ફિર દેખો યારોં
બીરેન કોઠારી
હોકીના ખેલાડીએ હાથમાં હોકી સ્ટિક લઈને દોડવાનું હોય, બીજા ખેલાડીને પાસ આપવાનો હોય, ગોલ કરવાનો હોય. આ બધામાં તેણે પહેરેલી જર્સીનો રંગ કોઈ રીતે મદદરૂપ બની શકે ખરો? તેણે પહેરેલી જર્સીનો રંગ વાદળી હોય કે કેસરી, હોકી સ્ટિક અને તેની આવડત એની એ જ રહે છે. આમ છતાં, રંગની એક મુશ્કેલી છે. શરૂઆતમાં એ કેવળ રંગ હોય છે. ધીમે ધીમે એ ઓળખ બને છે. ઓળખમાંથી એ સ્મૃતિનું રૂપ લે છે અને જોતજોતાંમાં એ સ્મૃતિમાંથી વારસો બની જાય છે.
ભારતીય હોકી ટીમની ઓળખ બની ગયેલી વાદળી રંગની જર્સી સાથે બિલકુલ આવું થયું છે. સોએક વર્ષથી ભારતીય હોકી ટીમ સાથે આ રંગ અભિન્નપણે સંકળાઈ ગયો છે. અને હવે આ વાદળી રંગનું સ્થાન કેસરી રંગ લેવાનો છે. રંગ તો રંગ હોય છે, પણ તેની સાથે આપણે વિવિધ ભાવથી લઈને ધાર્મિક લાગણીઓ સાંકળતાં હોઈએ છીએ. રંગ જેવી બાબત પર પણ રાજકારણ ખેલાતું થઈ ગયું છે. અને એ જ ક્રમમાં કેસરી રંગ પર પસંદગી ઊતરી હોય એમ જણાય છે. હકીકતમાં કેસરી રંગ અન્ય કોઈ રંગ જેવો જ રંગ છે. તેની સામે શો વાંધો હોઈ શકે? ભારતના ધ્વજમાં પણ એક રંગ કેસરી છે, જે ત્યાગ અને બલિદાન સૂચવે છે. તેનો પોતાનો એક અર્થ છે, એક સ્થાન છે. એટલે સવાલ કેસરી રંગનો નથી. સવાલ એ છે કે કેસરી રંગને લાવવા માટે વાદળી રંગને શું કામ હટાવવો પડ્યો?

આવો સવાલ પૂછનારને ચોક્કસ રંગવિરોધી, તેથી ચોક્કસ પક્ષવિરોધી અને એ કારણે રાષ્ટ્રવિરોધી ગણાવી દેવા માટે કેટલાય લોકો ટાંપીને બેઠા હોય છે. આદર્શ રીતે જોઈએ તો કોઈ રંગ કોઈ એક પક્ષની માલિકીનો નથી, છતાં રંગને કોઈ એક રાજકીય અર્થમાં મર્યાદિત કરી દેવાનું રાજકારણ જૂનું છે.
જર્સીનો રંગ બદલવો હોય તો બદલી શકાય. તેનું ક્યાં કોઈ શાસ્ત્ર છે? આખી દુનિયાની ટીમો પોતાની કિટ બદલતી રહે છે. પ્રાયોજકો બદલાય, ડિઝાઇન બદલાય, આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ રંગ બદલવો પડે—આ બધો રમતજગતનો સામાન્ય વ્યવહાર છે. પણ એક બાબત સામાન્ય વ્યવહારથી થોડી અલગ પડે છે. એ છે એક રમતની ઐતિહાસિક ઓળખને બદલવી.
એક સમય હતો જ્યારે ભારતીય હોકીનું નામ સાંભળતાં દુનિયાને ભારત યાદ આવતું અને ભારતને હોકી. ધ્યાનચંદથી લઈને બલબીરસિંહ સુધીના ખેલાડીઓ અને તેમની પછીની પેઢીઓએ જે વારસો ઊભો કર્યો, એ કોઈ જર્સી ડિઝાઇનરની કલ્પના કરતાં અનેક ગણો મોટો છે, કેમ કે, એ ઊભો કરવા માટે ખેલાડીઓએ પરસેવો સીંચેલો છે. આથી અહીં સવાલ થાય કે જર્સીનો રંગ બદલવાનો આ નિર્ણય લીધો કોણે? એની પાછળનું કોઈ કારણ ખરું? એના માટે સંબંધિત ખેલાડીઓ અને આ રમતના ભૂતપૂર્વ દિગ્ગજો સાથે કશી ચર્ચા થઈ ખરી? આવા સવાલ અને શંકા એટલા માટે પણ થાય કે હોકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ ટિર્કીએ સુધ્ધાં આ નિર્ણયની મંજૂરી અંગે સવાલ ઉઠાવ્યો છે. મતલબ કે માત્ર જર્સીના રંગની નથી; નિર્ણય લેવાની રીતની પણ કરવી પડે.
આવો આદેશ ખરેખર ‘ઊપરથી’ આવ્યો કે પછી ‘ઊપરવાળા’ને ખુશ કરવા સંબંધિત અધિકારીઓએ આવો નિર્ણય લીધો? એક બાબત આપણા મનમાં સ્પષ્ટ હોવી જોઈએ કે જે તે કાળખંડના કોઈ હોદ્દેદારને મળેલી સત્તા અને કોઈ એક પેઢીનો સુદીર્ઘ વારસો-આ બન્ને અલગ બાબતો છે. જે વ્યક્તિ આજે અધિકારી છે, તે કાલે નહીં હોય. આજે જે ખેલાડી છે, તે થોડાં વર્ષ પછી ભૂતપૂર્વ ખેલાડી બની જશે. પ્રમુખ બદલાશે, કોચ બદલાશે, પ્રાયોજક બદલાશે. પણ સંસ્થાની સ્મૃતિ નિરંતર રહેવાની. ઘણી વાર આપણે સંસ્થાઓને એવી રીતે જોઈએ છીએ જાણે કે ત્યાં બેઠેલા લોકો એટલે જ સંસ્થા. હકીકતમાં સંસ્થા એ લોકો કરતાં વધુ પરિપક્વ અને સુદીર્ઘ હોય છે.
એક તરફ જોરશોરથી આપણે વારસાને જાળવવાની વાત કરીએ છીએ અને સાથોસાથ વારસાની સૌથી દેખાતી નિશાનીને બદલી નાખીએ છીએ. તેના માટે કારણ પણ એવું ક્ષુલ્લક આપીએ છીએ કે આ તો રાષ્ટ્રીય રંગ છે. શું ભારતની ઓળખ કેવળ એક રંગમાં સમાઈ જાય છે? અરે, આપણા રાષ્ટ્રધ્વજમાં પણ ત્રણ રંગ છે. અને ભારતનો ઇતિહાસ એથીય અનેકગણો રંગીન છે.
મુખ્ય મુદ્દો એ નથી કે જર્સીનો રંગ કેસરી કેમ કર્યો. અરે! એમાં સફેદ અને લીલો ઊમેરીને રાષ્ટ્રધ્વજના રંગો પણ કરી શકાય. વાત એ છે કે કેવળ રં બદલવાથી ભારતીય હોકીની પરિસ્થિતિમાં કશો ફેરફાર થવાનો છે ખરો? નવા રંગની જર્સીથી ભારતીય હોકીની રમતમાં કશી નવિનતા આવ્શે? નવી પ્રતિભાને તક, તાલીમની નિતનવી પદ્ધતિઓ, સારી સુવિધાઓ. યોગ્ય વહીવટ, ખેલાડીઓ પ્રત્યેની જવાબદારી અને આખરે, મેદાન પરનું પ્રદર્શન. કેવળ જર્સીનો રંગ બદલવાથી આમાંની એકેય વસ્તુ સુધરવાની છે? હા, કદાચ નવા રંગની જર્સી બજારમાં પણ વેચાતી થશે. તેની તસવીરો આવશે. થશે. સોશિયલ મીડિયા પર ચર્ચા થશે. થોડા દિવસ લોકો તેના રંગ વિશે વાત કરશે. પણ પછી મેદાન પરની વાસ્તવિક રમત શરૂ થશે ત્યારે રંગ નહીં, ખેલાડી દેખાશે.
એટલે હરીફરીને આ આખી ચર્ચા કદાચ એક જ સવાલ પર આવીને અટકે છે: આપણે ભારતીય હોકીની ઓળખમાં કંઈ ઉમેરવા માગીએ છીએ કે કંઈ કાઢી નાખવા માગીએ છીએ? રંગ બદલવાથી જર્સી બદલાશે, સંબંધિત નિર્ણયકર્તાથી કદાચ રાજકીય નેતાઓ ખુશ થઈને તેને બઢતી આપશે, પણ એ રીતે ન તો ઈતિહાસ બદલી શકાશે, ન તો પ્રવર્તમાન પરિસ્થિતિમાં કશો સુધારો લાવી શકાશે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૭-૮– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
