વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

વિજ્ઞાન

ઘરગથ્થુ વિજ્ઞાન – કચરો આપણો, દુખાવો નગરપાલિકાનો

 પરેશ ર. વૈદ્ય

આ મહિને આપણે એવા વિષય પર વાત કરીશું જે ઉદ્‍ભવે તો ઘરમાં છે પણ ઘરની બહાર જાય ત્યારે સમસ્યા બની જાય છે. એ છે આપાણા ઘરનો કચરો. શહેરના સ્તરે એ સ્વાસ્થ્ય અને પર્યાવરણના પ્રશ્નો ઊભા કરે છે. પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે કચરાને ઠેકાણે પાડવાની વાત એ સૌથી મોટો પડકાર બની રહી છે. દરેક ઘરમાંથી તો એકાદ થેલી જેટલો કચરો નીકળે પણ શહેર આખાનો ભેગો થાય તો મોટા અંબાર ઊભા  થાય છે અને સત્તાવાળાઓ સામે તાકે છે. એ દષ્ટિએ જેતાં ‘ટીપે ટીપે’ સરોવર ભરાય એ કહેવતને ખરેખર જ મૂર્ત સ્વરૂપ આપે છે,

પરંતુ ચોક્કસ એ જ કારણે તેની સમસ્યાનું સમાધાન પણ પ્રત્યેક ઘરમાં જ રહેલું છે. રહેણાકના સંદર્ભે આપણી વસતિ ચાર ભાગમાં વહેંચાયેલી છે. મહાનગર, શહેરો, ગામ અને ગામડાં. તે પ્રમાણે કચરાના નિકાલની પણ જુદી જુદી રીતો છે. મહાનગરો અને મહત્ત્વનાં શહેરોમાં કચરો લેવા કોઈ તમારે બારણે આવે છે. નાનાં શહેર અને ગામોમાં તમારે જઈને તેને એક સ્થળે નાખી આવવાનો હોય છે, જ્યાંથી સુધરાઈ તેને લઈ જાય છે. અગાઉ આવા સ્થળને ઉકરડો કહેવાતો પણ હવે ત્યાં પેટી જેવો કોઈ ઢાંચો ઊભો કરેલો હોય છે. (અને બધા એ ઢાંચાની બહાર જ પોતાનો કચરો નાખે છે !). ગામડાંઓમાં તો કોઈ વ્યવસ્થા નથી. ઉકરડા જરૂર છે પણ કેટલી પંચાયતો તેને સુઘડ રાખી શકે છે?

નિકાલની વાત

કચરાને આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો એ નિકાલ નથી. નિકાલ એટલે એને યોગ્ય રીતે ઠેકાણે પાડવો. તેની માત્રા જાણીએ તો પ્રશ્નનું મહત્ત્વ સમજાશે.

તમારા ઘરમાંથી કેટલો કચરો રોજ બહાર ફેકાય છે?

નેશનલ એન્વાયર્નમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટચૂટ (NEERI) નામની સંસ્થાએ છેક ૧૯૯૫માં એના આંકડા કાઢ્યા હતા. તે મુજબ જેમ ગામ કે શહેર મોટું થતું જાય તેમ માથાદીઠ કચરો વધતો જાય છે.  ભારત માટે રોજના જણદીઠ ૨૦૦ ગ્રામથી ૬૦૦ ગ્રામ સરેરાશના આંકડા મળ્યા. આજે એ જરૂર વધ્યા જ હશે. દેશ દેશ વચ્ચે પણ એવું જ છે- જેમ જેમ “વિકાસ” વધતો જાય છે તેમ તેમ પ્રતિ વ્યક્તિ કચરો વધતો જાય છે ! ભારત દેશની ૫૦૦ ગ્રામની સરેરાશ સામે એક જાપાની ૧.૨ કિલોગ્રામ કચરો ફેંકે છે અને અમેરિકન બે કિલો.

એ ગણતરીથી તમારા બે લાખની વસતિવાળા શહેરમાં રોજનો ૧૦૦ ટન કચરો એકઠો થાય. મુંબઈમાં લગભગ દશ હજાર ટન કચરો ભેગો થાય છે ! એટલે આજના દશ હજાર ટનને સાંજ સુધી નીપટાવો ત્યાં કાલે સવારે બીજા દશ હજાર ટન હાજર ! એટલે જ નાની કે મોટી નગરપાલિકાને કચરાનો નિકાલ કેમ કરવો તેની સૂઝ જ પડતી નથી. જેને સૂઝ પડે છે તેને આપાણે-એટલે કે કચરો પેદા કરનારનો સહકાર જોઈએ છે, પરંતુ આપણે એ બાબત સભાન નથી. આથી બધા જ સૌથી સાદો ઉપાય અપનાવે છે; કચરાને ખાડી જેવી ખરાબાની જગ્યામાં કે પછી ખાલી મેદાનમાં ઠાલવી દેવાનો. તેમાંથી ૧૫-૨૦ વર્ષે નવી જમીનનું નિર્માણ થાય છે. પણ દરેક નગર પાસે આવી જમીન હોતી નથી. અને ઈ.સ. ૨૦૦૦માં એવો નિયમ આવ્યો છે કે દરેક શહેરે પોતાના કચરાનો પોતાની હદમાં જ નિકાલ કરવો. શહેરના એક નાગરિક તરીકે તમે આનો ઉપાય વિચારી શકો છો?

થોભીને વિચાર કરજો.


કચરાના ઘટકો

કચરામાં શું શું હોય છે?

આ સહેલા પ્રશ્નના ઉત્તરમાં તેના ઉકેલના બીજ છે.

શહેરના કચરાના મુખ્ય ત્રણ ઘટક છે. ૧. સેન્દ્રિય કચરો. ૨. પુનરુપયોગ થાય તેવા પદાર્થો અને ૩. પરચૂરાણ ભંગાર.

સેન્દ્રિય કચરો : આ મુખ્યત્વે રસોડામાં ઉત્પન્ન થાય છે. શાકભાજી અને ફળોની છાલ, ડીટાં, વધેલું અન્ન વગેરે તેમાં આવે. નગરપાલિકાઓ તેને “ભીનો કચરો’ કહે છે. શહેરના કચરાના ૪૦થી ૫૦ ટકા તેના થવા જાય છે.

ખરું જોતાં એ પદાર્થો કચરાના ઢગલામાં જવાને બદલે ઢોર-જનાવરના પેટમાં જવા જોઈએ. શેરીમાં કે આંગણામાં જુદી કુંડી હોય છે જેમાં ગૃહિણીઓ રસોડાનો કચરો અને પાણી નાખે છે. રખડતી ગાયો સાથે સૂવરો પણ હવે આને સાફ કરવામાં મદદ કરે છે ! પરંતુ મહાનગરોમાં છુટાં ઢોર હોય નહીં અને હોય તો પણ તેને આ રીતે ખોરાક દેનારાને જૂનવાણી કે ગામડિયા ગણવામાં આવે તેવા ડરથી ગૃહિણીઓ આવા કુદરતી કચરાને પણ બીજા કચરા જોડે ડબ્બામાં જ નાખી દે છે.

એક તો આવો ઘટક વિના કારણે સુધરાઈનું કામ વધારે છે. બીજું કે એ સડે ત્યારે તેમાંથી મિથેન વાયુ નીકળે છે, જે વૈશ્વિક ઉષ્મન્‌ (ગ્લોબલ વૉર્મિંગ)માં મોટે પાયે ભાગ લે છે. જમીન ભરાણી માટે ખડકવામાં આવેલ ઢગલામાંથી મિથેન વાયુ કાઢી તેને બાળવાના પ્રયોગ થયા છે, પરંતુ વ્યવહારમાં એ અગવડિયું કામ છે. તેથી સેન્દ્રિય કચરો સુધરાઈને સોંપીએ જ નહીં તેવા ઉપાય જરૂરી છે.

એક રસ્તો તેને કમ્પોસ્ટ કરવાનો છે. તમારી પાસે ખુલ્લી જમીન કે બગીચો હોય તો તેમાં એક ખૂણે ઊંડો ખાડો કરી તેમાં એ કચરાને સૂકાં પાંદડાં વગેરે જોડે ભેળવીને નાખતા જવો. તેના પર થોડી માટી કે છાણ છાંટી દેવાથી તેમાં વાસ નહીં આવે. કેટલીક કંપનીઓ તેના પર છાંટવાના જીવાણુનું દ્રાવણ પણ વેચે છે. થોડા થોડા દિવસે તેને ઊથલપાથલ કરવાથી છેવટે સકસ અને દાણાદાર ખાતર મળે છે. જમીનમાં ઊગેલા પદાર્થો પાછા જમીનમાં ભળતા હોવાથી કુદરતનું ચક્ર પૂરું થાય છે.

પુનરુપયોગ : આ પ્રકાર પર ધ્યાન દેવા જેવું છે. કાગળના ડૂચા, કાચ, પ્લાસ્ટિક, ધાતુના ટુકડા (જૂના નળ વગેરે) તારો- આ બધું એવું છે કે જેને ગાળી-પિગાળીને ફરી ઉપયોગમાં લઈ શકાય છે. અંગ્રેજીમાં તેને રિસાઈક્લિંગ કહે છે, પરંતુ એક ઘરમાંથી મળતી માત્રા એટલી ઓછી હોય કે એવી પ્રક્રિયા થાય નહીં. જો આખા શહેરના કચરામાંથી આવી વસ્તુઓ એકઠી થાય તો તેનો પુનરુપયોગ કરી શકાય. અર્થકારણ અને પર્યાવરણની દષ્ટિએ પણ એ જરૂરી છે.

આપણે માટે આ કામ પેલા કચરો ચૂંથનારાં બાળકો કરી આપે છે. ધાતુ અને પ્લાસ્ટિક એ લોકો એકઠાં કરે છે અને વેચે છે. એ લોકોનું કામ સરળ બનાવવા આપણે એટલું જરૂર કરી શકીએ કે આ સૂકા પદાર્થોને ભીના કચરા અને એંઠવાડમાં ભળવા ન દઈએ. જુદાં ખોખાં કે પોટલીમાં મૂકવાથી પેલા ગરીબ લોકોને તેને જુદા તારવવા સહેલા પડે. એ લોકોની સલામતી માટે તૂટેલા કાચના ટુકડા પણ ખુલ્લા જ કચરામાં નહીં ભેળવતાં, જુદા કવરમાં મૂકવા જોઈએ. કદાચ જો આ કચરો જનાવરના ખાવામાં આવે તો પણ તેને કાચ વાગે નહીં.

કાગળ કે પૂંઠાંને ઉકરડા પરથી ભંગાર વીણવાવાળા ઉપાડે છે, પરંતુ ત્યાં સુધી એ ગંદાં થઈ ગયાં હોય છે. કાગળના નાનામોટા ટુકડાઓ પણ છેવટે નવો કાગળ બનાવવામાં વપરાય છે. આથી એને એક્ઠા કરી રદ્દીવાળાને સોંપવા વધારે વ્યાજબી છે. (‘વેચવા’ને બદલે “સોંપવા” શબ્દ એટલે વાપર્યો કે તેના વેપારમાં ટુકડા લેવાની વાત નથી આવતી !) કાગળ બનાવવા માટે ઝાડ કાપવામાં આવે છે. જૂના કાગળમાંથી નવો કાગળ બને તો એટલાં ઝાડ બચે. એટલું પુણ્ય તમારે નામ.

“રિસાઈકલ’ થતી વસ્તુઓમાં પ્લાસ્ટિક પણ છે. તેને વિશે જુદા લેખમાં વાત કરીશું.

પરચૂરાણ ભંગાર : જેનું કમ્પોસ્ટ ન થાય અને પુનઃચક્રણ પણ ન થાય તેવી ચીજો ‘કચરા’ના નામાભિધાનની ખરી હકદાર છે. ચીંથરાં, લાકડાંના ટુકડા કે વ્હેર, હાડકાં, પીંછાં, રંગકામનો કચરો, સિમેન્ટ-ચૂનાનો ઇમારતી રિપેરનો કચરો, વાસીદાંની ધૂળ એ બધું આમાં આવે. કુલ કચરાના ૪૦ ટકા જેટલો આ ભાગ નગરપાલિકાની દષ્ટિએ સૂકા કચરાના વર્ગીકરણમાં આવે. અને તેનું કંઈ થઈ શકે તેમ ન હોવાથી તેનું અંતિમ સ્થાન જમીનની ભરણી કરવામાં હોય તો તે નછૂટકે છે.

કચરામાંથી ઊર્જા

યુરોપના ઘણા દેશોમાં સુધરાઈના કચરામાંથી ઊર્જા મેળવવાના પ્લાન્ટ છે. એ દિશામાં થોડા પ્રયત્નો અહીં થયા છે પણ સફળતા નોંધનીય નથી. મૂળતઃ તો એ કચરો બાળવાની જ પ્રક્રિયા છે. કચરામાંથી પાણી કાઢી, ખૂબ દબાવીને ભઠ્ઠીમાં મૂકી બાળવામાં આવે છે. આ ઉષ્ણતાને ઠંડા દેશોમાં તો મકાનો ગરમ રાખવામાં વપરાય છે. ચાહો તો એ ગરમી વડે પાણીની વરાળ બનાવી વીજળી પણ પેદા કરી શકાય. સ્પષ્ટ છે કે આ માત્ર સેન્દ્રિય કચરાને અને કાગળ-લાકડાંના વ્હેર વગેરેને જ લાગુ પડે. ભઠ્ઠી અને બીજાં યંત્રોને નુકસાન ન કરે તે માટે ભીના કચરામાંથી કાચ, ડબ્બા-ડબલાં કાઢી નાખવાં પડે.

આમ વાત ફરીને આપણા સુધી આવી ગઈ, કે તેની સફળતા માટે આપણે સૂકા અને ભીના કચરાને જુદા પાડીને રાખવા જેઈએ. નાગરિકોની ભૂલથી થોડીઘણી ભેળસેળ થઈ હોય તો નગરપાલિકા ન બળતા પદાર્થો જુદા પાડી લે. આથી આ પ્રક્રિયા નાના શહેરને માટે ઠીક છે, પણ મોટા શહેર માટે આવું વિભાજન સુધરાઈએ કરવું મુશ્કેલ થાય. વિદેશોમાં નાનાં શહેરમાં કચરો ઓછો હોય અને કચરામાં પાણીનું પ્રમાણ આપણા કરતાં ઓછું હોય ત્યાં બિન-જ્વલનશીલ ચીજોને પણ ભઠ્ઠીમાં જવા દેવાય છે. પછી રાખમાંથી એ છુટી પાડી લેવાય છે. આપણે ત્યાં આવો કચરો ખાસ્સો ૩૦-૪૦ ટકા હોવાથી એવું કરવું અવ્યાવહારિક થાય.

છેલ્લે, જે કચરો ઘટાડવામાં સુધરાઈની મધ્દ કરવા માગતા હો તો પર્યાવરણવાદીઓએ આપેલ સૂત્ર યાદ રાખો.

 Reduce, Reuse, Recycle

કચરો ઉત્પન્ન જ ઓછો કરો, શક્ય તેટલી વસ્તુઓ ફરીથી વાપરો અને કોઈ પ્રક્રિયાથી જેનું પુનચક્રણ થતું હોય તેને કચરામાં નાખો નહીં.

આજ પછીથી તમારા ઘરના કચરાને પાણ ભીના, સૂકા અને રિસાઈક્લિંગને લાયક – એવા ત્રણ પ્રકારમાં જ જુઓ: તે રીતે જ છુટ્ટા રાખો. તમારી નગરપાલિકા તમારી આભારી રહેશે.


નવનીત સમર્પણ, ઑક્ટોબર ૨૦૧૫


સંપાદકીયઃ નોંધઃ  સાંદર્ભિક તસવીરો નેટ પરથી લીધેલ છે. તેના પ્રકાશન અધિકારો મૂળ રચયિતાના રહે છે.

Leave a Reply