જગદીશ પટેલનો જન્મ નડિયાદમાં ૧૯૪૫ની સાલમાં થયો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એન્જિનીયરીંગ નો અભ્યાસ કરી ૧૯૬૯માં વધુ અભ્યાસ અર્થે અમેરિકા આવ્યા.
લાસ વેગાસમાં એન્જિનીયર તરીકે થોડો વખત કામ કર્યા પછી સ્ટોરના ધંધામાં ઝંપલાવ્યું. ગાંધી વિચાર શૈલી અને સમાજ કલ્યાણની ભાવના સાથે અમેરિકામાં તેઓ પાંગર્યા તેનો તેમને સંતોષ છે. સ્થળાંતરવાસીઓને તેઓ ભાગ્યશાળી માને છે. પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિનો સુમેળ કરવામાં તેઓ સફળ રહ્યા છે.
પોતાની જાતને અમેરીકામાં વસતા એક સાધારણ ગુજરાતી તરીકે ઓળખાવતા જગદીશભાઈ હાલ લાસ-વેગાસમાં નિવૃત જીવન ગાળે છે. પ્રમાણિકતા અને નિખાલસતા સાથે તેઓ જીવનનો આનંદ સ્નેહી-મિત્રો સાથે વહેંચતા રહે છે અને ગુજરાતી વાંચન અને લેખન થકી સાહિત્ય સાથે પણ તેઓ સંકળાયેલ રહ્યા છે. ગોલ્ફ રમવાનો અને પ્રવાસનો તેમને ઘણો શોખ છે. ઊંચી આતિથ્ય ભાવનાને કારણે એમનું મિત્રવર્તૂળ વિશાળ છે જેમાં સાહિત્ય રસિકોનો સમાવેશ પણ થાય છે.
Email: jagdishwriter@gmail.com
મારી જીવનયાત્રા લખવાનું શરૂ કરું છું ત્યારે મને મુંઝવણ થઈ છે કે મારી જિંદગી માટે કોઈપણ વ્યક્તિને શા માટે કુતુહુલ થાય કે તેમાં રસ હોય? મારા જીવનમાં ઉપદેશ કે સિદ્ધિ નથી, કે નથી અસાધારણ અનુભવો. મારાં સગાવહાલાં કે મિત્રો સિવાય મને કોઈ ઓળખતું નથી, હું જીવન સંગ્રામ લડ્યો નથી, શિખરો સર કરવાનો પ્રયત્ન પણ ના કર્યો, ઇનામ નથી મળ્યાં. આયુષ્ય વીત્યું છે સરળ વહેતાં ઝરણાં માફક, નહીં કે પુરથી ધસતી નદી. મારી પાસે સાહિત્યિક શૈલી લખાય તેવી આવડતનો અભાવ છે.
ઘણાં કારણો છે ન લખવા માટે, પણ તેવી નકારસૂચક બાબતો મને ક્યારેય રોકી શકી નથી. હું સાચે જ માનુ છું કે ગુજરાતથી અમેરિકા આવેલા મારા સમવયસ્ક સામાન્ય વ્યક્તિઓ નો હું એક ચહેરો, એક દર્પણ છું. મારી જીવનયાત્રાને ગુજરાતી-અમેરિકન બંધુઓના સ્વાનુભવોનું દૃષ્ટાન્ત પણ કહી શકાય. કહેવાય છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તે પ્રમાણે, પચાસ વર્ષોના પરદેશમાં વહેવાસ પછી પણ, હું સ્વયમ ને અમેરિકન ગણું છું છતાં, મારાં સંસ્મરણો ગુજરાતનું પ્રતિક છે. તેમાં અગણિત ગુજરાતીઓ ને પોતાના અનુભવોની ઝાંખી થઈ શકે. ખેર, બીજું કશું નહીં તો મારી આત્મકથાને નિરાદ ચોધરીના પુસ્તકની માફક “ઔટોબાયોગ્રાફી ઓફ એન અનનોન ગુજરાતી” કહી શકાય.
ભૂતકાળમાં પગલું ભરું તે પહેલાં આ ઘડીએ વિચાર આવે છે કે જિંદગી કયા સમયે ચાલુ થઈ કહેવાય. જન્મસમય તો પૃથ્વી પર આગમનનો છે, પરંતુ આપણે કેવા માણસ તરીકે જીવન જીવીએ છીએ તેમાં આપણા પૂર્વજોનો મહત્ત્વનો અને કિમતી ફાળો હોય. સંસ્કાર, સંસ્કૃતિ, ડીએનએ વગેરે વ્યક્તિનું નિર્માણ કરે છે, તેમની સતત ઉપસ્થિતી જન્મથી મૃત્યુ વચ્ચેના ગાળામાં આપણને માર્ગદર્શન આપે છે. આ સમયે મારી ઉંમર વધી છે અને મૃત્યુ નજદીક આવતું હોય તેમ લાગે છે ત્યારે, પૂર્વજો વિશે જે માહિતી છે તે યાદ કરી મને ખૂબ હર્ષ થાય છે.
અમારું મુળ વતન ચરોતરનુ ધર્મજ ગામ છે. ત્યાં મારા દાદા શિવાભાઈ પટેલ માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ હતા. તેઓ પ્રખ્યાત કવિ મણિશંકર રત્નજી ભટ્ટ (કાંત)ના વિદ્યાર્થી, અને પછી સાથી થયા હતા. મુંબઈ, ૧૯૧૫માં કાન્ત, દાદા અને બીજા દસેક બૌદ્ધિક પુરુષોએ ભેગા થઈ “હિંદી સ્વીડનબૉર્ગ સોસાયટી”ની સ્થાપના કરી. ખ્રિસ્તી ધર્મના પાદરીની આધ્યાત્મિકતાથી પ્રેરાઈને તેમણે ચર્ચ નહીં પરંતુ એક સંસ્થા ચાલુ કરી જેથી સ્વીડનબોર્ગના વિચારોનો હિંદમાં ફેલાવો થાય. તે કામ સહેલું ન હતું, પરંતુ અભિલાષા અને આગ્રહથી ભરેલા માણસોનું મંડળ એકઠું થયું અને સોસાયટીની સ્થાપના કરી. દાદા તેના પહેલા સેક્રેટરી થયા. થોડા જ મહિનામાં મુંબઈના વિવિધ ધર્મ અને જાતિના પ્રજાજન તેના સભ્ય થયા. તે સંસ્થા બહુ ચાલી ન હોય તેમ હું માનું છું. છતાં મને તેના કાર્યકર્તાઓની હિંમત અને હોંશિયારી માટે માન છે. દાદાએ ‘જીવન પ્રબોધ’ નામની પુસ્તિકા લખી હતી તે વાંચીને મને નવાઈ લાગે છે કે તે સમયે ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનમાં તેમને કેવો રસ હતો, કેવી જિજ્ઞાસા હતી.
મારા માતાના પિતા, આજકાલ જેમને નાના કહેવાય છે, રાવજીભાઈ પટેલ ૧૯૧૦ની આસપાસ દક્ષિણ આફ્રિકા ગયા હતા. થોડા સમય પછી ત્યાં જે ધંધો કરતા હતા તે છોડ્યો અને ગાંધીજી સાથે ફિનિક્સ આશ્રમમાં જોડાઈ ત્યાંના ભારતીયોને જે તકલીફ પડતી હતી તે દૂર કરવાની ચળવળમાં ભાગ લીધો. વર્ષો પછી ભારતમાં આવી બાકીની જિંદગી સાબરમતી આશ્રમમાં અને સ્વતંત્રતાની લડતમાં ગુજારી. તે સમયમાં તેમણે ઘણા પુસ્તકો લખ્યાં. તેમાંથી એક “હિંદના સરદાર”નું નાનું રૂપાંતર કરી ગુજરાત સરકારે લાખો પુસ્તકો ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ ના ભૂમિપૂજનમાં નાગરિકોને મફત વહેચ્યાં હતાં.
રાવજીદાદાએ બે ભાગની આત્મકથા લખી તેમાં એક સુંદર, રસદાયક પ્રસંગનું વર્ણન છે. તે બન્ને દાદાઓના વ્યક્તિત્વની મનોહર ઝાંખી આપે છે.
મારા માતાપિતાના વિવાહ ૧૯૨૦માં નક્કી થયા ત્યારે રાવજીદાદાએ તેમના ભાવિ વેવાઈ શિવાદાદાને ૩૦૧ રૂપિયા આપવા ખિસ્સામાંથી કાઢ્યા હતા. તે પ્રસંગનો અહેવાલ આત્મકથામાં આ પ્રમાણે હતો :
“શ્રી શિવાભાઈ જાણે ચમક્યા હોય તેમ બોલી ઊઠ્યા, ‘રૂપિયા, રૂપિયા શાના?”
“ન્યાતના રિવાજ પ્રમાણે સગાઈ થતાં ચાંલ્લો અપાય છે, તેથી સગાઈ નક્કી થઈ ગણાય.”
શ્રી શિવાભાઈતો હસ્યા. તે બહુ મર્મભેદી ભાષા બોલનાર હતા. મજાકી અને આનંદી પણ ખરા. ઉચ્ચ આદર્શપ્રિય જીવનની આવી ભાષા બહુ ગૂઢ અર્થવાળી હોય છે. તે મજાક કરતા બોલ્યા, “ન્યાતનો રિવાજ? ન્યાતનો રિવાજ સાટાનો હોય છે, ચાંલ્લાનો ક્યાં છે? ચાંલ્લો કંકુનો હોય, ચાંદીના ટુકડાનો કેમ? મેં તમને વાછરડો નથી વેચ્યો કે તમારી પાસે સાટાના રૂપિયા લઉં. નાતમાં એવો રિવાજ હશે પણ હું લબાડ માણસ નથી. હું ફરી જઈશ તેમ માનીને મને સાટુ આપીને બાંધો છો? મારું અને મગનભાઈનું વચન પૂરતું છે. હૃદયના વિશ્વાસનું પ્રતિક રૂપિયા ના હોય, એ તો એક બીજા પ્રત્યેની શ્રદ્ધા જ હોય.”
પછી શિવાભાઈ ગંભીરતાપૂર્વક બોલ્યા, “ઠીક થોભો, હું આવું છું.” તે ગયા અને બે જ મિનિટમાં પાછા આવ્યા અને કહ્યું, “લો, મારા પણ ત્રણસો એક. મને લાગે છે કે વરના બાપે પણ કાંઈ કરી છૂટવું જોઈએ. તમે કન્યાના બાપ થયા એટલે બાપડા, બિચારા? હું વરનો બાપ થયો એટલે ટેડુંજી નથી. જો તમે કન્યાને ઉછેરી સમાજના ગુનેગાર થયા છો તો હું પણ તેવો જ છું. આપણે બન્ને સરખા છીએ.”
અંતે વરકન્યાના નામે ૬૦૨ રૂપિયા એક સંસ્થામાં ભેટ આપ્યા.
રાવજીદાદાએ સ્વતંત્રતા પછી ફક્ત સમાજસેવા અને સુધારણામાં રસ લીધો. રાજકારણમાં સહેલાઈથી જઈ શક્યા હોત પણ તેમણે ના પાડી અને ભારત સમાજ સેવકના પ્રમુખ થયા. દેશભક્ત અને સમાજ સુધારક થઈ પાંચ દસકા સુધી સેવા કરી.
અંતિમ વર્ષોમાં તેમણે માનવમૂત્ર પીવાના પ્રયોગો કર્યા હતા અને એક પ્રચલિત પુસ્તક લખ્યું હતું, જેના ઘણા ભાષાંતર પણ થયા છે. મોરારજી દેસાઈ દાદાને અંગત રીતે ઓળખતા હતા અને તેમણે પણ મૂત્ર પીવાના પ્રયોગો કર્યા. આજે અમે હસીએ છીએ કે આપણા કુટુંબે ભારતને મૂત્ર પીતા શીખ્વ્યું છે. બહું જ અગત્યનો ફાળો છે! મારા પિતાએ પણ જ્યારે ગાંધીજીએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાની ચળવળ ઉપાડી હતી ત્યારે લંડન જવાનું બંધ રાખ્યું હતું. પછી આખી જિંદગી ખાદીનાં કપડાં જ પહેર્યાં. આવા પૂર્વજોની ત્રીજી થી છઠી પેઢીઓ આજે અમેરિકામાં છે. અમે ઘણીવાર ભેગા મળીએ ત્યારે વાત કરીએ છીએ કે આપણા બાપદાદા જેવા હતા તેમાંથી આપણામાં કશું રહ્યું નથી. સાપ ગયા અને લિસોટા રહ્યા. પરંતુ હકીકત એ છે કે ભલે અમે દેશભક્ત કે સમાજ સુધારક નથી થયા, પૂર્વજના વિચારો, તેમની જિંદગીના દાખલા, રહેણીકરણી વગેરેની અમારી જિંદગીમાં ખૂબ અસર છે. અમારું વર્તમાનના કુટુંબને વારસામાં જે મળ્યું છે તે માટે તેમનું ખૂબ આભારી છે.
* * * * *
પહેલા વિશ્વયુદ્ધ પછી અમારા બાપુજી મુંબઈથી નડિયાદ આવ્યા અને ધંધો ચાલુ કર્યો. ત્યાં પાંચ દિકરી પછી, ૧૯૪૫માં મારો જન્મ થયો. ઘણી રાહ જોયા બાદ, પાંચ પાંચ દિકરીઓ પાછળ, જે દિકરાનો જન્મ થાય તે રાજકુંવર જેવો લાડકો હોય. કુટુંબના બધાં સભ્યો મને ખૂબ સાચવતાં. પહેલાં પાંચ વર્ષ સુધી જૂની અંધશ્રદ્ધાને લઈને મારા માતાએ મને ભિખારી બનાવ્યો હતો. તેથી કોઈના આપેલાં કપડાં જ પહેરવાનાં. ખરેખર તો મારાં કપડાં ભીખ માંગીને નહીં પરંતુ સગાવહાલાંની ભેટથી મળતાં. મારું નામ પણ પહેલાં ગોપાલ, તે છઠા વર્ષે જગદીશ બન્યું. પાંચ વર્ષ કામચલાઉ નામ આપવાનું કારણ એમજ કે તે જમાનામાં ઘણાં બાળકો વહેલાં ગુજરી જતાં. તેથી કાયમી નામ મોડું મળ્યું. આજે ૭૬ની ઉમરે કુટુંબીજનો મને ગોપાલથી જ બોલાવે છે.
નડિયાદમાં બાપુજીની સ્પોર્ટના સામાનની દુકાન હતી. તે સમયે નિશાળો, કૉલેજો, વ્યાયામશાળા કે પોળમાં રમાતી રમતોનો સામાન અમારે ત્યાં વેચાતો. હું આઠ-દસ વર્ષનો હતો ત્યારે નબળો અને બિકણ હતો તેથી ક્રિકેટ સારું રમી શકતો ન હતો. પોળના બાળકોની એક ટીમ હતી, તેને અમે પાટી કહેતા. બોલ-બેટ દુકાનમાં થી મને મફતમાં મળતાં તેથી હું ટીમને ભેટ આપતો. તે કારણે ટીમમાં મને કાયમ, યોગ્યતા ન હોવા છતાં, સ્થાન મળતું.
નડિયાદમાં નાત કે વ્યયસાવ પ્રમાણે બધી પોળો હતી. જેમકે કંસારવાડ, મોદીસાંથ, શેઠપોળ, વગેરે. અમે મૂળ ધર્મજના અને અમારી અટક પટેલ, પણ દેસાઈવગોમાં બધા દેસાઈઓ વચ્ચે વસવાટ કરેલો. સામાન્ય રીતે નડિયાદના યુવાનો બહુ તોફાની હોય છે તેવી માન્યતા ત્યારે પ્રચલિત હતી. જેથી મારા બાને ચિંતા થતી કે હું ખરાબ સોબતમાં આવીને બગડી જઈશ. સાચી વાત તો એ હતી કે હું ડરપોક હતો તેથી બાનો અજંપો અસ્થાને હતો. આજે છ દસકા પછી પણ મને નઠારા સપના આવે છે. જેમ કે હું પતંગ ચઢાવવા છાપરા પર ચઢ્યો છું અને નીચે ઉતરાતું નથી, અથવા કૂતરો મારી પાછળ દોડે છે અને હું પડી જાઉં છું, અને મારું માથું પથ્થર પર અથડાય છે. મહા મહિનામાં નડિયાદના પ્રખ્યાત સંતરામ મંદિરમાં મોટો મેળો થાય તેમાં અમે ચાનો સ્ટોર કરતા અને ટીમ માટે પૈસા બનાવતા. કોઈ વાર સારી ફિલ્મ આવી હોય તો વહેલા વહેલા લાઇનમાં ઊભા રહી ટિકિટો લઈ કાળાબજારમાં વેચતા પણ હતા. ધૂળેટીના દિવસે રસ્તા પર આવતા-જતા લોકોને રંગનો ડર આપી પૈસા ભેગા કરવાનું દર વર્ષે થતું. પછી તે દિવસે ખેતરમાં જઈ માટલાનું ઉંધિયું અને ફરસાણ ખાવાની મજા ઘણી વાર યાદ આવે છે, તેની તીવ્ર ઇચ્છા આજે પણ થાય છે. પોળમાં અમે આધુનિક અને સુધરેલા કુટુંબના હોવાથી અમારું માન હતું. તે સમયના મોટા ભાગના લોકોની જેમ અમે સુખી અને સંતોષી જીવન જીવતા.
પ્રાથમિક અને માધ્યમિક શાળાના અભ્યાસ પછી હું વડોદરા એમ. એસ. યુનિવર્સિટીમાં એન્જિનિયર થવા ગયો. ત્યાં ચાર વર્ષે સહેલાઈથી, સરળ ઝરણાના વહેણની માફક, પસાર થયાં. મારા વિદ્યાર્થી જીવનનો અંત આવ્યો.
પુખ્ત ઉંમરનું પહેલું પાનું પણ લખાયું ન હતું ત્યારે મને જીવનની વાસ્તવિકતાનો અનુભવ થયો. મારી કસોટી થઈ.
કૉલેજના પરિણામ અને સફળતા પછી હું અમદાવાદ મામાને ઘરે હતો ત્યારે સમાચાર આવ્યા કે મારા પિતા હૃદયરોગના હુમલાથી અચાનક મૃત્યુ પામ્યા છે. તે સમયે કુટુંબ રતલામમાં રહેતું હતું. અમે તરત ગાડીમાં નિકળી, લાંબી મુસાફરી કરી સીધા સ્મશાન પર ગયા. ત્યાં મેં મોટા દિકરા તરીકે તેમનો અગ્નિદાહ કર્યો. સ્મશાનમાં મને વિચાર આવવા લાગ્યા. મારી બે કુંવારી બહેનો અને ભાઈ હવે મારા પર નિર્ભર થવાના હતા. મોટાભાઈ તરીકે, પ્રણાલિકા પ્રમાણે, તેમની જવાબદારી મારી ગણાય. બાપુજી ખાધે પીધે સુખી, પણ બધી મિલકત એક પછી એક વેચી, દિકરીઓના લગ્ન પ્રસંગે સમાજના રિવાજો નીભાવવા, તેમણે અખૂટ ખર્ચો કર્યો હતો. સમાજસુધારા માટે ઘણી પરંપરાનો બહિષ્કાર પણ કર્યો હતો. તેથી મરણના સમયે બાપુજી પાસે મકાન સિવાય બહુ એસેટ નહીં. મને થયું કે સમાજ હવે મારી સ્થિતિ માટે મને દયાપાત્ર ગણશે. મેં નક્કી કર્યું કે મારે જવાબદારી નિભાવવા જે કરવું પડે તે હું મક્કમ મને, ધ્યેય પર નજર રાખી, કોઈ કે કશાની ચિંતા વગર કરીશ. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે તેમ મારાં ધર્મ અને ફરજ બજાવીશ, મારા કર્મથી.
૧૯૬૭ માં વડોદરાના મોટાભાગના સ્નાતક એન્જિનિયરો અમેરિકા જવા આતુર હતા. મેં પણ મુંબઈ જઈ અંગ્રેજીની પરીક્ષા પાસ કરી કૉલેજમાં એડમિશન માટે અરજીઓ કરી. પરંતુ મારો પ્રથમ વર્ગ ન હોવાથી તકલીફ પડી. તે સિવાય ખર્ચાનો પણ સવાલ. નસીબજોગે મામાએ ટિકીટની, અને મારા ફોઈનો દિકરો દિલીપ જે બે વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો તેણે સ્પોન્સરશીપની વ્યવસ્થા કરી. તે સમય દરમ્યાન, એડમિશનની રાહ જોતાં, મેં અમદાવાદમાં એન્જિનિયરની નોકરી મેળવી.
તે પંદર મહિનાના ગાળામાં, અમેરિકા જવા આતુરતાથી વાટ જોઈ રહ્યો હતો ત્યારે, ચાલુ થઈ મારી પ્રેમકથા.
ક્રમશઃ
