લતા હિરાણી
આર્યન બેઠો હતો સ્ટૂલ પર ને કૂદીને પડ્યો એની મમ્મીના ખોળામાં….
ના, ના, ધરતીકંપ કે એવું કશું નહીં ભાઈ, આ તો વાત એમ હતી કે આર્યનના દાદાજી અમેરિકા જઈને આવ્યા હતા. એમણે ઘરમાં આવતાંવેંત બેગ લાવવા કહ્યું પણ પપ્પા કહે, ‘ના તમે બહુ થાક્યા છો એટલે હમણાં સૂઈ જાવ. પછી બધું બતાવજો.’
દાદાજી ખરેખર બહુ થાક્યા હતા એટલે લાંબી ઊંઘ થઈ ગઈ. આર્યને એટલી વાર મહા મુશ્કેલીથી ધીરજ રાખી. વારેવારે એમના રૂમ પાસે જઈને તપાસી લેતો, દાદાજી જાગ્યા કે નહીં !
દાદાજી જાગ્યા, નાહ્યા, ફ્રેશ થયા, બધાંએ સાથે નાસ્તો કર્યો. જો કે આર્યનભાઈને નાસ્તો કરવામાં જરાય રસ નહોતો… નાસ્તો કરવા બેસવાની વાત આવી ત્યારે આર્યનનું નાકનું ટીચકું જરા ઊંચું થયું, આંખો ઝીણી ને કપાળ પર કરચલીઓ…… “અરે ય્યા..ર…”
મૂળે ભાઈને ઇંતેજારી એ હતી કે દાદાજી મારા માટે શું લાવ્યા છે? બસ, પછી બધાને જે કરવું હોય એ કરે ! દાદાજી અમસ્તાયે ક્યાંક જતા તો આર્યન માટે કંઈક લાવતા જ ને આ તો અમેરિકા!
દાદાજીની મોટીમસ બેગ ખુલી. આર્યન સ્ટૂલ પરથી ઊભો થઈ ગયો.
“આર્યન…. બેસી જા બેટા”. પપ્પાએ એને ખોળામાં લેવા ટ્રાય કરી॰
“વાંધો નહીં, એને આવવા દે” દાદાજી હંમેશા બાળકોના પક્ષમાં રહેતા અને બાળકો હંમેશા એમનું કહ્યું માનતા પણ પપ્પાને મસ્તી સૂઝી. એમણે ફરી આર્યનને ખેંચ્યો.
”આર્યન આવી જા બચ્ચા !”
અને આર્યન મમ્મીના ખોળામાં ઘુસી ગયો.
બેગમાં દાદાજીનો હાથ ગયો. બધાંને ખબર હતી કે પહેલી ચીજ આર્યનની નીકળશે. બેગમાંથી નીકળ્યું એક મોટું ખોખું ! ‘અરે, આવડું મોટું રમકડું !’ આર્યનનો ચહેરો હસું હસું થઈ રહ્યો. ખોળામાં એ ઉભડક તો થઈ જ ગયો પણ હવે દાદાજીએ સસ્પેન્સ ક્રીએટ કર્યું.
“બોલ, શું હશે આમાં?
“તમે જ કહો ને દાદાજી”
“જરા કલ્પના તો કર બેટા…’
“અ…… નથી ખબર પડતી દાદાજી … પ્લીઝ કહી દો ને!”
“તને કલ્પના જ ન આવે એવું છે, બોલ!”
“દાદાજી પ્લી….ઝ…..” કહેતાં આર્યન હવે ઊભો થઈ જ ગયો.
દાદાજીને થયું હવે આપી જ દઉં.. મારા નાનકડા બચ્ચાએ બહુ રાહ જોઈ! એમણે પેકેટ ખોલ્યું.
આહા! અંદર શું હતું ? હવે આર્યનને ખબર પડી ગઈ.. એ જોરથી બૂમ પાડી ઊઠ્યો,
”રોબોટ…”
હરખમાં એનાથી મોટો જમ્પ પણ લગાવાી ગયો ને…..
આર્યનનો રોબોટ જોઈ બધાં ખુશ થઈ ગયા.
દેખાવમાં રોબોટ માણસ કમ રમકડા જેવો લાગતો હતો. આખું પીળા કલરનું બોડી હતું.
“મમ્મી, આ એના કાન કેવા ફની છે નહીં?”
“લાંબા તો ખરા પણ બેય કાન જાણે પેલા રિક્ષાવાળાના ‘ભોંપુ’ હોર્ન હોય એવા છે!”
“બાળકોને મજા આવે એવા જ રમકડાં હોય ને બેટા!”
“તે હેં દાદાજી, આ કાનથી રોબોટ સાંભળે ખરો?”
”ચોક્કસ સાંભળે, પણ તારું ગુજરાતી નહીં, એને શીખવ્યું હોય એવું અંગ્રેજી તું બોલ તો સાંભળે અને એ બોલેય એવું જ!!” કહેતાં દાદાજીએ રોબોટની પાછળનું એક બટન દબાવ્યું.
“હાય ફ્રેન્ડ, હેવ અ ગુડ ડે….વ્હોટ કેન આઇ ડુ ફોર યુ?”
“લે આ તારો રોબોટ તો ચાલુ થઈ ગયો…”
આર્યન એ બટન શોધવા લાગ્યો.
“હવે તારે નિરાંત હો આર્યન, આ બચ્ચું તારું બધું કામ કરી દેશે.” માએ કહ્યું
“પણ એને સમજાય એવું અમેરિકન ઉચ્ચારોવાળું ઇંગ્લીશ કોને આવડે છે ” મા હવે પલાંઠી વાળીને બેસી જ ગયા હતા. એનેય મજા પડી ગઈ હતી.
“એમ કર મા, તું એવું ઇંગ્લીશ શીખી જા. પછી તારું કામેય કરી દેશે. આમેય તારે બહુ કામ હોય છે ને? તારો આ એક આસિસ્ટંટ!” પપ્પાએ ટમકું મૂક્યું
“તો મારું શું?” મમ્મી બોલી
“દાદાજી રોબોટ મારા માટે લાવ્યા છે કે તમારા બધા માટે?”
“ના બેટા, આ તારા માટે જ છે. મારે વળી રોબોટનું કંઈ કામ નથી. નિસર્ગ, તું આર્યનને ચીડવ મા.” માને આર્યનની ખુશી જરાય ઓછી થવા દેવી નહોતી.
દાદાજીએ સમજાવવાનું ચાલુ કર્યું, “રોબોટનું શરીર માણસ જેવું અને એની અંદર નાનું કમ્પ્યુટર ફીટ કરેલું હોય જે બધી સુચનાઓનો અમલ કરે. આ રોબોટના થોડાક ફંકશન છે ખરા. જો, એ તાળી પાડશે, હસશે, હાથ લાંબો કરીને શેકહેન્ડ કરશે ને જરા ડાન્સ પણ કરશે.”
”સાચે જ દાદાજી, “આ બધું બતાવો ને !!” આર્યનની ધીરજ નહોતી રહેતી.
દાદાજીએ એક પછી એક ફંકશન બતાવ્યા.
“આ રોબોટ તો રમકડું છે. બાકી ઘરના ઘણાં કામો કરે એવા મોટા રોબોટ પણ આવે.”
“એ શું શું કરે દાદાજી?”
“ઘરની સફાઈ કરે, લૉન કાપે, ફર્શ ધોઈ નાખે, અરે છાપું વાંચીનેય સંભળાવે! એ તારી મમ્મીને મદદ કરે! પરદેશમાં ઇંડસ્ટ્રીઝમાં રોબોટ ખાસ વપરાય. જે કામ બહુ ઝીણવટ માગી લે કે એકધારા કરવાના હોય કે જેમાં રિસ્ક બહુ હોય એવાં કામોમાં રોબોટ મુકાય.”
“સારું જ પડે ને દાદાજી, રોબોટ ન પગાર માગે, ન થાકે, ન કંટાળે કે ન રજા પાડે! પછી ધીમે ધીમે એ માણસોને નવરા કરી દેશે!” આર્યને રોબોટ વિશે વાંચ્યુ હતું.
“તારી વાત સાચી છે પણ એ પણ દિવસો હજી દૂર છે.”
“હવે મને રમવા દો” કહીને આર્યને બધી કળ જાણી લીધી અને જાતે એક પછી એક ફંકશન કરાવતો ગયો..
આર્યન રોબોટને પોતાના રૂમમાં લઈ ગયો. હવે આજે એને રોબોટ સિવાય કશું સુઝતું નહોતું. એનો આજે ‘રોબોટ ડે’ થઈ ગયો.
સાંજે પાર્થકાકા અને વિશાખાકાકી આર્યનનો રોબોટ જોવા આવ્યા.
“હવે મારેય અમેરિકાથી એક રોબોટ મંગાવવો છે. એણે આટલું કામ કરવાનું કે સવારમાં મને પથારીમાંથી ઉંચકી ખુરશીમાં બેસાડી દે. હું ઊંઘ્યા કરું ને એ બ્રશ કરી દે, મારા દાંત સાફ કરી દે. પછી મને ઊંચકીને બાથરૂમમાં મુકી શાવર ચાલુ કરી દે. એટલે ત્યાં સુધી મને ઊંઘવા મળે અને એકવાર શાવર લઈ લઉં પછી બધું કામ કરવા માંડુ !!” પાર્થકાકાએ સિક્સર મારી ને બધા ખડખડાટ હસી પડ્યા.
“તમે તો ખરા છો કાકા, કંઈ બ્રશ કરી દે એવો રોબોટ આવતો હશે!”
“આવશે આવશે, તારા જેવા છોકરાઓ જ એની શોધ કરશે…” દાદાજીએ કહ્યું
“અને મારે એવો રોબોટ જોઈએ જે બહુ ટ્રાફિક હોય ત્યારે મારી ગાડીની આગળના ભાગમાં મોટા પાવડાની જેમ બહાર નીકળે અને આગળની ગાડીઓને ઉંચકી ઉંચકીને પાછળ મુકી દે ને મારો રસ્તો સાફ કરી નાખે!” પપ્પાએ બીજી સિક્સર મારી. બધા વળી હસીને ગોટો વળી ગયા.
“તમારા બંને ભાઈઓનું ભેજું જબરું ચાલે છે હોં ! પણ પછી બીજા લોકો તમારી ગાડીનેય એમ જ ઉંચકીને પાછળ મૂકી દેશે એનું શું?” માએ કહ્યું.
“તો તો ‘અલકચલાણું ઓલે ઘેર ભાણું’ની જેમ આટાપાટાની રમત થયા કરે હોં!”
“હવે ગાંડા કાઢવાના બંધ કરો, ચાલો દવાખાને જવું પડશે.” માએ રૂમમાં આવીને કહ્યું.
”કેમ શું થયું?”
”આ જો ને, શ્રીને અછબડા નીકળવાના હોય એમ લાગે છે. લાલ લાલ ફોડલીઓ થવા માંડી છે ને બિચારી ખંજવાળ ખંજવાળ કરે છે.”
સભા બરખાસ્ત થતાં પહેલાં નિસર્ગભાઈએ છેલ્લો છગ્ગો ફટકાર્યો, “એય, ચાલો આપણે તપાસ કરીએ કે આપણે આંખો મીંચીને પડ્યા રહીએ અને આખા શરીરે મજ્જાનું ખંજવાળી આપે એવો રોબોટ મળે કે નહીં !!!”
લતા હિરાણી * ‘બુલબુલ’ (બાળવાર્તાઓ)માંથી * ફ્લેમિંગો પ્રકાશન ૨૦૧૬
