ધિક્કારનાં ગીતો
હું દુઃખી થયો તેમ તું પણ દુઃખી થા એવી ઇચ્છા થવી સ્વાભાવિક તો છે, પણ…
દીપક સોલિયા
છંછેડાયેલો પ્રેમી જો પ્રેમિકાની હત્યા કરે કે ચહેરા પર એસિડ ફેંકે તો એ મહાનરાધમ આકરી સજાને જ લાયક છે, પરંતુ આટલી હદે ન જવા છતાં કોઈ પ્રેમી જો પ્રેમિકાને જાહેરમાં બદનામ કરે, સોશિયલ મીડિયામાં પ્રેમિકાની છાપ ખરડવા માટે ઉધામા મચાવે તો એ પણ નરાધમતાનો જ એક પ્રકાર ગણાય અને એ અપરાધ બદલ પણ એને સજા જ થવી જોઈએ.
આવા અપરાધને ગ્લોરિફાઈ ન જ કરવો જોઈએ. છતાં, હિન્દી ફિલ્મોમાં એવાં અનેક ગીતો છે જે બિનધાસ્ત આવા અપરાધને એટલે કે પ્રેમિકાની આબરુના ધજાગરા ઉડાડવાની ચેષ્ટાને જાણે પ્રોત્સાહન આપતાં હોય. આવું પેલું એક ગીત તમે સાંભળ્યું હશેઃ
મેરે મહબૂબ કયામત હોગી
આજ રુસવા તેરી ગલિયોં મેં મહોબ્બત હોગી
આ ગીત ફિલ્મ મિ. એક્સ ઇન બૉમ્બે નામની ફિલ્મનું છે. ફિલ્મમાં હીરો પણ કિશોર કુમાર છે અને આ ગીતને સ્વર પણ નેચરલી કિશોરે જ આપ્યો છે. શબ્દો પર ઝાઝું ધ્યાન આપ્યા વિના સાંભળો તો ગીત બહુ મજાનું લાગે એવું છે. લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત પ્યારું છે. આ ફિલ્મ તો બહુ નહોતી ચાલેલી, પણ તેનું આ ગીત એટલું બધું ચાલ્યું કે ફિલ્મ રીલિઝ થયાના ૫૮ વર્ષ પછી આજે પણ કિશોરના ઓલટાઈમ ગ્રેટ ગીતોની વાત નીકળે ત્યારે ઘણાં લોકોને આ ગીત યાદ આવી શકે.
ગીતમાં પ્રેમિકાને સંબોધીને એવું કહેવાયું છે કે આજે તારી ગલીમાં પ્રેમ બદનામ થશે, પણ ફિલ્મમાં હીરો આ ગીત પ્રેમિકાની ગલીમાં નથી ગાતો. એ તો ગલીથી પણ વધુ જાહેર, સરેઆમ, છેડેચોક એવું એક સ્થળ પસંદ કરે છે. એ સ્થળ આખા ભારતના ટોચના પર્યટન સ્થળમાંનું એક છે. એ છે, મુંબઈનું ગેટવે ઓફ ઇન્ડિયા. ગેટવે પાસે મોટો ચોક છે. સામે તાજ હોટેલ છે. આવા અતિ જાહેર સ્થળે કિશોર કુમાર લલકારે છેઃ
તેરી ગલી મેં આતા સનમ
નગમા વફા કા ગાતા સનમ
તુઝસે સુના ના જાતા સનમ
ફિર આજ ઇધર આયા હૂં મગર
યે કહને મૈં દીવાના
ખત્મ બસ આજ યે વહશત હોગી
વાત જરા ગંભીર છે. પ્રેમી અસલમાં આપઘાતની ધમકી ઉચ્ચારી રહ્યો છે. એ કહે છે કે આમ તો તારી ગલીમાં આવીને હું આવી રીતે ગાઉં તો તું એ સાંભળી શકે તેમ નથી, પણ આજે હું અહીં એ કહેવા આવ્યો છું કે મારી વહશત (જંગલીપણું, ગાંડપણ) ખતમ થવાનું છે એટલે કે હું મરી જવાનો છું.
ગીતના અન્ય એક અંતરામાં પણ આપઘાતનો સ્પષ્ટ ઇશારો છેઃ
મેરે સનમ કે દર સે અગર
બાદ-એ-સબા હો તેરા ગુઝર
કહના સિતમગર કુછ હૈ ખબર
તેરા નામ લિયા, જબ તક ભી જિયા
એ શમા તેરા પરવાના
જિસસે અબ તક તુઝે નફરત હોગી
કાલીદાસના નાયકે મેઘને દૂત બનાવેલો એમ અહીં ગીતકાર આનંદ બક્ષીએ સવારની હવા (બાદ-એ-સબા)ને દૂત બનાવીને પ્રેમિકાને મેસેજ મોકલવાની વાત કરી છે. મેસેજ એવો છે કે હે જુલમી પ્રેમિકા, શું તને ખબર છે કે તું જેને નફરત કરી રહી છે એવો તારો દીવાનો-પરવાનો જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી તારું જ નામ લેતો રહેલો.
જ્યાં સુધી પણ જીવ્યો (જબ તક ભી જિયા)નો મતલબ એવો થાય કે હવે એ જીવિત નથી. એ મરી ચૂક્યો છે. ફિલ્મની કથામાં તો એવું પણ છે કે હીરો માત્ર ગાઈને જ નહીં, નક્કર ચિઠ્ઠી લખીને પણ હિરોઈનને જણાવે છે કે હું આપઘાત કરી રહ્યો છું.
આ વળી પાછો એક જુદો અને ઘણો મોટો જુલમ છે કે પ્રેમિકા સાથે મિલન ન થાય એટલે મરી જવાનું, કે પછી મરી જવાની ધમકીઓ આપીને પેલી પર ત્રાસ ગુજારવાનો.
ખેર, મોતની ધમકીઓ હીરો અમલમાં મુકે છે કે નહીં એ તો મન થાય તો ફિલ્મ જોઈને કે એ વિશે નેટ પર વાંચીને જાતે જાણી લેજો. ફિલ્મની વાર્તા આપણો મુદ્દો નથી. આપણો મુદ્દો છે આ ગીત. ગીતનો આ અંતરો જુઓઃ
મેરી તરહ તૂ આહેં ભરે
તૂ ભી કિસી સે પ્યાર કરે
ઔર રહે વો તુઝસે પરે
તૂને ઓ સનમ ઢાયે હૈં સિતમ
તો યે તૂ ભૂલ ના જાના
કે ના તુઝપે ભી ઇનાયત હોગી
અર્થાત્, હું ઇચ્છું છું કે મારા પછી તું બીજા કોઈના પ્રેમમાં પડે. પછી પેલો તને તરછોડે, તારાથી દૂર રહે. મારા પર સિતમ ગુજારનાર હે નારી, તું યાદ રાખજે કે ના તુઝપે ભી ઇનાયત હોગી. તારા પર પણ કોઈ રહેમ-કૃપા-ઇનાયત નહીં થાય. તારું પણ આવી બનશે. તારી પણ વાટ લાગશે.
ઘણા લોકો કોઈ દેવ ફળે ત્યારે એવું કહેતાં હોય છે કે દેવ જેવા મને ફળ્યા એવા તમને પણ ફળો. આ ગીતમાં તેનાથી ઊંધું છે. પ્રેમના દેવતા જેમ મને નડ્યા તેમ તને પણ નડો. નિર્ભેળ બદદુઆનો આ મામલો છે. અને છતાં તમે આ ગીતનું ફિલ્માંકન જુઓ તો લાગે કે આ બધી બદદુઆ દેતી વખતે હીરો જાણે થોડો ખુશ છે. એના ચહેરા પર જાણે એક સ્મિત રમી રહ્યું છે. પોતાની હૈયાવરાળ વ્યક્ત કરવાથી એને જાણે સારું લાગી રહ્યું છે.
https://youtu.be/MCRfiK53mpE?si=2–5WJj1d8byqU5B
માત્ર હીરોને જ નહીં, શ્રોતાઓને પણ આ ગીત સાંભળીને એક સુખદ પ્રકારની લાગણી થતી હોય છે. આવું શાને થાય છે? આ ગીતમાં એક જબરી અપીલ શા માટે છે? ગીતની પ્રચંડ લોકપ્રિયતાનું રહસ્ય શું છે?
એ રહસ્ય છે આત્મદયા, સેલ્ફ પિટી…
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
