સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
મનિયાર ઈલિયાઝ ઉર્ફે શેખ રિયાઝ મૂળ આંધ્રપ્રદેશના વતની. તેઓ તારીખ ૨૧ જુલાઈ ૨૦૧૪ના દિવસે કર્ણાટકનાં બેલારી શહેરમાં પગે ચાલીને પોતાના 5 વર્ષના બાળકને શાળાએ મૂકવા જતા હતા. સમય હતો લગભગ સવારના નવ વાગ્યાનો. રસ્તો ઓળંગતી વખતે એક ટ્રકે બાળકને હડફેટે લીધુ, પરિણામે બાળકનુ કરુણ મૃત્યુ થયું. આ બનાવ બાદ મનિયારે અદાલતમાં સત્તાવાળા પાસે વળતરની માગણી કરતો દાવો કર્યો. કેસ નીચલી અદાલતોમાંથી છેવટે સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો. સર્વોચ્ચ અદાલતે એ વાતની નોંધ લીધી કે શહેરમાં નાગરિકોને ચાલવા માટે જરૂરી ફૂટપાથો તેમજ સલામત રીતે ઓળંગી શકાય તેવા રોડના અભાવે થયેલા અકસ્માતમાં બાળકે પોતાનો જીવ ગુમાવ્યો.

૧૯ જૂન ૨૦૨૬ના દિવસે આપેલા આ ચૂકાદામાં અદાલતે સત્તાવાળાઓને હુકમ કર્યો કે વ્યાજ સહિત કુલ રૂ. ૧૧,૪૪,૬૨૮/ની રકમ વળતર પેટે બે માસની મુદતમાં અરજદારને ચૂકવી આપો. પરંતુ આ ચૂકાદામાં સૌથી મહત્વની વાત એ છે કે સર્વોચ્ચ અદાલત દ્વારા નાગરિકના રસ્તા પર ચાલવાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરાયો.
ચૂકાદો આપીને આદાલતે પોતાનું કામ પુરું કર્યું. પરંતુ રાહદારીઓ આજસુધી પોતાના અધિકારથી વંચિત જ રહ્યા છે. રસ્તા પર સુવિધા પૂર્વક ચાલી શકાય તેવા ફૂટપાથ તેમજ રસ્તો ઓળંગી શકાય તેવી વ્યવસ્થાના અભાવના કારણે રાહદારીઓનાં મૃત્યુનું પ્રમાણ ખૂબ જ મોટું છે તેમજ સતત વધતું પણ જાય છે. એક વિશ્લેષણ મુજબ ૨૦૧૫ થી ૨૦૨૪ દરમિયાન એકંદર મૃત્યુનું પ્રમાણ ૨૧.૨૪ ટકા વધ્યું છે પરંતુ આ જ સમયગાળામાં રાહદારીઓના મૃત્યુંમાં ૧૬૩ ટકાનો વધારો થયો છે. સંખ્યાની દૃષ્ટિએ જોવા જઈએ તો ૧૩,૯૮૪ થી વધીને ૩૬,૫૨૬ રાહદારીઓના મૃત્ય થયા. એટલે કે દર વર્ષે ૪,૦૦૦ રાહદરીઓનાં મૃત્યું થવા લાગ્યા છે. રસ્તા પર ચાલતા રાહદારીઓના મૃત્યુના સમાચાર રોજેરોજ વણથંભ્યા આવતા રહે છે. અકસ્માતમાં પોતાનો હાથ પગ કે અન્ય અંગ ગુમાવીને જિંદગીભર અપંગ બનનારની સંખ્યા તો અલગ, સ્વાભાવિક છે કે એ સંખ્યા પ્રમાણમાં વધારે જ હોવાની.
આપણો ભદ્ર વર્ગ તો એમ જ માને છે કે હવે દરેકની પાસે વાહન છે. તેથી ચાલીને જનારા રાહદારીઓ છે જ ક્યાં? પરંતુ છેલ્લી વસ્તી ગણતરીના આંકડા દર્શાવે છે કે બિન-કૃષિ વ્યવસાયોમાં રોકાયેલા ચાર કરોડથી વધુ ભારતીયો દરરોજ ચાલીને કામ પર જાય છે. બીજા એક મોટા વર્ગના લોકોને બસ સ્ટોપ અને મેટ્રો- ટ્રેન સ્ટેશનો સુધી પહોંચવા માટે ચાલવું જ પડે છે. પરંતુ જોવાની ખૂબી એ છે કે આયોજનો મોટરવાહન ચાલકો માટે જ થાય છે. આ માટે રસ્તાઓને સતત પહોળા કરવા તથા ફ્લાયઓવર બાંધવાને જ પ્રાથમિકતા આપવામાં આવે છે. જો કે ફ્લાયઓવર બાંધવાથી વાહનવ્યવહારની સરળતા કેટલી થાય છે એ વિવાદનો મૂદ્દો છે. પરંતુ વિકાસ એને જ ગણવામાં આવે છે. ચાલીને જતા રાહદારીઓ તો હાંસિયામાં જ ધકેલાતા જાય છે. ઉલ્લેખિત કેસના ચૂકાદામાં અદાલતે પોતે જ જાણાવ્યું છે, “ચાલનારાઓને એટલી હદે બાજુ પર ધકેલી દેવાયા છે કે વાહનચાલકોની દૃષ્ટિએ તેઓ રસ્તા પરનું નડતર (nuisance) છે. ”
આજે માર્ગ સલામતી માટેની નીતિ ઉપર આર્થિક રીતે ઉપલા વર્ગનો કબજો છે. સરકારી ખર્ચે ઉભી કરાયેલી જાહેર માળખાકીય સુવિધાનો ઉપયોગ વધારે તો તેમની જ જરૂરિયાત પૂરી કરવા માટે થાય છે. તેઓ મોંઘા ભાવનું બળતણ બાળીને દેશનું હુંડિયામણ તો વેડફે છે ઉપરાંત હવાને પણ પ્રદુષિત કરે છે, જેનો સૌ પ્રથમ ભોગ તો રાહદારીઓ જ બને છે. અહીં સ્પષ્ટ રીતે બે વર્ગો પડી ગયા છે. એક વર્ગમાં રાહદારીઓ, સાયકલ સવારો અન્ય બે પૈડાના વાહનો ચલાવનારા તથા પબ્લિક ટ્રાન્સ્પોર્ટનો ઉપયોગ કરનારાઓ છે. જ્યારે બીજો વર્ગ ખાનગી કાર વાપરનારાઓનો છે. પહેલો વર્ગ બીજા વર્ગ કરતા ગરીબ હોવાની શક્યતા વધારે છે. સલામત રસ્તાના અભાવે આ સામાજિક વિભાજન વધારે વરવું બન્યું છે.
હું અમદાવાદની સરાકારી શાળાના છઠ્ઠા-સાતમા ધોરણમાં ભણતા એવા ગરીબ છોકરાઓને જાણું છું કે જેમની શાળા તેમના ઘરથી દોઢ કિલોમીટરથી વધારે દૂર નથી. આટલું અંતર તો આ ઉંમરના બાળકો સહેલાઈથી ચાલી શકે. પરંતુ ફૂટપાથ વિનાના અને બીન સલામત રસ્તાને લીધે શાળાએ મોકલવા માટે તેમના વાલીઓને રીક્ષાનો(પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ તેમને સુલભ નથી હોતું) ખર્ચ કરવો પડે છે. એ જ રીતે કેટલાક સિનિયર સીટીઝનો એટલા ડરી ગયા હોય છે કે તેઓ માત્ર રસ્તો ઓળંગવા માટે રીક્ષાનો ખર્ચ કરે છે.
એ સવાલ થવો સ્વાભાવિક જ છે કે શું ખાલી ફૂટપાથો મેળવવામાં માત્ર ઓટોવાહનો જ અંતરાય રૂપ છે? ચાની લારી, પાનના ગલ્લા, છૂટક ચીજ વસ્તુઓ વેચતા ફેરિયાઓ, પાથરણાવાળાઓનો તેમાં સમાવેશ કેમ કરતા નથી? ઉપલક દૃષ્ટિએ આ બાબતને ચાલવાના અધિકાર અને રોજીરોટીના અધિકાર વચ્ચે અથડામણ તરીકે લાગે. પરંતુ વ્યવસાયે વકીલ અને જાહેર વહીવટ અંગેના અભ્યાસુ એવા અર્કજા સિંહ[1]નું કહેવું છે કે ખરેખર તો આ ફેરિયાઓ વગેરે રાહદારીઓના મિત્રો જ છે. એટલે કે તેમનો રોજીરોટીના અધિકારો અને રાહદારીઓના ચાલવાનો અધિકાર એકબીજાના સોબતીઓ છે. એક સૂચન એવું છે કે સત્તાવાળઓએ નાના રસ્તાઓ પર એવું આયોજન કરવું જોઈએ કે વેચાણ સ્થળોને યોગ્ય રીતે ખસેડીને, વૃક્ષોની આસપાસ જગ્યા મળે ત્યાં આરામ અને છાંયડા માટે જગ્યાઓ આપીને સુરક્ષિત કરવામાં આવે. દેખીતી રીતે લાગે છે તેટલું આ કાર્ય મુશ્કેલ નથી.
રસ્તા પર નિયમિત ચાલતા લોકો સામે મળ્યા પછી એકબીજાને જય શ્રીકૃષ્ણ કર્યા બાદ કેમ છો? ક્યાં વતની છો ? ધંધો વ્યવસાય શું છે? એવા સવાલજવાબ કરતા રહે છે. એકબીજાના પરિવાર વિષે પણ જાણી લે છે. ક્યારેક આ લોકોનું ગૃપ બની જાય છે, અને કોઇ કિસ્સામાં સબંધો પણ પારિવારિક જેવા ગાઢ પણ બને છે. આમ રાહદારીઓના આ મૂળભૂત અધિકારના રક્ષણથી તેમને ચાલવાથી થતા આરોગ્યનો લાભ તો થાય જ છે ઉપરાંત તેમની સામાજિક જરૂરિયાત પણ સંતોષાય છે. બીજી રીતે કહીએ તો પગે ચાલવાની સુવિધા એ માત્ર મળખાકીય સુવિધા જ નથી પરંતુ ઉપપેદાશ તરીકે સામાજિક, સાંસ્કૃતિક અને આરોગ્યનો લાભ મેળવવાની જરૂરિયાતોની પૂર્તિ પણ છે.
જો સલામતીની ખાતરી મળશે તો રસ્તા પર વધુ પ્રમાણમાં ચાલતા લોકો જોવા મળશે અને જ્યાં એકલદોકલને બદલે વધારે લોકો ચાલતા હોય ત્યાં આસપાસના લોકો સલામતી પણ અનુભવતા હોય છે.
ફૂટપાથ પર ચાલવાની તેમજ રસ્તો ઓળંગવાની સુવિધા શહેરોના તમામ માર્ગો પર હોવી જોઈએ. પરંતુ આપણે ત્યાં કેટલાક દેખાવના નમૂના બનાવીને સત્તાવાળઓ સંતોષ માને છે. જેમ કે દિલ્હીમાં ચાંદની ચોક અને અરબિંદો માર્ગ, બેંગલુરુમાં ચર્ચ સ્ટ્રીટ અને ગાંધી માર્ગ અને અમદાવાદમાં સી જી રોડ. અહીં રેલિંગોવાળી ફૂટપાથ અને થોડા અંતરે રસ્તો ઓળંગવા માટે ટ્રાફિક સિગ્નલો પણ જોવા મળે છે.
અત્રે દક્ષિણ અમેરિકાના કોલંબિયાના બોગોતા શહેરના મેયર એનરિક પેનાલોસાનું ઉદાહરણ અનુકરણીય છે. આમ તો તેઓ કુશળ જાહેર અધિકારી અને અર્થશસ્ત્રી છે. પરંતુ ફૂટપાથને તેઓ લોકશાહી શહેરી સંસ્કૃતિ અને માનવીય ગૌરવનું આવશ્યક અંગ માને છે. આદર્શ શહેરની વ્યાખ્યા પણ તેમની અનેરી છે. તેઓ કહે છે કે સારું શહેર એ ત્યાંનો વાહનવ્યવહાર કેટલી ઝડપથી સરળતા પૂર્વક ચાલી શકે છે તેના આધારે નહિ પરંતુ માણસ ધનિક છે કે ગરીબ એ બાબતને ધ્યાનમાં લીધા વિના જ્યાં લોકો હાશકારો અનુભવે તેવી પૂરતી અને સલામત જગ્યાઓ કેટલી પૂરી પાડે તેને આધારે નક્કી થાય છે. તેઓ તો ત્યાં સુધી કહે છે કે હું એવું શહેર ઇચ્છું છું કે જ્યાં જાહેર પરિવહનોનો ઉપયોગ ધનિકો પણ કરતા હોય. આથી જ તેમણે પોતાના મેયર તરીકેના -૧૯૯૮થી ૨૦૦૧ સુધીના-ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેર પરિવહનો માટે બસોનો વધારો કર્યો. ફૂટપાથ પરથી હજારો કારોને હટાવીને શહેરનો એવો નમૂનો ઊભો કર્યો હતો જેમાં સેંકડો કિલોમીટર રસ્તાઓના ફૂટપાથો કારમુક્ત હોય. એટલું જ નહિ સાયકલો માટેના પણ અલગ અને વૃક્ષોથી શોભતા રસ્તાઓ બનાવ્યા. અવાવરુ જગ્યાઓ પર જ્યાં અસામાજિક તત્વોના અડ્ડા હતા ત્યાં બગીચાઓ બનાવ્યા.
દિલ્હીમાં આપણે રસ્તા પર ઑડ અને ઇવન મોટરકારના પ્રયોગને નિષ્ફળ બનાવી દીધો હતો પરંતુ પેનાલોસાએ તો ૨૦૦૦માં કારમુક્ત દિવસનું આયોજન કર્યું હતું. આ કાર્ય માટે તેમને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત ‘સ્ટોકહોમ ચેલેંજ’ એવોર્ડ એનાયત કરવામાં આવેલો.
ફૂટપાથો અને ટ્રાફિક જંકશનો બનાવીને દુનિયાના અનેક દેશોએ પદયાત્રીઓને મહત્વ આપ્યું છે. જરૂરી નથી કે આપણે તેમની એન્જિન્યરિંગ ડિઝાઈનોની હુબહુ નકલ કરવી. આપણી ગીચ વસ્તીને ધ્યાનમાં લઈને સલામત રસ્તાઓ કઇ રીતે બનાવી શકાય તે આયોજનકારોએ વિચારવું જોઈએ. જ્યારે સ્માર્ટ સીટીઓ બનાવવા તરફ આપણે કદમ માંડવાનું નક્કી કર્યું છે ત્યારે આગળનું ડગલું ભરતા પહેલા પદયાત્રીઓ માટે સલામત રસ્તાને આયોજનમાં પ્રાથમિકતા આપવી જોઈએ. પરંતુ મુશ્કેલી એ છે કે સલામત રસ્તાના અભાવે અકસ્માતોનું અને તેનાથી થતા મૃત્યુંનું પ્રમાણ વધતું જાય છે એ સમસ્યાને સામાન્ય પ્રજા પોતાની બધુ જ ચલાવી લેવાની માનસિકતાને કારણે ગંભીરતાથી લેતી નથી. પરિણામે સત્તાવાળાઓ પણ એ બાબતે ચિંતિત નથી.
[1] (*અર્કજા સિંહ શહેરી શાસન, નગરપાલિકાઓ તેમજ જમીન, અનૌપચારિક વ્યવસ્થાઓ, નગરપાલિકાની સેવાઓ અને શહેરી પર્યાવરણના વ્યવસ્થાપનને લગતા કાનૂની અને નીતિગત મુદ્દાઓ વગેરે બાબતોમાં નિપૂણ તરીકે જાણીતા છે. તેમના તાજેતરના કાર્યમાં શહેરી શાસન અને મ્યુનિસિપલ સંસ્થાઓ પર સ્માર્ટ સિટીઝ મિશનની અસરનો ઊંડાણપૂર્વક અભ્યાસ શામેલ છે. આ ઉપરાંત તેમણે મિલ્કત અધિકારો અને ભૂઉષ્મીય ઊર્જાના પર્યાવરણીય શાસન પરના પ્રકરણોમાં યોગદાન આપ્યું છે) તેમણે મિલ્કત અધિકારો અને ભૂઉષ્મીય ઊર્જા- Geothermal Energy-એટલે કે પૃથ્વીના આંતરિક ભાગમાં સંગ્રહિત ગરમીમાંથી મેળવવામાં આવતી ઊર્જા-ના પ્રબંધનમાં પણ યોગદાન આપ્યું છે.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
