લહેરાતો જા
-રક્ષા શુક્લ
ઊંચે ઊંચે ઉર્ધ્વ ગગનમાં લહેર લહેર લહેરાતો જા.
તું યશગાથા, તું મુક્તિ અને તું ત્રિરંગ તાલે ગાતો જા.
તું કેસરવર્ણી કાયાથી હુંકાર કરે કે રણબંકાઓ દિવસ-રાત અહીં જાગે છે,
જ્યાં સારનાથનો સાવજ ગર્જી કરે ત્રાડ તો દિશા થરથરે, દુશ્મન દોડી ભાગે છે.
તું બલિદાન, તું શૌર્ય અને તું ત્યાગ મહીં મદમાતો જા.
ઊંચે ઊંચે ઉર્ધ્વ ગગનમાં લહેર લહેર લહેરાતો જા.
તું શુભ્ર, શ્વેત ઉજ્જ્વળતા ઓઢી, સતની કેડી કંડારીને સૂર્ય સમું અજવાળે છે,
ગાંધીની ખાદી અંગ લપેટી, સહજ સાદગી, પુનિત પ્રેમથી દ્વેષ-કટુતા ચાળે છે.
તું શુદ્ધ સમર્પણ, શાંત સરવરે મલયાનિલમાં ન્હાતો જા.
ઊંચે ઊંચે ઉર્ધ્વ ગગનમાં લહેર લહેર લહેરાતો જા.
તું છમ્મલીલું જો કરે સ્મિત ત્યાં મ્હેક મ્હેક માટી થઈ માતૃભૂમિને પણ શણગારે છે,
સૌ ધર્મચક્ર લઈ નવી દિશાએ નવા ગુંથીશું ગાન પછી ખુશહાલી દ્વારે દ્વારે છે.
તું હરિયાળી, ગતિશીલ કર્મ, ગૌરવ ઉન્નત, હરખાતો જા.
ઊંચે ઊંચે ઉર્ધ્વ ગગનમાં લહેર લહેર લહેરાતો જા.
હું
– –રક્ષા શુક્લ
અશ્વ હું, અસવાર હું.
સારથી ને સાર હું.
પાંચ. તોયે પાંગળી,
હાર હું, વ્યાપાર હું.
દ્વારિકા મનની મળે,
હું સુબો, સરકાર હું.
કેદ પથ્થરની ચણો,
બે મિનીટમાં બ્હાર હું.
મૌન માથું ઊચકે,
ત્યાં બનું હુંકાર હું.
જ્યાં ઢળી, ઢળતી રહી,
ક્યાં હતી આકાર હું !
મા બની હું થનગનું,
છું નવે અવતાર હું.
