મંજૂષા

વીનેશ અંતાણી

સ્વચ્છ નદીના જળમાં તળિયા સુધીનું બધું સ્પષ્ટ જોઈ શકાય છે. એ જ નદીનું પાણી કાદવથી ડહોળાયેલું હોય તો કશું જોઈ શકાતું નથી. એ જ રીતે સરકારી વહીવટ, શિક્ષણ, જાહેર સંસ્થાઓ, ધાર્મિક સ્થળો અને સંબંધોમાં એમ જીવનનાં દરેક ક્ષેત્રોમાં પારદર્શકતા હોવી જરૂરી છે. જાહેર ક્ષેત્રોનું સંચાલન આપણા હાથમાં ન હોય, પરંતુ અંગત સંબંધોમાં પારદર્શક રહેવું આપણા હાથમાં છે.

પારદર્શક વ્યવહારથી સંબંધોમાં અરસપરસ વિશ્વાસનું વાતાવરણ રચાય છે. લોકો જાણતાં કે અજાણતાં એમની લાગણી, વિચારો, અભિપ્રાયો મન ખોલીને વ્યક્ત ન કરે તો સંબંધોમાં અસત્યો અને અર્ધસત્યોનું પ્રમાણ વધવા લાગે છે અને અપ્રામાણિકતા પ્રવેશે છે. એમની વચ્ચે આશંકા અને અવિશ્વાસ જાગે છે અને સંબંધોમાં તિરાડ પડવા લાગે છે. એક વાર તિરાડ પડે પછી સંબંધો સહેલાઈથી સાંધી શકાતા નથી.

પારદર્શકતા દરેક અંગત સંબંધોની મૂલ્યવાન મૂડી છે. સાચા સંબંધોમાં કશું છુપાવવાનું ન હોય. લાગણીઓ અને વિચારોને વ્યક્ત ન કરવાથી સંબંધોમાં એક પ્રકારની ખામોશી આવી જાય છે. ખોમોશીની દીવાલ ઊચીને ઊંચી વધવા લાગે તે પહેલાં મન ખોલીને વાત કરી લેવી જોઈએ. બારીના કાચ ધૂળ અને કચરાથી મેલા થઈ જાય તો એની આરપાર જોઈ શકાતું નથી. બધું ધૂંધળું થઈ જાય છે. એ જ રીતે સંબંધો અને વ્યવહારમાંથી પણ ખુલ્લાપણાંની બાદબાકી થવા લાગે ત્યારે વ્યક્તિઓ એકમેકને સ્પષ્ટપણે જોઈ શકતી નથી, અવિશ્વાસ અને આશંકાનાં જાળાં બાજવા લાગે છે.

ઘણા લોકોના સ્વભાવમાં નિખાલસતાનો અભાવ હોય છે. કેટલાક તો એને પોતાની મુત્સદ્દીગીરી માને છે અને એમને ખબર પણ ન પડે તેમ તેઓ એકલા પડતા જાય છે.

એક યુવાન દંપતીનાં લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયાં હતાં. બંને વચ્ચે ખૂબ પ્રેમ અને સમજણ. બધું બરાબર ચાલતું હતું, ત્યાં પત્નીને અચાનક લાગવા માંડ્યું કે એનો પતિ એને દૂર રાખવા લાગ્યો છે. એ ખુલ્લીને વાત કરતો નથી. પછી તો પતિ રોજ સાંજે ઑફિસથી મોડો આવવા લાગ્યો. એના ચહેરા પર ચિંતાની રેખાઓ વધવા લાગી હતી. પત્નીને સમજાતું નહોતું કે પતિને શું થઈ ગયું છે. એને અમંગળ વિચારો આવવા લાગ્યા. શું એ હવે એને પ્રેમ કરતો નથી? એના જીવનમાં બીજી સ્ત્રી આવી છે? એ પતિને પૂછી લેવાનો વિચાર કરતી, પરંતુ એને બંધ પેટી જેવો થઈ ગયેલો જોઈ હિંમત કરી શકતી નહોતી. એમનું જીવન શુષ્ક થવા લાગ્યું હતું. થોડા દિવસ પછી પતિના મિત્ર અને સહકાર્યકર્તાની પત્ની પાસેથી જાણવા મળ્યું કે એમની કંપની મોટા પાયે સ્ટાફની છટણી કરવાનું વિચારી રહી છે. એને તરત પતિના બદલાયેલાં વર્તનનું કારણ સમજાઈ ગયું. એ રાતે એણે રડતાંરડતાં પતિ પાસે મન ખોલ્યું – ‘તમારા પર આટલું બધું વીતે છે, છતાં તમે મને વાત પણ ન કરી? હું તમારી અર્ધાંગિની છું. મને તમારી ચિંતા જણાવી હોત, મારી સાથે વાત કરી હોત, તો તમારે એકલાએ સહન કરવું પડ્યું ન હોત અને મારા મનમાં તમારા માટે બેહુદી શંકાઓ જન્મી ન હોત.’ પતિ એની પ્રિય પત્નીને ચિંતાઓથી દૂર રાખવા માગતો હતો, પરંતુ એ કારણે એમની વચ્ચે અપારદર્શક દીવાલ ઊભી થઈ હતી. એ સ્થિતિ એમના લગ્નજીવન માટે બહુ મોટો ખતરો બની શકી હોત. પત્નીએ પણ એકવાર એને પૂછી લીધું હોત તો એને ગેરસમજ થઈ ન હોત.

જરૂર હતી બારીનો કાચ લૂછવાની. દરેક સંબંધની જેમ માતાપિતા અને સંતાનો વચ્ચે પણ પારદર્શકતા હોવી જરૂરી છે. સંતાન કોઈ ભૂલ કરે તો માતાપિતા અપેક્ષા રાખે છે કે એ એની ભૂલ કબૂલ કરે અને માફી માગે. એ જ રીતે માતાપિતાથી કોઈ ભૂલ થાય કે એમનું વર્તન અયોગ્ય હોય તો તેઓ પણ એમનાં સંતાનને કહી શકે – અમે ખોટાં હતાં.

એક વાર દસ વર્ષના પુત્રની સામાન્ય ભૂલથી પિતા એના પર ખૂબ ગુસ્સે થઈ ગયો. એણે પુત્ર સાથે અપમાનજનક વર્તન કર્યું. પુત્ર આખો દિવસ રૂમમાં ભરાઈને બેસી રહ્યો. બપોરે જમ્યો નહીં. પિતા પોતાના વર્તન માટે ક્ષોભ અનુભવતો હતો, પરંતુ પુત્ર સામે ખુલ્લો પડવા માગતો નહોતો. દીકરો રાતે પણ જમવા આવ્યો નહીં ત્યારે પિતાની અપારદર્શકતાની દીવાલ તૂટી પડી. એ દીકરા પાસે ગયો અને કહ્યું, ‘મેં આજે તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે, સૉરી.’ દીકરો પિતા ભેટી પડ્યો. એણે પણ એની ભૂલ કબૂલી. બંનેનાં આંસુઓથી એમના સંબંધોની નદીનું ડહોળાયેલું પાણી નીતર્યું થઈ ગયું. બંને જણ એકબીજાનાં મનનાં સાફ તળિયાં જોઈ શક્યા.

પારદર્શકતાની પણ સીમા હોય છે. જરૂરી નથી કે આપણા વિશેનું બધું જ દરેક જણ સામે પ્રગટ કરવું જોઈએ. દરેક વ્યક્તિ ત્રણ પ્રકારનાં જીવન જીવે છે – જાહેર, વ્યક્તિગત અને તદ્દન અંગત. જાહેરજીવન દુનિયા માટે છે, વ્યક્તિગત જીવન પરિવાર, મિત્રો અને નજીકનાં સંબંધીઓ માટે છે, જ્યારે તદ્દન અંગત જીવન વ્યક્તિનું પોતાનું જ હોય છે. એમાં દરેક વ્યક્તિને પ્રવેશ આપી શકાતો નથી બધી દીવાલો કાચની હોય અને ત્યાં પરદા લગાવ્યા ન હોય એવા ઘરમાં રહી શકીએ નહીં. પારદર્શકતાનો અર્થ એટલો જ કે દુનિયા સામે આપણો દરવાજો ખોલીએ ત્યારે એની પાછળ કોઈ બનાવટ છુપાયેલી ન હોય. વાણી-વર્તન-ઇરાદા અને આપણાં કામ વચ્ચે અંતર જણાય નહીં. આપણે આપણાં પ્રિયજનોને દુ:ખ, નિષ્ફળતા કે નિરાશાથી મુક્ત જીવનનું વચન આપી શકતા નથી. પરંતુ એમને બહુમૂલ્ય ભરોસો આપી શકીએ કે એમને આપણો અસલી ચહેરો શોધવાની જરૂર નહીં પડે.

હૃદય પારદર્શક હશે તો જીવન નદીના નીતર્યાં પાણી જેવું બની જશે. એવાં સ્વચ્છ પાણીમાં જોનારનાં પ્રતિબિંબ પણ આપોઆપ નિર્મળ બની જશે.


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો