ત્યાં મને લેક્ચરરની નોકરી મળી ગઈ. બે-ત્રણ મહિના પછી ગ્રીનકાર્ડ માટે એપ્લાય કર્યું તો છ મહિનામાં એ પણ આવી ગયું. એંજિનિયરિંગના જોબ માટે ખૂબ કોશિષ કરી પણ સફળતા ના મળી. લેક્ચરર અને શિક્ષણનું કામ મને બહુ ગમતું હતું. હવે શું કરવું? એક મિત્રએ સલાહ આપી કે મેથ એજ્યુકેશનમાં માસ્ટર્સ કરી નાખ. તારા બધા ગણિતના કોર્સની ક્રેડિટ મળી જશે. ખાલી એજ્યુકેશનને લાગતાં ૫-૬ કોર્સ કરવા પડશે. હું માની ગયો અને મારુ ધ્યેય બદલાઈ ગયું. ૧૯૭૫માં મેં “માસ્ટર્સ ઓફ મેથ એજ્યુકેશન” માં ડિગ્રી મેળવી.

૧૯૭૧ માં મેં એક કાર ખરીદી હતી. ઓટોમેટિક નહીં પણ સ્ટાન્ડર્ડ શિફ્ટ.  ગિયર અને ક્લચ વાળી. શીખવામાં અને લાઈસન્સ મેળવવામાં ખૂબ તકલીફ પડી, પણ અંતે લાઈસન્સ મળી ગયું. ગાડી વજનમાં ખૂબ જ હલકી. ૧૯૭૨ના માર્ચ મહિનાની સ્પ્રિંગ બ્રેકની રજાઓમાં અમે એ ગાડીમાં બફેલોથી ફ્લોરિડાનો રિટર્ન પ્રવાસ કર્યો હતો. ફ્લોરિડામાં ત્યારે ડિઝની વર્લ્ડનો થીમ પાર્ક તાજેતરમાં નવો જ ખૂલ્યો હતો. આટલો લાંબો પ્રવાસ ગાડીમાં મેં પ્રથમ વાર જ કર્યો હતો. મારુ ગાડીનું લાઈસન્સ નવું હતું અને મને બહુ પ્રેક્ટિસ નહોતી એટલે મોટે ભાગે ગાડી મારો મિત્ર રમણ ચૌહાણ ચલાવતો હતો અને બીજો મારો મિત્ર સાથે હતો મહેન્દ્ર સંઘવી. રમણ જો થાકી જાય તો મહેન્દ્ર ગાડી ચલાવતો.

જ્યારે અમે સાઉથ કેરોલિના પહોંચ્યા ત્યારે અમે છ વિદ્યાર્થીઓએ રાત રહેવા માટે બે રૂમ માંગી. તો હોટેલના મેનેજરે કહ્યું કે અમે તમારા જેવા ને રૂમ નથી આપતા. ત્યારે મને અગાઉ બની ગયેલો પ્રસંગ યાદ આવી ગયો એટલે બીજી હોટલમાં ફક્ત બે જણ અલગ-અલગ જઈને બે રૂમ બુક કરાવી આવ્યા અને ચાવી લેતા આવ્યા અને અમે રાત રોકાયાં.

ફ્લોરિડાનો પ્રવાસ અનેરો હતો. ઠંડીથી ભરેલા બફેલોને છોડી અમે ગરમ-ગરમ મુંબઈ જેવા વાતાવરણમાં આવ્યા હતાં. જાણે કાશ્મીરથી કન્યાકુમારી. જેવા ફ્લોરિડામાં દાખલ થયાં તો ત્યાં વેલકમ સેન્ટર હતું. ત્યાં મોસંબીના ઠંડા રસના કપ ભરેલા હતાં. અમે દરેકે ચાર-પાંચ કપ પી લીધા. જ્યાં-જ્યાં નજર કરો ત્યાં મોસંબીના વૃક્ષો દેખાય. ચારે તરફ લીલોતરી. ડિઝની વર્લ્ડમાં જુદી-જુદી રાઈડો લેવાની ખૂબ મજા આવી. ફ્લોરિડાના દરિયા કિનારે બીચ ઉપર રેતીમાં રમવાની, દરિયાના પાણીમાં છબ-છબિયાં કરવાની પણ ખૂબ મજા આવી. ઠેઠ માયામી સુધી ગયાં. પાછા ફરતા ઓર્લેંડો, ટેમ્પા અને બીજા ફ્લોરિડાના પ્રવાસધામો ફર્યા. પછી વોશિંગ્ટન ડી.સી. થઈ બફેલો પાછાં આવી ગયાં.


ક્રમશઃ