ન્યુયોર્ક પાછા આવી મેં ઘરસંસારની તૈયારી કરી. એપાર્ટમેન્ટ અને નવી કાર લીધી. નોકરી સારી હતી તેથી બીજી કોઈ ચિંતા કર્યા વગર છ મહિના અમિતાની રાહ જોવામાં જલદી નીકળી ગયા.
૧૯૭૨ ના ઓગષ્ટ મહિનામાં અમિતા અમેરિકા આવી ત્યારે ક્વિન્સમાં થોડા જ ભારતીયો હતા. તે સમયે ત્યાં ઇમીગ્રન્ટ અને એથનીક માણસોની વસ્તી ઓછી. અમારા મિત્રો પણ પત્નીને બોલાવી સેટલ થતા હતા. કોઈનું પોતાનું હાઉસ ના મળે, અને મોટાભાગના યુગલો બાળક વગરના હતા. ધીમે ધીમે પત્નીઓ તેમની આવડત અને ભણતર પ્રમાણે જોબ કરતી થઈ. અમિતાની માઇક્રોબાયોલોજીમાં ડિગ્રી હતી અને આગળ હોસ્પિટલમાં પેથોલોજીનો અભ્યાસ કર્યો હતો. પરંતુ તેણે ભારતમાં નોકરી ના કરી તેથી તેને ન્યુયોર્ક એરિયામાં સાંજે, વીકએન્ડ, કે ખરાબ વિસ્તારમાં જ જોબ મળે તેમ શક્ય. તે સંયુક્ત કુટુંબમાં ઉછરી મોટી થઈ હતી તેથી તેની બાળકોને સારી રીતે ઉછેરવાની મહેચ્છા, અને તેમના માટે જ, તે મોટા થાય ત્યાં સુધી, હાઉસવાઈફ તરીકે રહેવાની તમન્ના. મને કોઈ દિવસ પૈસા ભેગા કરવાનો મોહ નહીં. મારી ધારણા મુજબ ભૌતિક જીવન ની સફળતા અને વાસ્તવિકતા, અને કાયમી પ્રસન્નતા વચ્ચે, ઘણું અંતર હોય. હું પણ માનું કે જરૂર ના હોય તો માતાએ નોકરી કર્યા વગર ઘરે રહી બાળકોને ઉછેરવા તે મહત્ત્વનું અને જરૂરી છે. તેથી અમે બન્નેએ નક્કી કર્યું કે એકાદ બે વર્ષ અમિતા બેંકમાં નોકરી લેશે, ભણતર કામમાં આવે કે બહુ પૈસા મળે તે અગત્યનું નથી. આજે પચાસ વર્ષો બાદ કોઈ સમયે અમિતાને કુતુહુલ થાય કે તે પ્રોફેશનલ બની હોત તો જિંદગીમાં શું ફેર પડત. પરંતુ તેણે જે નિશ્ચય લીધો હતો તેનું દુખ નથી.
યુવાની અને નવા લગ્નજીવનના સુસંગમથી દસ વર્ષ પાણીની માફક વહી ગયાં. અમારા દીકરાનો જન્મ થયો ત્યારે અમે તેનું નામ સત્ય રાખ્યું, કારણ કે હું ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’થી ખૂબ પ્રભાવિત થયો હતો. દીકરીનું નામ અમિતાની પસંદગી પ્રમાણે સીતા પાડ્યું કેમ કે તે એક આદર્શ દિકરી અને પત્ની હતી. બાળકોના ભણતર અને ભવિષ્યનો વિચાર કરી અને મારી જોબમાં સારી તક મળે તે કારણે અમે ન્યુયોર્ક છોડી હ્યુસ્ટન ગયા, અને પછી ૧૯૮૨માં લાસવેગાસ સ્થાળાંતર કર્યું.
લાસવેગાસ ત્યારે જુગાર માટે પ્રખ્યાત, પણ નાનું શહેર હતું. તે સમયે મોટા મોટા વૈભવશાળી કસીનો ન હતા, મારી નોકરી એક એન્જિનયરીંગ કંપની જેનો અણુધડાકાના પ્રયોગો કરવાના કામ માટે કોન્ટ્રાકટ હતો તેમાં. તે પ્રયોગો ભયજનક, તેથી કોઈ શહેર પાસે ના થઈ શકે. લાસવેગાસથી ૬૫ માઇલ દૂર આવેલી નવાડા ટેસ્ટ સાઇટમાં બધું કામ થતું. અમેરિકાની રશિયા સાથેની હરિફાઈ અને શત્રુતામાં અમારા કામની બહુ કિંમત ગણાય તે કારણે મારી સાથે કામ કરતા લોકો કહેતા કે અમે લોકશાહીને બચાવવાનું કામ કરીએ છીએ. ટેસ્ટ સાઇટ પર કામ કરવા સિક્યોરિટી કલીયરન્સની જરૂર પડે તેથી ફક્ત અમેરિકન સિટીઝન ત્યાં નોકરી લઈ શકે. પરવાનગી માટે તમારા ભૂતકાળની પૂરી ચકાસણી થાય. વર્ષો પહેલાના પાડોશીને પણ તમારા વિશે પૂછપરછ કરે. આવી જરૂરિયાતોને કારણે ત્યાં પરદેશ જન્મેલા બહુ ઓછા કાર્યકર્તા હોય છે. ખાસ કરીને તે સમયે મારી કંપનીમાં બહું ઇમીગ્રેન્ટ ન હતા.
લાસવેગાસ જતા પહેલાં મને એવું ભાગ્યેજ થતું કે મારી ઇન્ડિયન એક્સેન્ટ ભારરૂપ હોઈ શકે. ન્યુયોર્ક આંતરરાષ્ટ્રીય મેગાસિટી છે. ત્યાં દુનિયાના દરેક દેશના નાગરિકો આવીને વસે, તેથી બધાના કાન જુદી જુદી એક્સેન્ટથી ટેવાયેલા હોય છે. અમારી કંપનીના કર્મચારી પરદેશીઓનું કે બીજા દેશો વિશે બહુ ઓછું જ્ઞાન ધરાવતા. થોડા સમયમાં જ મને લાગવા માંડ્યું કે હું બધા કરતાં જુદો છું. રોજ દિવસમાં એક વાર કોઈ વ્યક્તિ કે પ્રસંગ મને મારી ભારતીયતાનું ભાન આપે. અજુગતું લાગવા છતાં તે વાતનું મને દુ:ખ ન થતું કે ગુસ્સો ન આવતો.
જેમ સમય પસાર થતો ગયો તેમ મારા બોસ અને સહકર્મચારીઓ મને ઓળખતા થયા. મારા કામથી પરિચિત થયા અને તેમને મારા માટે થોડું માન થવાનું શરૂ થયું. એકાદ વર્ષમાં મને ફાવી ગયું અને મારા આત્મવિશ્વાસમાં વધારો થતાં મેં મારા સ્વભાવ પ્રમાણે દલીલો કરવાનું અને અભિપ્રાયો બતાવવાનું ચાલુ કર્યું.
દરેક જગ્યાએ માણસો સરખા ના હોય. મારા એક સુપરવાઇઝરને મારું સ્વત્રંતતા ભરેલું વર્તન બળવાખોર જેવું લાગ્યું. હું તેને ગમતો નહીં. તેણે મને એક દિવસ કહ્યું કે તું ભારતમાં રહ્યો હોત તો તારી ખરાબ દશા હોત. મારા રિપોર્ટમાં લખ્યું કે મને અંગ્રેજી પાકું કરવાની જરૂર છે. બન્ને બાબત ખોટી હતી તેથી મને ગુસ્સો આવ્યો અને મેં હ્યુમન રિસોર્સમાં તેની ફરિયાદ કરી. તે ડિપાર્ટમેન્ટના માણસોએ આવી બધી તપાસ કરી, મારી સાથે કામ કરતાં વ્યક્તિઓના ઇન્ટરવ્યુ લીધા. કોઈએ મારા સુપરવાઇઝરને સાથ ના આપ્યો, અને મારા પ્રત્યેની વર્તણુકથી તેની બદલી થઈ. આ દાખલો બતાવે છે કે અમેરિકા કેમ સામાન્ય માણસો માટે દુનિયામાં શ્રેષ્ઠ દેશ છે. કોઈ પણ ઓળખાણ કે લાગવગ વગર મને જે ન્યાય મળ્યો તે ક્યાંય પણ શક્ય હોય તેમ મને નથી લાગતું.
પરમાણુશસ્ત્રોના પ્રયોગો તેમની વિશ્વાસપાત્રતા અને સલામતી જાણવા માટે થાય. શસ્ત્રની યોજના કરી, તૈયાર થાય ત્યારે નવાડામાં લાવવામાં આવે. ત્યાં આઠથી દસ ફૂટના વ્યાસનો એક માઇલ ઊંડો કૂવો હોય તેમાં નીચે ઊતારી તેને રેતી, સિમેન્ટ અને કોંક્રિટના થર કરી દાટી દેવામાં આવે. જ્યારે તેનો ધડાકો થાય ત્યારે કેબલ્સ મારફતે ડેટા વંચાય, તે શસ્ત્રોને સમજવામાં બહુ ઉપયોગી હોય છે. કોઈ પણ દેશ આવા પ્રયોગો સિવાય ન્યુક્લીયર નેશન ના બની શકે. ૧૯૯૯ માં જ્યારે પાકિસ્તાન અને ભારતે આઠેક પ્રયોગો ચાર દિવસમાં કર્યા હતા ત્યારે દુનિયામાં ઘણો વિવાદ થયો હતો. ત્યારે મેં ભારતના બચાવમાં લાસવેગાસના દૈનિકમાં લખ્યું હતું કે અમેરિકાએ ભારતની પરિસ્થિતિ, ભારતીયોના તેના પાડોશી દુશ્મનનો ડર, અને લાગણીનો વિચાર કરવો જોઈએ. અમેરિકા પાસે હજારો અણુશસ્ત્રો છે અને તેણે બીજા વિશ્વયુદ્ધમાં તેનાથી જાપાનમાં વિનાશ પણ કર્યો હતો. અમેરિકાની ‘હું કહું તેમ કરો, હું કરું તેવું નહીં” તેવી સલાહ અયોગ્ય છે.
લાસવેગાસમાં શરૂ શરૂમાં પચ્ચીસેક ગુજરાતીઓ અને બીજા ભારતીય કુટુંબો હતા. જેમ જેમ વસ્તી વધી, અને આજે ચાર ગણી થઈ ગઈ છે ત્યારે હજારો છે. ઘણાં યુગલો સાથે અમારે વર્ષોથી ગાઢ સંબંધ છે. પણ જ્યારે અમારા બાળકો પ્રાથમિક શાળમાં હતાં ત્યારે તેમની સ્કૂલમાં બીજા કોઈ ઘઉંવર્ણા કે કાળા વિદ્યાર્થી નહોતા ભણતા, સત્ય અને સીતાના બધા મિત્રો ધોળા. તે સમયે લાસવેગાસમાં મોર્મન લોકોની વસતી પ્રમાણમાં વધુ અને તેમની રાજકીય ક્ષમતા ઘણી. અમારી દીકરી સીતાની લગભગ બધી મિત્રો મોર્મન અને કોઈ કોઈ વાર તે ચર્ચમાં મિત્રો સાથે જતી. હું તો નાસ્તિક અને અમિતા થોડી ધાર્મિક, પણ તે ચુસ્ત પ્રણાલિકા અને રીતરિવાજોથી દૂર હતી. અમારા બેમાંથી કોઈને અજુગતું ન લાગ્યું કે સીતા બીજા ધર્મના પ્રભાવ નીચે આવી રહી હતી.
દીકરો અને દીકરી જોતજોતામાં મોટા થઈ ગયા. હાઈસ્કૂલમાં ડાન્સ, ડેટિંગ વગેરે બધી પ્રવૃત્તિમાં ભાગ લીધો. અમે, માતાપિતાએ, બાળકોને જિંદગી અનુભવવા અને તેમાંથી શીખવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં. ગુજરાતમાં અમારાં, ભૂતકાળના, બાળપણ સાથે સરખામણી કરવાની અમને ટેવ ન હતી. તેથી બન્ને બાળકોમાં ભારતીયતા ઓછી. અમે તેમને બધી છૂટ આપી હતી અને તેમનું વર્તન જવાબદારી ભરેલું હતું. તેઓ ભણવામાં હોશિયાર અને કોઈ દિવસ અમને ચિંતા ન કરાવી. ગ્રેજ્યુએટ થયા પછી સત્ય ફિલોડેલ્ફીયા અને સીતા સોલ્ટ લેક સિટી કૉલેજમાં ગયાં.
અમે ૧૯૯૯માં સીતાના કૉલેજના ગ્રેજ્યુએશનમાં તેની યુનિવર્સિટીમાં ગયા ત્યારે તેના મિત્રોને ડિનરમાં લઈ ગયા હતા. તેમનો પરિચય થવાથી અમને સંતોષ હતો કે સીતાના મિત્રો, યુવાન છોકરી અને છોકરા, સારા ઘરના અને સભ્ય હતા. આનંદ થયો કે દીકરી ભણી છે પણ કાયમની માફક જવાબદારી અને શાણપણથી કૉલેજના ચાર વર્ષ ગુજાર્યા છે.
એકાદ વર્ષ પછી હું ફોન પર વાત કરતો હતો ત્યારે સીતાએ કહ્યું, “ડેડ, મોમને બીજી લાઇન પર મૂકો.” મને તે ક્ષણે જ થયું કે કશી મહત્ત્વની વાત કરવી હશે. શી હશે તેનો ખ્યાલ ન હતો.
સીતા ધીમેથી બોલી, “મેં એક છોકરાને પસંદ કર્યો છે, મને તેની સાથે વિવાહ કરવાની ઇચ્છા છે.”
તે સમયે તેની ઉંમર ફક્ત ૨૨ વર્ષની હતી. અમે તો તેના લગ્ન માટે વિચાર પણ નહીં કરેલો. તે વર્ષોમાં કોઈ પચીસ વર્ષની ઉંમર પહેલાં પરણતું ન હતું. જો કે અમે વાતવાતમાં સત્ય અને સીતાને કહ્યું હતું કે તમે જાતે કોઈને ખોળો તો અમને વાંધો નથી. મદદની જરૂર હોય ત્યારે અમને જણાવજો. અમે ન્યાતજાતમાં પણ માનતા નહીં, પરંતુ મનમાં એમ હતું કે તેઓ ગુજરાતી કે પછી છેલ્લે ભારતીયને પરણે.
સત્ય અને સીતા હાઈસ્કૂલમાં ધોળા મિત્રો સાથે ડેટ પર ગયેલા. મારું અને અમિતાનું માનવું હતું કે બે-ચાર વર્ષમાં સત્ય કોઈને ખોળશે અને પછી સીતા. તેથી તેની વાત સાંભળી અમને ખૂબ નવાઈ લાગી.
મેં કહ્યું, “ખરેખર, કોણ છોકરો છે ?”
તેણે કહ્યું, અમે સોલ્ટ લેક સિટી ગયા ત્યારે તેના એક નવા મિત્ર ઓસ્ટીનને મળ્યા હતા. તે મોર્મન મિશન પર જર્મની જઈ તાજો ઘરે પાછો ફર્યો ત્યારે ‘વેલકમ હોમ’ પાર્ટીમાં તેને પહેલી વાર મળી, અને હવે પરિચય વધ્યો છે.
ધીમે ધીમે અમે બધી વિગત પૂછી. ઓસ્ટીનના ભણતર અને કુટુંબ વિશે પણ પ્રશ્નો કર્યા. મિશનમાં બે વર્ષ જવાથી તે હજુ કૉલેજમાં જ હતો અને પાર્ટ ટાઇમ નોકરી કરતો હતો. સીતાએ ઉમેર્યું કે તે લગ્ન માટે મોર્મન ધર્મ અપનાવશે.
અમે સીતાને અભિનંદન આપ્યા પણ મનમાં, ખાસ કરીને અમિતાના દિલમાં, થોડી હલચલ મચી ગઈ.
પછીના થોડા દિવસોમાં વારંવાર ફોન પર વાત કરી ઘણી વાતો કરી. અમે સીતાને ના કહીએ તે સવાલ જ ન હતો. મને શાંતિ થઈ કે ઓસ્ટીનનું કુટુંબ સ્થાયી અને ધાર્મિક છે. અમે બન્ને જાણતા હતા કે મોર્મન લોકોની રહેણી-કરણી અને જીવનના નિયમો સારા અને સાદા હતા. તેમના ધર્મ વિશે થોડી માહિતી હતી પરંતુ તેની ઊંડી વિગતો અમારા માટે બહુ અગત્યની નહીં. સીતા ધર્મપરિવર્તન કરે તેથી અમિતાને થોડો સંકોચ હતો, ખાસ કરીને સગાવહાલા શું વિચાર કરશે તેનો. અમારા બન્નેના કુટુંબોમાં કે અમારા જાણીતા કોઈ લોકોમાં તે સમયે એકપણ યુવતીએ ધર્મપરિવર્તન કરી, દેશની બહાર, લગ્ન કર્યું હોય તે અમારા જાણવામાં નહીં, અને સીતાની ઉંમર થોડી કાચી તેવી કશ્મકશ અમિતાને રહી. મને તો ફકત ઓસ્ટીનની વ્યક્તિગત માહિતીમાં રસ અને તેઓ કેવી રીતે જીવન ગુજારો કરશે તે જાણવાની જિજ્ઞાસા. અંતે અમે નક્કી કર્યું કે આપણને સીતાની નિર્ણયતા અને જવાબદારી માટે વિશ્વાસ છે. તેને જે કરવું છે તેનો વિરોધ કરવાનું કોઈ કારણ નથી. અમે ખુશીથી તેને સંમતિ આપી. ફક્ત એટલી જ માગણી કરી કે મોર્મન ટેમ્પલ પછી તેણે હિંદુ વિધિથી લાસ વેગાસમાં લગ્ન કરવું. સીતા તરત જ તે માટે રાજી થઈ.
તે વાતને આજે ૨૧ વર્ષ થયા છે. સીતા અને ઓસ્ટીન આનંદથી તેમના ત્રણ બાળકો સાથે સુખી જીવન વિતાવે છે. દીકરા સત્યએ પણ તેની મેળે એક ગુજરાતી પટેલ યુવતીને ખોળી, અને તે પણ હર્ષની જિંદગી જીવે છે.
૧૯૯૨માં અમેરિકા અને રશિયા એ અણુધડાકાના પ્રયોગો ન કરવાની સંધિ કરી. તેથી અમારું મુખ્ય કામ મોભે મૂકાયું. તે છતાં અમેરિકાને પ્રયોગો કરવાની આવડત અને અનુભવની જરૂર હતી તેથી બીજા કામમાં અમે પરોવાયા. થોડા વર્ષો તે ચાલ્યું તે દરમ્યાન મેં એક મોટા કન્વીનયન્સ સ્ટોરમાં પૈસા રોકયા. મારે અને મારા મિત્ર ભાગીદારોએ ત્યાં કામ કરવાનું નહીં. તેથી નોકરી પણ ચાલુ જ રાખી.
ધંધાની આવક વધતી રહી અને જોબ પર કામનો કંટાળો પણ વધુ થવા લાગ્યો. મારા મગજમાં એક વિચારે ઘર કરવા માંડ્યું કે મારે નોકરીની જરૂર નથી. પહેલેથી જ મારી માન્યતા હતી કે સુખી થવા માટે અખૂટ ધનની જરૂર નથી, સંતોષની છે. તેવી વિચારધારણા લઈને જ મેં રિટાયરમેન્ટ અને બેનિફિટની ચિંતા કર્યા સિવાય ૧૯૭૮માં ન્યૂયોર્ક સીટીની જોબ છોડી દીધી હતી. હું ખાનગી કન્સલ્ટિંગ કંપનીમાં ફકત સારા કામના અનુભવ માટે ગયો હતો. ૫૧ વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે રિટાયર થઈ શાંતિથી, ઇચ્છા મુજબ રહી બાકીની જિંદગી ગુજરાવી છે. મારું તે પગલું ઘણા ઓળખીતાને અજુગતું લાગ્યું. હું ઘરડો ન હતો અને મારી પાસે અઢળક મિલકત પણ નહીં, છતાં મેં નોકરી મૂકી દીધી. એન્જિનયરનું લાયસન્સ રદ કરાવ્યું અને નિવૃત્ત થઈ ગયો. શરૂઆતના વર્ષોમાં મને કોઈ નવી વ્યક્તિ મળે અને સાધારણ રીતે પૂછે છે કે તમે શું કરો છો, ત્યારે મારો જવાબ સાંભળી તેમને નવાઈ લાગતી. કોઈ કોઈને એમ પણ થાય કે માણસ બેકાર હશે તેથી રિટાયર થયો તેમ કહે છે. પાંચ-સાત વાર મને તેમ લાગ્યું પછી કોઈ કોઈ વખત હું હસીને જવાબ આપતો કે હું જોબ ખોળું છું પણ મને કોઈ નોકરી આપવા તૈયાર નથી.
તે વાતને આજે ચોવીસ વર્ષ થયા. વાનપ્રસ્થાશ્રમના વર્ષોમાં અમે થોડું વોલીંટયર કામ કર્યું. મેં નવા અને નાના ધંધાના વેપારીઓ ને સલાહ આપવાનું, અને અમિતાએ નાના બાળકો જેમને કેન્સર થયું હોય તેમણે મદદ કરવાની સંસ્થા માટે. છ વર્ષ પહેલાં અમે બન્ને અમદાવાદ ગાંધી આશ્રમમાં માનવ સાધના નામની એનજીઓ છે ત્યાં એક મહિના માટે સેવા આપી. હવે અમિતા અને હું પાંચ બાળકોના બા-દાદા થયા છે. લાસવેગાસમાં મિત્રો સાથે મજા કરીએ છીએ તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. વિશ્વના પચાસ દેશોમાં મુસાફરી કરી છે, અને સાતે સાત આધુનિક આશ્ચર્યજનક સ્થળો જોયા. સગાવહાલાં અમેરિકામાં પુષ્કળ છે તેમને મળીએ છીએ.
ગુજરાતમાં અમેરિકા આવવા ની ઇચ્છા અને લોભનો વંટોળ ૧૯૭૦ના દસકાથી ચાલુ છે. અમારું કુટુંબ મોટું, ભાઈ-બહેનો બધાં થઈને આઠ હતાં. હું અમેરિકા પહેલો આવ્યો અને સિટિઝન થયો પછી કુટુંબના દરેક સભ્યને અમેરિકા આવવાની ઉમેદ હતી. એક પછી એક મેં બધાને સ્પોન્સર કર્યા, તેમને ગ્રીન કાર્ડ મળ્યાં. વડીલો, યુવાનો, બાળકો, સહિત મોટી આશા અને ઉત્સાહ થી ભરાયેલા મન લઈ એક પછી એક કુટુંબ અહિયાં આવ્યું. આજે અમારી ચાર પેઢીના લગભગ ૯૦ કુટુંબીજનો અમેરિકામાં રહે છે.
નિવૃત્તિના વર્ષોમાં મને ઇચ્છા થઈ કે કુટુંબનું રીયુનિયન લાસવેગાસમાં કરવું જોઈએ. ભાઈ, બહેનો, ભાણા, ભાણીઓ વગેરેનો અભિપ્રાય માગીને મેં નક્કી કર્યું કે ૨૦૧૮માં સંમેલન કરીએ. તે સમયે પ્રેસિડન્ટ ટ્રમ્પ ઇમિગ્રેશનની વિરુદ્ધ રોજ ભાષણો કરતા અને નવા નવા નિયમો બહાર પાડતા હતા. અમે એક થી નેવું થયા તે નવાઈની વાત ન હતી પણ દરેક માણસની રાજકારણીય દૃષ્ટિ અને વિચાર પ્રમાણે તેવી હકિકત સારી કે નરસી બની શકે. કાયદા ભાંગીને પ્રવેશતા લોકો સાથે સાથે ઇંડિયન-અમેરિકન પ્રજા તરફ ઘણા સફેદ માણસો અણગમો બતાવતા થયા હતા. મને તેથી થયું કે અમારા રીયુનિયન વિશે કોઈ પેપરમાં લેખ લખાય તો તે રસપ્રદ ઘટના તરીકે છપાવાય.
ન્યૂયોર્ક ટાઇમ્સ દુનિયાનું સૌથી સારું અને મહત્ત્વનું દૈનિક ગણાય છે. ઇમિગ્રેશન તેના માટે, તે સમયે, સૌથી મોટો વિવાદાસ્પદ વિષય હતો તેમ કહી શકાય. હું પચાસ વર્ષથી નિયમત ટાઈમ્સ વાંચું. મને વિચાર આવ્યો કે અમારા રીયુનિયન વિશે ન્યૂયોર્ક ટાઇમ્સમાં આર્ટિકલ આવે તો સારું, પણ તે લગભગ અશક્ય લાગ્યું. છતાં મેં મહેનત કરી ટાઇમ્સના ઇમિગ્રેશન રીપોર્ટરનો સંપર્ક સાધ્યો. અમે ઘણી ઈમેઇલ એકબીજાને મોકલી અને તેણે લાસવેગાસ અમારા સંમેલનમાં આવવાનું નક્કી કર્યું. પણ છેલ્લા દિવસે મેક્સિકન બોર્ડર પરથી મોટા રીપોર્ટ માટે તેને ત્યાં જવાનું થયું. મને નિરાશા થઈ. પણ રીયુનિયન કર્યું તેમાં ૭૫ કુટુંબીજનો એ ભાગ લીધો અને અમે ખૂબ આનંદ કર્યો.
રીયુનિયનના ત્રણેક મહિના પછી અચાનક રીપોર્ટરનો ફોન આવ્યો. તેણે કહ્યું કે તે બીજે દિવસે લાસવેગાસ અમારી ઘેર ફોટોગ્રાફર સાથે ત્રણ-ચાર કલાક માટે આવી શકે છે. તે સમયે અમારો ઇન્ટરવ્યુ લેશે અને ફોટા પાડશે. મારા આનંદનો પાર ના રહ્યો. મારા જીવનમાં વાંચનનું ખૂબ મહત્વ રહ્યું છે તેથી ન્યૂયોર્ક ટાઇમ્સ અમારા કુટુંબ વિશે લખે તે ચમત્કાર જેવું કહેવાય. આખી રાત મારા ઉત્સાહ, અસ્વસ્ત્થા અને ઉશ્કેરાટનો પાર ન રહ્યો.
અમેરિકા, અને દુનિયાને, સામાન્ય, સફળ, અને સુખી, ઇડિયન-અમેરિકન કુટુંબ નો પરિચય આપવાની મોટી જવાબદારી મારી થઈ. હું શું કહું, કેવી રીતે વાત કરું, અમિતા કેવી રીતે વાત કરે, કયા વિષય માં રિપોર્ટર ને રસ હોય, શું પહરેવું, તેવી નાની નાની બાબતો થી મગજ છવાઈ ગયું.
ચિંતા હોવા છતાં, સમય આવ્યો ત્યારે દિવસ સહેલાઈથી પત્યો. રિપોર્ટર અને ફોટોગ્રાફરને અમારા કસ્ટમ હાઉસ, મંદિર માં રાધા-ક્રષ્ણની આરસપાણ ની ઊંચી મુર્તિ, હોમ થિયેટર, બાર, વગેરેમાં બહુ રસ પડ્યો, તે વિષે પ્રશ્નો કર્યા, વિવિધ ફોટા લીધા. તેઓ કાયમ ઈલીગલ ઈમિગ્રેન્ટ ની મુશ્કેલી અને હાલતો નો અહેવાલ આપતા હોય તેથી કદાચ તેમની અમારા જિંદગી વિષેની ધારણા ભિન્ન હશે. અંતે મને સંતોષ થયો કે ઇન્ટરવ્યુ સારો ગયો.
પછીના રવિવારે ટાઇમ્સના ડિજિટલ એડિશનમાં સૌથી ઉપર મારા ફોટા અને ‘ઇમિગ્રેશનનો એક ચહેરો’ તેવા હેડિંગ નીચે લાંબો લેખ આવ્યો. સોમવારે પ્રિન્ટ એડિશનમાં પહેલા પાના પર તે જ આર્ટિકલ અને ત્રણ-ચાર ફોટા છાપયા. મારું એક સ્વપ્ન સાકાર થયું.
અમેરિકામં પ્રેસિડન્ટ રેગનના સમયથી વધુ ચર્ચા થઈ રહી છે કે અહીંયા વસતા બધા વ્યક્તિઓ અમેરિકન કહેવાય કે બે જોડકા નામ (જેમ કે ઇન્ડિયન-અમેરિકન) કે પછી ફક્ત એક જ (જેમ કે હિસ્પેનીક) પ્રમાણે ઓળખાવા જોઈએ.
ડોનાલ્ડ ટ્રમ્પ મોટાભાગે ઇમિગ્રેશનના પ્રશ્નને કારણે જીત્યો હતો. અહીંયા રહેતા ભારતીયોમાં તે વિષે ઘણી અંદરઅંદર તે ચર્ચા થાય છે. વર્ષોથી અમેરિકામાં રહેવાં છતાં અણગણિત ભારતીયો હજુ રહેછે તે દેશની સારી વસ્તુઓ કબૂલ નથી કરી શકતા. મારું માનવું છે કે એકતા અને રાજકીયતા માટે આ દેશમાં વસતા બધા માણસો અમેરિકન કહેવાવા જોઈએ. હું મારી જાતને અમેરિકન જ માનું છું.
અમેરિકન વ્યક્તિની વ્યાખ્યા કે પરિચય હોઈ શકે? મોટાભાગના ભારતીયોના માનવા મુજબ અમેરિકન એટલે આ દેશમાં રહેતો ધોળો માણસ. ભલે ને તે આપણા જેવો બહારથી આવેલો હોય. તેથી હું કહું કે “હું અમેરિકન છું” ત્યારે ઘણા લોકો મને તિરસ્કાર કે દયાને પાત્ર ગણે છે. કહે છે કે મારો દેખાવ, રીતભાત કે ભાષા દેશી જેવાં છે. તેથી હું અમેરિકન ન કહેવાઉં. તે લોકો પૂછે છે, “અમેરિકનો તને દેશી નથી માનતા?”
આ વાત તો થઈ બહારના દેખાવની. પરંતુ હકીકત શું છે? આ દેશમાં હું વર્ષોથી રહું છું અને સુખી છું તે કરતાં ય વધુ અગત્યની હકીકત એ છે કે અમેરિકાના બંધારણ, સિદ્ધાંતો, રાજકીય અને સામાજિક જીવનને મેં અપનાવ્યા છે. મને અમેરિકાની માણસાઈ, નિષ્પક્ષતા, ન્યાય, વ્યક્તિ સ્વાતંત્ર્ય, લોકશાહી, તાજગી અને હા, સમૃદ્ધિ પસંદ છે.
અમેરિકાની સમાજરચના, રાજકીય પદ્ધતિ, અદાલતો, વ્યવસાય, અને વ્યવહાર દરેક વ્યક્તિ માટે સરખા ઉપયોગી છે. અહીં બંધારણનો ફકત અભ્યાસ કે વાર્તાલાપ જ નહીં, રોજિંદા જીવનમાં અમલ થાય છે. અમેરિકામાં મારી કિંમત મારા પૂર્વજો પર આધારિત નથી. મારાં કાર્યો જ મારી સફળતા કે નિષ્ફળતા માટે જવાબદાર છે. મારાં સુખની વ્યાખ્યાઓનો સર્જક હું જ છું. તે પ્રાપ્ત કરવાનો રસ્તો મારે જ ખોળવાનો છે. અહીં મારી જિજ્ઞાસા અને રુચિ સંતોષવાની અનેક તકો છે. સારી કે નરસી, પ્રાચીન કે અર્વાચીન, લોકપ્રિય કે અસ્પૃશ્ય, મારી પસંદગી મુજબ હું મારી જીવનચર્યા ઘડી શકું છું. સ્વાર્થી બન્યા વગર સ્વતંત્રતા કેળવવાનું, સમૃદ્ધ થવાનું, અહીં શક્ય ને સહેલું છે. અહીં હું લાંચરુશ્વત વિના પ્રામાણિક નોકરી કે ધંધો કરી શકું છું. મહેનત અને થોડું નસીબ, સફળતા માટે પૂરતાં છે. અમેરિકામાં પણ બદી છે. જાતિવાદ, ગુના, ગરીબી, કુટુંબોનું વિભાજન વગેરે. પરંતુ પ્રશ્ન એ છે કે તેનું પ્રમાણ કેટલું છે ? અમેરિકા સ્વર્ગ નથી પણ અન્ય દેશો કરતાં સામાન્ય નાગરિક માટે સ્વર્ગની નજીક છે. મને ભારત માટે પણ લાગણી છે. જે દેશમાં જન્મ થયો, જ્યાં ઊછર્યો, તે માતૃભૂમિને ભૂલવી કે અવગણવી શક્ય નથી. હું એવી દીકરી જેવો છું જેને મનગમતી સાસરી મળી છે. મને ‘પિયર’ યાદ આવે છે પરંતુ મારું જીવન માતૃભૂમિના વિયોગ પર નહીં, આજના ઉત્સાહ અને આવતી કાલની અપેક્ષા પર આધારિત છે. હું અમેરિકન એ કારણે છું કે મારે અમેરિકા સાથે માનસિક અને શારીરિક સુમેળ છે અને આ દેશને મેં મારો માની સ્વીકાર્યો છે.
ભારતે મારા જીવનનો પાયો ચણ્યો અને અમેરિકાએ મારું જીવન સાર્થક કર્યું છે. મેં બહુ ભૌતિક સફળતા કે મહત્વતા પ્રાપ્ત નથી કરી પરંતુ સુખી જીવન ગાળ્યું તે માટે મારી માતૃભૂમી ભારત અને અપનાવેલ દેશ અમેરિકાનો કૃતજ્ઞ છું. મારી આવતીકાલની હયાતીની અપેક્ષા-થેલી ખાલી છે. એક દિવસ મારા જીવનનાં ઝરણાં મૃત્યુ રૂપે સમુદ્રમાં મળી જશે ત્યારે, છેલ્લી ક્ષ્ણોમાં, હું સ્થિતપ્રજ્ઞ રહું તે ઉમેદ સાથે વાંચક નો આભાર માનું છું, તેમની વિદાય લઉં છું.
હવે પછી – આ શ્રેણીનું અતિમ સોપાનઃ અરવિંદ સી. થેકડી – અમદાવાદથી અમેરિકા
