ગુજરાતના સાંબરકાંઠા જિલ્લાના રૂપાલ ગામમાં ૧૯૪૧માં જન્મેલા અરવિંદભાઈ ૧૯૬૭માં અમેરીકા આવ્યા. પંચાવન વર્ષો દરમ્યાન અમેરિકાનાં અનેક રાજ્યો બદલ્યા પછી નિવૃત થઈ તેઓ એમના પત્ની મંજુલાબેન સાથે સુગરલેન્ડ( ટેક્ષાસ )માં રહે છે અને પરિવારના સભ્યો અને અનેક મિત્રો સાથે આનંદની લ્હાણી કરતા રહે છે.

અમદાવાદની શાળામાં વિદ્યાર્થી જીવન શરૂ  કર્યા બાદ તેઓ તત્કાલીન સામાજિક મુદ્દા તથા તકનીકી વિષયોના જાહેર વક્તા બની ચૂક્યા છે. એમની ઝળહળતી કારકિર્દીને અંતે E3MInc કંપનીમાંથી નિવૃત્ત થયા બાદ અમેરિકા, ભારત તથા બીજા દેશોની અનેક સેવાસંસ્થાઓમાં પ્રવૃત્ત છે.

જાસૂસીકથા અને અન્ય સાહિત્યનું વાંચન, સામયિકો માટે લખવું, વર્તમાન વિષયોની સમાલોચના કરવી વગેરે તેમની મનગમતી પ્રવૃત્તિ છે. ઉપરાંત, વધારામાં તે અને તેમના પત્ની દિવસનો સારો એવો સમય આરોગ્યની કાળજી રાખવામાં ગાળે છે. આ માટે લાંબુ અંતર ચાલવું, સ્થાનિક અખાડાની મુલાકાત લેવી અને યોગાસન વિગેરેમાં પ્રવૃત હોય છે. કોઈને મદદની જરૂર જણાય તો તેમની પડખે ઊભા રહે! ખૂબ જ સાલસ સ્વભાવના આ દંપતિ પર્યટનો દ્વારા જીવનના આનંદને માણવાનું પણ ચૂકતા નથી.


   આ ભારતમાં ઉછેરલા યુવાનની એક વિદ્યાર્થી તરીકે, નોકરીયાત તરીકે, નોકરી આપનાર તરીકે અને અમેરિકામાં રહીને ત્રણ ધંધાકીય રીતે સફળ સંતાનોને ઉછેરનાર માતાપિતા તરીકે થયેલા અમેરિકાના અનુભવની કથા છે. એમાં ૫૫  વર્ષ કરતાં વધુ વર્ષના અમેરિકા દેશના તેમજ અમેરિકન અને આંતરરાષ્ટ્રીય જગતના લોકોના અવલોકન અને અનુભવ ઉપરાંત દુનિયાના ૨૫  કરતાં વધુ દેશોની મુલાકાત અને ત્યાં કરેલાં કામની રસભરી વિગતો પણ સમાવિષ્ટ કરી છે.

પશ્ચાતભૂ

આ એક એવા યુવાન દંપતિની કથા છે જેમણે જીવનના ત્રીજા દશકની મધ્યમાં યુવાન વયે ઉચ્ચ અભ્યાસ કરવાના ધ્યેય સાથે એક અજાણ્યા પણ તકદાયી દેશમાં જવા માટે ૧૯૫૭માં ભારત છોડ્યું.

હા, આ વાત મારી છે. મારું નામ છે અરવિંદ થેકડી અને મારાં પત્નીનું નામ છે મંજુલા થેકડી. અમે જીવનનો મોટા ભાગનો સમય, નિશ્ચિત રીતે કહું તો ૫૫ વર્ષ, અમેરિકામાં રહ્યા છીએ અને ભાગ્યશાળી છીએ કે અમને અદભૂત પરિવાર તથા મિત્રવર્તુળ મળ્યાં છે. મારી અમેરિકાના જીવનની કથા વર્ણવું એ પહેલાં ભારતમાં જે જીવન વીતાવ્યું તેનો નાનકડો ઈતિહાસ પ્રસ્તુત કરું છું.

મારો જન્મ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જીલ્લાના રૂપાલ નામના નાનકડા ગામમાં થયો હતો. ૧૦ વર્ષની ઉંમરે અમદાવાદ તરફ ગમન કર્યું ત્યાં સુધી મારું બાળપણ ગામઠી વાતાવરણમાં વીત્યું. અમારો એ વખતનો સર્વસામાન્ય મધ્યમ વર્ગનો પરિવાર હતો જેની આવક અને જેની પાસે મોટા શહેરમાં રહેવા માટે જરૂરી બીજાં સાધનો મર્યાદિત હતાં..હું અમદાવાદની માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળામાં ભણ્યો અને ૧૯૫૮માં એસએસસી પાસ કરી. એ વખતે ગુજરાત મુંબાઈ રાજ્યનો ભાગ હતું. મુંબાઈની એસએસસી બૉર્ડની પરિક્ષામાં વિજ્ઞાનના વિષયમાં હું પહેલા નંબરે હતો એટલે ઘણાં બધાં ઈનામો અને શિષ્યવૃત્તિ મળ્યાં જેથી હું ગુજરાત કૉલેજમાં અને પછી અમદાવાદની એલ.ડી.કૉલેજ ઓફ એન્જિનીયરીંગમાં ભણી શક્યો. હું જ્યારે ઉચ્ચ માધ્યમિક શાળા અને ગુજરાત કૉલેજમાં હતો ત્યારથી જ એટલે કે ૧૯૬૦ પહેલાંથી જ ગુજરાત રાજ્યને અલગ પાડવા માટે આંદોલનન ચાલી રહ્યું હતું. બનવાકાળ હું પણ વિદ્યાર્થીચળવળોમાં ભાગીદાર હતો. મિકેનિકલ એન્જિનીયરીંગમાં ડિગ્રી મળ્યા બાદ હું આઈઆઈએસસી(બેંગલોર)માં પાવર એન્જિનીયરીંગના વિષયમાં માસ્ટર્સ કરવા માટે ગયો. પછી અમેરિકા આવતા પહેલાં મુંબાઈમાં એક અમેરિકન કંપનીમાં કામ કર્યું.

૧૯૪૭માં સ્વતંત્રતા મળ્યા પછીનાં વર્ષોમાં, ખાસ કરીને ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં, સામાજિક અને રાજકીય વાતાવરણમાં ઝડપથી થતા ફેરફારોના અમે સાક્ષી બન્યા. આ ફેરફારોથી યુવાન છોકરા-છોકરીઓ માટે કેળવણીની તકો ઊભી થઈ. અમે આ મોજાના જ ભાગ હતા જેમને ઉચ્ચ શિક્ષણ સાઘારણ અથવા નહિવત્ ખર્ચમાં મળ્યું. હું એવા વિદ્યાર્થીઓમાંનો એક છું જે પરિવાર પાસે મર્યાદિત આર્થિક સાધનો હોવા છતાં ઉચ્ચ કક્ષાની શાળા તેમજ કૉલેજની કેળવણી પામી શક્યા. જે કેળવણી અને તાલીમ ભારતમાં અમને યુવાન વયે મળી એ અમેરિકામાં અમારા જીવનનો પાયો હતો. અમને ભારતમાં જે શિક્ષણ મળ્યું તેના માટે સાધનો ઊભાં કરવાની અને પ્રોત્સાહન આપવાની દીર્ઘદ્રષ્ટિ દાખવનાર મહાનુભાવોના અમે આભારી છીએ.

૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં અમદાવાદ અને ભારતમાં જે જીવનનો અનુભવ થયો તે જીવનની પાયાની જરૂરિયાતોના અભાવે મુશ્કેલી ભરેલો હતો. ખાદ્યપદાર્થ, અનાજ, દૂધ, બળતણ, સ્વચ્છ પાણી, ગુણવત્તાભરી વૈદકીય સારવાર સહિત લગભગ બધી ચીજોની અછત હતી. પણ અમારામાંથી ઘણા એવું જીવન જીવતાં શિખ્યા જેમાંથી સખત મહેનત, કેળવણીને પ્રોત્સાહન અને અમારું તથા ભવિષ્યની પેઢીનું જીવન સુધરે એ માટે તત્કાલીન પરિસ્થિતિને બદલવાનો દ્રઢ નિર્ણય જેવા પાઠ શિખવા મળ્યા.અમે અમેરિકામાં રહેતા હતા ત્યારે સખત મહેનત, આગળ વધવાની અને જીવનમાં સફળ થવાની તમન્ના અમારાં ચાલકબળ બની ગયાં.

પરદેશગમન

        મારો અમેરિકામાં અભ્યાસ, ત્યાંનું નિરીક્ષણ તથા અનુભવની શરુઆત થઇ ૧૯૬૩માં જ્યારે હું ઘણા અમેરિકન અધ્યાપકોને તથા બેંગલોર(અત્યારે બેંગલુરુ)ની ઇન્ડિયન ઇન્ટિટ્યુટ ઓફ સાયન્સમાં આવેલા અમેરિકામાં તૈયાર થયેલા અધ્યાપકોને મળ્યો. મને મુંબઇમાં અમેરિકાની ફાયરસ્ટોન ટાયર એન્ડ રબર કંપનીમાં અમેરિકનો સાથે કામ કરવાનો મોકો મળ્યો ત્ચારે આ અનુભવમાં ઉમેરો થયો.

પછી તો છેલ્લાં ૫૫ વર્ષથી અમેરિકાનાં અલગ અલગ રાજ્યોમાં રહેતાં રહેતાં અમેરિકા, અમેરિકન લોકો તથા આંતર રાષ્ટ્રીય લોકોનું નિરીક્ષણ કરવાનો અને તેમના અનુભવો જાણવાનો લાભ મળ્યો. મારો પરિવાર નસીબદાર હતો કે તેને અમેરિકાનાં વિવિધ રાજ્યોમાં રહેવાનો, દુનિયાભરના લોકોને મળવાનો અને તેમની સાથે કામ કરવાનો લાભ મળ્યો. આ વાત છે પહેલાં વિદેશી વિદ્યાર્થી, પછી નોકરિયાત, પછી નોકરીએ રાખનાર અને પોતપોતાના ક્ષેત્રમાં ઝળકનાર ત્રણ બાળકોના માતપિતાના અમેરિકાના અનુભવની. મારા દુનિયાના લગભગ 25 દેશોના પ્રવાસ કરવાથી તથા ત્યાં કામ કરવાથી મળેલા અનુભવની રસદાયક વિગતો પણ તેમાં વણી લીધી છે.

અમેરિકા સાથે પરિચય

મારા અમદાવાદના રહેઠાણ દરમિયાન ૧૯૬૩માં મિકેનિકલ એન્જિનીયરીંગમાં બી.ઈ.ની ઉપાધિ મળી ત્યાં સુધીમાં અમેરિકા વિષે થોડીઘણી માહિતી કોર્નેલ યુનિવર્સિટીમાં ભણી અમદાવાદની એલ.ડી.એએન્જિનીયરીંગ કોલજમાં પાછા આવેલા એક અધ્યાપક પાસેથી મળેલી. તે ઉપરાંત અમેરિકન એમ્બેસીએ મોકલેલ સ્પાન નામનું માસિક અને કેટલાંક પુસ્તકો વાંચવાથી તેમજ અમેરિકા વિષેનાં થોડાંક પ્રદર્શનોમાંથી અમેરિકાનો વધારે પરિચય થયો. આ બધું બન્યું અમેરિકા અને રશિયા વચ્ચેના શીત યુધ્ધના સમયે જ્યારૈ તેઓ ભારત જેવા વિકસતા દેશોના યુવક-યુવતીઓનું હ્રદયપરિવર્તન કરી માનસિક બદલાવ લાવવા પ્રયત્ન કરતા હતા. મારાં ઈજનેરી કોલેજનાં વર્ષો દરમિયાન અમેરિકા અને તેની શિક્ષણપ્રણાંલી વિષે માહિતી એકઠી કરતો હતો કારણ કે મારે પણ વધુ અભ્યાસ માટે મારા બીજા મિત્રોની જેમ અમેરિકા જવું હતું. પણ મારી આર્થિક પરિસ્થિતિ એન્જિનીયરીંગની ઉપાધિ મળ્યા પછી  તરત જ અમેરિકા જવા જેટલી સારી ન હતી. પરંતુ 1963માં મિકેનિકલ એન્જિનીયરીંમાં બી.ઈ.ની ઉપાધિ મળ્યા પછી મને બેંગલોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં આકર્ષક શિષ્યવૃત્તિ સાથે પાવર એન્જિનીયરીંગમાં માસ્ટર્સ કરવા માટે એડમિશન મળ્યું. આ એક સન્માન હતું કેમકે તે વખતે આઈઆઈએસસીમાં પોસ્ટગ્રેજ્યએશનમાં દરેક રાજ્યમાંથી એક ડિપાર્ટમેન્ટમાં એક જ વિદ્યાર્થી લેવામાં આવતો હતો.

અમેરિકાનો સાચો પરિચય અને અનુભવ તો બેંગલોરમાં હતો ત્યારેજ થયો. કેમકે ત્યાં હું એવા અનેક અધ્યાપકોને મળ્યો જે અમેરિકા સહિત ઘણા દેશોની વિખ્યાત વિદ્યાપીઠોમાંથી પ્રવાસી અધ્યાપકો તરીકે તરીકે આવતા હતા અથવા અમેરિકન વિદ્યાપીઠમાં ભણીને ભારત પાછા આવ્યા હતા.

૧૯૬૦ની આસપાસનો સમયગાળો ભારત માટે ઉત્તેજનાપૂર્ણ હતો. સ્વતંત્ર ભારતની અનેક શૈક્ષણિક સંસ્થાઓ નવા શૈક્ષણિક ક્ષેત્રોમાં પ્રવેશ કરી રહી હતી. તેમાં આઇ.આઇ.એસસી.ના વિખ્યાત વૈજ્ઞાનિકો અગ્રેસર હતા..રોકેટ વિજ્ઞાની તરીકે પ્રખ્યાત થયેલા શ્રી સતીષ ધવન એ વખતે આઇ.આઇ.એસસી.ના ડાયરેક્ટર હતા. તદુપરાંત સી.વી.રામન, હોમી ભાભા, વિક્રમ સારાભાઇ જેવા પ્રસિધ્ધ વૈજ્ઞાનિકો આઇ.આઇ.એસસી.માં અવારનવાર આવતા અને પદાર્થવિજ્ઞાન, ઉડ્ડયનશાસ્ત્ર, અણુવિજ્ઞાન, અવકાશવિજ્ઞાન વિગેરે ક્ષેત્રોમાં સંશોઘનના વિકાસ માટે ઇન્સ્ટિટ્યુટની સગવડ તથા સાધનોનો ઉપયોગ કરતા. આમાંના કેટલાક અમેરિકા, ઇંગ્લેંડ, જર્મની જેવા પશ્ચિમી દેશોની મુલાકાત લેતા અને તેમના વક્તવ્યમાં પોતાના અનુભવોનું વર્ણન કરતા તથા આપણે તેમની પાસેથી શું શીખી શકીએ તે બતાવતા. તેમાં પણ અમેરિકાને દાખલારૂપ ગણાવતા. અમેરિકા જઇ આવેલા કેટલાક વિદ્યાર્થોઓ અને અધ્યાપકોએ મેળવેલી માહિતીથી આ જ્ઞાનમાં ઉમેરો થતો. આઇ.આઇ.એસસી.ની શિક્ષણપ્રણાલી શરૂઆતમાં બ્રિટીશ પ્રણાલીને અનુસરતી હતી. પણ સ્વતંત્રતા મળ્યા પછી તે પ્રણાંલી લગભગ અમેરિકા જેવી થઇ ગઇ. આઇ.આઇ.એસસી.માં ગાળેલાં બે વર્ષે અમેરિકા જઇને જાતઅનુભવ મેળવવાની મારી મનોકામના દ્રઢ કરી.

આઇ.આઇ.એસસી.માંથી પાસ થયા પછી અમેરિકાની ફાયરસ્ટોન એન્ડ રબર કંપનીમાં કામ કર્યું. ત્યાં વહીવટ કરનાર કાં તો અમેરિકન હતા અથવા અમેરિકામાં તૈયાર થયેલા હતા. મારા જેવા યુવાન ઈજનેર માટે તો આ શિખવા માટેનો અમૂલ્ય અવસર હતો. ત્યાંનો કામ કરવાનો માહોલ 1960ના ભારતમાં મળવો મુશ્કેલ હતો. પગાર ઉપરાંત મેડિકલ ઇન્સ્યોરન્સ તથા ટ્રાન્સપોર્ટનો લાભ તો ખરો જ. પણ ત્યાંનો માહોલ વિચારવાની, સૂચનો કરવાની તથા ઉત્પાદનપધ્ધતિને સુધારવાની કે નવી પધ્ધતિ અંગે ચર્ચા કરવાની અને અમલમાં મૂકવાની સ્વતંત્રતા આપતો હતો. આ વાત મહત્વની હતી કેમકે એ વખતે મશીનરી કે તેના ભાગો આયાત કરવાની મુશ્કેલી હતી અને ઉત્પાદક કંપનીઓને દેશમાં મળતાં સાધનોનો ઉપયોગ કરવો પડતો હતો. વહીવટીતંત્ર ઇજનેરોને નવતર ઉપાયો શોધવા માટે ઉત્તેજન આપતું હતું

ફાયરસ્ટોનમાં કામ કરવું એ અમેરિકા સાથેનો પરિચય હતો-એક અલગ સપાટીએ, એટલે કે અમેરિકા જેવા કામ કરવાના માહોલમા અમેરિકનો જોડે કામ કરવું અને શીખવુ.

આ પશ્ચાતભૂમિ સાથે પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટી(પેન સ્ટેટ)માં આસિસ્ટન્ટશીપ સાથે એડમિશન મળતાં હું ૧૪ જુન, ૧૯૬૭ના રોજ અમેરિકા પહોંચ્યો.


ક્રમશઃ