પ્રીતિ શાહ-સેનગુપ્તા
બસ, સ્મરણમાં હતી તે જગ્યા ફરી એક વાર જોઈ લીધી. નાની ગલીઓમાં, આગલા વખતે હતી તે બેએક દુકાનો શોધવા આમતેમ ફરી, પણ તે હવે રહી ના લાગી. છતાં, સ્થાનિક જીવન જોઈને મન સંતોષાયું.
થોડે આગળ જતાં, સાન્તા આના નામના જાહેર પ્લાઝામાં એક નાનો પાર્ક હતો. આખો દિવસ લોકો એમાં ફરતા, અને બેસી રહેતા હોય છે. બાજુમાં હતું વડ જેવું લાગતું, ખૂબ મોટું એક ઝાડ. વડવાઈઓ જેવી ડાળીઓ લટકતી પણ હતી. એ ડાળીઓનો ફોટો લેવા ગઈ, તો નીચે બનાવેલા ચોતરા પર બેઠેલા ચારેય સ્થાનિક પુરુષોએ, હૅટ પહેરેલાં એમનાં માથાં નમાવીને મોઢાં છુપાવી દીધાં. એ ફોટો વધારે લાક્ષણિક બન્યો છે!

અહીં બધાં મકાનો જુદા જુદા, આછા રંગે રંગેલાં છે. સરસ ગુલાબી, પીળો, વાદળી, ને લીલો જરા ઘેરો હોય. પણ બધાં લાગે બહુ સરસ. અહીંથી થાય છે “કાસ્કો ઍન્તિગ્વો”, એટલેકે ‘જૂના શહેર’ની શરૂઆત.
અહીંથી શરૂ કરીને છેક છેડા સુધી, ઘણી ગલીઓમાંનાં ઘણાં મકાનો ખાસ્સાં ફૅન્સી લાગે છે. એ બધાં પર સમારકામ, રંગરોગાન, સાફસૂફી કરવામાં આવેલાં છે. ત્યાંની બાલ્કનીઓ કુંડાંમાં ઉગાડેલાં ફૂલછોડ, અને કારીગીરીવાળી, લોખંડની જાળીઓથી શોભે છે.
પનામા શહેરની શરૂઆત જ્યાંથી થયેલી, તે જગ્યાનો સત્તરમી સદીમાં નાશ થયેલો. ત્યાં હજી થોડાં ખંડેર રહેલાં છે. પણ પછીથી, અઢારમી સદીમાં, આ સાવ છેડાના ભાગમાં શહેરની પુનર્સ્થાપના કરવામાં આવી. ૨૦૦૩થી, અહીંનાં બધાં બાંધકામો, તથા આ આખો વિભાગ નૅશનલ હૅરિટેજ સાઇટ ગણાય છે.
કેટલાંયે પ્લાઝા, સ્મારક, ચર્ચ, થિયેટર, રૅસ્ટૉરૉં અને સ્માર્ટ દુકાનો અહીં ઠેર ઠેર દેખાયા કરે છે. સમગ્ર દેખાવ નવો અને ચોખ્ખો છે. વળી, બધે જ પોલિસની હાજરી રહેલી છે. આમેય, અહીં જ આવેલો છે, અને પનામા અખાતનાં પાણીને કિનારે રહેલો છે, દેશના મુખ્ય પ્રમુખનો પ્રાસાદ.
નાની ભૂશિર જેવા આ ભૂ-ભાગની દરેક ગલીમાંથી, બધી બાજુથી, અખાતનું, અથવા પૅસિફિક મહાસાગરનું પાણી દેખાયા કરે છે. ભૂરું પાણી, ભૂરું આકાશ, સૂરજનું સોનેરી તેજ, અને ભૂમિના વળાંકની સામી બાજુ પર રહેલી, પનામા નગરની નવી, આધુનિક, ખૂબ ઊંચી ગગનચુંબી ઇમારતો. આખું દૃશ્ય ઝગમગ થતું લાગે. દૃષ્ટિને તેમજ મનને બહુ આનંદ મળે છે આ ‘જૂના શહેર’ના પરિસરમાં ફરતાં.
કેટલાં પાસાં છે આ દેશનાં. અહીં જર્જરિત જૂનું ને ઐતિહાસિક જૂનું છે, તથા સાધારણ નવું ને આધુનિક નવું છે. સામાન્ય જીવન જીવતાં, કે ગરીબ પ્રજાજનો બહાર બધે દેખાય; ધનિક લોકો દિવસે નજરે પણ ના ચઢે. એ લોકો તો બહાર નીકળે સાંજને સમે, રૅસ્ટારાઁ, થિયેટર, પાર્ટી વગેરેને માટે જ. જોકે, આ પરિસરમાં આખો દિવસ પ્રવાસીઓ ફરતાં જરૂર દેખાય છે.
હું પણ ફરતી રહી આ ઐતિહાસિક વિભાગમાં. ઘણાં જૂનાં અને વિશાળ મકાનોમાં આર્ટ ગૅલૅરી કે કલ્ચરલ સેન્ટર થયેલાં હોય છે. જૂના સ્થાપત્યમાં પ્રદર્શિત હોય છે સમકાલીન કળા. આવા એક મકાનના એક ખંડમાં, આખી ફર્શ પર પ્લૅક્સીગ્લાસ જડી દીધેલો, કે જેથી નીચે રહેલા જૂના પથ્થર દેખાય, તેમજ સચવાય પણ ખરા.
સાન હોઝે ચર્ચમાંની વેદી સોનાની બનેલી છે. કહે છે, કે સત્તરમી સદીમાં જ્યારે પનામા બાળવામાં અને લૂંટવામાં આવી રહ્યું હતું, ત્યારે એક પાદરીએ આ ખૂબ મોટી વેદીને આખી કાળી રંગી નાખી હતી, ને તેથી જ એ બચી ગઈ. ઇન્ડિપૅન્ડન્સ પ્લાઝામાં મોટું દેવળ આવેલું છે, જેને બાંધતાં એકસો વર્ષ થયેલાં. એની નજીકમાં મ્યુનિસિપાલિટીનું મહેલ જેવું મોટું મકાન છે.
નૅશનલ થિયેટરનું ગ્રેસફુલ મકાન ૧૯૦૮માં બનેલું. એનો પુનરોદ્ધાર ૧૯૭૪માં થયો, ને ત્યારે પનામાના જાણીતા આર્ટીસ્ટ રૉબૅર્તો લુઇસ દ્વારા એની છત પર સુંદર ચિત્રો કરાવવામાં આવ્યાં. તો સામે તરફ બોલિવાર પ્રાસાદ છે. સિમોન બોલિવારે પનામાને સ્પેઇનના અમલથી સ્વતંત્રતા અપાવેલી. આ પ્લાઝામાં એમનું શિલ્પ પણ મૂકેલું છે.
એક સાવ નવી જગ્યા બની છે આ ભૂશિરના દક્ષિણ છેડે આવેલા, “પ્લાઝા દ ફ્રાન્સિયા”, અથવા ફ્રેન્ચ પ્લાઝા-ની આસપાસ. અહીં પ્રાચીન ઊંચી, પહોળી દીવાલ બનેલી છે. વીસમી સદીની શરૂઆત સુધી, શહેરની સુરક્ષા માટે, સૈન્યની એક ટુકડી ત્યાં વસતી. હવે આ દીવાલ પર બોગનવેલનાં રંગીન ફૂલો ઝૂકેલાં રહે છે, અને હવે સાંધ્યવિહાર માટેનું આ લોકપ્રિય સ્થાન છે.
પણ એથીયે વધારે, અહીં ગોઠવાયું છે એક તળ-બજાર. ‘ગુના’ નામની એક તળ-ઇન્ડિયન જાતિની સ્ત્રીઓની હસ્તકળા અહીં વેચાય છે. ખાસ કરીને, રંગીન કાપડના ત્રણ-ચાર સ્તર મૂકીને, એમને કાપી અને હાથે સીવીને જુદી જુદી ડિઝાઇન બનાવીને કરવામાં આવતા પૅચવર્કની, “મોલા” કહેવાતી હસ્તકળા. પોતાના પહેરવેશ માટે વપરાતી આ કળા પછી વેચાવા માંડી હતી. પનામાના મારા પહેલા પ્રવાસ દરમ્યાન મેં ઘણા બધા નાના-મોટા નમૂના ખરીદ્યા હતા.
આ વખતે મોલા-કામ અત્યાર સુધી દેખાયું નહતું. આ બજારમાં અસંખ્ય ચોરસ-લંબચોરસ, નાની ને ઘણી મોટી સાઇઝના ટુકડા દીવાલ પર લટકાવેલા દેખાયા. શું રંગ, ને શું કામ. અત્યંત આકર્ષક. જોકે હવે પહેલાં જેવી ટૅકનિક, અને ઝીણી ડિઝાઇનની કારીગીરી નથી રહી. એટલો બધો સમય હવે કોઈ આપતું નથી લાગતું. ને ભાવ ખૂબ જ વધી ગયા છે. આ કળા હવે જાણીતી અને લોકપ્રિય થઈ ગઈ છે ને.
આ ‘ગુના’ જાતિની સ્ત્રીઓના મોઢાંના આકાર સરખેસરખા લાગે. બધી સરખી નીચી, અને કપડાં પણ, પ્રથા પ્રમાણેનાં અને સરખાં લાગે તેવાં જ પહેરે. પીંડી સુધી આવતું સ્કર્ટ જેવું વસ્ત્ર, રંગીન પ્રીન્ટ પર પૅચવર્ક કરેલું બ્લાઉઝ, અને માથે લાલ-પીળી ભાતનો રૂમાલ બાંધેલો હોય. ગળામાં, કાંડા પર અને પગ પર મોટે ભાગે કીડિયાંનાં બનાવેલાં ઘરેણાં પહેર્યાં હોય. ફોટો પાડવા ના દે. મેં કૅમૅરા જરાક સંતાડીને લેવા પ્રયત્ન કર્યા ખરા.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
