માહિતી જંક્શન

વિશાખા મોઠિયા

ઊગતા સૂર્યના દેશ તરીકે ઓળખાતો ટચૂકડો દેશ જાપાન સમગ્ર વિશ્વમાં તેની એડવાન્સ ટેક્નોલોજી તેમજ ત્યાંના ટ્રેડિશનથી પ્રખ્યાત છે. જાપાન જેટલું આધુનિક છે એટલું પારંપરિક પણ છે. લોકોની જીવનશૈલીમાં સ્વદેશીપણું, આધુનિકતા તેમજ પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. આ લેખમાં આપણે જાપાનની એક એવી પારંપરિક વસ્તુ વિશે જાણીશું જે ત્યાંનું સ્ટાઇલ આઇકોન પણ છે એટલે કે એને ફેશન એક્સેસરિઝ તરીકે ઉપયોગમાં લે છે. તો ચાલો જાણીએ – જાપાનની પારંપરિક છત્રી તેમજ બીજું સ્ટાઇલ આઇકોન એવી વાગાસા વિશે, સાથે જાણીશું એનો ઇતિહાસ, પ્રકાર, બનાવવાની પ્રક્રિયા તેમજ વિશેષ બાબતો વિશે.

જાપાની ભાષામાં છત્રીને કાસા ~ kasa કહેવામાં આવે છે. છત્રી બે પ્રકારની જોવા મળે છે : એક તો ફોલ્ડિંગવાળી જે આપણે લોકો વાપરીએ છીએ એ અને બીજી ફોલ્ડિંગ વગરની જેને બંધ ન કરી શકાય, રાજાશાહી પ્રકારની. વાગાસા- wagasa એ જાપાનની પારંપરિક છત્રી છે. આની સિવાય બીજી ઘણી છત્રીઓ જોવા મળે છે જેમ કે – જનોમેગાસા, બંગાસા, હિગાસા, ડાન્સિંગ વગેરે. અહીં તડકા – વરસાદની તેમજ નૃત્ય – નાટક અને ધાર્મિક ઉત્સવ માટેની છત્રીઓ અલગ અલગ જોવા મળે છે. આ બધામાં વાગાસા એ મુખ્યરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. વાગાસા સહિતની દરેક છત્રીઓ સ્વદેશી સ્ટાઇલથી બનાવવામાં આવે છે. વાગાસા બનાવવા માટે ત્યાંનું પ્રખ્યાત કાપડ  વાશી ~ washi, ફ્રેમીંગ માટે વાંસની સળીઓ, કુદરતી રંગો, ઔષધીય તેલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. છત્રીની સાઈઝ તેની પર ફીટ કરવામાં આવેલી ribs – સળીઓની સંખ્યાને આધારે નક્કી કરવામાં આવે છે. વાગાસા છત્રી અનુક્રમે – 36, 40, 44, 46, 48, 54 વગેરેની સાઈઝમાં જોવા મળે છે. વાગાસા છત્રી ત્યાંના સામાજિક ઉત્સવ, ધાર્મિક ઉત્સવ અને વિધિઓ તેમજ લગ્ન વખતે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત ત્યાંના પારંપરિક નૃત્ય – નાટકોમાં પણ નાયિકા દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે.

ઉત્પત્તિ 

છત્રીનો કોન્સેપ્ટ કંઇ નવો તો નથી જ. પૌરાણિક કથાઓના પાત્રોમાં રાજાની એન્ટ્રી વખતે તેની પાછળ એક માણસ મોટી છત્રી લઈને ઊભો હોય છે. રાજા જ્યાં જાય ત્યાં એને જવાનું હોય છે. ભગવાનના ફોટા જોઈએ તો તેની ઉપર પણ સોનાના છત્રો કે છત્તર જોવા મળે છે. પરંતુ કહેવાય છે કે ‘જેવો દેશ એવો વેશ’ – એની જેમ દરેક દેશોમાં છત્રીઓ પણ ત્યાંની સંસ્કૃતિ અને વાતાવરણને અનુરૂપ જોવા મળે છે. ભલે કોઈ પણ દેશનો પૌરાણિક કે રાજાશાહી ઇતિહાસ હોય, છત્રીનું કામ માત્ર એક જ રહ્યું છે – તાપ તેમજ વરસાદથી રક્ષણ આપવાનું ~ છાંયડો આપવાનું.

આપણે અહીં જાપાનની છત્રીની વાત કરી રહ્યા છીએ. જાપાનમાં વાગાસા છત્રી બૌદ્ધ ધર્મના મારફતે આવી; છઠ્ઠી સદી આસપાસ. બુદ્ધ ભગવાનની મૂર્તિ પર છત્તર જોવા મળતું જેને કીનુગાસા ~ kinugasa કહેવામાં આવે છે. તે દેખાવમાં સપાટ ગોળ રહેતી. અહીંથી જાપાની છત્રીની શરૂઆત થાય છે. નવમી – દસમી સદીથી રાજા – મહારાજાઓ પણ દરબારમાં પ્રવેશ વખતે તેમજ નગરચર્યા વખતે આ છત્રીનો ઉપયોગ કરવા માંડ્યા. આ ઉપરાંત ગુરુ કે વિદ્વાન પણ આ પ્રકારની છત્રીનો ઉપયોગ કરતા. આ સમયગાળામાં છત્રી એ શાહી પ્રતીક મનાતી. છત્રી ઉપયોગ કરવાનું ચલણ હજુ સુધી સામાન્ય જનતા સુધી નહોતું પહોંચ્યું. આ રાજાશાહી છત્રી ફોલ્ડિંગ વગરની આવતી. તે દેખાવમાં ખૂબ જ મોટી અને તેની ઉપર જાતભાતના ચિત્રો દોરેલાં હોય છે. જાપાનના પ્રાચીન ચિત્રોમાં આવા દ્રશ્યો જોવા મળે છે. જેમાં રાજાની પાછળ એક માણસ આ વિશાળ છત્રી પકડીને ઊભો હોય.

સોળમી – સતરમી સદી આસપાસ, સામાન્ય પ્રજાઓમાં વાગાસા છત્રીનો ઉપયોગ શરૂ થયો. વાગાસા સંપૂર્ણ રીતે સ્વદેશી રીતથી બનાવવામાં આવતી. વાશી કાપડ, વાંસની સળીઓ, ઔષધીય તેલ, રંગબેરંગી દોરાઓ વગેરેનો ઉપયોગ કરીને જેમાં તડકા અને વરસાદની છત્રીઓ અલગ રહેતી. વરસાદની છત્રીને વોટરપ્રૂફ બનાવવા કાપડ પર તેલ લગાવવામાં આવે છે. સોળમી સદીથી લઈને આજ પર્યંત જાપાનમાં વાગાસા છત્રીઓ પારંપરિક રીતે બનાવવામાં આવે છે. વાગાસા ઉત્પાદનમાં જાપાનનું ક્યોટો, ગીફુ શહેર મોખરે આવે છે.

છત્રીનું ઉત્પાદન

૧) ક્યોટો : જાપાનના ક્યોટો શહેર સ્થિત ત્સુજિકરા – tsujikara નામની વ્યવસાયિક પેઢી છેલ્લા ૩૧૬ વર્ષથી વાગાસા છત્રી બનાવી રહી છે; જેની સ્થાપના સન – ૧૬૯૦માં થઇ હતી, જે આજ પર્યંત કાર્યરત છે. ત્સુજિકરા પરિવાર સંપૂર્ણ રીતે સ્વદેશી રીતથી વાગાસા બનાવે છે. પહેલાં એક વાગાસા બનાવવાની પ્રક્રિયા કેટલાય કારીગરો મારફતે પસાર થતી. વાગાસા બનાવવાના કાર્યો કારીગરો વચ્ચે વિભાજિત થયેલ હતા. અત્યારે એક જ કારીગર થકી આખે આખી વાગાસા બની જાય છે. હાલમાં ત્સુજિકરામાં સાતેક જેટલા કારીગરો છે જે જૂની પદ્ધતિથી વાગાસા બનાવે છે. વાગાસા માટે આ લોકોનો એક જ ધ્યેય રહે છે : ખોલો તો છત્રી અને બંધ કરો તો વાંસની લાકડી ~ Open it and it is an umbrella ; close it and it is a bamboo cane.

૨) ગીફુ : વાગાસાના મોટા પાયે ઉત્પાદનમાં જાપાન પછી ગીફુ શહેરનો નંબર આવે છે. ગીફુમાં વાગાસાનું ઉત્પાદન સામુરાઈ લોકોના સમયથી શરૂ થયું હતું. કામાકુરા – kamakura કાળ દરમિયાન ગીફુમાં આવેલ કાનો – kano વિસ્તાર જ્યારે નાગાઈ નોનોબુ – nagai naonobu ના તાબા હેઠળ આવ્યું ત્યારે તેમણે વાગાસા છત્રીનું ઉત્પાદન શરૂ કરાવ્યું હતું. તેમણે નીચલા સ્તરના સામુરાઈ સિપાહીઓને પોતાના રોજબરોજની જીવન જરૂરિયાતના ખર્ચા કાઢવા માટે વાગાસા બનાવવાના કામ માટે પ્રોત્સાહિત કર્યા. કાનો – kanoમાં પૂરતા પ્રમાણમાં વાશી કાપડ, ઔષધીય તેલ, વાંસની સળીઓ, ગુંદર વગેરે ઉપલબ્ધ હતું. અને ત્યાં બાજુમાં જ nagara – નગારા નદી હતી (હાલમાં પણ છે) એટલે ત્યાંથી માલ પરિવહન માટેની વ્યવસ્થા પણ આસાનીથી થઈ શકે એમ હતી. વાગાસા બનાવવાનું કામ ધીમે ધીમે ત્યાંનું સ્થાનિક વ્યવસાયિક કામ બની ગયું. બીજા વિશ્વયુદ્ધ પછી તેની માંગમાં ભારે ઉછાળ આવ્યો હતો. દર વર્ષે આશરે ૧ કરોડ જેટલી વાગાસા છત્રીનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આજે પણ ગીફુના વિવિધ વિસ્તારોમાં વાગાસાની દુકાનો જોવા મળે છે.

૩) કાનાઝાવા : કાનાઝાવામાં બનતી વાગાસા અન્ય શહેરોમાં બનતી વાગાસા કરતા થોડીક અલગ હોય છે. અહીં ભારે માત્રામાં વરસાદ તેમજ બરફવર્ષા થતી હોવાથી, કાનાઝાવાની વાગાસા જાડા ~ મજબૂત કાપડવાળી હોય છે. કાનાઝાવાની વાગાસા છત્રીમાં કાસાગામી ~ kasagami નામક કાપડનો ઉપયોગ કરવામાં આવે છે, જે વાશી કાપડ કરતા મજબૂત હોય છે અને તે ભારે બરફવર્ષા તેમજ વરસાદને પણ ઝીલી લે છે. એક એવો સમય હતો જ્યારે કાનાઝાવામાં સો કરતાં પણ વધારે સંખ્યામાં વાગાસા છત્રીની દુકાનો હતી; જેમાંથી અત્યારે માત્ર એક જ બચી છે જેની સ્થાપના સન્ – ૧૮૯૬ માં થઇ હતી. સન્ – ૧૮૯૬થી કાર્યરત ‘મત્સુદા વાગાસા’ દુકાન અત્યારે તેની ત્રીજી પેઢી દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં ત્રણ કારીગરો દ્વારા પારંપરિક રીતે વાગાસા બનાવવાના આવે છે. કાનાઝાવાની વાગાસામાં છત્રીની અંદર રંગબેરંગી દોરાઓથી ઝીગઝાગ પેટર્ન બનાવવામાં આવે છે.

વિશેષ બાબતો

– બંગાસા અને જનોમેગાસા એ વરસાદ માટેની છત્રીઓ છે, જ્યારે હિગાસા – higasa એ તડકા માટેની છત્રી હોય છે. લગ્ન પ્રસંગ – તહેવાર, નૃત્ય – નાટક તેમજ ગૃહ – સુશોભન માટેની વાગાસા અલગ આવે છે.

– જનોમેગાસા એ સાંપની આંખો જેવા આકારની હોવાથી, તેને snake eye umbrella પણ કહેવામાં આવે છે.

– જાપાની છત્રી ત્યાંના જાહેર ઉત્સવોમાં ઉપયોગમાં લેવામાં આવે છે જેમ કે –  ટી સેરેમની, યસુરાઈ મત્સુરી, નાગાસાકી કુંચી ફેસ્ટિવલ, દોંટાકુ ફેસ્ટિવલ, ગિઓન ફેસ્ટિવલ વગેરેમાં. આ ઉત્સવોમાં ૧૦૦ કિલો વજન આસપાસની ડેકોરેટેડ વાગાસા ઉપયોગમાં લેવામાં આવે છે.

– વાગાસા છત્રી જાપાનના પારંપરિક નૃત્યશૈલીઓમાનાં એની નિહોન બુયોમાં નૃત્યકાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. કીમોનો પરિધાનમાં નૃત્યકાર જ્યારે હાથમાં વાગાસા લઈને સ્ટેજ પર એન્ટ્રી કરે છે ત્યારે નૃત્યને ચાર ચાંદ લાગી જાય છે. આ ઉપરાંત ત્યાંના નાટકોમાં પણ અમુક સીનમાં કલાકાર દ્વારા વાગાસાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે – લડાઈનો સીન હોય ત્યારે વાગાસાનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

– સમગ્ર જાપાનમાં વાગાસાના સ્પેશિયાલિટી સ્ટોર ~ શો – રૂમ જોવા મળશે.

– જાપાનમાં સૌથી વધારે છત્રી ચોરાઈ જવાનો ડર રહે છે. છત્રી સિવાયની કોઈ પણ વસ્તુ ત્યાં ચોરાતી નથી.

– જાપાનમાં દરેક લોકોના ઘરે ઓછામાં ઓછી ત્રણ છત્રીઓ જોવા મળે છે. લોકો બહાર જાય ત્યારે છત્રી સાથે જ લઈ જાય છે.

– આપણે અહીં જેમ સોનાના ઘરેણા સાચવવાના લોકર્સ હોય છે તેમ અહીં જાપાનમાં વાગાસા છત્રી સાચવવાના લોકર્સ હોય છે.

– અત્યારે વાગાસાનો હોમ ડેકોર આઇટમ તરીકે પણ ઉપયોગ થાય છે.

તો આ વાત હતી, જાપાનની પારંપરિક છત્રી એવી વાગાસાની. એક એવી છત્રી જે જાપાનની પરંપરાનો એક અભિન્ન હિસ્સો છે. જેમાં તમને સ્ટાઇલ, કંફર્ટ, આર્ટ, ટ્રેડીશન બધું જ જોવા મળે છે.


સુશ્રી વિશાખા મોઠિયાનો સંપર્ક vishakhawriter@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.