જઠરાગ્નિઃ ઉમાશંકર જોશી
રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા!
રચો, રચો ચંદનવાટિકાઓ,
રાચો, રચી કંચનસ્થંભમાળા
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે! અંતર-રૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે!
આસ્વાદઃ દેવિકા ધ્રુવ
ઉમાશંકર જોશીની આ ‘જઠરાગ્નિ’ કવિતા ઉપજાતિ છંદમાં ગૂંથાયેલ એક સોનેટ છે. આમ તો એ સીધી અને સરળ ભાષામાં લખાયેલ હોઈ એકદમ તરત જ સમજાઈ જાય છે. પણ તેમાં રહેલ કવિની સંવેદનાનાં વિવિધ પાસાંઓ અને તે સમયના સામાજિક ચિત્રો પ્રતિબિંબિત થયાં છે જે ખરેખર આસ્વાદ તરફ ખેંચી જાય છે. ઘણાં ભાવકોએ પોતપોતાની રીતે અનુભવીને આલેખન પણ કર્યું છે.
આ કાવ્ય એક વાર વાંચી લીધા પછી એકદમ તરત, પહેલું તો વિસ્મય એ થાય છે કે, એક પ્રકૃતિપ્રેમી અને સંવેદનાઓને કોમળતાથી કવિતામાં કંડારનારા કવિ શ્રી ઉમાશંકરભાઈ એક આક્રોશ દર્શાવતું કાવ્ય પણ આપી શકે! ૧૯૧૧માં જન્મેલા આ મહાન કવિએ તેમની માત્ર ૨૧ વર્ષની ઉંમરે, એટલે કે ખૂબ શરૂઆતના વર્ષોમાં આ કાવ્ય લખ્યું છે.
પ્રથમ પંક્તિ છેઃ “ રચો, રચો અંબરચુંબી મંદિરો, ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!” અહીં શબ્દેશબ્દમાંથી નીકળતા ટોનમાં-ધ્વનિમાં વ્યંગાત્મક આક્રોશ છે. પણ માત્ર આક્રોશ નથી. હિત છૂપાયેલો ઠપકો છે, ચિંતાનો સૂર છે; જાણે વાત્સલ્યભરી માનો રોષભર્યો ભાવ છે. અને તે ભાવ કવિની અલગ અલગ શૈલીમાં આ કાવ્યમાં વ્યક્ત થયો છે. એ કહે છે કે, મહેલ, મિનારા, ઝુમ્મર, ફુવારા, ચંદનવાટિકા, કંચનસ્થંભમાળા, ઘુમ્મટો, ક્રીડાંગણ, ચંદ્રશાળા…આહાહા… રચો, રચો..
શરૂઆતમાં કવિએ ધનિકો જે કંઈ રચાવી શકે અને રચાવી રહ્યાં છે તેને વર્ણનાત્મક શૈલીમાં ગણાવ્યાં છે. તે દરેક રચાતી ઈમારત,જગા કે બાંધણીને વળી વિશેષણોથી નવાજી છે. દા.ત.અંબરચુંબી મંદિરો,ઊંચા મ્હેલ, મિનારા, સ્ફટિક મઢ્યાં ઝુમ્મરો, રંગીન ફુવારા,ચંદનની વાટિકાઓ, કંચનની સ્થંભમાળા, નવરંગી ઘુમ્મટો, ક્રીડાંગણ, ચંદ્રશાળા વગેરે વગેરે. અને તેમ કહેતાં કહેતાં ‘રચો, રચો ’ શબ્દને બે વાર ઘૂંટ્યો છે જે વ્યંગના ભાવને એકદમ ઘેરો ઉપસાવે છે.
આગળની પંક્તિઓમાં ‘રચો’ની સાથે ‘રાચો’ શબ્દ દ્વારા વર્ણાનુપ્રાસ અલંકાર સ્વાભાવિક રીતે ગૂંથાયો છે અને તેમાં રાચવાની ક્રિયાઓમાં અમીરોના વર્તન સામે આક્રોશી અને ચિંતાજનક સૂર સંભળાય છે. ભૌતિક વસ્તુઓમાંથી મળતી ક્ષણિક ખુશીઓમાં રાચો, એમાં મ્હાલો, ઉજવણીઓ કરો,આનંદો,આનંદો વગેરે..અભિવ્યક્તિમાં ભરેલો કટાક્ષ ભાવકનાં હૈયાંને અડતો જાય છે.
આમ, સાદા, સીધા અને તરત જ સમજાઈ જાય તેવા શબ્દો થકી કવિએ કાવ્યાત્મક્તા સાથે ધાર્યું નિશાન તાક્યું છે. સમાજમાં ઊભા થયેલા અસમાનતાના વર્ગો સામેનો એક અવાજ સંભળાવ્યો છે.
તે પછી નવમી પંક્તિથી કવિ ચેતવણી આપે છે. એ અમીરોને કહે છે કે, તમારે જેટલું અને જેવું ભવ્ય રચવું હોય તે રચજો પણ યાદ રાખજો કે આ બધા એકમેકના અંતરને રુંધતા પથ્થરો છે. સમાજમાં આ જે કંઈ ચાલી રહ્યું છે તે ગરીબોની ઉપહાસ લીલા છે, ભેદભાવની શિલા છે. સમય એ ક્યારેય સાંખી શક્શે નહિ. જ્યારે સમય ફરશે ત્યારે – કરોડો ગરીબોની આહ ઓકતી અને ભૂખથી રીબાતા માનવીઓના પેટની આગ પ્રજ્વલશે અને એવી ફેલાશે કે બધું જ એમાં ભસ્મીભૂત થઈ જશે. પછી એમાંથી આ ભવ્ય ઈમારતોની એક કણી પણ રહેશે નહિ. આ છેલ્લી બે પંક્તિઓ તો એટલી ચોટદાર છે કે,વર્ષોથી મનમાં કોતરાઈ ગઈ છે.
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે!
ઉમાશંકરભાઈ યુગદૄષ્ટા હતા. વાસ્તવિકતાનું ચિત્ર આપી કવિતાની રીતે, વર્ષો પહેલાં એમણે ચેતવણી આપી હતી; જાણે કે, ભવિષ્યવાણી ભાખી હતી કે કાળના ગર્ભમાંથી શું શું નીકળશે. એમણે તે સમાજના ઊભી થયેલી અસમાનતાના વિભાગો સામે, અન્યાય પામતા વર્ગો તરફ આંખ ઉઘાડવા વિશેનો પડકાર ફેંક્યો હતો. તેમની એક બીજી કવિતા ‘પહેરણનું ગીત’માં પણ કંઈક આવો જ આક્રોશ સંભળાય છે કેઃ
રામજી કાં રોટલા મોંઘા?
લોહી માંસ આટલાં સોંઘાં?
તો ‘ નીશીથ’ કાવ્યસંગ્રહમાં પણ કવિની પંક્તિઓ છે કે,
કાં ભૂખ ને ભોજન હેં વિખૂટાં?
કાં બેય સહેજે મળી શકે ના?
ગરીબોના પરસેવા અને અમીરોની પ્રસન્ન્તા! કવિની આ સંવેદના એટલી તીવ્રતાથી વ્યક્ત થઈ છે જે કોઈપણ વાચકના હૃદયમાં સોંસરવી ઉતરી જાય છે. ગરીબોની ઉપેક્ષા દર્શાવતું આ એક કટાક્ષથી ભરેલું સોનેટ છે. દલિત વર્ગની કવિતા તેમના સમયમાં ઘણી લખાતી. આ વિશે જરા જુદી રીતે કવિ શ્રી કરસનદાસ માણેકના શબ્દો છેઃ
એક દિન આંસુ ભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં
પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો અન્નકૂટની વેળા
ચાંદીની ચાખડીએ ચડીને ભક્ત થયા’તા ભેળા..
સુંદરમ્ ની પણ એક કવિતા યાદ આવે જઃ
રામને મંદિર ઝાલર બાજે, ઘંટના ઘોર સુણાય.
શેઠની મેડિએ થાળીવાજું, નૌતમ ગાણાં ગાય..
અ બધી કવિતાઓ સર્વકાલીન કવિતા. એ લખાય છે ત્યારે કવિતા એ યુગની હોય છે પણ કહેવાય છે કે, યુગ કવિને ઘડે છે અને કવિ એના યુગને રચે છે. સાચા કવિઓ ધરતી પરના સૌંદર્યનાં ગીતો રચે છે તો એ સૌંદર્યને ભૂંસતા પરિબળો સામે અજંપો પણ ઠાલવે છે. વળી આ કવિ તો વિશ્વમાનવીના સ્વપ્નસેવી અને વિશ્વશાંતિના ચાહક અને આહવાહક કવિ છે. તેમના અંતરમાંથી ઊઠેલા પૂણ્યપ્રકોપનું આ કાવ્ય છે. આમ, ક્રાંતિની ચેતવણી આપતું ઉ.જો.નું આ ‘જઠરાગ્નિ’ કાવ્ય તેમના વિચારો, લાગણીઓ અને સમાજ તરફની જાગ્રત ચેતનામાંથી સર્જાયેલું છે અને તેથી એ સર્વકાલીન કવિતાનું ઉત્તમ ઉદાહરણ છે એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી..
Devika Dhruva.- ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
