પહેલા વિશ્વયુદ્ધ પછી અમારા બાપુજી મુંબઈથી નડિયાદ આવ્યા અને ધંધો ચાલુ કર્યો. ત્યાં પાંચ દિકરી પછી, ૧૯૪૫માં મારો જન્મ થયો. ઘણી રાહ જોયા બાદ, પાંચ પાંચ દિકરીઓ પાછળ, જે દિકરાનો જન્મ થાય તે રાજકુંવર જેવો લાડકો હોય. કુટુંબના બધાં સભ્યો મને ખૂબ સાચવતાં. પહેલાં પાંચ વર્ષ સુધી જૂની અંધશ્રદ્ધાને લઈને મારા માતાએ મને ભિખારી બનાવ્યો હતો. તેથી કોઈના આપેલાં કપડાં જ પહેરવાનાં. ખરેખર તો મારાં કપડાં ભીખ માંગીને નહીં પરંતુ સગાવહાલાંની ભેટથી મળતાં. મારું નામ પણ પહેલાં ગોપાલ, તે છઠા વર્ષે જગદીશ બન્યું. પાંચ વર્ષ કામચલાઉ નામ આપવાનું કારણ એમજ કે તે જમાનામાં ઘણાં બાળકો વહેલાં ગુજરી જતાં. તેથી કાયમી નામ મોડું મળ્યું. આજે ૭૬ની ઉમરે કુટુંબીજનો મને ગોપાલથી જ બોલાવે છે.
નડિયાદમાં બાપુજીની સ્પોર્ટના સામાનની દુકાન હતી. તે સમયે નિશાળો, કૉલેજો, વ્યાયામશાળા કે પોળમાં રમાતી રમતોનો સામાન અમારે ત્યાં વેચાતો. હું આઠ-દસ વર્ષનો હતો ત્યારે નબળો અને બિકણ હતો તેથી ક્રિકેટ સારું રમી શકતો ન હતો. પોળના બાળકોની એક ટીમ હતી, તેને અમે પાટી કહેતા. બોલ-બેટ દુકાનમાં થી મને મફતમાં મળતાં તેથી હું ટીમને ભેટ આપતો. તે કારણે ટીમમાં મને કાયમ, યોગ્યતા ન હોવા છતાં, સ્થાન મળતું.
નડિયાદમાં નાત કે વ્યયસાવ પ્રમાણે બધી પોળો હતી. જેમકે કંસારવાડ, મોદીસાંથ, શેઠપોળ, વગેરે. અમે મૂળ ધર્મજના અને અમારી અટક પટેલ, પણ દેસાઈવગોમાં બધા દેસાઈઓ વચ્ચે વસવાટ કરેલો. સામાન્ય રીતે નડિયાદના યુવાનો બહુ તોફાની હોય છે તેવી માન્યતા ત્યારે પ્રચલિત હતી. જેથી મારા બાને ચિંતા થતી કે હું ખરાબ સોબતમાં આવીને બગડી જઈશ. સાચી વાત તો એ હતી કે હું ડરપોક હતો તેથી બાનો અજંપો અસ્થાને હતો. આજે છ દસકા પછી પણ મને નઠારા સપના આવે છે. જેમ કે હું પતંગ ચઢાવવા છાપરા પર ચઢ્યો છું અને નીચે ઉતરાતું નથી, અથવા કૂતરો મારી પાછળ દોડે છે અને હું પડી જાઉં છું, અને મારું માથું પથ્થર પર અથડાય છે. મહા મહિનામાં નડિયાદના પ્રખ્યાત સંતરામ મંદિરમાં મોટો મેળો થાય તેમાં અમે ચાનો સ્ટોર કરતા અને ટીમ માટે પૈસા બનાવતા. કોઈ વાર સારી ફિલ્મ આવી હોય તો વહેલા વહેલા લાઇનમાં ઊભા રહી ટિકિટો લઈ કાળાબજારમાં વેચતા પણ હતા. ધૂળેટીના દિવસે રસ્તા પર આવતા-જતા લોકોને રંગનો ડર આપી પૈસા ભેગા કરવાનું દર વર્ષે થતું. પછી તે દિવસે ખેતરમાં જઈ માટલાનું ઉંધિયું અને ફરસાણ ખાવાની મજા ઘણી વાર યાદ આવે છે, તેની તીવ્ર ઇચ્છા આજે પણ થાય છે. પોળમાં અમે આધુનિક અને સુધરેલા કુટુંબના હોવાથી અમારું માન હતું. તે સમયના મોટા ભાગના લોકોની જેમ અમે સુખી અને સંતોષી જીવન જીવતા.
પ્રાથમિક અને માધ્યમિક શાળાના અભ્યાસ પછી હું વડોદરા એમ. એસ. યુનિવર્સિટીમાં એન્જિનિયર થવા ગયો. ત્યાં ચાર વર્ષે સહેલાઈથી, સરળ ઝરણાના વહેણની માફક, પસાર થયાં. મારા વિદ્યાર્થી જીવનનો અંત આવ્યો.
પુખ્ત ઉંમરનું પહેલું પાનું પણ લખાયું ન હતું ત્યારે મને જીવનની વાસ્તવિકતાનો અનુભવ થયો. મારી કસોટી થઈ.
કૉલેજના પરિણામ અને સફળતા પછી હું અમદાવાદ મામાને ઘરે હતો ત્યારે સમાચાર આવ્યા કે મારા પિતા હૃદયરોગના હુમલાથી અચાનક મૃત્યુ પામ્યા છે. તે સમયે કુટુંબ રતલામમાં રહેતું હતું. અમે તરત ગાડીમાં નિકળી, લાંબી મુસાફરી કરી સીધા સ્મશાન પર ગયા. ત્યાં મેં મોટા દિકરા તરીકે તેમનો અગ્નિદાહ કર્યો. સ્મશાનમાં મને વિચાર આવવા લાગ્યા. મારી બે કુંવારી બહેનો અને ભાઈ હવે મારા પર નિર્ભર થવાના હતા. મોટાભાઈ તરીકે, પ્રણાલિકા પ્રમાણે, તેમની જવાબદારી મારી ગણાય. બાપુજી ખાધે પીધે સુખી, પણ બધી મિલકત એક પછી એક વેચી, દિકરીઓના લગ્ન પ્રસંગે સમાજના રિવાજો નીભાવવા, તેમણે અખૂટ ખર્ચો કર્યો હતો. સમાજસુધારા માટે ઘણી પરંપરાનો બહિષ્કાર પણ કર્યો હતો. તેથી મરણના સમયે બાપુજી પાસે મકાન સિવાય બહુ એસેટ નહીં. મને થયું કે સમાજ હવે મારી સ્થિતિ માટે મને દયાપાત્ર ગણશે. મેં નક્કી કર્યું કે મારે જવાબદારી નિભાવવા જે કરવું પડે તે હું મક્કમ મને, ધ્યેય પર નજર રાખી, કોઈ કે કશાની ચિંતા વગર કરીશ. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે તેમ મારાં ધર્મ અને ફરજ બજાવીશ, મારા કર્મથી.
૧૯૬૭ માં વડોદરાના મોટાભાગના સ્નાતક એન્જિનિયરો અમેરિકા જવા આતુર હતા. મેં પણ મુંબઈ જઈ અંગ્રેજીની પરીક્ષા પાસ કરી કૉલેજમાં એડમિશન માટે અરજીઓ કરી. પરંતુ મારો પ્રથમ વર્ગ ન હોવાથી તકલીફ પડી. તે સિવાય ખર્ચાનો પણ સવાલ. નસીબજોગે મામાએ ટિકીટની, અને મારા ફોઈનો દિકરો દિલીપ જે બે વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો તેણે સ્પોન્સરશીપની વ્યવસ્થા કરી. તે સમય દરમ્યાન, એડમિશનની રાહ જોતાં, મેં અમદાવાદમાં એન્જિનિયરની નોકરી મેળવી.
તે પંદર મહિનાના ગાળામાં, અમેરિકા જવા આતુરતાથી વાટ જોઈ રહ્યો હતો ત્યારે, ચાલુ થઈ મારી પ્રેમકથા.
* * * * *
હું નવોનવો ગ્રેજ્યુએટ એન્જિનિયર હતો, નોકરી મળતી નહોતી, અને પ્રયાસ ચાલુ હતો. કોઈ પ્રવૃત્તિ ન હોવાને કારણે મોટા ભાગનો સમય અમદાવાદ મામાના ઘરના વરંડામાં બેસી કોઈ ચોપડી વાંચવામાં કે રેડિયો સાંભળવામાં પસાર કરતો. અચાનક એક દિવસ સામે બંગલામાં નાનું કુટુંબ રહેવા આવ્યું. અમારી સાથે સામાન્ય પરિચય થયા પછી જાણવા મળ્યું કે તેમની મોટી દિકરી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તેમના નવા મકાનમાં ફોન નહીં હોવાથી અમારા ટેલિફોનનો ઉપયોગ કરવા માટે તેઓ બધાં વારંવાર અમારે ત્યાં આવતાં. તે સમયે મારી પણ એક દુનિયા હતી; સાચી દુનિયાથી અલિપ્ત, જ્યાં દુનિયાદારીનું કોઈ જ્ઞાન નથી, સ્વાર્થ નથી, વ્યવહારનું ભાન નથી. છેલ્લાં ચાર વર્ષ આંકડા અને નકશાઓમાં કાઢયા હતાં. યુવાનીના તે દિવસોમાં કદી કોઈ યુવતી સાથે પરિચય કરવાનો કે, તે માટે પ્રયત્ન કરવાનો પણ, મોકો મળ્યો ન હતો. વિજાતીય આકર્ષણ તો ગુરુત્વાકર્ષણ અને ચુંબકત્વ જેવા કેટલાય ભૌતિક નિયમોમાં ખોવાઈ ગયું હતું. તેવા સમયે મીનાને (પ્રાયવસી ને કારણે મીના નામ સાચું નથી) જોઈ અચાનક મારા હૃદયમાં રહેલી શાંતિમાં થોડી હલચલ મચી ગઈ.
શાંત પાણીમાં તરંગ ઉદભવે, મોજાં આવે, અને તોફાન મચી જાય, પરંતુ અંતે તે સમયના વહેણ સાથે મળી જાય છે. મીનાની બાબતમાં પણ એવું જ બન્યું. અસંખ્ય વાર તેના વરંડામાં ફરતી જોઈ અથવા અમારા ઘરે ફોન કરવા આવતી નિહાળી મારી દિનચર્યા આનંદમાં બદલાઈ ગઈ.
મીના સાથે વાત કરવાની ઇચ્છા હૃદયના કોઈ ખૂણે થતી હતી પરંતુ તે પ્રબળ ન હતી. મીનાની શી ઇચ્છા છે તે જાણતો ન હોવાથી તે મારું અપમાન કરે તેવી બીક. નિષ્ફળતાનો અનુભવ ન હોવાથી સ્વમાન હણાય તેવો મોટો ડર. પ્રયોગશાળામાં તો કેટલાય પ્રયોગો વારંવાર પ્રયત્ન કર્યા પછી સફળ થયા હતા પરંતુ જીવનની શાળામાં અખતરા કરવા જેટલી મારામાં હિંમત આવી નહોતી. સચોટ ભૂમિકાની ખાતરી થયા સિવાય આગળ પગલું ભરવું તે સાહસની શક્તિ મારામાં ઓછી હતી.
એક દિવસ મીના શાળાએ જવા નીકળી ત્યારે હું પણ લગભગ તૈયાર થઈ ગયો હતો. જલ્દી જલ્દી સાઇકલ પર તેની પાછળ ગયો. સાથે થઈ જાઉં પહેલાં હ્રદયની ધડકન વધી ગઈ. થોડો પરસેવો થવા માંડ્યો, એક વાર તો પાછા જવાની મરજી પણ થઈ, પરંતુ આખરે વિજાતીય આકર્ષણનો વિજય થયો અને હું તેની પાસે પહોંચી ગયો.
મીના સાથેની એક મુલાકાત થોડાં દિવસો પછી નિત્યક્રમ થઈ ગઈ. રોજ અમે સાયકલ પર સાથે એકાદ માઇલ જતાં, કોઈ વાર રસ્તાની બાજુએ ઊભા રહી વાતો કરી આનંદ માણતાં. તેની ઉપસ્થિતિ મારા દિવસમાં થોડી જ મિનિટ હતી, પરંતુ મનમાં તે ચોવીસ કલાક છાયી રહેતી. અચાનક, જે સુખની કલ્પના પણ નહોતી કરી તે હું અનુભવવા લાગ્યો.
યુવાનનાં મન અને શરીરને વિજાતીય વ્યક્તિની ભૂખ હોય છે. જ્યારે જ્યારે તે ભૂખ થોડે ઘણે અંશે પણ સંતોષશાવા માંડે ત્યારે દિવસ કે રાત, ઘરમાં કે બહાર, સૂતેલાં કે બેઠાં હોઇએ ત્યારે દરેક પળ જુદી જ તૃપ્તિ, આનંદ અને ઉત્સાહ અર્પે છે. હું પણ મીનાની સાથેના સંબંધને કારણે બદલાતો ગયો. કુદરતથી દૂર રહેતા એન્જિનિયરને ચાંદ અને તારામાં રસ પડવા લાગ્યો. મનમાં કાયમ મીનાના નામનું રટણ થવા લાગ્યું. ઑફિસેથી ઘરે પાછા ફરતાં રસ્તામાં સાયકલની સામે કોઈ નાનું છોકરું કે ઘરડાં ડોસા આવી જાય તો ગુસ્સે થવાને બદલે હવે તો બ્રેક મારીને હું હસી પડતો. રસ્તા પર લાલ લાઇટ આવે ત્યારે કંટાળો ન આવતો. મીનાના વિચારોમાં લીલી લાઇટ ક્યારે થઈ જતી હતી તે ખ્યાલ બહાર રહેતું. નહેરુબ્રિજ પરથી પસાર થતાં નદી પરથી આવતો ઠંડો પવન હવે શરીરને ગલગલિયાં કરતો અને નવરંગપુરાના એકાંત રસ્તા પર પણ ઘંટડી વગાડી કોઈ ગીત લલકારવાનું મન થઈ જતું.
ધીમે ધીમે અમારી હિંમત વધી, અને અમે બન્ને કુટુંબોની સમક્ષ વાતો કરતાં થયાં. એક વાર સાથે ફિલ્મ જોઈ, ગુજરાત કલબમાં ગરબા પણ માણ્યા. ક્રમશ: અમે માનસિક રીતે ખૂબ નજદિક આવી ગયાં.
મનુષ્ય ફક્ત પ્રેમથી જીવી શકે તેમ હોય તો દુનિયા જુદી જ હોય. આ જગત તો જરૂરિયાતોથી ભરેલું છે. પ્રેમ તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ તે સિવાય અભ્યાસ, નોકરી-ધંધા, સામાજિક સંબંધોની અગત્ય ઓછી નથી. મારે જીવનમાં પ્રગતિ કરી આગળ વધવું હતું તેથી નોકરી સાથે સાથે બહારનાં કોઈ કામ મળે તો તે કરતો. થોડા સમયમાં વધુ અનુભવ મેળવી સ્વતંત્ર થવાની મારી ઇચ્છા હતી. આગળ અભ્યાસ માટે અમેરિકા જવા માટે મારો પ્રયત્ન ચાલુ જ હતો. હું મેટ્રિકમાં આવ્યો ત્યારથી પરદેશ જવાની મારી ઇચ્છા હતી. અભ્યાસમાં હું સામાન્ય વિદ્યાર્થી કરતાં હોશિયાર હતો, પરંતુ અસામાન્ય બુદ્ધિશાળી ન હતો. પરદેશ જવાની તક મળે તો જતી કરવી ન હતી. હું અમેરિકા જવા આતુર હતો.
સદભાગ્યે ટૂંક સમયમાં મિત્રોની મદદથી મને તેઓ ભણતા હતા તે યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું. મારા આનંદનો પાર ન રહ્યો. વર્ષોથી સાચવીને ઉછેરી મોટા કરેલ મારા ઇચ્છારૂપી વૃક્ષ પર ફળ આવવાનાં ચાલુ થયાં હતાં. આંબા પર બેઠેલો મોર જોઈને તેના ખેડુતને આનંદ થાય તેવી ભાવના મને અમેરિકાથી આવેલા એડમિશન-લેટર જોઈને થઈ.
મને મીના અને કુટુંબીજનો થી દૂર થવાનો નો ઘણો અફસોસ હતો, પરંતુ અમેરિકા જવું જરૂરી હતું. તેથી જાન્યુઆરીમાં પહેલું ક્વાર્ટર ચાલુ થાય તે પહેલાં ઓહાયોની યંગસ્ટાઉન સ્ટેટ યુનિવર્સિટી જવાની જલદી તૈયારી કરી.
જુદાઈથી ચિંતિત, પણ ઉત્સાહથી છલકતા હૃદયે ૧૯૬૮ ના છેલ્લા દિવસે ન્યૂયોર્કમાં મેં ‘વેલકમ ટુ ધ યુનાઇટેડ સ્ટેટસ ઑફ અમેરિકા’ ની મોટી સાઇનના દર્શન કર્યા, તેમ કહેવું અજુગતું નથી લાગતું.
એરપોર્ટ પર ઉતર્યો તે જ સમયથી નવા અનુભવની શરૂઆત થઈ ગઈ. મારો મિત્ર લેવા આવ્યો ન હતો. એક મણની બેગ હાથમાં લઈને ટેલિફોનની બાજુ હું ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ મારી બેગનું હેન્ડલ, વધુ વજનને કારણે, તૂટી ગયું. હેન્ડલ મારા હાથમાં રહ્યું અને બેગ નીચે પડી ગઈ. આમેય કોઈ ન આવવાથી ગભરાટ તો હતો જ અને બેગ તૂટી જતાં જરા વધુ બેચેની લાગી. હેન્ડલ કોટના ખિસ્સામાં મૂકી દીધું, ચાલીસ શેર વજનની બેગ બગલમાં લીધી અને બીજી એરબેગ ખભા પર નાખી હું ટેલિફોન કરવા ગયો. બુથ પાસે જઈ સામાન મૂકી ડાયરી ખોલી ફોન નંબર ખોળ્યો. મારી પાસે થોડું પરચૂરણ હતું તેમાંથી એક સિક્કો નાખી ફોન જોડ્યો. ટેલિફોન શહેરથી દૂર કરવાનો હોવાથી ઑપરેટરે બીજા પૈસા નાખવા કહ્યું. નવા નવા સિક્કા ઓળખાતા ન હતા તેથી ખબર ન પડી કે કોની કેટલી કિંમત છે. પૈસા નક્કી કરીને નાખું તે પહેલાં લાઇન કપાઈ ગઈ. ફરી વાર ફોન કરવાની મારી હિંમત ન ચાલી તેથી એક અમેરિકન (તે સમયે બધા ધોળા માણસો અમેરિકન લાગતા) ભાઈને પૈસા આપી, નંબર બતાવી ફોન જોડી આપવા વિનંતી કરી. નસીબજોગે મારો મિત્ર ઘરે જ હતો અને તરત નીકળી એરપોર્ટ પર અમુક જગ્યાએ મને મળશે તેમ કહ્યું તેથી એક ખૂણાની ખુરસી પર બેસી હું તેની રાહ જોવા લાગ્યો. તેને હોબોકોનથી આવવામાં મોડું થયું એટલે મને ગભરામણ થવા માંડી. મારી પાસે બીજા કોઈ મિત્રનું સરનામું ન હતું અને ખિસ્સામાં આઠ જ ડોલર હતા. ખેર, તે સમય મેં નવા નવા લોકોના નિરીક્ષણ કરવામાં કાઢ્યો. સુખી દેખાતા સ્વસ્થ અમેરિકન પુરુષો, લાંબી સપ્રમાણ અને દેખાવડી અમેરિકન યુવતીઓ જોઈ મને આનંદ થયો, સાથેસાથે ઘરડી વૃદ્ધાઓના મેક-અપના લપેડા જોઈ આશ્ચર્ય થયું.
યંગસ્ટાઉન પહોંચી મારા મિત્રો સાથે જ મોટા ઘરમાં રહેવાનું મળ્યું. થોડા સમયમાં જ હું, સહેલાઈથી, અભ્યાસમાં તન-મનથી પરોવાઈ ગયો. શિયાળો ચાલુ થઈ હતો તેથી ઠંડીનું પ્રમાણ સારું એવું હતું. ઘર અને કૉલેજ વગેરે બધાં જ સ્થાન હીટરથી ગરમ રહેતાં હોવાથી બહાર રસ્તા પર જઈએ ત્યારે જ ઠંડી લાગે. જ્યારે થોડા દિવસ પછી પહેલી જ વાર બરફ પડતો જોયો તે સમયે મને ઘણી જ મઝા આવી. સફેદ રૂના નાના ટુકડા જેવો સ્નો આકાશમાંથી પડે ત્યારે બધું જ વાતાવરણ સુંદર લાગે. થોડી વારમાં રસ્તા અને છાપરાં પર સ્નો ભેગો થઈ જાય પછી જો સૂર્ય નીકળે તો ગમે તેવી ઠંડીમાં પણ ઘર બહાર દોડી જવાની ઇચ્છા મને થઈ જતી. મારી રૂમની બારીમાંથી, સવારે ઊઠીને કોઈ કોઈવાર હું રાત્રે પડેલા બરફની તરફ જોઈ જ રહેતો. કોઈ ચાલ્યું ન હોય તેવા રસ્તા પર બરફના થર જોઈને મને કોઈ સુંદર અમેરિકન છોકરીના સફેદ મુલાયમ શરીરની કલ્પના આવતી. જાડાં જાડાં જાકીટ અને માથે ટોપી પહેરી સ્કૂલ જતાં નાનાં બાળકો જોઈ મને બાળપણ યાદ આવતું. દૂર રસ્તા પર નજર ન પહોંચે અને હું વિચારોના વમળમાં ફસાઈ જાઉં ત્યારે મને વરંડામાં ફરતી, વાંચવાના બહાને બેઠેલી અને માથે હાથ ફેરવતી મીના દેખાતી હતી. અચાનક પાછો ભાનમાં આવી જતાં હું એકલો એકલો હસી લેતો.
યંગસ્ટાઉનમાં અનુસ્નાતક અભ્યાસ સહેલો હતો. તે સમયે પણ લગભગ સો ભારતીય વિદ્યાર્થી ત્યાં ભણતા. તેમાંથી ૯૦ જેટલા કદાચ ગુજરાતી હશે. ભાગ્યે જ કોઈ નોકરી કરતું હતું. ખરેખર તો ટ્યુશન ફી અને રહેણીકરણીનો ખર્ચો ખૂબ ઓછો હતો. ચાર હાઉસમેટ્સ વચ્ચે અમે બસો ડોલરમાં એક કાર પણ ખરીદી. થોડા સમય બાદ અમને ખબર પડી કે અમારી કોરવેર અમેરિકાની સૌથી જોખમભરેલી ગાડી ગણાતી. પરંતુ ગાડી હોવાની ખુશીમાં અને યુવાનીની બેદરકારીને લઈ અમને કશી ચિંતા ન થઈ. અમે જાતે જ ખાવાનું બનાવતા હતા અને તે સમયે ઇન્ડિયન ગ્રોસરી મળવાનો તો સવાલ જ ન હતો. એ એન્ડ પી નામના સુપરમાર્કેટમાં જે મળે તેથી ચલાવી લેતા. ધીમે ધીમે અમે માંસ ખાવાનું, બીયર અને વ્હિસ્કી પીવાનું પણ શીખ્યા. જોત જોતામાં ઉનાળાની રજા આવી ગઈ. તે પૈસા કમાવા અને બચાવવાનો મોકો હતો તેથી હું શિકાગો સમર જોબ કરવા ગયો.
શિકાગોમાં વ્હાઇટકોલર નોકરી મળે તે શક્ય ન હોવાથી નાના કારખાનામાં કામ ચાલુ કર્યું. નોકરીની શરૂઆત તો સરળ લાગી પરંતુ મુશ્કેલીનો અંદાજ અનુભવ વગર ન આવે. બે-ત્રણ દિવસ તો ઉત્સાહમાં પસાર થઈ ગયા પરંતુ પછી તકલીફ પડવા લાગી. કાયમ મજૂરીના કામમાં મગજ બિનઉપયોગી થઈ ગયું. કામમાં બુદ્ધિનો ઉપયોગ ન કરવાનો હોય તો આખી દુનિયાના વિચાર જ આવ્યા કરે તેથી મગજ થાકી જતું હોય તેમ લાગતું. ઘણી વાર ઝોકાં આવતાં હોય તો મેં ગાયન ગાવાનું ચાલુ કર્યું. કામ કરતાં કરતાં ગાયન ગાવાથી મન આનંદિત થતું અને સાચી દુનિયા ભૂલી જતું. થોડા સમયમાં વિચાર પણ ખૂટવા લાગ્યા, મારા જેવાને તો વળી કોઈના અને કેટલા વિચાર કરવાના હોય. હા, મીનાને યાદ કરી થોડો સમય પસાર કરી શકાય પરંતુ તેની સાથેના સંબંધમાં ભવિષ્યના વિચાર ન કરવાના મારા નિયમને કારણે તે ક્ષેત્ર મર્યાદિત હતું. થાકેલા મગજ સાથે ઘેર જઈને ખાવાનું બનાવવાનું કેટલું અઘરું છે તે તો જેને અનુભવ થયો હોય તે જ સમજી શકે છે. અઠવાડિયામાં તો ખાતરી થઈ ગઈ કે જે કામ હાથમાં લીધું છે તે સહેલું નથી.
હું મજૂરીનું કામ કરતો હતો છતાં મેં પણ બીજા ભારતીયોની માફક ઘેર જણાવ્યું ન હતું. મેં પત્ર લખ્યો હતો કે હું શિકાગોમાં એક એન્જિનિયરિંગ કંપનીમાં જોડાઈ ગયો છું. મજૂરીનું કામ કરવામાં મને શરમ ન હતી, પરંતુ તે વાત જાણી બધાં ખોટી ચિંતા કરે તે કારણે સાચી હકીકત જણાવવી યોગ્ય ન માન્યું.
નોકરીમાં થોડા દિવસ થયા હતા અને એક દિવસ સાંજે મારા ફોરમેને બોલાવી પૂછ્યું, “કાલે સવારે તારાથી એક કલાક વહેલું અવાશે?” મને તરત વિચાર આવ્યો કે ઑવરટાઇમ આપવાની વાત છે, મેં કહ્યું, “હા, આવી શકીશ.” તેણે મને એક બાઈ સાથે ભેટો કરાવી આપ્યો અને કહ્યું કે તે તને કાલે સવારે મળશે. બીજે દિવસે સવારે વહેલો ઊઠી ઉત્સાહથી હું નોકરી પર ગયો. પેલી બાઈ મળી, અને તેણે કહ્યું, “હું અહીંયા સવારે વહેલી આવી કામ કરું છું. બે દિવસ પછી બે અઠવાડિયાં માટે વેકેશન પર જવાની છું માટે મારું કામ તું સંભાળજે.” તે મને કામ બતાવવા લાગી. સવારે ઑફિસ ખૂલે તે પહેલાં બધી રૂમો વેક્યુમ કલીનરથી સાફ કરવાનું, કચરાની ટોપલીઓ ખાલી કરવાની તથા એશ ટ્રે ખાલી કરવાની વગેરે કામ હું તેની સાથે કરવા લાગ્યો. પછી તે મને બાથરૂમમાં લઈ ગઈ, અને કહ્યું કે રોજ અહીંયાના ટૉયલેટ પેપર્સ ભરવાના અને સંડાસ સાફ કરવાનું. મને તો બાથરૂમ અને સંડાસનું કામ જોઈને જ ના ગમ્યુ. અમેરિકામાં સંડાસ સાફ કરવામાં કશી ગંદકી હોતી નથી પરંતુ મારું માનસ તે કામ સહી શકે તેમ ન હતું. એક સામાન્ય યુવાનની માફક મન સમાજ અને તેના વાતાવરણથી દૂષિત થયેલું હતું. પૂર્વજો આ પ્રકારનું કામ કરનાર વ્યક્તિને સ્પર્શ પણ નહોતા કરતા તો હું તેવી નોકરી કેમ કરું? પહેલેથી જ મજૂરીની નોકરી કરવામાં કંટાળો આવતો અને આવું કામ આવતાં તો મને મારા નસીબ પર ખૂબ જ ગુસ્સો આવ્યો. બપોરે ખાવાના સમય સુધીમાં મેં નક્કી કર્યું કે ભલે બીજી નોકરી ખોળતાં બેત્રણ દિવસ બગડે પણ આ નોકરી છોડી દેવી છે. કોઈને કહ્યા વગર હું લંચ સમયે એપાર્ટમેંટ પર જઈ સૂઈ ગયો.
શિકાગોમાં બે મહિના કામ કરી એક હજાર ડૉલર બચાવી ખુશખુશાલ હ્રદયે હું યંગસ્ટાઉન આવ્યો. પાછા આવી બે ક્વાર્ટસના અંતે માર્ચ ૧૯૭૦ માં માસ્ટર્સ ડિગ્રી મેળવી ગ્રેજ્યુએટ થયો.
તે સમયે અમેરિકાની આર્થિક સ્થિતિ બગડવાની ચાલુ થઈ હતી. કૉલેજમાંથી બહાર આવેલા યુવાન-યુવતીઓને નોકરી મળતી ન હતી. તેથી મારા એક મિત્ર અને મેં નક્કી કર્યું કે ન્યુયોર્કમાં એન્જિનિયરીંગ કંપની મોટી સંખ્યામાં છે તેથી તકો વધારે છે, તો ત્યાં જવું.
જગતની રાજધાની ન્યુયોર્ક, ગગનચુંબી મકાનો, પહોળા રસ્તા, વિશાળ ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ, ઐતિહાસિક બ્રૉડવે થિયેટર્સ, વૈભવશાળી હોટલો અને યુનાઇટેડ નેશન્સ, તે બધું જ તથા દેશ-વિદેશના મૂર્ખ અને હોંશિયાર, ગરીબ અને ધનિક, ફેશનેબલ અને ચીંથરેહાલ, પ્રમાણિક અને લુચ્ચા, કાળા અને ગોરા, નૈતિક મૂલ્યોને સાચવી રાખનાર ધર્મિષ્ઠ અને રોજ રાત્રે જુદી જુદી વ્યક્તિઓને શરીર સોંપનારી સામાન્ય યુવતીઓ તથા વેશ્યાઓ, ન્યુયોર્કને અમેરિકાનું “ફન સિટી” બનાવે છે.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વખતે યાદ રાખેલાં સ્થળો, જેમ કે સ્વતંત્રતાની દેવીનું પૂતળું, એમ્પાયર સ્ટેટ બિલિડંગ વગેરે જોવા વર્ષોથી ઇચ્છા મનમાં સંઘરી રાખી હતી. મને કદી મોટા શહેરમાં રહેવા ઇચ્છા થઈ નહોતી, પરંતુ થોડા સમય માટે તે વાતાવરણનો આનંદ માણી શકાય તેમ હું માનતો હતો. મનમાં આશા હતી કે ત્યાં નોકરી મળશે, અને તેનો સ્વીકાર કર્યા સિવાય છૂટકો ન હતો. બસમાં સૂતાં, જાગતાં, બગાસાં ખાઈને, બાજુવાળો કાયમ સિગારેટ પીવે તો કંટાળીને, જાગીને તરત ખૂણામાં બેઠેલી સુંદર યુવતી તરફ જોઈને, બાર કલાક પસાર કર્યા પછી ન્યુયોર્ક આવવાનું હોય તેવાં ચિહ્નો દેખાયાં. વસંત ઋતુની શરૂઆત હતી, ઠંડી ઓછી થઈ ગઈ હતી અને ચોખ્ખા આકાશ નીચે, આછા પ્રકાશમાં, દૂર દૂર ઊંચા મકાનો દેખાતાં હતાં. મેનહટનમાં પ્રવેશ કરવા ટનલમાંથી પસાર થઈ અમારી બસ પોર્ટઓથોરીટીના મકાનમાં ગોળ ગોળ ફરી ચોથા માળે ઊભી રહી ત્યારે જ મને ન્યુયોર્કનો આભાસ થઈ ગયો હતો.
ન્યુયોર્ક આવ્યા પછી મને એક જ સપ્તાહમાં ‘સિટી ઑફ ન્યુયોર્ક (મ્યુનિસિપાલટી)માં નોકરી મળી ગઈ. સરકારી જોબ કરવાનું બહું ગમ્યું નહીં પણ બીજો કોઈ વિકલ્પ નથી માનીને મન મનાવ્યું. તે સમયે ગ્રીનકાર્ડ છે કે નહીં તેવા સવાલ પૂછાતા ન હતા. વિએટનામ જવું પડે તે ડર ને લઈ અમે કોઈએ ગ્રીનકાર્ડ માટે અરજી નહીં કરેલી. અમેરિકામાં કેટલો સમય રહેવું છે તેવો વિચાર પણ નહોતો આવ્યો. જિંદગી એક એક દિવસથી આગળ વધતી હતી.
મારું કામ શહેરની લગભગ એક હજાર સ્કૂલના મકાનોમાં એન્જિનિયરની જરૂર પડે તે ડિવિઝનમાં હતું. કામ સહેલું, ઑફિસના બીજા કર્મચારીઓ, સાહેબો વગેરે પ્રોફેશનલ, પગાર સારો, તે બધા કારણોને લઈ મને નોકરી ગમતી હતી. રોજ કામમાં કાયમ વ્યસ્ત ન રહેવાથી નિરસતા પણ લાગે.
સવારે હું ઑફિસ પહોંચું ત્યારે વ્યક્તિઓનાં ત્રણ-ચાર જૂથ પડી ગયાં હોય અને કોઈ ચાલુ વિષય પર વાત ચાલે. ચંદ્રની યાત્રા, ભાવવધારો, ફૂટબૉલની મેચ, પ્રેસિડેન્ટની ચૂંટણી વગેરે વિષયો ચર્ચાતા હોય. હું પેપર વાંચતો જાઉં અને રસ પડે તો ચર્ચામાં ભાગ લેતો. કામના સમયમાં પણ વચ્ચે વચ્ચે અમે વાતો કરતા રહેતા. મોટી ઉમરનો યહૂદી રોબર્ટ, તેની પત્ની, પુત્ર, પુત્રીની વાતો કરતાં થાકતો નહીં તે કારણે ધીરે ધીરે મને તેનો લગભગ આખો ભૂતકાળ ખબર પડી ગયો. ઓગણીસો ત્રીસની મંદીમાં લોકોની હાડમારી, બીજા વિશ્વયુદ્ધ વખતે યુરોપમાં યહુદીઓની યાતના, રોબર્ટની પુત્રી ટ્રક નીચે અકસ્માતમાં મરી ગઈ ત્યારની તેની પરિસ્થિતિ, ભરજુવાનીમાં પુત્રને માનસિક રોગ થતાં લાગેલો આઘાત, વગેરે બનાવો સાંભળીને મને કમકમાટી આવી જતી. સુખી દેખાતા દુનિયાના લોકો અંદરખાનેથી કેવાં દુ:ખ સહન કરી રહ્યા છે તેનો ખ્યાલ, બધા પ્રૌઢ ઉંમરના કર્મચારીઓ સાથે વાતો કરવાથી આવી રહ્યો હતો. મન પર છાપ ઊભી થવા માંડી કે ભૌતિક પ્રગતિની સાથે સુખ-સગવડતામાં વધારો કર્યા છતાં આપણે મનની શાંતિ માટે કશું કરી શક્યા નથી તેનો દાખલો દરેક અમેરિકન કે યુરોપિયન પૂરો પાડી શકે છે. અત્યારે મારી માન્યતા છે કે પુર્વને ભૌતિક સફળતા માટે બુદ્ધિવાદ અને વ્યવહારિકતા ની જરૂર છે અને પશ્ચિમને મનની શાંતિ મેળવવા આધ્યાત્મિકતા ની. બન્ને સંસ્કૃતિના શીખવાલાયક ગુણોથી વ્યક્તિગત અને સામુહિક સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકાય.
હું વડોદરાથી જાણતો હતો તેવા અમે ત્રણ મિત્રો સાથે ક્વિન્સમાં રહેતા હતા. બીજા પચીસ ત્રીસ ગુજરાતી ન્યુયોર્ક અને ન્યુ જર્સી, ખાસ કરીને હોબોકોન, માં વસતા તેમનો પણ પરિચય થયો. વાત વાતમાં કોઈ સ્વપ્નશીલ ભાઈએ સૂચન કર્યું, આપણે ગુજરાતી સમાજ બનાવીએ તો કેમ? બધાને તે વિચાર ગમ્યો, ૧૯૭૧ માં બારેક યુવાનોની મિટિંગ અમારા એપાર્ટમેંટમાં ભરાઈ અને અમે અમેરિકાના સૌથી પહેલા ગુજરાતી સમાજ ની સ્થાપના કરી. આનંદની વાત છે કે આજે પચાસ વર્ષ પછી તે સમાજ સારી રીતે ચાલે છે.
ફકત પંદર મિનિટની સબવેની મુસાફરી, અને ક્વિન્સમાં જ અમારી ઓફિસ હતી. પૈસા તો બચતા જ હતા તેથી મેં બહારની જિંદગીમાં રસ લેવાનું અને તે અનુભવવાનું ચાલું કર્યું. સ્ટોક્ માર્કેટમાં ચાંચ ડૂબાડી, બેઝબોલની ગેમ જોવા પણ જતા થયા. મને નવું શીખવાની જિજ્ઞાસા ઘણી અને સાંજે અને વિકેન્ડમાં સમય ખૂબ રહેતો તેથી મેં વાયએમસીએમાં તરતા શીખવાના લેસન લીધા, એચ આર બ્લોકમાં ઇન્કમટેક્ષ વિશે શીખ્યો. પછી મને નવી નવી નીકળેલી કમ્પ્યુટર ડેટિંગ માટે કૂતુહલ થયું. હું મીનાને પ્રેમ કરતો હતો, ચોવીસે કલાક તેના વિચારો તો આવ્યા જ કરતા, પણ મેં વિચાર કર્યો કે બીજી કોઈ યુવતી સાથે જમવા જવા કે ફિલ્મ જોવાથી મારી મીના માટેની લાગણી ઓછી નથી થવાની. હું ફક્ત અનુભવની અભિલાષા રાખતો હતો, સેક્સ કે સંબંધની ઇચ્છા ન હતી.
મેં ડેટિંગ કંપનીમાં ફોન કરી અંગત વિગતોનું ફોર્મ ભર્યું. થોડા જ દિવસોમાં તેમણે પાંચ યુવતીઓના નામ અને ફોન નંબર મોકલી આપ્યા. તરત જ મેં એકને ફોન કર્યો અને બે દિવસ પછી, શનિવારે, બ્રોક્સમાં એક સામાન્ય રીતે સુંદર તરુણ યુવતીને મળ્યો. અમે ચાઇનીઝ ડિનર લીધું અને ફિલ્મ જોઈ. તે સાંજના ત્રણેક કલાક અસ્વસ્થતા હોવા છતાં આનંદથી પસાર કર્યા. મને સંતોષ થયો કે મેં કશું નવું કર્યું છે. અઠવાડિયા પછી તેનો ફોન આવ્યો ફરી મળવા માટે. મેં સભ્યતાપૂર્વક ના પાડી.
એકાદ મહિના પછી નવરો બેઠો હતો ત્યારે બીજા નંબર પર ફોન કર્યો. થોડી વાત કરી મળવાનું નક્કી કર્યું ત્યારે મને ખબર પડી કે તે છોકરી બ્રૂકલીનમાં રહેતી હતી. પહેલો વિચાર મને આવ્યો કે તે એરિયા કેવો હશે. ૧૯૭૧ ત્યાં ની ઘણી વસાહતો ભયજનક હતી. મને બીક લાગી પણ જેમ ડેટીંગનો સમય નજદીક આવ્યો તેમ ડર ઓછો થયો.
નક્કી કરેલા સમયે પહોંચવા સબવેમાં બેસી હું જુલીના ઘરે જવા નીકળ્યો. એક પછી એક સ્ટેશન અને નામ વાંચી ખાતરી કરી, અને સાચું સ્ટેશન આવ્યું ત્યારે જ ઉતર્યો. અંધારિયા પ્લેટફોર્મ, અને દીવાલો ગ્રેફિટીના છબરડા થી ભરેલી. હું બહાર નીકળ્યો. સ્ટ્રીટ નંબર વાંચી દિશા પકડી, ચાર-પાંચ બ્લોક નો રસ્તો લીધો. મનમાં થોડો ગભરાટ અને ઉશ્કેરાટ હતો તે કારણે આજુબાજુ નજર કરીને, ખરાબ માણસ પાસે નથી આવતો તેવી સાવચેતી રાખી ચાલ્યો. સામે નાના બગીચાના બાંકડા પર બે ત્રણ નિગ્રો બેઠા હતા, એક ડોશી નજદીક આવતી હતી, અને બાજુમાં કોઈ છોકરો દોડી રહ્યો હતો. પાંચેક મિનીટ પછી જુલીના ઘરની સ્ટ્રીટ આવી ગઈ. જમણી બાજુ વળ્યો અને મકાનમાં નંબર જોઈ અંદર ગયો.
અચાનક મને વિચાર આવ્યો. અહિયાં રહેતી છોકરી કાળી જ હશે. જો તેમ હોય તો હું કેવી રીતે તેની સાથે વર્તન કરીશ કે મને મજા આવશે. ગભરાટમાં થોડો પરસેવો થયો હોય તેમ લાગ્યું. રૂમાલ બહાર કાઢી મોં લૂછ્યું અને શર્ટ સરખું કર્યું. અનિશ્ચિતતાથી ગભરાઇને બીજો કશો વિચાર કર્યા વગર મકાન ની બહાર નીકળી ગયો, અને ત્યાંથી ભાગ્યો. સબવેના સ્ટેશન પાસે આવી મેં જુલી ને ફોન કર્યો અને જુઠ્ઠુ બોલ્યો; મારી તબિયત સારી નથી તેથી નહીં આવી શકું.
મને મારી કાયરતા માટે અફસોસ થયો. બાકીની સાંજ અને રાત પશ્ચાતાપ અને જાત પર ગુસ્સામાં પસાર કરી. દુનિયા બેસ્વાદ લાગી, જવાની ભારરૂપ લાગી.
એકાદ વર્ષની નોકરી પછી ભારતીય લોકોમાં વાત ચાલુ થઈ કે ડિગ્રી અને જોબ પરથી ગ્રીનકાર્ડ મળે છે તે બંધ થવાનું છે. ઘેટાના ટોળાની જેમ મેં અને બધા મિત્રોએ પણ તે માટે સમય વેડફયા વગર અરજી કરી. બે-એક વર્ષના રહેઠાણ પછી અમને અમેરિકા ગમી ગયું હતું. પરણેલા જવાનોને ભારતથી પત્નીને બોલાવવાની મરજી તો હતી જ. મને પણ ભારત જઈ મીનાને મળવાની ઇચ્છા હતી. તેની સાથે પત્રવ્યવહારને લઈ અમારી પરસ્પર ભાવના મક્કમ બની. મારી ટેવ મુજબ હું મીના સાથે ભવિષ્ય જીવનના ખ્યાલોમાં ખોવાયેલ ન રહેતો, સ્વપ્ન પણ ન આવતાં, પરંતુ અમારી લાગણી નવી ઊંચાઈએ જઈ ચૂકી હતી.
મીનાએ મને ઇચ્છા દર્શાવી હતી કે હું ભારત પાછો જાઉં અને અમે લગ્ન કરીએ. તેણે જણાવ્યું હતું કે જરૂર પડશે તો તે અમેરિકા આવી તેનો અભ્યાસ પૂરો કરશે. ક્રમશ: અમે નક્કી કર્યું કે મારે વહેલી તકે ઈન્ડિયા જવું, અને અમે તરત લગ્ન કરીશું. ૧૯૭૧ ના ઑગષ્ટ મહિનામાં મને ગ્રીનકાર્ડ મળ્યું અને મને ભારત જઈ મીનાને મળવાની તાલાવેલી થવા માંડી. તેની સાથેના પ્રેમને લગ્નના રૂપે અનુભવાય તેવી તીવ્ર આશા હકીકતમાં બદલાય તે ચિત્ર નજર સમક્ષ ઊભું થવાનું ચાલુ થયું.
એક દિવસ મને વિચાર આવ્યો કે આજ સુધી અમે અમારા પ્રેમને, છીપમાં મોતી રહે તેમ દુનિયાથી છુપાવી મનમાં જ રાખ્યો હતો, તેને જાહેર કરવાનો સમય આવ્યો છે. તરત જ મેં મામાને પત્ર લખી મારા મીના સાથેના સંબંધની વાત લખી. મારા માનવા મુજબ તેમને સમાચાર જાણી ઘણો આનંદ થશે તે માન્યતા સાચી ઠરી. મામા મારો પત્ર વાંચી ખુશ થઈ મીનાના મમ્મી પપ્પા ને મળ્યા અને અમારા સંબંધની વાત કરી. તેમણે કહ્યું કે ગોપાલ અમેરિકાથી થોડા દિવસોમાં આવશે, મીના સાથે લગ્ન કરવા.
મારા અને મીનાના બદનસીબે તેના માતા-પિતાને તે વાત ગમી નહીં. કદાચ તેમને થયું હશે કે મીના લગ્ન માટે બહુ નાની છે. શક્ય છે કે તેઓ વાણિયા અને અમે પટેલ તેનો પણ વાંધો હોય. છતાં અમે અમારા નિર્ણયમાં મક્કમ રહયાં અને યોજના પ્રમાણે હું ભારત જવા નીકળ્યો.
ચોવીસ કલાકની ફલાઈટ પછી મુંબઈ પહોંચ્યો અને ટેક્સી લઈ વિક્ટોરીયા ટર્મિનલ જાઈ ડ્રાઇવરને ભાડું ચૂકવવાની સાથે મોટી ટીપ આપી. તેણે મને લળી લળીને સલામ કરી. પરદેશની કમાણી પર હું ભારતમાં છૂટથી પૈસા વાપરી શકું તે કારણે પૈસાનો પ્રતાપ હવે દેખાવા લાગ્યો. પળેપળે બદલાતા વિશ્વમાં ભારત ત્રણ વર્ષમાં કેટલું બદલાયું છે તે જોવા પ્લેટફોર્મ પર ફરવા નીકળ્યો.
એક લાંબા ગાળા પછી હું મારા જેવા જ માણસોની વચ્ચે આવ્યો હોઉં તેવો અનુભવ થયો. સરસ કપડાં પહેરી કોઈને મૂકવા આવેલી સુંદર છોકરીમાં મને મીનાનો ચહેરો દેખાયો, સાંકડું પેન્ટ પહેરી ફરતા કોઈ યુવાનને જોઈ ભાણો યાદ આવ્યો. ઘણા બધાનો પહેરવેશ, ચાલવાની રીત, ચામડીનો ઘઉંવર્ણો તથા શ્યામ રંગ જોઈ આંખોને નવું નવું લાગતું હતું. તાજેતરમાં જ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ પૂરું થયું હતું તેથી છાપાં અને મૅગેઝિન વાંચવાની ઇન્તેજારી હું રોકી ન શક્યો. સ્ટોર પર જઈ મેં બે છાપા અને એક મૅગેઝિન લીધું. સમય પસાર કરવાનો જ હતો તેથી ચા પીવાનો વિચાર કર્યો. એક કપ ગરમાગરમ ચા લીધી અને ઠંડી થાય તેની રાહ જોયા વગર રકાબીમાં જ પીવાનું ચાલુ કર્યું. જો હું અમેરિકા ના ગયો હોત અને શરમને ત્યાં ન મૂકી આવ્યો હોત તો કદી જાહેરમાં રકાબીથી ચા ન પીવત. જીવનના વિવિધ પાસાંઓને હવે હું જુદી જ દૃષ્ટિથી જોતો હતો. કોઈ જોશે, શું કહેશે, વિચારશે, તેવી ચિંતા કરવાનો પ્રશ્ન જ ન હતો. એકાદ રકાબી ચા મેં પરાણે પીધી. ઓછા દૂધ અને વધુ ખાંડવાળી ચા બેસ્વાદ લાગી.
ગાડીમાં પેપરના મથાળાં વાંચવાં ચાલુ કર્યા. પાકિસ્તાનને સખત હાર આપ્યા પછી બધે જ વિજયનો આનંદ જણાઈ આવતો હતો. યુદ્ધ દરમ્યાનની નાની મોટી લડાઈઓમાં ભારતીય સૈન્યની વીરતાના ઘણા બનાવોનું વર્ણન અને અમેરિકાની ભારત વિરુદ્ધ નીતિની સખત નિંદાથી સમાચાર ભરાયેલા હતા. ટ્રેન મુંબઈ છોડી બહાર ખુલ્લા મેદાનમાંથી પસાર થઈ. સૂર્યદેવનાં કિરણોએ ધરતી પર પ્રકાશ ફેલાવ્યો તેનો પીળો તડકો ઝાડ પાનમાંથી પસાર થઈ કાચની બારી વાટે ડબ્બામાં પથરાયો. જે માટી ખાઈ હું મોટો થયો હતો, જે વૃક્ષનાં ફળ ચોકીદારની આંખ બચાવી ખાધાં હતાં, જે આકાશ નીચે મારા પ્રેમની શરૂઆત થઈ હતી, તે ભારત દેશમાં આવ્યાનો મને અસીમ આનંદ હતો.
અગિયાર વાગે ડાઇનિંગ કારનો વેઇટર ઑર્ડર લેવા આવ્યો. મને ભૂખ તો લાગી જ હતી, બે દિવસથી પેટ ભરીને જમ્યો ન હતો. આમેય મને બહારનું ખાવાનો શોખ અને લાંબા સમયથી ગુજરાતી ખોરાક ઘરે જ ખાતો હતો તેથી એક થાળીનો ઑર્ડર નોંધાવ્યો. જાડી રોટલી, ખાટું દહીં, કાચો ભાત મેં ધરાઈને ખાધો. સામાન્ય સંજોગોમાં એવું ખાવાનું ભાવે પણ નહીં, છતાં તે દિવસે થાળી ચોખ્ખી કરી.
બારી બહાર દૂર દૂર નજર કરી વારંવાર હું મીનાના વિચારોમાં ખોવાઈ ગયો, કાલે તો આ સમયે મીનાને મળી ચૂક્યો હોઈશ, અમારું સ્વપ્ન સાચું કરવાનું પહેલું પગલું અમે ભરી લીધું હશે.
પરંતું મીનાને મળ્યો ત્યારે તેણે મને લગ્ન માટે રાહ જોવાનું કહ્યું. તેણે તેના મમ્મી-પપ્પા ની બીકથી કે પોતાની મરજીથી લગ્નની તાત્કાલિક જરૂરિયાત માટેનો વિચાર બદલ્યો હશે. મારે રાહ જોવી ન હતી અને મારો તેના પરથી વિશ્વાસ ઉઠી ગયો. અમે બંને છૂટા પડ્યાં.
મીના સાથે લગ્ન કરવાનું, જીવન ગુજારવાનું અને કાયમ માટે સુખી થવાનું સ્વપ્ન ભંગ થઈ ગયું. તે માટે અમે બન્ને જવાબદાર હતા. અમારી પ્રિત સાચી હતી પણ પરિપકવ ન હતી તેથી સમય અને સ્વાર્થની કસોટી પાર ન કરી શકી.
હું નાસીપાસ થયો, પરંતુ જિંદગીથી હાર્યો હોઉં તેમ મારો જીવનમાંથી રસ નહોતો ઊડી ગયો. મારો સ્વભાવ અને વિચારો એવા હતા કે દરેક અણગમતા અનુભવમાં હું કશું શીખવાની અને આગળ વધવાની તક ખોળું. મને ખબર હતી કે મીનાને હું કદી નહીં ભૂલું પણ મારા જીવનમાં તેના અસ્તિત્વની ગેરહાજરીમાં પણ સુખી થઈ શકીશ. મારા જીવન ઝરણાં મીના વગર આગળ વહેશે. મેં વિચાર કર્યો કે મારે લગ્ન કરવું છે, અને હમણાં કે ભવિષ્યમાં એરેન્જડ મેરેજ જ કરવાનું છે, તો રાહ કેમ જોવી. મારે જિવનસંગિનીની જોઈતી હતી. હું અમેરિકાથી આવેલો, ભણેલો ગણેલો, સારા કુટુંબનો, ગ્રીનકાર્ડ ધરાવતો યુવાન હતો. સમાજમાં મારી કિંમત હતી, તેથી છોકરી શોધવી સહેલું હતું. અમારા ઘણા સગા અને ઓળખીતા લોકોને સમાચાર મળી ગયા કે હું મીના સાથે લગ્ન કરવાનો નથી. તેથી ત્રણેક અઠવાડિયા બાદ એક ભાઈએ મને અને મારા કુટુંબને પસંદ પડે તેવી યુવતી માટે વાત કરી. અમે બન્ને ફકત દસ મિનિટ માટે મળ્યા અને એક મહિનામાં મારું અમિતા સાથે લગ્ન થયું. મારા સદનસીબે, સ્વપ્નભંગ થવાની બીજી જ ક્ષણે, ભાગ્ય નો દરવાજો ખૂલ્યો. મને એવી પત્ની મળી કે જેણે મારું સુખીજીવન શક્ય બનાવ્યું છે.
ક્રમશઃ
