મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
કોઇએ કશુંક સમાજોપયોગી કાર્ય કર્યું હોય કે વ્યક્તિગત સિદ્ધિ મેળવી હોય તો તેનુ જાહેરમાં સન્માન કરવાનો રિવાજ આપણે ત્યાં વર્ષોથી છે. જેણે કશું પણ ન કર્યું હોય તે વ્યક્તિ સાંઈઠ, પંચોતેર કે એંસી વર્ષ જીવી જાય તેટલા માત્રથી પણ સન્માનને પાત્ર થતી જાણી છે.
કેટલાક સામાજિક, સાહિત્યિક,ધાર્મિક અથવા રાજકીય મેળાવડાઓમાં મુખ્ય કાર્યક્રમ ઉપરાંત કોઇ એકનું કે અનેકનાં સાગમટે સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે છે, તો ક્યારેક મુખ્ય કાર્યક્રમ જ સન્માન કરવાનો રાખવામાં આવે છે. સન્માન કરવાની રીતોમાં વૈવિધ્ય હોય છે, જેમ કે ફૂલોનો હાર પહેરાવીને, ક્યાંક ગાંધીવાદી રીત જીવતી હોય તો ગળામાં સૂતરની આંટી પહેરાવીને, હાથમાં પુષ્પગુચ્છ પકડાવીને, પોતાને કે સન્માનિત વ્યક્તિને જો પુસ્તકપ્રેમી માનતા હોય તો પુસ્તક અર્પણ કરીને સન્માન કરવામાં આવે છે. કોઇવાર નક્કી કરેલી રકમનો ચેક પણ અર્પણ કરવામાં આવે છે. પરંતુ ચેક અર્પણ કરવામાં કપાળ જોઇને ચાંલ્લો કરવાની રસમ અપનાવવામાં આવે છે. આ બધી વિધિ માટે સન્માનપાત્ર વ્યક્તિને મંચ પર બોલાવવામાં આવે છે. પરંતુ સન્માનિત વ્યક્તિ જો ‘વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ્ ની સાથે અંગમ ગલિતમ્’ પણ હોય તો તે વ્યક્તિ જ્યાં બીરાજ્યા હોય તે જગ્યાએ જઈને વિધિ કરવામાં આવે છે. ક્યારેક કોઇનું માત્ર શાબ્દિક સન્માન કરવામાં આવે છે, જેમાં -સન્માન કરનારે કે સન્માનપાત્ર વ્યક્તિએ- બે માંથી એકને પણ સ્થાળાંતર કરવાની જરૂર પડતી નથી.
ક્યારેક મહાનુભવનું જેમના દ્વારા સન્માન કરવામાં આવે છે, તેમાં હેતું સન્માન કરનાર વ્યક્તિનું પણ આડકતરી રીતે સન્માન કરવાનો હોય છે.
કોઇનું પણ સન્માન કરતા પહેલા જે તે વ્યક્તિએ મેળવેલી સિદ્ધિના ગુણગાન ગાવામાં આવે છે. એવું પણ ક્યારેક બનતું હોય છે કે જે તે વ્યક્તિને સન્માન મળવાની સાથે પોતે પણ જેનાથી અજાણ હોય તેવા પોતાના ગુણો પણ તેને જાણવા મળી જાય છે!
સન્માન કરવા માટેની બીજી બધી વિધિઓ ઝડપથી પતી જાય છે. પરંતુ શાલ ઓઢાડીને કરવામાં આવતી વિધિ થોડો વધારે સમય ચાલે છે. સૌ પ્રથમ તો સન્માનપાત્ર વ્યક્તિને બરાબર ઓઢાડી શકાય એવા યોગ્ય આકારમાં અને કદમાં શાલને વાળવામાં આવે છે. જો સન્માન પાત્ર વ્યક્તિની દેહયષ્ટિ વિશાળ હોય તો એક વ્યક્તિથી શાલના બન્ને છેડા બરાબર પકડી શકાતા નથી માટે બીજા કોઇની મદદ લેવામાં આવે છે. આ વિધિમાં બહુ બધા લોકોને જેનું આકર્ષણ હોય છે એવા સ્ટેજ પર વધુ સમય સુધી ટકી રહેવાની તક સન્માનિત વ્યક્તિને સાંપડે છે. કહેવાની જરૂર નથી કે કોઇ પણ સન્માનની વિધિ તસવીર લીધા વિના સંપન્ન થતી નથી.
મેં પોતે સન્માનને લાયક કોઇ મોટી ધાડ મારી નથી તો પણ જેમ ઘણા બધાને ઘોડે ચડતા જોઇને લગ્નની વય વટી ગયેલાને પોતાને પણ પરણવાનું મન થાય એમ ઘણા લોકોનાં સન્માનોના અનેક કાર્યક્રમો નિહાળવાને કારણે મારું પણ ક્યાંક સન્માન થાય એવી વાસના મારામાં જન્મી. આ વાસના કયા માર્ગે સંતોષાશે તે ઉપાયો શોધવા લાગ્યો. અનેક લોકો પાસે દોણી લઈને ગયો પણ મારે છાશ લેવી છે તેમ જણાવી ન શક્યો. ઉલ્ટાનું દોણી હાથમાં છતા એમ કહ્યા કર્યું કે લોકોને છાશની જરૂર શા માટે પડતી હશે? મને તો છાશ પીવી ગમતી જ નથી. પરંતુ જેમ પોતાનાં મનકી બાત કહેનાર હોય છે તેમ બીજાનાં મનકી બાત જાણી જનારા પણ હોય છે. મારાં મનની વાત સમજનારા એક વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી એવા એક વડીલ મિત્ર મળી ગયા. એ મિત્રે મને હૈયાધારણ આપી, “તું ચિંતા ન કરીશ, હું તારું ગોઠવી આપીશ! પરંતુ એ માટે યોગ્ય પ્રસંગ આવવા દે”
અને થોડા સમયમાં જ એ પ્રસંગ આવીને ઊભો રહ્યો. મિત્ર જે વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી હતા તેનાં એક નવાં મકાનનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું હતું. મકાન અનેક દાતાઓની મદદથી બનેલું હતું પરંતુ ઉદ્ઘાટન કોઇ રાજકીય નેતાને હાથે કરવાનું નક્કી થયું હતું અને આશીર્વચન માટે એક સંતને બોલાવવામાં આવ્યા હતા. જો કે દાતાઓની કદર કરવા માટે તેમનું સન્માન કરવાનું નક્કી થયું જ હતું. પેલા વડીલ મિત્રને આ કાર્યક્રમમાં મારા સન્માનની પણ તક સાંપડવાની શક્યતા દેખાઇ. તેમણે મને જે તે તારીખે અને સમયે કાર્યક્રમના સ્થળે હાજર રહેવાની સૂચના(ખરેખર તો તાકીદ જ) કરી. પરંતુ મારાં કયાં કાર્ય માટે મારું સન્માન થઈ શકે એવી મારી મુંઝવણ તો ઊભી જ રહી. પરંતુ વડીલ ખૂબ વ્યવહારુ હતા, તેમની પાસે મારી મુંઝવણનો ઉકેલ હાજર હતો જ.
તેમણે મને પૂછ્યું , “તને લખતા તો આવડે છે ને?”
“ કક્કો અને બારાખડી તો હું શાળામાં ભણતો ત્યારે જ શીખેલો”
“બહુ દોઢ ડાહ્યો ના થા. લેખક લખે તેવું લખવાનું કહું છું”
“હા લેખકે લખ્યું હોય તેવું થોડુંઘણું લાગે એવું તો લખી શકું છું”
“બસ, તો એક કામ કર. આ વૃદ્ધાશ્રમની સ્થાપનાથી માંડીને આજે તેનું નવું મકાન બન્યું ત્યાં સુધીનો ઈતિહાસ તેમજ સ્થાપના કરનારાના અને તેમાં મદદ કરનારાઓના ગુણગાન કરતું લખાણ લખી આપ. સંસ્થાના પ્રમુખ અને નવા મકાનનું ઉદ્ઘાટન કરનાર નેતાના ગુણગાન વિશેષ લખજે. આ લખાણનો આમંત્રણ પત્રિકા તરીકે પણ ઉપયોગ કરવાનો છે. તેથી તેમાં ઉદ્ઘાટનનો અને ભોજન સમારંભનો સમય પણ લખજે”
વડીલની સૂચના પ્રમાણે મેં લખાણ તો તૈયાર કર્યું, પણ લખાણથી મને સંતોષ નથી એમ મારા કહેવાના જવાબમાં તેમણે કહ્યું, “તું હજુ વેદિયો જ રહ્યો. તારું આખું લખાણ કોઇ વાંચવાનું જ નથી. લોકો માત્ર ફક્ત ભોજનનો સમય જ વાંચવાના છે. હું આ લખાણ છપાવીશ અને આવું સરસ લખાણ તૈયાર કરનાર તરીકે તારું નામ પણ સન્માન પાત્ર વ્યક્તિઓમાં ઘૂસાડી દઈશ!”
અને એ અવસરિયો આવી પહોંચ્યો. રિવાજ મુજબ મંચ અને સભામંડપ ઊભા કરવામાં આવ્યા. હું તો સમય પહેલા ઘણો જ વહેલો સભામંડપમાં આવી ગયો. એ સમયે મારા ઉપરાંત ખુરશીઓ ગોઠવનાર એક સેવક જ હાજર હતા. એ ભાઈએ મને તેમનો સહકર્મી માની લીધો અને મને તેમનાં કાર્યમાં ગોઠવી દીધો. સમય થતા ધીમે ધીમે લોકો આવતા થયા. પેલા વડીલ મિત્ર પણ આવી પહોંચ્યા અને આવતાની સાથે જ તેમણે મને તાકીદ કરી કે મંચ પરથી તારું નામ બોલાય ત્યાં સુધી ક્યાંય પણ આઘોપાછો થતો નહીં. હું પોતે પણ આ માટે માનસિક રીતે તૈયાર જ હતો
ધીરે ધીરે મંચ પર મહાનુભવો પોતપોતાનાં સ્થાને ગોઠવાવા લાગ્યા. સૌ પ્રથમ એક ભાઈએ માઇક હાથમાં લીધું જેથી તેમની ઉદ્ઘોષ્ક તરીકે ઓળખ સ્થાપિત થઈ ગઈ. પછી રાબેતા મુજબ સ્વાગત પ્રવચન અને અને બીજા મંચસ્થ મહાનુભવોનાં પ્રવચનો થવા લાગ્યા. મારું ચિત્ત તો સન્માન માટે મારું નામ ક્યારે બોલાય તેમાં જ હોવાથી કોણ શું બોલ્યું તેનું તો મને ધ્યાન મને ન રહ્યું, ઉપરાંત ઉદ્ઘઘાટન વિધિ પણ ક્યારે પતી ગઈ તેનો પણ ખ્યાલ ન રહ્યો. ઉદ્ઘોષકે જાહેર કર્યું કે હવે ભોજન માટેનો વિરામ છે અને ત્યાર પછી સન્માન સમારંભ શરૂ થશે. સમારંભનું પ્રથમ સત્ર મારા સન્માન વિના જ સંપન્ન થયું.
ભોજન સમયે પણ પેલા વડીલ મિત્રે મને સન્માન સમારંભના સમયે સતત હાજર રહેવા તાકીદ કરી. અગાઉનાં સત્રમાં સતત બેસી રહેવાને કારણે મારા પર શું વીત્યું એ જણાવતો નથી પરંતુ એ સમયના અનુભવને કારણે મારી કુદરતી હાજતને પૂરેપૂરો જ નહિ પણ વધરે પડતો લાગે એવો ન્યાય આપીને જ સન્માન સમારંભમાં હાજર થઈ ગયો.
રાબેતા મુજબ સમય કરતા મોડો સન્માન સમારંભ શરૂ થઈ ગયો. નેતા તો ઉદ્ઘઘાટન અને પ્રવચન કરીને તેમના કહ્યાં મુજબ બીજું કોઈ ઉદ્ઘાટન કરવા જતા રહયા હતા. એ સિવાય અન્ય મંચસ્થ મહાનુભવો પોતાનાં પ્રવચન અને ભોજનને ન્યાય આપીને નીકળી ગયા હતા. માત્ર ઉદ્ઘોષક અને કેટલાક નવા મહાનુભવો જેમના શુભ હસ્તે સન્માન થવાનું હતું એ જ હાજર હતા. સભામંડપમાં મોટાભાગની ખુરશીઓ ખાલી હતી. માત્ર સન્માન કરનારા, જેમનું સન્માન થવાનું હતું તેઓ અને તેમના સગાવહાલા, સ્નેહી મિત્રો જ હાજર હતા.
ઉદ્ઘોષક પાસે સન્માન પાત્ર વ્યક્તિઓનું એક લાંબું લિસ્ટ હતું. આ લિસ્ટમાં નાની મોટી રકમનું દાન કરનાર દાતાઓનાં નામો તો હતા જ ઉપરાંત મકાનનો પ્લાન બનાવનાર ઇજનેર, કડિયાઓ, દાડિયાઓ, મંડપ ઊભો કરનાર કારીગરો તેમજ ખુરશીઓ પૂરી પાડનાર ડેકોરેટર વગેરેનાં નામો પણ હતા. આ લિસ્ટમાં મારું નામ છે તેની ખાતરી કરવાનું પેલા વડીલ મિત્ર ચૂક્યા ન હતા. એક પછી એક નામો બોલાતાં ગયાં અને સન્માન પાત્ર વ્યક્તિઓ મંચારોહણ કરીને સન્માન મેળવવા લાગ્યા.
આખરે (મારા માટે જ સ્તો)એ ધન્ય ઘડી આવી પહોંચી. ઉદ્ઘોષક દ્વારા મારું નામ પોકારાયું. મંચ પર ઝડપથી પહોંચી શકાય એ માટે પહેલેથી હું અધુકડો જ બેઠો હતો. મંચ પર પહોંચ્યો તો ખરો પણ મારું સન્માન શેના માટે કરવામાં આવે છે તેની જાણ પેલા ઉદ્ઘોષક ભાઇને ન હતી. પરંતુ આ સમસ્યાના હલ માટે પેલા વડીલ મિત્ર તૈયાર જ હતા. તેમણે ઉદ્ઘોષકને ધીમેથી કાનમાં બોલીને સમજાવી દીધું. અખરે શાલ ઓઢડીને મારું સન્માન કરવામાં આવ્યું (પછીથી જાણ થઈ કે એ શાલ પણ પેલા વડીલ મિત્ર જ લાવ્યા હતા!)
આમ એક કર્મકાંડ દ્વારા મારી વાસનાનો ભલે મોક્ષ થયો હોય એમ લાગ્યું, પરંતુ મારો અંતરાત્મા મારા એક કાનમાં મારો ઉપહાસ કરતો હોય તેમ માલવપતિ મુંજ’ નામના એક નાટક માટે પ્રભુલાલ દ્વિવેદીએ લખેલું પેલું ગીત “હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછાં છે, ન પરવા માનની તોયે બધા સન્માન ઓછાં છે” તે અને બીજા કાનમાં ભૃતુહરીનો શ્લોક
“फलं स्वेच्छालभ्यं प्रतिदिनमखेदं क्षितिरुहां
पयः स्थाने स्थाने शिशिर मधुरं पुण्य स्थिताम्।
मृदुस्पर्शा शय्या सुललितलतापल्लवमयी
सहन्ते सन्तापं तदपि धनिनां द्वारि कृपणाः।।
સંભળાવી રહ્યો હતો.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

😀
LikeLike