નિસબત

ચંદુ મહેરિયા

ગુજરાત સરકારની વિકસતી જાતિ કલ્યાણ નિયામકની કચેરીએ તા.૧૨.૦૮.૨૦૨૬ના પરિપત્રથી જિલ્લા કચેરીઓને ૩૧મી ઓગસ્ટે વિમુક્ત દિવસની ઉજવણી કરવા જણાવ્યું હતું. ભારત ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થયો ત્યારે તો વિચરતા સમુદાયો પણ આઝાદ થયા હતા. પરંતુ તેમને ખરી આઝાદી તો પછીના પાંચ વરસ અને સોળ દિવસે મળી હતી. અંગ્રેજોએ તેમના શિરે જે ગુનેગાર જાતિ(ક્રિમિનલ ટ્રાઈબ્સ)નું લેબલ માર્યું હતું, તેને સ્વતંત્ર ભારતની સરકારે ૩૧મી ઓગસ્ટ ૧૯૫૨ના રોજ નાબૂદ કર્યું. જે સમુદાયો ગુનેગાર ટ્રાઈબ્સ તરીકે નોટીફાઈડ હતા તે ડિનોટીફાઈડ થયા. એટલે ૩૧મી ઓગસ્ટનો દિવસ આ સમુદાયો વિમુક્ત દિવસ કે આઝાદી દિવસ તરીકે મનાવે છે. આ વરસે તો તેમનો વિમુક્ત દિવસ પોણી સદીએ પહોંચી ચૂક્યો છે અને હવે સરકારી ઉજવણીનો પણ લાભાર્થી બન્યો છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

ભારતમાં બ્રિટિશ રાજનો અતિ કઠોર, ક્રૂર, અમાનવીય અને ભારે નિંદાપાત્ર કાયદો જો કોઈ હોય તો તે ૧૮૭૧નો ક્રિમિનલ ટ્રાઈબ્સ એકટ હતો. ૧૮૫૭ના પહેલા સ્વતંત્રતા સંગ્રામ વખતે જે કેટલાક સમુદાયો વિદેશી સરકાર સામે લડ્યા હતા અને પછી બિટિશ સત્તાના કાબૂ બહાર હતા તેમને તેણે ગુનેગાર, અપરાધી, ચોર, લૂંટારા ઘોષિત કરી દીધા હતા. વણઝારા, છારા, કાલબેલિયા, મદારી, નટ, બાફણ, ડફેર, ગાડરિયા અને એવી બીજી ૧૯૩ જાતિઓને ૧૯૫૨માં મુક્તિ મળી હતી. અંગ્રેજ સરકારે આ સમુદાયોને ગુલામીનો કઠોર અહેસાસ કરાવ્યો હતો. આરંભે તો તેમના માથે ગુનેગારનો ધાતુને ગરમ કરીને સિક્કો મારવામાં આવતો હતો.તેમનું જુદું રજિસ્ટર રખાતું અને રોજેરોજ પોલીસ થાણે હાજરી પૂરાવવી પડતી હતી. ચોક્કસ વિસ્તારોની બહાર તેમના હરવાફરવા પર પાબંદી હતી. તેમની ગમે ત્યારે ધરપકડો થતી હતી. તેમની તમામ પ્રકારની સ્વતંત્રતા છીનવી લેવાઈ હતી. તેમને ગુનો પુરવાર કર્યા વિના કે કોર્ટમાં કેસ ચલાવ્યા વિના અપરાધી માની સજા કરવામાં આવતી હતી. અંગ્રેજ પોલીસ જ નહીં પછી તો લોકો પણ તેમને શંકાની દ્રષ્ટિએ જોતા હતા.

વિચરતા સમુદાયો મોટેભાગે પશુપાલક અને કલાને વરેલા હતા. તેમનો કોઈ સ્થાયી વસવાટ નહોતો..તેઓ સતતા વિચરણ કરતા રહેતા હતા. અંગ્રેજોએ તેમના કપાળે કાયમી બહિષ્કરણ અને ગુના કે હિંસાનું કલંક થોપી દીધું હતુ. સંસ્કૃતિ અને ઈતિહાસનો તો તેઓ ગૌરવશાળી હિસ્સો હતા જ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પણ તેમનું મોટું યોગદાન હતું.. પરંપરા, સંઘર્ષ અને જીવનશૈલી આ ગુનેગાર ગણાતા સમુદાયોની ભારતીય સમાજની વિશેષ ઓળખ હતી. જો કે તેમને સંશય નજર હેઠળ અને ગામ કે મુખ્ય વસ્તી બહાર રહેવું પડતું હ

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

તને બદલે શંકાની નજર કાયમ તેમનો પીછો કરતી હતી. તેમને રંજાડવાની પોલીસને બહુ બધી સત્તાઓ મળી હતી. જો તેઓ નક્કી કરેલી સીમાની બહાર અવરજવર કરતા પકડાય તો ત્રણ વરસના કઠોર કારાવાસની સજા મળતી હતી. તેમના માટે દેશભરમાં  સ્પેશ્યલ રિફોર્મ કેમ્પને નામે અલગ વસાહતો બનાવવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના કાનપુર નજીક ૧૫૯ એકરમાં આવી અલગ વસાહત હતી. વરસો સુધી તેમને ઘરોમાં કેદ કરી રાખ્યા હતા. ૧૯૧૧માં અંગ્રેજ સત્તાએ ૧૮૭૧ના અધિનિયમમાં સુધારો કરીને ૧૨ વરસ સુધીની ઉમરના બાળકોનો પણ અપરાધીની યાદીમાં સમાવેશ કર્યો હતો. તે રીતે આ સમુદાયો જન્મજાત ગુનેગારની યાદીમાં આવી ગયા હતા.

આઝાદ ભારતમાં વિચરતા અને વિમુક્ત સમુદાયોના ઉત્થાન માટેના સરકારી પ્રયાસોનો દેખાડો ખૂબ થાય છે. અત્યાર સુધી તેમના વિકાસ વિશે વિચારવા ભારત સરકારે જ નવ કમિશનોની રચના કરી હતી. તેમાં રેણુકે અને રોહિણી આયોગની ભલામણો મહત્વની છે. કાયમી બહિષ્કરણનો વરસો સુધી ભોગ બનેલા અને સતત વિચરણ કરતા આ સમુદાયોને કાયમી વસવાટ આપવો અને નવા કૌશલ્યો સાથે તેમના  રોજગારની વ્યવસ્થા કરવી તે સૌથી મોટો પડકાર છે. વિચરતા અને વિમુક્ત સમુદાયો ૧૯૪૭માં ૧૯૩ હતા આજે તે વધીને ૬૬૬ થયા છે. આખા દેશમાં તેમની વસ્તી લગભગ ૧૫ કરોડ હોવાનો અંદાજ છે. આટલો મોટો વસ્તી સમૂહ સાવ સ્વમાનહીન જીવન જીવતો હોય તે મોટો પડકાર છે.

ગુનેગારના લેબલમાંથી મુક્ત થઈને દેશના બીજા સામાન્ય નાગરિકોની જેમ સમાન નાગરિક તરીકે તેમનું સ્થાન હજુ દોહ્યલું છે. એટલે ઓળખનું સંકટ ભારે છે. તેમના પ્રત્યેના સામાજિક પૂર્વગ્રહો અને માનસિકતા અઝાદીના આટલા વરસો પછી ખાસ બદલાયા નથી. D N T s, Nomadics અને Semi Nomedics  ટ્રાઈબ્સ કથિત મુખ્યધારાના સમાજથી કપાયેલા કે બહિષ્કારનો ભોગ બનેલા હોઈ તેમને શિક્ષણ અને આરોગ્યની પાયાની સગવડો મળતી નથી. શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું છે અને વૈજ્ઞાનિક સમજનો અભાવ છે. રોજગારનું સંકટ તેમના લમણે કાયમી લખાયેલું છે. વર્તમાનમાં તેમને સામાજિક સન્માનને બદલે પૂર્વગ્રહો આધારિત માનસિકતા સહેવી પડે છે. આપણી આસપાસનો સમાજ આ જાતિઓ કે સમુદાયો માટે કેવી હીણી માનસિકતા ધરાવે છે તે વિચારવા જેવી બાબત છે.

દર વરસે ૩૧મી ઓગસ્ટ આવે છે અને જાય છે. વિમુક્ત સમુદાયો તેને ખરી આઝાદીના દિવસ તરીકે મનાવે છે. તેનું આગવું મહત્વ પણ છે જ. પરંતુ ખરેખર તો તેમનો વિમુક્ત દિવસ ભારતીય બંધુ-ભગિનીઓના પૂર્વગ્રહો અને માનસિકતામાં બદલાવમાંથી મુક્તિનો દિવસ બનવો જોઈએ.વંચિત અને ઉપેક્ષિત એવો વિમુક્ત સમુદાય બરાબરીનો હક અને શિક્ષણ તથા  રોજગારની તક માંગે છે.૧૯૫૨માં તેમને વિમુક્ત કર્યે તો સાડા સાત દાયકા થવા આવ્યા છે છતાં તેમની પીડાનો હજુ અંત આવ્યો નથી. સ્વતંત્રતા, સમાનતા અને ગરિમાપૂર્ણ જીવનની તેમને હજુ પણ પ્રતીક્ષા છે.

વિચરતા અને વિમુક્ત સમુદાયોના પરંપરાગત ધંધા-રોજગાર માટે અને નવા આધુનિક કૌશલ્યો માટે તેમને તાલીમ અને આર્થિક સુવિધાઓ આપવાની જરૂર છે. તેમનું વિચરણનું જીવન તેમના બાળકોના ભવિષ્ય પર માઠી અસર કરે છે. એટલે તેમનો સ્થાયી વસવાટ પણ વિચારવાનો અને અમલમાં મુકવાનો મુદ્દો છે.  આ સમુદાયો વિવિધ સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવે છે એટલે તે એકરૂપ સમુદાય નથી.તેથી તેમની એકતા અઘરી છે. તેમની આર્થિક કઠણાઈઓ બેન્કો અને બીજી નાણાકીય સંસ્થાઓની સહાયથી ઉકલે, કાયમી વસવાટ અને જીવન યોગ્ય દરમાયો મળે તેવો રોજગાર આપી શકાય અને સ્વમાનથી જીવી શકે ત્યારે જ તેમનું વિમુક્ત થવું સાર્થક ઠરે.