પરિવારપ્રેમી શ્રી મનસુખ વાઘેલાનો જન્મ ૧૯૪૬માં જામવંથલી નામના ગામડામાં થયો હતો. બાળપણમાં ગરીબી અને માબાપના વિયોગના કષ્ટ સાથે તેઓ અભ્યાસમાં પ્રગતિ કરતા રહ્યા. કાકા-કાકી અને દાદાની છત્રછાયા નીચે મુંબઈમાં ભણીને સંબંધીઓ અને મિત્રોના સહકારથી તેઓ ૧૯૬૯માં અમેરીકા આવ્યા.
વિખૂટી પડી ગયેલી માતાને તેઓ અમેરીકા આવતા પહેલાં મળી શક્યા અને પછીથી અમેરીકામાં વર્ષો એમની સાથે રહ્યા.
એન્જિનિયર તરીકેની કારકિર્દી ઉપરાંત રીઅલ એસ્ટેટના બ્રોકર તરીકે પણ તેઓ સફળ રહ્યા છે.
સરળતા અને સાદગીને કારણે તેઓ સમૃધ્ધ છે. ધર્મ, સમાજ અને સાહિત્ય પ્રત્યેના પ્રેમને કારણે સંસ્થાઓ સાથે સંકળાઈને નિવૃતિનો સમય હ્યુસ્ટનમાં પ્રસન્નતાથી પસાર કરે છે. ભારત અને અમેરિકાના ઘણા રાજ્યોમાં તેઓએ પ્રવાસ કર્યો છે.
Email: mvagh@yahoo.com
નવેંબર ૨૨, ૨૦૨૧ના હું ‘પનામા’ની ‘ક્રુઝ્’માં ‘પ્રિન્સેસ એમિરાલ્ડ’ના જહાજમાં હતો. ઉછળતા મોજાં વચ્ચે એક પ્રશ્ન મનને સતાવી રહ્યો હતો. મારા એક મિત્ર શૈલેશ પટેલે સાહજિક્તા પૂછ્યુ કે ‘મનસુખ, તારા મુખ પર હંમેશા સ્મિત હોય છે. તેનું રહસ્ય શું?’ તેનો જવાબ હું શોધી રહ્યો હતો. અમારું જહાજ્ જમૈકાના ‘ઓચો રિઓસ’ (આઠ નદી)માં રોકાયું. ત્યાં એક ધોધ જોવા ગયાં. ધોધના વહેતા પાણીને જોતાં અને જે રીતે બધા એક્મેકના હાથ પકડી લપસણા પથરા ઉપર ચડતા હતાં તે જોઈ મને મારો જવાબ મળી ગયો. માનસપટ પર ૭૫ વર્ષની જીવનયાત્રાનું ચિત્ર પસાર થવા લાગ્યું અને આ ૭૫ વર્ષની જીવનયાત્રા કેવી કેવી વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈ તેનું આબેહુબ ચિત્ર સ્મ્રુતિપટ ઉપર ખડું થવા માંડ્યું. આ જીવનયાત્રામાં કેટકેટલા સગા સંબંધીઓ અને મિત્રોએ મને જે સહકાર આપ્યો હતો તેનું વર્ણન શબ્દોમાં કંડારી શકાય તેમ નથી. જો આ સ્નેહીજનો અને મિત્રોનો સાથસહકાર ના મળ્યો હોત તો હું કદાચ ‘સ્લમડોગ મિલિયોનર’ના પાત્રોની જેમ ક્યાંનો ક્યાં ફેંકાઈ ગયો હોત. એ સહકારની કેડીએ જીવન પ્રફુલ્લિત અને જીવવા લાયક બની ગયું. મારા સ્મિત અને સ્ફુર્તિ નું રહસ્ય એ સહકાર જ છે. સહકારની એ જીવનયાત્રાના થોડાઘણા અનોખા અનુભવોનું વર્ણન શબ્દોમાં જોઈએ.
અમેરિકા જવાની તૈયારી
મુંબઈમાં એંજિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થયાં પછી નોકરી મળતી નહોતી એટલે હું મારા મિત્ર જે.પી.ના ઘરે એની સલાહ લેવા ગયો કે આગળ શું કરવું? જમવાનો સમય હતો એટ્લે હું એની સાથે જમીને ઊભો થયો ત્યારે જ એક ટપાલી એના ઘરે વિદેશની યુનિવર્સિટીની અરજીના ફોર્મના કાગળિયાં આપી ગયો. જે.પી.ને અમેરિકાની યુનિવર્સિટીઓમાંથી નિમંત્રણો આવતા હતાં. જે.પી. એ બધા જ નિમંત્રણો ભેગા કરીને મને આપ્યા અને કહ્યું કે મને કોઈ સંજોગોમાં મારા મા-બાપ વિદેશ નહીં જવા દે, તું આ બધામાં કોશિષ કરી જો. કદાચ તારો નંબર લાગી જાય.
મેં અલગ-અલગ યુનિવર્સિટીઓમાં અરજી મૂકી અને મને એમાંથી ચારમાં એડમિશન મળી ગયું. એ ચારેમાં બફેલો યુનિવર્સિટીની ફી સહુથી સસ્તી હતી એટલે મેં ત્યાં જવાનું પસંદ કર્યું. પણ ઘણા પ્રશ્નો ઊભા હતાં, જેમ કે અભ્યાસનો ખર્ચ કેમ કાઢવો? અમેરિકા જવાની ટિકિટનું શું? વળી, છેલ્લા વર્ષમાં હું ફ્ક્ત ૫૮ ટકા સાથે જ પાસ થયો હતો એટલે ફોરેન એક્સચેન્જ સરકાર તરફથી મળે તેમ નહોતું, એટલે એની વ્યવસ્થા પણ કરવાની હતી. એ સિવાય યુનિવર્સિટી તરફથી વિઝા માટે એપ્લાય કરીયે ત્યારે સ્પોન્સર લેટર જોઈયે કે જે તમારી આર્થિક જરૂરિયાતો માટે તમને સ્પોન્સર કરે.
કોલેજકાળ દરમ્યાન મને આર.ડી.શેઠના નામના ટ્રસ્ટમાંથી દર વર્ષે સ્કોલરશીપ મળતી હતી. હું તેમની ઓફિસે ગયો અને વિદેશમાં ભણવા માટેની સ્કોલરશીપ માટે ફોર્મ માંગ્યું તો તેમણે કહ્યું કે અમે વિદેશ અભ્યાસ માટે સ્કોલરશીપ નથી આપતા. હું નિરાશ થઈને પાછો ફરતો હતો ત્યાંજ તેમણે કહ્યું કે પણ અમે વિદેશ જવાની ટિકિટના પૈસા લોન તરીકે માત્ર વર્ષે ૨ ટકાના વ્યાજના દરે આપીએ છીએ. મેં તરતજ એમનું ફોર્મ ભરીને ત્યાં આપી દીધું. મારી લોન પાસ થઈ ગઈ.
મારો એક મિત્ર દિલિપ પંડ્યા જ્યોતિષમાં બહુ માનતો હતો. તે મને ભૂલેશ્વરમાં એક જ્યોતિષ પાસે લઈ ગયો. તેણે મારા હાથની રેખાઓ એક કાગળ પર ઉતારી પાચ રૂપિયા લીધા અને પછી આવવા કહ્યું અને અમે બે-ત્રણ દિવસ પછી એની પાસે ગયાં તો એમણે કહ્યુ કે મારા હાથમાં વિદેશ જવાની રેખા જ નથી માટે મારે વિદેશ જવાનું છોડી ને અહીં જ સ્થાયી થવું જોઈએ. અફસોસની વાત એ છે કે હજુ ગયા વર્ષે જ જે.પી. અને દિલીપ પંડ્યા પણ અમને સહુને મૂકીને સ્વર્ગે સિધાવી ગયા.
અમેરિકા જતાં પહેલા હું મારી મા ને એકવાર મળવા માંગતો હતો, પણ મા ક્યાં છે, એનું સરનામુ શું છે, કાંઈ ખબર નહોતી. કાકાને પૂછ્યું તો એમને પણ કોઈ ખબર નહોતી. છેવટે મને મારા ફોઈ યાદ આવ્યાં જે રાજકોટ રહેતા હતાં અને મા નું ગામ પણ ક્યાંક ત્યાં જ હતું એવું મને યાદ હતું. રાજકોટ પહોંચી મેં ફોઈને આજીજીભરી વિનંતિ કરી, “ફોઈ, મહેરબાની કરી મને એકવાર મારી મા નો મેળાપ કરાવી આપો.” ફોઈએ તરત જ પોતાના દીકરાને ગામ મોકલ્યો અને ભાભીને સાથે લઈ આવવાની તાકીદ કરી.
પંદર વર્ષે મા દીકરાનું મિલન થયું. તે વખતે મા દીકરાના હૈયાંમાં જે આનંદના ફુવારા ઉડ્યા તેનું વર્ણન શબ્દોમાં ક્યાંથી કંડારી શકાય? ફુઆએ હસતાં હસતાં મારી બા ગંગાબહેનને કહ્યું “તમારો દિકરો અમેરિકા જાય છે, એને પૈસાની જરૂર છે, તમે કાંઈ મદદ કરશો?” આટલા વર્ષોથી લોકોના ઘરના કપડાં વાસણ કરી ગંગાબહેનને જે પૈસા મળતાં એમાંથી ભાઈ ભાભીને પોતાનો ખર્ચ આપી થોડા થોડા રૂપિયા ક્યારેક દીકરાને મળીશ ત્યારે આપીશ એ આશામાં ભેગા કર્યાં હતાં તે ચારસો રૂપિયા તરત કમખાના ગજવામાંથી કાઢી દીકરાની હથેલીમાં ધરી દિધાં. અને હર્ષાશ્રુથી મને આશીર્વાદની સાથે સાથે ખૂબ જ ભારે હૈયે વિદાય આપી. મા દીકરાના આ સ્નેહભર્યા મિલનને હું જીવનપર્યંત ભૂલી શકું તેમ નથી.
મને અમેરિકા જવાની મુડી ભેગી કરવામાં આશીર્વાદની સાથે સાથે સહુ પ્રથમ નાણાંકીય સહાય મા પાસેથી મળી. મા દીકરાને એક જ અફસોસ રહ્યો, મારા પિતા હરિભાઈના જીવ્યાં મર્યાં ના કોઈ વાવડ આજ સુધી ના મળ્યાં! એ મારી બાના આશીર્વાદ જેને લીધે પેલા ભુલેશ્વરવાળા જ્યોતિષનું કથન સાચું ના પડ્યું. અને અમેરિકા જવા માટેનો ફંડફાળો શરૂ થઈ ગયો. મારા ફુવાના એક મિત્રે મને ૫૦૦ રૂપિયા આપ્યા અને એક બીજા મિત્રે (જે અમેરિકન રિટર્ન હતાં) મને પચીસ ડોલરનો ચેક આપ્યો અને કહ્યું કે આ તું અમેરિકા જઈને વાપરી શકીશ. પછી હું મુંબઈ આવ્યો અને મારા સગા-વ્હાલા અને મિત્રોમાં કોઈએ એ ૨૦૦ તો કોઈએ ૩૦૦ તો કોઈએ એનાથી વધુ એમ બધા એ પોતપોતાની શક્તિ મુજબ મને ફંડફાળામાં મદદ કરી અને મારી પાસે લગભગ ૧૦૦૦૦ રૂપિયા જેટલું ભંડોળ ભેગું થઈ ગયું. બધાને મેં બાહેંધરી આપી હતી કે એક વાર ભણવાનું પૂરું થઈ જશે એટ્લે હું બધાને પૈસા પાછા આપી દઇશ. ટિકિટ થઈ ગઈ, ફંડોળ ભેગું થઈ ગયું, હવે મારે સ્પોન્સર પત્ર અને ફોરેન એક્સચેંજની વ્યવસ્થા કરવાની હતી. મારા શાળાના એક મિત્ર મહેન્દ્ર નેગાંધીના ભાઈ અમેરિકાથી આવેલ, એટલે હું તેમને મળ્યો. તેમણે મને અમેરિકાથી સ્પોન્સર લેટરની વ્યવસ્થા કરી આપી.
મારા કાકીના સગપણમાં કોઈ હતું જે ફોરેન એક્સચેંજનું કામ કરતા હતાં. તેઓ રહેતા હતા નડિયાદ પણ હાલમાં તે વખતે મુંબઈ આવેલા હતાં એટલે હું એમને મળવા ગયો. તેમણે મને લગ્ન કરવાની રાહે તેમની ભત્રીજી દેખાડી અને કહ્યું કે આની સાથે સગાઈની હા પાડો તો તમારા ફોરેન એક્સચેંજની વ્યવસ્થા કરી આપું. મારે તેમને વિનમ્રપણે કહેવું પડ્યું કે મારે હાલ તો માત્ર ફોરેન એક્સચેંજની જ જરૂર છે અને હું સગાઈનો વિચાર કરતો નથી, એ જવાબદારી કાકા-કાકીની છે, એટલે એ કામ ત્યાં અટકી પડ્યું. અમારી જ્ઞાતીમાં ખૂબ પ્રતિસ્ઠિત એવા ગોવિંદભાઈ સોલંકીની અમેરિકામાં ખૂબજ ઓળખાણ હતી. હું, મારા કાકા, રામજી અદા, અને મારો ખાસ મિત્ર સુરેશ દાણી, અમે બધા ગોવિંદભાઈના ઘરે તેમને મળી ને વિનંતી કરવા ગયાં. ગોવિંદભાઈએ પોતાના અમેરિકાના અનુભવો વર્ણવ્યા. કેવી ત્યાંની જિંદગી હોય, અને કેવી રીતે છોકરાઓ ત્યાં જઈને બદલાઈ જાય છે, અને પાછા આવવાનું નામ નથી લેતા, વગેરે-વગેરે બધુ સમજાવ્યું, અને આ લેક્ચર આમ ૪૫ મિનિટ સુધી ચાલ્યું. એ બધું સાંભળીને મને તો એમ કે મારુ અમેરિકા જવાનું સ્વપ્ન હવે રોળાઈ જશે. પણ પછી મારા મિત્ર સુરેશ દાણીએ એમને એમના જેટલું જ લાંબુ પ્રવચન આપ્યું અને મારા ખૂબ વખાણ કર્યા. એણે એમને સમજાવ્યા કે મારો મિત્ર એવો નથી, હું એને વર્ષોથી ઓળખું છું. એ એવો ગેરમાર્ગે દોરવાઈ જાય તેવો નથી. એ એનું ભણવાનું વ્યવસ્થિત પતાવશે અને બગડશે નહીં, એની હું તમને બાંહેધરી આપુ છું. મારા મિત્રએ ગોવિંદભાઈમાં મારા માટે ૧૦૦% વિશ્વાસની લાગણી મૂકી દીધી. ગોવિંદભાઈ ખુશ થઈ ગયાં અને એમણે નિર્ણય લીધો કે ફોરેન એક્સચેંજની વ્યવસ્થા કરી આપવી. મેં ગોવિંદભાઈને ૧૦૦૦૦ રૂપિયા આપી દીધા અને ગોવિંદભાઈના એક મિત્રએ અમેરિકામાં મને ૧૦૦૦ ડોલરના ડ્રાફ્ટની વ્યવસ્થા કરી આપી.
અમેરિકન એમ્બેસીમાં એકજ જાતના પ્રશ્નો પૂછવામાં આવતા. શા માટે અમેરિકા જાવ છો? અભ્યાસ પછી નોકરી કરશો કે તરત પાછા ફરશો? જો જવાબ આપવામાં ચૂક થઈ તો વિઝા ના મળે, એટલે પૂરી તૈયારી કરીને જવું પડે. આ સિવાય વિઝાની તૈયારી રૂપે અમારે મેડિકલ ચેક-અપ માટે ડોક્ટર પાસે જવાનું હતું. એમાં મારા એક્સરેમાં છાતીમાં કાંઈ પડછાયા જેવુ આવ્યું એટલે ડોકટરે બીજી દિશામાંથી એક્સરે લીધા એમાં જાણવા મળ્યું કે એ ‘પરસિસ્ટંટ થાઈમસ’ છે. અમુક બાળક જન્મે ત્યારે એને થાઇમસ હોય છે પણ એ બાળક જેમ-જેમ મોટું થતું જાય એમ-એમ એ થાઈમસ ઓગળી જાય, પરંતુ મારામાં એ હજુ પણ હતું. પણ ડોક્ટરના નિદાન પ્રમાણે એ કાઈ વિશેષ ડરવાની વાત નહોતી અને અમેરિકા જવામાં કોઈ બાધારૂપ પણ નહોતી. અંતે વિઝા મળી મળી ગયાં. ૩૧ ઓગસ્ટ ૧૯૬૯ના હું મુંબઈથી અમેરિકા જવા રવાના થયો.
ક્રમશઃ
