હળવા નિબંધો
માવજી મહેશ્વરી
સરસ ઉઘાડ નીકળ્યો છે. મેઘરાજાએ ધરાને તૃપ્ત કરી દીધા પછી સૂર્ય નારાયણે સમયસર મોં બતાવ્યું છે. આઠેક દિવસ એકધારી વાદળાની જમાવટ, વીજળી, મેઘગર્જના ક્યાંક છાંટા, ક્યાંક રીમઝીમ તો ક્યાંક રમઝટ બોલાવી દઈને વરુણદેવે વિદાય લીધી. હજુ થોડા દિવસ પહેલાં આકાશ આગ ઓકતું હતું. સમસ્ત સૃષ્ટિને બાળીને ખાખ કરી દેવી હોય તેમ સવિતા નારાયણ તપ્યા હતા. અચાનક વાતાવરણ બદલાયું. કોઈ ગેબી દેશમાંથી ચડી આવેલા લશ્કરની જેમ વાદળોના દળ ખડકાઈ ગયા. તે પછી સમસ્ત જીવ જેની વાટ જોતા હતા તે મેઘરાજા પધાર્યા. સૌના માંહ્યલા તૃપ્ત થયા, ધરતીને ઠંડક થઈ ગઈ. આ વચ્ચે બીજી એક ઘટના બની. અઠવાડિયા લગી આકાશ અને અવકાશી પીંડોને વાદળોએ ઢાંકી દીધા હતા. એક અઠવાડિયામાં તો લોકો સૂરજનું મોં જોવા ઉતાવળા, અધીરા થઈ ગયા. જે સૂરજ થોડા દિવસ પહેલાં ત્રાહિમામ કરાવી દેતો હતો, એ જ સૂરજની ગેરહાજરી અસહ્ય થઈ પડી હોય તેમ લોકો તડકો જોવા અધીરા બની ગયા. શું કારણ હશે?
જરા અટકીએ, કોઈ ઉતાવળો અભિપ્રાય આપતાં પહેલાં થોડીવાર વિચારીએ. કેટલાક તિક્ષ્ણ બુદ્ધિશાળી લોકો કહી દેશે કે માણસજાતને તો કાંઈ જ નથી પોષાતું. ન ગરમી, ન ઠંડી કે ન વરસાદ. આ અભિપ્રાય સાચો હોય તોય અધૂરો છે. હા, માણસજાતનો સ્વભાવ એવો છે ખરો. પણ અહીં આપણી, એટલે કે ભારતીય લોકોની વાત કરવી છે. આપણે ઠંડી વધુ પડે કે ઓછી, ચલાવી લઈ છીએ. ગરમી ઓછી પડે કે વધુ તોય ચલાવી લઈએ.. અરે! વરસાદ ત્રણ ત્રણ વરસ ન આવે તોય દુષ્કાળ વેઠી જઈએ છીએ. ચંદ્ર દેખાય કે ન દેખાય આપણને ઝાઝો ફરક પડતો નથી. પરંતુ સૂરજનો ઝૂરાપો આપણને અસહ્ય થઈ પડે છે. જો ચાર પાંચ દિવસ સૂરજ ન દેખાય તો આપણને અસુખ થઈ પડે છે. સૂરજને જોવા, તડકાને પીવા આપણે ઉતાવળા થઈ જઈએ છીએ. શું કારણ હશે?
અહીં ઉપર ઉપરથી વિચારીને આપી દઈએ તો અનેક જવાબો મળી જશે. પણ એવું કરવાને બદલે થોડા ખાંખાખોળાં આપણી અંદર કરીએ. જરા આપણા પૂર્વજોના પગલાં તપાસીએ. સાચા જવાબો જરૂર મળશે. હા, વિજ્ઞાન કહે છે સૂર્ય આ જગતનું ચાલાક બળ છે. સૂર્ય થકી જ આ સૃષ્ટિ છે. સૂર્ય છે તો જીવન છે. પણ અહીં તો આપણે ભારતીયોએ આપણી જ રગને જાણવાની છે કે સૂરજ સાથે એવો તે કયો નાતો છે કે આપણને એના વગર ચાલતું નથી? આપણાં શાસ્ત્રોમાં સૂર્યની કેટલીય પૂજાઓ પડેલી છે. અનેક વિધિ વિધાનો સમાયેલા છે. અરે! આજે પણ સવારે સૂર્યને વંદન કરનારા કે જળનો અર્ઘ્ય આપનારા અનેક લોકો દેખાશે. કેટલાક તો સૂર્ય ન દેખાય, વાદળ પાછળ ઢંકાયેલો હોય તોય પૂર્વ તરફ માથું ઝુકાવીને નિત્ય કાર્ય આરંભે છે. વિજ્ઞાન કહે છે કે સૂર્ય આપણો સૌથી નજીકનો તારો છે. એના પ્રકાશથી આપણે જીવી શકીએ છીએ. શું સૂર્ય સાથે આપણો ખરેખર એટલો જ સંબંધ છે? ના ભારતીય લોકો માટે સૂર્ય કેવળ અવકાશી પીંડ માત્ર નથી. એનાથી સકળ જીવ સૃષ્ટિ છે, એનાથી પાણીની વરાળ બને છે, વાદળા બંધાય છે, વરસાદ પડે છે. એના સિવાય પણ સૂર્ય સાથે આપણો એક જુદો નાતો છે. સૂર્ય આપણી ચેતના આપણાં શરીરની ક્રિયાઓ અને આપણા મન સાથે જોડાયેલો છે. સૂર્ય આપણા ગમા-અણગમા, આનંદ-ઉદાસી, વિયોગ-મિલન સાથે જોડાયેલો છે. સૂરજ સામે જયારે વાદળાં આવી જાય છે, ત્યારે એ વાદળા કેવળ સૂરજને ઢાંકી દેવાં પૂરતાં રહેતાં નથી. એ વાદળાં આપણા મનના સૂરજ આડે પણ આવી જાય છે. બધું ધૂંધળું થઈ જાય છે. અને એટલે જ આપણને બેચેની થઈ પડે છે. ક્યારે હટે આ વાદળા? ક્યારે પથરાઈ જાય પ્રકાશ? ક્યારે બધું ઉજાસમય થઈ ચમકી ઉઠે! એની વિહ્વળતા આપણને ઉદાસ બનાવી મૂકે છે.
આપણે ભારતીયો અન્ય પ્રજાથી થોડા જુદા છીએ. હા, આજે અંગ્રેજી ક્લ્ચર એટલે કે પાશ્ચાત્ય ક્લ્ચરનું એક ચિત્ર લઈને જીવતા ભારતીય લોકો છે જ. એમને ભારત ઓર્થોડોક્સ લાગે છે. કેટલીક ચીજો નકામી અને પુરાણી લાગે છે. અહીં મારે કોઈ સંગઠનવાદીની જેમ સ્વદેશીના ગાણાં નથી ગાવાં. પાશ્ચાત્ય ક્લ્ચર ત્યાંની ભૂગોળ અનુસાર વિક્સ્યું છે. એ એની રીતે સાચું છે. પણ જયારે આ દેશની ધરતી પર પાશ્ચાત્ય ક્લ્ચરને લાવવું હોય તો એનું ભારતીયકરણ કરવું પડે. નહીંતર કાં ફારસ ઉભા થાય કાં વિગ્રહ! આના માટે એક ઉદાહરણ પુરતું થઈ પડશે. અમેરિકા એક એવો દેશ છે જેની અસર સમગ્ર વિશ્વના દેશો પર છવાયેલી છે. ભારતીયો પણ વાત વાતમાં અમેરિકાના વખાણ કરે છે. હવે સંસ્કૃતિ શું ચીજ છે એ વિચારીએ, તો અમેરિકાની પ્રજા કૂતરાં સાથે જોડાયેલી છે. આપણને જેટલી ગાય પ્રિય છે એટલો જ એમને કૂતરો વહાલો છે. આપણાં જીવનમાં ગાય વણાયેલી છે ત્યાં કૂતરો વણાયેલો છે. એક ભારતીય અમેરિકાની ધરતી પર જઈને કૂતરાને ભારતીય રીતે જોશે તો અમેરિકન એને સમજી નહીં શકે. કારણ અમેરિકન કૂતરા સાથે ખાઈ-પી શકશે. ભારતીય તેમ નહીં કરી શકે. એવી રીતે જો ભારતીય અમેરિકાની ધરતી પર ગાયના ગુણગાન ગાશે તો અમેરિકન એ સ્વીકારી નહીં શકે! આ છે સંસ્કૃતિ!
સંસ્કૃતિને ઘડનારા તત્વોમાં પ્રમુખ પરિબળ ભૂગોળ છે. કેટલાક લોકો રાતોરાત સમાજને સુધારી નાખવાની નેમ લઈને બેઠા છે. એ ઇતિહાસ તરફ આંગળી ચીંધીને કહે છે, પેલા દેશના લોકો આવું કરી શક્યા છે, ફલાણા દેશમાં આવા મહાપુરુષો થઈ ગયા. એમને કેમ સમજાવવુ કે દરેક પ્રજા જે કરી રહી છે કે જે માન્યતાઓ સંઘરીને બેઠી છે એના માટે એમની ભૂગોળ જવાબદાર છે. ભૂગોળ ઇતિહાસને જન્મ આપે છે. આપણાં દેશની ભૂગોળે ઇતિહાસ રચ્યો. દુનિયાભરની પ્રજાને આ દેશની સમૃધ્ધ ભૂગોળ જ ખેંચી આવી. આપણે જે કાંઈ છીએ એ આપણી ભૂગોળ થકી છીએ. આપણી ભૂગોળ આપણી માનસિકતા ઘડે છે અને ભારતીયોની માનસિકતા હંમેશા પ્રકૃતિ તત્ત્વો સાથે જોડાયેલી રહી છે. પ્રકૃતિ આપણું રોજીંદું જીવન છે. ભારતમાં એવાય લોકો છે જે રાતે ખુલ્લામાં સુએ અને તારા જુએ તો જ એમને ઊંઘ આવે. ચંદ્ર, તારા, સૂરજ, પવન, નદી ડુંગર, વૃક્ષો, પંખી આપણા જીવનમાં વણાયેલા છે. એ આપણા મનના અગોચર ખૂણામાં પોતાની આગવી જગ્યા બનાવીને બેઠા છે. એ જગ્યા આપણે ખાલી કરીને અન્ય વસ્તુઓથી ભરવાનો પ્રયત્ન કરીએ છીએ. એવું થઈ શકતું નથી એની આપણને ખબર નથી. આપણે ભારતીયો આપણા શરીરને ફક્ત મશીન નહીં બનાવી શકીએ. ક્યારેય નહીં.
સૂરજ એ રીતે આપણા લોહીમાં સમાયેલો છે. આપણાં શાસ્ત્રોમાં સૂર્ય ઉપાસનાનું મહત્વ છે. સૂર્ય જગતની ઉર્જાનું ચાલકબળ છે. સૂર્ય જડ-ચેતન સૌને જગાડે છે. આપણે ઈચ્છીએ કે ન ન ઈચ્છીએ તોય, રાત પડે આપણને ઊંઘ આવી જાય છે અને સવાર થાય ત્યારે શરીર આપોઆપ જાગી જાય છે. શું છે આ? આપણું શરીર અને મન અદશ્ય રીતે સૂર્ય સાથે જોડાયેલા રહે છે. તેથી જ આપણું શરીર સૂર્યની સાથે તાલ મેળવે છે. જયારે આ તાલ તૂટે છે ત્યારે અકળામણ થાય છે. સૂરજ આપણો રોજનો સાથીદાર છે. સૂરજ રાતભરની ઉદાસી દૂર કરી દે છે. કપરા સમયની રાત વિતાવવી મુશ્કેલ બને છે ત્યારે પૂર્વમાં પથરાતું અજવાળું એક હિમત જગાવે છે. આ છે સૂરજ અને આપણાં મનનો નાતો. આપણે ઈચ્છીએ કે વરસાદ વરસતો જ રહે. આપણી આવી લાખ ઈચ્છા છતાં સૂરજનો લાંબો વિયોગ આપણે સહન નહીં જ કરી શકીએ.
લ્યો ત્યારે આવજો. રામ, રામ.
શ્રી માવજીભાઈ મહેશ્વરીનો સંપર્ક mavji018@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
