(૧) બાપુ..
–દિલીપ ધોળકિયા “શ્યામ”
અહિંસાને કોઈ ખુલ્લું મળ્યું ક્યાં દ્વાર છે બાપુ?
અહીં જે સત્યથી જીવે, બધા કંગાળ છે બાપુ!
 
કદી છે ધર્મનાં ઝગડા, નડે છે જાતિ કોઈને,
સમૂળું વિશ્વ આજે યુદ્ધનું અંબાર છે બાપુ!
 
સફળ છે સત્યનાં તારા, પ્રયોગો રાજકારણમાં,
આ તારા નામનો ગાદી સુધી આધાર છે બાપુ!
 
મિટાવી દો ગરીબી વાત તારી યાદ રાખીને,
ગરીબોને હટાવી થાય સૌ, આબાદ છે બાપુ.
 
ફરી લે જન્મ પૃથ્વી પર, તો સાથે લાવજે બંદૂક,
હતા લાઠીના જે દિવસો થયા એ બાદ છે બાપુ.
 
(૨) તારીખિયાનાં  પાનાં 
– રક્ષા શુક્લ

ફાટી ‘ગ્યાં છે તારીખિયાનાં સઘળાં પાનાં,
નવા હર્ષનાં આવી ‘ગ્યાં છે નવલાં બ્હાનાં.

બ્હાનાંઓ તો પતંગિયાંની પાંખો જાણે,
ઊડઊડ થાતાં રંગ પાથરે અવસર ટાણે.
ઊંબર ઊછળી કોનાં આ પગલાં પીછાણે ?
હરખે ઉત્તર દઈ સાથિયા મેળો માણે.

કંકુ થાપામાંથી ચોઘડિયાં ઝરવાનાં,
નવા હર્ષનાં આવી ‘ગ્યાં છે નવલાં બ્હાનાં..

 
તોરણથી સરકી આવી ટહુકાની વાણી,
રંગોને લ્યો, વૃક્ષોની ભાષા સમજાણી.
રિદ્ધિ સિદ્ધિ આવી કરતી, ધનની લ્હાણી ,
દુંદાળા એ દેવ થતા ત્યાં પાણી પાણી .

તળિયે મૂકો તાપ, કલેજાઓ ઠરવાનાં
નવા હર્ષનાં આવી ‘ગ્યાં છે નવલાં બ્હાનાં..

 
દિવસે દીવા અજવાળાનો અક્ષર ઘૂંટે,
સાંજ પડે ઘરઘર વ્હેંચ્યાનો લ્હાવો લૂંટે
આંખોનો આકાર તજીને સપનાં છૂટે,
ઘાટ પામવા ભાવિ ઘટનાને એ ચૂંટે.

દીપાવલીથી દિવસો આ સઘળાં ફરવાનાં,
નવા હર્ષનાં આવી ‘ગ્યાં છે નવલાં બ્હાનાં.