ફિર દેખો યારોં
બીરેન કોઠારી
આપણા દેશનાં અનેક બાળકો ગરીબી, બીમારી, પોષણ અને શિક્ષણના અભાવ જેવી બાબતોથી ગ્રસ્ત છે એ હકીકત હવે જૂની થઈ. એ દિશામાં કામ ચાલતું હોવા છતાં હજી એનાથી સંપૂર્ણપણે મુક્ત થવાયું નથી. પણ જળવાયુ પરિવર્તન એક એવું પરિબળ બની રહ્યું હોવાનું જાણમાં આવ્યું છે કે જેનાથી કેવળ ગરીબ જ નહીં, આપણા દેશનું એકેએક બાળક અસરગ્રસ્ત હોય. અને આ દાવો કોઈ એકાદ બે પર્યાવરણવાદી સંસ્થાનો નથી, પણ ‘યુનિસેફ’ (યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ઈમરજન્સી ફન્ડ)ના ‘ધ ચિલ્ડ્રન્સ ક્લાઈમેટ રિસ્ક રિપોર્ટ ૨૦૨૬’ નામના અહેવાલનું તારણ છે. બાળકો પર તોળાઈ રહેલા જોખમોના ‘ગ્લોબલ ચાઈલ્ડ હેઝાર્ડ ડેટાબેઝ’ના આધારે તૈયાર કરાયેલા આ અહેવાલમાં વિશ્વભરનાં બાળકો કયા પ્રકારનાં આબોહવા જોખમોનો સામનો કરી રહ્યાં છે તેનું અત્યાર સુધીનું સૌથી વિગતવાર ચિત્ર તેમાં રજૂ કરવામાં આવ્યું છે.

આ અહેવાલમાં ભારત વિશેના આંકડા વધુ ચિંતાજનક છે. એ મુજબ આપણા દેશમાં ૯૯.૭ ટકા બાળકો જળવાયુ સંબંધિત ઓછામાં ઓછા એક જોખમના સંપર્કમાં છે. એટલે કે લગભગ દરેક બાળક અતિશય ગરમી, દુષ્કાળ, પૂર, વાવાઝોડું અથવા આવા કોઈ ને કોઈ જોખમનો સામનો કરી રહ્યું છે. એટલું જ નહીં, લગભગ ૯૭ ટકા બાળકો એક સાથે બે કે તેથી વધુ જળવાયુ જોખમોનો સામનો કરે છે, જ્યારે ૫૫ ટકા બાળકો ત્રણ કે તેથી વધુ જળવાયુ જોખમોથી ઘેરાયેલા છે. આશરે ૩૯.૨ કરોડ બાળકો અતિશય ગરમી અને લગભગ ૯ કરોડ બાળકો હીટવેવની અસરવાળા વિસ્તારોમાં રહે છે.
જળવાયુ પરિવર્તનની ચર્ચા થાય ત્યારે સામાન્ય રીતે વધતા તાપમાનના નવા વિક્રમો, અનિયમિત વરસાદ, વાવાઝોડાં, પૂર કે દુષ્કાળ વગેરે જેવા મુદ્દાઓ મુખ્ય છે. વિવિધ પ્રકારના આંકડા રજૂ થાય છે, કાર્બન ઉત્સર્જનની ચર્ચા થાય છે અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લેનારા દેશો પ્રતિબદ્ધતા જાહેર કરે છે. આ અને આવી અન્ય ચર્ચાઓમાં એક પ્રશ્ન મોટે ભાગે કદી ચર્ચામાં આવતો નથી અને તે એ કે આ બધાની સૌથી મોટી કિંમત કોણ ચૂકવી રહ્યું છે? એનો જવાબ છે: બાળકો.
આ બાબત અતિશય ચિંતાજનક કહી શકાય એમ નથી લાગતું? કેમ કે, જળવાયુ પરિવર્તન માટે આ બાળકો જવાબદાર નથી, પણ તેની સૌથી મોટી કિંમત તેઓ ચૂકવી રહ્યા છે. આ શી રીતે એ સમજવા જેવું છે. એક પુખ્ત વ્યક્તિ અતિશય ગરમીમાં પણ પોતાનું ધ્યાન રાખી શકે છે. તેને એનાં જોખમનો અંદાજ હોય છે. પણ બાળકનું શરીર હજી વિકસી રહ્યું હોય છે. ઊંચું તાપમાન, પ્રદૂષિત હવા કે દૂષિત પાણી તેની શારીરિક વૃદ્ધિ પર લાંબા ગાળાની અસર કરી શકે છે. ઘણી વાર આ અસર તરત ન પણ દેખાય. વર્ષો પછી તે આરોગ્ય, શિક્ષણ અને જીવનની વિવિધ તકોમાં દેખા દે છે.
‘યુનિસેફ’નો અહેવાલ એક મહત્વની બાબત તરફ પણ ધ્યાન દોરે છે. એ મુજબ જળવાયુ પરિવર્તનનું જોખમ કદી એકલું આવતું નથી. અતિશય ગરમી, પૂર કે દુષ્કાળ જેવી પરિસ્થિતિઓનું જોડાણ નબળી આરોગ્યસેવાઓ, પીવાના પાણીની અપૂરતી વ્યવસ્થા, કુપોષણ, શિક્ષણમાં વિક્ષેપ અને સામાજિક સુરક્ષાના અભાવ સાથે થાય, ત્યારે બાળકો માટેનું જોખમ અનેકગણું વધી જાય છે. ટૂંકમાં કહીએ તો આ પ્રશ્ન કેવળ વાતાવરણને લગતો નથી; પણ સમગ્ર બાળવિકાસનો છે.
અને એ બાબત ચોક્કસ છે કે જળવાયુ પરિવર્તનની અસર માત્ર આરોગ્ય પૂરતી મર્યાદિત નથી. પૂર આવે ત્યારે શાળાઓ બંધ થાય છે. દુષ્કાળ વખતે પરિવારો રોજગારની શોધમાં સ્થળાંતર કરે છે અને બાળકોનું શિક્ષણ અધવચ્ચે અટકી જાય છે. અતિશય ગરમીને કારણે શાળાનો સમય બદલવો પડે કે રજાઓ લંબાવવી પડે છે. એટલે કે એ શિક્ષણનો પણ પ્રશ્ન છે. બીજી એક અસર એટલી જ ગંભીર છે. કુદરતી આપત્તિ પછી સૌથી પહેલાં ગરીબ પરિવારોને અસર છે. તેમની આવક ઘટે છે, રોજગાર અસ્થિર થાય છે અને તેનો સીધો પ્રભાવ બાળકોના પોષણ પર પડે છે. કુપોષણ, ચેપી રોગો અને શિક્ષણથી વંચિતતાનો ખતરો વધી જાય છે. એ રીતે જળવાયુ પરિવર્તન અસમાનતાની ખાઈને વધુ પહોળી કરે છે.
ભારત જેવા દેશમાં આ પ્રશ્ન વધુ ગંભીર છે, કારણ કે બાળકોની સૌથી વધુ સંખ્યા ધરાવતા દેશોમાંનો એ એક છે. તેથી જળવાયુ પરિવર્તનનો અર્થ ફક્ત પર્યાવરણનું નુકસાન નથી; તે દેશના ભાવિ માનવસંસાધન પર થતી વિપરીત અસર પણ છે. હીટવેવને કારણે શાળામાં ન જઈ શકતું, કુપોષણનો ભોગ બનતું કે પ્રદૂષિત હવાને કારણે બીમાર પડતું આજનું બાળક આવતીકાલનો નાગરિક છે.
નવાઈ લાગે એવી કે આમ તો નવાઈ ન લાગે એવી વાત એ છે કે જળવાયુને લગતી નીતિઓમાં વિચારણા વખતે બાળકોને કેન્દ્રમાં રાખીને ભાગ્યે જ વિચારાય છે. અન્ય નીતિઓની સાથોસાથ શાળાઓને ગરમી અને પૂર સામે વધુ સુરક્ષિત બનાવવી, પીવાના પાણીની વ્યવસ્થા સુધારવી, શાળાઓમાં ગરમી સામે રક્ષણની વ્યવસ્થા કરવી, બાળકો માટે આરોગ્યસેવાઓ મજબૂત બનાવવી અને કુદરતી આપત્તિ સમયે શિક્ષણમાં વિક્ષેપ ઓછામાં ઓછો થાય એ માટે અલગ આયોજન કરવું એટલું જ જરૂરી છે. ‘યુનિસેફ’ દ્વારા પણ વિવિધ સરકારોને ‘બાળકેન્દ્રિત જળવાયુ અનુકૂલન’ને નીતિના કેન્દ્રમાં રાખવાની ભલામણ કરવામાં આવી છે.
વક્રતા એ છે જળવાયુ પરિવર્તનની ચર્ચા ઘણી બધી વાર ‘ભાવિ પેઢી’ના નામે થાય છે. હકીકત એ છે કે એ ‘ભાવિ પેઢી’ હવે વર્તમાન પેઢી’ બની ગઈ છે. પ્રશ્ન ભવિષ્યનો નથી; વર્તમાનનો છે. એ માત્ર પર્યાવરણ સામેનો નહીં, રાષ્ટ્રના ભવિષ્ય માટેનો પણ સૌથી ગંભીર પડકાર છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૦-૮– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
