હરેશ ધોળકિયા

વિશ્વના એક મહાન ક્રિકેટર, ડોન બ્રેડમેનના સમકક્ષ એવા, ગેરી સોબર્સે વિદાય લીધી. જે લોકો ગઈ સદીમાં સાતમા દાયકા દરમ્યાન જન્મ્યા છે, તેમને આ સોબર્સ વિષે ભાગ્યે જ ખ્યાલ હશે, પણ તે પહેલાં, પાંચમાં દાયકા દરમ્યાન જન્મ્યા હશે અથવા ત્યારે યુવાન હશે, તેમને સોબર્સ વિષે પૂર્ણ ખ્યાલ હશે.

સોબર્સ ભલે વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર હતા, પણ ત્યારે સમગ્ર વિશ્વના જે ઉત્તમ ક્રિકેટરો હતા તેમાં તે પણ એક અગ્રણી હતા. અને નિવૃત્તિ લીધા પછી પણ, અને તેમના પછી પણ અનેક ઉત્તમ ક્રિકેટરો આવતા રહ્યા છતાં પણ, સોબર્સની પ્રસિદ્ધિ અકબંધ રહી છે. દુનિયાના દરેક ક્રિકેટરનું સ્વપ્નું રહ્યું હશે કે તે એકવાર સોબર્સને મળે. એટલે જ તેમની વિદાય, ઉમર સહજ હોવા છતાં, બધાને આંચકો આપી ગઈ.

સોબર્સને રમતા જોવા એ એક લહાવો હતો. તેમણે અનેક રેકર્ડઝ કર્યા છે. તેમને આઉટ કરવા એ દરેક બોલર માટે એક પડકાર હતો. જયારે પણ કોઈ આઉટ થયા પછી તેઓ મેદાન પર આવે ત્યારે સામી ટીમના છક્કા છૂટી જાય અને પ્રેક્ષકોનાં મન આનંદથી છલકાઈ જાય કે હવે ક્રિકેટ જોવાની મજા આવશે. અમારી પેઢીએ આ મજા ભોગવી છે.

તે સમયે વિશ્વમાં બે ટીમ શ્રેષ્ઠ હતી: વેસ્ટ ઇન્ડીઝની અને ઓસ્ટ્રેલિઆની. આ બે ટીમ સામે જીતવું એ લોઢાંના ચણા ચાવવા જેવું મનાતું. બનેના અગિયારે અગિયાર ખેલાડી, ભલે કોઈ બોલર હોય, ઉત્તમ બેટ્સમેન હતા. વેસ્ટ ઇન્ડીઝના તો પહેલા બે બેટ્સમેન વોલ અને વોલ્કોટ આવે કે સામી ટીમને મૂંઝવણ થાય કારણ કે આ બે ને જ આઉટ કરવા મુશ્કેલ ! કદાચ તેમાંથી એક આઉટ થાય તોપછી સોબર્સ આવે. તેને આઉટ કરવા તો વળી તેનાથી પણ અઘરું. કદાચ એક આઉટ થાય તો રોહન કન્‍્હાઈ આવે. બાપ રે ! ખતરનાક બેટ્સમેન. પછી આવે કેપ્ટન એલેક્ઝાનડર ( ટીમના એક માત્ર ગોરા ખેલાડી) અથવા વોરલ.( પછીના કેપ્ટન) ભાગ્યે જ આખી ટીમને આઉટ કરી શકાય. એવા જ તેના બોલર. વેસ્લી હોલ. ગીલક્રિસ્ટ-ભયંકર ફાસ્ટ બોલરો. હોલ તો વળી ત્રીસ ચાલીસ પગલાની રનીંગ લે. પાછા છ ફીટથી વધારે ઊંચા. દોડતા હોય ત્યારે જ બેટ્સમેનને પરસેવો વળે. એવા જ સ્પિનર બોલર. સામી ટીમ મોટા ભાગે હારે જ !

એવી જ ઓસ્ટ્રેલીઆની ટીમ. રીચી બેનો, નીલ હાર્વે, લીન્ડવોલ, ગ્રાઉટ, ડેવિડસન – એક એકથી ચડિયાતા. અને તેમાં જો આ બે ટીમ સામસામી આવે, તો તો પ્રેક્ષકો માટે આહાહા ! જલસો પડીજાય.

તેમની બે મેચો આજે પણ ક્રિકેટના ઈતિહાસમાં અમર છે. એક મેચમાં પાંચમા દિવસની છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલીઆના છેલ્લા બેટ્સમેન હતા અને એક ફોર મારે તો મેચ જીતી જાય. હોલના પ્રથમ પાંચ બોલ રમી ન શક્યા. છઠ્ઠો બોલ હોલે નાખ્યો. બેટ્સમેને ઝનૂનથી ફોરનો ફટકો માર્યો-ડ્રાઈવમાં. બને દોડવા માંડયા. આ બાજુ હોલ બોલ પાછળ પડ્યો અને બરાબર ફોર પાસે બોલને પકડી લીધો અને ફોર થવા ન દીધી. બીજી બાજુ બેટસમેનોએ ત્રણ રણ પુરા કર્યા અને ચોથો રન દોડવા લાગ્યા. હોલે બોલ ફેંક્યો અને બેટ્સમેન અર્ધે રસ્તે હતા ત્યાં બોલ સ્ટમ્પને વાગ્યો અને તે આઉટ થઇ ગયા. મેચ “ ટાઈ” ગઈ. તે પળે જે મેદાનમાં કે ત્યારે રેડીઓ પર સંભાળનારાઓમાં ભયંકર ઉશ્કેરાટ હતો તેની આજે તો કલ્પના પણ ન કરી શકાય. ઓસ્ટ્રેલીઆના કેપ્ટન રીચી બેનોએ માથું કુટ્યું. ! એના પછીની મેચમાં ઓસ્ટ્રેલીયાના નવ બેટ્સમેન આઉટ થયા ત્યારે લગભગ સોથી વધારે રન કરવાના બાકી હતા. ચોથા દિવસનો ટી ટાઈમ હતો. વેસ્ટ ઇન્ડીઝને ખાતરી કે સાંજ સુધી તેઓ જીતી જશે કારણ કે એ છેલ્લી જોડી બંને બોલર હતા. પણ આ બેટ્સમેન પછીનો બધો સમય રમ્યા. એક પણ રન ન કર્યો, પણ આઉટ ન થયા. છેલ્લા દિવસે પણ તેઓ આખો દિવસ એક પણ રન કર્યા વિના રમતા રહ્યા, પણ આઉટ તો ન જ થયા. મેચ ડ્રો ગઈ. વોરલ રડી પડ્યા.

ત્યારે ટી.વી. ન હતું. ફિલ્મોમાં માહિતી ખાતાના સમાચારોના રીલ બતાવતા તેમાં  આ મેચો બતાવતા. જયારે બતાવવાના હોય ત્યારે ખાસ જાહેરાત થતી કે આજે મેચ બતાવશે. અને બધા શોખીનો ગમે તે ફિલ્મ હોય, જોવા જતા જ. મોટા ભાગના તે જોઈ બહાર ચાલ્યા જતા. ફિલ્મ ન જોતા. ( ફિલ્મ હાતિમતાઈ જેવી હોય !) પણ બધા કામ છોડી આ મેચો જોવા તો જતા જ.

મજાની વાત એ છે કે ત્યારે ભારતની ટીમમાં પણ એક એકથી ચડિયાતા ખેલાડી હતા.  અમરનાથ, વિજય મર્ચન્ટ, વીનું માંકડ, ઉમરીગર, રામચંદ, દતુ ફડકર, રમાકાંત દેસાઈ, ચંદુ બોર્ડે, નાડકર્ણી વગેરે. ત્યારે તો વર્ષે એકાદ બે મેચો રમાતી, છતાં માંકડે ત્યારે ૨૦૦૦ રનમાં ૨૦૦ વિકેટો લીધી હતી. ઈંગ્લેન્ડના રાણી માંકડની મેચ જોવા ખાસ આવતાં. કદાચ એટલે જ માંકડને તેમણે જ “નાઈટહૂડ “ ખિતાબ આપેલો. અને મજાની વાત એ છે કે ત્યારે ભારતની ટીમ સતત હારતી જ ! ખબર નહિ, પણ રમતી જ “ડીફેન્સીવ” રમત. છેક ૧૯૬૦ આસપાસ કાનપુરની એક મેચમાં જશુ પટેલે દસ વિકેટ લીધેલી ત્યારે કદાચ જીતવાની શરૂઆત થયેલી એવું યાદ છે.

કાયદેસર જીતવાની શરૂઆત પટીડીએ કરેલી. અને દરેક ખેલાડીની કોઈને કોઈ ખાસિયત રહેતી. નાડકર્ણીની બોલીંગમાં ભાગ્યે જ કોઈ રમી શકતા. તેમની બોલિંગ આવી હોય : ૨૯ ઓવર, ૨૮ મેઈડન, શૂન્ય રન અને નો વિકેટ ! મેચ કંટાળાજનક બની જતી. તો નીલ હાર્વે જેવો અદભુત બેટ્સમેન રમાકાંત દેસાઈની બોલિંગથી ગભરાતો. માંકડ અને પંકજ રોયની પ્રથમ વિકેટની ભાગીદારી ૪૧૩ રને એક વિકેટ વર્ષો સુધી ઐતિહાસિક રહી હતી. લીન્ડવોલ જબરો ફાસ્ટ બોલર હતો. બહુ ઓછા તેના સામે રમી શકતા. એક વાર માંકડ સામે તે બોલિંગ કરતા હતા. એક બોલ એવો આવ્યો કે માંકડ પણ મૂંઝાઈ ગયા. તે તરત લીંડવોલ પાસે ગયા અને તેને ઉત્તમ બોલ માટે અભિનંદન આપ્યા. સાથે આવો બોલ કેમ ફેંક્યો તે પણ પૂછ્યું અને “ભોળા” લીંડવોલે કહી દીધું. પછી તો માંકડે તેના દડાઓને જે ફટકાર્યા છે તે જોઈ લીંડવોલને રહસ્ય કહેવા બદલ ખૂબ અફસોસ થયો હશે. આવા તો અનેક અદભુત બનાવો ત્યારે ક્રિકેટમાં બનતા.

અને મજાની વાત એ છે કે એક એકથી ચડીયાતા ખેલાડીઓ હતા. ત્યારે, અભાવો વચ્ચે, વિશ્વ રેકોર્ડ કરતા હતા, છતાં તેમને રમવાના ભાગ્યે જ ૩૦૦ રૂપિઆ મળતા હતા. અને વર્ષમાં બે ત્રણ મેચ જ હોય. પરિણામે આ બિચારાઓને નોકરી કરવી પડતી ! તેની તુલનામાં આજના ક્રિકેટરો ધનમાં આળોટે છે.

ગાવસ્કર જેવો સક્ષમ ક્રીકેટર પણ નીર્લોનમાં નોકરી કરતો. અને ત્યારે તો ફાસ્ટ બોલિંગ સામે કોઈ જ રક્ષણ ન હતું. એક મેચમાં ભારતના નરી કોન્ટ્રાકટરને એક ફાસ્ટ બોલરનો બોલ માથામાં એવો તો વાગેલો કે તેની કારકિર્દી રોળાઈ ગઈ. હોલ કે લીંડવોલ જયારે બમ્પર બોલ નાખે ત્યારે બેટ્સમેન માટે રમવા કરતા તે બોલ માથામાં વાગી ન જાય તેની વધારે ચિંતા કરાવી પડતી.

ત્યારે મજા શું હતી કે મેચો વર્ષમાં બે ત્રણ વાર જ રમાતી, એટલે તે બાબતે જિજ્ઞાસા જીવતી રહેતી. આજે તો રોજ રમાય છે એટલે હવે તેની “થ્રિલ” ઓછી થઇ ગઈ છે. જે વસ્તુ વારંવાર મળે તેનું મહત્વ ઓછું થઇ જાય. ત્યારે બધી મેચો પાંચ દિવસ જ રમતી. આજે તો વીસ ઓવર પણ હવે વધારે લાગે છે. “સ્લો”માં જે “શ્રિલ” હતી તે આજે “ફાસ્ટ”માં જોવા નથી મળતી.

હવે તો ખેલાડી કેટલા કમાય છે તેમાં જ તેને અને બધાને રસ છે. રમત અને જાહેરાતમાં કરોડોના ખેલ થાય છે. મેચો પણ “ફિક્સ્ડ” થાય છે. પરિણામે આજે તેમની “આભા” ઊભી નથી થતી. તેઓ ખેલાડી કરતા વેપારી વધારે લાગે છે. એટલે ભલે આજના ખેલાડીઓને પણ રમતા જોવા ચોક્કસ ગમે છે, પણ જયારે સોબર્સ કે માંકડ જેવા ખેલાડીઓને યાદ કરીએ છીએ, ત્યારે વિશેષ આનંદ થાય છે.

સોબર્સના નિમિતે એક સુવર્ણયુગમાં લટાર મરાવી દીધી. એક વિશેષ થનગનાટ અનુભવાયો.

સોબર્સને આદરપૂર્વક સલામ.


( કચ્છમિત્ર : તા; ૨-૮-૨૬ : રવિવાર )


હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ  રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com