ગિરિમા ઘારેખાન

એક ગામ હતું. ગામમાં રાજવીર નામે એક વેપારી રહેતો હતો. એની પાસે ઘણા પૈસા હતા. અનાજ અને બીજી વસ્તુઓના મોટા મોટા ગોડાઉન હતા. પણ એ હતો બહુ કંજૂસ. પોતાના નોકરો પાસે ખૂબ કામ કરાવે. ના કરે તો એમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપે. નોકરોથી ક્યારેક કામ પૂરું થાય એવું ના હોય તો એ લોકો બિચારા પોતાના બાળકોને પણ મદદ કરવા બોલાવી લે.

એક દિવસની વાત છે. કુકુ નામે એક કીડી રાજવીરના એક ગોડાઉન પાસેથી પસાર થઇ રહી હતી. આમ તો એમાં ઘઉં રાખવામાં આવતા હતા. પણ કુકુને એ દિવસે એમાંથી ખાંડની સુગંધ આવી. એને ભૂખ તો લાગી જ હતી. કીડી દરવાજાની નીચેથી ગોડાઉનની અંદર ગઈ. અંદર જઈને એણે જોયું કે ત્યાં જમીન ઉપર વચ્ચોવચ ઘઉંનો ઢગલો પડેલો હતો. એને સમજાયું નહીં કે એમાંથી એને ખાંડની સુગંધ કેવી રીતે આવતી હતી ? ઢગલાની બાજુમાં બે છોકરીઓ બેઠી હતી અને રડતી હતી.

કુકુ કીડીને કંઈ સમજાયું નહીં. એણે એક થોડી મોટી છોકરીને પૂછ્યું, ‘તમે કોણ છો? તમારા નામ શું છે ? તમે બંને અહીં બેસીને કેમ રડો છો?’

છોકરીએ રડતાં રડતાં જવાબ આપ્યો. ‘મારું નામ હંસા છે. આ મારી નાની બેન સરોજ છે. આ રાજવીરશેઠનું ગોડાઉન છે. અમારા બાપુજી અહીં નોકરી કરે છે. કાલે અહીં એ અહીં ઘઉંનો થેલો પીઠ ઉપર ઊંચકીને લાવતા હતા. એ બહુ ભારે હતો. તો પણ શેઠે બીજા બાજુના ગોડાઉનમાં મૂકવાનો બીજો ખાંડનો નાનો થેલો પણ એમની પીઠ ઉપર મૂકી દીધો. અહીં પહોંચતા સુધીમાં તો એ બહુ થાકી ગયા. એમના હાથમાં બંને થેલા પકડી રાખવા જેટલું જોર ન હતું રહ્યું. એટલે બંને થેલા એમની પીઠ ઉપરથી પડીને તૂટી ગયા. એને લીધે અહીં ઘઉં અને ખાંડ ભેગા થઇ ગયા છે.’

આટલું બોલીને હંસા તો ફરીથી રડવા માંડી. કુકુ કીડીએ સરોજની સામે જોયું. સરોજે આગળની વાત કહી, ‘એ જાણીને રાજવીરશેઠ અમારા બાપુજી ઉપર બહુ ગુસ્સે થઇ ગયા. એમણે અમને અહીં લાવીને બેસાડી દીધી છે. બાપુજીને તો એ બીજું કામ કરવા લઇ ગયા. પણ અમને કહ્યું છે કે સાંજ સુધીમાં જો અમે આ ઘઉં અને ખાંડ જુદા નહીં કરી આપીએ તો એ અમારા બાપુજીને નોકરીમાંથી કાઢી મૂકશે. અમે જાણીએ છીએ કે આ કામ તો થઇ શકે એવું છે જ નહીં. આટલા બધા ઘઉં અને આટલા નાના ખાંડના દાણા તો કેવી રીતે છૂટા પાડી શકાય ? હવે એ શેઠ અમારા બાપુજીને નોકરીમાંથી કાઢી મૂકશે. પછી અમે શું કરીશું ?’

આટલું બોલીને સરોજ પણ ફરીથી રડવા માંડી.

કુકુ પણ આ વાત સાંભળીને ઉદાસ થઇ ગઈ. હવે શું કરવું ? હંસા અને સરોજનું રડવાનું તો ચાલુ જ હતું. એણે ખૂબ વિચાર કર્યો .પછી એના નાનકડા પણ ચતુર દિમાગમાં એક સરસ વિચાર આવ્યો. એણે કહ્યું, ‘હંસા, સરોજ, હવે તમારે રડવાની જરૂર નથી. તમારું કામ હું કરી આપીશ.’

બંને બહેનો તો રડવાનું ભૂલીને આશ્ચર્યથી આ નાનકડી કીડી સામે જોઈ રહી. આ નાનકી વળી આટલું મોટું કામ કેવી રીતે કરશે ? હંસાએ તો પૂછી જ લીધું, ‘પણ કીડીબેન, તમે તો આટલા નાના છો ! તમે આ કામ કેવી રીતે કરી શકશો?’

કીડીએ કહ્યું, તમે જોયાં કરો. તમે ખાલી આ ઢગલો જમીન ઉપર પહોળો કરી નાખો. હું હમણાં બહાર જઈને આવું છું.‘

કુકુ કીડી તો બહાર ગઈ અને બહાર એમના દરમાં રહેતી એની બધી બહેનપણીઓને એણે આ વાત કરી. બધી કીડીઓ આ બે બહેનોને મદદ કરવા તૈયાર થઇ ગઈ.

થોડી વારમાં તો આખું ગોડાઉન કીડીઓથી ઊભરાઈ ગયું. કુકુના કહેવા પ્રમાણે બંને બહેનોએ પેલા  ઢગલાને જમીન ઉપર સપાટ પાથરી દીધો હતો. એ બધી કીડીઓ તો ખાંડના દાણાને મોંમાં લઈને એક બાજુ મૂકવા માંડી. કુકુએ આજે એમને સમજાવ્યું હતું કે પહેલા કોઈએ ખાવાનું નથી કે દાણા દરમાં લઇ જવાના નથી. જોતાં જોતામાં તો ઘઉંમાંથી છૂટી પાડેલી ખાંડનો એક બાજુ જુદો ઢગલો થઇ ગયો. સરોજ અને હંસા તો આંખો ફાફી ફાડીને કીડીઓના આ સંપને અને એના લશ્કરને આમ કામ કરતાં જોઈ જ રહ્યાં. પાછું આ કામ એમણે કેટલી ઝડપથી પતાવી દીધું !

જયારે ઢગલામાં બહુ થોડી ખાંડ બાકી રહી ત્યારે કુકુએ કહ્યું, ‘ચાલો સખીઓ. તમે બધાએ બહુ કામ કર્યું છે. હવે આ બચેલા ઝીણા ઝીણા કણ ખાવાની છૂટ છે. થોડી આપણે આપણા દરમાં પણ લઇ જઈશું. થોડી ખાંડ ઓછી થશે તો પેલા કંજૂસ રાજવીરને કંઈ ખબર નહીં પડે. આવડી નાની છોકરીઓને આટલું હેરાન કરે તો એટલો દંડ તો એને મળવો જ જોઈએ.’

કીડીઓ તો ખુશ ખુશ. નીચે બચેલા ઝીણા દાણા પણ ઘણા હતા. આટલી બધી ખાંડ આવી રીતે ક્યાં ખાવા મળે ? એ લોકોએ થોડા દાણા ખાધા અને બચેલા પોતાના દરમાં પણ લઇ ગઈ. સરોજ અને હંસાએ બધી કીડીઓનો, ખાસ કરીને કુકુ કીડીનો ખૂબ આભાર માન્યો.

સાંજ પડી એટલે રાજવીર શેઠ ગોડાઉનમાં આવ્યા. એમણે ધાર્યું હતું કે પોતે સોંપેલું અશક્ય કામ એલી બે છોકરીઓ નહીં જ કરી શકી હોય. એટલે હવે એ એમના બાપુજીનો પગાર કાપી લેશે. પણ એમણે તો જોયું કે ઘઉં અને ખાંડના ઢગલા તો જુદા થયેલા હતા. આ અશક્ય લાગતું કામ થયેલું જોઇને એમને બહુ જ નવાઈ લાગી. એમણે એ બે બહેનોને એ કેવી રીતે કર્યું એમ પૂછ્યું.

આનંદમાં આવી ગયેલી હંસા અને સરોજ તો નાચતે નાચતે ગાવા લાગ્યા,

‘જાદુ થયું ભાઈ જાદુ થયું
જુઓ કેવું અહીં જાદુ થયું
કોઈને પણ કહેવાનું નથી કે
કાળી નાની પરીઓએ જાદુ કર્યું’

રાજવીર શેઠને સમજાયું નહીં કે આ કાળી નાની પરીઓ કોણ હશે. પણ તમે તો સમજી ગયા ને, બાળમિત્રો?


ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯