નરેશ પ્ર માંકડ
સંગીતના વિશ્વમાં દિગ્ગજ બંસરી વાદક પન્નાલાલ ઘોષ, એમના વિખ્યાત તબલાવાદક બંધુ નિખિલ ઘોષ કોઈ પરિચયની આવશ્યકતા ન હોય એવાં બે નામ. નિખિલ ઘોષના પુત્ર નયન ઘોષ પણ પિતાના પગલે ચાલીને તબલાના નામી કલાકાર બન્યા. તેઓ સિતાર પણ વગાડે છે.
પંડિત નયન ઘોષ એક અદ્ભૂત અને રસપ્રદ ઘટના જોધપુર ફેસ્ટિવલમાં બની હતી તેનું બયાન કરે છે.
આ ફેસ્ટિવલ ઉસ્તાદ અલીઅકબર ખાન શાહી પરિવારની સહાયથી જોધપુરમાં યોજતા હતા. ૧૯૪૦ના દશકની મઘ્યમાં એક વાર આ સમારંભ યોજાયો જેમાં દેશના સમર્થ સંગીતકારોને નિમંત્રણ અપાયું હતું. એમના નિવાસ માટે મહેલના કમ્પાઉન્ડમાં તંબુઓની કતારો ઊભી કરવામાં આવી હતી. પન્નાલાલ અને નિખિલ ઘોષ બંને ભાઈઓને અલાઉદ્દીખાન જેવા ધુરંધર સંગીતકારના શિષ્ય હોવાને નાતે પણ નિમંત્રણ હતું. પન્નાલાલ ઘોષ તો અલીઅકબર ખાનના ગુરુભાઈ હતા. (અલી અકબર ખાન અલાઉદ્દીનખાન ના પુત્ર થાય.)
એક સાંજના કાર્યક્રમમાં હિન્દી ફિલ્મના સંગીતકાર સચિનદેવ બર્મને ગાવાનું હતું. એ સવારે એમણે તૈયારી અને રિયાઝ માટે નિખિલ ઘોષને પણ બોલાવ્યા.
બે ત્રણ ગીતો ગાઈને પછી ફિલ્મ ગાઈડ નું ‘અલ્લા મેઘ દે, પાની દે‘ ઉપાડ્યું. થોડી વારમાં પન્નાલાલ એમની બંસરી સાથે જોડાયા. ગીતમાં કેટલાંય ભાતીગળ સ્વરૂપ રજૂ થતાં ગયાં. નિખિલ ઘોષનાં તબલાં, પન્નાલાલનું બંસરીવાદન અને બર્મનનો આગવો સૂરીલો હૃદયસ્પર્શી અવાજ – બધું મળીને અદ્ભૂત સુંદર, કહો કે સ્વર્ગીય વાતાવરણ સર્જાયું. અન્ય તંબુઓમાં રહેલા સંગીતકારોનું પણ ધ્યાન ખેંચાયું. થોડી વારમાં તો ત્યાં સંગીતકારોનો મેળો જામ્યો. તંબુ તો ભરાઈ ગયો હતો એટલે બહાર પણ ઘણા લોકો ઊભેલા હતા. બર્મનના અવાજમાં ચુંબકીય આકર્ષણ હતું, એક પોકાર હતો. ગીત ખૂબ જામ્યું. આજુબાજુના શ્રોતાઓ આ અદ્ભૂત સંગીતમાં લીન થઈ ગયા.
એ સમયે સારંગીવાદનમાં જેમનું પ્રતિષ્ઠિત નામ હતું એવા બુંદુખાન લોટો લઈને રેસ્ટરૂમ તરફ જઈ રહ્યા હતા. એમણે દૂરથી આ અદ્ભૂત ગાયનનો અવાજ સાંભળ્યો. ત્યાં જઈને એમણે ડોકું કાઢ્યું ને કહ્યું, ખૂબ સરસ ગાઓ છો, હું હમણાં સારંગી લઈને આવું છું. લોટો પડતો મૂકી, સારંગી લઈને બુંદુખાન પણ મહેફિલમાં જોડાઈ ગયા !
ગીત વધુ ને વધુ પકડ જમાવતું ગયું, એમાં અવનવા રંગો ઉમેરાતા ગયા, નવું બળ મળતું ગયું, સંગીતના નવા નવા ખ્યાલો ઉમેરાતા ગયા. બર્મનદાદા તો જીનીયસ હતા જ, સાથે પન્નાલાલ અને નિખિલ ઘોષ તથા બુંદુખાન જેવા સિદ્ધહસ્ત મહારથીઓ પણ હતા. ખરેખર સંગીતની એક મહાન ઘટના ઘટી રહી હતી, ગાંધર્વનગરી જેવો માહૌલ બની ગયો હતો.
ત્યાં કોઈનું ધ્યાન ગયું કે સવારના ૧૧ – ૧૨ વાગ્યે શરુ થયેલ ગાયનમાં હવે બપોરના ચાર વાગી ગયા હતા અને સાંજના સમારંભની તૈયારી કરવાની હતી. બધા તરત છુટ્ટા પડ્યા. બુંદુખાન તો રેસ્ટરૂમમાં જવાનું પણ ભૂલી ગયા હતા ! બર્મનદાદાના અવાજનો આ જાદુ હતો.
રાતનો કાર્યક્રમ લગભગ વહેલી સવારે પૂરો થયો. બધાને એમના તંબુઓમાં પહોંચાડવા માટે એક કાર હતી, જે દર ફેરામાં થોડા કલાકારોને મૂકીને પાછી બીજાને લેવા આવતી હતી. છેલ્લાં ગ્રુપમાં બર્મન, પન્નાલાલ, નિખિલ ઘોષ અને બુંદુખાન હતા. ફૂટપાથ પર તેઓ કારની પ્રતીક્ષા કરતા ઊભા હતા એવામાં બુંદુખાનને થોડો અજંપો થવા લાગ્યો. કહે છે કે એમણે ઊંઘમાં પણ સારંગી વગાડતા હોય એમ આંગળીઓ ફેરવવાની ટેવ હતી. એમની રિયાઝ માટેની લગન અંગે ઘણી વાતો પ્રચલિત હતી. એમણે ઓઢેલી શાલ દૂર કરી ફૂટપાથ પર બેસીને સારંગીવાદન શરુ કર્યું અને બર્મનદાદાને કહ્યું, ચાલો પેલું ગીત ગાઈએ અને ફરી ફૂટપાથ પર જ મહેફિલ શરૂ થઈ ગઈ !
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
