ફિર દેખો યારોં

બીરેન કોઠારી

‘નવરાશના સમયમાં શું કરો છો?’ આમ પૂછતાં જવાબમાં વાંચવું, ફરવું, સંગીત સાંભળવું, કસરત કરવી, સામાજિક નેટવર્કિગનાં માધ્યમો પર સમય પસાર કરું છું વગેરે જેવા જવાબ મળવાની સંભાવના ખરી. પણ કોઈ કહે કે હું એક ઈંટને પાણી પાઉં છું અને જોયા કરું છે કે તેની પર કંઈ ઊગે છે કે નહીં,  તો કદાચ આપણે તેની માનસિક સ્થિતિ પર શંકા જાય એમ બને. હકીકત એ છે કે ચીનના કેટલાક યુવાનો અત્યારે આવું જ કરી રહ્યા છે. તેઓ એક સામાન્ય ઈંટને જાણે કે  પાલતુ પ્રાણીની જેમ રાખે છે. તેના પર ક્યારેક પાણી છાંટે છે અને ધીમે ધીમે તેની સપાટી પર ઊગતી કાઈ(લીલ)ને જોયા કરે છે. આ શોખને સોશિયલ મીડિયા પર ‘બ્રિક બેબી’ નામ પણ મળ્યું છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

ઈંટને પાલતુ પ્રાણી બનાવવાની વાત પહેલી નજરે રમૂજી લાગે. પાલતુ પ્રાણીની જેમ તેને ખવડાવવા-પીવડાવવાની, તેની પાછળ દોડવાની કે તેની દરકાર માટે ખાસ વ્યવસ્થા કરવાની જરૂર નથી. પાણી આપો તો કાઈ ઊગે, ન આપો તો સુકાઈ જાય; ફરી પાણી મળે તો કદાચ પાછી લીલી થાય. ઈંટને કોઈ અપેક્ષા નથી, કોઈ ફરિયાદ નથી. તેની સાથે સમય વિતાવવા માટે પણ કોઈ ખાસ આયોજન કરવું પડતું નથી. આટલી સાદી પ્રવૃત્તિમાં યુવાનોને મળે છે શું?

આ સવાલનો જવાબ સામાજિક પરિસ્થિતિ સાથે સંકળાયેલો છે. ચીનમાં લગ્નોનું પ્રમાણ ઘટી રહ્યું છે અને જન્મદર પણ ઐતિહાસિક નીચા સ્તરે પહોંચ્યો છે. લગ્ન, ઘર, બાળકો અને તેમની શિક્ષણ-કારકિર્દીની જવાબદારીઓ યુવાનોને મોંઘી અને મુશ્કેલ લાગતી થઈ છે. આર્થિક દબાણ ઉપરાંત સતત આગળ વધવાની, સફળ થવાની અને પોતાની ક્ષમતા સાબિત કરવાની અપેક્ષા પણ છે. આવી સ્થિતિમાં ઈંટને ઉછેરવાનો શોખ જાણે કે જીવનની મોટી જવાબદારીઓ વચ્ચે  એક નાનકડો વિરામ બની રહે છે.

ખ્યાતનામ બ્રિટિશ અર્થશાસ્ત્રી જૉન મેનાર્ડ કેઇન્સે ૧૯૩૦માં પોતાના નિબંધ ‘ઇકોનોમિક પૉસિબિલિટીઝ ફૉર અવર ગ્રાન્ડચિલ્ડ્રન’માં કલ્પના કરી હતી કે ટેક્નોલોજીની પ્રગતિને કારણે ભવિષ્યમાં માણસે અઠવાડિયામાં માત્ર પંદર કલાક જ કામ કરવું પડશે. બાકીનો સમય તે સમજદારીથી અને આનંદથી જીવન જીવવામાં વાપરી શકશે. કેઇન્સની કલ્પનામાં પ્રગતિનો અર્થ માત્ર વધુ ઉત્પાદન નહોતો; માણસને નવરાશ પણ મળવાની હતી.

પરંતુ આજે નવરાશ જાણે કે એક પ્રકારનું કામ બની ગઈ છે. ચાલવા જઈએ તો પગલાં ગણવાં, કેટલી કેલરી બળી તેની નોંધ રાખવી, પુસ્તક વાંચીએ તો વાંચેલાં પુસ્તકોની યાદી બનાવવી અને તેનો ફોટો સોશિયલ મીડિયા પર મૂકવો, પ્રવાસે જવાનું થાય તો સ્થળનો અનુભવ માણવા કરતાં સારા ફોટા પાડવાની ચિંતા કરવી, શોખ પણ ક્યારેક આવકનું સાધન બની જાય અથવા પોતાની ઓળખ ઊભી કરવાનો રસ્તો બની જાય. જાણે કે દરેક પ્રવૃત્તિમાંથી કંઈક પરિણામ મેળવવું જરૂરી હોય એવું વાતાવરણ પેદા થઈ ગયું છે. ખાલીખાલી બેસવું, કશું જ ન કરવું કે કોઈ ઉપયોગી પરિણામ વિના સમય પસાર કરવો જાણે કે ગુનો બની ગયો હોય એમ લાગે.

અને આવું દબાણ માત્ર ચીનના યુવાનો પૂરતું નથી. અહીં પણ ભણતર પૂરું થાય તે પહેલાં કારકિર્દીની ચિંતા શરૂ થઈ જાય છે. નોકરી મળે તો વધુ સારો પગાર, વધુ સારી નોકરી અને આગળની પદવીની દોડ શરૂ થાય છે. માતા-પિતા પણ બાળકોના સમયને વર્ગો, પ્રવૃત્તિઓ અને તાલીમથી ભરવા માગે છે. વેકેશનમાં પણ કંઈક નવું શીખવું જોઈએ, કોઈ કૌશલ્ય કેળવવું જોઈએ, પાછળ ન રહી જવાય તેની કાળજી રાખવી જોઈએ. આરામ કરવો હોય તો પણ જાણે તેની પાછળ કોઈ યોગ્ય કારણ હોવું જોઈએ એવો માહોલ બની ગયો છે.

સોશિયલ મીડિયાને કારણે આ દબાણ વધુ તીવ્ર બન્યું છે. બીજાની સિદ્ધિઓ, પ્રવાસો, શોખ અને સફળતાઓ સતત આપણી નજર સામે આવતી રહે છે. કોઈએ નવું ઘર લીધું, કોઈએ નવી નોકરી મેળવી, કોઈએ મેરેથોન પૂરી કરી, તો કોઈએ નવો વ્યવસાય શરૂ કર્યો. બીજાના જીવનની આ ઝલકો જોઈ જોઈને પોતાની જિંદગીમાં પણ કંઈક નવું ઉમેરવાની ઇચ્છા થાય છે. પોતે શું માણ્યું એના કરતાં બીજાને શું બતાવી શકાય એ વધુ મહત્ત્વનું બની ગયું છે. નવરાશમાં પણ જાણે આપણે પોતાની જાતને અને બીજાઓને સાબિત કરતા રહીએ છીએ.

એટલે ઈંટને પાણી પાવાનો શોખ ખરું જોતાં કેવળ વિચિત્ર મનોરંજન નથી. તેમાં એવી અહેતુક પ્રવૃત્તિનો આનંદ છે જેમાં કોઈ સ્પર્ધા નથી, કોઈ લક્ષ્યાંક નથી અને કોઈની આગળ કશું સાબિત કરવાનું નથી. ઈંટ પર કાઈ ઊગે તો સારું, ન ઊગે તો પણ નુકસાન નથી. તેની વૃદ્ધિની સરખામણી બીજી ઈંટ સાથે કરવાની નથી. તેને વધુ સારી બનાવવાની કે તેની પાસેથી કોઈ સિદ્ધિ મેળવવાની અપેક્ષા નથી. કદાચ યુવાનોને આ જ નિરપેક્ષતા આકર્ષે છે. આ તરાહ  યુવાનોના મનોભાવની એક ઝલક આપે છે. સતત કંઈક બનવાની દોડમાં માણસને ક્યારેક એવું કશું પણ જોઈએ છે જેની પાસેથી કશા પ્રકારની અપેક્ષા જ ન હોય.

આપણે સફળતા, પ્રગતિ અને ઉત્પાદકતાને એટલું મહત્ત્વ આપ્યું છે કે નિરર્થક લાગતી પ્રવૃત્તિઓમાં મળતો આનંદ ભૂલી રહ્યા છીએ. દરેક શોખને સિદ્ધિમાં અને દરેક નવરાશને ઉપયોગી સમયમાં ફેરવવાની જરૂર ખરી? ‘નવરી બજાર’ જેવો વિશિષ્ટ શબ્દપ્રયોગ જ નવરાશના માહાત્મ્યને ઉજાગર કરે છે. કદાચ દરેક ક્ષણને સાર્થક બનાવવાની દોડમાંથી થોડી વાર બહાર નીકળવું જ આજના માણસ માટે સૌથી વધુ જરૂરી છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૯- ૧૧– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી