દેવિકા રાહુલ ધ્રુવ

શ્રાવણનો આ સરતો મહિનો, ક્યાં છે સૌનો કાનો,
ગોતીગોતી થાકી આંખો, ના દેખાય યમૂનાનો  કાંઠો.

વસુદેવ ને દેવકી લઈને આવે જેલની યાદો,
નંદ-જશોદા બાંધી બેઠાં ક્યારનો મનમાં માળો,
લાગણીઓ તો લળીલળીને રમવા  માંડી રાસો,
ઉજાગરાએ માંડ્યો હવે લો, રાતનો અહીં વાસો,
શોધીશોધી થાકી આંખો, ના દેખાય મન-મંદિરનો માધો. 

ખોટી મટકી, માખણ લઈને, ગોરસ વહેંચુ ઘાટો,
નીકળ, છબીની બહાર હવે ને, તોડ પીડાની વાડો,
ખૂબ મનાવું પ્રેમથી તુજને, રહે નહિ હવે આઘો,
છાને પગલે આવીઆવી, સ્પર્શી લે સ્નેહથી વાંસો,
ખોળીખોળી થાકી આંખો, ના દેખાય વ્રજનો વ્હાલો.

 

શ્રાવણનો આ સરતો દા’ડો, ક્યાં છે સૌનો કાનો,
શોધીશોધી થાકી આંખો, ના મળતો  છેલછોગાળો.


Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com