રવીન્દ્ર પારેખ

ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ ૬ થી ૧૨ ધોરણ દરમિયાન જ રોબોટિક્સ એન્જિનિયરિંગ ભણે એ હેતુથી અમદાવાદની સીબીએસઈ અને મ્યુનિસિપલ સ્કૂલોમાં કોર્સ શરૂ થવા જઈ રહ્યા છે. આ વિષય સ્કૂલોમાં પોલિટેકનિકના વિદ્યાર્થીઓ ભણાવશે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને સ્કિલ બેઝ શિક્ષણ મળે તે હેતુથી ગવર્નમેન્ટ પોલિટેકનિકની ફેકલ્ટીઝ નક્કી કરવામાં આવેલી સ્કૂલોમાં રોબોટિક્સ એન્જિનિયરિંગ ભણાવશે અને કોર્સ પૂરો કરનાર વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપશે.

આ કોર્સની જુદા જુદા કલાકોની અવધિ માટે ૩૩૦૦ થી ૬૩૦૦ રૂપિયા સુધીની ફી નક્કી કરવામાં આવી છે. અમદાવાદની મ્યુનિસિપલ સ્કૂલોમાં ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓને આ કોર્સ વિનામૂલ્યે કરાવવામાં આવશે. ગમ્મત એ છે કે અઢી વર્ષ કોરોનાને કારણે પ્રાઈમરી શિક્ષણ પૂરું થયું નથી. માસ પ્રમોશનથી સૌ પાસ થયા છે, લર્નિંગ લોસની ચિંતા નથી અને રોબોટિક્સ એન્જિનિયરિંગ ભણાવવાની વાતો ચાલે છે. છેને કમાલ !

બીજી તરફ નેચરલ ઇન્ટેલિજન્સની સમાંતરે આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો મહિમા વધ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોમ્પ્યુટર સાયન્સની એવી શાખા છે કે જે એવાં મશીનોને વિકસિત કરે છે જે માણસની જેમ વિચારી શકે છે અને તેની જેમ કાર્ય કરી શકે છે. જેમ કે અવાજની ઓળખ, સમસ્યાનો ઉકેલ, શીખવું, વિચારવું, આયોજન… વગેરે. આમ તો આ માણસ કે પ્રાણી દ્વારા પ્રગટતી કુદરતી બૌદ્ધિકતાથી અલગ, એવી મશીનો દ્વારા પ્રગટતી બૌદ્ધિકતા છે. એમાં કોમ્પ્યુટર દ્વારા નિયંત્રિત રોબોટ કે સોફ્ટવેરને એવી રીતે વિકસાવવાની વાત છે જે બિલકુલ એ રીતે વિચારી શકે જેમ માનવમગજ વિચારે છે.

ટૂંકમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા એવાં મશીનો વિકસાવાઈ રહ્યાં છે જે પોતાના વાતાવરણની સાથે ઇન્ટરેક્ટકરીને જે ડેટા પ્રાપ્ત થાય છે તેના પર પોતાની બુદ્ધિથી નિર્ણય લે. જો માણસને કોઈ સમસ્યા ઊભી થાય તો તેનો ઉકેલ એઆઈ આપે એમ બને. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેવલપ માણસ કરશે અને માણસનું માર્ગદર્શન એઆઈ કરશે. અત્યારે તો એ પ્રારંભિક તબક્કામાં છે, પણ ટેકનોલોજીના જમાનામાં તે માણસથી આગળ નીકળે એમ બને.

SIRI વિષે ઘણાં જાણતા હશે. તે એપલ દ્વારા પ્રસ્તુત વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ – આભાસી સહાયક છે. તે મેસેજ મોકલી શકે છે, માહિતી મેળવી આપે છે, ફોન કરી શકે છે, ટાઈમર સેટ કરે છે, કેલેન્ડરમાં ઇવેન્ટ સેવ કરી શકે છે… વગેરે. એક રીતે તો આ વોઈસ એક્ટીવેટેડ કોમ્પ્યુટર છે. આવી જ ડિવાઇસ alexa fu google assitant પણ છે. બીજી પણ ઘણી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જનક તરીકે અમેરિકન વૈજ્ઞાનિક જ્હોન મેકાર્થીનું નામ લેવાય છે, વિશ્ર્વને અને માનવ ઇતિહાસને બદલવામાં એઆઈ ઉપયોગી થશે એમ માનવામાં આવે છે. એઆઈમાં એક મશીનમાં ડેટા સેટને ફીડ કરવામાં આવે છે ને એ એવી સ્વ શિક્ષિત પેટર્ન બનાવે છે, જે માનવબુદ્ધિની જરૂર હોય એવા વિચાર, સમજણ, શિક્ષણ, સમસ્યા નિવારણ… જેવાં કામ કરે.

ભારત એઆઈનો ઉપયોગ આર્થિક વિકાસ, ક્ષેત્રીય પ્રગતિ અને સમાવેશી વિકાસ અર્થે કરવા માંગે છે. એઆઈ વ્યૂહ રચનાઓ, સંશોધન ક્ષમતાઓને મજબૂત બનાવે છે અને વ્યવસાયને અપનાવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે. ૨૦૧૭માં વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે એઆઈનો લાભ લેવા નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી. ૨૦૧૮માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લાગુ કરવા પાંચ ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યાં. એમાં આરોગ્ય, કૃષિ, શિક્ષણ, સ્માર્ટ શહેરો અને તેનાં ઇન્ફ્રાસ્ટક્ચર્સ, સ્માર્ટ પરિવહનનો સમાવેશ થાય છે. પીએમ – એસટીઆઈએસીનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ટેકનોલોજી માનવબુદ્ધિને પૂરક બનવા વિકસાવાઈ છે.

આમ જોઈએ તો વિજ્ઞાન માત્ર, માનવસમુદાયને મદદ કરવા જ વિકસ્યું છે. જુદી જુદી ટેકનોલાજીએ માનવવ્યવહાર સરળ અને સાર્થક કરી આપ્યો છે. સરકારે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે મોટાં બજેટ ફાળવ્યાં છે ને પ્રજાને તેનો લાભ પણ મળ્યો છે. રોબોટિક્સ એન્જિનિયરિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે ભવિષ્યમાં ખપમાં આવનારી અન્ય ડિવાઇસિસ માનવહિત માટે જ છે, પણ આપણે જાણીએ છીએ કે જેમ ટેકનોલોજીનો ઉપયોગ છે, એમ જ તેનો દુરુપયોગ પણ છે. કોઈ એવી પ્રાઈમરી સ્કૂલની કલ્પના કરીએ જેને શિક્ષણ સમિતિ પરિપત્રો મોકલે છે ને પત્રકોમાં વિગતો માંગે છે. એ સ્કૂલનો આચાર્ય પત્રકોમાં વિગતો ને આંકડાઓ મોકલે છે. બધી સ્કૂલો એમ જ ઓનલાઈન કે મેલથી પત્રકોમાં ડેટા મોકલે છે.

સમિતિ અધ્યક્ષ પછી એ જિલ્લા શિક્ષણાધિકારીને મોકલે છે ને એ જિલ્લાનો ડેટા રાજ્યને મોકલે છે ને રાજ્ય એ વાતે ખુશ થાય છે કે તેનાં પ્રાઈમરીના વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં આગળ છે. રાજ્ય આવી વાત ડેટા પરથી નક્કી કરે છે. બધાં આચાર્યોએ પ્રામાણિકતા દાખવી હોય ને સાચો ડેટા મોકલ્યો હોય તો વાંધો જ નથી, પણ અહીં કલ્પ્યો એવો એક આચાર્ય ધારો કે એવું નક્કી કરે કે કોઈ શિક્ષકને વર્ગમાં ભણાવવા મોકલવા જ નથી ને શિક્ષકોને કાલ્પનિક ડેટા તૈયાર કરવા જોતરાય ને એ જ ડેટા આચાર્ય મોકલી આપે ને સમિતિ પણ એ જ આગળ જવા દે તો રાજ્યને સાચું ચિત્ર પહોંચે એમ લાગે છે ?

ડેટા તે શિક્ષણ નથી, પણ સમિતિને કે રાજ્યને તે ડેટા જ જોઈએ છે. સ્કૂલો પણ એ જ આપે છે જે જોઈએ છે ને આમ વર્ગમાં ભણ્યા વગર જ વિદ્યાર્થીઓ ખોટા ડેટા પરથી હોંશિયાર ગણાય એમ બને. શિક્ષણ વિભાગ પણ ઓન પેપર ‘ફેક્ટ્સ’ એન્ડ ફિંગર્સથી રાજી થાય એમ બને. કહેવાનું તાત્પર્ય એ છે કે આ વર્ગશિક્ષણનું સાચું ચિત્ર નથી. ટેકનોલોજીના ઉપયોગે એ સ્થિતિ સર્જી છે કે કોઈ સાવ ખોટું કરે ને વિગતો મોકલી આપે તો તે સાચું મનાય એવું જોખમ છે. આ ગંભીર બાબત છે.

એટમની શોધ થઈ એમ જ એટમબોમ્બ પણ બન્યો ને તેણે જે પરિણામો આપ્યાં છે તેની અસરોથી આજે પણ માનવજાત મુક્ત નથી. ટેકનોલોજીએ માણસનો વ્યવહાર વધુ સરળ કરી આપ્યો ને સમય બચાવ્યો એ ખરું, પણ સમયનો વધુ સારો ઉપયોગ કરવાને બદલે માણસ ટેકનોલોજીમાં જ વધુ વ્યસ્ત રહેવા લાગ્યો. મોબાઈલે સંપર્ક સરળ કરી આપ્યો. પણ એમ થતાં ઘરના સભ્યો મોબાઈલમાં જ વધુ બિઝી થઈ ગયા. દુનિયા ઘરમાં આવી ગઈ ને ઘર દુનિયામાં ખોવાઈ ગયું.

જ્યાં સુધી ભારતને લાગે વળગે છે ત્યાં સુધી એ વિચારવા જેવું છે કે આ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભારતને અનિવાર્યતા કેટલી છે ? અહીં ટેકનોલોજીનો કે વિજ્ઞાનનો વિરોધ નથી. વિદેશમાં ખપ છે માટે ભારતમાં પણ તે જરૂરી છે એમ માનીને તો આપણે બધું દાખલ કરી રહ્યાં નથીને તે ગંભીરતાથી વિચારવા જેવું છે. ઉદાહરણ તરીકે એ જોઈએ કે રોબોટિક્સ એન્જિનિયરિંગની અનિવાર્યતા કેમ ઊભી થઈ ? તો એનો જવાબ આ કે ઉદ્યોગો મેન પાવરને ઘટાડવા અને ઓટોમેટિક મશીનોનો ઉપયોગ વધારવા માંગે છે, એમાં રોબોટિક્સ એન્જિનિયરિંગ ઉપયોગી થાય એમ છે.

ધારો કે બધા ઉદ્યોગો એનો ઉપયોગ વધારે છે તો માણસનું કામ મશીનો કરી લેશે ને એટલા માણસો ફાજલ પડશે. આખા દેશમાં અસહ્ય મોંઘવારી વચ્ચે માણસો બેકાર થાય ને કરોડો બેરોજગારોમાં વધારો થાય એ ઇચ્છવા જેવું ખરું ? એક બાજુ સરકાર રોજગારી ઊભી કરવામાં હાંફી જઈ રહી હોય ત્યાં ઉદ્યોગો મશીનો વધારીને માણસોને નવરા પાડે એ કોઈ રીતે ઉપકારક નથી તે સમજી લેવાનું રહે.

આમ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો હેતુ માણસનાી મદદમાં રહેવાનો જ છે, પણ જરા વિચારો કે રોબોટ્સ કે મશીનો માણસની બુદ્ધિ કરતાં વધુ વિચારતાં ને પરફેક્ટ નિર્ણયો લેતાં થાય તો કોઈ માણસનો ભાવ પૂછે એવું લાગે છે ? ક્ષતિરહિત અને ત્વરિત નિર્ણયો અનેક માનવ-કલાકોને વિકલ્પે, રોબોટ્સ કરતાં થાય તો માણસનો કોઈ ઉપયોગ જ ન રહે એમ બને. આવા ઉપયોગી ન રહેલા માણસોથી બેકારી વધશે કે ઘટશે? વધુ વિચારતાં એમ લાગે છે કે મશીનો માણસોને મર્યાદિત કરે તે પહેલાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અંગે પુનર્વિચાર થવો જરૂરી છે.

એમ લાગે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસની શોધ હોય તો પણ તેની ક્ષમતા બધી રીતે માણસને પાછળ પાડે તેવી છે. મશીનો માણસને ખસેડીને ગોઠવાઈ જાય ને માણસ કોઈ કામનો ન રહે એવું મશીનો કરે તો આઘાત ન લાગવો જોઈએ. કોણ જાણે કેમ પણ સ્વાર્થને કારણે સજીવ માણસ કરતાં આપણને નિર્જીવ મશીનો વધુ ઉપયોગી લાગવા માંડ્યાં છે. આમ પણ પ્રત્યક્ષ શિક્ષણનું સ્થાન ઓનલાઈન શિક્ષણે લેવા જ માંડ્યું છે. અત્યારે પણ ઓનલાઈન ભણાવે તો છે માણસો જ, પણ કાલે એવું બને કે મશીન જ ભણાવે. વર્ગમાં શિક્ષક નહીં, રોબોટ ભણાવે એવા દિવસો હવે દૂર નથી.

જો મશીનો માણસને વિકલ્પે સક્રિય થાય તો બાળકોને ભણાવવાની જરૂર જ કેટલી રહે ? કામ તો મશીનો લાગવાનાં છે, તો માણસોને કે તેનાં બાળકોને ભણાવવાની જરૂર ખરી ? સો બાળકો ભણાવવા તેના કરતાં એક મશીનને ભણાવવું વધારે સહેલું નહીં ? ને એ જ સો માણસનું કામ કરી આપવાનું હોય તો ફેક્ટરીમાં કે અન્ય સંસ્થાઓમાં સો માણસો કરતાં એક મશીન વસાવવું જ વધારે સહેલું ને સસ્તું નહીં ? માણસોનો છેદ મશીનો જ ઉડાડે એવું પૂરું જોખમ છે. માણસો જોઈશે તો ખરા, પણ મશીનો ચલાવવા પૂરતાં જ, પછી તો મશીનો જ વધારાના માણસોને હાંકી કાઢશે. આમાં કોઈને અતિશયોક્તિ લાગે કદાચ, પણ આ સાવ અશક્ય પણ નથી.

જરા વધારે અતિશયોક્તિ કરી જોઈએ ? જો મશીનો જ હાવિ થવાનાં હોય તો થોડી રાહત પણ થાય, જેમ કે ઓફિસો મશીનો સંભાળે, એમ જ જોખમી જગ્યાએ રોબોટ્સ પણ ગોઠવી શકાય. બધા જ દેશો એવું કરી શકે કે બધી સરહદો પર સૈનિકોને બદલે રોબોટ્સ જ ગોઠવી દે. સામસામે રોબોટ્સ લડે. કોઈ સૈનિક શહીદ જ ન થાય. થાય તો રોબોટ્સ થાય. ક્યાંય માણસો હોય જ નહીં કે જનમ-મરણના આંકડાથી ખાનાં ભરવાં પડે. રેલ આવે, ધરતીકંપ થાય, અકસ્માતો થાય, આગ લાગે કે પર્વતો તૂટી પડે, કોઈ માનવહાનિ જ નહીં ! કોઈ વળતર જ આપવાનું નહીં. માણસો જ નહીં, તો મોંઘવારી પણ શું બગાડી શકે ? સાંસદ રોબોટ્સ જ હોય, ચૂંટણી લડે રોબોટ્સ, પ્રચાર કરે રોબોટ્સ, મત આપે રોબોટ્સ, ચૂંટાય રોબોટ્સ, ડોક્ટરો રોબોટ્સ, દર્દીઓ રોબોટ્સ, નો વસતિ, નો વસ્તી ગણતરી, નો કોરોના, નો ડેથ. માણસ જ ન હોય તો કોરોના થાય કોને ? હસવું આવે છેને ! પણ, હસવા જેવું નથી.


ભૂમિપુત્ર : ૧૬ મે, ૨૦૨૫